Pravachan Ratnakar (Gujarati). Gatha: 76-77.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 45 of 210

 

PDF/HTML Page 881 of 4199
single page version

જુઓ! નિમિત્ત મેળવી શકાતું નથી એક વાત; નિમિત્ત હોય છે તે કાર્યને નીપજાવતું નથી બીજી વાત; નિમિત્તનું તે કાળે જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં તે નિમિત્ત હોવા છતાં નિમિત્ત તે આત્માનું કાર્ય નથી અને જે જ્ઞાન થયું તે નિમિત્તનું કાર્ય નથી. અહો! આવું વસ્તુતત્ત્વ બતાવીને આચાર્ય અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે! આચાર્ય અમૃતચંદ્રદેવ છેલ્લે એમ કહે છે કે આ શાસ્ત્ર (ટીકા) અમે બનાવ્યું છે એમ નથી. ટીકા કરવાનો જે રાગ થયો તે અમારું કાર્ય નથી. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું કાર્ય નથી. રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન જ્ઞાયક આત્માનું કાર્ય છે. તેમાં રાગ નિમિત્ત હો, પણ તે નિમિત્ત રાગ જ્ઞાતાનું વ્યાપ્ય નથી. ભગવાન આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે. તે પોતે પોતાના સામર્થ્યથી પોતાને કારણે પોતાનું (સ્વનું અને રાગનું પરનું) જ્ઞાન કરે છે; નિમિત્તના કારણે જ્ઞાન કરે છે એમ છે જ નહિ. પ્રશ્નઃ– આ સામે લાકડું છે તો લાકડાનું જ્ઞાન થાય છે ને? ઉત્તરઃ– ના, એમ નથી. જ્ઞાન સ્વતંત્ર તે કાળે પોતાથી થયું છે. આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનપણે સ્વતંત્ર પરિણમે છે. તે જ્ઞાન આત્માનું કાર્ય છે. અન્ય નિમિત્ત હો ભલે, પણ તે નિમિત્ત આત્માનું કાર્ય નથી. જ્ઞાન જ આત્માનું કાર્ય છે; વ્યવહાર-રત્નત્રયનો રાગ આત્માનું વ્યાપ્ય કર્મ નથી. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.

* * *

હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૪૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘व्याप्यव्यापकता तदात्मनि भवेत्’ વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, ‘अतदात्मनि अपि न एव’ અતત્સ્વરૂપમાં ન જ હોય, અને ‘व्याप्यव्यापकभावसंभवम् ऋते’ વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના ‘कर्तृकर्मस्थितिः का’ કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. જુઓ! વસ્તુના સ્વભાવમાં સ્વભાવ તે ત્રિકાળ વ્યાપક છે અને એની પર્યાય તે વ્યાપ્ય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે, અતત્સ્વરૂપમાં નહિ. રાગ અને શરીરાદિ પર વસ્તુ તે તત્સ્વરૂપ નથી. અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનવસ્તુ પ્રભુ જ્ઞાનનો પિંડ છે. એનો વ્યાપ્યવ્યાપકભાવ તત્સ્વરૂપમાં જ હોય છે એમ અહીં કહે છે. એટલે પોતે વ્યાપક અને એની નિર્મળ નિર્વિકારી દશા એ એનું વ્યાપ્ય છે, પણ પોતે વ્યાપક અને રાગાદિ પરવસ્તુ એનું વ્યાપ્ય એમ છે જ નહિ; કેમકે અતત્સ્વરૂપમાં આત્માનું વ્યાપ્યવ્યાપકપણું સંભવિત જ નથી. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમાત્મા અરિહંતદેવની કહેલી મૂળ વાત છે. વ્યાપક એટલે કર્તા અને વ્યાપ્ય એટલે કર્મ-કાર્ય તત્સ્વરૂપમાં જ હોય છે. ખરેખર તો આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય-એ પણ ઉપચાર છે. કળશટીકામાં આ કળશના અર્થમાં નીચે પ્રમાણે કહ્યું છે-


PDF/HTML Page 882 of 4199
single page version

“વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્યે કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, નિશ્ચયથી વ્યાપ્યવ્યાપકતા નથી. ભાવાર્થ એમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્યદ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે.”

જ્ઞાતા એવો આત્મા પોતાના સ્વપરપ્રકાશક પરિણામનો કર્તા અને એ પરિણામ એનું કર્મ-એ ઉપચારમાત્રથી છે. “નિશ્ચયથી તો પર્યાય પર્યાયથી (પોતાથી) થઈ છે. દ્રવ્યથી પર્યાય થઈ છે એમ કહ્યું એ તો ભેદથી ઉપચાર કર્યો છે. નિશ્ચયથી તો નિર્વિકારી નિર્મળ પરિણામ સ્વયંસિદ્ધ થયા છે.” ત્યાં આત્મા તે નિર્મળ પરિણામનો કર્તા અને તે નિર્મળ પરિણામ આત્માનું કર્મ એ ઉપચારમાત્રથી છે. તથા રાગની અને જડની ક્રિયાનો કર્તા આત્મા છે એ તો ઉપચારમાત્રથી પણ નથી. અહા! આવી વાત બીજે કયાંય નથી. નિર્મળ પરિણામ તે વ્યાપ્ય અને દ્રવ્ય આત્મા વ્યાપક એ ઉપચારથી છે, પરમાર્થ નથી. અને શરીરનો, રાગનો, વ્યવહારનો કર્તા આત્મા છે એ તો ઉપચારમાત્રથી પણ નથી.

વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે. એટલે કે કર્તા અને કર્મ અભિન્ન હોય છે. આત્મા વસ્તુ શુદ્ધ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે વ્યાપક અને સમ્યગ્દર્શન આદિ નિર્મળ પરિણામ તે એનું વ્યાપ્ય એટલે કર્મ છે. પરંતુ આત્મા કર્તા અને એનાથી ભિન્ન પુણ્ય-પાપના ભાવ એનું વ્યાપ્ય કર્મ છે એમ કદી હોઈ શકે નહિ; કેમકે પુણ્ય-પાપ આદિ ભાવ અતત્સ્વરૂપ છે. પુણ્ય- પાપના ભાવ વિભાવસ્વરૂપ છે અને તે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ અતત્સ્વરૂપ છે. અહાહા...! ભાઈ, જેને વ્યવહાર સાધન કહ્યું છે એવા વ્યવહારરત્નત્રયના ભાવ અતત્સ્વરૂપ છે. તેને સાધન કહ્યું એ તો જ્ઞાન કરવા માટે ઉપચારમાત્ર કથન છે. ખરેખર તે સાધન છે જ નહિ. ઝીણી વાત, ભાઈ!

આત્મા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ધ્રુવ વસ્તુ છે. તેનું વ્યાપ્યવ્યાપકપણું પોતાના નિર્મળ સ્વભાવમાં (અભિન્ન) છે. શુદ્ધ જ્ઞાયકના લક્ષે જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે એનું વ્યાપ્ય અને પોતે વ્યાપક થઈને તે નિર્મળ વ્યાપ્ય કર્મને કરે છે. પરંતુ પુણ્ય-પાપ આદિ જે વિભાવભાવ થાય છે તેનાં ક્ષેત્ર અને ભાવ ભિન્ન હોવાથી નિશ્ચયથી તે અતત્સ્વરૂપ છે. તેથી આત્માને રાગાદિથી વ્યાપ્યવ્યાપકપણું નથી. ઘણી ગંભીર વાત!

તથા વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી? વ્યાપ્યવ્યાપકભાવના અભાવે રાગનો કર્તા આત્મા અને રાગ આત્માનું કર્મ એ સ્થિતિ કેવી? જુઓ! આ ધર્મ કેવી રીતે થાય તે કહે છે. નિર્મળ જ્ઞાનસ્વભાવી ચિન્માત્ર વસ્તુ જે આત્મા તેની જેને દ્રષ્ટિ થઈ અને જે અતત્સ્વરૂપ એવા રાગથી-વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડયો તે


PDF/HTML Page 883 of 4199
single page version

સ્વયં ભગવાન જ્ઞાયક વ્યાપક-કર્તા થઈને પોતાની વ્યાપ્ય એવી નિર્મળ મોક્ષમાર્ગની- સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની પર્યાયને કરે છે અને તે ધર્મ છે. આ આત્માનું વ્યાપ્ય કર્મ છે; પરંતુ અતત્સ્વરૂપ એવો જે રાગ (વ્યવહાર) તે આત્માનું વ્યાપ્ય નથી, તે આત્માનું કર્મ નથી.

અરેરે! લોકોને અત્યારે વ્યવહાર અને નિમિત્તના પ્રેમમાં અંદર જે ભિન્ન શુદ્ધ જ્ઞાયક ભગવાન પડયો છે તેનાં રુચિ અને આશ્રય આવતાં નથી. તેઓ બિચારા ચોરાસીના અવતારમાં અતિશય દુઃખી થઈને જાણે દુઃખની ઘાણીમાં પીલાઈ રહ્યા છે. ભાઈ! શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ પ્રભુ પોતે છે એનો મહિમા દ્રષ્ટિમાં આવ્યા વિના વિકારનું માહાત્મ્ય અંતરથી છૂટતું નથી. અહીં કહે છે કે વ્યાપ્યવ્યાપકભાવ તત્સ્વભાવમાં જ હોય છે, અતત્સ્વભાવમાં ન હોય. પ્રથમ આ સિદ્ધાંત મૂકીને કહે છે કે વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી? ભગવાન આત્મા કર્તા અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિભાવભાવ એનું કર્મ-એ કેમ હોઈ શકે? (ન હોઈ શકે). અહાહા...! આ બહારનાં (દયા, દાન આદિ) કામ તો આત્મા કરી શકે નહિ, પણ (દયા, દાન, આદિ) વિકારના પરિણામ પણ આત્માનું કામ-કાર્ય છે એમ નથી કેમકે વિભાવભાવ અતત્ભાવસ્વરૂપ છે.

ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે તે તત્સ્વભાવે છે. તેનું તત્સ્વભાવે પરિણમન થયું તે એનું કાર્ય છે, કર્મ છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુ પોતે વ્યાપક થઈને પોતાના નિર્મળ પરિણામમાં વ્યાપે એ તો બરાબર છે. પરંતુ તે શુભાશુભ વિકારમાં વ્યાપક થઈને એને કરે એ વાત કયાંથી લાવવી? કેમકે ત્યાં વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. વ્યવહાર રત્નત્રયના શુભભાવ તે આત્માનું કર્તવ્ય, આત્માનું વ્યાપ્ય કર્મ એ સ્થિતિ કયાંથી લાવવી? અહાહા...! દ્રવ્યે અને ગુણે પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા છે તે પવિત્રતાના વ્યાપકપણે પવિત્રતાની વ્યાપ્ય અવસ્થાને કરે છે; પરંતુ તે વિકારની અવસ્થાને વ્યાપ્યપણે કરે-એ સ્થિતિ કયાંથી લાવવી? એમ છે જ નહિ.

કેટલાકને આકરું પડે છે, પણ શું થાય? માર્ગ તો આ જ છે, ભાઈ! આ સમજવું જ પડશે. બહારમાં તો કાંઈ નથી. આ પૈસા, બંગલા, મોટર, સંપત્તિ અને આબરૂ-એ ધૂળમાં કય ાંય સુખ નથી. અહીં કહે છે કે પરવસ્તુ વ્યાપક થઈને એની પોતાની પર્યાયને કરે તે એનું કર્મ છે. અતત્ભાવવાળી વસ્તુ પોતે પોતાથી પરિણમે છે. તેનું કાર્ય આ આત્મા કરે એમ કદી હોઈ શકે નહિ. આ જીભ હલે, વાણી બોલાય તે આત્માનું વ્યાપ્ય નથી. તથા તેમાં જે વિકલ્પ-રાગ થાય એ પણ અતત્સ્વભાવરૂપ છે. અતત્ભાવરૂપ વસ્તુનું કાર્ય તત્સ્વભાવી આત્મા કરે એમ કદીય બનતું નથી.

પ્રશ્નઃ– આ ભાષા બોલવાનું જે કાર્ય થાય તે આત્મા કરે છે કે નહિ?

ઉત્તરઃ– આ પ્રશ્ન સં. ૧૯૯પમાં શંત્રુજયમાં થયો હતો. ત્યારે કહ્યું હતું કે


PDF/HTML Page 884 of 4199
single page version

ભાષાનું વ્યાપ્યવ્યાપકપણું જડમાં છે. આત્મા વ્યાપક થઈને અતત્ભાવરૂપ એવી ભાષાના પરિણમનને કરે એમ હોઈ શકે જ નહિ. ભાઈ! આ પંડિતાઈનો વિષય નથી. આ તો અંતર સ્વરૂપદ્રષ્ટિનો વિષય છે. જેને જન્મ-મરણના દુઃખથી છૂટવું હોય તેને અહીં કહે છે કે એ દુઃખના પરિણામ પણ આત્માનું વ્યાપ્ય નથી. ભાઈ! એ તો અતીન્દ્રિય આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ છે ને! તે વ્યાપક થઈને, પ્રસરીને, કર્તા થઈને પવિત્ર આનંદની પર્યાયનું કાર્ય કરે. એને દુઃખની પર્યાય તો અતદ્ભાવરૂપ છે. એ દુઃખની પર્યાય તેનું વ્યાપ્ય કેમ હોય?

આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તે વ્યાપક થઈને પ્રસરીને ખીલે તો નિર્મળ વીતરાગી આનંદની પર્યાયરૂપે ખીલે એવો તેનો સ્વભાવ છે. જુઓ! કાગળનો પંખો ખીલે-પ્રસરે તો કાગળપણે ખીલે પણ શું તે લોઢાપણે ખીલે ખરો? (ના, કદાપિ નહીં). તેમ જ્ઞાયકસ્વરૂપી ભગવાન ખીલે-પ્રસરે તો નિર્મળ જ્ઞાનસ્વભાવે ખીલે પણ શું તે રાગ અને દુઃખપણે ખીલે? (ના). ભાઈ! રાગપણે જે ખીલે-પ્રસરે તે આત્મા નહિ. અહા! ભગવાન આત્માનું વ્યાપ્ય તો વીતરાગી પર્યાય છે. ચતુર્થ આદિ ગુણસ્થાનમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની પર્યાય પ્રગટે તે આત્માનું વ્યાપ્ય છે.

પ્રશ્નઃ– ચતુર્થ આદિ ગુણસ્થાનમાં રાગ તો હોય છે?

ઉત્તરઃ– હા, ચતુર્થ આદિ ગુણસ્થાનમાં વ્રત, પૂજા, ભક્તિ, દયા, દાન ઇત્યાદિના શુભભાવ હોય છે. પણ તે શુભભાવ તે આત્માનું વ્યાપ્ય કર્મ નથી. જે વિભાવ હોય છે તેને તે કાળે તે જાણતો પ્રવર્તે છે. સ્વપરને જાણનારી એની જે જ્ઞાનની પર્યાય તે એનું વ્યાપ્ય કર્મ છે. જ્ઞાન રાગને જાણે તેથી રાગ આત્માનું વ્યાપ્ય થઈ જાય એમ છે જ નહિ. ભાઈ! આ તો કર્તૃત્વના અભિમાનના ભુક્કા બોલાવી દે એવી વાત છે. તેને અંતરમાં બેસાડ ને! વ્યવહારથી નિશ્ચય થાય એવી તારી માન્યતા મિથ્યા એકાંત છે, કેમકે કર્તાકર્મપણું તત્સ્વભાવમાં જ હોય છે. અહાહા...! વીતરાગી પર્યાય તે કાર્ય અને વીતરાગી સ્વભાવ તે એનું કારણ છે એમ અહીં કહ્યું છે; પણ રાગ કારણ અને વીતરાગતા એનું કાર્ય એમ છે જ નહિ. શાસ્ત્રોમાં જે વ્યવહાર સાધનની વાત આવે છે એ તો નિમિત્ત દેખીને તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવામાં આવેલું છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.

હવે કહે છે- ‘इति उद्दाम–विवेक–घस्मर–महोभारेण’ આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી ‘तमः भिन्दन्’ અજ્ઞાન-અંધકારને ભેદતો, ‘स एषः पुमान्’ આ આત્મા ‘ज्ञानीभूय’ જ્ઞાનસ્વરૂપ થઈને, ‘तदा’ તે કાળે ‘कर्तृत्वशून्यः लसितः’ કર્તૃત્વરહિત થયેલો શોભે છે.


PDF/HTML Page 885 of 4199
single page version

અહાહા-! સમયસારની એકેક ગાથા અને એકેક કળશ અલૌકિક છે. આત્માનું હિત કેમ થાય એની અહીં વાત છે. બહુ શાસ્ત્રો ભણ્યો હોય અને વ્યાખ્યાન સારું કરે એટલે થઈ ગયો મોટો પંડિત જ્ઞાની એ વાત અહીં નથી. તથા ઘણો બધો બાહ્ય વ્યવહાર પાળે માટે જ્ઞાની છે એમ પણ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની (ભેદરૂપ) શ્રદ્ધા અને ભક્તિ એ તો બધો રાગ છે. ભાઈ! બહારની ધમાધમ એ માર્ગ નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા તત્સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કર્તા અને તેની નિર્મળ પર્યાય તે એનું કાર્ય છે, પરંતુ અતત્સ્વભાવ જે વિભાવ તેનો આત્મા કર્તા નહિ અને તે વિભાવ આત્માનું કર્મ નહિ. આ પ્રમાણે અંતરંગમાં દ્રષ્ટિ થઈ એને પ્રબળ વિવેકરૂપ (ભેદજ્ઞાનરૂપ) સમ્યગ્જ્ઞાનનો સૂર્ય ઉગ્યો એમ અહીં કહે છે.

આવો પ્રબળ વિવેકરૂપ સમ્યગ્જ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો તેનો સૌને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે. એટલે કે તે સ્વને જાણે અને જે રાગ હોય તેને પણ જાણે એવો તેનો સ્વભાવ છે. જાણવામાં બધું કોળિયો કરી જાય એવી પ્રગટ થયેલા જ્ઞાનપ્રકાશની શક્તિ છે. જુઓ! રાગને કરે એ તો છે જ નહિ, પણ રાગ છે માટે તેને (રાગને) જાણે એમ પણ નથી. જ્ઞાનનો એ સહજ સ્વભાવ છે કે તે જાણવામાં રાગ આદિ સર્વને કોળિયો કરી દે. જે કાળે જે જાતનો રાગ અને જે જાતની દેહની સ્થિતિ પોતાના કારણે થાય તે કાળે તે સર્વને અડયા વિના ગ્રાસીભૂત કરવાનો-જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે.

વ્યવહારના રાગને જ્ઞાન જાણી લે છે; ત્યાં જાણવું જે થયું તે આત્માનું નિજ કાર્ય છે પણ જે રાગ છે એ આત્માનું કાર્ય નથી. રાગ મારું કાર્ય અને રાગનો હું કર્તા એવી માન્યતા તો અજ્ઞાન છે. એ અજ્ઞાનને ભેદતો તત્સ્વરૂપે-જ્ઞાનસ્વરૂપે પોતે પરિણમતો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. ભાઈ! આ વ્યવહારરત્નત્રયનો શુભરાગ તે મારું કાર્ય અને હું તેનો કર્તા અથવા વ્યવહાર રત્નત્રયનો શુભરાગ તે કર્તા અને જે જ્ઞાન અવસ્થા પ્રગટ થઈ તે એનું કાર્ય એવો અભિપ્રાય તે અજ્ઞાન છે. આ અજ્ઞાન-અંધકારને ભેદતો ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વરહિત થયેલો શોભે છે.

કહ્યું ને કે જે કાળે રાગ છે તે કાળે રાગને જાણતું ત્યાં જ્ઞાન છે. તે જ્ઞાન કર્તૃત્વરહિત થઈને શોભે છે. એટલે રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એવી અજ્ઞાનદશાને ભેદતો પોતે કર્તૃત્વરહિત થઈને એટલે કે જ્ઞાતા થઈને શોભે છે. જુઓ, રાગના કર્તૃત્વથી આત્મા શોભતો નથી. પુણ્યના પરિણામ કરવાથી આત્માની શોભા નથી. એથી પોતાની શોભા માનવી એ તો મિથ્યાત્વ છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અહીં તો, આ શાસ્ત્રમાં જે છે, તેનું સ્પષ્ટીકરણ થાય છે. માણસને પોતાની માનેલી વાતનાં પકડ અને અભિમાન હોય તેથી આવી સત્ય વાતને ગ્રહણ કરવી કઠણ લાગે, પણ ભાઈ! આ સમજ્યે જ છૂટકો છે.


PDF/HTML Page 886 of 4199
single page version

અહાહા...! આત્મા પોતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાન છે. તે જ્ઞાતા-દ્રષ્ટા થઈને પરિણમે તે શોભા છે. પહેલાં રાગનો કર્તા થઈને પરિણમતો હતો તે અશોભા હતી, અજ્ઞાન હતું, દુઃખ હતું. હવે તે રાગના કર્તૃત્વરહિત થઈને જ્ઞાતાસ્વભાવે જ્ઞાનપણે, આનંદપણે પરિણમતો તે અતીન્દ્રિય આનંદની લહેરથી શોભે છે. સ્વરૂપના ભાન વિના પહેલાં વ્યવહારના રાગના કર્તાપણે પરિણમતો હતો તે અજ્ઞાનદશા હતી, દુઃખદશા હતી. હવે પ્રબળ વિવેકરૂપ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાનઅંધકારને ભેદતો તે રાગનો અકર્તા થઈને અને જ્ઞાન અને આનંદની પર્યાયનો કર્તા થઈને પોતે શોભે છે.

પ્રશ્નઃ– વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– અરે ભાઈ! એ તો સાધનનો આરોપ કરીને કથન કર્યું છે. વ્યવહારનો રાગ જે અતત્ભાવરૂપ છે તે તત્સ્વભાવનું-નિશ્ચયનું સાધન કેમ થાય? ન જ થાય. અહીં તો રાગથી ભિન્ન પડી, જ્ઞાયકભાવ પ્રસરીને-વિસ્તરીને જે નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સાધન છે એમ કહ્યું છે. અને ત્યારે જે રાગ છે તેને સહચર વા નિમિત્ત દેખીને ઉપચારથી આરોપ કરીને સાધન કહ્યું છે. સર્વત્ર વ્યવહારનું લક્ષણ જ એવું છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવીને કથન કરે. એકના ભાવને બીજાના ભાવમાં ભેળવીને કથન કરે અને કારણમાં કાર્યને ભેળવીને કથન કરે એવું વ્યવહારનું લક્ષણ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ નિશ્ચય-વ્યવહારનો બહુ સરસ ખુલાસો કર્યો છે.

પોતાને બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? અશુદ્ધતામાં પણ પોતે સ્વતંત્ર છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી અશુદ્ધતા ભી બડી’-એટલે કે જેને વિપરીત બેઠું છે તે ત્રિલોકનાથ ભગવાનની વાણી સાંભળીને પણ વિપરીત માન્યતાથી ખસે નહિ એવી એની અશુદ્ધતાની પણ મોટપ છે; પોતાની ઊંધી પકડ છોડે જ નહિ. અહીં કહે છે કે રાગ મારું કાર્ય અને હું રાગનો કર્તા એ માન્યતા અજ્ઞાન છે. આ વિપરીત અભિપ્રાયને તો પ્રથમ સુધાર. વસ્તુસ્થિતિનો પ્રથમ જ્ઞાનમાં સમ્યક્ નિર્ણય તો કર. સ્થિરતા ન થઈ શકે એ જુદી વાત છે. ભાઈ! પ્રથમ સ્વરૂપ આમ જ છે એમ નિર્ણય તો કર. રાગનું કર્તૃત્વ મારું નહિ, પણ તે કાળે સ્વને અને પરને જાણતું જે મારું જ્ઞાન તે મારું કાર્ય અને હું તેનો કર્તા એવા નિર્ણય સહિત જે જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો તે અજ્ઞાન-અંધકારને ભેદીને પોતે અકર્તાપણે-જ્ઞાતાપણે પરિણમતો કર્તૃત્વરહિત થઈને શોભે છે. આવી અદ્ભુત આ વાત છે. એ કાંઈ વાદવિવાદથી પાર પડે એમ નથી.

* કળશ ૪૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે


PDF/HTML Page 887 of 4199
single page version

(વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે.’ ત્રિકાળી વસ્તુ જે દ્રવ્ય તે વ્યાપક છે કેમકે તે દરેક અવસ્થામાં હોય છે. અને વર્તમાન વર્તતી અવસ્થા તે વ્યાપકનું વ્યાપ્ય છે.

‘દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે.’ એટલે કે તેને પરવસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. પોતાનું દ્રવ્ય અને પોતાની પર્યાય પરથી ભિન્ન છે અને પોતે અભેદરૂપ છે. પરથી ભિન્ન છે એ અપેક્ષાએ દ્રવ્ય-પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. ત્યાં દ્રવ્ય અને પર્યાય એક થયાં છે એમ નથી. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ છે એટલે પરની સાથે કે રાગની સાથે કાંઈ સંબંધ નથી. નિર્મળ પર્યાય અને દ્રવ્ય અભેદ છે એટલે કે નિર્મળ પર્યાય છે તે વ્યાપક એવા દ્રવ્યનું વ્યાપ્ય છે. એ પર્યાયનો કર્તા દ્રવ્ય છે એમ અભેદનો અર્થ છે.

અરે ભાઈ! અનંતકાળની પોતાની ચીજ છે. તેની દ્રષ્ટિ કરવી તે કાંઈ સાધારણ વાત નથી. જે પર્યાયબુદ્ધિ અને રાગબુદ્ધિ અનાદિથી છે તેમાં પલટો મારીને દ્રવ્યબુદ્ધિ કરવી એ સાધારણ (પુરુષાર્થની) વાત નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. તે છે એમ જ્યાં પર્યાય દ્રવ્ય સન્મુખ ઢળીને તેનો સ્વીકાર કરે છે ત્યારે દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ તે દ્રવ્યનો સ્વીકાર કરે છે અને ત્યાં તેને શાંતિનો અનુભવ થાય છે. પોતે આત્મા વ્યાપક અને પોતાની નિર્મળ પર્યાય તે વ્યાપ્ય એમ અભેદરૂપ પરિણમન છે ત્યાં શાંતિ છે. પણ પોતે આત્મા વ્યાપક અને પુણ્ય-પાપના ભાવ તે મારું વ્યાપ્ય એમ જે માને તેને અશાંતિ છે. આવુ જ વસ્તુનું સ્વરૂપ છે.

હવે કહે છે-‘જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય; અતત્સ્વરૂપમાં ન જ હોય.’

જુઓ, શું કહે છે? જે દ્રવ્યનું સ્વરૂપ છે એ જ પર્યાયનું સ્વરૂપ છે. પર્યાય એની જાતની છે ને! પર્યાય અને દ્રવ્ય બન્ને એક થયા છે એમ નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે, દ્રવ્યમાં ભળીને જાણતી નથી; પરંતુ પરથી ભિન્નપણું છે એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ. આ પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ વા સત્ત્વ તે જ પર્યાયનું સ્વરૂપ વા સત્ત્વ છે, આમ હોઈને એટલે કે દ્રવ્ય-પર્યાયની અભિન્નતા હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે.

આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે, અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. પરંતુ અતત્સ્વરૂપમાં અર્થાત્ ભિન્ન ભિન્ન સત્તાવાળા પદાર્થોમાં આવું વ્યાપ્ય-વ્યાપકપણું હોતું નથી. રાગને અને આત્માને વ્યાપ્યવ્યાપકપણું નથી કેમકે બન્ને ભિન્ન


PDF/HTML Page 888 of 4199
single page version

ભિન્ન ચીજ છે. પરંતુ જ્ઞાયકસ્વભાવી આત્મા અને તેની નિર્મળ વીતરાગી પરિણતિને વ્યાપ્યવ્યાપકપણું છે કેમકે તે બન્ને અભિન્ન તત્સ્વભાવી છે. દ્રવ્ય વ્યાપક છે અને રાગ એનું વ્યાપ્ય છે એમ નથી; પરંતુ દ્રવ્ય વ્યાપક અને તેની નિર્મળ પરિણતિ એનું વ્યાપ્ય એમ વ્યાપ્યવ્યાપકપણું છે. જુઓ! પંડિત શ્રી જયચંદજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે! પહેલાંના પંડિતોએ કેવું સરસ કામ કર્યું છે! કહે છે કે પર્યાયની સત્તા અને દ્રવ્યની સત્તા બે જુદી નથી. જેમ પરદ્રવ્યની સત્તા જુદી છે તેમ દ્રવ્ય અને તેની નિર્મળ પરિણતિની સત્તા જુદી નથી.

આમ તો દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા બે ભિન્ન છે. એ અંદર-અંદરની (પરસ્પરની) અપેક્ષાએ વાત છે. પણ પરની અપેક્ષાએ તો દ્રવ્ય અને પર્યાયની સત્તા અભિન્ન એક છે. ખરેખર તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનાં સત્તા અને ક્ષેત્ર તેની નિર્મળ પર્યાયનાં સત્તા અને ક્ષેત્રથી ભિન્ન છે. પણ એ તો અંદર-અંદર પરસ્પરની દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ વાત છે. પરંતુ અહીં તો એમ સિદ્ધ કરવું છે કે પર્યાય અને દ્રવ્યનું ક્ષેત્ર એક છે, કેમકે અભિન્ન સત્તાવાળા પદાર્થમાં વ્યાપ્યવ્યાપકપણું હોય છે. પરની સત્તાથી પોતાના દ્રવ્ય-પર્યાયની સત્તા ભિન્ન છે અને પોતાનાં દ્રવ્ય-પર્યાય બેની સત્તા અભિન્ન છે એમ અહીં સિદ્ધ કરવું છે.

સત્તા ભિન્ન હોય એવા પદાર્થમાં વ્યાપ્યવ્યાપકપણું ન જ હોય. રાગાદિ વિભાવ ભિન્ન સત્તાવાળો પદાર્થ છે. તેની સાથે આત્માને વ્યાપ્યવ્યાપકપણું નથી. વસ્તુ ભિન્ન છે માટે ક્ષેત્ર ભિન્ન છે. તેથી વ્યાપ્યવ્યાપકપણું નથી અને માટે આત્મા અને રાગાદિ વિભાવને કર્તાકર્મપણું નથી.

જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. એવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. કળશટીકામાં ‘જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, નિશ્ચયથી વ્યાપ્યવ્યાપકતા નથી’ એમ કહ્યું છે. પુદ્ગલ અને પુદ્ગલના નિમિત્તથી થતી વિકારી પર્યાય એ બધું પુદ્ગલ છે. આવું જે જાણે તે વિકારને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. કર્મના પરિણામનો પોતે કર્તા નથી એમ જાણે ત્યાં રાગાદિ વિકારનો પણ પોતે કર્તા નથી એમ જાણે છે. આમ જાણતાં લક્ષ ત્યાંથી છૂટી આત્મા ઉપર લક્ષ જાય છે. પરનું કર્તાપણું છૂટે ત્યાં રાગનું કર્તાપણું પણ છૂટી જાય છે. અહા! ભરતમાં કેવળજ્ઞાનીના વિરહ પડયા પણ ભાગ્યવશ આવી ચીજ (સમયસાર) રહી ગઈ. કોઈ વળી કહે છે કે સમયસાર વાંચો છો અને બીજું શાસ્ત્ર કેમ નહિ? પણ ભાઈ! તત્ત્વજ્ઞાનના વિષયની મુખ્યતા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં હોય છે. સમ્યગ્દર્શનના વિષયનું દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં નિરૂપણ હોય છે.

અહીં કહે છે કે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવથી નથી. આમ જાણતાં તે જ્ઞાની થાય છે. એટલે કે રાગનો જાણનાર થાય છે, કર્તા થતો નથી. તે કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતા-દ્રષ્ટા બની જગતનો સાક્ષીભૂત થાય છે. બધાનો જાણનાર સાક્ષી થાય


PDF/HTML Page 889 of 4199
single page version

છે. પોતામાં રહીને જાણે બસ! પોતામાં રહીને જાણનાર, પરમાં જઈને પરનો જાણનાર એમ નહિ, પોતે સાક્ષી થાય છે. આવો વીતરાગનો કહેલો વીતરાગ સ્વરૂપ જ માર્ગ છે.

ભાઈ! આ દેહ છૂટી જશે; કોઈ સગાં સંબંધી સાથે રહેશે નહિ. જ્યાંથી દેહ છૂટીને અહીં આવ્યો ત્યાંનાં સગાંવહાલાં સંભાળતાં હોય પણ એથી શું? કોઈ સાથે રહે એમ છે? કોઈ એનું છે? ભાઈ! કોઈ તારું નથી. એક ચૈતન્યસ્વભાવમય જ્ઞાનાનંદસ્વભાવી આત્મા એવો તું તારો છે. આ ગામ, આ મકાન, આ દેહ, આ રાગાદિ વિકલ્પો ઇત્યાદિ મારા છે એમ કહેવાય પણ તેથી શું તે તારા થઈ ગયા? વ્યવહારથી બોલાય એથી શું? ગામ મકાન, દેહ, રાગ આદિ પદાર્થો તારા નથી અને એ તારાં કાર્ય પણ નથી, તું એમનો કર્તા પણ નથી. તું તો નિત્યાનંદસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી આત્મા છો અને જ્ઞાતાદ્રષ્ટાનું નિર્મળ પરિણમન એ જ તારું કર્મ-કાર્ય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે; તેને યથાર્થ જાણવું તે જ્ઞાનીનું કર્મ છે.

[પ્રવચન નં. ૧૨૯ શેષ ૧૩૦, ૧૩૧, ૧૩૨ (ચાલુ) * દિનાંક ૧૮-૭-૭૬ થી ૨૧-૭-૭૬]

PDF/HTML Page 890 of 4199
single page version

ગાથા–૭૬

पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–

ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए।
णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं।। ७६।।

नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु
पुद्गलकर्मानेकविधम्।। ७६।।

હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-

વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.

ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [अनेकविधम्] અનેક પ્રકારના [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [जानन् अपि] જાણતો હોવા છતાં [खलु] નિશ્ચયથી [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયમાં [न अपि परिणमति] પરિણમતો નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતો નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતો નથી.

ટીકાઃ– પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત (બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.

ભાવાર્થઃ– જીવ પુદ્ગલકર્મને જાણે છે તોપણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.


PDF/HTML Page 891 of 4199
single page version

સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.

જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વર્ત્ય કર્મ નથી. જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણમાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુદ્ગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.

× × ×
સમયસાર ગાથા ૭૬ઃ મથાળું

હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૭૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે પુદ્ગલપરિણામને કરે છે.’

જુઓ! શિષ્યનો એમ પ્રશ્ન છે કે પુદ્ગલપરિણામરૂપ કર્મને એટલે કે રાગાદિને જાણતાં જ્ઞાનીને તેની સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? જેવો રાગ થાય, જે દેહની સ્થિતિ હોય તેને એ રીતે જાણે એટલો સંબંધ છે, પણ આત્માને તેની સાથે કર્તાકર્મપણું છે કે નથી? તો કહે છે કે ના; પુદ્ગલનું-રાગાદિનું કર્તાકર્મપણું પુદ્ગલમાં છે. જે જે રાગાદિ અવસ્થા થાય તે તે જ્ઞાની જાણે પણ તેની સાથે જ્ઞાનીને કર્તાકર્મભાવ નથી. પુદ્ગલપરિણામરૂપકર્મ સાથે પુદ્ગલને કર્તાકર્મપણું છે.

એક સમયની અવસ્થાના ત્રણ પ્રકાર-પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય. એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે રાગસ્વરૂપ જે કર્તાનું કાર્ય છે તેમાં પુદ્ગલ અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતું, રાગરૂપે પરિણમતું, રાગરૂપે


PDF/HTML Page 892 of 4199
single page version

ઊપજતું થકું પુદ્ગલપરિણામને કરે છે. આ દયા, દાન, વ્રત આદિના શુભરાગમાં પુદ્ગલ વ્યાપીને તે પરિણામને કરે છે. વ્યવહારરત્નત્રયના રાગની આદિમાં પુદ્ગલ, મધ્યમાં પુદ્ગલ અને અંતમાંય પુદ્ગલ છે; રાગની આદિમાં જીવ છે એમ નથી.

એક બાજુ એમ કહે કે રાગના, મિથ્યાત્વના પરિણામ જીવના છે અને વળી તે પુદ્ગલના પરિણામ છે એમ અહીં કહે તે કેવી રીતે છે? ભાઈ! અહીં તો જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીની વાત છે. જે કાળે જે રાગની, શરીરની, ભાષાની, સંયોગની જે રીતે અવસ્થા થાય તેને તે રીતે જ્ઞાની જાણે છતાં જાણનાર જ્ઞાયક કર્તા અને રાગાદિ એનું કર્મ એમ નથી. રાગમાં પુદ્ગલ અંતર્વ્યાપક થઈને રાગને કરે છે. રાગ છે તો જીવની પર્યાય પણ અહીં તો જેને દ્રવ્યબુદ્ધિ થઈ છે, જે જ્ઞાતાભાવે પરિણમ્યો છે એવા જ્ઞાનીની વાત છે. કહે છે કે પર્યાયમાં જે રાગ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે, આત્મા નથી. જ્ઞાનીને જે સ્વભાવદ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. સમ્યગ્દર્શનની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે અને રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. બે વસ્તુ (જ્ઞાન અને રાગ) જુદી પાડી ને. કહે છે કે રાગ જે પુદ્ગલપરિણામ છે તેના આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે અને તેનો કર્તા પુદ્ગલ છે.

જ્ઞાનીની કર્તાકર્મની સ્થિતિ શું છે અને જડ પુદ્ગલની દશા શું છે એની આ વાત ચાલે છે. વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ છે એમાં પુદ્ગલદ્રવ્ય અંતર્વ્યાપક થઈને તે કર્મ કરે છે; જીવનું તે વ્યાપ્ય એટલે કર્મ નથી. પ્રાપ્ય એટલે જે થાય તેને પહોંચી વળવું, વિકાર્ય એટલે બદલવું, નિર્વર્ત્ય એટલે ઉપજવું-એમ ત્રણે એક જ કાર્ય છે. શુભરાગ જે થયો તેને પુદ્ગલ પહોંચી વળ્‌યું છે તે તેનું પ્રાપ્ય કર્મ, પૂર્વનો રાગ બદલીને શુભરાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ અને શુભરાગ જે નવો ઉપજ્યો તે પુદ્ગલનું નિર્વર્ત્ય કર્મ છે. વિકારના પરિણામ-શુભરાગાદિના પરિણામના આદિ-મધ્ય- અંતમાં પુદ્ગલ વ્યાપે છે. આદિમાં આત્મા છે અને પછી રાગ થાય છે એમ નથી. આદિ-મધ્ય- અંતમાં પુદ્ગલ વ્યાપીને રાગને ગ્રહે છે, ભગવાન આત્મા નહિ. તે વિકાર્ય કાર્ય પુદ્ગલનું છે અને પુદ્ગલ રાગપણે ઉપજે છે તેથી પુદ્ગલનું તે નિર્વર્ત્ય કર્મ છે. સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ પડી છે તેનું રાગ તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ નથી. બહુ સૂક્ષ્મ વાત.

પ્રશ્નઃ– જો પુદ્ગલ રાગ કરતો હોય તો જીવ તેને શી રીતે અટકાવે?

ઉત્તરઃ– અટકાવવાનો સવાલ છે કયાં? જ્ઞાની તો જે રાગ થાય તેને જાણે છે એમ કહ્યું છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે અને જ્ઞાની એને જ્ઞાનમાં જાણે છે બસ એટલી વાત છે. શુભરાગ તે મારું કર્તવ્ય નહિ, પણ એને જાણનારી જે જ્ઞાનની પર્યાય છે તે મારું કાર્ય છે એમ માનતો જ્ઞાની સાક્ષીભાવે પરિણમે છે.


PDF/HTML Page 893 of 4199
single page version

પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તેથી જ્ઞાની પોતાને જે જ્ઞાતા- દ્રષ્ટાના પરિણામ થયા છે તેમાં રાગને જાણે છે બસ; અને તે જાણવાના પરિણામ એનું કાર્ય છે, પણ રાગ એનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે.

હવે કહે છે-‘આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઉપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે- રૂપે પરિણમતો નથી, અને તે-રૂપે ઊપજતો નથી.’

રાગ કે જે પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપ્યું છે. પુદ્ગલથી જે ઉત્પન્ન થયું, તેનાથી જે બદલ્યું અને તેનાથી ઊપજ્યું એવા પુદ્ગલપરિણામસ્વરૂપ કર્મને જ્ઞાની જાણતો હોવા છતાં તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી. સ્વસ્વરૂપને જાણતાં, જે પ્રકારનો રાગ થાય તેને જાણવાના જ પરિણામ જ્ઞાનીને થાય છે.

જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડારૂપે થાય છે; અર્થાત્ ઘડારૂપ પ્રાપ્યને માટી ગ્રહે છે, ઘડારૂપે માટી પરિણમે છે, અને માટી ઘડારૂપે ઊપજે છે તેમ જ્ઞાની પોતે બાહ્ય સ્થિત પુણ્યના ભાવ, શુભભાવ જે પરદ્રવ્યના પરિણામ છે તેને જાણતો હોવા છતાં તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્મા છે. તે રાગાદિ પરદ્રવ્યને જાણવાનું કામ કરે, પણ તેને ગ્રહતો નથી જુઓ, વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ છે તેને અહીં બાહ્યસ્થિત કહ્યો છે. તેને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે. અહીં કહે છે-જેમ માટી ઘડામાં વ્યાપીને ઊપજે છે તેમ ધર્મી રાગમાં વ્યાપીને ઊપજતો નથી, રાગને ગ્રહતો નથી અને રાગને નીપજાવતો નથી.

રાગ છે તે પરદ્રવ્યના એટલે પુદ્ગલના પરિણામ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર ભણવાના વલણનો વિકલ્પ, પંચમહાવ્રતના પાલનનો વિકલ્પ-એ શુભરાગ છે. તેને પુદ્ગલ ગ્રહે છે, પુદ્ગલ ઊપજાવે છે. ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા એ રાગને જાણે પણ તેને ગ્રહતો નથી, ઊપજાવતો નથી. તેનો તે કર્તા નથી. જુઓ, ધર્મી જીવને ધર્મ કેમ થાય એની આ વાત છે. ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈને જ્યાં પ્રત્યક્ષ અનુભવ થયો ત્યાં ધર્મી, રાગ જે પુદ્ગલના પરિણામ છે તેમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી.

જુઓ! જે વખતે જે રાગ થવાનો છે તે થયો છે તે પ્રાપ્ય, વળી તે જ રાગ પલટીને થયો છે માટે તે વિકાર્ય અને તે જ રાગ નવો ઊપજ્યો માટે તેને નિર્વર્ત્ય


PDF/HTML Page 894 of 4199
single page version

કહે છે. પર્યાય તો એક જ છે, તેનું કથન ત્રણ પ્રકારે છે. તે રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપીને તે રાગને કરે છે; પણ તેને પોતામાં રહીને જાણતો ધર્મી તેમાં (રાગમાં) વ્યાપીને તેને કરે છે એમ નથી. ‘નિશ્ચય-વ્યવહારના લોકો વાંધા ઉઠાવે છે કે-અભ્યંતર અને બાહ્ય સામગ્રી-બંને હોય તો કાર્ય થાય. પરંતુ એમ નથી, ભાઈ! રાગની સામગ્રી અને આનંદની નિર્મળ સામગ્રી-એ બંને થઈને શું આત્માનું-ધર્મનું કાર્ય કરે? એમ કદીય નથી. આત્માનું કાર્ય જે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયના પરિણામ તેમાં એકલો આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, તેના આદિ- મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપીને, તે પરિણામને કરે છે. માટી જેમ ઘડાને ગ્રહે છે તેમ ધર્મી રાગને ગ્રહતો નથી, રાગને બદલાવતો નથી, રાગપણે ઊપજતો નથી. તે તે રાગને તે તે કાળે ધર્મી પોતામાં રહીને જાણે છે બસ. આવો વીતરાગનો માર્ગ છે. આત્મા વીતરાગસ્વરૂપ જ છે અને તેનો આવો માર્ગ છે. વીતરાગી પરિણામમાં, તેના આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપીને તે વીતરાગી દશાને ગ્રહે છે, પોતે વીતરાગદશારૂપે પરિણમે છે અને પોતે તે-રૂપે ઊપજે છે. પરંતુ રાગને આત્મા ગ્રહતો નથી, રાગરૂપે તે પરિણમતો નથી, રાગરૂપે પોતે ઊપજતો નથી. વ્યવહારરત્નત્રયના પરિણામને ધર્મી પકડતો નથી. તેનું જે જ્ઞાન થાય તેમાં જ્ઞાની વ્યાપે છે. જ્ઞાનીનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય કર્મ જ્ઞાન છે, રાગ નહિ. પ્રશ્નઃ– આ તો આપે નિશ્ચયથી કહ્યું, પણ વ્યવહાર બતાવો ને? ઉત્તરઃ– ભાઈ! વ્યવહારથી કાંઈ આનાથી વિરુદ્ધ વાત છે એમ નથી. રાગ જે વ્યવહાર છે તે નિમિત્ત છે એમ એનું જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણના વિષયમાં વ્યવહારનું પણ જ્ઞાન કરાવ્યું છે. ત્યાં નિશ્ચયની વાત રાખીને વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. આત્મા રાગના પરિણામને કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી, તેને ઊપજાવતો નથી. તે રાગને જાણવાના પોતાના જ્ઞાનપરિણામને કરતો, ગ્રહતો, ઊપજાવતો તેમાં (જ્ઞાનમાં) વ્યાપે છે. ભાઈ! પ્રમાણમાં આ નિશ્ચયની વાત રાખીને પછી જે રાગ છે તેનાથી કાર્ય થાય એમ આરોપ કરીને ઉપચારથી કથન કર્યું છે. આ તો વીતરાગ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. ભગવાન આત્મા પોતે જ સર્વજ્ઞસ્વરૂપ છે. અહાહા...! સર્વજ્ઞ એટલે જ્ઞ-સ્વભાવ, જ્ઞ-શક્તિ, ‘જ્ઞ’ જેનો ભાવ, ‘જ્ઞ’ જેનું સ્વરૂપ છે એવો ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો તે ધર્મી, જ્ઞ-સ્વભાવમાંથી ઉત્પન્ન થતા, તે કાળે રાગને જાણવાના જ્ઞાનપરિણામમાં પોતે આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે. એટલે કે એ રાગ છે માટે અહીં રાગને જાણવાના પરિણામ થયા છે એમ નથી. રાગને જાણવાના પરિણામની આદિમાં પોતે જ છે. એની આદિમાં રાગ હતો અને તેથી જાણવાના પરિણામ થયા એમ નથી. રાગને જાણે એવા જ્ઞાનના પરિણામની આદિ-મધ્ય-અંતમાં પ્રભુ આત્મા જ છે. ‘માટે, જો કે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને


PDF/HTML Page 895 of 4199
single page version

નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.’

જ્ઞાન રાગને જાણે માટે જ્ઞાન કર્તા અને રાગ એનું કર્મ એમ નથી. તથા રાગ કર્તા અને જાણવાના જ્ઞાનપરિણામ એનું કર્મ એમ પણ નથી. ભાઈ! વસ્તુસ્થિતિને પ્રસિદ્ધ કરનારી આ ૭પ થી ૭૯ સુધીની ગાથાઓ અલૌકિક છે. અહાહા...! દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ઉપર પડતાં, રાગ અને પર્યાયની દ્રષ્ટિ છૂટતાં, ભગવાન આત્મા પોતે પ્રસિદ્ધ થાય છે કે-હું તો જાણનાર-દેખનાર આત્મા છું. રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ-એવા કર્તાકર્મભાવના સ્વરૂપે હું છું જ નહિ. અહો! પરમ અદ્ભુત વાત સંતોએ કરી છે!

આવું સાંભળવા મળવું મુશ્કેલ હોય એટલે વ્યવહારના રસિયા લોકોને આવું વીતરાગી તત્ત્વ ન સમજાય. પરંતુ ભાઈ! વ્યવહાર એટલે નિમિત્ત, વ્યવહાર એટલે રાગ, વ્યવહાર એટલે દુઃખ, વ્યવહાર એટલે આકુળતા, વ્યવહાર એટલે અસ્થિરતા-આમ વ્યવહારનાં અનેક નામ છે. અસ્થિરતાના પરિણામને (રાગને) શાશ્વત્ સ્થિર એવો ભગવાન આત્મા જાણવાનું કામ કરે. તે જાણવાના-જ્ઞાનના પરિણામની આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપે છે. એટલે રાગ છે માટે જ્ઞાનનું કાર્ય થયું એમ નથી. તથા જ્ઞાન રાગમાં પ્રસરીને રાગને જાણે છે એમ પણ નથી. અહા! ગજબ વાત છે!

વ્યવહારના શુભરાગના જે પરિણામ છે તે આકુળતામય છે, દુઃખરૂપ છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે દુઃખ છે. છહઢાલામાં આવે છે કે-

‘રાગ આગ દહૈ સદા તાતૈ સમામૃત સેઈએ’

જે રાગ છે તે દુઃખ છે. તેને! નિશ્ચયનું સાધન કહેવું એ તો ઉપચારમાત્ર કથન છે, વસ્તુસ્વરૂપ નથી. આવું સાંભળીને કેટલાક પોકારી ઊઠે છે કે-‘એકાંત છે, એકાંત છે;’ પણ ભાઈ! ભગવાન આત્મા પોતાના સ્વભાવમાં જાય ત્યારે સમ્યક્ એકાંત થાય છે. ત્યારે રાગનું પરજ્ઞેય તરીકે જ્ઞાન થાય તેને અનેકાંત કહે છે. માર્ગ તો આ છે, ભાઈ!

રાગ અને ચૈતન્યસ્વભાવ બે ભિન્ન ચીજ છે એવા ભેદજ્ઞાનના અભાવે અરે ભાઈ! તું ચોરાસીના અવતારમાં અનંતકાળ રખડયો. હવે તો ભેદજ્ઞાન કર. અહીં કહે છે કે જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તે ક્ષણિક છે, ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે. એ વિભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપે છે, આત્મા નહિ. જુઓ, શુભરાગ છે તે ચૈતન્યની-જીવની પર્યાય છે, તે કાંઈ પરની નથી. પણ એ પર્યાય ત્રિકાળી જે ચૈતન્યસ્વભાવ છે તેની જાતની નથી, માટે સ્વભાવની દ્રષ્ટિમાં એને અચેતન ગણીને પુદ્ગલપરિણામ કહી છે.

પ્રશ્નઃ– આત્મા નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને સાધે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે. પણ એનો અર્થ શું? નિશ્ચય એ જ એનું કાર્ય છે, અને


PDF/HTML Page 896 of 4199
single page version

એમાં તે વ્યાપે છે; વ્યવહારમાં તે વ્યાપતો નથી. પરંતુ વ્યવહારનો રાગ એ જાતનો ત્યાં (સહચર) હોય છે. વળી નિશ્ચયનો આરોપ વ્યવહાર ઉપર કરીને વ્યવહાર સાધક કહેવામાં આવ્યો છે. ખરેખર તો રાગથી ભિન્ન પડતાં પ્રજ્ઞાનો અનુભવ જે થયો તે સાધક છે. સ્વરૂપનો સાધક તો અનુભવ છે. પ્રજ્ઞાછીણી તે સાધન છે એમ મોક્ષ અધિકારમાં કહ્યું છે. જે અનુભવનો વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે અનુભવ-પ્રજ્ઞાછીણી સ્વરૂપનો સાધક છે. ત્યાં શુભરાગને સહચર દેખીને આરોપ આપીને ઉપચારથી સાધક કહ્યો છે. તેને જો યથાર્થ માની લે તો દ્રષ્ટિ વિપરીત છે.

કેટલાક પંચમહાવ્રતને સાધન માને છે, એનાથી નિશ્ચય પ્રગટે છે એમ માને છે, તે મોક્ષનું પરંપરા સાધન છે એમ માને છે. પણ કોને? અને કયાં? જેને એકલા વ્યવહારની ક્રિયા છે એને તો મિથ્યાત્વભાવ છે, મૂઢતાનો ભાવ છે. મિથ્યાત્વમાં પડયો છે એને વ્યવહાર કેવો? ભાઈ! રાગથી ભિન્ન પડીને, આત્મા નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ ભગવાન છે એવો જેણે અનુભવ કર્યો છે તેને નિશ્ચય થયો છે અને તેના સહચર રાગને આરોપ કરીને ઉપચારથી પરંપરા સાધન કહ્યું છે. સાધન નથી એને સાધન કહેવું એનું નામ વ્યવહાર છે. ભાઈ! પ્રજ્ઞાછીણી કહો કે સ્વાનુભવ કહો, તે એક જ સાધન છે. આ તો અંતરની વાતો છે. પંડિતાઈના અભિમાનથી દગ્ધ કોઈ સત્યને વીંખી નાખે તોપણ સત્ય તો સત્ય જ રહેશે.

વાસ્તવિક સાધન નિશ્ચય, પ્રગટયા વિના વ્યવહારને સાધનનો આરોપ પણ અપાતો નથી. વ્યવહાર સાધન છે નહિ, તથા નિશ્ચય વિના તેને સાધનનો આરોપ પણ ન અપાય.

અરે! ભગવાનના વિરહ પડયા! સર્વજ્ઞ વીતરાગ હાજર નથી. એટલે ન્યાયમાર્ગને લોકોએ મરડી-મચડી નાખ્યો. પણ એમ ન કર, ભાઈ! તને દુઃખ થશે. સમ્યગ્દર્શન વિના, સ્વાનુભવ વિના રાગને સાધન માનતાં તને દુઃખ થશે, તારું અહિત થશે. ભેંસના આંચળમાં દૂધ હોય છે તેને જેમ બળુકી બાઈ દોહીને બહાર કાઢે છે તેમ, ગાથામાં કુંદકુંદાચાર્યદેવે જે ભાવો ભર્યા છે તેને અમૃતચંદ્રસ્વામીએ ટીકા દ્વારા દોહીને બહાર કાઢયા છે. એ ભાવોને અહીં પ્રવચનમાં કહેવામાં આવે છે. ભાઈ! રાગ તે સાધન નથી તો શરીર ધર્મનું સાધન તો કયાંથી થાય? ન જ થાય, ન જ હોય.

પ્રશ્નઃ– ‘शरीरमाद्यं खलु धर्मसाधनम्’ એમ આવે છે ને?

ઉત્તરઃ– એ તો વ્યવહારનાં કથન છે. તેને યથાર્થ માની લે તે તો ઉપદેશને પણ લાયક નથી. વ્યવહારથી નિશ્ચય પમાય એનો અર્થ શું? ભાઈ! વ્યવહાર છે તે નિશ્ચયને બતાવે છે. પણ વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે એમ એનો અર્થ નથી. વ્યવહારના લક્ષે નિશ્ચયમાં જવાય એમ છે જ નહિ. વ્યવહાર નિશ્ચયને બતાવે છે એમ આઠમી ગાથામાં આવ્યું છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદના લક્ષે અભેદમાં ન જવાય.


PDF/HTML Page 897 of 4199
single page version

વ્યવહાર છે તે નિશ્ચયને બતાવે છે એટલે કે વ્યવહારનો ઉપદેશ કરનાર નિશ્ચયમાં તેને લઈ જવા માગે છે; અને શ્રોતા પણ ભેદ ઉપર લક્ષ ન કરતાં અંદર અભેદ, અખંડ છે તેનું લક્ષ કરે છે-ત્યારે તેને વ્યવહાર તે સાધન છે એમ ઉપચારથી આરોપ કરીને કહેવામાં આવે છે.

અહીં કહે છે-જ્ઞાની ધર્મી-જીવ પુદ્ગલકર્મને એટલે રાગના ભાવને જાણવાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે. આત્મા તેને જાણવાનું કાર્ય કરે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્યસ્વરૂપ કર્મ તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. રાગને જાણવા છતાં રાગ તે કર્મ અને આત્મા રાગનો કર્તા અથવા રાગ તે કર્તા અને જાણવાના પરિણામ થયા તે કર્મ એવો સંબંધ જ્ઞાનીને નથી. ભાઈ! આ પરમ સત્ય છે, અને આ સિવાય બીજી વાતો સો ટકા અસત્ય છે. આમાં કોઈ છૂટછાટને અવકાશ નથી. વસ્તુની સ્થિતિ જ આવી છે. જ્ઞાની રાગને જાણે છતાં રાગ સાથે તેને કર્તાકર્મભાવ નથી.

* ગાથા ૭૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જીવ પુદ્ગલકર્મને જાણે છે તોપણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.

સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.’

અહીં પ્રથમ નિર્વર્ત્ય કર્મ કહ્યું છે. ટીકામાં પહેલાં પ્રાપ્ય કર્મ લીધું છે. આ કથનની શૈલી છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે અને તે સમયે જાણવાના પરિણામ જે થાય તે આત્માનું પ્રાપ્ય કર્મ છે. પૂર્વની દશા પલટીને તે સમયે જે રાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ છે અને આત્માના જાણવાના પરિણામ પૂર્વે જે બીજા હતા તે પલટીને તે રાગને જાણવાના જ્ઞાનના પરિણામ થયા તે આત્માનું વિકાર્ય કર્મ છે. જે રાગ નવીન ઉત્પન્ન થયો તે પુદ્ગલનું નિર્વર્ત્ય કર્મ છે અને તે રાગને જાણવાના જે નવીન પરિણામ થયા તે આત્માનું નિર્વર્ત્ય કર્મ છે.

રાગના ભાવને અહીં પુદ્ગલનું પ્રાપ્ય કર્મ કહ્યું એટલે કોઈ એમ અર્થ કરે કે-જુઓ, નિમિત્તથી કાર્ય થયું ને? તો તે બરાબર નથી. અરે ભાઈ! અહીં કઈ અપેક્ષાએ વાત કરી છે? પુદ્ગલ છે તે વિકારનું નિમિત્ત છે. એ વિકાર અને નિમિત્ત બન્નેય પર ચીજ છે. એ માટે વિકારને પરમાં નાખ્યો છે. ભાઈ! જે વિભાવ ઉપજે છે તે શું સ્વભાવમાં છે? ના; તેથી વિભાવને પરમાં નાખી, નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલનું કર્મ કહ્યું


PDF/HTML Page 898 of 4199
single page version

છે. અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ પોતાનો છે એમ કહ્યું છે. આમ બન્નેને (સ્વભાવ- વિભાવને) જુદા પાડયા છે. હવે કહે છે-‘જીવ પુદ્ગલકર્મને નવીન ઊપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? અહીં ભાષામાં પુદ્ગલકર્મ કહ્યું છે, પણ એમાં રાગ પણ ભેગો આવી જાય છે. જીવ પુદ્ગલના કાર્યને એટલે રાગને નવીન ઊપજાવી શકતો નથી. કેમ? તો કહે છે કે ચેતન જડને કેમ ઊપજાવી શકે? અહાહા...! શુદ્ધ ચૈતન્યનો પિંડ પ્રભુ આત્મા, રાગ જે અચેતન છે, પુદ્ગલના પરિણામ છે તેને કેમ ઊપજાવી શકે? (ન જ ઊપજાવી શકે) અરે! લોકોને અભ્યાસ નહિ એટલે ઝીણું લાગે છે. કેટલાક તો વ્યવહારની રુચિમાં મગ્ન છે. પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ પાળે, ઘરબાર છોડયાં હોય, બાયડી-છોકરાં છોડયાં હોય એટલે જાણે અમે કેટલો ત્યાગ કર્યો એમ માને; પણ ભાઈ! ખરેખર તેં શું છોડયું છે? રાગની એકતા છોડી નહિ તો તેં શું છોડયું? પરને છોડવું એ તો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. એ પણ જેને રાગની એકતા છૂટી છે તેણે પરને છોડયાં-એમ અસદ્ભૂત વ્યવહારનયથી કહેવાય છે. ખરેખર તો આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. ‘ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ’ નામની આત્મામાં એક શક્તિ એવી છે જેના કારણે પરના ગ્રહણ-ત્યાગ આત્મા ત્રણે કાળ શૂન્ય છે. રજકણને ગ્રહવું કે છોડવું એ આત્મામાં છે જ નહિ. રાગની એકતા તૂટે, સ્વરૂપના લક્ષે રાગથી ભિન્ન પડે ત્યારે ‘રાગ છોડયો’-એમ કહેવું એ પણ વ્યવહારનયનું કથન છે. અને રાગના નિમિત્તો છોડયા એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. ગાથા ૩૪ની ટીકામાં આવે છે કે-આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા છે જ નહિ. રાગ એનામાં કયાં હતો કે તે રાગને છોડે? રાગ તો પુદ્ગલના પરિણામ છે. જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ પ્રગટ થયા ત્યારે રાગ ઉત્પન્ન થયો નહિ એટલે રાગને છોડયો એમ વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. આમ છે તો પછી પરને ગ્રહવું ને છોડવું એ કયાં રહ્યું? આટલાં દ્રવ્ય ખપે, આટલાં ન ખપે; દૂધ, દહીં ઇત્યાદિ રસ ન ખપે એ બધું પરનું ગ્રહણ- ત્યાગ આત્મામાં કયાં છે? પરના લક્ષે રાગ થતો હતો તે સ્વના લક્ષે છૂટયો ત્યારે આટલો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભાઈ! કથનમાં તો બીજું શું આવે? કથનમાં તો એમ આવે કે-વ્યવહારવ્રત ગ્રહણ કરવાં, વ્રત પાળવાં, અતિચાર ટાળવા-ઇત્યાદિ. પણ એ બધું વ્યવહારનયનું કથન છે એમ સમજવું. જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી. આત્મા જ્ઞાનસ્વભાવી પ્રભુ છે. એ રાગને ઉપજાવી શકતો નથી, કેમકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? છઠ્ઠી ગાથામાં આવે છે કે આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી કેમકે તે શુભાશુભભાવના સ્વભાવે થતો નથી. શુભાશુભ ભાવ જડ છે, અચેતન છે અને ભગવાન આત્મા શુદ્ધ


PDF/HTML Page 899 of 4199
single page version

ચૈતન્યમૂર્તિ છે. જો આત્મા શુભાશુભભાવરૂપે થાય તો તે જડ થઈ જાય. પણ તે કદીય જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી. વ્યવહારરત્નત્રયનો ભાવ અચેતન છે. તેને આત્મા ઉપજાવી શકતો નથી. આવી વાત છે.

વ્યવહારરત્નત્રયનો ભાવ જે અચેતન છે તે ચૈતન્યભાવનું સાધન કેમ થાય? ન જ થાય. જે વિરુદ્ધ ભાવ છે તે સાધન ન થાય. નિશ્ચયરત્નત્રયની સાથે એ જાતના વિકલ્પની મર્યાદા વર્તે છે. માટે નિમિત્ત અને સહચર દેખીને તેને આરોપ કરીને સાધન કહ્યો છે. છે તો બંધનું કારણ, છે તો દુઃખરૂપ ભાવ, પણ સહચર દેખીને આરોપથી વ્યવહારરત્નત્રય નામ આપ્યું છે. ચાર મણની ઘઉંની ગુણી હોય ત્યાં બારદાન ભેગું તોળીને ચાર મણ અઢીશેર કહેવાય છે, પણ બારદાન એ કાંઈ માલ નથી. તેમ નિશ્ચયરત્નત્રયની સાથે રાગ હોય તેને વ્યવહારથી રત્નત્રય કહ્યો, પણ એ કાંઈ સાચાં રત્નત્રય નથી. ભાઈ! જેમ છે તેમ યથાર્થ નિર્ણય કરવો પડશે. અહીં કહે છે-‘માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વર્ત્ય કર્મ નથી,’ અર્થાત્ રાગ છે તે જીવે ઊપજાવેલું કાર્ય નથી.

હવે કહે છે-‘જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણમાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી.’ જે શુભ પરિણામ થયા એ પુદ્ગલનું વિકાર્ય છે, તે જીવનું વિકાર્ય કર્મ નથી.

‘પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી.’ પુદ્ગલની વાત કરી છે તેમાં રાગ પણ આવી જાય છે. પહેલું નિર્વર્ત્ય લીધું, પછી વિકાર્ય લીધું અને પછી પ્રાપ્ય કર્મ કહ્યું.

‘આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે.’ જ્ઞાતા વિકાસ પામે તો જ્ઞાનના પરિણામે-ભાવે વિકાસ પામે. પરંતુ જ્ઞાનસ્વરૂપી આત્મા રાગરૂપે કેમ થાય? પોતે જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પુદ્ગલકર્મને જાણે છે, જે રાગની ક્રિયા થાય તેને પોતામાં રહીને પોતાથી જાણે છે. એને જાણે છે એ વ્યવહાર થયો, નિશ્ચયથી તો પોતાને અનુભવે છે- જાણે છે.

ભાઈ! આ ભવ અનંત ભવના અભાવ માટે છે. જેને જન્મ-મરણથી છૂટવું છે તેણે પોતાના હિતની આ વાત સમજવી પડશે.

હવે કહે છે-‘માટે પુદ્ગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.’ લ્યો ૭૬ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧૩૨, ૧૩૩ (શેષ) * દિનાંક ૨૧-૭-૭૬ અને ૨૨-૭-૭૬]

PDF/HTML Page 900 of 4199
single page version

ગાથા–૭૭

स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–

ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए।
णाणी जाणंतो वि हु सगपरिणामं अणेयविहं।। ७७।।

नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि
खलु स्वकपरिणाममनेकविधम्।। ७७।।

હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-

વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.

ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [अनेकविधम्] અનેક પ્રકારના [स्वकपरिणामम्] પોતાના પરિણામને [जानन् अपि] જાણતો હોવા છતાં [खलु] નિશ્ચયથી [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયમાં [न अपि परिणमति] પરિણમતો નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતો નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતો નથી.

ટીકાઃ– પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.

ભાવાર્થઃ– ૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે-એટલો ફેર છે.