Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 41
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
ચૈતન્યરસના અનુભવનો ઉપદેશ
(રાંચી શહેરમાં પ્રવચન : ફાગણ વદ ૮–૯ સ. કળશ ૨૨)
આચાર્યદેવ આત્માના અનુભવનો અને મોહને છોડવાનો ઉપદેશ આપે છે–હે
જીવો! –જગતના બધા જીવોને કહે છે કે હે જીવો! તમે ચૈતન્યરસિક થઈને, પરદ્રવ્ય
સાથેની એકત્વબુદ્ધિરૂપ મોહને છોડો. શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિરૂપ જે મોહ છે
તે દુઃખદાયક છે, તે એકક્ષણ પણ રાખવા જેવી નથી. સ્વાનુભવપ્રત્યક્ષરૂપ જે શુદ્ધ
ચૈતન્યવસ્તુ છે તે આનંદરૂપ છે, તેના રસિક થઈને આનંદનો અનુભવ કરો.
ચોથા ગુણસ્થાનના મતિ–શ્રુતજ્ઞાન વડે પણ આત્માના સ્વસંવેદનપ્રત્યક્ષ વડે
આનંદનો અનુભવ થાય છે. તે આનંદની જાત કેવળજ્ઞાનીના આનંદ જેવી જ છે. આવા
આત્માના આનંદના અનુભવ વગર, રાગ સાથે એકત્વબુદ્ધિથી જીવ સંસારમાં
દુઃખઅનુભવી રહ્યો છે. દુઃખનું કારણ સ્વ–પરની એકત્વબુદ્ધિ અને સુખનું કારણ સ્વ–
પરનું ભેદવિજ્ઞાન છે. તેથી આચાર્યદેવ કહે છે કે–
જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદજ્ઞાનથી જ સિદ્ધ થયા છે.
જે કોઈ બંધાયા છે તેઓ ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.
ભેદજ્ઞાનનો અભાવ એટલે કે સ્વ–પરની એકત્વબુદ્ધિરૂપ મોહ તે જ દુઃખ અને
સંસાર છે. રાગ અને જ્ઞાન વચ્ચે સૂક્ષ્મ લક્ષણભેદ છે, બંનેને એકતા નથી, પણ વચ્ચે
સાંધ છે, એટલે ભેદજ્ઞાનરૂપ છીણીવડે તે બંને જુદા પડી જાય છે. ભેદજ્ઞાન એટલે જ્ઞાન
અને રાગના ભિન્ન ભિન્ન લક્ષણના જ્ઞાન વડે, શુદ્ધ આત્માનું સ્વસંવેદન થાય છે ને
રાગાદિ ભાવો જુદા રહી જાય છે. બંનેનું સ્વરૂપ જુદું છે એટલે બંને જુદા પડી શકે છે.
આત્મા અને જ્ઞાન કદી જુદા ન પડી શકે, પણ આત્મા અને રાગ જુદા પડી શકે છે, કેમકે
જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે પણ રાગ આત્માનું સ્વલક્ષણ નથી. જ્ઞાનનું વેદન તો
આનંદરૂપ છે, ને રાગનું વેદન દુઃખરૂપ છે, એમ વેદનવડે બંનેના સ્વાદની ભિન્નતા
જાણીને, હે જીવો! તમે ચૈતન્યના અત્યંત મધુર શાંતરસના રસિક બનો, ને રાગનો રસ
છોડો. આત્માના સ્વભાવભૂત જ્ઞાન, અને અનાત્મારૂપ રાગ–એ બંનેને કદી એકમેકપણું
થયું નથી; બંનેની જાત જ

PDF/HTML Page 22 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
જુદી છે, તેમને કદી એકતા થઈ શકતી નથી, –આમ ભિન્નતા જાણીને રાગના કર્તૃત્વરૂપ
(એટલે કે એકત્વબુદ્ધિરૂપ) મોહને છોડો, ને આત્મરસિક જનોને વહાલું એવું જે આ
જ્ઞાન તેનો સ્વાદ લ્યો. –આવો અનુભવ તે મોક્ષમાર્ગ છે; તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
છે. આવા અનુભવ વિના ભવભ્રમણનો અંત આવતો નથી.
આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ આત્માનું કાર્ય તો જ્ઞાનરૂપ જ હોય;
જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાન સિવાય બીજું શું કરે? જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાન સિવાય બીજા
ભાવોને (રાગાદિને) કરે એવો અજ્ઞાનીનો મોહ છે. ભાઈ, જ્ઞાન જ્ઞાનને અનુભવે એ જ
મોક્ષની ક્રિયા છે.
આવો અનુભવ કયા ગુણસ્થાને થાય? તો કહે છે કે ચોથા ગુણસ્થાનેથી જ
આવો નિર્વિકલ્પ અનુભવ થાય છે. ભલે સતત એવી નિર્વિકલ્પદશા ટકતી નથી, પણ
ચોથું ગુણસ્થાન પ્રગટાવવાના કાળે તો આવી નિર્વિકલ્પદશા જરૂર હોય છે. ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શનની સાથે આત્માના સર્વે ગુણોનો એકઅંશ પ્રગટે છે. સમ્યગ્દર્શન
થતાં આત્માનું પરિણમન પલટી ગયું, અતીન્દ્રિય આનંદનો અંશ પ્રગટ્યો, જ્ઞાનનો અંશ
પ્રગટ્યો, ચારિત્રનો અંશ પ્રગટ્યો, –એમ અનંતગુણનો અંશ પ્રગટ્યો. અહો, ચોથા
ગુણસ્થાનની દશા કોઈ અલૌકિક છે; એ તો મોક્ષમાર્ગમાં આવી ગયો, એને
કેવળજ્ઞાનની બીજ પ્રગટી; તેને હવે કેવળજ્ઞાનરૂપ પૂનમ હોગી... હોગી ને હોગી. જે જીવ
સ્વાનુભવનો પ્રયત્ન કરે છે તે જરૂર મોક્ષમાર્ગ પામે છે. સાચો પ્રયત્ન કરનારને કોઈ
વિઘ્ન છે જ નહીં. ભગવાનના ઉપદેશ અનુસાર જે જીવ ઉદ્યમ વડે મોક્ષનો ઉપાય કરે છે
તેને તો મોક્ષ જરૂર થાય છે.
ભાઈ! તેં ચૈતન્યરસની રુચિ છોડીને મોહથી માત્ર રાગનો રસ અનુભવ્યો છે,
ચૈતન્યના ખરા રસને તેં જાણ્યો નથી. એકવાર રાગથી પાર થઈને અંતરમાં તારા
ચૈતન્યતત્ત્વને દેખ... તારા ચૈતન્યપ્રકાશમાં અંધારૂં નથી. ‘આ અંધારૂં છે’ –એમ પણ
જાણે છે કોણ? અંધારાને જાણનારો પોતે અંધારારૂપ નથી, અંધારાને જાણનાર પોતે તો
જ્ઞાનપ્રકાશમય છે. તેમ રાગાદિ પરભાવો ચૈતન્યપ્રકાશથી ભિન્ન અંધકાર જેવા છે, તેઓ
પોતે પોતાને જાણતા નથી. જેમ અંધારાને ખબર નથી કે હું અંધકાર છું; તેમ રાગને
ખબર નથી કે હું રાગ છું. રાગને જાણનાર રાગથી જુદો છે. રાગને જાણનારો પોતે
રાગરૂપ થઈ જતો નથી; રાગથી ભિન્ન એવું જે જ્ઞાન, તે જ રાગને તેમજ પોતાને જાણે
છે. આવા જાણનાર સ્વતત્ત્વનો મહિમા કરવો, તેનો રસ એટલે રુચિ કરવી અને તેનો
અનુભવ કરવો તે મોક્ષનો માર્ગ છે. માટે મોક્ષાર્થીને આવો અનુભવ કરવાનો ઉપદેશ છે.
તેના વડે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે.

PDF/HTML Page 23 of 41
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
તીર્થ – સ્તવન
(શ્રી સમ્મેદશીખરજી–તીર્થધામની યાત્રા પ્રસંગે આ તીર્થ–
સ્તવન પૂ. બેનશ્રી–બેને બનાવેલું; યાત્રા બાદ પર્વત ઉપર
પારસપ્રભુની ટૂંકે પૂ. ગુરુદેવે ભક્તિભાવપૂર્વક આ સ્તવન
ગવડાવ્યું હતું. તીર્થભક્તિના ને આત્મિકભાવનાના અદ્ભુત
ભાવો આ સ્તવનમાં નીતરી રહ્યા છે–)
(સં. ૨૦૨૩ ફાગણ સુદ ૧પ)
અનંત જિનેશ્વરદેવ પ્રભુજીને લાખો પ્રણામ...પ્રભુજીને ક્રોડો પ્રણામ...
ચોવીસોં ભગવાન પ્રભુજીને લાખો પ્રણામ...પ્રભુજીને ક્રોડો પ્રણામ...
શાશ્વત તીરથધામ પ્રભુજીને લાખો પ્રણામ...પ્રભુજીને ક્રોડો પ્રણામ...૧
અનંત જિનેશ્વર મુક્તિ પધાર્યા, સમશ્રેણીએ સિદ્ધિ બિરાજ્યા,
પ્રગટ્યા પૂર્ણ નિધાન પ્રભુજીને લાખો પ્રણામ...૨
અનંત ગુણોના સાગર ઉછળ્‌યા, અપૂર્વ સિદ્ધપરિણતિએ પ્રણમ્યા;
અશરીરી ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ...
જ્ઞાનશરીરી ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ...૩
ચૈતન્યમંદિર નિત્ય વિચરતા, સિદ્ધાનંદની લહેરે વસતા;
ગુણોના નિધાન...પ્રભુજીને લાખો પ્રણામ...
જોગાતીત ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ...૪
વિચર્યા અનંત તીર્થંકર દેવા, કણકણ પાવન થયા શિખરના;
મંગળકારી મહાન...પ્રભુજીને લાખો પ્રણામ...પ
ચારણઋદ્ધિધારી પધાર્યા, ગણધરમુનિના વૃંદ પધાર્યા;
ધ્યાન કર્યા આ ધામ...પ્રભુજીને લાખો પ્રણામ... ૬

PDF/HTML Page 24 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
અનંત મુનિશ્વરે સ્વરૂપ સાધ્યા, અનંતા ક્ષપકશ્રેણીમાં ચડીયા;
પ્રગટ્યા કેવળજ્ઞાન...પ્રભુજીને લાખો પ્રણામ...
પામ્યા સિદ્ધિ મહાન...પ્રભુજીને લાખો પ્રણામ... ૭
ઈન્દ્ર–નરેન્દ્રોના વૃંદો ઉતરે, પ્રભુજીના ચરણે શીશ ઝુકાવે;
ગીરીરાજ મહાન...પ્રભુજીને લાખો પ્રણામ... ૮
સમવસરણ અદ્ભુત રચાવે, દિવ્યધ્વનિના નાદો ગાજે;
એવા શિખરના ધામ...પ્રભુજીને લાખો પ્રણામ... ૯
વનવૃક્ષોની ઘટાથી સોહે, મનહર ચૈતન્યધામ બતાવે;
સર્વ ગીરી શિરતાજ...પ્રભુજીને લાખો પ્રણામ... ૧૦
અનંત તીર્થંકર સ્મરણે આવે, અનંત મુનિના ધ્યાનો સ્ફૂરે;
પાવન સમ્મેદા ધામ...પ્રભુજીને લાખો પ્રણામ... ૧૧
ભરતભૂમિમાં અનંત ચોવીશી, શિખરજી પામ્યા સિદ્ધિ;
મહિમાવંત મહાન...પ્રભુજીને લાખો પ્રણામ...
વંદન સિદ્ધ ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ... ૧૨
ઈન્દ્રો સુરેન્દ્રો તુજને પૂજે, આનંદ મંગળ નિત્યે વર્તે;
ઉન્નત શિખરધામ...પ્રભુજીને લાખો પ્રણામ... ૧૩
આવા પવિત્ર ધામને નીરખ્યે, અંતરમાં આનંદ બહુ ઉછળે;
વંદન વારંવાર...પ્રભુજીને લાખો પ્રણામ...
વંદન હો અનંત પ્રભુજીને લાખો પ્રણામ... ૧૪
અપૂર્વ યાત્રા ગુરુદેવ સાથે અંતરમાં કોઈ આનંદ ઉલ્લસે;
વંદન હો ગુરુરાજ...પ્રભુજીને લાખો પ્રણામ... ૧પ

PDF/HTML Page 25 of 41
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
સીમંધરધામ બયાના નગરીમાં
ભાવભીનું પ્રવચન
ફાગણ સુદ સાતમના રોજ સીમંધરભગવાનના દર્શન–પૂજન–
ભક્તિ–અભિષેક ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે ગુરુદેવનું
આનંદકારી..પ્રવચન.
वंदित्तु सव्व सिद्धे.........એ મંગલાચરણ દ્વારા કુંદકુંદાચાર્યદેવે આત્મામાં અનંત
સિદ્ધોની સ્થાપના કરી છે. આત્માનો સ્વભાવ સિદ્ધસમાન છે એમ પ્રતીતમાં લઈને સ્વ–
પરના આત્મામાં સિદ્ધની સ્થાપના કરી છે; ‘હું સિદ્ધ, તું સિદ્ધ’ –એમ સિદ્ધસ્વરૂપના લક્ષે
શુદ્ધાત્માનું શ્રવણ કરજો. –એમ અપૂર્વ માંગળિક કર્યું છે.
સીમંધર ભગવાન પાસે વિદેહમાં કુંદકુંદાચાર્યદેવ ગયા હતા ને ત્યાં આઠ દિવસ
રહીને દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું હતું. –એ વાત અનેક પ્રમાણથી સિદ્ધ થઈ ગયેલી છે, ને
સીમંધર ભગવાનનો મહાન ઉપકાર છે. તેમાં વળી અહીં પાંચસો વર્ષ પહેલાંનાં
પ્રતિમાજી સીમંધરપ્રભુના બિરાજે છે. તેથી અહીં ખાસ દર્શન કરવા આવ્યા છીએ.
કોઈ કહે– ‘ઘર થોડા છે ને ગામ છોટું છે.’
ગુરુદેવ કહે છે–ભાઈ, ઘર છોટા, પણ તેમાં પરમાત્મા તો મોટા છે ને! તેમ આ
ગામ ભલે નાનું પણ અહીં સીમંધર ભગવાન મોટા બિરાજે છે ને!ં સાધકના નાના
જ્ઞાનમાં અનંત સિદ્ધોને સમાડવાની તાકાત છે.
અનંત સર્વજ્ઞ–સિદ્ધભગવંતોનો પોતાના જ્ઞાનમાં આદર કરવો તે માંગળિક છે.
આચાર્યદેવ મંગળમાં કહે છે કે મારા ને તમારા આત્મામાં હું અનંતસિદ્ધ ભગવંતોને
સ્થાપું છું. –એ મહા માંગળિક છે.
અહા, ભરતક્ષેત્રના મુનિએ સદેહે વિદેહ ક્ષેત્રની યાત્રા કરી, ને સીમંધર
ભગવાનના

PDF/HTML Page 26 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
સાક્ષાત્ દર્શન કર્યા. તે જ સીમંધર ભગવાન અત્યારે પણ પૂર્વ વિદેહમાં બિરાજે છે.
સ્થાપના અપેક્ષાએ આપણે અહીં પણ સીમંધર ભગવાન બિરાજે છે. અહીં પ્રતિમાજી
પ૧૬ વર્ષ પ્રાચીન (સં. ૧પ૦૭) ના છે. તેમાં લેખમાં લખ્યું છે કે–
पूर्वविदेहके तीर्थकर्ता श्री जीवन्तस्वामी। श्री श्रीमंधरस्वामी।।...............
સૂર્ય પૂર્વદિશામાં ઊગે છે, તેમ ભગવાન સીમંધરસ્વામી પણ પૂર્વ દિશામાં બિરાજે
છે. તેમની વાણી સાંભળીને સમયસાર રચતાં કુંદકુંદાચાર્યદેવ કહે છે કે હું સિદ્ધ ને તું
સિદ્ધ; તારામાં સિદ્ધપણું ભર્યું છે...તેને ઓળખીને આદર કર. તારી પ્રભુતા તારામાં ભરી
છે. (આમ કહીને ગુરુદેવે ખૂબ ભાવથી ગાયું કે–)
સીમંધર પ્રભુકા યહ બોલ...કિ...
તેરા પ્રભુ તેરેમેં ડોલે...
સીમંધર નાથકા યહ બોલ...કિ...
ભાઈ, તારી પ્રભુતા તારામાં ભરી છે. અનંતા સિદ્ધોને તારામાં સમાવી દે–એવડી
તારી તાકાત છે. અનંત સિદ્ધને આત્મામાં સ્થાપે તેને રાગ કે અલ્પજ્ઞતાની રુચિ રહે
નહિ, એટલે રાગ તોડીને તે સર્વજ્ઞ થઈ જાય. –એવું આ સમયસારનું અપૂર્વ માંગળિક
છે.
સીમંધરપ્રભુની પાસે જઈને આચાર્યદેવ આવો માલ ભરતક્ષેત્રના જીવોને માટે
લાવ્યા. આત્માની પ્રભુતા લાવ્યા...તેઓ કહે છે કે તમારા જ્ઞાનમાં તમે સિદ્ધપદનો આદર
કરો. વિકલ્પમાં પણ સિદ્ધનો જ આદર કરો. એના આદરના વિકલ્પવડે ઊંચા પુણ્ય
બંધાય છે; ને શુદ્ધદ્રષ્ટિ દ્વારા અંતરના જ્ઞાનમાં સિદ્ધનો આદર કરતાં શુદ્ધતાની વૃદ્ધિ થાય
છે; –આ માંગળિક છે.
સીમંધર ભગવાનની સમીપ જઈને આવ્યા બાદ કુંદકુંદાચાર્યદેવે આ મંગળગાથા
બનાવી છે, ને અહીં સીમંધર ભગવાનની સમીપમાં તે વંચાય છે. તારા જ્ઞાનમાં
સિદ્ધપદનો આદર કરીને સાંભળ, તેરે સિદ્ધપદ પ્રગટ હો જાયગા ઔર તું સર્વજ્ઞ બન
જાયગા.
સાધક અનંત સિદ્ધો અને સર્વજ્ઞોને સાક્ષીપણે રાખીને અંતરમાં સિદ્ધપદને સાધે
છે. મોક્ષને સાધવા આત્માની લગની લગાડી, તેમાં અનંતા સિદ્ધો અમારી જાનમાં સાથે
છે, હવે અમારી કેવળજ્ઞાનકન્યા લેવામાં વચ્ચે વિઘ્ન આવે નહિ. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય
થાય ને થાય જ. –આવા અપૂર્વ મંગળપૂર્વક આચાર્યદેવે સમયસારમાં શુદ્ધાત્માનું સ્વરૂપ
દેખાડ્યું છે. સીમંધર ભગવાન અહીં બિરાજે છે, તેમની સમીપમાં જ આ વાત ચાલે છે.
સોનગઢમાં પણ

PDF/HTML Page 27 of 41
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
મંદિરમાં, માનસ્તંભમાં, સમવસરણમાં આપણે સીમંધર ભગવાનને પધરાવ્યા છે.
અહીંના સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાને પ૧૬ વર્ષ થયા; પ૧૬ વર્ષે આજે સોળઆની
પ્રસંગ ભજી ગયો. ભગવાનના જ્ઞાનમાં એ બધુંય દેખાય છે. ભગવાનની સર્વજ્ઞતાનો
સ્વીકાર કરીને પોતામાં સિદ્ધને સ્થાપીને જેણે મંગળ કર્યું તે હવે આગળ વધીને સિદ્ધ
થઈ જશે. –આ રીતે સિદ્ધ પ્રભુનો આદર કરીને તેમના જેવા પોતાના શુદ્ધસ્વરૂપને
ધ્યાવવું તે સિદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય છે.
હું કોણ છું?
સંસારની ચારે ગતિમાં દુઃખ છે ને આત્મજ્ઞાન વિના અત્યાર
સુધી જીવ એકલું દુઃખ જ પામ્યો છે, હવે હું તે દુઃખોથી છૂટવા ને
પરમ આનંદની પ્રાપ્તિ કરવા મારા પરમ આત્મસ્વરૂપને જાણું. –આમ
જેને જિજ્ઞાસા થઈ હોય તે આત્મસ્વરૂપનો નિર્ણય કરે. મારું
અસ્તિત્વ કેવું છે, મારા અસ્તિત્વમાં સામર્થ્ય કેટલું છે? પરમાં તો
મારું અસ્તિત્વ નથી. હવે જે રાગાદિ ભાવો દુઃખરૂપ છે–તેના જેટલું
જ શું મારું અસ્તિત્વ છે? ના. એ રાગની વૃત્તિથી પાર, દુઃખ વગરનું,
મારું કાયમી અસ્તિત્વ છે, –કે જેમાં પૂર્ણ સુખ ને પૂર્ણ જ્ઞાનનું સામર્થ્ય
ભર્યું છે. એના સેવનથી જ કેવળજ્ઞાનને સિદ્ધપદ પ્રગટે છે. મારો
સ્વભાવ સુખથી ભરેલો છે, તેના સેવનથી જ સુખનો અનુભવ
પ્રગટે. –આવા સમ્યક્નિર્ણય વડે સ્વસંવેદનથી અતીન્દ્રિય આનંદને
ધર્મીજીવ અનુભવે છે.

PDF/HTML Page 28 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે બ્ર. હરિલાલ જૈન
ભગવાનની તપશ્ચર્યા અને પ્રથમ આહારદાન
ફાગણ વદ નોમના રોજ ભગવાન ઋષભદેવે કેશલુંચન કરીને મુનિદશા ધારણ
કરી, ને આત્મધ્યાનમાં લીન થયા. ભગવાનના પવિત્ર કેશને રત્નપટારીમાં ભરીને ઈન્દ્રે
વિચાર્યું કે ‘આ કેશ ધન્ય છે કે ભગવાનના મસ્તકના સ્પર્શથી જે પવિત્ર થયા છે, અને
એ ક્ષીરસમુદ્ર પણ ધન્ય છે કે જેને આ કેશની ભેટ મળશે.’ –એમ વિચારીને, સ્વભાવથી
જ પવિત્ર એવા ક્ષીરસમુદ્રમાં અત્યંત આદરપૂર્વક તે કેશનું ક્ષેપણ કર્યું. મલિન ગણાતા
એવા વાળ પણ ભગવાનના આશ્રયે પૂજ્ય બન્યા, કેમકે મહાપુરુષોનો આશ્રય પામીને
મલિનપુરુષ પણ પવિત્ર થઈને પૂજ્ય બની જાય છે.
ભગવાનની સાથે બીજા ચાર હજાર રાજાઓએ પણ દિગંબરદશા દશા ધારણ
કરી; જોકે ભગવાનના અંતરંગ અભિપ્રાયને તેઓ જાણતા ન હતા પણ, ‘અમારા
સ્વામીને જે ગમ્યું તે અમને પણ ગમ્યું’ –એમ સ્વામીભક્તિથી પ્રેરાઈને તેઓ દ્રવ્યલિંગી
સાધુ થયા. સ્વામીને અનુસરવું એ જ સેવકોનું કામ છે–એમ વિચારીને, તે રાજાઓએ
મૂઢતાસહિત માત્ર દ્રવ્યઅપેક્ષાએ નિર્ગન્થપણું ધારણ કર્યું હતું, ભાવઅપેક્ષાએ નહી. એમ
કરીને મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા તે રાજાઓએ ભગવાન પ્રત્યે પોતાની ઉત્કૃષ્ટ
ભક્તિ પ્રગટ કરી હતી. જેમને સંયમ પ્રગટ્યો નથી એવા તે ૪૦૦૦ દ્રવ્યલિંગી
મુનિઓના ઘેરા વચ્ચે ભાવલિંગી ભગવાન, નાનકડા ઝાડવાના ઝુંડ વચ્ચે વિશાળ
કલ્પવૃક્ષની માફક શોભતા હતા.
એ વખતે તપના અતિશયથી ભગવાનનું અનુપમ રૂપ એવું શોભતું હતું કે
હજારહજાર નેત્રથી તે રૂપને નીરખવા છતાં ઈન્દ્રને તૃપ્તિ થતી ન હતી. દેવોએ અત્યંત
ભક્તિપૂર્વક ભગવાનની પૂજા–સ્તુતિ કરી: હે પ્રભો! અમે અલ્પજ્ઞ, આપના અગણિત
ગુણોની સ્તુતિ કઈ રીતે કરી શકીએ? આપની સ્તુતિના બહાને અમે તો અમારા આત્માની
ઉન્નતિ કરીએ છીએ. પ્રભો! જિનવાણીસમાન અને ગંગાનદી સમાન પવિત્ર આપની

PDF/HTML Page 29 of 41
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
આ પારમેશ્વરી જિનદીક્ષા ત્રણ જગતનું હિત કરનારી છે, ને સમ્યક્ત્વભાવની દેનારી છે,
તે અમને સદા પવિત્ર કરો. આપની આ દીક્ષા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નોથી
અલંકૃત છે. પ્રભો! ભવ–તન–ભોગરૂપ સંસારને સ્વપ્નસમાન જાણીને આપે છોડ્યો છે
ને અવિનાશી મોક્ષમાર્ગમાં ગમન કર્યું છે. પ્રભો, આપનામાં રાગ ન હોવા છતાં મોક્ષમાં
આપ આસક્ત થયા–એ આશ્ચર્યની વાત છે! વળી હે પ્રભો! હેય અને ઉપાદેય વસ્તુઓને
જાણીને આપે છોડવા જેવી વસ્તુઓને છોડી દીધી ને ઉપાદેય વસ્તુઓના ગ્રહણ માટે
ઉદ્યમી થયા, –અને છતાંય આપ સમદર્શી કહેવાઓ છો–એ પણ આશ્ચર્યની વાત છે!
આપ પરાધીન સુખ છોડીને સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા માંગો છે, તથા અલ્પ વિભૂતિ
છોડીને ભારે મહાન વિભૂતિ પ્રાપ્ત કરવા ચાહો છો,–તો પછી આપ વિરક્ત અને ત્યાગી
કઈ રીતે થયા! હે ભગવાન! આપ નિર્ગ્રંથ હોવા છતાં કુશલ પુરુષો આપને જ સુખી કહે
છે. જ્ઞાનદીપક લઈને આપ મોક્ષમાર્ગે જઈ રહ્યા છો. આપના ધ્યાનરૂપી મહાન અગ્નિમાં
આઠે કર્મો ભસ્મીભૂત થઈ રહ્યા છે; આઠ કર્મના વનને છેદી નાંખવા માટે આપે
રત્નત્રયરૂપી કુહાડો ઉઠાવ્યો છે. પ્રભો! બીજે ક્્યાંય ન હોય એવી અદ્ભુત આપની આ
જ્ઞાન–વૈરાગ્યરૂપી સમ્પત્તિ જ આપને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે તથા
આપના શરણે આવેલા ભક્તજીવોના સંસારને પણ તે નષ્ટ કરે છે. –આવી ઉત્કૃષ્ટ
જ્ઞાનસમ્પત્તિને ધારણ કરનાર હે વીતરાગ! આપને નમસ્કાર હો.
મહારાજા ભરતે પણ પોતાના અનેક નાના બંધુઓ તથા પુત્રો સહિત, ભક્તિના
ભારથી અતિશય નમ્ર થઈને પોતાના પિતાની અનેક પ્રકારે સ્તુતિ તથા પૂજા કરી.
આત્મધ્યાનમાં લીનઅને મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યને સાધવામાં તત્પર એવા મોહવિજેતા
ભગવાન ઋષભમુનિરાજના ચરણોની અત્યંત ભાવપૂર્વક ભરતે પૂજા કરી.
એ પ્રમાણે
જેણે ભગવાનની પૂજા કરી છે તથા જેના ઘૂંટણ પૃથ્વી પર પડેલા છે (અર્થાત્
જે ઘૂંટણભર થઈને વંદન કરે છે), અને જેનાં નેત્રોમાં હર્ષનાં આંસુ છે–એવા તે
ભરતે પોતાના મુગટના ઉત્કૃષ્ટમણિના કિરણો વડે ભગવાનના ચરણોનું
પ્રક્ષાલન કરતાં ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમીને પોતાનું મસ્તક ભગવાનના
ચરણોમાં ઝુકાવ્યું; ને મહાન ગુરુભક્તિ પ્રગટ કરી.
એ પ્રમાણે ભગવાનનો
દીક્ષાકલ્યાણક ઊજવીને સૌ અયોધ્યા તરફ વિદાય થયા.
દીક્ષા બાદ ઋષભમુનિરાજ આત્મધ્યાનમાં લીન થયા...તરત તેમને
મનઃપર્યયજ્ઞાન તેમ જ અનેક લબ્ધિઓ પ્રગટ થઈ.
* * *

PDF/HTML Page 30 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
ભગવાનની તપસ્યા
ભગવાન ઋષભદેવ શરીરનું મમત્વ છોડી, મોક્ષને સાધવા માટે, છ મહિનાના
ઉપવાસની પ્રતિજ્ઞા કરીને મૌનપૂર્વક સ્થિર થયા. તેઓ ધ્યાનની સિદ્ધિ માટે પ્રશમગુણની
ઉત્કૃષ્ટ મૂર્તિ જેવા શોભતા હતા. તપના મહિમાને લીધે કોઈ અદ્રશ્ય છત્રવડે તેમના ઉપર
છાંયો થઈ ગયો હતો. ચાર જ્ઞાનવડે ભગવાને પરલોકસંબંધી ગતિ–અગતિને સંપૂર્ણ
જાણી લીધી હતી.
ભગવાન તો મુનિ થઈને અડગપણે આત્મધ્યાનમાં સ્થિર થયા; પણ બીજા
રાજાઓનું ધૈર્ય તો બે–ત્રણ માસમાં જ તૂટવા માંડયું. ભગવાનના માર્ગ પર ચાલવા
અસમર્થ એવા તે કલ્પિત મુનિઓ વિચાર કરવા લાગ્યા કે, અરે! હવે અમારાથી ભૂખ–
પ્યાસ સહન થતા નથી; ભગવાન તો કોણ જાણે ક્યા ઉદ્દેશથી આ પ્રમાણે ઊભા છે?
ભગવાન પોતાની રક્ષાનો વિચાર કર્યા વગર આવા ભયંકર વનમાં ઊભા છે તો
‘પોતાની રક્ષા પ્રયત્નપૂર્વક કરવી જોઈએ’ –એવી નીતિને શું ભગવાન નહીં જાણતા
હોય? ભગવાન તો પ્રાણોથી વિરક્ત થઈને આવી તપચેષ્ટા કરી રહ્યા છે, પણ અમે તો
હવે ખેદખિન્ન થઈ ગયા છીએ. તેથી ભગવાન ધ્યાન પૂરું કરે ત્યાંસુધી અમે આ વનમાં
ફળ ને કંદ–મૂળ ખાઈને જીવન ટકાવીશું. આમ તેઓ દીન થઈ ગયા; શું કરવું તે તેમને
સુઝ્યું નહિ. ‘ભગવાન અમને જરૂર કંઈક કહેશે’ એવી આશાથી તેઓ ભગવાનને
ઘેરીને ઊભા; ભગવાન તરફ દ્રષ્ટિ કરતાં તેમને થોડુંક ધૈર્ય થતું. કેટલાક તો માતા–
પિતા–સ્ત્રી–રાજપાટ વગેરેનું સ્મરણ થતાં ઘેર જવાની ઈચ્છાથી વારંવાર ભગવાનના
ચરણોમાં નમસ્કાર કરતા હતા. પણ તેમને બીક લાગતી હતી કે જો અત્યારે ભગવાનનો
સાથ છોડીને ઘરે જઈશું તો, ભગવાન જ્યારે આ કાર્ય પૂરાં કરીને રાજ્ય સંભાળશે
ત્યારે અમને અપમાન કરીને કાઢી મૂકશે; અથવા તો ભરત મહારાજા અમને કષ્ટ દેશે. –
માટે અહીં જ રહીને સહન કરવું. હવે તો આજકાલમાં જ ભગવાનનો યોગ સિદ્ધ થશે
એટલે કષ્ટ સહન કરનારા અમને ઘણી ધન–સમ્પદા આપીને સંતુષ્ટ કરશે. નિર્બળ
થયેલા તે મુનિઓ જમીન પર પડ્યા પડ્યા પણ ભગવાનના ચરણનું સ્મરણ કરતા
હતા. કેટલાક લોકો ભગવાનને પૂછીને, અને કેટલાક પૂછ્યા વગર માત્ર પ્રદક્ષિણા દઈને,
પ્રાણરક્ષા માટે વનમાં અન્યત્ર ચાલ્યા ગયા હતા, ને વ્રત છોડીને જેમતેમ વર્તવા લાગ્યા
હતા.
અરે, ખેદ છે કે સામાન્ય મનુષ્યો જેને સ્પર્શી ન શકે એવા ભગવાનના માર્ગ પર
ચાલવા માટે અસમર્થ થઈને તે બધાય ખોટા ઋષિઓ મુનિમાર્ગથી ભ્રષ્ટ થઈ ગયા.

PDF/HTML Page 31 of 41
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
શું મોટા હાથીના ભારને તેનું બચ્ચું કદી ઉપાડી શકે? ભૂખ–તરસથી થાકેલા તે
નગ્નરાજાઓ પોતાની મેળે વનમાં ફળ તોડીને ખાવા લાગ્યા ને તળાવનું પાણી પીવા
લાગ્યા. દિગંબર મુનિવેષમાં આવી અયોગ્ય પ્રવૃત્તિ જોઈને વનદેવતાએ તેમને મનાઈ
કરી અને કહ્યું કે આવા વેષમાં રહીને આવું ન કરો. અરે મૂર્ખો! આવું દિગંબર રૂપ તો
તીર્થંકરો અને ચક્રવર્તીઓ જેવા મહાપુરુષો પણ મોક્ષને સાધવા માટે ધારણ કરે છે; તેમાં
તમે આવી કાયર પ્રવૃત્તિ ન કરો. દિગંબર વેષમાં રહીને ફળ ન તોડો ને તળાવનું
અપ્રાસુક પાણી ન પીઓ.
વનદેવતાના આવા વચનો સાંભળીને તે રાજાઓ ડરી ગયા ને નગ્નવેષ છોડીને
વલ્કલ વગેરે અનેક પ્રકારનાં કુવેષ ધારણ કરીને સ્વચ્છંદપૂર્વક પ્રવર્તવા લાગ્યા. ભરતના
ભયને લીધે તેઓ નગરમાં ન ગયા ને વનમાં ઝુંપડાં બાંધીને રહેવા લાગ્યા. તેમના દ્વારા
અનેક પાખંડમત પ્રવર્ત્યા. આમ છતાં તેઓ પાણી અને ફળના ઉપહારવડે ભગવાનના
ચરણને પૂજતા હતા; કેમકે સ્વયંભૂ ભગવાન ઋષભદેવ સિવાય બીજા કોઈ દેવતા તેમને
ન હતા.
ભગવાનનો પૌત્ર મરીચીકુમાર પણ બાવો થઈ ગયો હતો અને મિથ્યા ઉપદેશ
આપીને તેણે ખોટા પંથ ચલાવ્યાહતા.
જ્યારે તે દ્રવ્યલિંગી મુનિઓ ભ્રષ્ટ થઈને ઉપરની પ્રવૃત્તિ કરતા હતા ત્યારે પણ
ભગવાન ઋષભદેવ તો અડોલપણે આત્મધ્યાનમાં જ ઊભા હતા. ત્રણ ગુપ્તિ તેમની
રક્ષક હતી, સંયમ તેમનું બખ્તર હતું ને સમ્યગ્દર્શન વગેરે ગુણો તેમના સૈનિકો હતા.
બાર પ્રકારના તપમાંથી ધ્યાનમાં તેઓ વિશેષ તત્પર રહેતા હતા. પાંચ મહાવ્રત, પાંચ
સમિતિ, પાંચ ઈન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશલોચ, ભૂમિશયન, અદંતધોવન, નગ્નતા,
અસ્નાન, ઊભા ઊભા ભોજન અને દિવસમાં એકવાર ભોજન–આવા ૨૮ મૂળગુણ
ભગવાનના પાયદળ સમાન હતા. જોકે છ મહિનાથી ભગવાન જરાપણ ખાતા ન હતા,
તોપણ તેમના શરીરમાં રંચમાત્ર થાક ન હતો, તે એવું ને એવું દૈદીપ્યમાન હતું; તેમનો
એવો જ કોઈ દિવ્ય અતિશય હતો. તેમના વાળ જટાસમાન થઈ ગયા હતા, તે હવામાં
ઊડતા ત્યારે એવા લાગતા કે જાણે ધ્યાન–અગ્નિવડે તપાયેલા જીવરૂપી સોનામાંથી
કાળાશ બહાર ઊડતી હોય, ભગવાનના તપ–તેજના પ્રભાવથી તે વનમાં દિવસે તેમ જ
રાતે સૂર્યોદય જેવો ઉત્તમ પ્રકાશ રહેતો હતો. સિંહ ને હરણ શાંતિથી સાથે રહેતા હતા.
અહા! આ કેવું આશ્ચર્ય છે કે, કાંટામાં ફસાયેલ પોતાના પૂંછડાને છોડાવવા ચમરી ગાય
મહેનત કરી રહી છે તેને વાઘ પોતાના નખવડે દયાપૂર્વક મદદ કરી રહ્યો છે; હરણનાં
નાનાં બચ્ચાં વાઘણને પોતાની માતા સમજીને તેનું દૂધ ધાવી રહ્યા છે; વનના હાથી

PDF/HTML Page 32 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
પોતાની સૂંઢમાં ખીલેલાં કમળ લાવીને પ્રભુના ચરણો પાસે ચઢાવે છે! ભગવાનના
આશ્ચર્યકારક તપવડે ઈન્દ્રાસન પણ કંપી ઊઠ્યું હતું.
ભગવાન આવા તપમાં લીન હતા તે દરમિયાન કચ્છ–મહાકચ્છ રાજાના પુત્રો
નમિ અને વિનમિ રાજકુમારો આવીને ભગવાનની સેવા કરવા લાગ્યા ને પ્રાર્થના કરવા
લાગ્યા કે હે ભગવાન! આપે બધાને રાજ્ય વહેંચી આપ્યું; પણ અમને તો કાંઈ ન
આપ્યું; અમને ભૂલી ગયા; માટે અમને કાંઈક ભોગ–સામગ્રી આપો. અમારા ઉપર
પ્રસન્ન થાઓ...આમ વારંવાર ભગવાનના પગ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા ને તેમના
ધ્યાનમાં વિઘ્ન કરવા લાગ્યા.
ત્યારે પોતાનું આસન કંપાયમાન થવાથી અવધિજ્ઞાનવડે ધરણેન્દ્રે તે વાત જાણી
ને તરત ભગવાન પાસે આવીને પ્રથમ ભક્તિપૂર્વક પૂજા કરી, પછી વેશ બદલાવીને
નમિ–વિનમિકુમારોને સમજાવ્યા કે અરે કુમારો! આ ભગવાન તો ભોગોથી અત્યંત
નિસ્પૃહ છે, ને તમે તેમની પાસેથી ભોગોની યાચના કેમ કરી રહ્યા છો? તમારે
ભોગસામગ્રી જોઈએ તો રાજા ભરત પાસે જઈને માંગો ને! ભગવાન તો બધું છોડીને
મોક્ષનો ઉદ્યમ કરી રહ્યા છે તમને ભોગ–સામગ્રી ક્યાંથી દેશે? –માટે તમે ભરત પાસે
જાઓ.
એ સાંભળીને બંને કુમારો કહે છે કે હે મહાનુભાવ! આપ અહીંથી ચુપચાપ
ચાલ્યા જાઓ; અમારા કાર્યમાં તમારી સલાહની જરૂર નથી. જોકે આપ શાન્ત–સૌમ્ય–
તેજસ્વીને બુદ્ધિમાન છો, આપ કોઈ ભદ્રપરિણામી મહાપુરુષ લાગો છો, છતાં અમારા
કાર્યમાં કેમ વચ્ચે આવો છો–તે અમે જાણતા નથી. અમે તો ભગવાનને જ પ્રસન્ન કરવા
માંગીએ છીએ. ભગવાન ભલે વનમાં રહ્યા, તેથી શું તેમની પ્રભુતા મટી ગઈ?
ભગવાનને છોડીને ભરત પાસે જવાનું આપ કહો છો તે ઠીક નથી. મહાસમુદ્રને છોડીને
ખાબોચિયા પાસે કોણ જાય? ભરતમાં અને ભગવાન ઋષભદેવમાં મોટું અંતર છે તે શું
તમે નથી જાણતા?
ભગવાન ઋષભદેવ પ્રત્યે અત્યંત ભક્તિભરેલાં તેમનાં આવા વચનો સાંભળીને
ધરણેન્દ્ર પ્રસન્ન થયા ને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે કુમારો! હું ધરણેન્દ્ર છું ને
ભગવાનનો સેવક છું. ભગવાને મને આજ્ઞા કરી છે કે ‘આ કુમારો મહાન ભક્ત છે માટે
તેમને તેમની ઈચ્છા પ્રમાણે રાજસામગ્રી આપો.’ –માટે હે કુમારો! ચાલો, હું ભગવાને
બતાવેલી રાજસંપદા તમને આપું.

PDF/HTML Page 33 of 41
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
ધરણેન્દ્રની એ વાત સાંભળી બંને કુમારો પ્રસન્ન થયા, તેમને લાગ્યું કે ખરેખર
ગુરુદેવ અમારા પર પ્રસન્ન થયા છે. ભગવાનને નમસ્કાર કરીને તેઓ ધરણેન્દ્ર સાથે
ચાલ્યા. ધરણેન્દ્ર તેમને પોતાના વિમાનમાં બેસાડીને વિજયાર્દ્ધ પર્વત પર લઈ ગયા.
આ વિજયાર્દ્ધ પર્વત ભરતક્ષેત્રની વચ્ચે આવેલો છે ને તેના પૂર્વ–પશ્ચિય છેડા
લવણસમુદ્રને સ્પર્શે છે. આ શાશ્વતપર્વતની શોભા અદ્ભુત છે; હિમવન પર્વતના
પદ્મસરોવરમાંથી નીકળેલી ગંગા અને સિન્ધુ નદી આ પર્વતની નીચે થઈને વહે છે.
પર્વત ઉપર નવ શિખરો જિનમંદિરથી શોભી રહ્યા છે. અહીં રોગ કે દુષ્કાળ વગેરે બાધા
હોતી નથી. આ મહા ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ ચોથા કાળ જેવી હોય છે,
(આર્યખંડની માફક છ પ્રકારે કાળપરિવર્તન અહીં થતું નથી.) જઘન્યઆયુ ૧૦૦ વર્ષનું
હોય છે. અહીંના વિદ્યાધર મનુષ્યોને મહાવિદ્યાઓ વડે ઈચ્છિત ફળ મળે છે. અનાજ
વાવ્યા વગર ઊગે છે; નદીઓની રેતી રત્નમય છે. ઉત્તર શ્રેણીમાં ૬૦ નગર છે ને દક્ષિણ
શ્રેણીમાં પ૦ નગર છે. વિદ્યુતપ્રભ, શ્રીહર્મ્ય, શત્રુંજય, ગગનનન્દન, અશોકા, અલકા,
કુંદનગર, ગંધર્વપુર, ગિરિશિખર, મહેન્દ્રપુર, વગેરે ઉત્તર શ્રેણીની ૬૦ નગરીઓ છે, તથા
પુંડરીક, શ્રીપ્રભ, શ્રીધર, રથનૂપુર–ચક્રવાલ, સંજયન્તી, વિજયા, ક્ષેમંકર, સૂર્યાભ, વગેરે
દક્ષિણ શ્રેણીની પ૦ નગરીઓ છે; તેમાં રથનૂપુર રાજધાની છે. દરેક નગરીમાં એક હજાર
મોટા ચોક ને ૧૨૦૦૦ ગલી છે, રત્નોના તોરણથી શોભતા એક હજાર દરવાજા છે. દરેક
નગરીના પેટામાં એકેક કરોડ ગામ છે. ત્યાં રહેનારા વિદ્યાધરો દેવ જેવા સુખી છે. આ
પર્વત પર કરોડો સિંહ, મૃગ ને ચમરી ગાયો રહે છે; ચારણઋદ્ધિધારી મુનિઓ પણ અહીં
વિચરે છે.
આવા વિજયાર્દ્ધ પર્વતને દેખીને નમિ અને વિનમિ બંને રાજકુમારો ખુશી થયા.
રથનૂપુર–ચક્રવાલ નગરીમાં પ્રવેશ કરીને ધરણેન્દ્રે તે બંનેનો રાજ્યાભિષેક કર્યો; નમિને
દક્ષિણ શ્રેણીનું અને વિનમિને ઉત્તર શ્રેણીનું રાજ્ય સોંપ્યું; તથા ત્યાંના વિદ્યાધરોને
ભલામણ કરી કે ભગવાન ઋષભદેવે આ બંનેને અહીં મોકલ્યા છે, તે તમારા સ્વામી છે,
માટે તેમની આજ્ઞા માનવી. પછી બંને રાજકુમારોને વિદ્યા આપીને ધરણેન્દ્ર પોતાના
સ્થાને ચાલ્યા ગયા.
જોકે આ બંને કુમારો જન્મથી વિદ્યાધર ન હતા પણ પુણ્યયોગે વિદ્યાધરોના
દેશમાં જઈને તેમણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી; તથા વિદ્યાધરો તેમની સેવા કરવા
લાગ્યા. યથાર્થમાં તો મનુષ્યનું પુણ્ય જ તેને સુખ–સામગ્રી મેળવી આપે છે. જગતગુરુ
ભગવાન

PDF/HTML Page 34 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
ઋષભદેવના ચરણો સેવવાથી બંને કુમારો વિદ્યાધરોનું સુખ પામ્યા...માટે જે ભવ્ય જીવો
મોક્ષરૂપી અવિનાશી સુખને તથા જિનગુણોને પ્રાપ્ત કરવા ચાહતા હોય તેઓ આદિગુરુ
ભગવાન ઋષભદેવના ચરણોમાં મસ્તક ઝુકાવીને નમસ્કાર કરો તથા ભક્તિપૂર્વક
તેમની પૂજા કરો.
વર્ષીતપ બાદ હસ્તિનાપુરીમાં પ્રથમ પારણું
અચિન્ત્ય મહિમાવંત ભગવાન ઋષભદેવને છ માસનો ધ્યાનયોગ પૂર્ણ થયો.
ત્યારે તેમણે વિચાર્યું કે, મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા આ નવદીક્ષિત સાધુઓને
મુનિમાર્ગની આહારાદિ વિધિનું જ્ઞાન ન હોવાથી ક્ષુધાવડે તેઓ માર્ગભ્રષ્ટ થઈ ગયા.
તેથી, મોક્ષમાર્ગ શું છે, સુખપૂર્વક મોક્ષની સિદ્ધિ કેમ થાય, ને શરીરની સ્થિતિ માટે
નિર્દોષ આહાર લેવાની વિધિ શું છે–તે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. –આમ વિચારી નિર્દોષ
આહારની પ્રવૃત્તિ અર્થે ભગવાન વિહાર કરવા લાગ્યા.
ભગવાન જ્યાં–જ્યાં પધારતા ત્યાંના લોકો પ્રસન્નતાથી આશ્ચર્યચક્તિ થઈને
પ્રણામ કરતા હતા; ને પૂછતા હતા કે હે દેવ! કહો શું આજ્ઞા છે? –જે કામ માટે આપ
પધાર્યા હો તેની અમને આજ્ઞા ફરમાવો. કેટલાક લોકો હાથી, રથ, વસ્ત્રાભૂષણ, રત્નો
તથા ખાવાપીવાની સામગ્રી ભગવાનને અર્પણ કરવા માટે લાવતા હતા, તો કોઈ
પોતાની યુવાન કન્યા ભગવાનને પરણાવવા તૈયાર થયા. અરેરે! આવી મૂર્ખતાને
ધિક્કાર હો!
ભગવાન ચુપચાપ ચાલ્યા જતા હતા. ભગવાન કેમ પધાર્યા છે ને શું કરવું–તે
નહિ સમજવાથી લોકો દિગ્મૂઢ બની ગયા હતા. કેટલાક લોકો આંસુભીની આંખે
ભગવાનના પગને વળગી પડતાં હતાં. –આ પ્રમાણે અનેક નગરમાં વિહાર કરતાં કરતાં
બીજા છ મહિના વીતી ગયા.
એક દિવસે ભગવાન કુરુદેશના હસ્તિનાપુર નગરમાં આવી પહોંચ્યા. તે વખતે
ત્યાંના રાજા સોમપ્રભ હતા, ને તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર હતા. આઠમાં ભવમાં
આહારદાન વખતે જે ‘શ્રીમતી’ હતી, ને પૂર્વભવમાં વજ્રનાભિ ચક્રવર્તીનો ધનદેવ
નામનો ગૃહપતી–રત્ન હતો, તે જ આ શ્રેયાંસકુમાર છે. ભગવાન જે દિવસે
હસ્તિનાપુરની નજીક પધારવાના હતા તે દિવસે પરોઢિયે, શ્રેયાંસકુમારે પૂર્વસંસ્કારના
બળે, મંગલ આગાહી સૂચક સાત ઉત્તમ સ્વપ્નો દેખ્યા–ઊંચો સુમેરૂપર્વત, સુશોભિત
કલ્પવૃક્ષ, કેશરી સિંહ, બળદ, સૂર્ય–ચન્દ્ર, રત્નોથી ભરેલો સમુદ્ર અને અષ્ટમંગલ સહિત
દેવો; ભગવાનનાં દર્શન એ જેનું મુખ્ય ફળ છે–એવા આ સાત મંગલસ્વપ્ન દેખીને
શ્રેયાંસકુમારનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું.

PDF/HTML Page 35 of 41
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
પ્રાતઃકાળ થતાં બંને ભાઈઓ તે સ્વપ્નની અને ભગવાન ઋષભદેવની કથા
કરતા બેઠા હતા; એવામાં યોગીરાજ ભગવાન ઋષભદેવે હસ્તિનાપુરીમાં પ્રવેશ કર્યો.
ભગવાનના આગમનથી આનંદિત થઈને ચારે કોરથી નગરજનોનાં ટોળેટોળાં દર્શન
કરવા ઊમટ્યા. ભોળા લોકો કહેતા હતા કે ભગવાન ફરીને આપણી સંભાળ કરવા
પધાર્યા; ઋષભદેવ જગતનાં પિતામહ છે એમ કાને સાંભળ્‌યું હતું, તે જગતપિતાને આજે
આંખવડે નજરે દેખ્યાં. ભગવાનના આગમનની વાત સાંભળીને નગરજનો ભોજનાદિ
કાર્યો પડતા મુકીને જલ્દી જલ્દી દર્શન કરવા માટે ચાલ્યા. જ્યારે આખી નગરીમાં આવો
કોલાહલ થઈ રહ્યો હતો ત્યારે પણ ભગવાન તો પોતાના સંવેગ અને વૈરાગ્યની સિદ્ધિને
માટે કમર બાંધીને વૈરાગ્યભાવનાઓનું ચિન્તન કરતા કરતા પોતાની આત્મમસ્તીમાં
મસ્ત ચાલ્યા આવતા હતા. આચાર્યદેવ કહે છે કે અહો, આવી રાગ–દ્વેષરહિત
સમતાવૃત્તિને ધારણ કરવી તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
ભગવાન ઋષભમુનિરાજ રાજમહેલની સન્મુખ પધારી રહ્યા હતા, તુરત જ
‘સિદ્ધાર્થ’ નામના દ્વારપાળે રાજા સોમપ્રભ અને શ્રેયાંસકુમારને વધામણી આપી કે
ભગવાન ઋષભદેવ આપણા આંગણામાં પધાર્યા છે.
સાંભળતાંવેંત બંને ભાઈઓ મંત્રી વગેરે સહિત ઊઠ્યા, અને અત્યંત
પ્રસન્નતાપૂર્વક રાજમહેલના આંગણા સુધી બહાર આવ્યા; ને દૂરથી જ અત્યંત
ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા. ભગવાન પધારતાં જ સન્માનપૂર્વક
પાદપ્રક્ષાલન કરીને અર્ઘવડે પૂજન કર્યું, ને પ્રદક્ષિણા લીધી. અહા, આંગણામાં આવું
નિધાન દેખીને તેમને અતિ સન્તોષ થયો, ભગવાનના દર્શનથી બંનેના રોમાંચ
ઉલ્લસિત થયા. હર્ષ અને ભક્તિથી નમ્રીભૂત તે બંને ભાઈઓ ઈન્દ્ર જેવા શોભતા હતા.
જેમ નિષધ અને નીલ પર્વતોની વચ્ચે ઉન્નત મેરું પર્વત શોભે તેમ બંને તરફ શ્રેયાંસ
અને સોમપ્રભની વચ્ચે ભગવાન ઋષભદેવ શોભતા હતા.
ભગવાનનું રૂપ દેખતાં જ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ થયું, તેથી પૂર્વ ભવના
સંસ્કારને લીધે તેને ભગવાનને આહારદાન દેવાની બુદ્ધિ પ્રગટી. વજ્રજંઘ અને
શ્રીમતીના ભવનો બધો વૃત્તાંત તેને યાદ આવી ગયો અને તે ભવમાં શષ્પસરોવરના
કિનારે ચારણઋદ્ધિધારી બે મુનિવરોને આહારદાન દીધેલું તેનું પણ તેને સ્મરણ થયું.
સવારનો આ સમય મુનિઓને આહારદાન દેવા માટે ઉત્તમ સમય છે–એમ નિશ્ચય કરીને
તે પવિત્ર બુદ્ધિવાળા શ્રેયાંસકુમારે ભગવાનને આહારદાન કર્યું.

PDF/HTML Page 36 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
પરમ શાંતિ દાતારી
(અંક ૨૮૧ થી ચાલુ) (લેખાંક૪૮)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાંઅધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
અંતરાત્માએ દેહથી ભિન્ન આત્માની કેવી ભાવના કરવી તે હવે કહે છે–
तथैव भावयेद्रेहाद्व्यावृत्यात्मानमात्मनि ।
यथा न पुनरात्मानं देहे स्वप्नेपि योजयेत्।। ८२ ।।
આત્મામાં અંતર્મુખ થઈને દેહથી ભિન્ન આત્માને એવો ભાવવો કે જેથી ફરીને
દેહની સાથે સ્વપ્ને પણ આત્માનો સંબંધ ન થાય. ધર્મી પોતાના આત્માને દેહાદિથી
ભિન્ન એવો ભાવે છે કે તેને સ્વપ્નાં પણ એવા જ આવે, સ્વપ્નામાં પણ દેહ સાથે
એકતા ન ભાસે. હું દેહથી જુદો ચૈતન્યબિંબ થઈને અનંત સિદ્ધ ભગવંતોની વચ્ચે બેઠો
છું–એવા સ્વપ્નાં ધર્મીને આવે. વાણીથી કે વિકલ્પથી ભાવના કરવાની આ વાત નથી,
આ તો અંતરમાં આત્મામાં એકાગ્ર થઈને ભાવના કરવાની વાત છે. દેહથી ભિન્ન કહેતાં
રાગાદિથી પણ આત્મા ભિન્ન છે, તેની ભાવના ભાવવી. સમયસારમાં આચાર્યદેવે
એકત્વ–વિભક્ત આત્માને જેવો વર્ણવ્યો છે તેની જ ભાવના કરવાની આ વાત છે. –કઈ
રીતે? કે પોતે એવા આત્માનો સ્વાનુભવ કરીને તેની ભાવના કરવી. મૂઢબુદ્ધિ જીવો
શરીરને ધર્મનું સાધન માને છે એટલે તે તો શરીરથી ભિન્ન આત્માને ક્યાંથી ભાવે?
જ્ઞાની તો જાણે છે કે મારો આત્મા દેહથી અત્યંત ભિન્ન છે, ‘આ દેહ હું છું’ એવી
એકત્વબુદ્ધિ સ્વપ્ને પણ તેને નથી, એટલે સ્વપ્ને પણ આત્માને દેહ સાથે જોડતા નથી,
આત્મામાં જ શ્રદ્ધા–જ્ઞાનનું જોડાણ કરીને તેની ભાવના કરે છે. –ભેદજ્ઞાનથી નિરંતર
આવી ભાવના કરવી તે જ મોક્ષનું કારણ છે.
।। ૮૨।।
૮૨ મી ગાથામાં એમ કહ્યું કે આત્મભાવના જ મોક્ષનું કારણ છે, વ્રતનો
શુભરાગ પણ મોક્ષનું કારણ નથી; માટે મોક્ષાર્થીએ અવ્રતની માફક વ્રતનો પણ વિકલ્પ
ત્યાજ્ય

PDF/HTML Page 37 of 41
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
છે. પરમ ઉદાસીનતારૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જેમ સ્વ–પર સંબંધી વિકલ્પો ત્યાજ્ય છે
તેમ વ્રત સંબંધી પણ વિકલ્પો ત્યાજ્ય છે એમ હવે કહે છે.
अपुण्यमव्रतैः पुण्यं व्रतैमोंक्षस्तयोर्व्ययः ।
अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ।। ८३ ।।
અવ્રતથી પાપ છે, ને વ્રતથી પુણ્ય છે; તે બંનેના વ્યયથી મોક્ષ થાય છે. માટે
અવ્રતની જેમ વ્રતને પણ મોક્ષાર્થી છોડે છે.
જુઓ, આમાં પૂજ્યપાદ સ્વામી સ્પષ્ટ કહે છે કે વ્રતનો શુભરાગ તે પુણ્યબંધનું
કારણ છે, તે મોક્ષનું કારણ નથી માટે મોક્ષાર્થીએ તો તે પણ છોડવા જેવો છે. તે તે
ભૂમિકામાં અવ્રત છોડીને વ્રતનો શુભરાગ ધર્મીને આવે તે જુદી વાત છે, પણ જો તેને તે
હેય ન માને ને તેનાથી લાભ થવાનું માને તો તો શ્રદ્ધા જ ઊંધી થઈ જાય છે એટલે
મિથ્યાત્વ થાય છે, મિથ્યાદ્રષ્ટિનેતો યથાર્થ વ્રત પણ હોતાં નથી. અહીં તો ભેદજ્ઞાન પછી
ધર્મીને વ્રતાદિનો ભાવ આવે છે તેની વાત છે; તે ધર્મી જાણે છે કે જેમ મેં અવ્રત છોડ્યા
તેમ આ વ્રતના વિકલ્પોને પણ જ્યારે હું છોડીશ ત્યારે મારી મુક્તિ થશે. આ વ્રતના
વિકલ્પો મને મુક્તિના હેતુ નથી.
જુઓ, જેમ ભાવપાહુડની ૮૩ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે સ્પષ્ટ કહ્યું
છે કે વ્રતાદિમાં પુણ્ય છે, –ને ધર્મ તો જુદી ચીજ છે; તેમ અહીં પણ ૮૩ મી ગાથામાં
પૂજ્યપાદસ્વામી સ્પષ્ટ કહે છે કે મોક્ષાર્થીએ અવ્રતની જેમ વ્રત પણ છોડવા યોગ્ય છે,
કેમકે વ્રતનો વિકલ્પ તે પુણ્યબંધનું જ કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. અહો!
બધા સંતોએ એક જ વાત કરી છે. જેવું વસ્તુસ્વરૂપ છે તેવું જ બધાય સંતોએ પ્રસિદ્ધ
કર્યું છે. સંતોએ આટલી સ્પષ્ટ વાત સમજાવી હોવા છતાં મૂઢ જીવો રાગની રુચિથી એવા
આંધળા થઈ ગયા છે કે તેમને સત્ય વસ્તુસ્વરૂપ દેખાતું નથી. શું થાય? કાંઈ કોઈ એને
પરાણે સમજાવી દ્યે એમ છે?
શ્રીમદ્ રાજચંદ્ર પણ આત્મસિદ્ધિમાં કહે છે કે–
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં ઊપજે મોક્ષસ્વભાવ.
જુઓ, શુભ કરતાં કરતાં મોક્ષ થાય એમ નથી કહ્યું, પણ શુભ–અશુભ બંનેને
છેદવાથી મોક્ષ થાય છે–એમ સ્પષ્ટ કહ્યું છે. ધર્માત્મા ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈને
જ્યાં આનંદમાં લીન થાય છે ત્યાં વ્રતાદિના શુભવિકલ્પ પણ છૂટી જાય છે, ને મુક્તિ
થાય છે. માટે અંતરાત્મા વ્રતાદિના વિકલ્પને પણ છોડીને વીતરાગી સ્વરૂપમાં ઠરવાની
ભાવના ભાવે છે.

PDF/HTML Page 38 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
મૂઢ જીવો કહે છે કે ‘વ્રત તે મોક્ષનું કારણ નથી તો શું વ્રત છોડીને અવ્રત
કરવાં?’ અરે મૂર્ખ! એ વાત ક્યાંથી લાવ્યો? વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે
અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માને? વ્રત છોડીને અવ્રત કરવાનું માને તે તો
મહા સ્વચ્છંદી દુર્બુદ્ધિ છે, અને વ્રતના શુભવિકલ્પોને જે મોક્ષનું કારણ માને તે પણ મૂઢ
દુર્બુદ્ધિ છે, મોક્ષના ઉપાયને તે જાણતો નથી. અવ્રત કે વ્રત બંને પ્રકારના રાગથી રહિત
થઈને વીતરાગભાવે સ્વરૂપમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે –એમ ધર્મી જાણે છે, એટલે
અવ્રત તથા વ્રત બંનેના વિકલ્પોને તે છોડવા જેવા માને છે. પહેલાં અવ્રત છોડીને
વ્રતના વિકલ્પ આવે, છતાં તેનેય છોડવા જેવા માને છે. જો તેને છોડવા જેવા ન માને ને
મોક્ષનું કારણ માને તો તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં કેમ ઠરે? –એટલે તે તો મિથ્યાદ્રષ્ટિ
જ રહે છે. ધર્મી તો પહેલેથી જ સમસ્ત વિકલ્પોથી પોતાના આત્માને જુદો જાણે છે, ને
અવ્રત તથા વ્રત બંનેને છોડવા જેવા માને છે. અવ્રત અને વ્રત એ બંનેને ધર્મી કેવા
પ્રકારે છોડે છે તે વાત ૮૪ મી ગાથામાં સમજાવશે.
–: પૂ. ગુરુદેવના વિહારનો કાર્યક્રમ:–
તા. ૧૭–૪–૬૭ થી ૧૯–૪–૬૭
તા. ૨૦–૪–૬૭
તા. ૨૧–૪–૬૭ થી ૨૨–૪–૬૭
તા. ૨૩–૪–૬૭
તા. ૨૪–૪–૬૭
તા. ૨પ–૪–૬૭
તા. ૨૬–૪–૬૭
તા. ૨૭–૪–૬૭ થી ૩૦–૪–૬૭
તા. ૧–પ–૬૭
તા. ૨–પ–૬૭
તા. ૩–પ–૬૭
તા. ૪–પ–૬૭ થી ૧૧–પ–૬૭
તા. ૧૨–પ–૬૭ થી
દિલ્હી
મથુરા
આગ્રા
જયપુર
અજમેર
ચિતોડ
કુણ
ઉદેપુર
બામણવાડા
અમદાવાદ
ધંધુકા
બોટાદ
રાજકોટ

PDF/HTML Page 39 of 41
single page version

background image
: જાહેરાત :
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત સંસ્થા અહીં સોનગઢ (સૌરાષ્ટ્ર) માં છેલ્લા ૧પ વર્ષથી ચાલે છે.
આ સંસ્થામાં જૈનધર્મના કોઈપણ ફિરકાના વિદ્યાર્થીઓને ભેદભાવ વગર પ્રવેશ
આપવામાં આવે છે.
સંસ્થા પોતાનું સ્વતંત્ર ભવ્ય, વિશાળ મકાન ધરાવે છે.
વિદ્યાર્થીઓને સૂવા માટે પલંગની વ્યવસ્થા છે. બીજી ટર્મમાં સંસ્થા તરફથી
વિદ્યાર્થીઓ માટે ટયુશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં ધોરણ–પ થી ધોરણ–૧૧ (મેટ્રીક) સુધીના વિદ્યાર્થીઓને માસિક
ભોજનના પૂરી ફી ના રૂા. ૩૦) તથા ઓછી ફીના રૂા. ૨૦) લઈ દાખલ કરવામાં આવે
છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રીક) સુધીના અભ્યાસ માટે ગુરુકુળ હાઈસ્કૂલ છે.
અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના વ્યાવહારિક અભ્યાસ ઉપરાંત
ધાર્મિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે. રજાના તથા તહેવારોના દિવસોએ પૂ.
પરમોપકારી આધ્યાત્મિક સંત “શ્રી કાનજી સ્વામી”નાં તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો
તથા પૂજન–ભક્તિનો પણ અપૂર્વ લાભ મળે છે.
આથી દાખલ થવા ઈચ્છાતા વિદ્યાર્થીઓએ તા. ૩૦–૪–૬૭ સુધીમાં પ્રવેશપત્ર
તથા નિયમો મંગાવી વિગતો ભરી તા. ૧પ–પ–૬૭ સુધીમાં પરીક્ષાના વાર્ષિક પરિણામ
સાથે પરત મોકલવાં
લિ. –
મંત્રી,
જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ

PDF/HTML Page 40 of 41
single page version

background image
શ્રી બાહુબલી ભગવાન
[
જેમનો મહામસ્તકાભિષેક સંવત્ ૨૦૨૩ ના ફાગણ વદ પ
ગુરુવારના રોજ લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સહિત
ઉજવાયો.
]