Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 206-247.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 11

 

Page 114 of 181
PDF/HTML Page 141 of 208
single page version

હોય ને જેમ ઊંઘ ન આવે, તેમ જ્યાં સુધી તત્ત્વ - નિર્ણય ન કરે, ત્યાં સુધી આત્માર્થીને સુખેથી ઊંઘ ન આવે. ૨૦૫.

અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ચૂકીને બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ નિરંતર દુઃખી છે, અને ‘મારું સુખ મારા આત્મામાં જ છે, બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મારું સુખ નથી’ એવી દ્રઢ પ્રતીતિ કરી અંતર્મુખ થઈને જે આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે તે ધર્માત્મા નિરંતર સુખી છે. નિજ ચૈતન્યવિષયને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખદુઃખની બુદ્ધિથી અજ્ઞાની જીવો દિનરાત બળી રહ્યા છે. અરે જીવો! પરમ આનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો ને આત્માના શાંતરસમાં મગ્ન થાઓ. ૨૦૬.

કોઈ જીવ નગ્ન દિગંબર મુનિ થઈ ગયો હોય, લૂગડાનો એક તાણોવાણો પણ ન હોય, પરંતુ પરવસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય છે, ત્યાં સુધી તેના અભિપ્રાયમાંથી ત્રણ કાળની એક પણ વસ્તુ છૂટી નથી. પર સાથે એકત્વબુદ્ધિ ઊભી છે, પરવસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય ઊભો છે, ત્યાં સુધી ત્રણ કાળ ત્રણ


Page 115 of 181
PDF/HTML Page 142 of 208
single page version

લોકના અનંત પદાર્થો એના ભાવમાંથી છૂટ્યા નથી.૨૦૭.

અરે જીવ! એક ક્ષણ વિચાર તો કર, કે સંયોગો વધવાથી તારા આત્મામાં શું વધ્યું? અરે! સંયોગો વધવાથી આત્માનું વધવાપણું માનવું તે તો મનુષ્યદેહને હારી જવા જેવું છે. ભાઈ! તારા જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી; માટે તેનાથી ભિન્નતાનું ભાન કર. ૨૦૮.

જેને મોક્ષ પ્રિય હોય તેને મોક્ષનું કારણ પ્રિય હોય, ને બંધનું કારણ તેને પ્રિય ન હોય. મોક્ષનું કારણ તો આત્મસ્વભાવમાં અંતર્મુખ વલણ કરવું તે જ છે, ને બહિર્મુખ વલણ તો બંધનું જ કારણ છે; માટે જેને મોક્ષ પ્રિય છે એવા મોક્ષાર્થી જીવને અંતર્મુખ વલણની જ રુચિ હોય છે, બહિર્મુખ એવા વ્યવહારભાવોની તેને રુચિ હોતી નથી.

પહેલાં અંતર્મુખ વલણની બરાબર રુચિ જામવી જોઈએ; પછી ભલે ભૂમિકાનુસાર વ્યવહાર પણ હોય, પણ ધર્મીનેમોક્ષાર્થીને તે આદરવારૂપે નથી, પણ તે જ્ઞેયરૂપે ને હેયરૂપે છે. આદર અને રુચિ તો અંતર્મુખ વલણની જ હોવાથી, જેમ જેમ તે અંતર્મુખ થતો જાય


Page 116 of 181
PDF/HTML Page 143 of 208
single page version

છે તેમ તેમ બહિર્મુખ ભાવો છૂટતા જાય છે. આ રીતે નિશ્ચય-સ્વભાવમાં અંતર્મુખ થતાં બહિર્મુખ એવા વ્યવહાર- ભાવોનો નિષેધ થઈ જાય છે.આ જ મોક્ષની રીત છે. ૨૦૯.

પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી ચૈતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. ‘સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊડી જાય છે’ એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. કેવળજ્ઞાન ને તેના કારણની પ્રતીતિ કરતાં જેને સ્વસન્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે તે જીવ નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વજ્ઞની પ્રતીતિ કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે, ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે;હું અલ્પ કાળમાં મોક્ષ પામવાનો છું ને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. ૨૧૦.

જેમ ઘોર નિદ્રામાં સૂતેલાને આસપાસના જગતનું


Page 117 of 181
PDF/HTML Page 144 of 208
single page version

ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાન્તિમાં ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી; અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોઠતું નથી; આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તોપણ તેનાથી જરાય ડરતા નથી કે સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. અહા! ધન્ય એ અદ્ભુત દશા! ૨૧૧.

અહા! જુઓ, આ પરમ સત્ય માર્ગ. ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વવિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં જઈને શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી. અહા, કેવો સત્ય માર્ગ! કેવો ચોખ્ખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ! પણ અત્યારે લોકો શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? એવો જ કાળ! પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ ત્રણે કાળે જયવંત છે, તે જ અભિનંદનીય છે. ૨૧૨.

કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ આત્મા


Page 118 of 181
PDF/HTML Page 145 of 208
single page version

પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે છે. કર્તા, કર્મ, કરણ વગેરે છ કારકો ભિન્નભિન્ન નથી પણ અભેદ છે. આત્મા પોતે એકલો જ કર્તા-કર્મ-કરણ- સંપ્રદાન-અપાદાન-અધિકરણરૂપ થાય છે; છ કારકરૂપ અને એવી અનંત શક્તિઓરૂપ આત્મા પોતે જ પરિણમે છે. એ રીતે એકસાથે અનંત શક્તિઓ જ્ઞાનમૂર્તિ આત્મામાં ઊછળી રહી છે, તેથી તે ભગવાન અનેકાન્ત- મૂર્તિ છે. ૨૧૩.

અહા! મુનિદશા કેવી હોય તેનો વિચાર તો કરો! છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. પ્રચુર સ્વસંવેદન એ જ મુનિનું ભાવલિંગ છે, અને દેહનું નગ્નપણુંવસ્ત્રપાત્ર રહિત નિર્ગ્રંથ દશાતે તેમનું દ્રવ્યલિંગ છે. તેમને અપવાદ વ્રતાદિનો શુભ રાગ આવે, પણ વસ્ત્રગ્રહણનો કે અધઃકર્મ તેમ જ ઉદ્દેશિક આહાર લેવાનો ભાવ હોય નહિ. અહા! શ્રી ૠષભદેવ ભગવાનને મુનિદશામાં પ્રથમ છ મહિનાના ઉપવાસ હતા, પછી આહારનો વિકલ્પ ઊઠતો હતો, પણ મુનિની વિધિપૂર્વક આહાર મળતો નહોતો; તેથી વિકલ્પ તોડીને અંદર આનંદમાં રહેતા હતા. આનંદમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. ૨૧૪.


Page 119 of 181
PDF/HTML Page 146 of 208
single page version

અહો! સમ્યગ્દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જડ છે, પણ દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને જે સ્વાનુભવયુક્ત દ્રઢ શ્રદ્ધા પ્રગટે છે તે જ સમ્યગ્દર્શન મહારત્ન છે. ૨૧૫.

ધર્માત્માને પોતાનો રત્નત્રયસ્વરૂપ આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય નથી. જેમ ગાયને પોતાના વાછરડા પ્રત્યે અને બાળકને પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે, તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે. પોતાને રત્નત્રયધર્મમાં પરમ વાત્સલ્ય હોવાથી બીજા રત્નત્રયધર્મધારક જીવો પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઊભરો આવ્યા વિના રહેતો નથી. ૨૧૬.

સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શનરત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે. તેના વિના જે કરે તે તો બધુંય ‘રાખ ઉપર લીપણ’ જેવું વ્યર્થ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ લક્ષ્મી-પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરે દેવી-


Page 120 of 181
PDF/HTML Page 147 of 208
single page version

દેવલાની માન્યતા કરે નહિ. લોકમાં મંત્ર-તંત્ર-ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. પણ આ સમ્યગ્દર્શન સર્વ રત્નોમાં એવું અનુપમ શ્રેષ્ઠ રત્ન છે કે જેનો દેવો પણ મહિમા કરે છે. ૨૧૭.

એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય- સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ૨૧૮.

આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમપારિણામિકભાવરૂપ છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે ને પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. બહિર્મુખ ભાવ વડે અન્તર્મુખ ભાવ પકડાય નહિ. વળી જે અંતર્મુખી ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવ છે તેના વડે તે પારિણામિક ભાવ જો કે પકડાય છે, તોપણ તે ઔપશમિકાદિ ભાવોના લક્ષે તે પકડાતો નથી. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતાં ઔપશમિકાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે ભાવો પોતે


Page 121 of 181
PDF/HTML Page 148 of 208
single page version

કાર્યરૂપ છે, ને પરમ પારિણામિક સ્વભાવ કારણરૂપ પરમાત્મા છે. ૨૧૯.

રાગાદિથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું ભાન અને અનુભવ થયો ત્યાં ધર્મીને તેની નિઃસંદેહ ખબર પડે છે કે અહો! આત્માના કોઈ અપૂર્વ આનંદનું મને વેદન થયું, સમ્યગ્દર્શન થયું, આત્મામાંથી મિથ્યાત્વનો નાશ થઈ ગયો. ‘હું સમકિતી હઈશ કે મિથ્યાદ્રષ્ટિ? એવો જેને સંદેહ છે તે નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે. ૨૨૦.

આત્મા વ્યવહારથી બગડ્યો કહો તો સુધારી શકાય, પણ પરમાર્થે બગડ્યો કહો તો સુધારી શકાય નહિ. વાસ્તવિક રીતે આત્મા બગડ્યો નથી પણ માત્ર વર્તમાન પર્યાયમાં વિકાર થયો છે માટે સુધારી શકાય છે, વિકાર ટાળી શકાય છે. વિકારી પરિણામ બધા કર્માધીન થાય છે તેને પોતાના માને, પોતાનો સ્વભાવ માને, તેનો હું ઉત્પાદક છુંતેનો હું કર્તા છું એમ માને તે અજ્ઞાની છે; પણ અવગુણનો હું કર્તા નથી, તે મારું કર્મ નથી, તેનો હું ઉત્પાદક નથી, તે મારો નથી, તે મારો સ્વભાવ


Page 122 of 181
PDF/HTML Page 149 of 208
single page version

નથી, એમ માને તે સમ્યગ્જ્ઞાની છે. ૨૨૧.

જે કોઈ આત્મા જડ-કર્મની અવસ્થાને અને શરીરાદિની અવસ્થાને કરતો નથી, તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, તન્મયબુદ્ધિએ પરિણમતો નથી પરંતુ માત્ર જાણે છે એટલે કે તટસ્થ રહ્યો થકોસાક્ષીપણે જાણે છે, તે આત્મા જ્ઞાની છે. ૨૨૨.

વિકાર જીવની જ પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તેને જીવનો જાણવો; પણ જીવનો સ્વભાવ વિકારમય નથી, જીવનો સ્વભાવ તો વિકાર રહિત છે. એ રીતે સ્વભાવદ્રષ્ટિથી વિકાર જીવનો નથી, પણ પુદ્ગલના લક્ષે થતો હોવાથી તે પુદ્ગલનો છે એમ જાણવું. એમ બંને પડખાં જાણીને શુદ્ધસ્વભાવમાં ઢળતાં પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે, અને એ રીતે જીવ વિકારનો સાક્ષાત્ અકર્તા થઈ જાય છે. માટે પરમાર્થે જીવ વિકારનો કર્તા નથી. ૨૨૩.

ગમે તે સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં જે જીવ પોતે નિશ્ચય-સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે તે જ જીવ


Page 123 of 181
PDF/HTML Page 150 of 208
single page version

મોક્ષમાર્ગ ને મોક્ષને પામે છે; અને જે જીવ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી ને પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય કરે છે તે જીવ કોઈ સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં સમ્યગ્દર્શનાદિ પામતો નથી. તાત્પર્ય એ છે કે શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૨૨૪.

વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોવી જોઈએ; કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ; તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહિ. ૨૨૫.

સ્ફટિકમાં રાતી ને કાળી ઝાંય પડે છે તે વખતે પણ તેનો જે મૂળ નિર્મળ સ્વભાવ છે તેનો અભાવ થયો નથી; જો નિર્મળપણાની શક્તિ ન હોય તો રાતા-કાળાં ફૂલ દૂર થતાં જે નિર્મળપણું પ્રગટ થાય છે તે ક્યાંથી આવ્યું? તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય છે તે વખતે પણ આત્માના મૂળ શુદ્ધ સ્વભાવનો અભાવ થયો


Page 124 of 181
PDF/HTML Page 151 of 208
single page version

નથી. જો અંદર શુદ્ધતારૂપે થવાની શક્તિ ન હોય તો, પુણ્ય-પાપના પરિણામ વખતે શક્તિરૂપ શુદ્ધતાનો નાશ થયો હોય તો, પર્યાયમાં શુદ્ધતા આવે ક્યાંથી? દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે; પ્રાપ્તમાંથી પ્રાપ્તિ થાય છે; જેમાં હોય તેમાંથી પ્રગટે, જેમાં ન હોય એમાંથી શું પ્રગટે? ૨૨૬.

પરલક્ષે થનારા રાગાદિ ભાવ તો પરવશ થવાનું કારણ છે; તેનાથી તો કર્મબંધન થાય છે ને શરીર મળે છે; તેનાથી કાંઈ અશરીરી થવાતું નથી. સ્વવશ એવો જે શુદ્ધરત્નત્રયભાવ છે તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેને મોક્ષ પામવો હોય, સિદ્ધ થવું હોય તેને તો આ જ જરૂર કરવા જેવું કાર્ય છે, એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશ્રયે સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરવાયોગ્ય છે; તેના વડે નિયમથી મુક્તિ થાય છે. ૨૨૭.

બહારના ક્રિયાકાંડમાં લોકોને રસ લાગી ગયો છે, ને અંદરની આ જ્ઞાયકવસ્તુ રહી ગઈ છે. વસ્તુ શી છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે પ્રકારે એનું ઘોલન થવું જોઈએ. વસ્તુસ્વરૂપને સમજ્યા વિના જીવને પાધરો


Page 125 of 181
PDF/HTML Page 152 of 208
single page version

ધર્મ કરવો છે! પડિમા લઈ લે, બહુ તો સાધુ થઈ જાય; બસ, થઈ ગયો ધર્મ! પણ ભાઈ! સમ્યગ્દર્શન વિના પડિમા કે સાધુપણું કેવું? આત્માર્થીનું શ્રવણ- વાંચન-મનન બધું મૂળ આત્મા માટે છે, સમ્યગ્દર્શન પામવા માટે છે. ૨૨૮.

આ દેહ તો કાચી માટીના ઘડા જેવો છે. જેમ કાચી માટીના ઘડાને ગમે તેટલો ધોવામાં આવે તોપણ તેમાંથી કાદવ જ ઊખળે છે, તેમ સ્નાનાદિ વડે દેહનું ગમે તેટલું લાલન-પાલન કરવામાં આવે તોપણ એ તો અશુચિનું જ ઘર છે. દેહ તો સ્વભાવથી જ અશુચિનો પિંડ છે. આવા દેહને પવિત્ર એક જ પ્રકારે ગણવામાં આવ્યો છે. કયા પ્રકારે?કે જે દેહમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયધર્મની આરાધના કરવામાં આવે તે દેહને રત્નત્રયના પ્રભાવથી પવિત્ર ગણવામાં આવે છે; જોકે નિશ્ચયથી તો રત્નત્રયની જ પવિત્રતા છે, પણ તેના નિમિત્તે દેહને પણ વ્યવહારે પવિત્ર કહેવાય છે. ૨૨૯.

જેને રાગનો રસ છેતે રાગ ભલે ભગવાનની ભક્તિનો હો કે જાત્રાનો હોતે ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદરસથી રિક્ત છે, રહિત છે અને


Page 126 of 181
PDF/HTML Page 153 of 208
single page version

મિથ્યાદ્રષ્ટિ છે; અને જે ચોથે ગુણસ્થાને સમકિતી છે, કે જેણે નિજ રસઆત્માના આનંદનો રસચાખ્યો છે, તે નિજરસથી જ રાગથી વિરક્ત છે. અસંખ્ય પ્રકારે શુભ રાગ હો, પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે. ૨૩૦.

પર તરફ ઉપયોગ વખતે પણ, ધર્મીને સમ્યગ્દર્શન- જ્ઞાનપૂર્વક જેટલો વીતરાગ ભાવ થયો છે તેટલો ધર્મ તો સતત વર્તે જ છે; એવું નથી કે જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય ને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય જ નહિ. ૨૩૧.

શિષ્ય ગુરુને કહે કે અહો પ્રભુ! આપે મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, મને પામરને આપે ન્યાલ કર્યો છે, આપે મને તારી દીધો છે વગેરે. પોતાના ગુણની પર્યાય ઉઘાડવા માટે વ્યવહારમાં ગુરુ પ્રત્યે વિનય અને નમ્રતા કરે છે, ગુરુના ગુણોનું બહુમાન કરે છે; અને નિશ્ચયથી પોતાના પૂર્ણ સ્વભાવ પ્રત્યે વિનય, નમ્રતા અને બહુમાન કરે છે. નિશ્ચયમાં પોતાને પૂર્ણ સ્વભાવનું બહુમાન છે તેથી વ્યવહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુનું બહુમાન


Page 127 of 181
PDF/HTML Page 154 of 208
single page version

આવ્યા વગર રહેતું નથી. દેવ-ગુરુ ગુણમાં વિશેષ છે તેથી અંદર સમજીને નિમિત્ત ઉપર આરોપ કરી બોલે કે ‘આપે મને તારી દીધો’ તે જુદી વાત છે, પણ જો તેમ માની બેસે તો તે ખોટું છે. ૨૩૨.

શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ શુદ્ધ રત્નત્રયરૂપ જે વીતરાગ ભાવ તે જ બધાં શાસ્ત્રોનું તાત્પર્ય છે, તે જ જિનશાસન છે, તે સર્વજ્ઞ જિનનાથની આજ્ઞા છે ને તે જ વીતરાગી સંતોનું ફરમાન છે. માટે તેને જ શ્રેયરૂપ જાણીને આરાધના કરો. ૨૩૩.

હે જીવ! એક વાર હરખ તો લાવ કે ‘અહો, મારો આત્મા આવો!’ કેવો?કે સિદ્ધભગવાન જેવો. સિદ્ધભગવાન જેવી જ્ઞાન-આનંદની પરિપૂર્ણ તાકાત મારા આત્મામાં ભરી પડી જ છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. ‘અરેરે! હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?એમ ડર નહિ, હતાશ ન થા. એક વાર સ્વભાવનો હરખ લાવ, સ્વરૂપનો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા


Page 128 of 181
PDF/HTML Page 155 of 208
single page version

પુરુષાર્થને ઉછાળ, તો તને તારા અપૂર્વ આહ્લાદનો અનુભવ થશે, અને તું સિદ્ધપદને પામીશ. ૨૩૪.

જેણે નિજ શુદ્ધાત્મદ્રવ્યનો સ્વીકાર કરીને પરિણતિ તે તરફ વાળી છે એવા ધર્માત્માને હવે ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ પ્રયાણ ચાલી રહ્યું છે, તે મુક્તિપુરીનો પ્રવાસી થયો છે. હવે ‘મારે અનંત સંસાર હશે?’ એવી શંકા તેને ઊઠતી જ નથી; સ્વભાવના જોરે તેને એવી નિઃશંકતા છે કે ‘હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે’. ૨૩૫

જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું ભવનપરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી જ ભવનો નાશ થાય છે. ૨૩૬.


Page 129 of 181
PDF/HTML Page 156 of 208
single page version

અરે! એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે લોકો રસ્તામાં ખાવા ભાતું ભેગું લઈ જાય છે; તો પછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કાંઈ ભાતું લીધું? આત્મા કાંઈ આ ભવ જેટલો નથી; આ ભવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંત કાળ અવિનાશી રહેવાનો છે; તો તે અનંત કાળ તેને સુખ મળે તે માટે કાંઈ ઉપાય તો કર. આવો મનુષ્ય-અવતાર ને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે. આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ તો ભવભ્રમણનાં દુઃખથી તારો છૂટકારો ક્યારે થશે? અરે, તું તો ચૈતન્યરાજા! તું પોતે આનંદનો નાથ! ભાઈ, તને આવાં દુઃખ શોભતાં નથી. જેમ અજ્ઞાનથી રાજા પોતાને ભૂલીને ઊકરડામાં આળોટે, તેમ તું તારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગના ઊકરડામાં આળોટી રહ્યો છે, પણ એ તારું પદ નથી; તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, ચૈતન્યહીરા જડેલું તારું પદ છે, તેમાં રાગ નથી. આવા સ્વરૂપને જાણતાં તને મહા આનંદ થશે. ૨૩૭.

યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હજુ તું થાક્યો નથી? હવે


Page 130 of 181
PDF/HTML Page 157 of 208
single page version

તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! અહાહા! જેમ પાણીના ધોરિયા વહેતા હોય તેમ આ ધર્મના ધોરિયા વહે છે. પીતાં આવડે તો પી. ભાઈ! સારા કાળે તો કાલનો કઠિયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે, એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદનાં નિધાન મળે છે. ૨૩૮.

આત્માની વાત પૂર્વે અનંત વાર સાંભળી છતાં, ચૈતન્યવસ્તુ જેવી મહાન છે તેવી લક્ષમાં ન લીધી, તેનો પ્રેમ ન કર્યો, તેથી શ્રવણનું ફળ ન આવ્યું. માટે તેણે આત્માની વાત સાંભળી જ નથી. ખરેખર સાંભળ્યું તેને કહેવાય કે જેવી ચૈતન્યવસ્તુ છે તેવી અનુભવમાં આવી જાય. ૨૩૯.

ધર્માત્માઓ પ્રત્યે દાન તેમ જ બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ઘુંટાય છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ, પ્રેમ ને બહુમાન આવે છે. ધર્મ ધર્મીજીવના આધારે છે, તેથી જેને ધર્મીજીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. ભવ્ય જીવોએ સાધર્મી સજ્જનો સાથે


Page 131 of 181
PDF/HTML Page 158 of 208
single page version

અવશ્ય પ્રીતિ કરવી જોઈએ. ૨૪૦.

નરકાદિનાં દુઃખોનું વર્ણન એ કાંઈ જીવોને ભયભીત કરવા ખોટું કલ્પિત વર્ણન નથી. પણ તીવ્ર પાપનાં ફળને ભોગવવાનાં સ્થાન જગતમાં વિદ્યમાન છે. જેમ ધર્મનું ફળ મોક્ષ છે, પુણ્યનું ફળ સ્વર્ગ છે, તેમ પાપનું ફળ જે નરક તે સ્થાન પણ છે. અજ્ઞાનપૂર્વક તીવ્ર હિંસાદિ પાપ કરનારા જીવો જ ત્યાં જાય છે, ને ત્યાં ઊપજતાં વેંત મહાદુઃખ પામે છે. તેની વેદનાનો ચિત્કાર ત્યાં કોણ સાંભળે? પૂર્વે પાપ કરતાં પાછું વાળીને જોયું હોય, કે ધર્મની દરકાર કરી હોય, તો શરણ મળે ને? માટે હે જીવ! તું એવાં પાપો કરતાં ચેતી જજે! આ ભવ પછી જીવ બીજે ક્યાંક જવાનો છે

એ લક્ષમાં

રાખજે. આત્માનું વીતરાગવિજ્ઞાન જ એક એવી ચીજ છે કે જે તને અહીં તેમ જ પરભવમાં પણ સુખ આપે. ૨૪૧.

જે વીતરાગ દેવ અને નિર્ગ્રંથ ગુરુઓને માનતો નથી, તેમની સાચી ઓળખાણ તેમ જ ઉપાસના કરતો નથી, તેને તો સૂર્ય ઊગવા છતાં અંધકાર છે. વળી,


Page 132 of 181
PDF/HTML Page 159 of 208
single page version

જે વીતરાગ ગુરુઓ દ્વારા પ્રણીત સત્શાસ્ત્રોનો અભ્યાસ કરતો નથી, તે આંખ હોવા છતાં પણ આંધળો છે. વિકથા વાંચ્યા કરે ને શાસ્ત્રસ્વાધ્યાય ન કરે તેની આંખો શા કામની? જ્ઞાનીગુરુ પાસે રહીને જે શાસ્ત્રશ્રવણ કરતો નથી અને હૃદયમાં તેના ભાવ અવધારતો નથી, તે મનુષ્ય ખરેખર કાન અને મનથી રહિત છે એમ કહ્યું છે. જે ઘરમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ઉપાસના થતી નથી તે ખરેખર ઘર જ નથી, કેદખાનું છે. ૨૪૨.

અહો! આવા ચમત્કારી સ્વભાવની વાત સ્વભાવના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના હાંજા ગગડી જાય. ૨૪૩.

પોતાના આત્મસ્વરૂપની ભ્રાન્તિ એ જ સૌથી મોટું પાપ છે, ને એ જ જન્મમરણના હેતુભૂત ભયંકર ભાવરોગ છે. તે મિથ્યા ભ્રાન્તિ કેમ છેદાય? શ્રીગુરુએ જેવો આત્મસ્વભાવ કહ્યો તેવો સમજવો તથા તેનો વિચાર ને ધ્યાન કરવું તે જ ભાવરોગ ટાળવાનો ઉપાય છે. પહેલાં શુભાશુભ વિભાવ રહિત ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવનું ભાન કરવું તે જ આત્મભ્રાન્તિથી છૂટવાનો ઉપાય છે. ૨૪૪.


Page 133 of 181
PDF/HTML Page 160 of 208
single page version

જ્ઞાનીને દુઃખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે, તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું પણ વેદન છે. ૨૪૫.

ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપે આખો નીરોગી છે. વર્તમાનમાં થતા પુણ્ય-પાપાદિ ક્ષણિક વિકાર જેવડો જ હું છું એમ જે જીવ માને છે તેનો વિકાર- રોગ મટતો નથી. વર્તમાન ક્ષણિક અવસ્થા જ મલિન છે, ઊંડાણમાં એટલે કે શક્તિરૂપે વર્તમાનમાં ત્રિકાળી આખો નિર્મળ છુંએમ પૂર્ણ નીરોગ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેના ક્ષણિક રાગરૂપી રોગનો નાશ થઈ જાય છે. ૨૪૬.

સમ્યક્ મતિજ્ઞાન, સમ્યક્ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે બધી અવસ્થા થાય ખરી, પરંતુ તે મતિ-શ્રુત વગેરે અવસ્થા ઉપર દ્રષ્ટિ મૂકવાથી તે મતિ-શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહિ, પણ પરિપૂર્ણ ઐશ્વર્યવાળી જે આખી વસ્તુ ધ્રુવ નિશ્ચય પડી છે તેની દ્રષ્ટિના જોરે સમ્યક્ મતિ-શ્રુત અને (લીનતા વધતાં) પૂર્ણ કેવળજ્ઞાન- અવસ્થા પ્રગટે છે. ૨૪૭.