Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 72 of 210

 

PDF/HTML Page 1421 of 4199
single page version

અહા! ભગવાન સર્વજ્ઞદેવનું કહેલું આ સત્ય તત્ત્વ છે. કોઈને તે ન બેસે અને ન ગોઠે એટલે વિરોધ કરે પણ તેથી શું કરીએ? અહીં તો કોઈ સાથે વિરોધ છે જ નહિ. પ્રભુ! ભગવાન આત્મા કેવો છે અને તે કેમ પ્રાપ્ત થાય તેની તને ખબર નથી. ભગવાન આત્મા અનાદિઅનંત, કેવળ એક, નિરાકુળ, અખંડ પ્રતિભાસમય, વિજ્ઞાનઘન-સ્વરૂપ પરમાત્મ-દ્રવ્ય છે. અને તે વિકલ્પ રહિત નિર્વિકલ્પદશાથી પ્રાપ્ત થાય છે, વ્યવહારના વિકલ્પથી પ્રાપ્ત થતો નથી. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે એમાં પરિપૂર્ણ પરમાત્મરૂપ સમયસારનો પ્રતિભાસ થાય છે અને તે જ સમયે આત્મા આવો પરિપૂર્ણ છે એવું શ્રદ્ધાન પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ જૈનદર્શન છે.

ઇન્દ્રો અને ગણધરોની સભામાં ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ જે વાત કહે છે તે વાત અહીં આચાર્યદેવ કહે છે. કહે છે-કેવળ એક, અનંત વિજ્ઞાનઘનરૂપ પરમાત્મા જે વખતે જ્ઞાનની દશામાં પ્રતિભાસે છે તે જ સમયે આવો જ આત્મા છે એમ શ્રદ્ધાય છે. આવું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. બાકી શાસ્ત્ર દ્વારા કે નયના વિકલ્પ દ્વારા આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવતો નથી. બાર અંગનો સરવાળો આ છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે.

સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે-ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી શુદ્ધ અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી? જડકર્મ તો તદ્ન ભિન્ન છે. જડકર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિત થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા જે છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી રહિત સદાય અબંધ મુક્તસ્વરૂપ જ છે.

વીતરાગ સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માની સમોસરણમાં ૐકારધ્વનિ છૂટે છે. તે નિરક્ષરી એટલે એકાક્ષરી હોય છે. તે સાંભળી ગણધરદેવ આદિ આચાર્યો શાસ્ત્રરચના કરે છે. એ ભગવાનની વાણીથી કે સાંભળવાના વિકલ્પથી આત્મા જાણવામાં આવે છે એમ નથી, પરંતુ ભગવાને જેવો એક, અખંડ, અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા કહ્યો એવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે તે કાળમાં આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવે છે. સ્વદ્રવ્યમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ દ્રવ્યનો પ્રતિભાસ જે સમયે થાય છે તે જ સમયે એ પૂર્ણ વસ્તુનું શ્રદ્ધાન પ્રગટ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે.

જુઓ, અહીં આગમમંદિરમાં ચારે બાજુ જિનવાણી કોતરાયેલી છે. પોણાચાર


PDF/HTML Page 1422 of 4199
single page version

લાખ શબ્દો છે. જેમ પાંચ પરમેશ્વર છે તેમ આ પાંચ શાસ્ત્ર છે-સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય અને અષ્ટપાહુડ. આ બધાં શાસ્ત્ર આ પરમાગમમંદિરમાં આરસમાં કોતરાઈ ગયાં છે. તેની સમીપ બેસીને આ વાત ચાલે છે કે જે સમયે પરમાત્મરૂપ સમયસારનો જ્ઞાનમાં અખંડ પ્રતિભાસ થાય છે તે જ સમયે આત્મા શ્રદ્ધામાં-પ્રતીતિમાં આવે છે અને એ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

સમ્યગ્દર્શનમાં અનંતગુણની અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા ચૈતન્યરાજા પરમાત્મસ્વરૂપે નિત્ય વિરાજમાન છે. તેનો નિર્વિકલ્પ અનુભવ થતાં તે જ સમયે તે જેવો છે તેવો સમ્યક્ શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ભગવાન સમયસારથી ભિન્ન નથી, અભિન્ન છે. તે આત્માની પર્યાય છે માટે આત્મા જ છે. જેમ જગતથી ભિન્ન છે તેમ સમયસાર સમ્યગ્દર્શનથી ભિન્ન નથી. માટે સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એ વાત આ ગાથામાં કહી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મસંમુખ કરી, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે શ્રદ્ધામાં આવે છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.

નિજરસથી જ પ્રગટ થતો તે સમયસાર કેવો છે? તો કહે છે-

૧. આદિ-મધ્ય-અંતરહિત છે અર્થાત્ અનાદિઅનંત, ત્રિકાળ, શાશ્વત, નિત્ય વસ્તુ છે. ૨. અનાકુળ છે. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પ ઊઠે છે તે આકુળતારૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે.

૩. કેવળ એક છે. આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ જેમાં નથી એવો કેવળ એક છે. અનંતગુણનો પિંડ પ્રભુ ગુણ-ગુણીના ભેદથી રહિત અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ છે.

૪. આખાય વિશ્વ ઉપર જાણે કે તરતો હોય એવો છે. એટલે કે રાગથી માંડીને આખાય લોકાલોકથી ભિન્ન વસ્તુ છે.

પ. અખંડ પ્રતિભાસમય છે. સ્વસંવેદનજ્ઞાનમાં જેવો પૂર્ણસ્વરૂપ છે તેવો પ્રતિભાસમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. કહ્યું છે ને કે-

જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.

PDF/HTML Page 1423 of 4199
single page version

જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

૬. અનંત, વિજ્ઞાનઘન છે. જેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવો અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ સમયસાર છે.

૭. આવો પરમાત્મરૂપ સમયસાર છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિત્સ્વરૂપ સદા સિદ્ધસ્વરૂપ એવો પરમાત્મરૂપ સમયસાર છે.

આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે શ્રદ્ધામાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

ગાથા ૧૪૪ઃ ભાવાર્થ

આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પો મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી.

* * *

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૯૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘नयानां पक्षैः विना’ નયોના પક્ષો રહિત, ‘अचलं अविकल्पभावम्’ અચળ નિર્વિકલ્પભાવને ‘आक्रामन्’ પામતો ‘यः समस्य सारः भाति’ જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે ‘सः एषः’ તે આ સમયસાર (શુદ્ધ આત્મા)-‘निभृतैः स्वयं आस्वाद्यमानः’ કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે-’

આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના સ્થૂળ વિકલ્પ ઉઠે એ તો બહારની ચીજ છે. એ વિકલ્પ કાંઈ (આત્મ-પ્રાપ્તિનું) સાધન નથી. એ તો છે. અહીં કહે છે-હું દ્રવ્યે શુદ્ધ છું, અબદ્ધ છું અને પર્યાયે અશુદ્ધ છું, રાગથી બદ્ધ છું એવા જે બે નયના બે પક્ષ છે તે નિષેધવા યોગ્ય છે, સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૩


PDF/HTML Page 1424 of 4199
single page version

તો ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’ -એમ (ગાથા ૨૭૨ માં) કહ્યું છે ને?

હા, ત્યાં સ્વના આશ્રયે નિર્વાણ થાય છે એમ કહ્યું છે. પણ અહીં તો સ્વના આશ્રય સંબંધી જે વિકલ્પ ઉઠે તેની વાત છે. નિશ્ચયનયના પક્ષનો જે વિકલ્પ ઉઠે છે એ તો રાગ છે, દુઃખદાયક છે અને તેથી તે છોડવા યોગ્ય છે. એ સૂક્ષ્મ રાગનો પણ પોતાને કર્તા માને તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા તો વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ છે. તે રાગનો કર્તા કેમ હોઈ શકે? અને તે રાગ વડે પ્રાપ્ત કેમ થાય? તેથી સમસ્ત નયપક્ષનો રાગ છોડાવી નયપક્ષરહિત થવાની અહીં વાત છે.

વ્યવહારથી નિશ્ચય થાય એ વાત તો કયાંય રહી ગઈ. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એવું કથન આવે ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજને વિકલ્પ હોય છે. તે છૂટીને સાતમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાનની જે શુદ્ધિ છે તે સાતમા ગુણસ્થાનનું કારણ છે. તેને કારણ ન કહેતાં છઠ્ઠા ગુણસ્થાનના શુભ વિકલ્પને કારણ કહ્યું એ તો ઉપચારથી નિમિત્તનું વા સહચરનું જ્ઞાન કરાવવા કથન કર્યું છે. પણ તેથી છઠ્ઠાના શુભ વિકલ્પથી સાતમું ગુણસ્થાન થાય છે એમ ન સમજવું.

અહીં કહે છે નયપક્ષના જે વિકલ્પ છે તે આકુળતામય છે અને તેનાથી આત્મા જણાય એવો નથી. જેમ સૂર્યબિંબ તેના પ્રકાશ વડે જણાય, અંધકાર વડે ન જણાય તેમ ભગવાન આત્મા તેના જ્ઞાનપર્યાયરૂપ પ્રકાશથી જણાય પણ વિકલ્પરૂપ અંધકારથી ન જણાય.

ભગવાન આત્મા સદા અચળ એટલે ચળે નહિ તેવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનરૂપ સમયસાર છે. તે અચળ નિર્વિકલ્પભાવને પામતો એટલે નિર્વિકલ્પ નિર્મળ જ્ઞાનની દશાને પ્રાપ્ત થઈને પ્રકાશે છે. અર્થાત્ સમયનો સાર પ્રભુ આત્મા ચૈતન્યની નિર્મળ નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશરૂપ પર્યાય દ્વારા પ્રકાશે છે પણ વ્યવહારથી કે નયપક્ષના વિકલ્પથી તે પ્રકાશતો નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનની નિર્મળ દશાથી પ્રાપ્ત થાય એવો છે પણ શ્રુતજ્ઞાનના બાહ્ય વિકલ્પથી પ્રાપ્ત થાય એમ નથી.

આવો સમયસાર એટલે શુદ્ધાત્મા નિભૃત એટલે નિશ્ચળ, આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. અહાહા...! જે પુરુષો ચિંતારહિત, વિકલ્પરહિત થઈને સ્વરૂપમાં લીન થયા છે તેમને આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે એટલે કે આસ્વાદમાં આવે છે.


PDF/HTML Page 1425 of 4199
single page version

નિર્મળ જ્ઞાન અને આનંદની પર્યાય દ્વારા તેમને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના આનંદના સ્વાદનું વેદન થાય છે. આત્મા આવો છે ને તેવો છે-એવી ચિંતાથી રહિત આત્મલીન પુરુષો સ્વયં આત્માના આનંદને અનુભવે છે.

પુરુષનો અર્થ આત્મા થાય છે. પુરુષનું કે સ્ત્રીનું શરીર તે કાંઈ આત્મા નથી. દેહ તો જડ છે. સ્ત્રીનો દેહ હો કે પુરુષનો, આત્મલીન પુરુષો વડે, અંતરના જ્ઞાનના પ્રકાશના ભાવ વડે આત્મા અનુભવાય છે. આવી વસ્તુ છે. આ તો હજુ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આ ૧૪૪મી ગાથાનો કળશ છે. અહીં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વાત ઉપાડી છે. ચારિત્રની અહીં વ્યાખ્યા નથી. કહે છે-વસ્તુ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશનો પુંજ છે. તે નિર્વિકલ્પ જ્ઞાનના પ્રકાશ દ્વારા પ્રકાશે છે અને તે વડે જ તે આસ્વાદ્યમાન છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા આનંદનું વેદન થાય છે. એ વેદનમાં આત્મા પૂર્ણ પ્રતિભાસે અર્થાત્ જણાય એવો છે. નયપક્ષનો જે વિકલ્પ છે એ તો દુઃખ છે, અંધકાર છે. એનાથી (વિકલ્પથી) આત્મા જણાય એવો નથી.

આવો સમયસાર આત્મલીન પુરુષો દ્વારા સ્વયં આસ્વાદ્યમાન છે. અહીં ‘સ્વયં’નો અર્થ એમ છે કે આત્માનુભવમાં વિકલ્પ કે વ્યવહારની અપેક્ષા નથી. આવી વાત છે. કેટલાકને પોતાને ગોઠતી વાત ન હોય એટલે રાડ પાડે કે-એકાન્ત છે, એકાન્ત છે; એમ કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય એમ વાત નથી માટે એકાન્ત છે. પ્રભુ! તને ખબર નથી. અહીં આચાર્ય ભગવાન તો એમ કહે છે કે-વ્યવહારના પક્ષથી તો ધર્મ ન થાય પણ હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું, ચેત્ય છું, દ્રશ્ય છું, વેદ્ય છું -ઇત્યાદિ જે નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પ ઉઠે છે એનાથી પણ ભગવાન આત્મા પ્રાપ્ત થાય એવો નથી. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ નયપક્ષના ૨૦ કળશમાં ૨૦ બોલ કહ્યા છે. એ નયપક્ષના જે વિકલ્પ છે તે બધા આત્માનુભવ થવામાં બાધક છે.

નિશ્ચળ, આત્મલીન પુરુષો વડે આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે. અહીં ‘સ્વયં’ શબ્દ ઉપર વજન છે. મતલબ કે નિર્વિકલ્પ નિર્મળ પર્યાય વડે આત્મા સ્વયં અનુભવાય છે; તેને કોઈ વ્યવહાર કે નિશ્ચયના પક્ષના વિકલ્પની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં કહ્યું છે કે શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે, એને રાગ કે ભેદની અપેક્ષા નથી. તેમ અહીં પણ આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે એમ કહ્યું છે; એટલે કે પોતે પોતાથી પોતાના આનંદનું વેદન કરી શકે એવો આ આત્મા છે.

હવે, જે ત્રિકાળી વસ્તુ આત્મલીન પુરુષો વડે સ્વયં અનુભવાય છે તે કેવી છે? તો કહે છે-‘विज्ञान–एक–रसः भगवान्’ તે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે. નિર્મળ પર્યાયમાં જે વેદનમાં આવે છે તે આત્મા એક વિજ્ઞાનરસમય વસ્તુ છે. વિશેષ જ્ઞાનનો ઘન એકરૂપ દ્રવ્ય તે એકલો જ્ઞાનસ્વભાવનો પિંડ પ્રભુ છે. શાસ્ત્રનું જ્ઞાન-તે જ્ઞાનની આ વાત નથી. આ તો સામાન્ય એકરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ વસ્તુની વાત


PDF/HTML Page 1426 of 4199
single page version

છે. વિજ્ઞાન જ જેનો એક રસ છે એટલે જેમાં કોઈ ભેદ છે જ નહિ એવો ભગવાન આત્મા છે. આ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યાતાના ધ્યાનનું ધ્યેય છે. આવો વિજ્ઞાન-એકરસરૂપ આત્મા પોતે પોતાથી જણાય એવો છે. તેને કોઈ પરની અપેક્ષા નથી એવી તે નિરપેક્ષ વસ્તુ છે.

પ્રશ્નઃ– આ તો એક નયની વાત આવી; સાક્ષેપ કથન તો આવ્યું નહિ? બીજો નય તો આમાં આવ્યો નહિ?

ઉત્તરઃ– ભાઈ! પરની ઉપેક્ષા કરી એટલી અપેક્ષા તેમાં આવી જાય છે. પરની ઉપેક્ષા કરીને આ તરફ સ્વની અપેક્ષા (એકાગ્રતા, સન્મુખતા) કરી-એ રીતે બન્ને નય એમાં આવી જાય છે. જૈનતત્ત્વમીમાંસામાં પં. શ્રી ફૂલચંદજીએ આનો સરસ ખુલાસો કર્યો છે.

આ ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન પામવાના કાળે કેવી દશા હોય છે તેની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને તેની સાથે થતું સમ્યગ્જ્ઞાન-એ બેની વાત અહીં અત્યારે ચાલે છે. અહીં ચારિત્રની વાત નથી. જોકે એ વખતે ધર્મીને સ્વરૂપાચરણ-ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, પણ પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનું જે ચારિત્ર છે તે હોતું નથી.

નિર્વિકલ્પ જ્ઞાનમાં જ્યારે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો આત્મા વેદાય છે ત્યારે દર્શન પણ છે, જ્ઞાન પણ છે અને ચારિત્રનો અંશ પણ ત્યાં છે. આત્મામાં સંખ્યાએ જેટલી અનંત શક્તિઓ છે તે બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. શ્રીમદે કહ્યું છે કે-‘સર્વ ગુણાંશ તે સમકિત.’ આત્મામાં અનંત શક્તિઓ છે. જ્ઞાન દ્વારા જ્યારે દ્રવ્ય જાણવામાં આવે ત્યારે દ્રવ્યની એ સર્વ શક્તિઓનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થઈને તેનો સ્વાદ આવે છે. કેવળજ્ઞાનમાં સર્વદેશ અને અહીં એકદેશ પર્યાય વ્યક્ત થાય છે. તે દ્વારા વિજ્ઞાન-એકરસસ્વરૂપ ભગવાન જાણવામાં આવે છે, અને ત્યારે દ્રષ્ટિમાં આવતાં દેખવામાં-શ્રદ્ધવામાં આવ્યો એમ કહેવાય છે. ૧૪૪મી ગાથાની ટીકામાં આવી ગયું કે પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે શ્રદ્ધાય છે અને જણાય છે.

વળી નિર્મળ જ્ઞાન દ્વારા જે વેદનમાં આવ્યો તે કેવો છે? તો કહે છે-

‘पुण्यः पुराणः पुमान्’ -તે પવિત્ર પુરાણ પુરુષ છે. પુણ્ય શબ્દનો અર્થ અહીં પવિત્ર થાય છે. પુણ્ય એટલે શુભભાવની અહીં વાત નથી. શુભભાવરૂપ પુણ્યથી તો એ રહિત છે. આત્મા સ્વરૂપથી પરમ પવિત્ર વસ્તુ છે. વળી તે પુરાણ કહેતાં શાશ્વત, ત્રિકાળ વસ્તુ છે. શાશ્વત મોજૂદગીવાળી અનાદિની ચીજ એવો વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. એ અનાદિની હયાતીવાળી પુરાણી ચીજ છે, કોઈ થી એ નવો


PDF/HTML Page 1427 of 4199
single page version

કરાયેલો નથી, કોઈએ તેને ઉત્પન્ન કર્યો છે એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં જે આવ્યું કે આદિ- મધ્ય-અંતરહિત છે એનો જ અર્થ અહીં પુરાણ કર્યો છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત પ્રવાહરૂપ છે. પ્રવાહ એટલે અહીં પર્યાયની વાત નથી; ધ્રુવપ્રવાહરૂપ સામાન્યની વાત છે.

વળી તે પુરુષ છે. આત્માને સેવે તે પુરુષ છે. રાગને સેવે તે પુરુષ નહિ, તે નપુંસક છે. ૪૭ શક્તિના અધિકારમાં એક વીર્યશક્તિનું વર્ણન છે. સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. પોતાના પરિપૂર્ણ પવિત્રપદની રચના કરે તેનું નામ વીર્ય અને પુરુષાર્થ છે. રાગને જે રચે તે વીર્યગુણનું કાર્ય નથી. અરે, વ્યવહારરત્નત્રયના રાગને રચે તે પણ વીર્યગુણનું કાર્ય નથી, એ તો નપુંસકતા છે; કેમકે જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવવાળાને પણ આત્મધર્મરૂપ પ્રજા હોતી નથી. રાગની રુચિવાળાને લાગે કે આ તે શું વાત છે! બાપુ! માર્ગ તો આવો છે. ભાઈ! તું પણ ભગવાન છો. દ્રવ્યે બધા આત્મા સાધર્મી છે. બધા આત્મા વિજ્ઞાન જ જેનો એક રસ છે એવા ભગવાન છે. એની દ્રષ્ટિમાં એ ભલે ન આવે, પણ એ ભગવાન છે. કોઈ સાથે વેર-વિરોધ ન હોય. અહીં પાંચ વિશેષણથી આત્મા કહ્યો છે-

૧. વિજ્ઞાન જ જેનો એકરસ છે એવો વિજ્ઞાન-એકરસસ્વરૂપ છે; ૨. એવો ભગવાન છે; ૩. પવિત્ર છે; ૪. પુરાણ છે; પ. પુરુષ છે. પુમાન્નો અર્થ પુરુષ થાય છે.

હવે કહે છે-આવો વિજ્ઞાન જ એકરસ જેનો છે તેને ‘ज्ञानं दर्शनम् अपि अयं’ જ્ઞાન કહો કે દર્શન કહો-તે આ (સમયસાર) જ છે. અહાહા...!! આવો વિજ્ઞાનઘન પ્રભુ છે! તેને જ્ઞાન કહો તો તે, દર્શન કહો તો તે, આનંદ કહો તો તે, પરમેશ્વર કહો તો તે-એમ અનંત નામથી કહો તો તે આ જ છે. ભગવાનના એક હજાર આઠ નામનું વર્ણન આદિપુરાણમાં છે. પં. શ્રી બનારસીદાસે પણ જિનસહસ્રનામ સ્તોત્ર બનાવ્યું છે; તેમાં ૧૦૦૮ નામનું વર્ણન કર્યું છે. અહીં કહે છે-તેને જ્ઞાન કહો કે દર્શન કહો-તે બધું આત્મા જ છે, સમયસાર જ છે. અનંતગુણનું ધામ પરિપૂર્ણ વસ્તુ આત્મા પોતે છે. જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ બધું કાંઈ આત્માથી જુદી ચીજ નથી.

નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા નથી. વ્યવહાર હો, બીજો નય હો; બીજો નય છે, બીજા નયનો વિષય પણ છે; પણ તે બીજા નયની અપેક્ષા નથી. એવો નિરપેક્ષ માર્ગ છે.

પ્રશ્નઃ– તો ‘निरपेक्षा नया मिथ्याः’ એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?


PDF/HTML Page 1428 of 4199
single page version

ઉત્તરઃ– હા, ‘નિરપેક્ષા નયા મિથ્યાઃ’ એમ જે વાત આવે છે તેનો અર્થ એ છે કે- વ્યવહાર છે એવું એનું જ્ઞાન ન કરે તો તે મિથ્યાજ્ઞાન છે. પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એનો અર્થ નથી. નિમિત્ત છે ખરું; નિમિત્ત વસ્તુ જ નથી એમ નથી. ‘ઉપાદાન જિંદાબાદ, નિમિત્ત મુર્દાબાદ’-એમ એકાંત નથી. ભાઈ, નિમિત્ત બીજી બાહ્ય ચીજ છે, પણ તે ઉપાદાનના કાર્યની કર્તા નથી એમ વાત છે. હમણાં કોઈએ લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી માટે નિષેધે છે એમ નથી; નિમિત્તથી (પરમાં) કાર્ય થાય એ વાતનો તેઓ નિષેધ કરે છે-એ બરાબર છે. નિમિત્ત નથી, વ્યવહાર નથી-એમ વાત નથી; નિમિત્ત છે, પણ નિમિત્ત પરના કાર્યનું કર્તા નથી. એ રીતે વ્યવહાર છે, પણ વ્યવહાર નિશ્ચયનું વાસ્તવિક કારણ નથી. આમ યથાર્થ સમજવું જોઈએ.

હવે કહે છે-‘अथवा किम्’ અથવા વધારે શું કહીએ? ‘यत् किञ्चन अपि अयम् एकः’ જે કાંઈ છે તે આ એક જ છે. (માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે.) વિજ્ઞાન-એકરસ ભગવાન આત્મા છે તેને પરમેશ્વર કહો, ભગવાન કહો, વિષ્ણુ કહો, બ્રહ્માનંદ કહો, સહજાનંદ કહો, વીતરાગ કહો, ચારિત્રનિધિ કહો-ગમે તે નામથી કહો; વસ્તુ તો જે કાંઈ છે તે આ એક જ છે.

પ્રવચનસારની ગાથા ૨૦૦ ની ટીકામાં આવે છે કે-‘‘જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે (અર્થાત્ બીજી રીતે જણાય છે-મનાય છે), તે શુદ્ધાત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.’’

જ્ઞાયકભાવની સાથે અવિનાભાવપણે અનંત ગુણો છે. તે જ્ઞાયકભાવ એક જ્ઞાયકભાવ જ છે. અજ્ઞાનીને તે પ્રસિદ્ધ નથી એટલે બીજી રીતે જણાય છે. અજ્ઞાની તેને બીજી રીતે માને છે. હું રાગ છું, પુણ્ય છું. અલ્પજ્ઞ છું-એમ અજ્ઞાની અનેક પ્રકારે માને છે. પરંતુ વસ્તુ તો જે છે તે જ છે. માત્ર જુદાં જુદાં નામથી તે કહેવાય છે, છતાં વસ્તુ વિજ્ઞાનઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન એક જ છે; અને તે જ ધ્યાનનો, દ્રષ્ટિનો અને સ્વસંવેદનજ્ઞાનનો વિષય છે. અહા! ૧૪૪મી ગાથાના કળશમાં અલૌકિક વાત કરી છે! આવા સમયસારનો નિર્વિકલ્પ અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પં. ટોડરમલજી સાહેબે કહ્યું છે-‘‘જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહિ, માટે સ્વ-પરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું.’’

શુદ્ધાત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ-એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. ‘વ્યપદેશમ્’ એવો શબ્દ ગાથામાં છે. સમયસારને જ કેવળ સમ્યગ્દર્શન અને


PDF/HTML Page 1429 of 4199
single page version

સમ્યગ્જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન સમયસારથી કોઈ ભિન્ન ચીજ નથી, સમયસાર જ છે.

* * *

આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છેઃ-

* કળશઃ ૯૪ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘तोयवत्’ જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે...’

નદીનું પાણી ચાલ્યું આવતું હોય એમાંથી થોડું પાણી વહેળારૂપે બીજે રસ્તે ચઢી જાય એને ગહન વનમાં ભમતું દૂર ચાલ્યું જાય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીના મૂળ સમૂહ તરફ બળથી વાળવામાં આવે પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને પાણીના મૂળ સમૂહમાં ભળી જાય છે. આ દ્રષ્ટાંત છે.

પર્યાયમાં ભૂલ છે તે કઈ રીતે થઈ તે સમજાવે છે. અહીં દ્રષ્ટાંતમાં પણ પાણીને બળથી વાળવામાં આવે તેમ કહ્યું છે. પાણી છૂટું પડીને ગહનવનમાં ચાલ્યું ગયું તેને કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવતાં પ્રવાહરૂપ થઈને પાણીના સમૂહ સાથે ભળી ગયું. આ દ્રષ્ટાંત છે તે સિદ્ધાંત સમજવા માટે છે. દ્રષ્ટાંત વડે સિદ્ધાંત સમજાવે છે-

તેવી રીતે ‘अयं’ આ આત્મા ‘निज–ओघात् च्युतः’ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો થકો ‘भूरि–विकल्प–जाल–गहने दूरं भ्राम्यन्’ પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને ‘दूरात् एव’ દૂરથી જ ‘विवेक–निम्नगमनात्’ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા ‘निज–ओघं बलात् नीतः’ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો;....

આ ભગવાન આત્મા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિ કાળથી ચ્યુત થયો છે, ભ્રષ્ટ થયો છે. પોતાનો ત્રિકાળ ધ્રુવ પ્રવાહ પડયો છે, પોતાની આખી વસ્તુ ત્રિકાળ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરી પડી છે તેનાથી તે પર્યાયમાં ચ્યુત થયો છે. ધ્રુવનો-વિજ્ઞાનઘન વસ્તુનો-એકરૂપ પ્રવાહ તો એમનો એમ છે. એમાંથી તે જરા પર્યાયમાં અનાદિથી ભ્રષ્ટ થયો છે. તેને, કહે છે-દૂરથી જ એટલે કે એકદમ પુરુષાર્થથી વિવેકરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો.


PDF/HTML Page 1430 of 4199
single page version

કળશટીકામાં રાજમલજીએ ‘વિવેક-નિમ્નગમનાત્’ એ પદનો આમ અર્થ કર્યો છે કે- ‘‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો જે નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.’’ અહા! જ્ઞાનનો સમૂહ એવો ભગવાન આત્મા અનાદિથી પર્યાયમાં રાગાદિમાં ચાલ્યો ગયો છે; તેને ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ વાળવામાં આવ્યો-એમ કહે છે.

જુઓ, વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો હતો તે કર્મના કારણે ચ્યુત થયો હતો એમ નથી. દર્શનમોહનીય કર્મના કારણે ભ્રષ્ટ થયો હતો એમ નથી કહ્યું. કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતાના ઊંધા પુરુષાર્થથી જ પોતે ચ્યુત થયો હતો, કર્મને લીધે નહિ. અનાદિથી જ ભ્રષ્ટ થયેલો છે ત્યાં કર્મનું શું કામ છે? લોકોના આ જ વાંધા છે કે કર્મને લઈને રાગાદિ ભાવ થાય. પણ ભાઈ! સમાધાન એમ છે કે પોતે જ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિથી ભ્રષ્ટ થયેલો છે. જડકર્મ તો પરદ્રવ્ય છે. જડની પર્યાય તો નિશ્ચયથી આત્માને અડતી જ નથી. એકબીજામાં બન્નેનો અભાવ છે.

અનાદિથી પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો હતો તેને દૂરથી જ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ ભણી બળથી વાળવામાં આવ્યો. પોતાનો પુરુષાર્થ રાગથી ખસીને સ્વભાવ તરફ વળ્‌યો એટલે વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવ્યો એમ કહ્યું છે. દર્શનમોહકર્મનો અભાવ થયો માટે સ્વભાવ તરફ વળ્‌યો એમ નથી. ‘निज–ओघं बलात् नीतः’ એમ કહ્યું છે. પોતે જ સ્વભાવથી ભ્રષ્ટ થઈને રાગના વલણમાં રહ્યો હતો, તે પોતાના અંતર-પુરુષાર્થથી ભેદજ્ઞાન પ્રગટ કરીને આત્મા તરફ વળ્‌યો. રાગનું વલણ છોડીને, રાગથી ભિન્ન પડી વિવેકરૂપી નિજ બળથી આત્માને આત્મામાં વાળ્‌યો. પોતાના બળથી પોતે જ પોતા તરફ દોરાઈ ગયો, ઢળી ગયો. આ મૂળ મુદની રકમની વાત છે.

વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયેલો તે પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો. ભગવાન આત્મા સ્વ-સ્વરૂપથી ભ્રષ્ટ થઈને અનેક પ્રકારના રાગની વિકલ્પજાળમાં ભમતો હતો. અસંખ્ય પ્રકારના વિકલ્પો છે, અને સૂક્ષ્મપણે અનંત પ્રકારના વિકલ્પોની જાળમાં પોતે પોતાથી ભ્રષ્ટ થઈને ભમતો હતો. દયા, દાન, વ્રત આદિ અને હિંસા, જૂઠ, ચોરી આદિ પુણ્ય- પાપરૂપ અનેક પ્રકારના શુભાશુભ વિકલ્પોની વા અનેક પ્રકારના નયવિકલ્પોની ઇન્દ્રજાળમાં પોતે સ્વભાવથી દૂર ભમતો હતો. તેને દૂરથી જ એટલે કે રાગમાં ભળ્‌યા વિના, રાગમાં જોડાયા વિના આમ સ્વભાવ તરફ જોડી દીધો; ભેદજ્ઞાન વડે પ્રાપ્ત પોતાના બળથી પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વાળી દીધો. ખૂબ ગંભીર વાત છે, ભાઈ!

અહો! જેમ મંદિરના શિખર ઉપર સોનાના કળશ ચઢાવે છે તેમ અમૃતચંદ્રાચાર્યદેવે આ પરમાગમના શિખર ઉપર અમૃતના કળશ ચઢાવ્યા છે!


PDF/HTML Page 1431 of 4199
single page version

હવે કહે છે-‘तद्–एक–रसिनाम्’ કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને ‘विज्ञान– एक–रसः आत्मा’ જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, ‘आत्मानम् आत्मनि एव आहरन्’ આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનમાં ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને), ‘सदा गतानुगतताम् आयाति’ સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.

અહાહા...! વિજ્ઞાનઘનના રસીલા પુરુષોને આત્મા વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. રસ એટલે સ્વભાવ, શક્તિ. આત્માના રસિક પુરુષો પોતાને વિજ્ઞાનસ્વભાવમય જ અનુભવે છે. આવો આત્મા ઘણા વિકલ્પોની જાળમાં ભમતો હતો ત્યાંથી છૂટીને સ્વરૂપમાં ઢળતાં તે એક વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.

કરવાનું તો આ છે, ભાઈ! બહારની સંપદા એ તો બધી આપદા છે. આ તો અંદર આનંદની સંપદાથી ભરેલો આનંદઘન પ્રભુ આત્મા છે એનો અનુભવ કરવાની વાત છે. આત્માના રસિક પુરુષોને જે એકલો આનંદરસમય અનુભવાય છે તે આત્માને અનુભવવાની વાત છે. આવો આત્મા આત્માને આત્મામાં જ ખેંચતો થકો સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. આત્માને આત્મામાં જ ખેંચતો એટલે પર્યાયને આત્મા તરફ વાળતો એમ સમજવું. વિકલ્પ જે રાગ હતો તે અનાત્મા હતો. ત્યાંથી ખસીને પર્યાય આત્મા ભણી વાળીને પોતે શુદ્ધ ચૈતન્યપણે પરિણમતો સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. જે નિર્મળ પરિણતિ થઈ તે દ્રવ્યમાં ભળી ગઈ. નિર્વિકલ્પ દશાથી આત્મા તરફ ગયો તેને આત્માને આત્મામાં ખેંચતો-એમ કહ્યું છે. ભાઈ! આ તો સમયસાર છે! દ્રવ્યાનુયોગનું કથન બહુ સૂક્ષ્મ અને ગંભીર છે. નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ, ભળી ગઈ એનું નામ સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે અને એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. જે છે, છે, ને છે એવો સદા વિજ્ઞાનઘનસ્વભાવ આત્મા છે. તેમાં પરિણતિ એકાગ્રપણે સ્થિત થઈ એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. અહીં ચારિત્રની વાત નથી. આ તો ચોથા ગુણસ્થાનની સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વાત છે.

ભાઈ! તને સૂક્ષ્મ પડે તોપણ માર્ગ તો આ જ છે. અરે! અનાદિકાળથી હેરાન-હેરાન થઈને ચાર ગતિમાં રખડે છે. અનંતકાળમાં અનંત અનંત ભવ કરીને તું દુઃખી જ દુઃખી થયો છે. પૂર્વે અનંત દુઃખ તેં સહન કર્યાં છે. બાપુ! હવે પાછો વળ અને તારા વિજ્ઞાનઘનસ્વભાવમાં જા. પરમાં અને રાગમાં તું નથી; ત્યાંથી વળી જા અને તારી અનાકુળ આનંદઘનસ્વરૂપ ચીજમાં ભળી જા. બસ, એ જ દર્શન અને જ્ઞાન છે અને એ જ મોક્ષનો ઉપાય છે.

* * *

PDF/HTML Page 1432 of 4199
single page version

* કળશ ૯૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.’

પાણી પોતાના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં ભમે, અને પછી ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવીને મળી જાય છે. તેવી રીતે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી બહાર નીકળી અનાદિથી મિથ્યાત્વના માર્ગે વિકલ્પરૂપી વનમાં ભમે છે. દયા, દાન અને કામ, ક્રોધ આદિ જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે મારા છે એમ જે માને તે અજ્ઞાની મિથ્યાત્વના માર્ગે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવરૂપ છે. રાગાદિ વિકલ્પ એની ચીજ નથી, એના સ્વરૂપમાં નથી. છતાં રાગાદિ ભાવ મારા છે એમ જે માને તે મિથ્યાત્વના માર્ગે છે; તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈને એટલે કે બહાર નીકળીને પુણ્ય-પાપરૂપ અનેક વિકલ્પોના વનમાં ભમે છે. પરની દયા પાળું, પરને સહાય કરું, પરને જીવાડું, પરને મારું-એવા અનેક પ્રકારના વિકલ્પોના વનમાં જીવ મિથ્યાત્વના માર્ગે પરિભ્રમણ કરે છે.

અજ્ઞાની સ્વભાવથી બહાર નીકળી મિથ્યાત્વના માર્ગે અનેક વિકલ્પોના વનમાં ભ્રમણ કરી રહ્યો છે. પુણ્ય-પાપના વિકલ્પ જે પોતાની ચીજ નથી તેને પોતાની માનતો થકો તે બહિરાત્મા છે. અહીં હવે તે બહિરાત્મપણું છોડી કેવી રીતે સમ્યક્ત્વના માર્ગે પડી પોતાના સ્વભાવમાં આવી મળે છે તે બતાવે છે. કહે છે-ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ‘વિવેક-નિમ્નગમનાત્’ એમ શ્લોકમાં પાઠ છે એનો અર્થ એ કે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતે પોતાના જ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ઢાળવાળો માર્ગ એટલે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ-એમ અર્થ છે.

વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા ચૈતન્યતત્ત્વ છે. શુભાશુભ રાગાદિ ભાવ છે તે પુણ્ય અને પાપતત્ત્વ છે. અજ્ઞાની પોતાના ચૈતન્યતત્ત્વને પુણ્ય-પાપ તત્ત્વરૂપ માનીને અનાદિથી વિકલ્પના વનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેણે પોતાના ચૈતન્યતત્ત્વને છોડી દીધું છે. પણ હવે તે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા અંતરમાં સ્વભાવસન્મુખ થાય છે. જે વિકલ્પ ઊઠે છે એનાથી એણે ભેદ કર્યો છે કે આ રાગ તે હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યતત્ત્વ છું, વિજ્ઞાનઘનસ્વભાવમય છું આ પ્રમાણે વિવેક અર્થાત્ ભેદજ્ઞાન કરીને, ઢાળવાળા ગંભીર માર્ગ દ્વારા, પોતે જ પોતાને


PDF/HTML Page 1433 of 4199
single page version

ખેંચતો અર્થાત્ પોતાની પરિણતિને પોતાના તરફ વાળતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.

રાગથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વભાવને જાણીને પોતાની નિર્મળ જ્ઞાનની પર્યાય દ્વારા પોતાના પુરુષાર્થથી અંતરસ્વભાવમાં ગતિ કરે છે. રાગથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાયને અંતરસ્વભાવ સાથે જોડી દે છે.

પ્રશ્નઃ– જ્ઞાનીને પણ વિકલ્પ તો આવે છે?

ઉત્તરઃ– હા, જ્ઞાનીને વિકલ્પ આવે છે તેને તે પોતાની ચીજ નથી એમ જાણે છે. જ્ઞાની વિકલ્પના સ્વામિત્વપણે પરિણમતો નથી. જ્ઞાની જે વિકલ્પ આવે છે તેનો કર્તા થતો નથી. સમયસાર નાટકમાં કહ્યું છે કે-

‘‘કરૈ કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનહારા;
જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.’’

અહાહા...! વીતરાગ પરમેશ્વરે મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિના માર્ગ સાવ ભિન્ન કહ્યા છે. શુભાશુભ રાગ છે તે ખરેખર પુદ્ગલમય પરિણામ છે. તેને પોતાના માની અજ્ઞાની ગહન વિકલ્પ-વનમાં પરિભ્રમણ કરે છે; જ્યારે જ્ઞાની રાગ અને વિકલ્પથી ભિન્ન પોતાની જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે એમ જાણી સ્વભાવ ભણી ગતિ કરી સ્વભાવમાં જઈને મળે છે. ભેદજ્ઞાનરૂપી જે ગંભીર ઢાળવાળો માર્ગ છે તે અંદર સ્વભાવમાં જતો માર્ગ છે અને જે વિકલ્પ છે તે બહાર પર તરફ જતો માર્ગ છે. ભેદજ્ઞાન વડે જેને સ્વભાવનો આશ્રય થાય છે તે વિકલ્પથી ભિન્ન પડી ગયો હોય છે અને તેથી તે વિકલ્પનો કર્તા થતો નથી. અજ્ઞાની દયા, દાન, વ્રત આદિ શુભ વિકલ્પોને પોતાનું સ્વરૂપ માની, વિકલ્પનો કર્તા થઈ, નિજ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈને વિકલ્પવનમાં ચિરકાળ પરિભ્રમે છે.

મોક્ષમહેલનું પ્રથમ સોપાન સમ્યગ્દર્શન છે. રાગથી ભિન્ન થઈ, ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં એકાકાર થઈ પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન છે અને તે મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે. શુભાશુભ રાગથી ભિન્ન નિજ ચૈતન્યતત્ત્વનો આશ્રય કરીને જેણે સ્વરૂપની પરિણતિ પ્રગટ કરી છે તે સમકિતી જીવ રાગનો કર્તા નથી; કેમકે રાગથી ભિન્ન તે નિર્મળદશારૂપે પરિણમે છે, રાગને તે પોતામાં ભેળવતો જ નથી. જ્યારે અજ્ઞાની જીવ આ શરીર, મન, વાણી મારાં, હું પરને જીવાડું, સુખી-દુઃખી કરું ઇત્યાદિ અનેક વિકલ્પની જાળમાં ગુંચાઈ જઈને સંસારવનમાં દીર્ઘ પરિભ્રમણ કરે છે. કયારેક તે ભેદજ્ઞાન માર્ગ દ્વારા રાગથી અને પરથી ખસીને બળપૂર્વક પુરુષાર્થ વડે પોતાની પરિણતિને સ્વભાવ ભણી વાળી ચૈતન્યસ્વભાવમાં જોડી દે છે ત્યારે તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. અહો! ભગવાન શ્રી જિનેશ્વરદેવે અને દિગંબર સંતોએ કહેલો આ કોઈ દિવ્ય અલૌકિક માર્ગ છે!


PDF/HTML Page 1434 of 4199
single page version

હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ-

* કળશ ૯પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘विकल्पकः परं कर्ता’ વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે. વિકલ્પ એટલે જે રાગ ઉત્પન્ન થાય છે તેનો કરનાર જ કેવળ કર્તા છે. બીજો કોઈ કર્તા નથી. પોતાને વિકલ્પનો કર્તા માને તે મિથ્યાદ્રષ્ટિ જીવ જ વિકલ્પનો કેવળ કર્તા છે; અને વિકલ્પનો ભેદ કરી ભેદજ્ઞાન કરનાર, જાણનાર જ્ઞાની જ્ઞાતા છે, ધર્મી છે. અહા! રાગનો કર્તા થાય તે કેવળ કર્તા છે (જ્ઞાતા નથી). શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો કર્તા તો આત્મા છે જ નહિ. પરની દયા કરવી કે હિંસા કરવી-એ ત્રણકાળમાં આત્મા કરતો નથી, કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થાનો આત્મા કદીય કર્તા નથી. અજ્ઞાનપણે તે રાગનો કર્તા થાય છે અને ત્યારે તે રાગનો કેવળ કર્તા છે. આ સિવાય આત્મા જડકર્મનો કર્તા નથી અને જડ દ્રવ્યકર્મ રાગનું કર્તા નથી. અજ્ઞાનપણે રાગને કરનાર મિથ્યાત્વી જીવ રાગનો કેવળ કર્તા છે. લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ ભાઈ! જન્મ-મરણરહિત થવાનો આ એક જ માર્ગ છે.

વીતરાગ માર્ગ વીતરાગસ્વરૂપ જ છે, તે રાગથી કેમ ઉત્પન્ન થાય? રાગથી ઉત્પન્ન થાય તે બીજી ચીજ છે, વીતરાગમાર્ગ નથી. અહીં તો કહે છે કે રાગનો કરવાવાળો કેવળ એટલે એકલો કર્તા છે. હવે કહે છે-

‘विकल्पः केवलं कर्म’ વિકલ્પ જ કેવળ કર્મ છે. જુઓ, આ વીતરાગ પરમેશ્વર દેવાધિદેવ જિનેન્દ્રદેવનો હુકમ છે. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા ‘ણમો અરિહંતાણં’ પદમાં બિરાજે છે. તેમની દિવ્યધ્વનિ ત્યાં નિરંતર છૂટી રહી છે. સંવત ૪૯માં શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે-આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવા છતાં જ્યાંસુધી રાગનો કર્તા થાય ત્યાંસુધી તે એકલો કર્તા છે, અને તે રાગ તેનું કેવળ કર્મ છે. અજ્ઞાનીનું રાગ એકલું કાર્ય છે. પરના કાર્યનો કર્તા તો આત્મા છે નહિ, તેથી રાગનો કર્તા થનાર અજ્ઞાનીનું કેવળ રાગ કર્મ છે. આવું વસ્તુસ્વરૂપ છે; તેના ભાન વિના અનાદિ કાળથી અજ્ઞાની મૂઢ થઈને ચાર ગતિમાં રૂલે છે.

ભગવાન આત્મા સદા જિનપદરૂપ છે, સિદ્ધપદરૂપ છે; અત્યારે પણ હોં! વર્તમાનમાં પણ તે વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વરૂપથી વીતરાગ ન હોય તો વીતરાગતા પ્રગટશે કયાંથી? વીતરાગતા કાંઈ બહારથી આવતી નથી. આવા વીતરાગસ્વભાવને ભૂલીને પોતાને રાગનો કર્તા માને, રાગને પોતાનું કર્મ માને તેને આત્માની શાંતિ બળી રહી છે, દાઝી રહી છે. ભગવાન આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. તેનાથી ભ્રષ્ટ થઈને જે


PDF/HTML Page 1435 of 4199
single page version

રાગનો કર્તા થાય તેનું રાગ એકલું કાર્ય છે. મિથ્યાદ્રષ્ટિનું રાગ એકલું કાર્ય છે, પછી ભલે તે શ્રાવકપદ ધરાવતો હોય કે મુનિપદ ધરાવતો હોય. છહઢાલામાં આવે છે કે-

‘‘મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયૌ;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયૌ.’’

અહા! એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં, પંચમહાવ્રત અને અટ્ઠાવીસ મૂલગુણનું અનંતવાર પાલન કર્યું; પણ તે બધું શુભરાગના કેવળ કર્તા થઈને કર્યું તેથી કેવળ રાગ તેનું કર્મ થયું, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું. પરિણામે તેને લેશમાત્ર આત્માનું સુખ ન મળ્‌યું. પંચમહાવ્રતના પરિણામ પણ તેને દુઃખરૂપ બોજારૂપ થયા. ભાઈ! વીતરાગના માર્ગ સિવાય આવી સત્ય વાત બીજે કયાંય નથી. અહો! દિગંબર સંતોએ મોક્ષમાર્ગ અતિ અતિ સ્પષ્ટ ખોલી દીધો છે, સુગમ કરી દીધો છે. હવે કહે છે-

‘सविकल्पस्य’ જે જીવ વિકલ્પસહિત છે તેનું ‘कर्तृकर्मत्वं’ કર્તાકર્મપણું ‘जातु नश्यति न’ કદી નાશ પામતું નથી. વિકલ્પ મારી ચીજ છે એમ જે વિકલ્પસહિત હોય તેને ‘હું વિકલ્પનો કર્તા અને વિકલ્પ મારું કાર્ય’ -એવું કર્તાકર્મપણું અવિરત ચાલ્યા જ કરે છે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન કદી પ્રગટ થતું નથી.

ત્યારે કોઈ કહે છે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; તેને અહીં કહે છે-ન થાય. જે રાગનો કર્તા થાય તેનું રાગ જ કેવળ કર્મ છે અને તેનું કર્તાકર્મપણું નાશ પામતું નથી. ભાઈ! જેનાથી ભિન્ન પડવું છે, જેનાથી ભેદજ્ઞાન કરવું છે તે રાગથી ધર્મ કેમ થાય? ન થાય. ભલે આ વાત દુર્ગમ લાગે તોપણ માર્ગ તો આ જ સત્ય છે કે ભગવાન આત્મા રાગથી કદી પ્રાપ્ત થતો નથી; વ્યવહારથી નિશ્ચય કદી પ્રગટતો નથી. પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છે તેને છોડીને હું રાગવાળો છું, રાગમય છું એમ જે માને તેને રાગનું કર્તાકર્મપણું કદી મટતું નથી.

ત્યારે કોઈ કહે-અમે તો મોટાં મોટાં વેપારનાં-ઝવેરાત આદિનાં કામ કરીએ અને અમારી હોશિયારીથી ખૂબ ધન કમાઈએ-એ તો કામ અમે કરીએ છીએ ને?

સમાધાનઃ– ધૂળેય તું ધન કમાતો નથી, સાંભળને; એ ધન તો પૂર્વનાં પુણ્ય હોય તો આવે છે. તું તો માત્ર રાગની-મોહની મજૂરી કરે છે અને હું કમાઉં છું એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. પહેલાં કહ્યું ને કે પરદ્રવ્યનું કાર્ય અજ્ઞાની પણ કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થા તે તે દ્રવ્યથી પોતાથી થાય છે. પોતાની પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા કરનાર પોતાનું દ્રવ્ય છે, તેને બીજું દ્રવ્ય કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. તું વેપારની બાહ્ય ક્રિયા અને ધન કમાવાનું કામ કરે છે એ વાત તદ્ન અસત્ય છે; હા, અજ્ઞાનવશ તેવા રાગનો કર્તા થઈ મિથ્યાત્વને સેવે છે, પણ તેનું ફળ બહુ આકરું આવશે. ભાઈ! મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ છે.


PDF/HTML Page 1436 of 4199
single page version

વળી તું ધન કમાવામાં પોતાની હોશિયારી માને છે પણ હોશિયારી તો જ્ઞાનનો ક્ષયોપશમ છે. તે શું પરદ્રવ્યમાં ઘુસી જાય છે? ના, કદીય નહિ. તો પરના કાર્યમાં તારો ક્ષયોપશમ શું કરે? કાંઈ નહિ. ધનના-પૈસાના પરમાણુઓ જે તે કાળે યથાસમયે ધનરૂપ થઈ જમા થઈ જાય છે એમાં તારું કે તારી હોશિયારીનું કાંઈ કાર્ય નથી. કોઈ દ્રવ્ય કોઈ પરદ્રવ્યનું કાર્ય કરે એવું વસ્તુસ્વરૂપ જ નથી.

પોતાના જ્ઞાતાસ્વભાવની દ્રષ્ટિ છોડીને રાગનો કર્તા થાય તે જ કેવળ એક કર્તા છે, બીજો કોઈ તેનો કર્તા નથી. રાગનો કરનારો જીવ પણ કર્તા, અને નિમિત્ત પણ કર્તા-એમ બે કર્તા નથી. (બે પ્રકારે કથન છે.)

આત્મામાં કર્તા, કર્મ નામની શક્તિ છે. પોતાની નિર્મળ પર્યાયનો આત્મા કર્તા અને નિર્મળ પર્યાય તેનું કર્મ-એવી ત્રિકાળ શક્તિ છે. જેમ જીવમાં જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ છે તેમ કર્તા, કર્મ પણ સ્વભાવ છે. તેનું કાર્ય શું? કે નિર્મળ પરિણતિનો જીવ કર્તા અને નિર્મળ પરિણતિ તેનું કર્મ હોય એ તેનું કાર્ય છે. ૪૭ શક્તિઓમાં અુશદ્ધતાની વાત જ લીધી નથી. કોઈ શક્તિમાં અશુદ્ધતા છે જ નહિ. દરેક દ્રવ્યમાં ગુણો અક્રમે છે અને પર્યાયો ક્રમસર એક પછી એક થાય છે. દ્રવ્યમાં ત્રિકાળી દ્રવ્ય અને અનંતશક્તિઓ અક્રમે છે અને નિર્મળ પર્યાય ક્રમસર ઉત્પન્ન થાય છે. આ નિર્મળ પરિણમન તે જીવનું કાર્ય છે; રાગ જીવનું કાર્ય નથી અને જીવ રાગનો કર્તા નથી.

જ્ઞાનીને રાગ થાય છે પણ તેનો કર્તા જ્ઞાની નથી. પરંતુ રાગ સંબંધી જે જ્ઞાન પોતામાં પોતાથી ઉત્પન્ન થાય છે તે જ્ઞાનનો તે કર્તા છે. જ્ઞાનીને રાગ થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર જ્ઞાનીને પોતાનું જ્ઞાન અને રાગનું જ્ઞાન વર્તમાન જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં પોતાથી ક્રમબદ્ધ થાય છે, પોતાની શક્તિનું સહજ આવું કાર્ય છે. આવું સમજ્યા વિના કોઈ પુણ્યના ફળમાં મોટો દેવ થાય વા અબજોપતિ શેઠ થાય, પણ તે બિચારો દુઃખી છે. જેને લૌકિકમાં સુખી કહે છે તેઓ મોહભાવને લીધે વાસ્તવમાં દુઃખી જ છે.

જુઓ, આ ધૂળપતિઓની (લક્ષ્મીવંતોની) બહારની લક્ષ્મી છે તે અજીવ તત્ત્વ છે અને લક્ષ્મીનો જે રાગ-આસક્તિ છે તે આસ્રવ તત્ત્વ છે; તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. પરંતુ આ અજીવ લક્ષ્મી અને તેના પ્રત્યેનો રાગ જે આસ્રવ તત્ત્વ તે મારાં છે એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેને રાગનું-આસ્રવનું-કર્તાકર્મપણું કદી મટતું નથી.

અહાહા...! પ્રભુ! તું ભગવાન છો ને! ભગ કહેતાં જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોથી ભરેલી સ્વરૂપલક્ષ્મી; અને એનો તું સ્વામી એવો ભગવાન છો. પ્રભુ! તારાં સ્વરૂપસંપદાનાં અનંતાં અખૂટ નિધાન છે. તે તરફ અંતર્મુખ થઈ અંતર્દ્રષ્ટિ કર. રાગથી


PDF/HTML Page 1437 of 4199
single page version

ખસીને અંતર્દ્રષ્ટિ કરતાં તને તારી સ્વરૂપસંપદા પ્રાપ્ત થશે. પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ કેમકે તારી ચૈતન્યસંપદા અનંત શાંતિનું કારણ છે.

* કળશ ૯પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્યાંસુધી વિકલ્પભાવ છે ત્યાંસુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે.

બહુ થોડામાં ખૂબ ગંભીર વાત કરી છે. જ્યાંસુધી વિકલ્પનો ભાવ મારો છે એમ માને ત્યાંસુધી કર્તાકર્મભાવ છે. પરંતુ વિકલ્પથી ભિન્ન મારો તો જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવ છે એમ ભેદજ્ઞાન- વિવેક પ્રગટ કરે ત્યારે કર્તાકર્મભાવનો અભાવ થઈ જાય છે અને ત્યારે અંતરમાં ધર્મ પ્રગટ થાય છે.

* * *

જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છેઃ-

* કળશ ૯૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यः करोति सः केवलं करोति’ જે કરે છે તે કેવળ કરે જ છે ‘तु’ અને ‘यः वेत्ति सः तु केवलम् वेत्ति’ જે જાણે છે તે કેવળ જાણે જ છે; ‘यः करोति सः क्वचित् न हि वेत्ति’ જે કરે છે તે કદી જાણતો નથી ‘तु’ અને ‘यः वेत्ति सः क्वचित् न करोति’ જે જાણે છે તે કદી કરતો નથી.

જે કર્તા છે તે કેવળ કર્તા જ છે અને જે જાણે છે તે કેવળ જાણે જ છે. કહ્યું છે ને (સમયસાર નાટકમાં)

‘‘કરૈ કરમ સોઈ કરતારા, જો જાનૈ સૌ જાનનહારા;
જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.’’

અજ્ઞાની રાગ મારો છે એવું માને છે, તે કર્તા જ છે. જે જ્ઞાની છે તે જાણે જ છે, તે રાગના જાણનાર જ છે. રાગને અને પોતાને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય દ્વારા માત્ર જાણે જ છે. કથંચિત્ જાણે છે અને કથંચિત્ રાગને કરે છે એમ નથી. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! કોઈ માગણ કહેતા હોય છે-‘‘દાદા! બીડી આપજો, એક દિવાસળી આપજો; તમને ધર્મ થશે.’’ ધર્મ આવી ચીજ નથી, ભાઈ! અજ્ઞાની કહે છે કે પરની દયા પાળવી તે ધર્મ, પૈસા દાનમાં આપે તે ધર્મ; પણ ભાઈ ધર્મનું આવું સ્વરૂપ નથી. ધર્મ શું ચીજ છે તેને જાહેર કરતાં દિગંબર સંતો કહે છે-જે કર્તા છે તે કેવળ કર્તા જ છે. રાગનો કર્તા છે તે માત્ર કર્તા જ છે. તેનો તે કર્તા પણ છે અને જાણનાર પણ છે એવું સ્વરૂપ નથી.

પ્રભુ! તું વિજ્ઞાનઘનસ્વરૂપ છો ને! જગતથી તદ્ન ભિન્ન તું જગદીશ છો ને!


PDF/HTML Page 1438 of 4199
single page version

રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. એ જગતથી ભિન્ન, એનો જાણનાર દેખનાર તું જગદીશ છો. પરને જીવાડી શકે વા મારી શકે એવું ભગવાન! તારું સ્વરૂપ નથી. શું તું પરને આયુષ્ય દઈ શકે છે? ના; માટે તું બીજાને જીવાડી શકતો નથી. શું તું પરનું આયુષ્ય હરી શકે છે? ના; માટે તું પરને મારી શકતો નથી. ભાઈ! આવું જ સ્વરૂપ છે.

લૌકિકમાં કોઈની ચીજ કોઈ હરી લે તો તે ચોર કહેવાય. તેમ પોતાના ચૈતન્યસ્વરૂપમાં જે ચીજ નથી તેને પોતાની માનવી તે ચોરી છે. બીજાની ચીજને પોતાની માને તે ચોર છે. રાગ ચીજ પોતાની નથી તેને પોતાની માને તે ચોર છે. બનારસીદાસે કહ્યું છે કે-

‘‘સત્તાકી સમાધિમૈં વિરાજી રહૈ સોઈ સાહુ,
સત્તાતૈં નિકસિ ઔર ગહૈ સોઈ ચોર હૈ.’’

પોતાની ચૈતન્યસ્વરૂપ સત્તાથી બહાર જઈ રાગનો કર્તા થાય તે ચોર છે.

અહીં કહે છે-રાગનો જે કર્તા થાય તે કર્તા જ છે; તે કર્તા પણ છે અને જ્ઞાતા પણ હોય એમ કદી હોઈ શકે નહિ. કર્તાપણું અને જ્ઞાતાપણું બે સાથે રહી શકે નહિ. જે કર્તા છે તે એકલો કરનાર જ છે, તેને જ્ઞાતાપણું નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. રાગનો કર્તા પણ થાય અને એનો જ્ઞાતા પણ રહે એમ કદીય બની શકે નહિ.

જ્ઞાની રાગના કર્તા નથી. રાગ છે તે નિશ્ચયથી પુદ્ગલના પરિણામ છે. રાગને પુદ્ગલના પરિણામ કેમ કહ્યા? કારણ કે રાગ આત્માના ચૈતન્યસ્વરૂપમાં નથી તથા તે પુદ્ગલના નિમિત્તે થાય છે માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. આત્માના ચૈતન્યસ્વભાવથી રાગ વિરુદ્ધ ભાવ છે. તેથી રાગને અચેતન, અજીવ અને પુદ્ગલનો ભાવ કહ્યો છે. ૭૨મી ગાથામાં રાગને અશુચિ, જડ અને દુઃખનું કારણ કહેલ છે.

આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ પ્રભુ છે. તે દુઃખનું અકારણ છે. આત્મા રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. વ્યવહારનો રાગ છે તો સમકિત થયું એમ રાગનું આત્મા કાર્ય નથી. તેવી રીતે આત્મા રાગનું કારણ નથી, આત્મા રાગનો કર્તા નથી.

વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ કેટલાક માને છે પણ વ્યવહારથી જો નિશ્ચય થાય તો સમ્યગ્દર્શન રાગનું કાર્ય સિદ્ધ થશે. પણ એમ છે નહિ, કેમકે વીતરાગતા તે વળી રાગનું કાર્ય કેમ હોય? ધર્મી જીવ રાગનો માત્ર જાણનાર જ છે. જેને પોતાના શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો તે રાગનો માત્ર જાણનાર જ છે. જાણનાર પણ છે અને રાગનો કરનાર પણ છે એમ નથી. જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું બે સાથે હોઈ શકતાં


PDF/HTML Page 1439 of 4199
single page version

નથી. જ્ઞાતા જ્ઞાતા જ છે, કર્તા નથી. સમ્યગ્દ્રષ્ટિ રાગનો જાણનાર છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો રાગ સંબંધીનું જે પોતાનું જ્ઞાન છે તેનો તે જાણનાર છે. આ પ્રમાણે તે જાણનાર જ છે, કર્તા નથી.

* કળશ ૯૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી.’

ઓહોહોહો...! એક લીટીમાં ઘણું ભરી દીધું છે. શું કહે છે? સદા વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ છોડીને શુભાશુભ રાગનો કર્તા થાય તે જ્ઞાતા ન હોઈ શકે. સ્વરૂપની દ્રષ્ટિ રહિત અજ્ઞાની જીવ અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે અને અશુદ્ધ પરિણામ જ કેવળ તેનું કર્મ બને છે. અશુદ્ધતા જ અજ્ઞાનીનું કર્મ છે, એ સિવાય બીજું કોઈ એનું કર્મ નામ કાર્ય નથી; તથા અશુદ્ધતા છે તે બીજા કોઈનું પણ કર્મ નથી.

પ્રશ્નઃ– તો શ્રી સમંતભદ્રાચાર્યદેવે કાર્યમાં બે કારણ કહ્યાં છે ને?

ઉત્તરઃ– હા, કાર્ય થવામાં બે કારણ કહ્યાં છે, પણ ત્યાં તો પ્રમાણજ્ઞાન કરાવવા માટે જોડે બીજી ચીજ નિમિત્ત છે એની વાત કરી છે. પણ નિમિત્ત છે તે કાંઈ વાસ્તવિક કારણ નથી. પરમાર્થે વાસ્તવિક કારણ તો એક (ઉપાદાન) જ છે. પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-મોક્ષમાર્ગ બે નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. હવે મોક્ષનો માર્ગ કહો, કારણ કહો કે ઉપાય કહો-એ બધું એક જ છે. મોક્ષના કારણનું નિરૂપણ બે પ્રકારે છે. વાસ્તવિક કારણ તો એક જ છે. બીજું કારણ તો સહચર નિમિત્ત દેખીને આરોપથી કહ્યું છે. બે કારણની વાત જે શાસ્ત્રમાં કહી છે ત્યાં તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે-એમ સમજવું, પણ નિમિત્ત પણ વાસ્તવિક કારણ છે એમ ન માનવું.

અહીં કહે છે-રાગ છે તે બહિર્મુખ ભાવ છે, તે ચૈતન્યના સ્વરૂપભૂત નથી. તેનો જે કર્તા થાય છે તે જ્ઞાતા હોઈ શકે નહિ. રાગનો રચનારો છે તે કર્તા જ છે, તે જ્ઞાતાપણે રહી શકે નહિ. તથા પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માનું જેને સ્વાશ્રયે ભાન થયું છે એ જ્ઞાની તો જ્ઞાતા જ છે, તે રાગનો કર્તા થતો નથી.

રાગદ્વેષના પરિણામ થાય તે આત્માનો ધર્મ નથી; રાગદ્વેષના પરિણામ થાય તે ભાવમનનો ધર્મ છે અને દ્રવ્યમન તેમાં નિમિત્તમાત્ર છે. પુણ્ય-પાપના ભાવ તે આત્માનો ધર્મ નથી. સંકલ્પ-વિકલ્પરૂપ વિકૃત અવસ્થા તે મનનું કાર્ય છે. તેને પોતાનું કર્તવ્ય માનીને જે કર્તા થાય છે તે એનાથી ભિન્ન પડીને જ્ઞાતાપણે રહી શકે નહિ. તથા જે શુદ્ધ ચૈતન્યતત્ત્વ જે અંતઃતત્ત્વ છે તેનો અનુભવ કરીને જ્ઞાતાપણે પરિણમ્યો છે તે રાગનો કર્તા થતો નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. લ્યો, આ કર્તાકર્મની વ્યાખ્યા કરી. હવે ક્રિયાની વાત કરે છે.

* * *

PDF/HTML Page 1440 of 4199
single page version

એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છેઃ-

* કળશ ૯૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘करोतौ अन्तः ज्ञप्ति न हि भासते’ કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી ‘च’ અને ‘ज्ञप्तौ अन्तः करोतिः न भासते’ જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી.

શું કહે છે? જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયા કરે છે તેને જાણવારૂપ મારો સ્વભાવ છે એમ ભાસતું નથી. શુભરાગની ક્રિયા મારી છે એમ જે માને તે જ્ઞાતાપણાની ક્રિયા કરી શકતો નથી. જુઓ, અહીં જડની ક્રિયાની અત્યારે વાત નથી. પુદ્ગલનો કર્તા આત્મા નથી એ વાત પછી કરશે. અહીં તો અત્યારે અશુદ્ધતા અને આત્મા એ બે વચ્ચેની વાત છે. કહે છે-હું રાગની ક્રિયા કરું છું એમ જેને ભાસે છે તેને જાણનક્રિયા છે જ નહિ, છે નહિ એટલે ભાસતી નથી. ગંભીર વાત છે, ભાઈ!

શુભરાગની ક્રિયા હું કરું છું એમ માને એ તો નપુંસકતા છે, કેમકે તે આત્માના વીર્યનું કાર્ય નથી. આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે, શક્તિ છે. જ્ઞાતાપણાની રચના કરવી તે એનું કાર્ય છે, રાગની રચના કરવી તે એનું કાર્ય નથી. રાગની રચના કરે એ તો નપુંસકતા છે. અહીં કહે છે-રાગની ક્રિયા કરવામાં જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી એટલે કે જાણવારૂપ ક્રિયા ત્યાં હોતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી. હોતી નથી એટલે ભાસતી નથી.

લોકો દયા, દાન, વ્રત આદિ બાહ્ય ક્રિયામાં રોકાઈને તેને ધર્મનું સાધન માને છે. પણ બાપુ! આવી માન્યતામાં તને ભારે નુકશાન છે. અહીં આ તારા હિતની વાત છે, આ કાંઈ તારા અનાદર માટે નથી, અહા! અંદર વિજ્ઞાનઘનસ્વભાવમય પ્રભુ પરિપૂર્ણ પરમાત્મા પડયો છે તેનો આદર છોડીને તું રાગની રચનામાં જોડાઈ જાય એ નપુંસકપણું છે, કેમકે તે કાળે શુદ્ધ જ્ઞાનની રચનારૂપ નિર્મળ ક્રિયા હોતી નથી, તેથી જ્ઞાનની ક્રિયા ત્યાં ભાસતી નથી.

રાગની ક્રિયાના કરવાપણામાં જ્ઞાતાપણાનું પરિણમન હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે કે સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન-એવું જે જ્ઞાનનું પરિણમન તે અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું સંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે તેને જ્ઞાનની ક્રિયા કહે છે. જ્ઞાનરૂપે, શ્રદ્ધારૂપે, વીતરાગી શાંતિરૂપે, આનંદરૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. અહીં કહે છે આવી જ્ઞાનની ક્રિયાના કાળમાં (રાગના) કરવારૂપ ક્રિયા ભાસતી નથી. જ્ઞાનની ક્રિયામાં રાગની કરવારૂપ ક્રિયા હોતી નથી; હોતી નથી એટલે ભાસતી નથી.