Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 69
single page version

background image
: ૧૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
બારણા ઉપર નંબર લખી રાખે છે. જો તે નંબરમાં આઘું–પાછું થાય તો બારી–બારણાનો મેળ તૂટી જાય છે. તેમ
આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને પદાર્થો તેના જ્ઞેય છે, તે પદાર્થોની ક્રમબદ્ધપર્યાયમાં જે પર્યાયનું જે સ્થાન (–સ્વકાળ)
છે તે આઘુંપાછું થતું નથી. જો એક પણ પર્યાયના સ્થાનને (પ્રવાહક્રમને) ફેરવીને આઘુંપાછું કરવા જાય તો કાંઈ
વ્યવસ્થા જ નહિ રહે, કેમ કે એક પર્યાય ફેરવીને બીજે સ્થાને મૂકી તો બીજા સ્થાનની પર્યાયને ફેરવીને વળી
ત્રીજા સ્થાને મૂકવી પડશે –એ રીતે આખું દ્રવ્ય ચૂંથાઈ જશે,–એટલે કે તે જીવની દ્રષ્ટિમાં દ્રવ્ય ખંડખંડ થઈને
મિથ્યાત્વ થઈ જશે, સર્વજ્ઞતા કે જ્ઞાયકપણું તો સિદ્ધ જ નહિ થાય. ‘હું જ્ઞાયક છું’–એ વાતનું જ્યાંસુધી લક્ષ ન
થાય ત્યાંસુધી એક પણ ન્યાય સાચો સમજાય તેમ નથી. આત્મા જ્ઞાયક અને બધા પદાર્થો જ્ઞેય,–આમ જ્ઞાન અને
જ્ઞેય બંને વ્યવસ્થિત છે. જેવા પદાર્થો છે તેવું જ્ઞાન જાણે છે, ને જેવું જ્ઞાન જાણે છે, તેવા જ પદાર્થો છે, છતાં
કોઈને કારણે કોઈ નથી–આવું વસ્તુસ્વરૂપ છે. આવું વસ્તુસ્વરૂપ જાણીને જે જ્ઞાતા થયો તે રાગનો પણ જ્ઞાતા જ
છે ને તે રાગ પણ તેના જ્ઞાનનું જ્ઞેય થઈને રહે છે. પદાર્થોની વ્યવસ્થાનો જ્ઞાયક ન રહેતાં ફેરફાર કરવાનું માને
છે તેને પોતાના જ્ઞાનનો જ વિશ્વાસ નથી.
[૫૪] “પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત કે અવ્યવસ્થિત?”
ભાઈ, તું જ્ઞાન છો; જ્ઞાન શું કરે? વસ્તુ જેમ હોય તેમ જાણે. તારું સ્વરૂપ જાણવાનું છે. તું વિચાર તો કર
કે પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત? જો વ્યવસ્થિત છે એમ કહો તો તેમાં ક્યાંય ફેરવવાનું
રહેતું નથી, જ્ઞાતાપણું જ રહે છે; અને જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાને જાણ્યું શું? પદાર્થોનું પરિણમન
અવ્યવસ્થિત કહેતાં જ્ઞાન જ અવ્યવસ્થિત ઠરશે. કેમ કે અવ્યવસ્થિત હોય તો કેવળીભગવાને જાણ્યું શું? એટલે
કેવળજ્ઞાન જ સિદ્ધ નહિ થાય અને આત્માનો જ્ઞાનસ્વભાવ પણ સિદ્ધ નહિ થાય, જ્ઞાનસ્વભાવની ઓળખાણ
વગર મિથ્યાત્વ ટળે નહિ ને ધર્મનો અંશ પણ થાય નહિ.
[૫૫] જીવ કે અજીવ બધાની પર્યાય ક્રમબદ્ધ છે, તેને જાણતો જ્ઞાની તો જ્ઞાતાભાવપણે જ
ક્રમબદ્ધ ઊપજે છે.
કોઈ કહે કે “જીવ ક્યારેક ક્રમબદ્ધ પરિણામે પરિણમે અને ક્યારેક અક્રમે પણ પરિણમે, તેમ જ અજીવ
પણ ક્યારેક ક્રમબદ્ધ પરિણમે ને ક્યારેક જીવ તેને અક્રમે પણ પરિણમાવી દે.”–તો એમ નથી. ભાઈ! જીવ કે
અજીવ કોઈનું એવું સ્વરૂપ નથી કે અક્રમે પરિણમે. કેવળજ્ઞાન ચોથા ગુણસ્થાને થઈ જાય ને સમ્યગ્દર્શન તેરમા
ગુણસ્થાને થાય–એમ કદી બનતું નથી, પહેલા કેવળજ્ઞાન થઈ જાય ને પછી મુનિદશા લ્યે એમ પણ કદી બનતું
નથી, એવો જ વસ્તુના પરિણમનનો સ્વભાવ છે. ધર્મીને સ્વભાવદ્રષ્ટિમાં જ્ઞાયકભાવનો પુરુષાર્થ ચાલુ જ છે,
જ્ઞાનમાં ધીરજ છે, ચારિત્રમાં અલ્પરાગ થાય છે તેને પણ જાણે છે, પણ તેને મૂંઝવણ નથી, ઉતાવળ નથી, હઠ
નથી, તે તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાતાભાવપણે ઊપજતો થકો તેમાં તદ્રૂપ છે.
[૫૬] અજીવ પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે.
જેમ જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે, તેમ અજીવ પણ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, જીવ
તેનો કર્તા નથી. આ શરીર હાલે–ચાલે, ભાષા બોલાય, તે બધી અજીવની ક્રમબદ્ધપર્યાયો છે. તેનામાં જે સમયે જે
પર્યાય થાય છે તે તેનાથી થાય છે, તે પર્યાયપણે તે અજીવ પોતે ઊપજે છે, જીવ તેનું કારણ નથી, ને તે જીવનું
કાર્ય નથી. આમ અકાર્યકારણપણું જીવમાં પણ છે, ને અજીવમાં પણ છે એટલે તેમને પરસ્પર કાંઈપણ
કારણકાર્યપણું નથી; આવું વસ્તુસ્વરૂપ બતાવીને અહીં આત્માનો જ્ઞાયકસ્વભાવ ઓળખાવવો છે.
[૫૭] સર્વે દ્રવ્યોમાં ‘અકાર્યકારણશક્તિ.’
સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદકઉત્પાદ્યભાવનો અભાવ છે, એટલે કે બધાય દ્રવ્યોને પર સાથે
અકાર્યકારણપણું છે. આ રીતે ‘અકાર્યકારણશક્તિ’ બધાંય દ્રવ્યોમાં છે. અજ્ઞાનીઓ કહે છે કે “અકાર્યકરણશક્તિ
તો સિદ્ધમાં જ છે ને સંસારી જીવોને તો પર સાથે કાર્ય–કારણપણું છે”–એ વાત જૂઠી છે.
[૫૮] પુદ્ગલમાં ક્રમબદ્ધપર્યાય હોવા છતાં.......
પુદ્ગલમાં કર્મ વગેરેની અવસ્થા પણ ક્રમબદ્ધ છે;

PDF/HTML Page 22 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૫ :
પુદ્ગલમાં તે અવસ્થા થવાની ન હતી અને જીવે વિકાર કરીને તે અવસ્થા ઊપજાવી–એમ નથી.
પુદ્ગલકર્મમાં ઉપશમ–ઉદીરણા–સંક્રમણ–ક્ષય વગેરે જે અવસ્થાઓ થાય છે તે અવસ્થાપણે પુદ્ગલ પોતે જ
ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે. આમ હોવા છતાં એવો નિયમ છે કે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાતા થઈને જીવ
જ્યાં અકર્તાપણે પરિણમ્યો, ત્યાં જગતમાં એવી ક્રમબદ્ધપર્યાયની લાયકાતવાળા કોઈ પરમાણુ જ નથી કે જે
તેને મિથ્યાત્વપ્રકૃતિરૂપે બંધાય. મિથ્યાત્વપ્રકૃતિ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ જ તેને જ્ઞાયક–દ્રષ્ટિમાં છૂટી
ગયો છે. આ વાત આચાર્યદેવ હવે પછીની ગાથાઓમાં બહુ સરસ રીતે સમજાવશે.
[૫૯] ક્રમબદ્ધપર્યાય નહિ સમજનારની કેટલીક ભ્રમણાઓ.
અજીવમાં જ્ઞાન નથી એટલે તેની અવસ્થા તો જેમ થવાની હોય તેમ ક્રમબદ્ધ થયા કરે, પણ જીવની
અવસ્થા ક્રમબદ્ધ ન હોય, તે તો અક્રમે પણ થાય–એમ કોઈ માને તો તે વાત જૂઠી છે.
અજીવમાં જ્ઞાન નથી માટે તેની અવસ્થા જીવ જેવી કરવા ધારે તેવી થાય એટલે તેની અવસ્થા
ક્રમબદ્ધ નથી પણ અક્રમ છે,–પાણી ભર્યું હોય તેમાં જેવો રંગ નાખશો તેવા રંગનું તે થઈ જશે–એમ કોઈ
માને તો તેની વાત પણ જૂઠી છે.
ક્રમબદ્ધપર્યાય છે માટે આપણે કાંઈ પુરુષાર્થ ન કરવો–એમ કોઈ માને તો તે પણ અજ્ઞાની છે,
ક્રમબદ્ધપર્યાયને તે સમજ્યો નથી.
હું જ્ઞાયક છું–એવા સ્વભાવનો પુરુષાર્થ કરતાં બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થાય છે, તે
યથાર્થ છે. આ તરફ આત્માનો જ્ઞાયકસ્વભાવ ન માને, તથા બીજી તરફ પદાર્થોમાં ક્રમબદ્ધપરિણામ ન માને,
ને ફેરફાર કરવાનું માને તો તે જીવ વસ્તુ સ્વરૂપને જાણતો નથી ને પંચપરમેષ્ઠી ભગવંતોને પણ ખરેખર
માનતો નથી.
[૬૦] જીવના કારણ વગર જ અજીવની ક્રમબદ્ધપર્યાય.
શરીરની અવસ્થા પણ અજીવથી થાય છે. હું તેની અવસ્થાને ફેરવું અથવા તો અનુકૂળ આહાર–
વિહારનું બરાબર ધ્યાન રાખીને હું શરીરને સરખું રાખી દઉં–એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. આહારના
એક રજકણને પણ ફેરવવો તે જીવની ક્રિયા નથી. ‘દાણે દાણે ખાનારનું નામ’ એવી પુરાણી કહેવત છે તે
પણ શું સૂચવે છે? –કે જેના પેટમાં જે દાણો આવવાનો તે જ આવવાનો; જીવ તેનું ધ્યાન રાખીને શરીરને
સાચવી દ્યે–એમ નથી. જીવના કારણ વગર જ અજીવ તેની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે. આત્માનો સ્વભાવ
પોતાના જ્ઞાયકભાવપણે ઊપજવાનો છે.
“અરે! આ શરીરનો હાથ જેમ ઊંચો નીચો કરવો હોય તેમ આપણે કરી શકીએ, શું આપણામાં
એટલી શક્તિ નથી કે પરમાણુને ફેરવી શકીએ?” એમ અજ્ઞાનીઓ દલીલ કરે છે.
જ્ઞાની કહે છે કે અરે ભાઈ! શું પરમાણુમાં એવી શક્તિ નથી કે તે તેના ક્રમબદ્ધપરિણામથી ઊંચાનીચા
થાય? શું અજીવદ્રવ્યોમાં કાંઈ તાકાત નથી? ભાઈ! અજીવમાં પણ એવી તાકાત છે કે તારા કારણપણા
વગર જ સ્વયં તે પોતાની હલન–ચલનાદિ અવસ્થારૂપે ઊપજે છે, તેની અવસ્થામાં તે તદ્રૂપ છે; તેનામાં
કાંઈપણ ફેરફાર કરવાની જીવની શક્તિ નથી. જીવમાં તેને જાણવાની શક્તિ છે. માટે તું તારા
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર, ને અજીવના કર્તાપણાની બુદ્ધિ છોડ.

PDF/HTML Page 23 of 69
single page version

background image
: ૧૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
• [૩] •
પ્રવચન ત્રીજાું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૪]
જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે ઈષ્ટોપદેશ છે. આ ‘યોગ્યતા’ કહીને સમય
સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઈષ્ટ છે, આ સિવાય પરને લીધે કાંઈ થવાનું
બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઈષ્ટ નથી–હિતકારી નથી–પ્રિય નથી. સમય સમયની
ક્રમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઈષ્ટ છે.
[૬૧] અધિકારની સ્પષ્ટતા.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, ‘સર્વવિશુદ્ધજ્ઞાન’ એટલે એકલો જ્ઞાયકભાવ. જ્ઞાયકસ્વરૂપ જીવ કર્મનો
કર્તા નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. ક્રમબદ્ધપર્યાયના વર્ણનમાં આત્માનો જ્ઞાયકસ્વભાવ સિદ્ધ કરીને તેને
અકર્તા બતાવ્યો છે, આત્મા નિમિત્ત તરીકે પણ જડકર્મનો કર્તા નથી–એવો તેનો સ્વભાવ છે.
[૬૨] ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ક્યારે ચાલુ થાય?
પ્રથમ તો જીવની વાત કરી કે જીવ પોતાના અનંતગુણોના પરિણામોથી ક્રમબદ્ધ નિયમિતપણે ઊપજે છે,
અને તે પરિણામમાં અનન્યપણે તે જીવ જ છે, અજીવ નથી. આમાં દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણે આવી ગયા.
પોતાના અનાદિઅનંત પરિણામોમાં ક્રમબદ્ધપણે ઊપજતો જ્ઞાયકસ્વભાવી જીવ કોઈ પરના કાર્યમાં કારણ નથી
અને કોઈ પર તેના કાર્યમાં કારણ નથી; કોઈને કારણે કોઈની અવસ્થાના ક્રમમાં ફેરફાર થાય એમ બનતું નથી.
‘હું જ્ઞાયક છું’ એવી સ્વભાવસન્મુખ દ્રષ્ટિ થતાં ધર્મીને ક્રમબદ્ધપર્યાય નિર્મળપણે પરિણમવા લાગે છે, પરંતુ
પર્યાયને આઘીપાછી ફેરવવા ઉપર તેની દ્રષ્ટિ નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિનો પુરુષાર્થ થતાં
ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે.
[૬૩] અકર્તાપણું સિદ્ધ કરવા ક્રમબદ્ધપર્યાયની વાત કેમ લીધી?
કોઈને એમ પ્રશ્ન થાય કે અહીં તો આત્માને અકર્તા સિદ્ધ કરવો છે, તેમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત કેમ
લીધી? –તો તેનું કારણ એ છે કે જીવ ને અજીવ બધાં દ્રવ્યો સ્વયં પોતપોતાની ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે–એ
વાત બેઠા વિના, ‘હું પરને ફેરવી દઉં’ એવી કર્તાબુદ્ધિ છૂટતી નથી ને અકર્તાપણું થતું નથી. હું જ્ઞાયકસ્વભાવ છું–
ને દરેક વસ્તુની અવસ્થા ક્રમબદ્ધ થયા કરે છે તેનો હું જાણનાર છું પણ ફેરવનાર નથી, આવો નિશ્ચય થતાં
કર્તાબુદ્ધિ છૂટી જાય છે ને અકર્તાપણું એટલે કે સાક્ષીપણું–જ્ઞાયકપણું થઈ જાય છે. સ્વભાવથી તો બધા આત્મા
અકર્તા જ છે, પરંતુ પર્યાયમાં અકર્તાપણું થઈ જાય છે તેની આ વાત છે.
[૬૪] ક્રમબદ્ધ છે તો ઉપદેશ કેમ?
પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે તો શાસ્ત્રમાં આટલો બધો ઉપદેશ કેમ આપ્યો–એમ કોઈ પૂછે, તો કહે છે કે
ભાઈ! એ બધા ઉપદેશનું તાત્પર્ય તો જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરાવવાનું છે. ઉપદેશની વાણી તો વાણીના કારણે
ક્રમબદ્ધ નીકળે છે. આ કાળે આવી જ ભાષા કાઢીને હું બીજાને સમજાવી દઉં–એવી કર્તાબુદ્ધિ જ્ઞાનીને નથી.
[૬૫] વસ્તુસ્વરૂપનો એક જ નિયમ.
સૌ દ્રવ્ય પોતપોતાના પરિણામના કર્તા છે, કોઈ બીજાની લપ તેમાં નથી. ‘આવું નિમિત્ત આવે તો આમ
થાય ને બીજું નિમિત્ત આવે તો બીજી રીતે થાય’ એવું વસ્તુસ્વરૂપમાં નથી. વસ્તુસ્વરૂપનો એક જ નિયમ છે કે
દરેક દ્રવ્ય ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતું થકું પોતે જ પોતાની પર્યાયનું કર્તા છે, અને બીજાથી તે નિરપેક્ષ છે. વસ્તુ
પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એમ ન માનતાં, બીજો તેમાં

PDF/HTML Page 24 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૭ :
કાંઈ ફેરફાર કરે એમ જે માને છે તેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહે છે, તેથી પર તરફથી ખસીને પોતાના
જ્ઞાયકસ્વભાવ તરફ તે વળતો નથી એટલે તેને જ્ઞાતાપણું થતું નથી–અકર્તાપણું થતું નથી, ને કર્તાબુદ્ધિ છૂટતી
નથી. અહીં ‘દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, બીજો તેનો કર્તા નથી’ એ નિયમ વડે આત્માનું
અકર્તાપણું સમજાવીને તે કર્તાબુદ્ધિ છોડાવે છે.
[૬૬] જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને બચાવ કરવા
માંગે તે મોટો સ્વછંદી છે.
આ ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને સ્વછંદે કોઈ એમ બચાવ કરે કે “અમને ક્રોધ પણ થવાનો હતો તે
ક્રમબદ્ધ થઈ ગયો, તેમાં અમે શું કરીએ?” તો તેને કહે છે કે અરે મૂઢ જીવ! આત્માનું જ્ઞાયકપણું હજી તને બેઠું
નથી તો તું ક્રમબદ્ધપર્યાયની વાત ક્યાંથી લાવ્યો? જ્ઞાયકસ્વભાવના નિર્ણયથી જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય
થાય છે. તારી દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે કે ક્રોધ ઉપર? જો જ્ઞાયક ઉપર દ્રષ્ટિ હોય તો જ્ઞાયકમાં વળી ક્રોધ થવાનું
ક્યાંથી આવ્યું? તારા જ્ઞાયકભાવનો નિર્ણય કરીને તું પહેલા જ્ઞાતા થા, પછી તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે.
જ્ઞાયકસ્વભાવ તરફ વળીને તેને જ્ઞાનનું જ્ઞેય બનાવવું–તેની આમાં મુખ્યતા છે, રાગને જ્ઞેય કરવાની મુખ્યતા
નથી. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાનની જ અધિકતા રહે છે, ક્રોધાદિની અધિકતા થતી જ નથી, એટલે
જ્ઞાતાને અનંતાનુબંધી ક્રોધાદિ તો થતા જ નથી; અને તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થપણે બેઠી છે.
ક્રોધ વખતે જ્ઞાનસ્વરૂપ તો જેને ભાસતું નથી, ક્રોધની જ રુચિ છે, અને ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને
બચાવ કરવા માંગે છે તે તો મોટો સ્વછંદી છે. ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાયકભાવનું પરિણમન ન ભાસતાં, ક્રોધનું
પરિણમન ભાસે છે એ જ તેની ઊંધાઈ છે. ભાઈ રે! આ માર્ગ તો છૂટકારાનો છે,–કે બંધાવાનો? આમાં તો
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય થતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે
છુટકારાનો માર્ગ છે તેના બહાને જે સ્વછંદને પોષે છે તે જીવને છૂટકારાનો અવસર ક્યારે આવશે!!
[૬૭] અજર....પ્યાલા!
આ તો અજર–અમર પ્યાલા છે; આ પ્યાલા પચાવવા મોંઘા છે. પાત્ર થઈને જેણે આ પ્યાલો પીધો ને
પચાવ્યો તે અજર–અમર થઈ જાય છે, એટલે કે જન્મ–મરણ રહિત એવા સિદ્ધપદને પામે છે.
[૬૮] ક્રમબદ્ધપર્યાયમાં ભૂમિકા અનુસાર પ્રાયશ્ચિતાદિનો ભાવ હોય છે.
“લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવાનું વર્ણન તો શાસ્ત્રમાં ઘણું આવે છે, દોષ થયો તે પર્યાય પણ ક્રમબદ્ધ
છે તો પછી તેનું પ્રાયશ્ચિતાદિ શા માટે?”–એમ કોઈને શંકા ઊઠે તો તેનું સમાધાન એ છે કે સાધકને તે તે
ભૂમિકામાં પ્રાયશ્ચિતાદિનો તેવો વિકલ્પ હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સાધકદશા વખતે ક્રમબદ્ધપર્યાયમાં
તેવા પ્રકારના ભાવો આવે છે તે બતાવ્યું છે. ‘ક્રમબદ્ધપર્યાયમાં અમારે દોષ થવાનો હતો તે થઈ ગયો, માટે તેનું
પ્રાયશ્ચિત શું?’–એમ કોઈ કહે તો તે મિથ્યાદ્રષ્ટિ–સ્વછંદી છે; સાધકને એવો સ્વછંદ હોતો નથી. સાધકદશા તો
પરમ વિવેકવાળી છે. તેને હજી વીતરાગતા નથી થઈ તેમ સ્વછંદ પણ રહ્યો નથી, એટલે દોષોના પ્રાયશ્ચિત
વગેરેનો શુભ–વિકલ્પ આવે–એવી જ એ ભૂમિકા છે.
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોવા છતાં સમકીતિને ચોથા ગુણસ્થાને એવો ભાવ આવે કે હું ચારિત્રદશા લઉં,
મુનિને એવો ભાવ આવે કે લાગેલા દોષોની ગુરુ પાસે જઈને સરળપણે આલોચના કરું ને પ્રાયશ્ચિત લઉં–“કર્મ
તો ખરવાના હશે ત્યારે ખરશે, માટે આપણે તપ કરવાની શી જરૂર છે?” એવો વિકલ્પ મુનિને ન આવે; પણ હું
તપ વડે નિર્જરા કરું–શુદ્ધતા વધારું–એવો ભાવ આવે.–આવું જ તે તે ભૂમિકાના ક્રમનું સ્વરૂપ છે. ‘ચારિત્રદશા
તો ક્રમબદ્ધપર્યાયમાં જ્યારે આવવાની હશે ત્યારે આવી જશે’ એમ કહીને સમકીતિ કદી સ્વછંદી કે પ્રમાદી ન
થાય; દ્રવ્યદ્રષ્ટિના જોરમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. ખરેખર દ્રવ્યદ્રષ્ટિવાળાને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે.
ક્રમ ફરે નહિ છતાં પુરુષાર્થની ધારા તૂટે નહિ, –એ વાત જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વિના બની શકતી નથી.
શાસ્ત્રોમાં

PDF/HTML Page 25 of 69
single page version

background image
: ૧૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
પ્રાયશ્ચિત વગેરેનું વર્ણન કરીને વચલી ભૂમિકામાં કેવા કેવા ભાવ હોય છે–તેનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર તો
જ્ઞાતાને જ્ઞાનની અધિકતામાં તે પ્રાયશ્ચિત વગેરેનો વિકલ્પ પણ જ્ઞેયપણે જ છે.
[૬૯] ક્રમ–અક્રમ સંબંધમાં અનેકાન્ત અને સપ્તભંગી.
કોઈ એમ કહે છે કે “બધી પર્યાયો ક્રમબદ્ધ જ છે એમ કહેવામાં તો એકાંત થઈ જાય છે, માટે કેટલીક
પર્યાયો ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમબદ્ધ છે–એમ અને કાન્ત કહેવું જોઈએ”–તો એમ કહેનાર મૂઢને એકાન્ત–
અનેકાન્તની ખબર નથી. બધી પર્યાયો ક્રમબદ્ધ જ ‘છે’ ને અક્રમરૂપ ‘નથી’–એવો અનેકાન્ત છે; અથવા ક્રમ–
અક્રમનો અનેકાન્ત લેવો હોય તો આ પ્રમાણે છે કે બધા ગુણો દ્રવ્યમાં એક સાથે સહભાવીપણે વર્તે છે તેથી તે
અપેક્ષાએ દ્રવ્ય અક્રમરૂપ છે, અને પર્યાય અપેક્ષાએ ક્રમરૂપ છે, એ રીતે કથંચિત્ ક્રમરૂપ ને કથંચિત્ અક્રમરૂપ
એવો અનેકાન્ત છે, પરંતુ કેટલીક પર્યાયો ક્રમરૂપ ને કેટલીક પર્યાયો અક્રમરૂપ એમ માનવું તે તો અનેકાન્ત નથી
પણ મિથ્યાત્વ છે.
પર્યાય અપેક્ષાએ તો ક્રમબદ્ધપણું જ છે–એ નિયમ છે. છતાં આમાં અનેકાન્ત અને સપ્તભંગી આવી જાય
છે. ગુણો અપેક્ષાએ અક્રમપણું ને પર્યાયો અપેક્ષાએ ક્રમપણું–એવું અનેકાન્ત સ્વરૂપ છે તે ઉપર કહેવાઈ ગયું છે.
તથા વસ્તુમાં (૧) સ્યાત્ ક્રમપણું, (૨) સ્યાત્ અક્રમપણું, (૩) સ્યાત્ ક્રમ–અક્રમપણું, (૪) સ્યાત્
અવક્તવ્યપણું, (પ) સ્યાત્ ક્રમઅવક્તવ્યપણું (૬) સ્યાત્ અક્રમ–અવક્તવ્યપણું, અને (૭) સ્યાત્ ક્રમ–
અક્રમઅવક્તવ્યપણું–એ પ્રમાણે ક્રમ–અક્રમ સંબંધમાં સપ્તભંગી પણ ઉતરે છે, કઈ રીતે? તે કહેવાય છે–
(૧) પર્યાયો એક પછી એક ક્રમબદ્ધ થાય છે તેથી પર્યાયોની અપેક્ષાએ કહેતાં વસ્તુ ક્રમરૂપ છે.
(૨) ગુણો બધા એકસાથે સહભાવી છે તેથી ગુણોની અપેક્ષાએ કહેતાં વસ્તુ અક્રમરૂપ છે.
(૩) પર્યાયો તથા ગુણો–એ બંનેની અપેક્ષા (એકસાથે) લઈને કહેતાં વસ્તુ ક્રમ–અક્રમરૂપ છે.
(૪) એક સાથે બંને કહી શકતા નથી તે અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે.
(૫) વસ્તુમાં ક્રમપણું ને અક્રમપણું બંને એક સાથે હોવા છતાં, ક્રમરૂપ કહેતી વખતે અક્રમપણાનું કથન
બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ ક્રમ–અવક્તવ્યરૂપ છે.
(૬) એ જ પ્રમાણે અક્રમરૂપ કહેતાં ક્રમપણાનું કથન બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ અક્રમ–
અવક્તવ્યરૂપ છે.
(૭) ક્રમપણું તથા અક્રમપણું બંને અનુક્રમે કહી શકાય છે પણ એક સાથે કહી શકાતા નથી, તે અપેક્ષાએ
વસ્તુ ક્રમ–અક્રમ–અવક્તવ્યરૂપ છે.
–એ પ્રમાણે ક્રમ–અક્રમ સંબંધમાં સપ્તભંગી સમજવી.
[૭૦] અનેકાન્ત ક્યાં અને કઈ રીતે લાગુ પડે? (સિદ્ધનું દ્રષ્ટાંત)
યથાર્થ વસ્તુસ્થિતિ શું છે તે સમજ્યા વગર ઘણા લોકો અનેકાન્તના નામે કે સ્યાદ્વાદના નામે ગપગોળા
ચલાવે છે. જેમ અસ્તિ–નાસ્તિમાં વસ્તુ સ્વપણે અસ્તિરૂપે છે ને પરપણે નાસ્તિરૂપ છે–એવો અનેકાન્ત છે; પણ–
વસ્તુ સ્વપણે અસ્તિરૂપ છે ને પરપણે પણ અસ્તિરૂપ છે એવો અનેકાન્ત નથી, તે તો એકાંતરૂપ મિથ્યાત્વ છે.
તેમ અહીં ક્રમ–અક્રમમાં પણ સમજવું. પર્યાયો ક્રમબદ્ધ છે ને ગુણો અક્રમ છે–એમ અનેકાન્ત છે, પણ પર્યાયો
ક્રમબદ્ધ છે ને પર્યાયો અક્રમ પણ છે–એમ માનવું તે કાંઈ અનેકાન્ત નથી, તે તો મિથ્યાદ્રષ્ટિનો એકાંત છે. પર્યાયો
તો ક્રમબદ્ધ જ છે ને અક્રમ નથી એવો અનેકાંત છે. પર્યાયમાં અક્રમપણું તો છે જ નહિ, તેથી તેમાં ‘કથંચિત્ ક્રમ
ને કથંચિત્ અક્રમ’ એવો અનેકાન્ત લાગુ ન પડે. વસ્તુમાં જે ધર્મો હોય તેમાં સપ્તભંગી લાગુ પડે પણ વસ્તુમાં જે
ધર્મો હોય જ નહિ તેમાં સપ્તભંગી લાગુ ન પડે.
‘સિદ્ધ ભગવંતો એકાંત સુખી જ છે’ એમ કહેતાં કોઈ અજ્ઞાની પૂછે કે સિદ્ધ ભગવાનને એકાંત સુખ જ
કેમ કહો છો? કથંચિત્ સુખ ને કથંચિત્ દુઃખ એમ અનેકાંત કહોને? તેનું સમાધાન : ભાઈ, સિદ્ધ ભગવાનને જે
સુખ પ્રગટ્યું તે એકાંત સુખ જ છે, તેમાં દુઃખ જરાપણ છે જ નહિ, તેથી તેમાં સુખ–દુઃખનો તેં કહ્યો તેવો
અનેકાન્ત લાગુ ન પડે; સિદ્ધ ભગવાનને શક્તિમાં કે વ્યક્તિમાં કોઈ રીતે દુઃખ નથી તેથી ત્યાં સુખ–દુઃખનો
એવો અનેકાન્ત કે સપ્તભંગી લાગુ ન પડે; પણ સિદ્ધ

PDF/HTML Page 26 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૯ :
ભગવાનને એકાંત સુખ જ છે ને દુઃખ જરાપણ નથી–એમ અનેકાન્ત લાગુ પડે. (જુઓ, પંચાધ્યાયી ગાથા
૩૩૩–૪–૫) તેમ અહીં પર્યાયમાં ક્રમબદ્ધપણું છે ને અક્રમપણું નથી–એવો અનેકાન્ત લાગુ પડે, પણ પર્યાયમાં
ક્રમપણું છે ને પર્યાયમાં અક્રમપણું પણ છે–એવો અનેકાન્ત નથી; કેમકે પર્યાયમાં અક્રમપણું નથી. પર્યાયથી
ક્રમરૂપ ને પર્યાયથી જ અક્રમરૂપ એવું ક્રમ–અક્રમરૂપ જીવનું સ્વરૂપ નથી, પણ પર્યાયથી ક્રમવર્તીપણું ને ગુણથી
અક્રમપણું–એવું ક્રમ–અક્રમરૂપ જીવનું સ્વરૂપ છે.
[૭૧] ટ્રેઈનના દ્રષ્ટાંતે શંકા અને તેનું સમાધાન.
પ્રશ્ન:– એક માણસ ટ્રેઈનના ડબામાં બેઠો છે, ને ટ્રેઈન પૂર્વ દિશા તરફ જાય છે, ત્યાં ટ્રેઈન ચાલતાં
માણસનું પણ પૂર્વ દિશા તરફ જે ગમન થાય છે તે તો ક્રમબદ્ધ છે, પણ તે માણસ ડબામાં ઊભો થઈને પશ્ચિમ
તરફ જાય તો તે ગમનની અવસ્થા અક્રમરૂપ થઈને?
ઉત્તર:– અરે ભાઈ! તને હજી ક્રમબદ્ધપર્યાયની ખબર નથી. પર્યાયનું ક્રમબદ્ધપણું કહેવાય છે તે તો ઊર્ધ્વ
પ્રવાહ અપેક્ષાએ (–કાળપ્રવાહ અપેક્ષાએ) છે, ક્ષેત્ર અપેક્ષાએ નહિ. તે માણસ પહેલા પૂર્વમાં ચાલે ને પછી
પશ્ચિમમાં ચાલે તેથી કાંઈ તેની પર્યાયના કાળનો ક્રમ તૂટી ગયો નથી. ટ્રેઈન પૂર્વમાં જતી હોય ને તેમાં બેઠેલો
માણસ ડબામાં પશ્ચિમ તરફ ચાલતો હોય, તેથી કાંઈ તેની તે પર્યાય અક્રમપણે નથી થઈ. અરે! ટ્રેઈન પૂર્વમાં
જતી હોય ને આખી ટ્રેઈન પાછી ચાલીને પશ્ચિમમાં જાય, તો તે પણ ક્રમબદ્ધ જ છે. પર્યાયોનું ક્રમબદ્ધપણું દ્રવ્યના
ઊર્ધ્વપ્રવાહ ક્રમની અપેક્ષાએ છે. આ ક્રમબદ્ધપર્યાયની વાત ઘણા જીવોએ તો હજી યથાર્થપણે સાંભળી પણ નથી.
ક્રમબદ્ધપણું શું છે અને કઈ રીતે છે, તથા તેનો નિર્ણય કરનારનું ધ્યેય ક્યાં જાય છે–તે વાત લક્ષમાં લઈને સમજે
પણ નહિ, તો તેની પ્રતીત ક્યાંથી થાય? વસ્તુમાં અનંત ગુણો છે તે બધા એક સાથે–પથરાયેલા–તિર્યક્પ્રચયરૂપ
છે તેથી તે અક્રમરૂપ છે, અને પર્યાયો એક પછી એક–વ્યતિરેકરૂપ–ઊર્ધ્વપ્રચયરૂપ છે તેથી તે ક્રમરૂપ છે.
[૭૨] ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ?
જુઓ, ક્રમબદ્ધપર્યાય તો જીવ તેમ જ અજીવ બધા દ્રવ્યોમાં છે; પરંતુ આ વાત કાંઈ અજીવને નથી
સમજાવતા, આ વાત તો જીવને સમજાવે છે કેમ કે જીવ જ જ્ઞાતા છે. જ્ઞાતાને પોતાના જ્ઞાયકસ્વભાવનું ભાન
થતાં તે ક્રમબદ્ધ–પર્યાયનો પણ જ્ઞાતા થઈ જાય છે.
[૭૩] ભાષાનો ઉત્પાદક જીવ નથી.
પાંચે અજીવ દ્રવ્યો પણ પોતપોતાના ગુણોથી પોતાના ક્રમબદ્ધ નિયમિત પરિણામપણે ઊપજતા થકા
અજીવ જ છે, જીવ નથી. અજીવદ્રવ્યો–તેનો એકેક પરમાણુ પણ–પોતે પોતાના છ કારકરૂપે થઈને પોતાની
ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે; તે કોઈ બીજાના કર્તા નથી, તેમજ બીજાનું કાર્ય થઈને તેને પોતાનું કર્તા
બનાવે એમ પણ નથી. ભાષા બોલાય તે અજીવની ક્રમબદ્ધપર્યાય છે, ને તે પર્યાયપણે અજીવદ્રવ્ય ઊપજે છે,
જીવ તેને ઉપજાવતો નથી.
પ્રશ્ન:– કેવળીભગવાનની દિવ્યવાણી તો ઈચ્છા વગર સહજપણે નીકળે છે તેથી તે ક્રમબદ્ધપર્યાય છે અને
તેને તો જીવ ઉપજાવતો નથી–એમ ભલે કહો, પરંતુ છદ્મસ્થની વાણી તો ઈચ્છાપૂર્વક છે તેથી છદ્મસ્થ તો પોતાની
ઈચ્છા મુજબ ભાષાને પરિણમાવે છે ને?
ઉત્તર:– ભાઈ, એમ નથી. કેવળીભગવાનને કે છદ્મસ્થને જે વાણી નીકળે છે તે તો અજીવના પોતાના
તેવા ક્રમબદ્ધ પરિણામોથી જ નીકળે છે, જીવને લીધે નહિ. છદ્મસ્થને તે કાળે ઈચ્છા હોય, પણ તે ઈચ્છાએ
વાણીને ઉપજાવી નથી. અને ઈચ્છા છે તે પણ જ્ઞાતાનું જ્ઞેય છે, જ્ઞાનની અધિકતામાં ધર્મી જીવ તે ઈચ્છાનો પણ
જ્ઞાયક જ છે.
[૭૪] જ્ઞાયકને જ જાણવાની મુખ્યતા.
ખરેખર તો, ઈચ્છાને જાણવી તે પણ વ્યવહાર છે, જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાયકને જાણવો તે પરમાર્થ
છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં રાગને જાણવાની મુખ્યતા નથી પણ જ્ઞાયકને જાણવાની મુખ્યતા છે. જ્ઞાનમાં
જ્ઞાયકની મુખ્યતા થઈ ત્યારે રાગને તેનું વ્યવહાર જ્ઞેય કહ્યું; જ્ઞાતા જાગ્યો ત્યારે રાગને રાગરૂપે જાણ્યો અને
ત્યારે જ રાગને વ્યવહાર કહેવાયો. આ રીતે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, કેમ કે જ્ઞાન અને રાગ બંને એક
સાથે ઊપજે છે, પહેલો રાગરૂપ વ્યવહાર ને પછી નિશ્ચય–એમ નથી. જો રાગને અર્થાત્ વ્યવહારને પહેલો કહો
તો જ્ઞાન વગર

PDF/HTML Page 27 of 69
single page version

background image
: ૨૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
(એટલે કે નિશ્ચય વગર) તે વ્યવહારને જાણ્યો કોણે? વ્યવહાર પોતે તો આંધળો છે તેને કાંઈ સ્વ–પરની ખબર
નથી. નિશ્ચયનું અવલંબન કરીને સ્વ–પર પ્રકાશક જ્ઞાતા જાગ્યો તે જ, જ્ઞાયકને જાણતાં રાગને પણ વ્યવહાર જ્ઞેય
તરીકે જાણે છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં નિશ્ચય–વ્યવહાર બંને એક સાથે છે; પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય
એમ માને, એટલે કે રાગના અવલંબને જ્ઞાન થવાનું માને, તો તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી.
[૭૫] ‘ઈષ્ટોપદેશ!’ ની વાત;–ક્યો ઉપદેશ ઈષ્ટ છે?
દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે–એમ કહેતાં તેમાં સમયસમયની ક્ષણિક યોગ્યતાની વાત પણ
આવી ગઈ.
કોઈ કહે કે–“યોગ્યતાની વાત તો ‘ઈષ્ટોપદેશ’માં આવી છે. આમાં ક્યાં આવી છે?” તેનો ઉત્તર–આ પણ
ઈષ્ટ–ઉપદેશની જ વાત છે. ઈષ્ટ–ઉપદેશ એટલે હિતકારી ઉપદેશ. જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે
ઈષ્ટોપદેશ છે. આ ‘યોગ્યતા’ કહીને સમય સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઈષ્ટ છે, આ
સિવાય પરને લીધે કાંઈ થવાનું બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઈષ્ટ નથી–હિતકારી નથી–પ્રિય નથી.
સમય સમયની ક્રમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઈષ્ટ છે, પણ
પર્યાયમાં ફેરફાર–આઘુંપાછું થવાનું જણાવીને કર્તા–બુદ્ધિને પોષે તે ઉપદેશ ઈષ્ટ નથી એટલે કે સાચો નથી, હિતકારી
નથી. “આત્માને જે હિતમાર્ગમાં પ્રવર્તાવે તે ગુરુ છે; ખરેખર આત્મા પોતે જ પોતાની યોગ્યતાથી પોતાના આત્માને
હિતમાર્ગમાં પ્રવર્તાવે છે તેથી પોતે જ પોતાનો ગુરુ છે, નિમિત્તરૂપે બીજા જ્ઞાનીગુરુ હોય પણ તે નિમિત્તને લીધે આ
આત્મામાં કાંઈ થાય–એમ બનતું નથી.” જુઓ, આ ઈષ્ટ ઉપદેશ! આ પ્રમાણે ઉપદેશ હોય તો જ તે ઈષ્ટ છે–
હિતકારી છે–સત્ય છે, આનાથી વિરુદ્ધ ઉપદેશ હોય તો તે ઈષ્ટ નથી–હિતકારી નથી–સત્ય નથી.
[૭૬] આત્માનું જ્ઞાયકપણું ને પદાર્થોના પરિણમનમાં ક્રમબદ્ધપણું.
આત્મા જ્ઞાયક છે, જ્ઞાતાદ્રષ્ટાપણું તેનું સ્વરૂપ છે. જેમ કેવળીભગવાન જગતના બધા દ્રવ્ય–ગુણ–પર્યાયના
જ્ઞાતા છે તેમ આ આત્માનો સ્વભાવ પણ જ્ઞાતા છે. જ્ઞાને જાણ્યું માટે પદાર્થોમાં તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે એમ
નથી, તેમ જ પદાર્થો તેવા છે માટે તેમનું જ્ઞાન થયું એમ પણ નથી. આત્માનો જ્ઞાયકસ્વભાવ ને પદાર્થોનો
ક્રમબદ્ધ પરિણમન સ્વભાવ છે. ‘આમ કેમ’ એવો વિકલ્પ જ્ઞાનમાં નથી તેમ જ પદાર્થોના સ્વભાવમાં પણ એવું
નથી. ‘આમ કેમ’ એવો વિકલ્પ કરીને જે પદાર્થને ફેરવવા માગે છે તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં સાધક જીવ જ્ઞાતા થઈ જાય છે, ‘આમ કેમ’ એવો મિથ્યાબુદ્ધિનો વિકલ્પ તેને
થતો નથી.
[૭૭] આવી છે સાધકદશા!–એક સાથે દસ બોલ.
જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તે–
–ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, (૧) –તેના જ્ઞાનમાં સર્વજ્ઞની સિદ્ધિ આવી, (૨)
–તેને ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન થયું, (૩) –તેને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થયો, (૪)
–તેને અકર્તાપણું થયું, (૫) –તેણે સમસ્ત જૈનશાસનને જાણ્યું, (૬)
–તેણે દેવ–ગુરુ–શાસ્ત્રને ખરેખર ઓળખ્યા, (૭) –તેને નિશ્ચય–વ્યવહાર બંને એક સાથે આવ્યા, (૮)
–તેની પર્યાયમાં પાંચે સમવાય આવી ગયાં, (૯)
–‘
योग्यता ही’નો તેને નિર્ણય થયો એટલે ઈષ્ટ–ઉપદેશપણ તેનામાં આવી ગયો. (૧૦)
[૭૮] આ લોકોત્તર દ્રષ્ટિની વાત છે, આનાથી વિપરીત માને તે લૌકિકજન છે.
અહો, આ અલૌકિક–લોકોત્તર વાત છે. એક તરફ જ્ઞાયકસ્વભાવ ને સામે ક્રમબદ્ધપર્યાય–એનો નિર્ણય
કરવો તે લોકોત્તર છે. હું જ્ઞાયક છું ને પદાર્થોની પર્યાયો ક્રમબદ્ધ છે–એમ ન માનતાં, કાંઈ પણ ફેરફાર કરવાનું જે
માને છે તે લૌકિકજન છે, લોકોત્તર જૈનદ્રષ્ટિ તેને રહેતી નથી. પોતાના જ્ઞાયકસ્વભાવ સામે નજર રાખીને
આત્મા ક્રમબદ્ધજ્ઞાયકભાવપણે જ ઊપજે, અને પદાર્થોની ક્રમબદ્ધ થતી પર્યાયોને જાણે–આવો જે લોકોત્તર
સ્વભાવ, તેને જે નથી માનતો તે ભલે સંપ્રદાય તરીકે જૈનમાં રહ્યો હોય

PDF/HTML Page 28 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૨૧ :
તોપણ ભગવાન તેને અન્યમતિ–લૌકિકમતિ–એટલે કે મિથ્યાદ્રષ્ટિ કહે છે. આ “લૌકિકમતિ” કહેતાં કેટલાકને તે
વાત કઠણ લાગે છે. પણ ભાઈ! સમયસારમાં આચાર્ય ભગવાન પોતે કહે છે કે–“ये त्वात्मानं कर्तारमेव
पश्यंति ते लोकोत्तरिका अपि न लौकिकतामतिवर्तंते; लौकिकानां परमात्मा विष्णुः सुरनारकादिकार्याणि
करोति, तेषां तु स्वात्मातानि करोतीत्यपसिद्धांतस्य समत्वात्। ततस्तेषामात्मनो नित्य–कर्तृत्वाभ्युपगमात्
लौकिकानामिव लोकोत्तरिकाणामपि नास्ति मोक्षः।” (ગાથા ૩૨૧–૩૨૨ ટીકા)
–જેઓ આત્માને કર્તા જ દેખે છે–માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી;
કારણ કે લૌકિકજનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (–લોકથી બાહ્ય થયેલા
એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે–એમ અપસિદ્ધાંતની (એટલે કે ખોટા સિદ્ધાંતની)
બંનેને સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર
પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
તેના ભાવાર્થમાં પં. જયચંદ્રજી પણ લખે છે કે
जो आत्माको कर्ता मानते हैं वे मुनि भी हों तो भी लौकिकजन सरीखे ही हैं, क्योंकि लोक
ईश्वर को कर्ता मानते हैं और मुनियोंने भी आत्माको कर्ता मान लिया, इस तरह इन दोनों का मानना
समान हुआ। इस कारण जैसे लौकिकजनों के मोक्ष नहीं है उसी तरह उन मुनियोंके भी मोक्ष नहीं।
જુઓ, આમાં મૂળ સિદ્ધાંત છે. દિગંબર જૈન સંપ્રદાયનો દ્રવ્યલિંગી સાધુ થઈને પણ, જો ‘આત્મા પરને
કરે’ એમ માને, તો તે પણ લૌકિકજનોની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે. હવે, આત્મા પરનો કર્તા છે–એમ કદાચ સીધી
રીતે ન કહે, પણ–
–નિમિત્ત હોય તે પ્રમાણે કાર્ય થાય એમ માને, અથવા આપણે નિમિત્ત થઈને પરનું કાર્ય કરી દઈએ–એમ માને,
–અથવા રાગના–વ્યવહારના–અવલંબનથી નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન થવાનું માને,
–મોક્ષમાર્ગમાં પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને,
–અથવા રાગને લીધે જ્ઞાન થયું એટલે કે રાગ કર્તા ને જ્ઞાન તેનું કાર્ય–એમ માને,
તો તે બધા પણ ખરેખર લૌકિકજનો જ છે, કેમ કે તેમને લૌકિક દ્રષ્ટિ છૂટી નથી.–લૌકિકદ્રષ્ટિ એટલે
મિથ્યાદ્રષ્ટિ.
‘જ્ઞાયક’ સામે નજર કરીને ક્રમબદ્ધપર્યાયને જાણનારા સમકીતિ લોકોત્તરદ્રષ્ટિવંત છે, ને એનાથી વિરુદ્ધ
માનનારા લૌકિકદ્રષ્ટિવંત છે.
[૭૯] સમજવા માટે એકાગ્રતા.
આ વાત સાંભળતાં જો સમજે તો મજા આવે તેવી છે, પણ તે સમજવા માટે જ્ઞાનને બીજેથી પાછું
વાળીને જરાક એકાગ્ર કરવું જોઈએ. હજી તો જેને શ્રવણમાં પણ એકાગ્રતા ન હોય ને શ્રવણ વખતે પણ ચિત્ત
બીજે ભમતું હોય, તે અંતરમાં એકાગ્ર થઈને આ વાત સમજે ક્યારે?
[૮૦] અંદર નજર કરતાં બધો નિર્ણય થાય છે.
પ્રશ્ન:– આપ તો ઘણાં પડખાં સમજાવો છો, પણ અમારી બુદ્ધિ થોડી, તેમાં અમારે કેટલુંક સમજવું?
ઉત્તર:– અરે ભાઈ! જે સમજવા માંગે તેને આ બધું સમજાય તેવું છે. દ્રષ્ટિ બહારમાં નાખી છે તેને
ફેરવીને જરાક અંદરમાં નજર કરતાં જ આ બધા પડખાં સમજાઈ જાય તેમ છે. સમજનારો પોતે અંદર બેઠો છે કે
ક્યાંક બીજે ગયો છે? અંદરમાં શક્તિપણે આખેઆખો જ્ઞાયકસ્વભાવ પડ્યો છે, તેમાં નજર કરે એટલી વાર છે.
‘મારા નૈનની આળસે રે.... મેં હરિને નીરખ્યા ન જરી’ ....... તેમ નજર કરતાં ન્યાલ કરી નાંખે એવો ભગવાન
આત્મા અંદર બેઠો છે પણ નયનની આળસે અજ્ઞાની તેને નિહાળતો નથી. અંર્તમુખ નજર કરતાં આ બધા
પડખાંનો નિર્ણય થઈ જાય છે.
[૮૧] જ્ઞાતા સ્વ–પરને જાણતો થકો ઊપજે છે.
જ્ઞાતાભાવની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતો ધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને પણ જાણે છે; સ્વ–પર
બંનેને જાણતો થકો ઊપજે છે, પણ સ્વ–પર બંનેને કરતો થકો નથી ઊપજતો. કર્તા તો એક સ્વનો જ છે, ને
સ્વમાં પણ ખરેખર જ્ઞાયકભાવની ક્રમબદ્ધ પર્યાયને જ કરે છે, રાગનું કર્તાપણું ધર્મીની દ્રષ્ટિમાં નથી.
જ્ઞાન ઊપજતું થકું પોતાને તેમજ રાગને પણ જાણતું ઊપજે છે, પરંતુ ‘રાગને કરતું થકું’ ઊપજે છે–એમ
નથી. જ્ઞાન ઊપજે છે અને પોતે પોતાને જાણતું ઊપજે છે.

PDF/HTML Page 29 of 69
single page version

background image
: ૨૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
ઊપજવું અને જાણવું બંને ક્રિયા એક સાથે છે, જ્ઞાનમાં તે બંને ક્રિયા એક સાથે હોવામાં કાંઈ વિરોધ નથી.
“આત્મા પોતે પોતાને કઈ રીતે જાણે–એ બાબતમાં પ્રવચનસારની ૩૬મી ગાથામાં આચાર્યદેવે શંકા–સમાધાન કર્યું
છે. એક પર્યાયમાંથી બીજુ પર્યાયની ઉત્પત્તિ થવામાં વિરોધ છે, પણ જ્ઞાનપર્યાય પોતે ઊપજે અને તે જ વખતે તે
સ્વને જાણે–એવી બંને ક્રિયા એક સાથે હોવામાં કાંઈ વિરોધ નથી, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વ–પરને
પ્રકાશવાનો છે. જ્ઞાન પોતે પોતાને નથી જાણતું–એમ માનનારે ખરેખર જ્ઞાનને જ માન્યું નથી. અહીં તો કહે છે કે
જ્ઞાની પોતે પોતાને જાણતો થકો ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે છે. આ વાત બરાબર સમજવા જેવી છે.
[૮૨] લોકોત્તર દ્રષ્ટિની વાત સમજવા માટે જ્ઞાનની એકાગ્રતા.
કોલેજના મોટા પ્રોફેસરોના ભાષણ કરતાં પણ આ તો જુદી જાતની વાત છે; ત્યાં તો સમજવા માટે ધ્યાન
રાખે તો પણ જેટલો પૂર્વનો ઉઘાડ હોય તે પ્રમાણે જ સમજાય; અને સમજે તો પણ તેમાં તો આત્માનું કાંઈ
કલ્યાણ નથી. અને આ તો લોકોત્તરદ્રષ્ટિની વાત છે, આમાં ધ્યાન રાખીને સમજવા માટે જ્ઞાનને એકાગ્ર કરે તો
વર્તમાનમાં પણ નવો નવો ઉઘાડ થતો જાય, ને અંતરમાં એકાગ્ર થઈને સમજે તેનું તો અપૂર્વ કલ્યાણ થઈ જાય.
[૮૩] સમકીતિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે.
જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતાં, તેના અનંત ગુણો એક સાથે પરિણમે છે;
જ્ઞાયકસ્વભાવસન્મુખ ઝુકાવ થયો ત્યાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે બધા ગુણોના પરિણમનમાં નિર્મળતાના
અંશની શરૂઆત થઈ જાય છે, પછી ભલે તેમાં ઓછો–વધતો અંશ વ્યક્ત હોય; ચોથા ગુણસ્થાને જ્ઞાયકશ્રદ્ધા થઈ
જાય છતાં જ્ઞાન–ચારિત્ર પૂરાં થઈ જતાં નથી પરંતુ તેનો અંશ તો પ્રગટ થઈ જાય છે. આ રીતે સમકીતિને
નિર્મળપર્યાયપણે ઊપજવાની જ મુખ્યતા છે, અસ્થિરતાના જે રાગાદિભાવો થાય છે તે તેની દ્રષ્ટિમાં ગૌણ છે,
અભૂતાર્થ છે. જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ રાખીને સમકીતિ નિર્મળક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે, રાગાદિપણે તે
ખરેખર ઊપજતો જ નથી.
[૮૪] ક્રમબદ્ધપરિણામમાં છ છ કારક.
આચાર્યદેવ કહે છે કે ‘જીવ પોતાના ક્રમબદ્ધપરિણામે ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી;’ તેમાં છએ
કારક લાગુ પડે છે, તે આ પ્રમાણે–
જીવ પોતે પોતાની પર્યાયના કર્તાપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનો કર્તા નથી.
જીવે પોતે પોતાના કર્મપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કર્મ નથી.
જીવ પોતે પોતાના કરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કરણ નથી.
જીવ પોતે પોતાના સંપ્રદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું સંપ્રદાન નથી.
જીવ પોતે પોતાના અપાદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અપાદાન નથી.
જીવ પોતે પોતાના અધિકરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અધિકરણ નથી.
વળી એ પ્રમાણે બીજા છ કારકો પણ નીચે મુજબ સમજવા–
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનો કર્તા બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કર્મ બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કરણ બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું સંપ્રદાન બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અપાદાન બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અધિકરણ બનાવતો નથી.
તેમજ, અજીવ પણ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી. –તેમાં પણ ઉપર
મુજબ છ–છ કારકો સમજી લેવા.
એ રીતે, જીવ–અજીવને પરસ્પર અકાર્યકારણપણું છે.
[૮૫] –આ વાત કોને બેસે?
જુઓ આ ભેદજ્ઞાન! આવી સ્પષ્ટ વાત હોવા છતાં,

PDF/HTML Page 30 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૨૩ :
આ વાતને ‘રોગચાળો, એકાંત’ વગેરે કહીને કેટલાક વિરોધ કરે છે, કેમ કે પોતાની માનેલી ઊંધી વાતનો
આગ્રહ તેમને છૂટતો નથી. અરે! ઊંધી માન્યતાને સાચી માની બેઠા છે તો તેને કેમ છોડે? પં. ટોડરમલજી પણ
મોક્ષમાર્ગ–પ્રકાશકમાં કહે છે કે અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે?
આ તો જેને માન અને આગ્રહ મૂકીને આત્માનું હિત કરવું હોય–એવા જીવને બેસે તેવી વાત છે.
[૮૬] ‘કરે છતાં અકર્તા’–એમ નથી.
અહીં જે વાત કહેવાય છે તેના ઉપરથી કેટલાક લોકો સમજ્યા વગર એમ કહે છે કે “જ્ઞાની પરનાં કામ
કરે છે ખરો પરંતુ તે અકર્તા છે.”–પણ એ વાત જૂઠી છે. ‘અકર્તા’ ને વળી પાછો ‘કરે’ એ વાત ક્યાંથી લાવ્યો?
અહીં તો એમ કહેવાય છે કે–જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરના કર્તા નથી, પરનાં કામ કોઈ કરી શકતો જ નથી. દરેક
દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેમાં બીજાનું કર્તાપણું છે જ નહિ. કર્તાપણું જોનાર પોતાના
જ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ થઈને જુએ છે એટલે ઊંધુંં દેખે છે; જ્ઞાયક રહીને દેખે તો કર્તાપણું ન માને. વસ્તુસ્વરૂપ તો
જેમ છે તેમ જ રહે છે, અજ્ઞાની ઊંધુંં માને તેથી કાંઈ વસ્તુસ્વરૂપ અન્યથા થઈ જતું નથી.
[૮૭] જો કુંભાર ઘડાને કરે તો............
જીવ ને અજીવ બધાંય દ્રવ્યો પોતપોતાની પર્યાયપણે સ્વયં ઊપજે છે. અજીવનો એકેક પરમાણુ પણ તેની
ક્રમબદ્ધ અવસ્થાપણે સ્વયં ઊપજે છે; તેની વર્ણ–ગંધ વગેરે રૂપ અર્થપર્યાય પણ ક્રમબદ્ધ તેનાથી છે, ને ઘડો
વગેરેના આકારરૂપ વ્યંજનપર્યાય પણ ક્રમબદ્ધ તેનાથી જ છે. માટી ઘડારૂપે ઊપજી ત્યાં તેની વ્યંજનપર્યાય
(આકાર) કુંભારે કરી–એમ નથી. ઘડાપણે માટી પોતે ઊપજી છે ને માટી જ તેમાં વ્યાપી છે, કુંભાર નહીં, માટે
કુંભાર તેનો કર્તા નથી. ‘નિમિત્ત વિના ન થાય’–એ વાતનું અહીં કામ નથી. અહીં તો કહે છે કે દરેક દ્રવ્ય
પોતાના પરિણામ સાથે તદ્રૂપ–તન્મય છે. જીવ જો અજીયવની અવસ્થાને કરે (–જેમ કે કુંભાર ઘડાને કરે) તો
અજીવની અવસ્થા સાથે તદ્રૂપપણું થતાં તે પોતે પણ અજીવ બની જશે! જો નિમિત્ત પ્રમાણે કાર્ય થતું હોય તો
અજીવના નિમિત્તે આત્મા પણ અજીવ થઈ જશે, ઈત્યાદિ અનેક દોષ આવી પડશે.
[૮૮] ‘યોગ્યતા’ ક્યારે માની કહેવાય?
પ્રશ્ન:– એક પ્યાલામાં પાણી ભર્યું છે, પાસે અનેક જાતના લાલ–લીલા રંગ પડ્યા છે, તેમાંથી જેવો રંગ
લઈને પાણીમાં નાંખશો તેવા રંગનું પાણી થઈ જશે. તેનામાં યોગ્યતા તો બધી જાતની છે, પણ જે રંગનું નિમિત્ત
આપશો તે જ રંગનું તે થશે. માટે નિમિત્ત પ્રમાણે કાર્ય થાય છે! ભલે થાય છે તેની યોગ્યતાથી, પણ જેવું
નિમિત્ત આવે તેવું થાય!
ઉત્તર:– અરે ભાઈ! તારી બધી વાત ઊંધી છે. યોગ્યતા કહેવી, ને વળી નિમિત્ત આવે તેવું થાય–એમ
કહેવું, એ વાત વિરુદ્ધ છે. નિમિત્ત આવે તેવું થાય એમ માનનારે ‘યોગ્યતા’ માની જ નથી એટલે કે વસ્તુના
સ્વભાવને માન્યો જ નથી. પાણીના પરમાણુઓમાં જે સમયે જેવી લીલા કે લાલ રંગરૂપે થવાની યોગ્યતા છે તે
જ રંગરૂપે તે પરમાણુઓ સ્વયં ઊપજે છે, બીજો નિમિત્ત લાવી શકે કે તેમાં ફેરફાર કરી શકે–એમ નથી. અરે!
રંગના પરમાણુ જુદા ને પાણીના પરમાણુ પણ જુદા, એટલે રંગનું નિમિત્ત આવ્યું માટે પાણીના પરમાણુઓનો
રંગ બદલ્યો એમ પણ નથી, પાણીના પરમાણુઓ જ સ્વયં પોતાની તેવી રંગ અવસ્થાપણે પરિણમ્યા છે.
લોટના પરમાણુઓમાંથી રોટલીની અવસ્થા હોશીયાર બાઈએ બનાવી–એમ નથી, પણ સ્વયં તે
પરમાણુઓ જ તે અવસ્થારૂપે ઊપજ્યા છે.–એ વાત પણ ઉપરના દ્રષ્ટાંત પ્રમાણે સમજી લેવી.
સ્કંધમાં રહેલો દરેક પરમાણુ સ્વતંત્રપણે પોતાની ક્રમબદ્ધયોગ્યતાથી પરિણમે છે; સ્કંધના બીજા
પરમાણુઓને લીધે તે સ્થૂળરૂપે પરિણમ્યો એમ નથી પણ તેનામાં જ સ્થૂળરૂપે પરિણમવાની સ્વતંત્ર લાયકાત
થઈ છે. જુઓ, એક પરમાણુ છૂટો હોય ત્યારે તેનામાં સ્થૂળપરિણમન ન થાય, પણ સ્થૂળસ્કંધમાં ભળે ત્યારે
તેનામાં સ્થૂળ પરિણમન થાય છે, તો તેના પરિણમનમાં એટલો ફેરફાર થયો કે નહિ?–હા ફેરફાર તો થયો છે,
પણ તે કોના કારણે? કે પોતાની જ ક્રમબદ્ધ અવસ્થાના કારણે, પરને કારણે નહિ. એક છૂટો પરમાણુ સ્થૂળ
સ્કંધમાં ભળ્‌યો, ત્યાં જેવો છૂટો હતો તેવો જ સ્કંધમાં તે નથી રહ્યો પણ સૂક્ષ્મમાંથી સ્થૂળસ્વભાવરૂપે તેનું
પરિણમન થયું છે. તેનામાં સર્વથા ફેરફાર નથી થયો–એમ પણ નથી અને પરને કારણે ફેરફાર

PDF/HTML Page 31 of 69
single page version

background image
: ૨૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
થયો–એમ પણ નથી. તેની પોતાની યોગ્યતાથી જ તેનામાં ફેરફાર એટલે કે સૂક્ષ્મતામાંથી સ્થૂળતારૂપ પરિણમન
થયું છે. જેમ એક છૂટા પરમાણુમાં સ્થૂળતારૂપ પરિણમન નથી થતું, તેમ સ્થૂળસ્કંધમાં પણ જો તેનું સ્થૂળ
પરિણમન ન થતું હોય તો આ શરીરાદિ નોકર્મ વગેરે કાંઈ સિદ્ધ જ નહિ થાય. છૂટો પરમાણુ સ્થૂળ સ્કંધમાં
ભળતાં તેનામાં સ્થૂળતારૂપ પરિણમન તો થાય છે પણ તે પરને લીધે થતું નથી, તેની પોતાની યોગ્યતાથી જ
થાય છે.
[૮૯] ક્રમબદ્ધનો નિર્ણય કરનારને ‘અભાગ્ય’ હોય જ નહિ.
‘અભાગ્યથી કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્ત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ જાય’–
એમ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે, પરંતુ ત્યાં પણ તેવા નિમિત્તોના સેવનનો ઊંધો ભાવ કોણ કરે છે? ખરેખર
તો પોતાનો જે ઊંધો ભાવ છે તે જ અભાગ્ય છે. આત્માના જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકીને જેણે ક્રમબદ્ધપર્યાયનો
નિર્ણય કર્યો તેને એવું અભાગ્ય હોય જ નહિ એટલે કે કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રનું સેવન તેને હોય જ નહીં.
આત્મા જ્ઞાયક છે ને વસ્તુની પર્યાય ક્રમબદ્ધપણે સ્વયં થાય છે–એવા વસ્તુસ્વરૂપને જે નથી જાણતો તેનું
જ્ઞાન સાચું થતું નથી, ને સાચા જ્ઞાન વગર નિર્મળપર્યાય એટલે કે શાંતિ કે ધર્મ થતો નથી.
[૯૦] સ્વાધીનદ્રષ્ટિથી જોનાર–જ્ઞાતા.
આઈસ (બરફ] નાંખવાથી પાણીની ઠંડી અવસ્થા થઈ–એમ નથી; પાણીમાં સાકર નાંખી માટે તે
સાકરને લીધે પાણીના પરમાણુઓમાં ગળી અવસ્થા થઈ–એમ નથી; તે તે પરમાણુઓ સ્વાધીનપણે તેવી
અવસ્થાપણે પરિણમ્યા છે. પોતાના આત્માને સ્વાધીનદ્રષ્ટિથી જ્ઞાયકભાવે પરિણમતો જોનાર જગતના બધા
પદાર્થોને પણ સ્વાધીન પરિણમતા જુએ છે; તેથી તે જ્ઞાતા જ છે, અકર્તા જ છે. આત્મા તો અજીવના કાર્યને ન
કરે, પરંતુ એક સ્કંધમાં રહેલા અનેક પરમાણુઓમાં પણ એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય ન કરે. આવી
સ્વતંત્રતા છે.
[૯૧] સંસ્કારનું સાર્થકપણું, –છતાં પર્યાયનું ક્રમબદ્ધપણું.
પ્રશ્ન:– પ્રવચનસારના ૪૭ નયોમાં તો કહ્યું છે કે અસ્વભાવનયે આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે, જેમ
લોઢાના તીરમાં સંસ્કાર પાડીને લૂહાર નવી અણી કાઢે છે તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે;–આમ છે
તો પછી પર્યાયના ક્રમબદ્ધપણાનો નિયમ ક્યાં રહ્યો?
ઉત્તર:– આત્મા પોતાની પર્યાયમાં જેવા સંસ્કાર પાડે તેવા પડે છે. અનાદિથી પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન
હતા, તેને બદલે હવે જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં તે મિથ્યાશ્રદ્ધાજ્ઞાન ટળીને, સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનના અપૂર્વ સંસ્કાર
પડ્યા, તેથી પર્યાયમાં નવા સંસ્કાર કહ્યા. તોપણ ત્યાં ક્રમબદ્ધપર્યાયનો નિયમ તૂટયો નથી. શું સર્વજ્ઞભગવાને
તેમ નહોતું જોયું ને થયું? અથવા શું ક્રમબદ્ધપર્યાયમાં તેમ નહોતું ને થયું?–એમ નથી. પોતે પોતાના
જ્ઞાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિર્મળપર્યાયપણે ઊપજ્યો ત્યાં, કેવળી ભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જે
નિર્મળ પર્યાય થવાનું જોયું હતું તે જ પર્યાય આવીને ઊભી રહી. આ રીતે, જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ કરનારને
પર્યાયમાં મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શનના અપૂર્વ નવા સંસ્કાર પડ્યા વગર રહે નહિ, અને ક્રમબદ્ધપર્યાયનો ક્રમ
પણ તૂટે નહિ.–આવો મેળ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વગર સમજાશે નહિ.
[૯૨] ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ?
જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી ને ક્રમબદ્ધપર્યાયમાં આઘું–પાછું કરવાનું માને છે તેને જીવ–અજીવ
દ્રવ્યોની ખબર નથી એટલે મિથ્યાજ્ઞાન છે. જે પરનું કર્તાપણું માને છે તેને તો હજી પરથી ભિન્નતાનું પણ ભાન
નથી, પરથી ભિન્નતા જાણ્યા વિના, અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતા તેના ખ્યાલમાં આવી શકશે નહિ.
અહીં તો એવી વાત છે કે જે પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળ્‌યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, રાગને પણ તે
જ્ઞાનથી ભિન્ન જ્ઞેય તરીકે જાણે છે. આવો જ્ઞાતા રાગાદિનો અકર્તા જ છે.

PDF/HTML Page 32 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૨૫ :
• [૪] •
પ્રવચન ચોથું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ અમાસ]
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈનશાસન આવી
જાય છે. જે અબદ્ધસ્પૃષ્ટ... આત્માને દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે–એમ પંદરમી ગાથામાં કહ્યું, અને
અહીં–‘જે જ્ઞાયકદ્રષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે’ એમ કહેવાય છે,–તે
બંનેનું તાત્પર્ય એક જ છે. દ્રષ્ટિને અંતરમાં વાળીને જ્યાં જ્ઞા...ય...ક ઉપર મીટ માંડી ત્યાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન
સાથે ચારિત્ર, આનંદ, વીર્ય વગેરેનું પણ શુદ્ધ પરિણમન થવા માંડ્યું, એ જ જૈનશાસન છે.
[૯૩] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સાત તત્ત્વોની શ્રદ્ધા.
જીવ ને અજીવ બંનેની અવસ્થા તે તે કાળે ક્રમબદ્ધ સ્વતંત્ર થાય છે, તેમને એક બીજા સાથે
કાર્યકારણપણું નથી. જીવનો જ્ઞાયકસ્વભાવ છે, તે જ્ઞાયકને જાણવાની મુખ્યતાપૂર્વક ક્રમબદ્ધપર્યાયનો જાણનાર
છે.–આવી પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે એટલે
तत्त्वार्थश्रद्धानरूप સમ્યગ્દર્શન આમાં આવી
જાય છે. સાતે તત્ત્વોની શ્રદ્ધા કઈ રીતે આવે છે તે કહે છે–
(૧–૨) મારા જ્ઞાનાદિ અનંતગુણોના ક્રમબદ્ધ જ્ઞાતાદ્રષ્ટા પરિણામપણે હું ઊપજું છું ને તેમાં હું તન્મય
છું–આવી સ્વસન્મુખ પ્રતીતિમાં જીવતત્ત્વની પ્રતીત આવી ગઈ; જ્ઞાતાદ્રષ્ટાપણે ઊપજતો થકો હું જીવ છું,
અજીવ નથી, એ રીતે અજીવથી ભિન્નપણાનું–કર્મના અભાવ વગેરેનું–જ્ઞાન પણ આવી ગયું; એટલે
અજીવતત્ત્વની પ્રતીત થઈ ગઈ.
(૩–૪–૫–૬) જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી શ્રદ્ધા–જ્ઞાન નિર્મળ થયા છે, ચારિત્રમાં પણ અંશે શુદ્ધતા
પ્રગટી છે, તેમ જ હજી સાધકદશા હોવાથી અમુક રાગાદિ પણ થાય છે. ત્યાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનું જેટલું
નિર્મળ પરિણમન છે તેટલા સંવર–નિર્જરા છે, તથા જેટલા રાગાદિ થાય છે તેટલે અંશે આસ્રવ–બંધ છે.
સાધકને તે શુદ્ધતા અને અશુદ્ધતા બંનેનું જ્ઞાન વર્તે છે, તેથી તેને આસ્રવ–બંધ–સંવર–નિર્જરા તત્ત્વોની પ્રતીત
પણ આવી ગઈ.
(૭) પરનો અકર્તા થઈને જ્ઞાયકસ્વભાવમાં એકાગ્ર થતાં ક્રમબદ્ધપર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી છે, ને હવે
આ જ ક્રમે જ્ઞાયકસ્વભાવમાં પૂર્ણ એકાગ્ર થતાં પૂર્ણ જ્ઞાતા–દ્રષ્ટાપણું (કેવળજ્ઞાન) પ્રગટી જશે ને મોક્ષદશા થઈ
જશે,–એવી શ્રદ્ધા હોવાથી મોક્ષતત્ત્વની પ્રતીત પણ તેમાં આવી ગઈ.
આ રીતે, જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધ–પર્યાયની પ્રતીત કરતાં તેમાં ‘तत्त्वार्थश्रद्धानं
सम्यग्दर्शनम्’ પણ આવી જાય છે.
[૯૪] સદોષ આહાર છોડવાનો ઉપદેશ અને ક્રમબદ્ધપર્યાય–તેનો મેળ.
પ્રશ્ન:– જો પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, આહાર પણ જે આવવાનો હોય તે જ આવે છે, તો પછી–
‘મુનિઓએ સદોષ આહાર છોડવો ને નિર્દોષ આહાર લેવો’–એવો ઉપદેશ શા માટે?
ઉત્તર:– ત્યાં એમ ઓળખાણ કરાવી છે કે જ્યાં મુનિદશા થઈ હોય ત્યાં એ પ્રકારનો સદોષ આહાર
લેવાનો ભાવ હોતો જ નથી; તે ભૂમિકાનો ક્રમ જ એવો છે કે ત્યાં સદોષ આહાર લેવાની વૃત્તિ જ ન થાય.
આવો આહાર લેવો ને આવો આહાર છોડવો–એ તો નિમિત્તનું કથન છે. પણ કોઈ એમ કહે કે “ભલે સદોષ
આહાર આવવાનો હશે તો સદોષ આવશે, પણ અમને તે સદોષ આહારના ગ્રહણની વૃત્તિ નથી”–તો તે તો
સ્વછંદી છે, તેની દ્રષ્ટિ જ આહાર ઉપર છે, જ્ઞાયક ઉપર તેની દ્રષ્ટિ નથી. મુનિઓને તો જ્ઞાનમાં એટલી બધી
સરળતા થઈ ગઈ છે કે ‘આ આહાર મારા માટે બનાવેલો હશે!’ એટલી વૃત્તિ ઊઠે તો પણ (–પછી ભલે તે
આહાર તેમના માટે કરેલો ન

PDF/HTML Page 33 of 69
single page version

background image
: ૨૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
હોય ને નિર્દોષ હોય તો પણ–) તે આહાર લેવાની વૃત્તિ છોડી દે છે. અને કદાચિત ઉદ્દેશીક (–મુનિને માટે
બનાવેલો) આહાર હોય પણ જો શંકાની વૃત્તિ પોતાને ન ઊઠે ને તે આહાર લ્યે તો પણ મુનિને ત્યાં કાંઈ દોષ
લાગતો નથી. આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારનું જોર પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ જાય છે. પુરુષાર્થનું જોર
જ્ઞાયકસ્વભાવ તરફ વળ્‌યા વગર ક્રમબદ્ધપર્યાયનો બધા પડખેથી યથાર્થ નિર્ણય થાય જ નહિ.
[૯૫] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં જૈનશાસન.
જુઓ, પોતાના જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવની પ્રતીતપૂર્વક આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો ત્યાં પોતાની
ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાતાપણાની જ અધિકતા થઈ, ને રાગનો પણ જ્ઞાતા જ રહ્યો; ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈનશાસન આવી જાય છે. જે અબદ્ધસ્પૃષ્ટ...આત્માને દેખે છે
તે સમસ્ત જિનશાસનને દેખે છે–એમ પંદરમી ગાથામાં કહ્યું, અને અહીં–‘જે જ્ઞાયકદ્રષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો
નિર્ણય કરે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે’ –એમ કહેવાય છે,–તે બંનેનું તાત્પર્ય એક જ છે. દ્રષ્ટિને અંતરમાં
વાળીને જ્યાં જ્ઞા... ય... ક ઉપર મીટ માંડી ત્યાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન સાથે ચારિત્ર, આનંદ, વીર્ય વગેરેનું પણ
શુદ્ધપરિણમન થવા માંડ્યું, એ જ જૈનશાસન છે; પછી ત્યાં સાધકદશામાં અસ્થિરતાનો રાગ અને કર્મનું નિમિત્ત
વગેરે કેવાં હોય તે પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞેયપણે જણાઈ જાય છે.
જે જીવમાં કે અજીવમાં, જે સમયે જે પર્યાયની યોગ્યતાનો કાળ છે તે સમયે તે પર્યાયરૂપે તે સ્વયં
પરિણમે છે, કોઈ બીજા નિમિત્તને લીધે તે પર્યાય થતી નથી. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરનાર જીવ
પોતાના જ્ઞાયકભાવનો આશ્રય કરીને જ્ઞાતાદ્રષ્ટાભાવપણે જ ઊપજે છે, પણ અજીવના આશ્રયે ઊપજતો નથી.
સાધક હોવાથી ભલે અધૂરી દશા છે, તો પણ જ્ઞાયકસ્વભાવના આશ્રયની મુખ્યતાથી જ્ઞાયકપણે જ ઊપજે છે,
રાગાદિની મુખ્યતાપણે ઊપજતો નથી. જેણે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તે જ ખરેખર
સર્વજ્ઞને જાણે છે, તે જ જૈનશાસનને જાણે છે, તે જ ઉપાદાન–નિમિત્તને અને નિશ્ચયવ્યવહારને યથાર્થપણે
ઓળખે છે. જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી તેને તે કાંઈપણ યથાર્થ–સાચું હોતું નથી.
[૯૬] આચાર્યદેવના અલૌકિક મંત્રો.
અહો! આ તો કુંદકુંદાચાર્યદેવના ને અમૃતચંદ્રાચાર્યદેવના અલૌકિક મંત્રો છે. જેને આત્માની પરિપૂર્ણ
જ્ઞાનશક્તિનો વિશ્વાસ આવે તેને જ આ ક્રમબદ્ધપર્યાય સમજાય તેમ છે. સમયસારમાં આચાર્યદેવે ઠેકઠેકાણે આ
વાત મૂકી છે–
મંગલાચરણમાં જ સૌથી પહેલા કળશમાં શુદ્ધાત્માને નમસ્કાર કરતાં કહ્યું હતું કે ‘सर्वभावांतरच्छिदे
એટલે કે શુદ્ધાત્મા પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત,
એક જ સમયે જાણનારો છે. અહીં સર્વ ક્ષેત્રકાળ સંબંધી જાણવાનું કહ્યું તેમાં ક્રમબદ્ધપર્યાય હોવાનું આવી જ ગયું.
(‘स्वानुभूत्या चकासते’ એટલે કે પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે–એમ કહીને તેમાં સ્વ–પ્રકાશકપણું
પણ બતાવ્યું છે.)
પછી બીજી ગાથામાં જીવનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે– ‘ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો
સ્વભાવ હોવાથી જેણે ગુણ–પર્યાયો અંગીકાર કર્યા છે.’–તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત આવી ગઈ.
ત્યાર પછી ‘અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ...’ એમ ૬૨મી ગાથામાં
કહ્યું તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત સમાઈ ગઈ.
ત્યાર પછી કર્તા કર્મ અધિકારની ગા. ૭૬–૭૭–૭૮માં ‘પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય’ એવા કર્મની વાત કરી;
ત્યાં કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને એટલે કે ફેરફાર કરીને પણ કરતો નથી, માત્ર જેને
પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે,–એમ કહ્યું તેમાં પણ પર્યાયનું ક્રમબદ્ધપણું આવી ગયું. દ્રવ્ય પોતાની
ક્રમબદ્ધપર્યાયને સમયે સમયે પ્રાપ્ત કરે છે–પહોંચી વળે છે.
ત્યાર બાદ પુણ્ય–પાપ અધિકારની ગા. ૧૬૦ ‘सो सव्वणाणदरिसी...’ માં કહ્યું કે આત્મદ્રવ્ય પોતે જ
‘જ્ઞાન’ હોવાને લીધે વિશ્વને (સર્વ પદાર્થોને) સામાન્ય–વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે... પણ પોતાના
પુરુષાર્થના અપરાધથી સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને (અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા
પોતાને) જાણતું નથી તેથી અજ્ઞાનભાવે વર્તે છે. અહીં “વિશ્વને સામાન્ય–વિશેષપણે જાણવાનો સ્વભાવ” કહેતાં
તેમાં ક્રમબદ્ધપર્યાયની વાત પણ

PDF/HTML Page 34 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૨૭ :
સમાઈ ગઈ. જીવ પોતાના સર્વજ્ઞસ્વભાવને જાણતો નથી તેથી જ અજ્ઞાની છે. જો પોતાના સર્વજ્ઞસ્વભાવને જાણે
તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જાય ને અજ્ઞાન રહે નહિ.
આસ્રવઅધિકારમાં ગા. ૧૬૬ માં “પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે”–એમ કહ્યું ત્યાં
જ્ઞેયોનું ક્રમબદ્ધપણું આવી ગયું.
ત્યાર પછી સંવરઅધિકારમાં “ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધમાં કે કર્મ–નોકર્મમાં ઉપયોગ નથી” એમ
કહ્યું, ત્યાં ઉપયોગના સ્વપરપ્રકાશક સ્વભાવમાં ક્રમબદ્ધપર્યાયની વાત પણ સિદ્ધ થઈ જાય છે.
પછી નિર્જરા–અધિકાર ગા. ૨૧૬ માં વેદ્ય અને વેદક બંને ભાવોનું ક્ષણિકપણું બતાવ્યું, તે બંને ભાવો કદી
ભેગા થતા નથી–એમ કહીને તેનું ક્રમબદ્ધપણું બતાવ્યું. સમય–સમયની ઉત્પન્ન–ધ્વંશી પર્યાય ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ
નથી પણ ધુ્રવ જ્ઞાયકસ્વભાવ ઉપર તેની દ્રષ્ટિ છે, ધુ્રવ–જ્ઞાયક ઉપર દ્રષ્ટિ રાખીને તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે.
ત્યાર પછી બંધ–અધિકારમાં ૧૬૮ મા કળશ (सर्वं सदैवनियतं....) માં કહ્યું કે આ જગતમાં જીવોને
મરણ, જીવિત, દુઃખ, સુખ–બધુંય સદૈવ નિયમથી પોતાના કર્મના ઉદયથી થાય છે; ‘બીજો પુરુષ બીજાનાં મરણ,
જીવન, દુઃખ, સુખ કરે છે, આમ જે માનવું તે તો અજ્ઞાન છે.’ એટલે આત્મા તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, પણ
તેનો ફેરવનાર નથી–એ વાત તેમાં આવી ગઈ.
મોક્ષ–અધિકારમાં પણ ગા. ૨૯૭–૮–૯માં છ કારકોનું વર્ણન કરીને, આત્માને ‘સર્વવિશુદ્ધચિન્માત્રભાવ’
કહ્યો ‘સર્વવિશુદ્ધચિન્માત્ર’ કહેતાં સામા જ્ઞેયપદાર્થોનાં પરિણામો પણ ક્રમબદ્ધ છે–એમ તેમાં આવી ગયું.
આ સર્વવિશુદ્ધ–અધિકારની ચાલતી ગાથાઓ (૩૦૮ થી ૩૧૧) માં પણ ક્રમબદ્ધપર્યાયની સ્પષ્ટ વાત
કરી છે.
બીજા શાસ્ત્રોમાં પણ અનેક ઠેકાણે આ વાત કરી છે. પં. બનારસીદાસજીએ શ્રી જિનેન્દ્રભગવાનનાં
૧૦૦૮ નામોમાં ‘क्रमवर्ती’ એવું પણ એક નામ આપ્યું છે.
[૯૭] સ્પષ્ટ અને મૂળભૂત વાત ‘–જ્ઞાનશક્તિનો વિશ્વાસ.’
આ તો સીધી ને સ્પષ્ટ વાત છે કે આત્મા જ્ઞાન છે, સર્વજ્ઞતાનું તેનામાં સામર્થ્ય છે; સર્વજ્ઞતામાં શું
જાણવાનું બાકી રહી ગયું? સર્વજ્ઞતાના સામર્થ્ય ઉપર જોર ન આવે તો ક્રમબદ્ધપર્યાય સમજાય નહિ. આ તરફ
સર્વજ્ઞતાના સામર્થ્યને પ્રતીતમાં લીધું ત્યાં જ્ઞેયોમાં ક્રમબદ્ધપર્યાયો છે તેનો નિર્ણય પણ થઈ ગયો. આ રીતે
આત્માના મૂળભૂત જ્ઞાયકસ્વભાવની આ વાત છે. આનો નિર્ણય ન કરે તો સર્વજ્ઞની પણ સાચી શ્રદ્ધા થતી નથી.
આત્માની જ્ઞાન–શક્તિનો જ વિશ્વાસ ન આવે તેને જૈનશાસનની એકકેય વાત સમજાય તેવી નથી.
સમકીતિ પોતાના જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાતાપણાના ક્રમબદ્ધ પરિણામે ઊપજતો થકો જીવ જ
છે, પણ કર્મનો આશ્રય કરીને ઊપજતો નથી તેથી અજીવ નથી.
ત્યાર પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા વડે છટ્ઠા–સાતમા ગુણસ્થાનરૂપ મુનિદશા પ્રગટી, તે મુનિદશારૂપે
પણ જીવ પોતે જ પોતાના ક્રમબદ્ધપરિણામથી ઊપજતો થકો જીવ જ છે, પણ નિર્દોષ આહાર વગેરેના આશ્રયે તે
પર્યાયપણે ઊપજતો નથી માટે અજીવ નથી.
ત્યાર પછી કેવળજ્ઞાન દશા થઈ, તેમાં પણ જીવ પોતે જ ક્રમબદ્ધ પરિણમીને તે અવસ્થાપણે ઊપજ્યો છે,
તેથી તે જીવ જ છે, પણ ચોથો આરો કે શરીરનું સંહનન વગેરે અજીવના કારણે તે અવસ્થા ઊપજી નથી, તેમજ
જીવે તે અજીવની અવસ્થા કરી નથી, તેથી તે અજીવ નથી.
[૯૮] અહો! જ્ઞાતાની ક્રમબદ્ધ ધારા!
જુઓ, આ જ્ઞાતાની ક્રમબદ્ધપર્યાય!–આમાં તો કેવળજ્ઞાન સમાય છે, મોક્ષમાર્ગ આવી જાય છે,
સમ્યગ્દર્શન આવી જાય છે. અને આનાથી વિરુદ્ધ માનનાર અજ્ઞાની કેવો હોય તેનું જ્ઞાન પણ આવી જાય છે.
જીવ અન અજીવ બધા તત્ત્વોનો નિર્ણય આમાં આવી જાય છે.
જુઓ, આ સત્યની ધારા!–જ્ઞાયકભાવનો ક્રમબદ્ધ પ્રવાહ!! જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં એકતા
વડે સમ્યગ્દર્શનથી શરૂ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી એકલા જ્ઞાયકભાવની ક્રમબદ્ધ ધારા ચાલી જાય છે.
શાસ્ત્રમાં ઉપદેશ કથન અનેક પ્રકારનાં આવે, તે તે કાળે સંતોને તેવો વિકલ્પ ઊઠતાં તે પ્રકારની
ઉપદેશવાણી નીકળી; ત્યાં જ્ઞાતા તો પોતાના જ્ઞાયકભાવની ધારાપણે ઊપજતો થકો તે વાણી અને વિકલ્પનો
જ્ઞાતા જ છે, પણ તેમાં તન્મય થઈને તે–રૂપે ઊપજતો નથી.

PDF/HTML Page 35 of 69
single page version

background image
: ૨૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
જગતનો કોઈ પદાર્થ વચ્ચે આવીને જીવની ક્રમબદ્ધપર્યાયને ફેરવી નાંખે એમ ત્રણકાળમાં બનતું નથી;
જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતો થકો જીવ જ છે; એ જ પ્રમાણે અજીવ પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે
ઊપજતું થકું અજીવ જ છે. જે જીવ આવો નિર્ણય અને ભેદજ્ઞાન નથી કરતો તે જીવ અજ્ઞાનપણે ભ્રાંતિમાં ભ્રમણ
કરી રહ્યો છે.
[૯૯] જ્ઞાનના નિર્ણયમાં ક્રમબદ્ધનો નિર્ણય.
પ્રશ્ન:– ત્રણકાળની પર્યાય ક્રમબદ્ધ છે, છતાં કાલની વાત પણ કેમ જણાતી નથી?
ઉત્તર:– એનો જાણનાર–જ્ઞાયક કોણ છે તેનો તો પહેલા નિર્ણય કરો. જાણનારનો નિર્ણય કરતાં
ત્રણકાળની ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જશે. વળી જુઓ, ગઈ કાલે શનિવાર હતો ને આવતી કાલે
સોમવાર જ આવશે, ત્યાર પછી મંગળવાર જ આવશે,–એ પ્રમાણે સાતે વારનું ક્રમબદ્ધપણું જાણી શકાય છે કે
નહીં? ‘ઘણા કાળ પછી ક્યારેક સોમવાર પછી શનિવાર આવી જશે તો? અથવા રવિવાર પછી બુધવાર આવી
જશે તો?–એમ કદી શંકા નથી પડતી, કેમ કે તે પ્રકારનો ક્રમબદ્ધપણાનો નિર્ણય થયો છે; તેમ આત્માના
કેવળજ્ઞાનસ્વભાવની પ્રતીત કરતાં બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે. અહીં તો ‘ક્રમબદ્ધપર્યાય’
કહેતાં જ્ઞાયકનો નિર્ણય કરવાનું પ્રયોજન છે. જ્ઞાતા પોતાના સ્વભાવસન્મુખ થઈને પરિણમ્યો ત્યાં પોતે સ્વકાળે
ક્રમબદ્ધ પરિણમે છે, ને તેનું સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે પરને પણ ક્રમબદ્ધ પરિણમતા જાણે છે, એટલે તેનો
તે કર્તા થતો નથી.
[૧૦૦] ‘નિમિત્ત ન આવે તો?’–એમ કહેનાર નિમિત્તને જાણતો નથી.
પ્રશ્ન:– જો વસ્તુની ક્રમબદ્ધપર્યાય એની મેળે નિમિત્ત વિના થઈ જતી હોય તો, આ પીંછી અહીં પડી છે
તેને હાથના નિમિત્ત વિના ઊંચી કરી દ્યો!
ઉત્તર:– અરે ભાઈ! પીંછીની અવસ્થા પીંછીમાં, ને હાથની અવસ્થા હાથમાં,–તેમાં તું શું કર? પીંછી તેના
ક્ષેત્રાંતરની ક્રમબદ્ધપર્યાયથી જ ઊંચી થાય છે, અને તે વખતે હાથ વગેરે નિમિત્ત પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે
હોય જ છે, ન હોય એમ બનતું નથી. આ રીતે નિમિત્તનું અસ્તિત્વ હોવા છતાં તેને જે નથી માનતો, અને
‘નિમિત્ત ન આવે તો...’ એમ તર્ક કરે છે તે ક્રમબદ્ધપર્યાયને કે ઉપાદાનનિમિત્તને સમજ્યો જ નથી. ‘છે’ પછી
‘ન હોય તો...’ એ પ્રશ્ન જ ક્યાંથી આવ્યો?
[૧૦૧] ‘નિમિત્ત વિના ન થાય’–એનો આશય શું?
ઉપાદાન–નિમિત્તની સ્પષ્ટતા બહાર આવતાં હવે કેટલાક લોકો એવી ભાષા વાપરે છે કે– ‘નિમિત્ત ભલે
કાંઈ કરતું નથી, પણ નિમિત્ત વિના તો થતું નથી ને!’ પણ ઊંડાણમાં તો તેમનેય નિમિત્તાધીન દ્રષ્ટિ જ પડી છે.
નિમિત્ત હોય છે તેને પ્રસિદ્ધિ કરવા માટે ‘નિમિત્ત વિના ન થાય’–એમ પણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે; પરંતુ–
‘કાર્ય થવાનું હોય, ને નિમિત્ત ન આવે તો ન થાય’ એવો તેનો અર્થ નથી. દેવસેનાચાર્ય નયચક્ર પૃ. ૫૨–૫૩માં
કહે છે કે “જો કે મોક્ષરૂપી કાર્યમાં ભૂતાર્થથી જાણેલો આત્મા વગેરે ઉપાદાન કારણ છે, તો પણ તે સહકારી
કારણના વિના સિદ્ધ નથી થતું; તેથી સહકારી કારણની પ્રસિદ્ધિ અર્થે નિશ્ચય અને વ્યવહારનો અવિનાભાવ
સંબંધ બતાવે છે.” આમાં તો, ક્રમબદ્ધપર્યાયમાં ઉપાદાનની યોગ્યતા વખતે તે તે પ્રકારનું નિમિત્ત હોય જ છે–
એમ જ્ઞાન કરાવ્યું છે; કોઈ અજ્ઞાની, નિમિત્તને સર્વથા માનતો ન હોય તો, ‘નિમિત્ત વિના ન થાય’ એમ કહીને
નિમિત્તની પ્રસિદ્ધિ કરાવી છે એટલે કે તેનું જ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું ને નિમિત્ત
ન હોત તો તે પર્યાય ન થાત’–એવો તેનો સિદ્ધાંત નથી. ‘નિમિત્ત વિના ન થાય’ તેનો આશય એટલો જ છે કે
જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં તે હોય છે, ન હોય એમ બનતું નથી. શાસ્ત્રોમાં તો નિમિત્તના ને વ્યવહારના અનેક
લખાણો ભર્યા છે, પણ સ્વ–પરપ્રકાશક જ્ઞાતા જાગ્યા વિના તેના આશય ઉકેલશે કોણ?
[૧૦૨] શાસ્ત્રોના ઉપદેશ સાથે ક્રમબદ્ધપર્યાયની સંધિ.
કુંદકુંદાચાર્યદેવની આજ્ઞાથી જયસેનાચાર્યદેવે બે દિવસમાં જ એક પ્રતિષ્ઠાપાઠની રચના કરી છે, તેમાં
પ્રતિષ્ઠા સંબંધી ક્રિયાઓનું શરૂઆતથી માંડીને ઠેઠ સુધીનું વર્ણન કર્યું છે. પ્રતિમાજી માટે આવો પાષાણ લાવવો,
આવી વિધિથી લાવવો, આવા કારીગરો પાસે પ્રતિમા ઘડાવવી; તેમજ અમુક વિધિ માટે માટી લેવા જાય ત્યાં

PDF/HTML Page 36 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૨૯ :
જમીન ખોદીને માટી લઈ લ્યે અને પછી વધેલી માટીથી તે ખાડો પૂરતાં જો માટી વધે તો તે શુભ શુકન
સમજવા.–ઈત્યાદિ અનેક વિધિનું વર્ણન આવે છે, પણ આત્માનું જ્ઞાયકપણું રાખીને તે બધી વાત છે. જ્ઞાયકપણું
ચૂકીને કે ક્રમબદ્ધપણું તોડીને તે વાત નથી. પ્રતિષ્ઠા કરાવનારને તે પ્રકારનો વિકલ્પ હોય છે અને માટી વગેરેની
તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે–તેની ત્યાં ઓળખાણ કરાવી છે, પણ અજીવની પર્યાયને જીવ કરી દ્યે છે એમ ત્યાં
નથી બતાવવું. પ્રતિષ્ઠામાં ‘સિદ્ધચક્રમંડલવિધાન’ ને ‘યાગમંડલવિધાન’ વગેરેના મોટો મોટા રંગબેરંગી મંડલ
રચાય, ને શાસ્ત્રમાં પણ તેનો ઉપદેશ આવે, છતાં પણ તે બધું ક્રમબદ્ધ જ છે; શાસ્ત્રમાં તેનો ઉપદેશ આપ્યો તેથી
કાંઈ તેનું ક્રમબદ્ધપણું ફરી ગયું કે જીવ તેનો કર્તા થઈ ગયો – એમ નથી. જ્ઞાતા તો પોતાને જાણતો થકો તેને
પણ જાણે છે. ને પોતે પોતાના જ્ઞાયકભાવરૂપ ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે.
એ જ રીતે સમિતિના ઉપદેશમાં પણ ‘જોઈને ચાલવું વિચારીને બોલવું, જતનાની વસ્તુ લેવી–મૂકવી’
ઈત્યાદિ કથન આવે, પણ તેનો આશય શરીરની ક્રિયાને જીવ કરી શકે છે–એમ બતાવવાનો નથી. મુનિદશામાં તે તે
પ્રકારનો પ્રમાદભાવ થતો જ નથી, હિંસાદિનો અશુભભાવ થતો જ નથી–એવું જ મુનિદશાની ક્રમબદ્ધપર્યાયનું
સ્વરૂપ છે–તે ઓળખાવ્યું છે. નિમિત્તથી કથન કરીને સમજાવે, તેથી કાંઈ ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત તૂટી જતો નથી.
[૧૦૩] સ્વયં પ્રકાશી જ્ઞાયક.
શરીર વગેરેનો એકેક પરમાણુ સ્વતંત્રપણે તેની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમી રહ્યો છે, તેને બીજો કોઈ
અન્યથા ફેરવી શકે એમ ત્રણકાળમાં બનતું નથી. અહો! ભગવાન આત્મા તો સ્વયં પ્રકાશી છે, પોતાના
જ્ઞાયકભાવ વડે તે સ્વ–પરનો પ્રકાશક જ છે. પણ અજ્ઞાનીને એ જ્ઞાયકસવભાવની વાત બેસતી નથી. હું જ્ઞાયક,
ક્રમબદ્ધપર્યાયો જેમ છે તેમ તેનો હું જાણનાર છું,–જાણનાર જ છું પણ કોઈનો ફેરવનાર નથી–આવી સ્વસન્મુખ
પ્રતીત ન કરતાં, અજ્ઞાની જીવ કર્તા થઈને પરને ફેરવવાનું માને છે, તે મિથ્યામાન્યતા જ સંસારભ્રમણનું મૂળ છે.
બધા જીવો સ્વયંપ્રકાશી જ્ઞાયક છે; તેમાં–
(૧) કેવળીભગવાન ‘પૂરા જ્ઞાયક’ છે; (તેમને જ્ઞાયકપણું પૂરું વ્યક્ત થઈ ગયું છે.)
(૨) સમકીતિ–સાધક ‘અધૂરા જ્ઞાયક’ છે; (તેમને પૂર્ણ જ્ઞાયકપણું પ્રતીતમાં આવી ગયું છે, પણ હજી
પૂરું વ્યક્ત થયું નથી.)
(૩) અજ્ઞાની ‘વિપરીત–જ્ઞાયક’ છે; (તેને પોતાના જ્ઞાયકપણાની ખબર નથી.)
જ્ઞાયકસ્વભાવની અપ્રતીત તે સંસાર,
જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે સાધકદશા તે મોક્ષમાર્ગ, અને જ્ઞાયકસ્વભાવ પૂરો ખીલી જાય તે
કેવળજ્ઞાન ને મોક્ષ.
[૧૦૪] દરેક દ્રવ્ય ‘નિજ–ભવન’માં જ બિરાજે છે.
જગતમાં દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તદ્રૂપ છે, પણ પર સાથે તદ્રૂપ નથી. પોતપોતાના ભાવનું
જે ‘ભવન’ છે તેમાં જ દરેક દ્રવ્ય બિરાજે છે. જીવના ગુણ–પર્યાયો તે જીવનો ભાવ છે ને જીવ ભાવવાન છે,
અજીવના ગુણ–પર્યાયો તે તેનો ભાવ છે ને અજીવ ભાવવાન છે. પોતપોતાના ભાવનું જે ભવન–એટલે કે
પરિણમન–તેમાં જ સૌ દ્રવ્ય બિરાજે છે. જીવના ભવનમાં અજીવ ગરતો નથી–પ્રવેશતો નથી, ને અજીવના
ભવનમાં જીવ ગરતો નથી. એ જ પ્રમાણે એક જીવના ભવનમાં બીજો જીવ ગરતો નથી તેમજ એક અજીવના
ભવનમાં બીજો અજીવ ગરતો નથી. જીવ કે અજીવ દરેક દ્રવ્ય પોતપોતાના નિજ–ભવનમાં (નિજ પરિણમનમાં)
બિરાજે છે, પોતાના નિજ–ભવનમાંથી બહાર નીકળીને બીજાના ભવનમાં કોઈ દ્રવ્ય જતું નથી.
સુદ્રષ્ટિ–તરંગિણીમાં છ મુનિઓનો દાખલો આપીને કહ્યું છે કે: જેમ એક ગુફામાં ઘણા કાળથી છ મુનિરાજ
રહે છે, પરંતુ કોઈ કોઈથી મોહિત નથી, ઉદાસીનતા સહિત એક ગુફામાં રહે છે, છએ મુનિવરો પોતપોતાના
સ્વરૂપસાધનમાં એવા લીન છે કે બીજા મુનિઓ શું કરે છે તેના ઉપર લક્ષ જતું નથી, એક બીજાથી નિરપેક્ષપણે સૌ
પોતપોતામાં એકાગ્રપણે બિરાજે છે. તેમ આ ચૌદ બહ્માંડરૂપી ગુફામાં જીવાદિ છએ દ્રવ્યો એક બીજાથી નિરપેક્ષપણે
પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે, કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી, બધા દ્રવ્યો પોતપોતાના
ગુણ–પર્યાયોમાં જ રહેલા છે; જગતની ગુફામાં છએ દ્રવ્યો સ્વતંત્રપણે પોતપોતાના સ્વરૂપમાં પરિણમી રહ્યા છે.
તેમાં ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવવાળો છે, આત્મા સિવાયના પાંચે દ્રવ્યોમાં જ્ઞાયકપણું નથી.

PDF/HTML Page 37 of 69
single page version

background image
: ૩૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
[૧૦૫] આ વાત નહિ સમજનારાઓની કેટલીક ભ્રમણાઓ.
આત્મા જ્ઞાયક છે, ને જ્ઞાયકસ્વભાવે પરિણમતો તે ક્રમબદ્ધપર્યાયોનો જ્ઞાતા જ છે. આમાં
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિનું અનંતુ જોર આવે છે, તે નહિ સમજનારા અજ્ઞાની મૂઢ જીવોને આમાં એકાંત નિયતપણું
જ ભાસે છે, પણ તેની સાથે સ્વભાવ અને પુરુષાર્થ, શ્રદ્ધા અને જ્ઞાન વગેરે આવી જાય છે તે તેને ભાસતા નથી.
કેટલાક લોકો આ વાત સાંભળ્‌યા પછી ક્રમબદ્ધપર્યાયની વાતો કરતા શીખ્યા છે, પણ તેનું ધ્યેય ક્યાં જાય
છે ને તે સમજનારની દશા કેવી હોય તે જાણતા નથી, એટલે તેઓ પણ ભ્રમણામાં જ રહે છે.
“આપણે નિમિત્ત થઈને પરની અવસ્થામાં ફેરફાર કરી દઈએ” એમ કેટલાક અજ્ઞાનીઓ માને છે તેઓ
પણ મૂઢ છે.
પ્રશ્ન:– જો એમ છે, તો પચીસ માણસને જમવાનું કહીને પછી બેસી રહે તો શું એની મેળે રસોઈ વગેરે
થઈ જશે!!
ઉત્તર:– ભાઈ, આ તો અંર્તદ્રષ્ટિની ઊંડી વાત છે, એમ અદ્ધરથી બેસી જાય એવી આ વાત નથી. જેને
જમવાનું કહેવાનો વિકલ્પ આવ્યો, તે કાંઈ વીતરાગ નથી, એટલે તેને વિકલ્પ આવ્યા વગર રહેશે નહિ; પરંતુ
જીવને વિકલ્પ આવે તો પણ ત્યાં વસ્તુમાં ક્રમબદ્ધપણે જે અવસ્થા થવાની છે તેમ જ થાય છે. આ જીવ વિકલ્પ
કરે છતાં સામી વસ્તુમાં તેવી અવસ્થા ન પણ થાય; માટે વિકલ્પને લીધે બહારનું કાર્ય થાય છે–એમ નથી. અને
વિકલ્પ થાય તેના ઉપર પણ જ્ઞાનીની દ્રષ્ટિનું જોર નથી.
[૧૦૬] ‘જ્ઞાની શું કરે છે’–તે અંર્તદ્રષ્ટિ વિના ઓળખાય નહિ.
પ્રશ્ન:– શરીરમાં રોગ થવો કે મટવો તે બધી અજીવની ક્રમબદ્ધપર્યાય છે–એમ જ્ઞાની જાણે છે, છતાં પણ તે
દવા તો કરે છે, ખાય–પીયે–બધું કરે છે!
ઉત્તર:– અરે મૂઢ! તને જ્ઞાયકભાવની ખબર નથી એટલે તારી બાહ્યદ્રષ્ટિથી તને જ્ઞાની એ બધું કરતા
દેખાય છે, પણ જ્ઞાની તો પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપરની દ્રષ્ટિથી જ્ઞાયકભાવમાં જ તન્મયપણે પરિણમી રહ્યા છે,
રાગમાં પણ તન્મય થઈને તે પરિણમતા નથી, ને પરની કર્તાબુદ્ધિ તો તેને સ્વપ્ને પણ રહી નથી. અંર્તદ્રષ્ટિ
વિના જ્ઞાનીના પરિણમનની તને ખબર નહિ પડે. જ્ઞાનીને હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી તેથી અસ્થિરતામાં
અમુક રાગાદિ થાય છે, તેને તે જાણે છે, પરંતુ એકલા રાગને જાણવાની પણ પ્રધાનતા નથી. જ્ઞાયકને જાણવાની
મુખ્યતાપૂર્વક રાગને પણ જાણે છે; અને અનંતાનુબંધી રાગાદિ તો તેને થતા જ નથી, તેમજ જ્ઞાયકદ્રષ્ટિમાં
સ્વસન્મુખ પુરુષાર્થ પણ ચાલુ જ છે. સ્વછંદ પોષે એવા જીવોને માટે આ વાત નથી.
[૧૦૭] બે લીટીમાં અદ્ભુત રચના!
અહો! બે લીટીની ટીકામાં તો આચાર્યદેવે જગતના જીવ ને અજીવ બધાય દ્રવ્યોની સ્વતંત્રતાનો નિયમ
મૂકીને અદ્ભુત રચના કરી છે. જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી
રીતે અજીવ પણ પોતાનાં ક્રમબદ્ધપરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી. જીવ તે અજીવની પર્યાયને
કરે, કે અજીવ તે જીવની પર્યાયને કરે, એમ જે માને તેને જીવ અજીવના ભિન્નપણાની પ્રતીત રહેતી નથી એટલે
કે મિથ્યાશ્રદ્ધા થઈ જાય છે.
[૧૦૮] અભાવ છે ત્યાં ‘પ્રભાવ’ કઈ રીતે પાડે?
પ્રશ્ન:– એક બીજાનું કાંઈ કરે તો નહિ, પણ પરસ્પર નિમિત્ત થઈને પ્રભાવ તો પાડે ને?
ઉત્તર:– કઈ રીતે પ્રભાવ પાડે? –શું પ્રભાવ પાડીને પરની અવસ્થાને કોઈ ફેરવી શકે છે? કાર્ય થયું તેમાં
નિમિત્તનો તો અભાવ છે તો તેણે પ્રભાવ કઈ રીતે પાડયો? જીવ પોતાના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની અપેક્ષાએ
સત્ છે, પણ પર વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની અપેક્ષાએ તે અસત્ છે, એટલે પરદ્રવ્યની અપેક્ષાએ તે અદ્રવ્ય
છે, પરક્ષેત્રની અપેક્ષાએ તે અક્ષેત્ર છે, પરકાળની અપેક્ષાએ તે અકાળ છે, ને પર વસ્તુના ભાવની અપેક્ષાએ તે
અભાવરૂપ છે; તેમજ આ જીવના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની અપેક્ષાએ બીજી બધી વસ્તુઓ અદ્રવ્ય–અક્ષેત્ર–અકાળ
ને અભાવ રૂપ છે. તો પછી કોઈ કોઈનામાં પ્રભાવ પાડે એ વાત રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર ને ભાવને તો સ્વતંત્ર
કહે, પણ કાળ એટલે કે સ્વપર્યાય તે પરને લીધે(નિમિત્તને લીધે) થાય એમ માને તે પણ સ્વતંત્ર વસ્તુસ્વરૂપને
સમજ્યો નથી. દરેક વસ્તુ સમયે

PDF/HTML Page 38 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૩૧ :
સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એટલે કે તેનો સ્વકાળ પણ પોતાથી–સ્વતંત્ર છે.
એક પંડિતજી એમ કહે છે, કે “અમુક અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવમાં એવી શક્તિ છે કે નિમિત્ત થઈને
બીજામાં પ્રભાવ પાડે”–પણ જો નિમિત્ત પ્રભાવ પાડીને પરની પર્યાય ફેરવી દેતું હોય તો બે વસ્તુની ભિન્નતા જ
ક્યાં રહી? પ્રભાવ પડવાનું કહેવું તે તો ફક્ત ઉપચાર છે. જો પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી પોતાની પર્યાય
થવાનું માને તો, પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી પોતે નથી–એમ થઈ જાય છે એટલે પોતાની નાસ્તિ થઈ જાય
છે. એ જ પ્રમાણે પોતે નિમિત્ત થઈને પરની અવસ્થાને કરે તો સામી વસ્તુની નાસ્તિ થઈ જાય છે. તેમજ, કોઈ
દ્રવ્ય પરનું કાર્ય કરે તો તે દ્રવ્ય પરરૂપે છે–એમ થઈ ગયું એટલે પોતે પોતાપણે ન રહ્યું. જીવના સ્વકાળમાં જીવ
છે ને અજીવના સ્વકાળમાં અજીવ છે; કોઈ કોઈના કર્તા નથી.
વળી નિમિત્તનું બલવત્તરપણું બતાવવા ભુંડણીના દૂધનું દ્રષ્ટાંત આપે છે કે: ભુંડણીના પેટમાં દૂધ તો ઘણું
ભર્યું છે, પણ બીજો તે કાઢી શકતો નથી, તેના નાના–નાના બચ્ચાંઓના આકર્ષક મોઢાનું નિમિત્ત પામીને તે દૂધ
ઝટ તે બચ્ચાંઓના ગળામાં ઊતરી જાય છે.–માટે જુઓ, નિમિત્તનું કેવું સામર્થ્ય છે! –એમ કહે છે, પણ ભાઈ
રે! દૂધનો એકેક રજકણ તેના સ્વતંત્ર ક્રમબદ્ધસ્વભાવથી જ પરિણમી રહ્યો છે. એ જ પ્રમાણે “હળદર ને ખારો
ભેગો થતાં લાલ રંગ થયો, માટે ત્યાં એકબીજા ઉપર પ્રભાવ પડીને નવી અવસ્થા થઈ કે નહિ?”–એમ પણ
કોઈ કહે છે, પણ તે વાત સાચી નથી. હળદર અને ખારાના રજકણો ભેગા થયા જ નથી, તે બંનેના દરેક રજકણ
સ્વતંત્રપણે પોતપોતાના ક્રમબદ્ધપરિણામથી જ તેવી અવસ્થારૂપે ઊપજ્યા છે, કોઈ બીજાને કારણે તે અવસ્થા
નથી થઈ. જેમ હારમાં અનેક મોતી ગૂંથાયેલા છે, તેમ દ્રવ્યમાં અનાદિ અનંત પર્યાયોની હારમાળા છે, તેમાં દરેક
પર્યાયરૂપી મોતી ક્રમસર ગોઠવાયેલું છે.
[૧૦૯] દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તદ્રૂપ છે.
પહેલા તો આચાર્યદેવે મૂળ નિયમ બતાવ્યો કે જીવ અને અજીવ બંને દ્રવ્યો પોતપોતાની
ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે; હવે તેનું દ્રષ્ટાંત તથા હેતુ આપે છે. અહીં દ્રષ્ટાંત પણ ‘સુવર્ણ’નું આપ્યું છે,–સોનાને
કદી કાટ નથી લાગતો તેમ આ મૂળભૂત નિયમ કદી ફરતો નથી. જેમ કંકણ વગેરે પર્યાયોરૂપે ઊપજતા સુવર્ણને
પોતાના કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે, તેમ સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાત્મ્ય છે.
સોનામાં બંગડી વગેરે જે અવસ્થા થઈ, તે અવસ્થારૂપે સોનું પોતે ઊપજ્યું છે, સોની નહિ; જો સોની તે અવસ્થા
કરતો હોય તો તેમાં તે તદ્રૂપ હોવો જોઈએ. પરંતુ સોની અને હથોડી તો એક કોર જુદા રહેવા છતાં તે કંકણ
પર્યાય તો રહે છે, માટે સોની કે હથોડી તેમાં તદ્રૂપ નથી, સોનું જ પોતાની કંકણ આદિ પર્યાયમાં તદ્રૂપ છે. એ
પ્રમાણે બધાય દ્રવ્યોને પોતપોતાના પરિણામ સાથે જ તાદાત્મ્ય છે, પર સાથે નહિ.
જુઓ, આ ટેબલ પર્યાય છે, તેમાં તે લાકડાના પરમાણુઓ જ તદ્રૂપ થઈને ઊપજ્યા છે; સુતાર કે
કરવતના કારણે તે અવસ્થા થઈ એમ નથી. જો તે અવસ્થા સુતારે કરી હોય તો સુતાર તેમાં તન્મય હોવા જોઈએ.
પરંતુ અત્યારે સુતાર કે કરવત નિમિત્તપણે ન હોવા છતાં પણ તે પરમાણુઓમાં ટેબલ પર્યાય તો વર્તે છે; માટે
નક્કી થાય છે કે તે સુતારનું કે કરવતનું કાર્ય નથી. આ પ્રમાણે દરેક વસ્તુને પોતાની ક્રમબદ્ધ ઊપજતી પર્યાય સાથે
જ તાદાત્મ્યપણું છે, પરંતુ જોડે સંયોગરૂપે રહેલી બીજી ચીજ સાથે તેને તાદાત્મ્યપણું નથી. આમ હોવાથી જીવને
અજીવની સાથે કાર્ય–કારણપણું નથી, તેથી જીવ અકર્તા છે–એ વાત આચાર્યદેવ યુક્તિપૂર્વક સિદ્ધ કરશે.

PDF/HTML Page 39 of 69
single page version

background image
: ૩૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
• [૫] •
પ્રવચન પાંચમું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ એકમ]
જુઓ, આ ક્રમબદ્ધપર્યાયમાં ખરેખર તો જ્ઞાનસ્વભાવી આત્માની વાત છે; કેમ કે ક્રમબદ્ધપર્યાયનો
જાણનાર કોણ? ‘જ્ઞાયક’ને જાણ્યા વગર ક્રમબદ્ધપર્યાયને જાણશે કોણ? જ્ઞાયકસ્વભાવ તરફ વળીને
જ્ઞાયકભાવપણે જે પરિણમ્યો તે જ્ઞાયક થયો એટલે અકર્તા થયો, ને તે જ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો.
[૧૧૦] ક્રમબદ્ધપર્યાયે ઊપજતો જ્ઞાયક પરનો અકર્તા છે.
આ સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર છે; સર્વવિશુદ્ધજ્ઞાન એટલે શુદ્ધજ્ઞાયકભાવ, તે પરનો અકર્તા છે–એ વાત
અહીં સિદ્ધ કરવી છે.
પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતો જીવ પરનો કર્તા નથી ને પર તેનું કાર્ય નથી. પર્યાય
નવી થાય છે તે અપેક્ષાએ તે “ઊપજે છે” એમ કહ્યું છે, પહેલા તે પર્યાય ન હતી ને નવી પ્રગટી–એ રીતે
પહેલાની અપેક્ષાએ, તે નવી ઊપજી કહેવાય છે, પણ તે પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો દરેક સમયની પર્યાય તે
તે સમયનું સત્ છે, તેની ઉત્પત્તિ કે વિનાશ તે તો પહેલા અને પછીના સમયની અપેક્ષાએ છે.
“દ્રવ્ય વિના પર્યાય ન થાય એટલે કે દ્રવ્ય અને પર્યાય એ બે ચીજ વગર કર્તાકર્મપણું સિદ્ધ ન થાય”–એ
દલીલ તો જ્યારે કર્તાકર્મપણું સિદ્ધ કરવું હોય ત્યારે આવે; પરંતુ “પર્યાય પણ નિરપેક્ષ સત્ છે”–એમ સિદ્ધ કરવું
હોય ત્યાં એ વાત ન આવે. એકેક સમયની પર્યાય પણ પોતે પોતાથી સત્ છે, ‘દ્રવ્યથી નહિ આલિંગિત એવો
શુદ્ધપર્યાય છે,’ પર્યાય દ્રવ્યથી આલિંગિત નથી એટલે કે નિરપેક્ષ છે. (જુઓ, પ્રવચનસાર ગા. ૧૭૨ ટીકા)
અહીં એ વાત સિદ્ધ કરવી છે કે પોતાની નિરપેક્ષ ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતો જીવ તેમાં તદ્રૂપ છે. દ્રવ્ય પોતાની
પર્યાય સાથે તદ્રૂપ–એકમેક છે, પણ પરની પર્યાય સાથે તદ્રૂપ નથી, તેથી તેને પર સાથે કર્તાકર્મપણું નથી; એ રીતે
જ્ઞાયક આત્મા અકર્તા છે. આ કર્તાકર્મ અધિકાર નથી પણ સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર છે, એટલે અહીં જ્ઞાયકભાવ
પરનો અકર્તા છે–એવું અકર્તાપણું સિદ્ધ કરવું છે.
જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઊપજતો થકો જીવ છે, –અજીવ નથી. “ઊપજે છે”–કોણ ઊપજે છે?
જીવ પોતે. જીવ પોતે જે પરિણામપણે ઊપજે છે તેની સાથે તેને અનન્યપણું–એકપણું છે, અજીવ સાથે તેને
અનન્યપણુ નથી માટે તેને અજીવ સાથે કાર્યકારણપણું નથી. દરેક દ્રવ્યને પોતે જે પરિણામપણે ઊપજે છે તેની
સાથે જ અનન્યપણું છે, બીજાના પરિણામ સાથે તેને અનન્યપણું નથી તેથી તે અકર્તા છે. આત્મા પણ પોતાના
જ્ઞાયકભાવપણે ઊપજતો થકો તેની સાથે તન્મય છે, તે પોતાના જ્ઞાનપરિણામ સાથે એકમેક છે, પણ પર સાથે
એકમેક નથી, માટે તે પરનો અકર્તા છે. જ્ઞાયકપણે ઊપજતા જીવને કર્મ સાથે એકપણું નથી, માટે તે કર્મનો કર્તા
નથી; જ્ઞાયકદ્રષ્ટિમાં તે નવા કર્મબંધનને નિમિત્ત પણ થતો નથી માટે તે અકર્તા જ છે.
[૧૧૧] કર્મના કર્તાપણાનો વ્યવહાર કોને લાગુ પડે?
પ્રશ્ન:– આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહારથી તો આત્મા કર્મનો કર્તા છે ને?
ઉત્તર:– જ્ઞાયકસ્વરૂપ આત્મા ઉપર જેની દ્રષ્ટિ નથી ને કર્મ ઉપર દ્રષ્ટિ છે, એવો મિથ્યાદ્રષ્ટિ જીવ જ કર્મનો
વ્યવહારે કર્તા છે–એ વાત આચાર્યદેવ હવેની ગાથાઓમાં કહેશે. એટલે જેને હજી કર્મની સાથેનો સંબંધ તોડીને
જ્ઞાયકભાવરૂપે નથી પરિણમવું પણ કર્મની સાથે કર્તા–કર્મપણાનો વ્યવહાર રાખવો છે, તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે.
મિથ્યાત્વાદિ જડકર્મના કર્તાપણાનો વ્યવહાર અજ્ઞાનીને જ લાગુ પડે છે, જ્ઞાનીને નહિ.
પ્રશ્ન:– તો પછી જ્ઞાનીને ક્યો વ્યવહાર?

PDF/HTML Page 40 of 69
single page version

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૩૩ :
ઉત્તર:– જ્ઞાનીના જ્ઞાનમાં તો પોતાના જ્ઞાયકસ્વભાવને જાણવાની મુખ્યતા છે, અને મુખ્ય તે નિશ્ચય છે,
તેથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણવો તે નિશ્ચય છે; અને સાધકદશામાં વચ્ચે જે રાગ રહ્યો છે તેને જાણવો તે
વ્યવહાર છે. જ્ઞાનીને આવા નિશ્ચય–વ્યવહાર એક સાથે વર્તે છે. પરંતુ–મિથ્યાત્વાદિ કર્મપ્રકૃતિના બંધનમાં નિમિત્ત
થાય કે તેના વ્યવહાર કર્તા થાય–એવો વ્યવહાર જ્ઞાનીને હોતો જ નથી. તેને જ્ઞાયકદ્રષ્ટિના પરિણમનમાં કર્મ
સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ તૂટી ગયો છે. હવેની ગાથાઓમાં આચાર્યદેવ આ વાત વિસ્તારથી સમજાવશે.
[૧૧૨] વસ્તુનો કાર્યકાળ.
કાર્યકાળ કહો કે ક્રમબદ્ધપર્યાય કહો; જીવનો જે કાર્યકાળ છે તેમાં ઊપજતો થકો જીવ તેનાથી અનન્ય છે,
ને અજીવના કાર્યકાળથી તે ભિન્ન છે. જીવની જે પર્યાય થાય તેમાં અનન્યપણે જીવદ્રવ્ય ઊપજે છે. તે વખતે
જગતના બીજા જીવ–અજીવ દ્રવ્યો પણ સૌ પોતપોતાના કાર્યકાળે–ક્રમબદ્ધપર્યાયે–ઊપજે છે, પણ તે કોઈની સાથે
આ જીવને એકતા નથી.
તેમજ, અજીવનો જે કાર્યકાળ છે તેમાં ઊપજતું થકું અજીવ તેનાથી અનન્ય છે, ને જીવના કાર્યકાળથી તે
ભિન્ન છે. અજીવના એકેક પરમાણુની જે પર્યાય થાય તેમાં અનન્યપણે તે પરમાણુ ઊપજે છે, તેને બીજાની
સાથે એકતા નથી. શરીર ચાલે, ભાષા બોલાય ઈત્યાદિ પર્યાયપણે અજીવ ઊપજે છે, તે અજીવની ક્રમબદ્ધપર્યાય
છે, જીવને લીધે તે પર્યાય થતી નથી.
[૧૧૩] નિષેધ કોનો? નિમિત્તનો, કે નિમિત્તાધીન દ્રષ્ટિનો?
પ્રશ્ન:– આપ ક્રમબદ્ધપર્યાય હોવાનું કહો છો તેમાં નિમિત્તનો તો નિષેધ થઈ જાય છે? ક્રમબદ્ધપર્યાય
માનતાં નિમિત્તનો સર્વથા નિષેધ નથી થઈ જતો, પણ નિમિત્તાધીનદ્રષ્ટિનો નિષેધ થઈ જાય છે. પર્યાયમાં અમુક
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ભલે હો, પણ અહીં જ્ઞાયકદ્રષ્ટિમાં તેની વાત નથી. ક્રમબદ્ધપર્યાય માનતાં નિમિત્ત
હોવાનો સર્વથા નિષેધ પણ નથી થતો, તેમજ નિમિત્તને લીધે કાંઈ થાય–એ વાત પણ રહેતી નથી. નિમિત્ત
પદાર્થ તેના ક્રમબદ્ધસ્વકાળે તેનામાં ઊપજે છે, ને નૈમિત્તિકપદાર્થ પણ પોતાના સ્વકાળે પોતામાં ઊપજે છે, આમ
બન્નેનું ભિન્નભિન્ન પોતપોતામાં પરિણમન થઈ જ રહ્યું છે. “ઉપાદાનમાં પર્યાય થવાની યોગ્યતા તો છે, પણ
જો નિમિત્ત આવે તો થાય ને ન આવે તો ન થાય”–એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. પર્યાય થવાની યોગ્યતા હોય
ને ન થાય એમ બને જ નહિ. તેમજ અહીં ક્રમબદ્ધપર્યાય થવાનો કાળ હોય ને તે વખતે તેને યોગ્ય નિમિત્ત ન
હોય–એમ પણ બને જ નહિ. જો કે નિમિત્ત તે પરદ્રવ્ય છે, તે કાંઈ ઉપાદાનને આધીન નથી, પરંતુ તે પરદ્રવ્ય
તેના પોતાને માટે તો ઉપાદાન છે, ને તેનું પણ ક્રમબદ્ધ પરિણમન થઈ જ રહ્યુ છે. અહીં આત્માને પોતાના
જ્ઞાયકસ્વભાવસન્મુખના ક્રમબદ્ધપરિણમનથી છટ્ઠા–સાતમા ગુણસ્થાનની ભાવલિંગી મુનિદશા પ્રગટે, ત્યાં
નિમિત્તમાં દ્રવ્યલિંગ તરીકે શરીરની દિગંબરદશા જ હોય–એવો તેનો ક્રમ છે. કોઈ મુનિરાજ ધ્યાનમાં બેઠા હોય
ને કોઈ અજ્ઞાની આવીને તેમના શરીર ઉપર વસ્ત્ર નાંખી જાય તો તે કાંઈ પરિગ્રહ નથી, તે તો ઉપસર્ગ છે.
સમ્યગ્દર્શન થયું ત્યાં કુદેવાદિને માને એવું ક્રમબદ્ધપર્યાયમાં હોય નહિ, તેમજ મુનિદશા થાય ત્યાં વસ્ત્ર–પાત્ર રાખે
એવું ક્રમબદ્ધપર્યાયમાં હોય નહિ, એ પ્રમાણે બધી ભૂમિકાને યોગ્ય સમજી લેવું.
[૧૧૪] યોગ્યતા અને નિમિત્ત. (બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.)
‘ઈષ્ટોપદેશ’માં (ગા. ૩૫માં) કહ્યું છે કે કોઈ પણ કાર્ય થવામાં વાસ્તવિકપણે તેની પોતાની યોગ્યતા જ
સાક્ષાત્ સાધક છે, એટલે કે દરેક વસ્તુની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, ત્યાં બીજી ચીજ તો
ધર્માસ્તિકાયવત્ નિમિત્તમાત્ર છે. જેમ પોતાની યોગ્યતાથી સ્વયં ગતિ કરનારા પદાર્થોને ધર્માસ્તિકાય તો પડ્યું
પાથર્યું નિમિત્ત છે, તે કાંઈ કોઈને ગતિ કરાવતું નથી; તેમ દરેક વસ્તુમાં પોતાની ક્રમબદ્ધપર્યાયની યોગ્યતાથી જ
કાર્ય થાય છે, તેમાં જગતની બીજી ચીજ તો ફક્ત ધર્માસ્તિકાયવત્ છે. જુઓ, આ ઈષ્ટ–ઉપદેશ. આવો
સ્વાધીનતાનો ઉપદેશ તે જ ઈષ્ટ છે, હિતકારી છે, યથાર્થ છે. આનાથી વિપરીત માન્યતાનો ઉપદેશ હોય તો તે
ઈષ્ટ–ઉપદેશ નથી પણ અનીષ્ટ છે. જૈનદર્શનનો ઉપદેશ કહો....આત્માના હિતનો ઉપદેશ કહો....ઈષ્ટ ઉપદેશ
કહો....વાજબી ઉપદેશ કહો....સત્યનો ઉપદેશ કહો....અનેકાન્તનો ઉપદેશ કહો કે સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ
કહો....તે આ છે કે: જીવ ને અજીવ દરેક વસ્તુમાં