PDF/HTML Page 3801 of 4199
single page version
પ્રશ્નઃ– હા, પણ આ એક આંગળી બીજી સાથે જોડાયેલી તો છે? ઉત્તરઃ– જોડાયેલી નથી; એ તો બીજી આંગળીના અભાવસ્વરૂપ જ છે. જો એમ ન હોય તો બે ચીજ સિદ્ધ નહિ થાય. શું બે ચીજ કદી એક થાય? ન થાય; બે તો બે જ રહે. પણ એમ માન્યું ક્યારે? કે એક આંગળી બીજીપણે નથી, બીજીનું કાંઈ કરે જ નહિ- એમ યથાર્થ માને ત્યારે. અહા! ચૈતન્યપ્રકાશનો પુંજ જ્ઞાનસ્વરૂપી ભગવાન, આત્મા છે; એના જ્ઞાનમાં જ્ઞેયપણે જે અનંતા પર પદાર્થો જણાય છે ત્યાં ખરેખર તો એનું જ્ઞાન જ એને જણાય છે. પોતાની સ્વપરપ્રકાશક જ્ઞાનદશા છે તે એને જણાય છે; અને તે જ્ઞાનપણે જ આત્મા છે, પરજ્ઞેયપણે આત્મા નથી; પરજ્ઞેયપણે તો આત્મા અતત્સ્વભાવ છે એમ કહે છે. સમજાણું કાંઈ...? ભાઈ! આ તો એકલું માખણ છે બાપુ! વસ્તુનું અનેકાન્તસ્વરૂપ સમજે તો ન્યાલ થઈ જાય એવું છે.
ભાઈ! હું-આત્મા સ્વસ્વરૂપથી તત્ છું, તેમ પરથી પણ જો તત્ હોઉં તો પર અને આત્મા-પોતે એક થઈ જાય. બધું ભેળસેળ થઈ જાય, અથવા કાંઈ જ રહે નહિ. પણ એમ વસ્તુ નથી ભાઈ! હું પોતાપણે તત્ છું ને પરથી અતત્ સ્વભાવ જ છું. માટે બહારની સગવડતા હોય, ને ધનાદિ સંપત્તિ હોય તો મને ધર્મ થાય એમ વાત રહેતી નથી, અર્થાત્ એવી માન્યતા મિથ્યા માન્યતા છે, કેમકે પરપણે તું છો જ નહિ તો પરથી તારામાં કાંઈ થાય એમ કેમ બને? ભાઈ! આ બધી મિથ્યા-ઊંધી માન્યતા ફેરવે જ છૂટકો છે.
આ અનેકાન્ત તો અમૃત છે બાપુ! એને સમજી સ્વસ્વરૂપની અંતર્દષ્ટિ કરે તેને આનંદનો-અમૃતનો સ્વાદ આવે છે. આ મનુષ્યપણું પામીને કરવા જેવું કાંઈ હોય તો આ જ છે. મધ્યસ્થ થઈને સમજે તો આ સમજાય એવું છે. પોતાની ચીજ છે તે કેમ ન સમજાય? પણ વાદવિવાદથી આ પાર પડે એમ નથી. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે, એમ કે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ છે ઈત્યાદિ, પણ ભાઈ! શાસ્ત્રમાં લખ્યું છે તે મૂળ સત્યને રાખીને છે કે ઉડાડીને? મૂળ સિદ્ધાંતને (નિશ્ચયને) રાખીને વ્યવહારનયના કથનના અર્થ કરવા જોઈએ. સમજાણું કાંઈ...?
અહા! જ્ઞાનસ્વભાવી આત્મા તત્પણે છે, તે જ અતત્પણે છે, તે-પણે છે તે તે-પણે નથી. આમાં અપેક્ષા સમજવી જોઈએ બાપુ! શું જે અપેક્ષાએ તત્ છે તે જ અપેક્ષા અતત્ છે-એમ છે? એમ તો વિરુદ્ધ થઈ જાય; પણ એમ નથી. પોતે જ્ઞાનસ્વરૂપથી છે, ને અનંતા બીજા જ્ઞેયસ્વરૂપથી નથી એમ વાત છે. એનો અર્થ એ થયો કે અહીં જ્ઞાનની પર્યાય પરજ્ઞેયથી થાય છે એમ નથી. વળી જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેય જણાય છે માટે પરવસ્તુ જ્ઞેયપણે પરિણમે છે એમ પણ નથી. અહાહા....! જ્ઞેય પ્રમાણ જ્ઞાન છે માટે જ્ઞેય પરિણમે છે તો અહીં જ્ઞાનનું પરિણમન છે એમ નથી. જેમાં
PDF/HTML Page 3802 of 4199
single page version
જ્ઞેયો ઝળકે છે તે જ્ઞાન પોતાના સહજ પરિણમનસ્વભાવથી જ પરિણમે છે. કેવળજ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે, ને પરપણે નથી; માટે જ્ઞેયો ભિન્ન ભિન્ન (સમયે-સમયે) પરિણમે છે માટે જ્ઞાનને (કેવળજ્ઞાનને) ભિન્ન ભિન્ન પર્યાયે પરિણમવું પડે છે એમ નથી. જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ કોઈ માને એને તો પોતાના જ્ઞાનસ્વભાવની અને એના પરિણમનસ્વભાવની ખબર નથી, અર્થાત્ એને પોતાના સ્વભાવનો જ નિષેધ-નકાર વર્તે છે. ભાઈ! જે-પણે આત્મા-જ્ઞાન નથી એનાથી એ જાણે એ કેમ બને! કદીય ના બને. જ્ઞાન પરજ્ઞેયપણે નથી, તેથી પરજ્ઞેયથી જ્ઞાનનું પરિણમન થાય એમ ત્રણકાળમાં બની શકે નહિ. પ્રભુ! તારા સત્ત્વનો એમ (મિથ્યા માન્યતા વડે) નકાર ન કરાય. તને વસ્તુના સ્વરૂપની ખબર નથી તેથી તું મિથ્યા તર્ક વડે અસત્ય સ્થાપિત કરે પણ તેથી કાંઈ સત્ય ફરી નહિ જાય. (તારે ફરવું પડશે).
વળી કોઈ અત્યારે કહે છે કે-જ્ઞાન, જે પર્યાય અપ્રગટ (અવિદ્યમાન) છે (વર્તમાન પર્યાયની જેમ ભૂત-ભવિષ્યની પર્યાય પ્રગટ નથી) તેને પ્રગટ જાણે તો તે જૂઠું થઈ ગયું, કેમકે પ્રગટ નથી તેને વર્તમાન પ્રગટપણે જાણે એ તો જૂઠું થઈ ગયું.
સમાધાનઃ– ભાઈ! પ્રગટ નથી એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાએ કહ્યું છે. ભૂત-ભવિષ્યની અપેક્ષાએ તો તે (ભૂત-ભવિષ્યની પર્યાયો) પ્રગટ જ છે. જ્ઞાન (જ્ઞેયોની) ત્રણકાળની પર્યાયોને, અને પર્યાયો જ્ઞાનને ‘અડકે’ છે -એમ શાસ્ત્રમાં પાઠ આવે છે; એનો અર્થ એ થયો કે જાણવાની પર્યાય તેમને જાણે છે. જેટલી પર્યાયો જ્ઞેયપણે-નિમિત્તપણે છે તે બધી પર્યાયો જ્ઞાનમાં જણાઈ જાય છે, કારણ કે જ્ઞેયોનો પ્રમેયસ્વભાવ છે, ને જ્ઞાનનો પ્રમાણસ્વભાવ છે. ત્યાં આટલું છે કે પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન પરજ્ઞેયપણે થતું નથી, ને જ્ઞાનમાં જણાઈ રહેલા પરજ્ઞેયો જ્ઞાનપણે થતા નથી. આવી ઝીણી વાત છે ભાઈ!
અહો! આ તો ટૂંકા શબ્દોમાં આચાર્યદેવે તત્ત્વનું ઊંડું રહસ્ય ખોલી દીધું છે. કહે છે-તું છો? તો કહે-હા; તો તું તારાથી છો કે પરથી છો? કોઈ (અજ્ઞાની) કહે-પરથી છું. પણ ભાઈ પરથી છું એમ માનતાં જ પોતાપણે છું એમ ન રહ્યું. મલિનતા (દોષ) થઈ ગઈ. જ્ઞાનમાત્ર વસ્તુ તે-પણે છે, અને તે-પણે નથી, અતત્ છે. મતલબ કે તે પરપણે નથી. માટે છદ્મસ્થને પણ જ્ઞેયને લઈને જ્ઞાન થાય એમ કદી નથી. ભલે જ્ઞેયનું જ્ઞાન-એમ કહેવાય (વ્યવહારે), પણ જ્ઞેયને જાણનારું જ્ઞાન આત્માનું છે તે જ્ઞાન પરપણે છે જ નહિ, તો પછી પરથી જણાણું છે એમ ક્યાં રહ્યું? ભાઈ? આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, પણ પ્રતિસમય થતી એની પર્યાય છે તે પણ તત્-અતત્સ્વભાવ છે. અર્થાત્ એ પર્યાય પર્યાયપણે તત્ છે, ને પરપણે અતત્ છે. માટે એ પર્યાય પરના-નિમિત્તના કે કર્મના કારણે થાય છે એમ કદીય નથી. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 3803 of 4199
single page version
જે તત્ છે તે જ અતત્ છે. અહા! આટલા શબ્દોમાં તો નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર ને ક્રમબદ્ધ પર્યાય-બધાનો ફેંસલો થઈ જાય છે. પર્યાય સ્વકાળે જે ક્રમબદ્ધ પ્રગટ થઈ તે પોતાથી તે-પણે છે, ને વળી તે તે-પણે નથી, અર્થાત્ પરપણે નથી, પૂર્વની, ભવિષ્યની કે પરદ્રવ્યની પર્યાયપણે તે નથી. તેથી ભૂત-ભવિષ્યની પર્યાય કે પરદ્રવ્યની પર્યાય આ પર્યાયનું શું કરે? કાંઈ જ ન કરે. એ તો સહજ જ સ્વકાળે પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ! આમાં કોઈ પંડિતાઈ ન ચાલે, આ તો અંતરની રુચિની ચીજ છે બાપુ! અંતરમાં સ્વરૂપની રુચિ જાગતાં સહજ સમજાય એવી ચીજ છે ભાઈ! ઓહો! ભગવાનની ૐધ્વનિમાં આવ્યું કે -તું જે તત્ છો તે તું અતત્ છો. આમ છતાં તને પરને ફેરવવાની હોંશ કેમ આવે? પરની આશ તને કેમ રહે? અહા! તારું જ્ઞાન જે- પણે નથી એ બધી આ વળગાડ ક્યાંથી આવી? (જરા વિચાર કર ને સ્વમાં પ્રવૃત્ત થા).
હા, પણ આ મંદિર આવું મનોહર થયું તે ઈજનેરની હોશિયારીથી થયું કે નહિ? ભાઈ! આ મંદિરની જે કાળે જે પ્રકારે પર્યાય થવાયોગ્ય હતી તે થઈ છે; તે પોતાથી તત્ છે, ને પરથી અતત્ છે, અર્થાત્ ઈજનેરની હોશિયારી-જ્ઞાનથી અતત્ છે. ઈજનેરની હોશિયારીથી આ મંદિર બન્યું છે એમ માનવાની અહીં ના પાડે છે; કારણ કે તે તે-પણે (ઈજનેરપણે) નથી. આવી ઝીણી વાત ભાઈ! ખરેખર તો જે પર્યાય વસ્તુની છે તે અંશ પોતાથી છે, ને પરથી-નિમિત્તથી નથી એમ સ્વીકારે ત્યારે જ એ સત્પણે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...?
આ તો વીતરાગનો મારગ બાપુ! એમાંથી તો વીતરાગપણું જ ઊભું થાય છે. અહા! હું મારાપણે-જ્ઞાનમાત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પરપદાર્થની જરૂર ભાસતી નથી. પર પ્રત્યેની તેની ઇચ્છામાત્ર વિરામ પામી જાય છે. હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું જ્યાં પર્યાયમાં જાણપણું થયું ત્યાં એને શરીરાદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. અરે! એની પરમ પ્રીતિ-ભક્તિનાં ભાજન એવા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ એને ગરજ (અપેક્ષા) ભાસતી નથી; કેમકે એ બધાંને એ પરજ્ઞેય જાણે છે. આકરી વાત બાપુ! પણ આ સત્ય વાત છે, ધર્મીના અંતરની વાત છે.
પ્રશ્નઃ– આમાં તો નિમિત્ત ઉડી જાય છે. ઉત્તરઃ– ના, નિમિત્ત ઉડતું નથી, નિમિત્તનું નિમિત્તપણે સ્થાપન થાય છે. નિમિત્તથી કાર્ય થાય એમ માને ત્યાં નિમિત્ત ઉડી જાય છે, કેમકે એમ માનતાં નિમિત્ત નિમિત્તપણે રહેતું નથી. પરના કાર્યના કર્તાપણે નિમિત્તને ઘુસાડી દેવાથી નિમિત્તનું નિમિત્તપણું રહેતું નથી. ભાઈ! હું પોતાપણે છું, ને પરપણે નથી આ પરમાર્થ છે.
PDF/HTML Page 3804 of 4199
single page version
પર ભલે હો, એને લઈને હું નથી, તો પછી એને લઈને મારામાં કાર્ય થાય એમ ક્યાં છે? એમ છે જ નહિ. સમજાણું કાંઈ.....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું છે ને! એનો અર્થ એ થયો કે અંદરમાં (- પર્યાયમાં) જે રાગ છે તે-પણે પણ આત્મા નથી. ભગવાન આત્મા જ્ઞાન.... જ્ઞાન... જ્ઞાનપણે તત્ છે, અને તે જ અતત્ છે અર્થાત્ તે રાગપણે નથી; દયા, દાન, વ્રત આદિનો જે રાગ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ તે રાગપણે આત્મા નથી. તેથી વ્યવહારના રાગથી આત્મામાં કાંઈ (જ્ઞાન) થાય એમ છે નહિ. વ્યવહારનો રાગ નથી હોતો એમ વાત નથી, એનાથી આત્માનું (જ્ઞાનમય) કાર્ય નીપજે છે એમ નથી. જેમ પરદ્રવ્યરૂપ નિમિત્ત અકિંચિત્કર છે તેમ રાગ પણ આત્માના સ્વભાવકાર્ય પ્રતિ અકિંચિત્કર છે. બાપુ! આ તો એકલું અમૃત ઝર્યું છે. આ વાણી તો માનો અમૃત વરસ્યાં રે પંચમકાળમાં!’
ભાઈ! પર-નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ (ઉત્સાહ, વીર્યની સ્ફુરણા) અંદરમાં જવી જોઈએ. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ, કેમકે હું સ્વપણે-જ્ઞાનમાત્રપણે છું એવો સમ્યક્ નિર્ણય, પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? હું પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છું એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે, અર્થાત્ વસ્તુ પોતે જ આ પોકાર કરી કહી છે. અહા! આ તત્-અતત્ના બોલમાં કેટલું ભર્યું છે! આખો દરિયો ભર્યો છે; ભાવો બ્રહ્માંડના ભર્યા એમ આવે છે ને! ભાઈ! આ સમજવા તારે ખૂબ ધીરજ જોઈશે. વસ્તુ વસ્તુપણે તત્ છે, ને તે અતત્ છે અર્થાત્ પરપણે નથી આ જૈન દર્શનની મૂળ વાત છે અને તે મહત્વના સિદ્ધાંત સ્થાપિત કરે છે કે-
- નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ન થાય. - વ્યવહારથી નિશ્ચય ન થાય. - બધું જ ક્રમબદ્ધ થાય. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં, ને વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો, પરંતુ એ જ્ઞાનના પરજ્ઞેયપણે જ છે, સ્વજ્ઞેય નહિ.
અહા! ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે એને લઈને હું નહિ, એને લઈને મારું જ્ઞાન નહિ. ગજબ વાત છે ને! હું તો શુદ્ધ એક શાશ્વત જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છું. હવે આવી વાત કાને પડે ને અંદર હકાર આવે એય અસાધારણ ચીજ છે. બાકી (જ્ઞાનસ્વરૂપમાં) તદ્રૂપ થઈ પરિણમે એની તો શી વાત! એ તો સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રપૂર્વક સિદ્ધપદને પામશે.
PDF/HTML Page 3805 of 4199
single page version
અરે! હજુ તો લોકોને કેવળજ્ઞાનમાંય વાંધા છે; એમ કે જ્ઞેય બદલે છે એને લઈને સમયે સમયે કેવળજ્ઞાન બદલે છે. પણ એમ નથી ભાઈ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પોતાપણે છે ને પરજ્ઞેયપણે નથી. જ્ઞાનને પોતાના ઉત્પાદ-વ્યયપણે ક્ષણેક્ષણે થવું ને જ્ઞાનપણે ધ્રુવ રહેવું એવું તત્પણું પોતાથી જ છે, ને પરજ્ઞેયથી તેને અતત્પણું જ છે. તેથી જ્ઞેય બદલાય છે માટે કેવળજ્ઞાનને બદલવું પડે છે એમ છે નહિ. તથા કેવળજ્ઞાન બદલાય છે માટે પરજ્ઞેયોને બદલવું પડે છે એમેય છે નહિ. જ્ઞાન પોતાના સામર્થ્યથી જ પ્રતિસમય કેવળજ્ઞાનપણે પરિણમે છે, તેને કોઈ પરજ્ઞેયની અપેક્ષા નથી; અને નિજ સામર્થ્યથી સ્વયં પરિણમી રહેલા પરજ્ઞેયોને જ્ઞાનની પણ કોઈ અપેક્ષા નથી. આવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ છે. આ ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. લ્યો, આવો આ તત્-અતત્નો એક બોલ થયો.
હવે બીજો બોલઃ ‘જે (વસ્તુ) એક છે તે જ અનેક છે,.....’ શું કીધું આ? કે જ્ઞાનમાત્ર વસ્તુ જે એક છે તે જ અનેક છે. જે-પણે એક છે તે- પણે અનેક છે એમ નહિ, એ તો એકાંત થઈ ગયું. આ તો ભગવાન આત્મા દ્રવ્યપણે એક છે અને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે- એમ વાત છે, અનેક પરવસ્તુને લઈને અનેક છે એમેય નહિ. પણ આત્મા અવિનાશી વસ્તુ છે તે ગુણ-પર્યાયને અભેદ કરીને દ્રવ્યપણે એક છે, અને તે જ અનેક ગુણ-પર્યાયના ભેદની વિવક્ષાથી અનેક છે. એમાં અનંત ગુણો, અનંત પર્યાયો છે કે નહિ? એ અપેક્ષાએ જે એક છે, તે જ અનેક છે. આનું નામ સ્યાદ્વાદ છે.
એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહિ, તથા બધા આત્માઓ ભિન્ન ભિન્ન છે એ અપેક્ષાએ અનેક છે એમેય નહિ. વસ્તુ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેતાં જ તે અનંતગુણનો પિંડ દ્રવ્યપણે એક છે, ને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે એમ આવી જાય છે. અનંત શક્તિઓ અને અનંત પર્યાયો છે તે એને અનેકપણું છે. એક ને અનેક બન્ને આત્મામાં જ છે, એક જ વસ્તુમાં છે. (એને પરવસ્તુથી સંબંધ નથી).
અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઈત્યાદિથી ભિન્ન હોવાપણે જે છે તે ભગવાન આત્માના હોવાપણાના બે પ્રકારઃ વસ્તુ તરીકે અસંખ્ય પ્રદેશોનો પિંડ અભેદ એક છે, અને એને જ ગુણ-પર્યાયના ભેદથી જોવામાં આવે તો તે અનેક છે. અનેક છે માટે અનેકનો આશ્રય લેવો એ પ્રશ્ન અહીં નથી. આ તો અનેકાન્તમય વસ્તુ આવી છે એમ જાણવાની વાત છે. એક છે તે જ અનેક છે, છતાં વર્તમાન પર્યાયને આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ છે. ભિન્ન ભિન્ન પર્યાયો અનેક છે એ તો ખરું, પણ દ્રષ્ટિ તો ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્ય પર રહે તો જ ‘જે એક છે તે જ અનેક છે’ -
PDF/HTML Page 3806 of 4199
single page version
એમ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. ભાઈ! આ અંતરની ચીજ છે બાપુ! વસ્તુ શુદ્ધ જ્ઞાયકસ્વભાવપણે એક છે એમ એકનો નિર્ણય તો એકમાં ઢળેલી અનેક એવી પર્યાયે કર્યો છે. ત્યાં એકના નિર્ણયમાં આત્મવસ્તુ પર્યાયે અનેક છે એમ આવી જાય છે. વસ્તુ-સ્થિતિ જ આમ છે, અર્થાત્ વસ્તુ જ આ પોકારીને સિદ્ધ કરે છે.
હવે ત્રીજો બોલઃ ‘જે સત્ છે તે જ અસત્ છે,.....’ શું કીધું? કે આત્મા સ્વસ્વરૂપથી છે.... છે.... છે, પોતાના હોવાપણે છે, અને તે જ પરથી અસત્ છે અર્થાત્ પરથી હોવાપણે નથી. અહાહા...! હું સ્વસ્વરૂપથી સત્ છું એમ જ્યાં સ્વસ્વરૂપની અસ્તિનો નિર્ણય થયો ત્યાં પરવસ્તુ મારામાં નથી, પરથી હું અસત્ છું એમ ભેગું આવી જાય છે. જે પોતાથી સત્ છે તે જ પરથી અસત્ છે એમ અહીં ટુંકામાં લીધું છે. આગળ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે તે જ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છે એમ આઠ બોલથી વિસ્તારથી લેશે.
ચોથો બોલઃ ‘જે નિત્ય છે તે જ અનિત્ય છે.....’ અહાહા.....! આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે તે દ્રવ્યરૂપથી નિત્ય છે, અને તે જ પર્યાયરૂપથી અનિત્ય છે. પર્યાય જે પ્રતિસમય પલટે છે તે વડે તે અનિત્ય છે. અહાહા......! આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય કોણ કરે છે? તો કહે છે -અનિત્ય એવી પર્યાય તે નિત્યનો નિર્ણય કરે છે. નિર્ણય પર્યાય કરે છે, ધ્રુવ કાંઈ નિર્ણય કરતું નથી. નિત્યનો-ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય નિત્ય-ધ્રુવ ન કરે, નિર્ણય તો અંદર ઢળેલી અનિત્ય-પર્યાયમાં જ થાય છે. આવી વાત!
અહો! ત્રિલોકીનાથ ભગવાનની વાણીમાં આવેલું રહસ્ય સંતોએ બહુ ટુંકા શબ્દોમાં જગત સમક્ષ જાહેર કર્યું છે. કહે છે-ભાઈ તું ધ્રુવ અવિનાશી નિત્ય છો. પહેલાં નિત્ય નહોતું માન્યું, અને હવે માન્યું તો તે શેમાં માન્યું? અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં માન્યું છે. ભાઈ! વસ્તુ જ આવી નિત્ય-અનિત્ય છે, ને અનિત્ય પર્યાયમાં જ નિત્યનું જ્ઞાન- શ્રદ્ધાન થાય છે. સમજાણું કાંઈ......?
આમ એક વસ્તુમાં તત્-અતત્, એક-અનેક, સત્-અસત્ (આઠ બોલ) તથા નિત્ય-અનિત્ય એમ કુલ ચૌદ બોલ થયા. હવે કહે છે-
‘એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.’
જુઓ, શું કહે છે! કે ‘વસ્તુુમાં વસ્તુપણાની નિપજાવનારી....’ એટલે શું? એટલે કે વસ્તુનું ગુણપર્યાય તે વસ્તુપણું છે તેની નિપજાવનારી અર્થાત્ વસ્તુમાં જે ભાવસ્વભાવ છે તેને પ્રકાશનારી વસ્તુને સિદ્ધ કરનારી અર્થાત્ તેને યથાર્થપણે અનુભવમાં
PDF/HTML Page 3807 of 4199
single page version
અહીં કહે છે-વસ્તુ જે તત્પણે જણાય છે તે જ અતત્પણે જણાય છે, જે એકપણે જણાય છે તે જ અનેકપણે જણાય છે, જે સત્પણે જણાય છે તે જ અસત્પણે જણાય છે, જે નિત્યપણે જણાય છે તે જ અનિત્યપણે જણાય છે. આમ વસ્તુમાં વસ્તુપણાની - સ્વભાવપણાની સિદ્ધ કરનારી એટલે કે અનુભવમાં આવવાલાયક કરનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. અહો! સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલા આ અમોઘ મંત્રો છે. જેમ ઘરમાં સાપ ગરી ગયો હોય તો કલમને મંત્રીને તેના માથા ઉપર નાખે કે તરત જ સાપ બહાર નીકળી જાય, તેમ આ મંત્રો વસ્તુ જેવી છે તેવી તેને બહાર લાવે છે. જ્ઞાનમાં પ્રગટ કરે છે.
આ અનેકાન્ત તો એકલું માખણ છે ભાઈ! વસ્તુને વલોવી-વલોવીને એકલું માખણ કાઢયું છે. કહે છે-ભગવાન! તું વસ્તુ છો કે નહિ? છો તો એમાં અનંત ધર્મો વસેલા છે. અનંત ધર્મોનું વાસ્તુ પ્રભુ તું છો. અહા! તે અનંત ધર્મોમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મોનું પ્રકાશવું છે તે, કહે છે, અનેકાન્ત છે. પોતાની આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં આવા ચૌદ બોલથી પ્રકાશે જ છે. સમજાય છે કાંઈ....? ભાઈ! આ સમજવા માટે ચિત્તની નિર્મળતા ને ધીરજ જોઈએ.
કહે છે- ‘પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, તત્-અતત્પણું, એક-અનેકપણું, સત્-અસત્પણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે- તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે અને બહાર પ્રગટ થતા, અનંત જ્ઞેયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે (- જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે) અતત્પણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી);........’
શું કહ્યું? કે ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ છે. તે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ જ્ઞાનસ્વરૂપ વડે તત્ છે. અહા! નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ વડે
PDF/HTML Page 3808 of 4199
single page version
આત્મા તત્ છે. પર્યાયમાં પણ જાણવા-દેખવાની પર્યાય વડે તત્ છે; અને બહાર પ્રગટ થતા એટલે કે જાણવાના પ્રકાશમાં-તત્પણામાં જણાય છે જે અનંતા પરજ્ઞેયો એનું એમાં (-જ્ઞાનપ્રકાશમાં) અતત્પણું છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપમાં તે પરજ્ઞેયો નથી. આ બાયડી, છોકરાં, કુટુંબ-પરિવાર, ધંધા-વેપાર ઈત્યાદિ જ્ઞાનમાં જણાય છે ને! તે, કહે છે, જ્ઞાનસ્વરૂપમાં નથી. વાસ્તવમાં તો તે તે પદાર્થો નહિ, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ માને છે કે મને આ (પર) પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય. આવી વાત! સમજાણું કાંઈ....?
અહા! જ્ઞાન પોતાના સ્વરૂપ વડે તત્ છે, ને પરજ્ઞેયપણે અતત્ છે. એટલે શું? કે જ્ઞાનમાં જે બધા પરજ્ઞેયો જણાય છે તે ખરેખર પરજ્ઞેયો નથી, પણ જ્ઞાનની જ દશા છે. જ્ઞેય તો પર છે, ભિન્ન છે, ખરેખર તો જ્ઞેયસંબંધીનું પોતાનું જ્ઞાન જ અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. જે જ્ઞાન તત્પણે છે એનો જ એ પ્રકાશ છે. આ દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ જે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે, વાસ્તવમાં તે પોતાનું જ્ઞાન જ જણાય છે, તે જ્ઞેય નહિ. વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, જ્ઞેયને લઈને નહિ; જ્ઞેયની તેને બિલકુલ જરૂર નથી અને જ્ઞેયનું તેમાં કાંઈ કર્તવ્ય પણ નથી, કારણ કે જ્ઞાન પોતે જ તત્પણે જ્ઞાનપ્રકાશના સામર્થ્યરૂપ છે અને તે પરજ્ઞેયથી અતત્પણે છે, અર્થાત્ પરજ્ઞેયનો તત્સ્વરૂપમાં- જ્ઞાનસ્વરૂપમાં અભાવ છે.
પણ લોકો (ને કોઈ પંડિતો પણ) રાડો પાડે છે કે- નિમિત્તથી થાય અને વ્યવહારથી થાય?
શું થાય? ભાઈ! નિમિત્ત તો પરવસ્તુ છે, પરજ્ઞેય છે. એનાથી આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ અતત્ છે. હવે જેનાથી અતત્ છે અર્થાત્ જે એમાં નથી, એને સ્પર્શતું નથી, તે (-નિમિત્ત) એનું શું કરે? કાંઈ જ ન કરે. સમયે સમયે જે જ્ઞાનની અવસ્થા થઈ રહી છે તે સ્વયં પોતાથી જ થઈ રહી છે, એમાં નિમિત્તનું કે વ્યવહારનું કાંઈ કાર્ય નથી. નિમિત્તથી થાય એમ કોઈ માનો તો માનો, પણ એ તો એનું અજ્ઞાન જ છે. બાકી જ્ઞાનની પર્યાય સામે જેવું નિમિત્ત હોય તેવું જાણવારૂપ થાય છતાં તે નિમિત્તને લઈને નથી. અહા! જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રભુ, સમોસરણમાં બિરાજમાન ભગવાનને ‘આ ભગવાન છે’ એમ જાણે તે કાંઈ ભગવાનને લઈને જાણે છે એમ નહિ. એ તો જાણનાર જાણનારરૂપે જાણનારમાં રહીને ‘આ ભગવાન છે’ એમ વ્યવહારે જાણે છે, બાકી નિશ્ચયે તો પોતે પોતાને જ જાણે છે. સમજાણું કાંઈ....? આવી ઝીણી વાત છે.
અહા! અંદરમાં આ હું જ્ઞાનસ્વરૂપ છું તે પરપણે નથી એવો તત્પણાનો જ્યાં નિર્ણય કરે ત્યાં અનંતગુણની પર્યાય નિર્મળપણે પ્રગટ થાય છે. ભાઈ! આ તો તારા
PDF/HTML Page 3809 of 4199
single page version
અહા! હું મારાથી છું ને પરથી નથી એવો પોતે પોતાથી અનુભવ ના કર્યો તો (મનુષ્યદેહ પામીને) શું કર્યું? ધૂળેય ના કર્યું (કાંઈ જ ન કર્યું); ખાલી પરનાં અભિમાન કર્યાં. અરે ભાઈ! હું કોણ, કેવડો ને ક્યાં છું એનો વાસ્તવિક નિર્ણય કર્યા વિના તું ક્યાં જઈશ? આ અવસરમાં સ્વસ્વરૂપનો નિર્ણય કરવાનું છોડીને પરની તેં માંડી છે પણ ભાઈ! એ તો તારો ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ એના જેવો ઘાટ થયો છે. અહા! ઘરનાં ઠેકાણાં ન મળે ને પારકું કરવા તું ક્યાં હાલી નીકળ્યો! જરા વિચાર તો કર કે પરનું તું શું કરી શકે? ને પર તારું શું કરી શકે? તું એમ જાણે છે કે આ શરીર મારાથી હાલે છે, આ વાણી મારાથી બોલાય છે ઈત્યાદિ પણ એમ નથી બાપુ! કેમકે એ શરીર, વાણી આદિની તો તારામાં નાસ્તિ છે, ને તારી એનામાં નાસ્તિ છે. જરા ગંભીર થઈને વિચાર કર ને એક જ્ઞાયકસ્વરૂપ જ હું છું એમ નિર્ણય કર, અન્યથા ચોરાસીના અવતારમાં રઝળવાની બુરી વલે થશે. સમજાણું કાંઈ....! શ્રીમદે (આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરીને) કહ્યું છે ને કે-
જુઓ, અહીં કહે છે- ‘અને બહાર પ્રગટ થતા, અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરરૂપ વડે અતત્પણું છે.’ ‘અનંત જ્ઞેયપણાને પામેલા’ ભાષા જુઓ. અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, કુટુંબ-પરિવાર ને દેવ-ગુરુ-શાસ્ત્ર તથા તેના લક્ષે થતા પુણ્ય-પાપના ભાવ- એ બધા પરજ્ઞેય છે, બહારમાં પ્રગટ થતા એવા સ્વરૂપથી ભિન્ન છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના રાગ થાય છે તે બહારમાં પ્રગટ થાય છે અંતરંગમાં નહિ, ને સ્વરૂપથી ભિન્ન છે; તેથી તેઓ પરજ્ઞેય છે. આવી વાતુ છે ભાઈ! અરે! તારા ઘરની વાત તેં કોઈ દિ’ નિરાંતે સાંભળી નથી! તારાં ઘર તો મોટાનાં (મહાન) છે ભાઈ! બીજાની ઓશિયાળ ન કરવી પડે એવું તારું મોટું (અનંત વૈભવથી ભરેલું) ઘર છે બાપુ! અહા! સ્વરૂપની સાથે જેણે લગ્ન માંડયાં તેને પરની ઓશિયાળ શું? ભગવાન તું પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપે તત્ છો, ને જ્ઞેયસ્વરૂપે નથી માટે પૈસાથી કે રાગથી તને સુખ થાય એમ છે નહિ.
PDF/HTML Page 3810 of 4199
single page version
તારો અંતઃપુરુષાર્થ તને સઘળું સુખ પૂરું પાડે એવી તારી ચીજ અંદર છે. (તેમાં એકાગ્ર થા.) અહો! બહુ ટૂંકામાં આ તો ગજબની વાત કરી છે.
અહાહા....! અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ પ્રકાશતો જ્ઞાનસ્વભાવી આત્મા નિજ જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરજ્ઞેયરૂપથી અતત્ છે. એટલે આત્માની વર્તમાન દશામાં પરજ્ઞેયથી કાંઈ થાય છે એમ જરીય નથી. ’ ૮૩ની સાલમાં ચર્ચા ચાલેલી. ત્યારે સામેથી કહે- સાહેબ, પચાસ ટકા આત્માના પુરુષાર્થના ને પચાસ ટકા કર્મ-નિમિત્તના રાખો; તો આપણે બધાને મેળ થઈ જાય. ત્યારે કહ્યું- આપણા મનમાં આપણે ગમે તે માનીએ, પણ વસ્તુને (વસ્તુના સ્વરૂપને) એ ક્યાં મંજુર છે? વસ્તુ તો કહે છે-સો એ સો ટકા પુરુષાર્થના છે, અને કર્મનો એક ટકોય નથી. ભાઈ! આત્મામાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણની જે જે પર્યાયો થાય છે તે સો એ સો ટકા પોતાથી-શુદ્ધ અંતઃપુરુષાર્થથી જ છે, પરથી કે રાગથી જરીય નથી. સમજાણું કાંઈ....? શું થાય? વસ્તુ જ પોતે આવી તત્-અતત્સ્વભાવ છે.
અરે! લોકોને બિચારાઓને આ વેપાર-ધંધાનું ને બાયડી-છોકરાંનું કરવા આડે આ સમજવાની ફુરસદ નથી!
હા, પણ સાહેબ! પરણતી વખતે બાયડીનો હાથ પકડયો હોય તેને કેમ તરછોડીએ? સાંભળ ભાઈ! ધીરો થા બાપુ! એ પરણેલીનો દેહ છે એ તો જડ ધૂળ છે બાપુ! એ તો તારાથી ભિન્ન છે. એને મારો માન્યો છે એ તો તારી ઊંધી પકડ છે. એના પ્રતિ મને જવાબદારી છે એમ માન્યું છે એય તારી ઊંધી પકડ છે. અને એ મમતા, એ પકડ જ તને દુઃખ કરે છે. જેનાથી તું અતત્ છો એનું હું કરું એ મમતા ચિરકાળ દુઃખ આપનારી છે ભાઈ!
‘બહાર પ્રગટ થતા, અનંત જ્ઞેયપણાને પામેલા’ -એમ કહ્યું છે ને? મતલબ કે ‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ -એવી આ વાત નથી. સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, દેહ, મન, વાણી ઈત્યાદિ પરજ્ઞેયો જગતમાં છે ખરા, પણ તે પરજ્ઞેયો વડે તને અતત્પણું છે, અર્થાત્ તેઓ તારામાં નથી, તેઓ તને કાંઈ કરી શકતા નથી, અને તું એમનામાં કાંઈ કરી શકતો નથી. તારા દ્રવ્ય-ગુણ-પર્યાયથી તું તત્ છો, ને પરદ્રવ્યો વડે અતત્ છો એનો આ આશય છે. સમજાણું કાંઈ.....?
શુભાશુભ વિકલ્પ પણ તારી ચીજ નથી ભાઈ! ભગવાનની ભક્તિ, પૂજા આદિ કરે છે ને? પણ એ વિકલ્પ તારા જ્ઞાનસ્વરૂપની ચીજ નથી; અને એનાથી જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ થશે એમ પણ નથી, કેમકે એ વડે તું અતત્ છો.
પ્રશ્નઃ– તો પછી આ બધાં મંદિરો તમે બીજાને દેખાડવા કરો છો?
PDF/HTML Page 3811 of 4199
single page version
સમાધાનઃ– કોણ કરે, ભાઈ! એના થવા કાળે એ થાય છે, અને એનો કર્તા એ (પુદ્ગલ) પદાર્થ છે, બીજો કોઈ એનો કર્તા નથી, આત્મા એનો કર્તા નથી, કેમકે આત્મા એમાં પ્રવેશતો નથી. જેમાં જે પ્રવેશે તેને તે રચે. તે મંદિર આદિમાં આત્મા ક્યાં પ્રવેશે છે કે આત્મા તેને રચે? વળી તે પદાર્થો આત્મામાં કયાં છે કે તેને લઈને અહીં જ્ઞાન-દર્શનની રચના થાય? તે પદાર્થો વડે તો આત્માને અતત્પણું જ છે. આવી વાત! સમજાણું કાંઈ....!
હવે કહે છે- ‘સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્યઅંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે;.....’
ભાઈ, ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે- આત્મા વસ્તુ છે તેમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણો સહભૂત એટલે સાથે-અક્રમે રહેલા છે, અને પર્યાયો ક્રમે પ્રવર્તે છે. જેમ સોનામાં પીળાશ, ચીકાશ, વજન વગેરે ગુણો સાથે રહેલા છે, અને કડાં, કુંડળ આદિ અવસ્થાઓ ક્રમે પ્રગટ થાય છે તેમ આત્મા વસ્તુ છે તેને જ્ઞાન, દર્શન, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણો ત્રિકાળ એક સાથે રહેલા છે, અને પર્યાયો એક પછી એક એમ ક્રમે પ્રવર્તે છે. જેમકે જ્ઞાનની એક સમયે એક પર્યાય, પછી બીજા સમયે બીજી, પછી ત્રીજી ઈત્યાદિ.
હવે કહે છે- આ સાથે રહેનારા જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો અને ક્રમે એક પછી એક પ્રગટ થનારી પર્યાયો -એ બધા ચૈતન્યના અંશો છે. એના સમુદાયરૂપ અભેદ- અવિભાગ-જેના ભંગ-ભેદ ન પડે -એવી દ્રવ્ય-વસ્તુ તે વડે આત્માને એકપણું છે; અર્થાત્ તે વડે આત્મા એક છે. જુઓ, આત્મા એક છે એની આ વ્યાખ્યા કરી. બધાં દ્રવ્યો મળીને એક છે એમ નહિ. અનેક દ્રવ્યો તો બધાં અનેક પૃથક્ જ છે. અહીં તો આત્મામાં અનંત ગુણ તથા તેની ક્રમે થતી પર્યાયો તે તેના અંશો છે અને તેના સમુદાયરૂપ અભેદ એકરૂપ તેને એકપણું કહે છે. અહા! (અનંતગુણોથી) અભેદ એક ઉપર નજર પડતાં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થાય છે ને ત્યારે પર્યાય જે અનેક છે એમાં અમૃતનો સ્વાદ આવે છે. ભાઈ! આ અનેકાન્ત તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા જૈનદર્શનનો મહા-સિદ્ધાંત છે.
ભગવાનનો માર્ગ અહિંસા છે એમ લોકો કહે છે ને? પણ એનું રહસ્ય શું? ભગવાન આત્મા અનંતગુણનો અભેદ એક પિંડ પ્રભુ છે એની સન્મુખ થતાં જે નિર્મળ, વીતરાગી દશા પ્રગટ થાય તેને ભગવાન અહિંસા કહે છે; અને પરદ્રવ્યના લક્ષે થતી શુભ કે અશુભ રાગની ઉત્પત્તિને હિંસા કહે છે.
PDF/HTML Page 3812 of 4199
single page version
આત્મા પોતે વસ્તુ છે તે અસ્તિ છે, સત્ છે. તો વસ્તુ સત્ છે તેનો સ્વભાવ હોય કે નહિ? જેમ સાકર વસ્તુ છે તેનો ગળપણ આદિ સ્વભાવ છે, તેમ આત્મા વસ્તુ છે તેના જ્ઞાન-દર્શન આદિ અનંત સ્વભાવો છે. અહાહા....! અનંત સ્વભાવોનું એક પ્રભુ આત્મા છે. અહા! આવા અખંડ એક ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્માને લક્ષમાં લેતાં પર્યાયમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વીતરાગ દશા પ્રગટ થાય છે અને તેને સર્વજ્ઞ પરમેશ્વરે અહિંસા પરમો ધર્મ કહ્યો છે, અને એમાં અનેકાન્ત અને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. કઈ રીતે? તે આ રીતે કે-પરથી ખસીને નિજ ચૈતન્યમય દ્રવ્ય જેવું અભેદ એક કહ્યું તેની દ્રષ્ટિ-તેની એકાગ્રતા થતાં પર્યાય સ્વભાવમાં તદ્રૂપ થઈ પરિણમી અને તે જ અહિંસા ધર્મ ને તે જ અનેકાન્તની સિદ્ધિ થઈ ગઈ; અને એ જ મિથ્યાત્વ જે પરિગ્રહ હતો તેના નાશરૂપ અપરિગ્રહ છે. આ રીતે અહિંસા ધર્મમાં અનેકાન્ત ને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. પરથી ખસીને સ્વમાં વસે તે અનેકાન્તનું અમૃત છે, તે અહિંસા છે ને તે જ પરમાં મમત્વના અભાવરૂપ અપરિગ્રહ છે. સમજાણું કાંઈ-?
અહાહા...! અનંત અનંત આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં એકાગ્રલીન થઈ પરિણમવું તે વીતરાગી પરિણામરૂપ અહિંસા છે, અને એનું જ નામ પરને પર જાણી, પરથી ખસી સ્વમાં વસવારૂપ-સ્વને અનુભવવારૂપ અનેકાન્ત છે તથા તે જ અપરિગ્રહવાદ છે. તેવી જ રીતે સત્યસ્વરૂપ પ્રભુ આત્મા છે તેનો સત્કાર-સ્વીકાર કરવો તે જ સત્ય છે, આથી વિરુદ્ધ રાગ જે પરવસ્તુ છે તેનો સત્કાર-સ્વીકાર કરવો તે અસત્ય છે; વળી રાગથી ખસી બ્રહ્મ નામ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે, એનાથી વિપરીત રાગમાં ચરવું-રમવું તે અબ્રહ્મચર્ય છે. લ્યો, આવી વાત. (એક વીતરાગ પરિણામમાં પાંચે વ્રત ને અનેકાન્ત સમાઈ જાય છે).
વળી કહે છે- ‘અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ પર્યાયો વડે અનેકપણું છે.’
અહાહા....! જોયું? અનંત ગુણ-પર્યાયોના સમુદાયરૂપ અભેદ જે દ્રવ્ય તે વડે એક છે, ને ગુણ-પર્યાયોના ભેદથી જોતાં તે વડે અનેકપણું છે. ત્યાં જ્યાં અનેકરૂપ એવી પર્યાય એકનો (ધ્રુવ દ્રવ્યનો) નિર્ણય કરે છે ત્યાં પર્યાયથી અનેકપણું છે એમ ભેગું જ્ઞાન થઈ જ જાય છે. આ અપેક્ષાએ એક છે, ને આ અપેક્ષાએ અનેક છે એમ ધારણામાં લઈ લીધું તે કાંઈ વસ્તુ નથી. પરંતુ વર્તમાન પર્યાયમાં એકનો નિર્ણય-પ્રતીતિ આવી જાય ત્યાં અનેકપણાનું-પર્યાયનું જ્ઞાન થઈ જ જાય છે. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ અનેકાન્તમય વસ્તુ જેમ છે તેમ તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરાવે છે. અહા! વસ્તુ દ્રવ્યરૂપથી જે એક છે તે જ દ્રવતી થકી પર્યાયરૂપે અનેકપણે થાય છે, માટે તે જ અનેક છે. આવી વાત! સમજાણું કાંઈ....?
PDF/HTML Page 3813 of 4199
single page version
હવે કહે છે- ‘પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે.’
અહાહા....! અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય ને એક આકાશ-એમ છ પદાર્થ ભગવાને લોકમાં જોયા છે. એ છએ પદાર્થ પોતાના દ્રવ્યપણે, ક્ષેત્રપણે સમયસમયની અવસ્થાપણે અને ગુણપણે અસ્તિ છે. તેમ અહીં આત્મા-એનું દ્રવ્ય એટલે એની વસ્તુ-દ્રવ્યમાન ત્રિકાળ, ક્ષેત્ર એટલે પહોળાઈ (ત્રિકાળ), ભાવ એટલે શક્તિ-ગુણ ત્રિકાળ-એ ત્રણેનું અસ્તિપણું એકરૂપ છે તે પોતાથી છે ને પરથી નથી. તેમ ત્રિકાળનો વર્તમાન જે એક સમયનો સ્વકાળરૂપ અંશ છે તે પણ સ્વથી છે ને પરથી નથી. અહાહા....! એનો વર્તમાન વર્તતો જે અંશ છે તે સ્વકાળે થાય છે અને તે સ્વથી છે, પરથી નથી. જે પર્યાય જે સમયે સુનિશ્ચિત થવાયોગ્ય છે તે તે સમયે જ પ્રગટ થાય છે. આમ પ્રતિસમય પર્યાય નિયત-ક્રમબદ્ધ પ્રગટ થાય છે. આમ દ્રવ્યનો પ્રત્યેક સમયે વર્તતો વર્તમાન-વર્તમાન અંશ-
૧. એનાથી-સ્વથી છે, પરથી-નિમિત્તથી નથી. ૨. તે સ્વકાળે પ્રગટ થાય છે. જેમ ત્રિકાળ (દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ) નિશ્ચિત છે તેમ વર્તમાન વર્તતી પર્યાય પણ નિશ્ચિત જ છે; હા; પણ એનો યથાર્થ નિર્ણય નિજ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ પર નજર-દ્રષ્ટિ જાય ત્યારે જ થાય છે. (અન્યથા ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થતો નથી)
અત્યારે લોકમાં વિવાદ ચાલે છે ને! એમ કે પર્યાયો ક્રમબદ્ધ નથી, કાર્ય નિમિત્ત હોય તો એટલે કે નિમિત્તથી થાય અને વ્યવહારથી નિશ્ચય થાય. આ બધા વાંધાના આમાં ખુલાસા આવી જાય છે. કેવી રીતે? તે આ પ્રમાણે-
અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પ્રત્યેક સમયે થતી પર્યાય સ્વથી છે, પરથી નથી એનો અર્થ જ એ છે કે પર નિમિત્તને લઈને પર્યાય થતી નથી. પર નિમિત્ત નથી એમ નહિ, પરંતુ જેમ અનંત દ્રવ્યો ત્રિકાળ અસ્તિપણે છે એને કોઈની અપેક્ષા નથી, તેમ એની પર્યાયનું એક સમયનું અસ્તિત્વ છે તેને કોઈની અપેક્ષા નથી. એક સમયની પર્યાય પણ સ્વસહાય જ પ્રગટ થાય છે. અહા! પર્યાયના એક સમયના અસ્તિત્વને નિમિત્તની અપેક્ષા તો નથી, ખરેખર તો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-ભાવનીય એને અપેક્ષા નથી. જુઓ, દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તો સદા એકરૂપ એકસદ્રશ છે, છતાં પર્યાયમાં તો વિવિધતા- અનેકવિધતા છે; માટે પર્યાય પર્યાયના કારણે જ પ્રગટ થાય છે એ નિશ્ચય છે.
PDF/HTML Page 3814 of 4199
single page version
અહાહા....! ભગવાન આત્મા અને અનંતા અન્ય પદાર્થો-રજકણ-રજકણ સુદ્ધાં અનંતગુણથી ભરેલું તત્ત્વ છે. એના ગુણ જે ત્રિકાળ છે એનું પરિણમન અર્થાત્ વર્તમાન અવસ્થારૂપે થવું તે જે કાળે જે થવાનું છે તે થાય જ છે; એ સ્વકાળ પોતાથી છે, પરથી નથી. નિમિત્ત બીજી ચીજ હો, પણ નિમિત્ત છે માટે આ પરિણમન છે એમ નથી. જે સ્વયં સત્ છે તેને પરની શું અપેક્ષા? સત્ને પરની અપેક્ષા હોઈ શકે નહિ. વ્યવહાર અને પર નિમિત્ત એ તો કાર્યકાળે એક બીજી ચીજ છે બસ એટલું જ, બાકી એનાથી આમાં (ઉપાદાનમાં) કાંઈ થાય છે એમ છે નહિ. માટે હું હોશિયાર છું, ને મેં આ કર્યું એમ પરનું કરવાનાં અભિમાન જવા દે ભાઈ!
અહા! પ્રત્યેક દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ કાયમ રહીને પર્યાય સમયે સમયે ક્રમબદ્ધ પ્રગટ થાય છે, કેમકે તે પર્યાય પોતાથી થાય છે, પરથી-નિમિત્તથી નહિ. ધર્મી પુરુષને સ્વદ્રવ્યના લક્ષપૂર્વક જે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય થઈ છે તે પણ એના સ્વકાળે થઈ છે, અને સાથે કિંચિત્ રાગ રહી ગયો છે તે પણ એનો સ્વકાળ છે. અહો! ઇન્દ્રો, ગણધરો ને મુનિવરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ઈચ્છા વિના જ ભગવાનની વાણી ખરી એમાં આ વાત આવી છે.
અહા! ભગવાન! તું કોણ છો? અનંતગુણનો પિંડ નિર્મળાનંદનો નાથ પ્રભુ છો ને! અહા! ત્યાં નજર કરતાં જ પર્યાયમાં શાન્તિ-વીતરાગતા આવશે. એ વીતરાગતા સાથે કિંચિત્ શુભરાગ રહી જાય તેને વ્યવહાર કહીએ. શું કીધું? જે વીતરાગતા થઈ તે નિશ્ચય અને જે રાગ રહ્યો તે વ્યવહાર. એક સમયમાં વીતરાગતા અને રાગ બન્ને છે. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય, વા વ્યવહારથી નિશ્ચય થાય એ વાત યથાર્થ નથી. આ વાત દ્રવ્યસંગ્રહમાં લીધી છે કે-ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહાર એક જ કાળે હોય છે. (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૪૭).
વળી કોઈ વિવાદ કરે છે કે- કર્મને લઈને વિકાર થાય, કર્મ જ વિકાર કરાવે છે. પણ ભાઈ! કર્મ તો જડ છે, એ તો આત્માને અડતાં સુદ્ધાં નથી તો એ આત્માને વિકાર કેમ કરાવે? એને લઈને આત્મામાં શું થાય? જે અડે નહિ તે આત્મામાં શું કરે? આત્માની પર્યાયમાં વિકાર થાય એ તો પોતાનો પોતાવડે થયેલો અપરાધ છે; કર્મ તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર છે. અરે, લોકો શાન્તિ અને ધીરજથી વિચાર કરતા નથી ને આ નવું કાઢયું એમ રાડો પાડે છે, પણ બાપુ! આ નવું નથી, આ તો અનાદિ પરંપરામાં ચાલી આવતી વાત છે.
આત્મા ધ્રુવદ્રવ્યપણે સદા ટકતું તત્ત્વ છે તો પર્યાયપણે પલટે છે. પર્યાય અપેક્ષાએ આત્મા નિત્યપરિણામી પદાર્થ છે. આ બધું સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કીધા તેમાં સમાઈ જાય છે. વસ્તુ ત્રિકાળ, ક્ષેત્ર ત્રિકાળ, ભાવ-ગુણ ત્રિકાળ અકૃત્રિમ પોતાવડે પોતાપણે
PDF/HTML Page 3815 of 4199
single page version
શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે- ચૈતન્ય હો કે પરમાણુ હો, કોઈપણ પદાર્થને નક્કી કરવો હોય તો તે વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ-ક્ષેત્ર, તેનો ભાવ-ગુણ તથા તેની વર્તમાન દશા શું છે- એમ ચાર પ્રકારથી નક્કી કરી શકાય, તે વિના પદાર્થ સિદ્ધ ન થાય. તેમ અહીં કહે છે- પોતાનું દ્રવ્ય-વસ્તુ જે આત્મા છે તે, એના ભાવ-ગુણ, એનું શરીર પ્રમાણ (છતાં શરીરથી ભિન્ન) અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, અને એની અવસ્થા-કાળ-આમ ચાર ખૂંટથી વસ્તુ સિદ્ધ થાય છે. આમ ન હોય તો એની દશામાં પરિણમવું, એના ક્ષેત્રમાં કાયમ રહેવું, ગુણોનું ત્રિકાળ ટકવું, ને દ્રવ્યપણે કાયમ રહેવું સિદ્ધ નહિ થાય. ભાઈ! સર્વજ્ઞના જ્ઞાનમાં સર્વ પદાર્થ આ રીતે (ચાર ખૂંટથી) જાણવામાં આવ્યા છે. પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પોતાના કારણે સત્ હોવાથી તેનું વર્તમાન પરિણમન-સ્વકાળ બીજી ચીજ હોય તો થાય એમ છે નહિ. એક સમયમાં વિકારી પર્યાય પ્રગટ થાય કે અવિકારી કે વિકારી-અવિકારી (સાધકને ચારિત્રગુણની પર્યાય વિકારી-અવિકારી હોય છે) -તે એનો સ્વકાળ છે. પુણ્યથી ધર્મ થાય ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાભ્રમ, અજ્ઞાન ને રાગ-દ્વેષ અજ્ઞાનીને થાય છે તે તે પર્યાયનો સ્વકાળ છે, તે કાળે નિમિત્ત છે ખરું, મોહનીય કર્મનો ઉદય છે ખરો, પણ કર્મને લઈને તે પર્યાય થાય છે એમ નથી. કર્મના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવ કર્મમાં છે, કર્મના ઉદયને લઈને અહીં વિકારી પર્યાય થાય છે એમ નથી. અહા! જેને આ વાત બેસી જાય તેનું શું કહેવું? તત્કાલ એની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જઈને નિર્મળ પર્યાયનો સ્વકાળ તેને પ્રગટ થાય છે.
અરે! લોકો ધર્મને સાધારણ ચીજ માની બેઠા છે. પણ ધર્મ એ તો કોઈ મહાન અપૂર્વ ચીજ છે ભાઈ! અહા! અનંતકાળમાં અનંતવાર એ હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો છે, પણ એને ધર્મ થયો નહિ. વસ્તુની સ્થિતિ શું? તેની હદ-મર્યાદા શું? એની હદમાં પરનો પ્રવેશ નથી, અને પરની હદમાં એનો પ્રવેશ નથી- આવું યથાર્થ સમજ્યા વિના બધું છોડીને ત્યાગી થાય પણ એથી શું? વસ્તુના સત્યાર્થ જ્ઞાન-શ્રદ્ધાન વિના બધું જ થોથેથોથાં છે. સમજાણું કાંઈ.....!
પ્રશ્નઃ– ધર્મ તો સહેલો હતો, પણ આપે મોંઘો કરી નાખ્યો.
PDF/HTML Page 3816 of 4199
single page version
ઉત્તરઃ– અરે ભાઈ! ધર્મની સત્યાર્થ રીત જ આ છે. આનાથી વિપરીત માને આચરે એ બધું મોંઘું છે, કેમકે બીજી રીતે ધર્મ હાથ આવે એમ છે જ નહિ. બાપુ! સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના તું વ્રત, તપ આદિ કરે પણ એમાં તો વિકલ્પ જ વિકલ્પ દેખાય, એમાં કાંઈ અંતઃતત્ત્વ હાથ ન આવે, ને ધર્મ ન થાય.
તો હમણાં હમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ -એવું ચાલ્યું છે એ શું છે? વિકલ્પથી શૂન્ય થઈ જાઓ- એ તો બરાબર છે, પણ પોતાનું- આત્માનું અસ્તિત્વ કેવું ને કેવડું છે તેના જ્ઞાન વિના, તેની અંતર્દષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે કેવી રીતે? આ ચૈતન્યમાત્ર ચિદ્રૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્તિસ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ-અભાવ થાય ને! એ વિના વિકલ્પ કદી તૂટે નહિ. ભાઈ! અંતર્દ્રષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જડ જેવો (મૂઢ) થઈ જઈશ.
એક વાર તું સાંભળ પ્રભુ! તું છો કે નહિ? છો તો કેવી રીતે છો? તો કહે છે- દ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી અને વર્તમાન અવસ્થાથી-એમ ચારેથી તું સત્ છો. મતલબ કે તારી પર્યાય પરને લઈને નથી. વળી તારું સત્ જો પ્રતીતિમાં આવ્યું તો પર્યાયમાં અવશ્ય પ્રગટ થશે જ.
આત્મા અનંતગુણરત્નાકર પ્રભુ છે. તેનો સંપ્રદાન નામનો ગુણ છે. ગુણના ધરનાર ગુણી-દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ ત્યાં વર્તમાન પર્યાયમાં ‘ઉપાય’ (મોક્ષમાર્ગ) પ્રગટ થયો, અને તે પર્યાયે જ તે રાખ્યો અને નવી પર્યાય ઉપાયનું ફળ જે ‘ઉપેય’ (મોક્ષ) થશે એને પણ પ્રતીતિમાં લઈ લીધો. શું કીધું? વિશેષ ખુલાસોઃ કે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તથા એની વર્તમાન દશા -એમ ચાર વડે હું સત્ છું એમ જ્યાં નક્કી થયું ત્યાં એને સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટ થયાં, સાથે સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવનો અંતરમાં સ્વીકાર થયો. હું સર્વજ્ઞ થવાને લાયક છું એમ એને પ્રતીતિ થઈ. અહા! મારો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ છે એમ પ્રતીતિ થતાં સાથે ‘ભાવ-અભાવ’ શક્તિની પ્રતીતિ થઈ. શું? કે વર્તમાન અવસ્થામાં જે અલ્પજ્ઞપણું ને કિંચિત્ દુઃખ છે તેનો અભાવ થઈ, જેનો વર્તમાન અભાવ છે એવું સર્વજ્ઞપણું અને અનંતસુખનો ભાવ થશે જ. અહા! પર્યાયમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા થવામાં થોડી વાર છે એટલું, પણ એ થશે જ એમ શ્રદ્ધાન ઉદય પામે છે. જેમ ચંદ્રની બીજ ઉગે તે પૂનમ થાય જ તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતિ ને અનુભવમાં લીધો તેને પૂરણ કેવળજ્ઞાન આદિ પૂર્ણદશા થાય જ, ન થાય એમ કદીય બને નહિ. ભાઈ! આ તો રામબાણ ઉપાય બાપુ! જેમ રામનું બાણ ફરે નહિ તેમ ભગવાનનો મારગ ફરે નહિ એવો અફર છે. જેમ દેવોએ સમુદ્ર વલોવીને એકવાર લક્ષ્મી ને બીજી વાર ઝેર કાઢયું’ તું ને! (આ લૌકિક કથા છે). તેમ આત્મા-ચૈતન્યરત્નાકરને વલોવીને આચાર્ય અમૃતચંદ્રદેવે
PDF/HTML Page 3817 of 4199
single page version
ભાઈ! પોતાનો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ નક્કી કર્યા વિના ધર્મ થઈ શકે જ નહિ. એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એનો નિર્ણય કરવા જાય એને અંતરંગમાં સર્વજ્ઞ-સર્વદર્શી નિજ સ્વભાવ છે એની દ્રષ્ટિ અને નિર્ણય થાય છે અને એનું નામ ધર્મ છે, અંતર્દ્રષ્ટિ થવી તે પ્રથમ ધર્મ છે. લોકો તો ભગવાનની ભક્તિ કરે ને ઉપવાસ કરે ને એમાં ધર્મ માને; પણ બાપુ! તું જેને ઉપવાસ માને છે તે ઉપવાસ નથી. ઉપવાસ કોને કહીએ? ‘ઉપવસતિ ઈતિ ઉપવાસઃ’ શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું તે ઉપવાસ છે, બાકી તો ઉપવાસ નહિ પણ ‘અપવાસ’ નામ માઠો વાસ છે. શુભરાગમાં વાસ તે માઠો વાસ (દુર્ગતિમાં વાસ) છે. અહા! પુણ્યભાવને જ્યાં સુધી પોતાનો માને, કરવા જેવો માને, કરતાં કરતાં ધર્મ થશે એમ હિતરૂપ માને ત્યાં સુધી નિજ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ અંતઃતત્ત્વની દ્રષ્ટિ થતી જ નથી, અને એના વિના બધું થોથેથોથાં જ છે. અરે, લોકોને આત્મ-વ્યવહાર શું છે એનીય ખબર નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, ને તેના આશ્રયે પ્રગટ થતી નિર્મળ રત્નત્રયની પરિણતિ તે વ્યવહાર. આ આત્મવ્યવહાર છે. તેને ગૌણ કરી શુદ્ધ એક નિશ્ચયને આદરવો-બસ એ જ કર્તવ્ય છે. બાકી તો “બુદ્ધિ વિનાના બાવા બને, ને ભવસાગરમાં ડૂબી મરે” એના જેવી વાત છે.
વળી અહીં કહે છે- ‘પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે.’
જોયું? પરનું દ્રવ્ય, પરનું ક્ષેત્ર, પરનો ભાવ ને પરની પર્યાયરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. આ શરીર છે ને? તે રૂપે-શરીરની અવસ્થારૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. તે જ પ્રમાણે કર્મના ઉદયરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. આ એક આંગળી છે ને! તેનો બીજી આંગળીરૂપે નહિ થવાની શક્તિરૂપ સ્વભાવ છે. હવે આવી વાત છે ત્યાં લોકો તો બીજાને મારું, ને બીજાને જીવાડું, ને પૈસા કમાઉં ને પૈસા દઉં ઈત્યાદિ પરનું કરવાનું માને છે. પણ બાપુ! પરની અવસ્થાપણે નહિ થવાની શક્તિરૂપ તારો સ્વભાવ છે. અહાહા....! કર્મ શું? કે શરીર શું? કુટુંબ-પરિવાર શું? કે દેવ-ગુરુ-શાસ્ત્ર શું? સર્વ પરદ્રવ્યના, એના ક્ષેત્રના, એના ભાવ- ગુણના અને એની વર્તમાન અવસ્થાના સ્વરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્મસ્વભાવ છે. સ્ત્રીના દેહની અવસ્થાપણે કે મકાનની અવસ્થાપણે આત્મા કદીય ન થાય એવો એનો સ્વભાવ છે. અહાહા...! આત્માનો પોતાની પર્યાયરૂપે થવાનો જેમ શક્તિરૂપ સ્વભાવ છે, તેમ તેનો પરની પર્યાયરૂપે નહિ થવાની શક્તિરૂપ સ્વભાવ છે.
પણ પુરુષ પોતાની પત્નીનો પતિ તો ખરો ને?
PDF/HTML Page 3818 of 4199
single page version
અરે ભાઈ! પ્રત્યેક આત્મા પોતાનો પતિ-સ્વામી છે; બાકી પરનો પતિ-સ્વામી કોઈ હોઈ શકે નહિ; કેમકે પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આત્માને અસત્પણું છે.
આ બધા ઉદ્યોગપતિઓ કહેવાય છે એ તો સાચું ને? ના, એય સાચું નથી. ઉદ્યોગ નામ પુરુષાર્થ પોતાનો પોતામાં હાલે, પણ પરમાં શું હાલે? પરમાં કાંઈ એ ન કરે. અરે, મિથ્યા ભ્રમમાં જીવ એમ ને એમ ચાર ગતિમાં રખડી મરે છે. બાકી પરની અવસ્થાપણે તું થતો નથી તો સ્ત્રીનો પતિ ને ઉદ્યોગપતિ ક્યાંથી થઈ ગયો?
હા, પણ પોતાનો ૬૦-૭૦ વર્ષનો અનુભવ તો બાપ દીકરાને આપે કે નહિ? ધૂળેય આપે નહિ સાંભળને. એ રાગનો અનુભવ પોતાનો પોતાની પાસે રહે, પરને કોઈ દઈ શકે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કરે શું? આ શબ્દો નીકળે છે ને? તે પુદ્ગલના સ્કંધની અવસ્થા છે; આત્મા તે અવસ્થાને કરે એમ ત્રણકાળમાં બની શકે નહિ. અરે! જેને અંદર વસ્તુનું-આત્માનું પરથી ભિન્નપણું ભાસ્યું નથી તેને આત્મા-પોતે શું છે, અને પોતાનું હોવાપણું-ન હોવાપણું શું છે એની ખબર નથી. સાચું જ્ઞાન થયે, મારી અવસ્થા પરથી છે, ને હું પરપણે છું એમ એને ભાસતું નથી. ભાઈ! તારી દશામાં પરદશાપણે થવાની તાકાત જ નથી. જેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી આત્મા અસત્ છે તેમ પરના સ્વકાળથી અર્થાત્ પરની પર્યાયથી આત્મા અસત્ છે, અને પોતાથી સત્ છે. તેથી પરનું કરવા આત્મા પંગુ-પાંગળો છે. આવી વાત! સમજાણું કાંઈ.....?
હવે કહે છે- ‘અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતત્પણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાન્ત સ્વયમેવ પ્રકાશે જ છે.)
જોયું? અનાદિ અનંત અખંડ એક દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે, અને સમયસમયની પલટતી પર્યાયપણે આત્મા અનિત્ય છે. આ રીતે, કહે છે, જ્ઞાનમાત્ર આત્મવસ્તુને તત્- અતત્ આદિ પરસ્પર વિરુદ્ધ બબ્બે શક્તિઓ સ્વયમેવ પ્રકાશિત હોવાથી અનેકાન્ત સ્વયમેવ પ્રકાશે જ છે.
પ્રશ્નઃ– ‘જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાન્ત પ્રકાશે છે તો પછી અર્હંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાન્તને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે છે?’
જુઓ, આ શિષ્યનો પ્રશ્ન છે કે -આત્મા જગતની એક અસ્તિ-હયાતીવાળી વસ્તુ છે તે જ્ઞાનમાત્ર છે એમ આપ કહો છો, અને જ્ઞાનમાત્ર કહેતાં જ તેને અનેકાન્ત સ્વયમેવ
PDF/HTML Page 3819 of 4199
single page version
ઉત્તરઃ- ‘અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ.’
જુઓ, કહે છે- અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મા પ્રસિદ્ધ નથી. તેથી નિજ આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે અનેકાન્ત-સ્યાદ્વાદ વડે તેને ઉપદેશવામાં આવે છે. અહાહા....! આત્મા પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપથી છે ને પરજ્ઞેયસ્વરૂપથી નથી એમ ઉપદેશતાં એને આત્મા જ્ઞાનમાત્ર સિદ્ધ-પ્રસિદ્ધ થાય છે માટે સ્યાદ્વાદથી ઉપદેશ છે. સમજાણું કાંઈ....!
અહા! આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ છે એનો નિર્ણય થવા સ્યાદ્વાદથી ઉપદેશ છે. ત્યાં ઉપદેશને ગ્રહણ કરી હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ જે ચાલતી દશામાં નિર્ણય થયો તે જ દશામાં પરવસ્તુનો મારામાં અભાવ છે એમ નક્કી થઈ જાય છે. અહા! જ્ઞાનમાત્ર આત્માનો નિર્ણય થતાં હું દ્રવ્યસ્વરૂપે એક છું અને ગુણ-પર્યાયોના સ્વરૂપથી અનેક છું, તથા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છું ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છું એમ પણ ભેગું આવી જાય છે. વળી વસ્તુની પર્યાયો સહજ જ ક્રમથી (ક્રમબદ્ધ) પ્રગટ થાય છે, ને હું તો જાણનાર જ છું એમ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. આવી વાત! સમજાણું કાંઈ.....?
અહા! અંતરમાં આત્મા જ્ઞાનમાત્ર છે એમ જ્યાં દ્રષ્ટિમાં બેઠું ત્યાં જ્ઞાનની સાથે અસ્તિપણે અનંતગુણો અક્રમે છે એનું જ્ઞાન થયું, તથા અનંતગુણની પર્યાયો ક્ષણેક્ષણે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ જ્ઞાને જાણી લીધું. સાથે ચારિત્ર અને આનંદગુણની દશામાં કિંચિત્ વિકાર છે અને એ વિકાર સ્વથી છે, પરથી નહિ એવું અંદર ભાન થતાં ક્રમે જે જે અવસ્થાઓ થાય તેનો સર્વજ્ઞની જેમ આ પણ જાણનાર-દેખનાર (જ્ઞાતાદ્રષ્ટા) થઈ રહે છે (પર્યાયોમાં હેરાફેરી કરવાની બુદ્ધિ કરતો નથી). સમજાણું કાંઈ...? આ તો એકદમ અંદરનો કસ છે.
અહા! જ્ઞાનમાત્ર વસ્તુપોતાથી (સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) છે, ને પરથી (પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) નથી એમ જ્યાં અંતરંગમાં નિર્ણય થયો ત્યાં પર્યાયના ઉત્પન્ન થવામાં પરની-નિમિત્તની અપેક્ષા-આલંબન રહ્યાં નહિ, ને વસ્તુ જ્ઞાનસ્વભાવમાત્ર જ છે એમ નિર્ણય થતાં પર્યાયને ફેરવવી છે એમ પણ રહ્યું નહિ. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણે જ પ્રવર્તન થયું. આમ અનેકાન્ત-સ્યાદ્વાદ વડે વસ્તુને-આત્માને સમજતાં-સાધતાં મહાન આત્મલાભ થાય છે.
ભાઈ! જેઓ એમ માને છે કે આત્માની અવસ્થા પરથી થાય છે તેઓને આત્મા
PDF/HTML Page 3820 of 4199
single page version
જ્ઞાનમાત્ર છે એમ બેઠું જ નથી. ખરેખર ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો ને કહેલો આત્મા જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે એમ જેને દ્રષ્ટિમાં આવ્યું તેને સ્વભાવ અને સ્વભાવનો પુરુષાર્થ થઈ ગયાં, કર્મનો અભાવ પણ થઈ ગયો તથા જે સ્વભાવના નિર્ણયરૂપ દશા થવા યોગ્ય હતી તે જ થઈ અને તે સ્વકાળે ક્રમબદ્ધ જ થઈ એમ ભવિતવ્યતા અને કાળલબ્ધિ પણ થઈ ગયાં, આમ પાંચે સમવાય અને તેનો યથાર્થ નિર્ણય એક સાથે થઈ જાય છે. સમજાણું કાંઈ.....?
જુઓ, શિષ્યનો પ્રશ્ન છે કે- આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહેતાં જ તેમાં અનેક ધર્મો સિદ્ધ થઈ જાય છે તો ભગવાન કેવળીએ અનેકાન્તને સાધન કેમ કહ્યું? તો કહે છે- અજ્ઞાનીને જ્ઞાનમાત્ર આત્માની ખબર નથી, તેથી અનેકાન્ત-સ્યાદ્વાદ વડે તેને ઉપદેશ કરવામાં આવે છે. એમ કે આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ છે, અને પરજ્ઞેયરૂપથી નથી, અતત્ છે એમ જાણતાં મારું જ્ઞાન પરજ્ઞેયને લઈને નથી એમ નિર્ણય થાય છે અને તેથી પરાવલંબન-નિમિત્તનું આલંબન મટી જાય છે, અર્થાત્ સ્વાવલંબન પ્રગટ થાય છે અર્થાત્ જ્ઞાન સ્વભાવી નિજ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે.
અરે! લોકોને તત્ત્વનો અભ્યાસ નથી તેથી તેઓ સ્વતત્ત્વને યથાર્થ જાણતા નથી. કોઈ તો આ આત્મા સર્વથા એક છે એમ માને છે, તો કોઈ એકાંતે સર્વવ્યાપક માને છે, વળી કોઈ એકાંતે કર્તા માને છે, તો કોઈ એકાંતે નિત્ય માને છે ઈત્યાદિ. આ પ્રમાણે તેઓ અવળે ચીલે ચઢી ગયા છે, અને અનંત જન્મ-મરણ કર્યા કરે છે. અહા! તેમને સર્વજ્ઞે કહેલું તત્ત્વ-આત્મસ્વરૂપ જે રીતે છે એ રીતે સ્યાદ્વાદ વડે ઉપદેશવામાં આવે છે; કેમકે વસ્તુના યથાર્થ જ્ઞાન ને ભાન વિના એનાં સર્વ અનુષ્ઠાન-ક્રિયા સંસાર અર્થે જ ફળે છે.
જ્ઞાનમાત્ર આત્મા પોતાપણે-જ્ઞાનસ્વભાવપણે છે, ને પરપણે-જડસ્વભાવપણે નથી એવું ભાન થતાં પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય પરને લઈને નથી, પરાધીન નથી પણ સ્વાધીન પ્રગટ થાય છે. વિકારી પરિણમન જે થાય છે તે પણ સ્વાધીનપણે થાય છે, પણ એમ નથી કે બીજી ચીજ-નિમિત્ત-કર્મ એને પરાધીન કરે છે. આવું જ્ઞાનમાત્ર વસ્તુનું યથાર્થ ભાન થતાં તેને ક્રમશઃ પરાવલંબી પરિણમન મટી જાય છે અને અંતે પૂર્ણ સ્વાધીન પરિણમન પ્રગટ થાય છે. આ સ્યાદ્વાદનું ફળ છે.
તેથી કહે છે- ‘ખરેખર અનેકાન્ત (સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે’ -
‘સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને