PDF/HTML Page 621 of 4199
single page version
કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તું પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાનો દોષ કમરદિકમાં લગાવે છે? પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ.’ જુઓ વિકાર કર્મથી થાય છે એમ માનનારા અનીતિ કરે છે. એ અનીતિ જૈનદર્શનમાં સંભવિત નથી. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ કહેવું છે કે વિકાર થાય છે તે પોતાના અપરાધથી જ થાય છે, કર્મથી કે નિમિત્તથી નહિ. જ્યારે આ ગાથામાં અહીં એમ કહે છે કે જીવને વિકાર નથી કેમકે સ્વાનુભૂતિ કરતાં વિકારના પરિણામ અને તેનું નિમિત્ત જે કર્મ તે ભિન્ન રહી જાય છે. તેથી આઠેય કર્મ જીવને નથી. અહીં સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
૧૪. જે છ પર્યાપ્તિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધરૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી. આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છ્વાસ-એમ છ પર્યાપ્તિયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તથા ત્રણ શરીરયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તે નોકર્મ છે. તે બધુંય જીવને નથી કારણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ચૌદ બોલ થયા.
૧પ. જે કર્મના રસની શક્તિઓના-અવિભાગ પરિચ્છેદોના સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.
૧૬. જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધીય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.
૧૭. જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસરૂપ-વર્ગણાઓના સમૂહરૂપ-સ્પર્ધકો છે તે બધાય જીવને નથી. જીવનું સ્વરૂપ તો સચ્ચિદાનંદશક્તિમય છે. નિજસ્વરૂપમાં ઝુકાવ કરતાં પરિણામમાં આનંદનો અનુભવ આવે છે. પરંતુ તેમાં કર્મના વર્ગો કે વર્ગણાના સમૂહનો અનુભવ આવતો નથી. જડ તો જીવથી ભિન્ન જ છે. આ કર્મના વર્ગ અને વર્ગણાઓ જે છે તે પુદ્ગલ છે. તેથી તેઓ શુદ્ધ ચૈતન્યથી ભિન્ન જ છે. પરંતુ તે તરફના વલણનો જે ભાવ છે તે પણ સ્વાનુભૂતિથી ભિન્ન છે. એ જડ તરફના વલણવાળી દશા સ્વદ્રવ્યના વલણવાળા ભાવથી જુદી પડી જાય છે માટે વર્ગ, વર્ગણા અને સ્પર્ધકો બધાય જીવને નથી.
૧૮. સ્વપરના એકપણાનો અધ્યાસ એવા જે પરિણામ તે અધ્યાત્મસ્થાનો અર્થાત્ અધ્યવસાય છે. વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં એ અધ્યાત્મ-સ્થાનો જીવને નથી. અધ્યાત્મસ્થાન એટલે આત્માનાં સ્થાન નહીં. સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાયને અધ્યાત્મસ્થાન કહ્યાં છે. તે અધ્યાત્મસ્થાનો બધાંય જીવને નથી. ‘બધાંય’ એમ કહ્યું છે ને? એટલે સ્વપરની એક્તાબુદ્ધિના જેટલા ભાવ છે તે બધાંય જીવને નથી.
PDF/HTML Page 622 of 4199
single page version
‘વિશુદ્ધ ચૈતન્યપરિણામથી’ એટલે કે સ્વની એક્તાના પરિણામથી. આ પર્યાયની વાત છે. સ્વની એક્તાના પરિણામથી સ્વપરની એક્તાના પરિણામ ભિન્ન છે.
બંધ અધિકારના ૧૭૩મા કળશમાં આવે છે કે-હું પર જીવની રક્ષા કરું, તેના પ્રાણનો નાશ કરું, તેને સુખ-દુઃખ આપું એવો જે અધ્યવસાય-સ્વપરની એક્તાબુદ્ધિ-છે તે મિથ્યાત્વ છે. તેનો ભગવાને નિષેધ કરાવ્યો છે. તેથી હું-અમૃતચંદ્રાચાર્ય એમ સમજુ છું કે પર જેનો આશ્રય છે એવો સઘળોય વ્યવહાર છોડાવ્યો છે. આચાર્યદેવ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવંતોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ સમજીએ છીએ કે પરના આશ્રયે જેટલો કોઈ વ્યવહાર થાય છે તે સઘળોય ભગવાને છોડાવ્યો છે. આ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિના જે વિકલ્પ છે તે વ્યવહાર છે અને તે પરના આશ્રય સહિત છે. તેથી તે વ્યવહાર સઘળોય છોડાવ્યો છે. ‘તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી? આચાર્ય કહે છે કે -આ પ્રમાણે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, પંચમહાવ્રતનો ભાવ કે વ્યવહાર રત્નત્રયનો ભાવ એ સઘળોય ત્યાજ્ય છે તો પછી સંતો એક નિજ શુદ્ધ ચૈતન્યમાં જ લીન કેમ રહેતા નથી? (નિજ ચૈતન્યમાં જ લીન રહેવું જોઈએ).
હું પરને જીવાડી શકું, તેના પ્રાણની રક્ષા કરી શકું, પરના પ્રાણ હરી શકું, અનુકૂળતા- પ્રતિકૂળતા આપી શકું, ભૂખ્યાને અનાજ અને તરસ્યાને પાણી પહોંચાડી દઉં તથા ગરીબોને પહેરવા કપડાં અને રહેવા મકાન દઈ દઉં એવી જે બુદ્ધિ છે તે બધીય એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાય છે, મિથ્યાત્વ છે. બાપુ! હું પરને કાંઈ આપી શકું છું એ વાત જ જૂઠી છે. કોઈ પરનું કાંઈ કરી શક્તો જ નથી. આ પ્રમાણે પર સાથે એકતાબુદ્ધિના ભાવ-અધ્યવસાય તે બધાય નિજ ચૈતન્યદ્રવ્યમાં ઢળેલા વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી ભિન્ન છે કારણ કે તેઓ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. તે એકનો આશ્રય લઈને સ્વાશ્રયે જે પરિણામ થાય છે તે વિશુદ્ધ ચૈતન્ય-પરિણામ છે. તે ચૈતન્યપરિણામથી આ મિથ્યા અધ્યવસાય સઘળાય ભિન્ન છે, જુદા છે. ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થાય ત્યાં આ સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાય ભાવ રહેતા નથી એમ અહીં કહેવું છે. તેથી અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી કેમકે તેઓ પુદ્ગલ પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સ્વાનુભૂતિ થતાં સ્વપરની એક્તાબુદ્ધિના સઘળા પરિણામ ભિન્ન પડી જાય છે, એટલે અભાવરૂપ થઈ જાય છે. આવી વાત છે.
પ્રશ્નઃ– તમે તો (સ્વરૂપને) સમજવું, સમજવું, સમજવું, બસ એટલું જ કહ્યા કરો છો? (બીજું કાંઈ કરવાનું તો કહેતા નથી.)
PDF/HTML Page 623 of 4199
single page version
ઉત્તરઃ– ભાઈ! સ્વરૂપની સમજણ વિના જ અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રીમદે પણ એ જ કહ્યું છે ને કેઃ-
અહીં આ બોલમાં એક વિશેષતા છે. બીજા બધા બોલમાં સમુચ્ચય લીધું છે. જેમકે ‘પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.’ આ બોલમાં જે સ્વપરની એક્તાબુદ્ધિના ભાવ-અધ્યવસાય કહ્યા તે વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદા લક્ષણવાળા કહ્યા છે. અહીં એમ કહેવું છે કે નિજ સ્વરૂપના આશ્રયે જે વિશુદ્ધ ચૈતન્યપરિણામ થાય તેમાં આ મિથ્યા અધ્યવસાય આવતા નથી, ઉપજતા નથી, અભાવરૂપ રહે છે. તથા અધ્યવસાયમાં-સ્વપરની એક્તા-બુદ્ધિના ભાવમાં વિશુદ્ધ ચૈતન્યપરિણામ રહેતા નથી, ઉપજતા નથી. બીજા બોલ કરતાં આમાં આ વિશેષતા લીધી છે કે સ્વપરની એક્તાબુદ્ધિમાં ચૈતન્યના વિશુદ્ધ પરિણામ નથી અને ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થતાં સ્વપરની એક્તાબુદ્ધિ રહેતી નથી.
પ્રશ્નઃ– અમારે વેપાર-ધંધો કરવો, કુટુંબાદિનું ભરણ-પોષણ કરવું, ઈજ્જત-આબરૂ સાચવવી કે પછી બસ આ જ સમજવું?
ઉત્તરઃ– ભાઈ! હિત કરવું હોય તો માર્ગ તો આ જ છે, બાપુ! સ્વપરના એકત્વ- પરિણમનમાં તારી ચડતી દેગડી ઉડી જાય છે એ તો જો હું પરનું કરી શકું, વેપાર કરી શકું, પૈસા કમાઈ શકું, પૈસા રાખી શકું, બીજાને આપી શકું, વાપરી શકું, કુટુંબનું પોષણ કરી શકું, પરની દયા પાળી શકું તથા આબરૂ સાચવી શકું, -ઇત્યાદિ જે સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાય છે તે વિશુદ્ધ ચૈતન્યના પરિણામથી વિલક્ષણ છે, જુદા છે. એ મિથ્યા અધ્યવસાયની હયાતીમાં શુદ્ધ ચૈતન્યપરિણામ ઉત્પન્ન થતા નથી એ તો જો. અહીં ટીકામાં કહ્યું છે ને કે- સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.’ અધ્યાત્મસ્થાનો એટલે આત્માની નિર્મળતાનાં સ્થાનો એમ અર્થ નથી. અધ્યાત્મસ્થાનોનો અર્થ સ્વપરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે, એ અધ્યવસાય વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદો છે. અરે, જુદાપણું જ તેનું લક્ષણ છે. બહુ સૂક્ષ્મ વાત! અહો! આવી વાત દિગંબરોના શાસ્ત્રો સિવાય બીજે કયાંય નથી.
અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી. કેમ નથી? તો કહે છે કે તેઓ વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદા લક્ષણવાળા છે. ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જે સ્વરૂપ
PDF/HTML Page 624 of 4199
single page version
એકત્વના વિશુદ્ધ ચૈતન્યપરિણામ થાય તે, ચૈતન્યપરિણામથી જુદાપણું જેનું લક્ષણ છે એવા સ્વપરની એકત્વબુદ્ધિના અધ્યવસાયોથી ભિન્ન છે. જુઓ, વિશુદ્ધ ચૈતન્યના પરિણમનથી અધ્યાત્મસ્થાનોનું જુદું લક્ષણ છે એમ કહીને પછી તે એકત્વબુદ્ધિના પરિણામ અનુભૂતિથી ભિન્ન છે એમ કહ્યું છે. (આશય એમ છે કે સ્વપર એકત્વબુદ્ધિ બની રહે ત્યાંસુધી શુદ્ધ ચૈતન્યના પરિણામ ઉપજે નહિ અને નિજ શુદ્ધાત્માના આશ્રયે સ્વાનુભૂતિ પ્રગટ થતાં એકત્વબુદ્ધિના પરિણામ ઉપજતા નથી.)
૧૯. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને નથી. અનુભાગસ્થાનો તો જડરૂપ છે, પણ આત્મામાં તેના નિમિત્તે જે ભાવ થાય છે તે પણ ખરેખર જીવને નથી. કર્મના અનુભાગના નિમિત્તે આત્મામાં જે પરિણામ થાય છે તે અનુભાગસ્થાનો છે, અને તે જીવને નથી. એકલા જડના અનુભાગ-સ્થાનોની આ વાત નથી. પર્યાયમાં કર્મના રસના નિમિત્તે જે ભાવો થાય તે અનુભાગસ્થાનો છે. તે ભાવ છે તો પોતાની પર્યાયમાં પણ તેને અહીં પુદ્ગલદ્રવ્યના પરિણામમય ગણ્યા છે. સ્વભાવની દ્રષ્ટિથી જોતાં સ્વભાવ, વિકારના અનુભાગપણે પરિણમે એવો નથી. આત્મદ્રવ્યમાં કોઈ ગુણ કે શક્તિ એવાં નથી જે વિકારરૂપે પરિણમે. તથા નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરતાં તે (અનુભાગસ્થાનો) અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. તેથી અનુભાગસ્થાનો બધાંય જીવને નથી.
૨૦. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી. આ વાતને આપણે ત્રણ પ્રકારે વિચારીએ.
પ્રથમ વાતઃ– આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. કંપન છે તો જીવની પર્યાયમાં; છતાં જીવના ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિએ તેને પુદ્ગલના પરિણામમાં ગણ્યા છે.
બીજી વાતઃ– સમયસાર સર્વવિશુદ્ધ અધિકારની ૩૭૨ મી ગાથામાં આવે છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. જેમ ઘડો માટીથી થાય છે, કુંભારથી એટલે નિમિત્તથી નહિ; તેમ જીવદ્રવ્યની કંપન કે રાગની પર્યાય જે તે સમયે સ્વતંત્ર પોતાના કારણ થાય છે, નિમિત્તના કારણે નહિ. ત્યાં અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થયેલી દશા પોતાની છે એમ સિદ્ધ કર્યું છે. ત્યારે અહીં શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિએ તે કંપનના પરિણામ પુદ્ગલના છે એમ કહ્યું છે.
હવે ત્રીજી વાતઃ– સ્વયંભૂસ્તોત્રમાં બાહ્ય અને અભ્યંતર એમ બે કારણથી કાર્ય થાય છે એમ આવે છે. હવે કાર્ય તો અભ્યંતર કારણથી જ થાય છે. પરંતુ કાર્યકાળે જોડે નિમિત્ત કોણ છે એનું ત્યાં જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે તેથી બીજું બાહ્ય કારણ પણ કહ્યું છે. જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થતાં ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ
PDF/HTML Page 625 of 4199
single page version
નિશ્ચય કહ્યો; તથા પર્યાયમાં જે અશુદ્ધતા-અપૂર્ણતા છે તેને જાણવી તે વ્યવહારનય કહ્યો. તેમ જીવ દ્રવ્યમાં કંપન કે રાગની ઉત્પત્તિ સ્વતઃ (પોતાથી) થાય છે, પરથી નહિ; અને તે પરિણામ પોતાના જ છે. છતાં બાહ્ય કારણથી થાય છે એમ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે. એમાં નિશ્ચયથી પર્યાય પોતાથી થાય છે એમ જણાવીને નિમિત્તનું પણ સાથે જ્ઞાન કરાવ્યું છે, કેમકે નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં કહ્યું છે ને? જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તે સ્વને જાણે અને પર જે નિમિત્ત હોય તેને પણ જાણે નિમિત્તથી કાર્ય થાય છે એમ નહિ પણ કાર્યકાળે નિમિત્તની ઉપસ્થિતિ છે. તેથી નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું નહિ. બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય ઉત્પન્ન થાય છે એમ કહેવું એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી તો નિશ્ચય રત્નત્રય નિજ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. આવી વાત છે, ભાઈ!
અહીં તો એકલી સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાથી વાત છે. તેથી તે રાગના, કંપનના પરિણામને પુદ્ગલના કહ્યા છે કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. તો તેનું પરિણમન અશુદ્ધ કેમ હોય? શુદ્ધ ચૈતન્યમય વસ્તુનું પરિણમન તો શુદ્ધ ચૈતન્યમય હોય, અશુદ્ધ ન હોય. તેથી અહીં અશુદ્ધ પરિણમનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. અહીં ત્રિકાળી જ્ઞાયક-સ્વભાવની-શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
જ્યારે ગાથા ૩૭૨માં જે વિકારી અશુદ્ધ પરિણામ થાય છે તે જીવના જીવમાં થાય છે એમ કહ્યું છે તે, તે તે સમયની પર્યાયની જન્મક્ષણ સિદ્ધ કરી છે. રાગાદિ વિકાર નિમિત્તથી નીપજે છે એમ નથી પણ પોતાથી પોતામાં સ્વતંત્રપણે થાય છે. એમ ત્યાં સિદ્ધ કર્યું છે.
તથા સ્વયંભૂસ્તોત્રમાં ભક્તિનો અધિકાર હોવાથી શ્રી સમંતભદ્રસ્વામીએ નિમિત્તની હયાતી (બર્હિવ્યાપ્તિ) સિદ્ધ કરવા એમ કહ્યું કે અભ્યંતર અને બાહ્ય કારણની સમગ્રતા એ કાર્ય ઉત્પત્તિનું કારણ છે. જો કે કાર્યની ઉત્પત્તિનું વાસ્તવિક કારણ તો સ્વ (અભ્યંતર કારણ) જ છે. છતાં જોડે જે નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા તેને સહચર દેખી ઉપચારથી આરોપ કરીને, નિમિત્તથી કાર્ય થયું છે એમ વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. તેથી એમ ન સમજવું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું કે નિમિત્ત વડે કાર્ય થયું છે. પર્યાયમાં જે વિકાર થાય છે તે શું ચીજ છે? તે છે તો પોતાનો (જીવનો) જ અપરાધ. તે કોઈ નિમિત્તનો-કર્મનો કરાવ્યો થયો છે એમ નથી. તથા નિમિત્ત છે માટે થયો છે એમ પણ નથી. વિકારી કે નિર્વિકારી પર્યાય, થવા કાળે પોતાની સ્વતંત્રતાથી થાય છે. તે વખતે નિમિત્ત તરીકે બીજી ચીજ હયાત છે, બસ એટલું જ.
PDF/HTML Page 626 of 4199
single page version
જીવ પોતે (અશુદ્ધ ઉપાદાન) વિકારનું કારણ છે એ જ નિશ્ચય કારણ છે. પરંતુ અહીં તો શુદ્ધ જીવ વિકારનું કારણ છે જ નહિ એમ સિદ્ધ કરવું છે. અહીં તો શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરાવવી છે ને? અહાહા? શુદ્ધ, બુદ્વ, ચૈતન્યઘન, નિર્મળાનંદ પ્રભુ એવા ભગવાન આત્મામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરે એવું છે જ શું? તેથી દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ વિકારના પરિણામને પુદ્ગલના કહીને જીવમાંથી કાઢી નાખ્યા છે. પરંતુ કોઈ એમ જ પકડીને બેસી જાય કે વિકારી પર્યાય કર્મની છે, અને કર્મને લઈને છે તો તેને એમ કહ્યું કે વિકાર જીવમાં, જીવથી જીવને લઈને થાય છે ભાઈ! જો તું પર્યાય છે એને માનતો નથી તો તું મૂઢ છે. તથા તું પર્યાયમાં જ માત્ર લીન છે અને સ્વભાવ-દ્રષ્ટિ કરતો નથી તોપણ તું મૂઢ છે, મૂર્ખ છે. તેથી પ્રથમ પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને પછી, ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ-શ્રદ્ધાન કરાવવા વિકારના પરિણામ પુદ્ગલના છે એમ અહીં કહ્યું છે.
પ્રશ્નઃ– એક કાર્યમાં બે કારણ હોય છે ને?
સમાધાનઃ– બે કારણ હોય છે તે બરાબર છે. તે પૈકી એક યથાર્થ વાસ્તવિક કારણ છે અને બીજું ઉપચાર આરોપિત છે. વાસ્તવિક કારણ તો એક જ છે. નિશ્ચયથી સ્વશક્તિરૂપ નિજ ઉપાદાનથી કાર્ય થાય છે. તે વાતને લક્ષમાં રાખીને, નિમિત્તને કારણનો આરોપ કરીને, બે કારણથી કાર્ય થાય છે એમ પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. નિશ્ચય કારણની વાત રાખીને પ્રમાણજ્ઞાન બીજા નિમિત્ત કારણને ભેળવે છે, નિશ્ચય કારણને ઉડાડીને નહિ. જો નિશ્ચય કારણનો લોપ કરે તો પ્રમાણજ્ઞાન જ ન થાય, બે કારણ જ સિદ્ધ ન થાય.
અહીં આ ગાથામાં જીવસ્વભાવનું વર્ણન ચાલે છે. આત્માના સ્વભાવમાં યોગનું કંપન થવાનો કોઈ ગુણ નથી. તેથી યોગના કંપનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. ત્યાં ગાથા ૩૭૨માં કહ્યું છે તે અનુસાર કંપનના જે પરિણામ છે તે સ્વદ્રવ્યની જીવની પોતાની પર્યાય છે અને તે પોતાથી થાય છે. પર નિમિત્તથી કે વર્ગણાથી તે ઉત્પન્ન થાય છે એમ નથી. જ્યાં પર્યાય ક્રમબદ્ધ સ્વતંત્રપણે પરિણમે ત્યાં પર શું કરે? પોતાના પરિણામનો ઉત્પાદક પર છે જ નહિ. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ત્યાં પરિણામની-પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. ત્યારે અહીં આ ગાથાઓમાં ત્રિકાળી સ્વભાવનું પરિણમન વિકારી હોઈ શકે નહિ તેથી યોગના કંપનની પર્યાયને પુદ્ગલપરિણામમય દર્શાવીને સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે. તથા જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં જે નિશ્ચય ઉપાદાનકારણ છે તેને રાખીને વ્યવહાર કારણ ભેળવ્યું છે; નિશ્ચય કારણને ખોટું પાડીને વ્યવહાર કારણ ભેળવ્યું નથી. નિશ્ચયથી યોગ-કંપન જીવનું જ છે અને જીવથી જ થાય છે એ વાત રાખીને નિમિત્તને ભેળવ્યું છે. નિશ્ચયને ઉડાડીને જો નિમિત્તને ભેળવે તો બે કારણનું યથાર્થ જ્ઞાન-પ્રમાણ-જ્ઞાન થાય જ નહિ. ભાઈ! જેમ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે તેમ આ નિમિત્ત પણ
PDF/HTML Page 627 of 4199
single page version
છે એમ જાણેલું પ્રયોજનવાન છે. નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી, પણ કાર્યમાં અન્ય પદાર્થ નિમિત્ત છે એમ જાણેલું પ્રયોજનવાન છે.
જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં ખરું કારણ તો ઉપાદાન એક જ છે. જેમકે જે નિશ્ચયમોક્ષમાર્ગ છે એ જ મોક્ષનું કારણ છે. માર્ગ તો એક જ છે. પરંતુ સાથે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિના રાગને સહચર દેખી, મોક્ષમાર્ગનું નિમિત્ત જાણી, એને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. નિમિત્ત છે ખરું, પણ તે ઉપાદાનમાં કાંઈ પણ કરે છે એમ નથી. અહો! વસ્તુનું સત્ય સ્વરૂપ આવું જ છે.
નિશ્ચયથી દરેક દ્રવ્યની પર્યાય, તેનો ‘જન્મક્ષણ’-જે ઉત્પત્તિનો કાળ છે. તે જ કાળે થાય છે એ નિશ્ચય છે, યથાર્થ છે. હવે આ નિશ્ચયને યથાર્થપણે રાખીને બીજી ચીજનું-નિમિત્તનું જ્ઞાન કરાવવા બે કારણ ઉપચારથી કહ્યાં છે. બીજી રીતે કહીએ તો પ્રમાણ છે તે પોતે વ્યવહારનો વિષય છે કારણ કે બે ભેગાં થયાં ને? કાર્યનું નિશ્ચય કારણ સ્વ અને તેનું નિમિત્ત પર એમ પ્રમાણમાં બે ભેગાં થયાં માટે તે વ્યવહારનો વિષય થઈ ગયો. એક ચીજના જ્ઞાનમાં, બીજી ચીજનું સાથે જ્ઞાન કર્યું એટલે કે બન્નેનું સાથે જ્ઞાન કર્યું તે પ્રમાણજ્ઞાન થયું માટે પ્રમાણજ્ઞાન સદ્ભૂતવ્યવહારનો વિષય થયો. આ પ્રમાણે પંચાધ્યાયીમાં પણ કહ્યું છે.
‘આત્મા રાગને જાણે છે’ એમ કહેવું તે સદ્ભૂત વ્યવહાર-ઉપચાર છે. જાણવું પોતાનામાં છે માટે સદ્ભૂત અને ખરેખર તો પોતાને જાણે છે છતાં રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પાડવો તે સદ્ભૂત વ્યવહાર અનુપચાર છે. અહા! જુઓ આચાર્યોએ કેવી સ્પષ્ટતા કરી છે! પ્રમાણજ્ઞાન સ્વદ્રવ્ય અને રાગને એટલે પરને એમ બન્નેને એકીસાથે જાણે છે. જ્ઞાન પરને જાણે એ સદ્ભૂત વ્યવહાર-ઉપચાર છે. માટે પ્રમાણજ્ઞાન પોતે જ સદ્ભૂત વ્યવહારનયનો વિષય થઈ ગયો. વસ્તુસ્થિતિ જ આવી છે, બાપુ. આ કાંઈ ઘરની વાત નથી પણ વસ્તુના ઘરની વાત છે.
અહીં કહે છે કે કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના કંપનના નિમિત્તથી આત્મામાં જે કંપન થાય છે તે પુદ્ગલના પરિણામ છે. આ જે કંપનની વાત છે તે જડ વર્ગણાના કંપનની વાત નથી. મન-વચન-કાયના પરમાણુઓ તો જડ છે જ. પરંતુ અહીં તો તેમના નિમિત્તે આત્મામાં થતા કંપનના પરિણામને જડ કહ્યા છે. યોગનું જે કંપન છે તે જીવની પર્યાય છે અને તે પોતાથી તે કાળે થયેલી સ્વયંની જ જન્મક્ષણ છે. તે જડ વર્ગણાથી થઈ છે એમ નથી. પરંતુ જીવના સ્વભાવમાં કંપન થાય એવો સ્વભાવ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિમિત્ત હોતાં જીવમાં થતા કંપનને પુદ્ગલના પરિણામ કહ્યા છે.
આ રીતે ત્રણ પ્રકારે કથન કર્યું.
PDF/HTML Page 628 of 4199
single page version
૧. વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની પર્યાય છે.
૨. વિકારી ભાવમાં કર્મ નિમિત્ત છે એવું (ઉપાદાન-નિમિત્તનું સાથે) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. વિકારી ભાવ નિશ્ચયથી જીવની પર્યાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્તનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. તે સદ્ભૂત ઉપચાર-વ્યવહાર છે.
૩. હવે ભગવાન આત્મા જે અનંત-અનંત ગુણનું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ, ચૈતન્યરસનું આખું ત્રિકાળી સત્ત્વ છે તે કદીય વિકારપણે પરિણમે નહિ. માટે નિમિત્તથી થયેલા વિકારને નિમિત્તમાં નાખીને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! આ કાંઈ ખાલી પંડિતાઈનો વિષય નથી. ભગવાન વીતરાગદેવનો માર્ગ જેવો છે તેવો અંદર અંતરમાં બેસવો જોઈએ.
શ્રી વાસુપૂજ્ય ભગવાનની સ્તુતિ કરતાં ‘સ્વયંભૂસ્તોત્ર’માં શ્રી સમંતભદ્રસ્વામીએ કહ્યું છે કે-કાર્યોમાં બાહ્ય અને અભ્યંતર, નિમિત્ત અને ઉપાદાન એમ બન્ને કારણોની સમગ્રતા હોવી તે આપના મતમાં દ્રવ્યગત સ્વભાવ છે. શ્રી અકલંકદેવે પણ કહ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. એ તો બે (ઉપાદાન-નિમિત્ત) સિદ્ધ કરવા છે, અને પ્રમાણજ્ઞાન કરાવવું છે તેથી એમ કહ્યું છે. ખરેખર તો કાર્ય થાય છે પોતાથી પોતાના કારણે, અને ત્યારે નિમિત્ત હોય છે. પરંતુ નિમિત્તની અપેક્ષા છે એમ નથી. શ્રી પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં આવે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે. દ્રવ્ય-ગુણથી તો નહિ પણ પરકારકથી- નિમિત્તથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી. અહીં અસ્તિકાય સિદ્ધ કરવું છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરવું છે. તેથી વિકાર છે તે પર્યાયના ષટ્કારકનું પરિણમન છે એમ કહ્યું છે. અહાહા! વિકારનાં ર્ક્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ સ્વયં વિકાર છે. એક સમયની પર્યાયમાં ષટ્કારકનું પરિણમન દ્રવ્ય-ગુણની કે પર નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે. આ પ્રમાણે ત્યાં નિશ્ચયથી વિકારના પરિણામમાં પર કારકની અપેક્ષા નથી એમ કહ્યું છે.
જ્યારે અહીં સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે તેથી એમ કહ્યું કે વિકારના પરિણામ પુદ્ગલના છે.
તથા જ્યાં બે કારણ કહ્યાં ત્યાં નિશ્ચયથી તો પર્યાય પોતાથી જ પોતાના ષટ્કારકથી જ થાય છે પરંતુ સાથે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ભાઈ! ખરેખર તો કારણ એક જ છે. જેમકે-મોક્ષમાર્ગ એક જ છે. માર્ગ કહો કે કારણ કહો તે એક જ અર્થ છે. મોક્ષનું કારણ જેમ એક જ છે તેમ પર્યાયનું કારણ નિશ્ચયથી એક જ છે. પ્રભુ! સત્ય તો આવું છે, હોં. જો કાંઈ આડું-અવળું કરવા જઈશ તો સત્ સત્ નહિ રહે. વસ્તુનો ભાવ જ યથાર્થ આમ છે અને એમ જ બેસવો જોઈએ.
PDF/HTML Page 629 of 4199
single page version
યોગસ્થાન એટલે કંપન. જીવનો જે અયોગગુણ છે તેની તે વિકારી પર્યાય છે. તે કર્મ- ગ્રહણમાં નિમિત્ત છે. કર્મ પરમાણુનું આવવું તો તેના પોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુનો તે કાળે તે રીતે પરિણમવાનો કાળ છે તેથી તે રીતે કર્મરૂપે પરિણમે છે. તેમાં યોગનું નિમિત્ત કહેવું તે વ્યવહાર છે. અહીં યોગના પરિણામ આત્માના નથી પણ પુદ્ગલના છે એમ જે કહ્યું છે તે સ્વભાવની દ્રષ્ટિ કરાવવા કહ્યું છે. યોગના-કંપનના વિકારી પરિણામ સ્વભાવથી ઉત્પન્ન થતા નથી. તેથી સ્વભાવની દ્રષ્ટિ કરાવવા પર્યાયમાં જે પરલક્ષી વિકાર થાય છે તેને પરમાં નાખી દઈ તે પુદ્ગલના પરિણામમય છે એમ કહ્યું છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં બીજું શું થાય?
પ્રશ્નઃ– કાર્ય તો બે કારણથી થાય છે અને તમે એક કારણથી માનો છો. માટે તે એકાંત થઈ જાય છે.
ઉત્તરઃ– ભાઈ, સમયસારની ગાથા ૩૭૨માં આવે છે કે-‘માટી કુંભભાવે ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો, જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે.’ તેથી ઘડો માટીથી થયો છે; કુંભારથી થયો છે એમ અમે જોતા નથી. નિમિત્તથી કાર્ય થયું છે એમ અમે જોતાં નથી.
કુંભાર, ‘ઘડો કરું છું’ એમ અહંકારથી ભરેલો હોય તોપણ તેનો સ્વભાવ કાંઈ ઘડામાં જતો-આવતો (પ્રસરતો) નથી; અન્યથા કુંભારના સ્વભાવે ઘડો થવો જોઈએ. પરંતુ ઘડો તો માટીના સ્વભાવે જ થાય છે, કુંભારના સ્વભાવે થતો નથી. માટે ઘડાનો ર્ક્તા માટી જ છે, કુંભાર નહિ. પરંતુ જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં, જે વાસ્તવિક કારણ નથી પણ ઉપચારમાત્ર કારણ છે તેને સહકારી દેખીને, તે કાળે તે હોય છે એમ જાણીને, બીજું કારણ છે એમ કહ્યું છે. આ પ્રમાણે બે કારણથી કાર્ય થાય છે એમ વ્યવહાર કર્યો છે. આવી વસ્તુસ્થિતિ છે. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ અને ગહન છે, ભાઈ. અહીં વીસ બોલ પૂરા થયા.
૨૧. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી. જેટલા પ્રકારના બંધના પરિણામ ઉત્પન્ન થાય છે તે બધાય પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય છે. માટે તે અનુભૂતિથી ભિન્ન છે.
PDF/HTML Page 630 of 4199
single page version
૨૨. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ-અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી. આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, કર્મની નહિ. જેને જીવ અર્થાત્ દ્રવ્યસ્વભાવ કહીએ તેને આ ઉદયસ્થાનો નથી. જીવની પર્યાયમાં ઉદયના જે અસંખ્ય પ્રકારો બને છે તે સઘળાય જીવને નથી. ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જેટલા ઉદયના પ્રકારો છે તે બધાય પરમસ્વભાવભાવરૂપ ભગવાન આત્માને નથી. માટે તે સર્વને પુદ્ગલના પરિણામમય કહ્યા છે. એમ તો ઉદયના સ્થાનોનો ભાવ જીવની પોતાની પર્યાય છે અને તે કર્મના નિમિત્તની અપેક્ષા વિના પોતાનામાં થયા છે. પરંતુ ભગવાન પરમસ્વભાવભાવની દ્રષ્ટિ જેને થઈ છે એવા ધર્મી જીવને, પર્યાયની અપેક્ષાએ ઉદયનાં સ્થાનો પર્યાયમાં હોવા છતાં, દ્રવ્યબુદ્ધિએ તેઓ (પોતામાં) નથી; અને તે ઉદયસ્થાનો નીકળી જાય છે માટે તેઓને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.
ઉદયના-વિકારના જેટલા પ્રકાર છે તે બધાય નિશ્ચયથી તો જીવથી થયા છે, કર્મથી નહિ; કારણ કે કર્મ તો પરદ્રવ્ય છે, તે જીવને અડતુંય નથી તો પછી તેનાથી ઉદયભાવ-વિકાર કેમ થાય? (ન જ થાય). તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉદયભાવો જીવના સત્ત્વરૂપ કહ્યા છે કેમકે તે જીવની પર્યાયમાં તે કાળે પોતાથી ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં તેમને પુદ્ગલના પરિણામમય કહ્યા છે કેમકે ત્રિકાળી સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. તેથી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિમાં, નિમિત્તને આધીન થયેલા ભાવ નિમિત્તના છે એમ કહ્યું છે. તેથી કરીને નિમિત્તથી ઉદયભાવ થાય છે એમ ન સમજવું. નિમિત્ત તો ઉપચારમાત્ર કારણ છે, યથાર્થ કારણ તો પોતાનું છે. અરે! અત્યારે ભગવાનના વિરહ પડયા! કેવળજ્ઞાન રહ્યું નહિ! તેમ જ કોઈ ચમત્કારિક જ્ઞાન પણ રહ્યું નહિ! (ખેદ છે કે બધા વાદવિવાદમાં અટવાઈ ગયા છે).
ઉદયનાં સ્થાનો જીવના પરિણામ છે, પરંતુ આ ગાથામાં તેઓ શુદ્ધ જીવને નથી એમ કહ્યું છે તે સ્વભાવની અપેક્ષાએ કહ્યું છે. આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. તે સ્વભાવની દ્રષ્ટિ થતાં વિકારના પરિણામ થતા નથી. તેથી વિકારના પરિણામને પુદ્ગલના પરિણામ કહ્યા છે. આમ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
૨૩. હવે માર્ગણાસ્થાનોની વાત છે. તેમાં પ્રથમ ગતિની વાત છે. ગતિના પરિણામ તો જીવના છે. આ શરીર છે તે ગતિ નથી. અંદર ગતિનો જે વિશેષભાવ-ઉદયભાવ છે તે ગતિ છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરકગતિના પરિણામ જીવના છે. પરંતુ તે વિકારી પરિણામ હોવાથી, ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ થતાં છૂટી જાય છે. માટે તે પરિણામ પુદ્ગલના છે એમ કહ્યું છે. અહીં બધાય-ચૌદે માર્ગણાસ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! વસ્તુ જે આત્મા છે એ તો શુદ્ધ પરમાત્મસ્વરૂપ ચિદ્ઘન છે. અનાદિ-અનંત છે, એક સમયમાં પરિપૂર્ણસ્વરૂપ પ્રભુ છે, (વસ્તુ તો) વર્તમાનમાં પૂર્ણ આખી છે, અહાહા....!
PDF/HTML Page 631 of 4199
single page version
એકલો સ્વભાવનો પિંડ છે. આવા સ્વભાવની દ્રષ્ટિમાં ગતિના વિકારી પરિણામ પુદ્ગલના છે કારણ કે તે પરિણામ નીકળી જાય છે અને તે પર્યાયમાં જે ઉત્પન્ન થાય છે તે દ્રવ્યગુણથી ઉત્પન્ન થતા નથી. અહો! વીતરાગદેવનો માર્ગ અદ્ભુત અને અલૌકિક છે. સર્વજ્ઞ ભગવાન વિદેહક્ષેત્રમાં હાલ બિરાજમાન છે. અને ચાર જ્ઞાનના ધણી, બાર અંગની રચના કરનાર ગણધરદેવો પણ તેમની સભામાં હાજરાહજુર છે. તેમનો આ માર્ગ છે. બાપુ! આ કાંઈ આલી- દુવાલીએ કહેલું નથી.
હવે ઇન્દ્રિય-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય-તે બધીય પુદ્ગલના પરિણામ છે એમ કહે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય મહાપ્રભુ છે. તેની અપેક્ષાએ ભાવેન્દ્રિયને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે. આ દ્રવ્યેન્દ્રિય છે એ તો જડ પુદ્ગલરૂપ જ છે. પણ જે ભાવેન્દ્રિય છે તે પર્યાય અપેક્ષાએ જીવના જ પરિણામ છે. પરંતુ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં ભાવેન્દ્રિયનું સ્વરૂપ ત્રિકાળી અતીન્દ્રિયસ્વભાવમાં નથી અને તે નીકળી જાય છે. માટે ભાવેન્દ્રિય પુદ્ગલના પરિણામ છે. બીજી રીતે કહીએ તો ભાવેન્દ્રિયના પરિણામ પોતાથી જ છે જેમાં કર્મના ક્ષયોપશમનું નિમિત્તપણું છે. આમ ભાવેન્દ્રિયના પરિણામ બે કારણથી થયા છે એમ કહ્યું ત્યાં પ્રમાણજ્ઞાનનો વિષય બતાવવા કહ્યું છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. ગજબ વાત છે! શાસ્ત્રની શૈલી કોઈ એવી છે કે ચારે બાજુથી મેળ ખાય છે. અહો! અદ્ભુત ધારા વહે છે!
બારમી ગાથામાં ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે’ એમ જે કહ્યું છે તેમાં નિમિત્તની (પર પદાર્થની) વાત નથી. તેમાં તો ભેદવાળી પર્યાયની વાત છે. શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો જે પર્યાયમાં છે તેને જાણવા તે વ્યવહારનય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાયનું જ્ઞાન કરવું તે વ્યવહારનય. દ્રવ્ય અને પર્યાય બન્નેનું જ્ઞાન થઈને ત્યાં પ્રમાણજ્ઞાન થાય છે. પર નિમિત્તની ત્યાં વાત નથી. પણ જ્યારે સ્વ અને પર એમ બન્નેની ભેગી વાત કરવી હોય ત્યારે પરને નિમિત્ત કહેવામાં આવે છે અને તે વ્યવહાર છે. ગાથા ૧૧ અને ૧૨માં અંદરના વ્યવહારની-નિમિત્તની વાત છે.
(આ શાસ્ત્રની) ૩૧મી ગાથામાં આવ્યું હતું કે ભાવેન્દ્રિય ખંડ-ખંડ જ્ઞાનને જણાવે છે, પૂર્ણ આત્માને નહિ. તેથી તે પરજ્ઞેય છે. ભાવેન્દ્રિયનો વિષય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે જ્ઞાયકનું પરજ્ઞેય છે. ઇન્દ્રિયને જીતવી એટલે શું? કે (૧) ભાવેન્દ્રિય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે (૨) ઇન્દ્રિયો જડ છે તે (૩) અને તેના વિષયો જે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ છે તે-બધાય પરજ્ઞેય- પરદ્રવ્ય-ઇન્દ્રિય છે. તે ત્રણેયને જીતવા એટલે કે તેનાથી અધિકભિન્ન એક જ્ઞાયકભાવને જાણવો તે ઇન્દ્રિયોનું જીતવું છે.
PDF/HTML Page 632 of 4199
single page version
છે તે લેવી. આ કાય છે તે જીવને નથી કેમકે તે પુદ્ગલના પરિણામમય છે.
હવે યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તે જે અંદર આત્મામાં યોગની ક્રિયાકંપન થાય છે તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. આની વાત પહેલાં વિસ્તારથી આવી ગઈ છે.
તેવી રીતે પુરુષાદિ વેદના જે પરિણામ છે તે બધાય જીવને નથી કેમકે તે પુદ્ગલના પરિણામ છે. જે ત્રણ પ્રકારના વેદના પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ છે તેથી પોતાથી થાય છે. તેને પરની અપેક્ષા નથી, તેમ જ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. દ્રવ્ય-ગુણની અપેક્ષા તેને કેમ હોય? કારણ કે દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે. અને પરની અપેક્ષા પણ કેમ હોય? કારણ કે પર તો ભિન્ન છે. તો પછી બે કારણ કેમ કહ્યા છે? એ તો પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યું છે. વળી જે વાસના ઉત્પન્ન થાય છે તે છે તો જીવની પર્યાય. પરંતુ ત્રિકાળી દ્રવ્ય-સ્વભાવમાં તે નથી તથા સ્વભાવની દ્રષ્ટિ કરતાં તે પરિણામ જીવમાંથી નીકળી જાય છે તેથી તે વાસનાના પરિણામને અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે.
બીજી રીતે કહીએ તો વેદનો ભાવ જે વિકારની વાસના થાય છે તેનું અશુદ્ધ ઉપાદાન- કારણ તો પોતે જ છે, તથા જડ વેદનો ઉદય તેમાં નિમિત્ત છે. અહીં ઉપાદાન કારણની સાથે ઔપચારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી કરીને પર નિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું. પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે, તે પરકારકની અપેક્ષા રાખતો નથી. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૬૨)
પ્રશ્નઃ– જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જશે?
ઉત્તરઃ– વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. स्वस्य भवनं स्वभावः। પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે. વિકાર પણ તે સમયનું સત્ છે કે નહીં? (હા, છે). તો નિશ્ચયથી સત્ને કોઈ હેતુ હોઈ શકે નહિ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. ભલે ઉત્પાદ કે વ્યય વિકારરૂપ હો, પણ તે સત્ છે, અને સત્ અહેતુક હોય છે. તે કાળનું તે સ્વતંત્ર સત્ છે તો તેમાં અસત્ની (તેનાથી અન્યની) અપેક્ષા કેમ હોય? પરંતુ અહિંયા તો તે સત્ને ત્રિકાળી સત્ની અપેક્ષા પણ નથી. વિકારી પર્યાય પોતાની અપેક્ષાએ, વર્તમાન સત્ હોવા છતાં, તેને અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. વિકારી પર્યાય વર્તમાન સત્નું સત્ત્વ છે તે અપેક્ષાએ જોઈએ તો વિકારી વેદના પરિણામ પોતાથી થાય છે. તે વેદકર્મના ઉદયથી આત્મામાં થયા છે એમ બીલકુલ નથી. અહો! વીતરાગનો પંથ પરમ અદ્ભુત છે! શ્રી બનારસીદાસે પણ કહ્યું છે કે-
ઉપાદાન નિહચૈ જહાઁ, તહાઁ નિમિત વ્યવહાર. ૩
PDF/HTML Page 633 of 4199
single page version
ઉપાદાન નિજ ગુણ જહાઁ, તહાઁ નિમિત્ત પર હોય;
ભેદજ્ઞાન પરવાન વિધિ, વિરલા બૂઝૈ કોય. ૪
ઉપાદાન બલ જહાઁ તહાઁ, નહિ નિમિત્તકો દાવ;
એક ચક્રસૌં રથ ચલૈ, રવિ કો યહૈ સ્વભાવ. પ
હવે કષાયની વાત કરે છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામ શુભ કે અશુભ ભાવ તે બધાય કષાય છે. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ પણ પુદ્ગલના પરિણામ છે ભગવાન આત્મા તો અકષાયસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ છે. તેમાં તે પરિણામ-કષાયના પરિણામ નથી. જો કે કષાયના પરિણામ જીવની પર્યાયમાં છે અને તે નિશ્ચયથી પોતાથી થયા છે, પરકારકથી નહિ. પણ સ્વભાવની દ્રષ્ટિએ જોતાં, તે કષાયના પરિણામ સ્વભાવભૂત નથી અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેમને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જો કષાયની ઉત્પત્તિ બે કારણથી કહીએ તો નિમિત્ત કારણને ભેળવીને ઉપચારથી કહી શકાય. પરંતુ નિમિત્તકારણ તે ખરું કારણ નથી. અહીં તો સિદ્ધાંત શું છે તે વાતનો નિર્ણય કરાવે છે. સિદ્ધાંત એમ છે કે-જે દ્રવ્યને જે પર્યાય જે કાળે ઉત્પન્ન થવાની છે તે દ્રવ્યને તે પર્યાય તે કાળે પોતાના કારણે થાય છે, પરથી કે નિમિત્તથી થતી નથી. આવી સ્પષ્ટ વાત છે.
તેવી રીતે જ્ઞાનના ભેદો પણ આત્મામાં-ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવમાં નથી. આ મતિ, શ્રુત, આદિ જ્ઞાનના ભેદો તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. અહાહા....! ગજબ વાત છે! ચૈતન્યસ્વભાવી શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળ એકરૂપ અભેદ છે. તેમાં જ્ઞાનમાર્ગણાનો-જ્ઞાનના ભેદોનો અભાવ છે. અભેદસ્વભાવમાં ભેદનો અભાવ છે એમ કહેવું છે. શ્રી નિયમસારની શુદ્ધભાવ અધિકારની ૪૩મી ગાથામાં કહ્યું છે કે શુદ્ધભાવમાં માર્ગણાસ્થાનો નથી અને અહીં જે કહ્યું કે જીવને માર્ગણાસ્થાનો નથી તે બન્ને એક જ વાત છે. શુદ્ધભાવમાં વિકલ્પ (ભેદ) જેનું લક્ષણ છે તેવાં માર્ગણાસ્થાનો નથી. શુદ્ધભાવ એટલે કે દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળ શુદ્ધ અભેદ જીવવસ્તુ છે તેમાં જ્ઞાનના ભેદો નથી. પાંચ જ્ઞાન અને અજ્ઞાનના ત્રણ ભેદો તે બધાય જ્ઞાનના ભેદો અભેદ ચૈતન્યસ્વરૂપમાં નથી. ભેદ છે તે ખરેખર વ્યવહાર છે અને તેથી તે ત્રિકાળી સ્વભાવમાં-નિશ્ચય સ્વરૂપમાં નથી એમ અહીં કહેવું છે. પર્યાયમાં જે જ્ઞાનના ભેદો છે તે અશુદ્ધ નિશ્ચયથી જીવના છે. પરંતુ શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો તે જ્ઞાનનાં ભેદસ્થાનો શુદ્ધ જીવવસ્તુમાં નથી.
પ્રશ્નઃ– બંધનું કારણ-નિમિત્ત-રાગાદિ એક હોવા છતાં પ્રકૃતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને તેની સ્થિતિ પણ ભિન્ન ભિન્ન પડે છે તેનું કારણ શું?
ઉત્તરઃ– પોતાના ઉપાદાનના કારણે એમ થાય છે. જેમકે દશમા ગુણસ્થાને જે રાગ છે તેનાથી છ કર્મ બંધાય છે. તેમાંથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની અંતઃમૂહુર્ત, વેદનીય (સાતા)ની ૧૨ મૂહુર્ત, નામ અને ગોત્રની આઠ મૂહુર્ત તથા અંતરાય કર્મની
PDF/HTML Page 634 of 4199
single page version
અંતઃમૂહુર્ત સ્થિતિ પડે છે. રાગ એક જ છે છતાં આવો ફેર કેમ છે? તો કહે છે કે ઉપાદાન સ્વતંત્ર છે માટે એમ થાય છે. નિમિત્તપણે રાગ એક જ હોવા છતાં પોતાની યોગ્યતાને કારણે- પ્રકૃતિવિશેષની યોગ્યતાને કારણે તેવી પર્યાય થાય છે. વિપરીતભાવ એક હોવા છતાં જ્ઞાનાવરણીયની સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગર, મોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગર અને નામકર્મની સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગર બંધાય છે. આવો ફેર કેમ છે? તો કહે છે કે ઉપાદાનની-તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે. કાંઈ નિમિત્ત કારણથી આમ થતું નથી. નિમિત્ત તો બધાને એક છે. છતાં પ્રકૃતિઓના કાર્યમાં જે ભેદો પડે છે. તે સ્વતંત્ર પોતપોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુની સ્થિતિ ઓછી-અધિક થવાની તે કાળે પોતાની યોગ્યતા છે તેથી એમ થાય છે.
ધવલના છઠ્ઠા ભાગમાં ૧૬૪મા પાને પણ કહ્યું છે કે-‘પ્રકૃતિ-વિશેષ હોનેસે ઇન સૂત્રોક્ત પ્રકૃતિયોંકા યહ સ્થિતિબંધ હોતા હૈ. સભી કાર્ય એકાંતસે બાહ્ય અર્થકી અપેક્ષા કરકે હી નહીં ઉત્પન્ન હોતે હૈં. અન્યથા શાલિધાનકે બીજસે જૌકે અંકુરકી ભી ઉત્પત્તિકા પ્રસંગ પ્રાપ્ત હોગા. કિન્તુ ઉસ પ્રકારકે દ્રવ્ય તીનોં હી કાલમેં કિસી ભી ક્ષેત્રમેં નહીં હૈ જિનકે બલસે શાલિધાન્યકે બીજસે જૌકે અંકુરકો ઉત્પન્ન કરનેકી શક્તિ હો સકે. યદિ ઐસા હોને લગેગા તો અનવસ્થા-દોષ પ્રાપ્ત હોગા. ઇસલિયે કહીં પર ભી અંતરંગ કારણસે હી કાર્યકી ઉત્પત્તિ હોતી હૈ ઐસા નિશ્ચય કરના ચાહિયે.’
જુઓ, અતિ સ્પષ્ટ કહ્યું છે કે બધાંય કાર્યો બહારની એકાંત અપેક્ષા કરીને ઉત્પન્ન થતાં નથી. જો કાર્ય બાહ્ય કારણથી જ ઉત્પન્ન થાય તો ચોખાના ધાનથી જવની ઉત્પત્તિ થશે. પરને લઈને જો કાર્ય થાય તો જડમાંથી ચેતન અને ચેતનમાંથી જડ ઉત્પન્ન થશે. તેથી કાર્ય સંબંધી કોઈ નિયમ નહિ રહે; કોઈ નિમિત્તનો મેળ નહિ રહે. માટે કોઈપણ કાર્ય અંતરંગ કારણથી જ ઉત્પન્ન થાય છે એમ નક્કી કરવું. નિમિત્ત કારણ એક હોવા છતાં ઉપાદાનની યોગ્યતાથી જ પ્રકૃતિઓની સ્થિતિ ભિન્ન ભિન્ન બંધાય છે. ભિન્ન ભિન્ન સ્થિતિ બંધાય છે તે પ્રકૃતિઓના પરમાણુના ઉપાદાનની સ્વતંત્રતા છે.
સ્વામી સમંતભદ્રાચાર્યે બે કારણ સિદ્ધ કરવા માટે બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે. ‘સ્વયંભૂસ્તોત્ર’ તો ભક્તિનો અધિકાર છે ને? તેથી ઉપાદાનના કાર્યકાળે નિમિત્ત હોય છે એની વાત કરી છે. ભલે તે નિમિત્ત હો, પરંતુ ઉપાદાનનો કાર્યકાળ ન હોય અને નિમિત્તથી કાર્ય થાય એમ નથી. તે તે સમયનો ઉપાદાનનો કાર્યકાળ છે ત્યારે નિમિત્ત બીજી ચીજ હાજર હોય છે. પરંતુ તેથી કરીને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થયું છે એમ નથી. નિમિત્ત અને ઉપાદાન બન્ને સાથે જ છે. તો પછી નિમિત્તથી કાર્ય થયું એ કયાં રહ્યું? માટે એમ નિર્ણય કરવો કે અભ્યંતર કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
અરે! ભગવાન થઈને તું શું કરે છે? પ્રભુ! તું પરમાનંદનો નાથ ભગવાન છો
PDF/HTML Page 635 of 4199
single page version
ને! આત્મા તો સદા ભગવાનસ્વરૂપે જ, પરમાત્મસ્વરૂપે જ છે. ભાઈ! સિદ્ધના સ્વરૂપમાં અને તારા સ્વરૂપમાં શું ફેર છે? જે જિનનું સ્વરૂપ છે તે જ આત્માનું સ્વરૂપ છે. વર્તમાનમાં જ પરમાત્મસ્વભાવ તારો છે. માટે તેમાં દ્રષ્ટિ દે તો તારું કલ્યાણ થશે, તને આત્માની પ્રાપ્તિ થશે. પરમાત્મસ્વભાવ ઉપર દ્રષ્ટિ દે તો તને પરમાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થશે.
દ્રષ્ટિની પર્યાય છે તો ક્ષણિક, પરંતુ તે પર્યાયમાં ત્રિકાળી ભગવાનનો સ્વીકાર થતાં પર્યાયમાં પરમાત્મા જણાય છે. ૧૧મી ગાથામાં લીધું છે કે ભૂતાર્થનો આશ્રય કરતાં સમકિત થાય છે. વસ્તુ ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે તરફ દ્રષ્ટિ ઢળતાં, તે સમ્યક્ થાય છે અને તે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિની પર્યાયથી આત્મા પ્રાપ્ત થાય છે. નિર્વિકાર સમાધિથી આત્મા પ્રાપ્ત થાય છે. પરંતુ વ્યવહારના વિકલ્પથી આત્મા પ્રાપ્ત થતો નથી. વ્યવહાર હો ભલે, પણ તે કાંઈ નિશ્ચયમાં મદદ કરે છે એમ નથી. તેમ નિમિત્ત હો ભલે, પણ તે પરમાણુ કે જીવની તે તે કાળે ઉત્પન્ન થતી પર્યાયને કાંઈ સહાય કરે છે એમ નથી.
પ્રશ્નઃ– નિમિત્ત સહકારી છે એમ આવે છે ને?
ઉત્તરઃ– નિમિત્ત સહકારી છે એટલે કે સાથે (સમકાળે) છે એટલું જ. તે સાથે છે એટલે સહકારી કહ્યું, કાંઈ સહાય-મદદ કરે છે માટે સહકારી છે એમ નથી. જો નિમિત્ત કાર્યમાં સહાય (મદદ) કરતું હોય તો ધર્માસ્તિકાય તો અનાદિથી પડયું છે. તેથી ગતિ નિરંતર થવી જ જોઈએ. પણ એમ નથી. જીવ સ્વયં ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે, નહીંતર નહિ. ગતિના કાળે જેમ ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ (ગતિ પૂર્વક) સ્થિરતાના કાળે અધર્માસ્તિકાય નિમિત્ત છે. આનો અર્થ શું થયો? ગતિ કરે છે ત્યારે પણ અધર્માસ્તિકાય તો મોજુદ છે જ. તો પછી તે નિમિત્ત કેમ ન થયું? ભાઈ! એનો અર્થ એટલો જ છે કે પરિણમનસ્વભાવી જીવ અને પુદ્ગલોને જ્યારે તે સ્વયં સ્વતંત્ર ગતિરૂપ પરિણમન કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે અને જ્યારે ગતિ કરતાં સ્વયં રોકાઈ જાય છે ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. વસ્તુનું સ્વરૂપ આવું છે, ભાઈ.
અહીં કહે છે કે જ્ઞાનના ભેદ પાડવા તે પુદ્ગલના પરિણામ છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. તેમાં જ્ઞાનના ભેદોનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય છે અને રાગ છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામ છે. નિયમસાર શુદ્ધભાવ અધિકારમાં (ગાથા ૪૨માં) આ જ્ઞાનના ભેદો જે માર્ગણાસ્થાનો છે તેને ‘વિકલ્પલક્ષણાનિ’ કહ્યા છે. ભેદનું સ્વરૂપ જ વિકલ્પલક્ષણ છે. ગતિ, ઇન્દ્રિય, આદિ ભેદસ્વરૂપ જે ચૌદ માર્ગણાસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવ કહો કે શુદ્ધભાવ કહો, બન્ને એક જ છે. નિયમસારમાં ત્રિકાળ શુદ્ધ ભાવને જીવ કહ્યો છે અને અહીં જીવને ત્રિકાળ શુદ્ધભાવ કહ્યો છે. આ માર્ગણાસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ’ એટલે કે ભેદસ્વરૂપ જેનું લક્ષણ છે એવા છે. તેથી તે જીવનું
PDF/HTML Page 636 of 4199
single page version
સ્વરૂપ નથી. રાગાદિ તો જીવનું સ્વરૂપ નથી પણ ભેદસ્વરૂપ પણ નિશ્ચયથી જીવ નથી. નિયમસાર ગાથા પ૦માં આવે છે કે પર્યાય છે તે પરદ્રવ્ય છે અને તેથી નિશ્ચયે તે જીવનું સ્વરૂપ નથી. ભાઈ! અભેદ દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અને તેમાં (અભેદની દ્રષ્ટિ થવામાં) નિમિત્ત કે વ્યવહાર કાંઈ મદદગાર નથી. અહાહા! ગજબ વાત છે! જેનું લક્ષણ વિકલ્પ-ભેદ છે એવા મતિ, શ્રુત, આદિ જ્ઞાનના ભેદો શુદ્ધ જીવને નથી. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. સાવધાનીથી (ઉપયોગને સૂક્ષ્મ કરીને) સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આત્મા અભેદ એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. તેમાં ભેદ કેવો? તેમાં રાગ કેવો? અને તેમાં એક સમયની પર્યાય કેવી? ગંભીર વાત છે, ભાઈ! કાળ થોડો છે અને કરવાનું ઘણું છે. ત્યાં વળી જીવને બહારનો મોહ બહુ છે. બહારનો ત્યાગ જોઈને તે ખૂબ રાજી-રાજી થઈ જાય છે. પણ તે બહારનો ત્યાગ આત્મામાં છે કયાં? અહીં તો કહે છે કે જ્ઞાનના ભેદ આત્મામાં નથી તો એ સઘળા બાહ્ય ક્રિયાકાંડ વસ્તુમાં કયાંથી હોય? ભારે આકરી વાત, ભાઈ! પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વિના બીજો ત્યાગ હોઈ શકે જ નહિ. એ મિથ્યાત્વના ત્યાગ માટે શું છોડવું? તો કહે છે કે નિમિત્તને, રાગને અને ભેદને દ્રષ્ટિમાંથી છોડવાં, અને અભેદ એકરૂપ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી. સર્વજ્ઞ પરમેશ્વરે આ જ માર્ગ કહ્યો છે.
હવે સંયમ એટલે ચારિત્રની વાત કરે છે. સંયમના પણ ભેદો જીવને નથી કેમકે તે પુદ્ગલ પરિણામ છે. આત્મા શુદ્ધ જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ છે. તેમાં સંયમના ભેદ કેવા? ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે અભેદમાં ચારિત્રના ભેદો પાડવા એ પુદ્ગલના પરિણામ છે. ચારિત્ર પર્યાય છે અને ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે. એ ત્રિકાળી ચારિત્ર ગુણના ભેદ પર્યાયમાં ભાસવા તે વિકલ્પનું કારણ છે. તેથી ભેદને પુદ્ગલના પરિણામ કહ્યા છે. સંયમસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ’ એટલે ભેદસ્વરૂપ છે. માટે ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં આ સંયમનાં ભેદસ્થાનો નથી. માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ. પરંતુ લોકોએ તેને બહારના માપથી કલ્પી લીધો છે કે આ ત્યાગ કર્યો અને આ રાગ ઘટાડયો. પણ ધ્રુવ ચૈતન્યવસ્તુ દ્રષ્ટિમાં આવ્યા વિના રાગ કેમ ઘટે? અહાહા! રાગનો તથા ભેદનો જેમાં અભાવ છે તેવા દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધા વિના રાગ ઘટે કેવી રીતે (અર્થાત્ ખરેખર રાગ ત્યાંસુધી ઘટતો નથી.)
મોક્ષમાર્ગ પ્રકાશકમાં શિષ્યે પ્રશ્ન કર્યો છે કે-પ્રભુ! શુભભાવવાળાને અશુભ રાગ તો ઘટે છે. માટે એટલું ચારિત્ર તો કહો? ત્યાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને હોય, જેને અભેદની દ્રષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દ્રષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભભાવ
PDF/HTML Page 637 of 4199
single page version
ઘટયો જ નથી. શુભાશુભભાવરહિત શુદ્ધ ચૈતન્યવસ્તુને જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણકાળમાં બનતું નથી કેમકે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ ત્રિકાળી પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમે રાગ ઘટીને નાશ થઈ જાય છે. અહાહા! જેમાં રાગ નથી, ભવ નથી, ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણસ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેણે જોયું છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યવસ્તુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરી સ્વાશ્રયની પૂર્ણતા કરી મુક્તિ પામશે.
દ્રષ્ટિમાં પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપ આવે નહિ તેને રાગ કેમ ઘટે? મિથ્યાત્વની હયાતીમાં અશુભ કેમ ઘટે? ભાઈ! મિથ્યાત્વ મંદ થાય એ કાંઈ અપૂર્વ વસ્તુ નથી. અભવીને પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો રસ મંદ થાય છે. મંદ કે તીવ્ર એ કોઈ ચીજ નથી, પણ અભાવ તે ચીજ છે. શ્રી સમયસારની ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે અભવી જ્યારે શુભભાવ ઘણો ઉગ્ર કરે છે ત્યારે તેને મિથ્યાત્વ તેમ જ અનંતાનુંબંધીના અનુભાગનો રસ મંદ થાય છે. પરંતુ મંદ પડે તેથી શું? અભાવ થવો જોઈએ.
અહીં કહે છે કે સંયમનાં સ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ’ એટલે ભેદસ્વરૂપ હોવાથી ભગવાન આત્માને નથી. આ અજીવ તત્ત્વનો અધિકાર ચાલે છે. માટે તેઓ અજીવના હોવાથી જીવને નથી એમ પ્રતિષેધથી વાત કરી છે. પહેલાં જીવ આવો છે આવો છે એમ અસ્તિથી વાત કરી હતી. હવે અહીં જીવમાં આ નથી, આ નથી એમ નિષેધથી વાત કરી છે.
હવે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શન એવા દર્શનનાં જે ભેદસ્થાનો છે તે વસ્તુમાં- ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં નથી એમ કહે છે. શુદ્ધ વસ્તુ તો પરમ પવિત્ર છે. પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે, કર્મને લઈને નહિ. પોતે રાગમાં રોકાયો છે તે કર્મને કારણે નહિ પણ પોતાની જ ભૂલના કારણે રોકાયો છે. શ્રી પંચાસ્તિકાયમાં આવે છે કે વિષયની પ્રતિબદ્ધતા છે તેથી જીવ રોકાયો છે, કર્મને લઈને નહીં. ભાઈ! પૂર્ણાનંદનો નાથ ભગવાન અંદર બિરાજે છે. તેનો આશ્રય લીધો નથી અને પરનો આશ્રય લીધો છે તે તારો પોતાનો જ અપરાધ છે. શું તે અપરાધ પર પદાર્થે કરાવ્યો છે? (ના).
પ્રશ્નઃ– કોઈ કહે છે કે પ૦% ઉપાદાન અને પ૦% નિમિત્તના રાખો ને?
ઉત્તરઃ– ભાઈ! સો એ સો ટકા આત્માનો અપરાધ છે. અંશમાત્ર પણ પરનો અપરાધ નથી. આત્માની ભૂલ ૧૦૦% પોતાથી છે અને નિમિત્તના ૧૦૦% નિમિત્તમાં છે. અરે! હજી વસ્તુ સત્ય કેમ છે એની ખબર ન હોય તેને ધર્મ કયાંથી થાય? ભાઈ! આ સંસારમાંથી નીકળી જવા જેવું છે. આ સંસારનો ભાવ અને ભેદનો ભાવ એ શુદ્ધ
PDF/HTML Page 638 of 4199
single page version
જીવવસ્તુમાં નથી. જોકે એ ભેદ છે પોતાને કારણે, કર્મને લઈને નહીં. કર્મને લઈને જ્ઞાન રોકાયું છે એમ નથી. જ્ઞાન પોતે જ ઊંધી પરિણતિએ હીણપણે પરિણમે છે અને તેથી અલ્પજ્ઞ છે. તેમાં ઉપાદાન તો પોતાનું છે અને જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્તમાત્ર છે.
કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકલ એમ જે લેશ્યાના ભેદો છે તે વસ્તુમાં-શુદ્ધ જીવદ્રવ્યમાં નથી.
વળી ભવ્ય, અભવ્ય એવા ભેદ પણ જીવને નથી. ભવ્ય-અભવ્યપણું તો પર્યાયમાં છે. ચૈતન્યસ્વભાવી વસ્તુમાં ભવ્ય-અભવ્યપણાના ભેદ નથી. તેથી જ ભવ્ય હો કે અભવ્ય, વસ્તુપણે શુદ્ધ હોવાથી પ્રત્યેક જીવ સમાન છે.
હવે કહે છે ક્ષાયિક ઉપશમ અને ક્ષયોપશમ એવા જે સમક્તિના ભેદો છે તે જીવને નથી. સમ્યગ્દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યગ્દર્શનના ભેદો નથી. બહુ ઝીણું, ભાઈ. પ્રભુ! તને પરમાત્મા બનાવવો છે ને? તું દ્રવ્યસ્વભાવથી તો પરમાત્મા છો જ, પરંતુ પર્યાયમાં પરમાત્મા બનાવવો છે, હોં! ભાઈ! તું એવા અભેદ પરમાત્મસ્વરૂપે છો કે તેમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી અને એવી અભેદ દ્રષ્ટિ થતાં તું અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મપદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા સમક્તિના ભેદો પરમાત્મસ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનરસકંદ શુદ્ધચૈતન્યઘનવસ્તુનો ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય....એવો ત્રિકાળી પ્રવાહ ધ્રુવ એવો ને એવો છે. તેમાં ભેદ કેવા? માટે ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દ્રષ્ટિ દે અને સ્થિર થા.
વ્યવહારથી ધર્મ થાય એમ માનનારને આ એકાંત જેવું લાગે. એને એમ થાય કે પંચ મહાવ્રત પાળે, અનેક ક્રિયાઓ કરે, રસનો ત્યાગ કરે એ કાંઈ નહિં? હા, ભાઈ! એ કાંઈ નથી. એ તો સંસાર છે. જીવ ચાહે નવમે ગ્રૈવેયક જાય કે સાતમી નરકે જાય, છે તો ઔદયિકભાવ જ ને? વસ્તુના સ્વરૂપમાં જ્યાં ભેદ પણ નથી તો વળી ઉદયભાવ કયાંથી રહ્યો? અરે, ક્ષાયિકભાવનાં સ્થાનો પણ જીવમાં નથી. નિયમસારની ૪૩મી ગાથામાં આવે છે કે-ક્ષાયિકભાવ, ઉદયભાવ, ઉપશમભાવ અને ક્ષયોપશમભાવનાં સ્થાનો જીવમાં નથી. આવો આનંદનો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે અંદર બિરાજમાન છે ત્યાં દ્રષ્ટિ દે તો તને પરમાત્માના ભેટા થશે.
સંજ્ઞી-અસંજ્ઞીપણું પણ વસ્તુમાં નથી. વસ્તુ સંજ્ઞી કે અસંજ્ઞી કેવી? વસ્તુ તો શુદ્ધ ચિદ્રૂપ એકાકાર છે.
આહાર-અનાહારપણું વસ્તુમાં-આત્મામાં નથી. આહાર લેવાનો વિકલ્પ કે અનાહારીપણાનો વિકલ્પ તે બન્ને પર્યાય છે. એ વસ્તુમાં નથી. આમ માર્ગણાસ્થાનો સઘળાંય જે ભેદસ્વરૂપ છે તે જીવને નથી. કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે જુઓ,
PDF/HTML Page 639 of 4199
single page version
ભેદના ભાવને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે, કારણ કે અભેદસ્વરૂપ ચૈતન્યમૂર્તિમાં ભેદ કેવા? પ્રથમ એમ કહ્યું કે બધાંય માર્ગણાસ્થાનો જીવને નથી. કારણ શું? તો કહે છે કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. અંતરમાં અભેદની અનુભૂતિ થતાં, અનુભૂતિમાં તે ભેદો આવતા નથી, પણ ભિન્ન રહી જાય છે. આવી અદ્ભુત વાત છે!
૨૪. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી. જીવમાં કર્મની સ્થિતિબંધના પ્રકારો તો નથી પણ જે (જીવની પર્યાયની) યોગ્યતા તે પણ નથી. કર્મમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ છે તે તેના ઉપાદાનમાં-જડમાં છે. પરંતુ જીવની પર્યાયમાં કર્મને અનુસાર જે યોગ્યતા છે તે જીવમાં છે. એમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. જ્યાં નિમિત્ત છે ત્યાં ઉપાદાનમાં પણ એવી જ યોગ્યતા હોય છે. કર્મપ્રકૃતિથી ભિન્ન, તે પ્રકારનું અશુદ્ધ-ઉપાદાન જીવમાં પોતાનામાં છે. કર્મપ્રકૃતિ તો તેમાં માત્ર નિમિત્ત છે. કર્મપ્રકૃતિમાં જેટલી યોગ્યતા છે તેટલી જ યોગ્યતા ઉપાદાન (જીવ)માં છે. જેટલો સ્થિતિબંધ છે અને જેટલો પ્રદેશબંધ છે તેટલા પ્રમાણમાં ઉપાદાનની (જીવની) પર્યાયમાં અશુદ્ધતાની યોગ્યતા છે. હવે અહીં કહે છે કે એ બધાંય સ્થિતિબંધ-સ્થાનો જીવને નથી. વિકાર એક જાતનો છે છતાં કર્મની પ્રકૃતિમાં ભિન્ન ભિન્ન સ્થિતિ કેમ પડે છે? પ્રકૃતિ-વિશેષને કારણે એમ થાય છે. કર્મની પ્રકૃતિમાં સ્થિતિ પડે છે તે પોતાના કારણે છે. નિમિત્તપણે રાગ તો એક છે, છતાં સ્થિતિમાં ફેર પડે છે તે, તે કાળમાં પરમાણુની ઉપાદાનની સ્વતંત્રતાને લઈને છે. અહા! ગજબ વાત છે.
રપ. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી. શું કહે છે? કે પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના અશુભ ભાવ થાય છે તે જીવસ્વરૂપ નથી. પહેલાં પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિરૂપ દ્વેષ એટલું જ આવ્યું હતું. હવે કહે છે કે જીવની પર્યાયમાં જે કષાયના વિપાકનું અતિશયપણું છે, જે સંકલેશસ્થાનો છે-તે બધાય જીવને નથી. અહીં જડ વિપાકની વાત નથી પણ જીવની પર્યાયમાં થતા કષાયના વિપાકની વાત છે. જે કર્મનો વિપાક છે તે પ્રમાણે આત્મામાં પણ કષાયનો વિપાક છે. એ કષાયના સંકલેશ પરિણામ છે તે સ્વતંત્ર છે. કર્મ તીવ્ર છે માટે સંકલેશના પરિણામ થયા છે એમ નથી. તે સમયના સંકલેશ પરિણામ જે કષાયના વિપાકરૂપે છે તે પોતાની પર્યાય છે. પરંતુ તે શુદ્ધ આત્મવસ્તુમાં નથી. અહાહા! જેને જીવ કહીએ, ભગવાન આત્મા કહીએ તે શુદ્ધ ચૈતન્યમાં સંકલેશનાં સ્થાનો છે જ નહીં.
PDF/HTML Page 640 of 4199
single page version
કારણે છે, કર્મના કારણે નહિ. ગોમટસારમાં આવે છે કે ‘भावकलंकसुपउरा’ નિગોદના જીવને ભાવકલંક (ભાવકર્મ) સુપ્રચુર છે. ત્યાં દ્રવ્યકર્મની પ્રચુરતા નથી લીધી. તેના ઉપાદાનમાં અશુદ્ધતાની-ભાવકલંકની ઉગ્રતા છે અને તે પોતાના કારણે છે. હવે અહીં કહે છે કે એ સંકલેશસ્થાનોના જે અસંખ્ય પ્રકાર છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ થાય છે તેમાં આ સંકલેશસ્થાનો આવતાં નથી, ભિન્ન રહી જાય છે માટે તે જીવને નથી. આવી વાત છે.
૨૬. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી. રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર (શુભભાવ) છે તે જીવને નથી એમ કહે છે. પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના શુભભાવ થાય છે તે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે જેનું એવા શુદ્ધ આત્મામાં નથી. તે બધાય ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. કેમ ભિન્ન છે? કેમકે શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિથી તેઓ ભિન્ન રહે છે. આત્માથી ભિન્ન છે એમ કહીને દ્રવ્ય લીધું અને અનુભૂતિથી ભિન્ન કહીને વર્તમાન પર્યાયની વાત લીધી.
ભાઈ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. શુભભાવ કરીને પણ અજ્ઞાન વડે અનાદિથી જન્મ-મરણના ૮૪ના ફેરામાં ફરી રહ્યો છે. અહીં કહે છે કે જે શુકલલેશ્યાના શુભભાવ કરીને નવમી ગ્રૈવેયક ગયો તે શુભભાવ પણ વસ્તુમાં-આત્મામાં નથી. છતાં શુભભાવથી કલ્યાણ થશે એમ માને છે એ મોટું અજ્ઞાન છે. ભાઈ! અન્ય જીવોની રક્ષાનો શુભભાવ હો કે જે વડે તીર્થંકરગોત્ર બંધાય તે શુભભાવ હો-એ સઘળાય શુભભાવ શુદ્ધ જીવવસ્તુમાં નથી. કેમ? કેમકે શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં, અનુભૂતિથી તે સઘળાય શુભભાવો ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી.
પ્રશ્નઃ– શુભભાવ જીવને નથી તો શું જડને છે? ક્ષાયિક ભાવનાં સ્થાનો જીવને નથી તો શું જડને છે? ક્ષાયિકભાવ તો સિદ્ધનેય છે. સાતમી ગાથામાં કહ્યું કે-જ્ઞાનીને દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી તો શું અજ્ઞાનીને હોય છે? જડને હોય છે?
સમાધાનઃ– ભગવાન! જરા ધીરજથી સાંભળ, ભાઈ. તે ભેદો દ્રવ્યસ્વભાવમાં નથી એમ કહેવું છે. જે અપેક્ષાએ વાત ચાલતી હોય તે અપેક્ષાએ વાતને સમજવી જોઈએ. બાપુ! જ્ઞાનીને એટલે કે જ્ઞાયકભાવમાં આ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અભેદ ચિન્માત્ર વસ્તુ છે. વળી જ્ઞાન, દર્શન, આદિ ભેદનું લક્ષ કરવા જતાં રાગ થાય છે. તેથી અભેદની દ્રષ્ટિ કરાવવા ભેદ નથી એમ કહ્યું છે. જ્ઞાયકની દ્રષ્ટિ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદો જ્ઞાયકમાં ભાસતા નથી. આવી વાત અભ્યાસ વિના સમજવી કઠણ પડે પણ શું થાય? આ વાતને અંતરમાં બેસાડવા તેને ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ.
પર્યાયમાં જે કાંઈ શુભભાવ-કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાન થાય છે તે બધા