Atmadharma magazine - Ank 123
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૧
સળંગ અંક ૧૨૩
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः
વર્ષ અગિયારમુંસમ્પાદકઃપોષ
અંક ત્રી જોરામજી માણેકચંદ દોશી૨૪૮૦
***********************************************************
આત્માના હિતની દરકાર
આ મનુષ્યદેહ પામીને એ નક્કી કરવા જેવું છે કે હું કોણ છું, મારું
સ્વરૂપ શું છે? આ મનુષ્યભવ પામીને, હવે મારું હિત કેમ થાય–તેની જેને
દરકાર નથી અને એમ ને એમ સંસારની મજૂરીમાં જીવન વીતાવે છે તેનું
જીવન તો પશુ જેવું છે. જીવનમાં આત્માની દરકાર કરીને જેણે અભ્યાસ કર્યો
હશે તેને અંતસમયે તેનું લક્ષ રહેશે....જીવનમાં જેવી ભાવના ઘૂંટી હશે તેવો
સરવાળો આવીને ઊભો રહેશે. જેને પોતાના આત્માનું હિત કરવું છે એવા
આત્માર્થી જીવે જીવ–રાજાને ઓળખીને તેની શ્રદ્ધા કરવી, બહુમાન કરવું, સેવા
કરવી, આરાધના કરવી.
–પ્રવચનમાંથીઃ આ પ્રવચન વિસ્તારથી વાંચવા માટે અંદર જુઓ.
***********************************************************
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્ર ણ રૂ પિ યા (૧૨૩) ચાર આના
જૈન સ્વાધ્યાય મંદિરઃ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુ.વ.ર્ણ.પુ.રી.સ.મા.ચા.ર
* પૂ. ગુરુદેવનો વિહાર *
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રભાવે સૌરાષ્ટ્રમાં અનેક જિનમંદિરો થયા છે, તેમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા તેમ જ વેદી
પ્રતિષ્ઠાના મંગળ પ્રસંગો નિમિત્તે સોનગઢથી પોષ વદ ત્રીજ ને બુધવાર (તાઃ ૨૧–૧–પ૪) ના રોજ પૂ. ગુરુદેવનો
વિહાર થશે. પોષ વદ ત્રીજે સોનગઢથી વિહાર કરીને પૂ. ગુરુદેવ ઉમરાળા પધારશે અને તે જ દિવસે ત્યાં
“કહાનગુરુ જન્મભૂમિસ્થાન” નું તેમ જ “ઉજમબા સ્વાધ્યાય ગૃહ” નું ઉદ્ઘાટન થશે.
ઉમરાળા બાદ રાજકોટ થઈને પૂ. ગુરુદેવ માહ સુદ ૧૦ દસમ લગભગમાં જુનાગઢ ગીરનારજી તીર્થની
યાત્રાએ પધારશે. અને ત્યારબાદ પોરબંદર વગેરે સ્થળોએ પધારશે. પ્રતિષ્ઠાના મુહૂર્તો નીચે પ્રમાણે છેઃ–
પોરબંદર (પંચકલ્યાણક પ્રતિષ્ઠા) ફાગણ સુદ ૩
મોરબી (પંચકલ્યાણક પ્રતિષ્ઠા) ચૈત્ર સુદ ૨
વાંકાનેર (પંચકલ્યાણક પ્રતિષ્ઠા) ચૈત્ર સુદ ૧૩
વઢવાણ સીટી (વેદી પ્રતિષ્ઠા) ચૈત્ર વદ ૮
વઢવાણ કેમ્પ (વેદી પ્રતિષ્ઠા) વૈશાખ સુદ ૩
રાણપુર (વેદી પ્રતિષ્ઠા) વૈશાખ સુદ ૧૩
બોટાદ (વેદી પ્રતિષ્ઠા) વૈશાખ વદ
ઉમરાળા (વેદી પ્રતિષ્ઠા) જેઠ સુદ ૪
* * *
* પૂ. ગુરુદેવના વિહાર દરમ્યાન સોનગઢમાં જૈન અતિથિ સેવા સમિતિ તેમ જ પુસ્તક વેચાણ વિભાગ બંધ
રાખવામાં આવશે; તેની સૌએ નોંધ લેવી.
* આ અંકમાં સંપાદકીય–લેખ આપી શકાયો નથી.
– ઃ રાણપુરમાં જિનમંદિરનું ખાતમુહૂર્ત ઃ –
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પુનિત પ્રભાવે વીતરાગી જૈનધર્મની પ્રભાવના દિન પ્રતિદિન વૃદ્ધિગત થઈ રહી
છે, અને ઠેર ઠેર વીતરાગી જિનમંદિરો થાય છે. માગસર વદ એકમના મંગલદિને રાણપુરમાં શ્રી મહાવીર ભગવાનના
દિ. જિનમંદિરનું ખાતમુહૂર્ત મુમુક્ષુઓના ઘણા ઉલ્લાસપૂર્વક પોરબંદરના શેઠ શ્રી નેમિદાસ ખુશાલભાઈના સુહસ્તે થયું
છે. આ મંગલ પ્રસંગ નિમિત્તે શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા ઘણા ઉલ્લાસથી નીકળી હતી. ખાતમુહૂર્ત વિધિ બાદ શેઠ શ્રી
નેમિદાસભાઈએ પોતાને આવો મંગલ અવસર પ્રાપ્ત થયો તે બદલ ઉલ્લાસભર્યું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને પૂ.
ગુરુદેવશ્રીના પ્રતાપે આવા મંગલ પ્રસંગો ફરી ફરી પ્રાપ્ત થાઓ–એવી ભાવના સાથે રૂા. ૨પ૦૧) પોતાના નામથી
તેમજ રૂા. ૨પ૦૧) તેમના ધર્મપત્નીના નામથી રાણપુર જિનમંદિરને અર્પણ કર્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે બીજા
ભક્તજનોએ પણ ઉલ્લાસપૂર્વક ભાગ લઈને રકમો જાહેર કરી હતી. એકંદરે ફાળો રૂા. ૧૨૬૦૦) ઉપરાંત થયો હતો,
–જેમાં સોનગઢના જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી આવેલા ૨પ૦૧) રૂા. નો પણ સમાવેશ થઈ જાય છે.
રાણપુરમાં આ ખાતમુહૂર્તના મંગલ પ્રસંગે ત્યાંના શેઠશ્રી પ્રેમચંદભાઈ તથા નારાણભાઈ વગેરે ભક્તજનોને
ઘણો જ ઉલ્લાસ હતો; તેમ જ આ પ્રસંગે સોનગઢથી પૂ. બેનશ્રી બેનજી પધાર્યા હોવાથી આ પ્રસંગ વિશેષ ઉલ્લાસથી
ઉજવાયો હતો. આ મંગલ પ્રસંગની પ્રાપ્તિ માટે રાણપુરના મુમુક્ષુઓને ધન્યવાદ!

PDF/HTML Page 4 of 21
single page version

background image
પરીક્ષા કરીને
ધર્મનું સ્વરૂપ ઓળખવું જોઈએ.
*****************************************************
આ મનુષ્યદેહ પામીને એ નક્કી કરવા જેવું છે કે હું કોણ છું, મારું
સ્વરૂપ શું છે? આ મનુષ્યભવ પામીને, હવે મારું હિત કેમ થાય? તેની
જેને દરકાર નથી અને એમ ને એમ સંસારની મજૂરીમાં જીવન વિતાવે છે
તેનું જીવન તો પશુ જેવું છે. જીવનમાં આત્માની દરકાર કરીને જેણે
અભ્યાસ કર્યો હશે તેને અંતસમયે તેનું લક્ષ રહેશે.....જીવનમાં જેવી
ભાવના ઘૂંટી હશે તેવો સરવાળો આવીને ઊભો રહેશે. જેને પોતાના
આત્માનું હિત કરવું છે એવા આત્માર્થી જીવે જીવ–રાજાને ઓળખીને તેની
શ્રદ્ધા–બહુમાન કરવું, તેની સેવા–આરાધના કરવી.
*****************************************************
(પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું એક સહેલું પ્રવચન)
(વીર સવંત ૨૪૮૦ માગસર સુદ છઠ્ઠ)
ધર્મની પરીક્ષા કરવાની આ વાત છે. જેણે ધર્મ કરવો હોય તેણે સાચા ધર્મની પરીક્ષા કરવી જોઈએ. દુનિયા
જગતના પદાર્થોમાં હીરા–માણેક, સોનું વગેરેની પરીક્ષા કરે છે, પણ અંતરમાં ચૈતન્યતત્ત્વ શું છે ને તેનો ધર્મ કઈ રીતે
થાય તેની પરીક્ષા કરતા નથી. બહારમાં પૈસા વગેરે મળવા તે તો પુણ્ય પ્રમાણે જ મળે છે, તેમાં બુદ્ધિ કામ આવતી
નથી, છતાં ત્યાં પરીક્ષા કરે છે, તો આત્મામાં જેને ધર્મ કરવો છે તેણે ધર્મ–અધર્મની પરીક્ષા કરીને ઓળખવું જોઈએ.
આત્માનો સ્વભાવ શું, તેને ધર્મ કેમ થાય ને તેને અધર્મ કેમ થાય તે ઓળખવું જોઈએ.
આ દેહ–મન–વાણી તો જડ છે, પૈસા પણ જડ છે; અંદર ચૈતન્યતત્ત્વ ભિન્ન છે; તે ચૈતન્યતત્ત્વ અનાદિ અનંત
છે, કોઈએ તેને નવો બનાવ્યો નથી તેમ જ તેનો કદી નાશ પણ થતો નથી; તે અનાદિ અનંત સ્વયંસિદ્ધ તત્ત્વ છે.
આવા આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે પરીક્ષા કરીને ઓળખવું જોઈએ. આત્મામાં દયાના કે હિંસાના જે ભાવ
થાય તે ધર્મ નથી, અને શરીર તો જડ છે, તે આત્માથી બાહ્ય ચીજ છે, તે ચીજ આત્માની નથી. આત્મા તો
જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન તે સ્વભાવ છે, પુણ્ય–પાપ તે વિકાર છે અને શરીર તો સંયોગ છે, એમ ત્રણેને ઓળખીને,
જ્ઞાનસ્વરૂપ આત્માને આદરવા યોગ્ય જાણવો તે ધર્મ છે. જડ શરીર વગેરે બાહ્ય પદાર્થો તો જુદા જ છે તેથી તે હેય
પણ નથી ને ઉપાદેય પણ નથી, તે તો જ્ઞેય છે. પુણ્ય–પાપ તે વિકાર હોવાથી હેય છે, ને જ્ઞાનાનંદ સ્વભાવ તે ઉપાદેય
છે. જ્ઞેય તો સ્વ–પર બધુંય છે. આ પ્રમાણે હેય–જ્ઞેય અને ઉપાદેય બધાય તત્ત્વોને પરીક્ષાથી ઓળખવા જોઈએ.
આ મનુષ્ય દેહ પામીને એ નક્કી કરવા જેવું
પોષઃ ૨૪૮૦ ઃ ૪૭ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે? આ શરીર તો જુદી ચીજ છે, શરીરથી જુદો આત્મા છે, સગાંવહાલાં આ શરીરને
ઓળખે છે, પણ આત્માને ઓળખતા નથી. શરીરમાં રોગ થાય ત્યાં પૂછે કે ભાઈ! કેમ છે? પણ આત્મામાં
અનાદિનો અજ્ઞાનનો રોગ લાગુ પડયો છે, તેના ખબર કોઈ પૂછે છે? અહીંથી મરીને આત્મા ક્યાં જશે? અરે! આ
શરીર તો અલ્પકાળ રહેવાનું છે, આત્મા સાથે તે સદા રહેવાનું નથી. ને અંદર પુણ્ય–પાપ, ક્રોધ–માન–માયા વગેરેના
જે ભાવો થાય છે તે પણ ક્ષણિક લાગણીઓ છે, તે પણ ધર્મ નથી. અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા કાયમ રહેનારું
તત્ત્વ છે તે શું છે તેને ઓળખવું જોઈએ. આ મનુષ્યભવ પામીને હવે મારું હિત કેમ થાય? તેની જેને દરકાર નથી
અને એમ ને એમ સંસારની મજૂરીમાં જીવન વીતાવે છે તેનું જીવન તો પશુ જેવું છે. ભાઈ! જ્યાં આ શરીર પણ
તારું નથી, તો પછી બહારનાં પ્રત્યક્ષ જુદા આવા સ્ત્રી–પુત્ર–પૈસા વગેરે તો કયાંય રહ્યા! પૈસા રળવા તેમાં અજ્ઞાનીને
સુખ લાગે છે, પણ પૈસા રળવાનો ભાવ તે તો પાપભાવ છે, પણ અજ્ઞાનીને સન્નેપાતીઆની જેમ તેમાં સુખ લાગે
છે. પરનો ઓશિયાળો થઈને જીવે છે તે જ દુઃખ છે. હું જ્ઞાનમૂર્તિ ભગવાન છું–એમ તો ઓળખતો નથી ને મારે પર
ચીજ વિના ન ચાલે એમ માને છે તે જીવ મોટો દુઃખી છે. પર ચીજ વગર મારે ન ચાલે એ માન્યતા જ મોટું દુઃખ છે.
જેમ હરખ સન્નેપાતનો રોગ થયો હોય ત્યાં તે રોગી હસતો દેખાય, પણ તે દુઃખી છે, થોડાં વખતમાં તે મરી જશે.
તેમ અજ્ઞાની જીવને મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્રરૂપ ત્રિદોષ થયો છે તેથી તે હરખ સન્નેપાતીઆની માફક
સ્ત્રી–પુત્ર–પૈસા વગેરેમાં સુખ માનીને ત્યાં હોશ કરે છે, પણ તે સુખી નથી, તે આકુળતાથી દુઃખી જ છે.
જુઓ, નિર્ધનતા તે કાંઈ દોષ નથી, ને સધનતા તે કાંઈ ગુણ નથી. બહારની અનુકૂળતા–પ્રતિકૂળતાના
આધારે ગુણ કે દોષ નથી. એ જ પ્રમાણે શરીરમાં રોગ થવો તે દોષ નથી, ને શરીર રૂપાળું નિરોગ હોવું તે ગુણ નથી.
શરીર વગેરે સંયોગના આધારે આત્માના ગુણ–દોષ નથી, પણ શરીર તે હું, પૈસા મારા, પૈસામાં મને સુખ છે એવું
જેને મિથ્યાઅભિમાન છે તે જીવને મિથ્યાત્વનો મોટો દોષ છે ને શરીરાદિથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપનું જેને ભાન છે
તે જીવ ગુણવાન છે. ચોખા લેવા જાય ત્યાં પણ જાતે નમૂનો તપાસીને પરીક્ષા કરીને લ્યે છે, તો ધર્મ શું ચીજ છે તે
પણ પરીક્ષા કરીને ઓળખવું જોઈએ. પોતે ઓળખ્યા વગર એમ ને એમ માની લ્યે કે દેવ–ગુરુએ કહ્યું તે સાચું;–પણ
પોતે તેના ભાવને ન ઓળખે તો પોતાને લાભ થાય નહિ; સાચા–ખોટાની પરીક્ષા જાતે કરવી પડશે.
અત્યારે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે, તેમણે શું તત્ત્વ
કહ્યું તે પોતે ન ઓળખે અને ઓળખ્યા વગર ‘ભગવાને કહ્યું તે સાચું’–એમ માની લ્યે, તો તેથી પોતાને
સમ્યગ્જ્ઞાનનો લાભ થાય નહિ. માટે દેવ–ગુરુએ જે કહ્યું તેમાં હેય–જ્ઞેય ને ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરીને જાતે
ઓળખવું જોઈએ.
બહારના સંયોગ તો જીવને દુઃખદાયક નથી, શરીરમાં રોગ થાય, વીંછી કરડે તેનું જીવને કિંચિત્ દુઃખ નથી,
પણ અંદરમાં ‘શરીર તે હું, મને વીંછી કરડયો’ એવો જે મોહભાવ છે તેનું જ દુઃખ છે.–આમ પહેલાં નક્કી કરવું
જોઈએ. હવે અંદર જે રાગ–દ્વેષના ભાવ થાય છે તે પણ ક્ષણિક છે, તેમાંય જીવનું સુખ નથી. અંદરમાં જ્ઞાનસ્વરૂપ
આત્મા છે, તે જ્ઞાનમાં પાંચ વર્ષ પહેલાંની વાત
ઃ ૪૮ઃ આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 6 of 21
single page version

background image
પણ અત્યારે જણાય છે. દૂરની વસ્તુ અહીં બેઠા બેઠા પણ જ્ઞાનના ખ્યાલમાં આવે છે. વિકાર પૂર્વે થયો હોય
તેને અત્યારે જ્ઞાન જાણે છતાં જ્ઞાનમાં તેવો વિકાર થતો નથી. જુઓ આ જ્ઞાનનો સ્વભાવ!! જ્ઞાન તો જાણનાર
સ્વરૂપ છે, તે જ્ઞાનમાં વિકાર નથી, સંયોગ નથી. આવી જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્મા છે–તેને ઓળખ. બજારમાં સાકર
લેવા જાય તો ત્યાં મોળી સાકર પસંદ નથી કરતો, તો આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવ પૂરું જાણવાના
સામર્થ્યવાળો છે, તે જ્ઞાનની મોળી અવસ્થા પાસ કરવા જેવી નથી પણ પૂરેપૂરું જાણે એવી પૂર્ણ અવસ્થા જ
આદરણીય છે. ભાઈ, તારો જ્ઞાનસ્વભાવ પૂરું જાણે એવો છે, પણ રાગ–દ્વેષ કરીને અટકે તેવો સ્વભાવ નથી,–આમ
જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર. આવો નિર્ણય કરીને જ્ઞાનસ્વભાવનો આદર કરવો તે હિતનો ઉપાય છે.
ભાઈ! આત્માનો સ્વભાવ સર્વજ્ઞ થઈને પૂરું જાણે એવો છે, તેને બદલે, સ્ત્રી–પૈસા–શરીર વગેરેમાં મારું સુખ
–એમ માનીને રાગ–દ્વેષ–મોહમાં અટકી ગયો છે તેથી જ્ઞાન સંકોચાઈ ગયું છે, પણ જ્ઞાનમાં સર્વજ્ઞતા થવાની તાકાત
છે–તેને ઓળખીને તેમાં એકાગ્ર થાય તો પુરી સર્વજ્ઞતા ખીલી જાય, ને રાગ–દ્વેષ ટળી જાય. જેમ લીંડીપીપરમાં
ચોસઠપોરી તીખાસરૂપે થવાની તાકાત છે, પણ તે વ્યક્ત થાય ત્યારે દવામાં કામ આવે, તેમ સર્વજ્ઞભગવાન અને
સંત–મુનિઓ કહે છે કે ભાઈ! તારામાં સર્વજ્ઞપદ થવાની તાકાત પડી છે, તેમાંથી સર્વજ્ઞતા પ્રગટે તે પસંદ કરવા જેવું
છે, તે સિવાય અલ્પજ્ઞતા અને રાગદ્વેષ તે પસંદ કરવા જેવા નથી. આવું અંતરમાં ભાવભાસન થવું જોઈએ. તને
અંદર ભાસ થવો જોઈએ. કે અહો! હું તો જ્ઞાન સ્વરૂપ જીવતત્ત્વ છું, પુણ્ય–પાપ તત્ત્વ તે મારી કાયમની ચીજ નથી,
ને બહારના સંયોગ–વિયોગ તે પણ મારી ચીજ નથી. સંયોગથી તદ્ન જુદો છું, ક્ષણિક પુણ્ય–પાપની લાગણી પણ
મારું વાસ્તવિક સ્વરૂપ નથી, મારામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય ભર્યું છે–એમ ઓળખીને તે પરિપૂર્ણ સ્વભાવ–સામર્થ્યનો
આદર કરવો તે હિતનો ઉપાય છે. જીવનમાં જેણે આ વાતનો અભ્યાસ કર્યો હશે ને આત્માની દરકાર કરી હશે તેને
મૃત્યુ ટાણે તેનું લક્ષ રહેશે. પણ જીવનમાં જેણે દરકાર કરી નથી તે મૃત્યુ ટાણે કયાંથી લાવશે? જીવનમાં જેવી ભાવના
ઘૂંટી હશે તેવો સરવાળો આવીને ઊભો રહેશે. જુઓ, આંગણે મોટો રાજા આવ્યો હોય ને તે જ વખતે દુકાને બે
આનાનો માલ લેવા ભરવાડ આવ્યો હોય, તો ત્યાં મોટા રાજાનો આદર કરે છે, ભરવાડ પાસે રોકાતો નથી; તેમ
જેને આત્માનું હિત કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે તે જીવ અંતરમાં ચૈતન્યરાજાનો આદર કરે છે, પણ ક્ષણિક
પુણ્ય–પાપના કે સંયોગના આદરમાં રોકાતો નથી. સમયસારમાં પણ કહ્યું છે કે જેમ ધનનો લોભી માણસ રાજાને
ઓળખીને તેની સેવા કરે છે તેમ જેને પોતાના આત્માનું હિત કરવું છે એવા આત્માર્થી જીવે જીવ–રાજાને ઓળખીને
તેની શ્રદ્ધા–બહુમાન કરવું, તેની સેવા કરવી. તેની આરાધના કરવી. ‘અહો! મારો આત્મા તો ચૈતન્યસ્વભાવ છે, તે
રાગ જેટલો નથી, શરીર આદિ સંયોગ સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી’–એમ ચૈતન્યસ્વભાવને ઓળખે તો
આત્માનું કલ્યાણ થાય છે. માટે સત્સમાગમે પરીક્ષા કરીને આ વાત બરાબર ઓળખવા જેવી છે.
(વીર સં. ૨૪૮૦ ના માગશર સુદ છઠ્ઠના રોજ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)

PDF/HTML Page 7 of 21
single page version

background image
હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપ
અરે જીવ! અત્યાર સુધી તો તારો કાળ બંધમાર્ગમાં વીત્યો, પરંતુ
હવે તો તું મોક્ષમાર્ગમાં સ્થિત થા! “અરેરે! અત્યાર સુધી મિથ્યાભાવો
સેવ્યા તો હવે મોક્ષમાર્ગ કેમ થઈ શકશે?”–એમ તું મુંઝાઈશ નહીં; કેમ કે
અનાદિથી પોતાની ઊંધી બુદ્ધિને લીધે મિથ્યાભાવોનું સેવન કર્યુ હોવા
છતાં–પણ, પોતાની સવળી બુદ્ધિના પ્રયત્નથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
આરાધના કરીને આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપી શકાય છે. માટે હે ભવ્ય!
હવે તું તારા આત્માને નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં અતિ દ્રઢપણે
સ્થાપ.
*
આત્મસ્વભાવના સ્વાશ્રયે પ્રગટતા નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે; મોક્ષના ઇચ્છક
પુરુષે આવા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ એક જ સદા સેવવા યોગ્ય છે. આવા મોક્ષમાર્ગનો ઉપદેશ કરતાં
આચાર્યદેવ કહે છે કે–હે ભવ્ય!
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત–અનુભવ અને તેમાં જ નિરંતર
વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
સામે શ્રોતા તરીકે મોક્ષાર્થી જીવ ઊભો છે તેને સંબોધીને કહે છે કે હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં
સ્થાપ. અહીં આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપવાનું કહ્યું તેમાં એ વાત આવી ગઈ કે અત્યાર સુધી આત્મા મોક્ષમાર્ગમાં
સ્થિત થયો નથી પણ રાગાદિ બંધભાવોમાં જ સ્થિત થયો છે; અને હવે તે બંધભાવોથી છૂટીને મોક્ષમાર્ગમાં સ્થિત
થવું તે પોતાના સ્વાધીન પ્રયત્નથી થાય છે. હે ભવ્ય! તારો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના
દોષથી પર દ્રવ્યમાં–રાગ–દ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણવડે જ તેમાંથી પાછો
વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં નિરંતર સ્થાપ.
અનાદિકકાળથી પોતાની બુદ્ધિના અપરાધને લીધે જ જીવ મિથ્યાત્વાદિ બંધમાર્ગમાં રોકાઈ ગયો છે, કર્મોએ
જીવને સંસારમાં રખડાવ્યો એમ નથી. જો કર્મો જ જીવને સંસારમાં રખડાવતા હોય તો આત્માને મોક્ષમાર્ગમાં સ્થિત
થવાનો ઉપદેશ ન હોઈ શકે. જો કર્મ જીવને રખડાવતું હોય તો કર્મને સંબોધીને એમ કહેવું જોઈએ કે ‘અરે કર્મ! હવે
તું આત્માને છોડ!’ પણ અહીં તો જીવને સંબોધીને કહે છે કે હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષ–માર્ગમાં સ્થાપ,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં નિશ્ચલપણે સ્થાપ. અત્યારસુધી બંધમાર્ગમાં પણ તારી ઊંધી બુદ્ધિથી તેં જ તારા
આત્માને સ્થાપ્યો હતો અને હવે તું જ તારી બુદ્ધિને અંતરમાં વાળીને તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપ. તારો
મોક્ષમાર્ગ તારા જ હાથમાં છે. જો પોતાના મોક્ષનો પ્રયત્ન પોતાના હાથમાં જ ન હોય ને પરના હાથમાં હોય તો
જીવને મોક્ષમાર્ગમાં સ્થાપવાનો ઉપદેશ નકામો જાય. અનાદિ સંસારથી–નિત્ય નિગોદમાં હતો ત્યારે પણ જીવ
પોતાના ઊંધા ભાવને લીધે જ ત્યાં રહ્યો હતો. આ પ્રમાણે
પોષઃ ૨૪૮૦
ઃ ૪૯ઃ

PDF/HTML Page 8 of 21
single page version

background image
બંધમાર્ગમાં જીવના અપરાધની સ્વતંત્રતા બતાવીને આચાર્ય ભગવાન કહે છે કે અરે જીવ! અત્યાર સુધી તો તારો
કાળ બંધમાર્ગમાં વીત્યો, પરંતુ હવે તો તું મોક્ષમાર્ગમાં સ્થિત થા! ‘અરેરે! અત્યાર સુધી મિથ્યાભાવો સેવ્યા તો હવે
મોક્ષમાર્ગ કેમ થઈ શકશે?’–એમ તું મુંઝાઈશ નહીં; કેમકે અનાદિથી પોતાની ઊંધી બુદ્ધિને લીધે મિથ્યાભાવોનું સેવન
કર્યું હોવા છતાંપણ, પોતાની સવળી બુદ્ધિના પ્રયત્નથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરીને આત્માને
મોક્ષમાર્ગમાં સ્થાપી શકાય છે. માટે હે ભવ્ય! હવે તું તારા આત્માને નિશ્ચય રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં અતિ દ્રંઢપણે
સ્થાપ.
જુઓ, આવો મોક્ષમાર્ગનો ઉપદેશ સાંભળનાર શ્રોતાની કેટલી જવાબદારી છે?
પ્રથમ તો, રાગથી ધર્મ મનાવનારા કુદેવ–કુગુરુને માનતો ન હોય; જો કુદેવ–કુગુરુને માનતો હોય તો તે
પોતાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપી શકે નહિ. યથાર્થ મોક્ષમાર્ગ બતાવનારા સાચા દેવ–ગુરુને જ તે માને છે.
બીજું, જે જીવ નિમિત્તથી લાભ–નુકશાન થવાનું માનતો હોય અથવા વ્યવહારરત્નત્રયના શુભરાગને મોક્ષનું
કારણ માનતો હોય તે પણ નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં આત્માને સ્થાપવાનો ઉદ્યમ કરી શકે નહિ. જે જીવ
મોક્ષમાર્ગનો ઉદ્યમી છે તે કોઈ પણ પરના કે રાગના અવલંબનથી મોક્ષમાર્ગ થવાનું માનતો નથી.
કર્મનો ઉદય મને વિકાર કરાવશે–એવી જેની દ્રષ્ટિ હોય તે પણ મોક્ષમાર્ગનો ઉદ્યમ કરી શકે નહિ. અહીં તો
જેને બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં–બંનેમાં પોતાની સ્વતંત્રતા ભાસી છે ને અંતરમાં હવે મોક્ષમાર્ગ સાધવાનો
ઉત્સાહ જાગ્યો છે એવા જીવને આચાર્યભગવાન કહે છે કે હે ભવ્ય! નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ એક જ
મોક્ષમાર્ગ છે, તેમાં જ તું તારા આત્માને નિશ્ચલપણે સ્થાપ. ‘મારાથી મોક્ષમાર્ગ નહિ થઈ શકે’–એવી શંકા શ્રોતાને
પણ પડતી નથી.
જે જીવ લાયક થઈને વિનયપૂર્વક શ્રવણ કરવા આવ્યો છે અને આત્માના હિત સિવાય બીજો કોઈ હેતુ જેને
નથી એવા ભવ્ય જીવને આચાર્યદેવ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે કે હે જીવ! તારા આત્માના નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તેમાં તું તારા આત્માને સ્થિર કર. ‘ચૈતન્યસ્વભાવ તે હું’ એમ ન સમજતાં, ‘રાગ–દ્વેષ તે
હું, શરીર તે હું’–એમ માનીને અજ્ઞાનભાવથી અત્યાર સુધી તો વિકારમાં જ નિરંતર એકાગ્ર થયો, પરંતુ તે આત્માનો
સ્વભાવ નથી એમ સમજીને હે ભવ્ય! હવે તું તેનાથી પાછો વળ.....પાછો વળ. અને નિર્વિકાર ચૈતન્યમૂર્તિ
સ્વભાવની સન્મુખ થઈને તેમાં સ્થિરતા કર.–આ જ તારા હિતનો પંથ છે.
હે જીવ! તને કોઈ બીજાએ રખડાવ્યો નથી તેમ જ તને કોઈ બીજો તારનાર નથી; પણ તું તારી પ્રજ્ઞાના દોષને
લીધે જ સંસારમાં રખડયો છે, ને હવે તારી પ્રજ્ઞાના ગુણ વડે જ તું સંસારથી પાછો ફરીને મોક્ષમાર્ગમાં સ્થિર થા.
પ્રજ્ઞાનો દોષ એટલે શું?
ચૈતન્યસ્વભાવની મહત્તા કબૂલીને જ્ઞાન તે તરફ ન વળતાં, રાગ તે જ હું એમ માનીને રાગમાં જ જ્ઞાન
એકાગ્ર થયું તે પ્રજ્ઞાનો દોષ છે, તેને લીધે જ જીવ સંસારમાં રખડે છે.
પ્રજ્ઞાનો ગુણ એટલે શું?
શુદ્ધ ચૈતન્યસ્વભાવ તે હું ને રાગ તે હું નહિ–એમ અંતરમાં ભેદજ્ઞાન કરીને, જ્ઞાન રાગથી છૂટું પડીને ચૈતન્ય
સ્વભાવમાં એકાગ્ર થયું–તેનું નામ પ્રજ્ઞાનો ગુણ છે, તે મોક્ષનું કારણ છે. પ્રજ્ઞાનો ગુણ એમ કહેતાં તેમાં સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આવી જાય છે; હે જીવ! તું પ્રયત્ન વડે તારા આત્માને આવા મોક્ષમાર્ગમાં સ્થાપ,–એવો
અચલપણે સ્થાપ કે વચ્ચે કદી તૂટ પડયા વગર અલ્પકાળમાં મુક્તદશા પ્રગટી જાય.
અહીં આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપવાનું કહ્યું એટલે કે શુદ્ધ દ્રવ્યસ્વભાવનું અવલંબન લઈને તું તારા
આત્મામાં મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ કર. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ શુદ્ધ આત્માના આશ્રયે જ પ્રગટે છે.
શુદ્ધ આત્માનો આશ્રય લઈને જેણે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કર્યા તેણે પોતાના આત્માને બંધમાર્ગથી પાછો
વાળીને મોક્ષમાર્ગમાં સ્થાપ્યો છે. શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટેલા નિશ્ચયરત્નત્રય તે જ નિયમરૂપ મોક્ષમાર્ગ છે,
એનાથી જુદો બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. તેને બદલે
ઃ પ૦ઃ
આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 9 of 21
single page version

background image
જે જીવ વ્યવહારરત્નત્રયને જ મોક્ષનું કારણ માને છે તેણે શુદ્ધ આત્માને જાણ્યો જ નથી; તેથી શુદ્ધ આત્માનો આશ્રય
ન કરતાં રાગનો જ આશ્રય કરીને તે જીવ સંસારમાં રખડે છે. તેથી આચાર્યદેવ કહે છે કે હે જીવ! નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ યથાર્થ મોક્ષમાર્ગને ઓળખીને તેમાં તું તારા આત્માને નિરંતર નિશ્ચલપણે સ્થાપ.
વળી મોક્ષમાર્ગની વિશેષ પ્રેરણા કરતાં આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે
અત્યંત એકાગ્ર થઈને દર્શન–જ્ઞાન–ચારિત્રને જ ધ્યા. શુદ્ધાત્મદ્રવ્યમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે
નિર્મળ પર્યાય પ્રગટી તે આત્મા સાથે જ અભેદ છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પર્યાય સાથે અભેદરૂપ એવા શુદ્ધ
આત્માને જ તું ધ્યાવ. તેનું ધ્યાન કરતાં અન્ય સમસ્ત ચિંતાઓ છૂટી જાય છે.–આ રીતે આચાર્યદેવે અસ્તિ–નાસ્તિથી
મોક્ષમાર્ગ સમજાવ્યો છે.
મોક્ષમાર્ગ શુદ્ધ જ્ઞાનચેતનામય છે. શુદ્ધ જ્ઞાનચેતનામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે. શુદ્ધ
જ્ઞાનચેતનામય થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના અનુભવમાં એકાગ્ર થયો ત્યાં પુણ્ય પાપ કે હર્ષ–શોકનો અનુભવ
રહેતો નથી. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાને છોડીને શુદ્ધ જ્ઞાનચેતનામય
થઈને દર્શન–જ્ઞાન–ચારિત્રને જ તું ચેત, તેને જ અનુભવ.–તે મોક્ષમાર્ગ છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના અવલંબને ક્ષણેક્ષણે
રત્નત્રયના નિર્મળ પરિણામ ઊપજે છે, તે રત્નત્રયમાં તન્મય થઈને તું દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જ વિહર, એ સિવાય
કોઈપણ પર દ્રવ્યમાં જરાપણ ન વિહર. પર દ્રવ્યો તારા જ્ઞાનના જ્ઞેયરૂપ છે પરંતુ તે જ્ઞેયોના અવલંબને તારો મોક્ષમાર્ગ
નથી, જ્ઞાનસ્વરૂપના એકના જ અવલંબને તારો મોક્ષમાર્ગ છે; માટે હે ભવ્ય! સમસ્ત પર દ્રવ્યોનું અવલંબન છોડીને,
એકલા જ્ઞાયકસ્વરૂપને જ અવલંબતો થકો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં તું વિહાર કર.
(–પ્રવચનમાંથી)
*********************************************************************
ધર્મનું નિમિત્ત
અજ્ઞાનીને તો પોતામાં ધર્મભાવ જ પ્રગટયો નથી, એટલે તેને માટે ધર્મનું નિમિત્ત જ કોઈ નથી;
કેમકે કાર્ય થયા વગર નિમિત્ત કોનું? અજ્ઞાનીને પોતામાં ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ધર્મના નિમિત્તોનો
પણ તેને નિષેધ વર્તે છે.
જ્ઞાનીને અંર્તસ્વભાવના ભાનવડે પોતાના ભાવમાં ધર્મ પ્રગટયો છે એટલે તેને જ ધર્મનાં
નિમિત્તો હોય છે; પણ તેની દ્રષ્ટિમાં નિમિત્તોનો નિષેધ વર્તે છે ને સ્વભાવનો આદર વર્તે છે.
આ રીતે, નિમિત્તને લીધે ધર્મ થાય એમ જે માને છે તેને તો ધર્મના નિમિત્ત જ હોતા નથી,
અને જેને ધર્મનાં નિમિત્ત હોય છે એવા જ્ઞાની નિમિત્તને લીધે ધર્મને માનતા નથી.
(–ચર્ચા ઉપરથી.)
*********************************************************************
પોષઃ ૨૪૮૦ ઃ પ૧ઃ

PDF/HTML Page 10 of 21
single page version

background image
મનષ્યન ફરજ?
*
ઘણા લોકો પૂછે છે કે મનુષ્યની ફરજ શું?–માનવધર્મ શું? તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે અરે ભાઈ! સૌથી
પહેલાં તો ‘હું મનુષ્ય છું’ એવી માન્યતા તે જ મોટો ભ્રમ છે. મનુષ્યપણું તે તો સંયોગી પર્યાય છે, જીવ–પુદ્ગલના
સંયોગરૂપ અસમાનજાતીય પર્યાય છે, તે આત્માનું સ્વરૂપ નથી. મનુષ્યપર્યાય તે હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા
છું–એમ સમજવું તે આત્માની પહેલી ફરજ છે, ને તે પહેલો ધર્મ છે. મનુષ્યભવ પામીને કરવા જેવું હોય તો એ જ છે.
આ સિવાય ‘હું મનુષ્ય જ છું’ એમ માનીને જે કાંઈ ક્રિયાકલાપ કરવામાં આવે તે બધોય વ્યવહાર મૂઢ અજ્ઞાની
જીવોનો વ્યવહાર છે.
હું તો દેહથી ભિન્ન કેવળ ચૈતન્યમૂર્તિ છું–એમ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કરીને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–
એકાગ્રતારૂપ જે વીતરાગી પર્યાય પ્રગટે તે ‘આત્મવ્યવહાર’ છે,–એ જ ધર્મી જીવોનો વ્યવહાર છે. ‘જ્ઞાનસ્વરૂપ
આત્મા તે હું છું’ –એમ ન માનતાં, ‘મનુષ્ય પર્યાય તે જ હું છું’ મનુષ્યદેહ તે હું છું’ શરીરની ક્રિયાઓ મારી છે’–
એમ માનીને પર્યાયબુદ્ધિમાં લીન થયેલા મૂઢ જીવો પરસમય છે, તેઓ જૈન નથી. ‘માનવધર્મ’ ના નામે અજ્ઞાનીઓ
શરીર સાથેની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વનું જ પોષણ કરે છે. જ્ઞાનીઓ તો એમ કહે છે કે હે ભાઈ! મનુષ્યપર્યાયથી
આત્માનું ભેદજ્ઞાન કરવું–એટલે કે મનુષ્યપર્યાય તે હું નહિ પણ દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા તે હું–એવું ભાન
કરવું તે તારી પહેલી ફરજ છે. અને એ જ પ્રથમ ધર્મ છે.
* * *
આ બાબતમાં શ્રી પ્રવચનસારથી ૯૪ મી ગાથામાં સ્વસમય અને પરસમયનું વર્ણન કરતાં નીચે મુજબ
કહ્યું છેઃ–
(પરસમય એટલે કે મિથ્યાદ્રષ્ટિ જીવ કેવો હોય તેનું વર્ણન)
“જેઓ જીવ–પુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો–કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે તેનો–
આશ્રય કરતા થકા યથોક્ત આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે
(–અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે,) તેઓ–જેમને નિરર્ગળ એકાંતદ્રષ્ટિ ઊછળે છે–એવા
‘આ હું મનુષ્ય જ છું, મારું જ આ મનુષ્યશરીર છે’ એમ અહંકાર–મમકાર વડે ઠગાતા થકા,
અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી ચ્યુત થઈને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને છાતીસરસો ભેટવામાં આવે
છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી અને દ્વેષી થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે ખરેખર
પરસમય થાય છે.”
(ટીકાઃ પૃઃ ૧૪૭)
(સ્વસમય જીવ કેવો હોય છે તેનું વર્ણન)
“જેઓ, અસંકીર્ણ (એટલે કે પરથી ભિન્ન) દ્રવ્ય–ગુણ–પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના
સ્વભાવના–કે જે સકળ વિદ્યાઓનું એક મૂળ છે તેનો–આશ્રય કરીને યથોક્ત આત્મસ્વભાવની સંભાવનામાં સમર્થ
હોવાને લીધે પર્યાયમાત્ર પ્રત્યેનું બળ દૂર કરીને આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે, તેઓ–
ઃ પ૨ઃ
આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 11 of 21
single page version

background image
–જેમણે સહજ–ખીલેલી અનેકાન્તદ્રષ્ટિ વડે સમસ્ત એકાંત દ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો પ્રક્ષીણ કર્યા છે એવા–
મનુષ્યાદિ ગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર–મમકાર નહિ કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત
રત્નદીપની માફક એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા, અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને
અંગીકાર કરીને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા
થકા રાગદ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાને અવલંબતા થકા, સમસ્ત પરદ્રવ્યની
સંગતિ દૂર કરી હોવાને લીધે કેવળ સ્વદ્રવ્ય સાથે સંગતપણું હોવાથી ખરેખર સ્વસમય થાય છે.”
(ટીકાઃ પૃઃ ૧૪૭–૮)
અહીં એમ કહ્યું કેઃ ‘હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી–પુત્ર–ધનાદિકના ગ્રહણ–
ત્યાગનો હું સ્વામી છું’–એમ માનવું તે ‘મનુષ્ય–વ્યવહાર’ છે, અને જે જીવ એવા મનુષ્ય–વ્યવહારનો આશ્રય કરીને
પ્રવર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
‘માત્ર અચલિતચેતના તે જ હું છું, દેહાદિક હું નથી’ એમ સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને આત્મસ્વભાવના
આશ્રયે પરિણમવું તે ‘આત્મવ્યવહાર’ છે; અને ધર્મી જીવ એવા આત્મવ્યવહારને અંગીકાર કરીને પ્રવર્તે છે.
જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે તેઓ એકાંતદ્રષ્ટિવાળા છે; તે એકાંતદ્રષ્ટિવાળા લોકો ભિન્ન ચૈતન્યને
ભૂલીને મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગી–દ્વેષી થાય છે; અને પરદ્રવ્ય સાથે સંબંધ કરતા હોવાથી તેઓ
પરસમય છે–મિથ્યાદ્રષ્ટિ છે.
જેઓ દેહથી ભિન્ન ચૈતન્યને જાણીને ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે તેઓ અનેકાંતદ્રષ્ટિ છે; તેઓ
મનુષ્યવ્યવહારનો આશ્રય ન કરતાં આત્મસ્વભાવનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થતા નથી પણ પરમ ઉદાસીન
રહે છે; અને પરદ્રવ્ય સાથે સંબંધ ન કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય છે.
સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને સ્વસમયરૂપે પરિણમવું તે જ દરેક જીવની ફરજ–કર્તવ્ય છે.
(–પ્રવચનમાંથી)
**********************************************************
* મોક્ષનું કારણ *
અંતર્મુખ થયેલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે, પુણ્યપરિણામ તે મોક્ષનું
કારણ નથી.
અંતરના જ્ઞાનસ્વરૂપની જેને ખબર નથી અને જેનું જ્ઞાન પરમાર્થ
સ્વભાવની સન્મુખ થયું નથી–એવા અજ્ઞાનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરેના
શુભ પરિણામ હોવા છતાં તેને મોક્ષમાર્ગનો અભાવ છે;–માટે પુણ્ય–પરિણામ તે
મોક્ષનું કારણ નથી.
અને જેને અંતરના જ્ઞાનસ્વરૂપની શ્રધ્ધા છે, જેનું જ્ઞાન પરમાર્થસ્વભાવની
સન્મુખ થયું છે એવા જ્ઞાનીને, જ્ઞાનસ્વરૂપની એકાગ્રતામાં વ્રત, નિયમ, શીલ, તપ
વગેરેના શુભ પરિણામ ન હોવા છતાં મોક્ષમાર્ગનો સદ્ભાવ છે;–માટે
જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતા તે જ મોક્ષનું કારણ છે, પુણ્યપરિણામ મોક્ષનું કારણ નથી.
અજ્ઞાનીને કે જ્ઞાનીને કોઈને પણ પુણ્ય તે મોક્ષનું કારણ નથી.
(–પ્રવચનમાંથી)
***********************************************************
પોષઃ ૨૪૮૦ ઃ પ૩ઃ

PDF/HTML Page 12 of 21
single page version

background image
અપૂર્વ કલ્યાણનો ઉપાય શું?
******************************************
અંતરમાં ચૈતન્યવસ્તુ પડી છે તેનો મહિમા કરીને તેને શ્રધ્ધા–જ્ઞાનમાં
પકડવી તે જ અપૂર્વ કલ્યાણનો ઉપાય છે. ચૈતન્યના ધ્રુવસામર્થ્યના મહિમાને
જાણનારું જ્ઞાન તેમાં ન વળે એમ બને નહિ. જ્ઞાનસ્વભાવનો આશ્રય કરતાં
અનાદિના મિથ્યા શ્રદ્ધા–જ્ઞાનનો નાશ થઈને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટયાં તે
અપૂર્વભાવ છે–ને તે મોક્ષનું કારણ છે.
‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ એમ આત્મા તરફ વળીને જે જ્ઞાન એકાગ્ર થયું તે આત્મા જ છે; આત્મા તરફ
વળીને અભેદ થયેલી જ્ઞાનપર્યાય તે આત્માથી જુદી નથી. અને ‘દેહ તે હું, રાગ તે હું’ એમ પર તરફ વળીને જે
જ્ઞાનપર્યાય એકાગ્ર થઈ તે પરમાર્થે આત્મા નથી કેમ કે તે આત્મા સાથે અભેદ થઈ નથી. જ્ઞાનપર્યાય આત્મા તરફ
વળીને જ્યાં એકાગ્ર થઈ ત્યાં દ્રવ્ય–પર્યાયનો ભેદ ન રહ્યો, તેથી અભેદપણે તે જ્ઞાનને આત્મા જ કહ્યો છે.
જે જીવ દ્રવ્ય–ગુણ–પર્યાયને બરાબર ઓળખે તેની પર્યાય ધુ્રવ દ્રવ્યસ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહિ.
પરનો તો આત્મામાં અત્યંત અભાવ છે, રાગાદિ વિકારો તુચ્છ છે, પર્યાયનું સામર્થ્ય ક્ષણપૂરતું છે ને દ્રવ્યનું સામર્થ્ય
તેના કરતાં અનંતગણું છે–આમ જાણતાં જ્ઞાનમાં ધુ્રવદ્રવ્યનો અપાર મહિમા આવે છે અને જ્ઞાન તે તરફ વળી જાય
છે. સ્વભાવસામર્થ્યનો મહિમા આવતાં જ્ઞાન તેમાં એકાગ્ર થઈ જાય–તે જ ધર્મ છે. ચૈતન્યના ધુ્રવ સામર્થ્યના
મહિમાને જાણનારું જ્ઞાન તેમાં ન વળે–એમ બને નહિ.
ધુ્રવ સ્વભાવનો પરમ મહિમા ભાસતાં જ્ઞાન અંતરમાં વળ્‌યું, અંતરમાં વળતાં જ્ઞાનસ્વભાવ સાથે જ્ઞાનની
એકતા થઈ ને રાગાદિક સાથેની એકતા તૂટી એટલે તે જ્ઞાન રાગરહિત નિર્મળ થયું. વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણે
એક સાથે છે. જ્ઞાનપર્યાય ધુ્રવસ્વભાવમાં વળતાં જ્ઞાનસ્વભાવ સાથે એકતાનો ઉત્પાદ થયો ને વિકાર સાથેની
એકતાનો વ્યય થયો, સામાન્ય જ્ઞાનસ્વભાવ તો ધુ્રવરૂપ છે. આ સામાન્ય જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાન
ઊપજ્યું ત્યાં વિકાર સાથે એકત્વબુદ્ધિથી છૂટયું, એટલે અનાદિના મિથ્યાજ્ઞાનનો નાશ થઈને સમ્યગ્જ્ઞાન પ્રગટયું; આ
સમ્યગ્જ્ઞાન તે જ આત્મજ્ઞાન છે. તે અપૂર્વ ભાવ છે, તે ધર્મનો ભાવ છે. તે જ્ઞાન મોક્ષનું કારણ છે.
જ્ઞાનની વિશેષ પર્યાય જ્યાં સામાન્ય એકાકાર સ્વભાવ તરફ વળીને એકાગ્ર થઈ ત્યાં તે પર્યાયનું લક્ષ છૂટી
ગયું ને એકાકાર જ્ઞાયકભાવ જ પ્રસિદ્ધ થયો, એટલે ત્યાં સામાન્યનો આવિર્ભાવ થયો ને વિશેષનો તિરોભાવ થયો.
અંતરમાં વળેલી નિર્મળ પર્યાય વિદ્યમાન હોવાં છતાં તે પર્યાયના ભેદ ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી માટે તે પર્યાયને
અભૂતાર્થ કહેવામાં આવી છે. અભેદ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ હોવાથી તેને ભૂતાર્થ કહ્યું છે. આવા ભૂતાર્થ–સ્વભાવની દ્રષ્ટિ
તે અપૂર્વ સમ્યગ્દર્શન છે અને તે સ્વભાવને જાણનારું જ્ઞાન તે અપૂર્વ સમ્યગ્જ્ઞાન છે. આવા સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન તે જ પ્રથમ ધર્મ છે. સમ્યગ્દ્રષ્ટિ ચકલાં વગેરેને આવા શબ્દોનું
ઃ પ૪ઃ આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 13 of 21
single page version

background image
જાણપણું ભલે ન હોય પરંતુ અંતરમાં પોતાના ધુ્રવ ચૈતન્ય સામર્થ્યનો મહિમા આવતાં તેના અવલંબને તેને પર્યાયમાં
આવા સમ્યગ્દર્શન–અને સમ્યગ્જ્ઞાનનું અપૂર્વ પરિણમન થઈ જાય છે. અને અજ્ઞાની જીવ ભલે ઘણાં શાસ્ત્રો જાણતો
હોય પણ અંતરમાં પોતાના ધુ્રવચૈતન્ય સામર્થ્યનો મહિમા ભાસવાને બદલે ક્યાંક બહારમાં મહિમા કરીને અટકી
ગયો છે, એટલે પોતાના ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરીને તે પરિણમતો નથી તેથી તેને અનાદિના મિથ્યાદર્શન અને
મિથ્યાજ્ઞાન ટળતાં નથી. અંતરમાં ચૈતન્યવસ્તુ પડી છે તેનો મહિમા કરીને તેને શ્રદ્ધા–જ્ઞાનમાં પકડવી તે જ અપૂર્વ
કલ્યાણનો ઉપાય છે.
(–પ્રવચનમાંથી)
* * * * * * *
આચાર્ય ભગવાન કહે છે કે.....
અરે જીવ! ક્ષણિક રાગાદિ
પર્યાય જેટલો જ તું નથી, તારો
ભૂતાર્થ સ્વભાવ પરિપૂર્ણ સામર્થ્યનો
પિંડ છે, તે અશુદ્ધ થઈ ગયો નથી;
માટે તે ભૂતાર્થસ્વભાવની સન્મુખ
થઈને તું આત્માના શુદ્ધસ્વભાવની
પ્રતીત કર.
હે ભાઈ! પર્યાયમાં વિકાર
દેખીને તું મૂંઝા નહિ, કેમકે તારો
આત્મા તે વિકાર જેટલો નથી, તારો
આખો સ્વભાવ વિકારરૂપ થઈ ગયો
નથી, તારો દ્રવ્યસ્વભાવ તો એકરૂપ
શુદ્ધ છે, તે સ્વભાવ તરફ વળીને
અનુભવ કરતાં વિકારરહિત શુદ્ધ
આત્માનો અનુભવ થાય છે.
અંતરદ્રષ્ટિથી આવો અનુભવ કરવો
તે એક જ કલ્યાણનો માર્ગ છે.
* * *
.... શુદ્ધ આત્માનો અનુભવ થઈ
શકે છે.
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં
રાગાદિ અશુદ્ધ ભાવો આત્મામાં નથી,
તેથી તે સ્વભાવની દ્રષ્ટિથી રાગાદિ
ભાવોથી રહિત એવા શુદ્ધ આત્માની
અનુભૂતિ થાય છે. શુદ્ધ સ્વભાવની
આવી દ્રષ્ટિ કરે ત્યારથી જ ધર્મની
શરૂઆત થાય છે. શુદ્ધ સ્વભાવની
આવી અપૂર્વ દ્રષ્ટિ ગૃહસ્થાશ્રમમાં પણ
થઈ શકે છે. અરે! આઠ વર્ષની નાની
બાલિકા હો, સિંહ હો કે દેડકું હો–તે
પણ અંતર્મુખ થઈને આવી દ્રષ્ટિ
પ્રગટ કરી શકે છે. આવી દ્રષ્ટિ પ્રગટ
કરીને શુદ્ધ આત્માનો અનુભવ કર્યા
વગર કોઈ જીવને ધર્મની શરૂઆત
થતી નથી.
* * *
પોષઃ ૨૪૮૦ ઃ પપઃ

PDF/HTML Page 14 of 21
single page version

background image
શુદ્ધ આત્માનો અનુભવ
************************************
શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ કરે ત્યારથી જ ધર્મની શરૂઆત થાય છે. આવી
શુદ્ધસ્વભાવની અપૂર્વદ્રષ્ટિ ગૃહસ્થાશ્રમમાં પણ થઈ શકે છે, અરે! આઠ વર્ષની
નાની બાલિકા હો, સિંહ હો કે દેડકું હો–તે પણ અંતર્મુખ થઈને આવી દ્રષ્ટિ
પ્રગટ કરી શકે છે. આવી દ્રષ્ટિ પ્રગટ કરીને શુદ્ધ આત્માનો અનુભવ કર્યા
વગર કોઈ જીવને ધર્મની શરૂઆત થતી નથી.
***********************************
જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! શુદ્ધઆત્માની અનુભૂતિ કેમ થાય? પર્યાયમાં વિકાર હોવા
છતાં આત્માનો શુદ્ધપણે અનુભવ કઈ રીતે થાય?
આચાર્યપ્રભુ ઉત્તર આપે છે કે હે ભાઈ! ભૂતાર્થ સ્વભાવની સમીપ જઈને આત્માનો
અનુભવ કરતાં શુદ્ધઆત્માની અનુભૂતિ થાય છે; પર્યાયમાં વિકાર હોવા છતાં દ્રવ્યસ્વભાવમાં તે
પ્રવેશી ગયો નથી, માટે દ્રવ્યસ્વભાવનો અનુભવ કરતાં આત્મા શુદ્ધપણે અનુભવાય છે. આવો
શુદ્ધ–સ્વભાવ પર્યાયે–પર્યાયે પ્રકાશમાન છે, ક્યારેય તેનો અભાવ નથી.
પર્યાયમાં મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન વગેરે પ્રકારો હોવા છતાં ભૂતાર્થસ્વભાવની સન્મુખ થઈને
જોતાં આત્મા નિત્ય એકરૂપ વ્યવસ્થિત છે. મતિજ્ઞાનના નાનામાં નાના અંશથી માંડીને પરિપૂર્ણ
કેવળજ્ઞાન સુધી બધી પર્યાયો વખતે આત્માનો સ્વભાવ નિત્ય વ્યવસ્થિત છે, ઓછું અને વધારે
એવા ભેદ તેમાં નથી. મતિજ્ઞાન વખતે સ્વભાવસામર્થ્ય કાંઈ ઘટી ગયું કે કેવળજ્ઞાન વખતે
સ્વભાવસામર્થ્ય કાંઈ વધી ગયું–એમ નથી, સ્વભાવ સામર્થ્ય તો સદાય એવું ને એવું અવસ્થિત
છે. આવા સ્વભાવસામર્થ્યને પ્રતીતમાં લઈને તેનો આશ્રય કરતાં પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ થતી
જાય છે ખરી. પરંતુ તે વખતે સાધકની દ્રષ્ટિ તો એકરૂપ વ્યવસ્થિત સ્વભાવ ઉપર જ પડી છે, ભેદ
અને અશુદ્ધતા તેની દ્રષ્ટિમાં અભૂતાર્થ છે. નિત્ય વ્યવસ્થિત એવા ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં
હીનાધિકતાના પ્રકારો દેખાતા નથી. આવા સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનો અનુભવ થાય છે.
જેમ સોનું તે પીળાશ, વજન વગેરે અનેક ગુણોનો પિંડ છે, તેમાં ‘પીળું તે સોનું’ એમ
પીળાશને જુદી પાડીને લક્ષમાં લેતાં આખું સોનું ખ્યાલમાં આવતું નથી; તેમ ચૈતન્યમૂર્તિ આત્મા
તો અનંત ગુણનો પિંડ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે, તેને એક ગુણથી ભેદ પાડીને લક્ષમાં લેવા
જતાં આખી વસ્તુ જ્ઞાનમાં આવતી નથી પણ વિકલ્પની ઉત્પત્તિ થાય છે. વ્યવહારથી જોતાં
વસ્તુમાં ગુણ–પર્યાયના ભેદો છે તે ભૂતાર્થ–વિદ્યમાન છે પરંતુ તે ભેદની સન્મુખતાથી ધર્મની
ઉત્પતિ થતી નથી–પણ રાગની ઉત્પત્તિ થાય છે; ધર્મની ઉત્પત્તિ તો નિત્ય એકસ્વરૂપે અવસ્થિત
એવા અભેદઆત્મસ્વભાવની સન્મુખતાથી જ થાય છે. તે અભેદ વસ્તુના અનુભવમાં ગુણ–પર્યા–
ઃ પ૬ઃ આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 15 of 21
single page version

background image
યના ભેદો અભૂતાર્થ છે. અભેદ સ્વભાવનું અવલંબન લીધું ત્યાં ભેદનું અવલંબન છૂટી ગયું માટે
તે ભેદ અભૂતાર્થ છે; એ જ પ્રમાણે અંતર્મુખ થઈને શુદ્ધ દ્રવ્યનો અનુભવ કર્યો ત્યાં અશુદ્ધતાનો
અનુભવ ન રહ્યો તેથી શુદ્ધ દ્રવ્યમાં અશુદ્ધતા અભૂતાર્થ છે; દ્રવ્યના સ્વભાવમાં અશુદ્ધતાનો પ્રવેશ
નથી, માટે દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનો અનુભવ થાય છે.
વસ્તુ તો એક સમયમાં બધા ગુણોનો પરિપૂર્ણ પિંડ છે, તેની સન્મુખ થઈને અનુભવ
કરતાં આત્માના સમ્યક્સ્વભાવનો અનુભવ થાય છે. તેને બદલે જે જીવ ભેદના વિકલ્પથી લાભ
માનીને ત્યાં જ રોકાઈ જાય છે તે જીવ વસ્તુસ્વભાવથી દૂર છે. ગુણભેદના વિકલ્પથી અખંડ
વસ્તુસ્વભાવમાં પહોંચાતું નથી. ભેદના અવલંબને રાગની ઉત્પત્તિ થાય છે, ને રાગથી લાભ માને
તો મિથ્યાત્વ થાય છે. અશુદ્ધતા કે ભેદના આશ્રયે લાભ માનતાં શુદ્ધ સ્વભાવરૂપ આખી વસ્તુનો
અનાદર થાય છે. જેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિનો લાભ થાય છે એવા શુદ્ધ દ્રવ્યને અજ્ઞાની
જીવ જાણતો નથી ને પર્યાયની હીનાધિકતા જેટલો જ તે પોતાને અનુભવે છે, એટલે
પર્યાયબુદ્ધિમાં તેને અશુદ્ધતા જ ભાસે છે પણ આત્માનો શુદ્ધ સ્વભાવ તેને ભાસતો નથી. એવા
જીવોને આચાર્ય ભગવાન સમજાવે છે કે અરે જીવ! ક્ષણિક રાગાદિ પર્યાય જેટલો જ તું નથી,
તારો ભૂતાર્થસ્વભાવ પરિપૂર્ણ સામર્થ્યનો પિંડ છે. તે અશુદ્ધ થઈ ગયો નથી, માટે તે ભૂતાર્થ
સ્વભાવની સન્મુખ થઈને તું આત્માના શુદ્ધ–સ્વભાવની પ્રતીત કર. આવા પોતાના શુદ્ધ
સ્વભાવની નિર્વિકલ્પ પ્રતીતિ અને અનુભવ થયા પછી પણ ધર્મીને સાધક દશામાં ગુણભેદનો
વિચાર આવે છે, પર્યાયની હીનાધિકતાના અનેક પ્રકારોને જાણે છે પણ ભેદના આશ્રયથી
લાભની બુદ્ધિ તેને કદી થતી નથી, શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ છૂટીને બીજા કોઈની મુખ્યતા તેને થતી નથી.
આ રીતે સ્વભાવની દ્રષ્ટિ રાખીને ગુણભેદનો જે વિચાર આવે છે તેમાં અસ્થિરતાનો રાગ છે, તે
ફક્ત ચારિત્રનો દોષ છે, પણ તેમાં શ્રદ્ધાનો દોષ જરાપણ નથી. આત્માના શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ કરે
નહિ ને એકલા ભેદના વિચારમાં જ રોકાઈને લાભ માને તેને તો શ્રદ્ધાનો દોષ છે, તેણે તો રાગને
જ વસ્તુ માની લીધી છે તેથી તેને મિથ્યાત્વ છે. ચૈતન્યના ભૂતાર્થ સ્વભાવનું અવલંબન તે એક
જ કલ્યાણનો માર્ગ છે. ભૂતાર્થ સ્વભાવ સિવાય ગુણભેદના વિચારથી લાભ માને તો તે પણ
સંસારનું જ કારણ (–મિથ્યાત્વ) છે, તો પછી બીજા સ્થૂળ રાગથી કે બાહ્યમાં શરીર વગેરે જડની
ક્રિયાથી જે લાભ માને તેની વાત તો ક્યાં રહી? જુઓ, ભેદનો વિકલ્પ આવે તે કાંઈ મિથ્યાત્વ
નથી પણ તે વિકલ્પના અવલંબનથી ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. ધર્મીજીવ ગુણભેદના વિકલ્પનો
કામી નથી, તેની દ્રષ્ટિમાં તો શુદ્ધ અભેદસ્વભાવ એક જ ભૂતાર્થ છે. ને ભેદ તથા અશુદ્ધતા
અભૂતાર્થ છે; ભૂતાર્થ દ્રષ્ટિમાં તો શુદ્ધઆત્મા સદાય સમીપ વર્તે છે ને વિકલ્પો તેની દ્રષ્ટિમાંથી દૂર
થઈ ગયા છે. જે જીવ અશુદ્ધતા અને ભેદના વિચારમાં જ અટકયો છે ને એકાકાર
જ્ઞાયકસ્વભાવમાં વળતો નથી તેને રાગની સમીપતા છે ને શુદ્ધઆત્મા દૂર છે. ભેદદ્રષ્ટિમાં
ભગવાન આત્મા સમીપ નથી પણ દૂર છે, અને અભેદદ્રષ્ટિથી દેખે તો અંતરમાં ચૈતન્યભગવાન
હાજરાહજૂર સમીપ જ છે. અભેદસ્વભાવની સમીપતામાં રાગની ઉત્પત્તિ થતી નથી પણ
શુદ્ધતાની જ ઉત્પત્તિ થાય છે; અને અભેદસ્વભાવની સમીપતા છોડીને જો ભેદની કે રાગની
મુખ્યતા થાય તો ત્યાં મિથ્યાત્વ થાય છે અને તેને શુદ્ધઆત્મા દૂર છે. વિકલ્પના અવલંબન વડે
શુદ્ધઆત્માના અનુભવ સુધી પહોંચી
પોષઃ ૨૪૮૦ ઃ પ૭ઃ

PDF/HTML Page 16 of 21
single page version

background image
શકાતું નથી. ભેદના આશ્રયે સ્વભાવમાં એકતા થતી નથી પણ રાગની ઉત્પત્તિ થાય છે.
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં રાગાદિ અશુદ્ધભાવો અભુતાર્થરૂપ છે; તેથી ભુતાર્થસ્વભાવની
દ્રષ્ટિ કરતાં તે રાગાદિ ભાવોથી રહિત એવા શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે.
શિષ્યે પૂછયું હતું કે પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધઆત્માનો અનુભવ કઈ રીતે થાય?
તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવે આ વાત સમજાવી છે. હે ભાઈ! પર્યાયમાં વિકાર દેખીને તું મુંઝા
નહિ, કેમ કે તારો આત્મા તે વિકાર જેટલો નથી, તારો આખો સ્વભાવ વિકારરૂપ થઈ ગયો
નથી, તારો દ્રવ્યસ્વભાવ તો એકરૂપ શુદ્ધ છે, તે સ્વભાવ તરફ વળીને અનુભવ કરતાં વિકાર
રહિત શુદ્ધઆત્માનો અનુભવ થાય છે. આવા સ્વભાવની દ્રષ્ટિ કરે ત્યારથી જ ધર્મની શરૂઆત
થાય છે. આવી શુદ્ધસ્વભાવની અપૂર્વ દ્રષ્ટિ ગૃહસ્થાશ્રમમાં પણ થઈ શકે છે, અરે! આઠ વર્ષની
નાની બાલિકા હો, સિંહ હો કે દેડકું હો–તે પણ અંતર્મુખ થઈને આવી દ્રષ્ટિ પ્રગટ કરી શકે છે.
આવી દ્રષ્ટિ પ્રગટ કરીને શુદ્ધઆત્માનો અનુભવ કર્યા વગર કોઈ જીવને ધર્મની શરૂઆત થતી
નથી.
(–સમયસાર ગા. ૧૪ ઉપરના પ્રવચનમાંથી)
સમ્યક્ પુરુષાર્થ
‘બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે’
અથવા તો સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય
છે–એમ માનો તો પછી જીવનો કાંઈ પુરુષાર્થ
નથી રહેતો’–એમ અજ્ઞાનીઓ કહે છે; પણ –
ખરેખર તો ક્રમબદ્ધપર્યાયનો અને
સર્વજ્ઞનો નિર્ણય થયા વિના સમ્યક્ પુરુષાર્થ
થતો જ નથી. જેને સર્વજ્ઞનો નિર્ણય નથી–
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી, ને ફેરફાર
કરવાની બુદ્ધિ છે તેનો પુરુષાર્થ મિથ્યાત્વ અને
રાગદ્વેષમાં જ અટકેલો છે, તેને
જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો યથાર્થ પુરુષાર્થ
હોતો નથી. અને જેને ક્રમબદ્ધપર્યાયનો તથા
સર્વજ્ઞનો નિર્ણય છે તેનો પુરુષાર્થ પોતાના
જ્ઞાનસ્વભાવની સન્મુખ વળી ગયેલો છે–એ
જ મોક્ષનો સમ્યક્ પુરુષાર્થ છે.
(–ચર્ચા ઉપરથી)
*
આટલું સમજી લેવું.......કે.........
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગભાવ જ છે, અને તેના સેવનથી
જ ભવભ્રમણનો અંત આવે છે; એના
સિવાય બીજા જે કોઈ ભેદો કે બાહ્ય
સાધનોને ધર્મ કહ્યો હોય તેને વ્યવહારથી
જ ઉપચારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી પરંતુ
અંતરના વીતરાગભાવરૂપ ધર્મને તો જે
ન જાણે અને ઉપચારરૂપ બાહ્યસાધનોને
જ ધર્મ માનીને અંગીકાર કરે તો તે જીવ
વાસ્તવિક ધર્મને પામતો નથી પરંતુ
સંસારમાં જ ભ્રમણ કરે છે. આ રહસ્યને
જે જાણતો નથી તેને ધર્મની સાચી શ્રદ્ધા
નથી અને તેથી તે જીવ ધર્મ પામતો
નથી.
*
ઃ પ૮ઃ આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 17 of 21
single page version

background image
**********************************
એક તો કર્મના ઉદયથી વિકાર થાય, અને બીજું વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય,–
આવી માન્યતાવાળા જીવના અભિપ્રાયમાં મોટી ભૂલ છે,–તેઓ આત્માથી નહિ પણ જડથી જ
મોક્ષ થવાનું માનનારા છે; કઈ રીતે? તે અહીં કહેવાય છે.
(૧) પ્રથમ તો જડકર્મના ઉદયથી શુભાશુભ વિકાર થાય છે એમ માન્યું એટલે
વ્યવહારરત્નત્રયના શુભપરિણામ પણ જડથી થવાનું માન્યું; અને–
(૨) તે વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય–એમ માન્યું;
આ રીતે –
(૧) જડકર્મના ઉદયથી વ્યવહારરત્નત્રય અને
(૨) વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય, તથા તે નિશ્ચયરત્નત્રય મોક્ષનું કારણ–એમ
માન્યું.
–એટલે તે અજ્ઞાનીના અભિપ્રાયમાં મોક્ષ માટે આત્માનું અવલંબન લેવાનું તો કયાંય
આવ્યું જ નહિ, જડથી જ મોક્ષ થવાનું આવ્યું!
મોક્ષનું કારણ નિશ્ચયરત્નત્રય;
તે નિશ્ચયરત્નત્રય વ્યવહારરત્નત્રયના આશ્રયે થાય; અને વ્યવહારરત્નત્રય જડકર્મના
ઉદયને લીધે થાય;–આ રીતે અજ્ઞાની કર્મને જ દેખે છે, પણ આત્માને નથી દેખતો, તેથી તેને કદી
મોક્ષમાર્ગ પ્રગટતો નથી.
–તો યથાર્થ મોક્ષમાર્ગ કઈ રીતે છે?
જ્ઞાની જાણે છે કે મારા આત્મસ્વભાવના અવલંબને જ નિશ્ચય સમ્યક્ત્વ–જ્ઞાન–ચારિત્રરૂપ
મોક્ષમાર્ગ છે; નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં મારા સ્વભાવ સિવાય બીજા કોઈનું અવલંબન
નથી. સ્વભાવના અવલંબને નિશ્ચયરત્નત્રય પ્રગટ કર્યા ત્યાં વ્યવહારરત્નત્રયને માત્ર ઉપચારથી
તેનું કારણ કહ્યું.
તથા તે વ્યવહારરત્નત્રય પણ કર્મના ઉદયને લીધે થતા નથી, પણ મારી સાધકપર્યાયમાં તે
પ્રકારની લાયકાતથી થાય છે, કર્મનો ઉદય તેમાં માત્ર નિમિત્ત છે.
આ રીતે ધર્મીજીવ સ્વાશ્રિત–મોક્ષમાર્ગ જાણે છે. જડને કારણે વિકાર નહિ ને વિકારને
કારણે સ્વભાવ નહિ,–આમ જાણીને ધર્મીજીવ સ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગને સાધે છે.
(–પ્રવચનમાંથી)
* * *
પોષઃ ૨૪૮૦ ઃ પ૯ઃ

PDF/HTML Page 18 of 21
single page version

background image
મહા કલ્યાણકારી સમ્યગ્દર્શન થવાની રીત
‘[भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो]’
તીર્થધામ સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે,
વીર સં. ૨૪૭૯ના ચૈત્ર સુદ ચોથના પ્રવચનમાંથી – (૧)
**********************************
જેણે આત્માનું અપૂર્વ હિત કરવું હોય તેણે આ વાત ખાસ સમજવા જેવી
છે. દિગંબર જૈનધર્મ એ કોઈ વાડો કે સંપ્રદાય નથી પણ યથાર્થ વસ્તુસ્થિતિ
છે. અનાદિથી સર્વજ્ઞ ભગવંતો તે જાણતા આવ્યા છે, તીર્થંકરો દિવ્યધ્વનિથી
કહેતા આવ્યા છે અને ગણધરો–સંતો તે ઝીલતા આવ્યા છે. જૈનદર્શન શું
ચીજ છે તે વાત ઘણા લોકોએ તો સાંભળી પણ નથી....સત્ય વાતનું શ્રવણ
પણ અત્યારે લોકોને બહુ દુર્લભ થઈ પડયું છે. અપૂર્વ કલ્યાણકારી સમ્ય–
ગ્દર્શન થવાની રીત શું છે–એટલે કે સાચા જૈન બનવાની રીત શું છે?–
તે આ પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે.
વ્યવહારનયને પરમાર્થનો પ્રતિપાદક કહ્યો તોપણ તે અંગીકાર કરવા યોગ્ય કેમ નથી–એમ શિષ્યે પૂછયું હતું
તેનો ઉત્તર ચાલે છે; તેમાં આચાર્યદેવ કહે છે કે વ્યવહારનય અભૂતાર્થ છે. તે અશુદ્ધ આત્માને દેખાડનારો છે, તેના
અવલંબનથી શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી, માટે જેને ધર્મ કરવો છે એવા જીવોને તે વ્યવહારનય આશ્રય કરવા
જેવો નથી, પણ ભૂતાર્થ સ્વભાવનો જ આશ્રય કરવા જેવો છે; તે ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ શુદ્ધ આત્માનો
અનુભવ અને સમ્યગ્દર્શન થાય છે.
* સમ્યગ્દર્શનની એક જ રીત *
અનાદિથી અજ્ઞાની જીવો રાગથી અને વ્યવહારના અવલંબનથી લાભ માની રહ્યા છે, વ્યવહારનો આશ્રય
તો અનાદિથી તેઓ કરી જ રહ્યા છે પણ તેના આશ્રયે કિંચિત્ કલ્યાણ થયું નથી. કલ્યાણ કહો કે સમ્યગ્દર્શન કહો તે
અભેદ સ્વભાવના આશ્રયે જ થાય છે. રાગથી જરાક છૂટો પડીને, અંતર્મુખ થઈને જ્ઞાનાનંદ સ્વભાવને પકડતાં
સમ્યગ્દર્શન થયું, ત્યાં શુભરાગને વ્યવહાર કહેવાય છે; પણ રાગ કરતાં કરતાં તે રાગના આશ્રયે સમ્યગ્દર્શન થાય–
એમ કદી પણ બનતું નથી. ‘ભૂતાર્થ સ્વભાવનું અવલંબન’ એ એક જ સમ્યગ્દર્શનની રીત છે.
* અનાદિથી ચાલી રહેલો સનાતન દિગંબર જૈન પંથ *
અનાદિથી આવો એક જ પ્રકારનો સનાતન દિગંબર જૈન પંથ ચાલી રહ્યો છે, તે જ પરમ સત્ય છે. તેનો
વિરોધ કરીને કોઈ એમ કહે કે ‘પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય’–તો તે જૈન માર્ગને જાણતા નથી. મોક્ષમાર્ગમાં
પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એટલે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટી જશે,–એમ માનવું તે તો
વ્યવહારમૂઢતા છે. દિગંબર સંપ્રદાયમાં રહીને પણ જે એમ માને છે કે વ્યવહાર કરતાં કરતાં તેનાથી નિશ્ચય પ્રગટી
જશે તો તે પણ વિપરીત માન્યતાની પુષ્ટિ કરનારો મિથ્યાદ્રષ્ટિ છે, દિગંબરમતની તેને ખબર નથી. દિગંબરનું નામ
ધરાવીને પણ જે જીવ વ્યવહાર ઉપર જોર આપે છે–વ્યવહારના અવલંબનથી લાભ થવાનું માને છે–તે જીવ ખરેખર
દિગંબર સિદ્ધાંતને માનતો નથી પણ દિગંબરનો વિરોધી છે, દિગંબર નામ ધરાવીને પણ
ઃ ૬૦ઃ
આત્મધર્મઃ ૧૨૩

PDF/HTML Page 19 of 21
single page version

background image
તે વિપરીત મતની જ પુષ્ટિ કરે છે.
* જૈનદર્શન એટલે શું? *
જુઓ, જેણે ધર્મ કરવો હોય–આત્માનું અપૂર્વ હિત કરવું હોય તેણે આ વાત ખાસ સમજવા જેવી છે.
દિગંબર જૈનધર્મ એ કોઈ વાડો કે સંપ્રદાય નથી પણ યથાર્થ વસ્તુસ્થિતિ છે. અનાદિથી સર્વજ્ઞ ભગવંતો તે જાણતા
આવ્યા છે. તીર્થંકરો દિવ્યધ્વનિથી કહેતા આવ્યા છે અને ગણધરો સંતો તે ઝીલતા આવ્યા છે. ધરસેન, પુષ્પદંત,
ભૂતબલિ, કુંદકુંદ, સમન્તભદ્ર, અકલંક, અમૃતચંદ્ર વગેરે આચાર્ય ભગવંતોએ એ જ વાત કરી છે, અને તે જ અહીં
કહેવાય છે. આ જ જૈનદર્શન છે. અત્યારે તો અજ્ઞાનીઓ ‘જૈનદર્શન’ ના નામે અનેક વાતો કરે છે અને લેખો લખે
છે, પણ તે મોટા ભાગે જૈનદર્શનથી વિપરીત હોય છે. જૈનદર્શન શું ચીજ છે તે વાત ઘણા લોકોએ તો સાંભળી પણ
નથી. સાચી વાતનું શ્રવણ પણ અત્યારે લોકોને બહુ દુર્લભ થઈ પડયું છે. નિમિત્તના આશ્રયથી અને રાગથી ધર્મ
થવાનું જે મનાવતા હોય તે જૈનદર્શનથી વિપરીત છે, જૈનધર્મની તેને ખબર નથી, તેથી તે ખરેખર જૈન નથી.
* જૈન કોને કહેવો? *
આત્માના શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવને વિકારથી ભિન્નપણે જે અનુભવે તે સમ્યગ્દ્રષ્ટિ જ ખરા જૈન છે. રાગ તે
જ હું છું, રાગથી મને ધર્મ થશે, એમ માનીને જે પોતાના આત્માને રાગવાળો અશુદ્ધ જ અનુભવે છે ને રાગરહિત
ભૂતાર્થ શુદ્ધ આત્માને જાણતો નથી તે જીવ વ્યવહારમાં જ વિમોહિત મિથ્યાદ્રષ્ટિ છે, તેને ભગવાન ખરેખર જૈન
કહેતા નથી.
* જે સમજવાથી હિત થાય એવું અપૂર્વ સત્ય *
નિમિત્તને લીધે નૈમિત્તિક થાય એમ માનનાર પણ પરાધીન દ્રષ્ટિવાળો મિથ્યાદ્રષ્ટિ છે. અરે! અખંડ આત્મામાં
જ્ઞાનદર્શન–ચારિત્રના ભેદ પાડીને અનુભવ કરે ને તે ભેદના આશ્રયથી લાભ માને તો તેને પણ સમ્યગ્દર્શન થતું નથી,
તે પણ વ્યવહારમાં જ વિમોહિત છે. ભૂતાર્થ સ્વભાવમાં એકાકારદ્રષ્ટિ કરવી તે જ સમ્યગ્દર્શનની રીત છે, તે જ
સત્યદ્રષ્ટિ છે, અને તે જ કલ્યાણનો માર્ગ છે. જે જીવ આવી વાતનું શ્રવણ કરવા આવ્યો છે તે કંઈક અપૂર્વ સત્ય
સમજવા માગે છે, જે સમજવાથી પોતાનું હિત થાય એવું સત્ય સમજવા માગે છે;–તો એવું સત્ય શું છે કે જે સમજવાથી
હિત થાય? તે અહીં બતાવે છે. ત્રિકાળી જ્ઞાનાનંદ અભેદ આત્મા તે જ સત્ય ભૂતાર્થ છે. તે અભેદરૂપ આત્મામાં
જ્ઞાનાદિ ગુણોના ભેદ પાડવા તે પણ અભૂતાર્થ છે, રાગ પણ અભૂતાર્થ છે અને નિમિત્ત વગેરે પર વસ્તુનો તો
આત્મામાં અભાવ જ છે. એકાકાર સહજ જ્ઞાયકસ્વભાવની સન્મુખતાથી જ નિર્વિકલ્પ અનુભવ થાય છે, તેથી તે જ
ભૂતાર્થ છે, તે જ પરમાર્થ સત્ય છે; એ સિવાય ભેદની, રાગની કે પરની સન્મુખતાથી તો રાગની ઉત્પત્તિ થાય છે તેથી
તે અભૂતાર્થ છે, તેની સામે જોવાથી કલ્યાણ થતું નથી.
* કોની સામે જોવાથી કલ્યાણ થાય? *
જુઓ, કોની સામે જોવાથી કલ્યાણ થાય તેની આ વાત છે. શુદ્ધનયરૂપી આંખથી આત્માના ભૂતાર્થ
સ્વભાવને દેખવો તે જ સમ્યગ્દર્શન છે. અભેદ સ્વભાવરૂપ કારણપરમાત્માની સન્મુખ એકાગ્ર થઈને તેના અનુભવ
અને પ્રતીતિ કરવી તે જ કલ્યાણ છે. હે ભાઈ! પરની સામે જોયે તો તારું કલ્યાણ થાય તેમ નથી, ને તારા આત્મામાં
પણ ભેદની સામે જોયે તારું કલ્યાણ નહિ થાય. આખો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જેવો છે તેવો અખંડ પ્રતીતમાં
લેવો તે જ કલ્યાણનું મૂળ છે. ‘હું જ્ઞાયક છું’ એવો વિકલ્પ તે પણ રાગ છે; અહીં તે વિકલ્પની વાત નથી, પણ
જ્ઞાનને અંતરમાં વાળીને વિકલ્પરહિત શુદ્ધનયથી આત્માના ભૂતાર્થ સ્વભાવને લક્ષમાં લઈને તેના આનંદનો
અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
* આત્માની સાચી બુદ્ધિ *
ભૂતાર્થદર્શીઓ એટલે કે સમ્યગ્દ્રષ્ટિઓ પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવા માત્રથી
ઉપજેલા આત્મ–કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થદ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક
જ્ઞાયકસ્વભાવપણે આત્માને અનુભવે છે. શુદ્ધનયથી આત્માના શુદ્ધ સ્વરૂપનો બોધ કરવો તે જ સાચી બુદ્ધિ છે, તેને
જ અહીં આત્માની બુદ્ધિ કહી છે. પરાવલંબનથી છૂટીને અને રાગથી જુદું પડીને જે જ્ઞાન આત્માના ભૂતાર્થ
સ્વભાવમાં વળ્‌યું તે જ્ઞાનને જ ‘પોતાની બુદ્ધિ’ કહી છે, એકલા પર તરફના ઉઘાડને અહીં ‘પોતાની બુદ્ધિ’ કહેતા
નથી. ખરી બુદ્ધિ જ તેને કહેવાય કે જે અંતર્મુખ થઈને પોતાના અખંડ
પોષઃ ૨૪૮૦
ઃ ૬૧ઃ

PDF/HTML Page 20 of 21
single page version

background image
ચિદાનંદ સ્વરૂપને જાણે. ક્ષણિક વિકાર સ્વરૂપે જ આખા આત્માને માની લ્યે તો તે બુદ્ધિ નથી પણ મૂઢતા છે.
* ભેદવિજ્ઞાન અને સમ્યગ્દર્શન કઈ રીતે થાય? *
જુઓ, આત્મા અને કર્મનું ભેદજ્ઞાન કઈ રીતે થાય તે અહીં આચાર્યદેવ બતાવે છે કે પોતાની બુદ્ધિથી
અંતર્મુખ થઇને શુદ્ધનય પ્રમાણે આત્માને જાણવાથી આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થાય છે અને શુદ્ધ આત્માનું
સમ્યક્દર્શન થાય છે. જે જીવમાં સમ્યગ્દર્શન પામવાની તૈયારી હોય તેને પહેલાં દેશનાલબ્ધિમાં સમ્યગ્જ્ઞાનીનું જ
સીધું નિમિત્ત હોય છે, અજ્ઞાની પાસેથી કે એકલા શાસ્ત્રથી દેશનાલબ્ધિ થતી નથી. પાત્ર જીવને આત્મજ્ઞાની ગુરુ
જ નિમિત્ત હોય છે છતાં તે નિમિત્તને લીધે પણ કાંઈ સમ્યગ્દર્શન થઈ જાય છે–એમ નથી. સમ્યગ્દર્શન તો પોતાની
સ્વસન્મુખ બુદ્ધિથી અને પોતાના પુરુષાર્થથી જ થાય છે. માટે કહ્યું કે પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નયઅનુસાર
બોધ થવાથી આત્મા અને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે; એટલે આમાં જ્ઞાનની દિશાને આત્મા તરફ પલટી નાંખવાની
વાત છે. સમ્યગ્દર્શન પરનિમિત્તથી તો નહિ, રાગથી નહિ ને રાગ તરફ વળેલી બુદ્ધિથી પણ નહિ, પરંતુ અંતરના
શુદ્ધસ્વભાવ તરફ વળેલી બુદ્ધિથી જ થાય છે. અહો! પરલક્ષી જ્ઞાનનો ઉઘાડ વધારે હોય કે ઓછો હોય તેની સાથે
પણ જ્યાં સમ્યગ્દર્શનનો સંબંધ નથી તો પછી રાગની કે નિમિત્તની તો વાત જ ક્યાં રહી?
* ચૈતન્યભગવાનની વાર્તા.....*
આત્માનું અપૂર્વ કલ્યાણ કરવા માટે આ વાત સમજવા જેવી છે. જેમ કથા–વાર્તા હોય તો સમજવું સહેલું
લાગે છે,–તેમ આ પણ ચૈતન્યભગવાન આત્માની વાર્તા જ છે, માટે આ સમજવામાં હોંશ અને ઉત્સાહ આવવો
જોઈએ; પૂર્વે અનંતકાળમાં આત્માની સમજણ કરી નથી તેથી શરૂઆતમાં નવું લાગે પણ રુચિ અને ઉલ્લાસથી
સમજવા માગે તો બધું સમજાય તેમ છે. મારે મારા આત્માનું હિત કરવું છે–એમ જેને અંતરમાં દરકાર જાગે તેની
બુદ્ધિ આત્માની સમજણ તરફ વળ્‌યા વિના રહે નહિ.
* ‘પ...દ્મ...પુ...રા...ણ! ’ *
કોઈ કહે છે કે આના કરતાં પદ્મપુરાણ સહેલું લાગે છે.–પણ અરે ભાઈ! આ પણ આત્માનું પદ્મપુરાણ જ
વંચાય છે. ‘પદ્મ’ એટલે રામ; આ રામચંદ્રજી કેવી રીતે મોક્ષ પામ્યા તેનું પુરાણ ચાલે છે. રામચંદ્રજી પણ અંતરમાં
પોતાના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ મુક્તિ પામ્યા છે. આ આત્મારામ પોતાના સ્વભાવને ભૂલીને ભવવનમાં
અનાદિથી કેમ રખડયો અને હવે તે ભવરૂપી વનવાસ છોડીને પાછો સ્વભાવ–ઘરમાં કેમ અવાય તેની આ વાત છે.
‘આત્મસ્વરૂપમાં રમે તે રામ’–આત્માના શુદ્ધ સ્વભાવને દ્રષ્ટિમાં લઈને તેમાં રમણતા કરે તે જીવ રામચંદ્રજીની
માફક મુક્તિ પામે છે, ને તેનું આ પુરાણ છે.
(–આ પ્રવચનનો બીજો ભાગ બાકી છે તે હવે પછી અપાશે.)
**********************************************************
આત્માની ગરજ
જેને અંતરમાં આત્માની ગરજ થઈ હોય, સમ્યગ્દર્શન પ્રગટ કરવાની
ચાહના જાગી હોય તેવો જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં અંતર્મંથન કરે છે કે
અહો! ચૈતન્યવસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે, એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ
રાગનું કે નિમિત્તનું અવલંબન નથી; શુભભાવો અનંતવાર કર્યા છતાં ચૈતન્યવસ્તુ
લક્ષમાં ન આવી, તો તે રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે,
તેની પ્રતીત પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે.–આમ ચૈતન્યવસ્તુને
પકડવાનો અંતર્મુખ ઉદ્યમ તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
***********************************************************
ઃ ૬૨ઃ આત્મધર્મઃ ૧૨૩