Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ ૯મું, અંક અગિયારમો, સં. ૨૦૮, ભાદ્રપદ (વાર્ષિક લવાજમ ૩ – ૦ – ૦)
૧૦૭
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
નિજશક્તિની સંભાળ
જીવ પોતાની શક્તિથી પરિપૂર્ણ છે પણ તે પોતાની સંભાળ કરતો નથી
તેથી પરાશ્રયની ભીખ માગી માગીને ભટકી રહ્યો છે; જો નિજશક્તિની સંભાળ
કરે તો પરાશ્રય છૂટીને સ્વાશ્રયે અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય. જે અનંતા
સિદ્ધભગવંતો થયા તે બધાય નિજશક્તિની સંભાળ કરીને તેના આશ્રયે જ સિદ્ધ
થયા છે. માટે હે જીવ...!...
....તારી અનંત શક્તિઓ તારામાં એક સાથે ભરી છે તેને તું સંભાળ. તું જ
સર્વશક્તિમાન પરમેશ્વર છો–એનો વિશ્વાસ કરીને તેમાં અંતર્મુખ થા તો તારી
પર્યાયમાં સર્વશક્તિ પ્રગટી જાય. તારી જેટલી શક્તિ છે તે બધી તારામાં જ ભરી
છે, માટે ક્યાંય પણ પરાશ્રયની આશા છોડીને તારા સ્વભાવનો જ આશ્રય કર.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨૧૦ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
• મુક્તિ નો પંથ •
[જ્ઞાયકસ્વભાવની ઉપાસના]
શરીર વગેરે પદાર્થો જડ છે, તેનાથી આત્મા તદ્ન ભિન્ન છે.
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વગેરે અશુભ ભાવો
છે, તેનાથી પાપબંધન થાય છે;
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, સેવા–પૂજા–ભક્તિ,
વગેરે શુભભાવો છે, તેનાથી પુણ્યબંધન થાય છે;
વીતરાગી આત્મધર્મ તે બંનેથી જુદો છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ વીતરાગભાવ તે ધર્મ છે, તેનાથી બંધનનો નાશ થાય છે.
આત્મા પરને ગ્રહણ કરે કે છોડે એવો કોઈ સ્વભાવ તેનામાં
નથી;
શુભ–અશુભ વૃત્તિ પણ પરમાર્થે આત્માનું સ્વરૂપ નથી;
આત્માના એકરૂપ જ્ઞાયકસ્વભાવમાં અપ્રમત્ત અને પ્રમત્ત
એવા ભેદો પણ નથી.
આત્મા તો, પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્ન અનાદિઅનંત
એકાકાર જ્ઞાયકભાવ છે.
આવો આત્મા જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ‘ભિન્નપણે
ઉપાસવામાં આવતો’ ‘શુદ્ધ’ કહેવાય છે.
આવા આત્મસ્વભાવની ઉપાસના કરવી તે જ મોક્ષમાર્ગ છે.
પહેલાંં શ્રદ્ધા અને જ્ઞાનમાં જ્ઞાયકસ્વભાવને ઉપાસવો તે
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે; અને પછી તેમાં લીનતા વડે તેને
ઉપાસવો તે સમ્યક્ચારિત્ર છે;
આ જ મુક્તિપંથ છે.
–પ્રવચનમાંથી.
સુધારો :– પેજ નં. ૨૧૭ કોલમ ૧ લીટી નં. ૧૪માં ટાઈપ ઊડી જવાથી ‘જૈનધર્મ’ ને બદલે ‘જનધર્મ’
છપાઈ ગયું છે; તે સુધારીને વાંચવું.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૧ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[૧૦]
* સર્વજ્ઞત્વ – શક્તિ *
[‘ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞતાના નિર્ણયમાં ઘણી ગંભીરતા રહેલી છે. અહીં, દરેક આત્મામાં
રહેલી સર્વજ્ઞત્વશક્તિ ઉપરના પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ જૈનધર્મના અનેક મૂળભૂત રહસ્યો પ્રકાશિત
કર્યા છે. દરેક આત્માર્થી જીવોને આ પ્રવચન મનનપૂર્વક સમજવાની ખાસ ભલામણ છે.]
દરેક આત્મામાં અનંત શક્તિઓ છે, તેથી તે અનેકાન્તની મૂર્તિ છે. તે અનેકાન્તમૂર્તિ ભગવાનઆત્માને
ઓળખાવવા માટે અહીં તેની કેટલીક શક્તિઓનું વર્ણન ચાલે છે. તેમાં સર્વદર્શિત્વશક્તિનું વર્ણન કર્યું, હવે તેની
સાથે સર્વજ્ઞત્વશક્તિનું વર્ણન કરે છે.
સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમેલા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. દર્શન
તો ‘બધું છે’ એમ સામાન્ય સત્તામાત્ર ભાવને દેખે છે; પરંતુ, જગતના બધા પદાર્થો સત્તાપણે સમાન હોવા છતાં
તેમના સ્વરૂપમાં વિશેષતા છે; કોઈ જીવ છે, કોઈ અજીવ છે, કોઈ સિદ્ધ છે, કોઈ સાધક છે, કોઈ અજ્ઞાની છે–
એમ અનંત પ્રકારના જુદાજુદા ભાવો છે તે બધાયને વિશેષપણે જાણે એવી આત્માની સર્વજ્ઞત્વશક્તિ છે. આ
શક્તિ દૂરના કે નજીકના, વર્તમાનના કે ભૂત–ભવિષ્યના સમસ્ત પદાર્થોને જાણે છે પણ તેમાં કોઈને ઠીક–અઠીક
માનતી નથી, આમાં એકલો જાણવાનો જ ભાવ છે, રાગ–દ્વેષનો ભાવ સર્વજ્ઞત્વશક્તિમાં નથી. ‘સર્વ ભાવ
જ્ઞાતાદ્રષ્ટા સહ શુદ્ધતા’ એવું આ શક્તિઓનું પરિણમન છે.
આત્માની બધી શક્તિઓમાં એવી કોઈ શક્તિ નથી કે જે પરને કે વિકારને કરે; પરંતુ પરને કે વિકારને
ન કરે એવી અકર્તૃત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, તેમજ પરને તેમજ વિકારને જાણે એવી સર્વજ્ઞત્વશક્તિ ત્રિકાળ
છે.
અહો, સમસ્ત વિશ્વને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે. તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે. તે
ધર્મી જીવ શરીર–મન–વાણી વગેરેની જે કાંઈ ક્રિયા થાય તેને જાણવાની ક્રિયા કરે છે, પણ ‘હું તેને કરું છું અથવા
તો આ હોય તો મને ઠીક ને આ ન હોય તો ઠીક’ એવી માન્યતારૂપ મિથ્યાત્વની ક્રિયાને તે કરતો નથી. તે જાણે
છે કે મારા આત્મામાં પરને જાણે તેવો ગુણ છે પણ કોઈ પરને લ્યે–મૂકે એવો કોઈ ગુણ મારામાં નથી; જગતના
બધા પદાર્થોને જેમ છે તેમ ભિન્ન ભિન્ન સ્વરૂપે જાણવારૂપે પરિણમે એવી સર્વજ્ઞત્વશક્તિનો હું સ્વામી છું પણ
પરની ક્રિયાનો સ્વામી હું નથી. મારી ક્રિયાશક્તિથી મારા અનંતગુણના પરિણમનરૂપ ક્રિયાને હું કરું છું પણ
પરની ક્રિયાને કે વિકારને હું કરતો નથી. જડમાં પણ ક્રિયાશક્તિ છે,

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
તેની ક્રિયા તેનાથી થાય છે, હું તો તેનો જાણનાર છું. આત્માની શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે,
પણ આત્માની શક્તિનો વિકાસ થતાં તે પરનું કાંઈ કરી દે કે જગતનો ઉદ્ધાર કરી દે–એમ બનતું નથી.
સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરે છે; તે પ્રતીત
પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાન પર્યાય તો પોતે જ અલ્પજ્ઞ છે, તે
અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય? અલ્પજ્ઞપર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ
અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય; ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે.
પ્રતીત કરનારી તો પર્યાય છે પણ તેને આશ્રય દ્રવ્યનો છે. દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને
સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ.
હજી પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલાંં પણ ‘મારો આત્મા ત્રણેકાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની
તાકાતવાળો છે’ એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ ન
માને. અલ્પજ્ઞપર્યાય વખતે પણ સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર અલ્પજ્ઞપર્યાય
ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે ‘સર્વજ્ઞભગવાનનો નંદન’ થયો છે.
આત્માના બધા ગુણો પોતામાં જ કાર્ય કરે છે. આત્મા પોતાના અનંતગુણ–પર્યાયોનો વિભુ છે, અનંત
ગુણ–પર્યાયમાં તેની સત્તા વ્યાપે છે, પણ આત્મા પરનો વિભુ નથી, પર ઉપર તેની સત્તા નથી. તેમ જગતના
સમસ્ત પદાર્થોને, તેના ગુણોને તેમ જ તેની ભાવાંતર કે ક્ષેત્રાંતરરૂપ અવસ્થાઓને–બધાને એકસાથે જાણે એવું
આત્માના જ્ઞાનનું વિભુત્વ છે; જે આત્મા પોતાની આવી જ્ઞાનશક્તિની પ્રતીત કરે તે જ ખરો જૈન અને
સર્વજ્ઞદેવનો ભક્ત છે; પણ આત્મા પરનું લ્યે–મૂકે–ફેરફાર કરે એમ જે માને છે તે આત્માની શક્તિને, સર્વજ્ઞદેવને
કે જૈનશાસનને માનતો નથી, તે ખરેખર જૈન નથી.
જુઓ ભાઈ! આ શું કહેવાય છે? આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ ગાણાં ગવાય છે. આ
કાંઈ કલ્પનાથી નથી કહેવાતું પણ આત્માનો સ્વભાવ જ એવો છે. સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે.
‘સર્વજ્ઞ...’ એટલે બધાને જાણનાર. અનંત દ્રવ્ય, અનંત ગુણો, અનંતી પર્યાયો–એ બધાને જાણે એવો મોટો
મહિમાવંત પોતાનો સ્વભાવ છે તેને અન્યપણે–વિકારી સ્વરૂપે માનવો તે જ આત્માની મોટી હિંસા છે. ભાઈ રે!
તું સર્વનો જ્ઞ એટલે જાણનાર છો, પણ પરનું તો કાંઈ કદી કરી શકતો જ નથી. જ્યાં દરેક વસ્તુએ વસ્તુ જુદી છે
ત્યાં જુદી ચીજનું તું શું કર? તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર, બધા સ્વતંત્ર છે. અહો! અનેકાન્તમાં તો એકલી
વીતરાગતા છે. ‘હું મારાપણે છું ને પરપણે નથી’ એમ નક્કી કરતાં જ અનંતા પરતત્ત્વોથી ઉદાસ થઈને
સ્વતત્ત્વમાં રહી ગયો એટલે વીતરાગતા થઈ ગઈ, –આમ અનેકાન્તમાં વીતરાગતા આવી જાય છે. અનેકાન્ત
કહો કે ભેદજ્ઞાન કહો, તેના વિના વીતરાગતા હોય જ નહિ.
અનેકાન્ત તે વીતરાગી વિજ્ઞાન છે, તેમાં સમ્યગ્જ્ઞાનપૂર્વકની વીતરાગતા છે; અને એકાંતમાં એટલે કે
સ્વ–પરની એકત્વબુદ્ધિમાં અજ્ઞાનસહિતનો કષાયભાવ છે. અનેકાન્તમાં તો વીતરાગી શ્રદ્ધા વીતરાગી જ્ઞાન ને
વીતરાગી ચારિત્રનું સ્થાપન છે એટલે અનેકાન્ત તે જ મોક્ષમાર્ગ છે, અનેકાન્ત તે પરમ અમૃત છે. જ્યાં પરનું
કરવાનું માન્યું ત્યાં એકાન્ત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ–દ્વેષ ભરેલા છે, તે જ સંસારનું મૂળ છે.
અનેકાન્ત દરેક પદાર્થનું સ્વાધીન સ્વરૂપ બતાવે છે, દરેક પદાર્થ પોતાના સ્વરૂપથી જ અનંતધર્મવાળો છે
એમ અનેકાન્ત બતાવે છે. ‘અનેકાન્ત’ કહેતાં જ સ્વથી અસ્તિ ને પરથી નાસ્તિ એટલે પોતાથી પરિપૂર્ણ અને
પરથી પૃથક્ વસ્તુ સિદ્ધ થાય છે. હું પરથી શૂન્ય છું ને મારા સ્વભાવથી સ્વાધીન–પરિપૂર્ણ છું–એમ અનેકાન્તમાં
વીતરાગીશ્રદ્ધા છે, સ્વ–પર તત્ત્વની ભિન્નતાનું વીતરાગીજ્ઞાન છે, અને તેમાં જ સ્વરૂપસ્થિરતારૂપ
વીતરાગીચારિત્ર છે કેમકે પરથી ભિન્નતા જાણી એટલે જ્ઞાન પરમાં ન રોકાતાં સ્વમાં ઠર્યું. –એ રીતે
વીતરાગીશ્રદ્ધા વીતરાગીજ્ઞાન અને વીતરાગીચારિત્ર એ ત્રણેય અનેકાન્તમાં આવી જાય છે.
હું બીજાનું કાંઈ કરી દઉં એવી જેની માન્યતા છે તેણે સામા તત્ત્વને પરાધીન માન્યું છે. જેણે એક પણ
તત્ત્વને પરાધીન માન્યું તેણે જગતના સમસ્ત પદાર્થોને પરાધીનસ્વરૂપે માન્યા છે, અને સ્વાધીન તત્ત્વને કહેનારા

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૩ :
ત્રણકાળના સંતોનો તેણે વિરોધ કર્યો છે; એ રીતે પરનું કર્તૃત્વ માનનારા એકાંતવાદી જીવનું અનંતુ વીર્ય ઊંધી
શ્રદ્ધામાં, ઊંધા જ્ઞાનમાં ને ઊંધા ચારિત્રમાં રોકાઈ ગયું છે, તેથી તે અનંત સંસારમાં રખડે છે. અનેકાન્તનું ફળ
મોક્ષ છે ને એકાંતનું ફળ સંસાર છે. એકાંતવાદીને આચાર્યદેવે ‘પશુ’ કહ્યો છે કેમકે તે પોતાના આત્મસ્વભાવને
પરથી ભિન્નપણે નથી દેખતો, પણ કર્મ વગેરે પરને જ આત્માપણે દેખે છે. અનેકાન્તવાદી તો પોતાના આત્માને
પરથી ભિન્નપણે સાધે છે. અનેકાન્તમાં ઘણી ગંભીરતા છે.
‘હું પરનું કરું’ એનો અર્થ એ થયો કે મારું અસ્તિત્વ પરમાં છે, એટલે કે હું મારાપણે નથી. અને જેમ ‘હું
મારાપણે નથી’ તેમ જગતનું કોઈ તત્ત્વ પોતાપણે નથી–એમ પણ તેમાં ગર્ભિતપણે આવી ગયું; એટલે તેના
અભિપ્રાયમાં જગતનો કોઈ પદાર્થ સત્ રહ્યો જ નહિ; એ રીતે ‘હું પરનું કરું’ એવા ઊંધા અભિપ્રાયમાં ત્રણ
જગતના સત્નું ખૂન થાય છે, તેથી તે ઊંધા અભિપ્રાયને મહાન પાપ કહ્યું છે. જગતના પદાર્થો તો જેમ છે તેમ
સત્ છે, તેમનો તો કાંઈ અભાવ થતો નથી, પણ ઊંધો અભિપ્રાય સેવનાર જીવને પોતાની પર્યાયમાં મિથ્યાત્વનું
મહાપાપ ઊભું થાય છે. જો આ અનેકાન્તથી વસ્તુસ્વરૂપને સમજે તો બધા ઊંધા અભિપ્રાયો છૂટી જાય. હું
મારાપણે સત્ છું ને પર પરપણે સત્ છે, હું પરપણે અસત્ છું ને પર મારાપણે અસત્ છે–એમ સમજતાં ક્યાંય
પરાવલંબનનો ભાવ રહેતો નથી, સ્વાવલંબને એકલી વીતરાગતા જ પ્રગટે છે. આખું જગત એમ ને એમ
પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે, તેમાં ક્યાં રાગ ને ક્યાં દ્વેષ? રાગ–દ્વેષ ક્યાંય છે જ નહિ, હું તો
બધાયનો જાણનાર જ છું, સર્વજ્ઞત્વશક્તિનો પિંડ છું–એમ ધર્મી જાણે છે.
આ આત્મવૈભવનું વર્ણન ચાલે છે. પોતામાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે
એવો જ્ઞાનવૈભવ આત્મામાં ભર્યો છે. જો આત્માની સર્વજ્ઞત્વશક્તિનો વિશ્વાસ કરે તો ક્યાંય ફેરફાર કરવાની
વાત ઊડી જાય છે. ‘નિમિત્ત આવે તો કાર્ય થાય ને નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય’ એવી જેની માન્યતા છે
તેને સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત નથી. ‘સર્વજ્ઞતા’ કહેતાં જ બધા પદાર્થોનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો
પદાર્થની ત્રણેકાળની પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન હોય ને આડીઅવળી થતી હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ થઈ ન
શકે; માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે આ બધું કબૂલ કરવું જ પડશે.
આત્મામાં સર્વજ્ઞશક્તિ ત્રિકાળ છે; તે સર્વજ્ઞશક્તિ આત્મજ્ઞાનમય છે. આત્મા પર સાથે તન્મય થઈને
પરને નથી જાણતો પણ સ્વમાં તન્મય રહીને જાણે છે. કોઈ પરના કારણે સર્વજ્ઞત્વશક્તિ પરિણમતી નથી પણ
આત્માના આશ્રયે જ પરિણમે છે, આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. માટે
સર્વજ્ઞત્વશક્તિ આત્મજ્ઞાનમય છે; જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. લોકાલોકને જાણવા છતાં
સર્વજ્ઞત્વશક્તિ તો આત્મજ્ઞાનમય જ છે, લોકાલોકને કારણે કેવળજ્ઞાન નથી. આ વાત સર્વદર્શિત્વશક્તિના
વર્ણનમાં વિસ્તારથી આવી ગઈ છે તે પ્રમાણે અહીં પણ જાણવું.
હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંતધર્મો એક સાથે ઊછળી રહ્યા છે, તેમાં જ ડોકિયું
કરીને તારા ધર્મને શોધ, તારા ધર્મને ક્યાંય બહારમાં ન શોધ. જેણે પોતાની સર્વજ્ઞતાની પ્રતીત કરી તે જીવ
દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો. પરની ક્રિયાને ફેરવવાની વાત તો દૂર રહી પણ પોતાની ક્રિયાવતી શક્તિથી
આત્માનું જેમ ક્ષેત્રાંતર થાય તેને પણ જ્ઞાન ફેરવતું નથી, માત્ર જાણે જ છે. ‘સર્વજ્ઞતા’ કહેતાં દૂર કે નજીકના
પદાર્થને જાણવામાં ભેદ ન રહ્યો; પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના
પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના
પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. જગતના વિશેષ ભાવોને એકસરખી રીતે જ્ઞાન જાણે છે. કેવળી
ભગવાનને સમુદ્ઘાત થવા પહેલાંં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે; ભવિષ્યની અનંત અનંત સુખ–
પર્યાયોનું વેદન થયા પહેલાંં સર્વજ્ઞત્વશક્તિ તેને જાણવાપણે પરિણમી ગઈ છે. ભગવાન જિનેન્દ્રદેવની પૂજામાં
‘સીમંધર જિન ચરણકમલ પર...’ વગેરે બોલવાની ક્રિયા જ્ઞાન કરતું નથી, તેમ જ ચોખા વગેરે આઠ પ્રકારની
ચીજો ભેગી કરવી તે કાર્ય જ્ઞાનનું નથી, અને શુભ વિકલ્પ થાય તે કાર્ય પણ જ્ઞાનનું નથી, જ્ઞાનનું કાર્ય તો માત્ર
‘જાણવું’ તે જ છે; તેમાં પણ અધૂરું જાણવારૂપે પરિણમે તેવું જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે
એવું જ્ઞાનનું સ્વરૂપ છે, –એમ અહીં સર્વજ્ઞત્વશક્તિ વર્ણવીને આચાર્યદેવે બતાવ્યું છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
રૂપિયા આવે કે જાય, શરીરમાં આહાર આવે કે ન આવે, પુસ્તક લખાય કે ભાષા બોલાય–તેમાં કાંઈ
કરવાની આત્માની તાકાત નથી, પણ તે બધાને જાણવાની આત્માની તાકાત છે. બળખો ગળામાં અટકી ગયો
હોય ત્યાં જ્ઞાન જાણે કે અહીં બળખો અટક્યો છે, પણ તે બળખાને કાઢવાની જ્ઞાનની તાકાત નથી; શરીરમાં
રોગ થાય તે રોગ ક્યારે થયો–કેટલો થયો તેને જ્ઞાન જાણે પણ રોગને દૂર કરવો તે જ્ઞાનની તાકાત નથી. શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે ‘તણખલાના બે કટકા કરવાની શક્તિ પણ અમે ધરાવતા નથી’ –એનો આશય એમ છે કે
અમે તો જ્ઞાયક છીએ, એક પરમાણુમાત્રને પણ ફેરવવાનું કર્તાપણું અમે માનતા નથી. તણખલાના બે કટકા
થાય તેને કરવાની અમારી તાકાત નથી પણ જાણવાની તાકાત છે. –અને તે પણ એટલું જ જાણવાની તાકાત
નથી પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે. જે જ્ઞાનની પૂર્ણ જાણવાની શક્તિને માને તે અધૂરી દશાને કે રાગને
પોતાનું સ્વરૂપ ન માને, એટલે તેને જ્ઞાનના ઉઘાડનો અહંકાર ક્યાંથી થાય? જ્યાં પૂર્ણ સ્વભાવનો આદર છે ત્યાં
અલ્પજ્ઞાનનો અહંકાર હોતો જ નથી. જ્ઞાનસ્વભાવી આત્મા સંયોગ વિનાનો તેમ જ પરમાં અટકવાના ભાવ
વિનાનો છે, કોઈ બીજા વડે તેનું માન કે અપમાન નથી. સર્વજ્ઞતા એટલે એકલું જ્ઞાન... પૂરેપૂરું જ્ઞાન... એવા
જ્ઞાનથી ભરેલા આત્માની પ્રતીત કરવી તે ધર્મનો મૂળ પાયો છે.
• • • • • • • •
નિમિત્તથી આત્માને લાભ થાય એમ માનનારને વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી. નિમિત્તથી આત્માને
લાભ થાય એમ માનનારે આત્માની સર્વજ્ઞત્વશક્તિને માની નથી. મારામાં જ સર્વજ્ઞપણે પરિણમવાની શક્તિ છે
તેનાથી જ મારું જ્ઞાન પરિણમે છે એમ ન માનતાં શાસ્ત્ર વગેરેના નિમિત્તથી મારું જ્ઞાન પરિણમે છે એમ જેણે
માન્યું તેણે સંયોગથી લાભ માન્યો. જે જેનાથી લાભ માને તેને તેમાં સુખબુદ્ધિ હોય જ. સંયોગથી લાભ માને
તેને સંયોગમાં સુખબુદ્ધિ છે, નિમિત્તથી લાભ માને તેને નિમિત્તમાં સુખબુદ્ધિ છે. સંયોગ એટલે પર વિષય;
નિમિત્ત પણ પર વિષય છે. જેને નિમિત્તના આશ્રયની બુદ્ધિ છે તેને પર વિષયમાં સુખબુદ્ધિ છે. જેણે આત્માને
કોઈ પણ સંયોગથી કે નિમિત્તથી લાભ માન્યો તેને ઊંડેઊંડે પર વિષયોની જ રુચિ પડી છે, તેને આત્માના
સ્વાધીનસુખની રુચિ થઈ નથી ને સ્વવિષય તેની દ્રષ્ટિમાં આવ્યો નથી. જેને ખરેખર આત્માના સુખની રુચિ
હોય તે એક પણ પર વિષયથી લાભ માને નહિ; ચૈતન્યબિંબ સ્વતત્ત્વ સિવાય બીજાથી લાભ માનવો તે
મૈથુનબુદ્ધિ એટલે કે વિષયોમાં સુખબુદ્ધિ છે.
‘મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો છે’ એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગહેતુ ધર્મને
એટલે કે પુણ્યને જ શ્રદ્ધે છે; ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં તેને ભોગનો જ
હેતુ પડ્યો છે.
સર્વજ્ઞતત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે, તેને બદલે નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે એમ જે
માને તેને પાંચ ઈન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી; નિમિત્ત અને વિષયો બંને એક છે. નિમિત્તથી લાભ
માનનાર કે વિષયોમાં સુખ માનનાર–એ બંનેની એક જ જાત છે. તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને ન
પરિણમતાં સંયોગનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે; ભલે શુભભાવ હો તોપણ તેમને વિષયોની રુચિ ટળી
નથી ને સ્વભાવસુખની રુચિ થઈ નથી.
પરમાંથી કાંઈ લાભ લ્યે એવી કોઈ શક્તિ આત્મામાં નથી, તેમ જ આત્માને લાભ આપે એવી કોઈ
શક્તિ પરવસ્તુમાં નથી; છતાં પરનો આશ્રય કરીને લાભ લેવાનું જે માને છે તેને સ્વવિષયની રુચિ નથી પણ
ઊંડાણમાં વિષયોના સુખની રુચિ પડી છે; તેણે પોતાના આત્માને ધ્યેયરૂપ નથી ર્ક્યો પણ વિષયોને જ ધ્યેયરૂપ
બનાવ્યા છે. અહીં વિષયો કહેતાં એકલા અશુભરાગના નિમિત્તો જ ન સમજવા, પણ દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે
શુભરાગના નિમિત્તો તે પણ પરવિષય જ છે. પોતાના ચૈતન્યસ્વભાવ સિવાયના બધાય પદાર્થો પરવિષયો છે,
તેમના આશ્રયથી જે લાભ માને તેને પરવિષયોની પ્રીતિ છે.
દરેક આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે; તેની શ્રદ્ધા કરનારને પરવિષયોના આશ્રયથી લાભની બુદ્ધિ હોતી
નથી. ‘અહો, મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે’ એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પર સામે જોઈને કરી
છે કે પોતાની શક્તિ સામે જોઈને કરી છે? આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને
ધ્યેય બનાવીને થાય? કોઈ નિમિત્ત, રાગ કે અધૂરી પર્યાયના લક્ષે પૂર્ણતાની પ્રતીત થતી નથી પણ અખંડ
સ્વભાવના લક્ષે જ પૂર્ણતાની

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૫ :
પ્રતીત થાય છે. પરમાર્થે અર્હંતભગવાન આ આત્માના ધ્યેય નથી, તેમના લક્ષે તો રાગ થાય છે; અર્હંત
ભગવાનની શક્તિ તેમનામાં છે, તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી. અર્હંતભગવાન જેવી
આ આત્માની શક્તિ પોતામાં ભરી છે. જો અર્હંતભગવાનની સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ ન વળે
તો મોહનો ક્ષય થાય નહિ. જેવા શુદ્ધ અર્હંતભગવાન છે તેવો જ હું છું–એમ જાણીને જો પોતાના આત્મા તરફ
વળે તો સમ્યગ્દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે. પ્રભો! તારી ચૈતન્યસત્તાના અસંખ્યપ્રદેશી ખેતરમાં તારા
અચિંત્ય નિધાન ભર્યાં છે, તારી સર્વજ્ઞશક્તિ તારા જ નિધાનમાં પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતાદ્વારા ખોદ
તો તારા નિધાનમાંથી સર્વજ્ઞતા પ્રગટે.
વિશ્વના સમસ્ત ભાવોને વિશેષ પ્રકારે જાણવાની આત્માની તાકાત છે. જડ–ચેતન, મૂર્ત–અમૂર્ત, સિદ્ધ–
સંસારી, ભવ્ય–અભવ્ય ઈત્યાદિ સમસ્ત વિધવિધ અને વિષમ ભાવોને વીતરાગપણે જાણી લ્યે એવું સર્વજ્ઞતાનું
સામર્થ્ય આત્મામાં ભર્યું છે. કોઈ નિમિત્તના કારણે તે જ્ઞાનસામર્થ્ય ખીલતું નથી. જો આત્મા નિમિત્તથી જાણતો
હોય તો તો સર્વજ્ઞત્વશક્તિ નિમિત્તમયી થઈ ગઈ, પણ આત્મજ્ઞાનમયી ન રહી! જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં
નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની
પ્રતીત કરનારો સાધક પોતાના જ્ઞાનનેે પરાવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વતરફ
વાળે છે. પર સામે જોયે આત્માનું કાંઈ વળે તેમ નથી, સર્વજ્ઞશક્તિવાળા પોતાના આત્મા સામે જુએ તો
સર્વજ્ઞતા મળે તેમ છે. અનંત કાળ પર સામે જોયા કરે તોય ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજસ્વભાવ
સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે.
પોતાના સ્વભાવના અવલંબને ત્રણકાળ ત્રણલોકને જાણવારૂપે પરિણમવાની આત્માની તાકાત છે; તેને
બદલે સ્વભાવ–ઘરને છોડીને નિમિત્ત વગેરે પરદ્રવ્યના અવલંબને જે પોતાનું પરિણમન માને છે તે અજ્ઞાનીની
વ્યભિચારી બુદ્ધિ છે. નિમિત્તના આશ્રયથી લાભ થાય એવી માન્યતા કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, મૂઢતા
કહો, સંયોગીદ્રષ્ટિ કહો, વિષયોમાં સુખબુદ્ધિ કહો, વ્યભિચાર કહો, અધર્મ કહો કે અનંત સંસારનું મૂળકારણ કહો–
તે બધાયનો એક જ ભાવ છે. જ્યાં પોતાના સહજસ્વરૂપની રુચિ નથી ને પરાશ્રયભાવની રુચિ છે ત્યાં ઉપરના
બધા ભાવો તેમાં પડ્યા જ છે.
સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાંં સાધકદશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત કરવાની આ વાત છે. પૂર્ણ
શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધકદશા શરૂ થઈને પૂર્ણદશા પ્રગટે છે.
સાધકને શાશ્વત તીર્થ સમ્મેદશિખર વગેરેની યાત્રાનો ભાવ આવે, પણ સમ્મેદશિખર વગેરેના કારણે મને
ઝટ ભગવાનનું જ્ઞાન થાય–એમ તે માનતા નથી. તેને એમ પ્રતીત છે કે નજીકના તેમ જ દૂરના સમસ્ત પદાર્થોને
સમાનપણે જાણવાની મારા જ્ઞાનની તાકાત છે, મારા જ્ઞાન સામર્થ્યને દૂરનું કે નજીકનું જાણવામાં ફેર પડતો નથી
જ્યાં પૂરું જ્ઞાનસામર્થ્ય ખીલી ગયું તેમાં દૂર શું ને નજીક શું? જ્ઞાન તો આત્મામાં રહીને જાણે છે, કાંઈ પદાર્થોની
સમીપ જઈને તેને નથી જાણતું. એક સર્વજ્ઞ અઢી દ્વીપની બરાબર વચમાં હોય ને બીજા સર્વજ્ઞ અઢી દ્વીપના છેડા
ઉપર હોય, તો ત્યાં વચમાં રહેલા સર્વજ્ઞને ચારે બાજુના પદાર્થોનું કાંઈ વધારે સ્પષ્ટ જ્ઞાન થાય અને છેડા ઉપર
રહેલા સર્વજ્ઞને સામા છેડાના પદાર્થો દૂર હોવાથી કાંઈ ઓછું જ્ઞાન થાય–એમ નથી; બંનેનું સર્વજ્ઞપણું સરખું જ
છે. અહીંના પદાર્થનું જેવું સ્પષ્ટ જ્ઞાન અહીં રહેલા કેવળીને થાય તેવું જ સ્પષ્ટ જ્ઞાન લાખો–કરોડો યોજન દૂર
રહેલા સિદ્ધ ભગવંતોને થાય છે; સર્વજ્ઞતામાં ફેર પડતો નથી. આવી સર્વજ્ઞતારૂપે પરિણમવાની શક્તિ દરેક
જીવમાં ત્રિકાળ છે.
‘અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન જ ભરી છે’ –આમ સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા
કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે.
સ્વભાવસન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ. આ રીતે એક સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં
તેમાં મોક્ષની ક્રિયા–ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને
નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવબુદ્ધિ થઈ નથી.
માથું

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
કાપનાર નિમિત્ત મને નુકસાન કરે અને ભગવાનની વાણી મને લાભ કરે–એમ પર વિષયોથી લાભ–નુકસાન
થવાની જેની માન્યતા છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ, વિષયોની બુદ્ધિવાળો છે. સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ તો એમ
જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્ય વાણી સંભળાવનાર વીતરાગદેવ–એ બંને મારા જ્ઞાનના જ્ઞેયો છે. તે
જ્ઞેયોને કારણે મને કાંઈ લાભ–નુકસાન નથી તેમજ તે જ્ઞેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ–દ્વેષ વગર
સમસ્ત જ્ઞેયોને જાણી લેવાની સર્વજ્ઞત્વશક્તિ મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તો પણ ધર્મીને
આવી શ્રદ્ધા તો ખસતી જ નથી. તેથી જે પૂર્ણ સ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે
અલ્પકાળમાં તેમને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી જાય છે.
અનેકાન્તસ્વરૂપી આત્માની સર્વજ્ઞત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું. (૧૦)
અરે જીવ! વિરોધ છોડીને અંતરથી હા પાડ!
– આ તને તારી પ્રભુતા સમજાવાય છે.

સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ નિર્મળસ્વરૂપ આત્માને સમજ્યા વિના જન્મ–મરણ ટાળવાનો કોઈ અન્ય માર્ગ
નથી. નિત્ય અવિકારી ધુ્રવ ચૈતન્યસ્વભાવને લક્ષમાં ન લ્યે તે જીવને ધર્મ થાય નહિ અને ભવ ઘટે નહિ. જેને
ચૈતન્યસ્વભાવનું ભાન નથી તે જીવ મન–વાણી–દેહની પ્રવૃત્તિમાં અથવા પુણ્યમાં ધર્મ માનીને અટકે છે, પણ તેનું
ફળ તો બંધનરૂપ સંસાર છે. જેને આ વાતનું લક્ષ નથી તેણે બાહ્ય પ્રવૃત્તિમાં જ કૃતકૃત્યતા માની હોય છે; તેથી
તેની માન્યતાથી ઊલટી વાત જ્ઞાની જ્યારે સંભળાવે કે ‘બાહ્ય પ્રવૃત્તિથી કે પુણ્યથી ધર્મ ન થાય,’ ત્યારે તે
સાંભળતાં સત્યતત્ત્વનો તે વિરોધ કરે છે.
જેમ પેંડો આપવા માટે બાળક પાસેથી ચૂસણિયું છોડાવવામાં આવતાં તે રાડ નાખે છે તેમ મુક્તિરૂપી
પેંડાનો સ્વાદ ચખાડવા માટે બાળજીવોને તેમની ઊંધી માન્યતારૂપ લાકડાની પકડ છોડાવવામાં આવે છે ત્યાં
તેઓ રાડ નાખે છે; પણ એને ખબર નથી કે જ્ઞાની તેના હિતની વાત કહે છે.
જેઓ પરની ક્રિયાથી ધર્મ માનનારા છે તથા પુણ્ય કરતાં કરતાં તેનાથી આત્મશુદ્ધિ થશે એમ માનીને તે
વિકારના સ્વાદમાં જ અટકી ગયા છે, તેને જ્ઞાની કહે છે કે હે ભાઈ! તારી એ ખોટી માન્યતારૂપ લાકડાના
ચૂસણિયાથી સાચો સ્વાદ નહિ આવે માટે તેને છોડ અને તારા સ્વાધીન સ્વભાવની અંતરથી હા પાડ, તો
સ્વભાવના સંવેદનમાં તને સુખનો સાચો સ્વાદ આવે.
હું પરથી જુદો, સાક્ષાત્ ચૈતન્યજ્યોતિ, અનંત આનંદની મૂર્તિ છું–એમ સમજ્યા વગર જેટલા શુભરાગ
કરે તે બધા મુક્તિ માટે વ્યર્થ છે. આવું સાંભળતાં કોઈ અજ્ઞાની વિરોધ કરે છે કે અરેરે! અમારું બધું ઊડી જાય
છે. પણ પ્રભુ! વિરોધ ન કર...ના ન પાડ...આ તો તારી પ્રભુતા તને સમજાવાય છે. તારો અનંત મહિમાવાન
સ્વભાવ અમે તને સમજાવીએ છીએ ત્યારે તું તેનો વિરોધ કરીને અસત્યનો આદર કરે–એ કેમ શોભે?
જેમ કોઈ ખાનદાનનો પુત્ર બહારચલો થયો હોય ને તેને તેનો પિતા ઠપકો આપે કે ભાઈ રે! ખાનદાનને
આ ન શોભે...તારી જાત લાજે છે; તેમ આત્માના ચૈતન્યઘરને છોડીને જેઓ પુણ્ય–પાપની પ્રવૃત્તિરૂપ કુસંગથી
ધર્મ માને છે તેને પરમ ધર્મપિતા શ્રી તીર્થંકરદેવ શિખામણ આપે છે કે અરે જીવ! તું અમારી જાતનો છો, આ
બહારચલાપણું તને ન શોભે, તેમાં તારી પ્રભુતા લાજે છે; તારી નાતજાત સિદ્ધપરમાત્મા સમાન છે, આ
વિકારથી તારી શોભા નથી. –આમ કહીને તે અજ્ઞાની જીવને પુણ્ય–પાપરહિત તેનો જ્ઞાનસ્વભાવ સમજાવે છે.
અહો! પરમ સત્યની આવી વાત કાને પડવી પણ ઘણી દુર્લભ છે. અનંતકાળે આવા મોંઘા ટાણાં મળ્‌યાં
છે ત્યારે પણ જો અપૂર્વ સત્ય સમજીને સ્વતંત્ર વસ્તુસ્વભાવનું સામર્થ્ય ન સમજે તો ચોરાશીના અવતારની
રખડપટ્ટી ટળશે નહિ. માટે જે જીવ હવે આ રખડપટ્ટીથી થાક્યો હોય તેણે ધીરો થઈને અંતરમાં આ વાત
સમજવા જેવી છે.
જાુઓ – સમયસાર પ્રવચનો ભાગ ૧, પૃ. ૧૬૭ – ૮

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૭ :
અધ્યત્મન રહસ્ય
કેવી દ્રષ્ટિથી સાધકપણું થાય?
[‘વસ્તુનું સ્વરૂપ અનેકાન્તમય છે; ત્યાં સાધક જીવની
અધ્યાત્મદ્રષ્ટિમાં ક્યારેક નિશ્ચયની મુખ્યતા હોય અને ક્યારેક વ્યવહારની
મુખ્યતા હોય–એમ નથી, સાધકની દ્રષ્ટિમાં તો સદાય અભેદની જ
મુખ્યતા છે; અભેદની દ્રષ્ટિથી જ સદા સાધકપણું હોય છે.’ –જૈનધર્મનું
આ ગૂઢરહસ્ય પૂ. ગુરુદેવશ્રીએ આ પ્રવચનોમાં ખુલ્લું કર્યું છે.
]


અધ્યાત્મદ્રષ્ટિમાં અભેદને તો મુખ્ય કરીને તેને નિશ્ચય કહ્યો છે ને ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો
છે. અભેદની મુખ્યતાને નિશ્ચય કહ્યો ને ભેદની ગૌણતા કરીને તેને વ્યવહાર કહ્યો–તેમાં મહાન સિદ્ધાંત છે, જૈન–
દર્શનનું મૂળ રહસ્ય તેમાં આવી જાય છે. અધ્યાત્મની દ્રષ્ટિમાં સદાય અભેદની જ મુખ્યતા રહે છે માટે મુખ્ય તે
નિશ્ચય છે, ને ભેદની સદા ગૌણતા છે તેથી ગૌણ તે વ્યવહાર છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં કદી ભેદની મુખ્યતા થતી
નથી, તેની દ્રષ્ટિમાં સદાય અભેદની જ મુખ્યતા છે; અભેદના આશ્રયે જ સાધકપણું હોય છે. સાધકદશા પરના
આશ્રયે કે રાગના આશ્રયે તો નથી, પરંતુ ભેદના આશ્રયે પણ સાધકદશા નથી, અભેદના આશ્રયે જ સાધક દશા
છે, માટે સાધકની દ્રષ્ટિમાં અભેદદ્રવ્યની જ મુખ્યતા છે. જુઓ આ જૈનધર્મના અનેકાન્તનું રહસ્ય! નિશ્ચય અને
વ્યવહાર બંનેને જાણીને, અભેદદ્રવ્યનો આશ્રય લેવો તે જ પ્રયોજન છે. અભેદ દ્રવ્યના અવલંબન વગર
વીતરાગદશા થતી નથી. જો અભેદ દ્રવ્યનું અવલંબન ન કરે તો જીવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. અધ્યાત્મ–
કથનીમાં જીવનું પ્રયોજન સિદ્ધ કરવા માટે–એટલે કે અભેદદ્રવ્યનું અવલંબન કરાવીને શુદ્ધદશા પ્રગટ કરવા માટે–
સદાય અભેદને જ મુખ્ય કહેવામાં આવે છે, અને તે જ નિશ્ચયનયનો વિષય છે; આવા નિશ્ચયના આશ્રયે જ
મુક્તિ થાય છે.
અધ્યાત્મ–પ્રકરણનું આ રહસ્ય છે કે તેમાં અભેદની જ મુખ્યતા છે, ને મુખ્ય તે જ નિશ્ચય છે તથા તેના
જ આશ્રયે ધર્મ થાય છે; તેમાં ભેદની ગૌણતા છે ને ગૌણ તે વ્યવહાર છે. આ પ્રમાણે જાણીને અભેદદ્રવ્યનો
આશ્રય કરીને પરિણમે તો જ તેણે બે નયોને યથાર્થ જાણ્યા કહેવાય.
અધ્યાત્મ–પ્રકરણમાં મુખ્યને નિશ્ચય કહેવામાં આવે છે ને ગૌણને વ્યવહાર કહેવામાં આવે છે; ત્યાં મુખ્ય
કોણ? કે અભેદદ્રવ્ય તે જ મુખ્ય છે, ને ભેદરૂપ પર્યાય તે ગૌણ છે. જુઓ, અધ્યાત્મ કથનમાં ‘નિશ્ચય તે મુખ્ય’
એમ ન કહ્યું, પણ ‘મુખ્ય તે નિશ્ચય’ એમ કહ્યું, કેમકે અધ્યાત્મદ્રષ્ટિમાં તો સદાય અભેદની જ મુખ્યતા રહે છે,
માટે મુખ્યને નિશ્ચય કહ્યો. અભેદ તે મુખ્ય છે ને તે જ નિશ્ચયનયનો વિષય છે, ભેદ તે ગૌણ છે તેથી તે
વ્યવહારનયનો વિષય છે. પર્યાય પરને લીધે થાય છે માટે તેને વ્યવહાર કહ્યો–એમ નથી, પણ ભેદની ગૌણતા છે
માટે તેને વ્યવહાર કહ્યો છે. ધર્મી જીવની દ્રષ્ટિમાં અભેદદ્રવ્યની જ મુખ્યતા છે, ને ભેદની પર્યાયની ગૌણતા છે,
માટે અધ્યાત્મમાં અભેદ દ્રવ્યને મુખ્ય કરીને તેને નિશ્ચય કહ્યો, ને ભેદરૂપ પર્યાયને ગૌણ કરીને તેને વ્યવહાર
કહ્યો. દ્રવ્ય અને પર્યાય–એ બંને, વસ્તુના જ અંશ છે, પર્યાય પણ વસ્તુનો પોતાનો અંશ છે, તે કાંઈ પરને લીધે
નથી, પણ પર્યાયની ગૌણતા છે માટે તેને વ્યવહાર કહ્યો છે. ‘પર્યાય પરથી થાય છે માટે’ વ્યવહાર છે–એમ નથી,
પણ ‘પર્યાય ગૌણ છે માટે’

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
વ્યવહાર છે. જો પર્યાયને વસ્તુનો અંશ ન માને, ને પરને લીધે પર્યાય થાય છે એમ માને તો એકાંત નિશ્ચય થઈ
જાય છે, કેમકે પર્યાય તે પોતાનો વ્યવહાર છે તેને માન્યો નહિ એટલે એકાંત મિથ્યાત્વ થઈ ગયું. જ્ઞાની તો
પોતાના દ્રવ્ય અને પર્યાય બંનેને બરાબર જાણીને અભેદ તરફ ઢળે છે, એટલે તેની દ્રષ્ટિમાં અભેદની મુખ્યતા ને
ભેદની ગૌણતા છે. પણ જે જીવ પોતાના દ્રવ્ય–પર્યાયને જાણતો જ નથી તેને તો મુખ્ય–ગૌણ કરવાનું રહ્યું જ
ક્યાં? અનેકાન્તથી દ્રવ્ય–પર્યાય બંનેને જાણીને અભેદ દ્રવ્યદ્રષ્ટિ કરતાં ભેદનો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ
થાય છે, આ જ સાધક–દશાની એટલે કે ધર્મની રીત છે. આ સિવાય બહારના ક્રિયાકાંડ તો દૂર રહ્યા, પણ ભેદ
ઉપરની દ્રષ્ટિ રહે ત્યાંસુધી પણ ધર્મ થતો નથી. અભેદ દ્રવ્યની દ્રષ્ટિથી જ ધર્મ થાય છે.
દ્રવ્ય અને પર્યાય તે બંને વસ્તુના જ અંશો છે; તેમાં દ્રવ્યને પ્રધાન કરીને તેને નિશ્ચયનયનો વિષય કહ્યો
ને પર્યાયને ગૌણ કરીને વ્યવહારનયનો વિષય કહ્યો. પણ પર્યાયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો તેનો અર્થ
એમ નથી કે પર્યાય પરને લીધે થાય છે! પર્યાય પણ પોતાનો જ અંશ છે, પણ અહીં અભેદ દ્રવ્યને ઓળખાવવા
માટે પર્યાયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. ‘રાગાદિ વિકારી ભાવો પુદ્ગલના પરિણામ છે’ –એમ
અધ્યાત્મદ્રષ્ટિથી સમયસારાદિમાં કહ્યું છે, પણ ત્યાં તેનો આશય શું છે તે સમજવું જોઈએ. ત્યાં તો ક્ષણિક
પર્યાયને ગૌણ કરીને તેનું લક્ષ છોડાવવા અને અભેદ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે તેમ કહ્યું છે, કાંઈ જીવની
પર્યાય પરને લીધે થાય છે અથવા પુદ્ગલકર્મ જીવને વિકાર કરાવે છે–એમ કહેવાનો ત્યાં આશય નથી. અજ્ઞાની
જીવ પોતાના મિથ્યા અભિપ્રાયમાંથી ઊંધો આશય કાઢીને શાસ્ત્રના વિપરીત અર્થ કરે છે, પણ શાસ્ત્રમાં તેવો
આશય છે જ નહિ.
અધ્યાત્મ શાસ્ત્રોમાં જીવનું પ્રયોજન સિદ્ધ કરવા માટે અભેદદ્રવ્યને પ્રધાન કરીને તેને નિશ્ચય કહ્યો છે.
સામાન્ય દ્રવ્ય અભેદરૂપ છે તે તો નિશ્ચયનો આશ્રય છે ને પર્યાય ભેદરૂપ છે તે વ્યવહારનો આશ્રય છે. જુઓ,
આ વ્યવહાર પરના આશ્રયે નથી પણ પોતાનો જ અંશ છે. દ્રવ્ય અને પર્યાય બંને નિશ્ચયથી પોતાનાં જ છે.
પર્યાયને વ્યવહાર કહ્યો પણ તેથી તે પર્યાય કાંઈ પરને લીધે નથી થતી. ક્ષાયોપશમિકજ્ઞાન વગેરે ભાવો કે
રાગાદિભાવો તે પણ નિશ્ચયથી જીવનો જ અંશ છે, કેમકે તે જીવની પર્યાયમાં થાય છે. પણ અહીં અધ્યાત્મ–
કથનીમાં અભેદ વસ્તુ બતાવવાનું પ્રયોજન હોવાથી ભેદને–પર્યાયને ગૌણ કહેવામાં આવે છે; ભેદને ગૌણ કરીને
અભેદને મુખ્ય કહેવામાં આવે તો જ અભેદ વસ્તુ સારી રીતે ઓળખી શકાય છે; અને અભેદ વસ્તુને યથાર્થ
ઓળખીને તેનો આશ્રય કરવાથી જ જીવનું કલ્યાણ થાય છે, ભેદબુદ્ધિ તો અનાદિની છે, તેનાથી જીવનું કલ્યાણ
થતું નથી.
અધ્યાત્મ–કથનીમાં અભેદને મુખ્ય અને ભેદને ગૌણ કહેવાનું પ્રયોજન શું છે તે બતાવે છે; ‘ત્યાં પ્રયોજન
આ છે કે વસ્તુને ભેદરૂપ તો સર્વ લોક જાણે છે, અને જે જાણે છે તે જ તેમને પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક
પર્યાયબુદ્ધિ છે. લોકોને પર્યાય જ પ્રસિદ્ધ છે એટલે કે ક્ષણિક રાગાદિ પર્યાયને જ આખો આત્મા તેઓ માની રહ્યા
છે, પણ રાગરહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને તેઓ જાણતા નથી, તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. તેને ત્રિકાળ શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન
કરાવવા માટે અનાદિઅનંત એકરૂપ ચૈતન્યસ્વભાવને પ્રધાન કરીને તેને નિશ્ચયનયનો વિષય કહ્યો. એ રીતે
અખંડ જીવદ્રવ્યનું જ્ઞાન કરાવવા માટે પર્યાયાશ્રિત ભેદને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યા. અભેદદ્રવ્યની દ્રષ્ટિમાં ભેદ
દેખાતા નથી, તેથી અભેદદ્રષ્ટિ કરાવવા માટે ભેદને અભૂતાર્થ કહ્યા છે. પરંતુ, પર્યાયને અભૂતાર્થ કહી તેથી તે
વસ્તુનું સ્વરૂપ જ નથી–એમ નથી. પર્યાય પોતાની છે તેને ન જાણે ને એકલા સામાન્ય દ્રવ્યને જ માને તો તે
પણ એકાંત મિથ્યાદ્રષ્ટિ છે.
શરીરની ક્રિયા આત્મા કરે છે અથવા મારી પર્યાય પરથી થાય છે એમ જે માને છે તે તો સ્થૂળ અજ્ઞાની
છે, પણ રાગ–દ્વેષ તે હું છું ને ક્ષયોપશમભાવ તે હું છું–એમ ક્ષણિક પર્યાય જેટલો જ આત્માને માને છે ને
ત્રિકાળી તત્ત્વને જાણતા નથી એવા જીવો પણ પર્યાયબુદ્ધિ મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં કહે છે કે લોકોને પર્યાય તો પ્રસિદ્ધ છે પણ ત્રિકાળ શક્તિના પિંડરૂપ અભેદસ્વભાવને તેઓ જાણતા
નથી તેથી મિથ્યાદ્રષ્ટિ છે. હજી તો પર્યાય પણ પરનિમિત્તને લીધે થાય છે–એમ જે માને છે તેને તો પર્યાય પણ
પ્રસિદ્ધ નથી, તેણે તો પર્યાયનું સ્વરૂપ પણ જાણ્યું નથી. કર્મ રાગ કરાવે

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૯ :
એમ માને તો તેણે રાગપર્યાયને પોતાની જાણી નથી. કર્મને લીધે રાગ ન થાય, રાગ તે મારા કારણે થાય છે–
એમ પર્યાયને તો જાણે, પણ રાગપર્યાય તે જ હું છું–એમ અજ્ઞાની માને છે, રાગરહિત જ્ઞાનસ્વભાવી તત્ત્વ શું છે
તેને અજ્ઞાની જાણતો નથી, અને તે સ્વભાવના જ્ઞાન વિના કદી ધર્મ થતો નથી. તેથી તે અભેદસ્વભાવની દ્રષ્ટિ
અને જ્ઞાન કરાવવા માટે અધ્યાત્મ કથનીમાં તેને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. લોકો કહે છે કે મોટાનો છેડો
પકડવો, તેમ જેણે ધર્મ કરવો હોય તેણે મોટાને છેડો પકડવો; મોટું કોણ? કે પરનો તો પોતામાં અભાવ છે, ને
પર્યાય ક્ષણ પૂરતી જ છે, ત્રિકાળ એકરૂપ રહેનારો ચૈતન્યશક્તિનો પિંડ અભેદ સ્વભાવ છે તે જ મોટો છે, તેનું
અવલંબન કરવાથી ધર્મ થાય છે; માટે ધર્મીની દ્રષ્ટિમાં તે અભેદસ્વભાવની જ મુખ્યતા સદાય છે. અજીવ
પદાર્થોથી જીવને જુદો ઓળખાવ્યા પછી હવે તો જીવમાં અભેદસ્વભાવની દ્રષ્ટિ કરાવવાની વાત છે, તેથી મુખ્ય–
ગૌણની વાત સમજાવી છે.
મનુષ્ય તે જીવ, રાગ કરે તે જીવ, અથવા ઘર–મકાન વગેરેને જાણે તે જીવ–એ પ્રમાણે રાગ અને
ક્ષાયોપશમિક જ્ઞાન વગેરે પર્યાયોને જ લોકો જીવતત્ત્વ માની રહ્યા છે, પણ તે તો બધા ક્ષણિક ભાવો છે, ત્રિકાળ
ટકનાર જીવતત્ત્વ શુદ્ધ ચૈતન્યમય છે, –આવા જીવતત્ત્વને લોકો નથી જાણતા. જુઓ, અગિયાર અંગ સુધી ભણી
જાય, પણ પોતાના અભેદ–સ્વભાવની દ્રષ્ટિ ન કરે તો તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જ રહે છે; અને શાસ્ત્રનું
ભણતર કદાચ વિશેષ ન હોય પણ અંતરમાં પરિપૂર્ણ સામર્થ્યના પિંડરૂપ અભેદસ્વભાવને જ્ઞાનમાં પકડીને
એકાગ્ર થાય તો તે જીવ આરાધક ધર્મી છે.
પર્યાય એક સમયની છે ને દ્રવ્ય ત્રિકાળ છે; પર્યાયના સામર્થ્ય કરતાં દ્રવ્યનું સામર્થ્ય અનંતગણું છે. તે
દ્રવ્યના જ આશ્રયે આરાધકપણું થાય છે. આરાધકપણું પોતે પર્યાય છે, પણ તે પર્યાય પ્રગટે છે દ્રવ્યના આશ્રયે!
માટે જ અભેદવસ્તુનાં ગાણાં ગવાય છે, ને તેને જ પ્રધાન કરીને નિશ્ચય કહ્યો છે, તથા ભેદરૂપ પર્યાયને ગૌણ
કરીને વ્યવહાર કહ્યો છે.
રાગ–દ્વેષાદિ વિકાર થાય છે તે પોતાની પર્યાય છે અને તે પોતાથી જ થાય છે; પણ તે એક અંશ છે,
આખી આત્મવસ્તુ તે અંશમાં સમાઈ જતી નથી. માટે તે અંશની બુદ્ધિ છોડાવીને અખંડ વસ્તુની દ્રષ્ટિ કરાવવા
માટે જ અંશને અભૂતાર્થ કહ્યો છે; પણ વિકાર થાય છે તે પરને લીધે થાય છે–એમ કહેવાનો આશય નથી. અહીં
તો, નિત્ય–અનિત્ય, દ્રવ્ય–પર્યાય, એક–અનેક, શુદ્ધ–અશુદ્ધ ઈત્યાદિ રૂપે અનેકાંતવસ્તુ છે, તેમાં કોના આશ્રયે ધર્મ
થાય છે તે સમજાવ્યું છે. આત્માને સાધક બનાવવા માટે અનેકાન્તવસ્તુમાં પણ મુખ્ય–ગૌણ થાય છે. ધર્મીની
દ્રષ્ટિમાં સદાય અભેદ શુદ્ધસ્વરૂપની જ મુખ્યતા રહે છે, ને તેની મુખ્યતાના આશ્રયે જ ધર્મ થાય છે ભેદરૂપ
વ્યવહાર છે તે જ્ઞાન કરવા માટે બરાબર છે, પણ ધર્મીની દ્રષ્ટિમાં તેનો આશ્રય નથી. જો ભેદને જાણે પણ નહિ
તો આખી વસ્તુનું યથાર્થજ્ઞાન થતું નથી એટલે મિથ્યાત્વ ટળતું નથી, અને જો ભેદના આશ્રયે લાભ માને તો
પણ અભેદવસ્તુના આશ્રય વગર મિથ્યાત્વ ટળતું નથી. ભેદ તેમ જ અભેદ એ બંને સ્વરૂપે વસ્તુને જાણીને જો
અભેદનો આશ્રય કરે તો જ સમ્યગ્દર્શન અને અનેકાન્તજ્ઞાન થાય છે. જો દ્રવ્ય અને પર્યાય બંનેને યથાર્થપણે
જાણે તો તે જ્ઞાન દ્રવ્ય તરફ વળ્‌યા વગર રહે નહિ.
– [સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૧ – ૧૨ના ભાવાર્થ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી]
બંધભાવ અને મોક્ષભાવ
જે ભાવે મોક્ષ થાય તે ભાવથી બંધન ન થાય; અને જે ભાવે બંધન થાય તે
ભાવથી મોક્ષ ન થાય. બંધભાવ અને મોક્ષભાવ એ બંને ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન :– શુભ–અશુભ ભાવો કેવા છે?
ઉત્તર :– શુભ–અશુભ ભાવો પુણ્ય–પાપને ઉત્પન્ન કરનારા છે, પણ આત્માની
શુદ્ધતાને ઉત્પન્ન કરનારા નથી. શુભ લાગણી તે પુણ્યબંધનનો ભાવ છે ને અશુભ
લાગણી પાપબંધનનો ભાવ છે એ રીતે તે બંને બંધન ભાવો છે, વિકાર છે, આત્માના
ગુણમાં તે મદદગાર નથી એટલે શુભ–અશુભ ભાવો તે મોક્ષનું કારણ નથી; મોક્ષનું
કારણ તો શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ વીતરાગભાવ છે, તે જ ધર્મ છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૨૦ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
જી.વ.નું.કા.ર્ય
કોઈ પણ જીવે ધર્મ કરવા માટે પહેલાં એ
સમજવું જોઈએ કે ‘હું શું કરી શકું છું?
શું કરવાથી મને અધર્મ થાય છે
અને શું કરવાથી મને ધર્મ
થાય?’ આ પ્રવચનમાં
પૂ. ગુરુદેવશ્રીએ
‘જીવનું કાર્ય
શું છે’ તે
સમજાવીને,
ધર્મી અને અધર્મી જીવના કાર્યની ઓળખાણ કરાવી છે.

જીવ શું કાર્ય કરી શકે? અને શું ન કરી શકે?
આત્મા શું કામ કરે તો તેને ધર્મ થાય અને શું કામ કરે તો તેને અધર્મ થાય? તે વાત કહેવાય છે. પ્રથમ
તો કોઈ આત્મામાં પરનું કાર્ય કરવાની શક્તિ નથી. આત્મા પરનું કાંઈ કરી શકતો નથી, કેમકે જડ અને ચેતન
બધાંય તત્ત્વો અનાદિઅનંત સ્વયંસિદ્ધ પોતપોતાની અવસ્થામાં પલટી રહ્યાં છે. જગતમાં દરેકેદરેક રજકણની
ક્રિયા સ્વતંત્ર એની મેળે થઈ રહી છે. કોઈ આત્મા શરીરને ચલાવી શકે નહિ તેમ જ સ્થિર પણ રાખી શકે નહિ,
ભાષા બોલી શકે નહિ, કર્મ બાંધી શકે નહિ, પર જીવને મારી કે બચાવી શકે નહિ, સુખી–દુઃખી કરી શકે નહિ,
તેને મદદ કે નુકસાન કરી શકે નહિ; એ રીતે પરમાં જીવ કાંઈ કરી શકે નહિ, માત્ર પોતાની અવસ્થામાં જ શુભ–
અશુભ કે શુદ્ધભાવ કરી શકે. ‘જીવો એકબીજાને સુખી–દુઃખી કરે, શરીર વગેરેની ક્રિયા હું કરું’ એમ અજ્ઞાનીએ
અનાદિનું માન્યું છે, પરંતુ તેમ થઈ શકતું નથી. પરને સુખી–દુઃખી કરવાની તાકાત કોઈમાં છે જ નહિ.
દરેક તત્ત્વની સ્વાધીનતા
આ જગતમાં દરેક આત્મા તેમ જ દરેક રજકણ સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે; કોઈ તત્ત્વો એકબીજા ઉપર
પ્રભાવ પાડી શકતા નથી. દરેક આત્મા પોતાના સ્વરૂપના સદ્ભાવપણે અને બીજા અનંત આત્મા તેમ જ જડ
પદાર્થોના અભાવપણે ટકેલો છે. એ પ્રમાણે દરેક તત્ત્વ બીજા અનંત પદાર્થોના અભાવથી ટકી રહ્યું છે. એક
દ્રવ્યના સ્વરૂપની બાહ્ય જ બીજા દ્રવ્યો લોટે છે, કોઈ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય પ્રવેશી જતું નથી, એટલે એક પદાર્થમાં
બીજા અનંત તત્ત્વો કાંઈ પણ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. કોઈ એમ કહે કે, દ્રવ્ય–ગુણને તો બીજો ન કરે
પણ પર્યાયને બીજો કરે, તો તેની વાત જૂઠી છે. આ દ્રવ્ય–ગુણની વાત નથી પણ પર્યાયની જ વાત છે. જેમ
ત્રિકાળી દ્રવ્ય–ગુણનો કોઈ કર્તા નથી તેમ તેની પર્યાયનો પણ બીજો કોઈ કર્તા નથી. વસ્તુના દ્રવ્ય–ગુણ તો
ત્રિકાળ એકરૂપ છે, એટલે તેમાં કાંઈ કરવાનું નથી; પર્યાયો નવી નવી થાય છે, તે પર્યાયો ત્રિકાળદ્રવ્ય–ગુણના
આધારે જ થાય છે, –એટલે તેનો પણ કોઈ બીજો કર્તા નથી. નિમિત્તોને લીધે નવી નવી પર્યાય થાય છે–એવો
અજ્ઞાનીનો ભ્રમ છે. એક દ્રવ્યની વર્તમાન હાલત બીજા દ્રવ્યની વર્તમાન હાલતમાં કાંઈ કરે એ વાત
અજ્ઞાનીઓએ માનેલી છે, વસ્તુસ્વરૂપ તેમ નથી.
અહો! મારા કાર્યનો કર્તા કોઈ બીજો નહિ ને બીજાના

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૨૧ :
કાર્યનો કર્તા હું નહિ, મારા કાર્યનો કર્તા હું ને પરના કાર્યનો કર્તા પર–આમ સ્વાધીનતા સમજે તો પરનાં કામ
કરવાનું અભિમાન છોડીને જીવ સ્વ તરફ વળે અને આત્માની સંભાળ કરે–એટલે ધર્મ થાય. અજ્ઞાની જીવો
પરના ભરોસે પોતાને ભૂલી રહ્યા છે; તેઓને પોતાના સ્વભાવનો વિશ્વાસ અને સંતોષ નથી એટલે ક્યાંક પરનાં
કાર્ય કરીને ત્યાંથી સંતોષ લેવા માગે છે, પણ પરમાંથી કદી આત્માની શાંતિ આવતી નથી; એટલે તે જીવો પરનું
કરવાની મિથ્યા માન્યતાથી મફતના આકુળવ્યાકુળ અને દુઃખી થાય છે. જ્ઞાની તો પરથી ભિન્ન નિજ સ્વભાવને
જાણીને તેમાં સંતુષ્ટ છે, એટલે પરનાં કાર્ય કરવાનું મિથ્યા અભિમાન તેને થતું નથી, તે શાંતિ માટે પોતાના
સ્વભાવમાં એકાગ્ર થાય છે.
જડનું કાર્ય; જ્ઞાનીનું કાર્ય; અજ્ઞાનીનું કાર્ય
શરીર વગેરેનાં દરેક રજકણ તેની સ્વતંત્ર યોગ્યતાના સામર્થ્યથી પોતાની ક્રિયા કરી રહ્યાં છે, તે જડનું
કાર્ય છે; આત્મા તેની ક્રિયાને કરતો નથી.
અજ્ઞાની જીવ પોતાના જ્ઞાતા–વીતરાગી સ્વભાવને ચૂકીને ‘આ જડની ક્રિયા હું કરું ને રાગ હું કરું’ એમ
માનીને પોતાના મિથ્યાત્વભાવને ઉત્પન્ન કરે છે. –આ અજ્ઞાનીનું કાર્ય છે.
ધર્મી–જ્ઞાની જીવ તો તે પરની ક્રિયાને હું કરું એમ માનતા નથી, તેમ જ ક્ષણિક રાગાદિ ભાવોનું કર્તાપણું પણ
સ્વભાવદ્રષ્ટિમાં સ્વીકારતા નથી, સ્વભાવદ્રષ્ટિથી નિર્મળ પર્યાય પ્રગટે છે તેના જ તે કર્તા છે. –આ જ્ઞાનીનું કાર્ય છે.
જુઓ, ત્રણ પ્રકારનાં કાર્ય થયા–
(૧) જડનું કાર્ય, તેનો કર્તા જડ છે, આત્મા તેનો કર્તા નથી; તેથી તેનાથી તો આત્માને ધર્મ થતો નથી
ને અધર્મ પણ થતો નથી.
(૨) અજ્ઞાની જીવ જ્ઞાનસ્વભાવને ચૂકીને જડનું અને રાગનું કર્તાપણું માનીને પોતાના
મિથ્યાત્વભાવરૂપી કાર્યને કરે છે, તે અધર્મકાર્ય છે.
(૩) જ્ઞાની જીવ પોતાના ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિથી સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયરૂપ કાર્યને કરે છે, તે
ધર્મકાર્ય છે.
આત્મા જડનું કે પરનું કાંઈ કાર્ય કરી શકે તે માન્યતા તો સ્થૂળ અજ્ઞાન છે. એ માન્યતા છૂટી ગયા પછી,
અહીં તો તે ઉપરાંતની વાત છે. વિકાર મારું કાર્ય ને હું તેનો કર્તા–એમ જે વિકાર સાથે આત્માનું કર્તાકર્મપણું
સ્વીકારે તે પણ અજ્ઞાની છે. આત્મા જ્ઞાયકમૂર્તિ નિર્વિકાર છે, તે વિકારનો કર્તા નથી–એમ સમજાવવા માટે અહીં
શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી તે વિકારને આચાર્યદેવે પુદ્ગલના પરિણામ કહી દીધા છે, અને તે આત્માથી અન્ય છે.
વિકારભાવોને આત્માથી અન્ય કેમ કહ્યા?
આત્માની અવસ્થામાં જે રાગ–દ્વેષાદિ વિકારી ભાવો થાય છે તે કાંઈ રૂપી નથી તેમ જ તે અજીવમાં થતા
નથી પણ આત્માની જ અવસ્થામાં થાય છે અને અરૂપી છે, છતાં અહીં દ્રવ્યદ્રષ્ટિમાં તેને આત્માથી બીજી વસ્તુ
કીધી છે; કેમકે આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ તે વિકારભાવ ભિન્ન છે માટે તે અન્ય વસ્તુ છે. તે વિકારભાવો
શુદ્ધ આત્માના આશ્રયે થતા નથી પણ જડના લક્ષે થાય છે. ધર્માત્માની દ્રષ્ટિ આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર છે અને
તે સ્વભાવમાંથી વિકારભાવ આવતા નથી તેથી ધર્મી તેનો કર્તા થતો નથી, માટે તેને જડ–પુદ્ગલપરિણામ કહીને
આત્માથી અન્ય વસ્તુ કહેવામાં આવી છે. પણ તે પરિણામ કાંઈ પુદ્ગલમાં થતાં નથી તેમ જ કર્મ પણ કરાવતું
નથી. આત્માની પર્યાયમાં તે થાય છે, પણ અહીં તે પર્યાયબુદ્ધિ છોડાવીને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે તેને
આત્માથી અન્ય કહ્યાં છે. ખરેખર અન્ય કોને કહેવાય? –કે જે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરે તેને; અજ્ઞાનીને તો વિકાર
અને આત્મસ્વભાવની ભિન્નતાનું ભાન નથી, તે તો વિકાર અને આત્મસ્વભાવને એકમેક માનીને વિકારનો કર્તા
થાય છે તેથી તેને વિકાર આત્માથી અન્ય ન રહ્યો. જ્ઞાનીની દ્રષ્ટિ વિકારથી ભિન્ન શુદ્ધ આત્મા ઉપર છે, તે શુદ્ધ
દ્રષ્ટિમાં જ્ઞાની વિકારનો કર્તા થતો નથી, તેથી તેને વિકાર તે આત્માથી અન્ય વસ્તુ છે. આ રીતે વિકારને
આત્માથી અન્ય વસ્તુ કહીને આચાર્યદેવે શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે. એવી દ્રષ્ટિ કર્યા વગર કોઈ જીવ એમ
માને કે વિકાર આત્માથી અન્ય છે–તો તેને વસ્તુસ્વરૂપનું ભાન નથી.
અહો! ચૈતન્યપિંડ આત્માના આશ્રયે તો શુદ્ધ દર્શન–જ્ઞાન–ચારિત્રના અરાગીભાવ જ પ્રગટે એવો તેનો
સ્વભાવ છે; પણ અજ્ઞાનીને તેની રુચિ નથી તેથી બાહ્યની રુચિ વડે તે પોતાની અવસ્થામાં વિકારભાવ પ્રગટ
કરે છે અને તેનો તે

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૨૨ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
કર્તા થાય છે; એ રીતે અધર્મી જીવ વિકારનો કર્તા થઈને ચોરાશીના અવતારમાં રખડી રહ્યો છે. ધર્મી જીવ
સ્વભાવની રુચિમાં વિકારનો કર્તા થતો નથી; તે તો પોતાની સ્વભાવદ્રષ્ટિના જોરે અલ્પકાળમાં વિકારનો સર્વથા
અભાવ કરીને સિદ્ધ થાય છે. સમ્યગ્દર્શનનો વિષય તો પુણ્ય–પાપથી અન્ય વસ્તુ છે; જે પુણ્ય–પાપની લાગણી થાય
તે સમ્યગ્દર્શનના વિષયભૂત ચૈતન્યનો સ્વભાવ નથી માટે પરમાર્થે તે વિકારી લાગણીઓ આત્માથી અન્ય છે.
આત્માનું ખરું કર્તવ્ય
ઉપર કહ્યું તે પ્રમાણે પોતાના શુદ્ધ આત્મસ્વભાવનું ભાન થતાં, વિકાર સાથે પણ કર્તાકર્મપણું છૂટીને
આત્મા નિર્મળ વીતરાગી અવસ્થાનો કર્તા થાય તેનું નામ ધર્મક્રિયા છે. આવી ધર્મક્રિયા સિવાય ભગવાનની પૂજા–
ભક્તિ વગેરેના શુભરાગથી કે બહારની ક્રિયાથી આત્માનું કલ્યાણ થવાનું માની લ્યે તેને ધર્મનું ભાન નથી.
બહારની ક્રિયાઓ તો જડથી થાય છે, અને શુભરાગ થાય તે વિકાર છે, તે વિકારનો હું કર્તા ને તે મારું કાર્ય એમ
જે માને તે પણ અધર્મી છે. શુદ્ધ દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે કોઈ પણ પર તરફનો રાગ તે વિકાર છે; જે જીવ તે રાગની
રુચિ અને ઉત્સાહ કરીને તેને જ ધર્મ માની રહ્યો છે પણ પોતાના શુદ્ધ આત્માની રુચિ અને ઉત્સાહ કરતો નથી,
તેને આચાર્ય–ભગવાન સમજાવે છે કે અરે જીવ! જડની ક્રિયા તો તારાથી જુદી ચીજ છે અને પુણ્ય–પાપના ભાવ
પણ આત્મસ્વભાવથી અન્ય વસ્તુ છે, કેમકે જો તે અન્ય ન હોય તો આત્મામાંથી તે ટળીને કદી રાગરહિત
સિદ્ધદશા થાય નહિ. સિદ્ધદશામાં પુણ્ય–પાપના ભાવ હોતા નથી માટે તે આત્માનું ખરું કર્તવ્ય નથી. આત્મા
પોતાના શુદ્ધસ્વભાવમાં તન્મય થઈને વીતરાગભાવે પરિણમે તે જ તેનું ખરું કર્તવ્ય છે, અને તે જ ધર્મ છે.
‘દ્રષ્ટિ તેવી સૃષ્ટિ’
અજ્ઞાનભાવે સંસારમાં રખડતાં રખડતાં ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનના સમવસરણમાં પણ જીવ
અનંતવાર ગયો અને તેમના ધોધમાર ઉપદેશનું શ્રવણ કર્યું, પરંતુ ભડના દીકરાએ પોતાની ઊંધી માન્યતા મૂકી
નહિ. સંયોગ શું કરે? બહારમાં સાક્ષાત્ ભગવાનનો સંયોગ હોવા છતાં પણ અજ્ઞાનીને અંદરથી પુણ્યની રુચિ
અને તેની કર્તૃત્વબુદ્ધિ ગઈ નહિ ને આત્માના સ્વભાવની રુચિ થઈ નહિ; તેથી પોતાની ઊંધી દ્રષ્ટિએ વિકારની
ઉત્પત્તિ થઈ, ને સંસારમાં રખડયો. ‘દ્રષ્ટિ તેવી સૃષ્ટિ’ સૃષ્ટિ એટલે પર્યાયની ઉત્પત્તિ; જેવી દ્રષ્ટિ હોય તેવી
પર્યાયની ઉત્પત્તિ થાય. ગમે તે સંયોગમાં ઊભો હોય પણ તે વખતે જીવની દ્રષ્ટિ ક્યાં પડી છે તે જોવાનું છે. જો
પોતાના શુદ્ધ ચૈતન્ય–સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોય તો પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધતાની ઉત્પત્તિ થાય
છે અને જો વિકાર ઉપર ને સંયોગ ઉપર દ્રષ્ટિ હોય તો પર્યાયમાં મિથ્યાત્વ વગેરે વિકારની ઉત્પત્તિ થાય છે. એ
રીતે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે, જેવી દ્રષ્ટિ હોય તેવું કાર્ય થયા કરે છે.
કોનું શરણ.?
વિકારરહિત અખંડ ચૈતન્યસ્વભાવ છે તે જ શરણભૂત છે, તેનું જેને ભાન નથી અને વિકારનો હું કર્તા,
વિકાર તે જ હું–એવી વિકારની બુદ્ધિ છે તેને તે વિકાર–બુદ્ધિ છોડાવવા અને સ્વભાવદ્રષ્ટિ કરાવવા કહે છે કે હે
ભાઈ! તું ક્ષણિક વિકારના કર્તાકર્મની બુદ્ધિ છોડ; તારો સ્વભાવ ક્ષણિક વિકાર જેટલો નથી. પહેલાંં પોતાના
યથાર્થ વસ્તુસ્વભાવને ખ્યાલમાં લેવો જોઈએ, તેની રુચિ અને વિશ્વાસ કરવો જોઈએ; તેના જ શરણે ધર્મ થાય
છે. જેના શરણે ધર્મ થાય છે તે વસ્તુના ભાન વિના જ્ઞાનને ક્યે ઠેકાણે થંભાવશે? અને કોનું શરણું લઈને ધર્મ
કરશે?
સ્વભાવની મુખ્યતા – એ જ ધર્મીનું ધર્મકર્તવ્ય
શરણભૂત ચૈતન્યસ્વભાવનું ભાન થયા પછી સાધકદશામાં ધર્મીને પણ પુણ્ય–પાપના ભાવોની ઉત્પત્તિ
થાય, પરંતુ તેને તેની મુખ્યતા ભાસતી નથી; સ્વભાવની મુખ્યતાની દ્રષ્ટિમાં વિકારનો અભાવ જ ભાસે છે. જો
સ્વભાવના વલણની મુખ્યતા ખસીને રાગની મુખ્યતા થઈ જાય તો સાધકદશા રહેતી નથી. એક સમય પણ
સ્વભાવના વલણની મુખ્યતા ખસીને વિકારની મુખ્યતા થાય તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. શુભરાગની ઉત્પત્તિ
વખતે જો તે રાગની જ મુખ્યતા ભાસે અને સ્વભાવની મુખ્યતા ન ભાસે તો તેને સ્વભાવથી અન્યવસ્તુની
એટલે કે જડકર્મની ઉત્પત્તિ થાય છે પણ ધર્મની ઉત્પત્તિ થતી નથી. ધર્મી જીવની દ્રષ્ટિમાં ત્રિકાળી શુદ્ધસ્વભાવની
જ સદાય મુખ્યતા છે, ને તે જ સમ્યગ્દર્શન છે. સ્વભાવની મુખ્યતામાં તેને ક્ષણેક્ષણે નિર્મળદશાની ઉત્પત્તિ થાય છે
તે ધર્મીનું ધર્મકર્તવ્ય છે. છ ખંડનું રાજ્ય અને છન્નુ હજાર રાણીઓના વૃંદમાં પડેલા

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૨૩ :
સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તીને અંર્તદ્રષ્ટિમાંથી સ્વભાવની મુખ્યતા એક ક્ષણ પણ ખસતી નથી ને વિકારની મુખ્યતા થતી
નથી. અહો! ધર્મીને પર્યાયે પર્યાયે સદા સ્વભાવની જ અધિકતા છે, તેની જ મહત્તા છે, તેનો જ આદર છે, કોઈ
પણ પર્યાય વખતે દ્રષ્ટિમાંથી ‘હું શુદ્ધસ્વભાવ છું’ એવું વલણ ખસતું નથી, એટલે સમયે સમયે તેને નિર્મળ
પર્યાયની ઉત્પત્તિરૂપ ધર્મ થાય છે. આ પ્રમાણે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ અને ક્ષણિક વિકાર–એ બંનેને જુદા જાણીને
સ્વભાવની મુખ્યતા કરીને તે તરફ વળવું તેનું નામ ભેદવિજ્ઞાન છે અને એવા ભેદવિજ્ઞાનથી જ ધર્મ થાય છે.
સત્યસ્વભાવનો આદર અને તેનું ફળ
હું ક્ષણિક રાગ જેટલો નથી પણ રાગરહિત જ્ઞાતાસ્વરૂપ છું–એવા વલણમાં સ્વસન્મુખદ્રષ્ટિ થતાં વિકારની
મુખ્યતા ન ભાસે તેનું નામ સમ્યગ્દર્શન છે. પહેલાંં પાત્ર થઈને અંતરના હકારપૂર્વક આ વાતનું વારંવાર શ્રવણ
કરવું જોઈએ. હે જીવ! સત્સમાગમે સત્યનું શ્રવણ કરીને એકવાર યથાર્થ રુચિથી હા પાડ. સત્યસ્વભાવની ‘હા’
પાડતાં પાડતાં તેની ‘લત’ લાગશે એટલે ‘હા માંથી હાલત’ થઈ જશે. જેવો પોતાનો સ્વભાવ છે તેની રુચિ
કરીને હા પાડતાં તેવી હાલત પ્રગટી જશે. સત્યસ્વભાવની હા પાડીને તેનો આદર કરતાં કરતાં સિદ્ધદશા થઈ
જશે; જીવને જ્યાં આદરબુદ્ધિ હોય તે તરફ તેનો પ્રયત્ન વારંવાર વળ્‌યા કરે છે. જેણે સ્વભાવની હા પાડીને તેનો
આદર કર્યો તેના શ્રદ્ધા–જ્ઞાનાદિનો પુરુષાર્થ સ્વભાવ તરફ વળીને અલ્પકાળમાં સિદ્ધદશા થયા વિના રહે નહિ.
જેણે સત્યસ્વભાવની ના પાડીને તેનો અનાદર કર્યો અને વિકારનો આદર કર્યો તે જીવ નરક–નિગોદદશાને
પામશે. આત્મસ્વભાવની આરાધનાનું ફળ સિદ્ધદશા છે અને આત્મસ્વભાવની વિરાધનાનું ફળ નિગોદદશા છે.
વચલી ચાર ગતિનો કાળ બહુ અલ્પ છે. અહો! સત્યવસ્તુ સ્વભાવને લક્ષમાં લઈને રુચિપૂર્વક તેની હા પાડવામાં
પણ અપૂર્વ પાત્રતા છે, ને તેના ફળમાં સાદિઅનંત કાળ સુધી સિદ્ધદશાનાં અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાનીની કર્તાકર્મની મિથ્યાપ્રવૃત્તિ
જીવનો એકરૂપ જ્ઞાયકસ્વભાવ છે તેમાં ક્રોધાદિની લાગણી નથી. ક્રોધાદિ અશુભભાવ કે દયાદિ શુભભાવ
તે બંને આસ્રવ છે, જીવના સ્વભાવથી ભિન્ન છે. હું શરીરાદિ જડની ક્રિયાનો કર્તા છું એવી બુદ્ધિ તે તો બહુ સ્થૂળ
અજ્ઞાન છે; પરંતુ હું ક્રોધાદિ વિકારનો કર્તા અને તે ક્રોધાદિ મારું કાર્ય–એમ વિકારના કર્તાકર્મપણાની બુદ્ધિ પણ
અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને એવી કર્તાકર્મની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે, તે જ અધર્મ અને
સંસારનું મૂળ છે. તે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યારે ટળે તે વાત અહીં આચાર્યદેવે સમજાવી છે. ચૈતન્યમૂર્તિ આત્માને
અને ક્રોધાદિક ભાવોને નિશ્ચયથી એકવસ્તુપણું નથી, બંનેનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે, –આ પ્રમાણે જીવ જ્યારે
પોતાના આત્માને આસ્રવોથી ભિન્ન જાણીને ભેદજ્ઞાન કરે છે ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ
છૂટી જાય છે. વિકારને પોતાના સ્વભાવથી ભિન્ન જાણીને જ્યાં સ્વભાવ તરફ વળી ગયો ત્યાં વિકાર સાથે
કર્તાકર્મપણું ક્યાંથી રહે?
અહીં તો આચાર્યદેવે ક્રોધાદિ ભાવોને આત્માથી ભિન્ન વસ્તુ કહી છે. આત્માના સ્વભાવના આશ્રયે જે
નિર્મળ પર્યાય પ્રગટી તેમાં ક્રોધાદિ ભાવોની નાસ્તિ છે. ક્રોધ તે ત્રિકાળી દ્રવ્યરૂપ વસ્તુ નથી પણ ક્ષણિક
પર્યાયરૂપ વસ્તુ છે. પહેલાંં જ્યારે આત્માના સ્વભાવની અરુચિ હતી ત્યારે જીવ ક્રોધાદિ ભાવોનો કર્તા થતો
હતો; શુદ્ધસ્વભાવનું ભાન થયા પછી જીવ ક્રોધાદિ ભાવોનો કર્તા થતો નથી. આ તો અંતરની દ્રષ્ટિની ઊંડી વાત
છે. બહારની ક્રિયા ઉપરથી કે માત્ર રાગની મંદતા ઉપરથી આવી દ્રષ્ટિનું માપ નીકળે તેમ નથી.
વિકારના ગ્રહણ – ત્યાગથી પણ નિરપેક્ષ આત્મસ્વભાવ
આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ અનાકુળ સુખસ્વરૂપ છે અને ક્રોધાદિ આસ્રવો તો આકુળતારૂપ
છે, એ રીતે બંનેનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી આસ્રવો આત્માથી જુદા છે. –આ પ્રમાણે જાણીને આત્માના
સ્વભાવ તરફ વળતાં આસ્રવોનો નિષેધ થઈ જાય છે. ખરેખર વિકારનો પણ નાશ કરવો પડતો નથી, પણ જ્યાં
આત્મા પોતાના સ્વભાવ તરફ વળ્‌યો ત્યાં વિકારની ઉત્પત્તિ જ થતી નથી, એટલે આત્માએ વિકારનો નાશ કર્યો
એમ કહેવાય છે. દરેક આત્મામાં ‘ત્યાગોપાદાનશૂન્યત્વ’ નામની શક્તિ છે એટલે આત્મા સ્વભાવથી વિકારનું
ગ્રહણ કે ત્યાગ કરતો નથી. આત્મા પરના તો ગ્રહણ કે ત્યાગથી રહિત છે ને ખરેખર
(અનુસંધાન પાના નં. ૨૭)

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૨૪ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
દેખો.રે.દેખો! ચૈતન્યનિધાને દેખો!
સુપાત્ર જીવોને સંબોધીને આચાર્યદેવ કહે છે કે : અરે જીવ! તને ચૈતન્યનાં એવા નિધાન બતાવું કે બીજી
કોઈ ચીજની તારે જરૂર ન પડે....તારા ચૈતન્યનો મહિમા દેખતાં જ તને પરનો મહિમા છૂટી જશે.
અનંતધર્મસ્વભાવી તારો આત્મા જ ચૈતન્યમૂર્તિ ભગવાન છે, તને કોઈ બીજાની જરૂર નથી. તું પોતે જ
દુનિયાના નિધાનને જોનારો છે. સદાય અલ્પજ્ઞ–સેવક જ રહ્યા કરે એવો તારા આત્માનો સ્વભાવ નથી, તારો
આત્મા તો સર્વજ્ઞનો સમોવડિયો છે; જેટલું સર્વજ્ઞે કર્યું તેટલું કરવાની તાકાત તારામાં પણ ભરી છે.
અહો! આચાર્યદેવ ચૈતન્યનાં એવા નિધાન બતાવે છે કે બીજી કોઈ ચીજની જરૂર જ ન પડે. જે જીવ
આવી શક્તિવાળા નિજ આત્માની પ્રતીત કરે તેને કોઈ નિમિત્તના કે વિકલ્પના આશ્રયની શ્રદ્ધા ઊડી જાય છે,
પર્યાયબુદ્ધિ છૂટી જાય છે ને અનંત ચૈતન્યશક્તિનો પિંડ તેની પ્રતીતમાં આવી જાય છે... તે સમ્યગ્દ્રષ્ટિ થઈને
મોક્ષમાર્ગે વિચરવા માંડે છે...અંર્તદ્રષ્ટિથી તે પોતે જ પોતાને ત્રણલોકના નાથ પરમેશ્વર તરીકે દેખે છે.
શ્રી આચાર્યભગવાન કહે છે કે હે ભાઈ! ઉઘાડ...રે... ઉઘાડ! તું તારા જ્ઞાનચક્ષુઓને ઉઘાડ. તારી આંખ
ઉઘાડીને ચૈતન્યનિધાનને દેખ. સર્વજ્ઞભગવાન મન–વાણી–દેહથી પાર એવી ઊંડી ઊંડી ખીણમાં લઈ જઈને
ચૈતન્યનાં અપૂર્વ નિધાન બતાવે છે; તેનો વિશ્વાસ કરીને હે જીવ! તારા જ્ઞાનચક્ષુમાં રુચિનાં અંજન આંજ તો
તને તારા ચૈતન્યનિધાન દેખાય.
અજ્ઞાનથી અંધ થયેલા જીવો પોતાની પાસે જ પડેલા નિજનિધાનને દેખતા નથી, શ્રીગુરુ તેને
સમ્યક્શ્રદ્ધારૂપી અંજન આંજીને તેનાં નિધાન બતાવે છે કે, જો! તારા નિધાન તારા અંતરમાં જ પડ્યા છે;
બાહ્યદ્રષ્ટિ છોડીને અંતરમાં દ્રષ્ટિ કર તો સિદ્ધભગવાન જેવા નિધાન તારામાં ભર્યા છે તે તને દેખાશે. એક
ચૈતન્યની પ્રતીત કરતાં અનંત સિદ્ધભગવંતો, કેવળીઓ અને સંતોની બધી ઋદ્ધિ તને તારામાં જ દેખાશે, તે
ઋદ્ધિ તારે ક્યાંય બીજે નહિ શોધવી પડે. સંત–મહંતો જે ઋદ્ધિ પામ્યા તે પોતાના ચૈતન્યમાંથી જ પામ્યા છે, કાંઈ
બહારમાંથી નથી પામ્યા. તારા ચૈતન્યમાં પણ એ બધી ઋદ્ધિ ભરી છે, આંખ ઉઘાડીને અંતરમાં જો તો તે દેખાય.
પણ જો પરમાંથી તારી ઋદ્ધિ લેવા જઈશ તો આંધળો થઈને ઘોર સંસારરૂપી જંગલમાં ભટકીશ. અહીં
આચાર્યપ્રભુ કરુણા કરીને ભવભ્રમણથી છૂટકારાનો માર્ગ બતાવે છે કે અંતર્મુખ થઈને નિજશક્તિની સંભાળ કર
તો ભવભ્રમણથી છૂટકારો થાય.
ભવભ્રમણથી થાકેલા જીવોને શ્રી ગુરુ કહે છે કે :–
દેખો.રે.દેખો! અંતરમાં ચૈતન્યનિધાને દેખો!
–પ્રવચનમાંથી.
શુદ્ધતા કેમ થાય?
આત્માને શુદ્ધતા કેમ થાય? –કે શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ કરે તો.
શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ ક્યારે થાય? –કે શુદ્ધાત્માને જાણે તો.
કોઈ બહારની ક્રિયાથી કે રાગમાં પ્રવૃત્તિથી આત્માને શુદ્ધતા થતી નથી
પણ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી જ આત્માને શુદ્ધતા થાય છે. –પ્રવચનમાંથી

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૨૫ :
સમયસારના રચયિતાની નિ:શંકતા તથા નિર્માનતા
– અને –
શ્રોતાઓની જવાબદારી
‘દર્શાવું એક વિભક્ત એ, આત્માતણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ.’
આ પાંચમી ગાથામાં ભગવાન શ્રી આચાર્યદેવ કહે છે કે હું મારા આત્માના નિજવિભવથી શુદ્ધ આત્મા
દેખાડું છું; હું દર્શાવું તો પ્રમાણ કરજો અને છંદ–વ્યાકરણાદિમાં ક્યાંય ચૂકી જાઉં તો દોષ ગ્રહણ ન કરશો. જે
એકત્વ–વિભક્તસ્વભાવ મારે દર્શાવવો છે તેમાં તો હું ચૂકીશ જ નહિ, તે તો હું સ્વસંવેદનપ્રત્યક્ષ વગેરેથી
પ્રગટેલા મારા નિજવિભાવવડે યથાર્થ જ કહીશ. અને તમે તે એકત્વવિભક્ત આત્માને તમારા સ્વાનુભવથી
પ્રમાણ કરજો. પણ, હું છદ્મસ્થ છું–સર્વજ્ઞ નથી તેથી કોઈ ઠેકાણે વ્યાકરણ વગેરેનો દોષ આવી જવા સંભવ છે, જો
તેવો કોઈ દોષ આવી જાય તો તેની સામે જોઈને તમે અટકશો નહિ.
સમયસારનો શ્રોતા કેવો હોય તે પણ આમાં આવી જાય છે; તે એક શુદ્ધઆત્માને સમજવાનો જ અર્થી
છે, એ સિવાય બીજી બધી વાતને તે ગૌણ કરી નાંખે છે. શુદ્ધાત્મા બતાવવાનું શાસ્ત્રનું મૂળ પ્રયોજન છે તેને
લક્ષમાં ન લેતાં, શબ્દોની વિભક્તિ વગેરેમાં જ જે અટકી જાય છે તેને શુદ્ધઆત્માનું દર્શન થતું નથી. માટે
આચાર્યદેવ કહે છે કે હે શિષ્ય! હું જે શુદ્ધાત્મા દર્શાવું છું તે તું પ્રમાણ કરજે, અને દોષને ગ્રહણ કરીશ નહિ.
કેટલાક સ્વચ્છંદી જીવો આ ગાથા વાંચીને એમ કહે છે કે ‘જુઓ, કુંદકુંદાચાર્યને પોતાને શંકા છે તેથી ચૂકી
જવાની વાત કરી.’ અહો! કુંદકુંદાચાર્યદેવ કોણ હતા એની તે મૂઢને ખબર નથી એટલે તે એમ કહે છે. ખરેખર,
ચૂકી જવાની વાત કરી તેમાં શંકા નથી પણ વિવેક છે–નિર્માનતા છે. એ ધ્યાન રાખજો કે ચૂકી જવાની વાત કરી
છે તે તો વ્યાકરણ વગેરે અપ્રયોજનભૂત બાબતની વાત છે. પ્રયોજનભૂત એવો જે શુદ્ધ આત્મા તેને તો હું મારા
નિજવિભવથી નિઃશંકપણે દર્શાવીશ–એમ આચાર્યદેવ કહે છે. પ્રયોજનભૂત વાતને મુખ્ય ન કરતાં જે જીવ
અપ્રયોજનભૂત વાતને મુખ્ય કરે છે તે જીવ આ સમયસાર સાંભળવાનો પાત્ર નથી.
અહીં આચાર્યદેવે મહા વિવેક અને નિર્માનતાથી યથાર્થ વસ્તુસ્થિતિ મૂકી છે. ‘આ સમયસાર ભગવાનનું
કે ગણધરનું કહેલું છે માટે દોષ નહિ જ આવે’ –એમ કહીને પોતે જવાબદારીમાંથી છૂટી જતા નથી, પણ
ભૂમિકાની જવાબદારીના ભાન સહિત કહે છે કે ‘આ સમયસાર કહેનાર હું છદ્મસ્થ છું તેથી ક્યાંક જાણપણાની
બાબતમાં દોષ આવી જાય તો તે ગ્રહણ ન કરશો પણ હું જે શુદ્ધાત્મા બતાવવા માગું છું તે જ ગ્રહણ કરજો.’
પછી ભલે ‘સર્વજ્ઞ આમ કહે છે, જિનવર આમ કહે છે’ –એમ ભગવાનની સાક્ષી આપીને આચાર્યદેવ કથન
કરશે, પરંતુ ભગવાને કહ્યું તે ઝીલ્યું કોણે? ઝીલનાર હું તો છદ્મસ્થ છું; મેં મારા જ્ઞાનમાં જે ઝીલ્યું તે હું કહીશ.
પરમાગમની ઉપાસનાથી, નિર્બાધ યુક્તિના અવલંબનથી, પરાપર ગુરુઓના અનુગ્રહપૂર્વક ઉપદેશથી તેમ જ
પ્રચુર સ્વસંવેદનથી મારા આત્માનો જે નિજવૈભવ પ્રગટ્યો છે તે સમસ્ત નિજવૈભવવડે હું શુદ્ધાત્માનું જે કથન
કરીશ તેમાં તો ફેર નહિ પડે; પણ ક્ષયોપશમના બોલમાં કોઈ ઠેકાણે ફેર પડી જાય તેવો સંભવ છે. તો તેને મુખ્ય
ન કરતાં શુદ્ધ આત્માને જ મુખ્ય કરીને તેને સ્વસંવેદનથી પ્રમાણ કરજો.
–આ પ્રમાણે, ભગવાને જે કહ્યું તેના ભાવ પોતે ઝીલીને..... પોતાના આત્માના સ્વસંવેદનને સાથે
ભેળવીને... પોતાની ભૂમિકાની જવાબદારીના ભાન સહિત આચાર્યદેવ કથન કરે છે. ‘ગૌતમ આમ પૂછે છે ને
ભગવાન આમ કહે છે’ એમ પોતાની વાતને ભગવાનના નામે ચડાવી દઈને જે

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૨૬ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
પોતે જવાબદારીમાંથી છૂટી જાય, તે ભગવાનના નામે કથન ભલે કરે પણ ખરેખર ભગવાને શું કહ્યું છે તે ભાવ
તેણે પોતાના આત્મામાં ઝીલ્યો નથી, એટલે તે આવું કથન કરી શકે જ નહિ, તેની વાણીમાં પોતાની ભૂમિકાના
વિવેક સહિત આવી નિઃશંકતા અને નમ્રતા આવે જ નહિ; ભગવાનના નામે કરેલું તેનું કથન પણ યથાર્થ ન હોય.
‘ભગવાન કહે છે તેમ હું કહું છું માટે મારા કથનમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાનો સંભવ જ નથી’ –
એમ ભગવાનનું નામ લઈને પોતાની છદ્મસ્થપર્યાયનો વિવેક ચૂકી જાય તો તે યથાર્થ નથી; કેમકે, ભલે
સર્વજ્ઞભગવાને અને ગણધરદેવે કહ્યું પણ તેમની વાણીને ઝીલનારો તું તો સર્વજ્ઞ નથી ને! –માટે તારા કથનમાં
કોઈ પ્રકારનો દોષ થવાનો પણ સંભવ છે; છતાં જો તેને તું ન સ્વીકાર તો તને તારી પર્યાયનો વિવેક નથી.
અહીં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે સર્વજ્ઞભગવાનનો આશય મારા જ્ઞાનમાં આવ્યો છે, સર્વજ્ઞભગવાને
જેવો શુદ્ધાત્મા કહ્યો છે તેવા જ શુદ્ધાત્માનું પ્રચુર સ્વસંવેદન મારા આત્મામાં પ્રગટ્યું છે. તેથી, હું અલ્પજ્ઞ હોવા
છતાં, જે શુદ્ધાત્મા કહીશ તે તો સર્વજ્ઞદેવના આશય અનુસાર યથાર્થ જ કહીશ, તેમાં સર્વજ્ઞથી વિરુદ્ધ નહિ આવે,
કદાચ વ્યાકરણ કે છંદ વગેરેમાં દોષ આવી જાય તો તેને ગ્રહણ કરવામાં શ્રોતાજનો સાવધાન થશો નહિ;
સાવધાની તો શુદ્ધાત્મામાં જ રાખજો.
કોઈ એમ પૂછે છે કે તમે તો સીમંધર ભગવાન પાસે જઈને સીધું શ્રવણ કર્યું છે, તો તમારા કથનમાં કાંઈ
પણ દોષ કેમ આવે? તો આચાર્યપ્રભુ કહે છે કે કહેનારા ભગવાન ભલે સર્વજ્ઞ હતા પણ હું ઝીલનાર તો અલ્પજ્ઞ
હતો ને! ક્યાં સર્વજ્ઞ અને ક્યાં હું! ભગવાનની ભૂલ ન હોય પણ છદ્મસ્થની તો ભૂલ થઈ પણ જાય. હું છદ્મસ્થ
મુનિ હોવાથી મારી વાણીમાં વ્યાકરણ–વિભક્તિ વગેરેનો કોઈ દોષ આવી જવાનો સંભવ છે. પરંતુ મારે જે
શુદ્ધાત્મા દર્શાવવો છે તેમાં તો હું નહિ જ ચૂકું; તે તો મારા આત્માના નિજવૈભવથી હું બરાબર દેખાડીશ અને
તમે તે પ્રમાણ કરજો.
જુઓ, આચાર્યદેવ યથાર્થ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરે છે. તેમનું કથન નિઃશંકતા અને નિર્માનતાથી ભરેલું છે.
ભલે મને સર્વજ્ઞ ભગવાનનો સીધો ઉપદેશ સાંભળવા મળ્‌યો પરંતુ હું તો છદ્મસ્થ છું, હું કેવળી કે શ્રુતકેવળી નથી;
ઉપદેશક શ્રી સીમંધર ભગવાન સર્વજ્ઞ હતા પણ તે ઉપદેશ ઝીલનાર હું છદ્મસ્થ છું; મેં મારી શક્તિ અનુસાર
ઝીલીને શુદ્ધાત્માને તો સ્વસંવેદનપ્રત્યક્ષ કર્યો છે તેથી તેમાં તો નિઃશંકતા છે. અને ‘ક્ષયોપશમના કોઈ પ્રકારમાં
ભૂલ થવા સંભવ પણ છે’ –એમ કહેવામાં નિર્માનતા છે. અહો! સર્વજ્ઞના અચિંત્ય સામર્થ્યની તો શું વાત!
તેમની દિવ્ય–વાણીમાં તો ભૂલ ન આવે; તેમ જ મહાસમર્થ ગણધરદેવ કેવળીપ્રભુની વાણી ઝીલીને જે શ્રુતની
રચના કરે તેમાં પણ કાંઈ ભૂલ ન આવે. પણ હું કેવળી નથી તેમ જ ગણધરદેવ જેટલી મારી તાકાત નથી, તેથી
કોઈ ઠેકાણે શબ્દરચનામાં ફેર પડી જવા સંભવ છે. આ કથન કરનારા કુંદકુંદાચાર્યદેવ મહાસમર્થ સંત છે, ધર્મના
થાંભલા છે, અગાધ શક્તિ ધરાવે છે.... છતાં જુઓ તો ખરા, તેમની નિર્માનદશા! કેટલી ગંભીરતા છે!!
સાધારણ તુચ્છ જીવો તો જરાક શાસ્ત્રનું જાણપણું થાય ત્યાં અભિમાનમાં ચડી જાય કે મને ઘણું આવડે છે. અને
આ આચાર્યભગવાનને તો અંતરમાં અગાધ... અગાધ શક્તિ વર્તતી હોવા છતાં જુઓ એમની દશા!
કેવળી ભગવાન પાસે જઈને સાક્ષાત્ સાંભળ્‌યું હોવા છતાં શ્રી આચાર્યદેવ કહે છે કે કહેનાર ભલે કેવળી
હતા પણ ઝીલનાર તો અમે છદ્મસ્થ છીએ ને! સીમંધર ભગવાનની વાણી ઝીલનાર હું છદ્મસ્થ છું. અત્યારે આ
સમયસારનું કથન સર્વજ્ઞદેવ નથી કરતા, પણ સર્વજ્ઞદેવની વાણીમાંથી મારી શક્તિ જેટલું ઝીલીને હું કહું છું. હું
સર્વજ્ઞ નથી તેથી, –જોકે સ્વસંવેદનપ્રત્યક્ષના વિષયમાં તો ફેર નહિ જ પડે, પણ–જ્ઞાનના ઉઘાડના કોઈ
વ્યાકરણાદિ બોલમાં જો ક્યાંય ફેર પડી જાય તો તેને ગ્રહણ કરશો નહિ; કેમકે મારો હેતુ શુદ્ધાત્માનું કથન
કરવાનો છે, માટે તમે પણ એ જ હેતુ લક્ષમાં રાખીને સાંભળજો. જો વ્યાકરણ–છંદ વગેરેના દોષો જોવામાં અટકી
જશો તો તમે તમારું લક્ષ શુદ્ધાત્મા ઉપરનું ચૂકી જશો. માટે હે શ્રોતાજનો! તમે આ સમયસારનું શ્રવણ કરતાં
શુદ્ધ–એકત્વ વિભક્ત આત્મકથનીનું લક્ષ ચૂકીને બીજા અપ્રયોજનભૂત બાબતના લક્ષમાં અટકશો નહિ, પણ શુદ્ધ
આત્માને જ ગ્રહણ કરજો. એટલે આ સમયસારનું શ્રવણ કરનારા પાત્ર શ્રોતાઓએ બીજા જાણપણા ઉપર વજન
ન આપતાં પોતાના શુદ્ધ આત્માને જાણવા ઉપર જ વજન આપવું–એવી શ્રોતાઓની પણ જવાબદારી છે. જે જીવ
એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા સિવાય બીજા ભાવો ઉપર વજન આપશે, તે શુદ્ધાત્માને દેખી નહિ શકે, તેને અમે
સમયસારનો શ્રોતા ગણતા નથી.
[શ્ર સમયસર ગથ ૫ ઉપરન પ્રવચનમથ. ૨૪૭૬, અષઢ સદ પ]

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૨૭ :
(અનુસંધાન પાના નં. ૨૩ થી ચાલુ)
વિકારનું પણ ગ્રહણ કે ત્યાગ તેના સ્વભાવમાં નથી. સ્વભાવમાં વિકાર હોય તો છોડે ને? શુદ્ધસ્વભાવદ્રષ્ટિથી આત્મામાં
વિકાર છે જ નહિ, તેથી સ્વભાવદ્રષ્ટિમાં આત્મા વિકારનો કર્તા નથી તેમ તેનો છોડનાર પણ નથી. હું વિકારનો કર્તા છું–
એવી જેની બુદ્ધિ છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે જ, અને હું વિકારને છોડું–એવી જેની બુદ્ધિ છે તે પણ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
‘હું વિકારને છોડું’ એવા લક્ષે વિકાર છૂટતો નથી પણ વિકારની ઉત્પત્તિ થાય છે, છતાં તેને વિકાર ટાળવાનો ઉપાય
માને છે તે જીવ પર્યાયબુદ્ધિ છે, તેને વિકાર વગરનો સ્વભાવ લક્ષમાં આવ્યો નથી. વિકારને છોડવા ઉપર જેનું જોર છે
તે જીવ વિકારનો સ્વામી થાય છે. જ્ઞાની તો સ્વભાવનો સ્વામી થઈને પરિણમે છે ત્યાં તેને વિકારની ઉત્પત્તિ જ થતી
નથી. શાસ્ત્રમાં એવા ઉપદેશવચન આવે કે ‘વિકારને છોડો!’ પણ વિકાર કેમ છૂટે? –કે સ્વભાવસન્મુખ થાય તો.
વિકારની સામે જોયા કરે તેથી કાંઈ વિકાર છૂટતો નથી. ‘ચૈતન્ય–સ્વભાવ તે હું’ ને ‘રાગ હું નહિ’ એમ જ્ઞાનવડે ભેદ
પાડીને, સ્વભાવ તરફ જ્ઞાનને અંતર્મુખ કરીને પરિણમતાં વિકાર–રહિત શુદ્ધદશા થઈ જાય છે. –આવું કાર્ય કરવું તેનું
નામ ધર્મ છે, અને તે જ મુક્તિનો ઉપાય છે; આ સિવાય બીજા કાર્યથી ધર્મ કે મુક્તિ થતી નથી.
ધર્મી જીવની સ્વ – પરપ્રકાશક શક્તિ
સ્વભાવની દ્રષ્ટિ મુખ્ય રાખીને ધર્મી જીવ રાગને પણ જાણે છે, પણ ત્યાં ‘રાગ તે હું’ એમ તે રાગનો
કર્તા થતો નથી; રાગની સન્મુખ દ્રષ્ટિ રાખીને રાગને નથી જાણતો પણ સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ રાખીને રાગને
જાણી લે છે; રાગને સ્વભાવ તરીકે નથી જાણતો પણ સ્વભાવથી ભિન્ન તરીકે જાણે છે. –આવી ધર્મી જીવની સ્વ–
પરપ્રકાશક શક્તિ છે. સ્વભાવ તરફ વળતાં સ્વને તેમ જ વિકારને અને પરને જાણે એવી સ્વ–પરપ્રકાશક
જ્ઞાતાશક્તિ પ્રગટ થાય છે.
જુઓ, આમાં અનેક ન્યાયો આવી જાય છે. સ્વસન્મુખ થતાં જે સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે જ્ઞાન
સ્વને જાણતાં, પરનિમિત્તો કેવા હોય તેને પણ જાણે છે; સમ્યગ્જ્ઞાન પ્રગટ્યું તેમાં કેવા દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત
હતા તેને પણ તે જ્ઞાન બરાબર જાણે છે. દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપમાં પણ જેને ગોટા હોય તેને સ્વ–પરપ્રકાશક
જ્ઞાન જ ખીલ્યું નથી. જેને સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલે તેને, તે જ્ઞાનમાં નિમિત્તરૂપ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં
હોય તેનું પણ બરાબર ભાન હોય છે. શ્રી પદ્મનંદિઆચાર્ય કહે છે કે– (એકત્વસપ્તતિમાં)
तत्प्रतिप्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।२३।।
–જે જીવે ચૈતન્યસ્વભાવની પ્રીતિપૂર્વક તેની વાત પણ સાંભળી છે તે જીવ અવશ્ય ભવિષ્યમાં થનારી મુક્તિનું
ભાજન છે. અહીં ‘श्रुताः’ એટલે સાંભળવાનું કહ્યું છે, તેમાં સામે સંભળાવનાર નિમિત્ત કેવા હોય તેને ઓળખવાની
જવાબદારી પણ ભેગી આવી જાય છે. કુગુરુ વગેરે ગમે તેની પાસેથી સાંભળીને સમ્યગ્જ્ઞાન થઈ જાય–એમ નથી.
જ્યાં પોતે પાત્ર થઈને જાગ્યો અને અપૂર્વ ભાન પ્રગટ કર્યું ત્યાં સામે કયું નિમિત્ત હતું, કેવા દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત
રૂપે હોઈ શકે, તેનું પણ યથાર્થ ભાન થયા વગર રહેતું નથી. સમ્યગ્જ્ઞાનનું આવું સ્વ–પરપ્રકાશક સામર્થ્ય છે.
દરેક જીવે કરવા જેવું ખરું કાર્ય
જુઓ ભાઈ! પૂર્વે અનંત અનંત કાળમાં કદી એક સેકંડ પણ નથી સમજ્યો એવી સૂક્ષ્મ આ વાત છે.
પોતાનું અપૂર્વ કલ્યાણ કરવા માટે આ વાત સમજવા જેવી છે. આ વાત સમજ્યા વગર ભવથી નિવેડા થાય તેમ
નથી. દરેક જીવમાં આ સમજવાની તાકાત ભરી છે. અહો! જેટલું સામર્થ્ય સિદ્ધ ભગવાનમાં છે તેટલું પરિપૂર્ણ
સામર્થ્ય મારા આત્મામાં પણ ભર્યું છે, મારો આત્મા પણ સિદ્ધ ભગવાન જેવો છે–આમ પોતાના સામર્થ્યનો
વિશ્વાસ અને ઉલ્લાસ લાવીને હોંશપૂર્વક શ્રવણ–મંથન કરવું જોઈએ; ‘મને નહિ સમજાય
એવી નમાલી માન્યતા
છોડી દેવી જોઈએ. ભગવાન શ્રી આચાર્યદેવે સમયસારની પહેલી ગાથામાં જ આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું છે કે હું
સિદ્ધ છું અને તું સાંભળનાર પણ સિદ્ધ છે; અમે ક્ષણિક વિકારને લક્ષમાં મુખ્ય ન લેતાં તારા જ્ઞાનમાં તારા
આત્માનું સિદ્ધપણું સ્થાપીએ છીએ, માટે તું પણ તારા જ્ઞાનમાં તે વાત બેસાડીને પહેલે ધડાકે સિદ્ધપણાની હા
પાડ; પૂર્ણતાના લક્ષે તારા પુરુષાર્થને ઉપાડ! જેણે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને પૂર્ણતાના લક્ષે શરૂઆત
કરી તેને અલ્પકાળમાં પૂર્ણ સિદ્ધદશા પ્રગટ્યા વગર રહે નહિ. માટે પોતાના પરિપૂર્ણ સ્વભાવસામર્થ્યને
ઓળખીને તેની પ્રતીત કરવી તે જ દરેક જીવે કરવા યોગ્ય પ્રથમ કાર્ય છે.
–એ પ્રમાણે જીવનું ખરું કાર્ય સમજાવ્યું.
[વર સ. ૨૪૭૬, ફગણ સદ ૯ ન રજ રજકટમ સમયસર ગથ. ૭૧ ઉપર પ્રવચન]