PDF/HTML Page 4021 of 4199
single page version
સૂક્ષ્મ છે. તે સ્થૂળ સ્કંધમાં ભળતાં સ્થૂળરૂપે પરિણમન કરે છે, ત્યાં તે પોતાની પર્યાયની યોગ્યતાથી સૂક્ષ્મમાંથી સ્થૂળરૂપે પરિણમે છે; તેમાં સ્થૂળ સ્કંધ તેને કારણભૂત નથી. બે ગુણ ચીકાશવાળો એક પરમાણ, ચાર ગુણ ચીકાશવાળા અન્ય પરમાણું સાથે ભળતાં ચાર ગુણ ચીકાશરૂપે પરિણમી જાય છે તે પોતાની પર્યાયની શક્તિની યોગ્યતાથી ચાર ગુણ ચીકાશરૂપે પરિણમે છે. નિમિત્તના કારણે તે પરમાણુ ચાર ગુણ ચીકાશપણે પરિણમે છે એમ નથી. અહા! ઉત્પાદવ્યયધ્રુવત્વ એ પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે, અને તેથી તે (દ્રવ્ય) સ્વતંત્રપણે પોતાથી જ ઉત્પાદવ્યયરૂપે પરિણમે છે. અહા! સ્વસન્મુખતાના અંતઃપુરુષાર્થપૂર્વક નિર્વિકલ્પ અનુભવ થયા વિના આ ક્રમબદ્ધ આદિનું યથાર્થ જ્ઞાન થતું નથી. ખાલી ક્રમબદ્ધનું નામ લઈ પુરુષાર્થહીન થવું એ તો સ્વચ્છંદતા છે, અજ્ઞાન છે.
અહા! આત્માને પોતાના અંતરંગ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જ અન્ય જીવપુદ્ગલાદિ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ- પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. આ વાત સમયસાર કળશટીકા, કળશ ૬૦માં કહી છે. ત્યાં કહ્યું છે-“જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે-જેમ અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ‘ઊનું પાણી’ એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે.” જુઓ, આ ભેદજ્ઞાન! ઉષ્ણતા પાણીનું સ્વરૂપ નથી, તેમ રાગ-વિકાર આત્માનું સ્વરૂપ નથી. હવે આમ છે ત્યાં રાગથી- વ્યવહારથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? એમ છે નહિ.
અહા! સત્ છે તે ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ છે. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે ‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’, તેનું અહીં ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિરૂપે વર્ણન કર્યું છે. કહે છે-ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વ શક્તિ. તેમાં ક્રમવૃત્તિરૂપ પર્યાયો ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો તે ધ્રુવતારૂપ છે. આવા ક્રમ-અક્રમવર્તી ભાવોનો સમૂહ અર્થાત્ ગુણપર્યાયોના એક પિંડ તે દ્રવ્ય છે. આત્મા અને જગતના સર્વ દ્રવ્યો આવા ઉત્પાદ-વ્યયધ્રુવસ્વરૂપ સહજ પોતાથી છે. અહા! આવા નિજ આત્મદ્રવ્યનો નિર્ણય કરી દ્રવ્યસ્વભાવમાં એકાકાર થઈ પરિણમે તેને સ્વભાવ-આશ્રિત નિર્મળ નિર્મળ પર્યાયોનો ઉત્પાદ થાય છે. આનું નામ ધર્મ છે.
પ્રશ્નઃ– સમયસાર, ગાથા ૩૮ની ટીકામાં પર્યાયને ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતી કહી છે તે શું છે? ઉત્તરઃ– હા, ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. ત્યાં ‘અક્રમ’ એટલે પર્યાય આગળ-પાછળ થાય છે એવો અર્થ નથી. ત્યાં કહ્યું છે-“ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું.” હવે આમાં ગતિની પર્યાય એક પછી એક થાય છે તેથી તેને ક્રમરૂપ પ્રવર્તતો ભાવ કહેલ છે; ને યોગ, કષાય, લેશ્યા આદિ ભાવો એક સાથે હોય છે તેથી તેને અક્રમરૂપ પ્રવર્તતા ભાવો કહેલ છે. પ્રત્યેક ગુણમાં થતું પરિણમન તો ક્રમવર્તી જ હોય છે એમ યથાર્થ જાણવું. લ્યો,
આ પ્રમાણે અહીં ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ પૂરી થઈ.
‘દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત (-સ્પર્શિત), સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ.’
જુઓ, ત્રિકાળી સ્વદ્રવ્યના લક્ષે થતાં જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં એકલું જ્ઞાન જ નથી, પણ જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય આદિ અનંત શક્તિઓ ભેગી ઉલ્લસે છે; તેમાં એક ‘પરિણામશક્તિ’ છે. કેવી છે આ પરિણામશક્તિ? તો કહે છે-‘દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.’ જુઓ, શું કીધું? કે આત્મા દ્રવ્ય છે તેના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય- ઉત્પાદ છે. ધ્રૌવ્ય-નિત્ય ટકવાપણું દ્રવ્યના સ્વભાવથી જ છે, ને ક્ષણે ક્ષણે પર્યાયના થતાં ઉત્પાદ-વ્યય પણ દ્રવ્યના સ્વભાવથી જ છે. મતલબ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેય પરથી નથી. પરને-નિમિત્તને લીધે આત્માના પરિણામ ઉપજે છે એમ નથી.
PDF/HTML Page 4022 of 4199
single page version
વળી દ્રવ્યની જે સત્તા-અસ્તિત્વ છે તે ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયથી આલિંગિત છે. મતલબ કે ધ્રૌવ્ય-ધ્રુવતા ને ઉત્પાદ-વ્યય કાંઈ ત્રણ ભિન્ન-ભિન્ન સત્તા નથી, પણ ત્રણેય મળીને એક સત્તા-અસ્તિત્વ છે. અહાહા...! ત્રણેયથી આલિંગિત એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ધ્રૌવ્યની અપેક્ષાએ તે (-અસ્તિત્વએ) સદૃશ છે ને ઉત્પાદ- વ્યયની અપેક્ષાએ તે વિસદૃશ છે. અહા! આવા સદૃશ-વિસદૃશરૂપ એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. બહુ ઝીણું ભાઈ! પણ ધ્યાન રાખે તો પકડાય એવું છે.
ભાઈ! આ કાંઈ કથા વાર્તા નથી. આ તો તત્ત્વજ્ઞાનનો વિષય-બહુ સૂક્ષ્મ બાપુ! કહે છે-ભગવાન આત્મા દ્રવ્ય છે તે ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય ત્રણેને એક સમયમાં આલિંગન કરે છે. ગજબ વાત ભાઈ! જો ધ્રૌવ્ય ન હોય તો પરિણામ શામાં થાય? ને જો ઉત્પાદ-વ્યય ન હોય તો પરિણામ કેવી રીતે થાય? ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય ત્રણેય એકી સાથે હોયા વિના પરિણામશક્તિ બની શકે નહિ. તેથી કહ્યું કે-ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ શક્તિ છે. ‘सद्द्रव्य लक्षणम्’ ને ‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’-એવા જે બે મહાન સૂત્રો તત્ત્વાર્થસૂત્રમાં આવ્યા છે તે આમાં સમાઈ જાય છે. અહીં અસ્તિત્વમાત્ર કહીને એક સત્-સત્તા બતાવી છે.
ભાઈ! પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય પોતાના ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયને આલિંગન કરે છે. સમયસાર ગાથા ત્રણમાં આવે છે કે-પ્રત્યેક દ્રવ્ય પોતાના ધર્મોના ચક્રને ચુંબે છે, પણ પરને સ્પર્શતું નથી. ત્યાં કહ્યું છે કે-“કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.” જુઓ, આમ વસ્તુસ્વરૂપ છે છતાં કેટલાક લોકો માને છે કે-કર્મથી વિકાર થાય છે, પણ તે માન્યતા બરાબર નથી. કર્મનો ઉદય જીવની પર્યાયને અડતો સુદ્ધાં નથી તો કર્મના ઉદયથી જીવને વિકાર કેમ થાય? એ તો જીવ પોતે પરનો સંગ કરે છે માટે રાગાદિ વિકાર થાય છે. અરે! પોતાના અસંગ સ્વરૂપને ભૂલી અજ્ઞાની જીવ પરનો સંગ કરે છે તેથી તેને પર્યાયમાં રાગદ્વેષાદિ વિભાવ ભાવો ઉત્પન્ન થાય છે. ભાઈ! વિકાર થાય છે તે જીવની પોતાની તેવી યોગ્યતાથી થાય છે. પરથી-કર્મથી તે થાય છે એમ છે જ નહિ.
પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તેમાં એક ઇશ્વરનય કહ્યો છે. ત્યાં કહ્યું છે-“આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.” આમ જીવ પોતે નિમિત્તને આધીન થઈને પર્યાયમાં પરાધીન થઈ વિકારરૂપે પરિણમે એવી તેનામાં યોગ્યતા છે. કર્મને લઈને વિકાર થાય છે એમ છે નહિ.
અહીં કહે છે-ભાઈ! તારી ચીજમાં ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ- શક્તિ છે. શક્તિ ધ્રુવ છે તે ઉત્પાદ-વ્યયરૂપે પર્યાયમાં પરિણમે છે. તેમાં ધ્રુવ છે તે સદૃશ એકરૂપ છે, અને ઉત્પાદ- વ્યય છે તે વિસદૃશ છે. ઉત્પાદ-વ્યય એક સરખા નથી, પરસ્પર વિરુદ્ધ છે માટે તેને વિસદૃશ કહેલ છે. ધવલમાં તેમને (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને) વિરુદ્ધ અને અવિરુદ્ધ કહ્યા છે. ઉત્પાદ-વ્યય વિરુદ્ધ છે, અને ત્રિકાળી ધ્રુવ સદૃશ તે અવિરુદ્ધ છે. વ્યય છે તે પૂર્વ પર્યાયનો અભાવ છે, ને ઉત્પાદ છે તે વર્તમાન પર્યાયનો ભાવ છે. એક ભાવરૂપ ને બીજો અભાવરૂપ છે, તેથી ઉત્પાદ-વ્યય છે તે વિરુદ્ધ અર્થાત્ વિસદૃશ છે; અને ધ્રૌવ્ય છે તે અવિરુદ્ધ અર્થાત્ સદૃશ છે. ધ્રુવ કહો, એક કહો, સામાન્ય કહો, સદૃશ કહો-બધુ એક જ છે.
આ સમજે તો જન્મ-મરણના અંત આવી જાય એવી આ ચીજ છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ ભાવ તો જીવ અનાદિથી કર્યા કરે છે, પણ તે કાંઈ ધર્મ નથી. અંદર આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે, તેની અંતરમાં દ્રષ્ટિ થયા વિના ધર્મ થઈ જાય એવું સ્વરૂપ નથી. અરે ભાઈ, આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે વિકાર કરાવે, ભવભ્રમણ કરાવે. શક્તિ અને શક્તિવાન દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ પવિત્ર પરમાત્મસ્વરૂપ છે, ને તેને દ્રષ્ટિમાં લેતા પવિત્રતાનો-નિર્મળ પરિણામનો ઉત્પાદ થાય છે. અહીં નિર્મળ-પવિત્ર પરિણામની જ વાત છે, અહીં મલિનતાની વાત જ નથી. નિર્મળ પરિણામ તે ક્રમવર્તી અને નિર્મળ ગુણો તે અક્રમવર્તી-તે બધાનો સમુદાય તે આત્મા છે એમ અહીં વાત છે.
તો નિયમસાર, ગાથા ૩૮માં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો છે? હા, ત્યાં દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો છે. જેની દ્રષ્ટિ કરી પરિણમતા નિર્મળ-નિર્મળ પરિણામ થયા કરે તે દ્રષ્ટિનો વિષય ત્યાં બતાવવો છે. તેથી ત્યાં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો ને પર્યાય નિર્મળ હો તોપણ તે વ્યવહાર આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ધ્યાન રાખીને સમજવું બાપુ! આ વિષય બહુ સૂક્ષ્મ ગંભીર છે. કોઈ નિશ્ચય- નિશ્ચય એક એકલું
PDF/HTML Page 4023 of 4199
single page version
કહ્યા કરે તો એમ વાત નથી. અહાહા...! અંદર કારણપરમાત્મા-નિત્યાનંદ, ચિદાનંદ ધ્રુવ પ્રભુ-ત્રિકાળ બિરાજે છે. તેની પ્રતીતિ-અંતર્દ્રષ્ટિ અને અનુભવ થતાં જે નિર્મળ-નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય તેને અહીં આત્મા કહ્યો છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
જુઓ, અહીં પરિણામશક્તિની વાત ચાલે છે. કોઈને એમ થાય કે ૧૮મી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ અને આ ૧૯મી પરિણામશક્તિ બન્ને એક છે; પણ એમ નથી. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ કહી, જ્યારે અહીં આ પરિણામશક્તિમાં, ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ-એમ કહેલ છે. આમ બન્નેમાં ફેર છે.
ભાઈ! સદૃશ અને વિસદૃશ એવા બન્ને સ્વભાવવાળું તારું અસ્તિત્વ છે. ઉત્પાદ-વ્યય વિસદૃશ અર્થાત્ વિરુદ્ધ છે, ને ધ્રુવ તે સદૃશ અર્થાત્ અવિરુદ્ધ છે. સમયસાર, ગાથા ૩ની ટીકામાં આ વાત આવી છે. ત્યાં કહ્યું છે-“જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે.” આમાં ઉત્પાદ-વ્યયને વિરુદ્ધ કાર્ય કહેલ છે, ને ધ્રૌવ્યને અવિરુદ્ધ. અહીં શક્તિના વર્ણનમાં તેને સદૃશ-વિસદૃશ કહેલ છે. ધ્રૌવ્ય ત્રિકાળ એકરૂપ છે તેથી સદૃશ અને પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ- ભાવ-અભાવરૂપ એમ બેપણે છે તેથી વિસદૃશ છે. અહા! આવા સદૃશ-વિસદૃશરૂપ એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.
હવે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે? ‘ચિદ્દવિલાસ’માં આનું સમાધાન કર્યું છે કે-દ્રવ્ય પરિણમે છે, ગુણ નહિ. પરિણમનશક્તિ દ્રવ્યમાં છે એ બાબત ચિદ્દવિલાસમાં નીચે મુજબ સ્પષ્ટીકરણ કર્યું છેઃ “કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણદ્વારથી જે પરિણતિ ઊપજી તે ગુણની છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય; અને (જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ શા માટે કહો છો?-
તેનું સમાધાનઃ– એ પરિણમનશક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો પુંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય પરિણમતા (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની પરિણતિ-એમ તો કહીએ છીએ; પરંતુ આ પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે- ‘द्रव्याश्रया निर्गुणा गुणाः’ દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. ‘गुणपर्ययवद् द्रव्यम्’ (- ગુણપર્યાયવાળું દ્રવ્ય છે)-એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, (પણ) ગુણ ન કહ્યો.”... “પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય ગુણલક્ષણરૂપે પરિણમે છે, તેથી ક્રમ-અક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે.” અને અહીં પણ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા એમ પ્રથમ વાત કરી છે.
જુઓ, ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદ એમ ત્રણથી આલિંગિત સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવી પરિણામશક્તિ પરિણમે છે તો પરિણતિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. માટે શક્તિ અને શક્તિવાન એવો જે ભેદ છે તેનું લક્ષ છોડી દે, કેમકે ભેદના લક્ષે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પરિણામ થતા નથી. ભેદ છે તે તો અભેદને બતાવવા પૂરતો છે. તેથી ભેદનું લક્ષ છોડી અભેદને ગ્રહણ કર. અહાહા...! અભેદ એકરૂપ સામાન્ય અબદ્ધસ્પૃષ્ટ જે ધ્રુવ સ્વભાવભાવ છે તેની દ્રષ્ટિ કરી તેમાં જ એકાગ્ર થા; તેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. મારગ આ છે ભાઈ!
અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવવી છે. પરિણામશક્તિ છે અર્થાત્ પરિણામ દ્રવ્યનો સ્વભાવ છે એટલે દ્રવ્યનું પરિણમન થતાં તેની વિશેષતા-ગુણનું પરિણમન-થાય છે, તેથી પરિણતિ દ્રવ્યથી ઉઠે છે, ગુણથી નહિ. દ્રવ્ય પોતે જ પોતાની વિશેષતારૂપ પરિણમી જાય છે. અહાહા...! ધર્મ કરવો હોય તો આવી જે પોતાની ચીજ છે તેનું જ્ઞાન ભલી પ્રકાર કરવું પડશે ભાઈ! આ તમારાં હીરા-મોતી ને બાગ-બંગલા તેમાં કામ નહિ આવે. આ તો ફુરસદ લઈને સમજવા જેવી ચીજ છે બાપુ!
પરિણામશક્તિ કહી તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. ખરેખર દ્રવ્ય જ દ્રવે છે, દ્રવ્યથી પરિણતિ ઉઠે છે. પંચાસ્તિકાય ગાથા ૯માં મૂળ પાઠમાં કહ્યું છે કે-“તે તે સદ્ભાવપર્યાયોને જે दवियदि–द्रवति-દ્રવે છે-गच्छदि– गच्छति- પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે-કે જે સત્તાથી અનન્યભૂત છે.” આ મૂળ પાઠ છે. અહીં ગુણ દ્રવે છે એમ નથી કહ્યું, પણ દ્રવ્ય દ્રવે છે એમ કહ્યું છે. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘द्रवति गच्छति’ નો એક અર્થ તો ‘દ્રવે છે અર્થાત્ પામે છે’ એમ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત ‘द्रवति એટલે સ્વભાવપર્યાયોને દ્રવે છે અને गच्छति એટલે વિભાવપર્યાયોને પામે છે’ એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. અહીં તો દ્રવ્ય શુદ્ધતારૂપે
PDF/HTML Page 4024 of 4199
single page version
પરિણમે છે એમ વાત છે, અહીં અશુદ્ધતાના પરિણમનની વાત જ નથી. પરિણમન થાય તે પરિણામશક્તિનું કાર્ય છે, પણ તે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. દ્રવ્ય પોતે ગુણ-લક્ષણરૂપે પરિણમે છે તેથી ક્રમ-અક્રમસ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. આવી ઝીણી વાત! ભાષા તો સરળ છે, પણ ભાવ ઉંડો ગંભીર છે.
દ્રવ્યનું પરિણમન થાય છે ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે, પણ અહીં દ્રવ્ય द्रवति- દ્રવે છે એમ કહીને ભેદની વાસના મટાડી દ્રવ્યદ્રષ્ટિ કરાવી છે. પાણીમાં જેમ તરંગ ઉઠે છે તેમ વસ્તુ જે દ્રવ્ય છે તેમાં તરંગ ઉઠે છે. ગુણ દ્રવે છે, પર્યાય દ્રવે છે એમ કહેવામાં આવે છે તે ભેદનું કથન છે. વાસ્તવમાં આનંદની જે પરિણતિ ઉઠે છે તે આનંદ ગુણમાંથી નહિ, દ્રવ્યમાંથી ઉઠે છે. સમ્યગ્દર્શનરૂપ નિર્મળ શ્રદ્ધાનની જે પરિણતિ ઉઠે છે તે શ્રદ્ધા ગુણમાંથી નહિ પણ દ્રવ્યમાંથી ઉઠે છે. શ્રદ્ધા ગુણ સમ્યગ્દર્શનરૂપે થયો છે એ તો ભેદકથન છે. પરમાર્થે ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન આત્મા છે તે સમ્યગ્દર્શનરૂપે પરિણત થાય છે. આમ ગુણ પરિણમે છે એમ ન લેતા દ્રવ્ય પરિણમે છે એમ લેવું પરમાર્થ છે. ભાઈ! આ તો વીતરાગ ભગવાનનો માર્ગ! એ તો વીતરાગતામય જ હોય છે. અહા! તે વીતરાગતા કેમ પ્રાપ્ત થાય? તો કહે છે-ત્રિકાળી શુદ્ધ જે નિજ આત્મદ્રવ્ય છે તેનું લક્ષ કરી પરિણમતા વીતરાગતા પ્રાપ્ત થાય છે. આવો મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો-સમજવો જોઈએ. અહા! આત્મા એક સમયમાં અનંત સ્વભાવનો સાગર છે. તેનો આશ્રય લેતા અનંત શક્તિના પરિણમન સહિત દ્રવ્ય-આત્મા ઉછળે છે; તેને પરિણામશક્તિ કાર્યરૂપ-પરિણત થઈ એમ ભેદથી કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– હવે આવો નવો મારગ કયાંથી કાઢયો? ઉત્તરઃ– આ નવો મારગ નથી ભાઈ! આ તો અનંતા તીર્થંકરોએ દિવ્યધ્વનિ દ્વારા બતાવેલી વાત છે. અને તે પરંપરાએ અનાદિથી પ્રવાહરૂપે ચાલી આવી છે. આ વાત હમણાં ચાલતી ન હતી અને અહીંથી પ્રસિદ્ધિમાં આવી તેથી નવી લાગે છે.
પ્રશ્નઃ– શું આવું સમજ્યા વિના ધર્મ ન થાય? ઉત્તરઃ– ભાઈ! પ્રથમ ધર્મ શું છે, ને તે કેમ થાય તે બધું જાણવું-સમજવું જોઈએ. તત્ત્વની વાસ્તવિક સમજણ કર્યા વિના તત્ત્વદ્રષ્ટિ-અંતર્મુખ દ્રષ્ટિ કેવી રીતે થાય? અને અંતર્મુખ દ્રષ્ટિ થયા વિના ધર્મ કેવી રીતે થાય? અનંત કાળનાં દુઃખ મટાડવાનો ઉપાય તો બરાબર જાણવો જોઈએ ને?
પ્રશ્નઃ– તો શું તિર્યંચ સમકિત પામે તેને આવું બધું જ્ઞાન હોય છે? ઉત્તરઃ– હા, તિર્યંચોને સમ્યગ્દર્શન થતાં સાતે તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્ધાન થઈ જાય છે. મારું દ્રવ્ય જે આ પૂર્ણ આનંદસ્વરૂપ છે તે હું જીવતત્ત્વ છું, દુઃખનું વેદન તે આસ્રવ, બંધ છે; આ આનંદનું વેદન થયું તે સંવર, નિર્જરા છે. આમ, શબ્દોનું ભલે તેને જ્ઞાન ન હોય તો પણ, ભાવનું ભાસન તિર્યંચ સમ્યગ્દ્રષ્ટિને પણ બરાબર હોય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વિષયનો ખુલાસો કર્યો છે. ભોગભૂમિમાં ક્ષાયિક સમકિતી તિર્યંચો છે તેમને સાત તત્ત્વના ભાવનું ભાસન યથાર્થ હોય છે. સમ્યગ્દર્શન થવા પહેલાં તિર્યંચના આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે જીવ ભોગભૂમિનો તિર્યંચ થાય છે. તે ક્ષાયિક સમકિત લઈને પણ તિર્યંચમાં જાય છે. હવે તે જીવને ત્યાં કદાચ સાત તત્ત્વના નામની ખબર ન હોય પણ, સાતે તત્ત્વોના ભાવનું યથાર્થ ભાસન તો હોય છે.
દ્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય સત્ એમ તે ત્રણે સત્ કહેવાય, પણ વાસ્તવમાં સત્ ત્રણ નથી, ત્રણે મળીને એક સત્ છે. સત્ દ્રવ્યનું લક્ષણ છે. અહાહા...! ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સત્ દ્રવ્યનું લક્ષણ છે. આ રીતે જગતનાં સર્વ દ્રવ્યો સત્ છે. તેથી સર્વ દ્રવ્યોનું ટકીને બદલવાપણું છે તે પોતપોતાના સ્વભાવથી જ છે, કોઈના કારણે બીજા કોઈનું બદલવાપણું છે જ નહિ. આ પ્રમાણે સ્વ-પરની સત્તા ભિન્ન-ભિન્ન હોવા છતાં, પરવસ્તુના કાર્યો હું કરું છું એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાનો ઇન્કાર કરી, પરને પોતાને આધીન માની તેની સ્વાધીનતાને હણવા ઇચ્છે છે. પણ અરે, પરવસ્તુ તેને આધીન થઈને પરિણમતી નથી. પરિણામે અજ્ઞાની જીવ પરના આશ્રયે પરિણમતો થકો આકુળ-વ્યાકુળ થઈ પોતાની સત્તાને જ હણે છે. અજ્ઞાની પરની સત્તામાં ઘાલમેલ કરવા જાય છે, પણ એમ બનવું સંભવિત નથી, તેથી ત્યાં વિસંવાદ ઊભો થાય છે, તેની શાંતિ હણાય છે, તેને અશાંતિ અને દુઃખપૂર્ણ સંસાર જ ફળે છે. આ પ્રમાણે તત્ત્વના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના જીવ દુઃખી થાય છે.
PDF/HTML Page 4025 of 4199
single page version
દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ધ્રૌવ્ય-વ્યય- ઉત્પાદને આલિંગન કરવું એ દ્રવ્ય-સ્વભાવ છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયરૂપ ધર્મોને ચુંબે છે, પણ દ્રવ્ય પરને ચુંબતું નથી. તેથી કર્મે જીવને હેરાન કર્યો છે એ માન્યતા બરાબર નથી; કેમકે કર્મનો ઉદય જીવના વિકારને અડતો નથી, ને જીવનો વિકાર કર્મના બંધને અડતો નથી. જીવ પોતાના ઉલટા પરિણમનની યોગ્યતાથી ચાર ગતિમાં રખડે છે. અહા! તારી અશુદ્ધતા પણ મોટી અને શુદ્ધતા પણ મોટી-એમ અનુભવપ્રકાશમાં કહ્યું છે. પોતાની અશુદ્ધતાથી જીવ રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી. અહા! તીર્થંકરદેવની ૐ વાણી જીવે અનંત વાર સાંભળી છે, પણ એને તત્ત્વદ્રષ્ટિ થઈ નહિ, પોતાના પરિણામ દ્રવ્ય સન્મુખ વળ્યા નહિ તે તેનો પોતાનો દોષ છે, તેમાં કર્મનો ઉદય બીલકુલ કારણ નથી. (કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે).
ચિદ્દવિલાસ પા. ૩૩ ઉપર પરિણામશક્તિના વર્ણનમાં કહ્યું છે કે-“એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને ચંદ્રનો પ્રકાશ એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યય વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ. ” આમ ભેદ દ્વારા અભેદનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે.
આ શક્તિનું પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ, કેમકે ગુણ દ્રવ્યના આશ્રયે છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ કહ્યું છે ત્યાં પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો. આમ ગુણભેદની વાસના મટાડી દ્રવ્યદ્રષ્ટિ કરાવી છે.
પ્રશ્નઃ– જો એમ છે તો આ શક્તિઓને જુદી જુદી સમજવાની કસરત શું કામ કરવી? ઉત્તરઃ– અરે ભાઈ! આ શક્તિઓ યથાર્થ સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછળે એવી સ્વભાવદ્રષ્ટિનો પુરુષાર્થ જાગ્રત થાય છે. આ સમજવું તે ખાલી ‘કસરત’ નથી, પણ અનંત કાળનો થાક ઉતારવાના પુરુષાર્થનો મારગ છે બાપુ! એકેક શક્તિને યથાર્થપણે સમજી શક્તિવાન દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યાં અભેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનું પરિણમન થાય છે ને ભેગી તેમાં અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે. આ રીતે અનંત ગુણથી અભેદ નિજ આત્મવસ્તુની દ્રષ્ટિ કરાવવા આ શક્તિઓનું વર્ણન છે. વસ્તુ-આત્મા સ્વભાવથી અનેકાંતમય કેવી રીતે છે અર્થાત્ તેમાં અનંત ધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ જાણવા-સમજવા આચાર્યદેવે અહીં શક્તિઓનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદવાસનામાં ન રોકાવું, કેમકે ભેદના લક્ષે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય પ્રગટતી નથી. આવી વાત!
હવે આવી તત્ત્વજ્ઞાનની વાત સૂક્ષ્મ પડે એટલે અત્યારે તો લોકો બહારમાં-સ્થૂળ રાગમાં રોકાઈ ગયા છે. વ્રત કરો, દયા પાળો, તપ કરો, ભક્તિ કરો-ઇત્યાદિ આચરણમાં ધર્મ થવાનું માની ત્યાં રોકાઈ ગયા છે. પણ એ તો બધો શુભરાગ છે ભાઈ! એ તો બંધનું જ કારણ છે. એનાથી તું ધર્મ થવાનું માને એ તો મિથ્યાભાવ છે.
પ્રશ્નઃ– તો જ્ઞાની પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ આચરણ કરે છે ને? ઉત્તરઃ– અરે ભાઈ! અસ્થાનના રાગથી ને અશુભથી બચવા માટે જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો શુભરાગ આવે છે, પણ તેને તે હેય માને છે. જ્ઞાની તેને ધર્મ કે ધર્મનું સાધન માનતા નથી. જ્ઞાનીની પરિણતિમાં વ્રતાદિ વ્યવહાર ભલે હો, છતાં પણ એનાથી જુદું શુદ્ધતાનું પરિણમન તેને અંતરંગમાં વર્તે છે; તે શુદ્ધતામાં તન્મય છે, ને રાગમાં અતન્મય છે. ખરેખર તેને સ્વભાવ સન્મુખી ઉત્પાદ-વ્યયમાં નિર્મળતા થઈ છે, ને તેમાં રાગનો પ્રવેશ નથી; રાગ તો ભિન્ન જ્ઞેયપણે રહી જાય છે, ને તેનું જ્ઞાન સ્વકાળમાં સમાય છે. રાગ તે ચૈતન્યનો સ્વકાળ નથી, પરકાળ છે, પરપરિણતિ છે. અહાહા...! જ્ઞાન ને રાગ-બન્ને સમકાળે ને સમક્ષેત્રે હોવા છતાં એક (-જ્ઞાન) સ્વકાળ અને બીજો પરકાળ. અહો! કેવું સૂક્ષ્મ ભેદજ્ઞાન! આ તો અલૌકિક વીતરાગી વિજ્ઞાન ભાઈ! જે જ્ઞાનીને પ્રગટ થયું હોય છે. અજ્ઞાની તો રાગને ઉપાદેય માને છે. આમ વ્રતાદિ હોવા છતાં જ્ઞાની-અજ્ઞાનીના અભિપ્રાયમાં ઘણો ફેર છે. આવી વાત! સમજાણું કાંઈ!
હવે કેટલાક તો સમજ્યા વિના વ્રત-પડિમા લઈ લે છે; બે, પાંચ, અગિયાર પડિમા-અરે, જો પડિમા પંદર હોય તો અજ્ઞાની જીવો પંદર પડિમા પણ લઈ લે. કેમકે તેમને પડિમાના સ્વરૂપનીય ખબર નથી, ને નિજ ચૈતન્યવસ્તુના
PDF/HTML Page 4026 of 4199
single page version
સ્વરૂપનીય ખબર નથી. અરે, તેઓ તો બિચારા આંધળે-બહેરું કૂટે રાખે છે. એક ત્યાગી કહેતા હતા કે-મેં પડિમા લીધી છે તો ખરી, પણ પડિમા મારી પાસે આવી છે કે નહિ એની મને ખબર નથી. લ્યો, તત્ત્વ સમજ્યા વિના આવું બધું બહારમાં ચાલ્યા કરે છે; પણ આ કોઈ મારગ નથી ભાઈ!
શાસ્ત્રમાં વ્રત-અવ્રતમાં છાયા-આતપનો ફેર કહ્યો છે ને? હા, કહ્યો છે; શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તડકે ઊભા રહેવા કરતા છાંયામાં ઊભા રહેવું સારું છે, અર્થાત્ અવ્રત કરતાં વ્રત સારું છે, ભલું છે. પણ કોને? કે જેને અંતરમાં શુદ્ધ અંતઃતત્ત્વરૂપ નિજ આત્માનું ભાન થયું છે, આનંદના અનુભવની વૃદ્ધિ થઈ છે તેને અવ્રતનો વિકલ્પ છૂટી વ્રતનો વિકલ્પ આવે છે, અને તેના એ (વ્રતને) અવ્રતની દશા અપેક્ષા સારો કહ્યો છે. અહાહા...! જેને સમ્યગ્દર્શનપૂર્વક આનંદની ધારા વિશેષતાએ પ્રગટી છે તેને પાંચમા ગુણસ્થાનમાં વ્રત-પડિમા લેવાનો વિકલ્પ ઉઠે છે અને તે યથાર્થ વ્યવહાર છે; પણ અજ્ઞાનીને એ વાત લાગુ પડતી નથી, કેમકે તેને યથાર્થ વ્રત (સમ્યગ્દર્શનપૂર્વકના) છે કયાં? (વ્યવહારાભાસ છે). આ તો-
ચોથા ગુણસ્થાનવર્તી સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવકને વ્રતના વિકલ્પ વખતે પણ અંદર શાંતિની વિશેષ ધારા હોય છે, અને તેના વિકલ્પને છાયા કહેવામાં આવી છે. ખરેખર તો ત્યાં અંતરમાં આનંદરસની ધારા પ્રગટી છે તે ખરી છાયા છે. સાથે વ્રતાદિનો વિકલ્પ હોય છે તેને વ્યવહારથી ઉપચારમાત્ર છાયા કહેવામાં આવે છે. આવી વાત છે. લ્યો,
અહીં આ પ્રમાણે ઓગણીસમી પરિણામશક્તિનું વર્ણન પૂરું થયું.
‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્શાદિશૂન્ય (-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ!
અહાહા...! જ્ઞાનલક્ષણથી લક્ષિત ભગવાન આત્મામાં એક અમૂર્તત્વ નામની શક્તિ છે. શું કીધું? જે ઇન્દ્રિયગ્રાહ્ય નથી, અતીન્દ્રિયજ્ઞાન દ્વારા જ જે જાણવામાં-અનુભવમાં આવે છે એવાભગવાન આત્માનો, કહે છે, અમૂર્તત્વ સ્વભાવ છે, કર્મબંધના અભાવથી તેનું વ્યક્તરૂપે પરિણમન થાય છે. સમસ્ત કર્મોનો અભાવ થઈને સિદ્ધદશા પ્રગટે છે ત્યારે સાક્ષાત્ પૂર્ણ અમૂર્તપણું વ્યક્ત-પ્રગટ થાય છે. અને ચોથે ગુણસ્થાને જેટલો કર્મબંધનો અભાવ છે એટલું આ અમૂર્તત્વશક્તિનું પરિણમન થાય છે. અહાહા...! અનંત ગુણોનો સમુદાય પ્રભુ આત્મા છે. તેની સન્મુખની દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ થતાં અનંત ગુણોનો એક-એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે, અને ત્યારે ભેગી આ અમૂર્તત્વશક્તિ પણ અંશે વ્યક્તરૂપે પરિણમે છે.
અહા! રાગથી ખસીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતા અનંત ગુણમાં અંશે અમૂર્તપણાનું વ્યક્ત પરિણમન થાય છે, આત્મપ્રદેશોરૂપ અમૂર્તપણું પ્રગટ થાય છે. એમ આત્મા છે તો અમૂર્ત ચીજ, પણ કર્મના સંબંધથી તેને રૂપી કહેવામાં આવે છે. સમ્યગ્દ્રષ્ટિને જે રાગાદિ ભાવ છે તેને પણ રૂપી-મૂર્ત કહે છે. રાગ પુદ્ગલના પરિણામ છે માટે તે રૂપી છે. દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેટલી સ્વરૂપલીનતા થાય છે તેટલો કર્મબંધનો અભાવ થાય છે, ને તેટલા પ્રમાણમાં રાગના અભાવરૂપ જે શુદ્ધત્વ-પરિણમન વ્યક્ત થાય છે તે અમૂર્તત્વશક્તિનું પરિણમન છે. સાધકને ભલે પૂર્ણ પ્રગટ ન થાય તોપણ અંશે અમૂર્તત્વશક્તિનું વ્યક્તરૂપે પરિણમન થાય છે, અને તે પરિણમન સ્પર્શ-રસ-ગંધ- વર્ણથી રહિત હોય છે.
આસ્રવ અધિકારમાં આ વાત લીધી છે. ચોથા ગુણસ્થાને દ્રવ્યદ્રષ્ટિ થતાં જેટલા અંશે શુદ્ધિ પ્રગટ થાય છે તેટલા અંશે ત્યાં કંપનનો અભાવ થઈને અજોગપણું વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે અમૂર્તત્વશક્તિનું પણ વ્યક્ત પરિણમન ચોથા ગુણસ્થાનમાં થાય છે. નિષ્ક્રયત્વશક્તિનું વર્ણન હવે પછી આવશે. આત્માનો અનુભવ થતાં જ્ઞાનીને પર્યાયમાં અંશે નિષ્ક્રિયત્વ શક્તિનું પરિણમન થાય છે, ત્યાં અકંપદશા થાય છે. આવી વાત!
આ બધો અભ્યાસ કરવો જોઈએ ભાઈ! તિર્યંચને સમ્યગ્દર્શન થાય છે પણ તેને બીજા શલ્ય હોતા નથી. (શરીરાદિમાં) એકત્વબુદ્ધિનું એક જ શલ્ય હોય છે અને તે થતાં છૂટી જાય છે. અહીં મનુષ્યપણામાં તો ઘણા
PDF/HTML Page 4027 of 4199
single page version
શલ્ય અને ઘણા બધા વિપરીત આગ્રહ હોય છે. માટે તે અનેકવિધ શલ્યને દૂર કરવા સારુ અનેક પ્રકારે તત્ત્વાભ્યાસ કરી સાચું જ્ઞાન કરવું જોઈએ.
અહા! જ્ઞાનસ્વરૂપી આત્મા સદાય અમૂર્ત જ છે; અમૂર્તત્વ એ તેનો સ્વભાવ છે ને તે ગુણપર્યાયમાં વ્યાપે છે; જેથી તેના ગુણો અમૂર્ત અને પર્યાયો પણ અમૂર્ત છે. અરે ભાઈ! જ્ઞાનમાત્ર ભાવમાં મૂર્તપણાનો પ્રવેશ જ નથી, તેમાં કર્મનો સંબંધ ને દેહનો સંબંધ કયાંય આવતો નથી. અહા! અશરીરી ચૈતન્યબિંબ-બીનમૂરત ચિન્મૂરત પ્રભુ-તેને મૂર્ત દેહના સંબંધથી ઓળખવો એ તો કલંક છે, મિથ્યાભાવ છે. અરે ભાઈ! પોતાની અનંત ચૈતન્યશક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને-દેહને, કર્મને ને રાગાદિ વિકારને કદી ગ્રહ્યાં જ નથી; એ તો સદાય અમૂર્તપણે શોભી રહ્યો છે. હમણાં પણ શુદ્ધનયથી જોતાં આત્મા કર્મના સંબંધ રહિત અબદ્ધ-અસ્પૃષ્ટ અને રાગના સંબંધ રહિત છે. ધર્મી જીવ અંતર્દ્રષ્ટિ વડે પોતાના આત્માને કર્મના સંબંધ વગરનો અમૂર્ત અનુભવે છે. અહાહા...! ત્રિકાળી દ્રવ્ય-ભગવાન આત્મા ત્રિકાળ અમૂર્ત અને તેની સ્વભાવદ્રષ્ટિમાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે પણ અમૂર્ત-દેહ, કર્મ અને વર્ણાદિભાવોથી રહિત છે. તથાપિ અત્યારે તો આત્મા કર્મના સંબંધવાળો છે, દેહવાળો છે, મૂર્ત છે, વિકારી છે એમ જ જે અનુભવ્યા કરે છે તે આત્મા-અનાત્માના વિવેકરહિત મિથ્યાદ્રષ્ટિ છે.
તો શાસ્ત્રોમાં જીવને મૂર્ત પણ કહ્યો છે ને? હા, કહ્યો છે; સંસારદશામાં જીવને મૂર્ત કર્મો સાથે નિમિત્ત સંબંધ છે તેથી તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મૂર્ત કહ્યો છે; તોપણ નિશ્ચયથી જેનો સદાય અમૂર્તસ્વભાવ છે અને ઉપયોગગુણ વડે જે સમસ્ત અન્ય દ્રવ્યોથી અધિક છે એવા જીવને વર્ણાદિરૂપ મૂર્તપણું જરાય નથી. સમયસાર ગાથા ૬૨માં, વર્ણાદિ ભાવો સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહ્યું છે-“હે મિથ્યા અભિપ્રાયવાળા! જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વ ભાવો જીવ જ છે”-અર્થાત્ જીવ મૂર્ત જ છે, “તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી.” વળી સંસારી જીવો મૂર્ત છે એમ જો તું કહે તો મૂર્ત તો પુદ્ગલ જ હોય છે તેથી તારી માન્યતામાં પુદ્ગલ જ જીવ ઠર્યો, જુદો જીવ તો રહ્યો નહિ; મોક્ષદશામાં પણ મોક્ષ તો પુદ્ગલનો જ થયો. માટે ન્યાય તો આ જ છે કે મોક્ષદશામાં કે સંસારદશામાં ભગવાન આત્માનો સદા અમૂર્ત-સ્વભાવ જ છે. (જુઓ સમયસાર ગાથા ૬૩-૬૪).
અહીં ‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા... આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ’-એમ કહીને ત્રિકાળી શક્તિ અને તેની નિર્મળ પર્યાય બતાવી છે; તેમ જ સંસારદશામાં કર્મબંધનું નિમિત્તપણું છે એમ પણ બતાવ્યું છે. આત્માને સંસારદશા છે ત્યારે તેના નિમિત્તરૂપ કર્મનો સંબંધ પણ છે, પણ તે કૃત્રિમ ઉપાધિરૂપ છે, ને તે અભૂતાર્થ છે, જે જીવ પોતાની અવસ્થાની અશુદ્ધતાને તથા તેના નિમિત્તને જેમ છે તેમ જાણી, તથા પોતાની શક્તિને ઓળખી, શક્તિવાન નિજ આત્મદ્રવ્યના આશ્રયે પરિણમે છે તેને અશુદ્ધતા ટળી શુદ્ધતા પ્રગટે છે, ને ત્યારે કર્મબંધના અભાવપૂર્વક આત્મપ્રદેશો સહજ-સ્વાભાવિક અમૂર્તપણે વ્યક્ત થાય છે. આમ સહજ સ્પર્શાદિશૂન્ય આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તિકપણું ત્રિકાળ છે તે પર્યાયમાં વ્યક્ત થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...? ‘સમજાણું કાંઈ...? ’ -એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેનો ખ્યાલ આવે છે કે નહિ? બાકી વાસ્તવિક સમજણ કરી અંતર-અનુભવ કરે એ તો ન્યાલ થઈ જાય, એને આત્મા પ્રત્યક્ષ થઈ જાય એવી આ વાત છે
અહા! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સદાય અમૂર્ત છે, ને આ શરીર તો મૂર્ત જ છે. અત્યારે પણ બન્નેનાં લક્ષણ જુદાં છે. અહા! આમ લક્ષણભેદ વડે બન્નેની ભિન્નતા જાણીને હે ભાઈ! તું મૂર્ત શરીરનો પાડોશી થઈ જા. અહાહા...! જેવા સિદ્ધ પ્રભુ અમૂર્ત, તેવો જ તું અમૂર્ત છો. માટે મૂર્ત શરીરની ક્રિયાથી ભિન્ન એવા તારા ચૈતન્યસ્વરૂપને જાણ. આ ઇન્દ્રિયાદિ મૂર્ત પદાર્થો તારા કાંઈ નથી. માટે ત્યાંથી લક્ષ હઠાવી, ઉપયોગને સ્વસ્વરૂપમાં જોડી દે. અરેરે! વિજ્ઞાનઘન પ્રભુ આત્મા મૂર્ત કલેવરમાં મૂર્છાઈ જાય એ તો મહા કલંક ને મહા વિપરીતતા છે.
ભાઈ! યથાર્થ સમજ્યા વિના (એકાંતે) કર્મથી રાગ થાય, ને રાગથી-શુભરાગથી ધર્મ થાય એમ તું માને પણ તે બરાબર નથી. જો કર્મથી રાગ થાય તો કર્મ-પુદ્ગલ જ સંસાર થયો, પણ સંસાર તો જીવની વિકારી પર્યાય અર્થાત્ વિભાવ દશા છે, અને તે પોતાની યોગ્યતાથી થઈ છે, કર્મને લઈને નહિ. તથા જો શુભરાગથી ધર્મ થાય તો શુભરાગ જ ધર્મ ઠર્યો, પણ ધર્મ તો વીતરાગતારૂપ છે. અહા! આ પ્રમાણે યથાર્થ તત્ત્વદ્રષ્ટિ થયા વિના, આત્મભાન વિના કોઈ મુનિપણું-દ્રવ્યલિંગ બહારમાં અંગીકાર કરે, પણ તેથી શું? શ્રી પ્રવચનસારમાં તેને સંસારતત્ત્વ કહ્યું છે. દ્રવ્યલિંગ ધારણ કરે, પંચ
PDF/HTML Page 4028 of 4199
single page version
મહાવ્રતાદિ પાળે, છતાં જો વસ્તુસ્વરૂપને બીજી રીતે માને તો એવા નગ્ન દિગંબર જૈન સાધુને પ્રવચનસારની ગાથા ૨૭૧માં સંસારતત્ત્વ કહેલ છે. રાગ અને પુણ્યના ભાવને પોતાના માનનારને, હિતરૂપ માનનારને મોક્ષ કે મોક્ષનો મારગ હોતો નથી; તે તો સંસારી જ છે; અને કર્મના સંબંધે પરિણમે તે પણ સંસારી જ છે.
અરે ભાઈ! આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે-એમ જાણવું તે વ્યવહાર છે, અને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા વિકાર ને બંધનથી રહિત છે એવા એના ચિન્માત્ર સ્વભાવને જાણવો તે નિશ્ચય છે. ત્યાં જે જીવ એકાંતે વ્યવહારને જ સ્વીકારી તેના આશ્રયમાં અટકી રહે છે તે સંસારી મિથ્યાદ્રષ્ટિ છે; ને જે જીવ ચિન્માત્ર શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે, ધર્માત્મા છે; તેને શુદ્ધ દ્રવ્યના આશ્રયે પર્યાય નિર્મળ-નિર્મળ થતી જાય છે, અને કર્મ સાથેનો સંબંધ મટતો જાય છે, ને ક્રમે સાક્ષાત્ સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે. ત્યાં આત્માનો અમૂર્તસ્વભાવ પૂર્ણ ખીલી જાય છે. આવો મારગ છે ભાઈ! યોગસારમાં યોગીન્દુદેવે કહ્યું છે ને કે-
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર.
ભાઈ! ભવથી છૂટવું હોય, અશરીરી થવું હોય તો ધ્યાન વડે તારા અંતરમાં અશરીરી જ્ઞાનસ્વભાવને દેખ; તેને ધ્યાતાં પરમ સુખમય અશરીરી સિદ્ધદશા થશે; પછી ફરીવાર બીજી માતાનું દૂધ નહીં પીવું પડે.
આ પ્રમાણે વીસમી અમૂર્તત્વશક્તિ પુરી થઈ.
‘સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ. (જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.)’
જુઓ, કર્મના નિમિત્તે, કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદિ પરિણામ તેનો કર્તા આત્મા નથી. આઠ કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે તે સઘળા જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામ છે, અનાત્મ પરિણામ છે, અસ્વભાવભાવો છે; ભગવાન આત્મા તેનો કર્તા નથી. ઓહો! સમકિતીને જે સ્વરૂપનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન પ્રગટ થયાં છે તેના ભેગું રાગાદિનું અકર્તૃત્વ પણ પ્રગટયું જ હોય છે, જેથી જ્ઞાની-ધર્મી જીવ રાગાદિનો કર્તા થતો નથી. અહા! આવો આત્માનો અકર્તા સ્વભાવ છે.
અહા! આત્મામાં અકર્તાપણાનો એક ગુણ છે. તેનું કાર્ય શું? કે કર્મના નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના વિકારી ભાવ તેને કરે નહિ, કરવાની નિવૃત્તિસ્વરૂપ પરિણમે તે એનું કાર્ય છે. બસ, વિકારથી નિવર્તવું... નિવર્તવું... નિવર્તવું ને સ્વરૂપમાં-જ્ઞાનસ્વભાવમાં ઠરવું જ ઠરવું એ એનું કાર્ય છે. અહા! સિદ્ધ પરમાત્માનું જે કાર્ય નથી તે (-વિકાર) ભગવાન આત્માનું કાર્ય નામ કર્તવ્ય નથી. આવો જ આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે.
પ્રશ્નઃ– તો શું જ્ઞાની-ધર્મી પુરુષને રાગ હોતો જ નથી. ઉત્તરઃ– ભાઈ! એમ વાત નથી. અસ્થિરતાના કાળમાં ધર્મીનેય યથાસંભવ શુભાશુભ હોય છે, પણ તેનું શ્રદ્ધાન-જ્ઞાન આમ છે કે આ વિકાર મારું સ્વરૂપ નથી, મારું કર્તવ્ય નથી. હું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાયક છું, ને તેમાં ઠરું એ જ મારું કર્તવ્ય છે. આમ પર્યાયમાં જ્ઞાનીને દયા, દાન આદિ રાગના પરિણામ છે, પણ તેનું એને કર્તૃત્વ નથી. જ્ઞાન સાથે રાગનું અકર્તાપણું નિયમથી જ્ઞાનીને પ્રગટ થયું જ હોય છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-આત્મા કર્મને કરે ને કર્મને ભોગવે. અરે, તું શું કહે છે આ ભાઈ? અનંતગુણનિધાન પ્રભુ આત્મામાં એવી કોઈ શક્તિ જ નથી જે કર્મને કરે ને કર્મને ભોગવે. એ તો અજ્ઞાન દ્રષ્ટિમાં જ તને કર્મનું કર્તાપણું ભાસે છે, બાકી સ્વભાવદ્રષ્ટિવંતને તો આત્મા અકર્તા જ છે, અભોક્તા જ છે. રાગ કરવો એ આત્માનું સ્વરૂપ જ નથી.
PDF/HTML Page 4029 of 4199
single page version
જુઓ, નીચે નરક ગતિ છે. નરકની ભૂમિમાં વૈતરણી નામની નદી છે. તે નદીનું પાણી અગ્નિની જ્વાળા જેવું ઉષ્ણ છે. પરમાધામી દેવો નારકી જીવોને તે નદીના પાણીમાં ફેંકે છે. અરરર! કેટલી પીડા! અહીં મોટા રાજા હોય તે હિંસાદિ કુકર્મો વડે મરીને નરકમાં જાય છે. ત્યાં ઉપજવાનાં ભમરીના દર જેવાં બીલ હોય છે. ત્યાંથી પટકાઈને નીચે પડે તેની વેદનાનું શું કહેવું? પારાવાર અસહ્ય વેદના હોય છે. શ્રેણિક રાજા ક્ષાયિક સમકિત સહિત પહેલા નરકમાં ગયા છે. ત્યાં દુઃખના પરિણામ થાય તેના તેઓ કર્તા નથી, ભોક્તા નથી. જ્ઞાનીને તો જાણવા-દેખવારૂપ પરિણામ થાય છે અને તેના તેઓ કર્તા છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ હોવાથી, પર્યાયમાં કર્મના નિમિત્તે જે વિકારી ભાવ થાય છે તેના તેઓ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા નથી. જાણવા-દેખવાના પરિણામ થાય તે જ્ઞાનીનું કર્મ અને તેના જ્ઞાની કર્તા છે, સાથે વ્યવહાર-રાગ છે તેના જ્ઞાની કર્તા નથી. ભાઈ! સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ તે રાગ છે, તે પરિણામ મિથ્યાત્વ નથી, પણ તેને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. ખાનિયા તત્ત્વચર્ચામાં આ પ્રશ્ન ચર્ચાયો છે.
પ્રશ્નઃ– દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે? ઉત્તરઃ– ના, બીલકુલ નહિ; દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે શુભભાવ છે, તે મિથ્યાત્વ નથી; તે ધર્મ પણ નથી, તેને ધર્મ માનવો તે માન્યતા મિથ્યાત્વ છે. પં. ફૂલચંદજીએ જવાબ આપી બરાબર ખુલાસો કર્યો છે. દેવ-ગુરુ- શાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે. તેમના પ્રતિ લક્ષ જાય તે ભાવ શુભ છે. તે ભાવ જ્ઞાનીને પણ આવે છે, પણ તેને તે ધર્મ માનતા નથી. અરે ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-ભક્તિ-વિનય હોય એ જુદી વાત છે અને તેમના પ્રત્યેની શ્રદ્ધાના રાગને ધર્મ માનવો એ જુદી વાત છે.
દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭માં કહ્યું છે કે જ્ઞાયકભાવનું ધ્યાન કરતાં જે નિર્વિકલ્પ દશા થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તથા સાથે જે રાગ રહ્યો તેને આરોપથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. આ પ્રમાણે વ્યવહારનો રાગ હોય છે પણ તેનો આત્મા કર્તા નથી. અહાહા...! રાગના અકર્તાપણે પરિણમે એવો આત્માનો સહજ અકર્તા સ્વભાવ છે. રાગના કર્તાપણે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી. આવી વાત!
હવે આવું સમજવાની એને કયાં ફુરસદ છે? એ તો બસ ખાવું, પીવું, ખેલવું ને બૈરાં-છોકરાંને રાજી રાખવામાં રોકાઈ ગયો છે. અને તેમાં કાંઈક ધન-પાંચ પચાસ લાખનું કમાય એટલે રાજી રાજી થઈ જાય ને ફૂલાઈ જાય. પણ એ તો બધી પુદ્ગલની ચીજ; ધૂળ છે બાપુ! ખાય, પીવે ને કમાય-એ બધી તો પૃથક્ભૂત પુદ્ગલની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી તથા તે પદાર્થોના લક્ષે જે રાગની વૃત્તિનું ઉત્થાન થાય તેનો પણ કર્તા આત્મા નથી. આત્મા તો તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા નહિ. પરના લક્ષે રાગ થાય તેને પણ શાસ્ત્રમાં પુદ્ગલના પરિણામ કહ્યા છે, તેનું કતૃત્વ આત્માને નથી અર્થાત્ તેને ન કરવા એવી અકર્તૃત્વ નામની આત્માની શક્તિ છે.
અરે ભાઈ! આ દેહ તો જોતજોતામાં ફૂ થઈને ઉડી જશે. દેહની સ્થિતિ કયારે પૂરી થશે તે કોણ જાણે છે? માટે જગતની જંજાળ અને દેહની સંભાળ એક કોર મૂકીને આત્માની-પોતાની સંભાળ કર. જગતનું કાંઈ કામ કરવું ને દેહને ઠીક રાખવો એ તો તારા અધિકારની વાત નથી. માટે જૂઠા વિકલ્પથી વિરામ પામી નિજ શક્તિની સંભાળ કર; તેમાં જ આ ઉત્તમ અવસરની સાર્થકતા છે. આમાં ત્રણ વાતનો નિશ્ચય થાય છે.
૧. પૃથક્ભૂત પરદ્રવ્યનું કર્તૃત્વ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કોઈ પ્રકારે નથી. ૨. સ્વભાવથી તો વિકારનું પણ આત્માને અકર્તૃત્વ જ છે. હું કરું છું-એવી મિથ્યા માન્યતાને કારણે અજ્ઞાની
પરિણમે છે).
૩. સ્વસ્વરૂપની સંભાળ કરીને જે સ્વસન્મુખ થઈ નિર્મળ-નિર્મળ પરિણમે છે તે જ્ઞાની વિકારનો સાક્ષાત્
અરે ભાઈ! આ અવસરમાં સ્વાધ્યાય વડે યથાર્થ તત્ત્વનિર્ણય કરવો જોઈએ.
જુઓ, શાસ્ત્ર-સ્વાધ્યાયનો ભાવ આવે તે શુભ વિકલ્પ છે, તથાપિ પ્રવચનસારમાં સ્વભાવના લક્ષે આગમનો અભ્યાસ કરવાનું કહ્યું છે. સમયસારની પહેલી જ ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે-કેવળી, શ્રુતકેવળીનું કહેલ સમયપ્રાભૃત હું કહું છું, તે હે શિષ્ય! તું સાંભળ; કેવી રીતે? કે અનંત સિદ્ધોનું તારી પર્યાયમાં સ્થાપન કરીને સાંભળ. મેં તો અનંત સિદ્ધોનું મારી પર્યાયમાં સ્થાપન કર્યું છે, તું પણ અનંત સિદ્ધોની તારી પર્યાયમાં સ્થાપના કરીને સમયસાર નામ શુદ્ધ આત્મા
PDF/HTML Page 4030 of 4199
single page version
-તેને કહેનારું આ સમયસાર શાસ્ત્ર સાંભળ. સિદ્ધની પર્યાય તો એક સમયની છે, પણ પોતાનો આત્મા અનંત અનંત સિદ્ધ પર્યાયોનો પિંડ છે ને! અહા! એવા સ્વરૂપની તું આ વાત સાંભળ. અહાહા...! ‘वंदित्तु सव्वसिद्धे’ નો આવો અર્થ છે. અહાહા...! અનંત સિદ્ધોનું પર્યાયમાં સ્થાપન કરે ત્યાં પોતાની દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભણી જાય છે.
અહીં કહે છે. -શુભાશુભ રાગના પરિણામ જ્ઞાતૃત્વથી ભિન્ન છે ને તે પરિણામ કર્મથી કરવામાં આવે છે. પણ ભગવાન આત્મા તેનો કર્તા નથી. કેમકે આત્મા તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ અકર્તૃત્વસ્વભાવી છે. અહાહા...! આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા શુભાશુભ પરિણામોનો કર્તા થતો નથી, એવો જ એનો અકર્તૃત્વ સ્વભાવ છે. જે ભાવથી તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બંધ પડે તે ભાવનો કર્તા આત્મા નથી, તેનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે. કર્મકૃત પરિણામોનો આત્મા જાણનાર છે, કર્તા નથી.
અહીં શુભાશુભ વિકાર થાય છે તેને કર્મકૃત કહ્યા તેથી તે કર્મથી નીપજે છે એમ અર્થ નથી. વિકારભાવ તો જીવ પોતે સ્વતંત્રપણે કરે છે, પણ કર્મ-નિમિત્તને આધીન થઈ વિકારને કરતો હોવાથી તેને કર્મકૃત કહ્યા છે. બાકી કર્મ તો બિચારાં જડ છે, તે શું કરે? પૂજાની જયમાલામાં આવે છે ને કે-
અગનિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.
તો ગોમ્મટસારમાં જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય ઇત્યાદિ આવે છે ને? હા, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું નિમિત્તપરક કથન છે. જ્ઞાન કાંઈ જ્ઞાનાવરણીય કર્મના ઉદય વડે રોકાઈ ગયું છે એમ નથી. જ્ઞાનની હીનદશાનું હોવું એ તો પોતાની જ યોગ્યતાથી છે, કર્મ તો નિમિત્તમાત્ર છે. વિકાર કર્મનું નિમિત્ત હોતાં થાય છે તેથી તેને કર્મકૃત કહેવામાં આવે છે.
સમ્યગ્દ્રષ્ટિને જે કિંચિત્ રાગ થાય છે તે પોતાની યોગ્યતાથી કમજોરીવશ થાય છે, પણ સ્વભાવદ્રષ્ટિવંત જ્ઞાની તેના કર્તા નથી, કેમકે વિકારને કરે નહિ એવો આત્માનો અકર્તા સ્વભાવ છે. અહાહા...! રાગ થાય તે જ્ઞાયકથી ભિન્ન પરિણામ છે; અને જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામ છે તે પરિણામોના કરણના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે.
ત્યારે કોઈ વળી કહે છે-આપણને આતમા-ફાતમા કાંઈ સમજાય નહિ, આપણે તો પુણ્ય કર્યા કરવાં ને સ્વર્ગાદિનાં સુખ ભોગવવાં બસ.
અરે ભાઈ! અંદર તું સુખનિધાન જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ ભગવાન છો તેનો ઈન્કાર કરીને પુણ્યના ફળની હોંશ- મીઠાશ કરી રહ્યો છો, પણ તેમાં તો અનંત સંસારરૂપી વૃક્ષના મિથ્યાત્વરૂપ મૂળિયાં પડયાં છે. અહીં કહે છે-પુણ્ય પરિણામ ભગવાન જ્ઞાયકથી ભિન્ન છે, અને તેના કરણના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. હવે પોતાના આવા સ્વભાવને ઓળખ્યા વિના પુણ્ય ને પુણ્યકર્મની હોંશ તું કર્યા કરે છે. પણ અનાદિ સંસારમાં પુણ્ય અને પુણ્યકર્મનો કાળ અત્યંત અલ્પ હોય છે; મિથ્યાદશામાં અનંત અનંત કાળ તો જીવનો પાપ અને પાપના ફળરૂપ દુઃખમાં જ વ્યતીત થાય છે. સમજાય છે કાંઈ...?
એક અજાણ્યા ગૃહસ્થ થોડા વખત પહેલાં આવેલા. તે કહે-“હું તીર્થંકર છું, ચાર ઘાતિકર્મનો મને ક્ષય થયો છે, ચાર અઘાતિકર્મ બાકી છે.” પછી થોડી વાર પછી તે કહે-“મારી પાસે પૈસા નથી, મારા માટે સગવડ કરી આપો.” જુઓ, આ વિપરીતતા! તેને કહ્યું-ભાઈ! આ તો તદ્ન વિપરીત દ્રષ્ટિ છે, કેમકે વસ્ત્ર સહિત મુનિપણું હોઈ શકે નહિ, પછી કેવળજ્ઞાન થઈ જાય, અને ચાર ઘાતિકર્મનો ક્ષય થઈ જાય એ તો સંભવે જ કયાંથી? હવે આવું ને આવું-ઘણું બધું વિપરીત-માનનારા જગતમાં ઘણા પડયા છે!
અહાહા...! આત્મા અનંત શક્તિનો પિંડ, અનંત ગુણરત્નોથી ભરેલો ભગવાન રત્નાકર છે. તેનો અંતરસન્મુખ થઈ અનુભવ થતાં સાથે અતીન્દ્રિય આનંદની લહર ઉઠે છે; આનું નામ સમ્યગ્દર્શન છે. જુઓ, ‘चारित्तं खलु धम्मो’- ચારિત્ર ખરેખર ધર્મ છે, અને ‘दंसण मूलो धम्मो’ -ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. એટલે શું? કે સમ્યગ્દર્શન છે તે ચારિત્રનું મૂળ છે; સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિના કોઈ બહારમાં વ્રત, તપ કરો તો કરો, પણ એ કાંઈ નથી, થોથાં છે; અર્થાત્ ભગવાને તેને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે.
PDF/HTML Page 4031 of 4199
single page version
અહાહા...! સ્વસ્વરૂપની રમણતારૂપ ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં રમવું, ચરવું, ઠરવું એનું નામ ચારિત્ર છે. પ્રચુર અતીન્દ્રિય આનંદનું જ્યાં ભોજન છે એનું નામ ચારિત્ર છે. એ તો કોઈ પરમ પારલૌકિક દશા બાપુ! ચારિત્ર કોને કહીએ? અહો! ધન્ય એ ચારિત્ર દશા ને ધન્ય અવતાર! સમ્યગ્દ્રષ્ટિને આ ચારિત્રદશા પૂજનીક છે. અહાહા...! અભેદ રત્નત્રયસ્વરૂપ ભગવાન આત્મા અનંતગુણ-રત્નાકર છે; તેના સન્મુખની દ્રષ્ટિ કરી તેનો સ્વસંવેદનમાં અનુભવ કરવો તે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન છે, અને તે મહા મહિમાવંત મોક્ષ દશાનું પ્રથમ સોપાન છે. છહઢાલામાં આવે છે ને કે-
સમ્યક્તા ન લહૈ સો દર્શન, ધારો ભવ્ય પવિત્રા.
અધ્યાત્મ પંચસંગ્રહમાં પં. દીપચંદજીએ કહ્યું છે કે-અભવ્ય જીવને જ્ઞાન હોય છે પણ જ્ઞાનની પરિણતિ હોતી નથી. એટલે શું? અહાહા...! અંદર જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેનું સ્વસંવેદન જ્ઞાન થાય તેને જ્ઞાન પરિણતિ કહે છે. અભવિને ૧૧ અંગ અને નવ પૂર્વનું જ્ઞાન થાય છે, પણ તેને જ્ઞાનની પરિણતિ થતી નથી. ઓહોહો...! અગિયાર અંગનું જ્ઞાન કોને કહીએ? એક આચારાંગ શાસ્ત્રના ૧૮૦૦૦ પદ છે, અને એક પદના પ૧ કરોડ ઝાઝેરા શ્લોક છે. બીજા સૂયડાંગના એનાથી બમણા, એમ બમણા બમણા કરતાં ૧૧ અંગ સુધી લેવું. આ ઉપરાંત નવ પૂર્વનું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન કાંઈ અભ્યાસ કરવાથી પ્રગટતું નથી. એ તો સહજપણે એ જાતની લબ્ધિ પ્રગટે છે. સાત દ્વીપ અને સાત સમુદ્ર દેખે એવું વિભંગ જ્ઞાન પણ અભવિને પ્રગટ થાય છે; પરંતુ તેને જ્ઞાનની પરિણતિ નથી. અહા! જેમાં નિજ જ્ઞાયકસ્વભાવનું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન થાય તેવી જ્ઞાનની પરિણતિ તેને નથી.
અહાહા...! શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડીને, સચ્ચિદાનંદસ્વરૂપ અંદર આત્મા નિર્વિકલ્પ અભેદ એક બિરાજે છે તેને જ્ઞાનમાં જ્ઞેય બનાવી, તેનાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન કરવાં તેનું નામ જ્ઞાન પરિણતિ છે. અહાહા...! આવું નિજ આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પરિણતિની સાથે અનંત શક્તિઓ પણ ભેગી વ્યક્ત થઈને પર્યાયમાં ઉછળે છે, ઉદિત થાય છે. આનું નામ આત્મજ્ઞાન છે, અને તે જ્ઞાનમાં અહીં કહે છે, રાગનું કર્તાપણું નથી. જ્ઞાન સાથે ભેગો અકર્તા સ્વભાવ ઉછળે છે ને! તેથી જ્ઞાની રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. આવી વાત!
જુઓ, મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. તેમાં છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેનો વિસ્તાર અસંખ્ય જોજનમાં છે. તેમાં નીચે રેતી નથી, રત્નો ભર્યાં છે. તેમ ભગવાન આત્મા-અખંડ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુ- અનંત ચૈતન્ય-રત્નોનો ભંડાર છે, સ્વયંભૂ ચૈતન્યરત્નાકર છે. પ્રવચનસારની ગાથા ૧૬માં તેને સ્વયંભૂ કહેલ છે. અહાહા...! તેની દ્રષ્ટિ કરી અંદર ઝુકવાથી અર્થાત્ તેમાં તન્મય થઈ પરિણમવાથી અનંત ગુણરત્નો પર્યાયમાં નિર્મળ- નિર્મળપણે વ્યક્ત થઈ ઉછળે છે. અહા! તે પર્યાયો ક્રમરૂપે પ્રવર્તે છે. અહીં શુદ્ધ પર્યાયોની વાત લેવી, કેમકે શક્તિના અધિકારમાં અશુદ્ધ પર્યાયની વાત જ નથી.
નિયમસારની ગાથા ૩૮માં પર્યાયથી રહિત ત્રિકાળી જે એક જ્ઞાયકભાવ છે તેને આત્મા કહ્યો છે. ત્યાં દ્રવ્યદ્રષ્ટિનો વિષય એવું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સિદ્ધ કરવું છે. જ્યારે અહીં ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકનાં શ્રદ્ધાન-જ્ઞાન થતાં જે પર્યાયોમાં અનંત શક્તિઓનું પરિણમન થયું તે પર્યાયો અને ગુણોના સમૂહને આત્મા કહ્યો છે. અહીં દ્રવ્યની શક્તિઓ અને તેનું પરિણમન સિદ્ધ કરવું છે. તેથી દ્રવ્યમાં અક્રમે પ્રવર્તતી શક્તિઓ અને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મા એમ કહ્યું છે. આમાં વિકારી પરિણમનની વાત આવતી નથી, કેમકે વિકાર તે શક્તિનું કાર્ય નથી, પણ કર્મના નિમિત્તે ઉત્પન્ન થતો ઔપાધિકભાવ છે; વાસ્તવમાં તેનું કર્તૃત્વ ભગવાન આત્માને નથી.
આ ૪૭ શક્તિઓ કહી છે તે બધી આત્મામાં તો એક સાથે છે, અહીં તેનું વર્ણન એક પછી એક કર્યું છે. તેમ પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયનો અધિકાર છે. અને તે નયના વિષયરૂપ ધર્મો પણ દ્રવ્યમાં એકી સાથે છે. શું કીધું? નિત્ય, અનિત્ય આદિ બધા ધર્મો એકી સાથે છે. ને તેથી કાળે મોક્ષ થાય અને અકાળે મોક્ષ થાય એમ કહ્યું છે છતાં તે બન્ને ધર્મો એકી સાથે એક સમયમાં રહે છે. તે જાતની જે દ્રવ્ય કે પર્યાયગત યોગ્યતા છે તેને ધર્મ કહેલ છે. નિયતિનય અને અનિયતિનયના વિષયરૂપ બન્ને ધર્મો પર્યાયમાં એક જ સમયે છે. સ્વભાવરૂપ પર્યાયને નિયત કીધી છે, ને વિભાવરૂપ પર્યાયને અનિયત કહી છે. તેવી રીતે ક્રિયાનય અને જ્ઞાનનયની પણ ત્યાં વાત કરી છે;
“આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.”
PDF/HTML Page 4032 of 4199
single page version
“આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.” આ બન્ને ધર્મો આત્મામાં એકી સાથે છે. એક જીવને ક્રિયાથી મોક્ષ થાય ને બીજા જીવને જ્ઞાનથી મોક્ષ થાય એમ બનતું નથી. તેમ જ જીવને કોઈવાર ક્રિયાથી અને કોઈવાર જ્ઞાનથી મોક્ષ થાય એમ પણ બનતું નથી. બન્ને ધર્મો દ્રવ્યમાં એકી સાથે હોય છે; માત્ર વિવક્ષાભેદ છે.
અહીં અકર્તૃત્વશક્તિનું વર્ણન ચાલે છે. કર્મો દ્વારા કરવામાં આવેલા વિકારી પરિણામના કરવાના અભાવસ્વરૂપ અકર્તૃત્વશક્તિ છે. વિકારના પરિણામ કર્મ-નિમિત્તના આશ્રયે થાય છે તેથી કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ-એમ કહ્યું છે. વિકાર કાંઈ સ્વભાવના આશ્રયે થતો નથી, ને આત્મામાં વિકાર કરવાનો કોઈ સ્વભાવ-શક્તિ નથી. પર્યાયમાં વિકાર થાય છે તે શક્તિનું કાર્ય નથી. તેથી દયા, દાન આદિ વિકારના પરિણામને કર્મથી કરવામાં આવેલા પરિણામ કહ્યા છે.
પંચાસ્તિકાયની ગાથા ૬૨માં વિકાર પોતાની પર્યાયના ષટ્કારકથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. મતલબ કે એક સમયની પર્યાયમાં થતી મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ વિકૃતિ પોતાની પર્યાયના ષટ્કારકથી થાય છે, પરના કારણે નહિ ને પોતાના દ્રવ્ય-ગુણના કારણેય નહિ.
ત્યારે સમયસારની કર્તાકર્મ અધિકારની ગાથા ૭પ-૭૬-૭૭માં એમ કહ્યું છે કે ધર્મીને પોતાનો પૂર્ણ સ્વભાવદ્રષ્ટિમાં આવતાં જે નિર્મળ પરિણામ પ્રગટ થયા છે તે તેનું વ્યાપ્ય છે અને આત્મા તેનો વ્યાપક છે. પરંતુ તેને (-ધર્મીને) જે વિકાર બાકી છે તે વિકાર તેનું વ્યાપ્ય નથી. ત્યાં, વિકાર છે તે વ્યાપ્ય છે અને પુદ્ગલ કર્મ તેને વ્યાપક છે એમ કહ્યું છે. એ તો ત્યાં વિકારથી ભિન્ન ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે માટે એમ કહ્યું છે. રાગ સ્વભાવભૂત નથી, પુદ્ગલ કર્મના સંગમાં થાય છે ને તેનો સંગ મટી જતાં મટી જાય છે તેથી તેને પુદ્ગલ કર્મનું વ્યાપ્યકર્મ કહ્યું છે.
કળશ ટીકા, કળશ ૬૮માં કહ્યું છે કે-રાગ-દ્વેષ-મોહના પરિણામ વ્યાપ્ય છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ તેમાં વ્યાપક છે. તેથી તે મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતનપરિણામોનો કર્તા છે. અજ્ઞાની જીવ વિકારમાં તન્મય થઈને પરિણમે છે તેથી તે વિકારનો કર્તા થાય છે. ભાઈ! કઈ અપેક્ષાથી કયાં શું કથન કર્યું છે તે ધ્યાનમાં રાખીને તેના અર્થ સમજવા જોઈએ. અહીં કહે છે-વિકારના પરિણામ કર્મ દ્વારા કરવામાં આવ્યા છે. અહીં સ્વભાવના પરિણામનું વર્ણન છે ને! તેથી વિભાવને કર્મના ઉદયના નિમિત્તાધીન ભાવ ગણી તેને કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ કહ્યા છે. આમ જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે યથાર્થ સમજવું જોઈએ. શાસ્ત્રમાં આવે છે કે દરેક કથનના પાંચ પ્રકારથી અર્થ કરી તેને યથાર્થપણે સમજવું. ૧. શબ્દાર્થ, ૨. આગમાર્થ, ૩. મતાર્થ, ૪. નયાર્થ, અને પ. ભાવાર્થ-આમ પાંચ પ્રકારે અર્થ કરી કથનને યથાર્થ જાણવું.
ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયકમાત્ર વસ્તુ છે. તેના સન્મુખનો અનુભવ થતાં જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે, તેના ભેગી અનંત શક્તિઓ પણ ઉછળે છે, પણ વિકારના પરિણામ ભેગા સમાતા નથી, કેમકે વિકાર પરિણામના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. અક્રમે પ્રવર્તતા ગુણો ને ક્રમવર્તી નિર્મળ પર્યાયો-એ બન્નેનો સમુદાય તેને અહીં આત્મા કહ્યો છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના પરિણામ કર્મથી કરવામાં આવેલા વિકૃત પરિણામ છે, તે જ્ઞાતૃત્વમાત્રથી ભિન્ન પરિણામ છે અને તેનાથી (તેને કરવાથી) જ્ઞાની નિવૃત્તસ્વરૂપ છે; અર્થાત્ જ્ઞાની જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા નથી.
પ્રશ્નઃ– આમાં તો આપ પુણ્યને ઉડાવો છો? ઉત્તરઃ– એમ નથી ભાઈ! આમાં તો વિકાર રહિત તારા એક જ્ઞાયકસ્વભાવની પ્રસિદ્ધિ થાય છે. તારા સ્વભાવનો મહિમા લાવી પ્રસન્ન થા. સ્વભાવની સમજણના કાળે તને જે પુણ્ય બંધાશે તે પણ બહુ ઉંચાં હશે. વળી નિજ સ્વભાવને સમજીને પુણ્ય-પાપના વિચ્છેદરૂપ પરિણમે તો તો શું વાત છે! તો વીતરાગતા ને કેવળજ્ઞાન થશે; અને તે તો કર્તવ્ય જ છે, ઇષ્ટ જ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! અનંત શક્તિના ધારક ભગવાન આત્માની અંતર્દ્રષ્ટિ કરી તેનો જ્યાં આશ્રય લીધો ત્યાં ધર્મી વિકારના-રાગના પરિણામથી નિવૃત્તસ્વરૂપ છે; વિકારમાં જ્ઞાની પ્રવૃત્તસ્વરૂપ નથી; માટે જ્ઞાનીને વિકારનું કર્તૃત્વ નથી. મારગ બહુ જુદો છે ભાઈ! અહાહા...! જેના ફળમાં અનંત કાળ પર્યંત રહે એવા અનંત ચતુષ્ટય-અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટે અહાહા...! તેનો ઉપાય કોઈ અનુપમ અલૌકિક હોય છે. અહાહા...! આવો વીતરાગનો લોકોત્તર મારગ કોઈ મહા ભાગ્યશાળી હોય તેને પ્રાપ્ત થાય છે. બાકી લોકો તો વ્રત કરો ને દાન કરો ને તપ કરો-એમ પુણ્ય
PDF/HTML Page 4033 of 4199
single page version
કરવામાં મારગ સમજી સંતુષ્ટ થાય છે, પણ એ મારગ નથી બાપુ! એ તો સઘળો પરાશ્રયરૂપ વ્યવહાર, બંધનું જ કારણ છે.
અહાહા...! ધર્મી-જ્ઞાની એને કહીએ કે જે પરાશ્રયરૂપ વ્યવહાર-રાગના કરવાથી નિવૃત્તસ્વરૂપે જ્ઞાનમય પરિણામે, આનંદમય પરિણામે પરિણમે છે. રાગનો-વ્યવહારનો પોતાને જે કર્તા માને છે તે તો વ્યવહારમૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહા! વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી તેથી તો ભગવાને વ્યવહારના આશ્રયનો નિષેધ કર્યો છે. જેમ પરને હું કરું -એવો સ્વ-પરની એકતાનો મિથ્યા અધ્યવસાય બંધનું જ કારણ છે તેમ પરાશ્રિત વ્યવહારના ભાવોથી મોક્ષમાર્ગ થશે એવી માન્યતા પણ મિથ્યા છે ને તે બંધનું જ કારણ છે. ભાઈ! આ ભગવાનના શ્રીમુખેથી આવેલી વાત છે, આમાં કયાંય વિરોધ કરવા જેવું નથી.
ધર્મી પુરુષ વ્યવહારના રાગથી નિવૃત્તસ્વરૂપ છે. પરની ક્રિયા થાય તેનો કર્તા આત્મા છે એ વાત તો દૂર રહો, રાગના-વ્યવહારના પરિણામના કરણથી-કરવાથી આત્મદ્રવ્ય નિવૃત્તિસ્વરૂપ છે. સર્વ પરદ્રવ્યો નકામા અર્થાત્ કદીય કાર્ય વિનાના નથી. પ્રત્યેક દ્રવ્ય પોતાનું કામ નિરંતર કરી જ રહ્યું છે, કોઈ પણ દ્રવ્ય એક ક્ષણમાત્ર પણ પોતાના કાર્ય વિનાનું હોતું નથી. માટે બીજો-અન્ય દ્રવ્ય તેનું કાર્ય કરે એ વાત તો છે જ નહિ; પરંતુ જ્ઞાનીને જે કિંચિત્ રાગ છે તેનોય તે કર્તા નથી, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાનીની રીતિ-ચાલ બહુ નિરાળી છે બાપુ! ભજનમાં આવે છે ને કે-
પ્રશ્નઃ– તો પ્રવચનસારમાં નયોના અધિકારમાં તેને કર્તા કહ્યો છે ને? ઉત્તરઃ– હા, જ્ઞાનીને જેટલો રાગ છે તેટલા તે પરિણામનો, જ્ઞાન અપેક્ષાએ, કર્તા પણ કહ્યો છે. રાગના પરિણામ કરવાલાયક છે એમ નહિ, જ્ઞાનીને કર્તૃત્વબુદ્ધિથી રાગની પ્રવૃત્તિ હોતી નથી; તથાપિ કમજોરીવશ જેટલો રાગ છે તેટલા રાગનો, પરિણમન અપેક્ષાએ જ્ઞાનીને ત્યાં કર્તા કહ્યો છે. ત્યાં પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન શૈલીથી વાત છે. અહીં દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે; તેથી અહીં જ્ઞાની રાગથી નિવૃત્તસ્વરૂપ છે એમ કહ્યું છે. સાથોસાથ રાગનું પરિણમન છે એટલો તે કર્તા છે એમ (કર્તૃનયે) જ્ઞાન અપેક્ષાએ સમજવું.
પ્રવચનસારમાં તો જેટલો રાગ છે તેટલો તેનો ભોક્તા જ્ઞાની છે એમ પણ કહ્યું છે. જ્ઞાનીને જેટલો રાગ છે તેટલું ત્યાં દુઃખનું વેદન પણ છે. જુઓ, શ્રેણિક રાજા આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. વર્તમાનમાં નરકક્ષેત્રમાં છે. તેઓ ક્ષાયિક સમકિતી છે. તેઓ ત્યાંથી (-નરકથી) નીકળી માતાના ગર્ભમાં અવતરણ કરશે ત્યારે સ્વર્ગના ઇન્દ્રો આવી મોટો ઉત્સવ ઉજવશે. ઇન્દ્ર પણ ક્ષાયિક સમકિતી છે, એક જ ભવ કરી મોક્ષ જશે. છતાં ભગવાનની માતાને સ્તુતિ દ્વારા કહે છે-હે માતા! આપ જગત્જનની, રત્નકૂંખધારિણી છો. આ બાળકનું જતન કરીને, સંભાળીને રાખજો. હે માતા!
માતા! જતન કરીને રાખજો, તુમ સુત અમ આધાર રે.
જુઓ, સમકિતી ઇન્દ્ર ભક્તિભાવથી સ્તુતિ કરીને આમ કહે છે કે-હે માતા! આપને મારા નમસ્કાર હો. અહા! આવો રાગ ક્ષાયિક સમકિતી એકભવતારી ઇન્દ્રને પણ આવે છે, છતાં તે રાગના વિકલ્પથી ખરેખર જ્ઞાની નિવૃત્તિસ્વરૂપે પરિણમે છે. રાગના-વિકલ્પના તેઓ જ્ઞાતા જ છે, કર્તા નહિ. ધંધા-પાણીની ક્રિયા તો જડની-જડસ્વરૂપ છે, તેનો તો કર્તા આત્મા નથી, પણ જ્ઞાનીને ભગવાન પ્રત્યે જે ભક્તિ વિનયનો વિકલ્પ ઉઠે છે તેનોય તે ર્ક્તા નથી, તેનાથીય જ્ઞાની તો નિવૃત્તસ્વરૂપ છે. અહો! મુનિરાજને જે વ્રતાદિના વિકલ્પ ઉઠે છે તેના કરવાથી તેઓ નિવૃત્તસ્વરૂપ છે. હવે આવી અંતરની વાત સમજ્યા વિના લોક તો વ્રત, તપ આદિ કરવામાં મંડી પડયા છે, પણ એ બધી ક્રિયાઓ તો થોથાં છે ભાઈ! એના કર્તાપણે પરિણમવું એ તો મિથ્યાદશા છે. સમકિતીને તો શુદ્ધતારૂપે અકર્તૃત્વશક્તિ પરિણમી છે અને તે રાગના નિવૃત્તિસ્વરૂપ છે; આ અનેકાન્ત છે.
રાગથી ધર્મ થવાનું માને અને જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવના આશ્રયે પણ ધર્મ થવાનું માને તે અનેકાન્ત નથી, સ્યાદ્વાદ નથી; એ તો ફૂદડીવાદ છે. આત્મા પોતાના નિર્મળ પરિણામનો કર્તા છે અને રાગના-વ્યવહારના કર્તૃત્વથી નિવૃત્ત છે-આ સમ્યક્ અનેકાન્ત છે.
તો પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધન કહ્યું છે ને? હા, પંચાસ્તિકાયમાં ભિન્ન સાધન-સાધ્યની વાત કરી છે, પણ એ તો બાહ્ય સહચર અને નિમિત્તનું જ્ઞાન કરાવવા
PDF/HTML Page 4034 of 4199
single page version
માટેની વાત છે. વાસ્તવમાં ભિન્ન સાધન-સાધ્ય છે જ નહિ. પરમાર્થે સાધન બે નથી, પણ શાસ્ત્રમાં સાધનનું બે પ્રકારે નિરૂપણ કર્યું છે; જેમ મોક્ષમાર્ગ બે નથી, પણ મોક્ષમાર્ગનું કથન શાસ્ત્રમાં બે પ્રકારે છે તેમ. મોક્ષમાર્ગ તો ત્રણેકાળ એક જ છે, વીતરાગભાવરૂપ એક જ મોક્ષમાર્ગ છે. તે સાથે સહચરપણે રાગ બાકી હોય છે તેથી તેને આરોપ દઈને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ તે છે તો બંધનો જ માર્ગ. જ્ઞાની તો તેના કર્તૃત્વથી નિવૃત્તસ્વરૂપ જ છે.
અહા! અકર્તૃત્વશક્તિ પરિણમે છે તેના ભેગી અકાર્યકારણત્વશક્તિ પણ પરિણમે છે. તેથી શુભભાવ કારણ અને સ્વાનુભવ થયો તે એનું કાર્ય એમ નથી. તથા નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયું તે કારણ અને વ્યવહારનો શુભરાગ થાય તે એનું કાર્ય એમ પણ નથી. ભાઈ! આત્મા રાગનું કારણેય નથી, અને રાગનું કાર્ય પણ નથી. તેમ જે શુભરાગ છે તે જ્ઞાનનું કારણેય નથી, અને જ્ઞાનનું કાર્ય પણ નથી. અહા! આ તો જૈનદર્શનની અલૌકિક વાત! ધર્મ કેમ થાય તે સમજવા માટે આ બધું પહેલાં જાણવું જોઈશે હોં; આ સમજ્યા વિના ધર્મ થવો સંભવિત નથી.
ભાઈ! શાસ્ત્રમાં કઈ પદ્ધતિથી શું કહ્યું છે તે બરાબર સમજવું જોઈએ; પોતાની મતિ-કલ્પનાથી ઉંધા અર્થ કરશે તો દ્રષ્ટિ વિપરીત થશે; અને તો શાસ્ત્ર-સ્વાધ્યાયનું સાચું ફળ નહિ આવે, સંસાર-પરિભ્રમણ જ રહેશે.
અહો! એકેક શક્તિને વર્ણવીને આચાર્યદેવે ભગવાન સમયસાર નામ શુદ્ધાત્મા પ્રસિદ્ધ કર્યો છે. એક શક્તિને પણ યથાર્થ સમજે તો અનાદિકાલીન જે વિકારની ગંધ પેસી ગઈ છે તે નીકળી જાય. અહાહા...! એકેક શક્તિ જે એક જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાયકની દ્રષ્ટિ થતાં અને તેમાં જ ઠરતાં વિકારનો અંત આવી જાય એવી આ વાત છે. હે ભાઈ! વિકાર કાંઈ મારી ચીજ નથી એમ જાણી વિકારથી ભિન્ન નિજ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કર, ને તેમાં જ ઠર, તેમાં જ ચર; જેથી આત્માનો અકર્તાસ્વભાવ અંતરમાં પ્રગટ થશે. ભવભ્રમણનો નાશ કરવાની આ જ રીત છે ભાઈ!
આ પ્રમાણે અહીં અકર્તૃત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (-ભોગવટાના) ઉપરમસ્વરૂપ અભોક્તૃત્વશક્તિ.’
જુઓ, અહીં એમ કહે છે કે-આહાર, પાણી, સ્ત્રીનું શરીર વગેરેનો ભોક્તા તો આત્મા નથી, પણ કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા એવા જે સમસ્ત વિકારી ભાવ છે તેનો પણ જીવ ભોક્ત નથી. અહા! આવો ભગવાન આત્માનો અભોક્તાપણાનો સ્વભાવ છે. જ્ઞાનીને ભોગની આસક્તિના પરિણામ થાય, પણ તે પરિણામના ભોગવટાથી જ્ઞાની નિવૃત્તિસ્વરૂપ છે. અહા! હરખ-શોકના, સાતા-અસાતાના જે પરિણામ છે તે જ્ઞાનીના જ્ઞાતાપરિણામથી જુદા જ છે, જ્ઞાની તેમાં તન્મય થતો નથી, તેથી જ્ઞાની તેનો ભોક્તા નથી, માત્ર જ્ઞાતા જ છે. જુઓ, આ જ્ઞાનભાવ સાથેનું અભોક્તૃત્વ સ્વભાવનું પરિણમન! પર્યાયમાં વિદ્યમાન હોવા છતાં તે હરખ-શોક આદિ પરભાવનું જ્ઞાનીને અભોક્તાપણું છે. અહો! આ તો સ્વભાવદ્રષ્ટિની કોઈ અદ્ભુત કમાલની વાત છે. સ્વભાવની પરિણતિ થયા વિના ન સમજાય એવી આ અંતરની અલૌકિક વાત છે. સમજાણું કાંઈ...?
દાળ, ભાત, મોસંબીનો રસ, રસગુલ્લાં ઇત્યાદિ જડ, માટી, અજીવ તત્ત્વ છે. તે રૂપી પદાર્થ છે. અરૂપી એવો ભગવાન આત્મા તેનો ભોક્તા નથી. રૂપી પદાર્થ તરફ લક્ષ કરીને આ ચીજ ઠીક છે એવો રાગ જીવ ઉત્પન્ન કરે, અને ત્યાં અજ્ઞાની એમ માને કે હું શરીરાદિને ભોગવું છું, પરચીજને ભોગવું છું, પણ એ તો એની મિથ્યા માન્યતા છે, કેમકે પરચીજને આત્મા ત્રણકાળમાં ભોગવી શકતો નથી-જડને જો આત્મા ભોગવે તો તેને જડપણું આવી પડે.
કોઈ મોટો શેઠ હોય, ભારે પુણ્યના ઠાઠ વચ્ચે ઉભો હોય, રૂપાળો દેહ મણિ-માણેકથી મઢેલો હોય ને ઘરે બાગ-બંગલા-બગીચા-મોટરો ઇત્યાદિ કરોડોની સાહ્યબીભર્યો વૈભવ હોય, ત્યાં અજ્ઞાનીને મોંમાં પાણી વળે કે-અહા! કેવી સાહ્યબી ને કેવો ભોગવટો! આ શેઠ કેવા સુખી છે! પણ ભાઈ! આ તો તારી બહિદ્રષ્ટિ છે અને તે મિથ્યા છે; કેમકે જડ પદાર્થોનો ભોગવટો આત્માને છે જ નહિ. સુખનો એક અંશ પણ તેમાંથી આવે તેમ નથી.
PDF/HTML Page 4035 of 4199
single page version
અહીં તો ધર્મી જીવની વાત છે. ધર્મી જીવને સ્વસ્વરૂપની દ્રષ્ટિ થતાં આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેથી તેઓ પ્રગટ અતીન્દ્રિય આનંદના ભોક્તા છે; તેમને કિંચિત્ રાગ બાકી છે, પણ તે રાગના તેઓ ભોક્તા નથી. અહા! સિંહ કે શિયાળિયાં ફાડી ખાતાં હોય તે કાળેય નિજાનંદરસલીન એવા મુનિરાજ આનંદના ભોક્તા છે; કિંચિત્વિષાદના પરિણામ તે કાળે થાય, પણ તેના તેઓ ભોક્તા નથી. અંદર અભોક્તૃત્વ સ્વભાવ પ્રગટયો છે ને? તેથી જ્ઞાની હરખ-શોકના ભોગવવાના નિવૃત્તિસ્વરૂપે પરિણમ્યા છે. આવી વાત! અજ્ઞાનીને દેહાધ્યાસ છે તેથી જ્ઞાનીનું અંતરંગ પરિણમન તેને ભાસતું નથી.
પ્રશ્નઃ– હા, પણ તો રાગને કોણ ભોગવે છે? ઉત્તરઃ– કોણ ભોગવે? રાગને ભોગવે રાગી. રાગના પરિણામ પોતાના ષટ્કારકથી પર્યાયમાં થાય છે, ને રાગી જીવો તેમાં તન્મય થઈ પરિણમે છે; જ્ઞાની તેમાં તન્મય નથી, તેથી જ્ઞાની રાગના ભોક્તા નથી. અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે-જીવની અભોક્તૃત્વશક્તિ, રાગ-દ્વેષાદિના અનુભવથી ઉપરમસ્વરૂપ છે. કોઈ પણ પરદ્રવ્યનો ભોક્તા તો જીવ ત્રણકાળમાં નથી, પણ રાગના ભોગવટાથી પણ ઉપરમસ્વરૂપ જીવનો સ્વભાવ છે, તેથી સ્વભાવનિયત જ્ઞાની પુરુષ રાગના ભોક્તા નથી.
ત્યારે કોઈ પંડિતોએ ઇંદોરમાં એક વાર કહેલું-“જીવને પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નથી.” અરે, તું શું કહે છે આ? મહાન દિગંબરાચાર્યો-કેવળીના કેડાયતીઓ શું કહે છે એ તો જો. અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે-આત્મા રાગનો કર્તા-ભોક્તા નથી. પરના કર્તા-ભોક્તાપણાની તો વાત જ કયાં રહી? અરે ભાઈ! સ્વભાવના દ્રષ્ટિવંતને એક નિજાનંદનો જ ભોગવટો છે, તે અન્ય (રાગાદિના) ભોગવટાથી સદા ઉપરમસ્વરૂપ છે. અરે ભાઈ! -
• આત્મા જો જડને ભોગવે તો તેને જડપણું આવી પડે.
• આત્મા જો રાગને તન્મયપણે ભોગવે તો તેને બહિરાત્મપણું આવી પડે. તેથી
• આત્મા (જ્ઞાની પુરુષ) નિજ સ્વભાવથી પોતાના જ્ઞાનાનંદમય નિર્મળ ભાવને જ ભોગવે છે, અને તે જ
ભાઈ! તને સમજમાં ન આવે તેથી શું થાય? મારગ તો આવો જ છે.
અરે ભાઈ! એક વાર આ શરીરાદિનો મોહ છોડી, કુતુહલ કરીને અંદર સ્વરૂપમાં ડૂબકી તો માર. તને ત્યાં કોઈ અચિન્ત્ય નિધાન દેખાશે. આ દેહ તો હાડ-માંસ-ચામનું, માટીનું ઢીંગલું છે અને આ બધા બાગ-બંગલા-મોટરું પણ ધૂળની ધૂળ છે. એનાથી તને શું છે? એના લક્ષે તો તને રાગ અને દુઃખ જ થશે. અને એ રાગને ભોગવવાની દ્રષ્ટિ તો તને અનંત જન્મ-મરણ કરાવશે. કાળકૂટ સર્પનું ઝેર તો એક વાર મરણ કરાવે પણ આ ઉંધી દ્રષ્ટિનું ઝેર તો અનંત મરણ કરાવશે. માટે હે ભાઈ! અનંતસુખનિધાન નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનુભવનો ઉદ્યમ કર; તે જ તને અનંત જન્મ-મરણથી ઉગારી પરમ સુખની પ્રાપ્તિ કરાવશે.
જ્ઞાનીને કિંચિત્ આસક્તિના પરિણામ થાય છે, પણ તેની તેને રુચિ નથી, તેમાં તેને સુખબુદ્ધિ નથી. જ્ઞાનીને નિજ ચૈતન્યસ્વભાવનું ભાન થવાથી, રાગના અભાવસ્વભાવસ્વરૂપ જે અભોકતૃત્વ શક્તિ છે તેનું પરિણમન થયું છે. અને તેથી તે આસક્તિના પરિણામનો ભોક્તા થતો નથી. અહાહા...! ચૈતન્ય ચિદાનંદમય એક જ્ઞાયકભાવના તળનો સ્પર્શ કરીને જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ પ્રગટ થયા છે તેથી જ્ઞાની વિકારના-આસક્તિરૂપ પરિણામના ભોગવટાથી નિવૃત્તસ્વરૂપ છે. આ સમજવા ખૂબ ધીરજ જોઈએ ભાઈ! આ તો ધર્મકથા છે બાપુ!
જુઓ, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા, છ ખંડના રાજ્યમાં હતા ને છન્નુ હજાર રાણીના ભોગની આસક્તિના પરિણામ તેમને થતા હતા. છતાં દ્રષ્ટિ સ્વભાવ પર હતી, તેથી તે કાળે તેઓ જ્ઞાતા-દ્રષ્ટા પરિણામના ભોક્તા હતા, વિકારના વિષૈલા સ્વાદના નહિ. અરે ભાઈ! જ્ઞાતા-દ્રષ્ટારૂપ પરિણામ સ્વયં વિકારના અભોક્તૃત્વસ્વરૂપ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ નરકના ભારે પ્રતિકૂળ સંયોગમાં હોય ને તેને કિંચિત્ આકુળતાના પરિણામ થાય. છતાં તે આકુળતાને ભોગવતો નથી, એ તો સ્વભાવની દ્રષ્ટિ વડે નિર્મળ પરિણતિના સુખની અંતરમાં ગટાગટી કરે છે. અહાહા...!
ચિન્મૂરત દ્રગધારીકી મોહિ, રીતિ લગતિ હૈ અટાપટી.
PDF/HTML Page 4036 of 4199
single page version
અહાહા! સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ અટપટી છે. શ્રેણિક રાજાનો જીવ નરકમાં પણ અત્યારે નિરાકુળ આનંદરૂપ પરિણામનો જ ભોક્તા છે, ને જે દુઃખ છે, પ્રતિકૂળતા છે તેને બહારની ચીજ જાણી તેના ભોગવવાના ઉપરસ્વરૂપ જ તેઓ પરિણમી રહ્યા છે. આવી વાત! સમજાણું...?
શું થાય? અજ્ઞાની તો બહાનું કરવામાં રોકાઈ ગયો છે; આખો દિવસ પાપ, પાપ ને પાપ. હવે તે કયારે નિવૃત્તિ લે અને કયારે તત્ત્વ સમજે? પણ આ તો જીવન ચાલ્યું જાય છે ભાઈ! પછી કયાં જઈશ, કયાં ઉતારા કરીશ? જરા વિચાર કર.
અહીં કહે છે-અનંતગુણનિધાન પ્રભુ આત્મામાં, જ્ઞાતૃત્વમાત્રથી ભિન્ન એવા વિકારી પરિણામના ભોગવટાથી નિવૃત્તસ્વરૂપ એવું ત્રિકાળ અભોક્તાપણું છે. ને આવા સ્વભાવનો અંતર-લક્ષ કરી સ્વીકાર કરતાં પર્યાયમાં પણ અભોક્તા ગુણનું પરિણમન ભોક્તા થતો નથી. ભાષા તો સાદી છે, ભાવ ગંભીર છે. અહા! અભોક્તૃત્વશક્તિનું ભાન થતાં પર્યાયમાં અભોક્તાપણું પ્રગટયું અને હવે તે રાગના-વિકારના પરિણામનો ભોક્તા નથી. આનું નામ ધર્મ છે.
આ પ્રમાણે અહીં અભોક્તૃત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતાસ્વરૂપ (-અકંપતાસ્વરૂપ) નિષ્ક્રિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન મટી જાય છે માટે નિષ્ક્રિયત્વશક્તિ પણ આત્મામાં છે.)’
અહાહા...! ભગવાન આત્માનો-ત્રિકાળી એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુનો-આશ્રય કરતાં જ્ઞાનની પર્યાયમાં આખું પૂર્ણ દ્રવ્ય અને તેનાં અનંત ગુણનું જ્ઞાન થાય છે; ને ત્યારે પર્યાયમાં સર્વ ગુણોની એકદેશ વ્યક્તિ પ્રગટ થાય છે. અહા! અક્રમવર્તી અનંતગુણમય પ્રભુ આત્મા છે, અને તેની નિર્મળ નિર્મળ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે. તે અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયોનો સમુદાય તે આત્મા છે. વિકારી પર્યાયની અહીં વાત કરી નથી, કેમકે વિકાર એ શક્તિનું-ગુણનું કાર્ય નથી. અહાહા...! શક્તિના ધરનાર સામાન્ય ધ્રુવ એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અને ત્યારે આત્મામાં નિષ્ક્રિયત્વ સહિત જેટલા અનંત ગુણ છે તે પર્યાયમાં એકદેશ પ્રગટ થાય છે. અહા! જ્ઞાનભાવ પ્રગટ થતાં સાથે અનંતી શક્તિઓ ભેગી ઉછળે છે.
જુઓ, પહેલાં અકર્તૃત્વ અને અભોક્તૃત્વશક્તિનું વર્ણન કર્યું; ત્યાં એમ કહ્યું કે-સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના કરવાના અને ભોગવવાના ઉપરમસ્વરૂપ અકર્તૃત્વ અને અભોક્તૃત્વશક્તિ. અહીં આ નિષ્ક્રયત્વશક્તિના વર્ણનમાં કહે છે-સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતાસ્વરૂપ (- અકંપતાસ્વરૂપ) નિષ્ક્રિયત્વશક્તિ છે. જુઓ, આત્માનો સ્વભાવ તો સ્થિર-અકંપ-નિષ્ક્રિય છે. પ્રદેશોનું કંપન એ તો કર્મના નિમિત્તે થયેલો ઔદયિકભાવ છે, તે સ્વભાવભાવ નથી. સ્વરૂપના આશ્રયે સર્વ કર્મોનો અભાવ થતાં ચૈતન્યપ્રભુ પૂર્ણ સ્થિર-અક્રિય થાય છે. અને તે અક્રિયત્વ આત્માનો સ્વભાવ છે, સ્વભાવ છે તેની ત્યાં પ્રગટતા છે. સમકિતી ધર્મીને પણ આ સ્વભાવની એકદેશ વ્યક્તતા થાય છે. ધર્મીની દ્રષ્ટિમાં કર્મ-નિમિત્તના સંબંધ રહિત એક અકંપ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે, અને તેથી તેને કર્મ તરફના કંપન સહિત બધા ભાવોનો દ્રષ્ટિ અપેક્ષાએ અભાવ છે.
તદ્ન અકંપપણું તો ચૌદમા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે; તથાપિ ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિતી જીવને પણ નિષ્ક્રિયત્વનો અંશ વ્યક્ત થાય છે. આસ્રવ અધિકારમાં ગાથા ૧૭૬ના ભાવાર્થમાં આ વાત આવી છે. ખરેખર તો પોતાનું પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય જયાં પ્રતીતિ ને અનુભવમાં આવ્યું ત્યાં દરેક સમ્યગ્દ્રષ્ટિ જીવને ચોથા ગુણસ્થાને પર્યાયમાં એકદેશ નિષ્પંદતારૂપ પરિણમન થાય છે, અર્થાત્ નિષ્ક્રિયત્વશક્તિનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’-એમ સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે; મતલબ કે સમ્યગ્દર્શન થતાં અવિનાભાવપણે સર્વ અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે.
રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં પં. શ્રી ટોડરમલજી કહે છે-“એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એકદેશ
PDF/HTML Page 4037 of 4199
single page version
પ્રગટ થયા છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે.” જુઓ જ્ઞાન, દર્શન, આનંદ ગુણનો એક અંશ પ્રગટ થાય છે એમ નથી કહ્યું, પણ જ્ઞાનાદિ ગુણોનો એટલે જ્ઞાનાદિ સર્વ ગુણોનો એકદેશ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા...! અનંત... અનંત... અનંત ગુણરત્નોનો ભંડાર ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા છે. અને સમ્યગ્દર્શન પ્રગટ થતાં તેના જ્ઞાનાદિ સર્વ ગુણોનો એક અંશ વ્યક્તરૂપે પર્યાયમાં પરિણમે છે. આનું નામ સમ્યગ્દર્શન છે.
અહા! આત્માની એકેક શક્તિમાં અનંતુ સામર્થ્ય છે. એકેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એકેક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. તેથી નિષ્ક્રિયત્વશક્તિ દ્રવ્ય-ગુણમાં ત્રિકાળ વ્યાપક છે. અને ત્રિકાળી દ્રવ્યનું ભાન થતાં નિષ્ક્રિયત્વશક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આ પ્રમાણે નિષ્ક્રિયત્વશક્તિનો અયોગપણારૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકિતીને પર્યાયમાં પ્રગટ થાય છે. ચાર અઘાતિ કર્મોનો નાશ થતાં જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તેનો પણએક અંશ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં આ વાત સ્પષ્ટ કરતાં ત્યાં કહ્યું છે-“વળી ભાઈશ્રી! તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યાં અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળ બિંદુ, અગ્નિકણ એ તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એકદેશ પ્રગટ થયા છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે.”
ચંદ્રમાનું દ્રષ્ટાંત અહીં સર્વાંગ લાગુ ન પડે. ચંદ્રનો જેમ થોડો ભાગ વ્યક્ત છે અને બાકીના ભાગમાં આવરણ છે તેમ અહીં સિદ્ધાંતમાં લાગુ ન પડે. સમ્યગ્દર્શન થતાં આખું દ્રવ્ય ખ્યાલમાં આવે છે, અને વ્યક્તમાં અસંખ્ય પ્રદેશે અનંત ગુણોનો એક અંશ પ્રગટ થાય છે. ચંદ્રનો તો અમુક ભાગ ખુલ્લો છે, અને બાકીના ભાગમાં આવરણ છે, આ દ્રષ્ટાંત અહીં સિદ્ધાંતમાં સર્વાંગ લાગુ પડતું નથી. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં અનંત ગુણોનાં નિધાન પડયાં છે. તે અનંત ગુણ પૂરા ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાને તે જ્ઞાનાદિ સર્વ ગુણોનો અસંખ્ય પ્રદેશમાં એક અંશ વ્યક્ત થાય છે; કોઈ ગુણ બાકી રહેતો નથી. ચાર પ્રતિજીવી ગુણો તથા આ નિષ્ક્રિયત્વશક્તિનો પણ પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે. અહા! આવું અલૌકિક સમ્યગ્દર્શન છે.
સમયસારની ગાથા ૧૧ જૈનદર્શનનો પ્રાણ છે. તેમાં કહ્યું છે-
भुदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।
વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે.
પં. શ્રી કૈલાસચંદ્રજીએ આ ગાથાને જૈનદર્શનનો પ્રાણ કહ્યો છે. ભૂતાર્થ, ત્રિકાળ સત્યાર્થ સચ્ચિદાનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્ય છે. તેનો આશ્રય લેતાં પર્યાયમાં અસંખ્ય પ્રદેશે અનંત ગુણનો એક અંશ પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે.
જુઓ, આસ્રવ અધિકારની ગાથા ૧૭૬ના ભાવાર્થના બીજા ફકરામાં કહ્યું છે-“સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી;...)” અહીં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિની વાત કરી, પણ દરેક સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં નિષ્ક્રિયત્વશક્તિનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે એમ સમજવું. અહો! આ વાત અદ્ભુત અલૌકિક અને સૂક્ષ્મ ગંભીર છે! ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે એમ સમજવું-આમ કહીને પં. શ્રી ટોડરમલજીએ અદ્ભુત રહસ્ય ખુલ્લું કર્યું છે. ભાઈ! આવી વાત સર્વજ્ઞના મારગ સિવાય કયાંય નથી.
બહારમાં ધન-લક્ષ્મીનો ભંડાર મળે એ તો પુણ્ય હોય તો મળે, એમાં કાંઈ કોઈની હોશિયારી કે ડહાપણ કામ આવતું નથી. પણ જેણે પોતાનું ડહાપણ-વિવેકજ્ઞાન અંદર અનંતગુણનિધાન ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભર્યો છે તેને જોવા-જાણવામાં લગાવ્યું, અહાહા...! તેને, કહે છે, દ્રવ્યમાં અસંખ્ય પ્રદેશે જે અનંત ગુણ-શક્તિઓ છે તે બધીનો એક અંશ
PDF/HTML Page 4038 of 4199
single page version
પર્યાયમાં વ્યક્ત થઈ જાય છે. અહાહા...! દ્રવ્ય-ગુણમાં તો શક્તિ વ્યાપી છે, ને પર્યાયમાંય તે વ્યાપે છે; કેમકે દરેક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. સમજાય છે કાંઈ...? આ દ્રવ્યાનુયોગનું કથન બહુ ઝીણું બાપુ! નિજ પુર્ણ સત્ની પ્રતીતિ જયાં થઈ કે સર્વ ગુણોનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. અહો! નિષ્ક્રિયતાનો અયોગપણારૂપ એક અંશ સમકિતી ધર્મીને ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ જાય છે.
હવે આ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય શું એનીય ઘણાને તો ખબર નથી. થાનથી એક ભાઈ આવેલા. તેમણે અહીંના સ્વાધ્યાય મંદિરની દિવાલ ઉપર લખેલો ચાકળો વાંચ્યો, “દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ” -પછી તે બોલ્યા-“ મહારાજ! આ દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ-એમ અહીં લખ્યું છે તો શું દ્રવ્ય એટલે પૈસાવાળા અહીં ઘણા લોકો આવે છે તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે એમ આ લખવાનો અર્થ છે?” ત્યારે તેમને કહ્યું-એમ નથી ભાઈ! દ્રવ્ય એટલે પૈસાવાળા એવો અર્થ નથી બાપુ! દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય-અનંતગુણનિધાન પરમાર્થ વસ્તુ, ગુણ એટલે એનો ત્રિકાળી ભાવ-સ્વભાવ, અને પર્યાય એટલે તેનું પરિણમન થાય તે દશા. દ્રવ્ય-ગુણ-પર્યાયનો આવો અર્થ છે ભાઈ! હવે જૈનમાં જન્મેલાનેય આની કાંઈ ખબર ન મળે એને ધર્મનું સ્વરૂપ કેવી રીતે સમજાય, અને ધર્મની પ્રાપ્તિ એને કેવી રીતે થાય? પૈસા તો જડ છે બાપુ! અને તેને પોતાના માને એ તો જડનો સ્વામી, જડ થાય છે. જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ પૈસા અને રાગનો સ્વામી થનાર જડ છે, ચેતન નથી. નિર્જરા અધિકારની ગાથા ૨૦૮ની ટીકામાં આચાર્ય અમૃતચંદ્રસ્વામી ફરમાવે છે કે-
“જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે ‘સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”
હવે આવી વાત ઓલા વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે એમને એકાન્ત લાગે છે; પણ આ સમ્યક્ એકાન્ત છે ભાઈ! તું ન સમજે એટલે વિરોધના પોકાર કરે પણ આ પરમાર્થ સત્ય છે. અહાહા...! પોતાનું સ્વરૂપ અંદર ત્રિકાળ ધ્રુવ એક સચ્ચિદાનંદમય છે. તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં એકાન્ત અર્થાત્ એકલી વીતરાગી શાંતિ પ્રગટ થાય છે. અહીનું વાતાવરણ પણ એકાન્તમય-શાંતિમય છે ને? સ્વરૂપનું ભાન થયે અનંત ગુણોમાં નિર્મળતાનો અંશ પ્રગટ થાય છે, આનંદ ગુણનો અંશ પ્રગટે છે, ને સાથે વીર્ય ગુણનો અંશ પણ પ્રગટે છે. વીર્ય એટલે? અહાહા...! સ્વસ્વરૂપની રચના કરે એનું નામ વીર્ય છે. રાગની રચના કરે એ વીર્યની પરિણતિ નહિ, એ તો નપુંસકતા- હીજડાપણું છે. જેમ નપુંસકને પ્રજા થાય નહિ તેમ આને પણ ધર્મની પ્રજા થતી નથી.
મારગ ઘણો સૂક્ષ્મ છે ભાઈ! બહારના પદાર્થ સાથે તને શું સંબંધ છે? અરે, શુભરાગનો વિકલ્પ થાય તેય દુઃખદાયક છે. અરે ભાઈ! તને તારી ખબર નથી! ભગવાન! તું જ્ઞાનાનંદસ્વભાવી છો ને! તારી દશામાં આનંદનો સ્વાદ આવવો જોઈએ તેના બદલે અરે, તું રાગના-દુઃખના વેદનમાં રોકાઈ ગયો! દુઃખના-રાગના અભાવસ્વભાવ સ્વરૂપ ભગવાન! તું અસંગમૂર્તિ ચૈતન્યપ્રભુ છો. અહા! આવા નિજ આનંદસ્વરૂપના સંગમાં-સમીપતામાં ગયો નહિ, અને રાગના સંગમાં તું રોકાઈ ગયો, રાગના રંગમાં રંગાઈ ગયો! રાગનો સંગ કરીને ભાઈ! તેં પર્યાયમાં દુઃખ વહોરી લીધું છે. શુભયોગને તું મોક્ષનું સાધન માને પણ એ તો તારું અજ્ઞાન છે. ધર્મીને જે અંશે અકંપદશા પ્રગટ થઈ છે તેમાં શુભયોગનો તો અભાવ છે; તે ધર્મનું સાધન કેમ થાય? શુભરાગ ધર્મનું સાધન ત્રણકાળમાં નથી.
ત્યારે કોઈ એક પંડિતે લખ્યું છે કે-‘શુભરાગને હેય માને તે મિથ્યાદ્રષ્ટિ છે’ અરે ભાઈ! પંડિત થઈને તેં આ શું લખ્યું? તારો આ વિપરીત અભિપ્રાય દુનિયા માની લેશે (કેમકે દુનિયા તો અવળે માર્ગે છે જ), પણ વસ્તુસ્થિતિમાં મહા વિરોધ થશે, વસ્તુ તારા અભિપ્રાયથી સંમત નહિ થાય.
અકર્તૃત્વશક્તિમાં સમસ્ત, કર્મથી કરવામાં આવતા પરિણામોના કરણના ઉપરમસ્વરૂપની વાત હતી. વિકારી ભાવ કર્મથી કરવામાં આવેલા પરિણામ છે, ને તેના કરણના ઉપરમસ્વરૂપ અકર્તૃત્વશક્તિ છે. તેમ અકંપનસ્વરૂપ નિષ્ક્રિયત્વશક્તિની વિકૃત અવસ્થા કંપનરૂપ પરિણામ છે તે કર્મ દ્વારા કરવામાં આવેલી દશા છે; વાસ્તવમાં સર્વ કર્મના અભાવથી પ્રવર્તતી અકંપતારૂપ નિષ્ક્રિયત્વશક્તિ તે આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. અહા! આ ટીકામાં તો ભંડાર ભર્યા છે.
ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેની પર્યાયમાં કંપન થાય છે તે કર્મ દ્વારા કરવામાં આવતા પરિણામ છે, તે આત્માનો સ્વભાવ નથી, અને તેનો કર્તા આત્મા નથી. ચોથા ગુણસ્થાને ધર્મીને જે અંશે અકંપનરૂપ દશા પ્રગટ
PDF/HTML Page 4039 of 4199
single page version
થઈ છે તેમાં તે કંપનદશાનો અભાવ છે. શું કીધું? નિષ્ક્રિયત્વશક્તિના પરિણમનમાં જેટલી અકંપતા થઈ છે તે દ્રવ્યની પર્યાય છે, અને કર્મના નિમિત્તે જેટલી કંપન દશા છે તેનો અકંપનદશામાં અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગટી તેમાં વ્યવહારનો અભાવ છે; આ અનેકાન્ત છે, આ સ્યાદ્વાદ છે. નિષ્કંપશક્તિનું પરિણમન ભાવરૂપ છે, તેમાં સમસ્ત કર્મનો અભાવ છે. માર્ગ ઝીણો છે ભાઈ! લોકોને અભ્યાસ નથી, બહારના સંસારમાં રખડવાના લૌકિક અભ્યાસમાં જીવન વ્યતીત કરે છે; પણ આ તો જિંદગી (વ્યર્થ) ચાલી જાય છે ભાઈ!
અમે તો નાની ઉંમરમાં સાત ચોપડી સુધી અભ્યાસ કરી લૌકિક ભણવાનું છોડી દીધું હતું; તેમાંય સાતમી ચોપડીની પરીક્ષા આપી ન હતી. તે વખતે અમારા એક મિત્ર સાથે ભણતા. તે કેટલાક વર્ષ બાદ અમને ભાવનગર ભેગા થઈ ગયા. ત્યારે અમે તેમને પૂછયું-“હાલ તમે શું કરો છો?” તો તેમણે જવાબ દીધેલો-“હું તો હજી અભ્યાસ કરું છું” લ્યો, બાવીસ-બાવીસ વર્ષ સુધી અભ્યાસ કર્યા કરે! સમયસારકળશમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ તો કહે છે- આ તત્ત્વજ્ઞાનનો છ માસ તો અભ્યાસ કર. અરે, તું પોતે અંદર પરમાત્મા છે તેની એક વાર છ માસ લગની લગાવી દે. અહાહા...! પ્રભુ, લાગી લગન હમારી! એક વાર લગન લાગી પછી શું કહેવું? અંદર આહલાદભર્યો ચૈતન્યનો સ્વાનુભવ પ્રગટ થાય છે. આ બીજા (અરિહંતાદિ) પરમાત્માની લગની લાગે તે પરિણામ તો રાગ છે, પણ અંદર નિજ પરમાત્મસ્વરૂપ આત્મા છે તેની લગની લાગે તો પરમ આલ્હાદકારી, પરમ કલ્યાણકારી સમકિત પ્રગટ થાય છે; અને ત્યારે સર્વ કર્મનો અભાવ થતાં જે ચૌદમા ગુણસ્થાને અયોગીદશા પ્રગટ થાય છે તેનો એક અંશ પ્રગટ થઈ જાય છે.
અહાહા...! અનંતમહિમાનિધાન પ્રભુ આત્મા છે. યથાર્થમાં એનો મહિમા ભાસે તો શી વાત! સમયસાર નાટકમાં છેલ્લે જીવ-નટનો મહિમા કહ્યો છે. ત્યાં કહ્યું છે-“જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે, અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે.” પંડિત શ્રી દીપચંદજીએ પણ શક્તિના વર્ણનમાં ઘણો મહિમા કર્યો છે. અહાહા...! આવા નિજ ચૈતન્યમાત્ર આત્માનો મહિમા જાણી અંતર સન્મુખ પરિણમે તેનું શું કહેવું? એથી તો જીવ સર્વ કર્મોનો અભાવ કરી પૂર્ણ નિષ્ક્રિય-નિષ્કંપ, અભૂતપૂર્વ સિદ્ધપદને પામે છે. આવી વાત છે.
એક બીજો ન્યાયઃ શુભભાવ છે તેમાં શુદ્ધતાનો અંશ ગર્ભિત છે. જ્ઞાનનો અંશ વધીને કેવળજ્ઞાન થાય છે તેમ શુભમાં શુદ્ધનો અંશ છે તો તે વધીને યથાખ્યાત ચારિત્ર થાય છે. શુભમાં જો ગર્ભિત શુદ્ધતાનો અંશ ન હોય તો શુભરાગ વધીને કાંઈ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થશે? ના, થઈ શકે નહિ. માટે શુભયોગમાં ગર્ભિત શુદ્ધતા રહેલી છે એમ સિદ્ધ થાય છે.
હા, પણ તે કોને લાગુ પડે? જેને ગ્રંથિભેદ થાય તેને. જેને રાગની એકતા તૂટી ગઈ છે તેને શુભમાં જે ગર્ભિત શુદ્ધતા પડી છે તે વધીને યથાખ્યાત ચારિત્રરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનની શુદ્ધિ વધે માટે ચારિત્રની શુદ્ધિ વધે એમ છે નહિ. આ વાત પં. શ્રી બનારસીદાસે ઉપાદાન-નિમિત્તની ચિટ્ઠીમાં કરી છે. ત્યાં કહ્યું છે-વિશેષ એટલું કે ગર્ભિત શુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી, એ બન્ને ગુણની ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પરંતુ (જીવને) ઉર્ધ્વતા કરે, અવશ્ય કરે જ, (પણ મોક્ષમાર્ગના કારણરૂપ તે ન થાય). એ બન્ને ગુણોની ગર્ભિત શુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બન્નેની શિખા ફૂટે અને ત્યારે એ બન્ને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે.
પં. બનારસીદાસ ‘પરમાર્થ વચનિકા’ ને અંતે કહે છે-“(તત્ત્વ) વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું (પણ) બહુ સમજશે. જે અજ્ઞાની હશે તે આ ચિટ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વચનિકા જેમ છે તેમ-(યથાયોગ્ય)-સુમતિપ્રમાણ કેવળી-વચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેને કલ્યાણકારી છે-ભાગ્યપ્રમાણ”. અહાહા...! જુઓ તો ખરા! આ કાળમાં કેવળજ્ઞાની તો અહીં છે નહિ, ને વિદેહમાં ભગવાન પાસે તો ગયા નથી, છતાં વાણીમાં આટલું જોર? તો કહે છે-હા, સમ્યગ્દર્શન થતાં આવી દૃઢતા આવી જાય છે. અમે વિદેહમાં ભગવાન પાસે ગયા નથી, પણ અમારા ભગવાન આત્મા પાસે ગયા છીએ તેના જોરથી ખૂબ દૃઢતાથી અમે આ વાત કરીએ છીએ કે અમારી આ વાત કેવળી વચનાનુસાર છે.
અહો! દિગંબર સંતોની તો બલિહારી છે, સાથે સમકિતી ગૃહસ્થોનીય બલિહારી છે. હવે આમાંય કેટલાક પંડિતો અત્યારે વિરોધ કરે છે. તેમને તત્ત્વના સ્વરૂપની ખબર નથી, એટલે પોતાની દ્રષ્ટિ પ્રમાણે મેળ ન ખાય એટલે વિરોધ કરે છે. પણ અરે ભાઈ! સમ્યગ્દ્રષ્ટિ-ચોથા ગુણસ્થાનવર્તી ધર્મી-જીવની વાણી હો કે પાંચમા કે છટ્ઠા ગુણસ્થાનવર્તી સંતોની વાણી હો, તેમનાં તત્ત્વજ્ઞાનનાં બધાંય કથન કેવળીવચનાનુસાર છે, તેમાં કોઈ ફરક હોતો નથી.
PDF/HTML Page 4040 of 4199
single page version
ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને નિષ્ક્રિયત્વશક્તિની નિષ્કંપ દશા અંશે પ્રગટ થઈ જાય છે. અહાહા...! મેરુ હલે તો પ્રદેશ હલે-એવી નિષ્કંપ દશાનો એક અંશ જ્ઞાનીને પર્યાયમાં પ્રગટ થાય છે; તેમાં કર્મનિમિત્તક કંપનનો અભાવ છે. નિષ્કંપ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે, અને ગુણો અક્રમે રહે છે, તે ક્રમ અને અક્રમના સમુદાયને આત્મા કહેવામાં આવેલ છે. આત્માના સ્વભાવમાં તો અકંપપણું-અક્રિયપણું ત્રિકાળ છે; અહીં પર્યાયમાં એકદેશ અકંપતા જ્ઞાનીને વ્યક્ત થાય છે એની વાત છે. પર્યાયમાં જેટલું કંપન રહ્યું છે તેનો આ અકંપદશામાં અભાવ છે.
શાસ્ત્રમાં ચૌદમા ગુણસ્થાને અકંપદશા કહી છે એ પૂર્ણ અકંપતાની વાત છે; ને તેથી તેરમા ગુણસ્થાનમાં સયોગદશા કહેવામાં આવી છે. ધર્મીને-સમકિતીને સમ્યગ્દર્શન પ્રગટ થતાં દ્રષ્ટિમાં સર્વ કર્મનો અભાવ છે, નિષ્કંપન પર્યાયમાં કર્મનો અભાવ છે, ને કર્મના નિમિત્તે જે કંપન છે તેનો પણ અકંપનદશામાં અભાવ છે. ઓહો...! બહુ સૂક્ષ્મ ગંભીર વાત. દ્રષ્ટિનો વિષય બહુ સૂક્ષ્મ છે ભાઈ! અહા! દિગંબર સંતો સિવાય આવી વાત કયાંય છે નહિ. દ્રવ્ય- ગુણમાં તો ત્રિકાળ કંપનનો અભાવ છે, ને દ્રવ્યની દ્રષ્ટિ થયે સમકિતીને નિમિત્ત કર્મના સંગે જે કંપન બાકી છે તેનો તેની અંશરૂપ અકંપનદશામાં અભાવ છે. આવો અદ્ભુત મારગ છે બાપુ!
પ્રશ્નઃ– ગુરુદેવ, આપે તો બધાને નિષ્કંપ બનાવી દીધા! ઉત્તરઃ– પ્રત્યેક આત્મા નિષ્કંપસ્વરૂપ જ છે ભાઈ! નિષ્કંપતા-નિષ્ક્રિયતા તો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. સક્રિયપણું-કંપનપણું એ કાંઈ આત્માનું સ્વસ્વરૂપ નથી. અહાહા...! ત્રિકાળ નિષ્ક્રિય એક જ્ઞાયકભાવ એવા નિજ આત્મદ્રવ્યનો અનુભવ થતાં પર્યાયમાં અકંપપણાનું પરિણમન થાય છે. અહાહા...! તે અકંપપણું કારણ અને કંપન તેનું કાર્ય એમ નથી, તેમ જ કંપન કારણ અને અકંપન તેનું કાર્ય એમ પણ નથી. કંપન સાધકદશામાં છે ખરું, પણ અકંપનરૂપ જે પરિણમન થયું તેમાં કંપનનો અભાવ છે. શુદ્ધોપયોગ છે તેમાં અશુદ્ધોપયોગનો અભાવ છે. લ્યો, આવી આત્મદ્રષ્ટિ થવી તે નિષ્કંપ થવાનો માર્ગ છે. સમજાણું કાંઈ...?
ભગવાન! તારામાં અનંત ગુણ ભર્યા છે; તેમાં એક અકંપન ગુણ છે. આ અકંપન ગુણનું અનંત ગુણમાં રૂપ છે; તેથી સર્વ ગુણો અકંપસ્વરૂપ છે. કોઈ ગુણ ધ્રુજતા નથી. શાસ્ત્રમાં એક જગ્યાએ એમ વાત આવી છે કે જોગનું કંપન છે તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી, કેમકે કંપનમાં ધર્માસ્તિકાયનું નિમિત્ત માનવામાં આવે તો અકંપનમાં અધર્માસ્તિકાયનું નિમિત્ત માનવું પડે; પણ એમ છે નહિ. માટે કંપનમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી. ધર્માસ્તિકાય તો ગતિમાં નિમિત્ત છે, ને કંપન તો કર્મકૃત ઔપાધિકભાવ છે. આવો મારગ બહુ ઝીણો! કોઈ પ્રબળ પુરુષાર્થી જીવ જ પામે છે. આવે છે ને કે-
રાગમાં રાચનારા કાયર પુરુષોને આ વીતરાગનો મારગ પ્રાપ્ત થતો નથી. શ્રીમદ્દે પણ લખ્યું છે ને કે-
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
રે ગુણવંતા જ્ઞાની, અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં...
અહો! દિગંબર સંતોએ પંચમ કાળમાં અમૃતની ધારા વરસાવી છે. એકેક શક્તિમાં કેટલું ભર્યુ છે? આ તો યથાશક્તિ વાત આવે છે. મુનિવરોના ક્ષયોપશમની અને અંતરદશાની તો શી વાત! અહાહા...! ભગવાન કેવળીની દિવ્યધ્વનિમાં આ વાત આવે, ને ત્રણ જ્ઞાનના ધણી, એકભવતારી ઇન્દ્રો સાંભળવા આવે તે વાત કેવી હોય પ્રભુ! અહીં આ અનેકાન્ત સિદ્ધ કર્યું કે-અકંપશક્તિના પરિણમનમાં જે અકંપપણું પ્રગટ થયું તેમાં કર્મ અને કર્મકૃત કંપનનો અભાવ છે. અકંપનદશા ભાવરૂપ છે, ને તેમાં કંપનનો અભાવ છે. અકંપન પણ છે, ને કંપન પણ છે એવું સ્વાનુભવની સ્વરૂપદ્રષ્ટિમાં છે નહિ. આત્મામાં કંપન છે જ નહિ.
ઉપર આવી ગયું છે કે ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણનો સમુદાય તે આત્મા છે. અહીં ક્રમવર્તી પર્યાયમાં નિર્મળતાના ક્રમની વાત છે. અક્રમવર્તી ગુણ તો ત્રિકાળ નિર્મળ છે જ, તેની ક્રમવર્તી અકંપનની દશાય નિર્મળ છે. કંપન આત્માની ચીજ છે એ વાત અહીં સ્વીકારી જ નથી; કેમકે કંપન આત્માના સ્વભાવનું કાર્ય નથી. જ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને કંપનનો અનુભવ નથી. અહાહા... કંપન વગરનો અકંપસ્વભાવી નિષ્ક્રિય પ્રભુ આત્મા છે, અને સર્વ કર્મોનો નાશ થતાં આત્માનો અકંપસ્વભાવ સાક્ષાત્ પ્રગટ થાય છે; સિદ્ધદશામાં તે સાદિ-અનંત અવિચલ સ્થિર-સ્થિર રહે છે.
હે ભાઈ! તારા આત્માના ત્રિકાળી એક નિષ્ક્રિય જ્ઞાનસ્વભાવ સામે જો, તારી અનંત શક્તિઓનું નિર્મળ- નિર્મળ