Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 51-83.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 11

 

Page 34 of 181
PDF/HTML Page 61 of 208
single page version

નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક- અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મારૂપ સમયસારને અનુભવે છે, આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, આનંદનાં ઝરણાં ઝરે છે. ૫૦.

ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ....શ્રીમદ્ભગવત્કુંદકુંદા- ચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. ૫૧.

જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. ૫૨.

જાણવામાં અટકવું હોય નહિ, પણ જે જીવો


Page 35 of 181
PDF/HTML Page 62 of 208
single page version

નિમિત્તાશ્રિત બુદ્ધિ કરીને અટક્યા છે તે જીવો માત્ર વાતો કરે છે, અંતર્મુખ જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. ‘ભગવાને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભવ દીઠા હશે તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવભ્રમણ થયા વિના મોક્ષ નહિ થાય, જે વખતે કાળલબ્ધિ પાકશે તે વખતે સમ્યગ્દર્શન થશેએમ ભાવમાં અને કથનમાં નિઃસત્ત્વ બની, નિમિત્તાધીનતા રાખી પુરુષાર્થ ઉડાડે છે. પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસી છે. જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ, અને તેણે જ ‘કેવળજ્ઞાનીએ દીઠું’ એનો સાચો સ્વીકાર કર્યો છે. જેણે કેવળજ્ઞાનીને માન્યા તેને રાગની રુચિ, કર્તાપણારૂપ અજ્ઞાન હોય નહિ; તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે ‘કેવળી ભગવાને મારા ભવ દીઠા છે માટે હવે, હું પુરુષાર્થ ન કરું નહિ કરી શકું, પુરુષાર્થ એની મેળે જાગશે.’ એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને અંદરમાં કેવળીની શ્રદ્ધા બેઠી જ નથી. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને!જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.’ ૫૩.

આત્મદ્રવ્ય સર્વજ્ઞસ્વભાવી છે. સર્વજ્ઞને જેણે પોતાની


Page 36 of 181
PDF/HTML Page 63 of 208
single page version

પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ ‘જ્ઞસ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. ૫૪.

પ્રશ્નઃમોક્ષને માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે ને?

ઉત્તરઃના; પુણ્ય તો વિભાવ છેપરભાવ છે, મોક્ષથી વિરુદ્ધ ભાવ છે, તેમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. અનંત વાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો, મોક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યગ્દર્શન છે અને તે તો પુણ્ય-પાપ બંનેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય- પાપ બંનેથી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન અને અનુભવ થાય. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની મોક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે; માટે તે મોક્ષમહેલનું પહેલું પગથિયું છે. પં દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે

मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा,
सम्यक् ता न लहै सो दर्शन धारो भव्य पवित्रा


Page 37 of 181
PDF/HTML Page 64 of 208
single page version

दौल’ समझ सुन चेत सयाने, काल वृथा मत खोवै,
यह नरभव फि र मिलन क ठिन है, जो सम्यक् नहीं होवै ।।

મોક્ષમાર્ગની વૃદ્ધિ અને પૂર્ણતા પણ તે જ રીતે થાય છે, પુણ્ય વડે નથી થતી. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહિ, પુણ્ય વડે લક્ષ્મી વગેરે ધૂળના ઢગલા મળે, પરમાત્મપણું ન મળે. પરમાત્મપણું તો સંપૂર્ણ વીતરાગ ભાવથી જ મળે. આ રીતે વીતરાગતા તે જ ધર્મ છે, તે જ ભગવાનનો માર્ગ છે અને તે જ બધાં શાસ્ત્રોનો સાર છે. ૫૫.

જ્ઞાન અને રાગને લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જે સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખીઅનુભવી શકે. એવી સાનુભવ ઓળખાણ કરનાર જીવો વિરલા જ છે. જેમ પાપભાવો શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી બહાર છે, તેમ પુણ્યભાવો પણ બહાર જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા; અને તેથી જ તેમને ‘અભૂતાર્થ’ કહ્યા છે. પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધ આત્માનીભૂતાર્થ જ્ઞાયકસ્વભાવનીઅંતરમાં દ્રષ્ટિ થતાં સ્વાનુભૂતિ પ્રગટ


Page 38 of 181
PDF/HTML Page 65 of 208
single page version

થાય છે, અને તે જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે. ૫૬.

રાગમાં શુભ અને અશુભ એવા બે ભેદ ભલે પાડો, તેનો વિવેક ભલે કરો, પણ તે બંને ભાવ આસ્રવ છે ને બંધમાર્ગમાં સમાય છે, સંવર-નિર્જરામાં નહિ; તે એકે ભેદ મોક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતો. મોક્ષનો માર્ગ ને મોક્ષસંવર, નિર્જરા ને મોક્ષતો એ બંનેથી જુદી જ જાતના છે. શુભ અને અશુભ બન્ને પ્રકારના રાગમાં કષાયનો સ્વાદ છે, આકુળતા છે, ચૈતન્યની શાંતિનો સ્વાદ, નિરાકુળતા તે બેમાંથી એકેમાં નથી. પંચાસ્તિકાયસંગ્રહમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છેઃ

તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.

આ જાણીને શું કરવું?કે સર્વ પ્રકારના રાગ રહિત પોતાના ચિદાનંદતત્ત્વને બરાબર લક્ષમાં લઈ તેને જ ધ્યાવું. શુભાશુભ રાગને એટલે કે પુણ્ય-પાપને મોક્ષ કે મોક્ષમાર્ગમાં સહાયકારી ન જાણવા પણ વિઘ્નકારી લુટારા સમજવા. અહા, વીતરાગ થવાની વીતરાગ પરમાત્માની આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી; પુણ્યથી ધર્મ થાય નહિએ વાત સાંભળતાં જ ચોંકી


Page 39 of 181
PDF/HTML Page 66 of 208
single page version

ઊઠે છેતેમનાં કાળજાં કંપી ઊઠે છે. જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે એક શુદ્ધોપયોગને જ માન્ય કરે છે, રાગના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી; શુભ અને અશુભ બન્નેથી વિરક્ત થઈને વીતરાગી શુદ્ધોપયોગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. ૫૭.

હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. દેખાડવાના દાંત મોટા હોય અને તે રંગવામાં ને શોભા કરવામાં કામ આવે; ચાવવાના દાંત ઝીણા હોય અને તે ખાવાના કામમાં આવે. શાસ્ત્ર તો ‘ભાના કાગળ છે, તેને ઊકેલતાં શીખવું જોઈએ. શાસ્ત્રમાં વ્યવહારનાં કથન ઘણાં હોય છે પરંતુ જેટલાં વ્યવહારનાં ને નિમિત્તનાં કથન છે તે પોતાના ગુણમાં કામ ન આવે પણ પરમાર્થને સમજાવવામાં કામ આવે. આત્મા પરમાર્થે પરથી જુદો છે તેની શ્રદ્ધા કરી, તેમાં લીન થાય તો આત્માને મીણો ચડે. જે પરમાર્થ છે તે વ્યવહારમાં સમજાવવામાં કામ ન આવે પણ તેના વડે આત્માને શાંતિ થાય. આવો આ પ્રગટ નયવિભાગ છે. ૫૮.

રાગ-દ્વેષ ને પુણ્ય-પાપથી પાર આત્માનુભૂતિસ્વરૂપ શુદ્ધ માર્ગને જ્ઞાનીઓ જ ઓળખે છે, અજ્ઞાનીઓ તો


Page 40 of 181
PDF/HTML Page 67 of 208
single page version

પુણ્યને જ ધર્મ માનીને રાગમાં જ અટકી જાય છે. પાપ તે અધર્મ ને પુણ્ય તે ધર્મએટલું જ લૌકિક જનો સમજે છે, પણ પુણ્ય ને પાપ એ બન્ને અધર્મ છે, ને ધર્મ તો તે બંનેથી પાર એવા વીતરાગી ચૈતન્યભાવરૂપ છે. આ વાત માત્ર જૈનધર્મમાં જ છે ને વિરલા જ્ઞાનીજનો જ તે સમજે છે અને કહે છે.

જેમ લોઢાની કે સોનાની બેડી બાંધે જ છે તેમ, પુણ્યને ભલે સોનાની કહો તોપણ તે બેડી જીવને સંસારમાં બાંધે છે, મોક્ષ થવા દેતી નથી; તે પુણ્યની બેડી પણ તોડીને મોક્ષ થાય છે. અજ્ઞાનીને પુણ્યની વાત મીઠી લાગે છે, પણ રાગ વગરની ચૈતન્યની મીઠાશને તે જાણતો નથી. ચૈતન્યનો મીઠો વીતરાગી સ્વાદ ચાખનારને પુણ્યનો કષાય પણ કડવો લાગે છે.એવા જ્ઞાનીઓ જ મોક્ષને સાધે છે. ૫૯.

જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ધ્રુવસ્વભાવ ઉપર છે, અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે. નિમિત્ત તરફ દ્રષ્ટિ તે પરાશ્રયદ્રષ્ટિ છે. ‘નિમિત્ત’ એવી વસ્તુ નથીએમ નથી, નિમિત્ત વસ્તુ છે ખરી; જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ અને મોક્ષ એવી બે અવસ્થા હોઈ શકે નહિ. નિમિત્ત છે એમ જાણવું, બંધની અવસ્થા


Page 41 of 181
PDF/HTML Page 68 of 208
single page version

થાય છે તેમ જાણવું, તે બધો વ્યવહારનય છે. વ્યવહારને જાણતાં અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે, વ્યવહારને જાણતાં કાંઈ વ્યવહારનો આશ્રય આવી જાય છેએમ નથી. નિશ્ચયનયનો વિષય જે અખંડ જ્ઞાયક- વસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિને પ્રાપ્ત કરે છે. ૬૦.

પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એવી રીતે અરે! આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણાં છે એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. ૬૧.

સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યોએવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી


Page 42 of 181
PDF/HTML Page 69 of 208
single page version

આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે...સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે. સમકિતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે....હીરાની કિંમત હજારો રૂપિયા હોય છે, તેના પાસા પડતાં ખરેલી રજની કિંમત પણ સેંકડો રૂપિયા હોય છે; તેમ સમકિત-હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો તો કલ્યાણ થઈ જશે પણ તે ન મળ્યો તોપણ ‘સમકિત એ કાંઈક જુદી જ વસ્તુ છે એમ તેનું માહાત્મ્ય સમજાઈ તે મેળવવાની તાલાવેલીરૂપ રજો પણ ઘણો લાભ આપે છે.

જાણપણું તે જ્ઞાન નથી. સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે. ૬૨.

જૈનદર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે. આ મોંઘા મનુષ્યભવમાં જો જીવે દેહ, વાણી અને મનથી પર


Page 43 of 181
PDF/HTML Page 70 of 208
single page version

એવા પરમ તત્ત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે. ૬૩.

મુનિદશા થતાં સહેજે નિર્ગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. મુનિની દશા ત્રણે કાળે નગ્ન દિગંબર હોય છે. આ કોઈ પક્ષ કે વાડો નથી પણ અનાદિ સત્ય વસ્તુસ્થિતિ છે.

શંકામુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધો શો છે? વસ્ત્ર તો પરવસ્તુ છે, તે ક્યાં આત્માને નડે છે?

સમાધાનવસ્ત્ર તો પરવસ્તુ છે અને તે આત્માને કાંઈ નડતાં નથી એ વાત પણ ખરી છે; પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકનાર છે. મુનિઓને અંતરની રમણતા કરતાં કરતાં એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ હોય છે કે વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ જ ઊઠતો નથી. ૬૪.

પરના નિમિત્તે ને પોતાની યોગ્યતાના કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે તો જે રાગ-દ્વેષરૂપ ધુમાડો ઊઠે છે તે અશુદ્ધ ઉપાદાનથી થયેલી જીવનીજીવના વીતરાગ- સ્વભાવ નામના ચારિત્રગુણનીઅરૂપી વિકારરૂપ ઊંધી


Page 44 of 181
PDF/HTML Page 71 of 208
single page version

અવસ્થા છે. આ ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્ય- સ્વભાવમાં પ્રવેશ નથી. જો કર્મ વગેરે પરનિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય, અને સ્વભાવ તો કદી ટળે નહિ. પરંતુ આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે અને તે ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવના ભાન વડે ટળે છે. જે ટળે તે સ્વભાવના ઘરનું કેમ કહેવાય? જે ત્રિકાળ સાથે રહે તે જ પોતાનું ગણાય. ૬૫.

સ્ત્રી-પુત્ર-પરિવાર એ કાંઈ સંસાર નથી. સંસાર તો પોતાની પર્યાયમાં જે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ ભાવ છે તે જ છે. જો સ્ત્રી-પુત્ર વગેરે સંસાર હોય તો મૃત્યુ થતાં આ દેહ, સ્ત્રી, પુત્ર વગેરે બધું અહીં પડ્યું રહેશે, તો શું તારો સંસાર મટી જશે અને મોક્ષ થઈ જશે? ભાઈ! સ્ત્રી-પુત્રાદિ તો સંસાર છે જ નહિ. પોતાના જ્ઞાનસ્વરૂપનો મહિમા ચૂકીને જે પરના કર્તૃત્વનો ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગદ્વેષરૂપ ભાવ તે જ સંસાર છે. ૬૬.

સફેદ લૂગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે.


Page 45 of 181
PDF/HTML Page 72 of 208
single page version

દ્રષ્ટાન્તમાં તો જોનાર બીજો છે પણ આત્મામાં તો પોતે જ જોનાર છે. આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા છે તે તેનો મૂળ સ્વભાવ નથી; તેથી વર્તમાનમાં મલિન અવસ્થાવાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે. ૬૭.

અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગમોક્ષમાર્ગ તે ત્રણે કાળે એક જ છે. જેને તે પામવાની રુચિ છે, સદ્ગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્ગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે જ. ૬૮.

જે સહજ આત્મસ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે તે બદ્ધ-અબદ્ધના પક્ષના રાગમાં ઊભો રહેતો નથી; રાગનાં જાળાં છોડીને જેનું ચિત્ત શાંત થયુ છે તે નિજ આત્માના


Page 46 of 181
PDF/HTML Page 73 of 208
single page version

આનંદામૃત-સ્વભાવનો સ્વાદ લે છે, આકુળતાનો અભાવ થઈને નિરાકુળ નિજ શાંતરસનો સ્વાદ લે છે, નય- પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે. ૬૯.

તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઊતરીને તેના ઊંડાણનું માપ કરતાં કાંઠે ને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે તે જણાય; તેમ જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનો ઉપરટપકે જોતાં સરખાં લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયમાં કેટલો આંતરો છે તે સમજાય. ૭૦.

પરિણામ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છેજુદી જુદી બે નથી. અવસ્થા જેમાંથી થાય તેનાથી તે જુદી વસ્તુ હોય નહિ. સોનું અને સોનાનો દાગીનો તે બે જુદાં હોય? ન જ હોય. સોનામાંથી વીંટીની અવસ્થા થઈ, પણ વીંટીરૂપ અવસ્થા ક્યાંય રહી ગઈ અને સોનું બીજે ક્યાંય રહી ગયું તેમ બને? ન જ બને. કોઈ કહે વીંટી તો સોનીએ કરી છે, પરંતુ સોનીએ વીંટી કરી નથી પણ વીંટી કરવાની ઇચ્છા સોનીએ કરી છે.


Page 47 of 181
PDF/HTML Page 74 of 208
single page version

ઇચ્છાનો કર્તા સોની છે પણ વીંટીનો કર્તા સોની નથી, સોની તો માત્ર નિમિત્ત છે, સોનીએ વીંટી કરી નથી. વીંટીનો કર્તા સોનું છે, સોનામાંથી જ વીંટી થઈ છે; તે રીતે જે કોઈ અવસ્થા ચૈતન્યની હોય તે ચૈતન્યદ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કર્તા ચૈતન્ય છે અને જે કોઈ અવસ્થા જડની હોય તે જડ દ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કર્તા જડ છે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી એટલે કે દ્રવ્યથી ભિન્ન નથી. વસ્તુ વગરની અવસ્થા ન હોય ને અવસ્થા વગરની વસ્તુ હોઈ શકે નહિ. ૭૧.

જે ક્ષણે વિકારી ભાવને કર્યો તે જ ક્ષણે જીવ તેનો ભોક્તા છે, કર્મ પછી ઉદયમાં આવશે અને પછી ભોગવાશે એમ કહેવું તે વ્યવહાર છે. અજ્ઞાની પરદ્રવ્યને કરી-ભોગવી શકતો નથી પણ માને છે કે ‘હું પરદ્રવ્યને કરું-ભોગવું છું’. જ્ઞાની પરદ્રવ્યની જે અવસ્થા થાય તેનો જાણનાર રહે છે, તેથી તેનો જ્ઞાનપર્યાય વધતો જાય છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા થાય છે, પરંતુ પરદ્રવ્યની અવસ્થાનો કર્તા થતો નથી. અજ્ઞાની પરદ્રવ્યની અવસ્થા કરી શકતો નથી પણ કર્તાપણું માની લે છે. અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવને કરે છે પણ જડકર્મનો કર્તા કદી પણ


Page 48 of 181
PDF/HTML Page 75 of 208
single page version

નથી, એટલે કે અજ્ઞાની ભાવકર્મનો કર્તા છે પણ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ દ્રવ્યકર્મ અને નોકર્મનો કર્તા તો કદી પણ નથી. ૭૨.

જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવાયોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે. ૭૩.

હે ભવ્ય! તું ભાવશ્રુતજ્ઞાનરૂપી અમૃતનું પાન કર. સમ્યક્ શ્રુતજ્ઞાન વડે આત્માનો અનુભવ કરીને નિર્વિકલ્પ આનંદરસને પી, જેથી તારી અનાદિ મોહતૃષાનો દાહ મટી જાય. ચૈતન્યરસના પ્યાલા તેં કદી પીધા નથી, અજ્ઞાનથી તેં મોહ-રાગ-દ્વેષ-રૂપ ઝેરના પ્યાલા પીધા છે. ભાઈ! હવે તો વીતરાગનાં વચનામૃત પામીને તારા આત્માના ચૈતન્યરસનું પાન કર; જેથી તારી આકુળતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો અનુભવ તે તો ઝેરના પાન જેવો છે; ભલે


Page 49 of 181
PDF/HTML Page 76 of 208
single page version

શુભરાગ હો, તેના સ્વાદમાં પણ કાંઈ અમૃત નથી પણ ઝેર છે. માટે તેનાથી પણ ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને તેના સ્વાનુભવરૂપી અમૃતનું પાન કર. અહા! શ્રીગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો પિવડાવે છે. વીતરાગની વાણી આત્માનો પરમશાંતરસ દેખાડનારી છે. આવા વીતરાગી શાંત ચૈતન્યરસનો અનુભવ તે ભાવશુદ્ધિ છે. તેના વડે જ ત્રણ લોકમાં સૌથી ઉત્તમ પરમ-આનંદસ્વરૂપ સિદ્ધપદ પમાય છે. ૭૪.

અહો ધન્ય એ મુનિદશા! મુનિરાજ કહે છે કે અમે તો ચિદાનંદસ્વભાવમાં ઝૂલનારા છીએ; અમે આ સંસારના ભોગ ખાતર અવતર્યા નથી. અમે હવે અમારા આત્મસ્વભાવમાં વળીએ છીએ. હવે અમારે સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યાં છે. અંતરના આનંદકંદસ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા જાગ્યા તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી. અનંતા તીર્થંકરો જે પંથે વિચર્યા તે જ પંથના અમે ચાલનારા છીએ. ૭૫.

જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. પૂર્વપ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક જુદું જ કામ


Page 50 of 181
PDF/HTML Page 77 of 208
single page version

કરતી હોય છે. સંયોગદ્રષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય. ધર્મીની દ્રષ્ટિ સંયોગ ઉપર નહિ પણ આત્માનો સ્વપર-પ્રકાશક સ્વભાવ શું છે તેના ઉપર હોય છે. એવી દ્રષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક જીવન અંતરની દ્રષ્ટિથી સમજાય એવું છે, બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી. ૭૬.

જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપે સમજે છે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તૃત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૭૭.

મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહિ આવે


Page 51 of 181
PDF/HTML Page 78 of 208
single page version

કે લો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. અરે! સ્વપ્ના જેવો સંસાર છે; કોનું કુટુંબ ને કોનાં મકાન- મિલ્કત! આ દેહ પણ એકદમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. કુટુંબ, કીર્તિ ને મકાન બધું અહીં પડ્યું રહેશે. અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડ્યો હશે તો મરણસમયે તે છૂટો રહેશે. જો દેહથી ભિન્નતા નહિ કરી હોય તો મરણસમયે ભીંસમાં ભિંસાઈ જશે. માટે ટાણાં છે ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે. ૭૮.

દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકએ ચારેય ગતિ સદાય છે, જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. જેને, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલા જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી તેને તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી. તેને તેના ક્રૂર ભાવોનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. તે નરકગતિનાં સ્થાન મધ્યલોકની નીચે છે અને શાશ્વત છે. તેની સાબિતી યુક્તિ અને ન્યાયથી


Page 52 of 181
PDF/HTML Page 79 of 208
single page version

બરાબર કરી શકાય છે. ૭૯.

જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા-ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે જ તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન પડી છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં તારું અપૂર્વ કલ્યાણ થશે. ૮૦.

જ્ઞાની ધર્માત્માને ભગવાનની પૂજા-ભક્તિ વગેરેના ભાવ આવે પણ તેની દ્રષ્ટિ રાગ રહિત જ્ઞાયક આત્મા ઉપર પડી છે. તેને આત્માનું ભાન છે; તે ભાનમાં તેને સતત ધર્મ વર્તી રહ્યો છે. સાચું સમજે તેને વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહિ. મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે, જિનેન્દ્રપ્રભુના નામસ્મરણથી પણ ચિત્ત ભક્તિ- ભાવથી ઊછળી જાય છે. અંતરમાં વીતરાગી આત્માનું લક્ષ થાય અને બહારના આકરા રાગ ન ટળે એ કેમ બને? ભગવાનની ભક્તિના ભાવનો નિષેધ કરી જે ખાવા-પીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ


Page 53 of 181
PDF/HTML Page 80 of 208
single page version

નથીએમ જે સત્યને જાણે છે તેને લક્ષ્મી વગેરે પરપદાર્થની મમતા ઉપર સહેજે કાપ મુકાઈ જાય છે, ને ભગવાનની ભક્તિ, પ્રભાવના વગેરેના ભાવ ઊછળે છે. છતાં ત્યાં તે જાણે છે કે આ રાગ છે, આ કાંઈ ધર્મ નથી. અંતરમાં શુદ્ધ ચિદાનંદસ્વરૂપને જાણીને તે પ્રગટ કર્યા વિના જન્મ-મરણ ટળશે નહિ. ૮૧.

ધર્મ પણ જ્ઞાનીને થાય છે અને ઊંચાં પુણ્ય પણ જ્ઞાનીને જ બંધાય છે. અજ્ઞાનીને આત્માના સ્વભાવની ખબર નથી, તેથી તેને ધર્મ પણ નથી ને ઊંચાં પુણ્ય પણ નથી. તીર્થંકરપદ, ચક્રવર્તીપદ, બળદેવપદ તે બધાં પદ સમ્યગ્દ્રષ્ટિ જીવોને જ બંધાય છે; કારણ કે જ્ઞાનીને એમ ભાન છે કેએક મારો નિર્મળ આત્મસ્વભાવ જ આદરણીય છે, તે સિવાય રાગનો એક અંશ કે પુદ્ગલનો એક રજકણ પણ આદરણીય નથી.આવી પ્રતીતિ થતાં હજુ સંપૂર્ણ વીતરાગ થયો નથી તેથી રાગનો ભાગ આવે છે. તેમાં ઊંચી જાતનો પ્રશસ્ત રાગ આવતાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે ઊંચી પદવીઓ બંધાય છે. ૮૨.

અંતરના ઊંડાણમાંથી રુચિ ને લગની લાગવી