Pravachan Ratnakar (Gujarati). Gatha: 280-282 ; Kalash: 177.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 140 of 210

 

PDF/HTML Page 2781 of 4199
single page version

છે અને તે ભવસમુદ્ર પાર કરવાનું સાધન છે. વચ્ચે, નબળાઈને લઈને કર્મના ઉદયમાં જોડાવાથી જરી વિકાર-રાગ આવે એને વ્યવહાર કહીએ, છતાં એ બંધ છે. સમજાણું કાંઈ...?

અજ્ઞાની કર્મના-નિમિત્તના લક્ષે પરિણમતો થકો રાગી-દ્વેષી થાય છે, અને રાગી- દ્વેષી થતો તે કયાંય ભવસમુદ્રમાં ડૂબી મરે છે. માટે હે ભાઈ! અંતર્દષ્ટિ કર.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૭પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

यथा अर्ककान्तः’ સૂર્યકાંતમણિની માફક ‘आत्मा आत्मनः रागादि–निमित्तभावम् जातु न याति’ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી.

જુઓ, એક સૂર્યકાન્તમણિ થાય છે. એને સૂર્યનાં કિરણો અડે તો એમાંથી અગ્નિ ઝરે એવો તે હોય છે. અહીં કહે છે- જેમ સૂર્યકાન્તમણિ એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે તેમ...; જુઓ, સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહિ, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? કે સૂર્યકાંતમણિ અગ્નિરૂપે થાય છે એ તો એની પોતાની તત્કાલીન યોગ્યતાથી થાય છે અને સૂર્યનું બિંબ તેમાં નિમિત્તમાત્ર છે; સૂર્યનું બિંબ એમાં કાંઈ કરી દે છે એમ નહિ.

તેમ આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી. અહાહા...! આત્મા ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ ત્રિકાળ એક શુદ્ધ જ છે. તે પોતે એકલો વિકારરૂપ કેમ થાય? કદીય ન થાય. અહાહા...! પર્યાયમાં જે વિકાર-પુણ્ય પાપના ભાવ, દયા-દાન-ભક્તિ આદિના ભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિના ભાવ થાય છે-એનું નિમિત્ત ભગવાન આત્મા નથી. તો કોણ નિમિત્ત છે? તો કહે છે-

तस्मिन् निमित्तं परसंग एव’ તેમાં નિમિત્ત પરસંગ જ છે. પરવસ્તુ રાગાદિ કરાવે છે એમ નહિ, પણ પોતે જે પરસંગ કરે, કર્મનો સંગ કરે તો પર્યાયમાં વિકાર થાય છે. અહા! વિકાર થવામાં ભગવાન આત્મા નિમિત્ત નથી પણ પરસંગ એેટલે જડ કર્મનો ઉદય નિમિત્ત છે.

જુઓ, ‘परसंग एव’ -એનો કોઈ એમ અર્થ કાઢે કે પરસંગ અર્થાત્ કર્મ વિકાર કરાવે છે તો એમ અર્થ નથી. ઘણા પંડિત લોકો પણ બીજો અર્થ કાઢે છે કે-આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, વિકાર થાય એવી તો કોઈ શક્તિ-ગુણ એમાં નથી. માટે કર્મને લઈને જ એને વિકાર થાય છે.

પણ એવો અર્થ-માન્યતા બરાબર નથી. એ લોકોને બિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી. અહા! એક સમયની


PDF/HTML Page 2782 of 4199
single page version

પર્યાયની એ યોગ્યતા છે કે પરના સંગે-નિમિત્તે પોતે વિકારપણે પરિણમે છે. ભાઈ! પરસંગ એને, (બળથી) વિકારપણે પરિણમાવે છે એમ કદીય નથી.

અહા! અન્યમતમાં ઈશ્વરનું જોર ને જૈનમાં કર્મનું જોર! પણ એમ નથી ભાઈ! ઈશ્વરેય પરમાં કાંઈ કરે નહિ ને કર્મેય જીવમાં કાંઈ કરે નહિ.

તો કર્મ બળિયો ને જીવ બળિયો-એમ આવે છે ને? ઉત્તરઃ– એ કઈ અપેક્ષાએ? એ તો જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, પરસંગે પરાધીન થઈને પરિણમે તો એને કર્મ બળિયો કહેવાય અને અંતર્દષ્ટિ કરીને પોતે સવળો પુરુષાર્થ કરે, સ્વ-આધીન થઈને પરિણમે એને જીવ બળિયો કહેવાય.

ભાઈ! આ જિંદગી જોતજોતામાં પૂરી થઈ જશે હોં. બાયડી-છોકરાં સાચવવામાં ને વેપાર-ધંધામાં જ પડયો રહીશ તો કયાંય ચોરાસીના અવતારમાં ખોવાઈ જઈશ. બાપુ! તારે કયાં જવું છે ભાઈ! એકલા જ્ઞાન ને આનંદનો પ્રભુ? તું ભંડાર છો એમાં જા ને! એમાં દ્રષ્ટિ સ્થાપીને સ્થિતિ કર ને! તને મહા આનંદ થશે.

અહીં કહે છે- ‘तस्मिन्निमित्तम् परसंग एव’ વિકાર થાય છે એમાં પરસંગ જ નિમિત્ત-કારણ છે. પરસંગની વ્યાખ્યા આ કે-આત્મા સ્વભાવે શુદ્ધ ચિદ્રૂપ પરમ પવિત્ર પદાર્થ હોવા છતાં પરના સંગમાં એનું લક્ષ જાય છે તે તેને પર્યાયમાં વિકારનું કારણ થાય છે; પર વસ્તુ એને વિકાર કરાવે છે એમ નહિ.

હવે શ્વેતાંબરમાં તો આ જ વાત છે કે કર્મથી થાય; ને દિગંબરોમાં પણ હમણાં કોઈ પંડિતો કહેવા લાગ્યા છે કે વિકાર કર્મથી થાય. પણ બાપુ! આમાં જે પરસંગ શબ્દ છે એનો અર્થ પર વડે થાય એવો નથી પણ પોતે પરસંગ કરે તો વિકાર થાય છે એમ અર્થ છે. ભાઈ! આમાં તો મોટો આસમાન-જમીનનો ફેર છે.

અહાહા...! આત્મા પોતે પોતાને વિકારનું કારણ કદીય નથી. આ સંસારમાં રઝળવાનું કારણ જે મિથ્યાત્વ, રાગ-દ્વેષ, વિષય-વાસના આદિ-એનું કારણ ભગવાન આત્મા નથી. એમાં નિમિત્ત પરસંગ એટલે પોતે જે પરના લક્ષે પરિણમે છે તે છે. અહાહા...! સત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ભૂલીને એ જે નિમિત્તના સંગે પરિણમે છે તે જ વિકારનું કારણ છે. સમજાણું કાંઈ...?

अयम् वस्तुस्वभावः उदेति तावत’ આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે.

અહાહા...! ભગવાન આત્મા સદા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. એક ચૈતન્ય- ચૈતન્ય-ચૈતન્ય જ એનો સ્વભાવ છે. જ્ઞાની આવા પોતાના શુદ્ધ સ્વભાવને જાણે છે. તેની દ્રષ્ટિ સદા સ્વભાવ પર જ હોય છે. તેથી કર્મના-નિમિત્તના સંગે પોતાની પર્યાયમાં એને જે ઉપાધિભાવ થાય તેનો તે સ્વામી થતો નથી. તે (-વિકાર) મારું કર્તવ્ય છે એમ એનો તે કર્તા થતો નથી. આવો જ વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે.


PDF/HTML Page 2783 of 4199
single page version

પરંતુ અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. તેથી કર્મના નિમિત્તે પોતે જે ઉપાધિભાવને કરે છે તેનો તે સ્વામી થઈને કર્તા થાય છે. અહા! અજ્ઞાની વિકારને પોતાનું સ્વરૂપ માને છે. આવો જ અજ્ઞાનીનો સ્વભાવ છે.

વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો હો; પણ બીજા લોકો જે કહે છે કે-કર્મને લઈને વિકાર થાય છે-તે વસ્તુસ્વભાવ નથી! સમજાણું કાંઈ...?

અહાહા...! અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવ છે. એની અનંત શક્તિઓમાં કોઈ શક્તિ એવી નથી જે વિકારને કરે. ફક્ત એની એક સમયની વર્તમાન પર્યાયમાં-એક સમયની યોગ્યતામાં, ત્રિકાળમાં નહિ હોં, નિમિત્તના સંગે અજ્ઞાની વિકાર અને એનો સ્વામી થઈને ભોગવે; અને જ્ઞાનીને નિમિત્તના સંગે ઉપાધિભાવ થાય છતાં તે એનો સ્વામી થઈને કર્તા ન થાય. આવી વાત છે.

એમાં હવે મોટા વાંધા છે કર્મને કે લઈને વિકાર થાય. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય.

અરે ભાઈ! કર્મ તો તને અડતાંય નથી. અહીં તો આટલી વાત છે કે શુદ્ધ સ્વભાવના આશ્રયે પરિણમે તો વિકાર ન થાય, ધર્મ થાય ને પરસંગે-નિમિત્તના સંગે પરિણમે તો અવશ્ય વિકાર થાય. કર્મ નિમિત્ત હો, પણ કર્મને લઈને વિકાર થાય એમ ત્રણકાળમાં છે નહિ.

પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે-આત્મા કર્તાનયે રાગાદિભાવનો કરનારો છે, અને ભોક્તૃનયે એનો ભોગવનારો છે. એટલે શું? કે જ્ઞાની-ગણધર કે છદ્મસ્થદશામાં તીર્થંકર હોય તે પણ જેટલો પરસંગે પરિણમે છે તેટલો તે રાગનો કર્તા છે. કર્તાબુદ્ધિથી નહિ, રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિથી નહિ, પણ જ્ઞાનીને અસ્થિરતાને લીધે પરના નિમિત્તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણમન હોય છે એનો તે કર્તા છે. એવું પરિણમન કર્મને લઈને છે એમ નથી. એમાં કર્મ નિમિત્ત અવશ્ય છે, પણ પરિણમે છે તો પોતે પોતાના અશુદ્ધ ઉપાદાનથી જ, કર્મને લઈને નહિ.

હવે આવું કદી સાંભળવાય મળે નહિ એ બિચારા શું કરે? અહા! જિંદગી તો પૂરી થઈ જાય અને અંદર શલ્ય ઊભું રહે કે-કર્મને લઈને થાય. અરે! કર્મને લઈને થાય એવા શલ્યવાળા તો બધા ચોરાશીના અવતારમાં ચિરકાળ રખડી મરશે શું થાય? એવા પરિણામનું એવું જ ફળ હોય છે.

परसंग एव’ પરસંગ જ એટલે પરવસ્તુ જોરાવરીથી રાગ કરાવે છે એમ નહિ પણ જીવ પોતે પરસંગ કરે છે માટે વિકાર થાય છે. સ્વભાવના આશ્રયે વિકાર ન થાય પણ પર નિમિત્તના આશ્રયે-સંગે વિકાર થાય છે-આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે-એમ કહે છે.


PDF/HTML Page 2784 of 4199
single page version

‘આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ

* કળશ ૧૭૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति’ એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે.

અહાહા...! જ્ઞાની-ધર્મી એને કહિયે કે જે પોતાના વસ્તુસ્વભાવને જાણે છે. અહા! પોતે અંદર પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો ભગવાન છું-એમ જે જાણે-અનુભવે છે તે જ્ઞાની છે.

આ શરીર ને બાયડી-છોકરાં તો ક્યાંય વેગળાં રહી ગયાં. અહીં તો કહે છે-એક સમયની પર્યાયથી પણ ભિન્ન અંદર એક શુદ્ધ ચિદાનંદરસથી ભરેલો પોતે ભગવાન આત્મા છે તેને જ્ઞાની જાણે છે, અનુભવે છે. અહાહા...! જેને અંદર અતીન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની જેમાં વિકાર નથી એવા શુદ્ધ નિરંજન નિર્વિકાર પોતાના વસ્તુસ્વભાવને જાણે છે.

બાપુ! આ બાયડી-છોકરાં મારાં છે-એમ તું એમાં ગુંચાઈ પડયો છું પણ એ તો બધાં ક્યાંય રઝળતાં-રઝળતાં અહીં આવી મળ્‌યાં છે ને રઝળતાં-રઝળતાં ક્યાંય ચાલ્યાં જશે. એમાં તું નહિ અને તારામાં એ નહિ. તારો તો એક ત્રિકાળી શાશ્વત જ્ઞાનાનંદસ્વભાવ છે. જ્ઞાની આવા પોતાના જ્ઞાનાનંદસ્વભાવને જાણે છે અર્થાત્ ‘આ હું છું’ -એમ પોતાના સ્વસ્વરૂપને અનુભવે છે. લ્યો, આનું નામ જ્ઞાની-ધર્મી છે, બાકી બહારમાં વ્રત કરે ને દયા પાળે પણ અંતરમાં શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ પોતે છે એને જાણે નહિ તો તે અજ્ઞાની મૂઢ જ છે.

અહાહા...! જ્ઞાની પોતાનો વસ્તુસ્વભાવ-એકલો જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવ, પૂરણઆનંદામૃતથી ભરેલું તત્ત્વ-તેને જાણે છે. ‘तेन सः रागादीन् आत्मनः न कुर्यात्’ તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી. બહુ ઝીણી વાત.

શું કીધું? કે સ્વસ્વભાવને, જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને-પુણ્ય- પાપના ભાવને પોતાના કરતો નથી. પોતાના કરતો નથી એટલે શું? કે પર લક્ષે એને વર્તમાન દશામાં પુણ્ય-પાપના ભાવ એને થાય છે પણ તેમાં તે આત્મબુદ્ધિ કરતો નથી. અહાહા..! ધર્મી પુરુષને પર્યાયબુદ્ધિ ઉડી ગઈ છે ને સ્વભાવદ્રષ્ટિ અંતરમાં પ્રગટ થઈ છે. તેથી પર નિમિત્તે પર્યાયમાં જે રાગાદિ થાય છે તેને તે પોતાના માનતો નથી.

રાગાદિને પોતાના કરતો નથી એટલે એને રાગાદિ થતા નથી એમ નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી પણ ભગવાનની ભક્તિ, પૂજા, દયા, દાન, વ્રત ઇત્યાદિનો ભાવ એને આવે છે; પણ એને એ પોતાનો છે એમ સ્વીકારતો નથી. એ તો એનાથી ભિન્ન રહીને માત્ર જાણે જ છે. અહા! તટસ્થપણે એનો માત્ર તે જ્ઞાતા રહે છે.


PDF/HTML Page 2785 of 4199
single page version

અહાહા...! શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસના અમૃતના સ્વાદિયા જ્ઞાનીને જે પુણ્ય- પાપના ભાવ થાય છે તે ઉપર ને ઉપર ભિન્ન તરતા રહે છે પણ સ્વભાવમાં પ્રવેશતા નથી. અહાહા...! જેને પુણ્ય-પાપથી અધિક પોતાનો નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવ ભાસ્યો તેની દ્રષ્ટિમાં પુણ્ય-પાપના ભાવ ભિન્ન જ રહી જાય છે. અર્થાત્ એને જ્ઞાની પોતાથી ભિન્ન જાણે છે, સ્વરૂપમાં ભેળવતો નથી.

‘अतः कारकः न भवति’ તેથી તે (રાગાદિકનો) કર્તા નથી.

અહાહા...! જેણે પોતાનો વસ્તુસ્વભાવ જાણ્યો છે તે ધર્મી પુરુષ રાગાદિનો કર્તા નથી, અકર્તા છે, અર્થાત્ જ્ઞાતા જ છે. પર્યાયમાં નબળાઈને લીધે જે રાગાદિ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ છે. અહા! તેને જે રાગ થાય એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે અર્થાત્ તે રાગાદિને માત્ર જાણે જ છે, તેનો કર્તા થતો નથી. આવી વાત છે! હવે એને નવરાશ વિના કે દિ’ સાંભળે ને કે દિ’ એનો અંતરમાં મેળ કરે?

[પ્રવચન નં. ૩૩૮ અને ૩૩૯*દિનાંક ૧૧-પ-૭૭ અને ૧ર-પ-૭૭]

PDF/HTML Page 2786 of 4199
single page version

ગાથા–૨૮૦
ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा।
सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं।। २८०।।
न च रागद्वेषमोहं करोति ज्ञानी कषायभावं वा।
स्वयमात्मनो न स तेन कारकस्तेषां भावानाम्।। २८०।।
(अनुष्टुभ्)
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः।
रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।। १७७।।

હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ-

કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે,
જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦.

ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [रागद्वेषमोहं] રાગદ્વેષમોહને [वा कषायभावं] કે કષાયભાવને [स्वयम्] પોતાની મેળે [आत्मनः] પોતામાં [न च करोति] કરતો નથી [तेन] તેથી [सः] તે, [तेषां भावानाम्] તે ભાવોનો [कारकः न] કારક અર્થાત્ કર્તા નથી.

ટીકાઃ– યથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવા) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે.

ભાવાર્થઃ– આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે ‘આત્મા પોતે તો શુદ્ધ જ છે-દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે’; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.

‘આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इति स्वं वस्तुस्वभावं अज्ञानी न वेत्ति] એવા પોતાના વસ્તુસ્વભાવને


PDF/HTML Page 2787 of 4199
single page version

અજ્ઞાની જાણતો નથી [तेन सः रागादीन् आत्मनः कुर्यात्] તેથી તે રાગાદિકને (-રાગાદિભાવોને) પોતાના કરે છે, [अतः कारकः भवति] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.

*
સમયસાર ગાથા ૨૮૦ઃ મથાળું

હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨૮૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘યથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવો) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી...’

અહાહા...! ભગવાન આત્મા એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. હવે આ એને કેમ બેસે?

પણ જેમ સક્કરકંદ-સક્કરિયું એકલી સાકરનો-મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા એકલા જ્ઞાન અને આનંદનો પિંડ છે. આ સક્કરિયું લોકો બાફીને નથી ખાતા? એમાં એક એક ઝીણી કટકીમાં અનંત અનંત જીવો છે. એની ઉપરની લાલ છાલ ન જુઓ તો અંદર ધોળો સાકરનો પિંડ છે. તેમ પર્યાયમાં થતા પુણ્ય-પાપરૂપ વિકલ્પોની છાલને ન જુઓ તો ભગવાન આત્મા અંદર એકલો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ છે. સક્કરિયાની વાત બેસે પણ આ બેસવું મહા કઠણ! કેમકે એણે કદી સાંભળ્‌યું નથી ને?

અહીં કહે છે-આવા પોતાના સ્વભાવને જ્ઞાની જાણે છે. અહાહા...! હું ચિદાનંદરસકંદ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એમ જ્ઞાની જાણે છે. અહા! આ પુણ્ય-પાપના ભાવ અને પુણ્યના ફળમાં પાંચ-પચાસ કરોડની સંપત્તિ-ધૂળ મળે એ મારા આનંદનું સ્થાન નથી પણ અંદર આનંદસ્વરૂપે જ સદા રહેલો એવો આનંદધામ પ્રભુ હું આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે-અનુભવે છે. અહા! આવા પોતાના સ્વરૂપને જાણતો-અનુભવતો જ્ઞાની શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો નથી.

અહા! જેને શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવમાં આવ્યો તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ચ્યુત થતો નથી અર્થાત્ તેની દ્રષ્ટિ નિરંતર શુદ્ધ એક અખંડ ચિન્માત્રભાવ ઉપર જ રહે છે. અહાહા...! દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ એક ચિન્માત્રભાવ એના ઉપર જ એની નિરંતર દ્રષ્ટિ રહે છે.

તો શું એ અજીવાદિ પદાર્થોને ને વ્યવહારને જાણતો નથી? અરે ભાઈ! એ સર્વ જાણવાલાયક હો પણ વસ્તુને પામવામાં એ કાંઈ નથી.


PDF/HTML Page 2788 of 4199
single page version

વસ્તુને પામવા તો પૂરણ વસ્તુ જે એક જ્ઞાન ને આનંદનું દળ તેની દ્રષ્ટિ ને અનુભવ કરવાં યોગ્ય છે. બીજું જાણપણું કાંઈ વિશેષ મહત્ત્વનું નથી. એ તો પહેલાં (ગાથા ૨૭૬- ૭૭ માં) આવી ગયું કે શબ્દશ્રુત તથા જીવ આદિ નવ પદાર્થોના સદ્ભાવ કે અસદ્ભાવમાં શુદ્ધ આત્માના સદ્ભાવથી જ જ્ઞાન-દર્શન છે; અર્થાત્ શુદ્ધ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન થાય છે, બીજા કોઈના આશ્રયે નહિ. ખૂબ ઝીણી વાત ભાઈ!

અહા! અનંતકાળમાં ચોરાસીના અવતારમાં રખડી રખડીને એણે પરિભ્રમણ જ કર્યું છે. કોઈવાર કદાચિત્ ભગવાન જિનવરની સ્તુતિ-ભક્તિમાં એ લાગ્યો પણ એણે ભગવાન જિનવરને ઓળખ્યા જ નહિ. અંદર સ્વસ્વરૂપને જાણ્યા વિના તે ભગવાન જિનવરને યથાર્થ કેમ જાણે? કેમકે અંદર સ્વ પોતે ને ભગવાન જિનવર બન્ને એક જ જાતિ છે.

જેમ દશા શ્રીમાળી વાણીયાને બે દીકરા હોય તેમાં એકને માંડ ૧૦૦ રૂપિયા પગાર મળતો હોય અને બીજાને કરોડોની સાહ્યબી હોય તોપણ બન્ને દશા શ્રીમાળી તરીકે એક જ જાતિના છે. તેમ ભગવાન આત્મા, એની પર્યાયમાં નિગોદથી માંડી ભલે એકેન્દ્રિય આદિ અનેક દશામાં હોય, પણ અંદર તો પોતે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ જ છે. અહા! ભગવાન જિનવરની જાત અને એની જાતમાં કાંઈ ફેર નથી એવો જ એનો શુદ્ધ સ્વભાવ છે. અહા! આવા શુદ્ધ સ્વભાવની અંર્તદ્રષ્ટિ કરીને એમાં જ જેણે એકાગ્રતા ને રમણતા સાધી છે તે જ્ઞાની પોતાના શુદ્ધસ્વભાવથી ખસતો જ નથી. અહા! તેની દ્રષ્ટિનો દોર એણે પોતાના શુદ્ધ ચૈતન્યપદમાં જ સ્થિત કર્યો છે.

અહો! સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જેવો આત્મા જોયો ને કહ્યો છે તે એકલા શુદ્ધ જ્ઞાન ને આનંદરૂપી અમૃતરસથી ભરેલો છે. અહા! આવો જ એનો ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે. આવા આત્માના આનંદનો રસ જેણે પીધો છે તે જ્ઞાનીને હવે પુણ્ય- પાપના ભાવમાં રસ નથી, તેને ઇન્દ્રિયના વિષયો પણ વિરસ-ફિક્કા લાગે છે. અહા! અતીન્દ્રિય રસનો રસિયો તે હવે આનંદરસથી ચ્યુત થતો નથી. જેમ સાકરનો ગાંગડો ચૂસતી માખી સાકરથી ખસતી નથી તેમ અતીન્દ્રિય આનંદરસનો રસિયો ધર્મી જીવ આનંદરસકંદ પ્રભુ આત્માથી ખસતો નથી. ભગવાન ત્રિલોકનાથ આને ધર્મ કહે છે. લોકો તો બહારમાં-પુણ્યભાવમાં ધર્મ માની બેઠા છે, પણ વિરસ-ફિક્કા એવા પુણ્યભાવનો તે ધર્મી પ્રેમ-રુચિ કેમ કરે? (ન જ કરે). સમજાણું કાંઈ...?

આવું અંતરંગ સ્વરૂપ સમજવું કઠણ પડે એટલે ‘પડિક્કમામિ ભંતે... જે જીવા એઇંદિયા વા બેંદિયા વા... તાવકાયં પાવકમ્મં દુચ્ચરિયં વોસ્સરામિ’ ઈત્યાદિ પાઠ ભણી જાય ને માને કે થઈ ગયો ધર્મ; પણ બાપુ! એ બધી શુભરાગની ક્રિયા છે ભાઈ! એ ધર્મ નહિ; ભગવાને કહેલો ધર્મ એ નહિ બાપા! અંદર અતીન્દ્રિય


PDF/HTML Page 2789 of 4199
single page version

આનંદરસકંદ પ્રભુ આત્મા છે તેમાં એકાગ્રતા થવી તે ધર્મ છે ભાઈ! અહીં કહે છે-ધર્મી પુરુષ પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદ સ્વભાવને છોડતો નથી. લૌકિકમાં પણ આવું બને છે ને? કે કોઈ વાણિયાનો દીકરો હોય ને વાઘરણથી પ્રેમ લાગ્યો હોય તો એનો પ્રેમ તે છોડતો નથી. તેમ આનંદના નાથની જેને લગની લાગી તે એની લય (લગની) છોડતો નથી. અહા! ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતી નથી.

અહા! ધર્મી પુરુષ શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહરૂપ અર્થાત્ શુભાશુભભાવ કે ભ્રમણા આદિ ભાવરૂપે પોતાની મેળે પરિણમતો નથી. શુદ્ધ સ્વભાવના રસને લઈને સ્વભાવપણે-ચૈતન્યપણે પરિણમે છે પણ રાગ-દ્વેષ આદિ વિકારપણે તે પોતાની મેળે પરિણમતો નથી.

વળી કહે છે- ‘અને પર વડે પણ પરિણમાવાતો નથી.’

જુઓ આ ભાષા! એ તો પોતે પરિણમે તો પર વડે પરિણમાવાય છે એમ પર નિમિત્ત દેખીને વ્યવહારથી કહેવાય; પણ પરવસ્તુ એને બળજોરીથી પરિણમાવે છે એમ નથી. અહીં કહે છે- ‘પર વડે પણ પરિણમાવાતો નથી’ -એટલે પોતે જ પરિણમતો નથી ત્યારે પર નિમિત્ત પણ ત્યાં નથી એમ અર્થ છે. સમજાણું કાંઈ...? જૈન પરમેશ્વરનો મારગ બહુ ઝીણો છે ભાઈ! લોકો બહારમાં માની બેઠા છે પણ મારગ બધો અંદરમાં છે ભાઈ!

અહા! જેને સ્વસ્વરૂપમાં રસ જાગ્રત થયો છે તેને પરમાં કે પુણ્યમાં રસ નથી. તેથી તે રાગ-દ્વેષ-મોહના ભાવપણે પરિણમતો નથી. અહા! ધર્માત્માને બહારમાં-પુણ્યમાં કે પુણ્યના ફળમાં, સ્વર્ગાદિના વૈભવમાં કયાંય સુખબુદ્ધિ થતી નથી. જુઓ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીને ઘરે ૯૬ હજાર રાણીઓ હતી. હજારો દેવતાઓ એની સેવામાં રહેતા. દેવોનો ઇન્દ્ર એનો મિત્ર થઈને આવે ને હીરાના સિંહાસનમાં જોડે બેસતો. અહા! અપાર વૈભવનો સ્વામી બહારમાં હતો પણ અંદર એમાં કયાંય એને રસ ન હતો; સ્વભાવથી ખસીને એને એ પુણ્યની સામગ્રીમાં પ્રેમ ને અધિકતા નહોતાં થતાં.

વીતરાગનો મારગ આવો છે બાપા! એક ગાથામાં તો કેટલું ભર્યું છે? અહા! જેણે દૂધપાકના સ્વાદ માણ્યા એને ઉકડિયામાં સ્વાદ કેમ આવે? કરવાનું તો આ છે ભાઈ! કે જ્ઞાનાનંદરસનો સમુદ્ર ભગવાન આત્મા છે તેનાં રસ-રુચિ કરીને તેનો જ અનુભવ કરવો. એમ કરતાં વીતરાગ માર્ગમાં પ્રવેશ થાય છે અર્થાત્ ધર્મની શરૂઆત થાય છે. જુઓને! આચાર્ય શું કહે છે? કે- ‘વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની...’ ; બહુ થોડામાં આ કહ્યું કે વસ્તુસ્વભાવને જે જાણે છે તે ધર્મી છે; અને તે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને પોતે શુભાશુભભાવપણે કે ભ્રમણાના ભાવપણે થતો નથી;


PDF/HTML Page 2790 of 4199
single page version

તથા તેને બીજું કોઈ, કર્મ વગેરે વિકાર કરાવતું નથી.

આમાં બે બોલ લીધા છેઃ

૧. ધર્મી પુરુષ પોતાની મેળે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવે પરિણમતો નથી અને

૨. પર વડે પરિણમાવાતો નથી.

અહા! જેણે આત્માના શુદ્ધ વીતરાગ સ્વભાવને જાણ્યો ને અનુભવ્યો છે તેની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ પર નિરંતર હોવાથી તેને જ્ઞાનમય પરિણમન જ છે; તે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવે કેમ પરિણમે? ન પરિણમે. અને પોતે વિકારપણે ન પરિણમે તેને કર્મ આદિ બીજો કેમ પરિણમાવે? ન પરિણમાવે. બીજો પરિણમાવે. છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન માત્ર છે. (એમ છે નહિ). સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે.’

માટે એટલે આ કારણે, ટંકોત્કીર્ણ એટલે જેમ પર્વતની શિલાને ટાંકણાથી કોતરી કાઢીને મૂર્તિ બનાવે તેમ ભગવાન આત્મામાંથી પુણ્ય-પાપના વિકલ્પને કાઢી નાખીને એકલો ચૈતન્યઘન બિંબ પ્રભુ છે તેને જુદો તારવી કાઢે તે ટંકોત્કીર્ણ; આવો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ પ્રભુ આત્મા છે; અહાહા...! એકલા ચૈતન્યપ્રકાશના પુંજરૂપ મૂર્તિ! જેમ સૂર્ય પ્રકાશનું બિંબ છે તેમ આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. અહાહા...! આવું ચૈતન્યપ્રકાશનું બિંબ જેની દ્રષ્ટિમાં આવ્યું છે તે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની છે. સદા એક જ્ઞાયકભાવમયપણાને લીધે તે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો કર્તા નથી અકર્તા જ છે.

એને દયા, દાન, પુણ્ય-પાપના ભાવ આવે ખરા, પણ એનો તે કર્તા નથી. એ તો એક જ્ઞાનમય ભાવનો જ કર્તા છે, અને રાગાદિ વિકારનો અકર્તા જ છે. એને રાગ કરવાનો અભિપ્રાય નથી ને? રાગ કરવા લાયક છે એમ એને નથી ને? તેથી તે અકર્તા જ છે. નિર્મળ જ્ઞાનભાવને કરનારો તે મલિન રાગાદિકને કેમ કરે? જેને મૈસુબના સ્વાદ ચાખ્યા એ હવે નાકના ગુંગાના સ્વાદ કેમ લે?

જુઓ, આ ૭પ વર્ષ પહેલાંની વાત છે. (અમારી) બાર વર્ષની ઉંમર હતી ને દિ’ અમારા ઉમરાળા ગામમાં એક ભાવસાર હતો તેનું નામ સુંદરજી હતું. એને એવી ટેવ પડી ગયેલી કે નાકમાંથી ગુંગો કાઢીને ચાટી લે, વળી એટલેથી ન રહે પણ બે દાંત વચ્ચે દબાવીને એને જીભનું ટેરવું અડાડે. અરે! સુંદરજી આ શું કરે છે તું? એમ જોડેના મિત્રો ટોકે એટલે એ ગુંગો કાઢી નાખે. પણ પાછી તક મળી જાય


PDF/HTML Page 2791 of 4199
single page version

એટલે બીજો ગુંગો કાઢે અને દાંત હેઠે દબાવીને જીભ અડાડે. એ કહે કે-મને ગુંગાના સ્વાદની ટેવ પડી ગઈ છે.

અહીં આચાર્ય કહે છે-ભાઈ! અંદર અતીન્દ્રિય આનંદના રસનો સમુદ્ર ભગવાન આત્મા છે એને મૂકીને તું આ પુણ્ય-પાપરૂપ ગુંગાના સ્વાદ લે છે? એ શુભ-અશુભ ભાવ બેય નાકના મેલથીય બદતર મલિન છે. આ કહે છે-મને એની ટેવ પડી ગઈ છે. ત્યારે જ્ઞાની કહે છે-કે જેને અંતદ્રષ્ટિ થઈ છે એવા ધર્મી પુરુષને અતીન્દ્રિય આનંદના રસના સ્વાદ આગળ પુણ્ય-પાપના સ્વાદ સુહાવતા નથી; માટે તું પણ અંતદ્રષ્ટિ કર.

અહાહા...! ભગવાન જૈન પરમેશ્વર શું કહે છે? કે ભગવાન! તું શુદ્ધ ચિદાનંદરસનો સમુદ્ર છો ને નાથ! એમાં અંતર્નિમગ્ન થઈ અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ જેણે લીધો તે ધર્મીને હવે પુણ્ય-પાપના ભાવના સ્વાદ ગુંગાના સ્વાદ જેવા વિરસ- બેસ્વાદ ભાસે છે. હવે તે પુણ્ય-પાપના ભાવપણે થતો નથી; અને કર્મ તેને પુણ્ય- પાપરૂપ ભાવે પરિણમાવતું નથી. એ તો પોતે પરિણમે તો કર્મ પરિણમાવે છે એમ ઉપચારથી કહેવાય છે.

કોઈને થાય કે વીતરાગનો આવો ધર્મ! એને કહે છે કોઈ દિ’ બાપુ! તેં ધર્મ સાંભળ્‌યો નથી એટલે એમ લાગે છે પણ ભાઈ! મારગ આ જ છે. જૈન પરમેશ્વર ત્રિલોકીનાથ સીમંધર પરમાત્મા વર્તમાનમાં વિદેહમાં બિરાજે છે ત્યાંથી આવેલી આ વાત છે. કે-જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે.

* ગાથા ૨૮૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે-આત્મા પોતે તો શુદ્ધ જ છે-દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે;...’

આત્મા જ્ઞાની અર્થાત્ ધર્મી થયો ત્યારે એને સ્વસ્વરૂપને કેવું જાણ્યું? કે પોતે અંદર સ્વરૂપથી શુદ્ધ જ છે, એકાકાર પવિત્ર જ છે. આ જે વિકાર છે એ તો બહાર એની પર્યાયમાં છે, પણ અંદર વસ્તુ તો નિર્વિકાર શુદ્ધ જ છે. દ્રવ્યદ્રષ્ટિએ વસ્તુ (-આત્મા) અપરિણમનસ્વરૂપ છે.

દ્રવ્યદ્રષ્ટિએ આત્મા અપરિણમનસ્વરૂપ છે એટલે શું? કે વસ્તુ જે ત્રિકાળ છે તે, એક સમયની પરિણમનરૂપ-પલટાવા રૂપ જે દશા એનાથી ભિન્ન છે, જે પરિણમનરૂપ નથી તે અક્રિય અપરિણમનરૂપ છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુમાં પલટના-પલટતી દશા નથી. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૬૮ માં) આવે છે ને કે-


PDF/HTML Page 2792 of 4199
single page version

ण वि उत्पजइ ण वि मरइ बन्धु ण मोक्खु करेइ

અહાહા...! જેને ત્રિકાળી કહીએ તે ભગવાન આત્મા જન્મ-મરણેય કરતો નથી કે બંધ-મોક્ષનેય કરતો નથી. અહા! દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી એવું અપરિણમનરૂપ છે. પર્યાય જે પલટતી દશા છે તેમાં વિકાર છે, સંસાર છે ને મોક્ષનો મારગ ને મોક્ષ પણ એ પલટતી દશામાં-પર્યાયમાં છે, દ્રવ્યદ્રષ્ટિએ દ્રવ્યમાં બંધ-મોક્ષ આદિ છે નહિ એવું એ અપરિણમનરૂપ છે.

દ્રવ્ય એટલે વસ્તુ (ચૈતન્યમાત્ર) દ્રવ્ય; આ તમારા પૈસા-બૈસા તે દ્રવ્ય એમ નહિ; પણ વસ્તુ જે અંદર દેહથી ભિન્ન, પુણ્ય-પાપના વિકારથી ભિન્ન અને એક સમયની બંધ-મોક્ષરૂપ પર્યાયથી ભિન્ન અખંડ એકરૂપ રહેલી છે. તે દ્રવ્ય છે, એ દ્રષ્ટિએ એને જુઓ તો તે અપરિણમનરૂપ છે. જેમાં અજ્ઞાન-જ્ઞાનરૂપ કે મિથ્યાત્વ-સમ્યક્ત્વરૂપ પલટના નથી એવો ત્રિકાળ અનાદિ-અનંત શાશ્વત એવો ને એવો એકસદશ ચિન્માત્ર ભાવ રહેલો છે તે દ્રવ્ય (-આત્મા) અપરિણમનસ્વરૂપ છે.

આત્મામાં બે પ્રકારઃ એક ત્રિકાળ ધ્રુવતા ને એક વર્તમાન પલટતી દશા. આ વિચાર પલટે છે ને? એ એની પલટતી દશામાં છે; વસ્તુ જે ધ્રુવ ત્રિકાળ છે એમાં પલટના-બદલવું નથી.

અહા! આ દ્રવ્ય (ત્રિકાળી) જે છે એ પરને કરતું નથી, શરીર-મન-વાણી ઈત્યાદિનેય કરતું નથી અને પોતાની પર્યાયનેય એ કરતું નથી એવું એ અપરિણમનસ્વભાવી છે.

એને પર્યાયદ્રષ્ટિએ અર્થાત્ કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદિ વિકારરૂપે થાય છે અને મોક્ષમાર્ગરૂપ ધર્મદશારૂપે પણ તે થાય છે. મોક્ષમાર્ગ ને મોક્ષની દશા પણ એની પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યદ્રષ્ટિએ એ બદલતું નથી એવું અપરિણમન સ્વરૂપ છે.

કોઈને એમ થાય કે હવે આમાં શું શીખવું? આ બે ઘડી સામાયિકને પડિક્કમણ ભણી લીધું એટલે થઈ ગયો ધર્મ. પણ બાપુ! એ તો રાગ છે ને ધર્મ તો એનાથી ભિન્ન વીતરાગ છે. ભાઈ! ધર્મ તો મહા અલૌકિક ચીજ છે ને તે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે.

उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ એમ સૂત્ર છે ને? મતલબ કે એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ને બીજી ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય-એમ આ વીતરાગનું કહેલું સત્ત્વ છે, એમાં નવી નવી અવસ્થા થાય તે ઉત્પાદ-વ્યયરૂપ છે. એને કર્મના નિમિત્તથી વિકાર થાય, ને વળી અવસ્થામાં કર્મનો અભાવ કરીને નિર્વિકારી ધર્મ થાય, એની અવસ્થામાં નિર્દોષ પૂર્ણ કેવળજ્ઞાન ને મોક્ષ થાય. આ બધું ઉત્પાદ-વ્યયરૂપ પલટતી દશામાં થાય


PDF/HTML Page 2793 of 4199
single page version

છે, પણ ત્રિકાળી ધ્રુવમાં એ કાંઈ નહિ; ધ્રુવ તો ધ્રુવ ત્રિકાળી એકસદશ ચિન્માનપણે છે. આવી વાત છે!

હવે આ વાણિયાને બિચારાને એક તો તત્ત્વની જિજ્ઞાસા નહિ ને સંસારની ઉપાધિ આડે નવરાશ મળે નહિ એટલે એમ ને એમ (પાપમાં) જિંદગી ચાલી જાય. પછી જાય મરીને ઢોરમાં; ઢોરમાં હોં! કેમ કે વાણિયાને માંસ-દારૂનું સેવન તો હોય નહિ એટલે નરકમાં ન જાય, પુણ્યનાંય ઠેકાણાં ન હોય એટલે સ્વર્ગે પણ ન જાય. અને ધર્મ તો એને છે જ નહિ. એટલે મરીને ઢોરમાં જ જાય, તિર્યંચમાં જ જાય. શું થાય? ભાઈ! તત્ત્વદ્રષ્ટિ વિના જન્મ-મરણથી છૂટવું મહા દુર્લભ છે.

‘આત્મા દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે’ એમ ન્યાલભાઈના ‘દ્રવ્યદ્રષ્ટિ-પ્રકાશ’ માં પણ આવે છે. એમાં એવું ખૂબ આવે છે કે-આત્મા બિલકુલ અક્રિય છે, નિષ્ક્રિય છે. દ્રવ્યદ્રષ્ટિએ એને અક્રિય કહો કે અપરિણમનસ્વરૂપ કહો-એ એક જ છે. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ આત્મા તેને શું કોઈએ કરેલો છે? (ના) એનો કોઈ ઈશ્વર કર્તા છે? (ના). તો કહે છે-એ અનાદિઅનંત ધ્રુવ શાશ્વત અકૃત્રિમ દ્રવ્ય છે તેમાં બદલવું નથી, ક્રિયા નથી. બદલવું છે એ પર્યાયમાં છે, ધ્રુવમાં નહિ. કોઈને થાય કે આ ધ્રુવ શું હશે? ઓલો ધ્રુવનો તારો હશે? અહા! જેમ ધ્રુવના તારાના લક્ષે સમુદ્રમાં વહાણ હાંકે તે સમુદ્ર પાર કરી જાય છે તેમ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્માના લક્ષે પરિણમે તેને સમકિત થાય છે, ધર્મ થાય છે ને તે સંસારસમુદ્રને તરી જાય છે. અહો! આવો વસ્તુનો ધ્રુવસ્વભાવ મહા મહિમાવંત પદાર્થ છે. અહો ધ્રુવ સ્વભાવ! !

અહીં સ્વાધ્યાય મંદિરમાં ‘દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ’ એમ લખેલું છે ને? તે વાંચીને એક ભાઈ કહેતા હતા-મહારાજ! દ્રવ્ય એટલે પૈસા; અહીં પૈસાવાળા અર્થાત્ પૈસા ઉપર જેમની દ્રષ્ટિ છે તે આવે છે તે બધા સમ્યગ્દ્રષ્ટિ ને?

ત્યારે કહ્યું-અરે ભાઈ! અહીં પૈસાનું અમારે શું કામ છે? દ્રવ્ય એટલે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ છે તે; અને તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. જેને ધ્રુવની દ્રષ્ટિ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. હવે આવું કદી સાંભળ્‌યુંય ન હોય અને દયા, દાન, આદિમાં પ્રવર્તે, થોડા પૈસા દાનમાં ખર્ચ કરે એટલે માને કે-અમે સમ્યગ્દ્રષ્ટિ. હવે ધૂળેય સમ્યગ્દ્રષ્ટિ નથી સાંભળને. એ તો બધો રાગ છે ને એમાં ધર્મ માને એ તો મિથ્યાદર્શનનું મહાપાપ છે. સમજાણું કાંઈ...?

પુદ્ગલ પરમાણુ પણ દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે. જુઓ, આ દાળ-ભાત ઘઉં-લોટ વગેરે પરમાણુ પહેલાં હતા તે બદલીને અત્યારે લોહીને માંસ રૂપે શરીરમાં છે, હવે પછી એની બળીને રાખ થશે; એ બધા પરમાણુપણે તો કાયમ રહેશે, અને


PDF/HTML Page 2794 of 4199
single page version

એની અવસ્થા બદલતી રહેશે. પરમાણુ જે ધ્રુવ તે નહિ બદલે. તેમ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ ચૈતન્યસ્વરૂપે છે તે નહિ બદલે, તેની અવસ્થા-દશા બદલશે, કર્મના નિમિત્તે થતા વિકારથી બદલીને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિર્વિકાર થશે. અહા! આવા વસ્તુના સ્વભાવને જ્ઞાની યથાર્થ જાણે છે.

‘માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.’

અહાહા...! જ્ઞાનીની દ્રષ્ટિ ચિન્માત્ર વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ઉપર જ હોય છે. અંતરમાં એણે શુદ્ધત્વનો સ્વીકાર કર્યો છે તેથી શુદ્ધપણે જ પરિણમે છે, પણ રાગ- દ્વેષાદિપણે પરિણમતો નથી. માટે તે રાગદ્વેષાદિ ભાવોનો કર્તા થતો નથી.

જ્ઞાનીને અસ્થિરતાનો રાગ આવે છે ખરો, પણ તેનો તે કર્તા થતો નથી, તેનો જ્ઞાતા જ રહે છે. રાગ ભિન્ન ચીજ જાણવા લાયક છે ને? તે એનાથી ભિન્ન રહીને માત્ર જાણે જ છે, કરતો નથી. રાગ કરવા યોગ્ય છે એમ કયાં છે એને? નથી. તેથી ચારિત્રમોહના ઉદયે જે રાગ તેને આવે છે તેનો તે કર્તા થતો નથી પણ જ્ઞાતા જ રહે છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! જ્ઞાનીને કિંચિત્ રાગ છે, પણ રાગની રુચિ-ભાવના નથી; એને રાગ છે, પણ રાગનું સ્વામિત્વ નથી; એને રાગનું પરિણમન છે પણ તે એનું કરવાલાયક કર્તવ્ય નથી તેથી તે કર્તા થતો નથી માત્ર જ્ઞાતા જ રહે છે. અહો! આવી અદ્ભુત અલૌકિક જ્ઞાનીની અંતર-દશા હોય છે.

‘આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે-એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ-

* કળશ ૧૭૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

इति स्वं वस्तुस्वभावं अज्ञानी न वेत्ति’ એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી ‘तेन सः रागादीन् आत्मन्ः कुर्यात्’ તેથી તે રાગાદિકને પોતાના કરે છે, अतः कारकः भवति’ તેથી (તેમનો) કર્તા થાય છે.

જોયું? પોતે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છે-એમ અજ્ઞાની જાણતો નથી. ત્યાં વસ્તુના સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ-સન્મુખતા નથી. તે બહાર નિમિત્તની ને પુણ્ય-પાપના ભાવોની સન્મુખતામાં પડયો છે. તેથી તે રાગાદિકપણે નિરંતર પરિણમતો થકો રાગાદિક ભાવોનો કર્તા થાય છે.

બહારમાં સાધુ થયો હોય, વ્રતાદિ પાળતો હોય, પણ અંતદ્રષ્ટિ વિના, સ્વસ્વરૂપના ભાન વિના તે રાગાદિકનો કર્તા થાય છે અર્થાત્ રાગ કરવા લાયક છે એમ માનીને તે રાગાદિકને પોતાના કરે છે. પુણ્યભાવ-દયા, દાન, વ્રત આદિના ભાવ ભલા-ઈષ્ટ


PDF/HTML Page 2795 of 4199
single page version

છે ને તે મને કરવા યોગ્ય છે એમ માનીને તે રાગનો કર્તા થાય છે.

અહા! જે કોઈ સિદ્ધ થયા છે તેમને સિદ્ધપદની નિર્મળ પર્યાય કયાંથી આવી? શું તે અદ્ધરથી આવી છે? ના; અંદર શક્તિ પડી છે તેમાં પૂરણ એકાગ્ર થઈ પરિણમવાથી આવી છે. પણ અજ્ઞાની પોતાના વસ્તુસ્વભાવને જાણતો નથી, તેમાં તે અંતર-એકાગ્ર થતો નથી તેથી તે પર-આશ્રયે પરિણમતો થકો રાગાદિકનો કર્તા થાય છે. લ્યો, આવી વાત છે. સમજાણું કાંઈ...?

(પ્રવચન નં. ૩૩૯ (શેષ) અને ૩૪૦ * દિનાંક ૧૨-પ-૭૭ અને ૧૩-પ-૭૭)

PDF/HTML Page 2796 of 4199
single page version

ગાથા–૨૮૧
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा।
तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि।। २८१।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति पुनरपि।। २८१।।

હવે આ અર્થની ગાથા કહે છેઃ-

પણ રાગ–દ્વેષ–કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે–રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧.

ગાથાર્થઃ– [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો અજ્ઞાની [रागादीन्] રાગાદિકને [पुनः अपि] ફરીને પણ [बध्नाति] બાંધે છે.

ટીકાઃ– યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવોરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે-એવો નિયમ છે.

ભાવાર્થઃ– અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે.

*
સમયસાર ગાથા ૨૮૧ઃ મથાળું

હવે આ અર્થની ગાથા કહે છેઃ-

* ગાથા ૨૮૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે...’

ઝીણી વાત છે પ્રભુ! શું કહે છે? કે અજ્ઞાની પોતાના શુદ્ધ એક પવિત્ર જ્ઞાન-


PDF/HTML Page 2797 of 4199
single page version

સ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે. અહાહા...! પોતે નિત્યાનંદ સહજાનંદ પ્રભુ ત્રિકાળ ચિદાનંદરસનો કંદ છે. અહા! જ્ઞાન અને આનંદ એક એનો સ્વભાવ છે. પણ એવા સ્વભાવ ઉપર એની અનાદિકાળથી દ્રષ્ટિ નથી; એનો સ્વભાવ પ્રતિ ઝુકાવ નથી. તેથી પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને નહિ જાણતો અજ્ઞાની સ્વસ્વરૂપથી ચ્યુત જ છે. કયારથી? તો કહે છે-અનાદિ સંસારથી.

અનાદિથી પોતે છે. વસ્તુ શુદ્ધ ચૈતન્યરસકંદ પ્રભુ અનાદિની છે; ને ભૂલેય પર્યાયમાં અનાદિની છે. એમ નથી કે પહેલાં પર્યાયમાં શુદ્ધ હતો ને પછીથી અશુદ્ધ-મલિન થયો. અનાદિથી પોતે અંદર જ્ઞાનાનંદસ્વભાવી છે એનાથી અજાણ છે. અહા! પોતે કોણ છે? -એની એને બિચારાને અનાદિથી ખબર નથી. તેથી અનાદિથી જ તે પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપથી ચ્યુત અર્થાત્ ભ્રષ્ટ જ છે.

અહા! એને ખબરેય કયાં છે કે-હું સ્વસ્વરૂપથી ચ્યુત-ભ્રષ્ટ છું? એ તો જે પર્યાય આવી તેમાં તલ્લીન-તદ્રૂપ થઈ વર્તે છે; શરીરાદિમાં તલ્લીનપણે વર્તે છે. કદીક બાયડી- છોકરાંનો યોગ થયો તો એમાં બિચારો રોકાઈને ગુંચાઈ જાય છે. અરે! અનાદિથી આમ તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ચ્યુત જ છે.

અહા! અજ્ઞાની અનાદિથી શુદ્ધસ્વભાવથી ચ્યુત જ છે. કેમ? કારણ કે તે યથોક્ત ભગવાને કહેલા વસ્તુસ્વભાવને જાણતો નથી. જુઓ, આમાં એમ ભાષા નથી લીધી કે કર્મને લઈને ચ્યુત છે; જો કે કર્મ જોડે અનાદિનું છે છતાં કર્મને લઈને એ ચ્યુત છે એમ નથી પણ પોતે પોતાના શુદ્ધસ્વભાવને જાણતો નથી માટે ચ્યુત છે. (એવી જ અનાદિકાલીન પર્યાય-યોગ્યતા છે).

હવે કહે છે- ‘તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવોરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે-એવો નિયમ છે.’

જુઓ, પોતે અંદર શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તેથી એણે ખરેખર શુદ્ધસ્વભાવભાવપણે પરિણમવું-થવું જોઈએ. અહાહા...! અતીન્દ્રિય આનંદરસકંદ પ્રભુ પોતે છે તો અતીન્દ્રિય આનંદપણે થવું જોઈએ; પણ એમ ન થતાં-પરિણમતાં તે રાગ-દ્વેષ- મોહના ભાવરૂપે પરિણમે છે અને એ ભાવોનો કર્તા થાય છે.

‘કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ’ એમ છે ને? એનો અર્થ એ કે પોતે સ્વભાવથી ચ્યુત-ભ્રષ્ટ હોવાથી રાગદ્વેષમોહાદિરૂપે થાય છે-પરિણમે છે અને ત્યારે તેમાં કર્મનો ઉદય નિમિત્ત છે. કર્મના ઉદયે રાગદ્વેષાદિ ઉત્પન્ન કર્યા છે એમ નહિ, કર્મ તો નિમિત્ત એક પર વસ્તુ છે એટલું, પણ પોતે અનાદિથી સ્વરૂપથી ચ્યુત છે


PDF/HTML Page 2798 of 4199
single page version

ને પરના લક્ષે દોરાઈ ગયો છે તેથી રાગદ્વેષમોહ આદિરૂપે પરિણમે છે. અહા! પરમાં ઈષ્ટ-અનિષ્ટપણું માની અજ્ઞાની પરના લક્ષે રાગદ્વેષાદિ-ભાવે પરિણમે છે.

૭૦ વર્ષ પહેલાં દુકાને સજ્ઝાયમાળા વાંચી હતી. એમાં એક સજ્ઝાયમાં આવે છે કે- ‘હોંશીલા મત હોંશ કીજીએ’ -મતલબ કે શુદ્ધ આત્મા સિવાય પરવસ્તુમાં-શરીર, મન, વાણી, બાયડી, છોકરાં, પૈસા, આબરૂ ઈત્યાદિમાં-હોંશ ન કર ભાઈ! બાપુ! એ બધાં દુઃખ ને પાપનાં નિમિત્ત છે. માણસને બાયડી રૂપાળી હોય ને પૈસા દસ-વીસ લાખ મળી જાય એટલે ઓહોહોહો... જાણે હું પહોળો ને શેરી સાંકડી એમ થઈ જાય, પણ બાપુ! એ બધા મોહ-રાગ-દ્વેષના પરિણામ તને નીચે લઈ જશે ભાઈ!

અહીં પરમાત્મા જગતને ફરમાવે છે કે-પ્રભુ! તને તારી ચીજની ખબર નથી. અનંત અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીથી ભરેલી તારી ચીજ છે. પણ હા! તું એનાથી ભ્રષ્ટ થઈ ગયો છો. કોઈ કર્મે તને ભ્રષ્ટ કર્યો છે એમ નહિ, પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના તું ભ્રષ્ટ થઈ ગયો છો. અહા! ‘અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા.’ પોતાની ચીજને ભૂલીને, પરવસ્તુને ભલી-બુરી જાણી રાગાદિભાવે પરિણમતો, એનો કર્તા થતો થકો અનાદિ સંસારથી હેરાન થઈ રહ્યો છો.

અહા! પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્ય ધરનાર) આત્માને ભૂલીને કર્મની ઉપસ્થિતિમાં (નિમિત્તે) સ્વયં રાગ-દ્વેષ-મોહાદિ ભાવોરૂપે પરિણમતો અજ્ઞાની તે રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થાય છે અને તેથી તે કર્મોથી બંધાય જ છે-એવો નિયમ છે. લ્યો, આ સંસારમાં રઝળવાનું બીજડું.

પહેલાં ગાથા ૨૮૦માં એમ આવ્યું કે-પોતાના સ્વભાવને જાણતો જ્ઞાની રાગ- દ્વેષમોહાદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે. અહીં કહે છે-પોતાના પરમેશ્વર સ્વભાવને નહિ જાણતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થાય છે અને તે બંધાય જ છે-એવો નિયમ છે. અહા! અજ્ઞાનીએ અનંતકાળમાં બહારમાં શાસ્ત્રો વગેરે ખૂબ જાણ્યાં, પણ પોતાને જાણ્યા વિના એ શું કામ આવે? એ જાણપણું તો બધું થોથાં છે ભાઈ! અજ્ઞાની બહારમાં વ્રત કરે ને ઉપવાસ આદિ તપ કરે ને રોજ સવાર-સાંજ પડિક્કમણ કરે, પણ એ બધી રાગની ક્રિયાઓ છે બાપા! એને તું ધર્મ માને એ તો મિથ્યાદર્શન છે ભાઈ! એ રાગની ક્રિયાઓનો કર્તા થાય એ મિથ્યાદ્રષ્ટિ છે ને તે અવશ્ય બંધાય જ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?

* ગાથા ૨૮૧–ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજી પરિણમે છે,...’

શું કીધું? કે અજ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ નથી. તેને અનાદિથી પર્યાયબુદ્ધિ છે


PDF/HTML Page 2799 of 4199
single page version

અર્થાત્ વર્તમાન પર્યાયમાં જે પુણ્ય-પાપ થાય અને એના ફળ જે આવે તે હું એમ એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે. અહા! પોતે અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે એની એને ખબર નથી તેથી વર્તમાનમાં સહેજ અનુકૂળતા ભાળીને ‘આ ભવ મીઠો, પરભવ કોણે દીઠો? -એમ એને પર્યાયબુદ્ધિ થઈ જાય છે. તેમાંય વળી શરીર કાંઈક રૂપાળું હોય, બાયડી-છોકરાં સાનુકૂળ હોય ને પાંચ-પચીસ કરોડની સંપત્તિ મળી જાય તો બસ થઈ રહ્યું. એમાંથી એને નીકળવું ભારે આકરું પડે. પણ ભાઈ! મરી જઈશ હોં એમાં. એમ ને એમ મરી જઈશ બાપુ!

એક રે દિવસ એવો આવશે, સોડ તાણીને સૂતો;
કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ ન હોતો.
સગી નારી રે તારી કામની, એ ઊભી ટગ-ટગ જુએ;
કાયામાં હવે કાંઈ નથી, ઊભી ધ્રુસકે રે રૂએ. એક રે દિવસ.

અહા! આ જગત આખું વિષય-કષાયની ભીંસમાં પડેલું દુઃખી-દુઃખી છે ભાઈ! અહીં કહે છે-અજ્ઞાની પોતાની ચિદાનંદમય સ્વરૂપલક્ષ્મીને જાણતો નથી અને કર્મના ઉદય નિમિત્તે જે ભાવો થાય છે તેને તે પોતાના માની પરિણમે છે. શું કીધું? કે એના સ્વરૂપમાં તો પુણ્ય-પાપ આદિ છે નહિ, પણ કર્મ નિમિત્ત હોતાં પોતાના પુરુષાર્થની ઉંધાઈથી પર્યાયમાં પુણ્ય-પાપ આદિ ભાવો થાય છે; અજ્ઞાની તેને પોતાના માને છે. અહા! નિમિત્તને આશ્રયે એને રાગ-દ્વેષ-મોહાદિ ભાવો થાય છે તેને તે પોતાના માને છે. અંદર ચીજ પોતાની ભાળી નથી ને? તેથી પરચીજમાં-રાગદ્વેષમોહાદિ ભાવોમાં-આ હું- એમ પોતાપણું માને છે, અને તેમાં તદ્રૂપ થઈ પરિણમે છે.

‘માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે.’ આ પ્રમાણે અજ્ઞાની સંસારમાં રઝળી મરે છે.

[પ્રવચન નં. ૩૪૧*દિનાંક ૧૪-પ-૭૭]

PDF/HTML Page 2800 of 4199
single page version

ગાથા–૨૮૨

ततः स्थितमेतत्–

रागम्हि य दासम्हि य कसायकम्मेसु चेव जे भावा।
तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा।। २८२।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता।। २८२।।
એમ રાગ–દ્વેષ–કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે–રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨.

ગાથાર્થઃ– [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો થકો [चेतयिता] આત્મા [रागादीन्] રાગાદિકને [बध्नाति] બાંધે છે.

ટીકાઃ– ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.

ભાવાર્થઃ– અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.

સમયસાર ગાથા ૨૮૨ઃ મથાળું

તેથી આમ ઠર્યું-એમ હવે કહે છેઃ-

* ગાથા ૨૮૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.’

અહાહા...! આત્મા અનંત અનંત ગુણરત્નથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. ચૈતન્યમય રત્નનો આકર નામ ભંડાર-સમુદ્ર ભગવાન આત્મા છે. એની જેને ખબર ન મળે તે અજ્ઞાની છે.