Atmadharma magazine - Ank 124
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ અગિયારમું : સંપાદક : મહા
અંક ચોથો રામજી માણેકચંદ દોશી સં. ૨૦૧૦
આત્માનો પ્રયત્ન
(ચર્ચામાંથી)
શાસ્ત્રો કહે છે કે આત્માનો પ્રયત્ન પરમાં કામ ન આવે; પણ તેનો
અર્થ એમ નથી કે પોતાનું સમ્યગ્દર્શન પણ પ્રયત્ન વિના થઈ જાય છે!
અજ્ઞાની જીવ ઊંધું સમજે છે. જેને આત્માનું હિત કરવું હોય તેણે પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવાનો ઉદ્યમ કરવો અને આત્માને જાણ્યા પછી
તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કરવો. આ ઉપાયથી જ અહિત ટળીને હિત થાય છે.
આત્માના અંતરંગ પ્રયત્ન વિના કદી પણ સમ્યગ્દર્શન થતું નથી. જેમ પરમાં
આત્માનો પ્રયત્ન નથી તેમ પોતાના સમ્યગ્દર્શનમાં પણ આત્માનો પ્રયત્ન
નથી, –એમ જે માને તેણે ખરેખર આત્માને જાણ્યો નથી તેમજ ભગવાનના
ઉપદેશની પણ તેને ખબર નથી. “સર્વજ્ઞદેવે જોયું છે ત્યારે સમ્યગ્દર્શન થશે”
–એમ કહે તો તેમાં પણ સર્વજ્ઞના નિર્ણયનો પ્રયત્ન આવી જ જાય છે; અને
સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કરતાં તેમાં પોતાના જ્ઞાનસ્વભાવના નિર્ણયનો
પ્રયત્ન ભેગો આવી જ જાય છે. આત્માની ઊંધી કે સવળી એક પણ પર્યાય
પોતાના તે પ્રકારના પ્રયત્ન વગર થતી નથી, દરેક પર્યાયમાં પુરુષાર્થનું
પરિણમન પણ ભેગું છે. –પૂ ગુરુદેવ
વાર્ષિક લવાજમ [૧૨૪] છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૬૬ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
ઉમરાળા નગરીમાં
‘શ્રી કહાનગુરુ – જન્મધામ’ તથા ‘ઉજમબા – જૈન સ્વાધ્યાય ગૃહ’ ના
ઉદ્ઘાટનો મંગલ મહોત્સવ તથા સ્વાધ્યાય ગૃહમાં સમયસારજીની સ્થાપના
આજથી ૬૩ વર્ષ પહેલાંં મોતીચંદભાઈને ઘેર ઉજમબા માતાની કુંખે અવતાર લઈને શ્રી કહાન
કુંવર–ગુરુદેવે જે ઘરને પાવન કર્યું તે ઘર નવેસરથી (જૂના પ્રમાણે જ) બાંધવામાં આવ્યું છે, અને તેનું
નામ શ્રી. કહાનગુરુ–જન્મધામ રાખ્યું છે, તથા તેની બાજુમાં જ “શ્રી ઉજમબા–જૈન સ્વાધ્યાય ગૃહ”
બાંધવામાં આવ્યું છે, પોષ વદ ત્રીજે આ બંનેનું ઉદ્ઘાટન મુમુક્ષુઓના ઉલ્લાસપૂર્વક થયું અને પોષ વદ
ચોથને શુક્રવારે પરમ પૂજ્ય ગુરુદેવના પવિત્ર કરકમળથી “સ્વાધ્યાય ગૃહ” માં ગ્રંથાધિરાજ
સમયસારજીની સ્થાપના થઈ.
સોનગઢથી વિહાર કરીને પૂજ્ય ગુરુદેવ પોષ વદ ત્રીજે ઉમરાળા પધાર્યા ત્યારે ઉમરાળાની
જનતાએ તેમજ ભક્તમંડળે ઉમળકાભેર પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું ત્યારબાદ તરત શેઠ શ્રી નાનાલાલ
કાળીદાસ જસાણીના સુહસ્તે ઉજમબા–જૈન સ્વાધ્યાયગૃહનું ઉદ્ઘાટન થયું; તેમાં પદાપર્ણ કરીને પૂ.
ગુરુદેવશ્રીએ માંગળીક સંભળાવ્યું. ત્યારબાદ શ્રીમાન રામજીભાઈ માણેકચંદ દોશીના સુહસ્તે “શ્રી
કહાનગુરુ–જન્મધામ”નું ઉદ્ઘાટન થયું... અને જન્મથી પાવન થયેલી એ પવિત્ર ભૂમિને પૂ. ગુરુદેવે
પોતના ચરણકમળથી ફરીને પાવન કરી.
બપોરે પૂ. ગુરુદેવનું પ્રવચન થયું. પ્રવચન સાંભળવા ગામના લોકો ઉલટભેર આવતા હતા;
પ્રવચનમાં તત્ત્વજ્ઞાન તરંગિણીનું વાંચન શરૂ કરેલ છે. પ્રવચન બાદ લગભગ ત્રણેક હજાર રૂ. નું ફંડ થયું
હતું. ત્યારબાદ ‘જન્મધામ’માં ઘણાં જ ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી. ભક્તિમાં પૂ બેનશ્રીબેને પ્રથમ
“તુમ પાદ પંકજ અહીં થયા આ દેશને પણ ધન્ય છે,
આ ગામ પુર જ ધન્ય છે...એ માત કુળ જ વંદ્ય છે.”
–ઈત્યાદિ કાવ્યથી સ્તુતિ કરી હતી. પછી “ધન્ય ધન્ય શ્રી ઉમરાળાગામ પ્રગટ્યા ધર્મધુરંધર
કહાન” એ સ્તુતિ કરી હતી અને ત્યારબાદ “વાહ વાહ જી વાહ! ” વાળી અદ્ભુત ધૂન કરાવી હતી. પૂ.
બેનશ્રીબેન ઊભા થઈને જ્યારે એ ભક્તિની ધૂન ગવડાવતાં હતાં ત્યારે એ અદ્ભુત ભક્તિ જોનારા
આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા હતા.
પોષ વદ ચોથ ને શુક્રવારે સ્વાધ્યાયગૃહમાં શ્રી સમયસારજી ની સ્થાપના પૂ. ગુરુદેવશ્રીના મંગલ
હસ્તે થઈ. પ્રથમ સમયસારજીની રથયાત્રા નીકળી હતી, પછી ભક્તોના જયજયકાર વચ્ચે પૂ.
ગુરુદેવશ્રીએ ““ ચિદાનંદાય નમ:” એવા મંગલ હસ્તાક્ષર કરીને ઘણા જ ભાવથી શ્રી સમયસારજીની
સ્થાપના બાદ પૂ ગુરુદેવે ટૂંકું પણ ઘણા જ ભાવ ભરેલું પ્રવચન કર્યું હતું.
ઉમરાળામાં ઉપર્યુક્ત બંને સ્થાનો તૈયાર કરવા માટે ખાસ કરીને પાલેજવાળા શેઠ કુંવરજીભાઈ
તથા આણંદજીભાઈ વગેરેને ઘણી ભાવના હતી, તેમજ આ સ્થાનો તૈયાર કરાવવામાં તેમણે ઘણી હોંશ
અને ઉત્સાહથી અગ્રગણ્ય ભાગ લીધો છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ : ૬૭ :
ઉમરાળા નગરીમાં
‘મગલ – પ્રવચન’
[વિહાર દરમિયાન પૂ. ગુરુદેવનું આ પહેલું જ પ્રવચન છે.
પોષ વદ ત્રીજે સોનગઢથી વિહાર કરીને પૂ. ગુરુદેવ ઉમરાળા પધાર્યા
અને ઉમરાળામાં ‘શ્રી કહાનગુરુ જન્મધામ’નું તથા ‘ઉજમબા–જૈન
સ્વાધ્યાય ગૃહ’નું –ઉદ્ઘાટન થયું. તે દિવસનું આ પ્રવચન છે.
ચૈતન્યતત્ત્વની વાત ગ્રામ્યજનતા પણ કાંઈક સમજી શકે એ રીતે
પોતાની વિશિષ્ટ અને સરળ શૈલીથી પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં
સમજાવ્યું છે.)
આજે આ ઉમરાળામાં તત્ત્વજ્ઞાન તરંગિણીના વાંચનની શરૂઆત થાય છે. આજે વિહારનો પહેલો દિવસ
છે તેથી આ નવા શાસ્ત્રની શરૂઆત થાય છે. તેમાં સૌથી પહેલા શ્લોકમાં મંગલાચરણ તરીકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
આત્માને નમસ્કાર કરે છે–
प्रणम्य शुद्धचिद्रूपं सानन्दं जगदुत्तमं।
तल्लक्षणादिकं वच्मि तदर्थि तस्य लब्धये।।१।।
આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે આનંદસહિત છે, અને જગતમાં ઉત્તમ છે, એવા આત્માને જ અહીં
નમસ્કાર કર્યા છે. શાસ્ત્રકાર કહે છે કે હું આત્માનો અર્થી છું તેથી તેની પ્રાપ્તિ માટે હું તેને નમસ્કાર કરું છું.
જેમ મોટી નદીમાં પાણીના તરંગ ઊઠે તેમ આત્મામાં તત્ત્વજ્ઞાનના તરંગ ઊઠે–એવી આ વાત છે. જ્યાં
પાણી ભર્યું હોય ત્યાં તરંગ ઊઠે, તેમ આત્મામાં જ્ઞાન અને આનંદ ભર્યાં છે, તેમાં એકાગ્ર થતાં જ્ઞાન–આનંદના
તરંગ ઊઠે છે.
આ દેહદેવળમાં રહેલ આત્મા શું ચીજ છે તે અનંતકાળમાં જીવોએ કદી જાણ્યું નથી. આત્મા અનાદિ–
અનંત વસ્તુ છે, તે નવો થયો નથી, ને તેનો કદી નાશ થતો નથી. આત્માને કોઈ ઈશ્વરે બનાવ્યો નથી, માતાના
પેટમાં આવ્યો ત્યારે કાંઈ આત્મા નવો થયો નથી પણ અનાદિનો, દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છે. જીવે અનાદિ
કાળમાં આવા ચૈતન્યતત્ત્વની સમજણ એક સેકંડ પણ કરી નથી. અનાદિથી આત્મા ક્યાં રહ્યો? કે પોતાના
ચૈતન્યસ્વરૂપને ચૂકીને ‘દેહ તે જ હું છું’ એવી માન્યતાથી સંસારની ચાર ગતિમાં ભવ કરી કરીને રખડયો. દેહમાં
રહેલો આત્મા પોતે ચૈતન્યસ્વરૂપ ભગવાન છે, સર્વજ્ઞ પરમાત્મા થવાનું સામર્થ્ય તેનામાં છે. જીવે મંદકષાયથી
ત્યાગ–વૈરાગ્ય વગેરેના શુભભાવ અનંતવાર કર્યા અને તેમાં જ ધર્મ માન્યો, પણ અંતરમાં ચૈતન્યતત્ત્વની રિદ્ધિ–
સમૃદ્ધિ કેવી છે તે વાત કદી સમજ્યો નહિ તેથી તેને ધર્મ થયો નહિ.
જીવને ધર્મ કેમ થાય તેની આ વાત છે. શુભ–અશુભભાવ જુદી ચીજ છે ને ધર્મ તેનાથી જુદી ચીજ છે.
ચૈતન્યતત્ત્વને ચૂકીને શુભ–અશુભ પરિણામથી ચાર ગતિમાં જીવ અનાદિથી રખડે છે. તીવ્ર હિંસા,
માંસભક્ષણ વગેરેના પાપભાવ કરીને નરકમાં જીવ અનંતવાર ગયો, દયા–દાન વગેરેના પુણ્યભાવ કરીને
સ્વર્ગમાં પણ અનંતવાર ગયો, તેમજ મનુષ્ય તથા તિર્યંચના પણ અનંતવાર કર્યા, પણ દેહથી જુદું અને પુણ્ય–
પાપથી પણ જુદું એવું જ્ઞાનતત્ત્વ શું છે તે કદી જાણ્યું

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૬૮ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
નથી. જ્ઞાનતત્ત્વને જાણ્યા વિના ભવભ્રમણથી કદી છુટકારો થાય નહિ.
આ દેહદેવળમાં રહેલ આત્મા ચિદાનંદ તત્ત્વ છે, જગતમાં તે જ ઉત્તમ છે; આવા ચૈતન્યતત્ત્વની વાત પૂર્વે
અનંતકાળમાં જીવે ખરેખર સાંભળી નથી. ‘સાંભળી નથી’ એમ કેમ કહ્યું? –કેમકે વાત કાને તો પડી પણ તે
વખતે અંતરમાં તેની રુચિ કરીને પોતે સમજ્યો નહિ, તેથી સાંભળવાનું તેને નિમિત્ત પણ કહેવાયું નહિ.
આત્માને જાણ્યા વગર જીવ એકેક સેકંડમાં અબજોની પેદાશ કરે એવો મોટો રાજા અનંતવાર થયો, અને રોજની
સેંકડો ગાયો કાપે એવો મોટો કસાઈ પણ અનંતવાર થયો, –પણ તે કાંઈ નવીન ચીજ નથી; અંતરમાં
ચૈતન્યસ્વરૂપ આત્મા શું છે તેની સમજણ વગર બહારનું ગમે તેટલું કરે પણ તે કાંઈ જીવને શરણભૂત નથી,
અંતરમાં હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું–એવી સાચી સમજણ કરવી તે જ જીવને શરણભૂત છે.
આ શરીર જીવને શરણભૂત નથી. શરીર તો એક કાચી ક્ષણમાં છૂટું પડી જાય છે. શરીર અહીં પડી રહે છે
ને આત્મા બીજે ચાલ્યો જાય છે; તો શરીરથી છૂટું ચૈતન્ય તત્ત્વ કોણ છે તે ઓળખવું જોઈએ. દેહ તો સંયોગી જડ
વસ્તુ છે, તેનો સંયોગ નવો નવો થાય છે ને આત્મા તો અનાદિનો અસંયોગી ચૈતન્યરૂપ છે. દેહ દેવળમાં
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા જુદો છે. જુદા જુદા અવતારમાં દેહ ધારણ કરવો તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ
નથી પણ પૂર્વે અપરાધ કર્યો તેથી અવતાર થયો છે. પુણ્ય અને પાપ એ બંને અપરાધ છે. પાપના ફળમાં
નરકાદિ મળે ને પુણ્યના ફળમાંય સ્વર્ગાદિ મળે, પણ તે બંને અપરાધ છે. જેના ફળમાં આત્માને સંસારમાં
રખડવું પડે તે ભાવ અપરાધસ્વરૂપ છે. આત્માનો ચિદાનંદ સ્વભાવ અવતાર વગરનો છે, તેની ઓળખાણ વગર
અવતારનો અંત ન આવે.
જુઓ, જીવને સુખી થવું છે ને! તો તે સુખ ક્યાં છે? શરીરમાં–પૈસામાં–મકાનમાં–આબરૂમાં કે પુણ્ય–
પાપમાં ક્યાંય ચૈતન્યનું સુખ નથી, સુખ તો આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની જીવે પોતાના સ્વભાવને ભૂલીને
પરમાં સુખની કલ્પના કરી છે, પણ પરમાં સુખ નથી. સુખ શરીરમાં નથી, સુખ પૈસામાં નથી, સ્વર્ગમાં કે
ઈન્દ્રપદમાં સુખ નથી, તેમજ જે ભાવથી સ્વર્ગ મળે તે ભાવમાં પણ સુખ નથી. સંયોગ અને વિકાર વગરનો
આત્માનો ચૈતન્યસ્વભાવ છે તેમાં જ સુખ છે. અહો! ચૈતન્યસ્વભાવમાં જ મારું સુખ છે–એ વાત અનંતકાળથી
જીવે કોઠે બેસાડી નથી. કાને તો પડી પણ કોઠે ન બેસી, તેથી બહારમાં સુખ કલ્પીને, બહારમાં સુખ શોધે છે;
પણ સુખ તો અંતરમાં છે. જગતમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા છે, આત્મા પોતે આનંદસ્વરૂપ છે, આવા
આત્માને ઓળખવો તે જ સુખી થવાનો રસ્તો છે.
આત્મા અનાદિનો છે, તે અત્યાર સુધી ક્યાં રહ્યો? –કે જુદા જુદા શુભ–અશુભ ભાવ કરીને સંસારની
ચારગતિમાં રખડયો. ચૈતન્યસ્વભાવ શું છે તે અનાદિકાળમાં એક સેકંડ પણ જીવ સમજ્યો નથી. દેહદેવળમાં
અકેકે આત્મા ચૈતન્યસામર્થ્યથી ભરપૂર ભગવાન છે, પણ તેને પોતાના સામર્થ્યની પ્રતીત ન આવતાં, ‘પુણ્ય–
પાપ કર્યા તેટલો જ હું’ એમ તે માને છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે ભાઈ! આત્મા કોણ છે અને તેનું વાસ્તવિક
સ્વરૂપ શું છે તે હું અહીં વર્ણવીશ. શા માટે? –કે હું આત્માનો અર્થી છું તેથી તે શુદ્ધચિદ્રૂપ આત્માની પ્રાપ્તિને માટે
હું તેનું કથન કરું છું, જેને અંતરમાં ભવનો ત્રાસ લાગ્યો હોય અને આત્માની ગરજ થઈ હોય એવા જીવોને માટે
અહીં આત્માનું સ્વરૂપ વર્ણવે છે, તેમાં મંગલાચરણ તરીકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને નમસ્કાર કર્યા છે. કેવો છે
તે આત્મા?–કે આનંદ સહિત છે, એટલે તેની ઓળખાણ થતાં પોતાને આનંદનો અનુભવ થાય છે, અને
જગતમાં તે ઉત્તમ છે.
આવા ચૈતન્યસ્વરૂપ આત્મતત્ત્વને જ્યાંસુધી જીવ ન જાણે ત્યાંસુધી તેના વ્રત–તપ વગેરે બધું રણમાં
પોક જેવું વ્યર્થ છે. જેમ એકડા વગરના મીંડાની કાંઈ કિંમત નથી તેમ સાચી સમજણ વગર ગમે તેટલું કરે
તોપણ તે મીંડા સમાન છે, –તેનાથી જરાપણ ધર્મ થતો નથી. ચૈતન્યની ઓળખાણ વગરનું બીજું તો બધું
અનંતવાર કર્યું છે તે કાંઈ અપૂર્વ નથી; અહો! જે ચૈતન્યસ્વરૂપ સમજીને સંતો તેને પામી ગયા તેવું મારું
સ્વરૂપ
શું (અનુસંધાન પાના નં. ૬૯ ઉપર)

PDF/HTML Page 6 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૬૯ :
મહા કલ્યાણકારી સમ્યગ્દર્શન થવાની રીત
[भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो]
તીર્થધામ સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે,
વીર સં. ૨૪૭૯, ચૈત્ર સુદ ચોથના પ્રવચનમાંથી– (૨)
જુઓ, અહીં માનસ્તંભનો મહોત્સવ ચાલે છે ને
મહોત્સવમાં સમ્યગ્દર્શનની અપૂર્વ વાત આવી છે. માનસ્તંભ તે
જિનેન્દ્ર ભગવાનનો વૈભવ છે, એ અપાર વૈભવને દેખતાં જ
ભવ્યજીવોને એમ થાય છે કે અહો! આ ભગવાનનો અપાર
ધર્મવૈભવ! આ સર્વજ્ઞ ભગવાનને પરિપૂર્ણ આત્મવૈભવ પ્રગટી
ગયો છે. –આમ સર્વજ્ઞ ભગવાનનું બહુમાન આવે છે; સર્વજ્ઞતાનો
મહિમા આવતાં અલ્પજ્ઞતાનું અભિમાન રહેતું નથી. અને, આ
સર્વજ્ઞ ભગવાનને જેવું સામર્થ્ય પ્રગટ્યું છે તેવું સામર્થ્ય પ્રગટ
થવાની તાકાત મારામાં પણ છે–એમ અંતરસ્વભાવનું લક્ષ થતાં
અનાદિનું મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યક્ત્વદશા પ્રગટી જાય છે
અને તે જ ખરો મંગળ–મહોત્સવ છે.
શુદ્ધ ચૈતન્યસ્વભાવની પ્રતીતિ અને અનુભવ કરે તે ‘હંસ’
છે. જેમ હંસ પોતાની ચાંચના બળથી દૂધ અને પાણીને જુદા કરી
નાંખે છે તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાની શુદ્ધનયરૂપી ચાંચના બળથી
કર્મને અને આત્માને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધ આત્માને અનુભવે
છે તેથી તે હંસ છે.
સમ્યગ્દર્શન માટેનો આત્મબોધ
મોક્ષદશા પ્રગટ થયા પહેલાંં સાધકદશામાં ધર્મી જીવની દ્રષ્ટિ કેવી હોય તેની આ વાત ચાલે છે. પહેલાંં તો
પોતાની બુદ્ધિથી શુદ્ધનય અનુસાર આત્માનો બોધ હોવો જોઈએ. અહીં ‘પોતાની બુદ્ધિ’ એમ કહીને જ્ઞાનને
આત્મા તરફ વાળવાનું બતાવ્યું છે. જે બુદ્ધિ અંતરમાં વળીને આત્મા સાથે અભેદ થઈ તે જ પોતાની બુદ્ધિ છે. તે
સિવાય પર તરફના વલણવાળા જ્ઞાનનો ભલે ઘણો ઉઘાડ હોય તોપણ તે સમ્યગ્દર્શનનું કારણ નથી. ‘હું
જ્ઞાનાનંદ છું’ એમ શુદ્ધ નયથી આત્માનો બોધ કરવો તે સમ્યગ્દર્શન છે.
જૈનધર્મનું રહસ્ય
અહો! ‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो’ એટલે કે ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરનાર
જીવ સમ્યગ્દ્રષ્ટિ છે–આ ટૂંકા સૂત્રમાં આચાર્યદેવે જૈનધર્મનું રહસ્ય (અનુસંધાન પાના નં. ૭૦ ઉપર)
(પાના નં. ૬૮ થી ચાલુ)
છે? તે વાત સમજવી તે અપૂર્વ છે. અહો! આ જગતમાં આનંદનું ધામ અને ઉત્તમ તત્ત્વ તો મારો ચૈતન્ય
ભગવાન છે, મારો આત્મા જ જગતમાં ઉત્તમ અને આનંદનું ધામ છે. ચૈતન્યનો આનંદ બહાર નથી અને
ચૈતન્યસ્વભાવ સિવાય બીજું કાંઈ જગતમાં ઊંચું નથી. પુણ્ય–પાપના ભાવમાં કે મોટા બંગલા–પૈસા વગેરે બાહ્ય
પદાર્થોમાં આનંદ નથી તેમજ તે કોઈ ઉત્તમ નથી; તે તો બધું અનંતવાર મળી ગયું છે. ચૈતન્યસ્વરૂપ આત્માની
પ્રાપ્તિ પૂર્વે અનંતકાળમાં કદી કરી નથી. જગતમાં સર્વોત્કૃષ્ટ ઉત્તમતત્ત્વ તો ચૈતન્યસ્વરૂપ આત્મા છે ને તે
આનંદસહિત છે; આવા શુદ્ધ ચિદ્રૂપ પરમાત્મ તત્ત્વને તેની પ્રાપ્તિ અર્થે અહીં નમસ્કાર કર્યા છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૭૦ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
ઉતારી દીધું છે. ભૂતાર્થનો આશ્રય કહો, શુદ્ધનય અનુસાર બોધ કહો, દ્રવ્યદ્રષ્ટિ કહો, જ્ઞાનને સ્વ તરફ વાળવાનું કહો,
આત્મસાક્ષાત્કાર કહો કે નિર્વિકલ્પ આત્મસંવેદન કહો–તે જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનની રીત!
‘હે જીવ! તું જ્ઞાયક છો, તારા જ્ઞાનાનંદ આત્મામાં અભેદ દ્રષ્ટિ કર’ –આવું શ્રીગુરુએ સંભળાવ્યું, તે
સાંભળવાની અને સમજવાની જિજ્ઞાસા થતાં મોહની મંદતા થઈ તેમજ જ્ઞાનનું લક્ષ તે તરફ ગયું, પરંતુ તે પણ હજી
સમ્યગ્દર્શનનું ખરું કારણ નથી, કેમકે તેમાં પણ હજી પરસન્મુખ વલણ છે. તે પર તરફનું વલણ છોડીને તેમજ રાગ
ઉપરનું લક્ષ છોડીને, શુદ્ધનયથી અંતરમાં જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને તેનો તન્મયપણે અનુભવ કરવો તે
સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન શું ચીજ છે?
જુઓ ભાઈ! આ આત્માના પોતાના ઘરની ચીજ છે, સમ્યગ્દર્શન એ કોઈ પારકી ચીજ નથી, તે ક્યાંય
બહારથી આવતું નથી, પણ આત્માના પોતાના સ્વભાવની ચીજ છે, તે અંતરના અવલોકનથી પ્રગટે છે. તેને માટે
રુચિના અપૂર્વ ઉલ્લાસથી અંતરમાં વારંવાર મંથન કરવું જોઈએ. પ્રભો! તારી પ્રભુતા એક સમયમાં અનંત ગુણથી
પરિપૂર્ણ પડી છે, તેમાં અંતરમાં વળ...અંર્તદ્રષ્ટિ કરીને તારી પ્રભુતાનું અવલોકન કર, તે અપૂર્વ સમ્યગ્દર્શન
છે....ત્યાં દેવ–ગુરુનું આલંબન નથી, ત્યાં રાગ કામ કરતો નથી, ત્યાં કોઈ નિમિત્તનો કે વ્યવહારનો આશ્રય નથી,
ત્યાં તો એકલા પોતાના ભૂતાર્થ સ્વભાવનું જ અવલંબન છે–તેનો જ આશ્રય છે–તેનો જ અનુભવ છે. ‘ભૂતાર્થદ્રવ્ય
આશ્રય કરવા યોગ્ય છે અને પર્યાય આશ્રય કરનાર છે’ એવા ભેદ પણ તે અનુભવમાં નથી, ત્યાં દ્રવ્ય–પર્યાયના
ભેદનું લક્ષ છૂટીને અભેદ આત્માના આનંદનો જ અનુભવ છે. –આત્મામાં આવી અનુભવદશા પ્રગટે ત્યારથી ધર્મની
શરૂઆત થાય છે.
ધર્મી આત્માનો પુરુષાર્થ.
–એવો શુદ્ધાત્માનો અનુભવ કઈ રીતે થાય? –કે પોતાના પુરુષાર્થથી જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પોતાના
પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક–સ્વભાવપણે પોતાને અનુભવે છે. જ્ઞાયકસ્વભાવ તો
અનાદિનો હતો જ, પણ તેનું ભાન ન હતું, જ્યાં અપૂર્વ પુરુષાર્થ વડે તેનું ભાન થયું ત્યાં તે જ્ઞાયકસ્વભાવ પ્રગટ
થયો–એમ કહ્યું. જુઓ, આ ધર્મી આત્માનો પુરુષાર્થ! નિમિત્ત વગેરે પરચીજને મેળવવી કે દૂર કરવી તેમાં તો
આત્માનો પુરુષાર્થ છે જ નહિ, અને અંદરમાં શુભ–અશુભ લાગણી થાય તેમાં પણ આત્માનો સમ્યક્ પુરુષાર્થ નથી;
શુદ્ધનયરૂપે પરિણમીને પોતાના ભૂતાર્થ સ્વભાવને જાણવો ને તે જ્ઞાયક સ્વભાવનો પ્રગટ અનુભવ કરવો તેમાં જ
આત્માનો સમ્યક્પુરુષાર્થ છે. –આવો પુરુષાર્થ પૂર્વે અનંતકાળમાં કદી એક સેકંડ પણ જીવે કર્યો નથી. વ્યવહારના
આશ્રયે મંદકષાયનો પુરુષાર્થ જીવે અનંતવાર કર્યો તેને અહીં ‘પોતાનો પુરુષાર્થ’ કહેતા નથી, જ્ઞાનને અંર્તસ્વભાવ
તરફ વાળીને પોતાના પરમાર્થ શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે તે જ ‘પોતાનો પુરુષાર્થ’ છે, આવા પુરુષાર્થનું નામ
ધર્મ છે. ધર્મીનો પુરુષાર્થ અંતરમાં સમાય છે, બહારમાં નથી જતો. અનાદિથી ભગવાન આત્મા અપ્રસિદ્ધ હતો તે
હવે પોતાના અંતરના પુરુષાર્થથી ધર્મીને પ્રસિદ્ધ થયો એટલે કે પ્રગટ અનુભવમાં આવ્યો.
સમ્યગ્દ્રષ્ટિ–હંસ
અહા! જુઓ આ ‘આત્મખ્યાતિ! ’ જુઓ, આ ભગવાન આત્માની પ્રસિદ્ધિની રીત! ...આ મહા
કલ્યાણકારી સમ્યગ્દર્શનનો ઉપાય! આ ઉપાયથી શુદ્ધ ચૈતન્યસ્વભાવની પ્રતીતિ અને અનુભવ કરે તે હંસ છે. જેમ
હંસ પોતાની ચાંચના બળથી દૂધ અને પાણીને જુદા કરી નાંખે છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાની શુદ્ધનયરૂપી
ચાંચના બળથી કર્મને અને આત્માને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધઆત્માને અનુભવે છે તેથી તે ‘હંસ’ છે, અને તે શુદ્ધ
આત્મામાં એકદમ લીન થઈને ચૈતન્યસ્વરૂપના અતીન્દ્રિય આનંદમાં ઝૂલનારા વીતરાગી મુનિવરો તે ‘પરમહંસ’ છે.
અંતર્મુખદ્રષ્ટિ કરીને જ્યાં શુદ્ધ ચિદાનંદ સ્વભાવનું અવલંબન લીધું ત્યાં તેના આશ્રયે સમ્યગ્દર્શનનો ઉત્પાદ થયો
અને મિથ્યાત્વનો વ્યય થયો; તથા નિમિત્તની, રાગની ને ભેદની રુચિ છૂટી ગઈ, વ્યવહારના આશ્રયની બુદ્ધિ ટળી
ગઈ. વ્યવહારના આશ્રયે જ સમ્યગ્દર્શન થતું નથી, ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. સમકિતીની
દ્રષ્ટિમાંથી ભૂતાર્થ સ્વભાવનું અવલંબન એક સમય પણ છૂટતું નથી. જો એક સમય પણ દ્રષ્ટિમાંથી ભૂતાર્થ
સ્વભાવનું અવલંબન છૂટીને વ્યવહારની રુચિ થાય

PDF/HTML Page 8 of 21
single page version

background image
: મહા: ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૧ :
તો ત્યાં સમ્યગ્દર્શન રહેતું નથી; માટે આ મહાન સિદ્ધાંત છે કે આત્માના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ
સમ્યગ્દર્શન છે.
જીવ પૂર્વે સમ્યગ્દર્શન કેમ ન પામ્યો?
જીવ અનાદિકાળથી એક સેકંડ પણ સમ્યગ્દર્શન પામ્યો નથી, તેનું કારણ શું? સમ્યગ્દર્શન અપૂર્વ છે તો
તેનું કારણ પણ પૂર્વે કદી નહિ કરેલું એવું અપૂર્વ જ હોવું જોઈએ. વ્યવહાર મુનિવ્રત ધારીને શુભભાવથી
અનંતવાર નવમી ગ્રૈવેયક સુધી ગયો છતાં સમ્યગ્દર્શન કેમ ન પામ્યો? બધું કરવા છતાં શું સાધન બાકી રહી
ગયું તેનો અંતરમાં વિચાર કરવો જોઈએ. આ બાબતમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
યમ નિયમ સંયમ આપ ક્યિો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ લયો મુખમૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દિયો.
જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે,
ઉરસેં હી ઉદાસી લહી સબસેં;
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે,
મત મંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન વાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો;
અબ ક્યોં ન વિચારત હૈ મનસેં,
કછુ ઔર રહા ઉન સાધનસેં;
બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે,
મુખ આગળ હૈ કહ બાત કહે?
જીવે બધું કરવા છતાં શું સાધન બાકી રહી ગયું કે જેથી તેનું ભવભ્રમણ ન મટયું તે અહીં કહેવાય છે. પોતાના
ભૂતાર્થ સ્વભાવના અવલંબનરૂપ ખરું સાધન જીવે કદી કર્યું નથી. ભૂતાર્થ સ્વભાવને ભૂલીને બહારમાં બધું કર્યું પણ
ભૂતાર્થ સ્વભાવને દ્રષ્ટિમાં ન લીધો, તેથી જ જીવ સમ્યક્ત્વ પામ્યો નહિ અને તેનું ભવભ્રમણ ન મટયું. ધર્મી જીવને
રાગ થાય પણ તે વખતેય રાગરહિત ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિ તેને ખસતી નથી. અજ્ઞાની તો રાગમાં જ એકાકાર
થઈને તેનાથી ધર્મ માને છે, પણ રાગથી ધર્મ કદી થતો નથી. જ્ઞાનીને રાગ થાય તે રાગ પણ ધર્મનું કારણ નથી.
જ્ઞાનીએ શુદ્ધનયથી પોતાના શુદ્ધ–ભૂતાર્થ સ્વભાવને જાણ્યો છે તેના જ આશ્રયે તેને ધર્મ થાય છે. આ જ ધર્મનું સાધન
છે; આ સાધન જીવે પૂર્વે કદી કર્યું નથી. જીવ સાચું સાધન સમજ્યો પણ નથી તો કરે તો ક્યાંથી? પોતાની કલ્પનાથી
બીજાં બધાં સાધન–વ્રત–તપ–પૂજા–શાસ્ત્ર ભણતર વગેરે કર્યાં પણ શુદ્ધનય અનુસાર પોતાના વાસ્તવિક સ્વરૂપનો
બોધ કદી ન કર્યો. હું કોણ છું ને મારું ખરું સ્વરૂપ શું છે તે સમજ્યો નહિ. માટે જ્ઞાનીઓ વારંવાર કહે છે કે હે ભાઈ!
હવે તું અંતર્મુખ પુરુષાર્થથી શુદ્ધનયનું અવલંબન લઈને તારા પરિપૂર્ણ સ્વરૂપને જાણ, રાગરહિત શુદ્ધસ્વભાવપણે
તારા આત્માને તું દેખ, –જેથી તારા ભવભ્રમણનો અંત આવે.
ધર્મની રીત
ધર્મની જે રીત છે તેને બદલે બીજી રીતે ધર્મ કરવા માંગે તો થાય નહિ. જેમ કોઈને શીરો કરવો હોય તો
પહેલાંં તેની રીત જાણવી જોઈએ. પહેલાંં લોટને ઘીમાં શેકીને પછી તેમાં ગોળનું પાણી નાંખવાનું હોય, તેને
બદલે લોટને ઘીમાં શેક્યા વગર કાચા લોટમાં પાણી નાંખવા માંડે તો તે મૂર્ખ કહેવાય, તેનો શીરો ન થાય. તેમ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ છે, તેમાં પ્રથમ સમ્યક્શ્રદ્ધા કર્યા વગર ચારિત્ર અને વ્રત–તપ માને તો તે મોટો
મૂઢ છે. પ્રથમ અંતરમાં આત્માના નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન જમાવ્યા વગર એકાગ્રતા શેમાં કરશે? સમ્યગ્દર્શન વગર
માત્ર શુભભાવ કરીને તેમાં ધર્મ અને મુનિપણું માની લેશે, તેને તો મિથ્યાત્વનું જ પોષણ થશે.
જૈનધર્મનો ક્રમ
જૈનધર્મનો ક્રમ એ છે કે પહેલાંં સમ્યગ્દર્શન હોય ને પછી જ સમ્યક્ ચારિત્ર હોય; અને તે સમ્યગ્દર્શન પણ
નિશ્ચયસ્વભાવના અવલંબને જ થાય. તેને બદલે જે સમ્યગ્દર્શન વગર ચારિત્ર માને અથવા તો પહેલાંં વ્યવહાર કરતાં
કરતાં તેનાથી નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન થઈ જશે–એમ માને તેઓ જૈનધર્મના ક્રમને જાણતા નથી. જેમ કોઈ એમ કહે કે શીરો
કરવામાં પાછળથી તો પાણી નાંખવું જ છે, તો પહેલેથી જ નાંખો ને? –તો તે મૂર્ખ છે. તેમ કોઈ કહે કે સમ્યગ્દર્શન પછી
તો વચ્ચે વ્યવહાર આવે છે ને? –તો પહેલો જ વ્યવહાર કહો ને? –તો એમ માનનાર પણ મૂઢ છે. અરે ભાઈ!
નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન પ્રગટ્યા વગર તારા વ્યવહારને અમે વ્યવહાર કહેતા જ નથી; અને

PDF/HTML Page 9 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦: આત્મધર્મ–૧૨૪ : ૭૨ :
વ્યવહારનયના આશ્રયે
કલ્યણ કમ નથ?
(માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન સોનગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચન)
વીર સં. ૨૪૭૯, ચૈત્ર સુદ પાંચમ.
‘અહો! આ પરથી ભિન્ન મારા જ્ઞાયકતત્ત્વની વાત
છે, મારા જ્ઞાયકતત્ત્વની પ્રતીત કરવામાં કોઈ રાગનું
અવલંબન છે જ નહિ’ –આવા લક્ષપૂર્વક એટલે કે
સ્વભાવના ઉત્સાહપૂર્વક એકવાર પણ જે જીવ આ વાત
સાંભળે તે ભવ્યજીવ જરૂર અલ્પકાળમાં મુક્તિ પામે છે.
આ એમને એમ સાંભળી લેવાની વાત નથી પણ
સાંભળનાર ઉપર નિર્ણય કરવાની જવાબદારી છે.
જેને ભવનો થાક લાગ્યો છે અને આત્માનું સમ્યગ્દર્શન પ્રગટ કરીને પોતાનું કલ્યાણ કરવા માગે છે એવો
જિજ્ઞાસુ શિષ્ય પાત્ર થઈને પૂછે છે કે હે ભગવાન! વ્યવહારનયના આશ્રયે કલ્યાણ કેમ નથી? શ્રીગુરુ
પરમાર્થનો આશ્રય કરાવવા માગે છે ને વ્યવહારનો આશ્રય છોડાવવા માગે છે એટલી વાત પકડીને વિશેષ
સમજવા માટે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે છે. તેના ઉત્તરમાં આચાર્યદેવ આ અગિયારમી ગાથામાં કહે છે કે હે શિષ્ય!
નિશ્ચયનય જ આત્માના ભૂતાર્થ–પરિપૂર્ણ સ્વભાવને બતાવનાર છે ને તેના જ અવલંબને સમ્યગ્દર્શન થાય છે
માટે તે જ અંગીકાર કરવા જેવો છે; વ્યવહારનય તો ભેદને બતાવે છે, તે ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી
માટે તે વ્યવહારનય આશ્રય કરવા જેવો નથી. ‘વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે’ એમ પહેલાંં કહ્યું હતું ત્યાં
કોઈ તે વ્યવહારને જ પરમાર્થ ન માની લ્યે તેથી આચાર્યદેવે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે ભૂતાર્થના આશ્રયે જ
સમ્યગ્દર્શન છે, વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન નથી. વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કહ્યો તોપણ તે વ્યવહાર
પોતે આશ્રય કરવા યોગ્ય નથી. અભેદસ્વરૂપ સમજાવતાં ભેદથી કથન આવ્યું, ત્યાં તે ભેદનું લક્ષ છોડીને
અભેદસ્વરૂપનો જે અનુભવ કરે તેને ભેદરૂપ વ્યવહાર તે પરમાર્થનું
(અનુસંધાન પાના નં. ૭૩ ઉપર)
(પાના નં. ૭૧ થી ચાલુ)
નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન–થયા પછી જ્ઞાનીને જે શુભરાગરૂપ વ્યવહાર હોય છે તે વ્યવહારના અવલંબને પણ કાંઈ ધર્મ
નથી. આત્માના ચિદાનંદ સ્વભાવના અવલંબને જ ધર્મની શરૂઆત થાય છે અને પછી પણ તે સ્વભાવના
અવલંબને જ ધર્મ ટકે છે ને વધે છે. આ સિવાય બીજો કોઈ ધર્મનો ઉપાય નથી. પહેલાંં વ્યવહાર અને પછી
નિશ્ચય, એટલે કે શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય, –એમ જે માને છે તે રાગને જ આત્મા માને છે, તેને
જ્ઞાનસ્વરૂપ આત્મામાં એકાગ્રતા નહિ થાય પણ રાગમાં જ એકાગ્રતા થશે. રાગ શું અને રાગરહિત જ્ઞાનસ્વભાવ
શું–તેને ઓળખીને પહેલાંં શુદ્ધ આત્માની શ્રદ્ધા કરે ત્યારથી ધર્મની શરૂઆત થાય છે.
મંગલ મહોત્સવ
જુઓ, અહીં માનસ્તંભનો મહોત્સવ ચાલે છે, ને મહોત્સવમાં સમ્યગ્દર્શનની અપૂર્વ વાત આવી છે. જેમ
માનસ્તંભને જોતાં માની જીવોનાં માન ગળી જાય છે તેમ આ વાત સમજે તો અનાદિનું મિથ્યામાન ગળી જાય.
માનસ્તંભ તે જિનેન્દ્ર ભગવાનનો વૈભવ છે, એ અપાર વૈભવને દેખતાં જ ભવ્ય જીવને એમ થાય છે કે અહો! આ
ભગવાનનો અપાર ધર્મવૈભવ! આ સર્વજ્ઞ ભગવાનને પરિપૂર્ણ આત્મવૈભવ પ્રગટી ગયો છે. –આમ સર્વજ્ઞ
ભગવાનનું બહુમાન આવે છે; સર્વજ્ઞતાનો મહિમા આવતાં અલ્પજ્ઞતાનું અભિમાન રહેતું નથી. અને, આ સર્વજ્ઞ
ભગવાનને જેવું સામર્થ્ય પ્રગટ્યું છે, તેવું સામર્થ્ય પ્રગટ થવાની તાકાત મારામાં પણ છે એમ સ્વભાવનું અંર્તલક્ષ
થતાં અનાદિનું મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યક્ત્વદશા પ્રગટી જાય છે, અને તે જ ખરો મંગળ મહોત્સવ છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૩ :
(પાના નં. ૭૨ થી ચાલુ)
નિમિત્ત છે; જે જીવ ભેદનું અવલંબન છોડીને ભૂતાર્થ સ્વભાવનું અવલંબન કરે તેને જ તે ભેદરૂપ વ્યવહાર
નિમિત્ત કહેવાય છે, પરંતુ તે ભેદનું અવલંબન કરતાં કરતાં તેનાથી પરમાર્થનો અનુભવ થઈ જશે એમ કદી
બનતું નથી.
જુઓ, આમાં પણ ઉપાદાન–નિમિત્તની વાત આવી. કઈ રીતે? કે જ્યાં ઉપાદાનમાં અભેદની દ્રષ્ટિથી
નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે ત્યાં ભેદરૂપ વ્યવહાર તે નિમિત્ત છે, ઉપાદાન વગર એકલા વ્યવહારને તો નિમિત્ત
પણ કહેવાય નહિ. જેમ નિમિત્તને લીધે કાર્ય થતું નથી તેમ વ્યવહારના અવલંબનથી પરમાર્થ પમાતો નથી.
જુઓ, આ નિશ્ચય–વ્યવહાર અને ઉપાદાન–નિમિત્તની વાત મુખ્ય પ્રયોજનરૂપ સમજવા જેવી છે અને તેમાં
જ લોકોની મોટી ભૂલ છે, તેથી વ્યાખ્યાનમાં વારંવાર તેની સ્પષ્ટતા આવે છે. નિમિત્તને લીધે કાર્ય થાય,
અને વ્યવહાર કરતાં કરતાં તેના અવલંબને નિશ્ચય પમાઈ જાય એમ માનનારા બંને એક જ જાતની
માન્યતાવાળા મિથ્યાદ્રષ્ટિ છે.
જેમ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી તેમ નિમિત્ત પણ અનુસરવા યોગ્ય નથી. વ્યવહાર અને નિમિત્ત
બંને અભૂતાર્થ છે. નિમિત્તનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે, અને વ્યવહાર એક સમયપૂરતો પર્યાયમાં છે
પણ ત્રિકાળીસ્વભાવમાં તેનો અભાવ છે; આ રીતે નિમિત્ત અને વ્યવહાર બંને અભૂતાર્થ છે, તેથી તે અનુસરવા
યોગ્ય નથી, તેના ઉપર જોર આપવાથી સમ્યગ્દર્શન થતું નથી. વ્યવહારનું અવલંબન કરવાથી સમ્યગ્દર્શન થાય?
–ન થાય. નિમિત્તનું અવલંબન કરવાથી સમ્યગ્દર્શન થાય? –ન થાય. અનેક પ્રકારના નિમિત્તો અને વ્યવહારો
હોય ભલે પણ તે કોઈના અવલંબને સમ્યગ્દર્શન થતું નથી. ભૂતાર્થસ્વભાવના અવલંબને જ સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શનનો એક જ નિયમ છે કે જ્યાં જ્યાં સમ્યગ્દર્શન થાય છે, ત્યાં ત્યાં ઉપાદાનની તાકાતથી જ થાય છે,
અને જેને સમ્યગ્દર્શન થાય છે તેને પોતાના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ સમ્યગ્દર્શન થાય છે. જીવોને
સમજાવવા માટે ઉપદેશ તો અનેક પ્રકારે જુદી જુદી શૈલીથી આવે, પણ ઉપાદાનની વિધિનો તો એક જ પ્રકાર છે,
અંતરમાં ઊતરીને જે સમયે જ્ઞાયકસ્વભાવને દ્રષ્ટિમાં પકડ્યો તે જ સમયે સમ્યગ્દર્શન છે, ત્યાં બધાય નિમિત્તો ને
વ્યવહારો એકકોર રહી જાય છે એટલે કે તે બધાયનું અવલંબન છૂટી જાય છે. અહો! વસ્તુસ્થિતિ જ આ છે –
પણ સમજાવવું કઈ રીતે! સમજાવતાં વચ્ચે વ્યવહાર આવી જાય છે. કહ્યું છે કે :–
‘उपादान विधि निरवचन है निमित्त उपदेश’
ઉપદેશમાં તો અનેક પ્રકારથી કથન આવે, ત્યાં નિમિત્તના અને વ્યવહારના કથનને જ અજ્ઞાની વળગી
રહે છે, પણ તે કથનનો પરમાર્થ આશય શું છે તેને તે સમજતો નથી. –શું થાય!! પોતે અંદરમાં પાત્ર થઈને
વસ્તુસ્થિતિ સમજે તો સમજાય, એની પાત્રતા વિના જ્ઞાની શું કરે? એની પાત્રતા થયા વિના સાક્ષાત્ તીર્થંકર
ભગવાન પણ તેને સમજાવી શકે નહિ. ઉપાદાનની લાયકાત વિના બીજો શું કરે? ઉપાદાનની લાયકાત હોય તો
બીજામાં નિમિત્ત તરીકેનો ઉપચાર આવે.
અહો! જ્યાં જુઓ ત્યાં ઉપાદાનની વિધિનો એક જ પ્રકાર છે. અમુક વખતે અમુક પ્રકારની પર્યાય કેમ
થઈ? –કે એવી જ તે ઉપાદાનની યોગ્યતા. સમ્યગ્દર્શન કેમ થયું? –કે પર્યાયની લાયકાતથી; રાગ કેમ થયો?–કે
પર્યાયની તેવી લાયકાતથી. આ રીતે ઉપાદાન નિરવચન છે એટલે કે તેમાં એક જ પ્રકાર છે, એક જ ઉત્તર છે,
આમ કેમ? –કે એવી જ ઉપાદાનની યોગ્યતા. એ ખાસ ધ્યાન રાખવું કે ‘ઉપાદાનની યોગ્યતા’ એમ જે વારંવાર
કહેવામાં આવે છે તે ત્રિકાળી શક્તિરૂપ નથી પણ એક સમયની પર્યાયરૂપ છે, એકેક સમયની પર્યાયમાં પોતાની
સ્વતંત્ર તાકાત છે તેને ઉપાદાનની યોગ્યતા કહેવામાં આવે છે. સમય સમયની પર્યાયના સ્વતંત્ર ઉપાદાનની
લોકોને ખબર નથી એટલે નિમિત્ત આવે તો પર્યાય થાય એમ ભ્રમથી માને છે, તેમાં એકલી સંયોગી–પરાધીન
દ્રષ્ટિ છે. અહો! એકેક સમયની પર્યાયનું સ્વતંત્ર ઉપાદાન! –તેનો નિર્ણય કરવામાં તો વીતરાગીદ્રષ્ટિ થઈ જાય
છે. વસ્તુસ્વરૂપ જ આ છે, પણ અત્યારે તો લોકોને આ વાત કઠણ થઈ પડી છે. ઉપાદાનની યોગ્યતા કહો,
પર્યાયની તાકાત કહો, અવસ્થાની લાયકાત કહો, પર્યાયધર્મ કહો, સ્વકાળ કહો, કાળલબ્ધિ કહો, પોતાનો ઉત્પાદ
કહો, પોતાનો અંશ કહો, ક્રમબદ્ધપર્યાય કહો, નિયત કહો કે તે પ્રકારનો પુરુષાર્થ કહો–એ બધું એક જ છે, તેમાંથી
એક પણ બોલનો જો યથાર્થ
(અનુસંધાન માટે જુઓ પાન : ૭૭)

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૭૪ : આત્મધર્મ–૧૨૪ : મહા: ૨૦૧૦ :
ધર્માત્માનો વૈરાગ્ય
રાગી જીવ બંધાય છે, વૈરાગી જીવ છૂટે છે
(આસો વદ ચોથના દિવસે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
જ્ઞાનીના વૈરાગ્યનું સાચું સ્વરૂપ શું છે તે આમાં બતાવ્યું
છે. અજ્ઞાની લોકો અંતરની દ્રષ્ટિને ઓળખ્યા વગર બહારથી
વૈરાગ્યનું માપ કાઢે છે; બહારમાં કાંઈક ત્યાગ કે મંદકષાય દેખે
ત્યાં તેને વૈરાગી માની લે છે, પણ તે વૈરાગ્યનું સાચું સ્વરૂપ
નથી. સમ્યગ્જ્ઞાનપૂર્વક જ સાચો વૈરાગ્ય હોય છે, સમકીતિ
ગૃહસ્થપણામાં રહ્યા હોય તોપણ પરમાર્થે તે વૈરાગી છે....
અંતરદ્રષ્ટિમાં વૈરાગ્યનું પરિણમન તેને સદાય વર્ત્યા જ કરે છે.
અજ્ઞાનીને સાચો વૈરાગ્ય હોતો નથી. ‘હું સમસ્ત શુભાશુભ
પરિણામથી જુદો એક જ્ઞાયકભાવસ્વરૂપ છું, મારા અવલંબને જ
મારી મુક્તિ છે’ –આમ જાણીને જે જીવ સ્વભાવસન્મુખ
પરિણમ્યો તે જ સાચો વૈરાગી છે....સ્વભાવના અવલંબનરૂપ
વૈરાગ્યભાવ તે મોક્ષનું કારણ છે, અને પરાવલંબનરૂપ
રાગભાવ તે બંધનું કારણ છે, આવો જિનેન્દ્રભગવાનનો ઉપદેશ
છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેના અવલંબને જ આત્માનો મોક્ષમાર્ગ છે, એ સિવાય શુભ–અશુભ કર્મોના
અવલંબને આત્માનો મોક્ષમાર્ગ નથી. દેહથી ભિન્ન અને ક્ષણિક રાગથી પાર આત્માનો ચૈતન્યસ્વભાવ છે, તે
સ્વભાવની સન્મુખ થઈને શુભ–અશુભ સમસ્ત રાગની રુચિ જેણે છોડી છે એવા સમ્યગ્દ્રષ્ટિ–વૈરાગી જીવો જ
કર્મથી છૂટે છે; પરંતુ જેઓ આત્માના જ્ઞાનસ્વભાવને જાણતા નથી ને શુભ–અશુભ રાગને જ મોક્ષનું સાધન
માનીને તેનું સેવન કરે છે એવા મિથ્યાદ્રષ્ટિ–રાગી જીવો કર્મથી બંધાય છે. માટે હે જીવ! જો તારે કર્મબંધનથી
છૂટવું હોય તો, અશુભ તેમજ શુભ બધાય કર્મોની રુચિ છોડ અને જ્ઞાનસ્વરૂપ આત્માને અવલંબીને તેનું જ
અવલંબન કર. –એમ આચાર્યદેવ સમયસારની ૧૫૦ મી ગાથામાં કહે છે–
‘જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે,
એ જિનતણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે.’
રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે–આ જિનભગવાનનો ઉપદેશ છે; માટે
હે ભવ્ય જીવ! તું કર્મોમાં પ્રીતિ ન કર.
જેને ચૈતન્યસ્વભાવની રુચિ નથી ને રાગની રુચિ છે; શુભરાગ કરતાં કરતાં આત્માને ધર્મ થશે એમ
માને છે એવા મિથ્યાદ્રષ્ટિ જીવને જ અહીં ‘રાગી’ કહ્યો છે. અને જેને ચૈતન્યસ્વભાવની રુચિ છે ને રાગની રુચિ
ટળી ગઈ છે–એવા સમકીતિ જીવને અહીં “વૈરાગી” કહ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ ગૃહસ્થપણામાં રહ્યા હોય અને તે
પ્રકારનો રાગ થતો હોય તોપણ પરમાર્થે તે વૈરાગી છે, કેમકે રાગ વખતે પણ તેની દ્રષ્ટિમાં ચૈતન્યસ્વભાવની જ
અધિકતા વર્તે છે. અને મિથ્યાદ્રષ્ટિ જીવ રાજપાટ છોડીને ત્યાગી થયો હોય, જંગલમાં રહેતો હોય, દ્રવ્યલિંગી
દિગંબરમુનિ થઈને પંચમહાવ્રત પાળતો હોય તોપણ ખરેખર તે વૈરાગી નથી પણ રાગી જ છે, કેમકે અંતરમાં
આ શુભરાગ મને હિતકર છે એવા અભિપ્રાયથી તેને રાગનું અવલંબન

PDF/HTML Page 12 of 21
single page version

background image
: મહા: ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૫ :
છૂટયું નથી.
અજ્ઞાની લોકો અંતરની દ્રષ્ટિને ઓળખ્યા વગર બહારથી વૈરાગ્યનું માપ કાઢે છે; બહારમાં
કાંઈક ત્યાગ કે મંદકષાય દેખે ત્યાં તેને વૈરાગી માની લ્યે છે; પણ તે વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી.
શુભરાગ કરીને ‘હું કંઈક ધર્મ કરું છું’ –એમ જે માને છે તેણે તો રાગને જ આત્મા માન્યો છે એટલે
તેને તો અનંત રાગનો અભિપ્રાય પડ્યો છે. હજી રાગ શું અને આત્મસ્વભાવ શું તેના ભેદની પણ
જેને ખબર નથી, ને રાગને જ પોતાનું સ્વરૂપ માને છે તેને સાચા વૈરાગ્યની ગંધ પણ નથી.
ચૈતન્યસ્વભાવનું અવલંબન થતાં પરનું અવલંબન છૂટી જાય તેનું નામ વૈરાગ્ય છે. જ્ઞાન અંતરમાં
વળીને સ્વભાવમાં રત થયું ત્યાં પરભાવોથી વિરક્ત થયું–એનું નામ વૈરાગ્ય છે. જ્ઞાન સ્વભાવ–
સન્મુખ થયું તે અસ્તિ, અને ત્યાં પરભાવોથી છૂટયું તે નાસ્તિ, –એ રીતે સમ્યગ્જ્ઞાનપૂર્વક જ સાચો
વૈરાગ્ય હોય છે. સમકીતિને વૈરાગ્યનું પરિણમન સદાય વર્ત્યા જ કરે છે.
હિંસા, જૂઠૂં, ચોરી, બ્રહ્મચર્ય ઈત્યાદિ પાપરાગ તો બંધનું કારણ છે, તેમજ દયા, સત્ય, દાન
વગેરેનો પુણ્યરાગ તે પણ બંધનું કારણ છે. કોઈ પણ રાગભાવ તે બંધનું જ કારણ છે, તેને બદલે
શુભરાગને જે મોક્ષનું સાધન માને છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તે જીવ શુભરાગ વખતે પણ નવા
કર્મોથી બંધાય જ છે પણ છૂટતો નથી. જુઓ, આમાં એ વાત પણ આવી જાય છે કે જીવને પોતાનો
શુભ–અશુભ રાગભાવ જ બંધનું કારણ છે, પરંતુ બહારની જડની ક્રિયાને લીધે જીવને બંધન થતું
નથી કેમકે તે તો પરવસ્તુ છે. જે જીવ પરવસ્તુને બંધનું કે મોક્ષનું કારણ માને તેને પરવસ્તુ ઉપર
રાગ–દ્વેષનો અભિપ્રાય છે, અને તે રાગ–દ્વેષના અભિપ્રાયને લીધે તે જીવ બંધાય જ છે. બહારની
જડની ક્રિયા મારી નથી તેમજ તે મને બંધનું કે મોક્ષનું કારણ નથી, અને શુભ કે અશુભ પરિણામ
થાય તે મારા જ્ઞાનસ્વભાવથી ભિન્ન છે; હું શરીરની ક્રિયાથી તેમજ શુભ–અશુભ પરિણામથી જુદો
એક જ્ઞાયક–સ્વભાવરૂપ છું, મારા અવલંબને જ મારી મુક્તિ છે–આમ જાણીને જે સ્વસન્મુખ
પરિણમ્યો તે જ સાચો વૈરાગી છે ને તે જીવ અવશ્ય કર્મથી છૂટીને મુક્તિ પામે છે.
જુઓ, આ જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ! તારા સ્વભાવના અવલંબનરૂપ વૈરાગ્યભાવ તે
મોક્ષનું કારણ છે, ને પરના અવલંબનરૂપ રાગભાવ તે બંધનું કારણ છે. આ સિવાય બહારની
ક્રિયાને લીધે આત્માને મુક્તિ કે બંધન થાય–એમ ભગવાનનો ઉપદેશ નથી. સંસારના વેપાર–ધંધાનો
કે હિંસા–જૂઠનો અશુભ ભાવ છોડીને અહિંસા, સત્ય વગેરે શુભભાવ કરે અને એમ માને કે ‘આ
મને મોક્ષનું સાધન છે’ –તો તે જીવ વૈરાગી નથી પણ રાગી જ છે. અને તે છૂટતો નથી પણ બંધાય
જ છે. સમ્યગ્દ્રષ્ટિને અમુક શુભ–અશુભ રાગ થતો હોવા છતાં અંતરની દ્રષ્ટિમાં તે વૈરાગી જ છે ને
અંતરના જ્ઞાન–વૈરાગ્યના બળને લીધે તે છૂટતો જ જાય છે. રાગી અને વૈરાગીનું માપ કરવાની રીત
લોકોએ માની છે તેના કરતાં જુદી છે. રાગ ઉપર જેની દ્રષ્ટિ પડી છે તે જીવ રાગી જ છે, ને
રાગરહિત ચૈતન્યસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ પડી છે તે જીવ વૈરાગી છે.
સર્વજ્ઞ વીતરાગદેવની આજ્ઞા છે કે હે જીવ! રાગથી ભિન્ન તારા ચૈતન્યસ્વભાવને ઓળખીને
તેની પ્રીતિ કર, ને રાગની પ્રીતિ છોડ. તારા ચૈતન્યસ્વભાવના અવલંબને જ તારી મુક્તિનો ઉપાય
છે. શરીર–મન–વાણીની ક્રિયા હું કરું છું ને તે ક્રિયા મને મોક્ષનું સાધન થાય છે–એમ માનનાર પ્રાણી
તો મહા મૂઢ છે, તેને સાચો વૈરાગ્ય કદી હોતો નથી. અને વ્યવહારરત્નત્રય વગેરેમાં શુભરાગના
પરિણામ થાય તેને મોક્ષનું

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૭૬ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
કારણ માનીને તેની જે પ્રીતિ કરે છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, તેને રાગની પ્રીતિ છે પણ જ્ઞાન–
સ્વભાવની પ્રીતિ નથી. જ્ઞાની જાણે છે કે હું તો જ્ઞાન જ છું, જ્ઞાન જ મારો સ્વભાવ છે, મારા જ્ઞાનને
અને રાગને એકપણું નથી પણ ભિન્નપણું છે, –આવા ભાનમાં જ્ઞાનીને પોતાના જ્ઞાનસ્વભાવની જ
પ્રીતિ છે ને કોઈપણ રાગની પ્રીતિ નથી તેથી તે ખરેખર વૈરાગી છે.
પ્રશ્ન :– જ્ઞાનીને રાગ થતો હોવા છતાં તેને વૈરાગી કેમ કહો છો?
ઉત્તર :– પ્રથમ તો જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી, કેમકે રાગ વખતે જ્ઞાની જાણે છે કે હું
તો જ્ઞાન છું, મારો આત્મા જ્ઞાનમય છે પણ રાગમય નથી, રાગ મારા જ્ઞાનથી ભિન્ન છે. વળી
જ્ઞાનીને તે રાગની રુચિ નથી. રાગ મને હિતકર છે એમ જ્ઞાની માનતા નથી, સ્વભાવસન્મુખની
દ્રષ્ટિ તે વખતે પણ છૂટી નથી, ને રાગમાં એકતાબુદ્ધિ થઈ નથી, માટે જ્ઞાની ખરેખર વૈરાગી જ છે.
અજ્ઞાની એકલા રાગને દેખે છે પણ તે જ વખતે જ્ઞાનીનું જ્ઞાન તે રાગથી છૂટું પડીને અંતર–
સ્વભાવમાં એકાકારપણે પરિણમી રહ્યું છે તેને અજ્ઞાની ઓળખતો નથી.
અહીં તો બે પડખાં પાડીને આચાર્યદેવ સ્પષ્ટ વાત કરે છે કે એક તરફ ભગવાન આત્મા, અને કે
બીજી તરફ કર્મ. કોઈ પણ જાતના કર્મને શુભરાગને જે જીવ મોક્ષનું સાધન માને છે તે જીવ કર્મથી જ
રંગાયેલો છે પણ આત્માનો રંગ તેને લાગ્યો નથી, તે રાગી જીવ કર્મથી બંધાય જ છે. અને જેને સમસ્ત
શુભાશુભ કર્મોથી ભિન્ન ચૈતન્યસ્વભાવી આત્માની પ્રીતિ છે તે જીવ કોઈ પણ શુભ–અશુભકર્મને મોક્ષનું
સાધન માનતો નથી એટલે તે જીવ વૈરાગી છે ને તે કર્મથી બંધાતો નથી પણ છૂટે છે.
ચૈતન્યસ્વભાવના અવલંબનરૂપ જે વીતરાગી જ્ઞાનભાવ છે તેના સિવાયના જેટલા શુભ કે
અશુભ રાગભાવ છે તે બધાય બંધનનું જ કારણ છે; જેમ પાપભાવ બંધનનું કારણ છે તેમ
પુણ્યભાવ પણ બંધનનું જ કારણ છે, માટે મોક્ષમાર્ગમાં અશુભ કે શુભ સમસ્ત કર્મોનો નિષેધ છે–
એમ ભગવાન સર્વજ્ઞદેવે ફરમાવ્યું છે. શુભભાવ પણ બંધનનું જ કારણ છે. જે બંધનનું કારણ હોય તે
મોક્ષનું કારણ કેમ હોય? ન જ હોય. આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી પ્રગટેલા વીતરાગી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે જ્ઞાનભાવ છે તે જ મોક્ષનું ખરું કારણ છે, રાગ તે મોક્ષનું કારણ
નથી; માટે હે જીવ! તું જ્ઞાનસ્વભાવની રુચિ કરીને તેમાં એકાગ્ર થા, ને રાગમાં એકાગ્ર ન થા એમ
શ્રી આચાર્યદેવનો ઉપદેશ છે.
હે બંધુ!
દુનિયાને રાજી રાખવામાં કે દુનિયાથી રાજી થવામાં આત્માનું હિત નથી.
એકવાર તું જ્ઞાનીને પ્રસન્ન કર અને જ્ઞાનીએ કહેલા જ્ઞાન–ભાવની
ઓળખાણ કર, તેમાં તારું આત્મહિત છે.
–ચર્ચામાંથી

PDF/HTML Page 14 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૭ :
(અનુસંધાન પાન ૭૩ થી ચાલુ)
નિર્ણય કરવા જાય તો તેમાં બધું આવી જાય છે; નિમિત્તને લીધે કાંઈ ફેરફાર કે વિલક્ષણતા થાય–એ વાત તો
ક્યાંય રહેતી નથી. ઉપદેશમાં તો અનેક પ્રકારે નિમિત્તથી કથન આવે, પરંતુ ત્યાં સર્વત્ર ઉપાદાનની સ્વતંત્રતાને
દ્રષ્ટિમાં રાખીને તે કથનનો આશય સમજવો જોઈએ. મૂળદ્રષ્ટિ જ જ્યાં ઊંધી હોય ત્યાં શાસ્ત્રના અર્થ પણ ઊંધા જ
ભાસે, કેટલાક લોકો મોટા ત્યાગી કે વિદ્વાન ગણાતા હોય છતાં ઉપાદાન–નિમિત્ત સંબંધી તેમને પણ વિપરીત દ્રષ્ટિ
હોય છે, તેમની સાથે આ વાતનો મેળ ખાય તેમ નથી. યથાર્થ તત્ત્વની દ્રષ્ટિ વિના લોકોએ એમ ને એમ ત્યાગના
ગાડાં હાંકી દીધા છે, અરે! તત્ત્વનિર્ણયની દરકાર પણ કરતા નથી. પરંતુ તત્ત્વના નિર્ણય વગર કોઈ રીતે જન્મ
મરણનો અંત આવે તેમ નથી. તત્ત્વના નિર્ણય વગર સાચો ત્યાગ તો હોય નહિ એટલે તે ત્યાગ પણ બોજારૂપ
લાગે.
ઉપાદાનની વિધિ નિરવચન કહી તેનો અર્થ એમ છે કે તેમાં એક જ પ્રકાર છે; જેટલા પ્રશ્ન પૂછો તે બધામાં
એક જ ઉત્તર છે કે જ્યાં જ્યાં કાર્ય થાય છે ત્યાં ત્યાં ઉપાદાનની લાયકાતથી જ થાય છે.
જ્ઞાનાવરણકર્મને લીધે જ્ઞાન અટક્યું? –કે ના; પોતાની લાયકાતને લીધે જ જ્ઞાન અટક્યું છે.
ગુરુને લીધે જ્ઞાન થયું? –કે ના; પોતાની લાયકાતથી જ જ્ઞાન થયું છે.
કુંભારે ઘડો કર્યો? –કે ના; માટીની લાયકાતથી જ ઘડો થયો છે.
અગ્નિથી પાણી ઊનું થયું? –કે ના; પાણી પોતાની લાયકાતથી જ ઊનું થયું છે.
લોટમાંથી રોટલી સ્ત્રીએ કરી? –કે ના; લોટની લાયકાતથી જ રોટલી થઈ છે.
કર્મના ઉદયને લીધે જીવને વિકાર થયો? –કે ના; જીવની પર્યાયમાં તેવી લાયકાતને લીધે જ વિકાર થયો
છે.
આ પ્રમાણે સર્વત્ર એક જ જવાબ છે કે ઉપાદાનની તેવી લાયકાતથી જ કાર્ય થાય છે. નિમિત્તો જુદા
જુદા અનેક પ્રકારના ભલે હો, પણ તે નિમિત્તે ઉપાદાનમાં કાંઈ કર્યું નથી, તેમજ નિમિત્ત અને ઉપાદાન
ભેગાં થઈને કોઈ એક ત્રીજી અવસ્થા થાય છે એમ નથી. ઉપાદાનની અવસ્થા જુદી ને નિમિત્તની અવસ્થા
જુદી. નિમિત્તને કારણે ઉપાદાનમાં કાંઈ પ્રભાવ પડતો નથી; ઉપાદાનમાં તેનો અભાવ છે. સમય સમયનું
ઉપાદાન સ્વાધીન–સ્વયંસિદ્ધ છે. અહો! આવી સ્વતંત્રતાની વાત લોકોને અનંતકાળથી બેઠી નથી, ને
પરાધીનતા માનીને રખડી રહ્યા છે. ઉપાદાનની સ્વાધીનતાનો જેને નિર્ણય નથી તેને સમ્યગ્દર્શન પામવાની
યોગ્યતા નથી.
અહીં તો કહે છે કે જેમ ઉપાદાનમાં નિમિત્તનો અભાવ છે તેમ આત્માના જ્ઞાનાનંદસ્વભાવની
અભેદદ્રષ્ટિમાં સઘળોય વ્યવહાર અભૂતાર્થ છે, શુદ્ધદ્રષ્ટિનો વિષય એકાકાર શુદ્ધઆત્મા છે, તેમાં ભેદ કે રાગ નથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે નિમિત્તના આશ્રયથી સમ્યગ્દર્શન થાય એ વાત તો દૂર રહી, પરંતુ પોતાના આત્મામાં
ગુણ–ગુણીના ભેદ પાડીને લક્ષમાં લેતાં પણ સમ્યગ્દર્શન થતું નથી, ભેદના આશ્રયે અભેદ આત્માનો નિર્વિકલ્પ
અનુભવ થતો નથી, જો ભેદના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ થાય છે. ‘હું જ્ઞાન છું, હું દર્શન છું, હું ચારિત્ર છું
અથવા હું અનંતગુણનો પિંડ અખંડઆત્મા છું’ –એ પ્રમાણે શુભવિકલ્પ કરીને તે વિકલ્પરૂપ વ્યવહારને જ જે
અનુભવે છે પણ વિકલ્પ તોડીને અભેદ આત્માને નથી અનુભવતો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. સમકિતિને તેવો
વિકલ્પ આવે, પણ તેની દ્રષ્ટિ પોતાના ભૂતાર્થસ્વભાવ ઉપર છે, વિકલ્પ અને સ્વભાવ વચ્ચે ભેદ પડી ગયો છે,
ભૂતાર્થ સ્વભાવની નિર્વિકલ્પદ્રષ્ટિ (–નિર્વિકલ્પ પ્રતીતિ) તેને સદાય વર્તે છે. જુઓ, આ ધર્માત્માની અંતરદ્રષ્ટિ!
આવી દ્રષ્ટિ પ્રગટ્યા વિના ધર્મની શરૂઆત થાય નહિ.
(–આવતા અંકે પૂરું)

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૭૮ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
મોક્ષમાર્ગી મુનિવરોને
કોનું શરણ?
અહો! અંતરમાં ચૈતન્યસ્વભાવનું મહા શરણ છે તેને તો
અજ્ઞાની જીવો ઓળખતા નથી, અને પુણ્યમાં જ મૂર્છાઈ ગયા
છે. પૂર્વે અનંતવાર પુણ્ય કર્યા પણ તે જીવને શરણભૂત થયા
નથી, તેનાથી કિંચિત્ પણ મોક્ષમાર્ગ કે હિત થયું નથી. હે ભાઈ!
હવે તારે તારા આત્માનો મોક્ષ કરવો હોય, સંસારની ચાર
ગતિના ભ્રમણથી છૂટવું હોય તો અંતરમાં જ્ઞાનનું શરણ લે.
‘અહો! અમને અમારા સ્વભાવનું જ શરણ છે, પુણ્યનો
વિકલ્પ ઊઠે તેને પણ અમે શરણરૂપ માનતા નથી, તે વિકલ્પને
પણ તોડીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં આત્માના પરમ–
આનંદનો અનુભવ થાય છે, તે જ અમને શરણ છે અને બીજા
જીવોને પણ એ જ શરણ છે.’ –જુઓ, આ સંત–મુનિઓના
અંર્તઅનુભવમાંથી ઊઠતા ભણકાર! ક્ષણેક્ષણે નિર્વિકલ્પ
આનંદના અનુભવમાં ઝૂલતાં ઝૂલતાં વચ્ચે આ વાણી નીકળી
ગઈ છે.
આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી પ્રગટેલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવ જ મોક્ષનું
ખરું કારણ છે, તેના સિવાયના જેટલા શુભ કે અશુભ રાગભાવ છે તે બધાય બંધનનું જ કારણ છે. જેમ
પાપભાવ બંધનનું કારણ છે તેમ પુણ્યભાવ પણ બંધનનું જ કારણ છે, માટે મોક્ષમાર્ગમાં અશુભ કે શુભ સમસ્ત
કર્મોનો નિષેધ છે–એમ ભગવાન સર્વજ્ઞદેવે ફરમાવ્યું છે.
શુભ કે અશુભ સમસ્ત કર્મ જીવને બંધનું જ કારણ હોવાથી તે નિષેધવા યોગ્ય છે એમ આચાર્યદેવે સિદ્ધ
કર્યું. ત્યાં જે જીવ માત્ર પુણ્ય–પાપને જ જાણે છે પરંતુ પુણ્ય–પાપથી રહિત એવા જ્ઞાન પરિણમનને જાણતો નથી,
તેને એમ પ્રશ્ન ઊઠે છે કે મોક્ષમાર્ગમાં પુણ્ય અને પાપ બંનેનો નિષેધ કર્યો તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું?
પાપ અને પુણ્ય બંને છૂટી જતાં કોના આધારે મુનિપણું અને મોક્ષમાર્ગ રહેશે? તેના ઉત્તરમાં આચાર્યભગવાન
કહે છે કે અરે ભાઈ! પાપ અને પુણ્ય સમસ્ત કર્મ છૂટી જતાં મુનિવરો કાંઈ અશરણ થઈ જતા નથી, પરંતુ તે
વખતે જ્ઞાનસ્વભાવમાં રમણતા કરતું વીતરાગી જ્ઞાન જ તેમને શરણભૂત છે, તેઓ તે જ્ઞાનમાં લીન થઈને
આત્માના પરમ અમૃતનો અનુભવ કરે છે. તે વાત નીચેના કળશમાં કહે છે–
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः संत्यशरणाः।
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेवां हि शरणं
स्वयं विंदंत्येते परमममृतं तत्र निरताः।।१०४।।
(સમયસાર : પુણ્ય પાપ અધિકાર)
મોક્ષમાર્ગમાં શુભ કે અશુભ આચરણરૂપ સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે; પરંતુ તે શુભ–
અશુભ કર્મરહિત નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં મુનિઓ કાંઈ અશરણ નથી. પુણ્ય–પાપરહિત નિર્વિકલ્પદશા વખતે
જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્ર થઈને પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને પરમ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૯ :
શરણ છે, જ્ઞાનમાં લીન થઈને તેઓ પરમ અમૃતને અનુભવે છે. પુણ્ય–પાપમાં તો આકુળતા છે તેમાં
આનંદનો અનુભવ નથી, પુણ્ય–પાપરહિત નિર્વિકલ્પ દશામાં જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈને
પરિણમતાં સિદ્ધભગવાન જેવા અપૂર્વ આનંદનો અનુભવ થાય છે તેને પરમ અમૃતની ઉપમા આપી
છે. અજ્ઞાની જીવોને પુણ્યનું જ શરણ ભાસે છે પણ અંતરમાં જ્ઞાનસ્વભાવ શરણભૂત છે તેની તેને
ખબર નથી. પુણ્ય જ મને શરણ છે, પુણ્ય છૂટતાં જાણે મારામાં કાંઈ રહેશે નહિ એમ અજ્ઞાનીને લાગે
છે એટલે પુણ્યના નિષેધની વાત સાંભળતાં જ તે ભડકે છે કે અરે! પુણ્ય છોડી દેશું તો શું રહેશે?
જ્ઞાની કહે છે કે અરે ભાઈ! પુણ્ય–પાપ છૂટી જશે તો પાછળ જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ આખો આત્મા
રહેશે. પહેલાંં તું આવી શ્રદ્ધા અને જ્ઞાન તો કર કે પુણ્ય–પાપ વગર ટકી શકાય એવો મારો
ચૈતન્યસ્વભાવ છે. પુણ્ય–પાપના આધારે જ્ઞાન નથી પણ જ્ઞાનસ્વભાવના આધારે જ જ્ઞાન છે, એટલે
પુણ્ય–પાપથી છૂટું પડતાં તે જ્ઞાન અશરણ થઈ જતું નથી, પણ પુણ્ય–પાપરહિત થયેલું તે જ્ઞાન નિજ
સ્વભાવમાં ઊંડું લીન થઈને પરમ અમૃતને અનુભવે છે. માટે મોક્ષમાર્ગી મુનિવરોને આવું વીતરાગી
જ્ઞાન જ શરણરૂપ છે.
અહીં ઉગ્ર વાત બતાવવા માટે મુનિઓની વાત લીધી છે, કેમકે મુનિઓ પરમ નિષ્કર્મદશાને
પામેલા છે; મુનિઓની મહાક ચોથા ગુણસ્થાનવાળા સમકીતિની વાત પણ સમજી લેવી. તેને પણ
કોઈ પુણ્ય–પાપનું શરણ નથી પણ અંતરમાં પોતાના સ્વભાવના અવલંબને પરિણમતું જ્ઞાન જ
શરણ છે. મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન સુધીમાં પોતાના જ્ઞાનસ્વભાવનું
અવલંબન એ એેક જ શરણ છે. વચ્ચે ક્યાંય પુણ્યનું શરણ નથી. ભલે પહેલાંં નીચલી ભૂમિકામાં
પુણ્ય–પાપના ભાવ સર્વથા છૂટી ન જાય, પરંતુ, તે પુણ્ય–પાપના ભાવ હોવા છતાં એવી દ્રષ્ટિ પ્રગટ
કરવી જોઈએ કે મને શરણભૂત તો મારો જ્ઞાનસ્વભાવ જ છે, જ્ઞાનસ્વભાવના અવલંબને જ મારો
મોક્ષમાર્ગ છે, આ પુણ્ય–પાપના અવલંબને મારો મોક્ષમાર્ગ નથી. જ્યાંસુધી અંતરમાં આવી દ્રષ્ટિ
પ્રગટ કરીને ચૈતન્ય સ્વભાવનું અવલંબન ન લ્યે ત્યાંસુધી જીવને મોક્ષ–
ભગવાનનો આદર
આત્મામાં ત્રિકાળી સ્વભાવ અને ક્ષણિક વિકાર એ બંને વર્તમાનમાં એક
સાથે વર્તી રહ્યા છે.
અહો! વર્તમાન વર્તતો ભગવાન હું છું એમ સ્વભાવનો આદર કરવો, ને
રાગાદિનો આદર છૂટી જવો તે અપૂર્વ આત્મજ્ઞાન છે. વર્તમાન વર્તતા ભગવાનનો
આદર છોડીને રાગનો ને પરનો આદર કરે છે તે અનાદિનું અજ્ઞાન છે.
હે જીવ! તારા ત્રિકાળી સ્વભાવની પરમ મહત્તા ઓળખીને તેનો આદર કર.
તન્મયતા–શેમાં?
અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસામર્થ્યના મહિમાને ભૂલીને, પરજ્ઞેયના
મહિમામાં રોકાઈને ત્યાં જ તન્મયતા માને છે....એટલે તેને પરની સાથે
એકપણાનો મોહ છે.
ધર્મીને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવનો મહિમા અને તેમાં જ
તન્મયતા છે. પરથી ભિન્નતાનું તેને ભાન છે, તેથી તેને પરસાથે
એકત્વબુદ્ધિનો મોહ થતો નથી.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૮૦ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
માર્ગની શરૂઆત કોઈ રીતે થતી નથી, એટલે કે લેશમાત્ર ધર્મ થતો નથી.
અહો! અંતરમાં ચૈતન્યસ્વભાવનું મહા શરણ છે તેને તો જીવો ઓળખતા નથી, અને પુણ્યમાં
મૂર્છાઈ ગયા છે. પૂર્વે અનંતવાર પુણ્ય કર્યા પણ તે જીવને શરણભૂત થયા નથી, તે પુણ્યથી કિંચિત્
પણ મોક્ષમાર્ગ કે હિત થયું નથી. હે ભાઈ! હવે તારે તારા આત્માનો મોક્ષ કરવો હોય, સંસારની
ચાર ગતિના ભ્રમણથી છૂટવું હોય તો અંતરમાં જ્ઞાનનું શરણ લે. અંતર્મુખ એકાગ્ર થઈને પરિણમતું
જ્ઞાન જ મોક્ષનું કારણ છે. અંતરસ્વભાવમાં એકાગ્ર થતાં આત્માના પરમાનંદનો જે ભોગવટો થાય
છે તેના સ્વાદને જ્ઞાની જ જાણે છે, અજ્ઞાની તે જ્ઞાનના આનંદનો સ્વાદ નથી જાણતો.
અહો! જુઓ તો ખરા આ સંત–મુનિઓના અંતર અનુભવમાંથી ઊઠતા ભણકાર! ક્ષણે ક્ષણે
નિર્વિકલ્પ આનંદના અનુભવમાં ઝૂલતાં ઝૂલતાં વચ્ચે આ વાણી નીકળી ગઈ. તેમાં આચાર્યદેવ કહે
છે કે અહો! અમને અમારા સ્વભાવનું જ શરણ છે, પુણ્યનો વિકલ્પ ઊઠે તેને પણ અમે શરણરૂપ
માનતા નથી, તે વિકલ્પને પણ તોડીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં આત્માના પરમ આનંદનો
અનુભવ થાય છે, તે જ અમને શરણ છે. બીજા સમકીતિ જીવોને પણ આ જ શરણ છે. જ્ઞાનમાત્ર
ભાવ સિવાયના જેટલા પરભાવો છે તે બધાય બંધનું કારણ છે, તો તે જીવને શરણરૂપ ક્યાંથી
થાય? કોઈ પણ જીવને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ સિવાય બીજા કોઈનું શરણ નથી, બીજા કોઈના
અવલંબને મોક્ષમાર્ગ કદી થતો નથી. ભગવાન આત્માની મોક્ષદશારૂપી મેડી ઉપર ચડવા માટે સીડી
કઈ? –કે આત્મસ્વભાવના અવલંબને જે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપી વીતરાગીદશા પ્રગટી તે
જ મોક્ષની સીડી છે, આ સિવાય પુણ્ય તે કાંઈ મોક્ષની સીડી નથી, પુણ્ય તે ધર્મનું પગથિયું નથી,
પુણ્ય કરતાં કરતાં ક્યારેક તેનાથી મોક્ષમાર્ગ પમાઈ જશે એમ કદી બનતું નથી. પુણ્ય પોતે બંધનું
કારણ છે, તે કદી પણ મોક્ષનું સાધન થતું નથી.
અંતરમાં પોતાના સ્વભાવમાં લીન થઈને જ્ઞાન પરિણમે તે જ મોક્ષનું કારણ છે.
સમ્યગ્દર્શનની રીત પણ આ જ છે, સમ્યગ્જ્ઞાનની રીત પણ આ જ છે ને સમ્યક્ચારિત્રની રીત પણ
આ જ છે. જ્ઞાન બહારમાં વળીને પુણ્ય–પાપમાં એકાગ્રતારૂપે પરિણમે તે મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રનું
કારણ છે; તથા જે જ્ઞાન અંતરમાં વળીને ચિદાનંદ સ્વભાવમાં એકાગ્ર થઈને પરિણમે તે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રનું કારણ છે, અને તે જ મુનિઓને શરણ છે. કોઈ બહારના નિમિત્તોને લીધે કે
પંચમહાવ્રત વગેરેના શુભરાગને લીધે મુનિદશા ટકતી નથી, પણ અંતરમાં પુણ્ય–પાપ રહિત થઈને
ચૈતન્યસ્વભાવમાં જે જ્ઞાન લીન થયું તેના આધારે જ મુનિદશા ટકે છે, તેથી તે જ્ઞાન જ મુનિઓને
શરણ છે. અહો! મારા ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈને જે જ્ઞાન પરિણમે તે જ મને શરણરૂપ છે, એ
સિવાય કોઈ પર ચીજ કે પુણ્ય પણ ખરેખર મને શરણરૂપ નથી આમ જાણીને ચૈતન્યસ્વભાવના
અવલંબને પરિણમવું તે જ મોક્ષનો પંથ છે.
(–આસો વદ ચોથના દિવસે પરમ પૂજ્ય સદ્ગુરુદેવના પ્રવચનમાંથી.)

PDF/HTML Page 18 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૮૧ :
‘કઈ પણ ચજ
નકામી નથી’
(ચર્ચામાંથી)
* જગતમાં કોઈ પણ ચીજ ‘નકામી.’ નથી.
* જગતમાં જે કોઈ જડ કે ચેતન પદાર્થો છે તે સૌ પોતપોતાના કાર્ય સહિત જ
છે, કાર્ય વગરનો કોઈ પણ પદાર્થ નથી. માટે જગતમાં કોઈ પણ ચીજ નકામી નથી.
* ‘કોઈ પણ ચીજ નકામી નથી’ –એનો અર્થ એમ ન સમજવો કે આત્માને
માટે તે ચીજ કામની છે! બધી પરવસ્તુઓ આત્માને માટે તો નકામી (એટલે કે
અકિંચિત્કર જ) છે, કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને માટે અકાર્યકારી જ છે. પરંતુ
પોતપોતાના કાર્યને દરેક ચીજ કરે જ છે, પોતાના કાર્ય વગરની કોઈ પણ ચીજ
જગતમાં નથી; સમયે સમયે પરિણમીને પોતાની અવસ્થારૂપ કાર્યને ન કરતી હોય
એવી કોઈ પણ ચીજ જગતમાં નથી, માટે જગતમાં કોઈપણ ચીજ કાર્ય વગરની નથી.
* ‘સંઘર્યો સાપ પણ કામ આવે’ એવી આ વાત નથી. પરંતુ દરેક વસ્તુ
સ્વતંત્રપણે પોતપોતાના કાર્યને કરે છે એવી સ્વતંત્રતાની આ વાત છે.
* જગતની કોઈ પણ ચીજ પોતાના કાર્યથી ખાલી નથી અને પરનું કાર્ય કરતી
નથી. કોઈ પદાર્થ એવો પરાધીન નથી કે પોતાના કાર્યને માટે બીજા પદાર્થની તેને
જરૂર પડે.
* ‘લાકડું પણ નકામું નથી અથવા વિષ્ટા પણ નકામી નથી’ –એનો અર્થ એમ
નથી કે તે ચીજો આત્માને કોઈવાર કામ આવે છે! પરંતુ તે લાકડું વગેરે વસ્તુના
રજકણો પણ સમયે સમયે પરિવર્તન પામીને પોતાનું કાર્ય કરી રહ્યા છે. પોતાના
સ્પર્શ–રસ વગેરેના ફેરફારરૂપી કાર્ય તેમાં પણ થઈ જ રહ્યું છે, માટે તે નકામા
(એટલે કે પોતાના કાર્ય વગરના) નથી. જગતની દરેક ચીજ પોતપોતાના કાર્ય
સહિત છે.
* આત્મા પણ સમયે સમયે પોતાના કાર્યને કરે જ છે. ‘હું પરના કાર્યને કરું
અને પર ચીજ મને કામ આવે’ આવી અજ્ઞાનબુદ્ધિને લીધે મિથ્યાદ્રષ્ટિ જીવ સમયે
સમયે પોતાના ઊંધા ભાવરૂપી કાર્યને કરે છે; ને જ્ઞાની ‘પરનું કાર્ય મારામાં નથી ને
મારું કાર્ય પરમાં નથી’ એમ યથાર્થ ભેદજ્ઞાન કરીને, પોતાના સ્વભાવના આશ્રયે
નિર્મળદશારૂપી કાર્યને કરે છે.
* જગતમાં દરેક ચીજ પોતપોતાના કામને જ કરે છે આવું વસ્તુસ્વરૂપ
જાણીને, કોઈપણ પરચીજના કર્તાપણાની મિથ્યાબુદ્ધિ છોડવી અને પોતાના
આત્મકાર્યની સંભાળ કરવી તે હિતનો ઉપાય છે.
–પૂ. ગુરુદેવ.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૮૨ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
‘શું નિમિત્ત વિના
કાર્ય થાય છે?’
–એવી દલીલનું સ્પષ્ટીકરણ
નૈમિત્તિક કાર્ય અને નિમિત્ત એ બંને સ્વતંત્ર છે–એવી સ્વતંત્રતાની વાત ચાલતી હોય
ત્યારે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા જીવો એમ કહે છે કે ‘શું નિમિત્ત વિના કાર્ય થાય છે?’ આ
સંબંધમાં રાત્રિચર્ચામાં આવેલી સ્પષ્ટતા નીચે પ્રમાણે છે–
(૧) પ્રથમ તો જ્યારે અહીં નિમિત્તનો કાળ છે તે જ સમયે સામા નૈમિત્તિક પદાર્થમાં
પણ તેની અવસ્થા થાય જ છે. નિમિત્તના કાળ વખતે શું નૈમિત્તિકનો કાળ નથી? દરેક સમયે
જગતના બધાય પદાર્થોમાં નૈમિત્તિક પર્યાય થઈ જ રહી છે. એટલે ‘નિમિત્ત વિના ન થાય’
એ પ્રશ્ન જ તેમાં નથી રહેતો. એવો એક પણ સમય ખાલી નથી કે જગતના પદાર્થોમાં
પોતપોતાની નૈમિત્તિક પર્યાય ન થતી હોય.
(૨) અહીં નૈમિત્તિક અવસ્થા થવાની હોય ને સામે નિમિત્ત જગતમાં ન હોય–એમ
તો કદી બનતું નથી. જ્યારે નૈમિત્તિક કાર્ય થાય છે ત્યારે નિમિત્તપણાની યોગ્યતાવાળા પદાર્થો
જગતમાં હોય જ છે. નિમિત્ત ક્યા સમયે નથી?
(૩) “આ નિમિત્ત છે” એમ જે કહેવામાં આવે છે તે જ એમ સૂચવે છે કે તે જ વખતે
સામે નૈમિત્તિક કાર્યની હયાતી છે. જો નૈમિત્તિક કાર્ય છે તો પરચીજને તેનું નિમિત્ત કહેવામાં
આવે છે. નૈમિતિક કાર્ય થયા વગર તો પર ચીજને નિમિત્ત પણ કહેવાતું નથી; કેમકે નૈમિત્તિક
વગર નિમિત્ત કોનું? માટે ‘નિમિત્ત’ જ ત્યારે કહેવાયું કે જ્યારે નૈમિત્તિક કાર્ય છે. નૈમિત્તિક
કાર્ય થયા પહેલાંં બીજી ચીજને નિમિત્ત કહેવાતું જ નથી; અને જ્યારે ‘નિમિત્ત’ કહેવાય છે
ત્યારે તો અહીં નૈમિત્તિક કાર્ય વિદ્યમાન છે, એટલે ‘નિમિત્ત વિના ન થાય’ એ વાતને
અવકાશ રહેતો નથી.
* જગતના દરેક પદાર્થમાં સમયે સમયે પોતાની નૈમિત્તિક પર્યાય થઈ જ રહી છે.
* નૈમિત્તિક પર્યાય વખતે સામે નિમિત્ત હોય જ છે.
* જ્યારે અહીં નિમિત્તની પર્યાય થવાનો સમય છે ત્યારે સામી ચીજમાં પણ પોતાની
નૈમિત્તિક પર્યાય થવાનો સમય છે.
* નૈમિત્તિક કાર્ય થયા વગર બીજી ચીજને નિમિત્ત કહેવાતું નથી.
* નૈમિત્તિક કાર્ય થયું છે ત્યારે જ પરચીજને નિમિત્ત કહેવાય છે. આ રીતે નૈમિત્તિક
કાર્યની અને નિમિત્તની સ્વતંત્રતા છે.
એ વાત ધ્યાનમાં રાખવી કે શાસ્ત્રોમાં ‘નિમિત્ત વિના કાર્ય ન થાય’ –એવી જ્યાં
દલીલ કરવામાં આવે છે ત્યાં તો, જે જીવ છ દ્રવ્યોને સ્વીકારતો જ નથી, આત્મા સિવાય પર
ચીજનું અસ્તિત્વ જ માનતો નથી તેને સમજાવવા માટે છે; નિમિત્તનું અસ્તિત્વ સિદ્ધ કરવા
માટે તે દલીલ છે. પરંતુ જેઓ જગતમાં છ દ્રવ્યોને સ્વીકારે છે, નૈમિત્તિક તેમજ પર નિમિત્ત
એ બંનેનું અસ્તિત્વ સ્વીકારે જ છે અને તેમની સ્વતંત્રતા માને છે, તેમની સામે પણ એમ
દલીલ કરવી કે ‘શું નિમિત્ત વિના કાર્ય થાય છે?’ –તે તો માત્ર નિમિત્તાધીન દ્રષ્ટિનો આગ્રહ
છે, સ્વતંત્રતાની વાત તેને રુચતી નથી.
* * * * *

PDF/HTML Page 20 of 21
single page version

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૮૩ :
વૈરાગ્યના પ્રસંગ
(૧) ભાઈશ્રી શાંતિલાલ ગીરધરલાલના ધર્મપત્ની શ્રી બેનકુંવરબેન માગસર વદ નોમના રોજ મુંબઈ
મુકામે બિમારીથી માત્ર ૩૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી તેઓ સોનગઢ રહેતા હતા,
તેમને તત્ત્વ સમજવાનો પ્રેમ હતો અને બહુ વાત્સલ્યવાળા હતા, તથા પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ
હતો. મુંબઈમાં તબિયતની ગંભીર સ્થિતિ દરમિયાન પણ તેઓ પૂ. ગુરુદેવના પ્રવચન (રીલ દ્વારા) સાંભળતા
હતા, અને પ્રસન્ન થતા હતા. ટુંકા જીવનમાં પણ તત્ત્વના સંસ્કાર વડે તેમણે જીવનને સાર્થક કર્યું છે અને પાછળ
પોતાની બંને પુત્રીઓને પણ તેનો વારસો આપી ગયા છે. આવા વૈરાગ્ય પ્રસંગ દેખીને જિજ્ઞાસુઓએ જીવનમાં
તત્ત્વ સમજવાની દરકાર કરવી જોઈએ અને તે માટે પ્રમાદ છોડીને અહર્નિશ જાગ્રત રહેવું જોઈએ.
(૨) ગારિયાધારના ભાઈશ્રી શીવલાલ ચત્રભુજ પોષ વદ બીજની રાત્રે ઉમરાળામાં અચાનક હૃદય બંધ
પડી જવાથી સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ છેલ્લાં બાર વર્ષથી પૂ. ગુરુદેવના સમાગમમાં રહેતા હતા, પૂ. ગુરુદેવ
પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો તથા તત્ત્વનો પ્રેમ હતો. ઉમરાળામાં ઉત્સવ પ્રસંગ જોવા માટે તેમને ઘણી હોંશ
હતી અને તે માટે તેઓ ઉમરાળા આવ્યા હતા. પણ સવાર પડતાં પહેલાંં તો અનિત્યતાએ તેમને પોતાની ગોદમાં
સમાવી દીધા. એકાએક આ સમાચાર સાંભળતા મંડળના ભાઈ–બેનોમાં વૈરાગ્યની લાગણી પ્રસરી ગઈ હતી.
જીવનની આવી અનિત્યતા જાણીને આત્માર્થી જીવોએ ધુ્રવ ચૈતન્યતત્ત્વની ભાવના કરવા જેવી છે....
સત્સમાગમે ક્ષણના પણ પ્રમાદ વગર ચૈતન્યની સમજણ કરવા જેવી છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
(૧) ભાવનગરના ભાઈશ્રી હરિલાલ જીવરાજભાઈ ભાયાણીના સુપુત્રી શ્રી. નિર્મળાબેને પોષ
સુદ પાંચમના રોજ સોનગઢનાં પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. તેમની ઉંમર
હાલ ૩૫ વર્ષની છે. તેઓ સુશિક્ષિત અને કુમારિકા છે. આ શુભ કાર્ય માટે તેમને ધન્યવાદ ઘટે છે.
(૨) પોષ વદ બીજના રોજ ગઢડાના ભાઈશ્રી અમીચંદ ગોપાલજી કામદાર તથા તેમના ધર્મ–
પત્ની એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે સોનગઢમાં અંગીકાર કરી છે, તે
બદલ તેમને ધન્યવાદ!
(૩) પોષ વદ ચોથના રોજ ઉમરાળાના ભાઈશ્રી મગનલાલ પોપટલાલ મહેતા તથા તેમના
ધર્મપત્ની એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે ઉમરાળામાં અંગીકાર કરી છે, તે
બદલ તેમને ધન્યવાદ!
વિહાર – વર્તમાન
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ કાનજી સ્વામી ધર્મપ્રભાવનાના અનેક મંગલકાર્યો નિમિત્તે
સૌરાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા છે. પોષ વદ ત્રીજના રોજ સોનગઢથી વિહાર કરીને ઉમરાળા
પધાર્યા હતા, ઉમરાળા ત્રણ દિવસ રોકાઈને, લીમડા તથા દામનગર થઈને પોષ વદ ૭
ના રોજ લાઠી પધાર્યા છે. ત્યાંથી પોષ વદ ૧૨ ને રવિવારે રાજકોટ પધારશે. ત્યારબાદ
ગોંડલ, વડીઆ, જેતપુર વગેરે થઈને મહા સુદ ૧૦ લગભગમાં જુનાગઢ ગિરનાર તીર્થની
યાત્રાએ પધારશે; અને ત્યાંથી પોરબંદર પધારશે. પોરબંદરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ છે, તેનું મુહુર્ત ફાગણ સુદ ત્રીજનું છે. વિહારમાં પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં
બિરાજે છે અને પોતાના પવિત્ર વચનામૃત દ્વારા સૌરાષ્ટ્રમાં ધર્મવૃષ્ટિ કરતા જાય છે.