PDF/HTML Page 4041 of 4199
single page version
પરિણમન થઈ, પર્યાયમાંથી કંપ છૂટી, તને સાદિ-અનંત અકંપ એવી પૂર્ણ સિદ્ધદશા પ્રગટશે. લ્યો, -
‘જે અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. (આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષઅવસ્થામાં ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણેે સ્થિત રહે છે.)’
જુઓ, સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. શક્તિ એટલે શું? કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત સ્વભાવ નામ ગુણ છે. ગુણ કહો કે શક્તિ કહો, તે એક જ વસ્તુ છે. આત્મા દ્રવ્ય તરીકે અભેદ એક છે, અને શક્તિએ (ભેદથી) અનંત છે. આ અનંતનો (અનંત ગુણનો) કથનવિસ્તાર કેમ કરી શકાય? એટલે આચાર્યદેવે અહીં ૪૭ શક્તિનું વર્ણન કર્યું છે. એમ તો આત્મામાં સામાન્ય ગુણો અનંત છે, ને વિશેષ ગુણો પણ અનંત છે. તે અનંત ગુણનો વિસ્તાર કરવા જાય તો અનંત કાળેય પાર ન આવે, વળી શબ્દો પણ સીમિત છે, ને જ્ઞાન (ક્ષાયોપશમિકજ્ઞાન) ની પણ મર્યાદા છે. તેથી ટૂંકામાં આચાર્ય ભગવાને અહીં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.
અહાહા...! ભગવાન આત્મા પરમ પવિત્ર શુદ્ધ ચૈતન્યમય અનંતગુણરત્નાકર છે. ઓહો...! શુદ્ધ ચૈતન્ય શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહા! તેનો અપરિમિત મહિમા છે; ક્ષેત્ર ભલે શરીર પ્રમાણ હોય, પણ તેના પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં પરિમિતતા નથી, મર્યાદા નથી. અહાહા...! એકેક શક્તિમાં અનંત અનંત સામર્થ્ય ભર્યું છે. આવી અનંત શક્તિઓનું એકરૂપ, અભેદ ચિન્માત્રસ્વરૂપ તે ભગવાન આત્મા છે. ભાઈ! અહીં શક્તિનું વર્ણન તો પૂરણ એક અભેદને સમજવા માટે છે. તેથી આ શક્તિ અને આ શક્તિવાન-એવો જે ભેદ છે તેનું લક્ષ દૂર કરી ત્રિકાળી અભેદ એક જ્ઞાયકની દ્રષ્ટિ કરતાં શક્તિનું નિર્મળ નિર્મળ પરિણમન થઈને તેનો સ્વાદ આવે છે. જ્ઞાનનો સ્વાદ, દર્શનનો સ્વાદ, સુખનો સ્વાદ, જીવત્વનો સ્વાદ-એમ અનંત શક્તિના એકરૂપનો પર્યાયમાં સ્વાદ આવે છે. આનું નામ સમ્યગ્દર્શન છે. સમજાય છે કાંઈ...?
પ્રશ્નઃ– આ સ્વાદ શું છે? ઉત્તરઃ– સ્વાનુભવ થતાં નિજ જ્ઞાનાનંદ સ્વરૂપનું વેદન થાય છે તેને સ્વાદ કહે છે. આ દાળ, ભાત, લાડવા ખાય ત્યાં સ્વાદ આવે છે તે જડનો સ્વાદ તો આત્માને આવતો નથી. તે જડ પદાર્થનું લક્ષ કરીને આ ઠીક છે એવી જે રાગની વૃત્તિ ઉઠે છે તેનો તેને સ્વાદ આવે છે. વીંછી કરડે ત્યાં વીંછીના ડંખનું-જડનું એને વેદન નથી, પણ તેના પ્રત્યે જે અણગમો-દ્વેષ થાય છે તે દ્વેષનું તેને વેદન છે. ભગવાન આત્મા અરૂપી ચૈતન્ય દ્રવ્ય છે, તેને જડ પદાર્થોનો સ્વાદ કે વેદન ન હોય; પણ પોતાના સ્વભાવનું લક્ષ છોડી, અનુકૂળ ચીજમાં રાગ કરે ને પ્રતિકૂળ ચીજમાં દ્વેષ કરે, ત્યાં તેને પર્યાયમાં રાગદ્વેષનો કલુષિત સ્વાદ આવે છે. અરે! એણે પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનો અકષાયી નિરાકુલ સ્વાદ કદીય લીધો નહિ!
આત્માનું ક્ષેત્ર શરીરપ્રમાણ છે, પણ તેની શક્તિનું સામર્થ્ય તો અપરિમિત અનંત છે. અહાહા...! સંખ્યાએ શક્તિઓ અનંત અને એકેક શક્તિનું સામર્થ્ય પણ અમાપ... અમાપ... અપરિમિત અનંત છે. જુઓ, લોકની બધી બાજુએ આકાશ અનંત અનંત વિસ્તરેલું છે. આ આકાશના પ્રદેશો અનંત છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેને પ્રદેશ કહે છે. આકાશના આવા અનંત અનંત પ્રદેશ છે, અને તેનાથી અનંત ગુણા ગુણ એકેક જીવદ્રવ્યમાં ત્રિકાળ છે. ભાઈ! સ્વભાવ છે તેને ક્ષેત્રની મહત્તા સાથે સંબંધ નથી. સ્વભાવમાં તો તેની બેહદ શક્તિ-સામર્થ્યની મહત્તા છે. એકેક જીવમાં આવી અનંત સામર્થ્યયુક્ત ત્રિકાળી અનંત શક્તિઓ છે. તેમાં અહીં નિયતપ્રદેશત્વશક્તિનું વર્ણન ચાલે છે.
પ્રત્યેક શક્તિ દ્રવ્ય-ગુણમાં ત્રિકાળ વ્યાપક છે, અને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થયે તે પર્યાયમાં વ્યાપક થાય છે. ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનો સ્વીકાર અને સત્કાર થયે ‘હું ત્રિકાળી સત્ છું, એમ પ્રતીતિ થઈને પર્યાયમાં તેનું પરિણમન થાય છે, પર્યાયમાં તેનો સ્વાદ આવે છે.
PDF/HTML Page 4042 of 4199
single page version
આત્માની એકેક શક્તિમાં અનંત સામર્થ્ય છે. એકેક શક્તિની અનંતી પર્યાયો છે. આમ અનંત શક્તિની ઉત્પાદ-વ્યયરૂપ ક્રમવર્તી પર્યાયોને અક્રમવર્તી અનંત ગુણો-એમનો સમુદાય તે આત્મા છે. પ્રત્યેક શક્તિ સહજભાવરૂપ પારિણામિકભાવે છે. તેનું ભાન થતાં ક્રમવર્તી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તે ઔપશમિકભાવરૂપ, ક્ષાયોપશમિકભાવરૂપ વા ક્ષાયિકભાવરૂપ છે, ઔદયિકભાવનો તેમાં અભાવ છે. આ શક્તિના અધિકારમાં વિકારી ભાવની વાત જ લીધી નથી, કેમકે વિકાર તે કાંઈ શક્તિનું કાર્ય નથી.
આત્મામાં અનંત શક્તિઓ અક્રમે ત્રિકાળ છે; તેમાં એક નિયતપ્રદેશત્વશક્તિ ત્રિકાળ છે. એટલે શું? આત્માના ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો નિયત છે. અહાહા...! જે ક્ષેત્રમાં ચૈતન્યના અનંતગુણનો પ્રકાશ ઉઠે છે તે આત્માના પ્રદેશોની સંખ્યા નિયત છે. અહીં અસંખ્ય પ્રદેશને નિયત કહેલ છે; અન્યથા અસંખ્ય પ્રદેશને વ્યવહાર કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની ગાથા ૩૨ની ટીકામાં જીવનું ક્ષેત્ર એક પ્રદેશવાળું કહેલ છે. ત્યાં કહ્યું છે-“જીવો ખરેખર અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે” જુઓ, આમાં શું અપેક્ષા છે? કે અસંખ્ય પ્રદેશના ભેદનો નિષેધ કરી જીવને અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ એક પ્રદેશી કહેલ છે. અસંખ્યપ્રદેશો એક દ્રવ્યમય અભેદ એકરૂપ છે એમ ત્યાં વાત લેવી છે, ત્યારે અહીં, પ્રદેશોની સંખ્યા છે તે ત્રિકાળ નિયત છે, તેમાં વધઘટ નથી તેથી, અસંખ્ય પ્રદેશ નિયત છે એમ કહ્યું છે. આ રીતે પંચાસ્તિકાયમાં એક પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું ને અહીં નિયત-અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું એ બેઉ કથનમાં વિરોધ નથી, અવિરોધ છે; માત્ર વિવક્ષાભેદ છે, અપેક્ષાથી બન્ને કથન બરાબર છે.
કળશટીકામાં અસંખ્ય પ્રદેશ એકરૂપ છે, ને તેમાં ભેદ પાડવો તે વ્યવહાર છે એમ કહ્યું છે. કળશ ૨પ૨માં આ વાત કરી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ત્યાં વાત છે. ત્યાં એકરૂપ વસ્તુને સ્વદ્રવ્ય કહ્યું છે, અને ‘આ દ્રવ્ય, આ ગુણ’-એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. અસંખ્ય પ્રદેશ એકરૂપ છે તે સ્વક્ષેત્ર છે અને તેમાં ‘આ પ્રદેશ, આ પ્રદેશ’-એવો ભેદ પાડી લક્ષમાં લેવું તેને પરક્ષેત્ર કહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ અભેદ એકાકાર તે સ્વકાળ છે, ને પર્યાયનો ભેદ પાડી તેનું જ્ઞાન કરવું તેને પરકાળ કહ્યો છે. અનંત શક્તિ-અનંત સ્વભાવરૂપ એક ભાવ તે સ્વ-ભાવ છે, અને એકેક શક્તિનો ભેદ પાડી તેને લક્ષમાં લેવી તેને પરભાવ કહ્યો છે. હવે આવી વાત જરા ધીરજ રાખી ધ્યાન દઈને સાંભળે તો બધો મિથ્યા આગ્રહ મટી જાય એવી આ વાત છે. ભાઈ! આ કલ્પિત વાત નથી બાપુ! આ તો ભગવાન કેવળીઓના પ્રવાહથી ચાલી આવતી વાણી છે. ભેદને છોડી, અભેદને પકડવાના પુરુષાર્થને જગાડનારી આ અમૃતવાણી છે. ભાઈ! ભેદ છે તે અભેદને સમજવા પૂરતો છે, બાકી ભેદ દ્રષ્ટિનો વિષય નથી.
અહાહા...! આત્મા અનંત ગુણસ્વભાવોનો એકરૂપ ચૈતન્ય સ્વયંભૂ ભગવાન છે. સ્વયંભૂરમણ નામનો છેલ્લો સમુદ્ર છે, તેનો અસંખ્ય યોજનમાં વિસ્તાર છે. તેના તળિયે રેતી નથી, રત્નો ભર્યાં છે. તેમ આત્માનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, તેમાં એકેક પ્રદેશે અનંત ગુણરૂપી ચૈતન્યરત્નો ભર્યાં છે. અહાહા...! એવા અનંતભાવરૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વ-ભાવ કહેવાય, ને તેમાં એકેક ગુણ-શક્તિનો ભેદ પાડવો-આ જ્ઞાન, આ સુખ, -એમ ભેદ પાડવો તેને પરભાવ કહેવામાં આવે છે. વાસ્તવમાં જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર છે, તે જ સ્વકાળ છે ને તે જ સ્વભાવ છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદ રહિત ભગવાન આત્મા સ્વયંભૂ આનંદકંદ પ્રભુ છે તે અકષાય, વીતરાગસ્વભાવથી ભરેલો શુદ્ધ સ્વદ્રવ્ય છે. અહાહા...! આત્મા ચૈતન્ય-અમૃતનો પિંડ પ્રભુ છે. ભાઈ! સમજાય એટલું સમજો બાપુ! આ તો વીતરાગનો મારગ છે; ભેદનું લક્ષ દૂર કરી અભેદ એક ત્રિકાળીને લક્ષમાં લેતાં તે પ્રાપ્ત થાય છે. એને ધર્મ કહો કે મોક્ષનો મારગ કહો, એક જ વાત છે. જેમ કેરીમાં જે વર્ણ છે તે જ ગંધ, તે જ રસ અને તે જ સ્પર્શ છે. ભેદને લક્ષમાં ન લઈએ તો આખી ચીજ વર્ણ-ગંધ-રસ-સ્પર્શમય છે; તેમ ભગવાન આત્મા ચિન્માત્ર અભેદ એક દ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવમય છે. અહાહા...! આવા અભેદની દ્રષ્ટિ તે દ્રવ્યદ્રષ્ટિ અને દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયપણું જેનું લક્ષણ છે એવી એક નિયતપ્રદેશત્વશક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે. આત્મામાં જે અસંકુચિતવિકાસત્વશક્તિ છે તે જુદી ચીજ છે, ને આ સંકોચવિસ્તારથી લક્ષિત જે નિયતપ્રદેશત્વશક્તિ છે તે જુદી ચીજ છે.
અસંકુચિતવિકાસત્વશક્તિનું સ્વરૂપ તો એવું છે કે-જેમાં સંકોચનો અભાવ છે એવો પર્યાયમાં ગુણનો અપરિમિત વિસ્તાર થાય તે અસંકુચિતવિકાસત્વશક્તિ છે. અહાહા...! પૂર્ણ દ્રવ્ય, પૂર્ણ ક્ષેત્ર, પૂર્ણ કાળ અને પૂર્ણ ભાવ-એ બધાને સંકોચ રહિત પૂર્ણ વિકાસરૂપ શક્તિના સામર્થ્યથી જાણે એવી જીવમાં અસંકુચિતવિકાસત્વશક્તિ છે. અહાહા...! જેમાં સંકોચ નહિ, પરિમિતતા નહિ એવો જ્ઞાનાદિમાં પૂર્ણ વિકાસ થાય, એવી અસંકુચિતવિકાસત્વશક્તિ છે. લોકોને આવી વાત મળે
PDF/HTML Page 4043 of 4199
single page version
નહિ એટલે તેઓ બહારમાં-ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે; પણ ભાઈ, નિજ સ્વરૂપની ઓળખાણ વિના એ બધું કાંઈ જ નથી; થોથાં છે. જ્યાં સુધી ક્રિયાકાંડમાં-રાગમાં મૂઢપણે રોકાઈ રહે ત્યાં સુધી સ્વાનુભવ થવો સંભવિત નથી.
અહાહા...! ભગવાન આત્મા મૂઢ નથી; તેના જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ શક્તિએ અમૂઢ છે. ભાઈ! આત્મામાં અમૂઢ સ્વભાવનો પાર નથી. અહાહા...! ધર્મી-જ્ઞાની એમ અનુભવે છે કે-હું અપરિમિત અનંત શક્તિઓથી ભરેલો ચિદાનંદકંદ પ્રભુ અમૂઢ છું અહાહા...! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી અનંત પર્યાયોનો પિંડ જ્ઞાન ગુણ મારામાં પડયો છે; અહાહા...! પૂર્ણાનંદની પ્રતીતિરૂપ સાદિ-અનંત પર્યાયોનો પિંડ શ્રદ્ધા ગુણ મારામાં પડયો છે; એક સમયમાં નિર્બાધ અનંત આનંદને આપે એવી સાદિ-અનંત આનંદની પર્યાયોનો પિંડ આનંદ ગુણ મારામાં પડયો છે. અહાહા...! આવા અનંત ગુણનો રત્નાકર પ્રભુ હું આત્મા છું. અરે, આવા પોતાના આત્માને ભૂલી, હે જીવ! તું આ આકુળતાની ભટ્ઠીના વેદનમાં કયાં રોકાઈ ગયો!
અહાહા...! પૂર્ણાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યચમત્કારમય પ્રભુ આત્મા છે. તેનો અંતરમાં સ્વીકાર અને સત્કાર કર્યે તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે. કહ્યું છે ને કે-
અહાહા...! ત્યાં વર્તમાનમાં જે આનંદ પ્રગટ થયો તે ભવિષ્યના પૂર્ણ આનંદનું કારણ છે. વર્તમાન પ્રગટ જ્ઞાન ને આનંદની દશાને પૂર્ણ આનંદનું કારણ કહેવું તે વ્યવહારથી છે. વાસ્તવમાં તો એક સમયમાં જે પૂર્ણ આનંદની દશા પ્રગટ થઈ તે તત્સમયની ષટ્કારકની પરિણતિથી પ્રગટ થઈ છે. ભાઈ! પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થયો માટે અહીં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ વાસ્તવમાં નથી, એમ કહેવું એ વ્યવહાર છે; કેમકે ઉત્પાદ છે તે કાંઈ વ્યયની અપેક્ષા રાખતો નથી. પૂર્વ પર્યાયનો વ્યય છે, વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે; તથાપિ ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી. ઝીણી વાત છે ભાઈ! કેવળજ્ઞાનની એક સમયની પર્યાય તે કર્તા, જે પર્યાય પ્રગટી તે કર્મ, તે પર્યાય જ કરણ અર્થાત્ સાધન, - પૂર્વની ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય તે સાધન એમ નહિ, જે પર્યાય પ્રગટી તે પોતામાં જ રાખી તે સંપ્રદાન, પર્યાય પોતામાંથી થઈ તે અપાદાન, અને પર્યાયનો આધાર તે પર્યાય તે અધિકરણ-આમ પોતાના ષટ્કારકના પરિણમનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પૂર્વની ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય થયો માટે કેવળજ્ઞાન ઉપજ્યું એમ કહેવું એ વ્યવહારનું કથન છે. અભાવ થઈને ભાવ થયો તો તે ભાવ કયાંથી આવ્યો? અભાવમાંથી નહિ, પણ દ્રવ્યમાં સર્વજ્ઞત્વ આદિ શક્તિ તેના નિયત પ્રદેશમાં ત્રિકાળ પડી છે અને તેમાંથી શક્તિવાન દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં કેવળજ્ઞાન આદિ પૂર્ણ દશા પ્રગટ થાય છે. આવી સૂક્ષ્મ વાત છે.
અહીં નિયતપ્રદેશત્વશક્તિની વાત ચાલે છે. કહે છે-આત્માના પ્રદેશની સંખ્યા નિયત-લોકપ્રમાણ અસંખ્ય છે. અહીં પ્રદેશની સંખ્યાને નિયત-નિશ્ચય કહેલ છે; પંચાસ્તિકાયમાં અસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરવી છે તેથી ત્યાં પ્રદેશની એકરૂપતાની વાત કરી છે. આવી વાત! હવે પોતે કેવો અને કેવડો છે તે બહુ ગરજ કરીને, દરકાર રાખીને જાણે નહિ તો ધર્મ કેવી રીતે થાય? અહા! એક રાજાને-બાદશાહને મળવા જવું હોય તો કેટલી તૈયારી કરીને જાય? તો અહીં તો ભગવાનના ભેટા કરવા જવું છે, તો પછી તેમાં કેટલી તૈયાર જોઈએ? અનંત અનંત અંતઃપુરુષાર્થની સાથે ભેટ બાંધીને જાય તો ભગવાનના ભેટા થાય. અહાહા...! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય રાખે, અને તે પણ એક સમયમાં, એવો અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા સર્વોપરિ ચૈતન્ય બાદશાહ છે. એના ભેટા કરવા જવું છે તો આ બહારની -હીરા, માણેક, મોતીની ભેટ કામ નહિ આવે, અને ક્રિયાકાંડના રાગની ભેટ પણ કામ નહિ આવે; અહા! એ તો અંતઃપુરુષાર્થ જાગ્રત કરી, એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કર્યે તત્કાલ દર્શન દે એવો તે પરમાત્મા છે. માટે હે ભાઈ! બહારના કોલાહલથી વિરામ પામી અંતર્મુખ થા.
આ બહારના પૈસા આદિ સંયોગ તો પુણ્ય યોગે મળે છે. તે સંયોગ હો કે ન હો; તે જીવને શરણ નથી, ને વ્રતાદિનો રાગ પણ શરણ નથી, એક સમયની પર્યાય પણ શરણ નથી. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ ચિન્માત્રચિંતામણિ સ્વયમેવ દેવ વિરાજી રહ્યો છે તે એક શરણ છે, તે મંગળ છે ને ઉત્તમ છે. બહારમાં જિનદેવ, જિનગુરુ, જિનધર્મને શરણ, મંગળ ને ઉત્તમ જાણવા તે વ્યવહારથી છે.
અનાદિ સંસારથી માંડીને જીવના પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે. નિગોદની દશામાં જીવના પ્રદેશોનો સંકોચ થાય તો પણ પ્રદેશોની સંખ્યા ઓછી થતી નથી ને હજાર જોજનના મચ્છના શરીરમાં રહેલા જીવના પ્રદેશોનો વિસ્તાર થાય
PDF/HTML Page 4044 of 4199
single page version
તો પણ પ્રદેશોની સંખ્યા વધતી નથી. જીવના પ્રદેશોની સંખ્યા તો ત્રણે કાળ એટલી ને એટલી-અસંખ્ય રહે છે.
જીવ સિદ્ધદશાને પ્રાપ્ત થતાં તેની અવગાહના છેલ્લા શરીરથી કિંચિત્ ન્યૂન જેટલી રહે છે. આ અવગાહના સાદિ-અનંત કાળ રહે છે. સંસારદશામાં અસંખ્ય પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે તે જાણવાલાયક છે. સંસારદશામાં એકરૂપ અવગાહના રહેતી નથી. કપડાને સંકેલી લેતાં તેના પ્રદેશની સંખ્યા ઘટતી નથી, ને કપડાને પહોળું-ખુલ્લું કરતાં તેના પ્રદેશોની સંખ્યા વધતી નથી; પ્રદેશ જેટલા છે તેટલા જ રહે છે.
જુઓ, નિગોદિયાનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ હોય છે. કેટલા? અનંતા. છ માસ અને આઠ સમયમાં છસો ને આઠ જીવો મુક્તિ પામે છે. અનાદિથી આજ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્તન કાળ વ્યતીત થયો. તે કાળમાં અનંતા જીવ મોક્ષદશાને પામ્યા છે. અહા! તેમની સંખ્યા કરતાં નિગોદના એક શરીરમાંના જીવની સંખ્યા અનંતગુણી છે. ત્યાં નિગોદમાં જીવના પ્રદેશો સંકોચાઈ ગયા છે.
તો શું જીવનો એક પ્રદેશ જેટલો છે તેનાથી સંકોચાઈ જાય છે? ના, એમ વાત નથી. ત્યાં એકેક પ્રદેશમાં સંકોચ થાય છે એમ વાત નથી. પ્રદેશમાં સંકોચ થતો નથી. પ્રદેશ તો અવિભાગી અંશ છે, તે જેવડો છે તેવડો જ છે, તેમાં સંકોચ ન થાય; પરંતુ સંસારદશામાં જીવના પ્રદેશો સંકેલાય અથવા વિસ્તૃત થાય છે. સર્વ પ્રદેશોની અવગાહના ઓછી-વત્તી થાય છે, પ્રદેશો તો છે તેટલા જ નિયત રહે, અને પ્રદેશ પણ જેવડો છે તેવડો જ રહે છે, માત્ર પ્રદેશો સંકેલાઈ પરસ્પર અવગાહના પામે છે અથવા વિસ્તૃત થાય છે. પ્રદેશોની સંખ્યા તો નિયત અસંખ્ય જ રહે છે. હવે આવી વાત એક સર્વજ્ઞના મારગ સિવાય બીજે કયાં છે ભાઈ? જીવના અસંખ્યપ્રદેશી ક્ષેત્રની વાત બીજે કયાંય છે જ નહિ.
વેદાંત વગેરે અન્યમતમાં આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ વાત કરી છે, પણ તેનું સ્વરૂપ ત્યાં બરાબર બતાવ્યું નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ વેદાંતના એક અભ્યાસીને પત્ર લખેલ છે કે-“આપણે પદાર્થની વ્યાખ્યા ચાર પ્રકારે કરી શકીએ. કોઈ પણ પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આવા ચાર અંશ હોય છે. આત્મામાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર બોલ ઉતારવા જોઈએ.” આત્મા દ્રવ્યે એક છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે, કાળથી ત્રિકાળી અથવા એક સમયની અવસ્થારૂપ અને ભાવથી અનંત ગુણમય છે. અન્યમતવાળા આવા ચાર ભેદ માનતા નથી. તેઓ આત્માને માત્ર એક, સર્વવ્યાપક, શુદ્ધ ચૈતન્યમય, અભેદ માને છે, પણ એ તો કથનમાત્ર છે, આત્માના વાસ્તવિક સ્વરૂપની તેઓને ખબર નથી.
અહીં કહે છે-આત્મા અસંખ્ય પ્રદેશી છે. સંસારદશામાં તેના પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે. (એક) પ્રદેશ સંકોચાતો કે પહોળો થતો નથી, પણ પ્રદેશોનો પરસ્પર અવગાહનારૂપ સંકોચ-વિસ્તાર થાય છે. મુક્ત થતાં જીવ આખરના શરીરના પરિમાણથી કાંઈક ન્યૂન પરિમાણે અવસ્થિત થાય છે, અને આ અવગાહના સાદિ-અનંતકાળ અવસ્થિત રહે છે.
લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જેટલા અસંખ્ય પ્રદેશો છે, તેટલા પ્રદેશોની સંખ્યા એક જીવની હોય છે. લોકાકાશ-પ્રમાણ જીવ વ્યાપ્ત નથી, પણ લોકાકાશના જેટલા-અસંખ્ય પ્રદેશો છે તેટલા એક જીવના પ્રદેશો છે. આત્મા અવયવી છે, ને પ્રદેશ તેના અવયવ છે, જેમ શરીર અવયવી છે અને હાથપગ તેના અવયવ છે તેમ; જેમ શ્રુતજ્ઞાન પ્રમાણ તે અવયવી અને નિશ્ચય-વ્યવહારનય તેના અવયવ છે તેમ.
શ્રુતજ્ઞાન પ્રમાણમાં જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાનની પર્યાય-કે જે પ્રમાણ છે તે- અવયવી છે, અને તેના નિશ્ચય અને વ્યવહારનય-એમ ભેદ પડે તે અવયવ છે. ભાવશ્રુતજ્ઞાન તે પર્યાય છે. તે પર્યાયને અખંડ ગણીને તેને અવયવી કહે છે અને નિશ્ચય-વ્યવહારના ભેદને અવયવ કહે છે. તેમ ભગવાન આત્મા એક છે તે અવયવી છે અને અસંખ્ય પ્રદેશ તેના અવયવ છે. હાથ, પગ, મોઢું, નાક કાન ઇત્યાદિ શરીરના અવયવ છે તે જડ છે, તે આત્માના અવયવ નથી. શરીર અને શરીરના અવયવથી પોતે ભિન્ન છે, અને પોતાથી એ બધા ભિન્ન છે; પણ અજ્ઞાની જીવ આવું ભેદજ્ઞાન કરતો નથી, ને સ્વપરનો ખીચડો કરે છે તેથી તે ચતુર્ગતિ-પરિભ્રમણ કર્યા કરે છે.
આત્માના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં પ્રદેશે પ્રદેશે અનંત ગુણ વ્યાપક છે, તેને શાસ્ત્રમાં તિર્યક્ પ્રચય કહે છે. તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. ભાઈ! આમ માનીએ તો જ અસંખ્ય પ્રદેશની સિદ્ધિ થાય. એક પ્રદેશમાં જ્યાં એક ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણ પણ વ્યાપક છે. અસંખ્ય પ્રદેશી આખા ક્ષેત્રમાં દરેક પ્રદેશે અનંત ગુણ રહેલા છે. આત્મા તો અનંત ગુણોનો પાટલો છે ભાઈ; જેમ સોનાનો પાટલો હોય છે તેમ આત્મા અનંત ગુણનો એક પિંડ છે. હવે, પોતાનું ઘર-પોતાનું ક્ષેત્ર કેવું અને કેવડું છે એનો કદી વિચાર જ કર્યો નથી! પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં ગુણો કેવા
PDF/HTML Page 4045 of 4199
single page version
છે, ને એની પર્યાય કેવી છે-એ સમજવા-વિચારવાની એને ફુરસદ નથી! નિશ્ચયથી અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય એવું એનું સ્વરૂપ છે. અહીં શક્તિના વર્ણનમાં નિર્મળ પર્યાયની વાત છે, મલિનની વાત નથી. સંકોચવિસ્તાર થાય એવી મલિન પર્યાયનો નિર્મળ પર્યાયમાં અભાવ છે. ઝીણી વાત ભાઈ!
આત્માના અસંખ્ય પ્રદેશોને અહીં નિયત કહેલ છે. નિયત પ્રદેશ તે નિશ્ચય છે; એનો અર્થ એમ છે કે જે પ્રદેશો છે તે નિયત સંખ્યાએ-અસંખ્ય છે, ને તેના સ્વસ્થાન પણ નિયત છે. ભલે સંકોચવિસ્તાર થાય, પણ પ્રદેશોની સંખ્યા નિયત જ છે. વસ્તુનું નિજઘરરૂપી દ્રવ્ય, નિજઘરરૂપી અસંખ્ય પ્રદેશી નિયત ક્ષેત્ર, ત્રિકાળ નિજઘરરૂપી કાળ અને નિજઘરરૂપી ભાવ-ચારેય એક છે ભાઈ! ભેદની દ્રષ્ટિ છોડી, અભેદ એકની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન અને ધર્મ છે. કળશટીકાના કળશ ૨પ૨માં કહ્યું છેઃ- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એકરૂપ વસ્તુ છે. તેમાં પર્યાયના ભેદને ગ્રહણ કરવો તે પરકાળ છે, ને અસંખ્ય પ્રદેશના ભેદનું લક્ષ કરવું તે પરક્ષેત્ર છે. સ્વકાળમાં પરકાળની નાસ્તિ છે, સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ પરપણે તો અસ્તિરૂપ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવની આત્મામાં નાસ્તિ છે. ઝીણી વાત છે ભાઈ! સ્વચતુષ્ટયમાં પરચતુષ્ટયનો અભાવ છે એ તો સ્થૂળ વાત છે. અહીં તો ત્રિકાળી પોતાનું સ્વરૂપ તે સ્વદ્રવ્ય, સ્વકાળ છે, ને એક સમયની વિકારી-નિર્વિકારી પર્યાયના ભેદ ઉપર લક્ષ કરવું તે પરદ્રવ્ય, પરકાળ છે. નિયમસારમાં (ગાથા-પ૦) એક સમયની પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં કહ્યું છે- “પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે.” આવી વાત! તત્ત્વજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે ભાઈ! અભેદ એક શુદ્ધ જ્ઞાયકમાત્ર વસ્તુ દ્રષ્ટિનો વિષય છે એ મૂળવાત છે.
શક્તિ એટલે આત્માના ગુણોનું આ વર્ણન છે. ગુણી નામ આત્મા અનંત ગુણરત્નોનો ભંડાર-ખજાનો છે. ત્યાં ગુણ-ગુણીના ભેદનું લક્ષ છોડી, ગુણી નામ અભેદ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. નિર્મળ રત્નત્રયસ્વરૂપ મોક્ષનો માર્ગ કહ્યો છે ને? અહા! તે રત્નત્રય કેમ પ્રગટ થાય? આત્મા શુદ્ધ ચૈતન્યરત્નાકર છે, તેના ઉપર દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા કરવાથી-ત્યાં જ લીનતા કરવાથી-સમ્યગ્દર્શન સહિત નિર્મળ રત્નત્રય પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે, ને આ મોક્ષમાર્ગ છે. ભાઈ! જાણપણું (ક્ષયોપશમ) ઘણું બધુ ન હોય, વા ક્ષેત્ર-અવગાહના નાની-મોટી હોય તેની સાથે કોઈ સંબંધ નથી; અભેદ એક નિજ ચૈતન્યવસ્તુની દ્રષ્ટિ અને રમણતા કરવી તે રત્નત્રયરૂપ ધર્મ છે, ને તેનું ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. સમજાણું કાંઈ...?
પ્રવચનસારની ૯૯મી ગાથામાં લીધું છે કે અસંખ્યપ્રદેશસ્વરૂપ તિર્યક્પ્રચય છે; તેમાં એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે, અર્થાત્ કોઈ પ્રદેશ બીજા પ્રદેશમાં ભળી જતો નથી. એમ હોય તો જ અસંખ્ય પ્રદેશ સિદ્ધ થાય. આ અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્રની જે આકૃત્તિ છે તેને વ્યંજન પર્યાય કહે છે. તે વ્યંજન પર્યાય સંસારદશામાં સંકોચવિસ્તાર પામે છે. સિદ્ધમાં છેલ્લા શરીરથી કાંઈક ન્યૂન આકારે વ્યંજન પર્યાય અવસ્થિત રહે છે.
પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે; પ્રદેશત્વ સિવાયના અન્ય ગુણોની પર્યાયને અર્થપર્યાય કહે છે. વ્યંજન પર્યાય અને અર્થપર્યાયની ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો-એ બેના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. અહીં અશુદ્ધ પર્યાય ન લેવી. વળી પ્રદેશમાં જે કંપન થાય છે તેનો અહીં અભાવ લેવો, આ વાત પહેલાં નિષ્ક્રિયત્વશક્તિમાં આવી ગઈ છે. નિષ્ક્રિયત્વશક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. અસંખ્ય પ્રદેશમાં જે વ્યંજન પર્યાય છે તેમાં નિષ્ક્રિયત્વશક્તિ વ્યાપે છે; તે પ્રદેશ ત્યાં સ્થિર થઈ ગયા. જેટલી અસ્થિરતા છે તેનો આ વ્યંજન પર્યાયમાં અભાવ છે. બહુ ઝીણી વાત પ્રભુ!
ચિદ્દવિલાસમાં ગુણ અધિકાર પાન ૮ ઉપર આમ કહ્યું છેઃ- “એક જ્ઞાનનૃત્યમાં અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે. તેથી (તે અનંત ગુણનો ઘાટ) જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંત રૂપને ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત ભાવને ધારે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત પ્રભાવ છે. આ પ્રકારે આ ભેદો અનંત સુધી જાણવા.” સવૈયા ટીકામાં આ વિષયનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
એક જ્ઞાનની પર્યાય દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે; એ રીતે એક સમયની અનંત ગુણની પર્યાય સહિત દ્રવ્યને જાણે-એવું જ્ઞાનની પર્યાયનું નૃત્ય થાય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત નટ, ઠટ હોય છે. સામાન્ય-વિશેષ વસ્તુને જ્ઞાન જાણે, સંકોચવિસ્તારને જાણે, અવસ્થિતને જાણે, અનંત ગુણ, અનંત પર્યાયને જાણે. એકેક પર્યાયમાં
PDF/HTML Page 4046 of 4199
single page version
અનંત નટ, ઠટ, કળા હોય છે. આવું બહુ સૂક્ષ્મ વર્ણન સવૈયામાં પં. શ્રી દીપચંદજીએ કર્યું છે. તેઓ ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયા, સમકિતી ધર્માત્મા હતા, વિશેષ ક્ષયોપશમ ધરાવતા હતા. તેમણે સૂક્ષ્મ અલૌકિક વર્ણન કર્યું છે.
અહાહા...! એકેક ગુણ, એકેક પર્યાય, તેમાં નૃત્ય, ઠટ, રૂપ, સત્તા, રસ, પ્રભાવ-અહોહો...! અનંત દરબાર ભર્યો છે. જેમ ભગવાનનું સમોસરણ દિવ્ય, અલૌકિક ધર્મ દરબાર છે ને! તેમ ભગવાન આત્મા, ચૈતન્યરત્નાકર પ્રભુ-તેમાં અનંતગુણનિધાનરૂપ અલૌકિક દરબાર ભર્યો છે. ભાઈ! તારી ચીજ-ચૈતન્ય વસ્તુથી જગતમાં ઊંચું કાંઈ નથી; માટે અંતર્દ્રષ્ટિ કરી તેનું સેવન કર.
આગળ વાત આવી ગઈ કે આત્માના નિયત અસંખ્ય પ્રદેશમાં સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિનાં અનુપમ નિધાન પડયાં છે. આ શક્તિઓ જ્યારે પર્યાયમાં પૂરણ પ્રગટ થાય છે ત્યારે સર્વદર્શિત્વ શક્તિની પર્યાય વિશેષ ભેદ પાડયા વિના સામાન્ય સત્ને દેખે છે, અને કેવળજ્ઞાનની પર્યાય એકેક દ્રવ્યના ભિન્ન ભિન્ન ગુણો, એકેક ગુણની ભિન્ન ભિન્ન પર્યાયો, એકેક પર્યાયના ભિન્ન ભિન્ન અનંત અવિભાગ પ્રતિચ્છેદો, ને તેનાં (પર્યાયોનાં) નટ, ઠટ, કળા, રૂપ, રસ ઇત્યાદિ બધાને એક સમયમાં જાણે છે. તેને અહીં શાસ્ત્રમાં અદ્ભુત રસ કહ્યો છે. એક સમયમાં બે શક્તિનું પરિણમન, તેમાં બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન! અહા! તેને અદ્ભુત રસ કહીએ.
અહો! ભગવાન આત્માની સત્તા આવી અદ્ભુત ચમત્કારિક છે. જ્ઞાન સાકાર છે, દર્શન નિરાકાર છે. બન્નેની સત્તા એક દ્રવ્યમાં એકી સાથે એક સમયમાં છે. આને અદ્ભુત રસ શાસ્ત્રમાં કહ્યો છે.
જ્ઞાન સાકાર છે એટલે શું? સાકારનો અર્થ આકાર નહિ, પણ સ્વપર અર્થને જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે તેથી જ્ઞાનને સાકાર કહ્યું છે. પરનો આકાર વા પરની ઝલક જ્ઞાનમાં પડે છે માટે જ્ઞાનને સાકાર કહ્યું નથી, જ્ઞાનનો સ્વપર અર્થનો પ્રકાશક સ્વભાવ છે માટે જ્ઞાનને સાકાર કહ્યું છે. વળી દર્શન નિરાકાર છે એટલે તેને પ્રદેશ નથી એમ નહિ, પણ ભેદ પાડયા વિના જ સામાન્ય અવલોકનમાત્ર દર્શન છે માટે તેને નિરાકાર કહ્યું છે. સાકાર એટલે સવિકલ્પ; સ્વપરને જ્ઞાન ભેદ કરીને જાણે માટે સવિકલ્પ. આવી વાત!
અહા! આત્માના અસંખ્ય પ્રદેશો સર્વત્ર અનંત ગુણોથી વ્યાપક છે. તેમાં એમ નથી કે ગુણનો અમુક અંશ અમુક પ્રદેશમાં ને અમુક અંશ બીજા પ્રદેશમાં હોય. આત્માના પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી. હે ભાઈ! જે કાંઈ છે તે સર્વસ્વ તારું નિયત અસંખ્ય પ્રદેશમાં જ છે, તારા અસંખ્ય પ્રદેશની બહાર તારું કાંઈ નથી. માટે પરદ્રવ્યથી વિરામ પામી, અનંત ગુણસ્વભાવમય એક સ્વદ્રવ્યને જ જો, તેથી તને જ્ઞાન, સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે નિયતપ્રદેશત્વશક્તિ અહીં પૂરી થઈ.
‘સર્વ શરીરોમાં એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ)’.
અહાહા...! નિગોદથી માંડીને ચરમ શરીર સુધી જીવે અનંતાં શરીર ધારણ કર્યા; પણ આ બધા શરીરોમાં ભગવાન આત્મા તો પોતાના એકસ્વરૂપાત્મક એક જ્ઞાયકભાવમાત્ર જ છે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે. અહા! સંસાર પરિભ્રમણ કરતાં જીવે મનુષ્ય-દેવ-નારકી અને તિર્યંચનાં-પ્રત્યેકના અનંતાં શરીર ધારણ કર્યાં, તે તે શરીરના આકાર પ્રમાણે પોતાની વ્યંજન પર્યાય થઈ, છતાં શરીરમાં આત્મા વ્યાપક નથી; કેમકે શરીર વ્યાપ્ય અને ભગવાન આત્મા વ્યાપક એમ છે નહિ. આત્માનું સ્વરૂપ સદા એક જ્ઞાયક છે, શરીરમાં કે રાગમાં વ્યાપે એવું એનું સ્વરૂપ નથી.
પોતાના અનંત ગુણો અને પોતાની નિર્મળ પર્યાયોમાં આત્મા વ્યાપે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ ગુણ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે, મલિનની નહિ, કેમ કે મલિન પર્યાયમાં આત્મા વ્યાપક નથી. ભાઈ! આત્મા જડમાં- શરીરમાં
PDF/HTML Page 4047 of 4199
single page version
તો વ્યાપક નથી, તે રાગમાં-વિકારમાં પણ વ્યાપક નથી. અનાદિ સંસારથી એને રાગ તો વિવિધ પ્રકારના અનેક થયા છે, અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ થયા છે, પણ તેમાં ભગવાન આત્મા વ્યાપક-તન્મય નથી. આત્મા રાગમય થઈ જતો નથી; એ તો ત્રિકાળ એકસ્વરૂપાત્મક જ છે.
જેમ એક દીવો વારાફરતી અનેક ઓરડાઓમાં ફરે, ત્યાં દીવો તો નિજ પ્રકાશસ્વરૂપ દીવો જ છે, દીવો કાંઈ ઓરડારૂપે થઈ જતો નથી. તેમ અનંતાં શરીરોમાં ને અસંખ્યાત પ્રકારના રાગમાં ફરવા છતાં આ ચૈતન્યદીવડો પ્રભુ આત્મા ત્રિકાળ નિજ ચૈતન્યના પ્રકાશરૂપ-એકસ્વરૂપ-જ્ઞાયકસ્વરૂપ જ છે; જેમ દીવો ઓરડામાં વ્યાપતો નથી, તેમ ચૈતન્ય-દીવડો-આત્મા શરીરમાં ને રાગમાં વ્યાપતો નથી. અહાહા...! એની પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ થાય છે તેમાં ભગવાન આત્મા તન્મયપણે વ્યાપતો નથી. લ્યો, હવે લોકો પોકાર કરે છે કે- વ્યવહારથી નિશ્ચય થાય; પણ અહીં કહે છે-આત્મા વ્યવહારમાં વ્યાપતો નથી. ભાઈ! આત્મા વ્યાપક ને વ્યવહાર-રાગ તેનું વ્યાપ્ય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. ભગવાન આત્મા વ્યાપક એટલે કર્તા છે તે નિર્મળ પર્યાયરૂપ વ્યાપ્ય અવસ્થાનો કર્તા છે; ખરેખર તો એમ કહેવું એય વ્યવહાર છે, કેમકે તે નિર્મળ પર્યાય પોતે પોતાથી ઉત્પન્ન થઈ છે. તે પર્યાય કર્તા અને તે પર્યાય પોતે જ કર્મ છે. અહીં તો પરથી ભિન્નતા સિદ્ધ કરવી છે ને? તો કહ્યું કે-અનંત શરીરોમાં આ જ્ઞાયક પ્રભુ ત્રિકાળ એકસ્વરૂપાત્મક છે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
તે એક હજાર યોજન લંબાઈવાળા શરીરને પ્રાપ્ત થયો હોય કે તેને અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ શરીર મળ્યું હોય, ભગવાન આત્મા તો સ્વયં પોતાના સ્વરૂપમાં જ વ્યાપક છે; તે શરીરમાં વ્યાપક નથી, ને રાગમાં પણ કદી વ્યાપક નથી. અહાહા...! આવો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંદર આત્મા ત્રિકાળ બિરાજે છે. ભાઈ! અંદર તારાં ચૈતન્યનાં નિધાન શું છે તેની તને ખબર નથી. અહાહા...! ભગવાન! તું પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ જિનસ્વરૂપી પ્રભુ છો. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપથી શોભાયમાન પ્રભુ તું સ્વધર્મવ્યાપક છો. તને નાનાં-મોટાં શરીર મળ્યાં, પણ તેમાં તું વ્યાપક નથી. અરે, શરીરને તું કદી અડયો પણ નથી, અને રાગને પણ તું અડયો નથી. અહા! આવો ત્રિકાળ એકસ્વરૂપાત્મક ભગવાન આત્મા છે તેને ઓળખી તેનો આશ્રય કરતાં નિર્મળ નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે.
અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું ધામ પ્રભુ આત્મા છે. આ નામ દઈને બોલાવે છે ને! એ નામ તો શરીરનું બાપા! શરીરનું નામ પાડયું તે આત્મા નથી. અરે, અનેક નામવાળાં નાનાં-મોટાં શરીરમાં રહ્યો છતાં શરીરને તે સ્પર્શ્યો પણ નથી. અહા! એના અનંત ગુણમાં તે વ્યાપક હોવા છતાં તે ગુણભેદને સ્પર્શ્યો નથી એવો તે નિત્ય એકસ્વરૂપ છે; તે અનેક-સ્વરૂપે કદી થયો જ નથી. હવે આમ છે ત્યાં આ લક્ષ્મી મારી, ને આ સ્ત્રી-કુટુંબ મારાં ને આ મહેલ-મકાન મારાં-એ કયાં રહ્યું? એ તો બધી જુદી ચીજ બાપુ! સંયોગ આવે ને જાય; પણ તેરૂપે-પરરૂપે આત્મા કદી થતો જ નથી. સમજાય છે કાંઈ...?
અનાદિથી આત્મા પોતાના એકસ્વરૂપમાં જ રહ્યો છે. અહા! આવી પોતાની ચીજની દ્રષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. અરેરે! આવા આ મનુષ્યદેહમાં, પોતાની આવી ચીજ સમજમાં ન લે, ને તેની દ્રષ્ટિ ન કરે તો તેણે જીવનમાં શું કર્યું? કાંઈ જ ન કર્યું; જીવન વ્યર્થ જ ખોયું. ભાઈ! એકસ્વરૂપ એવા નિજ જ્ઞાયકસ્વરૂપને જાણ્યા- અનુભવ્યા વિના, ચાહે જેટલાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે પણ એથી શું? એથી કોઈ જ લાભ નથી, કેમકે ભગવાન આત્મા તેમાં વ્યાપક થતો નથી. જેમ ભિન્ન-ભિન્ન શરીરોમાં રહેવા છતાં તેમાં આત્મા વ્યાપક થતો નથી તેમ શુભાશુભ રાગ થાય તેમાં પણ ભગવાન આત્મા વ્યાપક થતો નથી. આ શાસ્ત્રની-પરમાગમની છટ્ઠી ગાથામાં આવ્યું ને કે-
एवं भणंति सुध्दं णादो जो सो दु सो चेव।।
અહાહા...! ભગવાન આત્મા અપ્રમત્ત નથી, પ્રમત્ત નથી, એક જ્ઞાયકભાવસ્વરૂપ છે. અહીં શબ્દની વાત ન લેવી, શબ્દનું જે વાચ્ય છે તે જ્ઞાયક તત્ત્વને ગ્રહણ કરવાની વાત છે. ‘જ્ઞાયક’ જે શબ્દ છે તેમાં જ્ઞાયક પદાર્થ નથી. ‘સાકર’ શબ્દ વાચક છે, ને સાકર પદાર્થ તેનું વાચ્ય છે. તેમ અહીં ‘જ્ઞાયક’ શબ્દ વાચક છે, ને જ્ઞાયક ભાવ જે ત્રિકાળી દ્રવ્ય છે તે વાચ્ય છે. અહા! તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક પ્રભુ, અહીં કહે છે, એકરૂપ રહ્યો છે, પ્રમત્ત-અપ્રમત્ત થયો નથી. પર્યાય ભલે મલિન કે નિર્મળ હો, વસ્તુ તો ત્રિકાળ એકસ્વરૂપે જ રહી છે. અહા! આવા નિજ એકસ્વરૂપાત્મક દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ એકસ્વરૂપાત્મકપણાનું-સ્વધર્મવ્યાપકત્વનું પરિણમન થાય છે. આવી વાત બહુ સૂક્ષ્મ!
PDF/HTML Page 4048 of 4199
single page version
દ્રવ્ય-ગુણ તો એકસ્વરૂપ ત્રિકાળ છે જ, તેનો અંતરમાં સ્વીકાર કરવાથી પર્યાયમાં પણ એકસ્વરૂપાત્મકપણાનું પરિણમન થાય છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વરૂપી-એકસ્વરૂપી ભગવાનનો અંતરમાં સત્કાર કરવો, આદર કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આત્માને-નિજ સ્વરૂપને શરીરપણે માનવો, વા રાગપણે માનવો વા પર્યાયમાત્ર માનવો એ તો પૂર્ણ વસ્તુ પોતે આત્મા છે તેનો અનાદર છે. અને તે જ આત્માનો ઘાત નામ હિંસા છે. અહા! ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે તેને રાગવાળો માનવો તે તેનો ઘાત એટલે હિંસા છે. હિંસા બીજી શું ચીજ છે? પરજીવના ઘાત કરવાના પરિણામ થાય તે તો હિંસા છે; પણ પોતાને શરીરમય ને રાગમય માનવો તે સ્વઘાતરૂપ મહા હિંસા છે; કેમકે સર્વ હિંસાનું તે મૂળ છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! અંદર અનંતગુણમય એકસ્વરૂપાત્મક જીવન છે એવું સ્વીકાર કરવાથી પર્યાયમાં નિર્મળ પરિણતિરૂપ પરિણમન થાય છે; એકસ્વરૂપાત્મક દ્રવ્ય છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. અહા! આત્માની આવી સ્વધર્મવ્યાપકત્વ-શક્તિ છે. પોતાના ધર્મોમાં-પોતાના ગુણો ને નિર્મળ પર્યાયમાં આત્મા વ્યાપક છે, પણ દેહમાં કે મલિન પર્યાયમાં તે વ્યાપક નથી. તો પછી શુભરાગ અને શુભજોગથી ધર્મ થાય એ વાત કયાં રહે છે? ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તો શુભરાગને હેય કહ્યો છે. પં. કૈલાસચંદજીએ લખ્યું છે કે-આચાર્યદેવની વાત બરાબર છે.
પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે જે શુભરાગને ઉપાદેય માને છે તે નિજ આત્માને હેય માને છે. વ્યવહાર રત્નત્રયરૂપ જે શુભયોગ છે તેને જે આદરણીય અને ઉપાદેય માને છે તેણે ચિદાનંદસ્વરૂપ પોતાના અખંડાનંદ પ્રભુને હેય માન્યો છે, હેય કરી દીધો છે. જ્યારે ધર્મી જીવો તો રાગને હેય માની શુદ્ધ ત્રિકાળી નિજ આત્મદ્રવ્યને ઉપાદેય કરતા થકા પ્રવર્તે છે. ભાઈ! તારી ચીજ જે જે પ્રકારે છે તે પ્રકારે તેનો સ્વીકાર કર તેમાં જ તારું હિત છે, અન્યથા તો આત્મઘાત જ છે. સત્ પરિપૂર્ણ વિજ્ઞાનઘન પ્રભુ ત્રિકાળ એકસ્વરૂપ જ છે, તે સ્વધર્મમાં જ વ્યાપક છે, પોતાના ગુણ-પર્યાયમાં જ વ્યાપક છે, અન્યત્ર વ્યાપક નથી.
પ્રશ્નઃ– આત્મા સ્વધર્મમાં સદાય વ્યાપક છે, તો પછી તેને ધર્મ કરવાનું કયાં રહ્યું? ઉત્તરઃ– આત્મા સ્વભાવથી સ્વધર્મવ્યાપક છે એ તો બરાબર જ છે, પણ અજ્ઞાનીને એની કયાં ખબર છે? એ તો દેહમય ને રાગમય હું છું એમ જાણે છે. તેથી ‘હું સદાય સ્વધર્મમાં રહેલો એકસ્વરૂપ છું’ એવું જો અંદરમાં ભાન કરે તો તેને પર્યાયમાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય. તેથી જ આ ઉપદેશ છે કે-હે ભાઈ! અનંત ગુણસ્વભાવમય નિજ આત્મદ્રવ્યને ઓળખી તેની જ દ્રષ્ટિ કર, જેથી તને મોક્ષમાર્ગ પ્રગટ થશે.
સમયસારની ગાથા ૧૭-૧૮ની ટીકામાં આવો જ પ્રશ્ન પૂછયો છે. ત્યાં શિષ્ય પૂછે છે-પ્રભો! આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યરૂપ-એકમેક છે, જુદો નથી; તેથી જ્ઞાનને સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે? ત્યાં આચાર્યદેવે સમાધાન કર્યું છે કે-“તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ અથવા બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.” આમ સ્વભાવથી પોતે એક જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ તેનું સેવન ન કરે ત્યાં સુધી જીવ અજ્ઞાની જ રહે છે, અને તેથી જ તેને જ્ઞાનની ઉપાસનાનો-અંતર એકાગ્રતાનો ઉપદેશ કરવામાં આવે છે.
અહો! આ પંચમ કાળમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર તુલ્ય કામ કર્યું છે. ભાઈ! શબ્દો થોડા છે, પણ એથી એનું મહત્ત્વ ઓછું ન આંકવું. જુઓ, ‘જગત’ ત્રણ અક્ષરનો શબ્દ છે, પણ તેમાં શું ન આવ્યું? બધું જ આવી ગયું. અહા! એક ‘જગત’ શબ્દે અનંતા નિગોદ, અનંત સિદ્ધ, છ દ્રવ્ય ને છ દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ-પર્યાય... ઓહોહો...! બધું જ આવી ગયું. ત્રણ અક્ષરના કાનામાત્રા વિનાના એક ‘જગત’ શબ્દમાં કેટલું સમાઈ જાય છે? ભગવાનની વાણીમાં ‘ૐ’ નીકળે છે તેમાં બધું આવી જાય છે. અહા! આવી વાણી!
પ્રશ્નઃ– ગુરુદેવ! આપે પણ ગજબનું કામ કર્યું છે? ઉત્તરઃ– શું કામ કર્યું છે? આચાર્ય ભગવંતોએ જે કહ્યું છે તેનું અમે તો સ્પષ્ટીકરણ કરીએ છીએ. ગાયના આંચળમાં દૂધ ભર્યું હોય તેને કોઈ કુશળ દોહનાર દોહીને બહાર કાઢે તેમ શાસ્ત્રોમાં તત્ત્વ ભર્યું છે તેને સમર્થ આચાર્ય અમૃતચંદ્રદેવે તર્ક વડે બહાર કાઢી પ્રકાશ્યું છે. તેમાં અમારું કાંઈ નથી. અમે તો માત્ર તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ, બસ.
અરે! મૂઢ-અજ્ઞાની જીવો નિજ ચિદાનંદમય ચૈતન્યનું વાસ્તુ છોડીને, જડ દેહમાં ને વિકારમાં પોતાનો વાસ માની રહ્યા છે. તેને કહે છે-હે જીવ! તે તારો વાસ નથી; જડ દેહમાં ને વિકારમાં વસવાનો તારો સ્વભાવ નથી. તારો સ્વભાવ
PDF/HTML Page 4049 of 4199
single page version
તો તારા શ્રદ્ધા-જ્ઞાન-આનંદ ઇત્યાદિ અનંત સ્વધર્મોમાં વસવાનો છે. અહા! આવા તારા સ્વભાવને ઓળખીને તેમાં વાસ કર, તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કર; ને વિકારની વાસના છોડી દે. અહા! દેહ ને વિકારની વાસના છોડી, અનંતધર્મસ્વરૂપ એકસ્વરૂપાત્મક-એકાકાર નિજ આત્માને ઓળખવો તે અનેકાન્ત છે, અને તેનું ફળ પરમ અમૃત છે, પરમ સુખની પ્રાપ્તિરૂપ પરમામૃત છે. સમજાણું કાંઈ...?
ત્યારે કેટલાક વળી કહે છે-આપણે તો આખા વિશ્વ ઉપર પ્રેમ કરવો જોઈએ. વિશ્વપ્રેમ તે ધર્મ છે. અરે ભાઈ! વિશ્વપ્રેમ એ ચીજ શું છે? સર્વ વિશ્વનું જ્ઞાન કરી, નિજ ચૈતન્યવસ્તુમાં એકતા સ્થાપિત કરવી એનું નામ પ્રેમ છે. આ પ્રેમ એટલે વીતરાગતા છે. બાકી બીજા પ્રત્યે પ્રેમ કરવો, અરે, તીર્થંકર પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો એ પણ રાગ છે, તે રાગ આત્માના એકસ્વરૂપાત્મકપણામાં છે જ નહિ. શરીરના ને પરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપક થાય એવો જ આત્માનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
પરમાર્થે ભગવાન આત્મા પોતાના નિર્મળ ગુણો અને નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે, રાગ અને શરીરને એ કદી અડતો જ નથી. આવો જ દ્રવ્યસ્વભાવ છે. હવે પોતાની ચીજ કેવી છે એની ખબર વિના ધર્મ થઈ જાય એમ કેવી રીતે બને? કદીય ન બને. અરે! એનો અનંત કાળ એમ ને એમ ચાલ્યો ગયો! સંસારના ધંધા આડે ને વિષય- કષાય આડે એને નિવૃત્તિ નહિ; આખા દિવસમાં માંડ કલાક દેવદર્શન, ભક્તિ, પૂજા ને સ્વાધ્યાયમાં કાઢે, બાકીનો બધો સમય એકલા અશુભમાં કાઢે-વ્યતીત કરે છે. ઘણો તો કુટુંબને ને લોકોને રાજી રાખવામાં વખત જાય છે, પણ ભાઈ! એમાં તારો આત્મા નારાજ થાય છે તેની તને ખબર નથી; અરેરે! તું દુઃખી-દુઃખી થઈ રહ્યો છે! અરે ભાઈ! તારે પર સાથે શું સંબંધ છે? પર સાથે પ્રેમ કરવાનું કહે છે પણ પ્રેમ કરવાનો અર્થ શું? પોતાની પર્યાય પોતાના દ્રવ્યમાં એકાગ્ર થાય તે પ્રેમ છે; પર તરફનો પ્રેમભાવ એ તો રાગ છે, ને તેને કરવામાં ધર્મ માને એ તો ભ્રાન્તિ છે; અને તે હેય છે.
અરે ભાઈ! આ દેહથી તું જુદો અવ્યાપક છો, તો પર (વિશ્વ) તારું કયાંથી થઈ ગયું? માટે પરથી ને જડ દેહથી જુદો ને જુદો તારો આત્મા એવો ને એવો એકરૂપ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપે રહ્યો છે એમ જાણીને તું પ્રસન્ન થા, પ્રમુદિત થા, ને તારા આત્માને સ્વધર્મમાં રહેલો અનુભવ; એમ કરતાં શરીરથી સંબંધ છૂટીને તને અશરીરી મુક્ત દશાની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે અહીં સ્વધર્મવ્યાપકત્વશક્તિ પૂરી થઇ.
‘સ્વ-પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણ- અસાધારણ-સાધારણાસાધારણધર્મત્વશક્તિ’
જુઓ, આત્મામાં અનંત ધર્મો છે. તેમાં જે કોઈ સ્વ-પરના સમાન ધર્મો છે તે સાધારણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ ધર્મો સાધારણ છે, કેમકે તે ધર્મો જેમ આત્મામાં છે તેમ આત્મા સિવાયના બીજા અન્ય દ્રવ્યોમાં પણ છે. આવા સમાન-સાધારણ ધર્મો આત્મામાં એકી સાથે રહેલા અનંત છે. સ્વમાં અને પરમાં હોય એવા સાધારણ ધર્મો અનંત છે.
વળી કોઈ ધર્મો એકલા સ્વમાં-આત્મામાં જ હોય છે. તે આત્માના વિશેષ ધર્મો હોવાથી અસમાન- અસાધારણ ધર્મો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના અસાધારણ ધર્મો છે, કેમકે તે એક આત્મામાં જ છે, આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં નથી. આવા અસાધારણ ધર્મો પણ અનંત છે. તેમાં જ્ઞાન આત્માનો સ્વ-પરને ચેતવારૂપ- જાણવારૂપ ધર્મ હોવાથી તે આત્માનું અસાધારણ લક્ષણ છે. ભગવાન આત્મા જ્ઞાનલક્ષણ વડે લક્ષિત થાય છે. જો કે સત્ દ્રવ્યનું લક્ષણ છે, તો પણ તે આત્માનું લક્ષણ નથી, કેમકે સત્ સાધારણ ધર્મ હોવાથી તે વડે સ્વ-પરની ભિન્નતા પામી શકાતી નથી, અર્થાત્ સત્થી આત્માનું અન્યદ્રવ્યથી જુદું સ્વરૂપ લક્ષમાં આવતું નથી. સમજાય છે કાંઈ...?
વળી આત્મામાં કોઈ ધર્મો એવા છે જે, કોઈ પરદ્રવ્ય સાથે સમાન હોય ને કોઈ પરદ્રવ્ય સાથે અસમાન હોય. તેવા ધર્મો સાધારણાસાધારણ છે. અમૂર્તત્વાદિ આત્માના સાધારણાસાધારણ ધર્મ છે; કેમકે અમૂર્તત્વ ધર્મ, અધર્મ, આકાશાદિમાં છે, પણ તે પુદ્ગલ દ્રવ્યમાં નથી. આકાશાદિની અપેક્ષા જીવનો અમૂર્તત્વ ધર્મ સાધારણ છે, ને પુદ્ગલ દ્રવ્યની અપેક્ષા જીવનો તે ધર્મ અસાધારણ છે. તેથી અમૂર્તત્વ ગુણ જીવનો સાધારણાસાધારણ ધર્મ છે. અમૂર્તત્વ વડે પણ
PDF/HTML Page 4050 of 4199
single page version
આત્મા જુદો લક્ષિત થતો નથી, કેમકે તેને ધર્મ, અધર્મ, આકાશાદિ દ્રવ્યો સાથે સાધારણપણું છે; અમૂર્તત્વ વડે પુદ્ગલ દ્રવ્યથી અસાધારણપણું જણાય છે, પણ આકાશાદિ દ્રવ્યો સાથે તેનું સાધારણપણું હોવાથી તે અમૂર્તત્વ વડે આકાશાદિ દ્રવ્યોથી જુદા આત્માનું લક્ષ થઈ શકતું નથી.
આ પ્રમાણે અસ્તિત્વાદિ સાધારણ ધર્મો; જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અસાધારણ ધર્મો ને અમૂર્તત્વાદિ સાધારણાસાધારણ ધર્મો-એમ ત્રણ પ્રકારના ધર્મો ભગવાન આત્મામાં એકી સાથે હોવાનો તેનો સાધારણ- અસાધારણ-સાધારણાસાધારણધર્મત્વ સ્વભાવછે. આત્મા સત્-ચિત્-અમૂર્તિક છે-એમ કહેતાં ઉપરના ત્રણે પ્રકારના ધર્મો તેમાં આવી જાય છે.
પ્રવચનસારની ૯પમી ગાથામાં કહ્યું છે કે-આત્મામાં જે ચૈતન્ય ગુણ છે તે એક અપેક્ષા સામાન્ય ગુણ છે, કેમકે પોતામાં જેમ ચૈતન્યગુણ છે તેમ બીજા અનંતા આત્મામાં પણ ચૈતન્ય ગુણ છે. આ પ્રમાણે જ્ઞાન, આનંદ આદિ ગુણો જેમ સ્વદ્રવ્યમાં છે તેમ અનંતા બીજા આત્મામાં પણ છે તે અપેક્ષા તે સાધારણ ધર્મો છે. પરંતુ ત્યાં આ જીવનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન બીજા જીવોમાં છે એમ નથી. પ્રત્યેક જીવના જ્ઞાન, દર્શન, ચૈતન્ય આદિ ધર્મો તે તે જીવના જ વિશેષ ધર્મરૂપ છે. આ પ્રમાણે અસાધારણપણું પણ છે; અને તેથી પોતાના જ્ઞાન વડે પોતે બીજા જીવોથી જુદો અનુભવમાં આવે છે.
ભાઈ! જ્ઞાન, આનંદ વગેરે વિશેષ ગુણો પ્રત્યેક આત્મામાં છે; સ્વમાં છે ને બીજા જીવોમાં પણ છે. પરંતુ સ્વના જ્ઞાન, આનંદ વગેરે સ્વમાં, ને પર જીવોના જ્ઞાન, આનંદ વગેરે પણ જીવોમાં પોતપોતામાં છે. સ્વનું જ્ઞાન બીજા જીવમાં નથી, બીજા જીવનું જ્ઞાન સ્વમાં નથી. આ પ્રમાણે સ્વની પર જીવોથી અધિકતા હોવાથી સ્વસન્મુખ થતાં જ પોતાના જ્ઞાન વડે બીજા બધા જીવોથી જુદો પોતાનો આત્મા પોતાના સંવેદનમાં આવે છે. આવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે અને તે ધર્મ છે. ભાઈ! તારું જ્ઞાનલક્ષણ એક એવું અસાધારણ છે કે તે સર્વ પરદ્રવ્યો ને પરભાવોથી ભિન્નપણે ને પોતાના અનંત ધર્મો-ગુણોથી એકપણે આત્માનો અનુભવ કરાવે છે; માટે પ્રસન્ન થા ને જ્ઞાનલક્ષણે સ્વદ્રવ્યને લક્ષિત કર.
હોવાપણે-અસ્તિપણે આત્મા અને અન્ય પદાર્થો સરખા છે; પરંતુ આત્મામાં જ્ઞાન છે, ને સર્વ અન્ય જડ દ્રવ્યોમાં નથી. આ રીતે આત્માની વિશેષતા છે. જેમ પુદ્ગલમાં રૂપીપણું અર્થાત્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ છે, ને તે બીજા કોઈ દ્રવ્યોમાં નથી તેથી રૂપીપણું પુદ્ગલનો અસાધારણ ધર્મ છે, તેમ જ્ઞાન, દર્શન આદિ જીવમાં જ છે, અન્ય દ્રવ્યોમાં નથી, માટે જ્ઞાનાદિ જીવના અસાધારણ ધર્મ છે.
આ પ્રમાણે પરદ્રવ્યોથી ભગવાન આત્મા જુદો છે ને અંદરના રાગાદિ વિકારથી પણ તે જુદો છે; કેમકે રાગાદિ વિકારમાં જ્ઞાન નથી. જેમ આત્મા છે, પરમાણુ પણ છે, બન્ને હોવાપણે છે, છતાં બન્ને જુદા જ છે; કેમકે બન્નેનો સ્વભાવ જુદો છે. તેમ આત્મામાં ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે, ને ક્ષણિક વિકાર પણ છે; બન્ને હોવાપણે છે, છતાં બન્ને જુદા જ છે, કેમકે જ્ઞાનસ્વભાવમાં તે વિકાર નથી, ને વિકારમાં જ્ઞાનસ્વભાવ નથી. આ રીતે બન્નેની ભિન્નતા હોવાથી, અંતર્મુખ દ્રષ્ટિ વડે વિકારથી ભિન્ન નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ થાય છે. અહા! આ પ્રમાણે પરદ્રવ્યોથી ને શુભાશુભ વિકારી ભાવોથી ભેદજ્ઞાન કરીને અંતર્દ્રષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનાદિ અનંત શક્તિઓથી એકાકાર-એકરૂપ એવા સ્વદ્રવ્યનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
અરે! પોતાના સ્વસ્વરૂપને જાણ્યા વિના લોકો તો ક્રિયાકાંડમા ને શુભયોગના વ્યવહારમાં જ ધર્મ માની સંતુષ્ટ થઈને બેઠા છે. પણ ભાઈ! જેને તું વ્યવહાર કહે છે તે ખરેખર આત્મવ્યવહાર નથી. પ્રવચનસાર ગાથા ૯૪માં (ટીકામાં) કહ્યું છે કે-આત્મા શુદ્ધ જ્ઞાન ને આનંદરૂપે પરિણમે તે આત્માનો શુદ્ધ વ્યવહાર છે. આત્મા રાગભાવે- વિકારપણે પરિણમે તે આત્માનો વ્યવહાર નથી, તે મનુષ્ય-વ્યવહાર છે. અહા! આ પ્રવચનસાર તો ભગવાનની દિવ્યધ્વનિનોસાર છે. ભાઈ! દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, ને પર્યાય શુદ્ધ ચૈતન્યપણે પરિણમે તે આત્મવ્યવહાર છે. આ સિવાયનો તો સઘળો વ્યવહાર-રાગ થોથાં છે, એ અપૂર્વ નથી, એ તો જીવે અનંતવાર કર્યો છે. સમજાય છે કાંઈ...?
ભાઈ, ‘આત્મા છે’-એમ માત્ર અસ્તિત્વ ગુણથી આત્માને શોધવા જઈશ તો આત્મા હાથ નહિ આવે, કેમકે અસ્તિત્વ એ તો સર્વ દ્રવ્યોનો સ્વભાવ છે.
વળી આત્મા ‘અમૂર્ત’ છે-એમ અમૂર્તપણાથી આત્માને શોધવા જઈશ તોય તે હાથ નહિ આવે, કેમકે અમૂર્તપણું એ આકાશાદિ દ્રવ્યોનો પણ સ્વભાવ છે.
વળી દયા, દાન, વ્રત આદિ અનેક પ્રકારના શુભ વ્યવહારથી આત્માને શોધવા જઈશ તોય તેની પ્રાપ્તિ નહિ થાય,
PDF/HTML Page 4051 of 4199
single page version
કેમકે તે શુભરાગ આત્માના સ્વરૂપભૂત નથી; રાગ ને જ્ઞાનસ્વભાવ તદ્ન ભિન્ન ચીજ છે.
‘જ્ઞાન તે આત્મા’-એમ જ્ઞાનલક્ષણને અનુસરીને શોધતાં, પરથી ને વિકારથી જુદો ને પોતાના અનંત સ્વભાવોથી એકમેક એવો ભગવાન આત્મા પ્રાપ્ત થાય છે. આ જ સમ્યગ્દર્શન અને આત્મોપલબ્ધિની રીત છે.
સમાન, અસમાન, ને સમાનાસમાન-એમ ત્રિવિધ ધર્મોનો ધારક ભગવાન આત્મા છે; આવા નિજ સ્વરૂપને ઓળખી, પરથી ને વિકારથી ભેદજ્ઞાન કરી, અંતર્દ્રષ્ટિ વડે શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે, અને તે જ કર્તવ્ય છે. લ્યો,
આ પ્રમાણે અહીં સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણધર્મત્વશક્તિ પૂરી થઈ.
‘વિલક્ષણ (પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ.’
અહીં ‘અનંતધર્મત્વ’ શબ્દમાં ‘ધર્મ’ શબ્દે ગુણ-સ્વભાવની વાત છે; નિત્ય, અનિત્ય આદિ જે અપેક્ષિત ધર્મો છે એની વાત નથી. અહાહા...! ‘धारयति इति धर्मः’-આત્મદ્રવ્ય જે અનંત ગુણ-સ્વભાવને ધારણ કરે છે તે ધર્મ છે. અહીં ધર્મ શબ્દે ત્રિકાળી ગુણ-સ્વભાવ-શક્તિની વાત છે. અહાહા...! આત્મામાં શક્તિઓ કેટલી?-કે અનંત; અહો! અનંત શક્તિ-સ્વભાવોથી અભિનંદિત (અભિમંડિત) આત્મા ત્રિકાળ એકરૂપ છે; આવો જ તેનો અનંતધર્મત્વ સ્વભાવ છે. અહા! આવા નિજ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં લઈ પરિણમતાં તેનું નિર્મળ પરિણમન થાય છે, અને ત્યારે ભેગો આનંદનો અનુભવ થાય છે તથા આત્મજ્ઞાન પ્રગટ થાય છે.
અહા! અનંતધર્મત્વમય ભગવાન આત્મા છે. કેવા છે તેના અનંત ધર્મો? તો કહે છે-વિલક્ષણ છે, અર્થાત્ પરસ્પર ભિન્ન લક્ષણવાળા છે. છે ને અંદર કે-‘વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત...’ અહાહા...! આત્માના અનંત સ્વભાવો છે તે પરસ્પર ભિન્ન લક્ષણવાળા છે. એક ગુણથી બીજો ગુણ વિલક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, દર્શનનું લક્ષણ દેખવું, વીર્યનું લક્ષણ સ્વરૂપની રચના કરવી, આનંદનું લક્ષણ પરમ આલ્હાદનો અનુભવ થવો, અસ્તિત્વનું લક્ષણ ત્રિકાળ સત્પણે રહેવું-એમ પ્રત્યેક અનંત શક્તિઓ વિલક્ષણ સ્વભાવવાળી છે; કોઈ ગુણનું લક્ષણ કોઈ બીજા ગુણમાં જતું નથી, ભળી જતું નથી; જો ભળી જાય તો અનંત સ્વભાવ-ગુણ સિદ્ધ ન થાય. અહા! આવા અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વ શક્તિ જીવમાં છે. અનંત ધર્મો વિલક્ષણ હોવા છતાં એકભાવપણે રહેવાનો આવો ભગવાન આત્માનો અનંતધર્મત્વ સ્વભાવ છે.
પ્રશ્નઃ– હા, પણ આવા અનંત ધર્મો જણાતા તો નથી? ઉત્તરઃ– છદ્મસ્થને ભિન્ન ભિન્નપણે અનંત ધર્મો પ્રત્યક્ષ ન જણાય એ તો ખરું, પણ અંતર્મુખ દ્રષ્ટિ વડે અનંત ધર્મોથી અભેદ એક ચિન્માત્ર વસ્તુ આત્માનો અનુભવ અવશ્ય થાય છે; અને તે અનુભવમાં બધાય ધર્મો સમાઈ જાય છે. શું કીધું? જેમ ઔષધિની એક ગોળીમાં અનેક પ્રકારના ઓસડનો ભેગો સ્વાદ હોય છે, તેમ આત્મવસ્તુના અનુભવમાં અનંત શક્તિઓનો રસ ભેગો હોય છે. અહાહા...! સ્વાનુભવરસમાં અનંત ગુણોનો રસ સમાય છે. તેથી તો કહ્યું છે કે-
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખસરૂપ.
અહાહા...! આ અનુભવ તો સર્વ સારરૂપ છે. ભાઈ! અહીં આ શક્તિઓનું વર્ણન ભેદમાં અટકવા માટે કર્યું નથી, પણ અનંત ગુણોનો અભેદ એક જે રસ-અનુભવરસ છે તેની પ્રાપ્તિ માટે કર્યું છે. સમજાણું કાંઈ...?
શક્તિઓના ભેદના લક્ષે સ્વાનુભવરસ પ્રગટતો નથી, અભેદએક જ્ઞાયકના જ લક્ષે સ્વાનુભવરસ પ્રગટે છે, ને ત્યારે જ શક્તિઓની યથાર્થ પ્રતીતિ થાય છે. અહા! અનંત ગુણના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં ‘આત્મા’-એમ કહેતાં તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. અહા! આવા અભેદ એકરૂપ ચિન્માત્રસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ પરિણમતાં સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, ને તેમાં આત્મા અને તેના અનંત ધર્મોની સાચી પ્રતીતિ થાય છે. આવી વાત છે. આ
PDF/HTML Page 4052 of 4199
single page version
તો ધર્મકથા છે બાપુ! સાવધાન થઈને સમજવું.
યુક્તિ, આગમ અને અનુભવથી ભગવાન આત્મા ને તેના અનંત ધર્મોનો યથાર્થ નિર્ણય થાય છે. પરંતુ જેઓ સ્વસન્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરતા નથી તેમને અનંત ધર્મોનો નિશ્ચય થતો નથી. તેમને અનંતશક્તિમય આત્મા ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં નહિ હોવા બરાબર જ છે, કેમકે તેમને શક્તિઓ ઉલ્લસતી નથી, જ્ઞાન ઉલ્લસતું નથી, આનંદ ઉલ્લસતો નથી. સમજાય છે કાંઈ...? અહો! ‘હું તો અનંત ધર્મમય એકભાવસ્વરૂપ જ્ઞાયકમાત્ર આત્મા છું, -આમ નિર્ણય કરી જ્યાં અંતર્મુખ થયો ત્યાં અંતઃપુરુષાર્થની જાગૃતિપૂર્વક શક્તિઓ પર્યાયમાં ઉલ્લસે છે, અને તેનો ભેગો એકરસ સ્વાનુભવમાં-વેદનમાં આવે છે. આનું નામ સમ્યગ્દર્શન- સમ્યગ્જ્ઞાન છે, અને આ મારગ છે.
શક્તિ-ગુણ તો ત્રિકાળ છે, ને તેની પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે. આ ક્રમવર્તી પર્યાયો ને અક્રમવર્તી ગુણો-એ બધું મળીને અહીં આત્મા કહ્યો છે. તેમાં વિકારની વાત નથી, કેમકે શક્તિ છે તે નિર્મળ છે, ને શક્તિવાન દ્રવ્ય જે છે તેય નિર્મળ શુદ્ધ છે, તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું ભાન થતાં જે પર્યાયો પ્રગટ થઈ તે પણ નિર્મળ છે, તેમાં વિકાર સમાતો નથી. વિકારનો તો નિર્મળ પર્યાયમાં અભાવ છે. આનું નામ સ્યાદ્વાદ, અને આ અનેકાન્ત છે. હવે લોકોને દ્રવ્ય-ગુણ-પર્યાય શું? એ કાંઈ ખબર ન મળે અને પરનાં-શરીર, મહેલ-મકાનનાં ને કુટુંબનાં ને સમાજનાં- કામ હું કરું એમ અભિમાન કર્યા કરે છે. પણ એ તો સંસાર પરિભ્રમણનો મારગ છે બાપુ! પરનાં કામ કરે એવી તારી વસ્તુ જ નથી ભગવાન! ને રાગ કરે એય તારો સ્વભાવ નથી.
પ્રશ્નઃ– તો શું કુંભાર ઘડો કરતો નથી? ઉત્તરઃ– ના, કુંભાર ઘડો કરતો નથી; ઘડો થાય છે તે માટીથી થાય છે, કુંભારથી થતો નથી. કુંભારમાં ઘડો કરવાની કર્તૃત્વશક્તિ છે એમ કેટલાક કહે છે, પણ તે બરાબર નથી, સત્ય નથી. સમયસાર, ગાથા ૩૭૨ માં આચાર્યદેવ પોકારીને કહે છે-કુંભારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી; માટીથી ઘડો થાય છે એમ અમે દેખીએ છીએ. ભાઈ! આ તો વસ્તુ જ આવી છે; અને જૈનદર્શન તો વસ્તુદર્શન છે, એ કાંઈ વાડાની-સંપ્રદાયની ચીજ નથી.
હા, પણ કુંભાર નિમિત્ત તો છે ને? ભાઈ! નિમિત્ત છે એનો અર્થ શું? નિમિત્ત છે એટલે જ કર્તા નથી એમ એનો અર્થ છે. નિમિત્તથી કાર્ય થાય એવી માન્યતા તે જૈનદર્શન નથી. નિમિત્ત તો પરદ્રવ્ય છે, અને ઉપાદાન તેનાથી ભિન્નસ્વરૂપ છે. તેથી નિમિત્ત ઉપાદાનનું કાંઈ જ કરતું નથી, કેમકે પરદ્રવ્યની પર્યાય બીજા પરદ્રવ્ય વડે થતી નથી. કાર્યકાળે નિમિત્ત છે, બસ એટલું.
અહા! પોતામાં અનંતધર્મત્વશક્તિ ત્રિકાળ વિદ્યમાન છે; તેનું પરિણમન પોતાથી થાય છે. પોતામાં નિર્મળ પર્યાયને કરે એવો કર્તા નામનો ગુણ છે. શું કીધું? જ્ઞાન, આનંદ, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણની પર્યાયનો કર્તા થાય એવો કર્તા નામનો પોતામાં ગુણ છે, ને તે અનંત ગુણમાં વ્યાપક છે. આ રીતે શક્તિ પોતે જ પોતાથી પરિણમે છે. હવે આમ છે ત્યાં પરદ્રવ્ય પરદ્રવ્યનું કરે એ વાત કયાં રહે છે?
પ્રવચનસાર, ગાથા ૧૦૨ માં આવે છે કે-પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ અર્થાત્ ઉત્પત્તિનો કાળ છે, અને ત્યારે તે (પર્યાય) ઉત્પન્ન થાય છે. હવે આમાં નિમિત્ત કરે છે એ કયાં રહ્યું? ચિદ્વિલાસમાં નિશ્ચય-વ્યવહારના અધિકારમાં વાત લીધી છે કે-જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય તે નિશ્ચય છે.
પ્રશ્નઃ– બધું હોનહાર છે તો આપણે શું કરવાનું રહ્યું? ઉત્તરઃ– કાંઈ જ નહિ; પણ હોનહારનો નિર્ણય કયારે થાય? ત્રિકાળી એક જ્ઞાયકભાવ સન્મુખનો અંતઃપુરુષાર્થ કરે ત્યારે હોનહારનો સાચો નિર્ણય થાય છે. થવાવાળી પર્યાય તો તે જ સમયે (થવાકાળે જ) થાય છે, પણ તે હોનહારનો નિર્ણય દ્રવ્યસન્મુખની દ્રષ્ટિના પુરુષાર્થથી થાય છે. લ્યો, આ કરવાનું છે; શું? કે દ્રવ્યસન્મુખની દ્રષ્ટિનો પુરુષાર્થ. આવી વાત!
અમારે સંપ્રદાયમાં સં. ૧૯૭૨માં આ પ્રશ્ને ખૂબ ચર્ચા થયેલી. પ્રશ્ન એમ થયેલો કે-ભગવાને કેવળજ્ઞાનમાં દીઠું હશે એમ થશે, આપણો પુરુષાર્થ શું કામ કરી શકે?
અમે બે વર્ષ આવી વાત સાંભળી, પણ અમને આ વાત ખટકતી હતી; તો અમે ત્યારે કહેલું-ભગવાને કેવળજ્ઞાનમાં દીઠું છે એમ થશે એ વાત તો એમ જ બરાબર છે, પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ શું છે એનું શ્રદ્ધાન છે કે નહિ? અહાહા...!
PDF/HTML Page 4053 of 4199
single page version
કેવળજ્ઞાન એટલે શું? એક સમયની જ્ઞાનની પર્યાય જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણકાળ, ત્રણલોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે એનું નામ કેવળજ્ઞાન છે. અહા! આવા અદ્ભુત સામર્થ્યરૂપ કેવળજ્ઞાનની સત્તા જગતમાં છે એનો નિર્ણય કયારે થાય? કે પોતાનો જ્ઞાનસ્વભાવ-કેવળજ્ઞાનસ્વભાવ અંદર ત્રિકાળ છે તેનો અંતઃપુરુષાર્થ વડે નિર્ણય કરે ત્યારે થાય છે. અરે ભાઈ! ભગવાનને કેવળજ્ઞાનની દશા પ્રગટ થઈ તે કયાંથી થઈ? એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે બાપુ! અંદર કેવળજ્ઞાન સ્વભાવ છે તેને કારણપણે ગ્રહવાથી પર્યાયમાં સ્વભાવની પ્રગટતારૂપ કેવળજ્ઞાન પ્રગટ થયું છે. અહા! આમ જગતમાં કેવળજ્ઞાન પર્યાયનો નિર્ણય કરવા જાય તેને અંદર પોતાનો કેવળજ્ઞાનસ્વભાવ છે એમ અંતરમાં નિર્ણય થાય છે. આવો નિર્ણય થાય તેમાં ક્રમબદ્ધનો સમ્યક્ નિર્ણય થાય છે, અને આ જ પુરુષાર્થ છે, કેમકે અંતર્મુખ દ્રષ્ટિના પુરુષાર્થ વિના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થતો નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવની અંતર-પ્રતીતિ થાય ત્યારે જ સર્વજ્ઞ-પર્યાયની સમ્યક્ પ્રતીતિ થાય છે.
હવે લોકો તો બિચારા નિમિત્તમાં અટકયા છે. દ્રવ્યની પર્યાય નિમિત્તથી થાય એમ તેઓ માને છે. વળી તેઓ કહે છે-ઉપાદાનમાં યોગ્યતા અનેક પ્રકારની છે, પણ જેવું નિમિત્ત મળે તેવું કાર્ય થાય છે. નિમિત્ત કાર્યનો નિયામક છે એમ તેઓ માને છે; પણ તેમની આ માન્યતા યથાર્થ-સત્ય નથી. અરે ભાઈ! જ્યાં સુધી નિમિત્ત ઉપર દ્રષ્ટિ હોય, રાગ ઉપર દ્રષ્ટિ હોય, ને પર્યાય ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી સ્વભાવસન્મુખનો પુરુષાર્થ જાગતો નથી, ને પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થતો નથી. પછી તેને કેવળજ્ઞાનનો ને ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક્ નિર્ણય કયાંથી થાય? ન થાય, આ રીતે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા બહિદ્રષ્ટિ બહિરાત્મા જ છે, તેઓ સાચા દેવ-ગુરુને પ્રાપ્ત થઈને પણ સંસાર પરિભ્રમણ જ સાધે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કેવળજ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું? અનંત અનંત કેવળીના પેટને જાણી લે તેટલું. ઓહો! આવું કેવળજ્ઞાન અંદર જ્ઞાનસ્વભાવ ત્રિકાળ પડયો છે તેના આશ્રયે પ્રગટ થાય છે. અહાહા...! જ્ઞાનસ્વભાવ પરિણમીને કેવળજ્ઞાન થયું છે. આવા જ્ઞાનાદિ અનંત સ્વભાવો-ગુણોનો પિંડ પ્રભુ આત્મા છે. એક વાર કહ્યું હતું કે એક ગુણમાંથી પર્યાય ઉઠતી નથી; પણ આખું દ્રવ્ય છે તેનો સ્વીકાર થતાં આખા દ્રવ્યમાંથી પરિણતિ ઉઠે છે. તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ પણ ‘गुणपर्ययवत् द्रव्यम्’-એમ સૂત્ર કહ્યું છે. અંદરમાં ગુણની પરિણતિ ભિન્ન થાય છે ને દ્રવ્યની પરિણતિ ભિન્ન થાય છે એમ નથી. પોતાની અનેક વિશેષતાઓરૂપ દ્રવ્ય જ પરિણમી જાય છે. લ્યો, આમ બતાવીને ત્રિકાળી અભેદ દ્રવ્યની દ્રષ્ટિ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
અહીં કહે છે-વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ છે. અહા! વિલક્ષણ અનંત ધર્મોને ધરનારું આત્મદ્રવ્ય છે તે એક ભાવરૂપ છે. જ્ઞાનનું લક્ષણ જુદું, શ્રદ્ધાનું જુદું, આનંદનું જુદું-એમ અનંત ગુણનું લક્ષણ જુદું છે, તથાપિ જ્ઞાનની વસ્તુ જુદી, શ્રદ્ધાની વસ્તુ જુદી, આનંદની વસ્તુ જુદી-એમ કાંઈ જુદી જુદી અનંત વસ્તુઓ નથી, વસ્તુ તો અનંત સ્વભાવોના એક ભાવરૂપ એક જ છે. એક સાથે અનંત સ્વભાવોરૂપે વસ્તુ તો એક જ પ્રતિભાસે છે, પ્રતીતિમાં આવે છે. અહા! આવી આશ્ચર્યકારી અદ્ભુત ચીજ આત્મા છે. વિલક્ષણતા છતાં એકરૂપતા, ને એકરૂપતા છતાં વિલક્ષણતા. વિલક્ષણતા હોવાથી ક્ષાયિક સમ્યગ્દર્શન થવા છતાં તે જ વખતે બધા ગુણ ક્ષાયિકભાવે ઉઘડી જતા નથી, ને વસ્તુપણે એકરૂપતા હોવાથી, વસ્તુના આશ્રયે પરિણમન થતાં, બધા ગુણોનો એક અંશ નિર્મળ ખીલી જાય છે, ઉછળે છે. સમ્યગ્દર્શન થતાં જ કેવળજ્ઞાન ભલે ન હોય, પણ સમ્યગ્જ્ઞાન તો અવશ્ય હોય જ છે, અને એ પ્રમાણે બધા ગુણનો એક અંશ તો ઉઘડી જ જાય છે. અહા! આવા અનંતધર્મસ્વરૂપ નિજ આત્માને ઓળખીને તેનો અનુભવ કરવો, તેની અંતરસન્મુખ થઈ પરિણમવું તે મોક્ષમાર્ગ છે, મુક્તિનું કારણ છે.
અરે! લોકોએ બહારમાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વડે ધર્મ થઈ જશે એમ માન્યું છે. પરંતુ એ તો બધો શુભભાવ-રાગ છે ભાઈ! વસ્તુમાં તો એ ચીજ છે જ નહિ; એનાથી પોતાનું કલ્યાણ થવાનું માનવું એ તો મહાન ભ્રમ અને પાખંડ છે. અરે ભાઈ! તારા અનંત ધર્મો છે એમાં શુભરાગ નથી. શુભરાગ તો પર્યાયમાં નવો ઉત્પન્ન થાય છે. પરના લક્ષથી પર્યાયમાં રાગાદિભાવ નવા ઉત્પન્ન થાય છે.
દ્રવ્ય-ગુણમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી, તો વિકાર કયાંથી આવ્યો? પર્યાયની યોગ્યતાથી, પોતાના ષટ્કારકના પરિણમનથી વિકાર ઉત્પન્ન થાય છે; પોતાનું દ્રવ્ય તેનું કારણ નથી, ને પરદ્રવ્ય પણ તેનું વાસ્તવિક કારણ નથી, પંચાસ્તિકાયમાં અસ્તિકાય સિદ્ધ કર્યાં છે ત્યાં અસ્તિકાયની પર્યાયમાં ષટ્કારકનું
PDF/HTML Page 4054 of 4199
single page version
પરિણમન બતાવ્યું છે, જીવની પર્યાયમાં વિકાર પોતાથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે એમ ત્યાં ‘અસ્તિ’ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...?
અત્યારે તો પ્રરૂપણા જ આવી ઉલટી થઈ ગઈ છે કે-વ્રત પાળો, ને દયા કરો ને દાન કરો ઇત્યાદિ; પણ એ તો બધો રાગ-વિકલ્પ છે ભાઈ! તારી ચીજ ચૈતન્યરત્નાકર તો અંદર કોઈ જુદી જ અલૌકિક છે. અહાહા...! અનંત ચૈતન્ય ગુણરત્નોનો અંદર ભંડાર ભર્યો છે. રાગની કર્તાબુદ્ધિમાં એ ભંડારનું તાળું બંધ થઈ ગયું છે. તે ખૂલે કેમ? તો કહે છે -રાગ ઉપરની બુદ્ધિ છોડી દે, અનંત સ્વભાવોના ભેદનું લક્ષ છોડી દે, ને એકરૂપ-એક જ્ઞાયકભાવરૂપ અંદર પોતે છે તેમાં દ્રષ્ટિ લગાવી દે; ખજાના ખૂલી જશે, ને અદ્ભુત આહ્લાદકારી આનંદ પ્રગટશે.
સમયસાર, પાંચમી ગાથામાં કહ્યું છે ને કે-
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं।।
અહાહા...! આચાર્ય કહે છે-ભગવાન સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં પોતાના સ્વભાવથી એકત્વ અને રાગાદિ વિકારથી વિભક્ત એવું ભગવાન આત્માનું સ્વરૂપ આવ્યું છે, અને એવું જ અમે પ્રત્યક્ષ અનુભવ કરી જાણ્યું છે. માટે હે શિષ્ય! તું અનુભવમાં સ્વસંવેદન વડે પ્રમાણ કર. લ્યો, આમ સ્વસંવેદનમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન એકત્વવિભક્તસ્વરૂપ અનુભવાય છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. વળી તે આનંદસ્વરૂપ છે, તેથી આનંદની પર્યાયથી તે પ્રાપ્ત થાય છે. પ્રભુત્વશક્તિથી આત્મા ભર્યો પડયો છે તો પ્રભુત્વની પર્યાયથી તેની પ્રભુતાનું ભાન થાય છે; આત્મા અકર્તૃત્વશક્તિથી ભર્યો છે, તેથી પર્યાયમાં રાગના અકર્તાપણે ને જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. અભોક્તૃત્વ નામનો આત્માનો ગુણ છે, તો રાગનું અભોક્તૃત્વ અને આનંદના ભોગવટાથી આખુંય દ્રવ્ય અભોક્તાસ્વરૂપ અનુભવાય છે. આવી વાત! અરે! લોકોએ માર્ગને વીંખી નાખ્યો છે. આવું સત્ય બહાર આવ્યું તો આ એકાન્ત છે, એકાન્ત છે એમ રાડો પાડી વિરોધ કરવા માંડી પડયા છે. પણ ભાઈ! જો તું સર્વજ્ઞને માને, કેવળજ્ઞાનને માને તો નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય ને દ્રવ્યની પર્યાયો સક્રમ-અનિયત પણ થાય એ બધી વિપરીત માન્યતાઓ સહેજે ઉડી જાય છે, અર્થાત્ એવી માન્યતાઓને કોઈ અવકાશ જ નથી.
અહા! આત્મા અનંતધર્મસ્વરૂપ એક છે; તેમાં રાગ નથી, વિભાવ નથી. અહાહા...! પોતે જ પોતાને તારનારો અચિન્ત્ય દેવ છે; બીજો કોઈ તારનાર નથી. અરે ભાઈ! પોતાનો સ્વભાવ શું? ને દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ શું?-તે યથાર્થ સમજ્યા વિના, તેની ઓળખાણ કર્યા વિના તું કોના જોરે તરીશ? ઉંધી માન્યતા ને કુદેવ-કુગુરુ- કુધર્મનું સેવન તો તને સંસાર સમુદ્રમાં ડુબાડનાર જ છે. હે ભાઈ! તું પોતે જ કલ્યાણસ્વરૂપ છો, પોતે જ પોતાની નિર્મળ પર્યાયોની સૃષ્ટિનો સ્રષ્ટા છો, ને પોતે જ પોતાનો રક્ષક છો. ભગવાન તો કહે છે-અમારા જેવા બધાય ધર્મો તારા સ્વરૂપમાં ભર્યા છે, તેનો અંતરમાં સ્વીકાર કર ને ભગવાન થઈ જા. લ્યો, આવો મારગ છે. અંદરમાં સ્વસ્વરૂપનો સ્વીકાર તે મારગ છે, ને અસ્વીકાર તે અમાર્ગ છે.
અહીં શક્તિના વર્ણનમાં શક્તિને ધરનારું દ્રવ્ય તે પવિત્ર છે, શક્તિ પવિત્ર છે, ને તેની પરિણતિ પણ પવિત્ર છે. નિર્મળ પર્યાયને જ અહીં શક્તિની પર્યાય ગણવામાં આવી છે, ને શુભાશુભ રાગનો-વિકારનો તેમાં અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. લોકો સમજ્યા વિના વિરોધ કરે છે. પણ નિશ્ચયથી અર્થાત્ શુદ્ધભાવથી પણ પર્યાય શુદ્ધ થાય ને શુભરાગરૂપ વ્યવહારથી પણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય એવું વસ્તુસ્વરૂપ નથી, એ અનેકાન્ત નથી, પણ મિથ્યા અનેકાન્ત છે. મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચયાભાસ અને વ્યવહારાભાસનું વર્ણન કર્યું છે તેમાં આ વાત બહુ સ્પષ્ટ આવી છે. અનેકાન્ત પણ બે પ્રકારે છેઃ સમ્યક્ અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત. તેવી રીતે સમ્યક્ એકાન્ત અને મિથ્યા એકાન્ત એમ એકાન્ત પણ બે પ્રકારે છે.
ભાઈ! એકેક શક્તિના પરિણમનમાં વ્યવહારનો-રાગનો અભાવ છે, આ અનેકાન્ત છે. આ ખ્યાલમાં રાખવા જેવી વાત છે. ગામે ગામ અને ઘેરઘેર આ વાત પહોંચાડવા જેવી છે. સ્વરૂપના પરિણમનની અસ્તિમાં રાગાદિ વિકારની નાસ્તિ છે.
અહીં કહે છે-સ્વાભિમુખ પરિણમન થતાં જીવના અનંતધર્મત્વ સ્વભાવનું ભેગું જ નિર્મળ પરિણમન થાય છે,
PDF/HTML Page 4055 of 4199
single page version
અને ત્યારે અનંત ધર્મોનું ભેગું જ પરિણમન થાય છે. બધા જ ગુણો એક સાથે પરિણમે છે, પર્યાયમાં એકસાથે પરિણત થાય છે, ને તેમાં રાગનો-વિકારનો અભાવ છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો અભાવ ને નિશ્ચયનો સદ્ભાવ-એનું નામ સમ્યક્ અનેકાન્ત છે.
આ પ્રમાણે અહીં અનંતધર્મત્વશક્તિ પૂરી થઈ.
‘તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ.’ જુઓ, સમયસારમાં તત્-અતત્ ઇત્યાદિ ચૌદ બોલ વર્ણવ્યા છે ત્યાં એમ લીધું છે કે-જ્ઞાયકસ્વભાવી આત્મા નિજ જ્ઞાયકસ્વરૂપથી તત્ છે, ને પરજ્ઞેયો તેમાં નથી તેથી જ્ઞેયસ્વરૂપથી અતત્ છે. અહા! પોતામાં જે જ્ઞાન આદિ ભાવ છે તે વડે તત્પણું છે, પણ પોતામાં જે ભાવ નથી તે વડે અતત્પણું છે. આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ છે, કેમકે આત્મા જ્ઞાનથી તદ્રૂપમય છે, પણ આત્મા રાગાદિથી-જ્ઞેયોથી અતત્ છે કેમકે આત્માને રાગાદિથી-પરજ્ઞેયથી અતદ્રૂપમયતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? અહા! આ રીતે તત્પણું અને અતત્પણું એવા બન્ને વિરુદ્ધ ધર્મો એકી સાથે જેમાં રહેલા છે એવા આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે.
સમયસાર, પરિશિષ્ટમાં જ્ઞાયક અને જ્ઞેય વચ્ચે તત્-અતત્ ધર્મોનું વર્ણન કર્યું છે. જ્ઞાયક જ્ઞાયકસ્વરૂપે પોતાથી છે, અને જ્ઞેયસ્વરૂપથી-પરજ્ઞેયથી નથી એમ ત્યાં તત્-અતત્ભાવ કહેલ છે. પંચાધ્યાયીમાં એમ કહ્યું છે કે-વસ્તુ વસ્તુપણે પોતાથી તત્ છે, ને પરવસ્તુપણે તે અતત્ છે અર્થાત્ નથી. ત્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પણ તત્-અતત્પણું ઉતાર્યું છે. અહો! આ તો અનેકાન્તનું એકલું અમૃત છે.
પ્રત્યેક વસ્તુ પોતાથી છે તે તત્, અને પરવસ્તુપણે નથી તે અતત્; આવા તત્-અતત્ ધર્મો વસ્તુમાં એકી સાથે રહેલા છે એવી વસ્તુની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. અન્યમતમાં તો એક જ આત્મા સર્વવ્યાપી છે એમ માને છે, તેઓ અનેકપણું માનતા નથી. પરંતુ જગતમાં અનંત દ્રવ્યો છે. તેમાં પ્રત્યેક દ્રવ્ય પોતાથી-પોતાના સ્વરૂપથી છે, અને તે અનંત પરદ્રવ્યપણે નથી આવો જ દ્રવ્ય-સ્વભાવ છે, વસ્તુસ્વભાવ છે. અહીં આત્મદ્રવ્યની વાત છે, તો કહ્યું કે-જ્ઞાન જ્ઞાનપણે છે, ને જ્ઞેયપણે નથી. આ રીતે તત્-અતત્પણું એ આત્મનિષ્ઠ આત્માના ધર્મો છે. અહા! જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ્ઞેયનું-રાગાદિનું જ્ઞાન કરે છે, પણ જ્ઞેય-રાગાદિ તેમાં છે નહિ, તેનો અતત્ સ્વભાવ રાગાદિને-પરજ્ઞેયને અંદર પ્રવેશવા દેતો નથી. જુઓ, આ આત્માને જીવિત રાખનારું ભેદજ્ઞાન! આ તો અલૌકિક ચીજ છે બાપુ!
પંચાધ્યાયીમાં આવે છે કે-તત્-અતત્ અને નિત્ય-અનિત્યમાં શું ફેર છે? તેને, તે છે અર્થાત્ તે-રૂપથી-સ્વરૂપથી તે છે તે તત્પણું છે, ને તેને, તે નથી, અર્થાત્ પરરૂપથી તે નથી તે અતત્પણું છે. આ તત્-અતત્ ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. નિત્ય-અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે. વસ્તુ દ્રવ્યરૂપથી ત્રિકાળ છે તે નિત્ય, ને પર્યાયરૂપથી ક્ષણિક છે તે અનિત્ય. આમ નિત્ય-અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે. આમ બન્નેમાં ફેર-ફરક છે.
અહીં કહે છે-આત્મામાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓ રહે છે એવી એની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. જ્ઞાન પોતાથી છે, જ્ઞેયથી નથી-આમ જે છે તે નથી એમ વિરોધ થયો; પણ આવા વિરુદ્ધ ધર્મો એકી સાથે અવિરોધપણે વસ્તુમાં રહે છે એવી આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. આ ગુણ છે, તેની પરિણમનરૂપ પર્યાય છે. જ્યારે નિત્ય- અનિત્ય તો અપેક્ષિત ધર્મો છે. દ્રવ્ય કાયમ રહેવાની અપેક્ષા નિત્ય કહેવાય, નિત્ય કોઈ ગુણ નથી, તેમ તેની કોઈ પર્યાય હોતી નથી. તથા પર્યાય પલટે છે એ અપેક્ષા વસ્તુ અનિત્ય કહેવાય. અનિત્ય કોઈ ગુણ નથી, અને તેની પર્યાય થાય છે એમ પણ વસ્તુ નથી. નિત્ય-અનિત્ય અપેક્ષિત ધર્મો છે.
આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે તે તેનો સ્વભાવ-ગુણ છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો-એક જ વાત છે. આ શક્તિનું તત્-અતત્પણે પરિણમન પણ છે. પોતાના જ્ઞાનપણે જ્ઞાન રહે છે, અજ્ઞાનપણે થતું નથી; વીતરાગતા
PDF/HTML Page 4056 of 4199
single page version
વીતરાગતાપણે રહે છે, રાગપણે થતી નથી, આનંદની દશા આનંદપણે રહે છે, દુઃખપણે થતી નથી-આમ તત્- અતત્પણે વસ્તુ પોતે પરિણમે છે એવો આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે. આવો ભગવાનનો મારગ છે.
અનેકાન્તના ચૌદ બોલમાં તત્-અતત્ની સાથે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિ, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી નાસ્તિ-એમ બીજા આઠ બોલનું ત્યાં વર્ણન કર્યું છે. પહેલાં તત્-અતત્ની વાત કરી ત્યાં જ્ઞાન-જ્ઞેય વચ્ચે તત્-અતત્પણું કહ્યું, અને પછી અસ્તિ-નાસ્તિના આઠ બોલનું વર્ણન કર્યું છે. કુલ ચૌદ બોલ ઉતાર્યા છે તે આ પ્રમાણેઃ તત્-અતત્; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિ અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ; એક-અનેક; નિત્ય- અનિત્ય-આમ ચૌદ બોલથી અનેકાન્તનું સ્વરૂપ સમજાવ્યું છે. અહા! આ અનેકાન્ત તો જીવના જીવનનું પરમ અમૃત છે.
જીવને પોતાની પર્યાયમાં અનેક પ્રકારે વિપરીત શલ્ય હોય છે; રાગથી પણ ધર્મ થાય, ને આત્મા પરનું પણ કાર્ય કરે ઇત્યાદિ અનેક પ્રકારે જીવમાં અનાદિથી ઉંધાં શલ્ય પડેલાં છે. અનેકાન્ત તેનો નિષેધ કરીને, અસત્ય અભિપ્રાય છોડાવી, વસ્તુનું સાચું-સમ્યક્ જ્ઞાન કરાવે છે, ને સર્વ વિરોધ મટાડી દે છે. અહા! વિરોધ મટાડવાનો તેનો સ્વભાવ છે; કેમકે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ શક્તિઓ એક સાથે ભલે હો, પણ તેઓ વસ્તુનો વિરોધ નથી કરતી, બલ્કે વસ્તુને નીપજાવે છે, સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. તત્-અતત્પણું વસ્તુને વસ્તુમાં સ્થાપિત કરે છે. અહો! અનેકાન્ત એવો અભેદ કિલ્લો છે કે આત્માને તે સદા પરથી ભિન્ન જ રાખે છે, પરના એક અંશને પણ આત્મામાં ભળવા દેતો નથી. અહા! અંતર્દ્રષ્ટિ વડે આવા નિજ સ્વરૂપને ઓળખવું તે અપૂર્વ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
પ્રવચનસાર ગાથા ૨૦૦માં એમ કહ્યું છે કેઃ- “હવે, એક જ્ઞાયકભાવનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત-વર્તમાન-ભાવી વિચિત્ર પર્યાય સમૂહવાળાં, અગાધ સ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રને-જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય ચીતરાઇ ગયાં હોય, દટાઇ ગયાં હોય, ખોડાઇ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઇ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ-એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે, ... તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું”
આ તો આમાં નિમિત્તથી કથન કર્યું છે. જ્ઞેય સંબંધી અહીં આત્મામાં જ્ઞાન થયું છે, બાકી જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન જ્ઞેયપણે થઈ જતું નથી. ભાઈ! ચારે પડખેથી સત્ય સમજવું જોઈએ, નહીંતર એકાન્ત થઈ જશે. સમજાણું કાંઈ...?
કેટલાક કહે છે-નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનો, નહીંતર એકાન્ત થઈ જશે. અરે ભાઈ! વસ્તુસ્થિતિ એમ નથી. નિમિત્ત તો પરવસ્તુ છે. તે પોતાનું કામ કરે ને પરનું પણ કામ કરે એમ વિરુદ્ધધર્મત્વ નથી; તે પોતાનું કામ કરે અને પરનું કામ ન કરે-એમ વિરુદ્ધધર્મત્વ વડે વસ્તુ યથાસ્થિત સિદ્ધ થાય છે; અને તે અનેકાન્ત છે. વસ્તુ પરપણે થતી જ નથી ત્યાં પરનું કામ કેવી રીતે કરે? માટે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એવી માન્યતા મિથ્યા શલ્ય છે.
વળી કોઈ કહે છે-વ્રત, તપ, ભક્તિના શુભરાગથી ધર્મ થાય એમ માનો, નહીંતર એકાન્ત થઈ જશે. અરે ભાઈ! ભગવાન આત્મા નિજ જ્ઞાનસ્વભાવથી તદ્રૂપ છે, ને વિકારથી-શુભાશુભરાગથી અતદ્રૂપ છે. વળી સ્વભાવનું ભાન થતાં જે નિર્મળ પરિણતિ થઈ તેય સ્વભાવથી તદ્રૂપ છે ને રાગાદિથી અતદ્રૂપ છે. હવે રાગ, નિર્મળ- વીતરાગ પરિણતિથી તદ્રૂપ જ નથી ત્યાં રાગથી ધર્મ થાય એ વાત કયાં રહે છે? આ પ્રમાણે રાગથી ધર્મ થાય એવી માન્યતા રાગની એકતાબુદ્ધિરૂપ મિથ્યા શલ્ય સિવાય કાંઈ નથી; એ મિથ્યા એકાન્ત છે.
અમે તો સં. ૧૯૮પમાં સંપ્રદાયમાં હતા ત્યારે બોટાદમાં એક મોટી સભામાં કહેલું કે-જે ભાવથી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય તે ભાવ ધર્મ નથી; કેમકે જે ભાવથી ધર્મ થાય તે ભાવથી કર્મબંધ ત્રણકાળમાં થાય નહિ. સભા તો વાત બરાબર સાંભળી રહી હતી, પણ અમારી પાસે અમારા ગુરુભાઈ બેઠા હતા તેમને આ વાત ન રુચી એટલે તેઓ ઊભા થઈને ચાલ્યા ગયા હતા. એ સભામાં અમે બીજી વાત પણ કહી હતી કે-પંચમહાવ્રતના પરિણામ આસ્રવ છે, ધર્મ નથી. માર્ગ તો આવો છે; ધર્મના પરિણામ તો અબંધ સ્વભાવી હોય, જેનાથી બંધ થાય તે ભાવ ધર્મ કેમ હોય? ન હોય. તેનાથી ધર્મ માનવો એ તો મહા અધર્મ છે, અનર્થ છે, વિપરીતતા છે.
PDF/HTML Page 4057 of 4199
single page version
ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે અબંધસ્વભાવી છે, ને તેના પરિણામ-મોક્ષમાર્ગરૂપ પરિણામ પણ અબંધસ્વભાવી જ છે. અબંધ પરિણામ બંધનનું કારણ થાય એમ કદીય બને નહિ. તેથી જે વડે બંધન થાય તે શુભરાગ ધર્મ નથી. વાસ્તવમાં જે બંધમાર્ગ છે તે અધર્મ છે. આવી વાત અમે સંપ્રદાયની સભામાં મૂકેલી. ત્યારે લોકો વિશ્વાસ રાખી બરાબર સાંભળતા. તે વખતે અમે દિગંબર શાસ્ત્રો વાંચતા હતા, પણ અમારા પ્રત્યે કોઈ શંકા ન કરતું. આદિપુરાણ, તત્ત્વાર્થ રાજવાર્તિક, સમયસાર, પ્રવચનસાર-આ બધાં દિગંબર શાસ્ત્રો અમે વાંચેલાં. અમે તો એમ સ્પષ્ટ કહેતા કે-આમાં (સંપ્રદાયમાં) આવી ગયા છીએ માટે આમાં જ રહીશું એમ નથી; વાત ફેરફારવાળી લાગશે તો અમે ક્ષણમાત્રમાં સંપ્રદાય છોડી દઈશું. (બન્યું પણ એમ જ).
અહીં કહે છે-પોતાનું જ્ઞાનસ્વરૂપ પોતાથી તત્સ્વરૂપ છે, ને તે પરથી-જ્ઞેયથી-રાગથી અતત્સ્વરૂપે છે. અહા! આનંદસ્વરૂપ પોતે છે તેની પરિણતિ પણ આનંદરૂપ જ હોય છે; તે પરિણતિ પરદ્રવ્યરૂપ, પરજ્ઞેયરૂપ કે દુઃખરૂપ હોતી નથી; આનું નામ અતત્ છે. પોતાના સ્વભાવના અસ્તિત્વપણે, સ્વભાવને અનુસરીને પરિણતિ હોય છે તે તત્, અને તે પરના-પરભાવના અભાવરૂપ છે તે અતત્, અહા! આવો વિરુદ્ધધર્મત્વ નામનો જીવનો ગુણ-સ્વભાવ છે.
નિશ્ચયથી (નિશ્ચયના આશ્રયે) પણ ધર્મ થાય ને વ્યવહારથી (વ્યવહારના આશ્રયે) પણ ધર્મ થાય એવી માન્યતામાં તો વિરુદ્ધધર્મત્વશક્તિ ન રહી, એમાં તો વિરુદ્ધધર્મત્વનો અભાવ થયો. પણ વિરુદ્ધધર્મત્વ તો (જીવનો સ્વભાવ) છે જ. નિશ્ચયથી ધર્મ થાય, ને વ્યવહારથી ધર્મ ન થાય-એમ વિરુદ્ધધર્મત્વ છે. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તે જ્ઞાન ને આનંદરૂપ પરિણમે છે, ને જ્ઞેયરૂપ ને વ્યવહારરૂપ થતો નથી તે આ વિરુદ્ધધર્મત્વશક્તિનું કાર્ય છે. ભાઈ! અનેકપણું માને તો વિરુદ્ધ (વિરુદ્ધધર્મત્વ) સિદ્ધ થાય, બધું એક આત્મા માને તેને વિરુદ્ધ સિદ્ધ ન થાય. વેદાંતી એક સર્વવ્યાપક ચૈતન્ય આત્મા માને છે તો ત્યાં એકમાં વિરુદ્ધશક્તિ કયાંથી સિદ્ધ થાય? ન થાય.
અહા! પોતે સ્વસન્મુખ થઈ પરિણમતાં ભેગું વિરુદ્ધધર્મત્વ સ્વભાવનું પરિણમન થાય છે, અને તેમાં રાગ અને પરના પરિણામનો અભાવ હોય છે કેમકે શક્તિની પરિણતિ રાગ અને પરના પરિણામથી અતત્સ્વરૂપે છે. આમ વ્યવહારથી નિશ્ચય થાય એ વાત અહીં ઉડી જાય છે. શક્તિના વર્ણનમાં દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પર્યાયની વાત છે. શક્તિ નિર્મળ છે, ને તેનું પરિણમન પણ નિર્મળ હોય છે, વિકારનું પરિણમન તેમાં સમાતું નથી. અહા! વસ્તુને પોતાના સ્વભાવથી તદ્રૂપમયતા છે, ને પરથી અતદ્રૂપમયતા છે. આવો વસ્તુસ્વભાવ છે. તેથી ભગવાન આત્મા વ્યવહાર અને પરદ્રવ્યથી અતદ્રૂપમય છે. રાગ અને પરદ્રવ્યના સ્વભાવનો શક્તિના પરિણમનમાં અભાવ છે તો હવે શરીર ને જડ કર્મ તો કયાંય રહી ગયાં; કર્મનો તો અભાવ જ છે, કેમકે કર્મથી અતદ્રૂપમય આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની કહે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે, પણ અહીં તેનો નિષેધ કરે છે.
પ્રશ્નઃ– તો શું કર્મ કાંઈ જ નથી.? ઉત્તરઃ– કર્મ છે ને, પણ કર્મ કર્મમાં છે, આત્મામાં તે કાંઈ જ નથી. આત્મા પોતાના ચૈતન્યમય દ્રવ્ય-ગુણ- પર્યાયો સાથે એકરૂપ-તદ્રૂપ છે, પરંતુ કર્મથી અતદ્રૂપ છે; જુદો છે. જો આમ ન હોય તો જડ-ચેતનનો વિભાગ મટી જતાં આત્મા અને જડ બન્ને એકમેક થઈ જાય, અથવા તો વસ્તુનો જ અભાવ થઈ જાય. પણ એમ છે નહિ.
કર્મનો ઉદય અને વિકાર બન્નેથી આત્મા અતદ્રૂપમય છે. વિકાર વિકારમાં રહે છે; વિકારની પરિણતિ છે તે નિર્વિકાર પરિણમનમાં આવતી નથી. નિશ્ચયથી તો વિકારને (આત્માની) વસ્તુ જ ગણવામાં આવી નથી; વિકાર પર્યાયમાં છે તેને પરમાર્થે પરવસ્તુ ગણવામાં આવે છે. ભાઈ! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે શુભરાગ છે, તેને જ્ઞાની પોતાના સ્વરૂપમાં ગણતો નથી, તેનું તે સ્વામિત્વ ને કર્તાપણું રાખતો નથી.
ચારિત્ર ગુણ છે તે વીતરાગતાપણે પરિણમે છે, રાગપણે નહિ, રાગથી તે અતદ્રૂપમય છે; આનંદ ગુણ છે તે આનંદરૂપે પરિણમે છે, દુઃખપણે નહિ, દુઃખથી તે અતદ્રૂપમય છે. આમ તદ્રૂપમયતા અને અતદ્રૂપમયતા એ વિરુદ્ધધર્મત્વશક્તિનું લક્ષણ છે. ભગવાન આત્મામાં અનંત ગુણો-ધર્મો છે. તે બધા નિર્મળ-પવિત્ર છે, ને તે પોતાની નિર્મળ પરિણતિમાં તદ્રૂપ-તન્મય છે, અને રાગાદિ વિકારમાં ને પરદ્રવ્યમાં અતદ્રૂપ-અતન્મય છે. અનંત ગુણનું તન્મય પરિણમન થાય છે, અને વિકાર તથા પરનું અતન્મયરૂપ પરિણમન થાય છે. વિકારમાં આત્મા ને આત્માની પરિણતિ તન્મય નથી. વાસ્તવમાં વિકાર ને વ્યવહારનું પરિણમન આત્માના અસ્તિત્વમાં છે એમ ગણવામાં આવતું નથી. આ તો વર્ષોથી ચાલતી આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ તો ઘૂંટીઘૂંટીને દૃઢ કરવું જોઈએ ભાઈ!
PDF/HTML Page 4058 of 4199
single page version
બાકી બહાર તો ઘણી ગડબડ ચાલે છે. લોકો આવી સત્ય વાતનો પણ વિરોધ કરવા લાગ્યા છે. તેથી દૃઢતા માટે અહીં વિશેષ સ્પષ્ટ કરવામાં આવે છે. આત્મામાં જ્ઞાન, આનંદ આદિ અનંત નિર્મળ શક્તિઓ છે. તે શક્તિઓનું તેરૂપ પરિણમન થાય તે તદ્રૂપમયતા છે, ને રાગાદિરૂપ ને પરસ્વભાવરૂપ તે ન થાય તે અતદ્રૂપમયતા છે. આ રીતે રાગમય પરિણમન તે આત્માની ચીજ છે જ નહિ, તે તો અનાત્મા છે, પરદ્રવ્યના સ્વભાવમય છે, આવી ખૂબ ગંભીર સૂક્ષ્મ વાત છે.
બિલાડી તેના બચ્ચાને સાત સાત દિવસ સુધી સાત ઘરે ફેરવે છે. તેની આંખ ત્યારે બંધ હોય છે. જ્યારે તેની આંખ ખૂલે છે ત્યારે તે જગતને દેખે છે. તેની આંખો ખૂલી નહોતી ત્યારેય જગત તો હતું જ, અને આંખો ખૂલી ત્યારેય જગત છે. એમ આ નવીન પંથ નથી, અનાદિનો પંથ છે. તને ખબર નહોતી ત્યારે પણ આ વાત હતી, ને હવે તને ખબર પડી ત્યારે પણ આ વાત છે. એ તો અનાદિની છે. જે સમજે તેના માટે તે નવીન કહેવાય, પણ છે તો અનાદિથી જ. વીતરાગનો માર્ગ તો પ્રવાહરૂપે અનાદિથી ચાલ્યો આવે છે; જે સમજે તેને નવો પ્રગટ થાય છે. ભાઈ! તું પ્રયત્ન કરીને આ તત્ત્વ સમજ. સ્વસ્વરૂપથી છું, ને પરથી નથી-એવું તત્ત્વ સમજ; તારું અવિનાશી કલ્યાણ થશે. ઇતિ.
આ પ્રમાણે અહીં વિરુદ્ધધર્મત્વશક્તિ પૂરી થઈ.
‘તદ્રૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ હોવારૂપ અથવા તત્સ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે-પરિણમે છે.)’
આ સમયસાર શાસ્ત્ર છે; તેમાં શક્તિના અધિકાર પર વ્યાખ્યાનો ચાલે છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તે અનંતનું વર્ણન થઈ શકે નહિ; તેથી અહીં આચાર્યદેવે ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. પ્રવચનસારમાં નય અધિકારમાં ૪૭ નયનું વર્ણન કર્યું છે. ભૈયા ભગવતીદાસજી એક વિદ્વાન કવિ થઈ ગયા. તેમણે નિમિત્ત-ઉપાદાનના દોહા બનાવ્યા છે તેમાં પણ ૪૭ સંખ્યા છે. અને ચાર ઘાતિ કર્મની પ્રકૃતિ પણ ૪૭ છે. તેનો નાશ કરવાનો આમાં ઉપાય બતાવ્યો છે. દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આમ વર્ણન કર્યું છેઃ-
तह्मा पयत्तचित्ता जूयं भक्ताणं समब्भसह।।
શું કહ્યું ગાથામાં? કે પોતાના આત્માના અનુભવરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. ઉપર ઉપરથી કોઈ ધારણા કરી લે એવી આ ચીજ નથી બાપુ! અહાહા...! ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવી ધ્રુવના આશ્રયે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આનંદનો અનુભવ પ્રગટ કરવો તે મોક્ષમાર્ગ છે, તેનું નામ ધર્મ છે. આ ધ્યાનની દશા તે નિશ્ચલ એકાગ્રતાની સ્વરૂપ-રમણતાની દશા છે.
રાત્રે પ્રશ્ન થયેલો કે-જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય શું છે? ઉત્તરઃ– જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય ત્રણે આત્મા છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞાન પણ આત્મા, ને જ્ઞેય પણ આત્મા જ છે. આવી ધ્યાન-દશા છે.
કળશ ટીકામાં લીધું છે કે-જ્ઞેય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. ભગવાન આત્મા જ્ઞાતૃ દ્રવ્ય છે; તેની જ્ઞેય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. જ્ઞાતૃ દ્રવ્યની એકાગ્રતાના પરિણમનમાં બન્નેનું પરિણમન ભેગું જ છે. આમ જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય અને ધ્યાન-ધ્યાતા-ધ્યેય-બધું આત્મા જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ!
ભગવાન આત્મા અનંતગુણનિધાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શક્તિ અને શક્તિવાન-એવો જેમાં ભેદ નથી એવી અભેદ દ્રષ્ટિ કરી અભેદ એક જ્ઞાયકસ્વરૂપમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે ધ્યાન છે, અને તે ધર્મ છે. તેમાં હું
PDF/HTML Page 4059 of 4199
single page version
આવો છું-એવા વિકલ્પનો પણ અભાવ છે. અહા! આવી સ્વસ્વરૂપની નિશ્ચલ ધ્યાન-દશામાં સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય છેઃ અને એ ધ્યાનમાં જ વ્યવહાર મોક્ષમાર્ગ પણ સાથે- સહચર હોય છે. ધ્યાનમાં જેટલો સ્વ-આશ્રય થયો તેટલું દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન નિર્મળ છે, બાકી જે રાગ સહચર રહ્યો તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં બન્ને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે.
અહીં શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં આખો ભંડાર ભર્યો છે. કહે છે-‘તદ્રૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ.’ અહાહા...! સચ્ચિદાનંદ સહજાત્મસ્વરૂપ ભગવાન આત્મા છે તે પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદ્રૂપ છે. આવો આત્માનો તત્ત્વ સ્વભાવ છે. ત્યાં-
• ત્રિકાળી એક જ્ઞાયકભાવરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય,
• અસંખ્યપ્રદેશી વસ્તુના આધારમાત્ર પોતાનો પ્રદેશ તે સ્વક્ષેત્ર,
• ત્રિકાળ વસ્તુમાત્રની મૂળ અવસ્થા-સ્થિતિ તે સ્વકાળ, અને
• વસ્તુની મૂળ સહજ શક્તિ તે સ્વ-ભાવ. અહા! આવી પોતાની અભેદ અખંડ નિર્વિકલ્પ ચીજનું વલણ કરીને તદ્રૂપ થઈને પરિણમવું તે ધર્મ છે. આવો માર્ગ સૂક્ષ્મ છે બાપુ! આ અલૌકિક વાત છે.
અરે, લોકોએ તો દયા, દાન, વ્રત, ભક્તિમાં ને લાખોનું ખર્ચ શુભકાર્યોમાં કરે એમાં ધર્મ માન્યો છે. પણ એ ધર્મ નહિ બાપુ! એ તો બધા વિકલ્પ છે, ને ધર્મ તો નિર્વિકલ્પ છે. અને પૈસા વગેરે તો જડ વસ્તુ છે. એ જડ મારી ચીજ છે એમ માનીને દાનમાં આપે એ તો મિથ્યાત્વનું સેવન છે. અહા! જેવો એક જ્ઞાયકભાવ છે તેવું તેનું તદ્રૂપ પરિણમન થવું તે ધર્મ છે. જ્ઞાયકના તદ્રૂપ ભવનરૂપ તત્ત્વશક્તિ છે તેમાં રાગનો-વિકલ્પનો અભાવ છે. માર્ગ તો આવો છે બાપુ!
અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વરૂપ, શુદ્ધતાસ્વરૂપ, આનંદસ્વરૂપ પરમ પવિત્ર પ્રભુત્વશક્તિસ્વરૂપ પ્રભુ છે. તેમાં તદ્રૂપ થવું, તે રૂપે ભવન થવું તે તત્ત્વશક્તિનું સ્વરૂપ છે. ભવન એટલે પરિણમન સહિતની શક્તિની આ વાત છે. તદ્રૂપ ભવન એટલે પરિણમન થવું તે શક્તિનું કાર્ય છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનરૂપે, શુદ્ધ આનંદરૂપે, શુદ્ધ સમકિતરૂપે, પવિત્ર વીતરાગતારૂપે, શુદ્ધ પ્રભુત્વરૂપે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભગવાન આત્મા જેવો છે તેરૂપે તેનું પરિણમન થવું તે તત્ત્વશક્તિનું કાર્ય છે; તેમાં રાગનો અભાવ છે. આત્મા એકલું ચૈતન્યનું દળ છે, તેના તદ્રૂપ પરિણમનમાં રાગ સમાતો નથી. આમ રાગપણે-વ્યવહાર રત્નત્રયરૂપે થવું તે પોતાનો સ્વકાળ નથી, તે આત્મા નથી. અરે! લોકોને નિવૃત્તિ મળે નહિ, પોતાના સ્વરૂપની કાંઈ દરકાર નહિ ને આખો દિવસ સંસારના-પાપના કાર્યોમાં, વિષયકષાયમાં વીતી જાય છે. અરે ભગવાન! તારે કયાં જવું છે? અહીં કહે છે-જેમાં તદ્રૂપ પરિણમન થાય ત્યાં જવું છે, જેમાં પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અભાવ છે એવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદ્રૂપ થવું છે. લ્યો, આ ધર્મ કરવાની રીત છે.
જુઓ, પહેલો સૌધર્મ દેવલોક છે તેમાં ૩૨ લાખ વિમાન છેઃ એકેક વિમાનમાં અસંખ્ય દેવતા હોય છે, કોઈ વિમાન નાના છે તેમાં સંખ્યાત દેવો હોય છે. આ દેવલોકનો સ્વામી ઇન્દ્ર સમકિતી ને એકભવતારી છે; તેને હજારો ઇન્દ્રાણીઓ હોય છે, તેમાં જે એક મુખ્ય ઇન્દ્રાણી છે તેય સમકિતી ને એકભવતારી છે, એક ભવ કરીને તેઓ મોક્ષ પામશે. તેમને બહારમાં અઢળક સમૃદ્ધિ-સંપદા છે. પણ તે સમૃદ્ધિ-સંપદા પોતાના સ્વરૂપથી-સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બાહ્ય છે, સ્વસ્વરૂપભૂત નથી એમ તેઓ માને છે, અનુભવે છે. અહા! સમ્યગ્દર્શન શું ચીજ છે, અને તેનો વિષય નિજ અંતઃતત્ત્વ એક જ્ઞાયકમાત્ર વસ્તુ કેવી અદ્ભુત અલૌકિક ચીજ છે એની લોકોનેખબર નથી.
અરે, લોકો તો લાખોનો ખર્ચ કરી મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરાવો ઇત્યાદિ બહારમાં રોકાઈ ગયા છે, પણ એ તો મંદકષાયના પરિણામ છે ભાઈ! એ કાંઈ ધર્મ નથી. નિજ શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે, તે તદ્રૂપ પરિણમન છે. ધર્મીને તે વખતે જે શુભરાગ છે તેનાથી પુણ્ય જ બંધાય છે. તે પુણ્યબંધ અને તેનું ફળ જે આવે તેનું લક્ષ છોડી સ્વરૂપમાં સ્થિર થઈ જશે ત્યારે તે મોક્ષ પામશે. સમજાણું કાંઈ...?
અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-કોઈ કરોડો રૂપિયા દાનમાં ખર્ચી મંદિર આદિ બનાવે તો ત્યાં જો રાગની મંદતા હોય તો પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તે આસ્રવ ભાવ છે, તેનાથી પુણ્ય બંધાય, ને તેના ફળમાં સંયોગ મળે, કદાચિત્ તેના ફળમાં વીતરાગ સર્વજ્ઞદેવની વાણી સાંભળવા મળી જાય, પણ ભગવાન કહે છે-અમારી વાણી સાંભળવામાં લક્ષ જાય એય રાગ છે, દુઃખ છે; ૭૨મી ગાથામાં અનેક પ્રકારના
PDF/HTML Page 4060 of 4199
single page version
શુભભાવને અશુચિ, જડ અને દુઃખના કારણ કહ્યા છે, ને ૭૪મી ગાથામાં તેને વર્તમાનમાં દુઃખરૂપ અને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ કહ્યા છે.
પ્રશ્નઃ– તો પછી અમારે શું કરવું? ઉત્તરઃ– એ તો કહીએ છીએ કે-રાગથી ભિન્ન થઈ અંતર-સ્વભાવનો અનુભવ કરવો, સ્વભાવમાં તદ્રૂપ થઈ પરિણમવું. આનું નામ ધર્મ છે. બાકી રાગની રુચિ છે, પરવસ્તુ દેહ ને ધનાદિમાં તન્મયતા છે એ તો અજ્ઞાન છે, મૂઢ પણું છે.
અહા! તત્ત્વશક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થયા વિના આ (-શક્તિ) છે એની પ્રતીતિ કયાંથી થાય? અહા! અતીન્દ્રિય આનંદરૂપે પરિણમવું, જ્ઞાતાપણે પરિણમવું, અકષાય વીતરાગભાવરૂપે પરિણમવું તેને તદ્રૂપ ભવનમય તત્ત્વશક્તિ કહે છે. અહા! આ શક્તિના વર્ણનમાં તો ઘણી ગંભીરતા છે. જેમ ‘જગત્’ શબ્દમાં કેટલું સમાઈ જાય છે? છ દ્રવ્ય, તેનાં ગુણ-પર્યાય, અનંત સિદ્ધ, અનંતાનંત નિગોદરાશિ ઇત્યાદિ બધું ‘જગત્’ શબ્દમાં સમાઈ જાય છે, તેમ આ તત્ત્વશક્તિમાં ઘણુંબધું સમાય છે. અહા! પોતાના સ્વસ્વરૂપે-એક ચૈતન્યરૂપે તદ્રૂપ પરિણમન થાય તેનું નામ તત્ત્વશક્તિ છે, તેમાં રાગનો અભાવ છે, કેમકે ચૈતન્યમાં રાગનો અંશ નથી.
આ શરીર તો જડ માટી-ધૂળ છે ભાઈ! ભગવાન આત્મામાં તેનો સદાય અભાવ છે. અરે, પણ એને કયાં પડી છે કે ભવિષ્યમાં શું થશે? અહીં મનુષ્યદેહની સ્થિતિ તો પચીસ-પચાસ, સો વર્ષની છે. ખબરેય ન પડે ને દેહ ફૂ થઈને ઉડી જાય. અહીંથી દેહ છૂટયા પછી કયાં જઈશ ભાઈ? કયાં ઉતારા થશે? કાંઈ વિચાર જ નથી, પણ આત્મા તો અનાદિ-અનંત વસ્તુ છે, એટલે તે અનંત કાળ રહેશે; પણ આ દેહની રુચિમાં તે કયાંય ચારગતિમાં રઝળશે- આથડશે. સમજાય છે કાંઈ...?
અરે! લોકો તો શરીર, બૈરાં-છોકરાં ને ધંધા-વેપારમાં સલવાઈ ગયા છે. અરેરે! આ ધંધાની લોલુપતાવાળા જીવો તો મરીને કયાંય પશુમાં અવતાર લેશે; કેમકે તેમને તદ્રુપ ભવનમય ધર્મ તો પ્રાપ્ત થયો નથી, અને પુણ્યનાં પણ કાંઈ ઠેકાણાં નથી. સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનું સેવન કરવું તે પુણ્ય છે, એય તેમને નથી. ધંધાની લોલુપતા ને વિષય-ભોગની પ્રવૃત્તિ આડે એમને ધડીનીય નવરાશ નથી. પરંતુ ભાઈ! એ બધું ધૂળની ધૂળ છે બાપુ! એમાંનુ કાંઈ તારા સ્વરૂપમાં આવે એમ નથી.
શાસ્ત્રમાં આવે છે કે મનુષ્યનો ભવ અનંતકાળે માંડ એક વાર આવે છે. અને તોય અને અનંત વાર મનુષ્યનો ભવ મળ્યો છે. અહા! જેટલા અનંત ભવ એણે મનુષ્યના કર્યા છે એનાથી અસંખ્યાત ગુણા અનંત ભવ એણે નરકના કર્યા છે; અને જેટલા ભવ એણે નરકના કર્યા છે એનાથી અસંખ્ય ગુણ અનંત ભવ એણે સ્વર્ગના કર્યા છે. નારકી તો મરીને સ્વર્ગે જતા નથી, ને મનુષ્યો બહુ થોડા છે. સંજ્ઞી પંચેન્દ્રિય પશુ મરીને સ્વર્ગે જાય છે. અઢી દ્વીપની બહાર ઘણાં પશુ છે તેમાંથી મરીને શુભભાવના ફળમાં ઘણા જીવો સ્વર્ગમાં જાય છે. જીવે સ્વર્ગના જેટલા ભવ કર્યા છે તેનાથી અસંખ્ય ગુણા અનંત ભવ તિર્યંચના કર્યા છે. એક શ્વાસ લેવાય એટલા સમયમાં તો જીવ નિગોદમાં અઢાર ભવ કરી લે છે. અહા! જીવે અનંત કાળ નિગોદમાં વીતાવ્યો છે. આમ ચાર ગતિની રઝળપટ્ટીમાં એણે દુઃખ જ દુઃખ-પારાવાર દુઃખ ઉઠાવ્યું છે.
અહીં એક કાંટો વાગે તો કેવું દુઃખ થાય છે? રાડ પાડી જાય છે. એક કાંટો વાગતાં ભારે દુઃખી થાય છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી દસ હજાર વર્ષની આયુષ્યની સ્થિતિમાં આના કરતાં અનંતુ દુઃખ છે; ને નિગોદના દુઃખનું તો શું કહેવું? ભગવાન સિદ્ધનું અનંત સુખ ને નિગોદનું અનંત અનંત દુઃખ-તેનું કથન કેમ કરી કરવું? ભાઈ! તેં આવા દુઃખમાં અનંત કાળ વીતાવ્યો છે. અહીં એ દુઃખથી નિવૃત્તિનો આચાર્યદેવ ઉપાય બતાવે છે.
કહે છે-એક વાર સાંભળ તો ખરો પ્રભુ! અહીં અમે ભવનો અભાવ કરવાનો ઉપાય તને કહીએ છીએ. અહા! તારી વસ્તુમાં એક તત્ત્વશક્તિ નામની શક્તિ પડી છે. તેનું તદ્રૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તેમાં એકાગ્ર થઈ તેના આશ્રયે પરિણમતાં જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ-એવું તદ્રૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. ભાઈ, શક્તિનું તદ્રૂપ પરિણમન થાય તેને જ અહીં આત્મા કહ્યો છે. શક્તિના પરિણમનમાં વિકારની વાત જ નથી. વિકાર તો બહારની ચીજ છે. અહીં તો ક્રમવર્તી નિર્મળ પર્યાય અને અક્રમવર્તી ગુણોના સમુદાયને આત્મા કહેવામાં આવ્યો છે. એ તો પ્રથમ જ કહેવાઈ ગયું કે-“ જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્-અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે