Pravachan Ratnakar (Gujarati). Gatha: 270.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 134 of 210

 

PDF/HTML Page 2661 of 4199
single page version

ભગવાન! તેં આ શું માંડયું છે? પોતાના એક જ્ઞાયકભાવને ભૂલી ગયો ને બાયડી-છોકરાં મારાં ને દેવ-ગુરુ મારા ને મને હિતકારી એમ માનવા લાગ્યો? ભાઈ! તું આ ઊંધે રસ્તે ક્યાં દોરાઈ ગયો? ભાઈ! તારું હિત તારાથી થાય કે પરથી? પરથી થાય એમ તું માને તે તારો મિથ્યા અધ્યવસાય છે ને તેના ગર્ભમાં અનંત સંસાર છે. સમજાણું કાંઈ...?

‘જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે’

અહા! પોતે જાણનાર સ્વરૂપે છે તેને જાણ્યા વિના, આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ધન સંપત્તિ, બાગ-બંગલા, હીરા-માણેક-મોતી ઈત્યાદિ અનેક પ્રકારના પુદ્ગલોને જાણતાં તેઓ મારા છે, મને લાભદાયી છે એમ અધ્યવસાનથી જીવ પોતાને પુદ્ગલરૂપ કરે છે. પુદ્ગલરૂપ થાય છે એમ નહિ, પણ પોતાને તે-રૂપ માને છે. હું જ્ઞાયકસ્વરૂપ છું એમ માનવાને બદલે હું શરીરરૂપ છું એમ પોતાને અજ્ઞાની માને છે.

જુઓ, એક ઝવેરીને ત્યાં એક ઠગ આવ્યો પંદર-વીસ હજાર લઈને આવ્યો ને કહે કે માલ લેવો છે. માલ જોતાં જોતાં એક પચાસ હજારનો હીરો હતો તે ઝવેરીની નજર ચૂકવીને દુકાનની પાટ હતી તેની પાછળ સંતાડી દીધો; એમ કે ફરીથી આવીને તે લઈ જઈશ. પછી ફરીથી આવીને વીસ હજારનો માલ લઈને પૈસા ગણી આપ્યા અને ધીમેથી- ચૂપકીથી પેલો પચાસ હજારનો હીરો પાટ પાછળથી કાઢીને લઈ ગયો. આવી ચાલાકીઓ કરે ને મા-બાપને ખબર પડે તોય પાછા ખુશ થાય; એમ કે દીકરો કમાઈ લાવ્યો છે. આમ પુદ્ગલને પોતાના માનીને અજ્ઞાની પોતાને પુદ્ગલ રૂપ કરે છે. અહા! આ અધ્યવસાનના ગર્ભમાં અનંતા રાગદ્વેષ ભર્યા છે ભાઈ!

‘જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે.’

શું કહે છે? કે અજ્ઞાની, લોકના આકારનો વિચાર કરતો જે વિકલ્પ ઊઠે તેમાં એકત્વબુદ્ધિ કરે છે. આ પ્રમાણે લોકાકાશના અધ્યવસાનથી તે પોતાને લોકરૂપ કરે છે ને અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકરૂપ કરે છે. આ પ્રમાણે આત્મા મિથ્યા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.

અહા! અનંતકાળથી એણે ઊંધી ગુલાંટ ખાધી છે. પોતે છે તો સ્વરૂપથી સકલ જ્ઞેય-જ્ઞાયક, તથાપિ પોતાના સ્વરૂપને જાણ્યા વિના, તે જે જે અન્યને જાણે છે તે સર્વરૂપ પોતાને માને છે, અર્થાત્ તે સર્વ મારાં છે એમ માને છે. અરે! આવી મિથ્યા માન્યતા વડે તે અનંતકાળથી સંસારમાં રખડે છે, કેમકે તે મિથ્યા માન્યતા બંધનું જ કારણ છે.


PDF/HTML Page 2662 of 4199
single page version

* ગાથા ર૬૮–ર૬૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થસ્વરૂપ ન જાણવું.’ શું કીધું? કે આ હું પર જીવને મારું-જિવાડું, બંધાવું-મૂકાવું ઈત્યાદિ જે પરમાં એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે તે અજ્ઞાનરૂપ છે. અહા! જગતના અન્ય પદાર્થની વ્યવસ્થા હું કરી શકું એવી માન્યતા અજ્ઞાનરૂપ છે. તેવી રીતે પર મને મારે-જિવાડે ઈત્યાદિ જે અધ્યવસાય છે તે પણ અજ્ઞાનરૂપ છે. કેમકે પરદ્રવ્યમાં પરદ્રવ્યનો પ્રવેશ જ નથી, પરદ્રવ્યનું પરદ્રવ્ય કાંઈ કરી શકતું જ નથી આ મૂળ વાત છે.

તેથી, કહે છે, તે અધ્યવસાનને પોતાનું પરમાર્થસ્વરૂપ એટલે કે વાસ્તવિકસ્વરૂપ ન જાણવું. અહાહા...! હું તો જ્ઞાનસ્વરૂપ છું, ને પર વસ્તુ જ્ઞેય છે એ તો વાસ્તવિક વસ્તુસ્વરૂપ છે. પણ હું પરનું કરું કે પરથી મારામાં થાય એ કાંઈ પરમાર્થસ્વરૂપ નથી, વસ્તુનું યથાર્થ સ્વરૂપ નથી. તો શું છે? એ તો મિથ્યા અધ્યવસાન છે. હવે કહે છે. -

‘તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.’

પરદ્રવ્યની ક્રિયા તો સતત એનાથી-તે દ્રવ્યથી થઈ જ રહી છે; ત્યાં આ હું કરું છું એવા અધ્યવસાનથી આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ પોતાને પરરૂપ માનીને પ્રવર્તે છે. તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસાર છે.

હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૭૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

विश्वात् विभक्तः अपि हि’ વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં ‘आत्मा’ આત્મા ‘यत्–प्रभावात् आत्मानम् विश्वम् विदधाति’ જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે ‘एषः अध्यवसायः’ એવો આ અધ્યવસાય-

શું કહે છે? કે આત્મા, જ્ઞપ્તિમાત્ર જેની એક સ્વાભાવિક ક્રિયા છે એવો જ્ઞાનાનંદકંદ પ્રભુ આખા વિશ્વથી ભિન્ન છે. અહાહા...! ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કુટુંબ-પરિવાર ઈત્યાદિ જગતના સર્વ અન્યદ્રવ્યો અને એના ગુણ-પર્યાયોથી ભિન્ન છે. આ દયા, દાન આદિ ભાવ છે એ પણ વિશ્વમાં જાય છે હોં. ભગવાન આત્મા દયા, દાન આદિ ભાવથી ભિન્ન છે. લ્યો, આવી વાત છે!

જગતના અનંતા આત્મા ને અનંતાનંત પરમાણુઓથી પોતે વિભક્ત એટલે જુદો હોવા છતાં કોઈ ને બાકી રાખ્યા વિના એ મારાં છે ને હું એની ક્રિયા કરું એવા અધ્યવસાનથી જીવ પોતાને વિશ્વરૂપ-અનેકરૂપ કરે છે. છે તો પોતે સદા અખંડ એક જ્ઞાયકરૂપ, પણ મિથ્યા અધ્યવસાનથી પોતાને વિશ્વરૂપ કરે છે. અહા! પરને હું


PDF/HTML Page 2663 of 4199
single page version

મારું-જિવાડું ઈત્યાદિ અનેક પ્રકારે પરનું હું કરું છું એમ પરમાં એકત્વબુદ્ધિ કરીને પોતાને પરરૂપ-વિશ્વરૂપ કરે છે-તે મિથ્યાદ્રષ્ટિ છે.

ત્યારે કોઈ પંડિતો વળી કહે છે-આત્મા પરનું ન કરે-ન કરી શકે એમ જે માને તે દિગંબર જૈન નથી.

અરે ભગવાન! તું શું કહે છે આ? આભના થોભ જેવા મહાન દિગંબર આચાર્ય ભગવાન કુંદકુંદાચાર્ય આદિ તો આ કહે છે કે-પરની ક્રિયા હું કરું એવો જેને અધ્યવસાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અને એવા અધ્યવસાયથી રહિત જે છે તે જ જૈન છે, સમકિતી છે. ભાઈ! તારી વાતમાં બહુ ફરક છે બાપુ! (જરા ઉંડાણમાં જઈ સંશોધન કર).

જુઓ, આ શું કહે છે? -કે જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય-’ मोह–एक–कन्दः’ કે જેનું મોહ જ એક મૂળ છે તે ‘येषां इह नास्ति’ જેમને નથી’ ते एव यतयः’ તે જ મુનિઓ છે.

અહાહા...! પોતાનો તો જગતના સર્વ પદાર્થોને કોઈને પણ બાકી રાખ્યા વિના જાણે એવો એક જ્ઞાયકભાવ છે. પરંતુ તેને ભૂલીને કોઈને બાકી રાખ્યા વિના એ સર્વ પદાર્થ મારા છે અને એને હું કરું છું એવો જે અધ્યવસાય કરે છે તેનું મૂળ એક મોહ જ છે એમ કહે છે. અહા! પરમાં એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય છે તેનું મૂળ એક મિથ્યાત્વ જ છે. આવો અધ્યવસાય જેમને નથી તેઓ જ મુનિઓ છે. અહીં મુનિદશાની પ્રધાનતાથી વાત છે, બાકી સમકિતીને ચોથે અને શ્રાવકને પાંચમે ગુણસ્થાને પણ આવો પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય હોતો નથી.

કોઈ લોકો વળી કહે છે-એ (-શ્રી કાનજીસ્વામી) શ્વેતાંબર માન્યતાવાળા છે. એમ કે પોતે લુગડાં પહેરે છે ને સાધુ નથી છતાં સાધુ-ગુરુ મનાવે છે. પોતે વસ્ત્ર પહેરે છે અને વસ્ત્રરહિતને ગુરુ માનતા નથી.

પણ અમે સાધુ અર્થાત્ નિર્ગ્રંથગુરુ ક્યાં છીએ ભાઈ? અમારી તો ગૃહસ્થદશા છે. નિર્ગ્રંથગુરુની, મુનિવરની તો અદ્ભુત અલૌકિક અંતરદશા હોય છે. બહારમાં વસ્ત્રથી નગ્ન ને અંતરમાં રાગથી નગ્ન જેમની પરિણતિ થઈ છે એવી અદ્ભુત દશા મુનિરાજની હોય છે. પરનું ભલું-બુરું કરવાની બુદ્ધિ જેમને નાશ પામી છે અને જેમની જ્ઞાતા- દ્રષ્ટાસ્વભાવની પરિણતિ પ્રચુર આનંદરસથી ઉભરાઈ છે એવા ઉપશમરસમાં તરબોળ મુનિવરો હોય છે. અહા! મોહગ્રંથિનો જેમણે નાશ કર્યો છે. એવા નિર્ગ્રંથ ગુરુ-સાધુ જન્મ્યા પ્રમાણે રૂપના ધરનારા (યથાજાતરૂપધર) હોય છે. અહો! ધન્ય તે મુનિદશા!

અહાહા... જેનો સહજ એક જ્ઞાયકભાવ છે એવા આત્માનો સ્વને પરને જાણવાનો


PDF/HTML Page 2664 of 4199
single page version

સહજ એક સ્વભાવ છે. શું કીધું? કે આત્મા સ્વ-પરને જાણે એ એનો સહજ સ્વભાવ છે. અહા! તે પરને કારણે જાણે છે એમ નહિ તથા જાણવા સિવાય પરનું કાંઈ કરે છે એમેય નહિ. ઝીણી વાત છે પ્રભુ! નાટક સમયસારમાં આવે છે ને કે-

સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતૈં વચન ભેદ ભ્રમ ભારી;
જ્ઞેય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપા ભાસી.

અહાહા...! સ્વપરને જાણવામાત્ર જ પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ ન કરતાં જાણવામાં આવતા આ દેવ મારા, આ ગુરુ મારા, આ મંદિર મારું-એમ પરદ્રવ્યના અધ્યવસાય વડે પોતાને પરરૂપ કરે છે તેનું મોહ જ એક મૂળ છે એમ કહે છે. જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ આ પરદ્રવ્યના અધ્યવસાયનું મૂળ એક મોહ જ છે; અને તે અધ્યવસાય જેમને નથી તે અંતરંગમાં ચારિત્રના ધરનારા મુનિવરો છે.

चारित्तं खलु धम्मो’ ચારિત્ર છે તે ધર્મ છે, સાક્ષાત્ મોક્ષનું કારણ છે. એમ ભગવાને કહ્યું છે અને આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. दंसणमूलोधम्मो’ એમ છે કે નહિ? અહાહા...! જેમાં સ્વ-પરને જાણવાના સહજ એક સ્વભાવવાળા આત્માની પરિપૂર્ણ પ્રતીતિ વર્તે છે તે સમ્યગ્દર્શન જ ધર્મનું નામ ચારિત્રનું મૂળ છે. આવા ચારિત્રવંત મુનિવરોને એક મોહ જ જેનું મૂળ છે એવો પરદ્રવ્યનો-પરદ્રવ્ય મારું અને હું એને કરું એવો-અધ્યવસાન નથી એમ કહે છે. ’ मोह–एक–कन्दः– એમ કહ્યું ને? મોહ જ એક જેનું મૂળ છે એવું આ અધ્યવસાન જેમને નથી તેઓ સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવા ચારિત્રના ધરનારા, પ્રચુર આનંદમાં ઝૂલનારા મુનિવરો છે. અહા! જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ અધ્યવસાનનું મૂળ મિથ્યાદર્શન છે અને તેવું અધ્યવસાન મુનિવરોને હોતું નથી. સમજાણું કાંઈ......?

અહા! એવો અધ્યવસાય કે મોહ જ એક જેનું મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. મુનિવરોને છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ આવે છે ને? અહા! ‘હું છ કાયના જીવોની રક્ષા કરું’ એવો પરના એકત્વનો અધ્યવસાય જેમને નથી અને જે વિકલ્પ આવે છે તેના જે સ્વામી-કર્તા થતા નથી તેઓ મુનિઓ છે એમ કહે છે. અહા! જેઓ શરીરાદિની ક્રિયા ને રાગની ક્રિયાને પોતાનામાં ભેળવતા નથી પણ પોતાથી પૃથક્ રાખીને તેને પોતામાં રહીને જે જ્ઞાતાપણે જાણે છે એવી જેમની દશા છે તે મુનિઓ છે. અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે ને? તેથી આવો પરદ્રવ્યનો અધ્યવસાય જેને નથી તેઓ મુનિઓ છે કે જે કર્મથી લેપાતા નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....?

[પ્રવચન નં. ૩રર (શેષ) થી ૩ર૪ * દિનાંક ૧૭-ર-૭૭ થી ર૦-ર-૭૭]

PDF/HTML Page 2665 of 4199
single page version

ગાથા–૨૭૦

एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति।। २७०।।

एतानि न सन्ति येषामध्यवसानान्येवमादीनि।
ते अशुभेन शुभेन वा कर्मणा मुनयो न लिप्यन्ते।। २७०।।

આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી-એમ હવે ગાથામાં કહે છેઃ-

એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને,
તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.

ગાથાર્થઃ– [एतानि] આ (પૂર્વે કહેલાં) [एवमादीनि] તથા આવા બીજા પણ [अध्यवसानानि] અધ્યવસાન [येषाम्] જેમને [न सन्ति] નથી, [ते मुनयः] તે મુનિઓ [अशुभेन] અશુભ [वा शुभेन] કે શુભ [कर्मणा] કર્મથી [न लिप्यन्ते] લેપાતા નથી.

ટીકાઃ– આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ સમજાવવામાં આવે છેઃ- ‘હું (પર જીવોને) હણું છું’ , ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુકજ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન) હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. [વળી ‘હું નારક છું’ ઇત્યાદિ જે અધ્યવસાન છે તે _________________________________________________________________ ૧. સત્રૂપ = સત્તાસ્વરૂપ; અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ તેની

એક ક્રિયા છે.)

૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ; સહજ. ૩. જ્ઞપ્તિ = જાણવું તે; જાણનક્રિયા. (જ્ઞપ્તિક્રિયા સત્રૂપ છે, અને સત્રૂપ હોવાથી અહેતુક છે.) ૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા (હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.) પ. વિશેષ= તફાવત; ભિન્ન લક્ષણ.


PDF/HTML Page 2666 of 4199
single page version

અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.) વળી ‘આ ધર્મદ્રવ્ય જણાય છે’ ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, *જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધનાં જ નિમિત્ત છે.

માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક (વિરલ) મુનિકુંજરો (મુનિવરો), સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે અને સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (- સર્વ અન્યદ્રવ્યભાવોથી જુદા આત્માને) જાણતા થકા, સમ્યક્ પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુચરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી (અર્થાત્ અંતરંગમાં પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.

ભાવાર્થઃ– આ જે અધ્યવસાનો છે તે ‘હું પરને હણું છું’ એ પ્રકારનાં છે, ‘હું નારક છું’ એ પ્રકારનાં છે તથા ‘હું પરદ્રવ્યને જાણું છું’ એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે છે અને સમ્યક્ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી.

*

_________________________________________________________________ *આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞાન જ તેનું એક રૂપ છે.


PDF/HTML Page 2667 of 4199
single page version

સમયસાર ગાથા ર૭૦ઃ મથાળું

આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી-એમ હવે ગાથામાં કહે છેઃ-

* ગાથા ર૭૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે.’

શું કહે છે? કે આ જે કાંઈ પરને મારું-જિવાડું ઈત્યાદિથી માંડીને હું દેવ, હું નારકી ઈત્યાદિ ને આ બીજા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશાદિ મારાં-એમ પરને પોતાના માનવારૂપ અધ્યવસાનો છે તે બધાંય અજ્ઞાનાદિરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. પરને જિવાડવાનો કે સુખી કરવાનો ભાવ શુભ છે અને મારવાનો કે દુઃખી કરવાનો ભાવ અશુભ છે. પણ એ બન્નેય એક સરખી રીતે બંધનાં જ કારણ છે. અહા! પોતે બધાયનો જાણવારૂપ છે એને બદલે બધાંય મારાં છે એમ માને તે માન્યતા બંધનું કારણ છે. આવી વાત છે. હવે કહે છેઃ-

તે વિશેષ સમજાવવામાં આવે છેઃ- ‘હું પર જીવોને હણું છું-ઈત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ, અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન) હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.

જુઓ, ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ સદા એક જ્ઞાનમય; જ્ઞાનવાળો એમેય નહિ, પણ એક જ્ઞાનમય અર્થાત્ જ્ઞાનરૂપ જ છે. એમાં પરનું કરવાપણું ક્યાં છે? નથી. અહીં કહે છે-જ્ઞાનમયપણાને લીધે સત્ અહેતુક જ્ઞપ્તિ જ એક એની ક્રિયા છે. શું કીધું? ભગવાન આત્માને જ્ઞપ્તિ જ એક ક્રિયા છે અને તે સત્ ને અહેતુક છે. ગજબ વાત છે ભાઈ! આ વર્તમાન જાણવારૂપ જે જ્ઞપ્તિક્રિયા છે તે ક્રિયા પોતે પોતાથી સત્ છે ને તેનું કોઈ બીજું કારણ નથી. અહાહા...! આ નિર્મળ નિરુપચાર રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની જે ક્રિયા પ્રગટ થઈ તે સ્વયં સત્ છે, અને તેનું બીજું કોઈ કારણ નથી; આ વ્યવહારરત્નત્રયના પરિણામ છે એનાથી એ પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહારથી નિશ્ચય થાય એમ કોઈ લોકો કહે છે ને? એ અહીં આ ના પાડે છે, કહે છે કે-એ નિર્મળ રત્નત્રયની ક્રિયા અહેતુક છે, અર્થાત્ વ્યવહારરત્નત્રય એનો વાસ્તવિક હેતુ નથી. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2668 of 4199
single page version

અહીં કહે છે-સત્ અહેતુક જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે તેવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય હનન આદિ (મારવું-જિવાડવું, સુખી-દુઃખી કરવું વગેરે) ક્રિયાઓનો ભેદ નહિ જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન છે. શું કીધું? ભગવાન આત્મા જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવો પ્રભુ જ્ઞાયક છે; પણ તેને નહિ જાણતાં જે રાગદ્વેષના ઉદયમય હનનાદિ ક્રિયાઓ થાય તે મારી પોતાની છે એમ માની પરમાં એકપણારૂપ જે અધ્યવસાન કરે છે તેને શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્માનું અજ્ઞાન છે. તેથી તે અધ્યવસાન ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, પ્રથમ તો અજ્ઞાન છે; ભિન્ન આત્માનું અદર્શન હોવાથી તે અધ્યવસાન મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અચારિત્ર છે. લ્યો, આવી વાત છે!

ભગવાનની સ્તુતિમાં આવે છે ને કે-

દેખી મૂરતિ શ્રી અજિત જિનની નેત્ર મારાં ઠરે છે,
ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તારું ધરે છે;
આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.

જુઓ, આ સમકિતી સ્તુતિ કરે છે. કહે છે-હે પ્રભો! હું આપની પાસે આવવા માગું છું, અર્થાત્ અહીં અલ્પજ્ઞદશામાં હું રહેવા માગતો નથી. અહાહા...! રાગમાં કે પરમાં તો હું ન રહું, પણ આ અધુરી અલ્પજ્ઞદશામાં, જો કે તે પોતાની-જ્ઞપ્તિ જ્ઞાનક્રિયા છે તોપણ તેમાં, કેમ રહું? ભગવાન! હું તો કેવળજ્ઞાનની પરિપૂર્ણ દશામાં જ રહેવા માગું છું. જુઓ, આ સમકિતીને કંઈક અધૂરી દશા છે ને તેમાં કાંઈક રાગ છે તે તેને પોસાતો નથી; તે તો પૂરણ દશાને જ ઝંખે છે. આવી વાત છે.

અહાહા...! ભગવાન તું કોણ છો? તો કહે છે જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે તેવો પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ તુ આત્મા છો. તેમાં વર્તમાન રાગરહિત જે જ્ઞાનની ક્રિયા, ધર્મની- મોક્ષમાર્ગની ક્રિયા થાય તેને, કોઈ બીજો હેતુ નથી. આ વ્યવહારરત્નત્રય કારણ ને નિશ્ચયરત્નત્રય કાર્ય એમ છે નહિ.

પણ શાસ્ત્રમાં વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે ને? હા; પણ બાપુ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત છે. ભાઈ! ભગવાનની વાતુ ભગવાનની શૈલીથી (સ્યાદ્વાદ શૈલીથી) યથાર્થ સમજવી જોઈએ. કોઈ એકાંતે એમ માને કે આ વ્રત પાળીયે ને તપસ્યાઓ કરીએ એટલે ધર્મ થઈ જશે વા ધર્મનું કારણ થશે તો એની એ માન્યતા વસ્તુસ્વરૂપથી વિરુદ્ધ હોવાથી તદ્દન જૂઠી-મિથ્યા છે. ભાઈ! આ પંચમ આરાના મુનિવરો-દિગંબર સંતો કે જેઓ ભગવાન પાસે જવા ઝંખી રહ્યા છે (- કેવળજ્ઞાનને બોલાવી રહ્યા છે) તેઓ પોકાર કરી કહે છે કે-


PDF/HTML Page 2669 of 4199
single page version

અમારી જે જ્ઞપ્તિક્રિયા-ધર્મની ક્રિયા છે તે અહેતુક છે અર્થાત્ તેનું કોઈ બીજું (- વ્યવહારરત્નત્રય કે દેવ-ગુરુ આદિ) કારણ નથી. (એને કારણ કહેવું તે ઉપચાર-માત્ર છે).

અહાહા...! આત્મામાં વર્તમાન જ્ઞપ્તિક્રિયા-ધર્મની ક્રિયા જે થઈ તે સ્વતઃ સત્ ને અહેતુક છે. એટલે એમાં એનું તત્કાલ કારણ દ્રવ્યને પણ ન લીધું, પણ એનો ઉત્પાદ સ્વતઃ ઉત્પાદથી છે અને તત્કાલીન પર્યાયની યોગ્યતા જ તેનું કારણ છે. સમજાણું કાંઈ...? (ધર્મની ક્રિયાને દ્રવ્યનો-ભગવાન ત્રિકાળીનો-આશ્રય છે એ બીજી વાત છે, પણ ત્રિકાળી દ્રવ્ય એની ઉત્પત્તિનું સીધું કારણ નથી.)

અહા! આવી જ્ઞપ્તિક્રિયા ધર્મની ક્રિયા એક વીતરાગસ્વભાવમય છે, જ્યારે હનન આદિ ક્રિયાઓ છે તે તો કેવળ રાગ-દ્વેષમય છે. હવે આ બેની જુદાઈ-ભેદ નહિ જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, પરની એકત્વબુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે અજ્ઞાન છે. અહાહા...! હું પરની દયા પાળી શકું ને પરને દાન દઈ શકું એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાનભાવ છે.

હવે માણસને આવી વાત ધર્મની અઘરી પડે એટલે ઓલી બહારની ક્રિયા ‘પડિક્કમ્મામિ ભંતે...’ ઈત્યાદિમાં રાચે અને માને કે થઈ ગયું સામાયિક ને થઈ ગયું પડિકમણ; પણ ધૂળેય થયું નથી સાંભળને એ મારગડા તારા જુદા બાપા! અંદર જ્ઞપ્તિક્રિયા-ધર્મની ક્રિયા વિના ભગવાન! ચોરાસીના અવતાર કરી કરીને અનંતકાળથી તારા સોથા નીકળી ગયા છે. તને ખબર નથી ભાઈ! પણ એ નરક-તિર્યંચાદિનાં દુઃખો અત્યારે સાંભરી આવે તો રૂદન આવે અને રૂવાં ઊભાં થઈ જાય એવું છે. જુઓને! આ વાદિરાજ મુનિ સ્તુતિમાં શું કહે છે?

અહા! મુનિરાજ કહે છે-ભગવાન! હું ભૂતકાળમાં નરક અને પશુના જે અનંત અનંત ભવ થયા તેના દુઃખોને યાદ કરું છું તો આયુધની પેઠે છાતીમાં ઘા વાગે તેમ થઈ આવે છે. અહા! અજ્ઞાની પૈસા, આબરૂ ઈત્યાદિ ભૂતકાળની જહોજલાલીને યાદ કરીને રુવે છે એ તો આર્ત્તધ્યાન હોવાથી એકલું પાપ છે. પણ આ તો જન્મ-જન્મમાં જે દુઃખ થયાં તે યાદ આવતાં ભગવાન! આયુધ જેમ છાતીમાં વાગે તેમ થઈ આવે છે એમ કહીને મુનિરાજ વૈરાગ્યની ભાવના દ્રઢ કરે છે. અહા! મુનિરાજ આમ વૈરાગ્યને દ્રઢ કરીને સ્વરૂપમાં અંતર્લીન થઈ જાય છે, ધ્યાનારૂઢ થઈ જાય છે. આ ધર્મની ક્રિયા છે.

આ વાદિરાજ મુનિરાજને શરીરે કોઢ નીકળ્‌યા હતા. રાજાના દરબારમાં ચર્ચા થઈ કે મુનિરાજને કોઢ છે. તો ત્યાં કોઈ શ્રદ્ધાળુ શ્રાવક હતો તેણે કહ્યું કે-અમારા મુનિ નીરોગી છે, કોઢ રહિત છે. પછી તો તે શ્રાવક મુનિરાજ પાસે આવ્યો ને ખૂબ


PDF/HTML Page 2670 of 4199
single page version

નમ્ર થઈ નિવેદન કરવા લાગ્યો કે-મહારાજ! હું તો રાજા પાસે કહી આવ્યો છું કે આપને કોઢ નથી; પણ હવે શું? મુનિરાજ કહે-શાંત થા ભાઈ! ધીરો થા.

પછી તો મુનિરાજે ભગવાનની સ્તુતિ ઉપાડી કે-નાથ! આપનો જન્મ જે નગરીમાં થાય તે નગરી સોનાની થઈ જાય, એના કાંગરા મણિમયરત્નના થઈ જાય, અને આપ જ્યાં ગર્ભમાં રહ્યા તે માતાનું પેટ સ્ફટિક જેવું નિર્મળ સ્વચ્છ થઈ જાય, તો પ્રભુ! હું આપને મારા અંતરમાં પધરાવું ને આ શરીરમાં કોઢ રહે? આમ સ્તુતિ કરીને કોઢ દૂર થઈ ગયો, શરીર સુવર્ણમય થઈ ગયું. ભાઈ! એ શરીરની અવસ્થા તો પુણ્યનો યોગ હતો તો જે થવાયોગ્ય હતી તે થઈ. કોઢ મટી ગયો એ કાંઈ ભક્તિના કારણે મટી ગયો એમ નથી. ભક્તિથી કોઢ મટી ગયો એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. એ આ વાદિરાજ મુનિ વૈરાગ્યને દ્રઢ કરતાં કહે છે-પ્રભુ! ચારગતિમાં પરિભ્રમણ કરતાં અનંતકાળમાં જે નરક-નિગોદાદિનાં અપાર અકથ્ય દુઃખ વેઠયાં તેને યાદ કરું છું તો છાતીમાં આયુધના ઘા વાગે તેમ થઈ આવે છે. અહા! આમ વૈરાગ્યને દ્રઢ કરતા થકા મુનિરાજ ઉપયોગને સ્વસ્થ કરી દે છે. જુઓ, આ જ્ઞાનની ક્રિયા-ધર્મની ક્રિયા છે. સમજાણું કાંઈ...?

ભાઈ! આ તો વખત જાય છે હોં, મનુષ્યભવ ચાલ્યો જાય છે હોં, એમાં આ વીતરાગ સર્વજ્ઞદેવે શુદ્ધ જ્ઞપ્તિક્રિયા ને હનન આદિ ક્રિયાની ભિન્નતા બતાવી છે તે જાણી લેવી જોઈશે. અહા! જ્ઞપ્તિક્રિયા તો નિર્મળ નિર્દોષ જ્ઞાનસ્વભાવમય વીતરાગી ક્રિયા છે અને હનન આદિ ક્રિયાઓ તો રાગદ્વેષમય મલિન દોષયુક્ત છે. બન્ને ક્રિયાઓ ભિન્ન છે. જ્યાં હનન આદિ ક્રિયાનો ભાવ છે ત્યાં જ્ઞપ્તિક્રિયા નથી અને જ્યાં જ્ઞપ્તિક્રિયાનો ભાવ છે ત્યાં હનન આદિ ક્રિયાનો ભાવ નથી. એકની બીજામાં નાસ્તિ છે. અહીં કહે છે-જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે એવા આત્માનો અને હનન આદિ ક્રિયાઓનો જે વિશેષ-ભેદ છે તે નહિ જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી જે હનન આદિ ક્રિયાનું અધ્યવસાન છે તે અજ્ઞાન છે.

અહા! એ અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે. જુઓ, આ જ્ઞાનની સામે અજ્ઞાન નાખ્યું. વળી તે અધ્યવસાન ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે. પરને મારું- જિવાડું, બંધ-મોક્ષ કરાવું ઈત્યાદિ એવો પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય હોવાથી તે મિથ્યાદર્શન છે. અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. અહા! એકલી રાગની ક્રિયા અનાત્મક્રિયા હોવાથી અચારિત્ર છે, તે કાંઈ ભગવાન આત્માનું આચરણ નથી.

અરેરે! એણે અનંતકાળમાં પોતાની દયા ન કરી! હું કોણ છું? કેવડો છું? ને કઈ રીતે છું? -એમ પોતાને સ્વરૂપથી જાણ્યો નહિ. અરે ભાઈ! જેવું પોતાના આત્માનું


PDF/HTML Page 2671 of 4199
single page version

સ્વરૂપ છે તેવું જાણવું, માનવું ને આચરવું તેનું નામ અહિંસા નામ સ્વદયા છે અને એથી વિપરીત જાણવું, માનવું ને આચરવું એનું નામ હિંસા અર્થાત્ પોતાની અદયા છે. હવે આવો મારગ ઝીણો લાગે, કઠણ લાગે, એટલે આ તો નિશ્ચય છે. નિશ્ચય છે એમ કહીને ટાળે અને વિરોધ કરે પણ ભાઈ! એ તને ખૂબ નુકશાનકર્તા છે. ભગવાન! આ જાણવા- દેખવાની, શ્રદ્ધાનની ને નિરાકુળ આનંદ ને શાંતિની પર્યાય થાય તે તારી કર્તવ્યરૂપ ક્રિયા છે. એને બદલે રાગની ક્રિયાથી લાભ માને, રાગની ક્રિયાને કર્તવ્ય માને એ તો બાપુ! રાગ સાથેના એકપણાનું અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે અને આત્માનું અનાચરણ છે.

અહા! પર જીવોને (છકાયના જીવોને) જિવાડવાની ક્રિયા વગેરેથી પોતાને મોક્ષમાર્ગ માનવો એ તો રાગ સાથે એકત્વની ક્રિયારૂપ અધ્યવસાન છે અને તે આત્માનું અનાચરણ છે. તેને આત્માનું આચરણ માનવું તે મોહ નામ મિથ્યાદર્શન છે. અહો! આચાર્ય ભગવંતોએ કાંઈ ગજબ કામ કર્યાં છે! રાગભાવને આત્માનો હણનાર જાહેર કરીને તેમણે વીતરાગ મારગને ખુલ્લો મૂકી દીધો છે. અહીં કહે છે-આત્માનું અનાચરણ હોવાથી રાગ સાથે એકત્વનું અધ્યવસાન અચારિત્ર છે. સમજાણું કાંઈ...?

અહીં પહેલાં જ્ઞપ્તિક્રિયા-જ્ઞાનની ક્રિયા એમ પર્યાયથી વાત લીધી છે. પછી જ્ઞાયક- દ્રવ્ય ને જ્ઞાનગુણની વાત લેશે. એમ દ્રવ્ય, ગુણ, પર્યાયથી-ત્રણેથી વાતમાં લેશે. સંપ્રદાયમાં તો પચીસ-પચીસ વર્ષથી મુંડાવ્યું હોય તોય દ્રવ્ય-ગુણ-પર્યાય કોને કહેવાય એની ખબર ન મળે. માત્ર સામાયિક, પડિકમણ આદિ બહારની ક્રિયા કરીને અમે ધર્મી છીએ માનતા. કોઈ તો વળી એમ કહેતો હતો કે ઉત્પાદ-વ્યય તો વેદાન્તમાં હોય, જૈનમાં નહિ. આવું ને આવું! અરે ભાઈ! જૈન સિવાય બીજે ક્યાંય ઉત્પાદ-વ્યયની વાત નથી. વસ્તુ દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ છે, ને એમાં પર્યાયનું ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન થાય છે; ત્યાં પૂર્વની પર્યાયનો વ્યય, ઉત્તર નવી પર્યાયનો ઉત્પાદ એ દ્રવ્યનું ત્રિકાળી ટકી રહેવું-એમ ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય ત્રણે થઈને સત્ નામ દ્રવ્ય છે. ભાઈ! આ વાત જૈન પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.

હવે બીજો બોલ કહે છેઃ-
‘વળી હું નારક છું- ઈત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ,

જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.’


PDF/HTML Page 2672 of 4199
single page version

જુઓ, શું કીધું આ? કોઈ લોકો નથી કહેતા? કે -આ મનુષ્યપણું મળ્‌યું એ તો

મોક્ષનું કારણ છે. પણ ભાઈ! મનુષ્યપણું તો કર્મોદયજનિત પરની અવસ્થા છે. એ તો જ્ઞેય તરીકે પરચીજ છે પ્રભુ! એ મનુષ્યપણું મને મળ્‌યું અને તે ભલું, લાભકારી છે એવો અધ્યવસાય છે તે, કહે છે કે, અજ્ઞાન છે. આ હું નારકી છું, ઢોર છું, મનુષ્ય છું, દેવ છું- એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે.

અહાહા...! હું જવાન છું, વૃદ્ધ છું, બાળક છું, નબળો છું, પુષ્ટ છું-આવી જે માન્યતા

છે તે કર્મોદયજનિત ભાવો સાથે ભગવાન જ્ઞાયકસ્વભાવી આત્માનું એકપણું કરતી હોવાથી અજ્ઞાન છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકભાવસ્વરૂપ જ છે. એમાં નર, નારકાદિ ભાવો ક્યાં છે? નથી. તથાપિ હું મનુષ્ય છું, તિર્યંચ છું ઈત્યાદિ એવો જેને અધ્યવસાય છે તેને, ભગવાન જ્ઞાયકનું અને કર્મોદયજનિત નર-નારકાદિ ભાવોનું ભિન્નપણું નહિ જાણવાથી, તે અધ્યવસાન અજ્ઞાન છે. લ્યો, આવી વાત! જન્મ-મરણના ફેરા ટાળવાનો મારગ બહુ જુદો છે બાપા!

આ દેહ તો જડ માટી છે, એ કાંઈ મનુષ્યપણું નથી. પણ અંદર મનુષ્યગતિ-

નામકર્મના ઉદયના નિમિત્તે જીવની જે અવસ્થાવિશેષ-ભાવવિશેષ છે તે મનુષ્યપણું છે. અહા! તે ઉદયજનિત પરવસ્તુ છે, અને આત્મા તો ત્રિકાળી એક જ્ઞાયકભાવરૂપ છે. આમા બે વસ્તુ ભિન્ન છે. એ બન્નેની ભિન્નતા નહિ જાણવાને લીધે હું મનુષ્યાદિ છું એવું અધ્યવસાન કરે તે અધ્યવસાન, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, વળી તે ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે, અને તે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. અહા! જે ભગવાન જ્ઞાયકનો ને મનુષ્યાદિ ગતિના ભાવોનો વિશેષ નથી જાણતો તે અજ્ઞાની, અશ્રદ્ધાવાન ને અચારિત્રી છે. ભાઈ! આ મનુષ્યદેહથી કંઈક કરી લેવું એવો જે દેહના એકત્વનો અધ્યવસાય છે તે અજ્ઞાન, અદર્શન અને અચારિત્ર છે. સમજાણું કાંઈ...?

જુઓ, બે બોલ ચાલી ગયા.
આત્માની તો એક જ્ઞપ્તિ-જ્ઞાનક્રિયા જ છે. એમાં શ્રદ્ધા આદિ અનંતગુણની ક્રિયા

ભેગી આવી જાય છે. જ્ઞાનની પ્રધાનતાથી એને જ્ઞપ્તિ કહી છે. હવે એને બદલે પરને મારું-જિવાડું ઈત્યાદિ અધ્યવસાન છે તે રાગદ્વેષમય વિકાર છે. હવે એ બન્નેની ભિન્નતાને નથી જાણતો પણ બન્નેને જે વડે એકરૂપ કરે છે તે અધ્યવસાન અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે.

ભગવાન આત્મા ત્રિકાળી અખંડ એક જ્ઞાયકભાવમય દ્રવ્ય છે. તેની સાથે નર-

નારકાદિ ગતિના ઉદયભાવોને એકપણે કરે તે અધ્યવસાન અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે. હું દેવ છું, હું મનુષ્ય છું- એમ માને તે અજ્ઞાન છે.


PDF/HTML Page 2673 of 4199
single page version

આમ પહેલો પર્યાયનો-જ્ઞપ્તિક્રિયાનો ને બીજો દ્રવ્યનો - જ્ઞાયકભાવનો - બે બોલ

ચાલી ગયા. હવે ત્રીજો જ્ઞાનગુણનો બોલઃ-

‘વળી આ ધર્મદ્રવ્ય જણાય છે-ઈત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા

જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એકરૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.’

આત્મામાં જ્ઞાનગુણ છે એ એનું સ્વરૂપ છે. અહાહા...! જ્ઞાનગુણ આત્માનો સત્

અહેતુક સ્વભાવ છે, એનું કોઈ બીજું કારણ છે એમ નથી. સ્વરૂપથી જ આત્મા જ્ઞાનમય છે. આમ જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને પરજ્ઞેયરૂપ એવાં જીવ-પુદ્ગલ, ધર્મ-અધર્મ આદિ દ્રવ્યોનો ભેદ નહિ જાણવાને લીધે, એને આ હું અન્ય જીવ, ધર્મ, અધર્મ આદિને જાણું છું એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને ‘ધર્માદિને હું જાણું છું’ એવો અધ્યવસાય એ બન્ને જુદી ચીજ છે. પણ આ બન્નેને એક કરે છે તે અજ્ઞાન છે. બહુ સરસ અધિકાર છે ભાઈ!

આગળ ગાથા ર૭૧ માં આઠ બોલ કીધા છે. એમાં વળી કોઈ લોકો કહે છે કે

અધ્યવસાનને બંધનું કારણ કહ્યું છે પણ પરિણામને નહિ.

પણ ભાઈ! એમાં તો અધ્યવસાન કહો, પરિણામ કહો, ચેતનામાત્રપણાથી ચિત્ત

કહો, બોધનમાત્રપણાથી બુદ્ધિ કહો-એ બધાય શબ્દો એકાર્થ છે. હવે માણસ સરખું વાંચેય નહિ ને પોતાની મતિ-કલ્પના દોડાવે તે કેમ ચાલે? બાપુ! આ તો ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરનો મારગ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણામ વર્તે છે તે બધાય-કે જે આ આઠ બોલથી કહ્યા છે તે-નિષિદ્ધ છે, કેમકે તે બંધનું કારણ છે. અહા! તે પર સાથેની એકત્વબુદ્ધિના સઘળા પરિણામ-અધ્યવસાય અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે ને બંધના કારણરૂપ છે.

અહીં તો (આ ગાથામાં તો) આટલું લેવું છે કે પરના લક્ષે પરના એકત્વરૂપ જે

અધ્યવસાય થાય છે કે- ‘પરને હું મારું-જિવાડું છું, હું મનુષ્યાદિ છું, ને હું ધર્માદિને જાણું છું.’ - એ નિષિદ્ધ છે. પણ એથીય વિશેષ આગળ કળશમાં (કળશ ૧૭૩ માં) કહેશે કે -હું એમ માનું છું કે જે પરાશ્રયભાવરૂપ છે તે બધાય વ્યવહારનો ભગવાને નિષેધ કર્યો છે. મતલબ કે સ્વાશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર. ત્યાં


PDF/HTML Page 2674 of 4199
single page version

સ્વાશ્રયમાં સ્વનો અર્થ એકલું શુદ્ધ દ્રવ્ય લેવું, પણ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ નહિ. ‘સ્વ’ એટલે અનંતગુણમય અભેદ એક ત્રિકાળી આત્મદ્રવ્ય; એનો આશ્રય કરવો તે ‘સ્વાશ્રિતો નિશ્ચયઃ’ છે. અહાહા...! એક સ્વના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે. અને રાગ, નિમિત્ત ને ભેદનો આશ્રય કરવો તે ‘પરાશ્રિતો વ્યવહારઃ’ છે. સદ્ભૂત વ્યવહાર પણ વ્યવહાર છે. ગુણ, પર્યાય સદ્ભૂત હોવા છતાં તેને વ્યવહાર ગણીને તેના આલંબનનો નિષેધ કર્યો છે. ભાઈ! જેને ધર્મ કરવો છે તેને એક સ્વનો આશ્રય લીધા વિના બીજો કોઈ આરો નથી; સ્વાશ્રય વિના ત્રણકાળમાં ક્યાંય ધર્મ થાય એમ નથી. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આત્મા અને આ જ્ઞેયપણે છે જે ધર્માદિ પરદ્રવ્યો તે અત્યંત ભિન્ન છે. શું કીધું? કે આ પરજ્ઞેયપણે જણાતા-અનંતા પરજીવ, અનંતા નિગોદના જીવ, અનંતા સિદ્ધો, દેવ-ગુરુનો આત્મા ઈત્યાદિ અને શાસ્ત્ર આદિ અનંતા રજકણો, ધર્મ, અધર્મ આદિ દ્રવ્યો, અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવું નિજ જ્ઞાનસ્વરૂપ તદ્દન ભિન્ન છે. અહા! ભગવાન જ્ઞાયકનો જ્ઞાનગુણ સ્વજ્ઞેય છે અને વિશ્વનાં અનંતાં બીજાં દ્રવ્યો પરજ્ઞેયસ્વરૂપ એનાથી ભિન્ન છે. અહા! આવી સ્વજ્ઞેય- પરજ્ઞેયની ભિન્નતા નહિ જાણવાને લીધે અજ્ઞાની જે અધ્યવસાય કરે છે કે હું ધર્માદિને જાણું છું તે અધ્યવસાય પ્રથમ તો ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે, ને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. આવું ઝીણું બહુ પડે એટલે રાડો પાડે કે આ તો એકલી નિશ્ચયની વાત છે, પણ ભાઈ! નિશ્ચયએ જ સત્ય છે. સમજાણું કાંઈ...?

કોઈ લોકો રાડો પાડે છે કે આ તો એકાંત છે, એકાંત છે પણ ભાઈ! અહીં એમ કહેવું છે કે સમ્યક્ એકાંત એવા નિજ જ્ઞાનસ્વરૂપમાં જ ઠર ને. ભાઈ! તારે દુઃખથી મુક્ત થઈને સુખી થવું હોય તો એ વ્યવહારના આશ્રયની દ્રષ્ટિ છોડીને એક શુદ્ધ નિશ્ચયમાં દ્રષ્ટિ જોડી દે. અહા! અંદર નિર્મળાનંદનો નાથ જ્ઞાનાનંદનો દરિયો સદાય ભગવાન જ્ઞાનસ્વરૂપે રહેલો છે તેને ભાળ્‌યા વિના આ બધા મોટા મોટા રાજાઓ, રાજકુંવરો, શેઠિયાઓ અને દેવતાઓ દુઃખી છે ભાઈ! અંદર જે રીતે ભગવાન જ્ઞાયક (દ્રવ્ય), જ્ઞાનગુણ ને જ્ઞપ્તિક્રિયાવાળો ભગવાન આત્મા છે તેને તે રીતે માન્યા વિના સર્વ સંસારી જીવો દુઃખી છે. માટે ભગવાન! તારી દ્રષ્ટિને ભગવાન જ્ઞાયકમાં જોડી દે.

અહાહા...! ભગવાન જ્ઞાયકભાવ દ્રવ્ય, જ્ઞાનગુણ અને અનંતગુણની નિર્મળ પર્યાય જ્ઞપ્તિક્રિયા-એ પોતાનું સ્વ ને પોતે એનો સ્વામી છે. આ જ્ઞાનની પ્રધાનતાથી સ્વજ્ઞેયની વાત છે. દ્રષ્ટિની પ્રધાનતામાં તો જે એકનો આશ્રય કરવા યોગ્ય છે, તથા જે એકમાત્ર ધ્યેય છે એવો ત્રિકાળી ધ્રુવ અભેદ એક શુદ્ધ નિશ્ચયસ્વરૂપ ભગવાન જ્ઞાયક જ મુખ્ય છે. અહા! જેમાં ગુણભેદ કે પર્યાયનો પ્રવેશ નથી એવો ભગવાન જ્ઞાયક જ આનું


PDF/HTML Page 2675 of 4199
single page version

આશ્રયસ્થાન છે. આવો મારગ ભગવાન વીતરાગનો છે તેને અત્યારે લોકોએ રાગથી રગદોળી દીધો છે. અહા! આવું પરમ સત્ય બહાર આવ્યું તે પોતાને ગોઠતું નહિ હોવાથી તેઓ વિરોધનો વંટોળ ઊભો કરે છે. પણ શું થાય? (સત્ય તો જેમ છે તેમ જ છે).

અહીં કહે છે-આ ધર્માદિ પદાર્થો જાણવાયોગ્ય પદાર્થો છે. એનાથી આ જાણનારો

ભગવાન જ્ઞાયક ભિન્ન છે. એ પરજ્ઞેયો બધા જણાય છે એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. અહા! એ પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન કાંઈ પરમાં જતું નથી (-પરરૂપ થતું નથી), અને પરજ્ઞેયો જણાય છે તે કાંઈ જ્ઞાનમાં જતા નથી. (જ્ઞાનરૂપ થતા નથી). આ પ્રમાણે જ્ઞાન, પરજ્ઞેયોથી ભિન્ન જ છે. છતાં એ પરપદાર્થો જાણવામાં આવ્યા માટે તે મારા છે, કે એનાથી મારું જ્ઞાન છે એવી જે માન્યતા છે તે, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, તે ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે અને તે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે.

આ બીજો જીવ (સ્ત્રી-પુત્ર-પરિવાર, દેવ-ગુરુ આદિ) મારો છે એમ જાણવામાં

આવે તે અજ્ઞાન છે. ભાઈ! અહા! પોતાનું તો સ્વ-પરને જાણવાના સ્વભાવવાળું સહજ એક જ્ઞાન છે, ત્યાં પરજ્ઞેય પોતાના ક્યાંથી થઈ ગયા? સ્વ-પરને જાણવાના સ્વભાવને કારણે પર જાણવામાં (જ્ઞાનમાં) આવ્યા એમ કહેવાય, પણ ખરેખર પર કાંઈ જાણવામાં (જ્ઞાનમાં) આવ્યા નથી, પણ પોતાનો સ્વ-પરને જાણવાનો સ્વભાવ જ અંદર જાણવામાં આવ્યો-પ્રસર્યો છે. આમ છે છતાં પરથી જાણપણું આવ્યું વા પર જાણવામાં આવતાં પર મારા થઈ ગયા એમ કોઈ માને તો તે તેનું અજ્ઞાન છે, કેમકે તેને પોતાના સહજ એક જ્ઞાનસ્વભાવની ખબર નથી.

અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તે

દ્રવ્ય, જ્ઞાનસ્વભાવ તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા-દેખવાની પરિણતિ તે જ્ઞપ્તિક્રિયારૂપ પર્યાય. બસ એટલામાં એનું અસ્તિત્વ છે. અહાહા...! સત્દ્રવ્ય, સત્ગુણ ને સત્પર્યાય. એ પર્યાયમાં પર જે શરીર, મન, વાણી, રાગ ઈત્યાદિ જાણવામાં આવે તેને મારાં માને તે અજ્ઞાની છે. અહાહા...! સ્વ-પરને પ્રકાશવાના બેહદ સ્વભાવવાળો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઅરિસો છે. પોતાના આવા સ્વરૂપને ભૂલીને જે પરજ્ઞેયો જણાય છે તેને પોતાના માને છે તે અજ્ઞાની છે. આમ આંધળે-આંધળો એ અનાદિથી હાલ્યો જાય છે. જૈનનો સાધુ થયો, બહારથી નગ્ન થઈને રહ્યો, તોય હું કોણ છું? કેવડો છું? અને મારું કર્તવ્ય શું? -એના ભાન વિના એણે એકલી રાગની ક્રિયાઓ કર્યા કરી; પણ એથી શું? અંદર પોતાની ચિદાનંદમય સ્વરૂપલક્ષ્મીને ભાળ્‌યા વિના (પ્રાપ્ત થયા વિના) એ રાંક- બિચારો જ છે. શાસ્ત્રમાં આવા જીવોને ‘वराकाः’ – રાંક-બિચારા જ કહ્યા છે.

આ પ્રમાણે સહજાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક દ્રવ્ય, જ્ઞાનાદિ એની અનંતશક્તિઓ

PDF/HTML Page 2676 of 4199
single page version

ગુણ અને એકમાત્ર જ્ઞપ્તિક્રિયા પર્યાય તે હું આત્મા છું. પણ એથી વિપરીત આ હું મનુષ્ય, નારકી આદિ છું, આ ધર્માદિ દ્રવ્યો જણાય છે તે મારાં છે અને હું પરને જિવાડું-મારું છું ઈત્યાદિ પરની ક્રિયા કરી શકું છું-એવાં જે અધ્યવસાન છે તે અજ્ઞાન છે, અદર્શન છે, ભગવાન આત્માનાં અનાચરણરૂપ અચારિત્ર છે. હવે કહે છે-

‘માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે.’
જોયું? હું મનુષ્ય છું, હું દેવ છું એમ જાણે, માને ને વર્તે તથા બીજાની દયા કરું

ને બીજાને સુખી કરી દઉં એમ પરની ક્રિયાનો સ્વામી થઈ પ્રવર્તે એ બધુંય ભગવાન આત્માનું અજ્ઞાન, અદર્શન અને અનાચરણ હોવાથી બંધનું નિમિત્ત છે. જ્ઞાનમાં ધર્માદિ પર ચીજો જણાણી ત્યાં તે ચીજો મારામાં છે એમ માને તે સંસારમાં રખડવા માટે છે. આ પ્રમાણે અજ્ઞાનીની અવળી માન્યતાના બોલ કીધા. હવે જ્ઞાનીના સવળા કહે છે.

‘માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક (વિરલ) મુનિકુંજરો

(મુનિવરો), સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સત્રૂપ અહેતુક જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (- સર્વ અન્યદ્રવ્યોથી જુદા આત્માને) જાણતા થકા, સમ્યક્ પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.’

અહાહા...! સંત-મુનિવરો કોને કહીએ? જૈન સાધુ કોને કહીએ? કે જેમને આ

અધ્યવસાનો વિદ્યમાન નથી તે મુનિકુંજરો અર્થાત્ ઉત્તમ મુનિવરો છે. અહા! તો એ ધર્માત્મા-સંતની ક્રિયા કઈ? જુઓ, દેહની ક્રિયા થાય અને વ્રત, તપ, દયા, દાન આદિ રાગની ક્રિયા થાય તે એની-ધર્માત્માની ક્રિયા નહિ. એની તો સત્રૂપ અહેતુક એક જ્ઞપ્તિ જ ક્રિયા છે. આ જાણવા-દેખવાની, શ્રદ્ધવાની અને અંતરમાં ઠરવાની ક્રિયા એ જ એક એની સ્વાભાવિક ક્રિયા છે.

વળી સત્રૂપ અહેતુક જ્ઞાયક જ એનો એક ભાવ છે. આમાં દ્રવ્ય લીધું. ભગવાન

આત્મા પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ એકલા ચૈતન્યરસ-જ્ઞાનરસનું સત્ત્વ પોતે એક જ્ઞાયકભાવ સ્વરૂપ છે- એમ સંતો અનુભવે છે. આમાં બીજાને (-અજ્ઞાનીને) થાય કે શું હશે આ? કોણ જાણે ક્યાં હશે આવું? આ બધું-રૂપાળો દેહ, ધન-સંપત્તિ ને કુટુંબ-પરિવાર ઈત્યાદિ બહારમાં દેખે એટલે એને મન ઓ હો... હો... હો... થઈ જાય. પણ ભાઈ! એ તો બધી મસાણના ફોસ્ફરસની ચમક છે બાપા! ક્યાંય ભસ્મ થઈ જશે. અરે! આ બધાં મારાં છે એમ કરીને એણે, પોતે જીવતી-જાગતી જ્ઞાનાનંદજ્યોતિ છે તેને હણી નાખી છે. શું કીધું? હું જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ ન માનતાં હું દેહાદિસ્વરૂપ છું અને તે વડે


PDF/HTML Page 2677 of 4199
single page version

હું સુખી છું એમ માનીને એણે પોતાનું વાસ્તવિક આનંદમય જીવતર પરમાં ને રાગમાં રગદોળી નાખ્યું છે, હણી નાખ્યું છે.

જેમ બહારમાં બીજાનું જીવતર જેમ છે તેમ રાખે તો એનું જીવતર કહેવાય, એ જીવે છે એમ કહેવાય, તેમ અંદરમાં પોતે જેવો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તેવો પોતાને માને અને અનુભવે ત્યારે પોતાનું જીવતર કહેવાય. અહા! આવી તારા ઘરની વાત કહીને સંતો તને જગાડે છે. અરે ભગવાન! તું ક્યાં સૂતો છું? આ પુણ્ય-પાપનાં ફળ બધાં મારાં એમ માનીને તું અજ્ઞાનમાં સૂતો છું પ્રભુ! જાગ રે જાગ નાથ! તું તો અખંડ એક જ્ઞાયકભાવસ્વભાવે છું તો સ્વરૂપમાં જાગ્રત થઈ તારા જીવતરની રક્ષા કર.

લ્યો, કોઈ ને થાય કે આવો ઉપદેશ! હવે કાંઈક દયા પાળવાનું ને દાન કરવાનું કહે તો સમજાય પણ ખરું.

અરે ભાઈ! હું દેહાદિથી ભિન્ન અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ પોતાને અંતરંગમાં જાણવો, માનવો ને અનુભવવો એ જ સાચું જીવન હોવાથી સાચી દયા છે અને એવું જીવતર પોતાને અર્પણ કરવું એ જ સાચું દાન છે. આ સિવાય બીજાની દયા પાળવી અને બીજાને દાન દેવું એ તો રાગ છે (જીવતર નહિ), અને તે મારું કર્તવ્ય છે એમ માને એ તો મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! ભગવાન! ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક- ભાવમાત્ર જ તું આત્મા છો, ને જ્ઞપ્તિ જ એક તારી ક્રિયા છે. ગજબ વાત છે ભાઈ! આ મુનિરાજને પંચમહાવ્રતના ને છકાયના જીવની રક્ષાના વિકલ્પ થાય એ કાંઈ આત્માની ક્રિયા નથી. આ શરીર હાલે ને વાણી નીકળે ને શાસ્ત્ર લખવાની ક્રિયા થાય એ કાંઈ એની ક્રિયા નથી; એ તો જડ માટી-ધૂળની ક્રિયા છે. ધર્મીને તો અંતરંગમાં જાણવા- દેખવારૂપ અને વીતરાગી આનંદરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે એની ક્રિયા છે. અહા! કેવી સ્પષ્ટ ચોકખી વાત! કે જ્ઞપ્તિ જ એક એની ક્રિયા છે; મતલબ કે ભેગી બીજી રાગની (વ્રતાદિની) ક્રિયા એની છે એમ નહિ. અહો! આચાર્ય ભગવંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. ભાઈ! આવી વાત બીજે ક્યાંય મળે એમ નથી.

અહા! ધર્મી સંત એને કહીએ કે જે જ્ઞાનમય વીતરાગ પરિણતિએ પરિણમ્યો હોય. જે રાગમય પરિણતિએ પરિણમે અથવા રાગની ને શરીરની ક્રિયા મારી છે એમ માને એ તો અધર્મી છે. ભાઈ! દયા, દાનના વિકલ્પો એ ધર્મીની ક્રિયા નહિ. ધર્મીને તો જ્ઞાયક જ એક ભાવ છે, ને જ્ઞપ્તિ જ એક ક્રિયા છે. અહા! જેનાં મહાભાગ્ય હોય તેને આવી ત્રિલોકનાથની વાણી કાને પડે; અને જે અંતરમાં હકાર લાવે તેની તો શી વાત! એની તો હાલત (-મોક્ષદશા) જ થઈ જાય. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2678 of 4199
single page version

અહા! ‘સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા...’ જોયું? આ ગુણની વાત લીધી. પહેલી જ્ઞપ્તિક્રિયા-ધર્મની ક્રિયા કહી એ પર્યાય લીધી, પછી એક જ્ઞાયકભાવમાત્ર દ્રવ્યની વાત લીધી અને આ ત્રીજો જ્ઞાનસ્વભાવ ગુણ લીધો. અહાહા...! ધર્મીને એક જ્ઞાયક જ પોતાનો ભાવ છે, એક જ્ઞપ્તિ જ પોતાની ક્રિયા છે અને એક જ્ઞાન જ પોતાનું રૂપ છે. શું કીધું? જ્ઞાનમાં અનંતા જ્ઞેય જણાય, પણ તે જ્ઞેય પોતાનું સ્વરૂપ નથી, પણ સર્વ જ્ઞેયોને જાણવાનો જેનો સ્વભાવ છે તે જ્ઞાન જ એનું રૂપ છે. જ્ઞાનમાં જ્ઞાનીને શુભરાગ જણાય તે શુભરાગ તેનો નથી પણ તે શુભરાગને જાણનારું જ્ઞાન જ એનું એક રૂપ છે. લ્યો, આવી વાત છે!

કોઈને એમ થાય કે આવો મારગ કયાંથી નવો કાઢયો? અરે ભાઈ! અનાદિનો આ જ મારગ છે. આ તો બે હજાર વર્ષ પહેલાનું આચાર્ય કુંદકુંદનું બનાવેલું શાસ્ત્ર છે અને એના પર હજાર વર્ષ પહેલાંની આચાર્ય અમૃતચંદ્રની ટીકા છે. બાપુ! આ તો અનંતા કેવળીઓના પેટની વાત છે; આમાં સોનગઢનું કાંઈ નથી ભાઈ! સોનગઢથી તો એનું સ્પષ્ટીકરણ થયું છે, બસ એટલું.

અહાહા...! કહે છે-જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (ધર્મી પુરુષો, મુનિવરો) જાણતા થકા, દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા સ્વરૂપમાં સ્થિર થાય છે. જુઓ, આ મોક્ષમાર્ગ અને આ ધર્મ! બાકી લુગડાં કાઢી નાખ્યાં, બાયડી છોડી દીધી ને શરીરથી બ્રહ્મચર્ય પાળ્‌યું એટલે માને કે થઈ ગયો ધર્મ, તો એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને. આ શરીરથી બ્રહ્મચર્ય પાળે એ કાંઈ ધર્મ નથી. અંદર બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજી રહ્યો છે તેમાં લીન થવું, તેમાં જ ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે. બાપુ! બ્રહ્મચર્ય એ તો આત્માની રાગરહિત નિર્મળ વીતરાગી ક્રિયા છે અને એને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ...?

પુણ્ય-પાપના ભાવ તો ભાઈ! મલિન-અસ્વચ્છ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ મલિન અસ્વચ્છ છે; જ્યારે ભગવાન આત્મા એક ચૈતન્યમૂર્તિ પ્રભુ અત્યંત સ્વચ્છ છે. તથા તેના આશ્રયે ઉદયમાન નિર્મળ રત્નત્રયના-શ્રદ્ધાન-જ્ઞાનને રમણતાના પરિણામ પણ સ્વચ્છ છે. વળી તે સ્વચ્છંદ પણે ઉદયમાન છે. એટલે શું? કે આત્માની નિર્મળ વીતરાગ પરિણતિની દશા સ્વાધીનપણે પ્રગટ થઈ છે, પણ એમ નથી કે વ્યવહારરત્નત્રયના કારણે પ્રગટ થઈ છે. અહીં સ્વચ્છંદ એટલે નિરર્ગલ-એમ દોષરૂપ અર્થ નથી પણ સ્વચ્છંદ એટલે સ્વાધીન-એમ ગુણના અર્થમાં છે. અહાહા...! નિર્મળ રત્નત્રયની વીતરાગી પરિણતિ સ્વાધીનપણે ઉદયમાન છે. મતલબ કે નિર્મળ નિશ્ચય રત્નત્રયને વ્યવહારરત્નત્રયની-રાગની અપેક્ષા નથી. અહા! વસ્તુ આત્મા સ્વચ્છંદ


PDF/HTML Page 2679 of 4199
single page version

નામ સ્વાધીન અને તેના આશ્રયે ઉત્પન્ન નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પણ સ્વાધીન. આવી વાત છે; સમજાણું કાંઈ...?

અહાહા...! કહે છે-સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી (મુનિવરો) ખરેખર લેપાતા નથી.

જોયું? ભગવાન આત્મા અંતરમાં ઝળહળ ઝળહળ અમંદ નામ અતિ ઉગ્ર ચૈતન્યજ્યોતિ છે. અહાહા...! જાણગ-જાણગસ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ભિન્ન વિરાજી રહ્યો છે. તેમાં અંતઃપુરુષાર્થ કરતાં ભિન્ન ચૈતન્યજ્યોતિ અંદર પ્રકાશિત-પ્રગટ થાય છે. અહીં કહે છે-આવી અંતરંગમાં પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ જરાપણ અજ્ઞાનરૂપ, મિથ્યાત્વરૂપ ને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી મુનિવરો શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી; અર્થાત્ મુનિવરોને શુભાશુભ બંધન હોતું નથી. આને બાપા! મુનિ કહેવાય. અહો! મુનિપણું કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે! અરે! લોકોને બિચારાઓને અંતરંગ મુનિદશાની ખબર નથી!

* ગાથા ૨૭૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ જે અધ્યવસાનો છે તે-હું પરને હણું છું એ પ્રકારનાં છે, હું નારક છું-એ પ્રકારનાં છે તથા હું પરદ્રવ્યને જાણું છું-એ પ્રકારનાં છે.’

જોયું? ૧. હું પરને હણું છું-જિવાડું છું, પરને દુઃખી-સુખી કરું છું વગેરે, ૨. હું નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ છું, તથા ૩. હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું-એમ ત્રણ પ્રકારે અધ્યવસાનો હોય છે. તેઓ કયાં સુધી હોય છે? તો કહે છે- ‘તેઓ જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે.

કેવાં છે તેઓ? ‘ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાત્વરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે.

તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે.’ અહાહા...! હું પરને જિવાડું, સુખી કરું ઈત્યાદિ અધ્યવસાન જ મુનિવરોને હોતા નથી; કેમકે પરને કોણ જિવાડી શકે? કોણ સુખી કરી શકે? વળી પર ચીજ


PDF/HTML Page 2680 of 4199
single page version

મારી છે; આ ગુરુ મારા, આ શિષ્ય મારા, આ સંઘ મારો ઈત્યાદિ અભિપ્રાય મુનિવરોને હોતો જ નથી. આખું જગત જેમાં ભિન્ન જ્ઞેયપણે ભાસે છે તે જ્ઞાન જ મારું રૂપ છે એવું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણ જેમને પ્રગટ છે તે મુનિકુંજરો છે.

‘તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે છે અને સમ્યક્ આચરે છે. તેથી અજ્ઞાનના અભાવથી સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી.’

અહાહા...! મુનિવરો કે જેમને મિથ્યા અધ્યવસાન વિદ્યમાન નથી તેઓ કર્મોથી લેપાતા નથી જ્યારે મિથ્યા અધ્યવસાય જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૩ર૪ (શેષ) અને ૩રપ * દિનાંક ર૦-ર-૭૭ અને ર૧-ર-૭૭]