Page 14 of 181
PDF/HTML Page 41 of 208
single page version
આનંદમય પ્રસાદીરૂપ આ ‘સમયસાર’ શાસ્ત્ર છે; તેનો મહિમા અદ્ભુત, અચિંત્ય અને અલૌકિક છે. અહો! આ સમયસાર તો અશરીરીભાવ બતાવનારું શાસ્ત્ર છે; તેના ભાવો સમજતાં અશરીરી સિદ્ધપદ પમાય છે. કુંદકુંદપ્રભુની તો શી વાત! પણ અમૃતચંદ્ર-આચાર્યદેવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. મોક્ષનો મૂળ માર્ગ આ સંતોએ જગતસમક્ષ પ્રસિદ્ધ કર્યો છે. ....ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા છે. ૨૫.
દયાધર્મ એટલે શું? આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી, ત્રિકાળ વીતરાગસ્વભાવી — દયાસ્વભાવી પ્રભુ છે. તેમાં અન્તર્દષ્ટિ કરતાં, પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થતાં, ચૈતન્યની નિર્મળ પરિણતિ — વીતરાગ પરિણતિ — ઊપજવી તે દયાધર્મ છે. તે આત્મરૂપ છે, આત્માના સ્વભાવરૂપ છે. આવો દયાધર્મ સમ્યગ્દ્રષ્ટિને હોય છે, અજ્ઞાનીને હોતો નથી.
વિકલ્પના કાળમાં સમ્યગ્દ્રષ્ટિને પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત્ હોય છે, તોપણ તે વિકલ્પમાં, ‘હું પરની રક્ષા કરનારો છું’ – એવો આત્મભાવ નથી, અહંભાવ નથી. તે તો જાણે છે કે પર જીવનું જીવન
Page 15 of 181
PDF/HTML Page 42 of 208
single page version
તો તેની યોગ્યતાથી તેના આયુના કારણે છે, તેમાં મારું કાંઈ કર્તવ્ય નથી; હું તો નિમિત્તમાત્ર છું. અહા! ધર્મી પુરુષ તો પરના જીવનસમયે પોતાને જે પરદયાનો વિકલ્પ થયો ને યોગની ક્રિયા થઈ તેનો પણ માત્ર જાણનાર રહે છે, કર્તા થતો નથી, તો પછી પરના જીવનનો કર્તા તે કેમ થાય? બાપુ! પરની દયા હું પાળી શકું છું – એવી માન્યતા મિથ્યાત્વ ને અજ્ઞાનભાવ છે, એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાઈ! વીતરાગ મારગની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. ૨૬.
જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા હોય, તે બધી આત્મામાં ભરી છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહ્યું છેઃ એકત્વ-નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
— આવા સુંદર આત્માને અનુભવમાં લેતાં તેના સર્વ ગુણોની સુંદરતા ને પવિત્રતા એકસાથે પ્રગટે છે. એકેક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ ભેગો છે; તે અનુભવમાં એકસાથે સમાય છે; પણ વિકલ્પ કરીને એકેક ગુણની ગણતરીથી આત્માના અનંત ગુણોને પકડવા માગે તો અનંત કાળેય પકડાય નહિ. એક આત્મામાં ઉપયોગ
Page 16 of 181
PDF/HTML Page 43 of 208
single page version
મૂકતાં તેમાં તેના અનંત ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવાય છે. હે ભાઈ! આવા અનુભવની હોંશ ને ઉત્સાહ કર. બહારની કે વિકલ્પની હોંશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી. ઉપયોગને – રુચિને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ, જેથી તને તત્ક્ષણ વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણસ્વરૂપ નિજ આત્માનો અનુભવ થશે. ૨૭.
રાગના વિકલ્પથી ખંડિત થતો હતો તે જીવ સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં ઠર્યો ત્યાં જે ખંડ થતો હતો તે અટકી ગયો અને એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર આનંદસ્વરૂપ રહી ગયો. હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું બદ્ધ છું, હું અબદ્ધ છું – એવા વિકલ્પો હતા તે છૂટી ગયા અને જે એકલું આત્મતત્ત્વ રહી ગયું તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને તે જ સમયસાર છે. સમયસાર તે આ પાનાં નહિ, અક્ષરો નહિ; એ તો જડ છે. આત્માના આનંદમાં લીનતા તે જ સમયસાર છે. આત્મસ્વરૂપનો બરાબર નિર્ણય કરીને વિકલ્પ છૂટી જાય, પછી અનંતગુણસામર્થ્યથી ભરપૂર એકલું રહ્યું જે નિજ શુદ્ધાત્મતત્ત્વ તે જ સમયસાર છે. ૨૮.
Page 17 of 181
PDF/HTML Page 44 of 208
single page version
સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતાં નિસ્પૃહપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્ત્વ છે, પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત ન થાય. જે જીવ પુણ્યવૈભવ, યશઃકીર્તિ ઉપર જુએ છે તે, જીવ-અજીવનાં લક્ષણની જુદાઈ નહિ સમજનારો હોવાથી અજ્ઞાની છે.
પ્રવચનસારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બન્ને, આત્માના ધર્મ નહિ હોવાથી, નિશ્ચયથી સમાન જ છે —
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે.
જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બન્ને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું ( – સમાનપણું) કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી.
જ્ઞાનીને હિત-અહિતનો યથાર્થ વિવેક હોઈ, જે કંઈ પુણ્ય-પાપના સંયોગ છે તેનો તે માત્ર જ્ઞાતા રહે છે.
Page 18 of 181
PDF/HTML Page 45 of 208
single page version
ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા કરે. ૨૯.
શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકપ્રભુની દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધકદશા છે. તેનાથી પૂર્ણ સાધ્યદશા પ્રગટ થશે. સાધકદશા છે તો નિર્મળ જ્ઞાનધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી; કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ — સચ્ચિદાનંદ પ્રભુ — આત્મા છો ને. પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળસ્વરૂપે એવી છે નહિ. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના — પરમાનંદસ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધકદશાની સાધના — એવી કર કે જેનાથી તારું સાધ્ય — મોક્ષ — પૂર્ણ થઈ જાય. ૩૦.
ઇચ્છાનો નિરોધ કરી સ્વરૂપ – સ્વભાવની સ્થિરતાને ભગવાન ‘તપ’ કહે છે. સ્વરૂપમાં વિશ્રાન્તિરૂપ ચૈતન્યનું — જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, દેદીપ્યમાન થવું તે તપ છે. સમ્યગ્દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહારાદિની ઇચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે તપ છે. અંદર જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં, વચ્ચે અશુભમાં ન જવા માટે, અનશન વગેરે બાર પ્રકારના
Page 19 of 181
PDF/HTML Page 46 of 208
single page version
શુભ ભાવને તપ કહેલ છે તે ઉપચારથી છે. તેમાં શુભ રાગ રહ્યો છે તે ગુણકર — નિર્જરાનું કારણ — નથી. પુણ્ય-પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અને અંશે અંશે રાગનું ટળવું થાય તે નિર્જરા છે. ‘तपसा निर्जरा च’ એમ શ્રી ઉમાસ્વામી-આચાર્યદેવે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે; તેનો અર્થ રોટલા છોડવા તે તપશ્ચર્યા નથી, પણ સ્વભાવમાં રમણતા થતાં રોટલા સહજ છૂટી જાય તે તપ છે. એવું તપ જીવે અનાદિ કાળમાં પૂર્વે કદી કર્યું નથી.
‘હું અખંડાનંદ પરિપૂર્ણ જ્ઞાયકતત્ત્વ છું’ એમ સ્વભાવના લક્ષે ઠર્યો ત્યાં રાગ છૂટતાં, રાગમાં નિમિત્ત જે શરીર તેના ઉપરનું લક્ષ સહેજે છૂટી જાય છે અને શરીર ઉપરનું લક્ષ છૂટતાં આહારાદિ પણ છૂટી જાય છે. આ રીતે સ્વભાવના ભાન સહિત અંદર શાન્તિપૂર્વક ઠર્યો તે જ તપશ્ચર્યા છે. સ્વભાવના ભાન વગર ‘ઇચ્છાને રોકું, ત્યાગ કરું’ એમ કહે, પણ ભાન વગર તે કોના જોરે ત્યાગ કરશે? શેમાં જઈને ઠરશે? વસ્તુસ્વરૂપ તો યથાર્થપણે સમજ્યો નથી.
આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જડ પદાર્થનાં ગ્રહણ-ત્યાગ નથી, પરનું કોઈ પ્રકારે લેવું-મૂકવું નથી. હું નિરાલંબી જ્ઞાયકસ્વભાવી છું એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતાં આહારાદિનો વિકલ્પ છૂટી જાય તે તપ છે અને અંતરની લીનતામાં જે
Page 20 of 181
PDF/HTML Page 47 of 208
single page version
આનંદ તે તપશ્ચર્યાનું ફળ છે. ૩૧.
પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનો અન્તર્નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત-અનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમજ્યે, શ્રદ્ધ્યે એક-બે ભવે અવશ્ય મોક્ષ થાય છે – એમ અપ્રતિહત ભાવની વાત કરી છે; પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ (સ્વાનુભવ) આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. ૩૨.
જગતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કર્તા વગર આ જગત બની શકે નહિ, એક આત્મા બીજાનાં જીવન-મરણ, સુખ-દુઃખ, ઉપકાર- અપકાર કરી શકે, આત્માની પ્રેરણાથી શરીર હાલી- ચાલી, બોલી શકે, કર્મ આત્માને હેરાન કરે, કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય ને શાપથી અકલ્યાણ થાય, દેવ-ગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી
Page 21 of 181
PDF/HTML Page 48 of 208
single page version
શકે ને બરાબર ધ્યાન ન રાખીએ તો શરીર બગડી જાય, કુંભાર ઘડો બનાવી શકે, સોની દાગીના ઘડી શકે વગેરે. પણ ‘અન્ય જીવનું હિતાહિત હું જ કરું છું’ એમ જે માને છે તે પોતાને અન્ય જીવરૂપ માને છે તેમ જ ‘પૌદ્ગલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું છું’ એમ જે માને છે તે પોતાને પુદ્ગલદ્રવ્યસ્વરૂપ માને છે. તેથી આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ છોડવાયોગ્ય છે. ‘કર્તા એક દ્રવ્ય હોય અને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય’ એવું કદી પણ બની શકે જ નહિ, કારણ કે ‘જે પરિણમે તે કર્તા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા — એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે.’ વળી ‘એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ- પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોય શકે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.’ વળી ‘વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.’ વસ્તુની તે તે સમયની જે જે અવસ્થા (અવ = નિશ્ચય + સ્થા = સ્થિતિ અર્થાત્ નિશ્ચયે પોતાની પોતામાં સ્થિતિ) તે જ તેની વ્યવસ્થા છે. તેથી તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ પરપદાર્થની જરૂર પડતી નથી. આમ જેની માન્યતા થાય છે તે દરેક વસ્તુને
Page 22 of 181
PDF/HTML Page 49 of 208
single page version
સ્વતંત્ર તથા પરિપૂર્ણ સ્વીકારે છે. પરદ્રવ્યના પરિણમનમાં મારો હાથ નથી ને મારા પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનો હાથ નથી. આમ માનતાં પરના કર્તાપણાનું અભિમાન સહેજે ટળી જાય છે તેથી અજ્ઞાનભાવે જે અનંતું વીર્ય પરમાં રોકાતું હતું તે સ્વમાં વળ્યું તે જ અનંતો પુરુષાર્થ છે ને તેમાં જ અનંતી શાંતિ છે. — આ દ્રષ્ટિ તે જ દ્રવ્યદ્રષ્ટિ થઈ ને તે જ સમ્યગ્દ્રષ્ટિ થઈ. ૩૩.
જે જીવ પાપકાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યોમાં કંજૂસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ સંસાર કરતાં ધર્મકાર્યોમાં વધારે ઉત્સાહથી વર્તે છે. ૩૪.
જ્ઞાન ને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર એવા સત્સ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્માના આશ્રયે જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થાય ત્યારે તેના અનંત ગુણોનો અંશ — આંશિક શુદ્ધ પરિણમન — પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. તેને શ્રીમદ્ રાજચંદ્ર ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ ને પં૦ ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ‘ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો એકદેશ પ્રગટ થયા છે.’ – એમ કહે છે. તે વાત
Page 23 of 181
PDF/HTML Page 50 of 208
single page version
બેનના બોલમાં (બહેનશ્રી ચંપાબેનનાં વચનામૃતમાં) આ પ્રમાણે આવી છેઃ
‘‘નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે.’’
અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેની જેને દ્રષ્ટિ થઈ છે તેને ‘વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે’ એવો અનુભવ — વેદન થતું હોવાથી, અનંત ગુણોનું અંશે યથાસંભવ વ્યક્તપણું થયું હોવાથી, તે સમકિતી છે. ૩૫.
ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વીતરાગ વાણી પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. એ વીતરાગી વાણીમાં કહેલાં તત્ત્વોનું સ્વરૂપ વિપરીતાભિનિવેશ રહિત જેને બેઠું છે તે ભવ્ય જીવના ભવ નષ્ટ થઈ જાય છે. એને ભવ રહે જ નહિ. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે; એ જેને બેસે તે જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે. ૩૬.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયપ્રાભૃતમાં કહે છે કે, હું જે આ ભાવ કહેવા માગું છું તે અંતરના
Page 24 of 181
PDF/HTML Page 51 of 208
single page version
આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તેમાં મારા વર્તતા સ્વ- આત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્યભગવાન કહે છે કે, ‘આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું — એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું’. મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે.
સમયપ્રાભૃત એટલે સમયસારરૂપી ભેટણું. જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશાસ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટણું આપ્યે પરમાત્મદશા — સિદ્ધદશા — પ્રગટ થાય છે.
આ શબ્દબ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ- વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. ૩૭.
સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ
Page 25 of 181
PDF/HTML Page 52 of 208
single page version
કર. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ જીવની જ્ઞાનધારા ડગે નહિ. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવીને ઊભા રહે તોપણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિ ને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ અસર કરી શકે નહિ — ચૈતન્ય પોતાની જ્ઞાતૃધારાથી જરા પણ ડગે નહિ ને સ્વરૂપસ્થિરતાપૂર્વક બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન્મુક્તદશા થાય અને મોક્ષદશા થાય. ૩૮.
અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશે – ઉગારી દેશે; એનો અર્થ એવો થયો કે મારામાં કાંઈ માલ નથી, હું તો સાવ નમાલો છું. એમ પરાધીન થઈને, સાક્ષાત્ ભગવાન સામે કે તેમની વીતરાગ પ્રતિમા સામે રાંકો થઈને, કહે કે ભગવાન! મને મુક્ત કરજો. ‘दीन भयो प्रभुपद जपै, मुक्ति क हाँसे होय?’ રાંકો થઈને કહે કે હે પ્રભુ! મને મુક્તિ આપો; પણ ભગવાન પાસે તારી મુક્તિ ક્યાં છે? તારી મુક્તિ તારામાં જ છે. ભગવાન તને કહે છે કે દરેક આત્મા
Page 26 of 181
PDF/HTML Page 53 of 208
single page version
સ્વતંત્ર છે, હું પણ સ્વતંત્ર છું ને તું પણ સ્વતંત્ર છો, તારી મુક્તિ તારામાં જ છે; – એમ ઓળખાણ કર. ઓળખાણ વડે તરવાનો ઉપાય પોતામાં જાણ્યો ત્યારે ભગવાનને આરોપ આપીને વિનયથી કહેવાય છે કે ‘ભગવાને મને તાર્યો,’ તે શુભ ભાવ છે ને તે વ્યવહારે સ્તુતિ છે.
શરીરાદિ તે હું છું, પુણ્ય-પાપભાવ તે પણ હું છું — એવા મિથ્યા ભાવ છૂટીને ‘હું એક ચૈતન્યસ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું’ આવા ભાનપૂર્વક ભગવાન તરફનો જે શુભભાવ થાય તે વ્યવહારે સ્તુતિ છે અને આવા ભાનપૂર્વક સાથે વર્તતી શુભભાવથી જુદી જે સ્વરૂપાવલંબી શુદ્ધિ છે તે પરમાર્થે સ્તુતિ છે. ૩૯.
શાસ્ત્રમાં વ્યવહાર ને પરમાર્થ બન્ને રીતે વાત આવે છે. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગદ્વેષ નથી; ત્યાં એમ સમજવું કે તે કથન સ્વભાવની અપેક્ષાએ દ્રવ્યદ્રષ્ટિથી કહ્યું છે. વળી તે જ શાસ્ત્રમાં બીજે ઠેકાણે એમ કહ્યું હોય કે રાગદ્વેષ આત્મામાં થાય છે; ત્યાં એમ સમજવું કે તે કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાયદ્રષ્ટિથી કહેવાયું છે. એ રીતે તે કથન જેમ છે તેમ સમજવું,
Page 27 of 181
PDF/HTML Page 54 of 208
single page version
પણ બન્નેનો ખીચડો કરી સમજવું નહિ.
વળી શાસ્ત્રમાં ‘આત્મા નિત્ય છે’ એમ જે કહ્યું છે તે દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાનું કથન છે અને ‘આત્મા અનિત્ય છે’ એવું જે કથન છે તે પર્યાય-અપેક્ષાએ અવસ્થા- દ્રષ્ટિથી કહ્યું છે. તે બન્ને કથન જે અપેક્ષાપૂર્વક છે તે ન જાણે અને આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે, એકાન્તદ્રષ્ટિ છે. બન્ને પડખાંને જેમ છે તેમ બરાબર સમજી, ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પર ને વિભાવથી જુદો શુદ્ધ જ્ઞાયક છે એવી જે દ્રષ્ટિ તે પરમાર્થદ્રષ્ટિ — ધ્રૌવ્યદ્રષ્ટિ છે. ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા તેના ઉપર જે દ્રષ્ટિ તે વ્યવહાર-દ્રષ્ટિ – ભંગદ્રષ્ટિ – ભેદદ્રષ્ટિ છે. ૪૦.
આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે; કલ્પવૃક્ષ છે; ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા – સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ- અનુભવમાંથી નીકળેલી છે. ૪૧.
Page 28 of 181
PDF/HTML Page 55 of 208
single page version
આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય – એમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કર્તા અને જીવના વિકારી પરિણામ એનું કાર્ય – એમ પણ કેમ હોઈ શકે? ન હોઈ શકે. ઘણાને મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે જ નહિ. નિમિત્તથી વિકાર થાય એમ શાસ્ત્રમાં જે કથન આવે છે તેનો અર્થ ‘નિમિત્તથી વિકાર થાય’ એમ નહિ પણ ‘નિમિત્તનો આશ્રય કરવાથી વિકાર થાય’ એમ છે. જો જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી, તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીઓનો આ મોહ ( – અજ્ઞાન) કેમ નાચે છે? ૪૨.
‘મને બહારનું કાંઈક જોઈએ’ એમ માનનાર ભિખારી છે. ‘મને મારો એક આત્મા જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ’ એમ માનનાર બાદશાહ છે. આત્મા અચિન્ત્ય શક્તિઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જ્યોત અનુભવમાં
Page 29 of 181
PDF/HTML Page 56 of 208
single page version
આવી શકે છે. ૪૩.
અંતરના ભાવમાંથી — ઊંડાણમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધચૈતન્ય છે. અંદરની રુચિથી એની ભાવના ઊઠે અને વસ્તુના લક્ષ સહિત વાંચન-વિચાર કરે તો માર્ગ મળે. શ્રી મોક્ષમાર્ગ- પ્રકાશકમાં આવે છે કે, વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે. તેનો હેતુ જગતને રાજી રાખવાનો ને પોતાની વિશેષતા — મોટપ પોષવાનો હોય તો તેનું બધું વાંચવું-વિચારવું અજ્ઞાન છે. ૪૪.
સ્યાદ્વાદ એ તો સનાતન જૈનદર્શન છે; તેને જેમ છે તેમ સમજવું જોઈએ. વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે; તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હેય કહે છે; પણ બીજી બાજુ, શુભ રાગ આવે છે — હોય છે; એનાં નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે; તેને જે ન માને તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉથાપે તો મિથ્યાદ્રષ્ટિ છે. શુભ રાગ હેય છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે; તેનાં નિમિત્તો ભગવાનની
Page 30 of 181
PDF/HTML Page 57 of 208
single page version
પ્રતિમા આદિ હોય છે. તેનો નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી, તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. ૪૫.
પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે, પણ એ ધર્મ નથી. ભૂમિકામાં હજુ સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને? સિદ્ધપણું નથી એટલું બાધકપણું — એવા શુભ ભાવ — આવે. આવે, પણ તે હેય તરીકે આવે, જાણવા માટે આવે; જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે. સમયસાર-નાટકમાં આવે છે ને —
सोई जिनप्रतिमा प्रवाँनै जिन सारखी ।।’
જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર તુલ્ય વીતરાગ- ભાવવાહી હોય છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જિનપ્રતિમા છે, તેની પૂજા, ભક્તિ બધું છે. સ્વરૂપમાં જ્યારે ઠરી શકે નહિ ત્યારે, અશુભથી બચવા, એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહિ. ‘એવો ભાવ ન જ આવે’ – એમ માને તેને વસ્તુસ્વરૂપની ખબર નથી; અને આવે માટે ‘તેનાથી ધર્મ છે’ – એમ માને તોપણ તે બરાબર નથી; એ શુભ રાગ બંધનું કારણ છે.
જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી, ત્યાં સુધી અધૂરી દશામાં એવા બંધના પરિણામ
Page 31 of 181
PDF/HTML Page 58 of 208
single page version
હોય છે. હોય છે માટે તે આદરણીય છે – એમ પણ નથી.
નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. જેને નિજ પરમાત્મસ્વભાવનો આશ્રય કરવો છે તેણે રજકણને તેમ જ રાગના અંશને પણ છોડી દેવો પડશે. તેમાં મારાપણાનો અભિપ્રાય છોડી દીધો માટે સમ્યગ્દર્શન થયું, છતાં એવો શુભ ભાવ આવે. આવે તે જાણવાલાયક છે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ૪૬.
ક્રોધાદિ થવા કાળે, કોઈ પણ જીવ પોતાની હયાતી વિના ‘આ ક્રોધાદિ છે’ એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ ‘જ્ઞાન....જ્ઞાન....જ્ઞાન’ એમ મુખ્યપણે જણાવા છતાં ‘જ્ઞાન તે હું’ એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા ‘રાગાદિ તે હું’ એમ, રાગમાં એકતાબુદ્ધિથી, જાણે છે — માને છે; તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. ૪૭.
ચૈતન્યપરિણતિનો વેગ બહાર — નિમિત્ત તરફ — ઢળે તે બંધનભાવ છે, ચૈતન્યપરિણતિનો વેગ અંદર — સ્વ
Page 32 of 181
PDF/HTML Page 59 of 208
single page version
તરફ — વળે તે અબંધભાવ છે. સ્વાશ્રયભાવથી બંધન અને પરાશ્રયભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી.
વિકલ્પનો એક અંશ પણ મારો નથી, હું તો નિર્વિકલ્પ ચિદાનંદમૂર્તિ છું એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે; વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે.
પરાશ્રયભાવમાં — ભલે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો કે વ્રત-તપ-દયા-દાન વગેરેનો જે શુભ ભાવ હોય તેમાં — બંધનો અંશ પણ અભાવ કરવાની તાકાત નથી અને હું અખંડ જ્ઞાયકમૂર્તિ છું તેવી સ્વસન્મુખ પ્રતીતિના જોરમાં બંધનો એક અંશ પણ થવાની તાકાત નથી.
પરાશ્રયભાવમાં મોક્ષમાર્ગની અને મોક્ષપર્યાયની ઉત્પત્તિ થતી નથી અને સ્વાશ્રયભાવમાં મોક્ષમાર્ગ તેમ જ મોક્ષપર્યાય બંનેની ઉત્પત્તિ થાય છે. ધ્રૌવ્ય તો એકરૂપ પરિપૂર્ણ છે; મોક્ષપર્યાયનો ઉત્પાદ ને સંસારપર્યાયનો વ્યય થાય છે.
સ્વભાવની શુદ્ધિને રોકનારો તે બંધનભાવ છે; સ્વભાવનો વિકાસ અટકી જવો અને વિકારમાં રોકાઈ જવું તે બંધભાવ છે. ૪૮.
Page 33 of 181
PDF/HTML Page 60 of 208
single page version
ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને રાગ આકુળતા- સ્વરૂપ — એમ જ્ઞાનીને બન્ને ભિન્ન ભાસે છે. ત્રિકાળી નિત્યાનંદ ચૈતન્યપ્રભુ ઉપર દ્રષ્ટિ પ્રસરતાં સાથે જે જ્ઞાન થાય તે, ચૈતન્ય અને રાગને અત્યંત ભિન્ન જાણે છે. જેને તત્ત્વની દ્રષ્ટિ થઈ છે તેને સમ્યગ્જ્ઞાન હોય; જેને દ્રષ્ટિ થઈ નથી તેને ચૈતન્ય અને રાગને ભિન્ન જાણવાની તાકાત નથી. ૪૯.
સહજ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણસમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્ત્વ છે તેને અધૂરા, વિકારી ને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દ્રવ્યદ્રષ્ટિ છે, તે જ યથાર્થ દ્રષ્ટિ છે. શ્રુતજ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે, — પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. ઇન્દ્રિયો ને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. સહજ શુદ્ધપારિણામિકભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે; પર્યાયમાં અધૂરાશ છે, વિકાર છે, માટે પ્રયાસ કરવાનું રહે છે. પર્યાયદ્રષ્ટિએ સાધ્યસાધકના ભેદ પડે છે. પર્યાયદ્રષ્ટિએ વિકાર ને અધૂરાશ છે; તેને તત્ત્વદ્રષ્ટિના જોરપૂર્વક ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ