PDF/HTML Page 3501 of 4199
single page version
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે તે પરને જાણતાં પરને લઈને તેને જાણપણું-જ્ઞાન થયું છે એમ તો નહિ, પણ પરને લઈને તેને રાગાદિ વિકાર થાય છે એમ પણ નથી. અહા! શબ્દાદિ પર પદાર્થો નિંદા-પ્રશંસા આદિરૂપે સ્વભાવથી જ વિચિત્રપણે પરિણમે છે, તે શબ્દાદિને આત્મા કરે છે એમ નહિ તથા તે શબ્દાદિ પદાર્થોને કારણે આત્માને રાગાદિ વિક્રિયા થાય છે એમ પણ નહિ. શબ્દાદિ પદાર્થો તો સહજ જ પોતાના ભાવથી પરિણમે છે. તેમાં આત્માને શું છે? કાંઈ નથી, ન તો આત્મા શબ્દાદિને કરે છે, ન તો શબ્દાદિ આત્માને કાંઈ રાગાદિ વિકાર કરે છે. ભગવાન કેવળીના ગુણ જ્ઞાનમાં જણાય, પણ તે કાંઈ જીવને રાગ ઉત્પન્ન કરે છે એમ નથી. આ કેવળી છે એમ આને જ્ઞાન થાય તે પણ કેવળીને લઈને છે એમ નહિ, અને આને કેવળી પ્રતિ રાગ થાય તે પણ કેવળીને લઈને છે એમ નહિ. ભાઈ! આ તો પ્રત્યેક વસ્તુના સ્વતંત્ર પરિણમનનો ઢંઢેરો છે. કોઈનું પરિણમન કોઈ પરથી છે એમ કેવળીના મારગમાં છે જ નહિ. પરથી વિકાર પણ નહિ અને પરથી ગુણની દશા પણ નહિ.
કોઈએ ગાળ દીધી અને આને દ્વેષ થયો તો તે ગાળને લઈને થયો એમ છે નહિ. ગાળમાં (શબ્દમાં) એવી તાકાત નથી કે તને એ દ્વેષ ઉત્પન્ન કરે, અને એ ગાળથી તને દ્વેષ થાય એવું તારું સ્વરૂપ પણ નથી. તેમ કોઈ પ્રશંસા-અભિનંદન કરે તો તે પ્રશંસાના શબ્દથી તને રાગ ઉપજે એમ પણ નથી. કોઈ એમ માને એ તો એની જૂઠી માન્યતા છે. ભાઈ! પરમાણુ વિચિત્ર પરિણામરૂપે સ્વભાવથી જ પરિણમે એમાં તારે શું? રાગદ્વેષાદિ ભાવો પર વડે ઉત્પન્ન કરી શકાતા નથી અને પર જીવને રાગદ્વેષ કરતા નથી. અહો! પરમ ભેદજ્ઞાનનું કારણ એવું જ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ...! ભાઈ....! આ મૂળ વાત છે.
સમ્યગ્દ્રષ્ટિ રાગને પોતાનો માનતો નથી. તેને રાગાદિ તો થાય છે અને તે તેને કર્મનું કાર્ય સમજે છે તે કેવી રીતે છે?
સમાધાનઃ- ભાઈ! એમાં અપેક્ષા બીજી છે. જ્ઞાનીને-સમ્યગ્દ્રષ્ટિને રાગની રુચિ નથી. રાગ પોતાનું કર્તવ્ય છે એમ તેને નથી. છતાં કર્મના (ચારિત્રમોહના) ઉદયવશ તેને કમજોરીને લીધે રાગાદિ થાય છે તો તે સ્વભાવજનિત કાર્ય નહિ હોવાથી તેને કર્મનું કાર્ય કહેવામાં આવે છે. કર્મ કરે છે એમ નહિ, પણ કર્મના પ્રસંગમાં રાગ થાય છે તેથી તેને વિવક્ષાથી કર્મનું કાર્ય કહે છે. ભાઈ! માત્ર શબ્દને પકડે અને ભાવ સમજે નહિ તો આ સમજાય એવું નથી. ભાઈ! જે વિવક્ષાથી વાત હોય તે
PDF/HTML Page 3502 of 4199
single page version
વિવક્ષા યથાર્થ સમજવી જોઈએ. બાકી કર્મની તાકાત નથી કે તે જીવને રાગાદિ ઉત્પન્ન કરે. જુઓ, આ શું કહે છે? સ્વભાવથી જ વિચિત્ર પરિણતિરૂપે પરિણમતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરી શક્તા નથી. અહો! આચાર્યદેવે થોડા શબ્દોમાં ઘણું બધું ભરી દીધું છે. વર્તમાન જ્ઞાનની હીન (અલ્પજ્ઞ) દશા છે તે કાંઈ જ્ઞાનાવરણીય કર્મને લઈને છે એમ નથી.
ભાઈ! પર વડે પરની દશા થાય એ માન્યતા જ જૂઠી છે, ભ્રમ છે. ભગવાનનું બિંબ જોયું માટે મને શુભરાગ થયો એમ કોઈ માને તે ખોટું છે. તેમ કોઈ પાપીને જોતાં દ્વેષ થાય તે પાપીને કારણે થયો છે એમ માને તે પણ ખોટું છે. વિચિત્ર પરિણતિરૂપે સામેનો પદાર્થ પરિણમ્યો તે તેની દશા છે, એમાં આત્માને શું છે? કાંઈ નથી. હવે કહે છે-
‘આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) -એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગ-દ્વેષ થાય છે તે અજ્ઞાન છે.’
ભાઈ! પરદ્રવ્યમાં તાકાત નથી કે તે તને રાગ ઉત્પન્ન કરાવે અને તારું પણ એવું સ્વરૂપ નથી કે પર વડે તારામાં રાગ ઉત્પન્ન થાય. આત્મા પર્યાયે પર્યાયે સ્વતંત્ર-સ્વાધીન છે; વિકાર પરને લઈને નહિ, પર વડે નહિ; અને ગુણની દશા પણ પર વડે નહિ.
તો વજ્રવૃષભનારાચ સંહનન હોય તેને કેવળજ્ઞાન થાય છે એમ કહ્યું છે એ કેવી રીતે છે!
ભાઈ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. વજ્રવૃષભનારાચ સંહનન કેવળજ્ઞાન પ્રગટ થવામાં બાહ્ય નિમિત્ત છે, કાંઈ એનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી. સંઘયણ તો જડની અવસ્થા છે; તે જીવને શું કરે? જેમ નિર્મળ રત્નત્રયરૂપ ચારિત્રની દશા મનુષ્યપણામાં પ્રગટ થાય છે, નરક-દેવ-તિર્યંચમાં નહિ; પણ તેથી કાંઈ મનુષ્યદશા છે તેનાથી કાંઈ ચારિત્ર પ્રગટ થાય છે એમ નથી. વાસ્તવમાં આત્માને ચારિત્ર પ્રગટ થવામાં પરની અપેક્ષા જ નથી. ભાઈ! પર તારામાં ચારિત્ર ઉત્પન્ન કરે એવી પરમાં શક્તિ જ નથી. ભગવાને જીવાદિ નવ તત્ત્વ કહ્યાં છે, ત્યાં કાંઈ એક તત્ત્વ કોઈ બીજા તત્ત્વનું કાંઈ કરે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...!
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે ઉદાસીન છે, સંબંધ વગરનો છે. દીવો હોય ને દીવો, તે ઘટપટને, ઘટપટ છે માટે પ્રકાશે છે એમ નથી; અને ઘટપટ દીવાને પ્રકાશરૂપ કરે છે એમ પણ નથી. દીવાનો સ્વભાવ જ સ્વપરને પ્રકાશવાનો છે અને તેથી સહજ જ તે પ્રકાશે છે.
PDF/HTML Page 3503 of 4199
single page version
હવે આવો મારગ! બિચારાને સમજવાની ફુરસદ ન મળે! આવો મનુષ્ય-ભવ માંડ મળ્યો, એમાં રળવા-કમાવામાં ને બાયડી-છોકરાં પાછળ ને વિષયમાં બધો વખત ચાલ્યો જાય. પરંતુ ભાઈ! અવસર ચાલ્યો જાય છે. આવો મનુષ્યભવ અનંત કાળે મળે, આ તો ભવનો અભાવ કરવાનો કાળ છે. આમાં કાંઈ ન કર્યું ને કર્મ કરે તે ખરું-એમ બેસી રહ્યો તો તારા હાલ ભુંડા છે ભાઈ! ક્યાંય ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ.
જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી સમજતો નથી; ને સુલટા પુરુષાર્થથી પોતાનું સ્વરૂપ તેને સમજાય તેવું છે. કર્મ તને કાંઈ કરે એવી કર્મની શક્તિ નથી, ને કર્મથી તારામાં ભૂલ થાય એવું તારું સ્વરૂપ નથી. કહ્યું ને કે આત્મા દીવાની જેમ પર પ્રત્યે ઉદાસીન છે. જુઓ, આ વસ્તુસ્થિતિ છે. જેમ દીવો તટસ્થ છે તેમ આત્મા પર પ્રત્યે તટસ્થ છે. જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જાય ત્યાં બન્ને કાંઠા તટસ્થ છે, કાંઠાને લઈને પ્રવાહ ચાલે છે એમ નથી, તેમ આત્મા પરને જાણે છે તે તટસ્થ-સંબંધરહિત રહીને જાણે છે. આવો મારગ છે ભાઈ!
અહા! અનંતકાળમાં અનંતવાર એણે અગિયાર અંગ ‘પઢ ડાલા’ , પરંતુ અરે એણે સ્વરૂપમાં અંર્તદ્રષ્ટિ કરી નહિ! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાનનો સાગર પ્રભુ છે તેને સ્પર્શીને જ્ઞાન પ્રગટ થાય છે, પરથી જ્ઞાન થતું નથી. આવી વસ્તુસ્થિતિ છે તોપણ તેને રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
‘શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ);” અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી.’
જુઓ, શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના પરિણામરૂપ હોવાથી જડ છે. તેઓ કાંઈ આત્માને કહેતા નથી કે તું અમને જાણ. તેઓ તો પોતપોતાના ભાવથી પરિણમી રહ્યા છે બસ. વળી આત્મા પણ પોતાનું સ્થાન છોડી તેમને ગ્રહવા તેમના પ્રત્યે જતો નથી. અર્થાત્ આત્મા શબ્દાદિરૂપ થઈ તેમને ગ્રહતો- જાણતો નથી. સ્વપરને જાણવું એ તો આત્માનો સહજ સ્વભાવ છે. ભાઈ! પ્રત્યેક પદાર્થનું દ્રવ્ય, એના ગુણ અર્થાત્ શક્તિ અને એની પર્યાય-સર્વ સ્વતંત્ર છે; તેમાં પરનો બિલકુલ અધિકાર નથી. સમ્યગ્દર્શન થયા પછી વિકાર થાય છે તે પરને લઈને થાય છે એમ કોઈ કહે તો એ બરાબર નથી.
જેમ કોઈ મુસાફર એક ગામ છોડી બીજે ગામ જાય ત્યાં તે ગામ તેને કહેતું નથી કે ‘અહીં તું રોકાઈ જા’; તેમ આત્મા શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિને જાણે છે તો તે શબ્દાદિ તેને કહેતા નથી કે ‘તું અમને જાણવા રોકાઈ જા’ . વળી
PDF/HTML Page 3504 of 4199
single page version
આત્મા પણ પોતાના સ્થાનથી ખસીને તેમને જાણવા તેમના પ્રત્યે જતો નથી અર્થાત્ શબ્દાદિમાં તન્મય થતો નથી. લ્યો, આવી વસ્તુસ્થિતિ છે. પણ અરે! અંદર પોતે ભગવતસ્વરૂપ ચિદાનંદ પ્રભુ વિરાજે છે તેની સન્મુખ તે થતો નથી અને બહાર શબ્દાદિ પદાર્થોના લક્ષમાં ભરમાઈ ગયો છે!
હવે કહે છે- ‘જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે.’
શબ્દાદિ પદાર્થો દુર હો કે સમીપ હો, આત્મા તેમને પોતાના સ્વરૂપથી જ જાણે છે. ‘સ્વરૂપથી જ જાણે છે’ -એમ કહેવાનો આશય એમ છે કે-જેને નિજ ચૈતન્યસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા પ્રભુનું અંતરમાં ભાન થયું છે તે પર પદાર્થોને જાણવામાં રોકાતો નથી, પોતાને જાણતાં સહજ જ તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ થાય છે. હવે કહે છે-
‘આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ,....’
શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જડના ગુણો છે. તેઓ પોતાના સ્વભાવથી જ અનેક સ્વરૂપે પરિણમે છે. પોતાના સ્વભાવથી જ પરિણમતા તેઓ જીવને જરાય વિકાર કરતા નથી. શું કીધું? પ્રશંસા કે નિંદાપણે પોતે જ પરિણમતા શબ્દો જીવને કિંચિત્ વિકાર-રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. કોઈ પ્રશંસાના શબ્દો કહે તેથી રાગ થઈ આવે એમ જરાય નથી. કોની જેમ? તો કહે છે-સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ.
દીવો પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. તેને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી. દીવાના પ્રકાશમાં કોલસા હોય તો તે શું દીવાને કાળો કરે છે? જરાય નહિ. દીવાના પ્રકાશમાં વીંછી હોય તો તે શું? દીવાના પ્રકાશને ઝેરમય કરે છે? જરાય નહિ. દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ જીવને પર પદાર્થો કિંચિત્માત્ર વિકાર કરતા નથી. દ્રવ્યનો સ્વભાવ પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છે એવું સાંભળીને તેને હરખ અને રાગ થાય તો તે કાંઈ એ શબ્દોને લઈને નથી. પરપદાર્થ જીવને વિકાર કરાવતો નથી; અને પર વડે જીવમાં વિકાર થાય એવું જીવનું સ્વરૂપ નથી.
આવો ઉપદેશ! અજાણ્યાને એમ લાગે કે જીવની દયા પાળવી, ને દાન કરવું- ભૂખ્યાંને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, નાગાંને કપડાં દેવાં અને રોગીને ઔષધ દેવું-એ તો કાંઈ કહેતા નથી ને આવો ઉપદેશ!
હા ભાઈ, આવો ઉપદેશ! સાંભળતો ખરો પ્રભુ! પરની કોણ દયા પાળે અને
PDF/HTML Page 3505 of 4199
single page version
અહીં કહે છે-પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી. અહા! ‘આવો વસ્તુસ્વભાવ છે તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.’ અહા! પરમાં રોકાઈ રહીને રાગદ્વેષ કરે તે પોતાનો જ અપરાધ છે, એમાં પરનો કાંઈ દોષ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘षूर्ण–एक–अच्युत–शुद्ध–बोध–महिमा अयं बोद्धा’ પૂર્ણ, એક, અચ્યુત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા ‘बोध्यात्’ જ્ઞેય પદાર્થોથી ‘काम् अपि विक्रियां न यायात्’ જરા પણ વિક્રિયા પામતો નથી, ‘दीपः प्रकाश्यात् इव’ જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા પૂર્ણ-જ્ઞાનાનંદ સ્વભાવથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. વળી તે અનંત ગુણસ્વભાવમય અભેદ એક છે; તથા અચ્યુત છે. એટલે શું? કે પોતાનો જે પૂર્ણ ધ્રુવ એક ચૈતન્યભાવ તેમાંથી ચ્યુત થતો નથી. અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ પુરુષ પોતાની પર્યાયમાં આ નિર્ણય કરે છે કે હું પૂર્ણ, એક, અચળ, શુદ્ધ, નિર્વિકાર જ્ઞાનસ્વરૂપ વસ્તુ છું. અહાહા...! આવો એક જ્ઞાનસ્વભાવ જેનો મહિમા છે એવો જ્ઞાયક પ્રભુ, કહે છે, જ્ઞેયપદાર્થોથી જરાપણ વિક્રિયા પામતો નથી. અહાહા...! એનું સ્વરૂપ જ જાણવું-દેખવું છે. પર્યાયમાં જે વિક્રિયા પામે છે તે પોતાનો અપરાધ છે, કોઈ જ્ઞેયને કારણે વિક્રિયા પામે છે એમ નથી.
અહાહા...! જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા જ્ઞેય પદાર્થો-તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે અન્ય હો-તે જ્ઞેયને જાણવામાત્રથી વિક્રિયા-રાગ થાય છે એમ નથી, કેમકે જાણવું એ તો એનું સ્વરૂપ છે. ભગવાન કેવળી સમસ્ત જ્ઞેયોને-ત્રણકાળ ત્રણલોકને-કેવળજ્ઞાનમાં એક સાથે જાણે છે, છતાં તેમને રાગ
PDF/HTML Page 3506 of 4199
single page version
થતો નથી. પરજ્ઞેયોને જાણતાં જીવને વિકાર થાય છે એમ નથી, પરંતુ અજ્ઞાની પ્રાણી બાહ્ય ચીજોને ઇષ્ટ-અનિષ્ટ અનુકૂળ-પ્રતિકૂળ માને છે તેથી તેને રાગદ્વેષ થાય છે, બાહ્ય પદાર્થો તેને રાગદ્વેષ કરે છે એમ નથી. આ ઠીક છે ને આ અઠીક છે એમ પરજ્ઞેયોમાં ઠીક-અઠીકની જૂઠી કલ્પના અજ્ઞાની કરે છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે, તે પરજ્ઞેયો તેને વિક્રિયા ઉપજાવતા નથી, વા તે જ્ઞેયોને જાણવાથી રાગાદિ થાય છે એમ નથી.
આ શરીર સુંદર મનોહર છે અને આ ઘરેણાં-ઝવેરાત એની મહાન શોભા છે- આમ શરીર અને ઘરેણાંમાં ઇષ્ટપણાની કલ્પના-ભ્રાન્તિથી જીવને તત્સંબંધી રાગ થાય છે, પણ તે શરીરાદિ બાહ્ય ચીજ કાંઈ એને રાગ કરાવે છે એમ નથી. વળી બાહ્ય જ્ઞેયોને જાણતાં રાગ થાય એવો જ્ઞાનનો પણ સ્વભાવ નથી. જુઓ, છે ને અંદર કે જ્ઞાયક આત્મા જ્ઞેયપદાર્થોથી ‘काम् अपि विक्रियां न यायात्’ જરાપણ વિક્રિયા પામતો નથી. ભાઈ! પરવસ્તુને જાણતાં વિક્રિયા પામે તો કેવળી પણ વિક્રિયા પામે, કેમકે કેવળી ત્રણકાળ ત્રણલોકને જાણે છે. (પરંતુ એમ છે નહિ.)
રાગનો પણ આત્મા જાણનાર છે, પણ રાગને જાણતાં એને રાગ થઈ જાય એવો એનો સ્વભાવ નથી. એ તો સાતમી ગાથામાં (ભાવાર્થમાં) આવી ગયું કે પર વસ્તુથી કાંઈ રાગ થતો નથી, પણ પર્યાયમાં પર તરફ બુદ્ધિ જતાં જે રાગી છે તેને રાગ થાય છે. શું કીધું? દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ તો આત્માની પર્યાય છે, તે પર્યાયને જાણતાં રાગ થાય એમ નહિ, પરંતુ રાગી છે તેને પર્યાયને-ભેદને જાણતાં રાગ થાય છે.
આત્મા વસ્તુ પૂર્ણ, અભેદ, એકરૂપ છે. તેમાં ભેદ પાડવો-આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ પાડવો-એ રાગ છે. કેવળી ભગવાન ભેદને જાણે પણ તેમને રાગ થતો નથી; અહીં તો પરને ને ભેદને જાણતાં રાગી જીવને રાગ થાય છે, કેમકે તેને પરમાં ને ભેદમાં ઠીક-અઠીકપણાની ભ્રાન્તિ છે, કલ્પના છે. પરને કે ભેદને જાણતાં રાગ થાય એમ નહિ, પણ પરને જાણતાં રાગી પ્રાણીને રાગ થાય છે એમ વાત છે. સમજાણું કાંઈ....? બાપુ! આ તો ન્યાયનો માર્ગ છે.
સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે-“અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય?
સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં
PDF/HTML Page 3507 of 4199
single page version
જુઓ, આમાં બહુ સરસ વાત કરી છે. પર્યાય છે તો પોતાની અવસ્થા, પણ પર્યાય અને ભેદ ઉપર લક્ષ જશે તો સરાગીને વિકલ્પ-રાગ થશે, નિર્વિકલ્પતા નહિ થાય, તેથી અભેદની દ્રષ્ટિ કરાવવા પર્યાય અને ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કહી ત્રિકાળી અભેદ વસ્તુનો આશ્રય કરાવવા તેને નિશ્ચય કહ્યો છે. આવો મારગ! ભાઈ! એક ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય. વીતરાગ થયા પછી કેવળી ભેદ અને અભેદ સઘળું જાણે છે, પણ વીતરાગ થયા બાદ ભેદને જાણતાં રાગ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-આ એક શુદ્ધ જ્ઞાયક આત્મા જ્ઞેયપદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. જેમ દીવો પ્રકાશવાયોગ્ય પદાર્થોને પ્રકાશવા છતાં વિક્રિયા પામતો નથી. દીવો દીવો જ છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો છે તે પરવસ્તુને જાણતાં કાંઈ વિક્રિયા પામતો નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે તેથી રાગદ્વેષ ઉત્પન્ન થઈ જતા નથી, પણ રાગી જીવો તેમાં ઠીક-અઠીકપણું કરે તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હવે કહે છે-
‘ततः इतः’ તો પછી ‘तद्–वस्तुस्थिति–बोध–वन्ध्य–धिषणाः एते अज्ञानिनः’ એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો ‘किम् सहजाम् उदासीनताम् मुञ्चन्ति, रागद्वेषमयी–भवन्ति’ પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે.)
ભાઈ! તારો સ્વભાવ તો જ્ઞાન છે, છતાં તું ‘बोधवन्ध्य’ જ્ઞાનથી વિધુર-ખાલી કેમ થઈ ગયો? તારા સ્વભાવને તું કેમ ભૂલી ગયો? જાણવું-દેખવું બસ એવો સહજ ઉદાસીનતાનો ભાવ તેને છોડીને અરેરે! તું રાગદ્વેષમય કેમ થયો? અજ્ઞાનીઓ પ્રતિ આચાર્યદેવ આમ ખેદ વ્યક્ત કરે છે. આચાર્યદેવને ખેદ થયો છે તે કરુણાનો રાગ છે. પોતે મુનિ છે ને? કેવળી નથી; કિંચિત્ રાગ હજી વિદ્યમાન છે એટલે આવી કરુણા થઈ આવી છે.
સર્વજ્ઞ પરમેશ્વર પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે. એમને ઠીક છે એમ માનતાં રાગ થાય છે. આચાર્ય કહે છે-અરે તને આ રાગ કેમ થાય છે? જાણવારૂપ સહજ ઉદાસીનતાને છોડીને તું રાગી કેમ થાય છે? પરને જાણતાં રાગ થાય એવો કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી, અને પરજ્ઞેયો તને રાગ કરાવે એવો જ્ઞેયોનો સ્વભાવ નથી. છતાં તું પરને ઇષ્ટ- અનિષ્ટ માની રાગદ્વેષમય કેમ થાય છે?
જુઓ, જ્ઞાનીને રાગ થાય છે તે પોતાની અસ્થિરતાને લઈને કમજોરીથી થાય છે.
PDF/HTML Page 3508 of 4199
single page version
પરજ્ઞેયોને જાણતાં અજ્ઞાનપણાનો રાગ એને થતો નથી. રાગ થાય છે તે બે પ્રકારથી થાય છે-કાં તો અજ્ઞાનથી થાય છે અથવા તો કમજોરીથી થાય છે; પરને લઈને રાગ થાય છે એમ બિલકુલ નથી. જ્ઞાનીને પોતાની કમજોરીવશ રાગ થાય છે, પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાજનિત રાગ તેને થતો નથી.
પંચાધ્યાયીમાં આવે છે કે-હે જ્ઞાની, તારો તો જ્ઞાન સ્વભાવ છે; બધું જાણ! જાણવામાં ક્યાં રાગદ્વેષ છે. પરમાં ઠીક-અઠીકની કલ્પના કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પંચપરમેષ્ઠી ઠીક છે એવી કલ્પના કરીશ તો તને રાગ થશે, પંચપરમેષ્ઠીને પરજ્ઞેયપણે માત્ર જાણીશ તો રાગ નહિ થાય. લ્યો, આવી વાત છે. હવે બીજા સાથે આમાં ક્યાં મેળ ખાય?
‘જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. જ્ઞેયને જાણવામાત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. જ્ઞેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગી-દ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે’
અહાહા...! આત્મા સદા એક જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે. તેનો સ્વભાવ જ્ઞેયને માત્ર જાણવાનો જ છે. જ્ઞેયને જાણવામાત્રથી કાંઈ વિકાર થતો નથી. પરંતુ જ્ઞેયોને જાણી તેમાં ભલા-બુરાની કલ્પના-ભ્રાન્તિ કરવાથી વિકાર-રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે અજ્ઞાન છે. પરમાં ઠીક-અઠીકપણું માનતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય તે અજ્ઞાન છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ થાય તેની વાત નથી. આ તો પરજ્ઞેયોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની કલ્પના કરી જીવ રાગી-દ્વેષી થાય છે તે અજ્ઞાન છે એમ વાત છે. હવે કહે છે-
‘માટે આચાર્યદેવે શોચ કર્યો છે કે-“વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન-અવસ્થારૂપ કેમ રહેતો નથી?” આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ કર્યા છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઉપજે છે અને તેથી શોચ થાય છે.’
અહા! મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે છતાં આવો કરુણાનો શુભરાગ આવે છે. અહા! સાધુ એટલે પરમેષ્ઠી પદ! ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહૂણં’ એમ ધવલમાં પાઠ છે.
PDF/HTML Page 3509 of 4199
single page version
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સિદ્ધાણં,
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી આઇરિયાણં,
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી ઉવજ્ઝાયાણં,
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહૂણં.
મૂળ પાઠ આમ છે; પછી ટૂંકુ કરી નાખ્યું છે. બધા જ બોલમાં ‘ત્રિકાલવર્તી’ શબ્દ પડયો છે. આમ ભૂત-વર્તમાન-ભાવિ તીર્થંકરોને નમસ્કાર હો એવો શુભભાવ મુનિને પણ આવે છે. પણ તે અજ્ઞાનજનિત નથી, ચારિત્રદોષ છે. પરથી મને રાગ થાય એમ માનવું તે અજ્ઞાન છે; મુનિરાજને. એવું અજ્ઞાન નથી. સ્વરૂપસ્થિરતા સંપૂર્ણ થઈ નથી તેથી અશુભથી બચવા એવો શુભભાવ આવે છે તે ચારિત્રનો દોષ છે. પરને લઈને મને રાગ થાય એમ માને તે મિથ્યાત્વનો દોષ છે. મુનિરાજને તો મિથ્યાત્વ સહિત ત્રણ કષાયનો અભાવ છે. અહો! મુનિરાજ તો જાણે ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગી શાન્તિનો સમુદ્ર!
આચાર્યદેવને કરુણાનો ભાવ થયો છે તે રાગ છે, ચારિત્રનો દોષ છે; શ્રદ્ધામાં કાંઈ દોષ નથી, શ્રદ્ધા તો અચલ છે, અવિચલ છે. ગાથા ૩૮ની ટીકામાં આચાર્યદેવ સ્વયં કહે છે કે-અમને જે શ્રદ્ધાન પ્રગટ થયું છે તે અપ્રતિહત છે, મોહને અમે ફરીથી અંકુર ન ઉપજે તેમ મૂળમાંથી જ ઉખાડી દીધો છે, તેથી હવે અમે પડવાના નથી. અમારું સમક્તિ અપ્રતિહત છે. અસ્થિરતાવશ કિંચિત્ રાગ આવ્યો છે, પણ શ્રદ્ધામાં ભૂલ નથી.
મુનિરાજને શોચ થયો છે તે રાગ છે, એટલું દુઃખ પણ છે, આનંદની દશામાં એટલી કચાશ છે. પણ જ્યાં સુધી અસ્થિરતાની દશા છે ત્યાં સુધી પ્રાણીઓને દુઃખી દેખી આવી કરુણા થઈ આવે છે. મુનિરાજને જેટલો વીતરાગ-ભાવ પ્રગટયો છે તે મોક્ષમાર્ગ છે, અને જે પંચમહાવ્રતાદિનો રાગ આવે છે તે પરમાર્થે દોષ છે, જગપંથ છે, એટલો હજુ સંસાર છે.
અજ્ઞાનીને દુઃખી દેખીને કરુણા ઉપજી છે એમ નહિ, પણ પોતાની ભૂમિકા અસ્થિરતાની છે, સરાગ છે એટલે પર તરફ લક્ષ જતાં પોતાને કરુણાનો રાગ થઈ આવ્યો છે. આવી વાત છે.
હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
PDF/HTML Page 3510 of 4199
single page version
‘राग–द्वेष–विभाव–मुक्त–महसः જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે ‘नित्यं स्वभाव–स्पृशः’ જેઓ સદા (પોતાના ચૈતન્ય ચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે ‘पूर्व–आगामि–समस्त–कर्म–विकलाः’ જેઓ ભૂતકાળનાં તેમ જ ભવિષ્યકાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને ‘तदात्व–उदयात्–भिन्नाः’ જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, ‘दूर–आरूढ–चरित्र–वैभव–बलात् ज्ञानस्य सञ्चेतनाम् विन्दन्ति’ તેઓ (-એવા જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે....
જુઓ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પછી ચારિત્રની વાત કરે છે. જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થતાં તે જ્ઞાની થયો, તેને જ્ઞાનચેતના છે. તેને કર્મચેતના અને કર્મફળચેતનાનું સ્વામીપણું નથી છતાં એનું વેદન તેને ગૌણપણે હોય છે. અહીં ચારિત્રમાં તે કર્મચેતના અને કર્મફળચેતનાનો અભાવ કરે છે. કહે છે-જેમનું તેજ રાગ-દ્વેષરૂપ વિભાવથી રહિત છે. અહાહા...! સ્વરૂપની ઉગ્ર રમણતા થઈ તેને ચૈતન્યતેજમાં રાગદ્વેષનો અભાવ છે.
આત્મા અનંતગુણથી શોભાયમાન શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે. તેનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય તેમાં અનંત ગુણની વ્યક્તતાનો અંશ અનંતમા ભાગે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં ભેગો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પણ અંશે આવે છે. હવે આવી વાત સંપ્રદાયમાં છે જ ક્યાં? ભાઈ! આત્મામાં જેટલા ગુણો છે તે બધાનો એક અંશ વ્યક્ત થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. ‘સર્વ ગુણાંશ તે સમકિત’ -આમ વ્યાખ્યા છે. ચારિત્રમાં તો ગુણોની ઘણી વ્યક્તતા થાય છે, અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ વ્યક્તતા થાય છે. સમકિતમાં સર્વ ગુણોનો એક અંશ પ્રગટ વેદનમાં આવે છે, જ્યારે ચારિત્રમાં ઉગ્ર સ્વસંવેદન હોય છે.
જુઓ, ચોથા ગુણસ્થાને ત્રણ કષાય બાકી છે, અંશે ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. સંયમ નામ પામે એવી સ્થિતિ ત્યાં નથી. ચોથા કરતાં પાંચમા ગુણસ્થાને વ્યક્તતા વિશેષ અંશે છે, અને મુનિરાજને તો વ્યક્તતાનો અંશ ઘણો જ વધી ગયો હોય છે. મુનિરાજને પ્રચુર સ્વસંવેદન હોય છે, તેને તો અંદર અતીન્દ્રિય આનંદના ઉભરા આવે છે. વીતરાગ આનંદ અને શાંતિ જેમાં અતિ ઉગ્રપણે અનુભવમાં આવે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં તો ઘણી વ્યક્તતાનો અંશ બહાર પર્યાયમાં પ્રગટ થાય છે; છતાં તે પૂર્ણ નથી; પૂર્ણ તો કેવળીને થાય છે.
ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા એ પરમાર્થે સમકિત નથી અને બહારના વ્રત, તપ, ભક્તિ એ કાંઈ ચારિત્ર નથી. વ્રત, ભક્તિના પરિણામ તો રાગ છે, આસ્રવ છે. અહીં કહે છે-જેમનું તેજ રાગદ્વેષ રહિત થઈ ગયું છે-જુઓ આ ચારિત્રની
PDF/HTML Page 3511 of 4199
single page version
અહાહા...! અંદર અનંત ગુણથી ભરેલો નિર્મળાનંદ ચૈતન્યબિંબ પ્રભુ ભગવાન આત્મા છે. આવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગદ્વેષથી રહિત હોય છે. બહારમાં દેહની દશા વસ્ત્રરહિત હોય છે અને અંદરમાં ચૈતન્યનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત હોય છે. પુનમે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયો પૂરણ ઉછળે તેમ કેવળજ્ઞાનમાં પૂરણ આનંદની ભરતીથી આત્મા ઉછળે છે. અહીં હજુ ચારિત્રની વાત છે. તો કહે છે-ચૈતન્યનું તેજ રાગદ્વેષ રહિત થઈને ઘણું જ ખીલી ગયું છે અને જેમાં પ્રચુર આનંદનું વેદન થાય છે તેનું નામ ચારિત્ર છે. લ્યો, આવી વાત છે. વળી વિશેષ કહે છે-
‘જેઓ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શે છે’ -મુનિરાજને છઠ્ઠે ગુણસ્થાને જરીક વિકલ્પ આવે પણ તરત જ સાતમે ચઢી અંદર આનંદને સ્પર્શે છે. અહાહા...! મુનિરાજ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શનારા એટલે અનુભવનારા છે, વેદનારા છે. ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ કોઈવાર જામે, બે દિવસે, પંદર દિવસે મહિને, બે મહિને જામે, પણ દિગંબર ભાવલિંગી સંત મુનિવરને તો વારંવાર શુદ્ધ-ઉપયોગ આવી જાય છે. છઠ્ઠે ગુણસ્થાને પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ તો એને બોજો લાગે છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને વ્રતનો વિકલ્પ ઉઠે તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે, અનુભવે છે. છઠ્ઠેથી સાતમે વારંવાર મુનિરાજ સ્પર્શે છે તેથી અહીં ‘નિત્યં સ્વભાવસ્પૃશઃ’ એમ કહ્યું છે.
અહાહા...! આ સમયસાર તો કેવળજ્ઞાનનો વિરહ ભુલાવે એવી અદ્ભુત અલૌકિક ચીજ છે. કહે છે- ‘જુઓ ભૂતકાળનાં તેમ જ ભવિષ્યકાળનાં સમસ્ત કર્મથી રહિત છે’ - જુઓ આ ચારિત્રદશા! ભૂતકાળના રાગથી રહિત તે પ્રતિક્રમણ છે અને ભવિષ્યકાળના રાગથી રહિત તે પ્રત્યાખ્યાન છે. અને વર્તમાન રાગથી રહિત તે આલોચના છે.
PDF/HTML Page 3512 of 4199
single page version
ત્રણેય વાત કળશમાં કરી છે. ભાઈ! સમસ્ત કર્મથી રહિત એવી દશાનું નામ ચારિત્ર છે બાપા! ચોથે ગૃહસ્થને અને પાંચમે શ્રાવકને તો આર્ત્ત-રૌદ્રધ્યાન પણ હોય છે. પરને કારણે નહિ, પણ એવી અસ્થિરતા તે દશામાં હોય છે.
જુઓ, અષ્ટાપદ પર્વત પરથી ભગવાન શ્રી ઋષભદેવ મોક્ષ પધાર્યા તેની ખબર પડતાં ભરતની આંખમાં આંસુ છલકાયાં. અહા! ભરત સમકિતી છે, જ્ઞાની છે, છતાં ભગવાનના વિરહમાં તે રડે છે. એમ કે-અરે! ભરતક્ષેત્રનો ચૈતન્યસૂર્ય અસ્ત થઈ ગયો, ભગવાનના વિરહ પડયા’ -એમ ભરતજી રડે છે. ત્યારે ઇન્દ્ર તેમને સમજાવે છે કે-અરે! ભરતજી, આ શું? તમે તો આ ભવે મોક્ષ જશો, તેમને આ રુદન ન સુહાય. ભરત કહે છે-ખબર છે, પણ અસ્થિરતાવશ રાગ આવી ગયો છે, અમે તો એના જ્ઞાતા છીએ, કર્તા નથી. જુઓ, જ્ઞાનીને પણ કમજોર ભૂમિકામાં રાગ થઈ જતો હોય છે. અહીં મુનિરાજને તો રાગરહિત ચૈતન્યતેજ પ્રગટયું છે, વારંવાર આત્મસ્પર્શ કરે છે અને સમસ્ત કર્મથી રહિત થયા છે એની વાત છે.
જેઓ ‘तदात्व–उदधात् भिन्नाः’ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. જુઓ, બારમી ગાથામાં ‘तदात्वे’ શબ્દ આવ્યો છે. परिज्ञायमानः तदात्वे प्रयोजनवान्’ (વ્યવહારનય) તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. મતલબ કે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન-દર્શન નિર્મળ થયાં છે પણ હજુ પર્યાયમાં (ચારિત્રની) અશુદ્ધતા છે તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે. તેને સમયે સમયે શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે- તે તે કાળે જાણેલ પ્રયોજનવાન છે એમ ત્યાં વાત છે. અહીં ‘तदात्व’ એટલે વર્તમાન જે ઉદય આવે છે તેનાથી એ ભિન્ન થયો છે એમ વાત છે. ભાઈ! આ તો અધ્યાત્મનું શાસ્ત્ર! બહુ ગંભીર.
અહાહા...! મુનિરાજને આનંદના પ્રચુર સ્વસંવેદનજનિત પ્રચુર નિજવૈભવ પ્રગટ થયો છે. ભૂતકાળના કર્મથી તે પાછા વળી ગયા છે તે પ્રતિક્રમણ છે, ભવિષ્યના કર્મથી પાછો વળ્યો છે તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન કર્મોદયથી ભિન્ન થયા છે તે સંવર અને આલોચના છે. અહાહા...! વર્તમાન કર્મ ઉદયમાં આવે તેનાથી એ ભિન્ન પડી ગયો છે. પ્રભુ! તારી મોટપનું શું કહેવું? એનો કાંઈ પાર નથી; અને હીણપ તો માત્ર જાણેલી પ્રયોજનવાન છે, આદરેલી નહિ. એમ કે હીણપ જાણે તો હીણપને છોડી આગળ વધે છે. સમજાણું કાંઈ...?
આમ સમસ્ત કર્માથી ભિન્ન છે એવા તેઓ (-જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- ‘चञ्चत्–चिद्–अर्चिर्मयी’ કે જે જ્ઞાનચેતના ચમકતી ચૈતન્યજ્યોતિમય છે અને स्वरस–अभिषिक्त–भुवनाम्’ જેણે નિજરસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સીંચ્યો છે.
PDF/HTML Page 3513 of 4199
single page version
અહા! મુનિરાજ પોતાના સ્વરૂપમાં અતિ દ્રઢ ગાઢ-પ્રગાઢ રમણતા કરે તે ચારિત્ર છે, અને તે મુનિરાજનો નિજવૈભવ છે. જુઓ આ નિજવૈભવ! હજારો શિષ્ય હોય ને બહુ શાસ્ત્રજ્ઞાન હોય, લાખો માણસો એને પ્રવચનમાં સાંભળતા હોય તે નિજવૈભવ નહિ. એ તો બધી બહારની ચીજ પ્રભુ! આ તો અંતરંગ સ્વસ્વરૂપમાં અતિ ગાઢ લીનતા-રમણતા કરે તે ચારિત્ર અને તે નિજવૈભવ-એમ વાત છે. અહાહા...! આવા ચારિત્રના વૈભવના બળથી જ્ઞાની જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. અહાહા...! ચારિત્રમાં અંદર એકાગ્રતા એવી દ્રઢ વર્તે છે કે એકલો જ્ઞાનચેતનાના સંવેદનમાં તે પડયો છે. અહો! આવી અલૌકિક મુનિદશા છે ભાઈ! અત્યારે તો બધો ફેરફાર થઈ ગયો, બહારમાં દ્રવ્યલિંગનાંય ઠેકાણાં ન મળે. ભાઈ! આ તને માઠું લગાડવાની વાત નથી. આ તો તારા હિતની વાત છે પ્રભુ! અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે એને ઢંઢોળીને એમાં જ લીન-પ્રલીન થઈ પ્રચુર અતીન્દ્રિય આનંદને વેદે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ...!
અહાહા...! જ્ઞાની જ્ઞાનની સંચેતનાને વેદે છે. કેવી છે તે જ્ઞાન-સંચેતના? તો કહે છે-ચમકતી ચૈતન્યજ્યોતિમય છે. અહાહા...! જેની જ્ઞાન-પર્યાયમાં ચૈતન્યનો ચમકતો પ્રકાશ પ્રગટી ગયો છે. ચોથા ગુણસ્થાને ચૈતન્યનો અલ્પ પ્રકાશ છે, પણ ચારિત્રમાં ગાઢ અંતર્લીનતા થતાં ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. અહાહા...! આ તો અંતરદશાને જડ ભાષામાં કેમ કહેવી? ભાષા ઓછી પડે છે ભાઈ! ‘ચમકતી ચૈતન્યજ્યોતિમય છે’ -એમ કહ્યું એમાં સમજાય એટલું સમજો બાપુ!
વળી કેવી છે તે જ્ઞાનચેતના? તો કહે છે-જેણે નિજરસથી સમસ્ત લોકને સિંચ્યો છે. એટલે શું? કે એવી જ્ઞાનની દશા પ્રગટી કે તેમાં લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. નિજરસથી-જ્ઞાનરસથી સમસ્ત લોકને સિંચ્યો છે એટલે જ્ઞાનમાં છ દ્રવ્યમય લોક આખો જાણી લીધો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે થઈને મોક્ષ છે; એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ નથી એમ અહીં કહેવું છે. જ્ઞાનસંચેતનાનું અતિ ઉગ્ર વેદન થતાં જ્ઞાનની પૂરણ દશા પ્રગટ થઈ જાય છે, અને એ પૂરણ જ્ઞાન પ્રગટતાં તેમાં લોકાલોક જણાઈ જાય છે. આવી વાત છે.
‘જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે.’
સમકિતીને ત્રણ કષાય વિદ્યમાન છે. તેને હજી રાગ-દ્વેષ છે. પાંચમા ગુણસ્થાનવર્તી
PDF/HTML Page 3514 of 4199
single page version
શ્રાવકનેય હજુ રાગદ્વેષ છે, આસ્રવ-બંધ છે. દુઃખ છે. અહીં કહે છે-જેને રાગદ્વેષ ગયા અને પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ-વીતરાગમૂર્તિ પ્રભુ આત્માનું જેને ગાઢ સ્પર્શન-વેદન થયું છે અને જેને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણેકાળના કર્મનું મમત્વ ગયું છે તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. અહા! આવું ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! પંચ પરમેષ્ઠીપદમાં જેનું સ્થાન છે, જેમાં પ્રચુર આનંદની દશા અનુભવાય છે અને જેમાં સ્વરૂપરમણતાનું અતિશય તેજ પ્રગટે છે એવું ચારિત્ર લોકમાં ઉત્તમ પદાર્થ છે.
‘તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
જુઓ, ચોથા ને પાંચમા ગુણસ્થાને હજુ કર્મચેતના ને કર્મફળચેતના હોય છે, સ્વામીપણે નહિ, પણ વેદનપણે હોય છે. મુનિને કર્મચેતના ને કર્મફળચેતના નથી, તેને જ્ઞાનચેતના છે. શું કીધું? પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને હરખ-શોકને વેદવું તે કર્મફળચેતના-એ મુનિને નથી. એનાથી જુદી નિજ જ્ઞાનાનંદ સ્વરૂપના પરિણમનરૂપ જ્ઞાનચેતનાનું અનુભવન તેને હોય છે. રાગનું કરવું ને રાગનું વેદવું મુનિને છૂટી ગયું છે, એને તો એકલું આનંદનું વેદન છે. અહાહા...! આવા ચારિત્રવંત મુનિ મોક્ષની તદ્ન નજીક હોય છે.
પણ લોકો કહે છે-તમે (-કાનજીસ્વામી) મુનિને માનતા નથી ને! મુનિને કોણ ન માને ભાઈ! એ તો પરમેશ્વર પદ છે. બાપુ! પણ યથાર્થ મુનિ પણું હોવું જોઈએ ને! કહ્યું ને કે-તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે. અહાહા...! આવી અલૌકિક મુનિદશા હોય છે.
‘અહીં તાત્પર્ય આમ જાણવુંઃ- જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ -પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે.’
તાત્પર્ય એટલે સાર એમ જાણવો કે જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણે અને એનું દ્રઢ શ્રદ્ધાન કરે છે. ત્યાં એને પુણ્ય-પાપના જે ભાવ થાય તે કર્મચેતના છે. શું કીધું? શુભભાવ હો કે અશુભભાવ હો-બન્નેય રાગ છે, વિપરીત ભાવ છે અને તે કર્મચેતના છે. કર્મ
PDF/HTML Page 3515 of 4199
single page version
રાગમાં હરખ થવો અને દ્વેષમાં કંટાળો થવો, અણગમો થવો-તે હરખ-શોકનું જે વેદવું થાય તે કર્મફળચેતના છે. કર્મચેતનારૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ, દુઃખ, હરખ, શોકનું વેદવું જે થાય કર્મફળચેતના છે. કર્મફળ એટલે જડકર્મનું ફળ એમ વાત અહીં નથી.
આત્માનો જે શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપરૂપ શુભા- શુભભાવ છે તેને અહીં વિકારી કાર્યરૂપ કર્મચેતના કહેલ છે, અને તેના ફળ તરીકે હરખ- શોકનું વેદન થવું તે કર્મફળચેતના છે. જડકર્મ અને જડકર્મનું ફળ-એમ આ વાત નથી. શુભાશુભ રાગ થાય તેમાં આ ઠીક છે એવું જે હરખનું-સુખનું વેદન થાય તે કર્મફળચેતના છે, અને તેમાં આ અઠીક છે એવું જે દુઃખનું-શોકનું વેદન થાય તેય કર્મફળચેતના છે.
આ કર્મચેતના ને કર્મફળચેતના-બન્ને આસ્રવ છે. બંધનું કારણ છે, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. આત્માના નિરાકુલ આનંદસ્વભાવથી બંને વિરુદ્ધ ભાવ છે. પુણ્ય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક તેમાં એકાગ્ર થવું તે બધું દુઃખનું વેદન છે ભાઈ! બન્ને ચેતના એક સાથે જ હોય છે. રાગ વખતે જ રાગનું વેદન છે. જુઓ સમયસાર ગાથા ૧૦૨માં આવ્યું છે-
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२।।
જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો આત્મા ખરેખર કર્તા છે, તે ભાવ તેનું કર્મ થાય છે, અને આત્મા તે ભાવરૂપ કર્મનો ભોક્તા થાય છે. છે? પ્રભુ! એકવાર તું સાંભળ. આત્મા, અહાહા...! ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન એકલા અનાકુળ આનંદના રસનું દળ છે. તેમાં જેટલા પુણ્ય-પાપના ભાવ તેની પર્યાયમાં થાય તે બધા આત્માની શાંતિ અને આનંદથી વિરુદ્ધ છે. અહીં શુભ-અશુભ ભાવને કર્મ કહ્યું. કર્મ એટલે કાર્ય-તે કર્મચેતના છે. અને તે કાળે તેનું વેદન થવું તે કર્મફળચેતના છે. જડ (પુદ્ગલ) કર્મ અને કર્મફળની વાત નથી. ભાઈ! જે શુભાશુભ ભાવ થાય તે ધર્મ નથી, કર્મ છે, કર્મચેતના છે. સીધી ભાષામાં કહીએ તો એ બધાય ભાવ અધર્મ છે.
અહીં કહે છે-તે કર્મચેતના અને કર્મફળચેતના તે બન્ને વિપરીત, વિકારી ભાવ
PDF/HTML Page 3516 of 4199
single page version
છે, તેનાથી પહેલો શુદ્ધ ચેતનામાત્ર ભગવાન આત્માને ભિન્ન જાણવો. નવ તત્ત્વ કહ્યાં છે ને? તેમાં પુણ્ય, પાપ બે તત્ત્વો છે અને એનાથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન કહ્યું છે. શુભ-અશુભ ભાવ થાય અને તેનું વેદન હરખ-શોક થાય તે કાંઈ પરમાર્થે આત્મા નથી, ચૈતન્યતત્ત્વ નથી.
ભાઈ! આત્માનું હિત કરવું હોય તો સૌ પ્રથમ કર્મચેતના અને કર્મ ફળચેતનાથી જ્ઞાયકને ભિન્ન જાણવો. અહાહા...! પોતાની સહજ જ્ઞાનચેતના જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. પુણ્ય-પાપ અને તેના ફળમાં એકાગ્ર થવાનું છોડીને શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ જ્ઞાનચેતના છે. શુભ-અશુભનું વેદન છે તે તો ધ્રુવસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેની ઉપર ઉપર છે, અંદર તે પ્રવેશ કરતું નથી. અહાહા...! આત્મા જે એક જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. આત્મા કહો કે જ્ઞાનસ્વરૂપ કહો-એક જ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ પ્રથમ આગમપ્રમાણથી જાણવું. તીર્થંકરદેવની દિવ્યધ્વનિ છૂટી તેમાંથી સંતોએ શાસ્ત્ર રચ્યાં છે તે આગમ છે.
અહા! ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આચાર્યોએ આગમની રચના કરી છે. ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. તે આગમ-પ્રમાણથી, અહીં કહે છે, પુણ્ય-પાપ અને તેના ફળથી આત્મરૂપ જ્ઞાનચેતના ભિન્ન છે એમ પ્રથમ નક્કી કરવું. પંચમહાવ્રતના જે પરિણામ છે તે રાગ છે, આસ્રવ છે, આત્માના ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, અને એનાથી પોતાની નિર્મળ જ્ઞાનચેતનાપરિણતિ ભિન્ન છે એમ નક્કી કરવું એમ કહે છે. સમજાણું કાંઈ...? હવે આમાં ઓલા વ્યવહારના પક્ષવાળા રાડો પાડે, પણ ભાઈ! મહાવ્રતના પરિણામ છે તે ઉદયભાવ છે, જગપંથ છે, ચૈતન્યથી વિરુદ્ધ જાતિના છે. લ્યો, આમ આગમ-પ્રમાણથી જાણીને પ્રથમ નિર્ણય કરવો એમ કહે છે.
અહાહા....! ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ છે. અનાકુળ આનંદના રસથી આપૂર્ણ અર્થાત્ છલોછલ ભરેલું તત્ત્વ છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે જ્ઞાનચેતના છે, તે અનાકુળ આનંદરૂપ છે. અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણથી જાણીને પહેલાં નક્કી કરવું અને તેનું દ્રઢ શ્રદ્ધાન કરવું. આવી વાત! સમજાણું કાંઈ...?
PDF/HTML Page 3517 of 4199
single page version
વળી કહે છે-રાગથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ અનુમાન-પ્રમાણથી જાણીને નક્કી કરવું. એટલે શું? કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, અને જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ. મતલબ કે દયા, દાન, આદિનો રાગ થાય તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આ પ્રમાણે અનુમાન-પ્રમાણથી જાણીને રાગથી ભિન્ન જ્ઞાનચેતનાનું સ્વરૂપ નક્કી કરવું.
જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવાની વિધિ છે. અહા! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે એમાં ઉપયોગની એકાગ્રતા થવી તે જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનું સ્વરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે એમ, કહે છે, પહેલાં આગમથી અને અનુમાનથી નક્કી કરવું.
હવે ત્રીજી વાતઃ આગમ-પ્રમાણ અને અનુમાન-પ્રમાણથી જાણીને-નક્કી કરીને; હવે કહે છે, સ્વસંવેદનપ્રમાણથી જાણે છે. જ્ઞાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદનપ્રમાણ છે. ચેતના ત્રણ પ્રકારે કહી-કર્મચેતના, કર્મફળચેતના અને જ્ઞાનચેતના. તેમાં કર્મચેતના ને કર્મફળચેતના વિભાવ દશા છે, વિકારી દશા છે, અને જ્ઞાનચેતના નિર્વિકાર નિર્મળ દશા છે. એ ત્રણેયને આગમ, અનુમાન અને સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણીને શ્રદ્ધાન કરવું.
હવે લોકોને બિચારાઓને આવો નિર્ણય કરવાની ક્યાં ફુરસદ છે? આખો દિ’ બાયડી-છોકરાં અને ધંધા-પાણીમાં-પ્રપંચમાં-પાપના ભાવમાં ચાલ્યો જાય. તેને સત્યાર્થ વસ્તુ સાંભળવાનોય જોગ ન હોય તે ક્યારે નિર્ણય કરે? પણ ભાઈ! એમાં તને મોટું નુકશાન છે બાપા! જીવતર ધૂળધાણી થઈ જશે અને તું ક્યાંય વહ્યો જઈશ ભાઈ! માટે કહે છે કે-આત્માનું હિત કરવું હોય તો રાગથી ભિન્ન તારી જ્ઞાનચેતનાનું સ્વરૂપ પ્રથમ આગમપ્રમાણથી અને અનુમાનપ્રમાણથી નક્કી કર અને પછી સ્વસંવેદન પ્રત્યક્ષથી સ્વસ્વરૂપના પ્રત્યક્ષ વેદનથી યથાર્થ નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કર.
આ સ્વસંવેદન પ્રમાણમાં આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન છે. સ્વસંવેદન અર્થાત્ પોતાનું ‘સં’ નામ પ્રત્યક્ષ વેદન તે સ્વસંવેદન છે અને તે વડે આત્માને જાણીને તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું. કે ‘આ આત્મા’ -એમ પ્રત્યક્ષ વેદનમાં લઈને તેનું શ્રદ્ધાન કરવું સ્વસંવેદનમાં જાણીને તેનું (આત્માનું) દ્રઢ શ્રદ્ધાન કરવું એમ કહે છે. (સ્વસંવેદનમાં જાણે તો શ્રદ્ધાન કરે એમ વાત છે).
અરે ભાઈ! ક્ષણે ક્ષણે તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. દેહ છૂટવાની ક્ષણ તો નિયત છે, તેમાં શું ફરે એમ છે? પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ સ્વસંવેદનપ્રમાણથી જાણી તેનું શ્રદ્ધાન કરવું એ આ મનુષ્યભવમાં કરવાયોગ્ય કાર્ય છે. ભાઈ! તું હમણાં નહિ કરે તો ક્યારે કરીશ? (એમ કે પછી અવસર નહિ મળે.)
PDF/HTML Page 3518 of 4199
single page version
જુઓ, અહીં કહે છે- ‘જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણ, અનુમાનપ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે.’
ચોથા ગુણસ્થાને અવિરત દશામાં આવું સ્વસંવેદન અને શ્રદ્ધાન હોય છે. આ ગુણસ્થાને હજુ પુણ્ય-પાપના ભાવ, વિષયવાસનાના ભાવ હોય છે. પણ પ્રતીતિમાં આવી ગયું છે કે હું આસ્રવથી ભિન્ન એક જ્ઞાયક તત્ત્વ છું, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છું અને રાગથી એકતા તૂટી ગઈ છે, રાગનું એને સ્વામિત્વ નથી, તથાપિ પુણ્ય-પાપના પરિણામથી સર્વથા નિવૃત્તિ નથી.
વળી અંદર શાંતિ અને શુદ્ધિની વિશેષતા થઈ છે, વૃદ્ધિ થઈ છે તે પાંચમું દેશવિરત ગુણસ્થાન છે. તેને પણ આવું સ્વસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન દ્રઢ હોય છે. ત્યાં પણ સર્વવિરતિ નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનની પ્રથત્ત દશામાં પણ આવું સ્વસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે. ત્યાં મુનિને પણ સંજ્વલનનો કિંચિત્ રાગ હોય છે; સર્વથા નિરાસ્રવ નથી. પંચમહાવ્રત સમિતિ, ગુપ્તિ, નિજસ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિનો કિંચિત્ રાગ આવે છે એટલે હજુ આસ્રવ છે. જો કે આ દશામાં શુદ્ધિની વૃદ્ધિ સવિશેષ છે, તથાપિ સર્વ રાગનો અભાવ નથી. આ પ્રમાણે સ્વસંવેદનસ્વરૂપ જ્ઞાનચેતનાનું આગમ, અનુમાન અને સ્વાનુભવથી વેદન આ ત્રણે અવસ્થામાં-ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને હોય છે.
હવે કહે છે- ‘અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.’
જુઓ, છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ કષાયનો અભાવ છે, પણ હજુ વ્રતાદિનો વિકલ્પ છે તેથી તે તદ્ન નિરાસ્રવ નથી. છઠ્ઠા ગુણસ્થાનવાળાને સાસ્રવસમકિતી કહ્યો છે; કેમકે હજુ પ્રમાદ દશા છે, વ્રત, તપ, દયા આદિના વિકલ્પ છે. તેથી ત્યાં પણ જ્ઞાનચેતનાથી દ્રઢ શ્રદ્ધા અને જ્ઞાન છે. પરંતુ જ્યારે અપ્રમત્ત દશા થાય છે ત્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે. જો કે ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેની અહીં ગણત્રી નથી. અંદર ધ્યાનમાં એવો જામી જાય છે કે જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય અને ધ્યાન, ધ્યાતા, ધ્યેયનો કોઈ ભેદ જ રહેતો નથી. ભાઈ! આ ચારિત્રના અંતર-વૈભવની અપૂર્વ વાતો છે. અહો! આ અલૌકિક ગાથાઓ છે.
અહા! પ્રમત્ત અવસ્થાનો ત્યાગ થતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પોતાના સ્વરૂપનું
PDF/HTML Page 3519 of 4199
single page version
જ ધ્યાન હોય છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી તે સાસ્રવ છે, નિરાસ્રવ નથી. ત્યાં તો વિશેષ એમ પણ વાત કરી છે કે-મહાવ્રતનો જે શુભરાગ છે તેને જે ઉપાદેય માને તેને આત્મા હેય છે, અને જેને આત્મા ઉપાદેય છે તેને સર્વ રાગ હેય છે. અહા! મુનિરાજ સાતમે ગુણસ્થાને સર્વ વિકલ્પ તોડીને એક સ્વરૂપનું જ ધ્યાન કરે છે. આવી અપ્રમત દશા નિરાસ્રવ છે. વળી જ્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે તે કાળે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચઢી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાન કર્યું હતું કે હું તો શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું, પણ હજુ આસ્રવરહિત થયો ન હોતો, છઠ્ઠે કાંઈક અસ્થિરતા હતી. હવે તે અસ્થિરતા ટાળી પોતાના સ્વરૂપમાં લીન-સ્થિર થાય છે. આ સાતમા ગુણસ્થાનની વાત છે. પછી શ્રેણી ચઢી, કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
મુનિરાજને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે, પણ જ્યાં સુધી હું શુદ્ધ છું, પૂર્ણ એક જ્ઞાનસ્વરૂપ છું એવી વૃત્તિનું ઉત્થાન છે ત્યાં સુધી, જો કે ત્યાં મહાવ્રતનો વિકલ્પ નથી છતાં સાસ્રવ દશા છે. તેને સવિકલ્પ નિશ્ચિય મોક્ષમાર્ગ કહે છે. અને જ્યારે તે અંતર્બાહ્ય જલ્પથી રહિત, સર્વ વિકલ્પરહિત થઈને સ્વસ્વરૂપમાં જ ઠરી જાય છે, લીન થઈ જાય છે ત્યારે સમાધિની દશા પ્રગટ થાય છે. ત્યાં સ્વરૂપસ્થિરતાની જમાવટ વધતાં વધતાં પૂરણ આનંદ અને પૂરણ કેવળજ્ઞાનની દશા પ્રગટ થાય છે અને ત્યારે તે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
જુઓ, ઓલી વૃત્તિ (વિકલ્પ) ઉઠે તેથી કેવળજ્ઞાન થાય છે એમ નહિ. એ વૃત્તિ- વિકલ્પ તો કૃત્રિમ ઉપાધિ છે. અને આ બહારનું શરીર છે એ હાડકાની ચમક છે. આ તો અંદર આનંદનો નાથ સહજાનંદ નિર્મળાનંદ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે તેમાં ઉપયોગ જામી-ઠરી જાય તે જીવ શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
જુઓ, કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાનો મુખ્ય ના કરીએ તો, સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
શું કીધું? કે જીવને સર્વજ્ઞપદ પ્રગટ થયા પહેલાં નિર્વિકલ્પ અનુભવના કાળે
PDF/HTML Page 3520 of 4199
single page version
ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. આત્મા પૂર્ણાનંદઘન ચૈતન્યઘન પ્રભુ છે. તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ થયો અને તેને સ્પર્શીને જે જ્ઞાન (સ્વ-સંવેદનજ્ઞાન) થયું તેને અહીં જ્ઞાનચેતના કહે છે. ધર્મની પહેલી દશા થતાં નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્ઞાનચેતના હોય છે.
અજ્ઞાની જીવ અનંતકાળથી આજ સુધી કોઈ દિ’ સમ્યગ્દર્શન પામ્યો નથી; એનો ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાં જોડાણો નથી. એનો વર્તમાન ઉપયોગ પુણ્ય-પાપ અને તેના ફળમાં જોડાયેલો હોય છે. તેથી અજ્ઞાનીને અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતના વર્તે છે. હવે જ્યારે જે જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે જ્ઞાન અને આનંદનું દળ એવા આત્માનો એને સ્પર્શ થાય છે. તે અંદર જાગ્રત થઈને નિજ જ્ઞાનસ્વભાવને ચેતે છે. તે કાળે તેનો ઉપયોગ શુદ્ધ નિર્વિકલ્પ હોય છે. તેના ઉપયોગમાં ધ્યાન ત્રિકાળી દ્રવ્યનું હોય છે. તે કાળે તેને ઉપયોગાત્મક જ્ઞાનચેતનારૂપ પરિણમન હોય છે. બુદ્ધિપૂર્વકનો રાગ તેને છૂટી જાય છે. અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન પોતે છે તેના વેદનમાં ઉપયોગ અંતર્લીન થયો હોય છે અને ત્યારે અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ છે અને આ નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં નિજ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. હવે કહે છે-
જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે. એટલે શું? કે સમ્યગ્દ્રષ્ટિને લબ્ધરૂપ જ્ઞાનચેતના સદાય રહે છે. જ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપથી ખસી જતાં સમકિતીને વિકલ્પ આવે છે છતાં તે જીવને સમ્યગ્દર્શન- જ્ઞાન થયું છે, જ્ઞાનચેતના પ્રગટી છે તે તેને કાયમ રહે છે. ચાહે તો વેપાર ધંધામાં ઉભો હોય કે અન્ય વિકલ્પમાં હોય, હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એવું ભાન એને નિરંતર રહે જ છે; તે કદીય વિકલ્પ સાથે તદ્રૂપ થતો નથી. અહો! ભગવાન કેવળી અને તેમના કેડાયતી સંતો આવો અદ્ભુત વારસો મૂકી ગયા છે, પણ ભાઈ તું નજર કરે તો ને!
સમકિતીને કર્મચેતના અને કર્મફળચેતના હોતી નથી. એટલે શું? તેને પુણ્ય-પાપના વિકલ્પ અને હરખ-શોકનું વેદન હોતું જ નથી એમ નહિ, પણ તેને કર્મના અને કર્મફળના સ્વામિત્વપણે પરિણમન નથી. તેને પુણ્ય-પાપના વિકલ્પો અને હરખશોકના વેદનનું સ્વામિત્વ નથી, નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે જ તે પરિણમતો હોય છે. તે તો પુણ્ય-પાપ આદિ ભાવોનો માત્ર જ્ઞાતા જ રહે છે. પુણ્ય-પાપ આદિ ભાવોનું પરિણમન છે, પણ તેને એનું સ્વામિત્વ નથી. તેથી દ્રષ્ટિની પ્રધાનતામાં જ્ઞાનચેતનાની મુખ્યતા કરી, કર્મચેતના અને કર્મફળચેતનાને ગૌણ ગણી તે એનામાં નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?