PDF/HTML Page 41 of 4199
single page version
અહો! સમયસારની ટીકાના પ્રારંભમાં જ ઉપરથી સાક્ષાત્ કેવળી ઉતાર્યા છે. પરમેષ્ઠીપદમાં સ્થિત મુનિરાજની વાણી પરમાંથી સુખબુદ્ધિની કલ્પનાનું વિરેચન કરાવનાર ઔષધ છે. શ્રીમદે કહ્યું છે ને કેઃ-
અહાહા...! જિનવચન એ તો સ્વપરનું ભેદ-વિજ્ઞાન કરાવી પરમ શાંતિ પમાડનારાં ઐાષધ છે. મિથ્યાવાસનાઓથી ઉત્પન્ન થતા ભવરોગને મટાડનારાં છે. પણ અરેરે! તે કાયર કહેતાં વિષયવાસનાના કલ્પિત સુખમાં રાચતા એવા નપુંસકોને સુહાતાં નથી- અનુકૂળ લાગતાં નથી.
આ રીતે પર્યાયમાં સિદ્ધોને સ્થાપીને ‘સમય’ નામના પ્રાભૃતનું ભાવવચન એટલે નિર્મળ દશા અને દ્રવ્યવચન એટલે વિકલ્પથી પરિભાષણ શરૂ કરીએ છીએ. એમ કુંદકુંદાચાર્યદેવ કહે છે.
અહીં જે કહ્યું કે અમે સિદ્ધને નમસ્કાર કરીએ છીએ એ વ્યવહારથી વાત ઉપાડી છે. સિદ્ધ, સાધ્ય છે ને? એટલે પર્યાયમાં જે સિદ્ધ સ્થાપ્યા એ જાણવા માટે છે, આશ્રય માટે નહીં. આશ્રય યોગ્ય ધ્યેય તો ત્રિકાળ, ધ્રુવ, સ્વભાવે સિદ્ધ એવો નિજ શુદ્ધાત્મા છે.
આગળ ૧૬ મી ગાથામાં આવશે કે ‘સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્રને સદા સેવવાં’ લોકો પર્યાયના ભેદથી જાણે છે માટે પર્યાયથી કથન છે. સેવવો છે તો એક આત્મા, ત્રણ ભેદ નહીં. ત્રણ ભેદ તો પર્યાય છે, તેથી તે વ્યવહાર છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન જે એક સ્વરૂપે છે એને એકને જ સેવવો છે, પણ લોકો પર્યાયથી-વ્યવહારથી સમજે છે માટે ભેદથી કથન કર્યું છે; આદરવા માટે નહીં. તેમ અહીં અનંત સિદ્ધોને પર્યાયમાં તેનું જ્ઞાન કરાવવા માટે સ્થાપ્યા છે; કે સાધ્ય જે સિદ્ધપદ એનું આવું પૂર્ણ સ્વરૂપ છે. ધ્યેય (ધ્યાન કરવા યોગ્ય) તો દ્રવ્ય છે. ભેદ પાડવો તે વસ્તુનું જ્ઞાન કરાવવા માટે બરાબર છે, પણ ધ્યેય તો ‘એક’ દ્રવ્ય જ છે.
મોક્ષમાર્ગપ્રકાશકની પાછળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્યાં સવિકલ્પથી નિર્વિકલ્પનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે ‘ચિન્મય આત્મા એકસ્વરૂપે છે., એમાં સર્વ પરિણામ એકાગ્ર થાય છે.’ માટે દ્રવ્ય અને પરિણામ એક થઈ ગયા એમ નહીં. (અને દ્રવ્ય અને પરિણામ બે થઈને દ્રષ્ટિનો વિષય બને છે એમ પણ નહીં.) ચિન્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિકનયનો-નિશ્ચયનયનો અને સમ્યક્દર્શનનો વિષય છે તે તો એકસ્વરૂપે જ છે, ત્રણ રૂપે નહીં. ત્રણ
PDF/HTML Page 42 of 4199
single page version
રૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નયથી કહેવામાં આવે છે. સમ્યક્દર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાની પર્યાય જ ઢળે છે એમ નહીં. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતામાં ‘એકના સેવનની જ’ (ધ્રુવ આત્માની જ) મુખ્યતા હોય છે. તે કાળે ત્રણે રૂપે પરિણમવું એને ગૌણ કરીને-વ્યવહાર કહીને અસત્યાર્થ કહે છે.
ગાથા ૧૬ (સમયસાર) ના કળશ ૧૭ માં આવે છે કે -‘આત્મા એક છે તો પણ વ્યવહારદ્રષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ (મેચક) છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર -એ ત્રણ ભાવે પરિણમે છે. જોયું? દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેપણે પરિણમે છે એ વ્યવહારકથન છે. આ જ કળશના ભાવાર્થમાં ખુલાસો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા એક છે. આ નયને પ્રધાન કરી કહે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો, તેથી એકને ત્રણરૂપે (દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણરૂપે) પરિણમવો કહેવો તે સદ્ભૂત વ્યવહાર છે; રાગ છે તે અસદ્ભૂત વ્યવહાર છે. (આત્મા રાગરૂપે પરિણમે છે એમ કહેવું તે અસદ્ભૂત વ્યવહાર છે.)
અહા! પરિણમનની ત્રણ નિર્મળ દશાને વ્યવહાર કહી, અસત્યાર્થ કહી તો દ્રવ્યને નિર્મળ પર્યાય સાથે લઈને દ્રષ્ટિનો વિષય બનાવે એ તો ઘણું સ્થૂળ થઇ ગયું (એવી માન્યતા) વિપરીત અને ઊંધી દ્રષ્ટિ છે. નિશ્ચયનયનો વિષય એક અંશ છે, પ્રમાણ નથી. જે ‘એકરૂપ’ છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. એક વસ્તુને દ્રવ્યાર્થિકનયે-નિશ્ચયનયથી જ્યારે ‘એક’ કહી ત્યારે બીજો નય હજુ બાકી રહી ગયો; કેમકે વસ્તુનો બીજો અંશ છે ને? તેને વિષય કરનાર વ્યવહારનય બાકી રહી ગયો, અન્યથા નય જ કહેવાય નહીં. ત્રણપણે પરિણમે છે એ પર્યાયઅંશ વ્યવહારનયનો વિષય છે. આ વ્યવહારનયના વિષયને ગૌણ કરી, તે નથી, એમ અસત્યાર્થ કહેલ છે. વળી દ્રવ્યથી સાથે પર્યાય લેવી એ પણ વ્યવહાર છે. બે થયા માટે વ્યવહાર છે. બીજી રીતે કહીએ તો પર્યાય સદ્ભૂત વ્યવહાર છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય નિશ્ચય છે; બે મળીને પ્રમાણનો વિષય થઈ ગયો અને પ્રમાણ પોતે વ્યવહારનયનો વિષય છે, એમ પંચાધ્યાયીમાં લીધું છે.
હવે અહીં કહે છે કે એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે-એટલે સિદ્ધ-પૂર્ણ- દશા પ્રાપ્ત થઈ ગઈ છે એને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે. પ્રતિચ્છંદ એટલે પડઘો. રાણપુરમાં રાજાનો નદીના કાંઠે પથ્થરનો ઊંચો મહેલ છે. તેમાં (એક જગાથી) અવાજ કરે અને ત્યાંથી અવાજ ઊઠે. અવાજ પાછો પડે. આને પડઘો કહેવાય. તેમ અહીં ‘હે સિદ્ધ?’ એમ બોલે ત્યાં અંદર સામો પડઘો પણ એવો પડે કે ‘હે સિદ્ધ!’
PDF/HTML Page 43 of 4199
single page version
અથવા અહીં કહે કે ‘હે ભગવાન! તમે તારજો.’ ત્યાં અંદરમાં સામો પ્રતિઘોષ થાય કે ‘હે ભગવાન! તમે તારજો.’ આ રીતે સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે પ્રતિચ્છંદના સ્થાને છે. સિદ્ધ ભગવાન નમૂનો છે. (સાધ્યનો નમૂનો છે). લોગસ્સમાં આવે છે ને? ‘સિદ્ધા સિદ્ધ મમ દિસતું.’ એટલે કે હે સિદ્ધ ભગવાન! મને સિદ્ધપદ દો. આમ તેમના સિદ્ધોના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાનું સ્વરૂપ ધ્યાવીને-એટલે કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો, ’ એમ પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ એનું ધ્યાન કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે.
અહીં પર્યાયનું ધ્યાન કરવાની વાત નથી. અહીં તો મારું દ્રવ્ય જ સિદ્ધ સ્વરૂપ છે, સ્વભાવથી શક્તિરૂપે હું સિદ્ધ જ છું. નિયમસારમાં આવે છે ને? બધા સંસારી જીવો (નિશ્ચયનયના બળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની વાત છે. દ્રવ્યે પોતાનું સિદ્ધસ્વરૂપ છે એને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ત્રણ ઠેકાણે આવે છે કે ‘ધ્યાન વિષય કુરુ’ -પર્યાયમાં દ્રવ્યને વિષય બનાવ. એનો અર્થ એ નથી કે આ પર્યાય છે તે દ્રવ્યમાં વાળું છું, પણ પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન-એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે-તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ જાય છે; ન થાય એ પ્રશ્ન જ નથી. તેથી ચારેય ગતિથી વિલક્ષણ એવી પંચમગતિ- મોક્ષને પામે છે. બીજી ગતિઓ તો વિકારવાળી છે, ત્યાંથી તો પાછું આવવું પડે છે. પણ આ મોક્ષગતિ તો થઈ એ થઈ, ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.’ સાદિ-અનંતકાળ સિદ્ધમાં જ રહેશે. અહો! અમૃતચંદ્રે અમૃતના નાથને અમૃત ગતિ પ્રાપ્ત કરાવવાની અદ્ભૂત વાત કરી છે. અમૃત રેલાવ્યાં છે! ‘રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં!!
કેવી છે તે પંચમગતિ? ‘ધુવમચલમણોવમં’. ધ્રુવતાથી પ્રથમ ઉપાડયું છે. પર્યાય અંદર ધ્રુવ સ્વભાવમાંથી આવી છે ને? ધ્રુવમાંથી ધ્રુવ પર્યાય-સિદ્ધ પર્યાય થઈ છે. સિદ્ધ પર્યાયને વંદન કરવું છે ને? એ પંચમગતિ-સિદ્ધ ગતિ સ્વભાવરૂપ છે. જે આત્માનો સ્વભાવભાવ છે એમાંથી સ્વભાવભાવપર્યાય આવેલી છે. સિદ્ધ ભગવાનની નિર્મળ પર્યાય સ્વભાવભાવરૂપ છે માટે ધ્રુવપણાને અવલંબે છે-ધ્રુવપણાને રાખે છે. ચાર ગતિઓ પર નિમિત્તથી-કર્મના નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે. ચાર ગતિ વિભાવભાવરૂપ વિકારી અવસ્થા છે. આમ ધ્રુવ વિશેષણથી પંચમગતિમાં વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. જો કે મોક્ષની પર્યાય (સિદ્ધ પર્યાય) પણ નાશવાન (ઉત્પાદ-વ્યયરૂપ) છે, છતાં અહીં
PDF/HTML Page 44 of 4199
single page version
મોક્ષની પર્યાય એવી ને એવી રહેવાની છે, એ અપેક્ષાએ વિનાશિક નથી એમ કહ્યું છે. સિદ્ધગતિનું પરિણમન ભલે હો, પણ એવું ને એવું રહે છે માટે તેને વિનાશિકતા રહિત (ધ્રુવ) કહેવાય છે.
વળી તે કેવી છે? અચળ છે. સિદ્ધગતિ અચળ છે. અચળ સ્વભાવમાંથી આવી છે માટે અચળ છે. સિદ્ધદશા એક વખત થઈ પછી તેમાં ફેરફાર થતો નથી. અનાદિકાળથી પર ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિવશ અચળપણાને પામી છે. આ વિશેષણથી ચારેય ગતિઓને પરના નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. જેવો સ્વભાવ અચળ છે તેવી જ સિદ્ધગતિ અચળ થઈ છે, એટલે ફરતી નથી.
વળી તે કેવી છે? અનુપમ છે. અહાહા...! સિદ્ધગતિ, એની શી વાત! સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો તેમનાથી વિલક્ષણ, અદ્ભુત માહાત્મ્યવાળી હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. સિદ્ધને ઉપમા સિદ્ધની. સિદ્ધની, બીજાની સાથે ઉપમા થઈ શકતી નથી અહાહા...! એક સમયમાં જેને અનંત અતીન્દ્રિય આનંદ, અનંત કેવળજ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા... એને કોની ઉપમા આપવી? આ વિશેષણથી ચારેય ગતિઓમાં જે પરસ્પર સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. મોટા ચક્રવર્તીને સ્વર્ગ જેવું સુખ છે એમ ઉપમાથી કહેવાય, પણ પંચમગતિને કોઈ ઉપમા આપી શકાય એમ નથી.
વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. સિદ્ધગતિનું નામ અપવર્ગ છે. ધર્મ, અર્થ, અને કામથી ભિન્ન છે. એ ત્રિવર્ગમાં એ આવતી નથી તેથી અપવર્ગ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી, અને કામ એટલે વિષયની વાસના -આ ત્રિવર્ગ છે. મોક્ષગતિ આ વર્ગમાં નથી.
લ્યો, આ સિદ્ધ ભગવાનને વંદન કરીને માંગળિક કર્યું. આવા સિદ્ધ ભગવાન છે એમ જ્ઞાન કરીને તેમને વંદન કર્યું, તેમનો આદર કર્યો. ઓઘે ઓઘે ‘ણમો સિદ્ધાણં’ કહે એમ નહીં એમ અહીં કહે છે. આખા સંસારનો-ચોરાશીના અવતારનો અભાવ થઈને સિદ્ધ ગતિ ઉત્પન્ન થઈ છે, ભાઈ. એ વ્યય વિનાનો ઉત્પાદ થયો છે. પ્રવચનસારમાં આવે છે કે સિદ્ધ ભગવાનને સંસારનો જે વ્યય થયો છે તે ઉત્પાદ વિનાનો વ્યય છે. સંસારનો જે નાશ થયો તે હવે ઉત્પન્ન નહીં થાય. અહા! સિદ્ધગતિ જે ઉત્પન્ન થઇ છે તે વ્યય વિનાની ઉત્પન્ન થઇ છે. આવા સિદ્ધની વંદના કરી છે.
PDF/HTML Page 45 of 4199
single page version
આમ સિદ્ધોને પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો) પ્રકાશક પ્રાભૃત નામનો અર્હત્-પ્રવચનનો અવયવ-અંશ, તેનું હું પરિભાષણ કરું છું આ સમય પ્રાભૃત એ સર્વ પદાર્થોનો વા જીવ પદાર્થનો પ્રકાશક છે અને તે અર્હત્ પ્રવચનનો અંશ કહેતાં ભગવાન શ્રી અરિહંતના શ્રીમુખેથી નીકળેલી દિવ્યધ્વનિ -વાણી-પ્રવચન એનો એક અંશ છે. તેનું, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું. અહીં આચાર્યશ્રી-મારામાં (પોતામાં) પણ ચારિત્રમોહની જે અલ્પ અસ્થિરતા છે તેનો તથા પર જીવોમાં જે મિથ્યાત્વ-રાગાદિ છે તેનો નાશ કરવાની વાત કરે છે મારે પણ હજી અલ્પ મોહ છે એમ કહે છે. અમૃતચંદ્રાચાર્યે ત્રીજા કળશમાં કહ્યું હતું ને કે આ ટીકા કરતાં મારા મોહનો નાશ થશે. તેઓશ્રીની જ આ ટીકા છે ને?! કહે છે કે મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું, એટલે કે વ્યાખ્યા કરું છું.
આ સમયસાર છે એ અર્હત્-પ્રવચનનો અવયવ એટલે અંશ છે. કેવો છે તે અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત છે. આમ કહીને આ સમયસારની પ્રામાણિકતા સિદ્ધ કરે છે. સમયસાર બન્યું છે કેમ? અનાદિ પરમાગમ છે એમાંથી બન્યું છે, અને સર્વજ્ઞ ભગવાને તે કહ્યું છે-પ્રણીત કર્યું છે, અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ (સીધા) સાંભળનાર, તેમ જ પોતે અનુભવ કરનાર-એટલે કે સાંભળીને આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલું હોવાથી પ્રમાણતાને પામેલ છે. અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર નથી. અન્યવાદીઓએ એટલે જૈન પરમેશ્વર સિવાય બીજાઓએ આગમ બનાવ્યાં છે એમ આ નથી. આ તો અનાદિ અનંત શબ્દબ્રહ્મ, સર્વજ્ઞકથિત અને શ્રુતકેવળીઓ તથા સાક્ષાત્ સાંભળનાર અને અનુભવ કરનાર એમણે કહેલું છે તેથી પ્રમાણ છે. બીજાઓનાં આગમ તો કલ્પિત છે. શ્વેતાંબરોએ પણ કલ્પિત આગમ બનાવ્યાં છે છદ્મસ્થ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર હોય એવા આ આગમ નથી અલ્પજ્ઞાનીઓનાં કલ્પનામાત્ર આગમો છે તે બધાં અપ્રમાણ છે.
ગાથાસૂત્રમાં આચાર્યે ‘વક્ષ્યામિ’ કહ્યું છે. તેનો અર્થ ટીકાકારે ‘વચ પરિભાષણે’ ધાતુથી પરિભાષણ કર્યો છે. સંસ્કૃત ટીકામાં છેલ્લા શબ્દો છેઃ ‘भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते’– એનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’
PDF/HTML Page 46 of 4199
single page version
અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું, અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું- પરિભાષા સૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે, તેમાં એક પરિભાષા જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે પ્રમાણે શાસ્ત્રની રચના કરે છે. અહાહા! શ્રુતકેવળીઓએ જે કહેલું તેના અર્થનું જ્ઞાન શ્રી કુંદકુંદાચાર્યને હતું.
આચાર્યે મંગળ અર્થે સિદ્ધને નમસ્કાર કર્યા છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે. જે જ્ઞાયકભાવ છે તે એકલો જ આશ્રય કરવા લાયક છે-ધ્યેયમાં લેવા લાયક છે. પણ અહીં તો સિદ્ધ ભગવાન લીધા છે. સિદ્ધ ભગવાનને પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ છે. વસ્તુ તરીકે આત્મદ્રવ્ય સ્વભાવે શુદ્ધ, શુદ્ધ છે. અહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાનું પ્રયોજન છે, ધ્રુવ સ્વરૂપ, શુદ્ધચૈતન્ય કહેવાનું પ્રયોજન છે. તેથી તેને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર (પ્રથમ કળશમાં) કરેલી છે તે અહીં પણ જાણવી.
સિદ્ધોને સર્વ એવું વિશેષણ આપ્યું તેથી તે અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો. એ રીતે ‘શુદ્ધ આત્મા એક જ છે’ એમ કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. વેદાન્ત એક સર્વવ્યાપક આત્મા માને છે, પણ એમ છે નહીં. અનંત અનંત આત્માઓ છે એમ કહી વેદાન્તીઓનો વ્યવચ્છેદ કર્યો.
શ્રુતકેવળી શબ્દનો અર્થઃ શ્રુતને અનાદિનિધન પ્રવાહરૂપ આગમ -શબ્દબ્રહ્મ કહ્યું અને કેવળી શબ્દના બે અર્થ કર્યા (૧) સર્વજ્ઞ (૨) પરમાગમને જાણનાર શ્રુતકેવળી. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદેવ એમ કહે છે કે અમે તો સર્વજ્ઞ પરમેશ્વર અને શ્રુતકેવળીઓએ કહેલું, જે અનાદિનિધન પરમાગમ-તેનું પરિભાષણ કરીએ છીએ; અમે અમારા ઘરનું કલ્પિત કાંઈ કહેતા નથી. તેથી આ ગ્રંથ પ્રમાણ છે.
હવે આ ગ્રંથનું અભિધેય શું? ધ્યેય શું છે? શબ્દોનો સંબંધ એની સાથે શું છે? ધ્યેય આત્મા વાચ્ય, વાચક એના શબ્દો અને પ્રયોજન શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી એ તો પ્રગટ છે.
શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. અખંડ આનંદ, ચૈતન્ય, ધ્રુવ, પ્રભુ પરમાત્મસ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. જાણે છે પર્યાય ધ્યેય ત્રિકાળી શુદ્ધ આત્મા છે.
PDF/HTML Page 47 of 4199
single page version
ત્રિકાળશુદ્ધ, ધ્રુવસ્વરૂપ, એકરૂપ ત્રિકાળ જેમ પર્યાયનો ભેદ પણ નથી એવા શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. છઠ્ઠી ગાથામાં કહેશે કે જ્ઞાયકભાવ પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહીએ છીએ. તેના વાચક આ ગ્રંથના (સમયસાર શાસ્ત્રના) શબ્દો છે, અને વાચ્ય શુદ્ધ આત્મા છે.
ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક-જે ધ્રુવ છે તે. આમ અનંત કેવળીઓએ કહ્યું છે. તેના વાચક ગ્રંથના શબ્દો છે. છે ને? શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે-અભિધેય છે. દ્રષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા ધ્રુવ છે. તે સમ્યક્દર્શનનો વિષય છે. સમ્યક્દર્શનની પર્યાયનો વિષય આ છે. બીજી રીતે કહીએ તો પર્યાય વ્યવહાર છે, તેનો વિષય નિશ્ચય છે. શું કહ્યું? પર્યાય છે એ વ્યવહાર છે, એનો વિષય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ચિદ્દવિલાસમાં આવે છે ને, કે ‘નિત્યને અનિત્ય જાણે છે.’ એટલે કે ક્ષણિક પર્યાય તે ધ્રુવને જાણે છે. વસ્તુ અનાદિથી આવી છે. દ્રવ્ય અને નિર્મળ પર્યાય બે થતાં નિશ્ચયનયનો વિષય ન રહ્યો, વ્યવહારનયનો વિષય થઈ ગયો. ખરેખર વ્યવહારનો (પર્યાયનો) વિષય નિશ્ચય (દ્રવ્ય) જોઈએ. પર્યાય છે એ વ્યવહાર છે, ભેદ છે. એનો વિષય ત્રિકાળી ધ્રુવ એ નિશ્ચય છે. આ અભિધેયને જ્યારે પર્યાય જાણે છે ત્યારે અભિધેય થાય છે. (ત્યારે આ ધ્રુવ આત્મા છે એમ જાણ્યું અને માન્યું.)
ધ્રુવ દ્રવ્ય જે ધ્યેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે, શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધે છે. ત્યારે કહે છે કે પર્યાય જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. વાણી બધું બતાવે છે. વાણી બતાવે છે કે જ્ઞાનની પર્યાય છે તે જાણે છે. આ તો અનાદિ સનાતન સત્ય છે. ધ્યેય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય એટલે શું? કે શુદ્ધ આત્મા. શાસ્ત્રે કહ્યું કે અભિધેય શુદ્ધ આત્મા ધ્રુવ છે. પણ કોને? જે જાણે એને.
આત્મા તો નિશ્ચયથી પરમાત્મસ્વરૂપે બિરાજમાન નિત્ય ધ્રુવ પોતે છે. તેને આચાર્ય ભગવાને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક કહ્યો અને ૧૧ મી ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. ભૂતાર્થ ને જાણે છે પર્યાય, પણ એ પર્યાય દ્રવ્યમાં નથી. અહા! પર્યાય પર્યાયની છે. પર્યાયને દ્રવ્યની કહેવી એ તો પરથી ભિન્ન પાડવા માટે છે. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. પર્યાય કોની છે એમ ભેદ પાડીને સમજાવવું હોય ત્યારે દ્રવ્યની કહેવાય. નિરપેક્ષથી કહેવું હોય તો પર્યાય પર્યાયની છે, અને દ્રવ્ય દ્રવ્યનું છે.
આ ગ્રંથમાં અભિધેય, સંબંધ, પ્રયોજન પ્રગટ જ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે એ પ્રગટ છે, ગુપ્ત નથી. ભગવાન નિત્યાનંદ પ્રભુ વાચ્ય છે અને શબ્દો વાચક છે,
PDF/HTML Page 48 of 4199
single page version
સમયસાર (શાસ્ત્ર) વાચક છે અને એનું વાચ્ય જે શુદ્ધાત્મા તેને શબ્દો બતાવે છે. જેમ સાકર પદાર્થ વાચ્ય છે અને સાકર શબ્દ વાચક છે. વાચક-વાચ્યનો અર્થ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ભગવાન આત્મા ધ્રુવ વાચ્ય છે-કહેવા લાયક છે અને સમયસારના શબ્દો વાચક છે. બીજી રીતે કહીએ તો વાચક શબ્દો વડે કહેલો જે આત્મા તેનું જ્ઞાન જેને થાય તે જ્ઞાનની પર્યાય અભિધેયને જાણે છે. શ્રુત જેમ અભેદ ધ્યેયને બતાવે છે. એમ જ્ઞાનની પર્યાય છે એ અભેદ અભિધેયને જાણે છે. આ તો ભગવાનનો અલૌકિક માર્ગ છે, ભાઈ. સમયસાર કળશ ૨૦૦ માં આવે છે કે પરદ્રવ્ય અને આત્માને કાંઈપણ સંબંધ નથી; તો કર્તા-કર્મ સંબંધ કઈ રીતે હોય? હવે અહીં કહે છે કે વાચક-વાચ્યનો સંબંધ છે. એ વ્યવહારથી છે. એટલે કે ગ્રંથના શબ્દો અને શુદ્ધાત્માને વાચક-વાચ્ય સંબંધ કહ્યો તે નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે અને તે વ્યવહાર છે, નિશ્ચયથી કોઈ સંબંધ નથી.
આ તો અનાદિ પરમાગમ-શબ્દબ્રહ્મથી અને ભગવાન કેવળીની વાણીથી પ્રમાણિત વાત છે. ભાઈ, આગમ અનાદિ છે, હાં. એ કાંઈ નવું નથી. એ પરમાગમના શબ્દોની શૈલી અનાદિ છે. કહ્યું છે ને, કે ‘સિદ્ધો વર્ણસમામ્નાયઃ’ આ વાણીની કોઈ રચના કરે છે એમ નથી. વાણીમાં પુદ્ગલની પર્યાયની રચના અનાદિ છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની વાણી જે છે એ વાણીની રચના તો વાણીના કારણે છે, કેવળીએ વાણીની રચના નથી કરી. દિવ્યધ્વનિની રચના થઈ એમાં કેવળી નિમિત્ત છે, તેથી નિમિત્તથી એમ કહ્યું કે કેવળીનું કહેલું છે. આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ એ વ્યવહાર છે.
તીર્થંકરો શ્રુતથી ઉપદેશ આપે છે-એવો ધવલમાં પાઠ છે. ભગવાન શ્રુતજ્ઞાનથી કહે છે. ભગવાનની વાણી (દિવ્ય ધ્વનિ) છે તે શ્રુતજ્ઞાનથી કહે છે. કેમકે સાંભળનારને (તેના નિમિત્તે) શ્રુતજ્ઞાન થાય છે, તેથી શ્રુતજ્ઞાનથી કહે છે એમ કહેવામાં આવ્યું છે. ભગવાનને શ્રુતજ્ઞાન છે એમ નથી, ભગવાનને તો કેવળજ્ઞાન છે. આશય એવો છે કે સાંભળનારને ભાવશ્રુતજ્ઞાન થાય છે-ભલે થાય છે પોતાથી, પણ વાણી નિમિત્ત છે એથી એ પણ શ્રુત કહેવામાં આવી છે. અનાદિ પરમાગમ છે તેને દ્રવ્યશ્રુત કહે છે. ગણધરો સૂત્રની રચના કરે છે, તથા ભવ્ય જીવોને શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તેમાં કેવળીની વાણી-દિવ્યધ્વનિ નિમિત્ત છે તેથી તે વાણીને પણ શ્રુત કહેવામાં આવી છે.
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એટલે જે શુદ્ધ, ધ્રુવ આત્મા છે તેનો પર્યાયમાં અનુભવ થાય એ પ્રયોજન છે. વસ્તુ પોતે જે છે-જીવતી જ્યોત તેને જ્ઞાનમાં
PDF/HTML Page 49 of 4199
single page version
કબૂલવી એ પ્રયોજન છે. જેવો આત્મા છે એવો કબૂલ્યો, ત્યારે જીવતી જ્યોતને જીવતી રાખી-કે આવો હું શુદ્ધ, ધ્રુવ, ચૈતન્યજ્યોતિ છું. આત્માના સ્વરૂપને આ સિવાય બીજી રીતે માને એણે શુદ્ધ આત્માનું (માન્યતામાં) મૃત્યુ કર્યું છે. તેથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે.
PDF/HTML Page 50 of 4199
single page version
तत्र तावत्समय एवामिघीयते–
पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं।। २।।
પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છેઃ-
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨
ગાથાર્થઃ– હે ભવ્ય! [जीव] જે જીવ [चरित्रदर्शनज्ञानस्थितः] દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થિત થઇ રહ્યો છે [तं] તેને [हि] નિશ્ચયથી [स्वसमयं] સ્વસમય [जानीहि] જાણ; [च] અને જે જીવ [पुद्गलकर्मप्रदेशस्थितं] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [तं] તેને [परसमयं] પરસમય [जानीहि] જાણ.
ટીકાઃ– ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ ‘सम’ તો ઉપસર્ગ છે, તેનો અર્થ ‘એકપણું’ એવો છે; અને ‘अय् गतौ’ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિતછે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને
PDF/HTML Page 51 of 4199
single page version
છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્યઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન-જ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એકધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અને ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો- અવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાહેતુપણું અને રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. -આવો જીવ નામનો પદાર્થ સમય છે.
જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોમાં સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શનજ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા
PDF/HTML Page 52 of 4199
single page version
પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય- એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.
ભાવાર્થઃ– જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. ‘જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’ છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.
પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી, એટલે કે સમયનો સાર કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે. દરેક પદાર્થનું સ્વરૂપ જ સમય છે, અર્થાત્ દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયોને પ્રાપ્ત થઈ પરિણમન કરે છે તેથી તેને ‘સમય’ કહેવામાં આવે છે. ‘સમય’ શબ્દનો બીજો અર્થઃ એકી સાથે જાણવું અને પરિણમન કરવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહે છે. આ રીતે બધા આત્માઓ સમય છે. આ બીજી ગાથામાં જે શુદ્ધ આત્માને જાણે અને એ રૂપે પરિણમે તેને સ્વસમય જાણવો એમ વિશેષપણે કહે છે.
પ્રવચન નંબર ૬–૮, તારીખ ૪–૧૨–૭પ થી ૬–૧૨–૭પ
છેલ્લો શબ્દ ‘જાણ’ છે ને? આચાર્ય કહે છે કે ‘જાણ’ આજ્ઞાવાચક શબ્દ છે. એટલે આચાર્ય ભગવાન આજ્ઞા કરે છે કે હે ભવ્ય! જે જીવ દર્શન -જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. ભાષા તો જુઓ! ખરેખર તો દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ પર્યાયો આત્મામાં સ્થિર-એકાગ્ર થાય છે એને ઠેકાણે અહીં તો દર્શન- જ્ઞાન-ચારિત્રમાં જે આત્મા સ્થિત છે તેને સ્વસમય જાણ એમ કહ્યું. એટલે કે આત્મા અનાદિથી જે રાગમાં અને નિમિત્તમાં સ્થિત હતો તે જ આત્મા અંદર દ્રવ્યના લક્ષે એના જેવી જે (જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ) પર્યાય પ્રગટ થઇ એમાં સ્થિત થયો તેને સ્વસમય જાણ એમ કહ્યું. રાગમાં નહીં, પણ ધ્યેયના લક્ષે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર પ્રગટ થયાં એમાં રહે તે સ્વસમય છે. છહઢાળામાં આવે છે ને? કે- ‘પર દ્રવ્યનતૈ ભિન્ન આપમેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ’ આત્મરુચિ
PDF/HTML Page 53 of 4199
single page version
કહી છે ને? એ રુચિમાં આત્મા જણાયો એટલે આત્મા રુચિ અને જ્ઞાનમાં સ્થિત થયો એવી શૈલીથી વાત કરી છે.
જીવ એટલે ભગવાન આત્મા જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે એને સ્વસમય કહેવામાં આવે છે. આચાર્ય ભગવાન પોતે મુનિ છે ને? એટલે ‘ચારિત્ર-દર્શન-જ્ઞાનસ્થિત’ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્રિકાળી જે છે તે સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની પર્યાયમાં ખ્યાલમાં આવ્યો એટલે એમાં એ સ્થિત છે એમ કહી એવા જીવને સ્વસમય કહ્યો. એનો અર્થ કે જે અનાદિથી રાગમાં સ્થિત હતો તે આત્મામાં સ્થિત થયો.
અહો! સમયસારની એક કડી તેના ભાવ સહિત યથાર્થ સમજે તો કલ્યાણ થાય એવું છે.
‘જીવ’ શબ્દ કેમ વાપર્યો? કેટલાક કહે છે કે આત્મા તો તદ્ન શુદ્ધ છે અને જીવ અશુદ્ધ છે, પણ એમ નથી એવું સિદ્ધ કરવા જીવ શબ્દ વાપર્યો છે. જીવ કહો કે આત્મા, બન્ને એક જ ચીજ છે.
અહીં બીજી ગાથામાં ‘जीवो चरित्तदंसणणाणठिदो’ ત્યાંથી ઉપાડયું છે, અને છેલ્લે જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન છે ત્યાં જીવત્વ શક્તિથી શરૂઆત કરી છે. આત્મામાં એક જીવત્વ શક્તિ છે જેને લઈને આત્મા જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા ભાવ-પ્રાણને ધારણ કરે છે-એનાથી ટકે છે. જીવ કહેતાં જીવતું દ્રવ્ય જીવત્વ સ્વભાવથી જીવે છે. અહીં એમ કહે છે કે-હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે, એટલે જે (જીવ) જ્ઞાનમાં જણાય છે, શ્રદ્ધામાં નિર્ણીત થાય છે, સ્થિરતામાં આવે છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. કુંદકુંદાચાર્ય પોકારીને કહે છે કે હે ભાઈ! જે આત્મા પોતાની શ્રદ્ધામાં શ્રદ્ધાયો, જ્ઞાનમાં જણાયો અને ચારિત્રમાં ઠર્યો એને તું સ્વસમય જાણ. જીવને ધ્યેય (દ્રષ્ટિમાં લેવા યોગ્ય) તો દ્રવ્ય છે એ વાત અહીં નથી. અહીં તો જે આત્મા પોતાના સ્વરૂપે પરિણમે છે એને સ્વસમય કહ્યો છે. જે આત્મા પોતાની શુદ્ધ પરિણતિમાં આવે છે એને સ્વસમય કહ્યો છે. આત્મા જે વિકારરૂપે હતો તે જ્યારે શુદ્ધ પરિણતિએ પરિણમે ત્યારે તે સ્વસમય છે, ત્યારે આત્મા આત્મારૂપે થયો એમ કહેવાય. અલબત, આવા આત્માને ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. નિયમસારમાં આવે છે કે-સર્વકર્મના ક્ષયનો હેતુ એવો જે મોક્ષમાર્ગ-સમ્યક્દર્શન- જ્ઞાન-ચારિત્ર-જેને અહીં સ્વસમય પરિણતિ કહી એનો હેતુ ત્રિકાળ પરમાત્મા છે.
‘અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ.’ જે જીવ રાગમાં સ્થિત છે એ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત છે, તે ભગવાન આત્માના શ્રદ્ધા-
PDF/HTML Page 54 of 4199
single page version
જ્ઞાન-ચારિત્રમાં સ્થિત નથી. રાગ-દ્વેષ આદિ વિકારના જેટલા અંશો છે એ બધા પુદ્ગલકર્મના પ્રદેશો છે, આત્માનો ભાવ નથી. તેથી એને પરસમય-અનાત્મા જાણ.
‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. ‘सम्’-ઉપસર્ગ છે તેનો અર્થ ‘એકસાથે’ એવો છે; અને ‘अय’ ગમનાર્થક ધાતુ છે એનો ગમન અર્થ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એકસાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તે સમય કહેવામાં આવે છે. આ જીવ નામનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. જીવ જે સમ્યક્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા તે વાત અહીં નથી. અહી તો જીવની સત્તા-હોવાપણું સિદ્ધ કરે છે.
આ જીવ પદાર્થ કેવો છે? ‘સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.’ અહીં અનુભૂતિનો અર્થ અનુભવ એમ નથી. અનુભૂતિનો અર્થ રહેવું એમ થાય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહેવું એવો અનુભૂતિનો અર્થ છે. અનુભૂતિ એટલે સમ્યગ્જ્ઞાન એ વાત અહીં નથી. જડ પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહે છે તેને જડની અનુભૂતિ કહે છે. જડ પણ એક સમયમાં ટકીને પરિણમે છે તેથી તે સત્ છે, સત્તા સહિત છે. પણ એક સમયમાં પરિણમે અને જાણે એવી વિશેષતા જડમાં નથી. અહીં તો જીવની સત્તાનું વર્ણન છે.
‘उत्पादव्ययध्रौव्य युक्तं सत्’ સૂત્ર છે ને. (તત્ત્વાર્થસૂત્ર) આત્મા પણ ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય યુક્તં સત્, એવી સત્તાથી સહિત છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેયના એક સમયમાં હોવાપણારૂપ સત્તા છે. સમ્યક્દર્શનનો વિષય શું છે તે વાત પછી કરશે. અહીં તો જીવની હયાતી કેવી રીતે છે તેની સિદ્ધિ કરી છે. ઉત્પાદ એટલે નવી પર્યાયનું થવું, વ્યય એટલે જૂની પર્યાયનું જવું અને ધ્રુવપણે કાયમ રહેવું એવી સત્તાની અહીં વાત છે. જીવ જે સમયે જાણે તે જ સમયે પરિણમે એવી ઉત્પાદ-વ્યય- ધ્રુવરૂપ સત્તા એ જીવનું સ્વરૂપ છે.
આ વિશેષણથી જીવની સત્તા નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો. તથા પુરુષને અપરિણામી માનનાર સાંખ્યોનો વ્યવચ્છેદ થયો. જીવ પરિણમતો નથી, કૂટસ્થ છે એમ માનનારનો પરિણમનસ્વભાવ કહેવાથી નિષેધ થયો. દ્રવ્યસ્વભાવ, ધ્રુવ અપરિણામી જે સમ્યક્દર્શનનો વિષય છે તે વાત અહીં નથી. અહીં તો પરિણામ સહિતનું આખું દ્રવ્ય સિદ્ધ કરવું છે.
PDF/HTML Page 55 of 4199
single page version
નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે. બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે. એ બધાનું અહીં નિરાકરણ થયું. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તા કહેવાથી ઉત્પાદ- વ્યયરૂપ પરિણમન ન માને એનો નિષેધ થયો અને એકલું ક્ષણિક જ માને એનો ‘ધ્રુવ’ કહેવાથી નિષેધ થયો. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તાની અહીં સિદ્ધિ કરી છે. કઈ અપેક્ષાથી કહેવાય છે તે ધ્યાનમાં રાખે તો આ સમજાય એવું છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તાનું હોવાપણું તેને અહીં અનુભૂતિ કહેવામાં આવી છે.
વળી જીવ કેવો છે? ‘ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે.’ અહીં પણ પરિણમનની વાત છે, ત્રિકાળી ધ્રુવની વાત નથી. અહીં ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે એમ કહ્યું છે. જડનું પરિણમન જડપણે છે અને ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનપણે છે એમ સિદ્ધ કર્યું છે. આ દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગની વાત છે. દર્શન એટલે સમ્યક્દર્શન નહીં, ચૈતન્યસ્વરૂપપણાથી પોતે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તે નિત્યઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન જ્યોતિમય પરિણમન સ્વરૂપ છે. ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે. આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકાર-જ્ઞાનસ્વરૂપ નહીં માનનાર સાંખ્યમતનું નિરાકરણ થયું.
વળી તે કેવો છે? ‘અનંત ધર્મોમાં રહેલું જે એકધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. અહીં તો બધા ધર્મોની વાત છે, એકલો ધ્રુવ એમ નહીં, પણ ઉત્પાદ, વ્યય, ધ્રુવ આદિ અનંત ધર્મોથી તેને એકધર્મીપણું પ્રગટ છે. સમ્યક્દર્શનનો વિષય જે ધ્રુવ દ્રવ્ય તેની અહીં વાત નથી. આ તો દ્રવ્યના અનંત ધર્મોમાં રહેલું જે એકપણું તેને લીધે દ્રવ્યપણું જેને પ્રગટ છે એ દ્રવ્યની વાત છે. આ વિશેષણથી વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતનો નિષેધ થયો.
અહા! ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે આખો સમય છે’ તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. સમ્યક્દર્શનનો વિષય જે દ્રવ્ય તે જુદી વસ્તુ છે. અહીં તો હજુ આખી વસ્તુ સિદ્ધ કરે છે.
વળી તે કેવો છે? ‘ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે.’ ક્રમે પ્રવર્તે તે પર્યાય અને અક્રમે પ્રવર્તે તે ગુણ છે. અહીં તો વસ્તુને સિદ્ધ કરવી છે. આખી ચીજ ગુણો અને પર્યાયો સહિત છે. ગુણો તે અક્રમવર્તી છે, એટલે સહવર્તી છે; પર્યાયો ઉત્પાદ-વ્યયરૂપ ક્રમવર્તી છે; આવો જ સ્વભાવ છે. સમ્યક્દર્શનનો વિષય જે દ્રવ્ય એની આ વાત નથી. આ તો જીવ દ્રવ્ય આખી ચીજ છે તે ગુણપર્યાયો સહિત છે એમ નક્કી કરે છે. તેમાંથી સમ્યક્દર્શનનો વિષય જે ધ્રુવસામાન્ય તે પછી સિદ્ધ કરશે. આ વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતનો નિરાસ થયો.
PDF/HTML Page 56 of 4199
single page version
વળી તે કેવો છે? ‘પોતાના અને પર દ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને ઝળકાવનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. અહા...! પોતાનું જ્ઞાન કરે અને પરદ્રવ્યના આકારનું એટલે પરના સ્વરૂપનું જ્ઞાન કરે એવું સ્વ-પરને પ્રકાશવાનું એનું સામર્થ્ય છે. ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય એક સમયની પર્યાયનું છે, છતાં એકરૂપપણે રહે છે; ખંડ ખંડ નથી થતું એમ કહે છે.
અહા! આચાર્યોએ કેટલી કરુણા કરીને સ્પષ્ટ કર્યું છે. સાધારણ જીવોને ખ્યાલમાં આવે એવી શૈલીથી સ્પષ્ટ કર્યું છે. ઉત્પાદ-વ્યયરૂપ બધી પર્યાયો ક્રમસર થાય છે. અહીં તો વસ્તુને સિદ્ધ કરે છે એટલે બધી પર્યાયોની વાત છે. સમ્યક્દર્શન કઈ રીતે થાય એ વાત અત્યારે નથી. અહીં તો વસ્તુની સિદ્ધિ કરે છે કે સર્વજ્ઞ- પરમાત્માએ જોયેલું તત્ત્વ આવું છે. એ સિવાય અન્યમતીઓ ગમે તે પ્રકારે કહે તેનો અહીં નિષેધ કરે છે. અન્યમતવાળા કહે એવું વસ્તુસ્વરૂપ છે જ નહીં. પોતાના અને પરદ્રવ્યોના આકાર-સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી સમસ્ત રૂપને પ્રકાશનારું એકપણું જેણે પ્રાપ્ત કર્યું છે એવો જીવ પદાર્થ તે સમય છે. ત્રણકાળ, ત્રણલોકને જ્ઞાનની પર્યાય જાણે છતાં જ્ઞાન એક આકારરૂપ છે એમ કહે છે. આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો.
વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશેષ ગુણો-ખાસ ગુણો, જેમકે આકાશનો અવગાહન હેતુત્વ, ધર્માસ્તિકાયનો ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, કાળનો વર્તનાહેતુત્વ અને પુદ્ગલનો રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. અન્ય દ્રવ્યના જે ખાસ ગુણો એનો આત્મામાં અભાવ હોવાને લીધે અને અસાધારણ ચૈતન્યસ્વભાવના સદ્ભાવને લીધે આકાશ આદિ પાંચ દ્રવ્યોથી જીવ ભિન્ન છે. આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.
વળી તે કેવો છે? અનંત અન્ય દ્રવ્યોના ક્ષેત્રથી ભિન્ન છે. ‘અનંત અન્ય દ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે.’ જ્યાં આત્મા છે ત્યાં અનંત પરમાણુ, આકાશ, કાળ, ધર્મ, અધર્મ બધું છે. આવો અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં જીવ પોતાના સ્વરૂપથી છૂટતો નથી, ચૈતન્યસ્વરૂપ જ પોતે રહે છે. ગુણ અને પર્યાયપણે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવ જ રહે છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. જીવ અન્ય દ્રવ્યો સાથે એક જ ક્ષેત્રમાં
PDF/HTML Page 57 of 4199
single page version
મળીને રહેવા છતાં પોતાના ક્ષેત્રથી ભિન્નપણે રહી પોતાના ચૈતન્યસ્વભાવરૂપ જ રહે છે, સ્વરૂપથી કદીય છૂટતો નથી. આવો જ વસ્તુસ્વભાવ છે.
આમ સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે.
-ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. -દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. -અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. -અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે. -સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું
-અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના
-અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે
અહા! જ્ઞાન એને કહીએ જે પૂર્વાપર વિરોધ રહિત વસ્તુને સિદ્ધ કરે. આગળ- પાછળ વિરોધ આવે તેને જ્ઞાન ન કહેવાય.
હવે અહીં સ્વસમય પરસમય કઈ રીતે છે તે સમજાવે છે. ‘જ્યારે આ જીવ, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન-જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શન- જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે ‘સ્વ-સમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે.’
સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળજ્ઞાન છે. એવા કેવળજ્ઞાનને ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થતાં સર્વ પરદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાનસ્વભાવમાં, પર્યાયરહિત અભેદ ત્રિકાળ ધ્રુવ, ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં દ્રષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો અને સ્વમાં એકત્વપણે પરિણમતો તે ‘સ્વસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે-એટલે કે જાણવામાં આવે છે. અહીં ટીકામાં જાણવાના અર્થમાં પ્રતીત શબ્દનો પ્રયોગ કર્યો છે.
PDF/HTML Page 58 of 4199
single page version
પહેલાં (બીજા બોલમાં) જે દર્શન-જ્ઞાન આવ્યું હતું તે દેખવા-જાણવાની વાત હતી. અહીં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રમાં’ દર્શન કહેતાં સમ્યક્દર્શનની વાત છે. શુદ્ધ, અભેદ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનની રુચિ તે સમ્યક્દર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન અને તેમાં રમણતા-સ્થિરતા તે ચારિત્ર. તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી યુગપદ્ સ્વને એકત્વપણે જાણતો અને પરિણમતો-તે સ્વસમય જાણ એમ કહે છે.
સાત બોલથી જીવના સ્વરૂપને કહી ચરિત્ત-દર્શન-જ્ઞાનસ્થિતની વ્યાખ્યા કરતાં કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિની વાત કરી છે. સર્વ પરદ્રવ્યોથી ભિન્ન પડી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ-એટલે ત્રિકાળ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે.
એક સમયમાં કેવલજ્ઞાન-કેવલદર્શનજ્યોતિથી બિરાજમાન ચૈતન્યસૂર્ય ભગવાન અરિહંતદેવ પરમાત્મા જેમનું નામ-સ્મરણ કરવું પણ ભલું છે-કેમકે ગુણવાળું નામ છે ને? -એવા ભગવાને સ્વસમયના સ્વરૂપનું વર્ણન કરતાં એમ કહ્યું છે કે-જે આત્મા પરથી ભિન્ન પડી પોતાના દર્શનજ્ઞાનસ્વભાવમાં એકત્વ પામે છે તેને તું સ્વસમય જાણ, એમ સર્વજ્ઞની કહેલી વાત અહીં આચાર્યદેવ કહે છે.
અહા! કેવી સ્પષ્ટ વ્યાખ્યા કરી છે? સત્નો ઢંઢેરો પીટયો છે.
પાઠમાં ‘जीवो चरित्तदंसणणाणट्ठिदो’– સ્વસમયની વાત પ્રથમ કરી છે. હવે પરસમયની વાત કરે છે. ‘જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ-રાગ-દ્વેષાદિ ભાવોમાં એકતારૂપે લીન થઈ પ્રવર્તે છે ત્યારે પુદ્ગલકર્મના કાર્મણસ્કંધરૂપ પ્રદેશોમાં સ્થિત થવાથી પરદ્રવ્યને પોતાની સાથે એકપણે એકકાળમાં જાણતો અને રાગાદિરૂપ પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલ આત્માની વાત છે. અજ્ઞાનીઓ, જેઓ આત્માને જોયા અને જાણ્યા વિના કહે એમની વાત નથી. દર્શનજ્ઞાનસ્વભાવી આત્મા અનાદિ અજ્ઞાનથી મોહમાં પડી, પોતાના સ્વભાવથી છૂટી રાગદ્વેષને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો વર્તે છે ત્યારે તે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી એને ‘પરસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે એટલે કે તે પરસમય છે એમ જાણવામાં આવે છે.
આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એમ દ્વિવિધપણું પ્રગટ થાય છે.
PDF/HTML Page 59 of 4199
single page version
સ્વસમય અને પરસમયનું ફરીથી થોડું વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ ગાથામાં જીવ નામનો પદાર્થ સમય છે એ વાત સાત બોલથી પ્રથમ સિદ્ધ કરી છે. હવે તેમાં સ્વસમય અને પરસમયના પરિણમનની વાત કરે છે. ત્રણકાળ અને ત્રણલોકના દ્રવ્યગુણ-પર્યાયની સ્થિતિને -સ્વરૂપને કેવળજ્ઞાન એક સમયમાં પ્રકાશવાને સમર્થ છે. સર્વ પદાર્થોના ગુણો, પર્યાયો-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું એક સમયમાં કેવળજ્ઞાન પ્રકાશે છે. આવું કેવળજ્ઞાન પ્રગટ કરવાની અપેક્ષાએ સાધ્ય છે. તેને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય રાગથી ભિન્ન પડી સ્વભાવની દ્રષ્ટિ કરતાં થાય છે. આવા ભેદજ્ઞાનના બળ વડે જ્યારે આ જીવ દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિરૂપ-નિશ્ચયરમણતારૂપ-ટકવારૂપ વર્તે છે, અથવા ત્રિકાળ ધ્રુવ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે-નિશ્ચય રત્નત્રયરૂપ પરિણતિથી વર્તે છે ત્યારે તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય એમ જાણવામાં આવે છે.
પહેલાં જે સમય કહ્યો તે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત આત્મા સમજવો. અનાદિ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળું જીવનું જે સ્વરૂપ છે તેનું સાત બોલથી વર્ણન કર્યું. એમાંથી ધ્યેયરૂપ આત્માની વાત અહીં કહે છે. દર્શનજ્ઞાન સ્વભાવે હોવારૂપ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે તે સ્વસમય છે. ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મા તેની રુચિ તે સમ્યક્દર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન, તેમાં સ્થિરતા તે ચારિત્ર. આવા રત્નત્રયપણે પરિણમવું તેને એકત્વગત થયો એમ કહેવામાં આવે છે. અહાહા! રાગ વિનાનો એકલો થઈ ગયો. દયા, દાનના, રાગવિકલ્પની એકતાપણે પરિણમે અને જાણે તે પરસમય છે. આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે એટલે એકપણાની શ્રદ્ધા, એકપણાનું જ્ઞાન અને એકપણામાં રમણતારૂપે વર્તે છે, ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય છે. પર્યાય સ્થિત થઇ છે દ્રવ્યમાં, પણ દ્રવ્ય પોતે પર્યાયમાં સ્થિત છે એમ કહ્યું છે. અહીં તો પરિણમનને સિદ્ધ કરવું છે ને? સ્વસમયના પરિણમનનું ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય છે, પણ અહીં પરિણમન બતાવીને તેને આત્મા કહેવામાં આવ્યો છે. રાગરૂપે પરિણમે તે અનાત્મા છે એમ સિદ્ધ કરવું છે.
લોકો બહારમાં રોકાઈ ગયા છે. એકેન્દ્રિયની દયા પાળવી, છ કાયના જીવોની રક્ષા કરવી, વગેરે. અરે! આ તો તારી પોતાની દયા પાળવાની વાત ચાલે છે, બાપુ! તું જ્ઞાનદર્શનસ્વભાવનો પિંડ પરમાત્મા છો. એવું તારું ચૈતન્ય જીવન છે. નિશ્ચયથી ત્રિકાળ, એકરૂપ, શુદ્ધ, બુદ્ધ સ્વભાવ જે છે એવા પ્રાણથી જીવે તે જીવ છે. પ્રથમ ‘जीवो’ શબ્દ છે ને? એ જીવની વ્યાખ્યા ચાલે છે. એવા શુદ્ધ જીવને અહીં ધ્યેય બનાવીને પરિણમન
PDF/HTML Page 60 of 4199
single page version
કરવાની વાત છે. આ ત્રિકાળી નિશ્ચયપ્રાણની વાત કરી. અશુદ્ધનિશ્ચયથી અશુદ્ધભાવ ક્ષાયોપશમિક ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવામાં આવે છે. અશુદ્ધપ્રાણથી જીવે છે તે અજ્ઞાની છે. વળી જડ શરીર, ઈંદ્રિય, મન-વચન-કાયા આદિથી જીવે એ જીવ છે એમ કહેવું તે અસદ્ભૂતવ્યવહાર નયનું કથન છે, કેમકે પોતે જડસ્વભાવ નથી છતાં જડથી જીવે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે, તે અસત્યાર્થ છે.
અમૃતચંદ્રાચાર્યે પરિશિષ્ટમાં પ્રથમ ‘જીવત્વશક્તિ’ કહી છે. આ જીવત્વશક્તિ દર્શનજ્ઞાનસ્વભાવરૂપ શુદ્ધચૈતન્યભાવપ્રાણરૂપ છે. તે જીવનું વાસ્તવિક જીવતર છે. શુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવરૂપ જે જીવતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા થયાં તે સ્વસમય છે. અનાદિનો પર ઘરમાં ભમતો હતો તે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વઘરમાં આવ્યો તે સ્વસમય છે. એનાથી ઊલટું રાગ-દ્વેષ, દયા, દાન, પુણ્ય-પાપ આદિ પરઘરમાં ભમે તે પરસમય છે.
આ બધું સમજવું પડશે, ભાઈ! આબરૂમાં, પૈસામાં-ધૂળમાં કાંઈ નથી.
હવે પરસમય કોને કહેવાય તે સ્પષ્ટ કરે છે. આત્માને અનાદિ અવિદ્યા કહેતાં અજ્ઞાનથી મોહ પુષ્ટ છે. મોહકર્મ તેમાં નિમિત્ત છે. મોહકર્મ જેનું નિમિત્ત છે એવા મોહના ઉદય અનુસાર અનાદિથી પ્રવૃત્તિ કરે છે- રાગદ્વેષ, પુણ્ય-પાપ દયા, દાન, આદિ વિકારરૂપ પરિણમે છે. આ વિકારી પરિણમનને આધીન થયેલો તે દર્શન- જ્ઞાનસ્વભાવરૂપ આત્મતત્ત્વથી છૂટી ગયો છે. સ્વસમય પરિણમનમાં દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ જે એકતા હોય છે તે અહીં વિકારી પરિણમનને આધીન થયેલો જીવ દર્શન-જ્ઞાનસ્વભાવથી -નિજ શુદ્ધાત્મતત્ત્વથી છૂટી જાય છે એમ કહ્યું છે. તેથી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન એવા મોહ-રાગ-દ્વેષાદિ ભાવો સાથે એકીસાથે એકપણાને પામતો અને જાણતો તે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવાથી પરસમય છે એમ જાણવામાં આવે છે. પુણ્ય-પાપના વિકારીભાવો સાથે એકપણું માનીને વર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ પરસમય છે.
આમ જીવ નામના પદાર્થને દ્વિવિધપણું પ્રગટ થાય છે જે શોભાસ્પદ નથી. એકપણું જ શોભાસ્પદ છે એમ આગળ સિદ્ધ કરશે. દ્વિવિધપણામાં વિસંવાદ ઊભો થાય છે માટે તે સુંદર નથી એમ આગળ ગાથા ૩ માં કહેશે.
જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. ‘જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’ છે. અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે.