Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 69
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
ત્યારે તેની બાજુમાં જિનનંદનના નાનકડા ઝુંપડામાં પણ તેનો જન્મદિવસ
ઉજવાતો હતો......પણ ત્યાં ન હતાં કોઈ ઉત્તમ વસ્ત્રો, કે ન હતી મીઠાઈ.....ત્યાં તો તેની
વહાલસોઈ માતા પ્રેમભરેલી આશીષપૂર્વક તેને જ્ઞાનનાં મધુર રસ પીવડાવતી હતી....
ભક્તિભાવથી પગમાં નમસ્કાર કરી રહેલા પુત્રને માતા કહેતી હતી–બેટા!
બાજુના મહેલમાં જેવા ઠાઠમાઠથી તારા મિત્રનો જન્મદિવસ ઉજવાય છે તેવો ઠાઠમાઠ
આપણા આ ઝૂંપડામાં તારા જન્મદિવસે નથી, પરંતુ તેથી તું એમ ન માનીશ કે આપણે
ગરીબ છીએ. બેટા, તું ખરેખર ગરીબ નથી, તારી પાસે તો ઘણી સંપત્તિ છે.
જિનનંદને આશ્ચર્ય પામીને કહ્યું– બા, આપણે ત્યાં ખાવાનું માંડમાંડ મળે છે–
છતાં આપણે ગરીબ નથી?
માતા કહે : બેટા, તને ખબર છે તું કોણ છો?
પુત્ર કહે : હું જિનનંદન છું.
માતા કહે– એ તો તારું નામ છે; ખરેખર તું કોણ છો ને તારામાં શું છે? તેની
તને ખબર છે?
આ તો જિનનંદન હતો, એની માતાએ એને ધર્મના સંસ્કારો સીંચ્યા હતા; ‘જેન
બાળપોથી’ ના પાઠ તે ભણ્યો હતો. માતાને જવાબ આપતાં તેણે હોંશથી કહ્યું– હા,
માતા! આપે જ મને શીખવ્યું છે કે હું જીવ છું; મારામાં જ્ઞાન છે.
માતા કહે: ધન્ય બેટા! તારા ધર્મસંસ્કાર દેખીને હું ગૌરવ અનુભવું છું. બહારના
ધનથી ભલે આપણે ગરીબ હોઈએ, પણ અંદરના જ્ઞાનથી આપણે ગરીબ નથી. તારામાં
અનંત ચૈતન્યગુણો છે, તેને ઓળખીને તેના આનંદને તું ભોગવ...એ જ જન્મદિવસની
મારી ભેટ છે. તારો ‘ચૈતન્ય–હીરો’ તું પ્રાપ્ત કર અને સુખી થા. એવા મારા આશીષ છે.
વાહ! મારી માતાએ મને ચૈતન્ય હીરો આપ્યો–એમ તે જિનનંદન ખૂબ હર્ષિત
થયો.....
–એવામાં તેનો મિત્ર લક્ષ્મીનંદન પણ ત્યાં મીઠાઈ લઈને આવી પહોંચ્યો. બંને
મિત્રો આનંદથી એકબીજાને ભેટયા; લક્ષ્મીનંદન હીરામાતાને પગે લાગ્યો અને માતાએ
તેને પણ આશીષ આપ્યા. લક્ષ્મીનંદને કહ્યું–માતાજી! અમારે ત્યાંથી આપને

PDF/HTML Page 22 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
માટે મીઠાઈ મોકલી છે.
માતાએ તે મીઠાઈ લઈને બંને બાળકોના મોઢામાં ખવડાવી. અને પૂછયું–બેટા
લખુ! તારા પિતાજીએ આજે તને શું ભેટ આપી?
લક્ષ્મીનંદને કહ્યુ્રં– મા, પિતાએ મને એક સુંદર વીંટી આપી હતી, અને તેમાં
કિંમતી હીરો જડેલો છે. જિનુ! તને તારી બાએ શું ભેટ આપી?
જિનનંદને કહ્યું– ભાઈ, અમારે ત્યાં એવા હીરા–ઝવેરાત તો નથી, પણ મારી
માતાએ તો મને આજે મારો ચૈતન્ય હીરો બતાવ્યો; ખરેખર ચૈતન્યહીરો આપીને
માતાએ મહાન ઉપકાર કર્યો. અહા, ચૈતન્યહીરાની શી વાત!
અમે આનંદથી વાતચીત કરતા કરતા બંને મિત્રો રમવા ગયા; ગામના ખુલ્લા
મેદાનમાં ખૂબ રમ્યા. ખૂબ વાતો કરી, ને અંત્રે રાત્રે બંને પોતપોતાના ઘરે ગયા.
જિનનંદનને ત્યાં તો રાત્રે કોઈ ખાતા ન હતા, તે તો ઘેર જઈને માતાજી પાસે
આનંદથી ધર્મકથા સાંભળવા બેઠો હતો.
લક્ષ્મીનંદનને ત્યાં જમવાની તૈયારી ચાલતી હતી; ઘણા મહેમાન હતા.
લક્ષ્મીનંદન જમતાં પહેલાંં હાથ ધોતો હતો ત્યાં તેના પિતાની નજર તેના પર પડી. આ
હાથની વીંટીમાં હીરો ન દેખ્યો. તેથી તરત પૂછયું–બેટા, તારી વીંટીમાંથી હીરો ક્્યાં
ગયો?
લખુનું ધ્યાન પોતાની આંગળી પર ગયું....હીરો ન જોતાં તે ભયભીત થઈ ગયો–
હેં! વીંટીમાં હીરો તો નથી બાપુ! હીરો કયાં ગયો–તેની મને ખબર નથી.
એની વાત સાંભળતાં તેના પિતા ખૂબ ગુસ્સે થયા. અરે, હજી તો સવારમાં
આપેલી આવી કિંમતી હીરાવાળી વીંટી, તેનો હીરો સાંજે ખોવાઈ જાય–એ તેનાથી
સહન ન થયું. જોકે તેઓ બીજો હીરો લાવી શકે તેમ હતા, –પણ એટલું સમાધાન ક્્યાંથી
લાવે? ધર્મના સંસ્કાર તો હતા નહીં; એટલે જે પુત્રના જન્મનો આનંદ મનાવતા હતા તે
પુત્ર ઉપર ક્રોધ કરીને તેને ધમકાવવા લાગ્યા; પુત્ર રડવા લાગ્યો. રે સંસાર! હર્ષ–શોકના
તડકા–છાયા બદલાયા જ કરે છે. હીરાની શોધાશોધ ચાલી; પૂછપરછ ચાલી; લખુ તો
આજે તેના મિત્ર જિનુના ઘર સિવાય બીજે ક્્યાંય ગયો જ નથી; તેઓ બહુ ગરીબ છે,
–તેથી જરૂર એની માએ લખુની વીંટીમાંથી હીરો કાઢીને

PDF/HTML Page 23 of 69
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
સંતાડી દીધો હશે......અને તેના પુત્ર જિનુને આપ્યો હશે. –એમ વિચારી તેના ઉપર ક્રોધ
કરીને નિંદા કરવા લાગ્યા. અને લખુને કહ્યું કે જા, તારા મિત્ર જિનુને બોલાવી લાવ!
લખુએ ડરતાં ડરતાં કહ્યું–બાપુજી! મારો મિત્ર તો બહુ સંસ્કારી છે; તે મારો હીરો
કદી લ્યે નહીં. (તેના મિત્રના ઊંચા સંસ્કારની તેના પર સારી છાપ પડી હતી.)
તેના પિતાએ ધમકાવીને કહ્યું; –એના સિવાય હીરો બીજે ક્્યાંય જાય નહીં; માટે
તું જલ્દી જઈને એને બોલાવ.
લખુ તો ઢીલો થઈને જિનુના ઘરે ચાલ્યો....તેને દેખતાં જ જિનુ તો આનંદિત
થયો....આવ મિત્ર! અત્યારે એકાએક ક્્યાંથી?
લખુ કહે–જિનુ! તને મારા પિતાજી બોલાવે છે! માટે મારી સાથે ચાલ.
બંને મિત્રો ચાલ્યા; રસ્તામાં જિનુ કહે–મિત્ર! તું ઢીલો કેમ દેખાય છે?
લખુ કહે–ભાઈ, શું કહું? મારો હીરો ખોવાઈ ગયો છે, તેથી તને બોલાવેલ છે.
ત્યાં જતાંવેંત ધનજી શેઠે પૂછયું–જિનુ! બોલ, તને ‘હીરો’ મળ્‌યો છે?
નિર્દોષ જિનુના મનમાં તો સવારે તેની માતાએ બતાવેલા ચૈતન્ય હીરાની વાત
ઘોળાતી હતી, એની ધૂનમાં ને ધૂનમાં તેણે કહ્યું– હા, પિતાજી! મારી માતાએ આજે જ
મને એક અદ્ભુત હીરો બતાવ્યો.
ઝવેરાતનો હીરો તો એણે ક્્યાંથી જોયો હોય? એના મનમાં તો ચૈતન્ય હીરો
ઘોળાતો હતો. પણ ધનજી શેઠના મનમાં તો પોતાનો હીરો ઘોળાતો હતો, એણે
ચૈતન્યહીરાની તો વાત પણ ક્્યાંથી સાંભળી હોય? એટલે તરત તેણે કહ્યું– ભાઈ જિનુ!
એ હીરો અમારા લખુનો છે, માટે આપી દે!
જિનુ કહે–બાપુજી! એ તો મારો હીરો છે. તમારા લખુનો હીરો મારી પાસે નથી.
પણ મારી માતા પાસે આવો તો તે લખુનો હીરો પણ બતાવશે.
જિનુની વાત સાંભળી લખુને થયું કે મારો હીરો એમને જડયો લાગે છે, ને જરૂર
મારો હીરો મને પ્રાપ્ત થશે. તે જિનુ સાથે ગયો ને પૂછયું–જિનુ! મારો હીરો ક્્યાં છે?
મને બતાવીશ!

PDF/HTML Page 24 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
જિનુ કહે– ભાઈ, તારો હીરો મારી પાસે નથી, તારી પાસે જ છે, ને હું તને તે
બતાવીશ.
લખુ આશ્ચર્યથી કહેવા લાગ્યો–હેં! શું મારો હીરો મારી પાસે છે....જલદી બતાવ,
એ ક્્યાં છે? આ વીંટીમાં તો તે નથી?
જિનુ કહે–ભાઈ, એ હીરો વીંટીમાં ન હોય, વીંટી તો જડ છે; તારો ચૈતન્યહીરો
તારા અંતરમાં છે.
લખુ કહે–એને કઈ રીતે દેખવો?
જિનુ કહે–આંખ મીંચીને અંદર જો.
અંદર જોતાં અંધારું દેખાય છે!
અંધારું દેખાય છે, –પણ એને દેખનારો કોણ છે? દેખનારો પોતે શું અંધારારૂપ
છે? કે અંધારાથી જુદો છે?
એ તો અંધારાથી જુદો છે.
બસ, અંધારા વખતે પણ જે તેને જાણે છે તે જાણનાર પોતે ચૈતન્ય હીરો છે; તે
પોતાના ચૈતન્ય પ્રકાશવડે બધાને જાણે છે. આવો ચૈતન્યપ્રકાશી હીરો તું જ છો. તારો
હીરો ખોવાઈ નથી ગયો, એ તો તારામાં જ છે. અનંત ગુણનાં તેજે તારો ચૈતન્યહીરો
ઝળકે છે.
જિનનંદનની આવી સરસ વાત સાંભળીને લક્ષ્મીનંદન ઘણો ખુશી થયો, અને
પોતાનો ચૈતન્યહીરો પોતામાં જ છે–એ જાણીને તેને અપૂર્વ આનંદ થયો, ચૈતન્યહીરાની
પોતામાં જ પ્રાપ્તિ થતાં જડ હીરાનો મોહ છૂટી ગયો. બંને મિત્રો આનંદથી ગાવા
લાગ્યા–
હું ચૈતન્ય–હીરો છું,
અનંત ગુણે ભરિયો છું;
જ્ઞાનપ્રકાશે ઝળકું છું,
સ્વ–પરને પ્રકાશું છું.
જડ–હીરાથી જુદો છું,
જીવથી કદી ન જુદો છું;

PDF/HTML Page 25 of 69
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
અદ્ભુત સુખનિધાન છું,
સાચો ચેતન–હીરો છું.
તેઓ બંને આનંદપૂર્વક લખુના ઘરે ગયા; ને ધનજી શેઠને કહ્યું–પિતાજી, મારો
હીરો મને મળી ગયો.
જિનુને ત્યાંથી હીરો મળી ગયો, એટલે જરૂર તેની માએ જ તે ચોર્યો હશે, –એમ
સમજીને ધનજી શેઠે ક્રોધપૂર્વક ઠપકો દેવા માટે જિનુની મા હીરાબાઈને બોલાવી.
પરંતુ તે આવે ત્યાર પહેલાંં તો લખુની માતા હાથમાં ઝગઝગતો પથરો લઈને
આવી પહોંચી ને કહેવા લાગી– આ હીરો મળી ગયો છે, માટે ક્રોધ ન કરો. વીંટીમાંથી
નીકળી ગયેલો તે હીરો મેં જ બપોરે સાચવીને મુક્્યો હતો
ઘરમાંથી જ હીરો મળી જતાં સૌ ખુશી થયા.
એવામાં હીરાબાઈ આવી પહોંચ્યા; તરત ધનજી શેઠે કહ્યું– મા, મને માફ
કરો...અમારો હીરો અમારા ઘરમાં જ હતો, પણ ભૂલથી અમે તમારા ઉપર દોષ મૂક્્યો.
હીરાબેને ગંભીરતાથી કહ્યું– ભાઈ! આજે આનંદનો દિવસ છે, માટે દુઃખ છોડો.
અને આજની ઘટના ઉપરથી એવો બોધ લ્યો કે–પોતાનો ચૈતન્યહીરો પોતામાં જ છે,
તેને બહાર ન શોધો. જગતના બીજા કોઈ પદાર્થ વડે જેની કિંમત આંકી ન શકાય એવો
ચૈતન્યહીરો દરેક આત્મા પોતે જ છે. અંતરના ચૈતન્યકિરણવડે એને ઓળખો.
–એટલું કહી હીરાબેન ઘરે જતા હતા; ત્યારે શેઠે કહ્યું કે અમારે ત્યાં જમીને
જાઓ. (રાત્રે બધા જમવાની તૈયારી કરતા હતા.)
માતાએ કહ્યું–અમે કદી રાત્રિભોજન કરતા નથી.
શેઠે કહ્યું– બેટા જિનુ! તું તો રોકાઈ જા.
જિનુએ ગૌરવપૂર્વક કહ્યું– પિતાજી! આપણે તો ‘જિનવરનાં સંતાન’ છીએ, અને
જિનવરના સંતાન તરીકે નીચેની ચાર વસ્તુનું અમે પાલન કરીએ છીએ–
* હંમેશા ભગવાનનાં દર્શન કરીએ છીએ.
* હંમેશા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ.
* રાત્રિભોજન કદી કરતા નથી.
* સીનેમા કદી જોતા નથી.

PDF/HTML Page 26 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
તેનો મિત્ર લખુ બોલી ઊઠ્યો–વાહ! મિત્ર, ધન્ય છે તને, અને તને આવા ઊંચા
સંસ્કાર આપનાર માતાને! ભાઈ, હું પણ હવેથી તારી સાથે આ ચારે વાતોનું પાલન
કરીશ.
ઘરના બધા બોલી ઊઠયા– અમે સૌ પણ આ ચારે વાતનું પાલન કરીશું, ને
અમારા ઘરને એક શુદ્ધ જૈનનું આદર્શ ઘર બનાવીશું.
જિનનંદન અને લક્ષ્મીનંદન આજના પ્રસંગથી ખૂબ આનંદિત થયા અને માતાને
કહ્યું–મા, આજે તમારા પ્રતાપે આનંદથી જન્મદિવસ ઉજવાયો, અને અમારા જન્મદિવસે
અમને ચૈતન્યહીરો મળ્‌યો.
બેટા! એ ચૈતન્યહીરાના પ્રકાશવડે તમે કેવળજ્ઞાન પામો
એ આજના જન્મદિવસના મંગલ આશીષ છે.
* * * * *
સહેલું.......સુગમ....સુખકર
શુદ્ધ ચૈતન્ય સત્તાનું હોવાપણું પોતાના જ્ઞાન આનંદાદિ
અનંત ગુણપણે છે, પરપણે કે રાગપણે તેનું હોવાપણું નથી. આવી
શુદ્ધ જીવસત્તાને લક્ષગત કરતાં જ્ઞાન સાથે અનંત ગુણપર્યાયો
નિર્મળપણે ઉલ્લસતા અનુભવાય છે. આવા આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં
લેવું તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે આત્મવૈભવ છે, તે
મોક્ષમાર્ગ છે. આ પોતાના સ્વઘરની ચીજ હોવાથી સહેલી છે,
સુગમ છે, સહજ છે.
પરચીજને પોતાની કરવી તે તો અશક્્ય છે. રાગાદિ
વિકારને સ્વભાવઘરમાં પ્રવેશ કરવાનું પણ અશક્્ય છે; નિર્મળ
સ્વભાવને દ્રષ્ટિમાં લઈને નિર્મળ સમ્યક્ત્વાદિ ભાવો ઉત્પન્ન કરવાનું
સુગમ છે, સહજ છે. સુખકર છે. તેમાં કોઈની ઓશીયાળ પણ
કરવી પડતી નથી, ને તેનાથી પોતાનું મહાન હિત થાય છે–તો આવું
ઉત્તમ કાર્ય ક્્યો બુદ્ધિમાન ન કરે?
–આત્મવૈભવ.

PDF/HTML Page 27 of 69
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પોરબંદરના પ્રવચન–સમુદ્રમાંથી
વીણેલાં ૨૦૧ રત્નો
પોરબંદરમાં ૮૨મી જન્મજયંતિ નિમિત્તે પૂ.
ગુરુદેવ પધાર્યા અને અગિયાર દિવસ
રહ્યા....ત્યારે સમુદ્ર કિનારે જે પ્રવચનસમુદ્ર
ઉલ્લસ્યો તે પ્રવચનસમુદ્રમાંથી ૨૦૧ રત્નો
વીણીને અહીં ત્રણ રત્નમાળા આપીએ
છીએ....તેમાં ઝલકતી ચૈતન્યપ્રભા જિજ્ઞાસુઓને
આનંદિત કરશે. (–બ્ર. હ. જૈન)
* * * * *
૧. જેનાથી સુખ થાય ને દુઃખ ટળે તે ભાવને મંગળ કહે છે.
૨. આત્મા પોતે અતીન્દ્રિય સુખસ્વરૂપ છે; તે ત્રિકાળ મંગળ છે; એવા આત્માની
વાત પ્રેમથી સાંભળવી તે પણ દ્રવ્ય–મંગળ છે; અને અંતરમાં તે સમજીને
સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરતાં અતીન્દ્રિય સુખ પોતામાં અનુભવાય છે તે
ભાવમંગળ છે.
૩. આત્મા અનંત છે, તે દરેક આત્મામાં સર્વજ્ઞસ્વભાવ ભર્યો છે.
૪. આત્માએ જગતના બીજા પદાર્થોનાં મૂલ્ય કર્યા, પણ પોતે પોતાના સ્વભાવના
મૂલ્યને જાણ્યું નહીં.
પ. શરીરનાં મૂલ્ય વડે આત્માનું મૂલ્ય થાય નહીં. શરીર તો અચેતન છે, તે
અજીવપણે રહ્યું છે, ને ભગવાન આત્મા ચેતનપણે સદા રહ્યો છે.
૬. રાગ–દ્વેષની વૃત્તિઓ વડે પણ જીવની કિંમત થતી નથી; જીવ પોતે પવિત્ર
આનંદરૂપ છે, ને પુણ્ય–પાપની લાગણીઓ અપવિત્ર અને દુઃખરૂપ છે. એટલે

PDF/HTML Page 28 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
તેના વડે જીવનું મૂલ્ય ઓળખાય નહીં; જીવનું સ્વરૂપ તેનાથી પાર છે.
૭. જીવ પોતે ઉપયોગમય છે; ઉપયોગ સ્વરૂપે જ તે અનુભવાય છે; અને આવા
અનુભવ વડે જ આત્માનું સાચું મૂલ્યાંકન થાય છે એટલે કે સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન થાય છે.
૮. જેમ શ્રીફલમાં છોતાં કાચલી ને છાલ એ ત્રણેથી જુદું સફેદ મીઠું ટોપરું છે, તેમ
શરીર–કર્મ અને રાગાદિથી જુદું શુદ્ધ ચૈતન્ય આનંદમય આત્મતત્ત્વ છે.
૯. આ રીતે ચેતનસ્વરૂપ આત્મા અને રાગાદિ પરભાવો–એ બંનેને સર્વથા ભિન્ન
ઓળખીને જીવ પરભાવોથી જુદો પડે છે, અને જ્ઞાનભાવરૂપે જ રહે છે.
૧૦. જ્ઞાનમાત્ર ભાવમાં રાગાદિભાવોનો અભાવ છે, એટલે તેને કર્મબંધન પણ થતું
નથી. આ રીતે જ્ઞાનભાવ વડે જીવ બંધનથી છૂટીને મોક્ષ પામે છે.
૧૧. જે જીવ પોતે જિજ્ઞાસુ થઈને, મોક્ષનો અર્થી થઈને, મોક્ષનો ઉપાય પૂછે છે, તેને
આચાર્યદેવ આ મોક્ષની રીત સમજાવે છે.
૧૨. જેને મોક્ષની જિજ્ઞાસા હોય, જેને આત્માનું સ્વરૂપ સમજવાની ખરી જિજ્ઞાસા
હોય–એવા ગરજવાન શિષ્યને માટે આ શાસ્ત્ર–વ્યાખ્યા છે.
૧૩. દેહથી ભિન્ન આત્મા ચૈતન્યવસ્તુ છે, તેને રાગનો–દુઃખનો અનુભવ છે; જડને તે
અનુભવતો નથી; આનંદનો અનુભવ તેનો સ્વભાવ છે પણ તે આનંદની તેને
ખબર નથી. –છતાં તે આનંદનું સ્વરૂપ તો તેનામાં છે જ, તે કાંઈ ચાલ્યું ગયું
નથી. તે સ્વરૂપ અહીં ઓળખાવે છે.
૧૪. અજ્ઞાનીને સુખ દેખાય છે ને? –એ સુખ નથી, પણ જેમ સન્નોપાતીઓ રોગી
ત્રિદોષના રોગથી, હરખ કરીને પોતાને સુખી–નિરોગી માને, તેની જેમ અજ્ઞાની
મિથ્યાત્વાદિ ત્રિદોષથી દુઃખી હોવા છતાં ભ્રમણાથી જ પોતાને સુખી માને છે.
૧પ. ચેતન આત્મા પ્રજ્ઞાસ્વરૂપ છે, તેમાં કાંઈ રાગનો કે કર્મનો પ્રવેશ નથી; તે તો
જ્ઞાનમહિમાવંત ભગવાન છે.
૧૬. જે રાગાદિ ભાવો છે તે પ્રજ્ઞાથી જુદા છે, તેનો અનુભવ મલિન છે, અને તેનાથી
કર્મો આવતાં હોવાથી તે આસ્રવો છે. જીવની પર્યાયમાં આવા આસ્રવોનું
અસ્તિત્વ છે, પણ મૂળ પ્રજ્ઞાસ્વભાવમાં તે નથી.

PDF/HTML Page 29 of 69
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૭. એકકોર જ્ઞાન મહિમાવંત ભગવાન આત્મા, બીજીકોર રાગ–દ્વેષ–મોહરૂપ અજ્ઞાન
ભાવો, –એ બંનેની ભિન્નતા ઓળખે ત્યારે જીવને મોક્ષમાર્ગ પ્રગટે, અને ત્યારે
તેને આસ્રવોનું કર્તાપણું છૂટે.
૧૮. ઓછી મૂડીવાળા ગરીબને પણ કોઈ લક્ષ્મીવાન કહે તો તે ના નથી પાડતો, પણ
ખુશી થાય છે, કેમકે લક્ષ્મીનો પ્રેમ છે. તો અહીં તો આત્મા પોતે ખરેખર અનંતી
ચૈતન્યલક્ષ્મી વાળો છે, તેને ભગવાન કહે છે કે હે જીવ! તું ગરીબ નથી, તું મેલો
કે રાગી નથી, તું તો પૂર્વ આનંદ અને સર્વજ્ઞતારૂપ વૈભવથી ભરેલો છો. તેનો
પ્રેમ લાવીને હા પાડ.....ને અંતરમાં તેને અનુભવગમ્ય કર. અરે, પોતાના
આત્માના વૈભવની કોણ ના પાડે?
૧૯. અહા, ચૈતન્યની સંપદાના મહિમાની શી વાત! લોકોને અણુબોંબ
હાઈડ્રોજનબોંબ વગેરે જડશક્તિનો વિશ્વાસ અને મહિમા આવે છે. પણ પોતે
ચૈતન્યની કોઈ અચિંત્ય શક્તિવાળો છે, તેનો વિશ્વાસ અને મહિમા કરતાં
અતીન્દ્રિયસુખ અનુભવાય છે.
૨૦. અરે, આવો મનુષ્યઅવતાર, તેમાં આત્માના સત્યસ્વરૂપને સાંભળવાનો યોગ,
અને આત્માનો અનુભવ કરવાનો અવસર, –આવો અવસર જો ચૂકી જઈશ તો
ચાર ગતિના ચકરાવામાં ફરી ક્્યારે આવો અવસર મળશે?
૨૧. આત્મા પોતે અંતરમાં શું ચીજ છે તેને જાણવાની અને અનુભવવાની તું દરકાર
કર.
૨૨. ક્રોધાદિ વિકાર ભાવોમાં જેને દુઃખ લાગે તે તેનાથી ભિન્ન આત્માને ઓળખવાનો
ઉદ્યમ કરે; અને ભિન્ન આત્માને ઓળખીને તે સુખી થાય.
૨૩. ભાઈ, તું આત્મા છો, આત્મા કર્તા થઈને શું કરે? કે જ્ઞાનકાર્યને કરે–એ તેનું
સાચું કામ છે; રાગ પણ તેનું કાર્ય ખરેખર નથી, ને જડ શરીરમાં કામ તો
આત્મામાં કદી નથી; તેનો કર્તા આત્મા નથી.
૨૪. જ્ઞાનને ભૂલીને અજ્ઞાનથી જીવ પોતાને જડનો તથા રાગનો કર્તા માને છે, તે
કર્તાબુદ્ધિને લીધે સંસાર અને દુઃખ છે. જ્ઞાનમાં તેનો અભાવ છે. જ્ઞાન થતાં
રાગાદિનું કર્તૃત્વ છોડીને આત્મા મોક્ષને સાધે છે. તે જ્ઞાન કેમ થાય? તેની આ
વાત છે.

PDF/HTML Page 30 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
૨પ. ધર્મી જાણે છે કે હું તો આનંદનું ધામ છું. આનંદના ધામમાં દુઃખ કેવું? અજ્ઞાન
ભાવો કેવા?
૨૬. આત્મા ચેતનધામ છે. તે સ્વયં સ્વ–પરને ચેતનારો છે; અને ક્રોધાદિ
આસ્રવભાવો તો ચેતના વગરનાં છે, તેઓ પોતાને કે પરને પણ જાણતાં નથી.
તે ક્રોધાદિને કોણ જાણે છે? –કે તેનાથી જુદો પડેલો એવો ચેતનભાવ જ તેને
જાણે છે. આ રીતે ચેતનાને અને ક્રોધને વિરુદ્ધપણું છે.
૨૭. ચેતના તે આત્માનો અવિરુદ્ધસ્વભાવ છે; એ પુણ્ય–પાપ વગેરે ભાવો આત્માથી
વિરુદ્ધ સ્વભાવવાળા છે. ભગવાન! તારાથી વિરુદ્ધ જે ભાવ હોય તે તને હિતનું
કારણ કેમ થાય? ન થાય. પુણ્યરાગ તે કાંઈ મોક્ષનું કારણ નથી. , તે તો
સંસારનું જ કારણ છે.
૨૮. ૪પ લાખ જોજનના અઢી દ્વીપમાંથી દરેક છ માસ ને આઠસમયે ૬૦૮ મનુષ્યો
મોક્ષને પામે છે. તેઓ કઈ રીતે મોક્ષ પામે છે? –આત્મામાં અનંત સ્વાધીન
શક્તિઓ છે, તેને સાધી–સાધીને મોક્ષ પામે છે.
૨૯. આત્માની શક્તિઓનું અદ્ભુત વર્ણન આ સમયસારમાં કર્યું છે; આત્માનો
અદ્ભુત વૈભવ સંતોએ બતાવ્યો છે. આત્મા પોતાના ચૈતન્યજીવન વડે જીવનારો
છે. પોતાની ચૈતન્યશક્તિથી આત્મા સદા જીવતો છે. આવ ચૈતન્યજીવનને જાણે
તે અમરપદ પામે.
૩૦. ચૈતન્યશક્તિથી જીવનારો આત્મા છે, તે કદી મરતો નથી. શરીર વગર આત્મા
જીવે છે, રાગ વગર જીવે છે, પણ ચેતના વિના તે એક ક્ષણ પણ જીવે નહીં.
૩૧. શરીર અને ઈંદ્રિયો વગેરે તે કાંઈ આત્માને જીવવાના ખરા પ્રાણ નથી; એના
વગર જીવનારો આત્મા છે, તે પોતાના ચૈતન્યરૂપ ભાવપ્રાણથી જ જીવનારો છે.
૩૨. અરે જીવ! તારા જીવનને તો તું જાણ. જીવત્વાદિ નિજ શક્તિને જાણતાં તને
પરમ સુખ થશે.
૩૩. આત્માના સ્વભાવની પોતાની આ વાત છે. પરભાવનો જ પરિચય હોવાથી,
અને સ્વભાવનો અભ્યાસ ન હોવાથી આ વાત સૂક્ષ્મ લાગે છે. ઈન્દ્રિયથી કે
રાગથી સમજાય તેવું સ્વરૂપ નથી તેથી તે સૂક્ષ્મ તો છે, પણ અંદરના અભ્યાસ
વડે પોતે પોતાને સ્વાનુભવગોચર થાય એવો આત્માનો સ્વભાવ છે.

PDF/HTML Page 31 of 69
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૩પ. રાગમાં એવો સ્વભાવ નથી કે પોતે પોતાને જાણે. રાગ પોતે રાગને નથી
જાણતો, ને આત્માને પણ નથી જાણતો–કેમકે તેનામાં ચેતનસ્વભાવ નથી.
૩૬. ચેતનસ્વભાવી આત્મા જ એવો છે કે સ્વયં પોતે પોતાને જાણે છે, ને રાગને પણ
જાણે છે, પોતે પોતાને જાણવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી. –આવો
ચૈતનસ્વભાવ તે આત્મા છે.
૩૭. ક્રોધાદિ પરભાવોને જાણવા માટે તો તેનાથી જુદા એવા બીજાની (એટલે કે
જ્ઞાનની) જરૂર પડે છે, કેમકે ક્રોધાદિભાવોમાં સ્વ–પરને જાણવાનો સ્વભાવ
નથી.
૩૮. આ રીતે આત્મા અને ક્રોધાદિનું અત્યંત ભિન્નપણું છે. તે ક્રોધાદિ ભાવો
આત્માના ચેતનસ્વભાવમાં પ્રવેશ કરતાં નથી, બહાર જ રહે છે.
૩૯. રાગાદિ ભાવો (અશુભ કે શુભ બધાય) ચેતનસ્વભાવથી બહાર છે તેથી તેમને
જડસ્વભાવ કહ્યા છે. તે જડસ્વભાવરૂપ રાગાદિ ભાવોનું કર્તૃત્વ તારા
ચેતનસ્વભાવમાં કેમ હોય?
૪૦. અરે, અનાદિ અજ્ઞાનથી, જ્ઞાનને અને રાગાદિને એકમેક માનીને જીવ પોતાને
રાગાદિરૂપે જ અનુભવતો થકો તેનો કર્તા થાય છે. આ અજ્ઞાનજનિત
કર્તાપણાથી જ કર્મો બંધાય છે.
૪૧. ચેતનસ્વભાવમાં વળેલું જ્ઞાન, કે જે જ્ઞાનમાં રાગાદિનો સર્વથા અભાવ છે, તે
જ્ઞાન વડે ધર્મ થાય છે ને કર્મ અટકે છે.
૪૨. ધર્મ કહો કે ભેદજ્ઞાન કહો, કે આત્માનું વીતરાગી સુખ કહો, તે અપૂર્વ ચીજ છે.
અંદરમાં લક્ષગત કરીને તેનો પ્રયોગ કરવા જેવો છે.
૪૩. આ ચૈતન્યતત્ત્વ તો અચરજની ચીજ છે. એનો અનુભવ પણ પરમ આનંદકારી
છે. રાગવડે કે ઈંદ્રિયજ્ઞાન વડે એનો અનુભવ થતો નથી.
૪૪. શરીરની ક્રિયામાં કે રાગમાં મળી જાય એવો સોંઘો આત્મા નથી. આત્મા તો
આત્મા તરફ ઝુકેલા અતીન્દ્રિયજ્ઞાન વડે જ પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી
રીતે આત્માનો ધર્મ લેવા જાય તો તેને ધર્મ નહીં મળે. એની મહેનત નકામી
જાશે ને સંસારભ્રમણ થાશે.

PDF/HTML Page 32 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૯ :
૪પ. અરે, બાપુ! આત્માના સ્વભાવની આવી વાત મળવી દોહ્યલી છે.....તું ચેતી જા!
બાપુ, તારા સુખના મારગડા અંદરમાં છે. અંદર નજર કરીને શોધ. જ્યાં છે
ત્યાંથી મળશે; જ્યાં નથી ત્યાં શોધ્યે મળશે નહીં.
૪૬. રેતીમાં જે ગરમ હવાનાં મોજાં છે તેને પાણી માનીને મૃગલાં દોડે છે, પણ કાંઈ
એ ઝાંવવાથી તે તરત છીપે? ના; તેમ ભગવાન આત્મા પોતાના અંતરમાં જ
સુખનું સરોવર ભરેલું છે તેને છોડીને દૂરદૂર રાગમાં ને ઈં્રદ્રિયવિષયોમાં સુખ
લેવા દોડે છે.....પણ અરેરે! એ ઝાંઝવામાંથી એને સાચું સુખ ક્્યાંથી મળે?
આનંદનું સરોવર તો પોતે જ છે.
૪૭. હે જીવ! બાહ્યવિષયો તરફ દોડવાનું છોડીને તારા ચૈતન્યસરોવરમાં તું આવ,
ત્યાં તને આત્માનું સાચું સુખ મળશે.
૪૮. અંદર આનંદના સરોવરમાં જવાના રસ્તા જગતથી કાંઈક જુદા છે; સંતોના એ
મારગ મોંઘા લાગે કે સોંઘા–પણ સત્યમાર્ગ એ એક જ છે. સુખી થવું હોય તો
સંતોએ બતાવેલો આ રાગ વગરનો અંદરના જ્ઞાનનો માર્ગ લે. આનાથી સોંઘો
કે મોંઘો કોઈ બીજો માર્ગ જ નથી.
૪૯. ધર્મ કરે ત્યાં અંદરથી આત્માને આનંદનો સ્વાદ આવે, ને પોતાને તેની ખબર
પડે.
પ૦. વીતરાગી સંતોના નાદે આત્મા ડોલી ઊઠે છે.....ને સ્વભાવના પંથે ચડી જાય છે.
જેમ અફીણના બંધાણીને ‘ચડયો.....ચડયો.....’ કહેતાં નશો ચડે છે, તેમ
આત્માને સાધવાને માટે જે બંધાણી થયો છે, આત્માને સાધવાની જેને ધગશ
છે–તાલાવેલી છે, તેને સંતો આત્માનો ઉલ્લાસ ચડાવે છે કે અરે જીવ! તું જાગ રે
જાગ.... તારા ચૈતન્યમાં અપૂર્વ તાકાત છે તેને તું સંભાળ! કેવળજ્ઞાનના ભંડાર
તારામાં છે. –એમ સંતોના નાદ સાંભળતાં મુમુક્ષુનો આત્મા ઉલ્લાસથી જાગી
ઊઠે છે ને ઉપયોગને અંતરમાં વાળીને આત્માનો અનુભવ કરે છે. (પણ વચ્ચે
રાગથી ધર્મ થવાનું માને તો મોક્ષને સાધવાનો પાવર ઊતરી જાય છે; રાગની
રુચિ કરે તેને કદી મોક્ષને સાધવાનો ઉલ્લાસ ઊછળે નહીં. ચૈતન્યની રુચિનો
પાવર ચડે ત્યાં રાગની રુચિ રહે નહીં.)
પ૧. રાગથી ધર્મ મનાવે તેમાં તો રાગની પુષ્ટિ છે. જીવને રાગની રુચિ તો અનાદિની
છે, તે રાગના પોષણનો ઉપદેશ જ્ઞાની કેમ આપે? જ્ઞાની તો રાગથી તદ્ન

PDF/HTML Page 33 of 69
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
જુદો ચેતનસ્વભાવ બતાવે છે. એવા ચેતનસ્વભાવનો અનુભવ તે સમ્યગ્દર્શન
છે, તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. આ સિવાય બીજા ઉપાયે મોક્ષમાર્ગ થતો નથી.
પ૨. સમ્યક્પ્રકારે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે તેને ‘સમયસાર’
કહેવાય છે, ને તેનું વાચક આ સમયસાર–શાસ્ત્ર છે. શબ્દ જુદો છે ને તેના
વાચ્યરૂપ પદાર્થ જુદો છે; જ્ઞાનમાં તે બંનેને જાણવાની તાકાત છે.
પ૩. नमो अरिहंताणं તે પણ આત્માના ગુણોનું સૂચક છે. જ્ઞાનસ્વભાવી આત્માનું
ભાન કરીને જેણે કેવળજ્ઞાનાદિ શુદ્ધતા પ્રગટી છે અને રાગ–દ્વેષ–મોહરૂપ અરિને
હણ્યા છે–એવા શુદ્ધઆત્મા તે અરિહંત છે. પાંચે પરમેષ્ઠી પદ તે આત્માની
શુદ્ધતામાં જ સમાય છે, આત્માની શુદ્ધદશાનાં તે નામ છે. દરેક આત્મા શુદ્ધ દશા
પ્રગટ કરીને સાધુ–અરિહંત ને સિદ્ધ થઈ શકે છે.
પ૪. ધર્મી જીવને પંચપરમેષ્ઠી પ્રત્યે પ્રેમ–ભક્તિ–બહુમાન હોય છે; તેની વંદના–પૂજાનો
ભાવ તે શુભભાવ છે. પણ ધર્મી તે શુભથીયે પાર પોતાના આનંદસ્વરૂપને જાણે
છે.
પપ. શાસ્ત્રમાં રાગ ઘટાડવા ને ધર્મપ્રેમ વધારવા માટે દાનનો એવો ઉપદેશ આપે કે–
અરે જીવ! પૂર્વ તારા ગુણમાં વિકૃતિ થતાં રાગ થયો ને પુણ્ય બંધાયા તે પુણ્ય
ફળમાં તને આ સંપદા મળી, તો ધર્મની પ્રભાવનાના કાર્યમાં તું તેનો સદુપયોગ
કર. જો સત્નું બહુમાન અને રાગની મંદતા પણ નહિ કર ને લોભની તીવ્રતા
પૂર્વક મરીશ તો દુર્ગતિમાં જઈશ.
પ૬. ધર્મ અને આત્માનો અનુભવ તો તે મંદરાગથી પણ પાર છે, જ્ઞાનસ્વભાવ
રાગથી એવો નિરપેક્ષ છે કે જેના અનુભવમાં રાગનો સ્પર્શ નથી. શુભરાગ વડે
આત્મા અનુભવમાં આવી જાય–એવો નથી.
પ૭. આત્માનો એવો નિરાકુળસ્વભાવ છે કે તે કદી દુઃખનું કારણ થતો નથી; ને
રાગાદિ તો દુઃખનાં જ કારણ છે. –એ રીતે બંનેનું સ્વરૂપ જુદું છે. આવી
ભિન્નતાના ભાન વડે જ રાગથી જુદો આત્મા ચૈતન્યસ્વરૂપે અનુભવમાં આવે
છે.
પ૮. અનુભવમાં આત્મા સ્વયં પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે છે; આત્માને પોતાને
પ્રકાશવામાં–જાણવામાં કોઈ બીજાની, રાગની ઈન્દ્રિયની કે બહારનાં જાણપણાની

PDF/HTML Page 34 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
ઓશીયાળ નથી. સ્વયં પોતે પોતાની શક્તિથી જ પોતાને પ્રકાશે–એવો સ્વભાવ છે.
પ૯. ભગવાન તારા સ્વભાવની વાત હોંશથી તેં કદી સાંભળી નથી. દેવો પણ
સ્વર્ગમાંથી જેની વાત સાંભળવા અહીં મનુષ્યલોકમાં આવે છે તેના મહિમાનું શું કહેવું?
આવા ચૈતન્યની વાર્તા સાંભળતા તેની પ્રીતિ જેને જાગી તે જીવ અલ્પકાળમાં જરૂર
મોક્ષ પામે છે.
૬૦. અરે, અંદર આનંદઘન આત્મા છે તેને સ્પર્શવા માટે ઊમળકો તો લાવ!
સિંહ ને હાથી જેવા પ્રાણીઓ પણ જે સાંભળતાં અંદર ચૈતન્યના તેજની વીજળી
પ્રગટાવીને પોતાને પરમાત્માપણે અનુભવી લ્યે છે.....એવી આ વાત મહાભાગ્યે તને
સાંભળવા મળી છે. બાપુ! આત્માનું હિત કરવું હોય તો અંદર ઊતરીને આત્માનું સ્વરૂપ
સમજ.
૬૧. પતિવ્રતા સતી જે પતિને પરણી તે સિવાય બીજાને ચાહે નહીં; તેમ
અંતરમાં જેણે પોતાના ચૈતન્યપતિ સાથે પ્રીતલડી બાંધી છે તે ધર્મી જીવ બીજા કોઈ
પરભાવનો પ્રેમ કરતા નથી. આત્માનો પ્રેમ હોય ને રાગનો–પુણ્યનો પણ પ્રેમ રાખે–
એમ બની શકે નહીં.
૬૨. આત્મા તો અતીન્દ્રિય–સુખનું ધામ છે ને રાગાદિ તો દુઃખનું ધામ છે, તેમને
એકબીજા સાથે કારણ–કાર્યપણું નથી; બંનેને અત્યંત જુદાઈ છે.
૬૩. જીવના ભાવ ત્રણ પ્રકારના છે–અશુભ–પાપ; શુભ–પુણ્ય; અને તે બંનેથી
પાર એવો શુદ્ધ–વીતરાગભાવ તે ધર્મ, આમાં પુણ્ય અને પાપના ભાવ જીવે
અનંતકાળથી કર્યા છે, પણ આત્માનો ચૈતન્યસ્વભાવ તેનાથી જુદો છે, તે સ્વભાવની
ઓળખાણ જીવે કદી કરી નથી. એટલે કે જ્ઞાનમય શુદ્ધભાવ જીવે કદી કર્યો નથી. એવો
શુદ્ધભાવ, રાગ વગરનો ભાવ પ્રગટ કરવો તે ધર્મ છે.
૬૪. અનાદિકાળથી શુભ–અશુભ રાગ કરીને સંસારમાં રખડયો છે, પણ
ભેદજ્ઞાનવડે તેનાથી છૂટીને જીવ વીતરાગભાવ કરી શકે છે. જ્યારથી સમ્યગ્જ્ઞાન થયું
ત્યારથી જીવ પોતાને રાગથી જુદો શુદ્ધચૈતન્યરૂપ અનુભવે છે.
૬પ. પુણ્યના ફળમાં સ્વર્ગાદિ મળે, પાપના ફળમાં નરકાદિ મળે, પણ એ બંનેથી

PDF/HTML Page 35 of 69
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પાર શુદ્ધ જ્ઞાનભાવ વડે જ મોક્ષ સધાય છે. અજ્ઞાની લોકો પુણ્યવડે મોક્ષ સાધવા
માંગે છે, પણ એ તો સંસારનું કારણ છે.
૬૬. જેને અંતરમાં ધર્મ પ્રગટે એટલે કે શુદ્ધ–જ્ઞાન–આનંદનો અનુભવ થાય તેને
પોતાના મોક્ષની ખબર પડે કે અમે હવે મોક્ષના પંથમાં ભળ્‌યા છીએ.
૬૭ પ્રશ્ન:– અત્યારે પંચમકાળમાં આવો મોક્ષમાર્ગ થઈ શકે?
ઉત્તર:– હા; અત્યારે પણ આત્માનો અનુભવ અને મોક્ષમાર્ગ થઈ શકે છે; એવો
અનુભવ કરનારા જીવો અત્યારે પણ અહીં છે.
૬૮. આત્માના સ્વાનુભવનો જે આનંદ છે તેને જ્ઞાની જ જાણે છે; બહારના પદાર્થોની
ઉપમાવડે, વાણીવડે કે કલ્પનાવડે તે અનુભવના આનંદનો ખ્યાલ આવી શકે
નહીં.
૬૯. ચૈતન્યના અનુભવનો જે માર્ગ, –તેને જગતની સાથે કે રાગની સાથે મેળવી
શકાતો નથી; એ માર્ગ તો અંદર ચૈતન્યતત્ત્વના સત્ત્વમાં સમાય છે.
૭૦. અહા, સિદ્ધસમાન પોતાનું સ્વરૂપ જે અનુભવમાં દેખાય, તે અનુભવની શી
વાત! આવા અનુભવ વગર મોક્ષના માર્ગની એટલે કે ધર્મની શરૂઆત ન થાય.
ગૃહસ્થપણામાં રહેલા ધર્મીનેય આવો અનુભવ થઈ શકે છે.
૭૧. અરે, આ હાડ–માંસના માળામાં રહેવું–એ કેમ મટે? અને અશરીરી સિદ્ધપદ કેમ
પમાય? –એવી ચૈતન્યકળા આ સમયસારમાં બતાવી છે.
૭૨. ધર્મને માટે–સુખને માટે પહેલાંં તો આત્મા અને આસ્રવો વચ્ચેનો તફાવત
ઓળખીને તેમને અત્યંત જુદા જાણવા જોઈએ. જુદાપણું જાણીને જ્ઞાનસ્વરૂપ
આત્મા સાથે એકતારૂપ, અને રાગાદિ આસ્રવોથી ભિન્નતારૂપ જ્ઞાનનું પરિણમન
થાય, તે ધર્મ છે–તે સુખ છે–તે મોક્ષનો પંથ છે.
૭૩. રાગાદિ ભાવો તે કાંઈ ચૈતન્યનાં કિરણ નથી. ચૈતન્યના કિરણમાં રાગ ન હોય;
રાગ તો અંધકાર છે, તેમાં ચૈતન્યપ્રકાશ નથી. આ રીતે પ્રકાશ અને અંધકારની
જેમ, જ્ઞાન અને રાગને જુદાઈ છે.
૭૪. ભાઈ, આ સંસારની રઝળપટીના દુઃખથી આત્માને છોડાવવા માટે હવે તો તું

PDF/HTML Page 36 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
તારી દયા કર. તારા આત્માનું દુઃખ કેમ મટે ને સુખ કેમ થાય, તેનો તો વિચાર
કર.
૭પ. ચૈતન્યભગવાનનો જેને પોતામાં વિશ્વાસ આવે તેને પુણ્ય–પાપ–રાગ–દ્વેષમાં
હિતબુદ્ધિ રહે નહીં. ચૈતન્યની જે વિરુદ્ધ છે તેને તે હિતરૂપ કેમ માને?
૭૬. રાગને હિતરૂપ માનવો તેમાં તો રાગવગરના ચૈતન્યભગવાનનો આદર થાય છે,
તે જ અનંત ક્રોધરૂપ મિથ્યાત્વ છે.
૭૭. જે ભાવને પોતાના ચૈતન્યતત્ત્વથી વિરુદ્ધ જાણ્યા તેના કર્તૃત્વની બુદ્ધિ રહેતી
નથી, એટલે ધર્મીને આસ્રવોનું કર્તૃત્વ છૂટીને જ્ઞાનભાવનું જ કર્તૃત્વ રહે છે. –
આવો જ્ઞાનભાવ તે મોક્ષનું સાધન છે. તેના વડે જ્ઞાની ઓળખાય છે.
૭૮. આત્માના જ્ઞાન વગર, જરાક રાગથી કે દયા–દાનથી, કે દેહની ક્રિયાથી મોક્ષ
થવાનું અજ્ઞાની–કુગુરુઓ બતાવે છે, ને અજ્ઞાની જીવો તેનાથી છેતરાય છે, –પણ
એ તો સંસારમાં ડુબે છે.
૭૯. ભાઈ, રાગ તો દુઃખદાયક છે; તારા ચૈતન્યમાં રાગ કેવો ને દુઃખ કેવું?
ચૈતન્યતત્ત્વ તે તો આનંદનો સાગર છે; તેનો અનુભવ, તેના તરંગો તો
આનંદરૂપ છે.
૮૦. જે જીવ ખરેખર આ રીતે આત્મસ્વભાવને અને રાગને જુદા ઓળખે છે તે
રાગાદિ પરભાવોથી પાછો ફરે છે અને આત્મસ્વભાવને જ સ્વપણે અનુભવતો
થકો જ્ઞાનઘનરૂપ થાય છે. આનું નામ ભેદજ્ઞાન છે, ને તે મોક્ષમાર્ગ છે.
૮૧. આત્માને કેમ દેખવો? –કે અંદર અંધારા વખતે પણ ‘આ અંધારું છે ’એમ જે
જાણે છે તે જાણનાર તત્ત્વ પોતે અંધારારૂપ નથી, તે તો ચૈતન્યપ્રકાશરૂપ છે.
આવો ચૈતન્યપ્રકાશ જેનામાં છે તે પોતે આત્મા છે. આ રીતે ચૈતન્યપ્રકાશ દ્વારા
આત્માને રાગથી જુદો દેખાવો.
૮૨. ચૈતન્યપ્રકાશવડે આત્માને રાગથી તદ્ન જુદો અનુભવમાં લીધો, ત્યાં ભેદજ્ઞાન
વડે ધર્મીના અંતરમાં આનંદનો અવતાર થયો છે.
આવા આનંદ–અવતારી કહાનગુરુને નમસ્કાર હો.
*(પ્રવચન સમુદ્રના ૨૦૧ રત્નોમાંથી ૮૨ રત્નોની પહેલી રત્નમાળા અહીં પૂરી થઈ.)*

PDF/HTML Page 37 of 69
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
(બીજી રત્નમાળા પ૭ રત્નોની શરૂ)
પોરબંદરમાં સમુદ્રકિનારે કહાનગુરુના શ્રીમુખથી જિનવાણીનો વીતરાગી
પ્રવચનસમુદ્ર ઉલ્લસી રહ્યો છે ને હજારો શ્રોતાજનો એના મધુર તરંગો ઝીલી
રહ્યા છે; તે પ્રવચનસમુદ્રનાં રત્નો વડે ગૂંથેલી ૨૦૧ રત્નોની માળા આપ વાંચી
રહ્યા છો.
૮૩. ભેદજ્ઞાન તે મંગળરૂપ છે.
૮૪. ભેદજ્ઞાન તેને કહેવાય કે જે રાગાદિ સમસ્ત પર ભાવોથી જુદું પડે અને
જ્ઞાનભાવરૂપ થઈને પરિણમે.
૮પ. રાગમાં જે તન્મય રહે, રાગના અંશથી જે લાભ માને, રાગને ધર્મનું સાધન
માને, તે તો અજ્ઞાન છે, તેને ભેદજ્ઞાન કહેતા નથી. સાચું જ્ઞાન તો આત્મા તરફ
ઝુકેલું છે, અને રાગાદિથી જુદું પડેલું છે.
૮૬. આવું સમ્યગ્જ્ઞાન કેમ થાય? આત્માના અનુભવની બહુ જિજ્ઞાસાથી શિષ્ય પૂછે
છે કે પ્રભો! આત્માનું આવું જ્ઞાન કઈ રીતે પ્રગટ કરવું? તે જ્ઞાનમાં આત્મા કેવો
અનુભવાય છે? –આવી ધગશવાળા શિષ્યને શ્રીગુરુ આત્માના અનુભવની રીત
સમજાવે છે. (સ. ગાથા ૭૩)
૮૭. આત્માની અલૌકિક ચૈતન્યવિદ્યાની આ વાત છે. આ ચૈતન્યવિદ્યાનાં ભણતર
જીવ કદી ભણ્યો નથી. અંતરના અપૂર્વ અભ્યાસ વડે પોતે પોતાના આત્માને
પ્રત્યક્ષ અનુભવમાં લેવાની આ વાત છે.
૮૮. આત્મા પોતે પોતાને જાણી શકે છે. ઈન્દ્રિયજ્ઞાનવડે આત્મા અગોચર છે, પણ
સ્વાનુભૂતિરૂપ અતીન્દ્રિયજ્ઞાનમાં તો પોતે પોતાને ગમ્ય થાય છે એટલે
અનુભવગોચર છે.
૮૯. આવા આત્માને અંદરના નિર્વિકલ્પ અનુભવવડે અનુભવગમ્ય કરીને, તે
અનુભવના આનંદમાં કલમ બોળીબોળીને કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર રચ્યું છે.
જેવા રંગની શાહી હોય તેવા અક્ષર લખાય, તેમ ચૈતન્યના રંગવાળી,
સ્વાનુભવરૂપી શાહીથી લખાયેલ આ શાસ્ત્રમાં આત્માના અનુભવનું વર્ણન છે.
૯૦. અનુભવ કરનાર જીવ પહેલાંં તો જ્ઞાનના બળથી આત્માના શુદ્ધ સ્વરૂપનો
નિર્ણય કરે છે; તે નિર્ણય કરીને અંર્તસન્મુખ થાય છે.

PDF/HTML Page 38 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૫ :
૯૧. કેવો નિર્ણય કરે છે? –હું એક આત્મા જ્ઞાનદર્શનસ્વરૂપ છું અને મારા
સ્વાનુભવમાં હું સદાય પ્રત્યક્ષ છું. અન્ય કોઈ ભાવો જરા પણ મારાં નથી.
૯૨. ઈંદ્રિયજ્ઞાન એટલે કે પરોક્ષપણું તે આત્માનો સ્વભાવ નથી. ઈંદ્રિયજ્ઞાનવડે તેને
જાણી ન શકાય. ઈંદ્રિયથી જુદો પડી, અંતર્મુખ અતીન્દ્રિય ઉપયોગવડે આત્મા
પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે.
૯૩. અંતરમાં મારો ઉદય સદાય વિજ્ઞાનઘન સ્વભાવરૂપે જ છે. મારો આત્મા
અનાદિઅનંત સદાય ચૈતન્યપણે જ રહેલો છે; એનાથી વિપરીત કોઈપણ બીજા
ભાવો તે હું નથી. –આમ આત્માનો નિર્ણય કરવો.
૯૪. કર્તા–કર્મ–આધાર વગેરે છ કારકો છે; ને જડનાં કારકો જડમાં છે. આત્માનાં
કારકો આત્મામાં છે. શરીરનું કર્તાપણું–કર્મપણું કે આધારપણું આત્મામાં નથી;
આત્મા શરીરનો કર્તા નથી.
૯પ. જે રાગાદિ વિકારભાવે છે તેનાં કારકો પણ જ્ઞાનસ્વરૂપ આત્મામાં નથી.
આત્માને સ્વભાવથી તે રાગાદિ ભાવનું કર્તાપણું નથી, આત્મા તેનો આધાર
નથી. તેનાથી રહિત હોવાથી મારો આત્મા શુદ્ધ છે–એમ ધર્મી પોતાને જાણે છે.
૯૬. હવે, મારી નિર્મળ પર્યાયનો હું કર્તા, તે મારું કાર્ય, હું તેનો આધાર–એવા જે
ભેદ, તેનાથી પાર શુદ્ધ અનુભૂતિસ્વરૂપ આત્મા છે; શુદ્ધ આત્માની અનુભૂતિમાં
કોઈ ભેદ–વિકલ્પ નથી. આવી અનુભૂતિસ્વરૂપ હું છું તેથી હું શુદ્ધ છું. કોઈ અશુદ્ધ
ભાવ મારામાં નથી. –આવી વિધિવડે આત્મા આસ્રવોથી છૂટો પડે છે એવો છૂટો
પડે છે કે રાગનો એક અંશ પણ કદી પોતાપણે ભાસતો નથી, પોતે સદા જ્ઞાનરૂપ
જ રહે છે.
૯૭. જુઓ, આવા ચૈતન્યસમુદ્ર ભગવાન આત્માના અનુભવ વિના કોઈ આસ્રવોથી
છૂટવા માંગે તો તે છૂટી શકે નહીં. આસ્રવોથી ભિન્ન ચૈતન્યમાત્ર આત્માને
અનુભવમાં લેવો તે જ આસ્રવથી છૂટવાની રીત છે.
૯૮. મોક્ષમાર્ગી સંતો કહે કે અમે આવો શુદ્ધ અનુભવ કર્યો છે ને તમે પણ આવો
અનુભવ કરો. તે અનુભવ કરવાની વિધિ અહીં બતાવીએ છીએ.
૯૯. અંદર પોતામાં ભેદ પાડીને હું કર્તા, જ્ઞાન મારું કાર્ય–ઈત્યાદિ વિકલ્પ ઊઠે, તે

PDF/HTML Page 39 of 69
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
વિકલ્પમાં અટકે ત્યાં સુધી આત્મા શુદ્ધપણે અનુભવમાં આવતો નથી. અને જ્યાં
આત્માની શુદ્ધઅનુભૂતિ થઈ ત્યાં કોઈ વિકલ્પ તેમાં રહેતો નથી, કર્તા–કર્મના
કોઈ ભેદ રહેતા નથી. આવી અનુભૂતિસ્વરૂપ ધર્મી પોતાને જાણે છે.
૧૦૦. આત્માની અનુભૂતિ પરમ આનંદરૂપ છે. જ્યાં અનુભૂતિ થઈ ત્યાં ભાન થયું કે
અહા, હું તો ત્રણેકાળ આવી અનુભૂતિસ્વરૂપ જ છું. ચેતનની અનુભૂતિથી છૂટીને
જડરૂપ કે રાગરૂપ મારો સ્વભાવ કદી થયો નથી.
૧૦૧. જેણે પોતાના આત્માને આવો શુદ્ધ અનુભૂતિસ્વરૂપ અનુભવ્યો તે જીવ હવે
રાગાદિને પોતાપણે કેમ અનુભવે? એટલે આસ્રવોમાં તે કેમ વર્તે? ન જ વર્તે.
આ રીતે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો થકો આસ્રવોથી છૂટે છે.
૧૦૨. મારી અનુભૂતિ ચૈતન્ય ભાવમય છે; ચૈતન્યથી ભિન્ન ક્રોધાદિ કોઈ પણ ભાવોનું
મમત્વ મને નથી, તેનું કર્તૃત્વ મને નથી, તેનું સ્વામીત્વ મને નથી, તેથી હું
મમતારહિત છું. –આ રીતે જ્ઞાનથી અન્ય કોઈ પણ ભાવમાં ધર્મીને મમત્વ નથી,
તેમાં પોતાપણું નથી.
૧૦૩. જેણે અંતર્મુખ ધ્યાનદ્વારા પોતાના સર્વજ્ઞસ્વભાવને અનુભવમાં લીધો તેણે
રાગને પોતાથી જુદો પાડયો......તેને ભેદજ્ઞાન થયું......તે નિર્મોહી ધર્મી થયો.
૧૦૪. જેમ સ્વચ્છ જળને જાણતાં તેમાં પ્રતિબિંબરૂપ એવા ચંદ્ર વગેરે પણ દેખાય છે;
તેમ આત્માનો સર્વજ્ઞસ્વભાવ જ્યાં રાગ વગરનો સ્વચ્છ થઈને પરિણમ્યો ત્યાં
તે સ્વચ્છ જ્ઞાનસરોવરમાં જગતના બધા પદાર્થોનું જ્ઞાન પણ થઈ જાય છે.
પરજ્ઞેયને જાણવા પર તરફ જ્ઞાનને લંબાવું પડતું નથી. પોતે પોતાને જાણતાં
જગત પણ જણાઈ જાય છે.
૧૦પ. અહો, આવા સર્વજ્ઞસ્વભાવને અમે પ્રતીતમાં લીધો.....હવે મોક્ષ માટે આવા
પોતાના સ્વભાવમાં જ વળવાનું રહ્યું, બહાર જોવાનું ન રહ્યું.
૧૦૬. આત્માને જાણવા માટે, કે આત્માનું ધ્યાન કરવા માટે ક્્યાંય બહાર નજર
લંબાવવી નથી પડતી પણ અંતરમાં પોતે પોતામાં નજર કરીને એકાગ્ર થવાનું
છે, એટલે આત્મા ક્્યાંય બહારમાં નથી, પોતે પોતાના સ્વભાવમાં વ્યાપક છે.
આવો આત્મા પોતે પોતાને સ્વસંવેદન–પ્રત્યક્ષ છે.

PDF/HTML Page 40 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૭ :
૧૦૭. આત્મામાં રમે તે રામ.....રાગમાં રમે તે હરામ.
૧૦૮. અપમાન થતાં ઓગળી જાય, કે માન મળતાં વેંચાઈ જાય–એવો આત્મા નથી;
આત્મા તો માન–અપમાનથી પાર ચૈતન્યમાત્ર વસ્તુ છે.
૧૦૯. આત્મા દેખાય? હા; જ્ઞાનની સ્વસંવેદનક્રિયાવડે આત્મા પોતે પોતાને સાક્ષાત્
થાય છે. પણ જડની ક્રિયા વડે કે રાગની ક્રિયા વડે દેખવા માંગે તો આત્મા
દેખાય નહીં.
૧૧૦. જગતમાં સૌથી મોટો એવો સ્વયંભૂ નામનો સમુદ્ર અસંખ્ય રત્નોથી ભરેલો છે;
તેમ અસંખ્યપ્રદેશી એવો આ સ્વયંભૂ–ચૈતન્યસમુદ્ર છે તે પોતાના અનંત ગુણ–
રત્નોથી ત્રણેકાળ ભરેલો છે.
૧૧૧. આત્માના આવા સ્વભાવનું શ્રવણ–બહુમાન અને વિચાર કરતાં પણ મોહ મંદ
પડી જાય છે, ને પછી યથાર્થ નિર્ણયના બળે મોહનો નાશ થઈને સમ્યગ્દર્શન
થાય છે.
૧૧૨. અહો, અંતરમાં આત્માના રહસ્યના ઉકેલ કરવાની આ વાત છે. વાણીમાં જે
આવે નહી, વિકલ્પથી જેનો પાર પમાય નહિ. જ્ઞાનચેતના વડે જ જેનો પાર
પમાય એવો આત્મા છે.
૧૧૩. ચેતનાથી જુદા એવા રાગનું જેને સ્વામીત્વ છે તે નિર્મમ નથી, તે તો રાગની
મમતા વાળો છે, રાગથી ભિન્ન આત્માને તે અનુભવતો નથી.
૧૧૪. આત્માને જ્ઞાનસ્વરૂપે અનુભવે તેને રાગનું મમત્વ રહે નહીં, રાગના અંશને પણ
તે પોતામાં માને નહિ.
૧૧પ. “ ધ્વનિના નાદવડે સર્વજ્ઞપરમાત્માનો આદેશ છે કે હે જીવો! તમે તમારા
જ્ઞાનાનંદમય સ્વભાવના જ સ્વામી છો, રાગાદિ પરભાવના સ્વામી તમે નથી;
માટે તે પરભાવનું મમત્વ છોડી પોતાને સહજ જ્ઞાનસ્વભાવપણે જ અનુભવો.–
એ જ મોક્ષની રીત છે.
૧૧૬. સહજ સ્વભાવની અનુભૂતિ રાગનાં સાધન વડે થતી નથી. અનુભૂતિમાં
સ્વભાવ પોતે જ પોતાનું સાધન થાય છે.