Moksha Shastra (Gujarati). Sutra: 9-18 (Chapter 6).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 24 of 36

 

Page 406 of 655
PDF/HTML Page 461 of 710
single page version

અ. ૬ સૂત્ર ૮-૯ ] [ ૪૦પ

અપ્રત્યાખ્યાન કષાય–જે કષાયથી જીવ એકદેશરૂપ સંયમ (-સમ્યગ્દ્રષ્ટિ- શ્રાવકનાં વ્રત) કિંચિત્ માત્ર પામી ન શકે તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.

પ્રત્યાખ્યાન કષાય–જે કષાયથી જીવ સમ્યગ્દર્શનપુર્વકના સકળ સંયમને ગ્રહણ કરી શકે નહિ તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.

સંજ્વલન કષાય–જે કષાયથી સંયમી જીવનો સંયમ તો ટકી રહે પરંતુ શુદ્ધ સ્વભાવમાં-શુદ્ધોપયોગમાં પૂર્ણપણે લીન થઈ શકે નહિ તેને સંજ્વલન કષાય કહેવાય છે.

સંરમ્ભ–કોઈ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય-સંકલ્પ કરવો તેને સંરમ્ભ કહેવાય છે. (સંકલ્પ બે પ્રકારના છે. ૧. મિથ્યાત્વરૂપ સંકલ્પ, ર. અસ્થિરતારૂપ સંકલ્પ)

સમારંભ–તે નિર્ણયને અનુસરીને સાધનો મેળવવાનો ભાવ તેને સમારંભ કહેવાય છે.

આરંભ–તે કાર્યની શરૂઆત કરવી તેને આરંભ કહેવાય છે. કૃત– પોતે જાતે કરવાનો ભાવ તેને કૃત કહેવાય છે. કારિત–બીજા પાસે કરાવવાનો ભાવ તેને કારિત કહેવાય છે. અનુમત–બીજાઓ કરે તેને ભલું સમજવું તેને અનુમત કહેવાય છે. ।। ।।

અજીવ–અઘિકરણ આસ્રવના ભેદો
निर्वर्तनाक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम्।। ९।।

અર્થઃ– [परम्] બીજો અર્થાત્ અજીવ-અધિકરણ આસ્રવ [निर्वर्तना द्वि] બે પ્રકારની નિર્વર્તના, [निक्षेप चतुः] ચાર પ્રકારના નિક્ષેપ, [संयोग द्वि] બે પ્રકારના સંયોગ અને [निसर्गाः त्रि भेदाः] ત્રણ પ્રકારના નિસર્ગ-એમ કુલ ૧૧ ભેદરૂપ છે.

ટીકા

નિર્વર્તના–રચના કરવી-નિપજાવવું તે નિર્વર્તના છે; તેના બે પ્રકાર છેઃ ૧- શરીરથી કુચેષ્ટા ઉપજાવવી તે દેહ-દુઃપ્રયુક્ત નિર્વર્તના છે અને ર-શસ્ત્ર વગેરે હિંસાના ઉપકરણની રચના કરવી તે ઉપકરણનિર્વર્તના છે. અથવા બીજા પ્રકારે બે ભેદ આ પ્રમાણે પડે છેઃ ૧- પાંચ પ્રકારનાં શરીર, મન, વચન, શ્વાસોશ્વાસનું નિપજાવવું તે મૂળગુણ નિર્વર્તના છે અને કાષ્ટ, માટી વગેરેથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણ નિર્વર્તના છે.

નિક્ષેપઃ– વસ્તુને મૂકવી તે નિક્ષેપ છે. તેના ચાર ભેદ છેઃ ૧. જોયા વિના વસ્તુ


Page 407 of 655
PDF/HTML Page 462 of 710
single page version

૪૦૬ ] [ મોક્ષશાસ્ત્ર મૂકવી તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણ છે, ર. યત્નાચારરહિત થઈને વસ્તુ મૂકવી તે દુઃખપ્રમૃષ્ટનિક્ષેપાધિકરણ છે, ૩. ભયાદિકથી કે અન્ય કાર્ય કરવાની ઉતાવળમાં પુસ્તક, કમંડળ, શરીર કે શરીરાદિના મેલને મૂકવા તે સહસાનિક્ષેપાધિકરણ છે અને ૪. જીવ છે કે નહિ તે જોયા વગર કે વિચાર કર્યા વગર શીઘ્રતાથી પુસ્તક, કમંડળ, શરીર કે શરીરના મેલને મૂકવા (-નાંખવા) અને વસ્તુ જ્યાં રાખવી જોઈએ ત્યાં ન રાખવી તે અનાભોગનિક્ષેપાધિકરણ છે.

સંયોગઃ– મિલાપ થવો તે સંયોગ છે; તેના બે ભેદ છેઃ ૧. ભક્તપાન સંયોગ અને ર. ઉપકરણ સંયોગ. એક આહારપાણીને બીજા આહારપાણી સાથે મેળવી દેવા તે ભક્તપાન સંયોગ છે; અને ઠંડા, પુસ્તક, કમંડળ, શરીરાદિકને તપ્ત પીંછી વગેરેથી પીછવું તથા શોધવું તે ઉપકરણ સંયોગ છે.

નિસર્ગ– પ્રવર્તવું તે નિસર્ગ છે; તેના ત્રણ ભેદ છેઃ ૧. મનને પ્રવર્તાવવું તે મન નિસર્ગ છે, ર. વચનોને પ્રવર્તાવવાં તે વચન નિસર્ગ છે અને ૩. કાયાને પ્રવર્તાવવી તે કાયનિસર્ગ છે.

નોંધ– જ્યાં જ્યાં પરનું કરવાની વાત જણાવી છે ત્યાં ત્યાં વ્યવહારકથન છે એમ સમજવું. જીવ પરનું કાઈ કરી શકતો નથી તેમ જ પરપદાર્થો જીવનું કાંઈ કરી શકતા નથી; પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિકસંબંધ દર્શાવનારું આ સૂત્રનું કથન છે. ।। ।।

અહીં સુધી સામાન્ય–આસ્રવનાં કારણો કહ્યાં; હવે વિશેષ આસ્રવનાં કારણો વર્ણવે છે, તેમાં દરેક કર્મના આસ્રવનાં કારણો બતાવે છે.

જ્ઞાનાવરણ અને દર્શનાવરણના આસ્રવનું કારણ
तत्प्रदोषनिह्न्वमात्सर्यान्तरायासादनोपघाता
ज्ञानदर्शनावरणयोः।। १०।।

અર્થઃ– [तत्प्रदोष] જ્ઞાન અને દર્શન સંબંધમાં કરવામાં આવેલા પ્રદોષ, [निह्नव मात्सर्य अन्तराय आसादन उपघाताः] નિહ્નવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત તે [ज्ञानदर्शनावरणयोः] જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્માઆસ્રવનાં કારણો છે.

ટીકા

૧. પ્રદોષ– મોક્ષનું કારણ અર્થાત્ મોક્ષનો ઉપાય તત્ત્વજ્ઞાન છે, તેનું કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે.


Page 408 of 655
PDF/HTML Page 463 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૦ ] [ ૪૦૭

નિહ્નવઃ– વસ્તુસ્વરૂપના જ્ઞાનાદિનું છૂપાવવું-જાણતો હોવા છતાં હું નથી જાણતો એમ કહેવું તે ચિહ્નવ છે.

માત્સર્યઃ– વસ્તુસ્વરૂપને જાણતાં છતાં ‘જો હું આને કહીશ તો તે પંડિત થઈ જશે’ એમ વિચારી કોઈને ન ભણાવવો તે માત્સર્ય છે.

અંતરાયઃ– સાચા જ્ઞાનની પ્રાપ્તિમાં વિઘ્ન નાખવું તે અંતરાય છે. આસાદનઃ– પર દ્વારા પ્રકાશ થવાયોગ્ય જ્ઞાનને રોકવું તે આસાદન છે. ઉપઘાતઃ– સત્ય, યથાર્થ પ્રશસ્ત જ્ઞાનમાં દોષ લગાડવો અથવા પ્રશંસવા લાયક જ્ઞાનને દૂષણ લગાડવું તે ઉપઘાત છે.

આ સૂત્રમાં ‘तत्’ નો અર્થ ‘જ્ઞાન–દર્શન’ થાય છે.

ઉપર કહેલા છ દોષો જો જ્ઞાનસંબંધી હોય તો જ્ઞાનાવરણનું નિમિત્ત છે અને જો દર્શનસંબંધી હોય તો દર્શનાવરણનું નિમિત્ત છે.

ર. આ સૂત્રમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મના આસ્રવના જે છ કારણો કહ્યાં છે તે ઉપરાંત જ્ઞાનાવરણ માટેનાં વિશેષ કારણો જે તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૩ થી ૧૬ ગાથામાં નીચે મુજબ આપ્યા છે-

(૭) તત્ત્વોનું ઉત્સૂત્ર કથન કરવું, (૮) તત્ત્વનો ઉપદેશ સાંભળવામાં અનાદર કરવો, (૯) તત્ત્વનો ઉપદેશ સાંભળવામાં આળસ રાખવી, (૧૦) લોભબુદ્ધિએ શાસ્ત્રો વેચવાં, (૧૧) પોતાને બહુશ્રુત માનીને અભિમાનથી મિથ્યા ઉપદેશ આપવો, (૧૨) અધ્યયન માટે જે સમયનો નિષેધ છે તે સમયે (અકાળમાં) શાસ્ત્ર ભણવાં,

(૧૩) સાચા આચાર્ય તથા ઉપાધ્યાયથી વિરુદ્ધ રહેવું, (૧૪) તત્ત્વોમાં શ્રદ્ધા ન રાખવી, (૧પ) તત્ત્વોનું અનુચિંતન ન કરવું, (૧૬) સર્વજ્ઞ ભગવાનના શાસનના પ્રચારમાં બાધા નાખવી, (૧૭) બહુશ્રુતજ્ઞાનીઓનું અપમાન કરવું, (૧૮) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં શઠતા કરવી. ૩. અહીં તાત્પર્ય એ છે કે જે કામો કરવાથી પોતાના તથા બીજાના તત્ત્વજ્ઞાનમાં


Page 409 of 655
PDF/HTML Page 464 of 710
single page version

૪૦૮ ] [ મોક્ષશાસ્ત્ર બાધા આવે કે મલિનતા થાય તે સર્વે જ્ઞાનાવરણકર્મના આસ્રવનાં કારણો છે. જેમ કે-એક ગ્રંથને અસાવધાનીથી લખતાં કોઈ પાઠ છોડી દેવો અથવા તો કાંઈકનો કાંઈક લખી નાખવો તે જ્ઞાનાવરણકર્મના આસ્રવનું કારણ થાય છે. (જુઓ, તત્ત્વાર્થસાર પા. ૨૦૦-૨૦૧)

૪. વળી દર્શનાવરણ માટે આ સૂત્રમાં કહેલાં છ કારણો ઉપરાંત બીજાં વિશેષ કારણો શ્રી તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૭-૧૮-૧૯ મી ગાથામાં નીચે મુબજ આપ્યાં છે.

(૭) કોઈની આંખ કાઢી લેવી, (૮) બહુ ઊંઘવું, (૯) દિવસમાં ઊંઘવું, (૧૦) નાસ્તિકપણાની વાસના રાખવી, (૧૧) સમ્યગ્દર્શનમાં દોષ લગાડવો, (૧૨) કુતીર્થવાળાની પ્રશંસા કરવી, (૧૩) તપસ્વીઓને દેખીને ગ્લાનિ કરવી. - આ બધા દર્શનાવરણ કર્મના આસ્રવના હેતુઓ છે.

પ. શંકાઃ– નાસ્તિકપણાની વાસના વગેરેથી દર્શનાવરણનો આસ્રવ કેમ થાય? તેનાથી તો દર્શનમોહનો આસ્રવ થવા સંભવ છે, કેમ કે સમ્યગ્દર્શનથી વિપરીત કાર્યો વડે સમ્યગ્દર્શન મલિન થાય છે, નહિ કે દર્શન-ઉપયોગ.

સમાધાનઃ– જેમ બાહ્ય ઇન્દ્રિયોથી મૂર્તિક પદાર્થોનું દર્શન થાય છે તેમ વિશેષ જ્ઞાનીઓને અમૂર્તિક આત્માનું પણ દર્શન થાય છે; જેમ સર્વે જ્ઞાનોમાં આત્મજ્ઞાન અધિક પૂજ્ય છે તેમ બાહ્ય પદાર્થોના દર્શન કરતાં અંર્તદર્શન અર્થાત્ આત્મદર્શન અધિક પૂજ્ય છે; તેથી આત્મદર્શનનાં બાધક કારણોને દર્શનાવરણ કર્મના આસ્રવના હેતુ માનવા તે અનુચિત નથી. આ પ્રકારે નાસ્તિકપણાની માન્યતા વગેરે જે લખ્યા છે તે દોષો દર્શનાવરણ કર્મના આસ્રવના હેતુ થઈ શકે છે.

(જુઓ, તત્ત્વાર્થસાર પા ૨૦૧-૨૦૨)

જો કે આયુકર્મ સિવાય બાકીના સાતે કર્મોનો આસ્રવ સમયે સમયે થયા કરે છે તોપણ પ્રદોષાદિ ભાવો દ્વારા જે જ્ઞાનાવરણાદિ ખાસ કર્મનો બંધ થવાનું જણાવ્યું છે તે સ્થિતિબંધ અને અનુભાગબંધની અપેક્ષાએ સમજવું અર્થાત્ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ તો સર્વે કર્મોનો થયા કરે છે પણ તે વખતે જ્ઞાનાવરણાદિ ખાસ કર્મનો સ્થિતિ અને અનુભાગબંધ વિશેષ અધિક થાય છે.।। ૧૦।।

અસાતાવેદનીયના આસ્રવનું કારણ
दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्य–
सद्वेद्यस्य।। ११।।

અર્થઃ– [आत्म पर उभयस्थानि] પોતામાં, પરમાં અને બન્નેના વિષયમાં સ્થિત


Page 410 of 655
PDF/HTML Page 465 of 710
single page version

અ. ૬. સૂત્ર ૧૧ ] [ ૪૦૯ [दुःख शोक ताप आक्रन्दन वध परिदेवनानि] દુઃખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવના તે [असत् वेद्यस्य] અસાતાવેદનીય કર્માઆસ્રવનાં કારણો છે.

ટીકા

૧. દુઃખ–પીડારૂપ પરિણામવિશેષને દુઃખ કહે છે. શોક– પોતાને લાભદાયક લાગતા પદાર્થનો વિયોગ થતાં વિકળતા થવી તે શોક છે.

તાપ- સંસારમાં પોતાની નિંદા વગેરે થતાં પશ્વાત્તાપ થવો તે તાપ છે. આક્રંદન– પશ્ચાત્તાપથી અશ્રુપાત કરીને રોવું તે આક્રંદન છે. વધ–પ્રાણોનો વિયોગ કરવો તે વધ છે. પરિદેવના–સંકલેશ પરિણામોના આલંબને એવું રૂદન કરવું કે જેથી સાંભળનારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ જાય તે પરિદેવના છે.

શોક, તાપ વગેરે જો કે દુઃખના જ ભેદો છે, તોપણ દુઃખની જાતિઓ બતાવવા માટે આ ભેદો બતાવ્યા છે.

ર. પોતાને, પરને કે બન્નેને એક સાથે દુઃખ, શોકાદિ ઉત્પન્ન કરે તે અસાતાવેદનીય કર્મના આસ્રવનું કારણ થાય છે.

પ્રશ્નઃ– જો દુઃખાદિક પોતામાં, પરમાં કે બન્નેમાં સ્થિત થવાથી અસાતાદેવનીય કર્મના આસ્રવનું કારણ થાય છે તો અર્હન્તમતને માનનારા જીવો કેશ-લોંચ, અનશનતપ, આતપસ્થાન વગેરે દુઃખનાં નિમિત્તો પોતામાં કરે છે અને બીજાને પણ તેવો ઉપદેશ આપે છે તો તેથી તેમને પણ અસાતાવેદનીય કર્મનો આસ્રવ થશે?

ઉત્તરઃ– ના, એ દૂષણ નથી. અંતરંગ ક્રોધાદિક પરિણામોના આવેશપૂર્વક પોતાને, પરને કે બન્નેને દુઃખાદિ આપવાના ભાવ હોય તો જ તે અસાત્તાવેદનીય કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે- આ વિશેષ કથન ધ્યાનમાં રાખવું. ભાવાર્થ એ છે કે-અંતરંગ ક્રોધાદિને વશ થવાથી આત્માને જે દુઃખ થાય છે તે દુઃખ કેશલોચ, અનશનતપ કે આતાપયોગ વગેરે ધારણ કરવામાં સમ્યગ્દ્રષ્ટિ મુનિને થતું નથી, માટે તેનાથી તેમને અસાતાવેદનીયનો આસ્રવ થતો નથી, તે તો તેમનો શરીર પ્રત્યેનો વૈરાગ્યભાવ છે.

આ વાત દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છેઃ- દ્રષ્ટાંતઃ– જેમ કોઈ દયાના અભિપ્રાયવાળા અને શલ્યરહિત વૈદ્ય સંયમી પુરુષના ફોડલાને કાપવા કે ચીરવાનું કામ કરે અને તે પુરુષને દુઃખ થાય છતાં તે બાહ્ય નિમિત્તમાત્રના કારણે પાપબંધ થતો નથી, કેમ કે વૈદ્યના ભાવ તેને દુઃખ આપવાના નથી.


Page 411 of 655
PDF/HTML Page 466 of 710
single page version

૪૧૦ ] [ મોક્ષશાસ્ત્ર

સિદ્ધાંતઃ– તેમ સંસાર સંબંધી મહા દુઃખથી ઉદ્વિગ્ન થયેલ મુનિ સંસાર સંબંધી મહાદુઃખનો અભાવ કરવાના ઉપાય પ્રત્યે લાગી રહ્યા છે તેઓને સંકલેશપરિણામનો અભાવ હોવાથી શાસ્ત્રમાં વિદ્યાન કરવામાં આવેલાં કાર્યોમાં પોતે પ્રવર્તવાથી કે બીજાને પ્રવર્તાવવાથી પાપબંધ થતો નથી, કેમ કે તેમનો અભિપ્રાય દુઃખ આપવાનો નથી; નબળાઈના કારણે કિંચિત્ બાહ્ય દુઃખ થાય તોપણ તે અસાતાવેદનીયના આસ્રવનું કારણ નથી.

૩. આ સૂત્રનો સિદ્ધાંત

બાહ્ય નિમિત્તોને અનુસરીને આસ્રવ કે બંધ થતો નથી, પણ જીવ પોતે જેવા ભાવ કરે તે ભાવને અનુસરીને આસ્રવ અને બંધ થાય છે. જો જીવ પોતે વિકાર ભાવ કરે તો બંધ થાય, અને પોતે વિકાર ભાવ ન કરે તો બંધ ન થાય।। ૧૧।।

સાતાવેદનીયના આસ્રવનાં કારણો
भूतव्रत्यनुकम्पादानसरागसंयमादियोगः क्षान्तिः
शौचमिति सद्वेद्यस्य।। १२।।

અર્થઃ– [भूत व्रती अनुकम्पा] પ્રાણીઓ પ્રત્યે અને વ્રતના ધારકો પ્રત્યે અનુકંપા [दान सरागसंयमादीयोगः] દાન, સરાગ-સંયમાદિના યોગ, [क्षान्ति शौचम् इति] ક્ષાન્તિ શૌચ, અર્હન્તભક્તિ ઇત્યાદિ [सत् वेद्यस्य] સાતાવેદનીય કર્માઆસ્રવનાં કારણો છે.

ટીકા

૧. ભૂત = ચારે ગતિનાં પ્રાણીઓ, વ્રતી = સમ્યગ્દર્શનપૂર્વક અણુવ્રત કે મહાવ્રત ધારણ કરેલ હોય તેવા જીવો; આ બન્ને ઉપર અનુકંપા કરવી તે ભૂતવ્રત્યનુકંપા છે. પ્રશ્નઃ– ‘ભૂત’ કહેતાં તેમાં બધા જીવો આવી ગયા તો પછી ‘વ્રતી’ જણાવવાની શું જરૂર છે?

ઉત્તરઃ– સામાન્ય પ્રાણીઓ કરતાં વ્રતી જીવો પ્રત્યે અનુકંપાનું વિશેષપણું જણાવવા માટે તે કહેલ છે; વ્રતી જીવો પ્રત્યે ભક્તિપૂર્વક ભાવ હોવા જોઈએ.

દાન= દુઃખિત, ભૂખ્યા વગેરે જીવોના ઉપકાર અર્થે ધન, ઔષધિ, આહારાદિક દેવાં તથા વ્રતી સમ્યગ્દ્રષ્ટિ સુપાત્ર જીવોને ભક્તિપૂર્વક દાન આપવું તે દાન છે.


Page 412 of 655
PDF/HTML Page 467 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૨ ] [ ૪૧૧

સરાગસંયમ = સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રના ધારક મુનિને જે મહાવ્રતરૂપ શુભભાવ છે તે સંયમ સાથેનો રાગ હોવાથી, સરાગ સંયમ કહેવાય છે. રાગ કાંઈ સંયમ નથી; જેટલો વીતરાગભાવ છે તે સંયમ છે.

૨. પ્રશ્નઃ– વીતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્ર એમ બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, અને ચારિત્ર બંધનું કારણ નથી; તો પછી અહીં સરાગસંયમને આસ્રવ અને બંધનું કારણ કેમ કહ્યું છે?

ઉત્તરઃ– સરાગસંયમને બંધનું કારણ કહ્યું ત્યાં એમ સમજવું કે ખરેખર ચારિત્ર (સંયમ) તે બંધનું કારણ નથી, પણ રાગ છે તે બંધનું કારણ છે. જેમ ચાવલ બે પ્રકારે છે-એક તો ફોતરાં સહિત અને બીજા ફોતરાં રહિત; ત્યાં ફોતરાં છે તે ચાવલનું સ્વરૂપ નથી પણ ચાવલમાં તે દોષ છે; હવે કોઈ ડાહ્યો પુરુષ ફોતરાં સહિત ચાવલનો સંગ્રહ કરતો હોય તેને જોઈને કોઈ ભોળો માણસ ફોતરાંને જ ચાવલ માનીને તેનો સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. તેમ ચારિત્ર (સંયમ) બે પ્રકારથી છે- એક તો સરાગ છે તથા બીજું વીતરાગ છે; ત્યાં એમ જાણવું કે જે રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી પણ ચારિત્રમાં તે દોષ છે. હવે કોઈ સમ્યગ્જ્ઞાની પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારે તેને દેખીને કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માનીને તેને અંગીકાર કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય. (જુઓ, મોક્ષમાર્ગ- પ્રકાશક-પા. ૨૪૯ તથા શ્રી સમયસાર પા. ૪૮૨).

મુનિને ચારિત્રભાવ મિશ્રરૂપ છે, કંઈક વીતરાગ થયા છે અને કંઈક સરાગ છે; ત્યાં જે અંશે વીતરાગ થયા છે તે વડે તો સંવર જ છે અને જે અંશે સરાગ રહ્યા છે તે વડે બંધ છે. પોતાના મિશ્રભાવમાં ‘આ સરાગતા છે અને આ વીતરાગતા છે’ એવી ઓળખાણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તેથી તેઓ બાકી રહેલા સરાગ ભાવને હેયરૂપ શ્રદ્ધે છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૩૧).

આ રીતે સરાગ સંયમમાં જે મહાવ્રતાદિ પાળવાનો શુભભાવ છે તે આસ્રવબંધનું કારણ છે, પણ જેટલું નિર્મળ ચારિત્ર પ્રગટયું છે તે આસ્રવ-બંધનું કારણ નથી.

૩. આ સૂત્રમાં ‘आदि’ શબ્દ છે તેમાં સંયમાસંયમ, અકામનિર્જરા અને બાળતપનો સમાવેશ થાય છે.

સંયમાસંયમ = સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં વ્રત. અકામનિર્જરા = પરાધીનપણે (-પોતાની ઇચ્છા વગર) ભોગ-ઉપભોગનો નિરોધ થતાં સંકલેશતા રહિત થવું અર્થાત્ કષાયની મંદતા કરવી તે.


Page 413 of 655
PDF/HTML Page 468 of 710
single page version

૪૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

બાળતપ = મિથ્યાદ્રષ્ટિને મંદ કષાયભાવે થતાં તપ. ૪. આ સૂત્રમાં

‘इति’ શબ્દ છે. તેમાં અર્હન્તનું પૂજન, બાળ, વૃદ્ધ કે તપસ્વી

મુનિઓની વૈયાવૃત્ય કરવામાં ઉદ્યમી રહેવું, યોગની સરળતા અને વિનયનો સમાવેશ થઈ જાય છે.

યોગ– શુભપરિણામ સહિતની નિર્દોષ ક્રિયા વિશેષને યોગ કહે છે. ક્ષાન્તિ– શુભપરિણામની ભાવનાથી ક્રોધાદિ કષાયમાં થતી તીવ્રતાના અભાવને ક્ષાન્તિ (ક્ષમા) કહે છે.

શૌચ–શુભપરિણામપૂર્વક લોભનો ત્યાગ તે શૌચ. વીતરાગી-નિર્વિકલ્પ ક્ષમા અને શૌચને ‘ઉત્તમક્ષમા’ અને ‘ઉત્તમશૌચ’ કહે છે; તે આસ્રવનું કારણ નથી.।। ૧૨।।

હવે અનંત સંસારનું કારણ જે દર્શનમોહ તેના આસ્રવનું કારણ કહે છે
केवलिश्रुतसंघधर्मदेवावर्णवादो दर्शनमोहस्य।। १३।।

અર્થઃ– [केवली श्रुत संघ धर्म देव] કેવળી, શ્રુત, સંઘ, ધર્મ, અને દેવનો [अवर्णवादः] અવર્ણવાદ કરવો તે [दर्शनमोहस्य] દર્શનમોહનીય કર્માઆસ્રવનાં કારણો છે.

ટીકા

૧. અવર્ણવાદઃ– જેનામાં જે દોષ ન હોય તેનામાં તે દોષનું આરોપણ કરવું તે અવર્ણવાદ છે.

કેવળીપણું, મુનિપણું, ધર્મ અને દેવપણું તે આત્માની જ જુદી જુદી અવસ્થાઓનું સ્વરૂપ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચે પદ નિશ્ચયથી આત્મા જ છે, (જુઓ, યોગીન્દ્રદેવકૃત યોગસાર ગાથા ૧૦૪, પરમાત્મ- પ્રકાશ પા. ૩૯૩-૩૯૪). તેથી તેમનું સ્વરૂપ સમજવામાં જો ભુલ થાય અને તેમનામાં ન હોય તેવા દોષો તેમનામાં કલ્પવામાં આવે તો આત્માનું સ્વરૂપ સમજાય નહિ અને મિથ્યાત્વભાવનું વિશેષ પોષણ થાય. ધર્મ તે આત્માનો સ્વભાવ છે માટે ધર્મસંબંધી જુઠ્ઠી દોષ કલ્પના કરવી તે પણ મહાન દોષ છે.

ર. શ્રુત એટલે શાસ્ત્ર; જિજ્ઞાસુ જીવોને આત્માનું સ્વરૂપ સમજવામાં તે નિમિત્ત છે, તેથી મુમુક્ષુઓએ ખરા શાસ્ત્રોના સ્વરૂપનો પણ નિર્ણય કરવો જોઈએ.


Page 414 of 655
PDF/HTML Page 469 of 710
single page version

અ. ૬. સૂત્ર ૧૩ ] [ ૪૧૩

૩. કેવળી ભગવાનના અવર્ણવાદનું સ્વરૂપ

(૧) ક્ષુધા અને તૃષા તે પીડા છે, તે પીડાથી આર્ત્ત (દુઃખી) થતા જીવો જ આહાર લેવાની ઇચ્છા કરે છે. ક્ષુધા કે તૃષાના કારણે દુઃખનો અનુભવ થવો તે આર્ત્તધ્યાન છે. કેવળી ભગવાનને સંપૂર્ણ જ્ઞાન અને અનંત સુખ હોય છે, તથા તેમને પરમ શુક્લધ્યાન વર્તે છે; તે અવસ્થાને શુક્લધ્યાન પણ ઉપચારથી કહેવાય છે. ઇચ્છા તો વર્તમાન વર્તતી દશા. પરનો અણગમો અને પર વસ્તુ તરફના રાગની હૈયાતી સૂચવે છે, કેવળી ભગવાનને ઇચ્છા હોય જ નહિ; છતાં કેવળી ભગવાન અન્નનો આહાર (કવળાહાર) કરે એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે. કેવળી ભગવાનને સંપૂર્ણ વીર્ય પ્રગટયું હોવાથી ક્ષુધા અને તૃષાની પીડા તેમને હોય જ નહિ. અને અનંત સુખ પ્રગટયું હોવાથી ઇચ્છા હોય જ નહિ. ઇચ્છા તે દુઃખ છે-લોભ છે, માટે કેવળી ભગવાનમાં આહારની ઇચ્છાનો દોષ કલ્પવો તે જીવના પોતાના શુદ્ધ સ્વરૂપનો અવર્ણવાદ છે અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે. તે દર્શનમોહનીયકર્મના આસ્રવનું કારણ છે એટલે કે તે અનંત સંસારનું કારણ છે.

(ર) આત્માને કેવળજ્ઞાન પ્રગટયા પછી શરીરમાં ઝાડાનું કે બીજું કોઈ દરદ થાય અને તેની દવા લેવી કે દવા લાવવા માટે કોઈને કહેવું-તે અશક્ય છે. *દવા લેવાની ઇચ્છા થવી અને દવા લાવવા માટે કોઈ શિષ્યને કહેવું તે બધું દુઃખની હયાતી સૂચવે છે. અનંત સુખના સ્વામી કેવળી ભગવાનને આકુળતા, વિકલ્પ, લોભરૂપ ઇચ્છા કે દુઃખ હોય એમ કલ્પવું એટલે કે કેવળી ભગવાનને સામાન્ય છદ્મસ્થ જેવા કલ્પી લેવા તે ન્યાયવિરુદ્ધ છે. જો આત્મા પોતાનું સાચું સ્વરૂપ સમજે તો આત્માની બધી દશાઓનું સ્વરૂપ ખ્યાલમાં આવે. ભગવાન છદ્મસ્થ મુનિદશામાં કરપાત્ર (હાથમાં ભોજન કરનારા) હોય છે અને આહાર માટે જાતે જ જાય છે; અને કેવળજ્ઞાન થયા પછી રોગ થાય, દવાની ઇચ્છા ઊપજે અને તે લાવવા માટે શિષ્યને આજ્ઞા કરે-તે અશક્ય છે. કેવળજ્ઞાન થતાં શરીરની અવસ્થા ઉત્તમ થાય છે અને પરમ ઔદારિકપણે પરિણમી જાય છે. તે શરીરમાં રોગ હોય જ નહિ. ‘જ્યાં રોગ હોય ત્યાં રાગ હોય જ’ એ અબાધિત સિદ્ધાંત છે. ભગવાનને રાગ નથી તેથી તેમના શરીરને રોગ પણ કદી હોતો જ નથી. આનાથી વિરુદ્ધ માનવું તે પોતાના આત્મસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવંતોનો અવર્ણવાદ છે. _________________________________________________________________

*તીર્થંકર ભગવાનને જન્મથી જ મળ-મૂત્ર હોતાં નથી અને તમામ કેવળી ભગવાનોને કેવળજ્ઞાન થયા પછી આહાર-નિહાર હોતા નથી.


Page 415 of 655
PDF/HTML Page 470 of 710
single page version

૪૧૪ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) કોઈ પણ જીવને ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પ્રગટે એમ માનવું તે ભૂલ ભરેલું છે. ગૃહસ્થપણું છોડયા વિના ભાવસાધુપણું આવી શકે જ નહિ; ભાવસાધુપણું આવ્યા વગર કેવળજ્ઞાન તે પ્રગટે જ શી રીતે? ભાવસાધુપણું છઠ્ઠા-સાતમા ગુણસ્થાને હોય છે અને કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે; માટે ગૃહસ્થપણામાં કદી પણ કોઈ જીવને કેવળજ્ઞાન થાય નહિ. આનાથી વિરુદ્ધ માન્યતા તે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.

(૪) છદ્મસ્થ જીવોને જે જ્ઞાન-દર્શન-ઉપયોગ થાય છે તે જ્ઞેયસન્મુખ થવાથી થાય છે, એ દશામાં એક જ્ઞેયથી ખસીને બીજા જ્ઞેય તરફ પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ વિના છદ્મસ્થ જીવનું જ્ઞાન પ્રવૃત થતું નથી; તેથી પહેલાં ચાર જ્ઞાન સુધીના કથનમાં ‘ઉપયોગ’ શબ્દનો પ્રયોગ તેના અર્થ પ્રમાણે (-‘ઉપયોગ ના અન્વયાર્થ પ્રમાણે) કહી શકાય; પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શન તો અખંડ અવિચ્છિન્ન છે; તેને જ્ઞેય-સન્મુખ થવું પડતું નથી એટલે કે કેવળજ્ઞાન તથા કેવળદર્શનને એક જ્ઞેયથી ખસીને બીજા જ્ઞેય તરફ જોડાવું પડતું નથી; માટે કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપયોગ કહેવો તે ઉપચાર છે. (જુઓ, અમિતગતિ આચાર્યકૃત પંચસંગ્રહ હિંદી ટીકા. પા. ૧૨૧ ઉપયોગઅધિકાર). કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ પ્રવર્તે છે. આ પ્રમાણે હોવા છતાં ‘કેવળીભગવાનને તેમ જ સિદ્ધભગવાનને જે સમયે જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય અને જ્યારે દર્શનોપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય’ એમ માનવું તે મિથ્યા માન્યતા છે; તે માન્યતા “ કેવળીભગવાનને તથા સિદ્ધભગવાનને કેવળજ્ઞાન પ્રગટયા પછી જે અનંત કાળ છે તેના અર્ધાકાળમાં જ્ઞાનના કાર્ય વગર અને અર્ધાકાળમાં દર્શનના કાર્ય વગર કાઢવાનો હોય છે” એમ કહેવા બરાબર છે. એ માન્યતા ન્યાયવિરુદ્ધ છે, માટે તેવી ખોટી માન્યતા રાખવી તે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.

(પ) ચોથું ગુણસ્થાન (-સમ્યગ્દર્શન) સાથે લઈ જનાર આત્મા પુરુષપણે જન્મે છે, સ્ત્રીપણે જન્મતા નથી; તેથી સ્ત્રીપણે કોઈ તીર્થંકર હોઈ શકે નહિ; કેમ કે તીર્થંકર થનાર આત્મા સમ્યગ્દર્શન સહિત જ જન્મે છે, તેથી તે પુરુષ જ હોય છે. જો કોઈ કાળે પણ એક સ્ત્રી તીર્થંકર થાય એમ માનીએ તો ભૂત-ભવિષ્યની અપેક્ષાએ ભલે લાંબા કાળે થાય તોપણ) અનંત સ્ત્રીઓ તીર્થંકર થાય અને તેથી સમ્યગ્દર્શન સહિત આત્મા સ્ત્રીપણે ન જન્મે એ સિદ્ધાંત તૂટી જાય; માટે સ્ત્રીને તીર્થંકરપણું માનવું તે મિથ્યા માન્યતા છે; અને એમ માનનારે આત્માની શુદ્ધદશાનું સ્વરૂપ જાણ્યું નથી. તે ખરેખર પોતાના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળીભગવાનોનો અવર્ણવાદ કરે છે.


Page 416 of 655
PDF/HTML Page 471 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૩ ] [ ૪૧પ

(૬) કોઈ પણ કર્મભૂમિની સ્ત્રીને પ્રથમનાં ત્રણ ઉત્તમ સંહનનો ઉદય હોતો જ નથી;*જ્યારે જીવને કેવળજ્ઞાન થાય ત્યારે પહેલું જ સંહનન હોય છે એવો કેવળજ્ઞાન અને પહેલાં સંહનનને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. સ્ત્રીને પાંચમા ગુણસ્થાન ઉપરની દશા પ્રગટ થતી નથી, છતાં સ્ત્રીને તે જ ભવે કેવળજ્ઞાન થાય એમ માનવું તે પોતાના શુદ્ધસ્વરૂપનો અવર્ણવાદ છે અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો તથા સાધુ સંઘનો અવર્ણવાદ છે.

(૭) કેવળી ભગવાનની વાણી તાળુ, ઓષ્ઠ વગેરે દ્વારા નીકળે નહિ અને તેમાં ક્રમરૂપ ભાષા ન હોય પણ સર્વાંગ નિરક્ષરી વાણી નીકળે; આનાથી વિરુદ્ધ માનવું તે આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી કેવળીભગવાનનો અવર્ણવાદ છે.

(૮) સાતમા ગુણસ્થાનથી વંદ્ય-વંદકભાવ હોતો નથી, તેથી ત્યાં વ્યવહાર વિનયવૈયાવૃત્ય વગેરે હોતાં નથી. કોઈ જીવ કેવળજ્ઞાન થયા પછી ગૃહસ્થ, કુટુંબીઓ સાથે રહે કે ગૃહકાર્યમાં ભાગ લે એમ માનવું તે વીતરાગને સરાગી માનવા બરાબર છે. કોઈ પણ દ્રવ્ય સ્ત્રીને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે. કર્મભૂમિની મહિલાને પહેલાં ત્રણ સંહનન હોતાં જ નથી અને ચોથું સંહનન હોય ત્યારે વધારેમાં વધારે સોળમા સ્વર્ગ સુધી તે જીવ જઈ શકે છે. -(જુઓ ગોમ્મટસાર-કર્મકાંડગાથા ૨૯-૩૨) આથી વિરુદ્ધ માનવું તે આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે.

(૯) આત્મા સર્વજ્ઞ ન થઈ શકે એમ કેટલાકનું માનવું છે; તે માન્યતા ભૂલભરેલી છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે, જ્ઞાન શું ન જાણે? જ્ઞાન સર્વને જાણે એવી તેનામાં શક્તિ છે અને વીતરાગી વિજ્ઞાન વડે તે શક્તિ પ્રગટ કરી શકાય છે. વળી કેટલાએક એમ માને છે કે ‘કેવળજ્ઞાની આત્મા સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો અને તેના અનંત પર્યાયોને એક સાથે જાણે છે છતાં તેમાંથી કેટલુંક જાણપણું હોતું નથી- જેમ કે, એક છોકરો બીજા છોકરાથી કેટલો મોટો, કેટલા હાથ લાંબો; એક ઘર બીજા ઘરથી કેટલા હાથ દૂર- એ વગેરે બાબત કેવળજ્ઞાનમાં જણાતી નથી.’ આ માન્યતા દોષિત છે; તેમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.

(૧૦) ‘શુભથી ધર્મ થાય; શુભ કરતાં કરતાં ધર્મ થાય’ એવો ઉપદેશ કેવળી-તીર્થંકર ભગવાને કર્યો છે-એમ માનવું તે તેમનો અવર્ણવાદ છે. શુભભાવ વડે ધર્મ થતો હોવાથી ભગવાને શુભભાવો કર્યા હતા. ભગવાને તો બીજાઓનું ભલું કરવામાં પોતાનું જીવન અર્પી દીધું હતું.’ એ વગેરે પ્રકારે ભગવાનની જીવનકથા _________________________________________________________________

*જુઓ ગોમ્મટસાર-કર્મકાંડ ગાથા-૩૨


Page 417 of 655
PDF/HTML Page 472 of 710
single page version

૪૧૬ ] [ મોક્ષશાસ્ત્ર આલેખવી તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે.

(૧૧) પ્રશ્નઃ– જો ભગવાને પરનું કાંઈ નથી કર્યુ તો પછી જગત્ઉદ્ધારક, તરણ- તારણ, જીવનદાતા, બોધિદાતા ઈત્યાદિ ઉપનામોથી ભગવાન કેમ ઓળખાય છે?

ઉત્તરઃ– એ બધાં ઉપનામો ઉપચારથી છે; જ્યારે ભગવાનને દર્શનવિશુદ્ધિની ભૂમિકામાં અનિચ્છકભાવે ધર્મરાગ થયો ત્યારે તીર્થંકરનામકર્મ બંધાઈ ગયું. તત્ત્વસ્વરૂપ એમ છે કે ભગવાનને તીર્થંકરપ્રકૃતિ બંધાતી વખતે જે શુભભાવ થયો હતો તે તેમણે ઉપાદેય માન્યો જ ન હતો, પણ તે શુભભાવ અને તે તીર્થંકરપ્રકૃતિ- બન્નેનો અભિપ્રાયમાં નકાર જ હતો તેઓ રાગને તોડવાનો પુરુષાર્થ કરતા હતા. છેવટે રાગ ટાળી વીતરાગ થયા પછી કેવળજ્ઞાન પ્રગટયું અને દિવ્યધ્વનિ સ્વયં પ્રગટયો; લાયક જીવો તે સાંભળીને સ્વરૂપ સમજ્યા અને તેવા જીવોએ ઉપચારથી જગત્ઉદ્ધારક, તરણતારણ ઇત્યાદિ ઉપનામ ભગવાનને આપ્યાં. જો ખરેખર ભગવાને બીજા જીવોનું કાંઈ કર્યુ હોય કે કરી શક્તા હોય તો જગના સર્વે જીવોને મોક્ષમાં સાથે કેમ ન લઈ ગયા? માટે શાસ્ત્રનું કથન કયા નયનું છે તે લક્ષમાં રાખીને તેના યથાર્થ અર્થ સમજવા જોઈએ. ભગવાનને પરના કર્તા ઠરાવવા તે પણ ભગવાનનો અવર્ણવાદ છે.

એ વગેરે પ્રકારે આત્માના શુદ્ધસ્વરૂપમાં દોષોની કલ્પના આત્માને અનંત સંસારનું કારણ છે.

આ પ્રમાણે કેવળી ભગવાનના અવર્ણવાદનું સ્વરૂપ કહ્યું.

૪. શ્રુતના અવર્ણવાદનું સ્વરૂપ

(૧) જે શાસ્ત્રો ન્યાયની કસોટીએ ચડાવતાં અર્થાત્ સમ્યગ્જ્ઞાન વડે પરીક્ષા કરતાં પ્રયોજનભુત બાબતોમાં સાચાં માલૂમ પડે તેને જ ખરાં માનવાં જોઈએ. જ્યારે લોકોની યાદશક્તિ નબળી પડે ત્યારે જ શાસ્ત્રો લખવાની પદ્ધતિ થાય; તેથી લખેલાં શાસ્ત્રો ગણધરભગવાને ગૂંથેલા શબ્દોમાં ન જ હોય, પણ સમ્યગ્જ્ઞાની આચાર્યોએ તેમના યથાર્થ ભાવો જાળવીને પોતાની ભાષામાં શાસ્ત્રરૂપે ગૂંથ્યા હોય અને તે સત્શ્રુત છે.

(ર) સમ્યગ્જ્ઞાની આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રોની નિંદા કરવી તે પોતાના સમ્યગ્જ્ઞાનની જ નિંદા કરવા બરાબર છે; કેમ કે જેણે સાચાં શાસ્ત્રની નિંદા કરી તેનો ભાવ એવો થયો કે મને આવાં સાચાં નિમિત્તનો સંયોગ ન હો પણ ખોટાં નિમિત્તનો સંયોગ હો એટલે કે મારું ઉપાદાન સમ્યગ્જ્ઞાનને લાયક ન હો પણ મિથ્યાજ્ઞાનને લાયક હો.


Page 418 of 655
PDF/HTML Page 473 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૩ ] [ ૪૧૭

(૩) કોઈ ગ્રંથના કર્તા તરીકે તીર્થંકર ભગવાનનું, કેવળીનું, ગણધરનું કે આચાર્યનું નામ આપેલ હોય તેથી તેને સાચું જ શાસ્ત્ર માની લેવું તે ન્યાયસર નથી. મુમુક્ષુ જીવોએ તત્ત્વદ્રષ્ટિથી પરીક્ષા કરીને સત્ય-અસત્યનો નિર્ણય કરવો જોઈએ. ભગવાનના નામે અસત્ શાસ્ત્રો બનાવ્યાં હોય તેને સત્શ્રુત માની લેવાં તે સત્શ્રુતનો અવર્ણવાદ છે; જે શાસ્ત્રોમાં માંસભક્ષણ, મદિરાપાન, વેદનાથી પીડિતને મૈથુનસેવન, રાત્રિભોજન ઇત્યાદિને નિર્દોષ કહ્યાં હોય, ભગવતી સતીને પાંચ પતિ કહ્યા હોય, જેમાં તીર્થંકર ભગવાનને બે માતા અને બે પિતા કહ્યા હોય-તે શાસ્ત્રો યથાર્થ નથી, માટે સત્યાસત્યની પરીક્ષા કરી અસત્યની માન્યતા છોડવી.

પ. સંઘના અવર્ણવાદનું સ્વરૂપ

સમ્યગ્દર્શન પ્રગટયા પછી જે જીવને સાતમું-છઠ્ઠું ગુણસ્થાન પ્રગટે તેને સાચું સાધુપણું હોય છે; તેમને શરીર ઉપરનો સ્પર્શેન્દ્રિયને લગતો રાગ ટળી ગયો હોય છે; તેથી ટાઢ, તડકો, વરસાદ વગેરેથી રક્ષણ કરવાનો રાગભાવ તેમને હોતો નથી; માત્ર સંયમના હેતુ માટે તે પદને લાયક નિર્દોષ શુદ્ધ આહારની લાગણી હોય છે, તેથી તે ગુણસ્થાનવાળા જીવોને એટલે કે સાધુને શરીરના રક્ષણ માટે વસ્ત્ર હોય જ નહિ. છતાં ‘જ્યારે તીર્થંકર ભગવાન દીક્ષા લે ત્યારે ધર્મબુદ્ધિથી દેવ તેમને વસ્ત્ર આપે અને ભગવાન તેને પોતાની સાથે રાખ્યા કરે’ એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે, એમાં સંઘ અને દેવ બન્નેનો અવર્ણવાદ છે. સ્ત્રીલિંગને સાધુપણું માનવું, અતિ શુદ્ર જીવોને સાધુપણું હોય એમ માનવું તે સંઘનો અવર્ણવાદ છે. દેહમાં નિર્મમત્વી, નિર્ગ્રંથ, વીતરાગ મુનિઓના દેહને અપવિત્ર કહેવો, નિર્લજ્જ કહેવો, બેશરમ કહેવો; અહીં પણ દુઃખ ભોગવે છે તો પરલોકમાં કેમ ખુશી થશે-ઇત્યાદિ પ્રકારે કહેવું તે સંઘનો અવર્ણવાદ છે.

સાધુ-સંઘ ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-જેમને ઋદ્ધિ પ્રગટી હોય તે ઋષિ; જેમને અવધિ-મનઃપર્યયજ્ઞાન હોય તે મુનિ; ઇન્દ્રિયોને જીતે તે યતિ અને અણગાર એટલે કે સામાન્ય સાધુ.

૬. ધર્મના અવર્ણવાદનું સ્વરૂપ

આત્માનો સ્વભાવ તે ધર્મ છે; સમ્યગ્દર્શન પ્રગટતાં તે ધર્મ શરૂ થાય છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય નહિ; પુણ્ય વિકાર હોવાથી તેનાથી ધર્મ થતો નથી તેમ જ તે ધર્મમાં સહાયક થતું નથી. આવું ધર્મનું સ્વરૂપ છે. તેનાથી વિપરીત માનવું તે ધર્મનો અવર્ણવાદ છે. “જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્મમાં કાંઈ પણ ગુણ નથી, તેને સેવવાવાળા અસુર થશે, તીર્થંકર ભગવાને જે ધર્મ કહ્યો છે તે જ પ્રમાણે જગતના


Page 419 of 655
PDF/HTML Page 474 of 710
single page version

૪૧૮ ] [ મોક્ષશાસ્ત્ર અન્યમતોના પ્રવર્તકો પણ કહે છે” એમ માનવું તે ધર્મનો અવર્ણવાદ છે. આત્માના સાચા સ્વરૂપને સમજવું અને સાચી માન્યતા કરવી તથા ખોટી માન્યતા છોડવી તે દર્શનઅપેક્ષાએ આત્માની અહિંસા છે અને ક્રમે ક્રમે સમ્યક્ચારિત્ર વધતાં રાગદ્વેષ સર્વથા ટળી જાય છે તે આત્માની સંપૂર્ણ અહિંસા છે. આવી અહિંસા તે જીવનો ધર્મ છે એમ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે; તેનાથી વિરુદ્ધ માન્યતા તે ધર્મનો અવર્ણવાદ છે.

૭. દેવના અવર્ણવાદનું સ્વરૂપ

સ્વર્ગના દેવના અવર્ણવાદનો એક પ્રકાર પારા પ માં જણાવ્યો છે. તે ઉપરાંત તે દેવ માંસભક્ષણ કરે, મદ્યપાન કરે, ભોજનાદિક કરે, મનુષ્યણી સાથે કામસેવન કરે-ઇત્યાદિ માન્યતા તે દેવનો અવર્ણવાદ છે.

૮. આ પાંચે પ્રકારના અવર્ણવાદ દર્શનમોહનીયના આસ્રવનું કારણ છે અને દર્શનમોહ તે અનંત સંસારનું કારણ છે.

૯. આ સૂત્રનો સિદ્ધાંત

શુભ વિકલ્પથી ધર્મ થાય-એવી માન્યતારૂપ અગૃહીતમિથ્યાત્વ તો જીવને અનાદિનું ચાલ્યું આવે છે. મનુષ્યગતિમાં જીવ જે કુળમાં જન્મે છે તે કુળમાં ઘણે ભાગે કોઈ ને કોઈ પ્રકારે ધર્મની માન્યતા હોય છે. વળી તે કુળધર્મમાં કોઈને દેવ તરીકે, કોઈને ગુરુ તરીકે, કોઈ પુસ્તકોને શાસ્ત્ર તરીકે અને કોઈ ક્રિયાને ધર્મ તરીકે માનવામાં આવે છે. નાનપણમાં તે માન્યતાનું જીવને પોષણ મળે છે અને મોટી ઉંમરે પોતાના કુળના ધર્મસ્થાને જતાં ત્યાં પણ મુખ્યપણે તે જ માન્યતાનું પોષણ મળે છે. આ અવસ્થામાં જીવ વિવેકપૂર્ણ સત્ય-અસત્યનો નિર્ણય ઘણે ભાગે કરતો નથી અને સત્ય-અસત્યના વિવેકરહિત દશા હોવાથી સાચાં દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મ ઉપર અનેક પ્રકારના જૂઠા આરોપો કરે છે. તે માન્યતા આ ભવમાં નવી ગ્રહણ કરેલી હોવાથી અને તે મિથ્યા હોવાથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવામાં આવે છે. આ અગૃહીત અને ગૃહીતમિથ્યાત્વ અનંત સંસારમાં કારણ છે. માટે સત્ દેવ-ગુરુ- શાસ્ત્ર-ધર્મનું અને પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજીને અગૃહીત તેમ જ ગૃહીત- બન્ને મિથ્યાત્વનો નાશ કરવા માટે જ્ઞાનીઓનો ઉપદેશ છે. (અગૃહીતમિથ્યાત્વનો વિષય આઠમા બંધ અધિકારમાં આવશે.) આત્માને ન માનવો, સત્ય મોક્ષમાર્ગને દૂષિત કલ્પવો, અસત્ માર્ગને સત્ય મોક્ષમાર્ગ કલ્પવો, પરમ સત્ય વીતરાગી વિજ્ઞાનમય ઉપદેશની નિંદા કરવી-ઇત્યાદિ જે જે કાર્યો સમ્યગ્દર્શન ગુણને મલિન કરે છે તે સર્વે દર્શનમોહના આસ્રવનાં કારણો છે. ।। ૧૩।।


Page 420 of 655
PDF/HTML Page 475 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૪ ] [ ૪૧૯

ચારિત્રમોહના આસ્રવનું કારણ

कषायोदयात्तीव्रपरिणामश्चारित्रमोहस्य ।। १४।।

અર્થઃ– [कषायउदयात्] કષાયના ઉદયથી [तीव्र परिणामः] તીવ્ર પરિણામ

થાય તે [चारित्रमोहस्य] ચારિત્રમોહનીયના આસ્રવનું કારણ છે.

ટીકા

૧. કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આવી ગઈ છે. ઉદયનો અર્થ વિપાક-અનુભવ છે. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને જેટલો રાગ-દ્વેષ કરે તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો એમ કહેવાય. કષાયકર્મના ઉદયમાં જોડાતાં જીવને તીવ્રભાવ થાય તે ચારિત્રમોહનીયકર્મના આસ્રવનું કારણ (નિમિત્ત) છે એમ સમજવું.

ર. ચારિત્રમોહનીયના આસ્રવનું આ સૂત્રમાં સંક્ષેપથી વર્ણન છે; તેનો વિસ્તાર નીચે પ્રમાણે છે-

(૧) પોતાને તથા પરને કષાય ઉપજાવવો; (ર) તપસ્વી જનોને ચારિત્રદોષ લગાડવો; (૩) સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વેષ-વ્રત વગેરે ધારણ કરવા; એ

વગેરે લક્ષણવાળા પરિણામ કષાય કર્મના આસ્રવનું કારણ છે.

(૧) ગરીબોનું અતિહાસ્ય કરવું;
(ર) ઘણો વૃથા પ્રલાપ કરવો;
(૩) હાસ્યસ્વભાવ રાખવો;

એ વગેરે લક્ષણવાળા પરિણામ હાસ્યકર્મના આસ્રવનું કારણ છે.

(૧) વિચિત્ર ક્રીડા કરવામાં તત્પરતા હોવી;
(ર) વ્રત-શીલમાં અરુચિપરિણામ કરવા;

એ વગેરે લક્ષણવાળા પરિણામ રતિકર્મના આસ્રવનું કારણ છે.

(૧) પરને અરતિ ઉપજાવવી;
(ર) પરની રતિનો વિનાશ કરવો;
(૩) પાપ કરવાનો સ્વભાવ હોવો;
(૪) પાપનો સંસર્ગ કરવો;

Page 421 of 655
PDF/HTML Page 476 of 710
single page version

૪૨૦ ] [ મોક્ષશાસ્ત્ર

એ વગેરે લક્ષણવાળા પરિણામ અરતિ કર્મના આસ્રવનું કારણ છે.
(૧) પોતાને શોક ઉપજાવવો;
(ર) પરના શોકમાં હર્ષ માનવો;
એ વગેરે લક્ષણવાળા પરિણામ શોક કર્મના આસ્રવનું કારણ છે.
(૧) પોતાને ભયરૂપ ભાવ રાખવો;
(ર) બીજાને ભય ઉપજાવવો;
એ વગેરે લક્ષણવાળા પરિણામ ભયકર્મના આસ્રવનું કારણ છે.

ભલી ક્રિયા-આચાર પ્રત્યે ગ્લાની એ વગેરે પરિણામ હોવા તે જુગુપ્સા કર્મના આસ્રવનું કારણ છે.

(૧) જુઠ્ઠું બોલવાનો સ્વભાવ હોવો; (ર) માયાચારમાં તત્પરતા રહેવી; (૩) પરના છિદ્રની આકાંક્ષા અથવા અતિ ઘણો રાગ હોવો; એ વગેરે પરિણામ સ્ત્રીવેદકર્મના આસ્રવનું કારણ છે.

(૧) અલ્પ ક્રોધ હોવો; (ર) ઇષ્ટ પદાર્થોમાં ઓછી આસક્તિ હોવી; (૩) પોતાની સ્ત્રીમાં સંતોષ હોવો;

એ વગેરે પરિણામ પુરુષવેદકર્મના આસ્રવનું કારણ છે.

(૧) કષાયની પ્રબળતા હોવી; (ર) ગુહ્ય ઇન્દ્રિયોનું છેદન કરવું; (૩) પરસ્ત્રીગમન કરવું;

એ વગેરે પરિણામ હોવા તે નપુંસકવેદના આસ્રવનું કારણ છે.

૩. ‘તીવ્રતા તે બંધનું કારણ છે અને સર્વ જઘન્યતા તે બંધનું કારણ નથી’ આ સિદ્ધાંત આત્માના તમામ ગુણોમાં લાગુ પડે છે. આત્મામાં થતા મિથ્યાદર્શનનો જે ભાવ છેલ્લામાં છેલ્લો જઘન્ય હોય તે દર્શનમોહનીયકર્મના આસ્રવનું કારણ નથી. જો છેલ્લો અંશ પણ બંધનું કારણ થાય તો કોઈ જીવ વ્યવહારે પણ કર્મરહિત ન થઈ શકે. (જુઓ, અ. પ સૂ. ૩૪ ની ટીકા પા. ૪પર.) ।। ૧૪।।

હવે આયુકર્મના આસ્રવનું કારણ કહે છેઃ-


Page 422 of 655
PDF/HTML Page 477 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧પ ] [ ૪૨૧

નરકાયુના આસ્રવનું કારણ
वह्वारम्भपरिग्रहत्वं नारकस्यायुषः।। १५।।

અર્થઃ– [बहु आरम्भ परिग्रहत्वं] ઘણો આરંભ-પરિગ્રહ હોવો તે [नारकस्य आयुषः] નારકીના આયુના આસ્રવનું કારણ છે.

૧. બહુ આરંભ-પરિગ્રહ રાખવાનો જે ભાવ છે તે નરકાયુના આસ્રવનો હેતુ છે. ‘બહુ’ શબ્દ સંખ્યાવાચક છે તેમ જ પરિણામવાચક છે; એ બન્ને અર્થો અહીં લાગુ પડે છે. અધિક સંખ્યામાં આરંભ-પરિગ્રહ રાખવાથી નારકાયુનો આસ્રવ થાય છે. આરંભ-પરિગ્રહ રાખવાના બહુ પરિણામથી નારકાયુનો આસ્રવ થાય છે; બહુ આરંભ-પરિગ્રહનો ભાવ તે ઉપાદાન કારણ છે અને બાહ્ય બહુ આરંભ-પરિગ્રહ તે નિમિત્તકારણ છે.

ર. આરંભઃ– હિંસાદિ પ્રવૃત્તિનું નામ આરંભ છે. જેટલો પણ આરંભ કરવામાં આવે તેમાં સ્થાવરાદિ જીવોનો નિયમથી વધ થાય છે. આરંભની સાથે ‘બહુ’ શબ્દનો સમાસ કરીને ઘણો આરંભ અથવા બહુ તીવ્ર પરિણામથી જે આરંભ કરવામાં આવે તે બહુ આરંભ, એવો અર્થ થાય છે.

૩. પરિગ્રહ– ‘આ વસ્તુ મારી છે, હું તેનો સ્વામી છું’ એવું પરમાં પોતાપણાનું અભિમાન અથવા પર વસ્તુમાં ‘આ મારી છે’ એવો જે સંકલ્પ તે પરિગ્રહ છે. કેવળ બાહ્ય ધન-ધાન્યાદિ પદાર્થોને જ ‘પરિગ્રહ’ નામ લાગુ પડે છે એમ નથી; બાહ્યમાં કાંઇ પણ પદાર્થ ન હોવા છતાં પણ જો ભાવમાં મમત્વ હોય તો ત્યાં પણ પરિગ્રહ કહી શકાય છે.

૪. સૂત્રમાં નારકાયુના આસ્રવનાં કારણનું જે વર્ણન કર્યું છે તે સંક્ષેપથી છે, ભાવોનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે-

(૧) મિથ્યાદર્શનસહિત હીનાચારમાં તત્પર રહેવું, (ર) અત્યંત માન કરવું, (૩) શિલાભેદ સમાન અત્યંત તીવ્ર ક્રોધ કરવો; (૪) અત્યંત તીવ્ર લોભનો અનુરાગ રહેવો, (પ) દયારહિત પરિણામોનું હોવું, (૬) બીજાઓને દુઃખ દેવાનું ચિત્ત રાખવું, (૭) જીવોને મારવાનો તથા બાંધવાનો ભાવ કરવો,


Page 423 of 655
PDF/HTML Page 478 of 710
single page version

૪૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૮) જીવોને નિરંતર ઘાત કરવાના પરિણામ રાખવા. (૯) જેમાં બીજા પ્રાણીનો વધ થાય એવાં જૂઠાં વચન બોલવાનો સ્વભાવ

રાખવો,

(૧૦) બીજાઓનું ધન હરણ કરવાનો સ્વભાવ રાખવો,
(૧૧) બીજાની સ્ત્રીઓને આલિંગન કરવાનો સ્વભાવ રાખવો,
(૧ર) મૈથુનસેવનથી વિરક્તિ ન થવી,
(૧૩) અત્યંત આરંભમાં ઇન્દ્રિયોને લગાવી રાખવી,
(૧૪) કામભોગોની અભિલાષાને સદૈવ વધાર્યા કરવી,
(૧પ) શીલ-સદાચારરહિત સ્વભાવ રાખવો,
(૧૬) અભક્ષ્ય ભક્ષણને ગ્રહણ કરવાનો કે કરાવવાનો ભાવ રાખવો,
(૧૭) ઘણા કાળ સુધી વૈર બાંધી રાખવું,
(૧૮) મહાક્રૂર સ્વભાવ રાખવો,
(૧૯) વિચાર્યા વિના રોવા-કૂટવાનો સ્વભાવ રાખવો.
(ર૦) દેવ-ગુરુ-શાસ્ત્રોમાં મિથ્યા દોષ લગાડવા,
(ર૧) કૃષ્ણલેશ્યાના પરિણામ રાખવા,
(રર) રૌદ્રધ્યાનમાં મરણ કરવું.
આ વગેરે લક્ષણવાળા પરિણામ નરકાયુનું કારણ થાય છે.
।। ૧પ।।
તિર્યંચાયુના આસ્રવનું કારણ
माया तैर्यग्योनस्य।। १६।।
અર્થઃ– [माया] માયા-છળકપટ તે [तैर्यक् योनस्य] તિર્યંચાયુના આસ્રવનું

કારણ છે.

ટીકા

આત્માનો કુટિલ સ્વભાવ તે માયા છે; તેનાથી તિર્યંચયોનિનો આસ્રવ થાય છે. તિર્યંચાયુના આસ્રવના કારણનું આ સૂત્રમાં જે વર્ણન કર્યું છે તે સંક્ષેપમાં છે. તે ભાવોનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે-

(૧) માયાથી મિથ્યાધર્મનો ઉપદેશ દેવો, (ર) બહુ આરંભ-પરિગ્રહમાં કપટમય પરિણામ કરવા,


Page 424 of 655
PDF/HTML Page 479 of 710
single page version

અ. ૬ સૂત્ર ૧૬-૧૭ ] [ ૪૨૩

(૩) કપટ-કુટિલ કર્મમાં તત્પરપણું હોવું, (૪) પૃથ્વીભેદ સમાન ક્રોધીપણું હોવું, (પ) શીલરહિતપણું હોવું, (૬) શબ્દથી-ચેષ્ટાથી તીવ્ર માયાચાર કરવો, (૭) પરના પરિણામમાં ભેદ ઉપજાવવો. (૮) અતિ અનર્થ પ્રગટ કરવો, (૯) ગંધ-રસ-સ્પર્શનું વિપરીતપણું કરવું, (૧૦) જાતિ-કુળ-શીલમાં દૂષણ લગાડવું, (૧૧) વિસંવાદમાં પ્રીતિ રાખવી, (૧ર) પરના ઉત્તમ ગુણને છૂપાવવો. (૧૩) પોતામાં ન હોય તેવા ગુણો કહેવા, (૧૪) નીલ-કાપોત લેશ્યારૂપ પરિણામ કરવા, (૧પ) આર્ત્તધ્યાનમાં મરણ કરવું, - આ વગેરે લક્ષણવાળા પરિણામો તિર્યંચાયુના આસ્રવનાં કારણો છે. ।। ૧૬।।

મનુષ્યાયુના આસ્રવનું કારણ
अल्पारम्भपरिग्रहत्वं मानुषस्य।। १७।।

અર્થઃ– [अल्प आरंभपरिग्रहत्वं] અલ્પ આરંભપરિગ્રહપણું તે [मानुषस्य] મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે.

ટીકા

નરકાયુના આસ્રવનું કથન ૧પ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે નરકાયુના આસ્રવથી જે વિપરીત છે તે મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે. આ સૂત્રમાં મનુષ્યાયુના આસ્રવના કારણનું સંક્ષેપ કથન છે; તેનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે-

(૧) મિથ્યાત્વસહિત બુદ્ધિનું હોવું, (ર) સ્વભાવમાં વિનય હોવો, (૩) પ્રકૃતિમાં ભદ્રતા હોવી, (૪) પરિણામોમાં કોમળતા હોવી અને માયાચારનો ભાવ ન હોવો,


Page 425 of 655
PDF/HTML Page 480 of 710
single page version

૪૨૪ ] [ મોક્ષશાસ્ત્ર

(પ) સારાં આચરણોમાં સુખ માનવું, (૬) વેળુની રેખા સમાન ક્રોધનું હોવું. (૭) વિશેષ ગુણી પુરુષોની સાથે વ્યવહારપ્રિય હોવું, (૮) થોડો આરંભ, થોડો પરિગ્રહ રાખવો, (૯) સંતોષ રાખવામાં રુચિ કરવી, (૧૦) પ્રાણીઓના ઘાતથી વિરક્ત થયું, (૧૧) માઠાં કાર્યોથી નિવૃત્તિ હોવી, (૧ર) મનમાં જે વાત હોય તે અનુસાર સરળતાથી બોલવું, (૧૩) વ્યર્થ બકવાદ ન કરવો, (૧૪) પરિણામોમાં મધુરતાનું હોવું, (૧પ) સર્વે લોકો પ્રત્યે ઉપકારબુદ્ધિ રાખવી, (૧૬) પરિણામોમાં વૈરાગ્યવૃત્તિ રાખવી, (૧૭) કોઈ પ્રત્યે ઈર્ષાભાવ ન રાખવો, (૧૮) દાન દેવાનો સ્વભાવ રાખવો, (૧૯) કાપોત તથા પીત લેશ્યા સહિત હોવું, (ર૦) ધર્મધ્યાનમાં મરણ થવું, -આ વગેરે લક્ષણવાળા પરિણામો મનુષ્યાયુના આસ્રવનાં કારણો છે. પ્રશ્નઃ– મિથ્યાદર્શનસહિત જેની બુદ્ધિ હોય તેને મનુષ્યાયુનો આસ્રવ કેમ કહ્યો? ઉત્તરઃ– મનુષ્ય, તિર્યંચને સમ્યક્ત્વપરિણામ થતાં તે કલ્પવાસીદેવનું આયુ બાંધે છે, મનુષ્યાયુનો બંધ તેઓ કરતા નથી, એટલું બતાવવા માટે ઉપર પ્રમાણે કહ્યું છે. ।। ૧૭।।

મનુષ્યઆયુના આસ્રવનું કારણ (ચાલુ)
स्वभावमार्दवं च।। १८।।

અર્થઃ– [स्वभावमार्दवं] સ્વભાવથી જ સરળ પરિણામી હોવું [च] તે પણ મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે.