Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 43
single page version

background image
: ૯૮ : આત્મધર્મ : ૮૯
નમો અરિહંતાણં
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને.
શ્રી પ્રવચનસારની ૮૦–૮૧મી ગાથામાં મોહનો સર્વથા નાશ કરીને સંપૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેના
ઉપાયનું વર્ણન કરીને પછી આ ૮૨ મી ગાથામાં બધાય તીર્થંકરોને સાક્ષીપણે ઊતારતાં શ્રી આચાર્યદેવે કહે છે કે
જે ઉપાય અહીં વર્ણવ્યો તે જ ઉપાય બધાય તીર્થંકરોએ પોતે કર્યો અને તેઓએ જગતના ભવ્ય જીવોને એવો જ
ઉપદેશ કર્યો...તેઓને નમસ્કાર હો.
અરિહંતો કહે છે કે અમે અમારા દ્રવ્યસ્વભાવનો આશ્રય કરીને કેવળજ્ઞાન પામ્યા છીએ અને હે જગતના
જીવો! તમે પણ એમ પોતાના સ્વભાવનો જ આશ્રય કરો, સ્વભાવ આશ્રિત મુક્તિનો માર્ગ છે માટે પુરુષાર્થ વડે
સ્વભાવને જાણીને તેનો જ આશ્રય કરો...અહીં આચાર્યદેવને સ્વાશ્રિત મોક્ષમાર્ગનો મહિમા આવતાં કહે છે કે
અહો, તે અરિહંતોને નમસ્કાર હો...અને તેમણે બતાવેલા માર્ગને નમસ્કાર હો.
શ્રી કુંદકુંદઆચાર્યદેવ કહે છે કે ‘णमो तेसिं’ તે સીમંધરાદિ અરિહંતોને નમસ્કાર હો. અહોહો, નાથ!
આપે આપના આત્મામાં તો સ્વભાવનો સંપૂર્ણ આશ્રય પ્રગટ કરીને પરાશ્રય ભાવોના ભૂક્કા ઊડાડ્યા, અને
અન્ય જીવોને માટે આપની વાણીમાં પણ પરાશ્રયના ભૂક્કા જ છે. આપનો દિવ્ય ઉપદેશ જીવોને પરાશ્રય છોડાવે
છે. આચાર્યદેવને ઘણો સ્વાશ્રયભાવ તો પ્રગટ્યો છે ને પૂર્ણ સ્વાશ્રયભાવ પ્રગટ કરવાની તૈયારી છે, તેથી
સ્વાશ્રયીમુક્તિમાર્ગનો પ્રમોદ આવી જતાં કહે છે કે–અહો! જગતના જીવોને સ્વાશ્રયનો ઉપદેશ આપનારા હે
અર્હંતો આપને નમસ્કાર હો. નમો...નમો! હે જિનભગવંતો...આપને નમસ્કાર કરું છું.
(ભગવાન શ્રી સીમંધર જિન સ્વાગત અંક)

PDF/HTML Page 22 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૯૯ :
અજ્ઞાનભાવે અનંત પ્રકારના પરાશ્રયભાવમાં અજ્ઞાની જીવો રખડે છે. અહો, જગતમાં આટલા આટલા
પરાશ્રયભાવો, તે બધાયથી છોડાવીને આત્માને એક પોતાના સ્વભાવના જ આશ્રયમાં લાવી મૂક્યો છે. હે
તીર્થંકરો! આપ પોતે પણ સ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતા કરીને જ મુક્ત થયા છો અને આપની વાણીમાં
જગતના મુમુક્ષુઓને પણ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો છે. અહો, અરિહંતો! આપને નમસ્કાર...આપના
સ્વાશ્રિતમાર્ગને નમસ્કાર મારો આત્મા સ્વાશ્રયની સાક્ષી પૂરતો આપના અપ્રતિહતમાર્ગમાં ચાલ્યો આવે છે.
હે નાથ! અમને સ્વાશ્રયનો ઉલ્લાસ આવે છે. ધન્ય પ્રભુ તારા કથનને! તમને હું નમસ્કાર કરું છું.
અમારો આત્મા સ્વાશ્રયમાં નમે છે, આપની જેમ અમે પણ સ્વાશ્રયપૂર્વક અર્હંતદશા પ્રગટ કરવા તરફ આપના
માર્ગે ચાલ્યા આવીએ છીએ. અહો! આવા નમસ્કાર કોણ કરે?..આવો ઉલ્લાસ કોને ઊછળે? જેણે પોતાના
સ્વભાવની શ્રદ્ધાથી સ્વાશ્રય તરફ વલણ કર્યું છે અને પરાશ્રયના અંશનો પણ નકાર કર્યો છે તે સ્વાશ્રયના
ઉલ્લાસથી અરિહંતોને નમસ્કાર કરે છે.
અહો અરિહંતો! હું આપને પગલે પગલે આવી રહ્યો છું. સર્વે અરિહંતોને મારા નમસ્કાર છે. ‘બધાય
અરિહંતોએ આ એક જ માર્ગથી પૂર્ણતા કરી છે અને તેઓએ ઉપદેશમાં પણ એમ જ કહ્યું છેં–આમ કહીને પછી તે
સર્વે અરિહંતોને આચાર્યદેવે નમસ્કાર કર્યા છે. આમાં આચાર્યદેવના ઊંચા ભણકારા છે. ‘ઉપદેશ પણ એમ જ
કર્યો’–આમ કહીને આચાર્યદેવ ઉપદેશવાળા અરિહંતોની એટલે કે તીર્થંકરોની વાત લેવા માંગે છે. તીર્થંકરોને
કેવળજ્ઞાન પ્રગટ્યા પછી નિયમથી દિવ્યધ્વનિ છૂટે છે ને તે ધ્વનિદ્વારા આવો જ સ્વાશ્રયનો માર્ગ જગતના
મુમુક્ષુઓને ઉપદેશે છે. અને તે સાંભળીને સ્વાશ્રય કરનારા જીવો પણ હોય જ છે. એ રીતે સંધિ વડે
સ્વાશ્રયમાર્ગનો અછિન્નપ્રવાહ બતાવ્યો છે.
જુઓ, અહીં કુંદકુંદપ્રભુ મોક્ષનો ઉપાય બતાવે છે અને તેમાં સર્વે તીર્થંકરોની સાખ પૂરે છે. પોતાનો
આત્મા જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ છે, તેને લક્ષમાં લઈને તેના જ આશ્રયે શુદ્ધોપયોગ પ્રગટ કરીને, ભેદ અને
વ્યવહારનો ક્ષય કરીને ભગવાન અરિહંતોએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. ત્રણેકાળે મોહનો ક્ષય કરવાનો આ એક
જ વિધિ છે. તીર્થંકરોએ આ જ વિધિ કર્યો છે, અને આ જ વિધિ કહ્યો છે. આ સિવાય બીજો કોઈ વિધિ મોક્ષ
માટે છે જ નહિ.
અહો ભગવંતો! આપને નમસ્કાર હો. આપનો પવિત્ર ઉપદેશ અમને અંતરમાં રુચ્યો છે અને અમને
અંતરમાં સ્વાશ્રયનો આહ્લાદ ઊછળ્‌યો છે. પ્રભો, અમે બીજું તો શું કહીએ? નાથ! नमो भगवद्भयः ભગવંતોને
નમસ્કાર હો. આ રીતે, અરિહંતોનો ઉપદેશ સમજનાર જીવ સ્વાશ્રયના ઉલ્લાસથી ભગવાનને નમસ્કાર કરે છે.
કોઈ પુણ્યભાવથી કે નિમિત્તોના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી પણ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી
અભેદ સ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે. અમને આવો પવિત્ર ઉપદેશ કરીને સ્વાશ્રયનો
માર્ગ દર્શાવ્યો, તે માટે હે નાથ! તમને મારા નમસ્કાર છે. વર્તમાન શુભવિકલ્પ છે પણ તે તરફ ન વળતાં
સ્વભાવના મહિમા તરફ જ અમે વળીએ છીએ. સ્વભાવના આશ્રયે ધર્મની વૃદ્ધિ જ છે. જે દશા આપે પ્રગટ કરી
તેને નમસ્કાર કરીને અમે રાગરહિત ચૈતન્યસ્વભાવનો જ આશ્રય અને વિનય કરીએ છીએ, વિકલ્પનો આદર કે
આશ્રય કરતા નથી. હે નાથ જિનેશ! તમારો ઉપદેશ સાંભળીને અમને સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન થયું–
અમને નિશ્ચય સ્વાશ્રય રાગરહિત સ્વભાવ મળ્‌યો તેથી અમે આપને નમસ્કાર કરીએ છીએ...આપે દર્શાવેલા
માર્ગે આવીએ છીએ.
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન ને સ્થિરતા એ એક જ પ્રકાર મોક્ષમાર્ગનો છે. એ પ્રકારથી તીર્થંકરોએ સર્વ કર્મનો
ક્ષય કરીને શુદ્ધ આત્મસ્વરૂપ પોતે અનુભવ્યું છે. એવા તીર્થંકરો સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી પરમ આપ્ત છે,
જગતના જીવોને આત્મહિતના ઉપદેષ્ટા છે. તીર્થંકરનો ઉપદેશ પરમ વિશ્વાસયોગ્ય છે. તીર્થંકરોએ શું ઉપદેશ
કર્યો?
ભગવાનના શ્રીમુખે એમ નીકળ્‌યું છે કે, અમે જે ઉપદેશ કરીએ છીએ તે જ પ્રમાણે આ કાળના કે
ભવિષ્યકાળના મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય છે. ભવિષ્યમાં પંચમકાળ કઠણ આવશે માટે તે કાળનો ઉપાય
જુદો–એમ ભગવાને કહ્યું નથી. ભગવાનનો ઉપદેશ ભવિષ્યકાળના જીવોને માટે પણ એક જ પ્રકારનો છે. ધર્મનો
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 23 of 43
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ : ૮૯
બીજો રસ્તો છે જ નહિ. આત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે એક જ ત્રણ કાળ ત્રણ લોકના મુમુક્ષુ જીવોને માટે
મોક્ષનો ઉપાય છે.
ત્રણે કાળના અરિહંતોનો ઉપદેશ એક જ પ્રકારનો છે કે સ્વાશ્રયે ધર્મ છે. ભૂતકાળે ભગવાન મોક્ષ પામ્યા
તેઓ આ જ વિધિથી પામ્યા છે, અને અરિહંત દશામાં તેઓએ તે કાળે પ્રત્યક્ષ સાંભળનારા જીવોને એ જ માર્ગ
ઉપદેશ્યો તેમ જ ભવિષ્યકાળના મુમુક્ષુઓને માટે પણ તે એક જ ઉપાય સ્થાપ્યો છે.
પ્રભુ મોક્ષ પધારતાં પહેલાંં જગતના મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય સોંપી ગયા છે.. અમે આ ઉપાયથી
મોક્ષ પામીએ છીએ ને જગતના મુમુક્ષુઓ પણ આ જ ઉપાયથી મોક્ષ પામશે. જેમ અંતિમ સમયે પિતા પોતાના
પુત્રને મૂડી સોંપી દે છે અને ભલામણો કરે છે, તેમ અહીં પરમ ધર્મપિતા સર્વજ્ઞપ્રભુ પરમવીતરાગ આપ્તપુરુષ
મુક્તિ પામતાં પહેલાંં (–સિદ્ધ થતાં પહેલાંં) તીર્થંકરપદે દિવ્ય ઉપદેશ દ્વારા જગતના ભવ્ય જીવોને મોક્ષનો ઉપાય
દર્શાવે છે–તેમના સ્વભાવની મૂડી સોંપે છે.. હે જીવો! તમારો આત્મા સિદ્ધસમાન શુદ્ધ છે, તેને ઓળખીને તેનું
શરણ લો...સ્વભાવનું શરણ તે મુક્તિનું કારણ છે, બહારનો આશ્રય તે બંધનું કારણ છે. ધર્મપિતા તીર્થંકરો
આવો સ્વાશ્રિત મોક્ષનો માર્ગ બતાવીને સિદ્ધ થયા; અહો! તેમને નમસ્કાર હો.
સાધક આત્માના પરમ પિતા શ્રી તીર્થંકર દેવ છે. તેઓ ભલામણ કરે છે કે અહો જીવો! આત્માને
ઓળખો.. આત્માને ઓળખો. આત્મા સ્વાધીન સત્ પદાર્થ છે, તે પરના આશ્રય વગરનો પોતાથી પરિપૂર્ણ છે.
ભગવાનને સ્વાશ્રયભાવની પૂર્ણતા થતાં કેવળજ્ઞાન થાય છે; સમવસરણ રચાય છે, દિવ્યવાણી “
વીતરાગભાવે છૂટે છે ને બાર સભાના જીવો તે ઉપદેશ સાંભળે છે. ભગવાનની વાણીમાં એમ ઉપદેશ છે કે
આત્માને ઓળખો...રે...ઓળખો...સર્વ પ્રકારે આત્મસ્વભાવનો જ આશ્રય કરો. તે જ મુક્તિનો રસ્તો છે...
અનંત તીર્થંકરોએ દુંદુભીના નાદ વચ્ચે દિવ્યધ્વનિથી આ એક જ માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે.
જિનેન્દ્ર દેવોએ આત્મસ્વભાવ તરફના પુરુષાર્થથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને દિવ્યધ્વનિમાં જગતના
જીવોને પુરુષાર્થનો જ ઉપદેશ કર્યો છે... હે જગતના જીવો! સંસાર સમુદ્રથી પાર થવા માટે સાચો પુરુષાર્થ કરો...
પુરુષાર્થ કરો. પોતાના આત્માને સર્વજ્ઞ જેવો સમજીને સર્વજ્ઞની ઓથ દઈને પુરુષાર્થ કરો... સર્વજ્ઞનું અનુકરણ
કરીને સર્વજ્ઞ જેવો પુરુષાર્થ કરો... જેમ સર્વજ્ઞદેવે સ્વાશ્રય કર્યો તેમ તમે તમારા આત્માનો આશ્રય કરો.
આચાર્યદેવ કહે છે કે અરિહંત ભગવાન જેવા અમારા ચૈતન્યમૂર્તિ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરીને અમે
અમારા જ્ઞાનને સ્થિર કર્યું છે, અને તે અમે અમારા અનુભવથી જાણ્યું છે. હવે અમારી મતિને ફેરવવા કોઈ સમર્થ
નથી. જેણે સ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનને સ્વભાવમાં સ્થિર કર્યું છે તેણે સ્વાશ્રિત મોક્ષમાર્ગને અંગીકાર કર્યો
છે. સ્વભાવના આશ્રયે પ્રગટેલો ભાવ સદાય સ્વભાવ સાથે અભેદપણે ટકી રહે છે. તેથી, આચાર્યદેવ કહે છે કે
અમે અમારા સ્વભાવનો આશ્રય કર્યો છે તેથી મોહનો ક્ષય કરીને અપ્રતિહતભાવે કેવળજ્ઞાન પ્રગટ કરવાના
છીએ... જેમ અરિહંતો મોક્ષ પામ્યા તેમ અમે પણ એ જ પ્રકારનો પુરુષાર્થ કરીને મોક્ષ પામવાના છીએ..
ભગવંતોને નમસ્કાર હો!
પોતે સ્વાશ્રયમાં મતિ સ્થાપી છે, પણ હજી છઠ્ઠા ગુણસ્થાને રાગની વૃત્તિ ઊઠે છે, તેથી આચાર્યદેવ
ભગવાન તરફના ઉલ્લાસને જાહેર કરતાં કહે છે કે અરિહંત ભગવંતોને નમસ્કાર હો.. અહો નાથ! તમે
સ્વભાવના આશ્રયે મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા, તેમ હું પણ તમારો જ વારસો લેવા માટે સ્વાશ્રયથી
તમારી પાછળ ચાલ્યો આવું છું. અહીં! જેણે આવો પૂર્ણ સ્વતંત્ર સ્વાશ્રિત માર્ગ બતાવીને અનંત ઉપકાર કર્યો તે
ભગવંતોને હું નમસ્કાર કરું છું–એટલે કે હું પણ એ સ્વાશ્રયને જ અંગીકાર કરું છું. ભગવાનના ચરણકમળમાં
અમારા નમસ્કાર હો, ભગવાને બતાવેલા સ્વાશ્રિતમાર્ગને અમારા નમસ્કાર હો. આચાર્યદેવ પોતે પોતાના મોક્ષ
માટેનો ઉત્સાહ અને ખુશાલી જાહેર કરે છે કે હે પ્રભો! જે રીતે આપે મુક્તિ કરી તે જ રીતે અમે પણ મોક્ષના જ
રસ્તે છીએ, અમે પણ કેવળજ્ઞાન પ્રગટ કરશું અને અમે પણ તે જ ઉપદેશ કરીને નિર્વાણ પામશું. બીજું તો શું
કહીએ? ભગવંતોને નમસ્કાર હો. જે જીવોને સ્વાશ્રયની રુચિ હોય અને પરાશ્રયની રુચિ ટળી ગઈ હોય તે જ
જીવ ભગવંતોને નમસ્કાર કરે છે. ખરેખર ભગવાને જેવો સ્વાશ્રયમાર્ગ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 24 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૧ :
ઉપદેશ્યો તેવો સમજીને તેવો સ્વાશ્રય પોતામાં પ્રગટ કરવો તે જ ભગવાનને નમસ્કાર છે.
આચાર્યદેવ કહે છે કે અહો, જેમણે આવો સ્વભાવ મને સમજાવ્યો તે ભગવંતોને નમસ્કાર હો. ભગવંતો
પોતે સ્વાશ્રિત શુદ્ધોપયોગના બળથી મોહનો નાશ કરીને જગતને પણ એવો જ ઉપદેશ આપીને સિદ્ધ થયા;
તેમને વંદન હો. આચાર્યદેવ પોતે છદ્યસ્થ છે તેથી વિકલ્પ છે; ભગવાનને નમસ્કાર કરતાં વિકલ્પનો નિષેધ કરે
છે ને પૂર્ણ શુદ્ધઉપયોગનો જ આદર કરે છે. જેટલો શુદ્ધોપયોગ પ્રગટ્યો છે તેટલો નિશ્ચય છે, વિકલ્પ વર્તે છે તે
વ્યવહાર છે. તે વ્યવહારનો નિષેધ છે, ને શુદ્ધાતાનો આદર છે. –એ રીતે આચાર્યદેવને નિશ્ચય–વ્યવહારની સંધિ
છે. વર્તમાન વિકલ્પ છે તેનો આદર નથી પણ સર્વજ્ઞદેવે જે સ્વભાવ બતાવ્યો તે સ્વભાવનો જ આદર છે.
વિકલ્પને કારણે એમ કહ્યું કે ભગવંતોને નમસ્કાર હો... એટલે ખરેખર તો ભગવાન જે રીતે સ્વાશ્રય કરીને પૂર્ણ
થયા તે જ રીતે હું સ્વાશ્રયને અંગીકાર કરું છું– એ જ તીર્થંકરોનો પંથ છે.
અરિહંત ભગવંતો સ્વાશ્રિત જ્ઞાનની વિધિ વડે જ મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા; અને પછી
દિવ્યધ્વનિમાં જગતના ભવ્ય જીવોને પણ એમ જ ઉપદેશ આપ્યો કે, હે જગતના ભવ્ય આત્માઓ! જે રીતે અમે
કહીએ છીએ તે રીતે તમે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનો તમારા જ્ઞાનમાં નિર્ણય કરો... અને તમારા પર્યાયને
પરાશ્રયથી છોડાવીને સ્વાધીન આત્મતત્ત્વમાં વાળો. અમે પુરુષાર્થ વડે સમ્યક્ આત્મસ્વભાવની શ્રદ્ધા અને
એકાગ્રતાથી મોહક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા છીએ, તમને પણ તે જ વિધિવડે, પુરુષાર્થપૂર્વક પોતાના સમ્યક્
આત્મતત્ત્વની શ્રદ્ધા અને એકાગ્રતા કરવાથી મોહનો ક્ષય થઈને સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે
પુરુષાર્થ વડે સ્વાશ્રય કરો...
આચાર્યપ્રભુ કહે છે કે–સ્વાશ્રયના પુરુષાર્થ વડે મોહનો ક્ષય કરીને જેઓ કેવળજ્ઞાન પામ્યા અને જગતને
એ જ સ્વાશ્રયમાર્ગનો ઉપદેશ આપીને જેઓ સિદ્ધ થયા એવા ભગવંતોને હું નમસ્કાર કરું છું. હે નાથ! હું આપને
નમું છું... જે માર્ગે આપ નિવૃત્ત થયા તે જ માર્ગે હું ચાલ્યો આવું છું. હે પૂર્ણપુરુષાર્થના સ્વામી, ભગવાન્!
આપના દિવ્ય ઉપદેશની કોઈ અદ્ભુત બલિહારી છે. આપનો ઉપદેશ જીવોને પરાશ્રયથી છોડાવીને મોક્ષમાર્ગમાં
લગાડનારો છે. આપના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું... કઈ રીતે નમું છું? આપના ઉપદેશને પામીને. આપે
ઉપદેશેલા સ્વાશ્રિત વિધિને અંગીકાર કરીને હું આપના પંથે ચાલ્યો આવું છું.
અહીં એક જ પ્રકારના વિધિવડે મોક્ષનો ઉપાય બતાવ્યો. બીજા કોઈ વિધિથી મોક્ષનો ઉપાય છે નહિ. મૂઢ–
અજ્ઞાની લોકો તો આવી માન્યતાને એકાંતિક માન્યતા માને છે કેમ કે તેમને સ્વાશ્રયમાર્ગનું ભાન નથી.
જ્ઞાનીઓ તો કહે છે કે આવા સ્વાશ્રયમાર્ગની યથાર્થ માન્યતા તે ક્ષાયક જેવું અપ્રતિહત સમ્યગ્દર્શન છે. અહો
નાથ! જે ઉપાયે આપે દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, ક્રમબદ્ધ આત્મપર્યાયને જાણીને, અભેદ સ્વરૂપની પ્રતીતિ
અને સ્થિરતા કરીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ દશા પ્રગટ કરી અને અરિહંતદશા પામ્યા, તથા
જગતને તે જ ઉપદેશ કરીને સિદ્ધદશા પામ્યા, તેમ અમે પણ આપનો સ્વાશ્રયનો ઉપદેશ સાંભળીને, એ જ રીતે
સ્વાશ્રય વડે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને મુક્ત થઈશું. એ માટે હે પ્રભો! આપને નમસ્કાર હો.
‘આત્મા જ્ઞાનસ્વભાવી છે, એ સ્વભાવના આશ્રયે જાણનાર–દેખનાર રહીને જાણ.’ –આ જિનેન્દ્રદેવના
સર્વ ઉપદેશનો મૂળ સાર છે... ભગવાન કહે છે કે–જેવા ભગવાન અમે, તેવો જ ભગવાન તું. આવડા મોટા
રાગરહિત પરિપૂર્ણ સ્વભાવનો જેણે પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યો તેણે એકલા આત્માના આશ્રયનો સ્વીકાર
કર્યો અને સમસ્ત પરદ્રવ્ય તેમ જ પરભાવોના આશ્રયની માન્યતા છોડી તેને અનંત પુરુષાર્થ પ્રગટ્યો છે.. એ
જીવ તીર્થંકરોના પંથે ચાલવા માંડયો છે.
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તીર્થંકરોએ સ્વાશ્રયનો ઉપદેશ કર્યો હતો; અત્યારે પણ સ્વાશ્રય થઈ શકે
છે. તીર્થંકરો કાંઈ એમ કહેતા નહોતા કે ‘તું અમારો આશ્રય કર.’ તીર્થંકરો તો એમ કહેતા હતા કે તું તારા
સ્વભાવનો નિર્ણય કરીને તારો જ આશ્રય કર. અત્યારે પણ સ્વભાવનો નિર્ણય કરીને–સ્વાશ્રય પ્રગટ કરીને
તીર્થંકરોના પંથે વિચરી શકાય છે.
શ્રી સીમંધરાદિ અરિહંત ભગવંતોને નમસ્કાર હો.
શ્રી તીર્થંકરોના સ્વાશ્રિત પંથને નમસ્કાર હો.
તીર્થંકરોનો પંથ દર્શાવનારા સંતોને નમસ્કાર હો.
(શ્રી પ્રવચનસાર ગા. ૮૨ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી કેટલાક અંશો)
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 25 of 43
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : ૮૯
વીતરાગના ભક્ત કેવા હોય?
તીર્થધામ સોનગઢમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુની
પંચ કલ્યાણક પ્રતિષ્ઠાનો અઠ્ઠાઈ મહોત્સવ પ્રસંગે, વીર સં.
૨૪૭૬ના મહાવદ ૧૨ ના રોજ, પદ્મનંદીપચીસીના
શાંતિનાથ સ્તોત્ર ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
(૧૪) વીતરાગના ભક્તની જવાબદારી
આ શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તોત્ર વંચાય છે. આત્મા શાંત અવિકારી સ્વરૂપ છે, શાંતિ માટે તેને કોઈ
પર પદાર્થોનું આલંબન નથી. આત્માની શાંતિ સ્વાલંબી છે, બાહ્ય પદાર્થોનું આલંબન લેવું પડે તે વિકાર છે.
ભગવાનને પૂર્ણ સ્વાલંબી શાંતિ પ્રગટી ગઈ છે, જેને એવી શાંતિની રુચિ હોય તે ભગવાનને ઓળખીને તેમની
ભક્તિ કરે છે. ઈન્દ્રો આવીને ત્રિલોકનાથ તીર્થંકર પ્રભુના ચરણે નમી પડે છે ને સ્તુતિ કરતાં કહે છે કે હે નાથ!
પુણ્યના ફળમાં મળેલા આ ઈન્દ્રપદ ને દેવાંગનાઓ વગેરે વૈભવ તે કાંઈ અમારે આદરણીય નથી, પ્રભો! આપને
જે વીતરાગી શાંતસ્વભાવ પ્રગટ્યો છે તેનો જ અમને આદર છે–આમ જે સમજે તેણે ભગવાનની ભક્તિ કરી
કહેવાય. પુણ્યને આદરવા જેવાં માને તો તેણે ભગવાનની ખરી ભક્તિ કરી નથી. ભગવાનનો આદર કરનાર
પુણ્યનો આદર ન કરે.
ઈન્દ્રને પુણ્યનો ઠાઠ હોવા છતાં, જેણે પુણ્ય વૈભવોનો ત્યાગ કર્યો છે એવા સંતના ચરણે તે નમે છે... કેમ
કે તેનામાં વીતરાગતા છે તેનું જ તે બહુમાન કરે છે. આનો અર્થ એ થયો કે ભગવાનને નમન કરનાર જીવને
પુણ્યની રુચિ નથી પણ વીતરાગતાનું જ બહુમાન છે. અહો! વીતરાગદેવને નમતા જીવને દ્રષ્ટિમાં વીતરાગતા
રુચિ, હવે તે જીવ આત્મસ્વભાવથી વિરુદ્ધ ભાવોને નમે એ કેમ બને? –એક મ્યાનમાં બે તલવાર ન હોય.
(૧પ) ભગવાનના ભક્ત–જ્ઞાનીની દશા કેવી હોય?
અહો! વીતરાગ સ્વભાવી આત્માની રુચિ કરીને, તેનાં ગાણાં ગાઈને અનુમોદન કર્યું છે.. હવે આવો
આત્મા પ્રાપ્ત કર્યે જ છૂટકો... એનાથી વિરુદ્ધ પુણ્યનાં ફળની રુચિ નથી. એકની અસ્તિમાં બીજાની નાસ્તિ છે,
જ્ઞાનસ્વભાવી આત્માની રુચિની અસ્તિમાં વિકારની રુચિની નાસ્તિ છે. જ્ઞાનની રુચિ થાય ને વિકારની રુચિ ન
ટળે એમ બને નહિ. બનારસીદાસજી કહે છે કે–
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી તે જગમાંહી સહજ વૈરાગી,
જ્ઞાની મગન વિષય સુખ માંહી યહ વિપરીત સંભવે નાંહી...
અહો... જેના અંતરમાં આત્મજ્ઞાનરૂપી કળા પ્રગટી તે જીવ જગતમાં સહજ વૈરાગી હોય છે... જ્ઞાની
વિષય સુખમાં મગ્ન હોય એવી વિપરીત આત કદી સંભવતી નથી. આત્મ જ્ઞાન થાય ને વિષયોમાંથી સુખબુદ્ધિ
ન ટળે એમ કદી ન બને. સમયસારના નિર્જરા અધિકારમાં સમ્યગ્દ્રષ્ટિનું વર્ણન કરતાં ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–મિથ્યાત્વની ગાંઠ ટળીને, હું આત્મા નિર્મળ જ્ઞાયક છું એવું જેને ભાન થયું તે જ્ઞાની
પાખંડીની પ્રીતિ કરે કે વિષયોમાં સુખ માને–એવી ઊંધાઈ કદી સંભવે નહીં. એકનો હકાર ત્યાં બીજાનો નકાર...
સ્વની રુચિ ત્યાં પર પ્રત્યે ઉદાસીનતા... જ્ઞાન સાથે વૈરાગ્ય સહજ હોય જ છે. કોઈ કહે કે ‘આત્મા શુદ્ધ, પૂર્ણ
વીતરાગ છે’ એવું ભાન થયું છે પણ મારી રુચિ પર ઉપરથી ખસી નથી,–તો તે બને નહિ. પર ઉપરની રુચી ન
ખસી હોય તો આત્માની રુચિ થઈ જ નથી. જ્ઞાનીને આત્મા સિવાય બીજા વિષયોની રુચિ હોય નહિ. ધર્મની
ઓળખાણ થાય, આત્માની પ્રીતિ થાય ને બીજા ઉપરથી પ્રીતિ ન ખસે–એ કેમ બને? ‘હું જ્ઞાનમૂર્તિ આત્મા
પરથી નીરાળો છું, મારી શાંતિ મારામાં છે’ –એવું ભાન કરીને વીતરાગ આનંદઘન સ્વભાવના ગુણ ગાનાર
જીવ વિષયોનાં ગાણાં કેમ ગાય? કદી ન ગાય. અહીં સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ ચાલે છે. ભગવાનને આત્માનું
ભાન થયું ત્રણ કાળ ત્રણલોકનું જ્ઞાન થયું આત્મા શક્તિપણે તો પૂરો હતો જ ને હવે તે પૂર્ણ શક્તિ ઉઘડી ગઈ...
આવા વીતરાગ ભગવાનને ઓળખીને તેમનાં ગુણ ગાનાર વિકારના કોઈ પડખાંને વખાણી ન શકે...અને જો
વિકારનાં પડખાંને વખાણે તો તે વીતરાગનો ભક્ત નહિ, ધર્મી જેને વીતરાગ સ્વભાવની રુચિ નથી
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 26 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૩ :
તે જ વિષયોની પ્રીતિ કરે છે. વીતરાગ સ્વભાવની રુચિવાળાના હૃદયમાં બીજે ક્યાંય આનંદ ન આવે.
ભગવાનની ભક્તિ કરવાથી કાંઈ ભગવાન કોઈને કંઈ આપી દેતા નથી. પણ, જેવા ભગવાન તેવો હું, ભગવાન
પણ આત્માની શક્તિમાંથી જ થયા છે–આવું ભાન કરીને પોતે પોતામાંથી ધર્મ કાઢે છે. લોકો પણ કહે છે કે
‘કોઈનું આપ્યું તાપ્યું પહોંચે નહિ’ એટલે જો ભગવાન મુક્તિ આપતા હોય તો વળી બીજો કોઈ આવીને તે
પડાવી લ્યે... પણ એમ નથી. પોતે પોતાના ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ મુક્તિ પ્રગટ કરે છે, ને નિત્યના
આશ્રયે પ્રગટેલી તે મુક્તિ પણ નિત્ય ટકી રહે છે. પોતાના આવા સ્વભાવનું ભાન કરે તો તેણે ‘ભગવાનનું
શરણ લીધું’ એમ વ્યવહારથી બોલાય છે.
(૧૬) એકવાર વંદે જો કોઈ...
શક્તિરૂપે દરેક આત્મા પોતે ‘શાંતિનાથ ભગવાન’ છે; ને વ્યક્તિરૂપે જે પ્રગટ પરમાત્મા થયા છે એવા
ત્રિલોકનાથ તીર્થંકર વીતરાગી ચૈતન્ય ભગવાન... અહો! તેનું શરણ જોઈએ. ભક્તિમાં આવે છે કે એક વાર જો
યથાર્થપણે પ્રભુવંદના થાય તો કાર્યની સિદ્ધિ થઈ જાય... અત્યારે મહાવિદેહમાં સીમંધરનાથ પ્રભુ બિરાજે છે. હે
ત્રિલોકીનાથ દેવાધિદેવ ભગવાન્! આપને જો એકવાર ઓળખીને વંદના કરે તો તેને જન્મ–મરણ ન રહે. કઈ
રીતે? – ‘હે નાથ! જેવો આપનો સ્વભાવ તેવો જ મારો સ્વભાવ છે, હું શુદ્ધ પવિત્રસ્વરૂપ છું, કોઈ બીજા પાસેથી
મારે લેવું નથી, મારી અખંડ ચૈતન્ય રિદ્ધિ મારી પાસે જ છે’ આવા ભાનસહિત ભગવાનને નમ્યો તેને ભવ રહે
નહિ. ભગવાનને ‘ત્રિલોકનાથ, ત્રિલોકપતિ’ કહેવાય છે, ત્યાં ભગવાન કાંઈ જડના કે પરના ધણી નથી પણ
તેમના દિવ્ય જ્ઞાનમાં ત્રણલોક પ્રતિભાસે છે માટે તેમને ‘ત્રિલોકપતિ’ કહેવાય છે. આવા ભગવાનને ઓળખીને
તેમની ભક્તિ કરતાં ‘હું જ મારો રક્ષક છું’ એમ ન કહેતાં, ‘હે ભગવાન! આપ અમારા રક્ષક છો’:–એમ
વિનયના ભાવની ભાષા આવે છે.
(૧૭) વીતરાગના ભક્તને રાગનો આદર ન હોય
ભક્તિમાં જે શુભરાગ છે તેનો આદર ધર્માત્માને હોતો નથી. અહો! જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય કે
ઈન્દ્રપદ, ચક્રવર્તીપદ કે બળદેવ–વાસુ દેવની પદવી મળે, તે ભાવને ધર્મી જીવ શુભવિકાર જાણે છે, વીતરાગતાના
આદર પાસે તે કોઈ ભાવનો આદર તેમને હોતો નથી. જે રાગથી પુણ્યની પ્રકૃતિ બંધાય તે પણ બંધનભાવ છે,
ધર્મીને તે રાગનો આદર ન હોવા છતાં, હજી વીતરાગતા પૂરી થઈ નથી એટલે અધૂરી દશામાં ધર્મવૃદ્ધિના
શુભવિકલ્પથી તીર્થંકરપ્રકૃતિ વગેરે બંધાઈ જાય છે. દેવાધિદેવ તીર્થંકરનો આત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે
ત્યારે ચૌદ બ્રહ્માંડમાં પ્રકાશ થાય. ભગવાન તો મહા પવિત્રતા અને પુણ્યના પૂતળાં છે. હું મારી વીતરાગતા પૂર્ણ
કરું, તે સિવાય બીજું કાંઈ જોઈતું નથી–એવી ભાવનામાં વચ્ચે અલ્પ રાગ રહ્યો તેનાથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ
ગઈ...ને ત્રિલોકપૂજ્ય તીર્થંકરપદ થયું.
પ્રશ્ન:– એક રાગના કણીયામાં આટલું થાય, તો ઝાઝા રાગમાં તો કેટલું થાય!
ઉત્તર:– અરે ભાઈ! રાગની ભાવનાવાળાને એ પદ–નથી મળતાં. જે રાગથી તીર્થંકરાદિ પદ મળે એ રાગ
વિષય–કષાયનો નહિ...પણ તે તો આત્માના ભાનપૂર્વક ધર્મવૃદ્ધિનો રાગ હતો, આત્મસ્વભાવની ભાવના હતી,
રાગની ભાવના ન હતી. જેને રાગનો રાગ છે તેને તો અધર્મનો રાગ છે, તેને ઊંચા પુણ્ય બંધાતા નથી. ‘હું
નિર્મળજ્ઞાનઘન આત્મા છું, રાગનો એક અંશ પણ મારો નથી’–એવા ભાન સહિત ધર્મનું વલણ છે ત્યાં કંઈક
રાગ રહી ગયો તે પ્રશસ્ત રાગ છે, ને તે રાગમાં પણ આદરબુદ્ધિ નથી, ત્યાં તીર્થંકરપ્રકૃતિ વગેરે પુણ્ય બંધાઈ
જાય છે. જે જીવ આત્માના વીતરાગી સ્વરૂપને તો સમજે નહિ ને રાગને આદરણીય માને તે આત્મસ્વરૂપનો
ભક્ત નથી, વીતરાગદેવનો સેવક નથી. જેને આત્માની રુચિ હોય તે વીતરાગ પરમાત્મા સિવાય બીજા કોઈના
ગાણાં ન ગાય, એના અંતરમાં લક્ષ્મી કુટુંબના ગાણાં ન હોય.
(૧૮)...તો જીવનની સાર્થકતા શી?
પાછળ દીકરા, મકાન, લક્ષ્મી વગેરે મૂકીને ચાલ્યો જાય ત્યાં પાછળના લોકો કહેશે કે ‘બાપા લીલીવાડી
મૂકીને ગયા’...પણ જ્ઞાની કહે છે કે અરે બાપુ! એ તો પૂર્વનાં જે પુણ્ય લઈને આવ્યો હતો તે બાળીને ચાલ્યો
ગયો... જીવનમાં આત્માની ઓળખાણ ન કરી તો તેની શી ગણતરી? પાછળ બધું રહ્યું તેમાં આત્માને શો
લાભ? એ તો આત્માના ભાન વિના મરીને ક્યાંય ચાલ્યો ગયો.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 27 of 43
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : ૮૯
જગતના ઘણા જીવો આત્માની દરકાર વગર અણશીયા ને કૂતરાં–ગલૂડીયાંની જેમ કરે છે. અહો! અનંતકાળના
અજાણ્યા જીવો...ને અજાણ્યા પંથ...તેમાં આત્માની શાંતિનું ભાન ન કરે ને આત્માની રુચિ પણ ન કરે તો જન્મ–
મરણ ક્યાંથી મટે?
(૧૯) ઈન્દ્રની ભક્તિ અને ભાવના...
અહીં વીતરાગભગવાનની ભક્તિનું વર્ણન છે, ઓળખાણ અહિતની વાત છે. જેને આત્માનું ભાન છે
અને જે એકાવતારી છે એવા ઈન્દ્રો ભગવાન પાસે ભક્તિથી નાચી ઊઠે છે...તીર્થંકરભગવાનનો જન્મ થતાં ઈન્દ્રી
આવીને ભગવાનની માતાની સ્તુતિ કરતાં કહે છે કે હે માતા! તેં જગતનો દીવો દીધો... હે જગત્દીપકની દાતાર,
માતા! તેં અમને જગતપ્રકાશક દીવો આપ્યો. હે લોકની માતા! તેં અમને જગતનો નાથ આપ્યો... તું
તીર્થંકરભગવાનની જનેતા છો... ઈન્દ્રને પોતાને ત્રણ જ્ઞાન છે, આત્માનું ભાન છે, એક ભવે મોક્ષ જવાનું છે તે
પોતાને અંદર નક્કી થઈ ગયું છે, ને આ ભગવાન તો આ જ ભવે મોક્ષ જવાના છે. જેને એકભવે મોક્ષ જવું છે
એવા ઈન્દ્ર, એ જ ભવે મોક્ષ જનારા ભગવાનના ગાણાં પેટ ભરીને ગાય છે અર્થાત્ ગાણાં ગાતા ધરાતા નથી.
ઈન્દ્રને પુણ્યની ભાવના નથી... ઈન્દ્રાસને બેસે ત્યારે ય ભાવના કરે છે કે–આ ઈન્દ્રની રિદ્ધિ તે કાંઈ અમારું નથી,
અમે તો ચૈતન્યસ્વરૂપ છીએ... અહા, ધન્ય તે ઘડી અને ધન્ય તે પળ, કે જે ટાણે મનુષ્યભવ પામી, ચારિત્ર
લઈને મુનિ થશું ને કેવળજ્ઞાન પામશું. એ ચારિત્રદશા પાસે આ ઈન્દ્રપણાની ઋદ્ધિ તો તૂચ્છ છે. ચારિત્રનું
ઉત્તમમાં ઉત્તમ સાધન જે મુનિદશા–કેવળજ્ઞાનને હથેળીમાં લેવાની તૈયારી–તેનાં તો ઈન્દ્ર પણ ગાણાં ગાય છે ને
તેની ભાવના કરે છે. મંદમતિના નાના ગજના માપે મોટી વાત ન બેસે તો પણ ત્રણ કાળમાં એમ જ છે,
મહાવિદેહમાં ભગવાનની ધર્મસભામાં એ પ્રમાણે થાય છે. જેમ મેડી ઉપરના રાચ અને વૈભવ તદ્ન હેઠે ઉભેલો
શું ભાળે? દાદરે ચડેલો દેખીને કહે કે–અહીં ઘણા વૈભવ ભર્યા છે, પણ નીચે ઉભેલો કહે કે ‘મને તો કાંઈ દેખાતું
નથી’ પણ ભાઈ! દાદરે ચડીને ઊંચે જો તો દેખાય ને? તેમ ચૈતન્યભગવાન આત્માની અનંત સમૃદ્ધિ, ને
આત્માના કેવળજ્ઞાનની સમૃદ્ધિ તેમ જ તીર્થંકરના સમવસરણની વિભૂતિ (અર્થાત્ ઊર્ધ્વગામી–આત્મારૂપી
મેડીનો વૈભવ) જોવા માટે ઊર્ધ્વગામી થા એટલે કે અંતરમાં ત્રિકાળી સ્વભાવની શ્રેણીના પગથીયે ચડ,
અંતરમાં જાગીને વીતરાગસ્વભાવને જોવાની ઓળખાણ લાવ. બહારમાં જોયે કાંઈ નહિ દેખાય, અંતરના
સ્વભાવમાં આગળ જા તો અનંત કેવળજ્ઞાનની ઋદ્ધિ દેખાશે.
(૨૦) ભગવાનની સાચી ભક્તિ અને ભગવાનનો ભેટો
આચાર્યદેવ કહે છે કે ભગવાનની ધર્મસભામાં દેવો દ્વારા જે દુન્દુભી–નગારું વાગે છે તે ભગવાનની
પ્રભુતાનો પોકાર કરી રહ્યું છે કે જગતમાં સેવવાયોગ્ય દેવાધિદેવ હોય તો તે એક આ જ છે; આના જેવો કોઈ
ઊંચો પુરુષ નથી, આના સિવાય કોઈ ત્રિલોકનાથ ન હોઈ શકે. અને ત્રિલોકનાથ ભગવાને દિવ્યધ્વનિરૂપી
નગારામાં આત્માની પ્રભુતાની ઘોષણા કરી કે બધા જીવો સ્વભાવે ભગવાન જ છે... તમે તમારા સ્વભાવને
સમજીને ધર્મ પામી જાઓ... આત્માના સ્વભાવની પૂર્ણ થયેલી દશામાં વર્તતા અરિહંતભગવાનને જે વાણી
નીકળી, તે આત્મહિતકારી વાણી કોને માન્ય છે? –કે સજ્જનોને માન્ય છે. હે નાથ! હે તીર્થંકર! જેઓ
આત્મહિતના કામી છે એવા ઊંડા પુરુષોને–આત્માર્થી પુરુષોને–આત્માની રૂડી શ્રદ્ધા ને નિર્મળજ્ઞાન કરે તેવા ધર્મી
જીવોને–આપની જ વાણી માન્ય છે. દુર્જનોએ પોતાની કલ્પનાથી જે માન્યું છે તે યથાર્થ સ્વરૂપ નથી. અજ્ઞાની
માણસો તો જાણે કે ભગવાન કાંઈક લક્ષ્મી વગેરે આપી દેશે–એમ માનીને ‘હે દીનાનાથ દયા કરજો’ –એમ
સ્તુતિમાં બોલે છે, તે ખરેખર વીતરાગદેવની સ્તુતિ નથી કરતો, પણ વિષય–કષાયની સ્તુતિ કરે છે, તેણે
વીતરાગને ઓળખ્યા નથી. ‘હે દીનબંધુ! દયા કરજો’ એમ જ્ઞાનીની ભાષામાં આવે પણ જ્ઞાની સમજે છે કે આ તો
ફક્ત ભક્તિના ઉપચારની ભાષા છે, ભગવાનને કાંઈ દયાનો રાગભાવ હોતો નથી. ને ભગવાન મને કાંઈ દેતા
નથી, મારી પ્રભુતા મારા સ્વભાવમાંથી આવવાની છે. આમ પોતાની પ્રભુતાનું ભાન રાખીને ધર્માત્મા જીવ
ભગવાનની ભક્તિ કરે છે. ‘દીનદયાળ’ એવા બિરૂદનો અર્થ સમજ્યા વગર, ખરેખર ભગવાન મને કાંઈ આપી
દેશે એમ માનીને, ભગવાન પાસેથી, કાંઈ લેવાની ઈચ્છાથી જે સ્તુતિ કરે છે તે તો પોતાને રાંકો–રાગી અને પરનો
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 28 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૫ :
ઓશીયાળો માને છે, પોતે પોતાને ગાળ દે છે–એને ધર્મ થતો નથી. જેમ સૂરજ સામે ધૂળ ઉડાડનાર ખરેખર પોતે
પોતાની આંખમાં જ ધૂળ નાંખે છે, તેમ ભગવાનને રાગી માનનાર ખરેખર પોતે પોતાના આત્માને જ ગાળ દે છે.
હે નાથ! આપને તો કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી, આપ પૂર્ણ સર્વજ્ઞતાને પામ્યા છો, ને હું હજી અધૂરો છું, તેથી
આપને ઓળખીને પૂર્ણતાની ભાવનાથી આપની ભક્તિ કરું છું. પૂર્ણતાની ભાવનાથી સો ઈન્દ્રો ને ગણધરાદિ સંતો
ચરણકમળ સેવે તેમના પ્રત્યે આપને રાગ નથી, ને કોઈ નિંદા કરે તો તેના પ્રત્યે દ્વેષ નથી. મારું પૂર્ણ સ્વરૂપ
અંતરમાં છે તે પ્રગટતાં વચ્ચે વિકલ્પ ઊઠ્યો છે એટલે હે વીતરાગ નાથ! વચ્ચે આપને રાખીને વંદન કરું છું.
પરમાર્થે તો ભગવાનની ભક્તિ એટલે આત્માની ઓળખાણ અને બહુમાન; તેમાં વચ્ચે વિકલ્પ ઊઠ્યો તે વ્યવહાર
ભક્તિ છે, રાગ છે; તે રાગના ફળમાં પુણ્ય બંધાય અને બાહ્યમાં સાક્ષાત્ ભગવાનનો ભેટો થાય.. ને અંદરની
પરમાર્થ ભક્તિના ફળમાં પોતાની પરમાત્મદશા પ્રગટે. આત્મા શુદ્ધ છે તેની શ્રદ્ધા અને સ્થિરતારૂપી ભક્તિ જામી
જાય તો અંદરના ભગવાનનો ભેટો થાય.
શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતાં આચાર્યદેવ કહે છે કે હે નાથ! આપનાં જ વચનો સજ્જનોને માન્ય
છે; કેમ કે તત્ત્વનો નિર્ણય કરવામાં ભગવાનનું વચન કામ કરે છે તેવું અન્ય કોઈનું વચન ઉપયોગી થતું નથી.
માટે સજ્જનો આપની વાણી સિવાય કોઈને આદરતા નથી. ‘એવા શાંતિનાથ ભગવાન અમારું રક્ષણ કરો;
રક્ષણનો અર્થ શું? કે મારા આત્મસ્વરૂપની જેટલી દશા પામેલો છું ત્યાંથી હેઠે પડું નહિ ને આગળ વધીને પૂરો
થાઉ–એનું નામ આત્માનું રક્ષણ છે. પોતે પોતાના ભાવથી તેવું રક્ષણ કરે છે ત્યાં વિનયથી કહે છે કે ‘શ્રી
શાંતિનાથ ભગવાન અમારું રક્ષણ કરો.’
(૨૧) દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન નિરાલંબી જિનેન્દ્રની સ્તુતિ
પહેલાં શ્લોકમાં ત્રણ છત્રનું વર્ણન કરીને ભગવાનની સ્તુતિ કરી, બીજા શ્લોકમાં દેવ દુન્દુભીનું વર્ણન
કરીને ભગવાનની સ્તુતિ કરી, હવે ત્રીજા શ્લોકમાં સિંહાસનનું વર્ણન કરીને ભગવાનની સ્તુતિ કરે છે–
दिव्यस्त्रीमुखपंकजैकमुकुर प्रोल्लासिनानामणि
स्फारीभूतविचित्ररश्मिरचिता नम्रामरेन्द्रायुधैः।
सच्चित्रीकृतवातवर्त्मनिलसत्सिंहासने यः स्थितः
सोऽस्मानू पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।३।।
દેવાંગનાઓના મુખકમળરૂપી એક દર્પણમાં દેદીપ્યમાન અનેક પ્રકારના રત્નોના ચારે બાજુ ફેલાયેલા
કિરણો વડે રચાયેલું તથા નમતું જે ઈન્દ્રધનુષ, તેનાથી ચિત્રવિચિત્ર થયેલા આકાશમાં દિવ્ય સિંહાસન ઉપર જે
બિરાજમાન છે એવા નિરંજન જિનેન્દ્રદેવ શ્રી શાંતિનાથ ભગવાન સદા અમારી રક્ષા કરો.
જુઓ, આચાર્યદેવની ભક્તિ! ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન ધર્મસભામાં બિરાજતા હોય છે ને ઈન્દ્ર–
ઈન્દ્રાણી તેમને નમસ્કાર કરે છે. તે દેવાંગનાના મુખને દર્પણની ઉપમા છે, તે દર્પણમાં રત્નોના પ્રતિબિંબ પડે છે,
ને તેના પ્રકાશની ઝાંઈથી આકાશમાં જુદી જુદી જાતના રંગ થાય છે તેથી ઈન્દ્રધનુષ જેવું લાગે છે. –એવા
આકાશની વચમાં દિવ્ય–સિંહાસન ઉપર હે નાથ! આપ બિરાજો છો. છત્ર, દુંદુભી ઈન્દ્રાણી કે સિંહાસન વગેરે
જોતાં અમને તો એક ભગવાન જ યાદ આવે છે.. એક ભગવાનનની જ મુખ્યતા ભાસે છે. હે નાથ! તારા
પુણ્યની અલૌકિક ઋદ્ધિમાં જ્યાં નજર કરું છું ત્યાં સારમાં સાર એવા એક આપને જ દેખું છું. સમવસરણમાં
ભગવાન સિંહાસનથી પણ ચાર આંગળ ઊંચે આકાશમાં નિરાલંબીપણે બિરાજે છે. તે નિરાલંબી ભગવાનને
જોતાં, સારમાં સાર નિર્મળ નિરાલંબી ભગવાન આત્માનું લક્ષ થાય છે. જેમ ભગવાનનો દેહ નિરાલંબી છે તેમ
આત્માનો સ્વભાવ પણ નિરાલંબી છે. જેમ સમવસરણમાં સંયોગને ન જોતાં ભગવાનને જ મુખ્ય ભાળું છું તેમ
અહીં પણ, સંયોગને ન જોતાં અંદરમાં ચૈતન્ય ભગવાન બિરાજે છે તેને જ ભાળું છું. આ દેહ–મન–વાણી વગેરે
ચિત્ર વિચિત્ર પદાર્થો છે, તે સંયોગ વિનાનો એકલો ભગવાન અંદર બિરાજે છે ત્યાં જ મારી દ્રષ્ટિ પડી છે. આવો
આત્મા સારમાં સાર છે. હે નાથ! હું આવા પૂર્ણ વીતરાગ સ્વભાવનો દાસ છું, એ સિવાય અધૂરાનો દાસ નથી.
––આમ પહેલાંં પૂર્ણ સ્વભાવને શ્રદ્ધામાં–રુચિમાં લેવો તે ધર્મ છે.
(૨૨) ધર્મ
ધર્મ એટલે શું? કે ‘
धारयतीति धर्मः’ એટલે કે જે
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 29 of 43
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ : ૮૯
ધારી રાખે તે ધર્મ છે. અખંડ શુદ્ધ આત્માને સમ્યક્ શ્રદ્ધામાં ધારી રાખવો ને અવગુણમાં ન પડવા દેવો તેનું નામ
ધર્મ છે. પહેલાંં ઊંધી શ્રદ્ધામાં વિષય–કષાય વગેરેનું ધારણ હતું તે અધર્મ હતો ને તેનાથી જીવ સંસારમાં પડતો
હતો. તેને બદલે હવે ચૈતન્યમૂર્તિ વીતરાગી આત્મસ્વભાવને શ્રદ્ધામાં ધારણ કર્યો ને આત્માને સંસારમાં પડતાં
ધારી રાખ્યો–અટકાવ્યો–તે ધર્મ છે. પહેલાંં આવી આત્માની શ્રદ્ધા કરવી તે ભગવાનની સાચી ભક્તિ છે. આ
સિવાય ભગવાનની ભક્તિથી શરીરાદિ સામગ્રીની રક્ષા થવાનું ભગવાન પાસે માંગે તો તે અજ્ઞાની છે,
ભગવાનનો ભક્ત નથી.
(૨૩) ભગવાનના ભક્તની ભાવના કેવી હોય?
‘અહો! મારો આત્મા ભગવાન જેવો સર્વજ્ઞ વીતરાગ પરિપૂર્ણ છે’ –આમ સમજીને જે ભગવાનની
ભક્તિ કરે તે જીવ જગતની કઈ ચીજની સ્પૃહા રાખે? –જગતની કઈ ચીજનો આદર કરે? અત્યારે તો કોઈ
એમ પણ માને છે કે ‘ભગવાન પાસે ભક્તામર–સ્તોત્ર બોલીએ તો અન્ન–વસ્ત્ર વગરના ન રહીએ.’ અરે
ભાઈ! શું ભગવાન પાસે તે આવી આશા હોય? જ્ઞાની તો ભાવના કરે છે કે હે નાથ! અમારું રક્ષણ કરો
એટલે કે અમારા આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન ને વીતરાગતા પ્રગટ થાવ... વીતરાગી પરિણામમાં ભગવાનનું
નિમિત્ત છે એટલે, ‘ઘીના ઘડા’ ની જેમ, ‘ભગવાન અમારી વીતરાગતાનું રક્ષણ કરો’ એમ વ્યવહારથી
કહેવાય છે, પણ ખરેખર ભગવાન પાસેથી કાંઈ લેવાનું નથી, આત્માનો પોતાનો સ્વભાવ ક્યાં અધૂરો છે
કે તે કોઈક પાસે રક્ષણ માંગે? ધર્મસભામાં વીતરાગી ત્રિલોકનાથ પરમાત્માએ જ્યારે ધર્મની પ્રરૂપણા કરી
ત્યારે જે જીવો સ્વભાવ સમજ્યા તેઓ ધર્મ પામ્યા... એટલે ભગવાન તેના ધર્મમાં નિમિત્ત થયા. ત્યાં તે
જીવોને ભગવાન પ્રત્યે ભક્તિ ઊછળે છે. ભગવાનના ઉપદેશ વખતે તે ઝીલીને ધર્મ પામનારા જીવો ન હોય
એમ બને નહિ.
(૨૪) તીર્થંકરની વાણી છૂટે ત્યાં ધર્મની વૃદ્ધિ કરનારા જીવો હોય જ.
મહાવીર ભગવાનને વૈશાખ સુદ ૬ સમે કેવળજ્ઞાન થયું પણ છાંસઠ દિવસ સુધી વાણી ન છૂટી... ઈન્દ્ર
વિચારે છે કે–આ શું? ભગવાનને ત્રિકાળી જ્ઞાન થયું... શરીરના રજકણો સ્ફટિક જેવા ઊજળા થઈ ગયા... દેહ
અધર આકાશમાં પાંચસો ધનુષ ઊંચે ચડી ગયો...સમવસરણની રચના થઈ... બાર સભા ભરાણી... છતાં
ભગવાનની વાણી કાં ન છૂટે? તેણે ઉપયોગ મૂકીને જ્ઞાનમાં જોયું કે ભગવાનની ઉત્કૃષ્ટ વાણી ઝીલી શકે તેવા
ગણધરપદને લાયક પુરુષની સભામાં ગેરહાજરી છે. અને એવા સમર્થ શ્રી ઈન્દ્રભૂતિ (–ગૌતમ) છે. પછી ઈન્દ્ર
તેમની પાસે જઈને, ભગવાન સાથે વાદવિવાદ કરવાના બહાને તેને તેડી લાવે છે... માનસ્થંભ પાસે આવતાં જ
ઈન્દ્રભૂતિનું માન ગળી જાય છે... ભગવાનની દિવ્યવાણીની ધારા છૂટે છે ને ઈન્દ્રભૂતિ ગણધર થાય છે... પહેલાંં
તો તે પહેલી ભૂમિકામાં હતા ને હવે છઠ્ઠી–સાતમી ભૂમિકામાં વિચરવા લાગ્યા. અહીં વાણીની લાયકાત અને
સામે ગણધરપદની લાયકાત–એવો મેળ સહેજે થઈ જાય છે. તીર્થંકરભગવાનની દેશના છૂટે ત્યાં તે ઝીલીને
ધર્મની વૃદ્ધિ કરનારા જીવો–ગણધર વગેરે તૈયાર હોય જ છે. ભગવાનની વાણી નીકળે ને સભામાં ધર્મની વૃદ્ધિ
ન થાય–એમ કદી બને નહિ. સામે ગણધર ન હતા તો અહીં ભગવાનની વાણી પણ ન નીકળી, જુઓ મેળ!
વાણી ઝીલનાર ન હોય ને ભગવાનની વાણી એમ ને એમ નીકળી જાય–એમ કદી બને નહિ. આ જે વાત
કહેવાય છે તે ત્રણે કાળે સત્ય છે, પૂર્વ સાધકદશામાં ધર્મવૃદ્ધિના ભાવે વાણી બંધાણી, તે વાણી બીજાને ધર્મ
પમાડનારી છે... તીર્થંકર ભગવાનની વાણી ધર્મ પામવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે... તે વાણી છૂટે ને ધર્મનો લાભ
પામનાર જીવો ન હોય એમ બને નહિ. જેમ–જ્યાં ચક્રવર્તી પાકે ત્યાં ચૌદ રત્નો પણ જગતમાં પાકે છે, તેમ જ્યાં
તીર્થંકર પાકે ત્યાં ગણધર વગેરેની લાયકાતવાળા જીવો પણ પાકે છે. વીતરાગની ઉત્કૃષ્ટવાણી ને જીવોની
લાયકાતનો મેળ ખાતાં મોક્ષના કણસલાં પાકે છે. જેમ કલ્પવૃક્ષ પાકે ને તેનું ફળ લેનારા ન હોય તેમ ન બને.
તેમ જ્યાં તીર્થંકર ભગવાન પાકે ત્યાં તેમનો ઉપદેશ ઝીલીને મોક્ષ પામનારા જીવો ન હોય એમ બને નહિ. એવા
શ્રી સીમંધરાદિ તીર્થંકર ભગવાન અત્યારે મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે, અને ત્યાં ઘણા જીવો મોક્ષ પામે છે..
તે સીમંધર ભગવાનની આપણે અહીં સ્થાપના થવાની છે.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 30 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૭ :
... શ્રી સીમંધરનાથના પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગુરુદેવના શ્રીમુખથી વહેલી...
ભક્તિ–સરિતા
તીર્થધામ સોનગઢમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુની પંચકલ્યાણક
પ્રતિષ્ઠાના અઠ્ઠાઈ મહોત્સવમાં, વીર સં. ૨૪૬૭ ના માહ વદ ૦)) ના રોજ
પ્રભુશ્રીના જન્મકલ્યાણક પ્રસંગે પદ્મનંદી પચીસીના શાંતિનાથસ્તોત્ર ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન










(૨પ) ભગવાનનો જન્મ અને ઈન્દ્રોની ભક્તિ
આ વીતરાગ ભગવાનની સ્તુતિ ચાલે છે. જે વીતરાગસ્વરૂપના ગાણાં ગાય તેના અંતરમાં રાગની
પુણ્યની હોંસ ન હોય. જે જીવ વીતરાગતાના ગાણાં ગાય તે સંસાર ભાવની હોંસ કેમ કરે? એકની રુચિ થતાં
બીજાની રુચિ ટળી જાય છે. અસંખ્ય દેવોના લાડા શક્રેન્દ્ર ને ઐશાનેન્દ્ર પણ ભગવાનનો જન્મ થતાં મોટો
જન્મોત્સવ કરવા આવે છે ને જન્માભિષેક કરીને ભક્તિથી થૈ થૈ કરતાં નાચે છે. હે તીર્થંકરનાથ! તારી ભક્તિની
શી વાત કરીએ? સાધારણ જીવોના કાળજે તારી ભક્તિની વાત બેસવી કઠણ પડે તેવી છે.
તીર્થંકરના પુણ્ય અલૌકિક હોય છે...જેનાથી તીર્થંકરપદ ચક્રવર્તીપદ; ઈન્દ્રપદ, બળદેવ–વાસુદેવ પદ મળે
એવાં પુણ્ય આત્મજ્ઞાની સિવાય બીજાને ન બંધાય. ભગવાનને પૂર્વે આત્માનું ભાન હતું... વીતરાગસ્વરૂપની
ઓળખાણ હતી.. તે ઓળખાણ પોતે પુણ્યબંધનનું કારણ નથી પણ રાગનો ભાગ બાકી હતો તે રાગથી પુણ્ય
બંધાયા. જેમ વહાલા પુત્રને જોતાં માતાનું હૈયું પ્રેમથી નાચી ઊઠે તેમ ભગવાનને જોતાં ઈન્દ્રો ભક્તિથી નાચી
ઊઠે છે.
જેને આત્માના વીતરાગ સ્વરૂપની પ્રીતિ થઈ છે તેને ત્રિલોકનાથ તીર્થંકર વીતરાગ પરમાત્માને દેખતાં
અંતરમાં ભક્તિનો પોરહ ચડે છે. ઈન્દ્ર–ઈન્દ્રાણી જેવા એકાવતારી ધર્માત્માઓ પણ તીર્થંકરનો જન્મ થતાં ભક્તિ
કરવા આવે છે. ઈન્દ્રાણી તે બાળકને લઈને ઈન્દ્રના હાથમાં આપે, ઈન્દ્ર હજાર નેત્ર બનાવીને ભગવાનને નીરખે
તોય તેને તૃપ્તિ ન થાય. પોતે સમકિતી છે ને એક ભવે મોક્ષ જવાના છે પણ જ્યાં ભગવાનને હાથમાં તેડે છે ત્યાં
અંદરથી પાનો ચડી જાય છે... ત્યાં વીતરાગતાના બહુમાનના જોરે ભવના ભૂક્કા ઊડી જાય છે.
(૨૬) ધર્મીને ભગવાનની ભક્તિ ઊછળ્‌યા વિના રહશે નહિ.
ત્રણ ખંડના ધણી શ્રી કૃષ્ણ, તેની માતા દેવકી; તેને નાનપણથી કૃષ્ણનો વિયોગ પડ્યો છે... પછી જ્યારે
ઘણા કાળે કૃષ્ણને દેખે છે ત્યારે તેને દેખતાં જ ‘અહો! મારા કૃષ્ણ’ એમ પુત્ર પ્રેમથી તેનું હૈયું ફૂલાય છે ને
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 31 of 43
single page version

background image
: ૧૦૮ : આત્મધર્મ : ૮૯
સ્તનમાંથી દૂધની ધાર છૂટે છે. પુત્રને તો કાંઈ હવે દૂધની જરૂર નથી પણ માતાના સ્તનમાંથી દૂધ છૂટ્યા વિના નહિ રહે... તેમ
આત્મા વીતરાગસ્વરૂપ ચૈતન્યમૂર્તિ આનંદઘન છે તેની જેને રુચિ હોય તે જીવને, બાહ્યમાં પણ વીતરાગતાના નિમિત્તભૂત
અરિહંત પરમાત્માને જોતાં જ ‘અહો મારા ભગવાન...’ એમ ભક્તિ ઊછળ્‌યા વિના રહેતી નથી, જગત્ગુરુ તીર્થંકરને જોતાં
જ અંદરથી ભક્તિનો આહ્લાદ જાગે છે. ભગવાન તો વીતરાગ છે તેને કાંઈ ભક્તિની જરૂર નથી પણ જેને વીતરાગતાની
સાચી પ્રીતિ છે તેને ભક્તિનો ભાવ ઊછળ્‌યા વગર રહેશે નહિ. અત્યારે ભરતક્ષેત્રે સાક્ષાત્ ભગવાનના તો વિરહ પડ્યા છે...
સાક્ષાત્ વીતરાગ પ્રભુના વિરહમાં તેમની વીતરાગી મૂદ્રાવાળી પ્રતિમાને જોતાં ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ કરે છે, ને
પ્રતિમામાં પણ ‘અહો! આ ભગવાન જ છે’ એમ પોતાના ભાવનો નિક્ષેપ કરે છે. પં. બનારસીદાસજી કહે છે કે–
કહત બનારસી અલપ ભવ થિતિ જાકી
સોઈ જિનપ્રતિમા પ્રમાનૈ જિન સારખી.
ધર્મીને અંતરમાં વીતરાગી આત્મસ્વરૂપ ભાસ્યું છે પણ હજી પૂરી વીતરાગતા થતી નથી એટલે વીતરાગ
પ્રભુનું બહુમાન કરે છે. આત્માના વીતરાગપણાની ભાવનાના ઉલ્લાસપૂર્વક વીતરાગ ભગવાનની સ્થાપના કરે
છે, અને તેમની ભક્તિ કરે છે.
(૨૭) ધન્ય એ અલંકાર યુક્ત ભક્તિ!
અહીં પદ્મનંદી આચાર્યદેવ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરે છે. તેમાં પાંચમાં શ્લોકમાં કહે છે કે ‘હે
નાથ! તારા ભામંડળની દિવ્યતા પાસે આ સૂરજ અને ચંદ્ર પણ ઝાંખા લાગે છે... જાણે કે અગ્નિના બે તણખા
હોય, અથવા તો સફેદ વાદળાનાં ટુકડા હોય’ આચાર્યદેવ જ્યાં ત્યાં ભગવાનનો મહિમા જ ભાળી રહ્યા છે...
‘હરતાં ફરતાં પ્રગટ હરિ દેખું રે...
મારું જીવ્યું સફળ તવ લેખું રે...’
સમસ્ત પાપને ટાળીને આત્માનો આનંદ જેમણે પ્રગટ કર્યો છે એવા ત્રિલોકનાથ ભગવાનને અહીં ‘હરિ’
તરીકે સંબોધીને કહે છે કે અમારા પાપોનો નાશ કરનાર હે હરિ! આકાશમાં ઊડતા આ સૂરજ ને ચંદ્ર તો
વાદળના કટકા જેવા લાગે છે. જ્યારે મેરુ પર્વત ઉપર આપનો જન્માભિષેક થયો અને ઈન્દ્રે આપની ભક્તિ કરી,
ત્યારે આપની ભક્તિ કરતાં તેના હાથ પહોળા થઈને વાદળાં સાથે અથડાતાં વાદળના ટુકડા થઈ ગયા, તેમાંથી બે
કટકા આ સૂરજ ને ચંદ્ર તરીકે હજી આકાશમાં ઊડે છે! જુઓ અલંકાર અને ભક્તિ! આચાર્યદેવ જ્યાં ને ત્યાં
ભગવાનને અને ભગવાનના કલ્યાણકને તથા ઈન્દ્રની ભક્તિને જ ભાળે છે. સૂર્ય–ચંદ્રને દેખતાં પણ હે નાથ!
તારા કલ્યાણક જ યાદ આવે છે. હે નાથ! જેમ ઈન્દ્ર ભક્તિ કરતા હતા ત્યારે આકાશમાં ઘનઘોર વાદળાના કટકા
થઈ ગયા, તેમ તારી વીતરાગતાની ભક્તિથી અમારા આત્મા ઉપર જે કર્મનાં વાદળ હતાં તે ફાટી ગયાં.
વાહ રે વાહ! પદ્મનંદી આચાર્યદેવની ભક્તિ! આ પદ્મનંદી આચાર્યદેવ મહાન દિગંબર સંત હતા...
જંગલમાં વિચરતા... આત્માના આનંદની રમણતામાં ઝૂલતા હતા... મહા વીતરાગી હતા... તેમને વિકલ્પ ઊઠતાં
વીતરાગ ભગવાનની આ સ્તુતિ કરી છે. તેમાં અલંકારથી કહે છે કે હે નાથ! આકાશમાં આ વાદળનાં કટકા નથી
પણ તારી સ્તુતિ કરતાં કર્મના કટકા થાય છે, કર્મરૂપી વાદળ ફાટીને તેના કટકા ઊડી ઊડીને ત્યાં જાય છે.
આકાશમાં વાદળાં દેખતાં અંતરમાં એમ થાય છે કે હે નાથ! હું તો તારી ભક્તિથી નિર્મળ થઈ ગયો છું, ને મારા
કર્મના કટકા ઊડીને ત્યાં ચોંટયા છે. જુઓ! વીતરાગતાનું બહુમાન!
વળી હે નાથ! આકાશમાં દેખાતા સૂર્ય–ચંદ્ર પણ આપના ભામંડળ પાસે અગ્નિના અંગારા જેવા લાગે છે.
કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ કરવા માટે આપે જ્યારે ઊગ્ર ધ્યાનઅગ્નિ પ્રગટાવીને કર્મોને બાળી નાંખ્યા ત્યારે તેના તણખાં ઊડીને
હજી સૂર્ય–ચંદ્રરૂપે આકાશમાં ફરે છે. હે નાથ! તારા ધ્યાનાગ્નિથી બળેલા કર્મના રજકણો (સૂર્ય ને ચંદ્ર) પણ જગતમાં પ્રકાશ
કરે તો તારા દિવ્ય કેવળજ્ઞાન પ્રકાશની તો વાત શું કરવી? આમ ભગવાનના કેવળજ્ઞાનની સ્તુતિ કરી કરીને આચાર્યદેવે
પોતાના કેવળજ્ઞાન ભાવનાને મલાવી છે. અંદર પૂર્ણ સ્વભાવનું બહુમાન જાગ્યું છે તે વીતરાગનાં ગાણાં ગવરાવે છે.
(૨૮) ધર્માત્માની, વીતરાગતાપોષક ભક્તિ
ત્રિલોકનાથ તીર્થંકર પ્રભુને જોતાં ઈન્દ્ર ભક્તિથી વિચારે છે કે હે નાથ! તમારી ને મારી સત્તા જુદી પણ સ્વભાવ
સરખો આપને તે સ્વભાવ પૂરો પ્રગટ્યો છે ને અમે હજી અધૂરા છીએ... પર્યાયે આંતરા પડ્યા છે... પણ હે નાથ! સ્વભાવના
જોરે હું તે આંતરો તોડી નાંખીશ. જે આમ જાણે તેને ભગવાન પ્રત્યે ભક્તિ ઊછળે છે. જે આમ ન જાણે તેને યથાર્થ ભક્તિ
ક્યાંથી ઉલ્લસે? વિષય–કષાયના પાપ ભાવો ટાળવા અને વીતરાગતાની ભાવના પોષવા વીતરાગભગવાનની ભક્તિ
જિજ્ઞાસુને આવે છે. રાગ હોવા છતાં જેને વીતરાગભગવાનની ભક્તિ નથી ગોઠતીં તે તીવ્ર મૂઢ છે. અહો! જેમના આત્માની
તો વાત જ શું કરવી, પણ જેમના દિવ્ય શરીરના તેજમાં
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 32 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૯ :
હજારો સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય એવા તીર્થંકરભગવાનના ગાણાં ઈન્દ્રો અને ગણધરો ગાય તોય પૂરા નથી
પડતાં! અત્યારે મહાવિદેહમાં દૈવી સમવસરણને વિષે ગંધકૂટી ઉપર સિંહાસનથીયે ચાર આગળ ઊંચે શ્રી સીમંધર
ભગવાન બિરાજી રહ્યા છે. ત્યાં કલ્પવૃક્ષનાં ફળથી ને મણીરત્નોના દીપકથી ભગવાનની પૂજા કરતાં સમકીતિ
ચક્રવર્તી કહે છે કે હે જિનેન્દ્ર! આપની વીતરાગતાની ભક્તિ કરવા માટે મારી પાસે કાંઈ નથી... હે નાથ! પૂર્ણ
વીતરાગતાનું ભાન છે ને વીતરાગતાનો અંશ પ્રગટ્યો છે; જ્યારે અંદરથી પૂરી વીતરાગતા પ્રગટ કરશું ત્યારે
આપની ભક્તિ પૂરી થશે. જ્યાં રાગ વગરના આત્માની શ્રદ્ધા થાય ત્યાં સ્થૂળ રાગભાવો તો ટળી જ જાય એટલે
કુદેવાદિનો રાગ ટળીને વીતરાગભગવાન પ્રત્યે ભક્તિ જાગ્યા વિના ન રહે.
(૨૯) જિનેન્દ્ર ભક્તિનો ઉલ્લાસ કોને ન આવે.!
કોઈ જીવ સંસારખાતર તો ચોવીસે કલાક પાપનાં પરિણામ સેવે ને ભગવાનની ભક્તિનો પ્રસંગ આવતાં
શિથિલ થાય તો તે પાપી છે, પાખંડી છે, અજ્ઞાની છે, આચાર્યદેવ તેને જૈન સંપ્રદાયમાં ગણતા નથી. જૈન કહેવડાવે અને
જિનેન્દ્ર ભગવાનની ભક્તિ ન ઊછળે, તો તે જૈન શેનો? અને સાથે સાથે એ પણ સમજવું કે ધર્મી જીવ તે ભક્તિના
રાગને ધર્મ નથી માનતા. ભગવાનની ભક્તિ વખતેય ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર પડી છે, શુદ્ધદ્રષ્ટિપૂર્વક જેટલો
રાગ ટળ્‌યો તેટલો લાભ છે, જે રાગ રહ્યો તે ધર્મ નથી. અજ્ઞાની તો ભડકે છે કે ‘હાય! –હાય! ભગવાનની ભક્તિથી
મુક્તિ ન થાય? –ભગવાનની ભક્તિથી ધર્મ ન થાય?’ હા. ભાઈ! સત્ય તો ત્રણે કાળે એમ જ છે. ભક્તિના રાગથી
તો પુણ્યબંધન જ થાય છે. અને ‘હું શુદ્ધ જ્ઞાન છું’ –એવો જે શુદ્ધસ્વભાવ ઉપરનો અભિપ્રાય રહે તે ધર્મ, અને મુક્તિનું
કારણ છે, તે જ ભગવાનની નિશ્ચયભક્તિ છે. જ્યારે જ્યારે ભગવાનની ભક્તિના ટાણાં આવે ત્યારે આ વાત દ્રષ્ટિમાં
રાખવી. હમણાં તો ભગવાન પધારે છે એટલે આઠેય દિવસ ભગવાનને ભાવવાના છે. કોઈ પૂછે કે ભગવાનને
ભાવવાથી શું થવાનું? તો કહે છે કે ભગવાનને ભાવવાથી ભગવાન થવાના! જેને જેનો રંગ લાગે તેનું ત્યાં વલણ વળે.
સૂતાં ને જાગતાં જેને સર્વજ્ઞ ભગવાનનો રંગ લાગ્યો અને મારો આત્મા ભગવાન જેવો–એવું ભાન થયું તેનું વલણ
આત્મા તરફ વળીને તે ભગવાન થયા વિના રહે નહિ. અહો, અંદર વિચારો કે ‘હું ક્યાં ઊભો છું!’ જૈન વાડામાં
જન્મીને પણ કદી ભગવાનની ભક્તિના પાનાં ચડયા નહિ... રંગ લાગ્યા નહિ, તો તે અંદરના ભગવાન તરફ તો વળે
ક્યાંથી?
ભગવાનની ભક્તિની વાત આવે ત્યાં કોઈ એમ કહે કે ‘ભક્તિ તો રાગ છે ને તેનાથી પુણ્યબંધન થઈ જાય, માટે
અમને ભક્તિનો ઉલ્લાસ નથી આવતો!’ તો તેને કહે છે કે હે ભાઈ! જો તું વીતરાગપણે રહી શકતો હો તો તારી વાત
સાચી, પણ હજી સ્ત્રી, લક્ષ્મી, શરીરાદિના અશુભ પાપ રાગમાં તો તને ઉલ્લાસ આવે છે ને ભગવાનની ભક્તિના ટાણે
ઉલ્લાસ નથી આવતો ને ત્યાં પુણ્યબંધન કહીને તે વાત ઊડાડે છે, તો તું શૂષ્ક સ્વછંદી છે. શ્રીમદે એક ગાથામાં કહ્યું છે કે
ઉપાદનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,
પામે નહિ સિદ્ધત્ત્વનો રહે ભ્રાંતિમાં સ્થિત ૧૩૬.
ઉપાદાનનો જે શુદ્ધભાવ છે તે તો પ્રગટ્યો નથી ને નિમિત્તરૂપ વીતરાગ ભગવાનની ભક્તિને પણ છોડી
દે છે, તો તે તો એકલા પાપમાં પડીને સંસારમાં જ રખડશે. નિમિત્તનો રાગ આદરણીય નથી એ વાત સાચી.
પરંતુ, તે કથન પકડીને જે વીતરાગી નિમિત્તોની ભક્તિ છોડીને સંસારના નિમિત્તોના રાગને પોષે છે તેને તો
પુણ્ય–પાપનોય વિવેક નથી, નિમિત્તનોય વિવેક નથી, તો તેને ઉપાદાનમાં ધર્મ હોય નહિ.
(૩૦) ભક્તોની ભક્તિ
પરને માટે તો કોઈ કાંઈ કરતું જ નથી, માત્ર પોતાના ભાવને પોષે છે. બાયડીના શરીર ઉપર દાગીના વગેરે
દેખીને પોતાનો પાપરાગ પોષાય છે તેથી તે રાગને ખાતર દાગીના–વસ્ત્ર વગેરે લાવીને સ્ત્રીને આપે છે. તેમ વીતરાગ
ભગવાનને દેખતાં ધર્મીને પોતાની વીતરાગ ભાવના પોષાય છે એટલે ત્યા તેને ભક્તિ આવ્યા વિના રહે નહિ. તે કાંઈ
ભગવાનને ખાતર ભક્તિ કરતો નથી પણ પોતાને તે જાતનો શુભરાગ આવે છે તેથી ભક્તિ કરે છે. જેમ સ્ત્રીના
રાગીને સ્ત્રીને મળતાં હોંશ આવે છે તેમ વીતરાગતાના પ્રેમીને વીતરાગ ભગવાનને ભેટતાં હોંશ આવે છે. ભગવાનના
ભક્ત ભગવાન પાસે જઈને કહે છે કે હે નાથ! હે પ્રભુ! આપની વીતરાગતાના પ્રેમથી આપને મળવા આવ્યો છું...
પ્રભુ! મારા અંતરમાં તારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે તે બીજા શું જાણશે? નાથ! આપ જાણો ને હું જાણું! હે નાથ! તારી
વીતરાગી મૂદ્રા નીહાળતાં નીહાળતાં અંદરથી એવો આહ્લાદ આવી જાય છે કે જાણે હમણાં અંદરથી પ્રભુતા પ્રગટી... કે...
પ્રટગશે? હે નાથ! તને ભાળતાં હું મારી પ્રભુતાને જ ભાળું છું... મારા જ્ઞાનને જ ભાળું છું જુઓ! આ ભક્તિના ટાણાં
આવ્યા છે... આવા મોંઘા દિવસો બહું ઓછા આવે છે. સંસારની પ્રીતિ ઘટાડીને
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 33 of 43
single page version

background image
: ૧૧૦ : આત્મધર્મ : ૮૯
વીતરાગ ભગવાનની ઓળખાણ કરીને તેમનાં ગાણાં પાત્ર જીવો ગાય છે... તેમાં તેમની રુચિ તો ભગવાન જેવા
પોતાના શુદ્ધ આત્મસ્વભાવ ઉપર જ પોષાય છે.
(૩૧) ‘જ્યાં જોઉં ત્યાં નજરે પડતી ભક્તિ જિનેન્દ્ર તારી!’
હવે, શ્રી તીર્થંકરભગવાનના સમવસરણમાં જે અશોકવૃક્ષ હોય છે તેમાં અલંકાર કરીને ભગવાનની
સ્તુતિ કરતાં છઠ્ઠા શ્લોકમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–હે નાથ! આ અશોકવૃક્ષ પણ આપની ભક્તિ જ કરી રહ્યું
છે. કઈ રીતે? તેના ખીલેલાં પુષ્પો ઉપર બેઠેલા ભમરાઓનો જે ગૂંજારવ છે તે એવો લાગે છે કે જાણે અશોકવૃક્ષ
આપના નિર્મળયશના ગુણગાન જ કરી રહ્યું છે... અને પવનથી કંપતી તેની ડાળીઓનો અગ્રભાગ જોતાં એમ
લાગે છે કે તે પોતાના હાથે ફેલાવીને આપની પાસે ભક્તિથી નૃત્ય કરી રહ્યું છે... જુઓ! આચાર્યદેવને પોતાને
ભગવાન પ્રત્યે ભક્તિ છે એટલે અશોકવૃક્ષને પણ ભગવાનની ભક્તિ કરતું ભાળે છે. –ભાવ તો પોતાનો છે ને!
વાહ રે વાહ, મુનિ તારી ભક્તિ! તારી ભક્તિએ તો અશોકવૃક્ષને પણ ભાષા આપીને બોલતું કરી દીધું! હે
જિનેન્દ્ર! મન વિનાનું આ અશોકવૃક્ષ પણ જ્યાં તારી સ્તુતિ કરી રહ્યું છે તો પછી મનવાળા એવા મુનીન્દ્રો ને
દેવેન્દ્રો આપની સ્તુતિ કરે એમાં શું આશ્ચર્ય?–આમ કહીને, જેને ભગવાન પ્રત્યે ભક્તિ નથી જાગતી તેના ઉપર
આચાર્યદેવે કટાક્ષનો પ્રહાર કર્યો છે. હે નાથ! તારા જ્ઞાનાદિ ગુણોની સુગંધથી આકર્ષાઈને ભમરાને પણ ગૂંજારવ
વડે તારી સ્તુતિ કરવાનું મન થયું, તો પછી બીજા કોને આપના પ્રત્યે ભક્તિ ન જાગે? ઈન્દ્ર વગેરે તારા ગુણોની
સ્તુતિ કરે તેમાં શી નવાઈ? અંદર એકદમ નિર્માનતાપૂર્વક આચાર્યદેવ સ્તુતિ કરે છે. સ્તુતિમાં પણ વીતરાગતાનું
જ ઘોલન ચાલે છે, અલ્પ રાગ છે તેનું ધણીપણું નથી. સ્વરૂપની વીતરાગી અવસ્થા પ્રગટી તેમાં અભિમાન શેનું
રહે? અભિમાન તો મેલ છે. નિર્મળ અવસ્થા પ્રગટી તેમાં મેલ હોય નહિ.
(૩૨) ભક્તિરસમાં ભીંજાયેલા ભક્તોનાં હૃદય કોણ જાણશે?
અહીં તો આચાર્યદેવે સ્તુતિ કરી છે; ઈન્દ્ર વગેરે પણ ભગવાન પાસે એવી ભક્તિ કરે કે અત્યારના
સાધારણ પ્રાણીથી તો જીરવાય નહિ, એને તો એમ જ થઈ જાય કે અરે! આ શું? પણ ભાઈ! ભક્તિ શું છે
તેનું તને ભાન નથી. જગતડાં કહે છે કે ભગતડાં ઘેલા છે, પણ ઘેલા ન જાણશો રે.. એ તો પ્રભુને ઘેર
પહેલાંં છે. વળી જગતડાં કહે છે કે ભગતડાં કાલા છે, પણ કાલા ન જાણશો રે... એ પ્રભુને ત્યાં વહાલા છે.
કોઈ કહેશે કે ‘અરે! આચાર્યે કેવી સ્તુતિ કરી? શું ભમરા તે કોઈ દી ભક્તિ કરતા હશે? –આવી સ્તુતિ તો
એમ સાધારણ પણ ન કરીએ; તો અહીં તેને કહે છે કે–અરે...જા...જા...નમાલા! આચાર્ય ભગવાનની
ભક્તિની તને શી ખબર પડે? તારામાં અક્કલ કેટલી? આચાર્યદેવે સમજીને ગાણાં ગાયાં છે. જેવા
ત્રણલોકના નાથ પરમાત્માના ગાણાં ગાયા છે તેવા જ ત્રણલોકના નાથ પોતે થવાના છે. અરે પાખંડી!
તને ધર્માત્માના હૃદયની શી ખબર પડે? આત્મતત્ત્વનો મહિમા તને ભાસ્યો નથી એટલે જેણે આત્મતત્ત્વનું
પૂરું સામર્થ્ય પ્રગટી ગયું છે એવા પરમાત્માના મહિમાની પણ તને ખબર નથી. અઢી હજાર વર્ષ પહેલાંં
અહીં ભરતક્ષેત્રે પણ શ્રી મહાવીર પરમાત્મા બિરાજતા હતા ત્યારે આકાશમાંથી ઈન્દ્રો તેમની સ્તુતિ કરવા
ઊતરતા. આ વાતની જેને શ્રદ્ધા ન બેસે તે નાસ્તિક છે... તેણે સર્વજ્ઞદેવનો મહિમા જાણ્યો નથી તેમ જ
આત્માના ધર્મના મહિમાનું પણ તેને ભાન નથી. ભગવાનની ભક્તિનો પણ જે નિષેધ કરે છે તેને તો
દુર્ગતિમાં જવાનાં લક્ષણ છે... શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિનું જે વર્ણન આવે તે તેના કાળજામાં શ્યે
સમાય? અહો! આ તો નગ્ન મુનિ... જંગલમાં વસનારા... પંચ મહાવ્રતના પાળનારા... માથા સાટે સત્યને
રાખનારા.. ને આત્મસ્વભાવમાં ઝૂલનારા... મહા વીતરાગી સંત (પદ્મનંદી આચાર્ય) વીતરાગની સ્તુતિનું
વર્ણન કરે છે. આત્માનો મહિમા જાણ્યા વગર અજ્ઞાનીને વીતરાગનો સાચો મહિમા ક્યાંથી આવે?
(૩૩) હે સીમંધરનાથ..! અમને તારા વિરહ...!
જેમના જન્મે ચૌદ બ્રહ્માંડમાં આનંદનો ખળભળાટ ફેલાઈ જાય... જેમના જન્મે આખા લોકમાં અજવાળાં
થાય... ને ઈન્દ્રો ભક્તિથી નાચે–એવા તીર્થંકર પ્રભુના કલ્યાણક અત્યારે ઊજવાય છે. અહીં તો સીમંધરપ્રભુની
સ્થાપના છે. સીમંધરપ્રભુ અત્યારે મહાવિદેહમાં સાક્ષાત્
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 34 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૧૧ :
બિરાજે છે ને આ બધું જે કહેવાય છે તે મહાવિદેહમાં ઈન્દ્રો કરી રહ્યા છે. આ કલ્પના નથી... વીતરાગદેવના આ
ગાણાં સાચે સાચા ગવાય છે. જેણે ગારા–માટીના ને સાંઠીકડાના ઝૂંપડાં જ ભાળ્‌યા હોય તેને કહે કે અમુક ઠેકાણે
તો હાથીદાંતના મોટા મહેલ થાય છે... તો તેને એ વાત કેમ ગળે ઊતરે? તેમ વીતરાગદેવના આ ગાણાં
અજ્ઞાનીઓને ગળે ઊતરવા કઠણ પડે છે... કેમકે કદી જોયું નથી... જાણ્યું નથી. સીમંધર ભગવાન અત્યારે
સમવસરણમાં બિરાજે છે ત્યાં અનેક સંતો કેવળજ્ઞાન પામે છે... ઈન્દ્રો અને દેવો સ્તુતિ કરવા આવે છે ને
ભાવના કરે છે કે હે નાથ! અમે મનુષ્યપણું પામીને ક્યારે કેવળજ્ઞાન પામીએ? અહીં ભક્તિના ભાવમાં
ઊછળેલા ભક્તો કહે છે કે હે સીમંધરનાથ! અમને મહાવિદેહના માનવીઓની ઈર્ષા થાય છે... અરેરે!
મહાવિદેહના માનવી આપના સાક્ષાત્ ચરણને સેવે... અને અમારે આ ભરતક્ષેત્રમાં અવતાર... આટલા
આંતરાં? અમને તારા વિરહ...! એ નાથ! આત્માને તેના ઓરતા થાય છે... પરમાર્થે, ભગવાન અંદરમાં છે તેનું
ભાન તે ભગવાનની સ્તુતિ છે... નિમિત્ત તરીકે તીર્થંકર ભગવાનની સ્તુતિ છે... સમજી સમજીને જે ભગવાનના
ગાણાં ગાશે તે ભગવાન થાશે.
(૩૪) ભક્તના હૃદયમાં કોતરાયેલી વીતરાગની ભક્તિ
હે ભગવાન! આપના નિર્મળ સ્વરૂપની સ્તુતિ કરતા ઈન્દ્રાદિકને દેખીને મન વિનાના ભમરાને ય
તેની ઈર્ષા થઈ અને તે પણ ગૂંજારવ વડે આપની સ્તુતિ કરવા લાગ્યો... તો હે જિનેન્દ્ર! જેને મનુષ્યનો
અવતાર મળ્‌યો... આર્યક્ષેત્ર મળ્‌યું... જૈન સંપ્રદાય મળ્‌યો... સત્યનું શ્રવણ મળ્‌યું ને અપૂર્વ વાતો કાને પડી તેને
લાભ ન થાય ને તારી ભક્તિ ન જાગે એ કેમ બને? હે પ્રભો! તારા સમવસરણમાં ફૂલ વરસતા હોય તે પણ
જાણે કે તારી સ્તુતિના શબ્દોના હારડા જ વરસતા હોય એમ અમને લાગે છે. જુઓ તો ખરા! ભક્ત ક્ષણે ને
પળે ભગવાનને જ ભાળે છે... ચોવીસે કલાકની ક્રિયામાં ‘ભગવાન આત્મા વીતરાગ’ એવું રટણ ચાલે છે. હે
વીતરાગ! તેં તો તારું કાર્ય પૂરું કરી લીધું... ને અમારે હજી અધુરું રહી ગયું છે એટલે ચોવીસ કલાકમાં ક્ષણ
પણ તારી વીતરાગતાનાં વિસ્મરણ કેમ થાય? જેમ માતાથી વિખૂટા પડેલા બાળકને માતાનું ક્ષણ પણ
વિસ્મરણ ન થાય તેમ ધર્માત્માઓના હૃદયમાં તીર્થંકરોની સ્તુતિ એવી કોતરાઈ ગઈ છે કે એક સમય પણ તે
ન ભૂલાય.
ભરત ચક્રવર્તી ઋષભદેવપ્રભુના પુત્ર છે, ભગવાનનાં પરમ ભક્ત છે, સમ્યગ્દ્રષ્ટિ છે, તે જ ભવે
મોક્ષમાં જનારા છે, છખંડના ધણી છે, જેના લખવાના ચાકની (કાકિણી રત્નની) એક હજાર દેવો સેવા કરે
છે, તે દિગ્વિજય કરીને વૃષભાચલ પર્વત ઉપર જ્યારે પોતાનું નામ લખે છે ત્યારે કહે છે કે અરે! આ પર્વત
ઉપર અનંત ચક્રવર્તીઓનાં નામ લખાયા ને ભૂંસાયા... મારું નામ લખવા માટે મારી પહેલાંંના ચક્રવર્તીઓએ
લખેલા નામને મારે ભૂંસાડવું પડે છે... ને મારા લખેલા નામને વળી કોઈ બીજો ભૂંસાડશે... ધિક્કાર આ
મોહને! ધન્ય છે ત્રિલોકનાથ પ્રભુ વીતરાગને.. મારે આ ભવે મોક્ષ જવું છે, ભગવાને મને કહ્યું છે કે તું આ
ભવે મોક્ષ જઈશ... છતાં આ અસ્થિરતાનો મોહ થાય છે તેને ધિક્કાર છે. અહો! અંતરમાં વીતરાગતા
સિવાય બીજા ભાવનો જરાય આદર નથી... મોહને કર્તવ્ય માન્યું નથી... ભિન્નપણાનું ભાન ખસીને મોહમાં
ભળતા નથી. અંદર પોતાની પ્રભુતાનું નિઃશંકભાન છે, અવસ્થાની અપેક્ષાએ આત્માને વખોડે છે ને પૂર્ણ
સ્વભાવનાં ગાણાં ગાય છે. એ રીતે, હે વીતરાગદેવ! મોટા મોટા ચક્રવર્તીઓના હૃદયમાં પણ તારી સ્તુતિ
કોતરાઈ ગઈ છે.
(૩પ) ભક્તિ–સરિતા... અને કેવળજ્ઞાન–સમુદ્ર
અહીં સ્તુતિકાર કહે છે કે અહો! જેને મન ન હતું એવા ભમરા પણ ભગવાનને દેખીને સ્તુતિ કરવા
લાગ્યા... અને, અમારું આ ભક્તિનું સ્તોત્ર સાંભળતાં જો તને અંતરમાં આહલાદ ન આવે તો અરે જીવ! તું
ભમરામાંથી યે જઈશ? પોતાને ભક્તિનો ભાવ ઊછળ્‌યો છે તેથી આચાર્યદેવ તો જ્યાં જુએ ત્યાં બધાયને
ભગવાનની ભક્તિ કરતા જ ભાળી રહ્યા છે. હે ભગવાન! ભમરાને મન ન હોય ને તારી સ્તુતિ કરવા માટે મન
આપ્યું, તો હે પ્રભુ! મારામાં કેવળજ્ઞાન નથી તે પૂરું આપ. ભમરાને પણ મન આપ્યું તો મને શું નહિ આપ?
એમ અલંકાર કરીને ભક્તિમાં પણ આચાર્યદેવ પોતાના કેવળજ્ઞાનના જ ભણકાર બોલાવે છે. (એ રીતે આ
ભક્તિ સરિતા કેવળજ્ઞાન–સમુદ્રમાં જઈને મળે છે.)
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 35 of 43
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ : ૮૯
મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ
* * * * *
આત્માર્થીનાં પરિણામ ઉલ્લાસિત હોય છે; કેમ કે આત્મસ્વભાવને
સાધીને અલ્પકાળમાં સંસારથી મુક્ત થઈને તેને સિદ્ધ થવું છે, તેથી
પોતાની મુક્તિનો તેને નિરંતર ઉલ્લાસ હોય છે અને તેથી તે ઉલ્લાસિત
વીર્યવાન હોય છે.
* * * * *
(૧)
શ્રી પરમાત્મ–પ્રકાશમાં પશુનો દાખલો આપીને કહે છે કે મોક્ષમાં જો ઉત્તમ સુખ ન હોત તો પશુ પણ
બંધનમાંથી છૂટકારાની ઈચ્છા કેમ કરત? જુઓ, બંધનમાં બંધાયેલા વાછરડાને પાણી પાવા માટે બંધનથી છૂટો
કરવા માંડે ત્યાં તે છૂટવાના હરખમાં કુદાકુદ કરવા માંડે છે; અહા! છૂટવાના ટાણે ઢોરનું બચ્ચું પણ હોંશથી કુદકા
મારે છે–નાચે છે. તો અરે જીવ! તું અનાદિ અનાદિકાળથી અજ્ઞાનભાવે આ સંસારબંધનમાં બંધાયેલો છે, અને
હવે આ મનુષ્યભવમાં સત્સમાગમે એ સંસારબંધનથી છૂટવાના ટાણાં આવ્યા છે. શ્રી આચાર્યદેવ કહે છે કે અમે
સંસારથી છૂટીને મોક્ષ થાય તેવી વાત સંભળાવીએ... અને તે સાંભળતાં જો તને સંસારથી છૂટકારાની હોંશ ન
આવે તો તું પેલા વાછરડામાંથી પણ જાય તેવો છે! ખુલ્લી હવામાં ફરવાનું ને છૂટા પાણી પીવાનું ટાણું મળતાં
છૂટાપણાની મોજ માણવામાં વાછરડાને પણ કેવી હોંશ આવે છે!! તો જે સમજવાથી અનાદિના સંસારબંધન
છૂટીને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિ થાય–એવી ચૈતન્યસ્વભાવની વાત જ્ઞાની પાસેથી સાંભળતાં કયા આત્માર્થી
જીવને અંતરમાં હોંશ ને ઉલ્લાસ ન આવે? અને જેને અંતરમાં સત્ સમજવાનો ઉલ્લાસ છે તેને અલ્પકાળમાં
મુક્તિ થયા વિના રહે નહીં. પહેલાંં તો જીવને સંસારભ્રમણમાં મનુષ્યભવ અને સત્નું શ્રવણ જ મળવું બહુ મોંઘું
છે. અને કવચિત્ સત્નું શ્રવણ મળ્‌યું ત્યારે પણ જીવે અંતરમાં બેસાયું નહિ, તેથી જ સંસારમાં રખડયો. ભાઈ!
આ તને નથી શોભતું... આવા મોંઘા અવસરે પણ તું આત્મસ્વભાવને નહિ સમજ તો પછી ક્યારે સમજીશ?
અને એ સમજ્યા વગર તારા ભવભ્રમણનો છેડો ક્યાંથી આવશે? માટે અંદરથી ઉલ્લાસ લાવીને સત્સમાગમે
આત્માની સાચી સમજણ કરી લે.
(૨)
આત્માએ અનંતકાળથી એક સેંકડ પણ પોતાના સ્વભાવને લક્ષમાં લીધો નથી, તેથી તેની સમજણ કઠણ
લાગે છે ને શરીરાદિ બાહ્યક્રિયામાં ધર્મ માનીને મનુષ્યભવ મફતમાં ગૂમાવે છે. જો આત્મસ્વભાવની રુચિથી
અભ્યાસ કરે તો તેની સમજણ સહેલી છે. સ્વભાવની વાત મોંઘી ન હોય. દરેક આત્મામાં સમજવાનું સામર્થ્ય
છે... પણ પોતાની મુક્તિની વાત સાંભળીને અંદરથી ઉલ્લાસ આવવો જોઈએ... તો ઝટ સમજાય. જેમ–બળદને
જ્યારે ઘરેથી છોડીને ખેતરમાં કામ કરવા લઈ જાય ત્યારે તો ધીમે ધીમે જાય ને જતાં વાર લગાડે; પણ ખેતરના
કામથી છૂટીને ઘરે પાછા વળે ત્યારે તો દોડતા દોડતા આવે... કેમ કે તેને ખબર છે કે હવે કામના બંધનથી છૂટીને
ઘરે ચાર પહોર સુધી શાંતિથી ઘાસ ખાવાનું છે. તેથી તેને હોંશ આવે છે ને તેની ગતિમાં વેગ આવે છે. જુઓ,
બળદ જેવા પ્રાણીને પણ છૂટકારાની હોંશ આવે છે. તેમ–આત્મા અનાદિકાળથી સ્વભાવઘરથી છૂટીને સંસારમાં
બળદની જેમ રખડે છે... શ્રી ગુરુ તેને સ્વભાવઘરમાં પાછો વાળવાની વાત સંભળાવે છે. પોતાની મુક્તિનો માર્ગ
સાંભળીને જીવને જો હોંશ ન આવે તો તે પેલા બળદમાંથીયે જાય? પાત્ર જીવને તો પોતાના સ્વભાવની વાત
સાંભળતાં જ અંતરથી મુક્તિનો ઉલ્લાસ આવે છે અને તેનું પરિણમન સ્વભાવસન્મુખ વેગથી વાળે છે. જેટલો
કાળ સંસારમાં રખડયો તેટલો કાળ મોક્ષનો ઉપાય કરવામાં ન લાગે, કેમકે વિકાર કરતાં સ્વભાવ તરફનું વીર્ય
અનંતુ છે, તેથી તે અલ્પકાળમાં જ મોક્ષને સાધી લ્યે છે... પણ તે માટે જીવને અંતરમાં યથાર્થ ઉલ્લાસ આવવો
જોઈએ.
(–પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 36 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૧૩ :
ભક્તો
કહે છે–અમને ભગવાન ભેટ્યા...
‘... ભગવાન ભેટ્યા...’ ... જિન મંદિર...
ભગવાનની વીતરાગી મુદ્રાને નિહાળતાં અંતરમાં પોતાના વીતરાગભાવની વૃદ્ધિ માટે ભગવાનના ભક્ત
પ્રસન્નતાથી કહે છે કે–
ઉપશમરસ વરસે રે... પ્રભુ! તારા નયનમાં...
હૃદયકમલમાં દયા અનંત ઉભરાય જો...
વદનકમલ પર પ્રસન્નતા પ્રસરી રહી...
ચરણકમલમાં ભક્તિરસ રેલાય જો...
જુઓ ભક્તિ!! ભાવ તો પોતાનો છે ને? પોતાને વીતરાગતા ગોઠી છે તેનું જ પોતે બહુમાન કરે છે.
ભગવાનની પ્રતિમાને જોતાં ભક્તો કહે છે કે–અહો! અમને ભગવાન ભેટ્યા... સાક્ષાત્ સીમંધરભગવાન
અમારા આંગણે પધાર્યા... પ્રતિષ્ઠા પછી ભગવાન જ્યારે જિનમંદિરમાં પધારતા હતા ત્યારે ભક્તો કહેતા હતા કે
‘પધારો.. હે નાથ! પધારો...’ એ ભક્તો કાંઈ ગાંડપણથી કહેતાં ન હતા પણ ભક્તિના ભાવથી કહેતા હતા. –હે
નાથ! આપ ત્યાં બિરાજો અને અમે અહીં ભરતમાં રહ્યા... પણ હે નાથ! અમ ભક્તોની વિનંતિ સૂણીને આપ
અહીં પધાર્યા... આમ ભાવનાથી ભગવાન સાથે વાતું કરે! ભગવાનને જ્યારે મંદિરમાં સ્થાપે છે ત્યારે ભક્તો
ભાવના કરે છે કે હે ભગવાન આત્મા! હવે અંદરમાંથી તું પ્રગટ થા... આત્મામાં ભગવાનને સ્થાપ્યા હવે
ભગવાનપણું પ્રગટ્યે જ છૂટકો... પોતાના આત્મામાં જેણે ભગવાનપણું સ્થાપ્યું તે એક ક્ષણ પણ ભગવાનને કેમ
ભૂલે? હે નાથ! હે. ચૈતન્યમૂર્તિ ભગવાન! આખી દુનિયા ભૂલાય પણ એક તને કેમ ભૂલાય? તારી
વીતરાગતાને એક ક્ષણ પણ ન ભૂલું. અજ્ઞાની જીવ પોતાની વીતરાગતાને ભૂલીને સાક્ષાત્ તીર્થંકર ભગવાનના
સમવસરણમાં ગયો, પણ તેને કાંઈ લાભ ન થયો. પોતે તત્ત્વને ન સમજે તો ભગવાન પણ શું કરે? જેમ,
પારસમણિનો તો સ્વભાવ એવો છે કે તેનો સ્પર્શ થતાં લોઢામાંથી સોનું થઈ જાય. પણ જો લોઢામાં ઉપર કાટ
હોય તો પારસમણિ શું કરે? અહીં કુંદકુંદભગવાન કહે છે કે હે નાથ! આપની પવિત્રતા પાસે પુણ્ય તો ધોયા છે...
પુણ્યવડે આપની પરમાર્થસ્તુતિ થઈ શકતી નથી. શુદ્ધ જ્ઞાયક આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા વડે જ આપની
પરમાર્થસ્તુતિ થાય છે. હે ભગવાન! આપ તો પવિત્ર ને આપની સ્તુતિ પણ પવિત્ર. જે જીવ આત્માના
પવિત્રસ્વભાવને ઓળખે છે તે જ કેવળીભગવાનનાં સાચા ગાણાં ગાય છે ને તે જ પરમાર્થસ્તુતિ કરે છે. જેને
પોતાના ગુણની ઓળખાણ થઈ છે તે બીજા વિશેષ ગુણવંતને દેખીને તેના ગુણનું બહુમાન કરે છે ને પોતે પણ
તેવા ગુણ પ્રગટ કરીને પૂર્ણ પરમાત્મા થાય છે; એ રીતે ભગવાનની સાચી ભક્તિનું ફળ મુક્તિ છે. –સોનગઢ
પ્રતિષ્ઠા મહોત્સવના પ્રવચનોમાંથી.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 37 of 43
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ : ૮૯
સાચી ભક્તિનું ફળ મુક્તિ

(૧) ભગવાનની ભક્તિ
વીતરાગદેવ તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિ કરનાર જીવ કેવો હોય! તેની વાત આ સમયસારજીની
૩૧ મી ગાથામાં છે; ને આપણે અહીં પણ સીમંધર ભગવાનની ભક્તિનો મોટો પ્રસંગ છે. પાંચ જડ ઈન્દ્રિયો,
તેના વિષયભૂત બાહ્ય પદાર્થો તેમજ તે તરફ વળતા ખંડખંડજ્ઞાનરૂપ ભાવેન્દ્રિયો–તે મારું સ્વરૂપ નહિ, હું તો
અખંડ જ્ઞાયક છું–આમ જે સમજે તે જીવ વીતરાગપ્રભુની સાચી સ્તુતિ કરે છે. આ સિવાય પરને, વિકારને કે
ખંડખંડરૂપ જ્ઞાનને જ જે આત્માનું સ્વરૂપ માને તેણે વીતરાગને ઓળખ્યા નથી. વીતરાગ ભગવાનનો આત્મા
તો અતીન્દ્રિય અખંડજ્ઞાન–આનંદમય છે, તેમની સાચી ભક્તિ કરવા માટે તેવા આત્મસ્વરૂપને ઓળખવું તો
પડશે ને? ઓળખ્યા વિના ભક્તિ કોની કરશે? શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે ભગવાનની
પહેલી સ્તુતિ છે. જેવા ભગવાન છે તેના જેવો કાંઈક ભાવ પોતામાં પ્રગટ કરે તો તે ભગવાનનો ભક્ત કહેવાય
ને! ભગવાન ઈન્દ્રિયોથી જાણતા નથી માટે ઈન્દ્રિયોથી ભિન્ન છે, રાગરહિત છે ને પૂર્ણજ્ઞાનમય છે, એવો જ
પોતાનો આત્મા છે, પોતે ભગવાનથી જરાય ઊણો કે અધૂરો નથી એવી શ્રદ્ધાથી ધર્મની શરૂઆત થાય છે ને તે
જ ભગવાનની ભક્તિ છે.
(૨) ભગવાનના દર્શનનું ફળ
જે જીવ ધર્મ કરવા માગે છે તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે, પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ
રહે એવો ધર્મ કરવો છે. ધર્મ જો બહારના પદાર્થથી થતો હોય તો તો તે બાહ્ય પદાર્થ ખસી જતાં ધર્મ પણ ખસી
જાય. –માટે એવો ધર્મ ન હોય. ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે છે, આત્મા સિવાય બહારના કોઈ
પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. લોકો ભગવાનના દર્શન કરવા જાય ત્યાં એમ માની લ્યે છે કે અમે
ધર્મ કરી આવ્યા... કેમ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય! અરે ભાઈ! જો બહારમાં ભગવાનના દર્શનથી જ
તારો ધર્મ હોય તો તો તે ભગવાનના દર્શન કરે તેટલો વખત ધર્મ રહે ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી
જાય.. એટલે ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહિ! જેવા ભગવાન વીતરાગ છે તેવો જ ભગવાન હું છું એમ ભાન
કરીને અંતરમાં ચૈતન્યમૂર્તિ ભગવાનના સમ્યક્ દર્શન કરે તો તે ભગવાનના દર્શનથી ધર્મ થાય છે, ને એ
ભગવાન તો જ્યાં જાય ત્યાં સાથે જ છે એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એકવાર પણ એવા
ભગવાનના દર્શન કરે તો જન્મ–મરણ ટળી જાય.
(૩) આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા કરે તે ભગવાન થાય
ભગવાનની સ્તુતિમાં ઘણા કહે કે ‘હે નાથ! હે જિનેન્દ્ર! આપ પૂર્ણ વીતરાગ છો, સર્વજ્ઞ છો;’ પરંતુ
‘મારો આત્મા પણ રાગરહિત સર્વજ્ઞસ્વરૂપ છે’ એમ પોતાના આત્માની પણ શ્રદ્ધાને ભેગી ભેળવીને જો
ભગવાનની સ્તુતિ કરે તો જ તે સાચી સ્તુતિ છે. અહીં ભગવાનની પ્રતિષ્ઠા થાય છે તેમાં પણ ભગવાનની
ભક્તિમાં આવું લક્ષ રાખવું જોઈએ, જે આવું લક્ષ રાખે તેણે જ ખરેખર ભગવાનને સ્થાપ્યા કહેવાય... તેણે
પોતાના આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા કરી કહેવાય... તે અલ્પકાળે સાક્ષાત્ ભગવાન થઈ જશે.
(૪) આત્માની સમજણ અને ભક્તિનો ભાવ
લોકો ધર્મ કરવાનું માને છે પણ જ્ઞાની તેને આત્માની ઓળખાણ કરવાનું કહે ત્યારે તે કહે છે કે કોણ
જાણે, આત્મા ક્યાં હશે! ને કેવો હશે! તે કાંઈ ખબર પડતી નથી. જ્ઞાની કહે છે કે અરે ભાઈ! જેને ધર્મ કરવો છે
તેને જાણ્યા વગર તું ધર્મ કઈ રીતે કરીશ? આત્માને જાણ્યા વિના આત્મા તરફ વળીશ કઈ રીતે? અને આત્મા
તરફ વળ્‌યા વિના તને ધર્મ ક્યાંથી થશે? સમજ્યા વિના પુણ્યમાં ધર્મ માની લઈશ તેમાં તો ઊંધી દ્રષ્ટિનું પોષણ
થશે. જ્ઞાની ધર્માત્માને ભગવાનની ભક્તિ વગેરેનો ભાવ આવશે પણ તેની દ્રષ્ટિ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 38 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૧૫ :
આત્મા ઉપર પડી છે, –તેને આત્માનું ભાન છે, તે ભાનમાં તેને ક્ષણે ક્ષણે ધર્મ થાય છે. સાચું સમજે તેને
વીતરાગીદેવ–ગુરુ–શાસ્ત્ર ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહિ. ભગવાનની ભક્તિના ભાવનો
નિષેધ કરીને જે ખાવા–પીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. વીતરાગી આત્માનું લક્ષ
થાય અને આકરા રાગ ન ટળે એ કેમ બને? મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ નથી એમ જે સત્યને જાણે
છે તેને લક્ષ્મી વગેરેની મમતા ઉપર સહેજે કાપ મૂકાઈ જાય છે, ને ભગવાનની ભક્તિ–પ્રભાવના વગેરેનો ભાવ
ઊછળે છે. છતાં ત્યાં તે જાણે છે કે આ રાગ છે, આ કાંઈ ધર્મ નથી. અંતરમાં શુદ્ધ ચિદાનંદસ્વરૂપને જાણીને તે
પ્રગટ કર્યા વિના જન્મ–મરણ ટળશે નહિ.
(પ) સીમંધર ભગવાનની સાચી ભક્તિ ને એ ભક્તિનું ફળ મુક્તિ
જુઓ... ધર્મની આ યથાર્થ વાત મળવી બહુ મોંઘી છે.. બાહ્ય સાધુ થઈને બધું છોડી જંગલમાં જઈને
સૂકાઈ જાય તોય આ વસ્તુદ્રષ્ટિ મળે તેમ નથી... અત્યારે લોકોને સત્ય વાત સાંભળવા મળવી પણ દુર્લભ થઈ
ગઈ છે. જેને સ્વ ઉપર દ્રષ્ટિ પડી નથી તેને ધર્મ ક્યાંથી થાય? ધર્મ તો આત્મામાંથી થાય છે એટલે પહેલાંં પરથી
નીરાળા આત્મસ્વભાવની શ્રદ્ધા કરે તો ધર્મ થાય; એ સિવાય બહારથી કાંઈ મળે તેમ નથી.–આવું ભાન કરવું તે
જ સીમંધરભગવાનની સાચી ભક્તિ છે ને એ ભક્તિનું ફળ મુક્તિ છે.
(સોનગઢ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ફાગણ સુદ બીજના પ્રવચનમાંથી વી. સં. ૨૪૬૭)
ભગવાની ભાવના કોને જાગે?
ધર્માત્મા પોતાના ભાવને જુએ છે, પોતાના ભાવમાં રાગ ટળીને વીતરાગતાની વૃદ્ધિ કેમ થાય?
તે જ જુએ છે. વીતરાગતાના નિમિત્ત તો નિમિત્તને કારણે હોય છે. અંદર પોતે ભગવાન જ બેઠો છે, તે
ભગવાનપણું જેને ગોઠવ્યું છે તે બાહ્યમાં વીતરાગી પ્રતિબિંબમાં ભગવાનતે સ્થાપે છે. પોતાના ભાવનો
નિક્ષેપ કરીને કહે છે કે ‘આ ભગવાન છે.’ ત્યાં ભાવ તો પોતાનો છે ને! પ્રતિષ્ઠા પછી જ્યારે સીમંધર
ભગવાન જિનમંદિરમાં પધારતા હતા ત્યારે ભક્તો કહેતા હતા કે પધારો... ભગવાન પધારો! હે
ભગવાન... આપને અમે અહીં પધરાવીએ છીએ... એટલે હવે અંદરથી આપના જેવું સ્વરૂપ છે તે પ્રગટ્યે
છૂટકો... બહારમાં તો ભગવાનની સ્થાપના છે ને અંદરમાં સાક્ષાત્ ભગવાન છે.. જેને ભાવમાં
ભગવાનપણું ગોઠયું છે તે નિમિત્તમાં ‘આ ભગવાન છે’ એમ સ્થાપે છે... તે અંદરના ભગવાનને
સ્વીકારતો... ભગવાનપણું પ્રગટ કર્યા વિના રહેશે નહિ. અહો! જે ક્ષણે આત્મામાં ભગવાનપણું પ્રગટે તે
ઘડી ને તે પળને ધન્ય છે... આવી ભાવના કોને જાગે? –કે જેને અંતરમાં ભગવાન જેવો પોતાનો
સ્વભાવ ભાસ્યો હોય તેને આવી ભાવના થાય, ને તે અલ્પકાળે ભગવાન થયા વિના રહે નહિ.
(–સોનગઢ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રવચનોમાંથી)
પ્રકાશ પહેલાંની સંધ્યા
ચેતન જડ ન થાય ને જડ ચેતન ન થાય. જડના સ્વભાવમાં ચેતનપણું ન હોય ને ચેતનના
સ્વભાવમાં જડપણું ન હોય. જડના સંયોગે થતો વિકાર પણ ખરેખર ચેતનનો સ્વભાવ નથી. જેવા
સર્વજ્ઞદેવ વીતરાગ બિંબ છે તેવો જ આત્માનો સ્વભાવ છે. –આવા લક્ષસહિત વીતરાગ ભગવાનની
ભક્તિ વગેરેનો રાગ આવે તે સવારની સંધ્યા જેવો છે. જેમ સવારની સંધ્યા પાછળ સૂર્ય ઊગે છે ને
સાંજની સંધ્યા પાછળ સૂર્ય અસ્ત થઈ જાય છે. તેમ વીતરાગતાના લક્ષપૂર્વક ભગવાનની ભક્તિ
વગેરેનો જે શુભરાગ છે તે સવારની સંધ્યા જેવો છે, તેની પાછળ ઝળહળતો ચૈતન્ય સૂર્ય ઊગવાનો છે.
જેને વીતરાગતાનું લક્ષ નથી, વીતરાગદેવની ભક્તિ નથી અને એકલા શરીરાદિ જડના રાગને જ પોષે
છે તેને તો તે સંધ્યા પાછળ અંધારું આવશે, તેનાથી ચૈતન્યસૂર્ય ઢંકાઈ જશે. જ્યાં સ્વભાવનું લક્ષ છે
ત્યાં વર્તમાન રાગની રાતપની મુખ્યતા નથી; પણ, આ રાગ મારું સ્વરૂપ નથી–એમ વીતરાગસ્વરૂપના
લક્ષે તે રાગ ટળીને ચૈતન્યપ્રકાશ પ્રગટશે ને પૂર્ણ કેવળજ્ઞાન થશે.
(–સોનગઢ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રવચનોમાંથી)
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 39 of 43
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ : ૮૯
સીમંધર ભગવાન
(તેમના સંબંધમાં જાણવા યોગ્ય કેટલીક વિગતો)
* * * * *
સીમંધર ભગવાનના પરમ ભક્ત પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પવિત્ર હસ્તે, સૌરાષ્ટ્રમાં પાંચ વખત
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં એકંદર ૯૭ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે... તેમાંથી દસ પ્રતિમાઓ
શ્રી સીમંધર ભગવાનની છે. જેમ અઢી હજાર વર્ષ પહેલાંં આ ભરતભૂમિ ઉપર શ્રી મહાવીર ભગવાન
તીર્થંકરપણે વિચરી રહ્યા હતા તેમ અત્યારે પણ આ પૃથ્વી ઉપરના ‘મહાવિદેહ’ નામના ક્ષેત્રમાં શ્રી
સીમંધર ભગવાન તીર્થંકરપણે સાક્ષાત્ વિચરી રહ્યા છે. તેઓ અત્યારે અરિહંતપદે બિરાજે છે... ‘નમો
અરિહંતાણં’ એમ આપણે કહીએ તેમાં તે સીમંધર ભગવાનને પણ નમસ્કાર આવી જાય છે. જ્યાં શ્રી
સીમંધર ભગવાન બિરાજે છે તે મહાવિદેહ ક્ષેત્ર અહીંથી પૂર્વ દિશામાં એટલું બધું દૂર આવેલું છે કે કોઈ
વાહનદ્વારા અત્યારે ત્યાં પહોંચી શકાય નહીં. આમ છતાં, જે જંબુદ્વીપમાં આપણું ભરતક્ષેત્ર છે તે જ
દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે, બંને એક જ દ્વીપમાં આવેલા છે... એટલે જે દ્વીપમાં જે શ્રી સીમંધર
ભગવાન વિચરે છે તે જ દ્વીપમાં આપણે રહીએ છીએ.
શ્રી સીમંધર ભગવાનનું બીજું નામ સ્વયંપ્રભ ભગવાન છે; તેમના પિતાજીનું નામ શ્રેયાંસરાય
અને માતાજીનું નામ સત્યદેવી છે. તેમની કાયા કંચનવરણી છે, દેહની ઊંચાઈ પાંચસો ધનુષ છે. તેમનું
લંછન વૃષભ છે. તેમનો જન્મ સીતા નામની નદીની ઉત્તરે આવેલા પુષ્કલાવતી દેશના પુંડરીકપુર
નગરમાં થયો હતો, તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે તેમાંથી અત્યારે લગભગ ૮૩ લાખ પૂર્વ વીત્યા
છે. તેમનું સમવસરણ બાર યોજન વ્યાસનું છે; તેમના સમવસરણમાં મનુષ્યોની સભાના નાયક શ્રી
પદ્મરથ ચક્રવર્તી છે. જ્યારે શ્રીકૃષ્ણની રુકિમણી રાણીનો પુત્ર પ્રદ્યુમ્નકુમાર ખોવાઈ ગયો હતો ત્યારે
અહીંથી શ્રી નારદજી તે પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર સાંભળવા માટે મહાવિદેહક્ષેત્રે સીમંધર પ્રભુ પાસે ગયા
હતા. ત્યારે એ પદ્મરથ ચક્રવર્તીએ આશ્ચર્યથી ભગવાનને પૂછયું હતું કે ‘આ શું છે... આ કોણ છે?’ –આ
પ્રકારનું વિસ્તારથી વર્ણન શ્રી પ્રદ્યુમ્નચરિત્રના છઠ્ઠા સર્ગમાં છે.
વળી ‘પદ્મપુરાણ’માં પણ અહીં મુનિસુવ્રતપ્રભુના વખતમાં થયેલા નારદનું મહાવિદેહમાં
સીમંધરપ્રભુ પાસે જવાનું વર્ણન આવે છે, તેમાં આ પ્રમાણે કહ્યું છે: ‘જિનેન્દ્રની કથામાં જેમનું મન
આસક્ત છે એવા દશરથ મહારાજાના દરબારમાં એકવાર નારદ આવે છે અને દશરથરાજા તેમને નવીન
સમાચાર પૂછે છે ત્યારે, જિનેન્દ્રચંદ્રનું ચરિત્ર પ્રત્યક્ષ દેખવાથી જેને પરમ હર્ષ ઉપજ્યો છે એવા તે નારદ
કહે છે કે હે રાજન! હું મહાવિદેહક્ષેત્રે ગયો હતો; તે ક્ષેત્ર ઉત્તમ જીવોથી ભરેલું છે, ત્યાં ઠેરઠેર શ્રી
જિનરાજનાં મંદિરો છે ને ઠેરઠેર મહા મુનિઓ બિરાજે છે; ત્યાં ધર્મનો મહાન ઉદ્યોત છે; શ્રી તીર્થંકરદેવ,
ચક્રવર્તી, બળદેવ–વાસુદેવ પ્રતિવાસુદેવ વગેરે ત્યાં ઊપજે છે; ત્યાં જઈને પુંડરિકિણી નગરીમાં મેં શ્રી
સીમંધર સ્વામીનો તપ કલ્યાણક દેખ્યો; તથા જેવો અહીં શ્રી મુનિસુવ્રતનાથનો સુમેરૂપર્વત ઉપર
જન્માભિષેક આપણે સાંભળ્‌યો છે તેવો શ્રી સીમંધર સ્વામીના જન્માભિષેકનો ઉત્સવ મેં સાંભળ્‌યો...
તેમના તપકલ્યાણકને તો મેં પ્રત્યક્ષ જ દેખ્યો.’
(જુઓ, પદ્મપુરાણ સર્ગ ૨૩ પૃ. ૨પ૮)
એ ઉપરાંત, પ્રભુ શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા ને આઠ દિવસ સુધી
ત્યાં રહીને પ્રભુના દિવ્યધ્વનિનું શ્રવણ. તેમ જ ત્યાંના શ્રુતકેવળી આદિ મુનિવરોનો પરિચય કર્યો હતો... એ
વાત તો સુપ્રસિદ્ધ છે. ‘સમવસરણ–સ્તુતિ’માં તે
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)

PDF/HTML Page 40 of 43
single page version

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૧૭ :
પ્રસંગનું વર્ણન નીચે મુજબ કર્યું છે––
(૧)
બહુ ઋદ્ધિધારી કુંદકુંદ મુનિ હતા એ કાળમાં...
જે શ્રુતજ્ઞાન પ્રવીણ ને અધ્યાત્મરત યોગી હતા...
આચાર્યને મન એકદા જિનવિરહતાપ થયો મહા...
રે! રે! સીમંધર જિનના વિરહા પડ્યા આ ભરતમાં.
(૨)
એકાએક છૂટ્યો ધ્વનિ જિનતણો ‘સદ્ધર્મ વૃદ્ધિ હજો.’
સીમંધરજિનના સમોસરણમાં, ના અર્થ પામ્યા જનો;
સંધિહીન ધ્વનિ સૂણી પરિષદે આશ્ચર્ય વ્યાપ્યું મહા,
થોડીવાર મહીં તહીં મુનિ દીઠા અધ્યાત્મ મૂર્તિ સમા.
(૩)
જોડી હાથ ઊભા પ્રભુ–પ્રણમતાં શી ભક્તિમાં લીનતા!
નાનો દેહ અને દિગંબર દશા, વિસ્મિત લોકો થતા.
ચક્રી વિસ્મય ભક્તિથી જિન પૂછે ‘હે નાથ! છે કોણ આ?
‘–છે આચાર્ય સમર્થ એ ભરતના સદ્ધર્મ વૃદ્ધિકરા.’
(૪)
સૂણી એ વાત જિનવરની, હર્ષ જન હૃદયે વહે,
નાનકડા મુનિકુંજરને ‘એલાચાર્ય’ જનો કહે.
(પ)
પ્રત્યક્ષ જિનવરદર્શને બહુ હર્ષ એલાચાર્યને,
“ કાર સૂણતાં જિનતણો અમૃત મળ્‌યું મુનિ હૃદયને.
સપ્તાહ એક સૂણી ધ્વનિ શ્રુતકેવળી પરિચય કરી,
શંકા નિવારણ સહુ કરી મુનિ ભરતમાં આવ્યા ફરી.
(–એ દ્રશ્ય માટે જુઓ સોનગઢમાં સીમંધર પ્રભુનું સમવસરણ)
જ્યાં શ્રી સીમંધરાદિ તીર્થંકરો વિચરે છે એવા વિદેહક્ષેત્રના દેશો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે મરકી આદિ
રોગોથી રહિત છે; તેમ જ જિનદેવ સિવાયના કોઈ કુદેવો, કુલિંગ કે કુમત પણ ત્યાં હોતા નથી, તે દેશો સદાય
કેવળી ભગવંતો અને તીર્થંકરો, ચક્રવર્તીઓ વગેરે શ્લાકા પુરુષોથી ભરેલા હોય છે.
ધન્ય હો તે ધર્મભૂમિના ધર્માત્માઓને...!
* * * * *
વિચરંતા વીસ જિનને વંદુ ભાવે.
આ દુનિયામાં અત્યારે જૈનધર્મના ધુરંધર વીસ તીર્થંકર ભગવંતો સાક્ષાત્ વિચરી રહ્યા છે, તેમનાં મંગળ નામો–
૧. શ્રી સીમંધર ભગવાન ૬. શ્રી સ્વયંપ્રભ ભગવાન ૧૧. શ્રી વજ્રધર ભગવાન ૧૬. શ્રી નેમપ્રભ ભગવાન
૨. શ્રી યુગમંધર ભગવાન ૭. શ્રી ઋષભાનન ભગવાન ૧૨. શ્રી ચંદ્રાનન ભગવાન ૧૭. શ્રી વીરસેન ભગવાન
૩. શ્રી બાહુ ભગવાન ૮. શ્રી અનંતવીર્ય ભગવાન ૧૩. શ્રી ચંદ્રબાહુ ભગવાન ૧૮. શ્રી મહાભદ્ર ભગવાન
૪. શ્રી સુબાહુ ભગવાન ૯. શ્રી સૂરપ્રભ ભગવાન ૧૪. શ્રી ભુજંગમ ભગવાન ૧૯. શ્રી દેવયશ ભગવાન
પ. શ્રી સંજાતક ભગવાન ૧૦. શ્રી વિશાલકીર્તિ ભગવાન ૧પ. શ્રી ઈશ્વર ભગવાન ૨૦. શ્રી અજિતવીર્ય ભગવાન
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)