Pravachan Ratnakar (Gujarati). Gatha: 45.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 28 of 210

 

PDF/HTML Page 541 of 4199
single page version

રૂપ નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તે આત્માનો સદ્વ્યવહાર છે. જે વિકલ્પ છે એ તો અસદ્ભૂત છે. એ આત્માનો વ્યવહાર કયાં છે? રાગાદિ વિકલ્પ તો મનુષ્યનો, ચારગતિમાં રખડવાનો, વ્યવહાર છે. આત્મા પરિપૂર્ણ આનંદસ્વરૂપ ચૈતન્યઘનસ્વભાવી ભગવાન છે. તેના આશ્રયે જે નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય પ્રગટે તે આત્માનો વ્યવહાર છે. આવો માર્ગ જેને અંતરમાં બેસે તેની દશા કોઈ અલૌકિક હોય છે.

અહીં કહે છે કે શુભભાવથી આત્માને લાભ થાય, ધર્મ થાય એમ શુભભાવને જીવ કહેનારા પરમાર્થવાદી નથી, કારણ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે.

તેમાં ‘તેઓ જીવ નથી’ એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. અહીં તો પૂજા, ભક્તિ, વ્રત, તપ, દાન દયાના જે વિકલ્પ તે જીવ નથી એવું જે અર્હત્-પ્રવચન છે-તે આગમ છે એમ કહ્યું છે. પર જીવની દયા હું પાળી શકું એવી માન્યતા છે તે મિથ્યાદર્શન છે. અને પરની હું રક્ષા કરું એવો જે વિકલ્પ છે તે શુભભાવ છે, રાગ છે. એ મિથ્યા માન્યતા અને રાગ છે તે જીવ નથી એવું જે સર્વજ્ઞનું વચન છે તે આગમ છે.

કોઈ એમ માને કે-બીજા જીવની રક્ષા કરવા માટે કે બીજા જીવને ન હણવા માટે ભગવાનની દિવ્યધ્વનિ છૂટી છે તો તે બરાબર નથી. ભગવાને તો આત્માની પૂર્ણ આનંદની અને વીતરાગી શાન્તિની દશા પ્રગટ કરવા માટે વાણીમાં કહ્યું છે. ભગવાનની દિવ્યધ્વનિમાં તો એમ આવ્યું છે કે પર જીવને તું હણી શક્તો જ નથી કે પર જીવની તું રક્ષા પણ કરી શક્તો જ નથી. તથા પર જીવની રક્ષા કરવાના જે ભાવ થાય છે એ રાગ છે. અને રાગ છે તે ખરેખર તો પોતાના આત્માની હિંસા કરનાર પરિણામ છે. પર જીવની દયા પાળવાનો ભાવ રાગ છે, તેથી તે સ્વરૂપની હિંસા કરનારો છે. પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્રાચાર્યે રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞદેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે? જીવને જીવનો સ્વભાવ લાભ કરે, પણ રાગાદિ કદીય લાભ ન કરે.

હવે આ નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃ-

સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી, કારણ કે, કાલિમા (કાળપ)થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે.


PDF/HTML Page 542 of 4199
single page version

અજ્ઞાની એમ કહે છે કે કાળપથી જુદો કોઈ કોલસો નથી તેમ અધ્યવસાનથી જુદો આત્મા નથી. તેને યુક્તિથી ઉત્તર આપે છે કે કાળપથી ભિન્ન જેમ સુવર્ણ છે તેમ અધ્યવસાનથી ભિન્ન અન્ય ચિત્સ્વભાવમય આત્મા છે. સોનામાં જે કાળપ દેખાય છે એનાથી સોનું ભિન્ન છે. જે કાળપ છે તે સોનું નથી પણ મેલ છે. તેમ પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ છે તે આત્મા નથી. એ તો મેલ છે. આ પ્રમાણે કાળપથી ભિન્ન સુવર્ણની જેમ અધ્યવસાનથી ભિન્ન ચિત્સ્વભાવમય જીવ છે એમ યુક્તિ કહી.

હવે અનુભવની વાત કહે છે કે-ભેદજ્ઞાન કરનારાઓને રાગથી-અધ્યવસાનથી જુદો જીવ સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા! અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને ભેદજ્ઞાનીઓ અધ્યવસાનથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે. અધ્યવસાનથી જુદો એટલે એના આશ્રય અને અવલંબન વિના પોતે પોતાથી જ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અહો! શું અદ્ભુત ટીકા છે! આને સિદ્ધાંત અને આગમ કહેવાય. એકલું ન્યાયથી ભરેલું છે! કહે છે કે રાગનું લક્ષ છોડીને સ્વભાવ પ્રતિ દ્રષ્ટિ કરતાં ભેદજ્ઞાની સમકિતીઓને રાગથી ભિન્ન ચિત્સ્વભાવમય જીવ અનુભવમાં આવે છે.

જુઓ અહીં આગમ, યુક્તિ અને અનુભવથી એમ સિદ્ધ કર્યું કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી પરંતુ એમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય વસ્તુ જીવ છે. આવી વાત બીજે કય ાંય છે નહિ. વસ્તુને સિદ્ધ કરવા કેટકેટલો ન્યાય આપ્યો છે! ઇન્દ્રિયો અને રાગના આશ્રય વિના ભેદજ્ઞાનીઓને સ્વયં શુદ્ધ જીવવસ્તુ અનુભવમાં આવે છે. પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ જ્યાં કહેલું છે ત્યાં એ નિમિત્ત બતાવવા વ્યવહારનયથી કથન કરેલું છે. ભાઈ! વસ્તુ તો રાગાદિથી ભિન્ન ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે અને તે તેની સન્મુખ થતાં અનુભવમાં આવે છે.

સ્વસન્મુખતાનો અભ્યાસ ન હોવાથી આ વાત કઠણ લાગે છે. અનાદિથી પર તરફ વલણ જઈ રહ્યું છે એને અંતર્મુખ વાળવું એ જ પુરુષાર્થ છે. જે પર્યાય રાગાદિ ઉપર ઢળેલી છે એને તો કાંઈ અંદર વાળી શકાય નહિ. પણ જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યાં તે જ ક્ષણે પર્યાય સ્વયં અંતરમાં ઢળેલી હોય છે. ત્યારે તેને અંતરમાં વાળી એમ કહેવાય છે.

અહીં ટીકામાં ‘સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ’ એમ કહ્યું છે ત્યાં એમ અભિપ્રાય છે કે તેઓ (રાગદ્વેષ) આત્માથી ઉત્પન્ન થયા નથી. તથા ‘ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન’ છે એમ કહીને એમ બતાવવું છે કે આત્માનો અનુભવ કરવામાં અન્ય (રાગ, ઇન્દ્રિયો આદિ) કોઈની અપેક્ષા નથી. આત્મા પોતે પોતાથી જ અનુભવમાં આવે છે.

ભાઈ! આવા યથાર્થ સ્વરૂપનો પ્રથમ નિર્ણય તો કર. અહાહા! વસ્તુ આવી સહજ શુદ્ધ ચિત્સ્વભાવમય છે એવો વિકલ્પ સહિતના જ્ઞાનમાં નિર્ણય તો કર. શ્રી સમયસાર


PDF/HTML Page 543 of 4199
single page version

ગાથા ૧૪૪માં આ નિર્ણયની વાત લીધી છે. ભગવાને કહેલા આગમથી પ્રથમ નિર્ણય કરે કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે. ત્યાર પછી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવી આત્મસન્મુખ કરે છે. જ્ઞાન જે પર તરફ ઢળેલું છે તેને સ્વ તરફ વાળે છે. ત્યારે શું થાય છે? અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને આત્મા અનુભવે છે.

રાગથી ભિન્ન આત્માને અનુભવે નહિ અને રાગ વડે લાભ (ધર્મ) માને તે બહારથી કંચન-કામિનીનો ત્યાગી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થાધારી હોય તોપણ તેને સાધુ કેમ કહીએ? રાગથી લાભ માનવો એ તો મિથ્યાદર્શન છે. આ કોઈ વ્યક્તિ-વિશેષના અનાદરની વાત નથી પણ વસ્તુની સ્થિતિની વાત છે. અમને ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ઘણી શાસ્ત્રસભાઓ સંબોધી છે તેથી અમને આત્મજ્ઞાન છે એમ કોઈ કહે તો તે યથાર્થ નથી. એ તો બધી રાગની- વિકલ્પની વાતો છે. વસ્તુ આત્મા તો શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પાર નિર્વિકલ્પ છે. આવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમય આત્માની દ્રષ્ટિ કરી તેનો અનુભવ કરવો તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે.

આ પ્રમાણે અધ્યવસાનને એટલે રાગાદિ વિભાગને જીવ માનનારને આગમ, યુક્તિ અને અનુભવથી જૂઠો ઠરાવ્યો. આ એક બોલ થયો. હવે બીજો બોલ કહે છેઃ-

અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે.

કેવળી ભગવાને કર્મને જીવ કહ્યો નથી એ આગમ થયું. તથા કાળપથી-મેલપથી જેમ સોનું જુદું છે તેમ કર્મથી આત્મા જુદો છે એ યુક્તિ થઈ. અને ભેદજ્ઞાનીઓ કર્મથી જુદો જે ચૈતન્યસ્વભાવી જીવ છે તેને પ્રત્યક્ષ અનુભવે છે એ અનુભવ થયો. ટીકામાં એમ લીધું છે કે- સંસરણરૂપ ક્રિયા એટલે રાગની ક્રિયામાં કર્મ ક્રીડા કરે છે, રાગમાં આત્મા ક્રીડા કરતો નથી.

પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે તેને સમ્યગ્દર્શનાદિ ધર્મ કહીએ. એ સમ્યગ્દર્શન વિના બહારથી વ્રતાદિ ધારણ કરી એમ માનવા લાગે કે અમે સંયમી છીએ એને પોતાની ખોટી માન્યતાનું ભારે નુકશાન થાય છે. એની (નુકશાનની) એને ખબર ન હોય એ તેનું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન કાંઈ બચાવનું સાધન હોઈ ન શકે. જેમ ઝેરના પીવાથી મરી જવાય તેમ શુભકર્મના સેવનથી પણ આત્માનો ઘાત જ થાય. એની


PDF/HTML Page 544 of 4199
single page version

ખબર ન હોય તેથી કાંઈ તે આત્મ-ઘાતના નુકશાનથી બચી ન જાય. એને એનું નુકશાન ભોગવવું જ પડે.

જુઓ, દરેક ઠેકાણે એમ લખ્યું છે કે-જીવ તો ચૈતન્યસ્વભાવી જ છે. આહાહા! ચૈતન્યસ્વભાવભાવ, અખંડ, એકરૂપ ધ્રુવસ્વભાવ, એવો ને એવો રહેનારો જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે તે જીવ છે. એવો જીવ જે રાગથી-કર્મથી ભિન્ન છે તેને સમ્યક્દ્રષ્ટિઓ પ્રત્યક્ષ અનુભવે છે. આવો અનુભવ જ્ઞાન અને આનંદના વેદન સહિત હોય છે. પ્રત્યક્ષ અનુભવે છે એમ કીધું છે ને? એટલે રાગ અને મનના સંબંધથી જાણે અને અનુભવે છે એમ નથી. પ્રત્યક્ષ અનુભવમાં પરનો આશ્રય છે જ નહિ. પરના આશ્રય રહિત એવા મતિશ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં-વેદનમાં આવે છે. આ બીજો બોલ થયો.

ત્રીજો બોલઃ-તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. જુઓ, ભગવાને આમ કહ્યું છે, યુક્તિથી પણ એમ જ સિદ્ધ છે અને તીવ્ર-મંદ રાગની પરંપરા-સંતતિથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ પ્રત્યક્ષ અનુભવે છે.

અજ્ઞાનીને અનાદિથી તીવ્ર-મંદ રાગની સંતતિનો જ અનુભવ છે. તેમાં જે મંદ રાગ છે તેથી પોતાને કંઈક લાભ છે એમ તે માને છે. પણ ભાઈ! એનાથી જરાય લાભ નથી. મંદ રાગ તો અભવીને પણ થાય છે. મિથ્યાત્વની મંદતા અને અનંતાનુબંધી કષાયની મંદતા તો અભવી જીવને પણ હોય છે. પણ મંદ રાગ એ કાંઈ વસ્તુ (આત્મા) નથી. રાગ મંદ હો કે તીવ્ર, જાત તો કષાયની જ છે. એ જીવ નથી. જીવ તો તીવ્ર-મંદ રાગની સંતતિથી ભિન્ન નિત્ય એકરૂપ ચૈતન્યસ્વભાવમય છે. અને ભેદજ્ઞાનીઓ એટલે રાગ અને આત્માની ભિન્નતાને યથાર્થપણે જાણનારા ધર્માત્મા જીવો આત્માને એવો જ અનુભવે છે. આ ત્રીજો બોલ થયો.

આઠમાંથી ત્રણ બોલ ચાલ્યા છે. હવે ચોથો બોલઃ-નવી-પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે.

નવી-પુરાણી અવસ્થા, રોગ-નીરોગની અવસ્થા, બાળ-યુવાન-વૃદ્ધની અવસ્થા, પુષ્ટ- જીર્ણરૂપ અવસ્થા ઇત્યાદિ અવસ્થાના ભેદથી નોકર્મ એટલે શરીર પ્રવર્તે છે. અહા! ભાષા તો જુઓ! બાળ-યુવાન-વૃદ્ધપણે કે પુષ્ટ-જીર્ણપણે કે રોગ-અરોગપણે આ શરીર જે પુદ્ગલોનો સ્કંધ-પિંડ છે તે પરિણમે છે, જીવ નહિ. શરીરની અવસ્થાનો સ્વતંત્ર જન્મક્ષણ છે, જે-તે અવસ્થારૂપે શરીર સ્વયં પરિણમે છે. આ અનેક અવસ્થાના ભેદથી


PDF/HTML Page 545 of 4199
single page version

પ્રવર્તતું જે શરીર તે જીવ નથી. કારણ કે શરીરથી અન્ય જુદો ચિદાનંદસ્વભાવી જીવ ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવાય છે. શરીરને પ્રવર્તાવવું એ જીવનો સ્વભાવ નથી.

પ્રશ્નઃ– ઈર્યા સમિતિમાં જોઈને ચાલવું એમ કહ્યું છે ને?

ઉત્તરઃ– ઈર્યા સમિતિમાં જીવ શરીરને ચાલવારૂપ પ્રવર્તાવે છે એમ નથી. પણ એ તો જે-તે ભૂમિકામાં શરીર જેમ ચાલે છે તેનું કથન કર્યું છે. અહો! શરીરથી જેમને ભેદદ્રષ્ટિ થઈ છે એવા સમકિતી જીવો શરીરથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માને પ્રત્યક્ષ અનુભવે છે.

ભાઈ! નિવૃત્તિ લઈને આનો અભ્યાસ કરવો જોઈએ. શ્રીમદે કહ્યું છે કે દેહની ચિંતા કરતાં અનંતગણી ચિંતા આત્માની રાખજે કેમકે આ એક ભવમાં જ અનંત ભવ ટાળવા છે. આ ભવ અનંત ભવને ટાળવા માટે છે. અનંત ભવને એક ભવમાં ટાળવા એ કોઈ અલૌકિક અસાધારણ કામ છે, પ્રભુ! જો એ કામ ન કર્યું તો માથે અનંત ભવો પડયા છે. વંટોળિયાનું તણખલું કયાં જઈને પડે એનો કાંઈ મેળ નથી. તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ દેહ છોડીને કયાં જશે એનો કાંઈ મેળ નથી. અરે! કયાંય નરક, નિગોદ, તિર્યંચમાં ચાલ્યો જશે! તથા જેની ત્રસની સ્થિતિ પૂરી થવા આવી હોય એણે જો આ કાર્ય (સમ્યગ્દર્શનાદિ) ન કર્યું તો તે પણ નિગોદમાં ચાલ્યો જશે. ત્રસ અવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગરથી કાંઈક અધિક છે. શું કહ્યું? આ ઇયળ, કીડી, ભમરો, ઢોર, નારકી, મનુષ્ય, દેવ વગેરેમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગર જેટલી છે. એ સ્થિતિ પૂરી થયે નિયમથી મિથ્યાદ્રષ્ટિ જીવ નિગોદમાં-એકેન્દ્રિયમાં જાય છે. કદાચિત્ પંચેન્દ્રિયમાં રહે તો એક હજાર સાગર રહે અને સમગ્રપણે ત્રસમાં રહેવાનો વધુમાં વધુ બે હજાર સાગર જેટલો કાળ છે. આ કાળમાં જો સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે તો અનંત સુખમય સિદ્ધપદ પામે અને જો ન કરે તો મહાદુઃખમય નિગોદ અવસ્થાને પ્રાપ્ત થાય. ત્યાં અનંતકાળ દુઃખ ભોગવે.

ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક ચિન્માત્રસ્વભાવમય છે. તે ભેદજ્ઞાનીઓ વડે દેહથી ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. ‘સ્વયં ઉપલભ્યમાન છે.’ એનો શું અર્થ છે? કે સમકિતીઓને પોતાની જ્ઞાનની દશાથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એવો તેનો અર્થ છે, મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેથી દેહ તે જીવ નથી, દેહથી ભિન્ન આત્મા ચૈતન્યસ્વભાવમય જુદી વસ્તુ છે. અનેક અવસ્થાઓના ભેદરૂપ પ્રવર્તતું જે શરીર એમાં આત્માનો અધિકાર છે એમ નથી. (શરીર અને આત્મા બન્ને ભિન્નભિન્ન છે).

શ્રી સમયસાર ગાથા ૯૬ ની ટીકામાં આવે છે કે આ શરીર છે તે મૃતક કલેવર એટલે મડદું છે. તેમાં અમૃતનો સાગર એવો ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. શુદ્ધ


PDF/HTML Page 546 of 4199
single page version

ચૈતન્યસ્વભાવમય અમૃતનો સાગર હું છું એમ અનુભવવાને બદલે આ મૃતક શરીર હું છું, આ શરીર મારું છે એમ તું કયાં મૂર્છાઈ ગયો, પ્રભુ! અરે! અમૃતનો સાગર મૃતક શરીરમાં મૂર્છાયો એ મોટું કલંક છે.

પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને અન્ય જીવ એમ છ દ્રવ્યો છે તે મનનો વિષય છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા પણ મનનો વિષય છે. તેથી બીજી રીતે કહીએ તો સર્વજ્ઞ પરમાત્મા પણ ઇન્દ્રિય છે. અંદર ખંડખંડ જ્ઞાન જે થઈ રહ્યું છે તે પણ ભાવેન્દ્રિય છે. ભાવેન્દ્રિય ખંડખંડ જ્ઞાનને જણાવે છે, જ્યારે આત્મા ચૈતન્યસ્વરૂપ અખંડ છે. તેથી ખંડખંડ જ્ઞાનને જણાવતી ભાવેન્દ્રિય અખંડ આત્માથી ભિન્ન પર વસ્તુ છે, જ્ઞેય છે. એક રીતે તો તે ભાવેન્દ્રિયને પુદ્ગલના પરિણામ કહ્યા છે કેમકે ક્ષયોપશમભાવ એ આત્માનો સ્વભાવ નથી. શ્રી સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં કહ્યું છે કે ક્ષયોપશમભાવ એ જીવનો સ્વભાવ નથી. સ્વભાવદ્રષ્ટિથી જોતાં ક્ષયોપશમભાવનો તેમાં અભાવ છે. અહો! વસ્તુનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. લોકોને બહારની (ક્રિયાકાંડની) પ્રવૃત્તિ આડે અંતર (અંદરમાં) વસ્તુ શું છે તે શોધવાની દરકાર નથી.

શ્રી સમયસાર ગાથા પ૦ થી પપ માં આવશે કે શબ્દો, વાણી, શરીર, ઇન્દ્રિય, મન એ બધાં જે નોકર્મ છે એનાથી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. શરીરથી જુદો છું એમ ધારણામાં લીધું હોય, પણ એવો ભિન્ન ચૈતન્યસ્વભાવમય આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો જોઈએ. ભેદજ્ઞાનીઓ દેહથી ભિન્ન શુદ્ધ ચિદાનંદમય આત્માને પ્રત્યક્ષ અનુભવે છે.

પાંચમો બોલઃ સમસ્ત જગતને પુણ્ય-પાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે.

જગતના સઘળા સંસારીઓને પુણ્ય-પાપરૂપે કર્મનો વિપાક વ્યાપેલો છે. તેઓ પુણ્ય- પાપને જીવ કહે છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ છે એ કર્મનો વિપાક છે, એ આત્મા નથી. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૮૯ માં લીધું છે કે પઠન-પાઠન, સાંભળવું, ચિન્તન કરવું, સ્તુતિ, વંદના એ સઘળો જે ક્રિયા-કલાપ છે તે વિકલ્પ છે, રાગ છે. હજુ જેને પઠન-પાઠનની નવરાશ નથી એની તો વાત જ શું કરવી? એને તો આત્મા શુભાશુભ ભાવથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુ છે એ બેસી શક્તું જ નથી. ભાઈ! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ પાપના ભાવ તો ઝેર છે જ, પણ આ પઠન-પાઠન, શ્રવણ, ચિંતવન, સ્તુતિ, વંદના આદિ શુભભાવ છે તે પણ ઝેરનો ઘડો છે. તે કાંઈ અમૃતસ્વરૂપ આત્મા નથી.

જેને આત્માના આનંદનો અનુભવ હોય તેના શુભભાવને આરોપથી અમૃત કહેવાય


PDF/HTML Page 547 of 4199
single page version

છે. ત્રિકાળ ધ્રુવ અખંડ એક ચૈતન્યસ્વરૂપના અવલંબને જે નિશ્ચયધર્મ પ્રગટયો છે તે જ ખરેખર અમૃત છે. પણ તે ધર્મનો શુભભાવ પર આરોપ કરીને શુભભાવને પણ અમૃત કહ્યો છે; છે તો ખરેખર એ ઝેર. અરે! જગતને સત્ય સાંભળવા મળે નહિ એ બિચારા કયાં જશે? લાખો રૂપિયાનાં દાન આપે ત્યાં દાન દેવાનો જે ભાવ છે તે પુણ્ય છે. એનાથી કાંઈ જન્મ-મરણ ન મટે. અને એને ધર્મ માને તો મિથ્યાદર્શન છે. પૈસા તો અજીવ છે. જીવ કાંઇ એ અજીવનો સ્વામી નથી. પૈસા મારા છે એમ માનનારે પોતાને અજીવ માન્યો છે. ભાઈ! પૈસા પેદા કરવા, એને સાચવવા અને વાપરવા એ કાંઈ આત્માની ક્રિયા નથી. તથા દાન આપવાનો જે શુભભાવ છે તે રાગ છે, સંસાર છે. શુભભાવ કે જે સંસારમાં પ્રવેશ કરાવે તેને ભલો કેમ કહીએ?

પુણ્ય-પાપના ભાવ એ તો કર્મનો વિપાક છે, એ કાંઈ ભગવાન આત્માનો વિપાક નથી. પુણ્ય-પાપનો જે ર્ક્તા થાય એ જીવ નહિ. જીવ તો નિર્મળ જ્ઞાનાનંદસ્વરૂપ છે. એ જ્ઞાનનો ર્ક્તા થાય. જીવ વિકારનો ર્ક્તા થાય એમ માનનારે પોતાને આખોય વિકારી માન્યો છે. પણ ભાઈ! વસ્તુ આત્મા તો વિકારથી રહિત ચિન્માત્ર છે. વસ્તુતત્ત્વ બહુ સૂક્ષ્મ છે. બાપુ! જન્મ-મરણના દુઃખોથી મુક્ત થવાનો ઉપાય અતિ આકરો અને ઝીણો છે.

આ લસણ અને ડુંગળીમાં જે નિગોદના જીવો છે એમને પણ શુભાશુભભાવો તો હોય છે. ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ ભાવ આવે છે. એમને પણ શુભાશુભ કર્મધારા નિરંતર ચાલ્યા કરે છે. ભાઈ! એ તો બધો કર્મનો વિપાક છે. એ જડનું ફળ છે, એ કાંઈ ચૈતન્યનું ફળ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પુણ્ય-પાપરૂપ કર્મના વિપાકથી ભિન્ન છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે અને ભેદજ્ઞાનીઓ વડે પણ શુભાશુભ ભાવોથી ભિન્ન જુદો ચૈતન્યસ્વભાવમય આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે.

છઠ્ઠો બોલઃ શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી. શાતાનું વેદન એટલે કલ્પનામાં જે અનુકૂળપણે સુખરૂપ લાગે અને અશાતાનું વેદન એટલે કલ્પનામાં જે પ્રતિકૂળપણે દુઃખરૂપ લાગે એવા ભેદરૂપ જે કર્મનો અનુભવ તે જીવ નથી. શરીર તો રોગની મૂર્તિ છે. એક તસુમાં (તસુ જેટલા શરીરના ભાગમાં) ૯૬ રોગ શરીરમાં છે. એવા આખાય શરીરમાં રોગ ભરેલા છે. એ રોગ જ્યારે પ્રગટ થાય ત્યારે જે અશાતાનું વેદન થાય એ પુદ્ગલનું ફળ છે. તથા શરીર નિરોગી રહે અને બહાર સામગ્રી-ધન, સંપત્તિ, કુંટુંબ-પરિવાર આદિ ઠીક અનુકૂળ હોય ત્યારે જે શાતાનું- સુખની કલ્પનાનું વેદન થાય એ પણ પુદ્ગલનું ફળ છે. એ કલ્પનામય સુખ-દુઃખના વેદનમાં કર્મનો અનુભવ છે, આત્માનો નહિ. શરીર હૃષ્ટ-પુષ્ટ નિરોગી હોય અને કરોડોની સાહ્યબી હોય ત્યારે જે સુખનો અનુભવ થાય તે


PDF/HTML Page 548 of 4199
single page version

કર્મનો અનુભવ છે, આત્માનો નહિ. એ સુખ-દુઃખમાં ચૈતન્યસ્વરૂપ આત્મા નથી. એ શાતા- અશાતાનો અનુભવ એ આત્મા નથી. આત્મા તો સુખ-દુઃખથી ભિન્ન ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે.

એક ધર્મી સિવાય, આખું જગત પાગલ છે, ઘેલું છે-કારણ કે તે દુઃખને સુખ માને છે, જે સુખ નથી તેને સુખ માને છે. રંકથી માંડીને મોટો રાજા અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સૌ જીવો સુખદુઃખની કલ્પનામાં રાચી રહ્યા છે. એ સઘળી પાગલોની નાત છે. પરંતુ સુખ-દુઃખની કલ્પનાથી ભિન્ન પડી અનંત સુખનું ધામ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે એમાં દ્રષ્ટિ કરે તો સ્વયં અર્થાત્ પ્રત્યક્ષ આનંદનો અનુભવ થાય છે. અહાહા! સુખ-દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કેવળીને જ પ્રત્યક્ષ થાય એમ નહિ. ચોથા ગુણસ્થાને પણ સ્વસંવેદનથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનીઓને મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે છે.

પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન હોવાં જોઈએ. આત્મા વસ્તુ સ્વસંવેદનપ્રત્યક્ષ થઈ ન હોય અને વ્રત, નિયમ અને સંયમમાં લાગી જાય તો એ સઘળી ક્રિયા એકડા વિનાનાં મીંડાં જેવી છે. એવા જીવો ક્રિયાના અભિમાનમાં ચઢી જાય છે. વળી કહે કે-અશુભ કરતાં તો શુભ સારું છે. પણ ભાઈ! એ તો વ્યવહારથી એમ કહેવાય, નિશ્ચયથી તો શુભભાવ પણ ઝેર છે. જે સંસારમાં દાખલ કરે તેને સારો કેમ કહેવાય?

હવે સાતમો બોલ કહે છેઃ-શીખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી. જેમ દહીં અને સાકર બે મળીને શીખંડ છે તેમ આત્મા અને કર્મ એ બે થઈને જીવ છે એમ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ પ્રભુ છે અને રાગ અને કર્મ વગેરે તો જડ અચેતનસ્વરૂપ છે. તેથી જીવ અને કર્મ બન્ને ભિન્નભિન્ન છે. પરંતુ જેમ હાથી ચૂરમુ અને ઘાસ બન્નેને ભેગાં કરીને ખાય છે તેમ અજ્ઞાની કર્મ અને આત્માને એક કરીને અનુભવે છે.

કોઈ પુરુષ સ્ત્રી સાથે વિષય ભોગ કરે છે ત્યાં ખરેખર એ સ્ત્રીના શરીરને ભોગવતો- અનુભવતો નથી. શરીર તો જડ, અજીવ છે; માંસ, હાડ અને ચામડાંની થેલી છે. જ્યારે ભગવાન આત્મા તો અંદર સ્પર્શાદિ રહિત શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે. ભોગકાળે એને આ ઠીક છે એવો જે રાગ થાય તે રાગને એ અનુભવે છે. ત્યાં આત્મા અને રાગ ભેગા છે એમ નથી. પણ અજ્ઞાનવશ એમ માને છે કે આને (રાગને) હું ભોગવું છું. જેમ કૂતરું હાડકું ચાવે ત્યારે હાડકાની કણી દાઢમાં વાગે ત્યારે ત્યાંથી લોહી નીકળે છે. એ લોહીનો સ્વાદ આવતાં તે હાડકાનો સ્વાદ આવે છે તેમ તે માને છે. તેમ શરીર તો હાડ, માંસ, ચામડું અને વિષ્ટાથી ભરેલું છે. એનો સ્પર્શ થતાં એ ઠીક છે એવો એને રાગ થાય છે. એ


PDF/HTML Page 549 of 4199
single page version

રાગને તે અનુભવે છે પણ શરીરને હું ભોગવું છું એમ મિથ્યા માને છે. તેવી જ રીતે સર્પદંશ થયો હોય તો તે દંશને ભોગવે છે એમ નથી, પણ તે વખતે તેના લક્ષે જે અણગમાનો દ્વેષભાવ થાય છે તે દ્વેષને અનુભવે છે. અહીં તો એમ કહે છે કે એ રાગદ્વેષરૂપ વિકારીભાવ અને આત્મા એ બે મળીને જીવ છે એમ નથી. બે ભોગવે એમ નહિ. આત્મા વિકારથી જુદો છે એ અનુભવસિદ્ધ છે કેમકે સમસ્તપણે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ આત્મા ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભેદજ્ઞાનીઓને આનંદના વેદનવાળો આત્મા પ્રત્યક્ષ છે.

આઠમો બોલઃ-અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી. આઠે કર્મ ભેગાં થઈને આત્મા થયો એમ નથી. જેમ ખાટલાથી ખાટલામાં સૂનારો જુદો છે તેમ આઠે કર્મરૂપી ખાટલાથી ભગવાન આત્મા જુદો છે. કોઈ દિવસ વિચાર કરે નહિ, મનન કરે નહિ તેને આ વાત કેમ બેસે? કળશટીકામાં કળશ ૧૧૧માં સ્વચ્છંદી નિશ્ચયાભાસીનું કથન કરતાં કહ્યું છે કે-તે જીવો શુદ્ધ ચૈતન્યનો વિચાર માત્ર પણ કરતા નથી.

આઠ કર્મનો પાક છે એનાથી ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ છે. આઠ કર્મથી આત્મા બન્યો છે એ મોટી ભ્રમણા છે, કેમકે આઠ કર્મના સંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ ભેદજ્ઞાનીઓ શુદ્ધ ચૈતન્યવસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે.

આ પ્રમાણે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.

* ગાથા ૪૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જીવ ચૈતન્યસ્વભાવમય છે. જાણવું-દેખવું એ તેનો સ્વભાવ છે. સ્વભાવવાન પોતે આત્મા અને ચૈતન્ય પોતાનો સ્વભાવ છે. જેટલા અધ્યવસાનાદિ ભાવો છે તેનાથી જીવ જુદો છે. રાગથી આત્માને ભિન્ન પાડનાર ધર્માત્માને એવો જીવ અનુભવગમ્ય છે. ભેદજ્ઞાની સમકિતી જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે.

તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. કર્મ, રાગ, શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ કે સુખ-દુઃખની કલ્પના ઇત્યાદિ આત્મા નથી. અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનારા પુરુષને મીઠાશથી અને સમભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ હવે કાવ્યમાં કહે છે-

* કળશ ૩૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

હે ભવ્ય! ‘अपरेण अकार्य–कोलाहलेन किम्’ તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? ‘હે ભવ્ય!’ એટલે કે હે ધર્મ પામવાને લાયક જીવ! તને વસ્તુના


PDF/HTML Page 550 of 4199
single page version

સ્વભાવથી વિરુદ્ધ કોલાહલ કરવાથી શું લાભ છે? વસ્તુનો જે ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના અચેતન ભાવ તેનાથી તને શું લાભ છે? વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવો કોલાહલ નકામો છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. (ખરેખર વ્યવહાર નિશ્ચયનું સાધન નથી).

‘विरम’ એ કોલાહલથી તું વિરક્ત થા. આ અધ્યવસાન આદિ ભાવો જીવ છે એવા મિથ્યા વિકલ્પોના કોલાહલથી વિરક્ત થાય. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી વીતરાગતા થાય એવા વસ્તુસ્વરૂપથી વિપરીત કોલાહલથી વિરામ પામ. રાગથી ધર્મ થશે એમ માનનારે રાગને પોતાનો સ્વભાવ માન્યો છે. એણે રાગને જ આત્મા માન્યો છે.

પ્રશ્નઃ– નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભરાગ તો હોય છે ને?

ઉત્તરઃ– ભાઈ! એ શુભરાગને છોડીને નિર્વિકલ્પ થયો છે. કાંઇ શુભરાગથી નિર્વિકલ્પ થયો નથી. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી.

આત્મા એકરૂપ ચૈતન્યઘનસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સામાન્યસ્વભાવ, અભેદસ્વભાવ અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. હવે કહે છે-‘निभृतः सन् स्वयम् अपि एकम् षण्मासम् पश्य’ પોતે નિશ્ચળ લીન થઈને પ્રત્યક્ષ કરીને એક ચૈતન્યમાત્ર વસ્તુને દેખ; એવો છ મહિના અભ્યાસ કર. ચૈતન્યવસ્તુમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, તેથી તને એ જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તેથી તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુનો અનુભવ કર.

જુઓ, અહીં અમુક ક્રિયાઓ કરે તો આત્મા દેખાય એમ નથી કહ્યું. શ્રીમદ્ રાજચન્દ્રે પણ કહ્યું છે કેઃ-

‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’

ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. તેને અનુભવ. ‘स्वयं’ શબ્દ છે ને? એટલે કે તેના અનુભવમાં પરની કોઈ અપેક્ષા નથી. ભગવાન આત્મા સીધો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે. વિકલ્પોનો કોલાહલ અનુભવમાં મદદગાર નથી પણ અટકાવનાર છે, વિઘ્નકારી છે. નિયમસારમાં (ગાથા ર ની ટીકામાં) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ કહ્યો છે. વસ્તુનો જે સ્વભાવ છે તેને વળી પરની અપેક્ષા કેવી?

અહીં કહે છે-‘षण्मासम्’ છ મહિના ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર. ભાઈ, તું વેપાર-ધંધામાં વર્ષોના વર્ષો કાઢે છે. રળવા-કમાવામાં અને બાયડી-છોકરાંની સંભાળ રાખવામાં રાત-દિવસ ચોવીસે ય કલાક તું પાપની મજૂરીમાં કાઢે છે. પણ એનું ફળ તો મનુષ્યભવ હારીને ઢોરની ગતિ પ્રાપ્ત થવાનું છે. માટે હે ભાઈ! તું સર્વ સંસારના


PDF/HTML Page 551 of 4199
single page version

વિકલ્પોનો ત્યાગ કરી એક છ મહિના શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કર. આમ તો અંતર્મુહૂર્તમાં ચૈતન્યની પ્રાપ્તિ થઈ શકે છે. પણ તને જો બહુ આકરું લાગતું હોય તો છ મહિના તેનો અભ્યાસ કર. આમ છ મહિના અભ્યાસ કરવાની વાત કરી છે. ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી જ્ઞાયકસ્વભાવી ધ્રુવ એકરૂપ આત્મા છે તેની લગની લગાડ, એકમાત્ર એમાં જ ધૂન લગાડ. તને તે પ્રાપ્ત થશે જ.

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ-

“જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ,
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ.”

પરમાનંદનો નાથ પરમ પદાર્થ ભગવાન આત્માની ઉપલબ્ધિની ભાવના હોય તો સત્ય પુરુષાર્થ એટલે સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કર. ભવસ્થિતિ હશે તેમ થશે (કાળલબ્ધિ હશે તેમ થશે) એવી મિથ્યા અટક (પક્કડ) છોડી દે. કાળલબ્ધિ હશે ત્યારે થશે એવો દુરાગ્રહ આત્માના હિતને છેદનારો છે. માટે ભવસ્થિતિ આદિના બહાના છોડીને તું પુરુષાર્થ કર. ભાઈ! તારે ‘કાળલબ્ધિ હશે ત્યારે થશે’ એ વાતની ધારણા-પકડ કરવી છે કે તેનું જ્ઞાન કરવું છે? તેનું યથાર્થ જ્ઞાન કરવું હોય તો તું જ્ઞાયકની સન્મુખ થઈ પુરુષાર્થ કર. જ્ઞાયક જ્ઞાનમાં આવતાં તને પાંચે સમવાયનું વાસ્તવિક જ્ઞાન થશે.

સ્વભાવ તરફનો પુરુષાર્થ કરતાં સમ્યકત્વ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે કાળલબ્ધિ પાકી ગઈ. દ્રવ્યસંગ્રહમાં (ગાથા ૨૧ ની ટીકામાં) આવે છે કે કાળલબ્ધિ હેય છે. કાળ અસ્તિપણે છે, નિમિત્ત છે પણ તે હેય છે. (કેમકે કાળની-નિમિત્તની સન્મુખ દ્રષ્ટિ કરતાં સમ્યકત્વાદિ થતાં નથી) કાળ નિમિત્ત છે તે છે, અને પોતાની પર્યાયનો જે સ્વકાળ છે તે પણ છે; પણ તે સ્વકાળનું જ્ઞાન કોને થાય? પોતાના સ્વભાવની સન્મુખ જ્યાં પુરુષાર્થ કર્યો ત્યારે કાળ પાકયો એમ સ્વકાળનું-કાળલબ્ધિનું જ્ઞાન થયું, ભવિતવ્યતાનું પણ જ્ઞાન થયું, તથા સ્વભાવસન્મુખ પુરુષાર્થ કર્યો તે સ્વભાવનું જ્ઞાન થયું અને નિમિત્તનો એટલો અભાવ છે એમ જ્ઞાન થયું. આમ પાંચેય સમવાય કારણો એકસાથે છે એમ યથાર્થ જ્ઞાન થયું.

તેથી અહીં કહ્યું છે કે છ મહિના ચૈતન્યસ્વરૂપ નિજ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવનો અભ્યાસ કર, એની જ અંતરમાં લગની લગાડ. અને જોકે એમ કરવાથી ‘हृदय–सरसि पुद्गलात् भिन्नधाम्नः पुंसः ननु किं अनुपलब्धिः भाति किं च उपलब्धिः’ પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે.

સમયસાર નાટકમાં લીધું છે કે જ્ઞાનરૂપી સરોવરમાં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવસન્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્યકમળમાં


PDF/HTML Page 552 of 4199
single page version

ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદરસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે. તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસને પી. અહાહા! તું નિર્મળપર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્યરસમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અદ્ભુત અનિર્વચનીય આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. તુ આનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહિ.

ભગવાન આત્મા પુદ્ગલથી ભિન્ન અર્થાત્ રાગાદિ વિકલ્પથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો, ચૈતન્યના નૂરનું પૂર છે. તેની સન્મુખ થઈ અંતર્નિમગ્ન થતાં અવશ્ય આત્મોપલબ્ધિ થાય છે. પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એ કેમ બને? (પ્રાપ્તિ થાય જ). જે કોઈ વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્માનું ચૈતન્ય-તેજ ભિન્ન છે. તે ચૈતન્ય-તેજના અનુભવ માટે વિકલ્પનો કોઈ સહારો નથી. તેથી કાળલબ્ધિ પાકે ત્યારે પ્રાપ્તિ થશે. ભગવાને દીઠું હશે ત્યારે પ્રાપ્ત થશે-ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોની નબળી વાતો રહેવા દે. એવી નબળી વાતોથી આત્માના પુરુષાર્થને છેદ મા, તારા પ્રયોજનને છેદ મા. સ્વભાવસન્મુખતાના પુરુષાર્થ વડે જેનું પ્રયોજન છે તે સ્વાત્મોપલબ્ધિ સિદ્ધ કર.

વળી કોઈ સમયસારમાં ઉદ્ધૃત ‘जइ जिणमयं पवज्जह...... છંદનો આધાર આપીને કહે છે કે-જો જિનમાર્ગને પ્રવર્તાવવા ઇચ્છતા હો તો નિશ્ચય અને વ્યવહાર એમ બન્ને નયોને ન છોડો. પરંતુ ભાઈ, એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે-વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. સાધકપણાનો ભાવ, ૧૪ ગુણસ્થાન આદિ સઘળો વ્યવહાર છે ખરો, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી.

શ્રી સમયસાર ગાથા ૧૧માં કહ્યું છે કે ભૂતાર્થનો અર્થાત્ એક નિશ્ચયનો આશ્રય કરો. કેમકે ત્રિકાળી ભગવાન જે છતો વિદ્યમાન પદાર્થ અસ્તિરૂપ મહાપ્રભુ છે એના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન થયા પછી, બાકી રહેલી અશુદ્ધતા અને પર્યાયની અપૂર્ણતા તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે એમ ગાથા ૧૨માં લીધું છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. ‘व्यवहारनयो......परिज्ञाय–मानस्तदात्वे प्रयोजनवान्’ એટલે કે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે તે કાળે જે પ્રકારની અશુદ્ધતા છે અને શુદ્ધતાનો જે અંશ વધ્યો છે તે સઘળો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એવો અર્થ શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવે ૧૨મી ગાથાની ટીકામાં કર્યો છે.

સિદ્ધ, સાધક અને સંસાર એ બધું વ્યવહાર છે. ત્રિકાળી ધ્રુવ તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર છે. વ્યવહાર છે ખરો, પણ જાણેલો પ્રયોજનવાન છે; નિશ્ચય છે તે આદરેલો પ્રયોજનવાન છે. બાપુ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને એમ જ કહ્યું છે, શાસ્ત્રમાં એમ જ છે અને વસ્તુની સ્થિતિ પણ એમ જ છે.


PDF/HTML Page 553 of 4199
single page version

અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે-આ શાસ્ત્રની ટીકા કરવાનો જે વિકલ્પ છે તે અમારો (સ્વરૂપભૂત) નથી, અમે તો તેના માત્ર જાણનાર છીએ, સ્વરૂપગુપ્ત છીએ. ટીકા તો શબ્દો વડે (પુદ્ગલોથી) રચાઈ છે. એ શબ્દો અને વિકલ્પથી ભિન્ન આત્મામાં અમે તો ગુપ્ત છીએ. શબ્દો અને વિકલ્પમાં અમારો નિવાસ નથી. જુઓ, આ સત્યનો ઢંઢેરો પીટયો છે! થોડામાં ઘણું કહ્યું છે.

અહીં કહે છે કે વસ્તુસ્વભાવ જે પૂર્ણ છે તેની સન્મુખતા કરી તેમાં ઢળતાં, એકાગ્ર થતાં તેની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? (સ્વભાવ સન્મુખતાના અભ્યાસ વડે સ્વાત્મોપલબ્ધિ અવશ્ય થાય જ.)

* કળશ ૩૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. અંતર્મુખ વળવાનો પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એમ ત્રણ કાળમાં બને નહિ. અહીં અભ્યાસનો અર્થ માત્ર વાંચવું અને સાંભળવું એમ નથી, પણ અભ્યાસ એટલે નિજ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા કરવાના પુરુષાર્થની વાત છે. ભાઈ, તારી શ્રદ્ધામાં તો લે કે વસ્તુ આવી જ છે. શ્રદ્ધામાં બીજું લઈશ તો આત્મા હાથ નહિ આવે, પુરુષાર્થ અંતરમાં નહિ વળે. અહો! ગજબનો કળશ મૂકયો છે!

તીક્ષ્ણ કરવત કે છીણી પડે અને બે કટકા ન થાય એમ બને જ નહિ. તેમ જેણે રાગની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરી તેને સ્વભાવ પ્રાપ્ત ન થાય એમ બને જ નહિ. જો પ્રાપ્તિ ન થાય તો એનો અર્થ એટલો જ છે કે સ્વભાવ તરફના પુરુષાર્થની ખામી છે. હા, પર વસ્તુ હોય તેની પ્રાપ્તિ ન થાય. અર્થાત્ જે સ્વરૂપમાં નથી તેની કેમેય કરીને પ્રાપ્તિ ન થાય. ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ રાગ પોતાનો ન થઈ જાય. પરંતુ જે સ્વસ્વરૂપ છે તેનું વલણ કરી તેના અનુભવનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. તેનું કાર્ય સ્વરૂપની રચના કરવાનું છે. તેથી અંતર્મુખ થઈ આત્મામાં પુરુષાર્થ કરતાં સ્વરૂપની રચના નિર્મળ થાય, થાય અને થાય જ.

આવો ઉપદેશ કઠણ પડે એટલે લોકો શુભ કરતાં કરતાં શુદ્ધ થશે એમ ખોટા પાટે ચઢી જાય છે. શુભને છોડીને અંદર (વસ્તુના તળમાં) જવું એ ધર્મ પ્રાપ્ત કરવાની નિસરણી છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-મોટે અવાજે અમે કહીએ છીએ કે સ્વરૂપ પોતાથી જ પ્રાપ્ત થાય. (રાગથી પ્રાપ્ત ન થાય, જ્ઞાનથી જ થાય.)

ભગવાન! તું છે કે નહિ? (છે). તો છે એની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? પણ ભાઈ, ‘હું છું’ એમ અનંતકાળમાં તેં કબૂલ્યું નથી. એક સમયની પર્યાય અને


PDF/HTML Page 554 of 4199
single page version

રાગની સ્વીકૃતિમાં અનંતકાળ ગયો, પણ અંદર વસ્તુ ચૈતન્યઘન મહાપ્રભુ જે એક સમયની પર્યાયમાં આવતો નથી અને જે પર્યાયમાં જણાયા વિના રહેતો નથી એ શુદ્ધાત્માની પૂર્વે તેં કદીય કબૂલાત કરી નથી.

શ્રી સમયસાર ગાથા ૧૭-૧૮માં આવે છે કે-આબાળ-ગોપાળ સૌને સદા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. અહાહા! એની જ્ઞાનની પર્યાયમાં સદા ત્રિકાળી વસ્તુ જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશકસ્વભાવ છે. સ્વ એવું જે દ્રવ્ય તે જ તેના જ્ઞાનમાં આવે છે. પરંતુ અજ્ઞાનીનું વલણ સ્વદ્રવ્ય ઉપર નથી તેથી જ્ઞાનની પર્યાયમાં- પ્રગટ અવસ્થામાં જાણનારો પોતે જણાય છે એવું તેને ભાન થતું નથી, એવી તેને પ્રતીતિ ઉપજતી નથી. ભગવાન! તારું જે પૂર્ણ અસ્તિત્વ છે તે એક સમયની પર્યાયમાં સદાય જણાય છે. ભાઈ! આ તો સર્વજ્ઞની વાણી છે, આ તો પરમાગમ છે. આવી વાણી બીજે કયાંય છે જ નહિ. જેનો એક એક ન્યાય અંદર સોંસરવો ઉતરી જાય એવી આ વાણી છે.

પર્યાયબુદ્ધિમાં, રાગબુદ્ધિમાં અજ્ઞાની અટકયો છે. ત્યાં અટકયો છે તેથી જાણનારો પોતે ત્રિકાળી આત્મા એને જણાય છે એમ ખ્યાલમાં આવતું નથી. અરે! આવા તત્ત્વનો નિર્ણય કરવાનો લોકોને સમય જ કયાં છે? એક દિવસમાં ત્રેવીસ કલાક તો બસ રળવું, કમાવું અને બાયડી-છોકરાં સાચવવાં, રાજી રાખવાં અને ઉંઘવું-એમ જાય. કદાચ એકાદ કલાક મળે તો કુગુરુ વડે તે લૂંટાઈ જાય છે. અહા! એ વેશધારીઓ તે બિચારાને મિથ્યા શાસ્ત્રો દ્વારા યુક્તિ- પ્રયુક્તિ બતાવી લૂંટી લે છે.

શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૧પમાં પાના ઉપર લખ્યું છે કે-જે શાસ્ત્રોમાં વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે. રાગની મંદતાથી સંસાર ઘટે એમ જેમાં કહ્યું હોય તે શાસ્ત્ર નથી, કેમકે એણે તો અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવને પ્રગટ કર્યો છે. આવું શાસ્ત્ર તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, કારણ કે રાગ-દ્વેષ-મોહ વડે જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. શુભરાગની વાસના તો તેને વગર શિખવાડે પણ હતી અને આ શાસ્ત્ર વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલુ થવાની શું શિક્ષા આપી? આવી વાત આકરી લાગે પણ શું થાય? પોતાના વાડાનો આગ્રહ હોય તેથી દુઃખ થાય પણ તેથી શું? (જેણે હિત કરવું હોય તેણે મધ્યસ્થ થઈ વિચારવું જોઈએ).

શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭૨માં પણ કહ્યું છે કે સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. જુઓ, દિગંબરોના બધાંય શાસ્ત્રોની વાત મેળ ખાતી અને અવિરુદ્ધ છે. સર્વ શાસ્ત્રોમાં વીતરાગતાનું જ પોષણ કર્યું છે. સવારમાં આવ્યું હતું ને કે અરિહંતોએ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એવા અરિહંતોને એમની સર્વજ્ઞતા અને


PDF/HTML Page 555 of 4199
single page version

વીતરાગતાને ઓળખીને નમસ્કાર કરું છું. જુઓ, આ નિર્ગ્રંથ સંતોની અમૃત વાણી! આનું નામ પરમાગમ અને શાસ્ત્ર છે.

અહીં કહે છે કે-પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. અહીં રાગનો અભ્યાસ કરવાનું નથી કહ્યું. રાગાદિ પર વસ્તુ ગમે તે પુરુષાર્થથી પણ પ્રાપ્ત ન થાય. પર વસ્તુ છે ને? પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે. અહાહા! વિજ્ઞાનઘન-સ્વભાવપણે અસ્તિ ધરાવતી પોતાની ચીજ પ્રત્યક્ષ મોજૂદ છે. પણ તેને પોતે ભૂલી ગયો છે. ચેતીને એટલે જાણીને જો દેખે તો પાસે જ છે, કેમકે તે પોતે જ છે. જુઓ તો ખરા, શ્રી જયચંદ પંડિતે કેવો સરસ ભાવાર્થ ભર્યો છે! કહે છે કે અંતરમાં જાગ્રત થઈને જુએ તો તે પોતે જ છે. તેનો અભ્યાસ કરતાં તે પ્રાપ્ત થાય જ.

અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. સ્વરૂપની પ્રાપ્તિ તો અંતર્મુહૂર્તમાત્રમાં થાય છે. પરંતુ શિષ્યને બહુ કઠણ લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. સમજવામાં છ મહિનાથી અધિક સમય નહિ લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.

[પ્રવચન નં. ૮૯ થી ૯૧ * દિનાંક ૮-૬-૭૬ થી ૧૦-૬-૭૬]

PDF/HTML Page 556 of 4199
single page version

कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत्–

अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति।
जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।। ४५ ।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति।
यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य।। ४५ ।।

_________________________________________________________________

હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, ) છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ-

રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪પ.

ગાથાર્થઃ– [अष्टविधम् अपि च] આઠે પ્રકારનું [कर्म] કર્મ છે તે [सर्व] સર્વ [पुद्गलमयं] પુદ્ગલમય છે એમ [जिनः] જિનભગવાન સર્વજ્ઞદેવો [ब्रुवन्ति] કહે છે- [यस्य विपच्यमानस्य] જે પકવ થઈ ઉદ્રયમાં આવતા કર્મનું [फलं] ફળ [तत्] પ્રસિદ્ધ [दुःखम्] દુઃખ છે [इति उच्यते] એમ કહ્યું છે.

ટીકાઃ– અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે.

ભાવાર્થઃ– કર્મનો ઉદ્રય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (-અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.


PDF/HTML Page 557 of 4199
single page version

* શ્રી સમયસાર ગાથા ૪પઃ મથાળું *

હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. રાગ-દ્વેષ આદિ ભાવો જડ સાથે સંબંધ રાખતા નથી, આત્મા સાથે સંબંધ રાખે છે. ચૈતન્ય સિવાય જડમાં, શરીરાદિમાં તો રાગ દેખાતો નથી. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા? પ્રશ્નનું રૂપ સમજાયું? કહે છે કે-આ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ અને સુખ-દુઃખનું ભોગવવું એ તો ચૈતન્યની પર્યાયમાં થાય છે, કાંઈ શરીરાદિ જડમાં થતા નથી. એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. તેથી તે ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા? આવી જેને અંતરથી સમજવાની જિજ્ઞાસા છે અને પ્રશ્ન પૂછે છે તેને ઉત્તરરૂપે ગાથા સૂત્ર કહે છેઃ-

* શ્રી સમયસાર ગાથા ૪પઃ ટીકા ઉપરનું પ્રવચન *

અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. શું કહ્યું? આ અધ્યવસાનાદિ ભાવો એટલે પુણ્ય-પાપના ભાવો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવો અને કામ, ક્રોધાદિ અશુભભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે. વ્યવહાર રત્નત્રયનો જે ભાવ છે તે શુભરાગ છે. એ શુભરાગ પોતાનો માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. તો એ શુભરાગથી લાભ (ધર્મ) થાય એ વાત જ કયાં રહી? અહીં કહે છે કે જે શુભભાવ છે તે નિમિત્તરૂપ કર્મના લક્ષે થાય છે અને એ કર્મ પુદ્ગલમય છે એમ સર્વજ્ઞનું વચન છે. ગાથામાં પાઠ છે ને કે ‘जिणा बेंति’ ભગવાન સર્વજ્ઞદેવનું આ વચન છે કે વ્રત-અવ્રતના શુભાશુભ ભાવો, હરખ-શોકના ભાવો વગેરે સઘળા ભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે કર્મ પુદ્ગલમય જડ છે. તે ભાવોને ઉત્પન્ન કરે એવો જીવનો દ્રવ્યસ્વભાવ નથી. જુઓ, કેવી સરસ વાત લીધી છે! ભાઈ! પરની દયા તો તું પાળી શક્તો નથી, પણ પરની દયા પાળવાની (છ કાયના જીવોની રક્ષા કરવાની) જે વૃત્તિ ઊઠે એને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે પુદ્ગલમય છે; તે આત્મસ્વભાવમય નથી, ચૈતન્યસ્વભાવમય નથી. અહાહા! બહુ સૂક્ષ્મ વાત. વીતરાગ જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે. લોકોને સમજમાં ન આવે તેથી વિરોધ કરે, પણ શું થાય?

હવે કહે છે કે વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે દુઃખ છે. કર્મનો વિપાક થતાં, જે પુણ્યપાપના ભાવો થાય છે તે કર્મના ફળપણે અનુભવાય છે અને તે દુઃખ છે. અરે! લોકોને નિશ્ચયમાર્ગ (સત્યમાર્ગ) છે તે બેસતો નથી અને વ્યવહાર પરંપરા કારણ છે એમ હઠ પકડીને બેસી ગયા છે. પણ ભાઈ, વ્યવહારનો જે શુભરાગ છે તેને ઉત્પન્ન કરનાર તો કર્મ-પુદ્ગલ છે એવું સર્વજ્ઞનું વચન


PDF/HTML Page 558 of 4199
single page version

છે. એને પરંપરા કારણ શી રીતે કહીએ? વિપાકને પ્રાપ્ત કર્મના ફળપણે કહેવામાં આવેલા તે અધ્યવસાનાદિ ભાવો દુઃખરૂપ છે. તે પરંપરા મોક્ષનું (સુખનું) કારણ કેમ હોય?

ભગવાન આત્મા ત્રિકાળ અનાકુળ આનંદસ્વભાવથી વસ્તુ છે. અનાકુળ સુખ આત્માનો સ્વભાવ છે. એવો જે સુખ નામનો અતીન્દ્રિય અનાકુળ આત્મસ્વભાવ છે તેનાથી પુણ્ય-પાપના ભાવ વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણવાળા છે. સવારે કહ્યું હતું ને કે સક્કરકંદ જેમ સાકરની મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનથી જોઈએ તો જ્ઞાનમય છે અને સુખથી જોઈએ તો સુખમય છે. આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. તેમાં અનાકુળ અતીન્દ્રિય આનંદ વસેલો છે. તેમાં કાંઈ પુણ્ય-પાપના વિકલ્પ વસેલા નથી. એ પુણ્ય-પાપના વિકલ્પ, ચાહે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ હો, ચૈતન્યથી વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણવાળા, આકુળતા-લક્ષણવાળા છે.

હવે કહે છે કે એ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો, પુણ્ય-પાપના ભાવો દુઃખમાં જ સમાવેશ પામે છે. આત્મા તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાન્તિમય, વીતરાગતામય, અતીન્દ્રિય આનંદમય છે. આત્માનો જે અનાકુળ આનંદમય સ્વભાવ છે તેનાથી વિલક્ષણ પુણ્ય-પાપ દુઃખરૂપ છે. જે ભાવ દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થાય? તે સાધન નથી પણ (બાધક હોવા છતાં) સાધન કહેવામાં આવે છે. જેમ મોક્ષમાર્ગ બે પ્રકારે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે તેમ સાધન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય સમક્તિ થાય ત્યારે સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તેને વ્યવહાર સમક્તિ કહે છે. ખરેખર રાગ છે તે તો ચારિત્રનો દોષ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની, છ દ્રવ્યની કે નવતત્ત્વની જે શ્રદ્ધા છે એ તો વિકલ્પ છે, રાગ છે. પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનનો સહચર દેખીને તેને સમક્તિનો આરોપ આપ્યો છે. શુભભાવ નિશ્ચયથી તો ઝેર છે, પણ નિશ્ચય સમક્તિનો સહચર જાણી તેને અમૃતનો આરોપ આપ્યો છે. અહીં કહે છે કે રાગાદિ ભાવો સધળા આકુળતાલક્ષણ દુઃખમાં જ સમાવેશ પામે છે. તેથી ખરેખર તે અજીવ છે. જીવ વસ્તુ તો જ્ઞાનાનંદસ્વભાવી છે અને આ પુણ્ય-પાપ આદિ ભાવો એનાથી વિલક્ષણ એટલે વિપરીત સ્વભાવવાળા દુઃખસ્વરૂપ છે, ઝેરરૂપ છે. આગળ જતાં તેને વિષકુંભ કહ્યો છે.

પ્રશ્નઃ– શ્રીમદ્માં આવે છે ને કે-

‘નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.’

ઉત્તરઃ– સાધન એટલે? આ રાગની મંદતા એ સાધન? રાગની મંદતા સાધન છે જ નહિ. એ રાગાદિનાં સાધન તો આકુળતાલક્ષણ દુઃખમાં સમાવેશ પામે છે એમ અહીં કહ્યું છે. શ્રીમદે તો નિશ્ચયના લક્ષે સાધનની વાત કહી છે. નિશ્ચય સાધન કરવાની વાત કહી છે.


PDF/HTML Page 559 of 4199
single page version

ભાઈ! ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે મારી સામે જોતાં તને રાગ થશે. એ રાગ છે તે દુઃખમાં સમાવેશ પામે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદસ્વરૂપ છે. તેની અપેક્ષાએ સ્ત્રી આદિ વિષય તરફ લક્ષ જાય, કે ભગવાનની વાણી ઉપર લક્ષ જાય, એ બન્ને સરખાં છે. સ્ત્રી આદિના લક્ષે અશુભ ભાવ થાય અને ભગવાનની વાણીના લક્ષે શુભભાવ થાય. એ બન્નેનેય (સમયસાર ગાથા ૩૧માં) ઇન્દ્રિય કહ્યા છે. અને ઇન્દ્રિયોને જીતવાનું કહ્યું છે. અર્થાત્ એમાંથી ખસી જવાનું કહ્યું છે. એટલે ભગવાનના આશ્રયે રહેવું એમ કહ્યું નથી. ભગવાનના આશ્રયે તો શુભરાગ થશે અને તે શુભરાગ દુઃખરૂપ જ છે. અહો! આવી હિતની વાત દિગંબર જૈનદર્શન સિવાય અન્યત્ર કયાંય નથી.

ભગવાન! તારો સ્વભાવ તો અનાકુળ આનંદ છે ને! તે છોડીને તને જે રાગનો વિકલ્પ ઊઠે, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ ઊઠે તે આકુળતાલક્ષણ દુઃખરૂપ છે. પદ્મનંદી સ્વામીએ પદ્મનંદી પંચવિંશતિમાં ચિદાનંદ ચૈતન્યસ્વરૂપમાંથી બહાર નીકળી જે બુદ્ધિ શાસ્ત્ર ભણવામાં અટકી છે તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. અહા! ગજબ વાત છે! ભાઈ! વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું પડશે.

શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસે આઠ દિવસ રહ્યા હતા. ભરતક્ષેત્રમાંથી જ્યાં સીમંધર પરમાત્મા બિરાજે છે ત્યાં વિદેહક્ષેત્રમાં ગયા હતા. તે ભગવાનની આ વાણી છે. આ ગાથામાં તે પોતે કહે છે કે આ સર્વજ્ઞનું વચન છે કે શુભભાવો પુદ્ગલથી ઉત્પન્ન થયેલા ભાવો છે, જીવદ્રવ્યથી ઉત્પન્ન થયેલા નથી. પુદ્ગલના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે માટે તે પુદ્ગલમય જ છે. ભગવાન આત્મા અનાકુળ આનંદસ્વરૂપ છે અને પુણ્ય છે એ તેનાથી વિપરીત લક્ષણવાળો ભાવ દુઃખરૂપ છે; અનાકુળ આનંદસ્વભાવી આત્મામાં એનો સમાવેશ થતો નથી. પર્યાયમાં જે શુભરાગ છે, પુણ્યભાવ છે તે દુઃખ છે, તેથી નિશ્ચયનયથી તેને આત્મસ્વભાવ સાથે સંબંધ નથી. તથા સ્વભાવનો જે પર્યાયમાં અનુભવ થાય તે નિર્મળ નિર્વિકારી પર્યાય સાથે પણ તે શુભરાગનો સંબંધ નથી.

ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે તથા તેમાં જ દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા થતાં જેને નિરાકુળ આનંદનો પ્રગટ સ્વાદ આવ્યો છે તેવા ધર્મી જીવના મંદરાગના ભાવને (સહચર દેખી) પરંપરા કારણ કહ્યું છે. તેણે સ્વભાવ તરફનું જોર કરીને શુભના કાળે અશુભભાવ ટાળ્‌યો છે. ખરેખર તો સ્વભાવના જોરના કારણે અશુભ ટળ્‌યો છે, પણ તેને બદલે શુભભાવથી અશુભ ટળ્‌યો એમ આરોપ કરીને કહ્યું છે. મિથ્યાદ્રષ્ટિને સ્વભાવ તરફનું જોર જ નથી. તેથી તેને અશુભ ટળ્‌યો જ નથી. તેથી તેને શુભભાવ જે થાય છે તે શુભભાવ ઉપર પરંપરા કારણનો આરોપ આપી શકાતો નથી.


PDF/HTML Page 560 of 4199
single page version

સૌથી મોટું મિથ્યાત્વનું પાપ છે. તેનો તેણે નાશ કર્યો નથી. તેથી મિથ્યાદ્રષ્ટિના બધાંય ભાવોને અશુભ કહ્યા છે.

હવે કહે છે એ રાગાદિ ભાવો ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે. જુઓ, એકકોર રામ અને એકકોર ગામ. ‘નિજપદ રમે સો રામ’. ચિદાનંદ ભગવાન નિજપદ છે. તેમાં રમતાં રમતાં જે આનંદ આવ્યો તેનો રાગ સાથે સંબંધ છે જ નહિ. (રામ અને રાગ ભિન્ન છે). અજ્ઞાનીને અનાકુળ આનંદમૂર્તિ આત્મા અને રાગ એકમેક છે એવો ભ્રમ ઉપજે છે, પણ રાગાદિ ભાવો ચૈતન્યના સ્વભાવમાં છે જ નહિ.

સાધકને જ્ઞાનધારા અને રાગધારા બન્ને સાથે વર્તે છે. પરંતુ જે રાગધારા છે તે પુદ્ગલના સંબંધે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવના સંબંધે ઉત્પન્ન થયેલી નથી. અહીં એમ કહેવું છે કે સાધકને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે દુઃખમાં સમાવેશ પામે છે અને તેથી તે આત્માનો સ્વભાવ નથી. ભાઈ, અનંત મહિમાવંત તારી ચીજ છે તેની તને મોટપ કેમ આવતી નથી? રાગથી લાભ થાય એમ રાગની મોટપ આવે છે પણ એ તો ભ્રમ છે, મિથ્યાત્વ છે.

ચૈતન્ય ચિદાનંદ પ્રભુ તારો નાથ છે. નાથ એટલે શું? નાથ એટલે નિજ ચૈતન્ય- સ્વભાવનો આશ્રય કરતાં જે શાન્તિ અને આનંદની નિર્મળ દશા પ્રગટી તેની રક્ષા કરનારો છે, તથા વર્તમાનમાં પરિપૂર્ણ શાન્તિ અને પરિપૂર્ણ આનંદની દશા જે નથી પ્રગટી તેને મેળવી આપનારો છે. તેથી આત્માને નાથ કહીએ છીએ. મળેલાની રક્ષા કરે અને નહિ મળેલાને મેળવી આપે તેને નાથ કહેવાય છે. પ્રગટ શાંતિ અને વીતરાગતાની રક્ષા કરતાં કરતાં ક્રમશઃ પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન મેળવી આપે એવો ભગવાન આત્મા નાથ છે. પરંતુ રાગને રાખે અને રાગને મેળવી આપે એવું આત્માનું સ્વરૂપ નથી.

સત્યને સત્યરૂપે રાખજે, ભાઈ. શ્રીમદે કહ્યું છે કે વસ્તુને વસ્તુ તરીકે રાખજે, ફેરફાર કરીશ નહિ. ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી નિરાકુળ સુખસ્વરૂપ છે. તેને તેમાં રાખજે. રાગમાં આત્મા આવી ગયો એમ ન માનીશ.

“સદ્ગુરુ કહૈ સહજકા ધંધા, વાદવિવાદ કરે સે અંધા.”

શ્રી બનારસીદાસજીએ આ પદ સમયસાર નાટકમાં લખ્યું છે. શુદ્ધ આનંદઘન પ્રભુ ચૈતન્યસ્વરૂપ આત્મા અંદર બિરાજે છે. તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય એવો સહજ સ્વભાવ છે. પરંતુ પરના આશ્રયે ત્રિકાળમાં (ત્રણ કાળમાં) સમ્યગ્દર્શન ન થાય.

સમયસાર, બંધ અધિકારમાં આવે છે કે-પરને જીવાડું, મારું, સુખી-દુઃખી કરું, પરના પ્રાણોની રક્ષા કરું, તેમને હણું, પરને સુખનાં સાધન આપું, દુઃખનાં સાધન આપું ઇત્યાદિ જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એવી માન્યતાનો ભગવાને નિષેધ