Pravachansar Pravachano (Gujarati). Date: 08-06-1979,10-06-1979; Gatha: 99.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 44

 

Page 156 of 540
PDF/HTML Page 165 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧પ૬
પ્રવચનઃ તા. ૮–૬–૭૯. તા. ૧૦–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૯૮ ગાથા. (ગઈકાલે વ્યાખ્યા થઈ તેના પછી) પાના ૧૮૪ ‘પ્રથમ તો
સત્થી’ (અહીંથી લેવાનું છે) છે ને...?
(શું કહે છે કેઃ) “દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉત્પન્ન નથી (–બની શકતી નથી, ઘટતી નથી,
યોગ્ય નથી) કે જેના સમવાયથી તે (–દ્રવ્ય) ‘સત્’ હોય. (આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છે).
“પ્રથમ તો સત્થી સત્તાનું યુતસિદ્ધપણા વડે અર્થાંતરપણું નથી.” શું કહે છે? જે દ્રવ્ય છે
દ્રવ્ય. સત્ એટલે દ્રવ્ય. એનાથી સત્તાનું યુતસિદ્ધપણા વડે (અર્થાંતરપણું નથી) દ્રવ્યને અને સત્તાને
સંબંધ છે એવો (યુતસિદ્ધપણાનો) તેથી અર્થાંતરપણું નથી. દાખલો આપશે. શું કીધું સમજાણું...? સત્
છે દ્રવ્ય. આત્મા, પરમાણુ આદિ (દ્રવ્ય). એની જે સત્તા છે એ અર્થાંતરપણું નથી. સત્ જુદું ને સત્તા
જુદી, દ્રવ્ય જુદું ને સત્તા જુદી એમ’ નથી.. આહા...! “કારણ કે દંડ અને દંડીની માફક તેમની
બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી.”
‘લાકડીવાળો’ માણસ. (તેમાં) લાકડી અને માણસ
બેય ભિન્ન છે. એ લાકડીથી ‘લાકડીવાળો માણસ’ એમ બીજી ચીજથી એને સિદ્ધ કરવામાં આવ્યો છે.
એમ સત્ અને સત્તામાં એ રીતે નથી. લાકડીવાળો માણસ એમ સત્તાવાળું સત્ એમ નથી. આહા...
હા...! આવી વાતું છે. વસ્તુની સ્થિતિ વર્ણવે છે. આ તો જ્ઞાન કરાવે છે. આશ્રય કોનો કરવો એ
(વાત) પછી છેલ્લે. આ તો વસ્તુસ્થિતિ શું છે? (તેનું જ્ઞાન કરો એમ કહે છે.) જેમ દંડ અને દંડી બે
જુદી ચીજ છે. છે ને?
“દંડ અને દંડીની માફક તેમની બાબતમાં.” દંડ અને દંડીની માફક તેમના
સંબંધથી “જોવામાં આવતું નથી.” લાકડી કે દંડ અને દંડી ભિન્ન છે. દંડી તો યુતસિદ્ધ સંબંધથી
કહેવામાં આવ્યું છે. દંડનો સંયોગ સંબંધ છે ને...! આહા... હા! એમ આત્મા, દરેક વસ્તુ અને એની
સત્તા એ રીતે નથી. સત્તા સત્સ્વરૂપે જ છે. સત્ સત્ સત્ સત્તાસ્વરૂપે જ છે. સમજાણું કાંઈ...?
આહા...! આવી વાત છે.
(કહે છે કેઃ) “(બીજું,) અયુતસિદ્ધપણા વડે પણ તે (અર્થાન્તરપણું) બનતું નથી.”
‘આમાં આ છે. અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે, એવી પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે એમ કહેવામાં
આવે તો.”
હવે તેના બે પ્રકાર પાડયા છે. શું કહે છે? અયુતસિદ્ધ (સંબંધ) દંડ અને દંડીની પેઠે નહીં.
પણ અયુતસિદ્ધ સત્ છે તે સત્તા છે. સત્ છે ઈ સત્તાવાળું છે એમ. સત્તા છે તેથી સત્ છે. એવું
અયુતસિદ્ધપણા વડે પણ બનતું નથી. જોયું...? ‘આમાં આ છે’ દ્રવ્યમાં સત્તા છે એવી પ્રતીતિ થતી
હોવાથી તે બની શકે છે. એમ કહેવામાં આવે તો “આમાં આ છે” ‘સત્માં સત્તા છે’ એમ કહેવામાં
આવે તો
(પૂછીએ છીએ કે) ‘આમાં આ છે’ એવી પ્રતીતિ શાના આશ્રયે (શા કારણે) થાય
છે...?” દ્રવ્યમાં સત્તા છે. વસ્તુમાં સત્તા એમ કહેવાથી તું શું કહેવા માગે છે...? એમ કહે. ઝીણો...!
(અધિકાર ઝીણો) લોજિકની વાત છે. દ્રવ્યમાં સત્તા (છે) એવી પ્રતીતિ થતી હોવાથી, એમ તું કહેવા
માગે છે. (તો) પૂછીએ કે ‘આમાં આ છે’ એવી પ્રતીતિ શાના આશ્રયે (થાય છે...?) ભેદના
આશ્રયે થાય છે..? દ્રવ્યને સત્તા

Page 157 of 540
PDF/HTML Page 166 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧પ૭
ને ભેદ હોવાને કારણે થાય છે....? સત્ અને સત્તાના ભેદને આમાં આમ છે. “ભેદનો આશ્રયે થાય
છે (અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાના કારણે થાય છે) એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ
કે), ક્યો ભેદ? પ્રાદેશિક કે અતાદ્ભાવિક?
સત્ દ્રવ્ય છે અને સત્તા (છે) બેના પ્રદેશભેદ છે કે
બેયને અતદ્ભાવ છે. સત્તા તે સત્ નહીં અને સત્ તે સત્તા નહીં. એવો અતદ્ભાવ છે, પણ તું એના
પ્રદેશભેદ કહેતો હો તો એ રીતે નથી. આહા... હા... હા...! આકરું! વીતરાગે કહેલા તત્ત્વો, બીજે ક્યાંય
નથી. વીતરાગ સર્વજ્ઞે કહેલું ‘સત્’ તે સત્તાથી યુતસિદ્ધ છે (એટલે કે જોડાઈને સિદ્ધ થયેલું,
સમવાયથી - સંયોગથી સિદ્ધ થયેલું) એમ નથી. સત્ (અને) સત્તા બેય એક જ છે પણ, ‘છે સત્’
અને ‘સત્તા’ અયુતસિદ્ધ કહે છે તો પછી કે’ એમાં ભેદ કઈ રીતે (છે)...? પ્રદેશભેદથી અયુતસિદ્ધ
છે...? કે અતદ્ભાવથી અયુતસિદ્ધ છે...? છે...? (પાઠમાં) “પ્રાદેશિક તો નથી, કારણ કે યુતસિદ્ધપણું
પૂર્વે જ રદ કર્યું છે.”
દ્રવ્ય અને સત્તાના પ્રદેશ જુદા (છે) એમ નથી. આ... રે... આવી વાતું હવે,
વાણિયાને નવરાશ ન મળે..! આહા... હા... હા. ‘સત્’ (કોણ?) છ દ્રવ્ય. તો ઈ દ્રવ્ય ને સત્તા
(ગુણને) ભેદથી તમે કહેતા હો તો કઈ રીતે (છે)? પ્રદેશભેદથી (ભેદ છે) કે અતદ્ભાવભેદથી?
પ્રદેશભેદ તો અમે રદ (એટલે) નથી એમ કહેતા આવ્યા છીએ. કે ‘સત્’ (અર્થાત્) દ્રવ્યને ‘સત્તા’
ના પ્રદેશ જુદા નથી.
(શ્રોતાઃ) આવું બધું સમજવા ઘડ બેસતી નથી. ...! (ઉત્તરઃ) આહા... હા...
હા! વસ્તુસ્થિતિ છે. ઈ જે રીતે વસ્તુ છે ઈ રીતે નહિ જાણે - માને વસ્તુમાં- વિષયમાં વિપરીતતા
થઈ જાય. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે (કહેલી વસ્તુસ્થિતિ છે.) આ ‘જ્ઞેય અધિકાર’ તે સમ્યગ્દર્શનનો
વિષય છે. જ્ઞાન પ્રધાનપણે (કહ્યું છે) આહા... હા...! જે વસ્તુ જે રીતે છે તે રીતે તેને જ્ઞાનમાં
આવવી જોઈએ. આહા...! ઈ તો કહ્યું ને...! કે વાણિયાને નવરાશ ન મળે, આવું છે ભાઈ! નવરાશ
નહીં ને...! (તત્ત્વનો) નિર્ણય કરવાનો વખત ક્યાં છે. ...? રળવું છે. એકાદ કલાક જાય સાંભળવા,
થઈ ગ્યું...!! ભાઈ! અહીંયાં તો વસ્તુ (સ્થિતિ) ભગવાન લોજિક- ન્યાયથી સિદ્ધ કરે છે. આહા...
હા...! સમજાણું...?
(કહે છે કેઃ) ‘સત્’ દ્રવ્ય છે, તે ‘સત્તા’ છે. અને દ્રવ્ય સત્તાને, એ ભેદ એ રીતે તું કહેતો હો
તો (અમે પૂછીએ કે) તે ભેદ પ્રદેશભેદથી કહે છે કે અતદ્ભાવથી ભેદ (કહે) છે? પ્રદેશભેદથી તો
અમે નિષેધ કરતા આવ્યા છીએ.
(શ્રોતાઃ) જ્ઞેયતત્ત્વ અજ્ઞાત છે (ઉત્તરઃ) એથી તો હળવે - હળવે
કહીએ છીએ. છોકરાંને કહ્યું’તું ત્યાં અંદર મેં - ‘બધા લીએ એ તો ખરું’ કે આજ ભઈ ઝીણું આવશે.
આવું કોઈ દી’ બાપદાદે ય સાંભળ્‌યું ન હોય...! રામજીભાઈએ તો સાંભળ્‌યું ય ન્હોતું. હિંમતભાઈએ ય
સાંભળ્‌યું ન્હોતું. શ્રીમદ્ના ભગત. (શ્રોતાઃ) હતું જ ક્યાં...? (આવું તત્ત્વ ક્યાં હતું...?) (ઉત્તરઃ)
કહે છે ભગવાન સર્વજ્ઞ તીર્થંકરે જે પદાર્થ જોયા એ પદાર્થની સ્થિતિ શી છે...? એમાં આવ્યું કે ‘સત્’
છે દ્રવ્ય. તે દ્રવ્ય સત્ છે હયાતીવાળું છે. એ સત્તાને લઈને હયાતીવાળું છે કે સત્તાસહિત હયાતીવાળુ
છે...? આહા...! સત્ ને સત્તાના પ્રદેશભેદ છે કે અયુતસિદ્ધ છે...? એટલે કે એનાથી જોડાણ નથી.
સત્, સત્તાસ્વરૂપે જ છે. સત્તા, સત્સ્વરૂપે જ છે. આહા... હા...! પણ પ્રદેશભેદ કહેતો હો તો (એ છે)
નહીં. પણ અતાદ્ભાવિક કહેવામાં આવે -બોલ છે ને પાંચમો દ્રવ્ય છે તે ગુણ નથી. ને ગુણ છે તે
દ્રવ્ય નથી. (તો અતાદ્ભાવિક ભેદ છે.)
(અહીંયાં કહે છે કેઃ) “અતાદ્ભાવિક કહેવામાં આવે તો તે ઉત્પન્ન જ (–ઉચિત જ) છે,

Page 158 of 540
PDF/HTML Page 167 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧પ૮
કારણ કે ‘જે દ્રવ્ય છે તે ગુણ નથી’ એવું (શાસ્ત્રનું) વચન છે.” આવા દ્રવ્ય - ગુણના ભેદને -
ગુણ- ગુણી ભેદને અતાદ્ભાવિક ભેદ (છે). (એટલે) તે - પણે નહિ હોવું. સત્ છે તે સત્તાપણે
નથી. અને સત્તા, સત્પણે નથી. ગુણ - ગુણીનો ભેદ આમ છે. આહા... હા... હા...! દ્રવ્ય અને
સત્તાનો આવો (અતાદ્ભાવિક) ભેદ કહેવામાં આવે તો તે યોગ્ય છે. પરંતુ સત્તાનો સંબંધ થ્યો માટે
સત્ -દ્રવ્ય છે એમ કહેતો હોય તો, એમ નથી. આહા...! આવું સાંભળવું લ્યો...!
(શ્રોતાઃ) એ તો
પંડિતોને હોય આવું સાંભળવાનું..! (ઉત્તરઃ) પંડિતોને...! ઈ તો હોય, પણ પહેલા, પદાર્થના દ્રવ્ય-ગુણ
ને પદાર્થની પ્રતીતિ કરવી એને માટે છે આ.
આ (‘પ્રવચનસાર’) જ્ઞેય અધિકાર છે. ‘સમ્યગ્દર્શનનો અધિકાર છે’ ૯૨ ગાથામાં જ્ઞાનનો
અધિકાર હતો. ‘આ દર્શનનો અધિકાર છે’ જયસેનઆચાર્યે દર્શનનો અધિકાર કહ્યો છે. (વસ્તુતત્ત્વ)
એને પહેલું કેમ છે એમ જાણે તો ખરો. આહા...! પછી આશ્રય કોનો કરવો એ પછી પ્રશ્ન...! પણ
વસ્તુ કેમ છે...? (એનું જ્ઞાન કરે) એ પછી સત્ ને સત્તાના ભેદનો આશ્રય કરવો એમ નથી (એમ
જાણે). આહા.... હા... હા..!! (સત્ ને સત્તાને) અતદ્ભાવ હોવા છતાં (એટલે) સત્ છે તે સત્તા
નથી, ને સત્તા છે તે સત્ નથી. દ્રવ્ય (સત્) તે ગુણ નથી, સત્તા ગુણ છે તે દ્રવ્ય નથી. સમજાય છે
કાંઈ આમાં...? (ફરીથી કહીએ) સત્તા ગુણ છે, સત્ દ્રવ્ય છે. પણ ઈ દ્રવ્ય ને ગુણ અતદ્ભાવરૂપે ખરું
(એટલે) દ્રવ્ય તે ગુણ નહિ ને ગુણ તે દ્રવ્ય નહિ. પણ એમને પ્રદેશભેદ છે - દ્રવ્યના પ્રદેશ જુદા અને
ગુણના પ્રદેશ જુદા - એમ નથી. આહા... હા...! છે? ‘અતાદ્ભાવિક કહેવામાં આવે તો તે બરાબર જ
છે.’ ધીમેથી સમજે તો સમજાય તેવું છે. ભાષા કંઈ એવી નથી...! ઈ સત્તા છે ને ઈ સત્ છે. દ્રવ્ય -
સત્ (સાથે) સત્તાને જોડાણ થ્યું માટે તે સત્તા છે એમ નથી. પણ સત્ ને સત્તા- (દ્રવ્ય અને ગુણ)
દ્રવ્ય તે ગુણ નહિ ને ગુણ તે દ્રવ્ય નહિ - એ અપેક્ષાએ અતદ્ભાવ સત્ ને સત્તાને બે વચ્ચે કહેવામાં
આવે છે. આહા... હા... હા... હા...! એમાંથી એ આવી ગ્યું...! સમજાણું કાંઈ...?
આહા.... હા...! (પંડિતજી...!) કહે છે કેઃ દ્રવ્ય છે, એ સત્ તેમ સત્તા છે. પણ ઈ સત્તાને
કારણે દ્રવ્યને જોડાણ થઈને - સત્તાનું જોડાણ થઈને સત્તા છે, એમ નથી. યુતસિદ્ધ નથી, સંબંધસિદ્ધ
નથી, સંયોગસિદ્ધ નથી. દ્રવ્ય-સત્ અને સત્તાને સંયોગસિદ્ધ સંબંધ નથી. આહા... હા... હા..! દંડ ને
દંડીને સયોગસિદ્ધ સંબધ છે. એમ સત્તાને અને સત્ને સંયોગસિદ્ધ સંબંધ નથી, પણ સ્વભાવવાન્ દ્રવ્ય
અને ગુણને અતદ્ભાવ એવો ભાવ છે.
(શ્રોતાઃ) આ તો ન્યાયશાસ્ત્રની વાતુ છે...! (ઉત્તરઃ)
ન્યાયશાસ્ત્રની....! તો ભગવાન મારગમાં તો ન્યાય છે ને... નિરાવરણ છે...! આહા...! આવો મારગ
છે. ધીમે ધીમે ભઈ કહીએ છીએ આ તો. એ ભાઈ..! આવું તો ક્યાં - ક્યાંય તમારા ચોપડામાં ય
આવે નહીં. તમારા બાપદાદે’ ય સાંભળ્‌યું નથી, ત્યારે આ વાત હતી નહીં, આ વાત જ હતી નહીં.
અમારા બાપદાદે સાંભળી નહોતી કોઈ’ દી’ ...! આ વાત જ બાપુ, કહે છે. પ્રભુ..! વસ્તુની મર્યાદા
કઈ રીતે છે...? કે દ્રવ્ય છે સત્તા છે તે સત્તા છે. સત્તા દ્રવ્યમાં ભેગી જ છે. સત્તા જુદી ને સત્ - દ્રવ્ય
જુદું એમ (બંનેનો સંબંધ) થઈને સત્તા નથી, પણ (બન્ને) અતદ્ભાવ તરીકે છે. (અર્થાત્) દ્રવ્ય છે તે
ગુણ નથી ને ગુણ છે તે દ્રવ્ય નથી. એ રીતે એને અતદ્ભાવ તરીકે ભેદ છે. પણ સત્ ભિન્ન અને
સત્તા ભિન્નનો સંયોગી (ભાવ) થ્યો છે એમ નથી. એમ હોય તો પ્રદેશ એક થઈ જાય, પ્રદેશભેદ છે.
(નહીં) આહા... હા..! આવી વાતું છે. આકરું લાગે...! સ્થાનકવાસીને કાંઈ અભ્યાસ જ ન મળે...!
એ તો આ

Page 159 of 540
PDF/HTML Page 168 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧પ૯
સામાયિક કરો.... ને.... પડિકમણા કરો... ને પોષહ.... કરો ને... શ્વેતાંબરમાં પણ ટીકામાં દ્રવ્ય-ગુણનું
(સ્વરૂપ બતાવ્યું છે) પણ આ સ્થિતિ નહીં, આહા... હા... હા... હા...! જગતના અનંતા દ્રવ્યો - એ
અનંત દ્રવ્યોને સત્તા પણ એની સાથે સંબંધ છે. સ્વભાવસબંધ છે, સંયોગસંબંધ નથી. આહા... હા...!
શું કહ્યું...? સમજાણું? દ્રવ્યને અને સત્તાને સ્વભાવસંબંધ છે, સંયોગસંબંધ નથી.’ આહા.. હા..!
(અહીંયા કહે છે કેઃ) “અતાદ્ભાવિક કહેવામાં આવે તો તે ઉત્પન્ન જ (–ઉચિત જ) છે,
કારણ કે ‘જે દ્રવ્ય છે તે ગુણ નથી.’ દ્રવ્ય તો અનંતગુણનો પિંડ છે, ગુણ છે તે એક - એક તેમાં
નામભેદ, સંજ્ઞાભેદ (લક્ષણભેદ) વાચ્યભેદ છે ને...! ગુણ ને ‘ગુણ’ કહેવાય ઓલાને ‘દ્રવ્ય’ કહીએ.
આહા.... હા...! “એવું શાસ્ત્રનું વચન છે. પરંતુ (અહીં પણ એ ધ્યાનમાં રાખવું કે) આ
અતાદ્ભાવિક ભેદ ‘એકાંતે આમાં આ છે.”
એકાંતે સત્માં સત્તા છે, એમ’ નથી. સત્ને સત્તાસ્વરૂપ
જ છે એ તો એકાંતે આમાં આ છે. “એવી પ્રતીતિનો આશ્રય (કારણ) નથી.” એકાંત સત્ સત્તા
છે એમ નહીં. સત્ (એટલે) દ્રવ્ય, અને સત્તા (એટલે) ગુણ એટલો એમાં ભેદ છે. ‘અતદ્ભાવ’
આહા... હા... હા... હા...! અતાદ્ભાવિક કહ્યું છતાં (ગુણી - ગુણ જેટલો) ભેદ છે. સમજાય છે
કાંઈ....? આહા... હા...! કાલનું ય ઝીણું હતું ને આ યે ઝીણું (છે)! ધરમ કરવો છે ને અમારે શું
કામ છે આનું...? પણ ધરમ કરવો છે તો ધરમ શું ચીજ છે, ધરમ અને ધરમીનો કોઈ હારે પ્રદેશભેદ
છે (એટલે) ધર્મી ને ધરમની પર્યાય બેને પ્રદેશભેદ છે..? અત્યારે આ વાત સિદ્ધિ કરવી છે હો
(પ્રદેશભેદ નથી તે) પણ નિશ્ચયથી તો પર્યાય ને દ્રવ્યના પ્રદેશભેદ છે. ઈ બીજી વસ્તુ છે ઈ. આહા...
હા..! આહા... હા... હા... હા..! (‘સમયસાર’) સંવર અધિકાર. એ (વાત અહીં નથી) અહીંયાં તો
વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવી છે કે દ્રવ્ય છે એ જ સત્તા છે. (સત્તા) ગુણરૂપ છે, ગુણરૂપ છે તે દ્રવ્યરૂપ
છે. એવો અતદ્ભાવ ભલે નામભેદે કહો પરંતુ ભિન્ન- સતા જુદી હતી ને દ્રવ્ય હારે જોડાઈ ગઈ -
ત્યારે એની સત્ સત્તા થઈ એમ’ નથી. આહા... હા...! એનો અર્થઃ કે સત્તા ગુણને લક્ષમાં લેવું નથી.
એ સત્તા ગુણનું ધરનાર દ્રવ્ય છે તેને લક્ષમાં લેવું છે. આહા... હા...!
(શ્રોતાઃ) જ્ઞાન કરવું બેયનું
આશ્રય કરવો એકનો..! (ઉત્તરઃ) જ્ઞાન કરવું જુદી વસ્તુ છે. પણ વસ્તુ તો ત્રિકાળ’ સત્તારૂપે જે સત્
છે, એકરૂપ સત્ છે એનો ગુણ-ગુણીનો અતદ્ભાવ છે એ પણ લક્ષમાં લેવાનો નથી. દ્રષ્ટિમાં તો
(એક-અભેદ-અખંડ). આહા... હા... હા..!
(શ્રોતાઃ) સમયસાર કરતાં ય અઘરૂં આવ્યું...! (ઉત્તરઃ)
(‘સમયસાર’ ની) એ કથની છે દર્શનપ્રધાન, આ જ્ઞાનપ્રધાન કથની છે. ‘નિયમસાર’ માં જુઓ તો
(મુનિરાજ કહે છે) મારી ભાવના માટે મેં (આ) બનાવ્યું છે. એ કુંદકુંદાચાર્ય એમ કહેઃ કે ખરેખર
આત્મા તેને કહેવો કે પર્યાય વિનાનો જ ત્રિકાળ તેને ખરેખર આત્મા કહેવો. આહા...! ૩૮ (ગાથા)
‘શ્રી સમયસાર’
‘अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारुवी। णवि अत्थि मज्झ किंचि वि
अण्णं परमाणुमेत्तं पि।। ३८।। મારી ભાવના માટે મેં બનાવ્યું છે. આહા... હા..! ઉદયભાવને
ઉપશમભાવ ને રાગભાવ તો ક્યાંય (દૂર) રહી ગ્યા...!! આહા... હા...!
અહીંયાં તો એ વસ્તુને સત્તા બે ભિન્ન પ્રદેશ નથી, એમાં નામભેદ, સંજ્ઞાભેદ છે તો અતદ્ભાવ
છે પણ અતદ્ભાવ હોવા છતાં એકાંત આ જુદું જ છે એમ’ નથી. અતાદ્ભાવિક ભેદ એકાંતે ‘આમાં
આ છે’ એ

Page 160 of 540
PDF/HTML Page 169 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૦
ભેદ એકાંતે છે એમ’ નથી.
(અહીંયાં કહે છે કેઃ) “એવી પ્રતીતિનો આશ્રય (કારણ) નથી, કારણ કે તે (અતાદ્ભાવિક
ભેદ) સ્વયમેવ (પોતે જ) ઉન્મગ્ન અને નિમગ્ન થાય છે.” આહા.... હા...! ભાષા દેખો...! બધી
લોજિકની...! આત્મા’ અથવા દ્રવ્ય અને સત્તા-સત્ અને સત્તા - એ અતદ્ભાવ ખરો, દ્રવ્ય તે ગુણ
નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં. યુતસિદ્ધ નહીં, પણ અયુતસિદ્ધ - અતદ્ભાવ છે. એ અતદ્ભાવ ભેદ પણ
બે પ્રકારે છે. “સ્વયમેવ પોતે જ ઉન્મગ્ન અને નિમગ્ન થાય છે.” કોણ..? અતાદ્ભાવિક ભેદ.
ઉન્મગ્ન, નિમગ્ન એટલે...? (નીચે ફૂટનોટમાં અર્થ છે.) ઉન્મગ્ન થવું = ઉપર આવવું; તરી આવવું;
પ્રગટ થવું (મુખ્ય થવું). નિમગ્ન થવું = ડૂબી જવું ગૌણ થવું. એટલે શું...?
“તે આ પ્રમાણેઃ જ્યારે
દ્રવ્યને પર્પાય પ્રાપ્ત કરાવવામાં આવે.” આહા.... હા... હા...! દ્રવ્યને, પર્યાયથી જ્યારે જોવામાં આવે.
(“અર્થાત્ જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છે – પહોંચે છે એમ પર્યાયાર્થિકનયથી જોવામાં આવે’,
ત્યારે જ – ‘શુક્લ આ વસ્ત્ર છે, આ આનો શુક્લત્વગુણ છે’ ઇત્યાદિકની માફક – ‘ગુણવાળું આ
દ્રવ્ય છે’, આ આનો ગુણ છે એમ અતાદ્ભાવિકભેદ ઉન્મગ્ન થાય છે.”
પર્યાયનયથી જુએ ત્યારે
ગુણવાળું દ્રવ્ય છે એમ કહેવાય. માળે..! એકલો ન્યાય પડયો છે. વાંચ્યું છે કે નહીં ન્યાં કોઈ દી’
ભાઈ...! ભૂકાનો વેપાર છે, ભૂકો છે ને ઈ શું કહેવાય.? પાવડર આહા.. હા...!
અહીંયાં તો પરમાત્મા પોતે સત્ છે. અને સત્તા (ગુણ છે) તો દ્રવ્ય ને ગુણ એવો ભેદ પડયો,
એ અતદ્ભાવ. પણ અતદ્ભાવને પણ બે દ્રષ્ટિએ જોવામાં આવે છે. પર્યાયથી જોંઈએ (તો ‘ગુણવાળું
આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે એમ અતાદ્ભાવિકભેદ ઉન્મગ્ન થાય છે) છે...? દ્રવ્યને પર્યાય પ્રાપ્ત
કરાવવામાં આવે –!! પહોંચે છે એમ પર્યાયાર્થિકનયથી જોવામાં આવે ત્યારે જ ‘શુક્લ આ વસ્ત્ર છે’
શુક્લ આ વસ્ત્ર છે. (વસ્ત્ર) શુક્લ જ છે એમ નહીં. પર્યાય - નય છે ને..! ધીમેથી... ભઈ આજનો
વિષય જરી એવો છે કંઈક.’ વેપારમાં મળે નહીં ને ઉપવાસ કરે તો ય મળે નહીં. દેરાસરમાં જાય
તો... અને દિગંબરમાં ય અત્યારે તો ક્યાં ઠેકાણાં છે...! વ્રત કરો ને... પડિમા ધારણ કરો ને...! આ
છોડો ને આ છોડને આ છોડા, અરે પ્રભુ તું શું કરે છે!! વસ્તુની મર્યાદા કઈ રીતે છે ઈ જાણ્યા વિના
ને દ્રવ્યનો આશ્રય (તે પણ) કોણ દ્રવ્યનો આશ્રય...?
આ તો એ વિચાર એક આવ્યો હતો, કે જ્ઞાનપ્રધાન કથનમાં (‘પ્રવચનસાર’) ૨૪૨ માં આવે છે
ને...! (ટીકાઃ– જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે
સમ્યગ્દર્શનપર્યાય છે.) ” જ્ઞેય - જ્ઞાયકની પ્રતીતિ (તે) સમ્યગ્દર્શન. એ જ્ઞાન પણ દર્શન કર્યા પછીનું -
પ્રતીતિ કર્યા પછીનું જ્ઞાન, એને વિષે ત્યાં વાત કરી છે. આહા...! એક રહી ગ્યું વળી કંઈક, મગજમાં
આવ્યું’ તું કંઈક...! (શ્રોતાના ભાગ્ય કમ) એ દર્શનમાં પણ પ્રમત્ત - અપ્રમત્ત પર્યાય પણ નથી. (‘શ્રી
સમયસાર’ ગાથા-૬)
(શ્રોતાઃ) ત્રિકાળી દ્રવ્યની વાત છે...! (ઉત્તરઃ) હા,... હા.. તો વિકારીપર્યાય પણે
જેમાં નથી, એ સમ્યગ્દર્શનનો જ્ઞાત વિષય (છે.) આહા... હા.. હા..! કાંઈક આવ્યું’ તું અંદરથી વળી રહી
ગ્યું...! (શ્રોતાની યોગ્યતા જ એવી).
(શ્રોતાઃ) જ્ઞેયતત્ત્વની અને જ્ઞાતૃતત્ત્વની તથા - પ્રકારે અનુભૂતિ

Page 161 of 540
PDF/HTML Page 170 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૧
જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય...! (ઉત્તરઃ) એ તો આવી ગઈ. પણ ઈ તો વાત કરી ને...! ઈ તો
દર્શનની - પહેલાં ઈ તો ૧૭મી ગાથામાં (‘સમયસાર’) કહ્યું ને...! (... ‘ટીકાઃ – મોક્ષાર્થી પુરુષે
પ્રથમ આત્માને જાણવો, પછી જેનું જ શ્રદ્ધાન કરવું કે ‘આ જ આત્મા છે...)
કે પહેલો આત્મા
જાણવો, ત્યાં જ્ઞાન લીધું પહેલું. જ્ઞાનમાં, આત્મા અખંડ છે એમ જાણવો. (પછી) એની પ્રતીતિ કરવી.
આહા... હા...! અહીંયાં તો કહે છે કેઃ સત્ ને સત્તા બે વચ્ચે (ગુણી - ગુણ અતદ્ભાવ છે. એમ કે
ગુણી ને ગુણ (અર્થાત્) દ્રવ્યને ગુણ એ અપેક્ષાએ એટલો અતદ્ભાવ (ભેદ) છે. પણ એકાંતે આ
અતદ્ભાવ નથી. આહા.....! એનો ભેદ પર્યાયનયથી જોઈએ તો ‘ત્યારે શુક્લ આ વસ્ત્ર છે આનો
શુક્લત્વગુણ છે’ જોયું...? શુક્લ આ વસ્ત્ર છે (એટલે) ધોળું આ વસ્ત્ર, વસ્ત્ર આ ધોળું અને આનો
ધોળો ગુણ.
“ઇત્યાદિની માફક – ‘ગુણવાળું આ દ્રવ્ય છે, આનો ગુણ છે.” પર્યાયનયથી આહા... હા...
હા...! અતદ્ભાવ ભેદ હોવા છતાં...! એટલે શું...? કે ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. એવો
અતદ્ભાવ (ભેદ) હોવા છતાં, એ અતદ્ભાવ બે દ્રષ્ટિથી દેખાય, જ્યારે પર્યાયદ્રષ્ટિથી જોવું હોય તો
“આ શુક્લ વસ્ત્ર છે, આ આનો ગુણ છે’ ઇત્યાદિની માફક (અર્થાત્) આ આનો ગુણ છે એ
ઇત્યાદિની માફક. પર્યાયદ્રષ્ટિથી જોઈએ તો ગુણવાળું આ દ્રવ્ય છે (આનો ગુણ છે)’ આહા... હા..!
ભેદ પડયો ને...! પર્યાય થઈને ઈ, પર્યાય ભેદ (ગુણી - ગુણનો ભેદ). “ગુણવાળું આ દ્રવ્ય છે આ
આનો ગુણ છે.” એ પર્યાયનયથી ભેદ થ્યો ને...! આહા... હા..!
“એમ અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન
થાય છે.” (એટલે) અતાદ્ભાવિક ભેદ પ્રગટ થાય છે. ઉન્મગ્ન છે ને (અર્થાત્) ઉપર આવવું; (તરી
આવવું, મુખ્ય થવું) આહા... હા..!
(કહે છે કેઃ) “પરંતુ જ્યારે દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે.” દ્રવ્ય તે દ્રવ્ય છે એમ સત્
છે તે સત્તાસ્વરૂપે જ સત્ છે, એમાં ભેદ નહીં. (અભેદદ્રવ્ય) આહા... હા... હા...! ઝીણી વાતું છે.
વાણિયાને આ (સમજવું...!) આ તો ‘પ્રવચનસાર’ છે ને...! (શ્રોતાઃ) વાણિયાથી તો બીજા બધા
બુદ્ધિમાં ઓછા કહેવાય છે ને...! (ઉત્તરઃ) વાત તો સાચી છે. વાણિયા ને...! ભાગ્યશાળી છે ને...!
પુણ્ય છે ને...! અને એને સાંભળવા મળે છે. બીજાને તો એ સાંભળવા ય મળે નહીં. ગીતામાં તો કહે
કે ઈશ્વર કર્તા છે. ઈશ્વર બધું કરે છે. એક ઠેકાણે એમ કહે છે કે ઈશ્વર બધું કરે છે અને (વળી)
બીજે ઠેકાણે હું કર્તા નથી, મેં કાંઈ કર્યું નથી એવો એક શ્લોક છે. વળી (અધ્યાય - ૧૦, શ્લોક ૨૮,
૩૬, ૩૯, ૪૦) હું પરમાત્મા બધે છું, કામદેવમાં ય પરમાત્મા છું, વિષય-વાસનામાં પરમાત્મા છું
આહા...! એવું ત્યાં છે. આ તો પરમાત્મા સર્વજ્ઞદેવ (વીતરાગની વાત) (આ વિશ્વમાં) એવી વસ્તુ
અનંત-અનંત છે, અનંતમાં પણ-ગુણ-ગુણીના ભેદ એ તો પર્યાયનયથી અતદ્ભાવ ગુણ-ગુણીનો ભેદ
કહીએ છીએ. છે..? “ગુણવાળું આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે.” એમ “અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન
થાય છે.”
પર્યાયનયથી-ભેદદ્રષ્ટિથી (અતાદ્ભાવિક ભેદ છે). આહા..હા..! સમજાણું કાંઈ...?
(અહીંયાં કહે છે કેઃ) “પરંતુ જ્યારે દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે.” વસ્તુને વસ્તુ તરીકે
જ્યારે પ્રાપ્ત કરાવવામાં આવે. (“અર્થાત્ દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છે – પહોંચે છે એમ દ્રવ્યાર્થિક નયથી
જોવામાં આવે), ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે.”

Page 162 of 540
PDF/HTML Page 171 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૨
આહા.... હા...! ગુણવાસના = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટય; ગુણભેદ
હોવારૂપ મનોવલણના (અભિપ્રાયના) ફણગા. આહા.... હા... હા...! હવે નિમગ્ન થઈ જાય છે. અસત્
થઈ જાય છે. કહે છે, (એટલે) ગુણી છે ઈ ગુણવાળો છે એ દ્રવ્યદ્રષ્ટિ કરતાં, દ્રવ્યને જોતાં એ ભેદ
અસ્ત થઈ જાય છે. ભાષા તો સાદી છે પણ હળવે - હળવે કહેવાય છે. અધિકાર આવે ઈ આવે
ને...! ટાંકણે ભાગ્યમાં સાંભળવા ટાણે આવી એમ કહો ને...! ત્રણલોકના નાથ એની પ્રવચનધારા...!
આહા...હા...!
(કહે છે કે) જ્યારે દ્રવ્ય - ગુણને સંજ્ઞાભેદ, નામભેદ હોવાથી તેને અતદ્ભાવ (ભેદ) કહેવાય.
પણ એને જોવામાં બે પ્રકાર (છે). એને પર્યાય (નય) થી જોઈએ તો આ દ્રવ્ય-ગુણ છે એવો
અતદ્ભાવ ભેદ છે. આ દ્રવ્યનો ગુણ છે ત્યારે અતાદ્ભાવિક ભેદ ઉત્પન્ન થાય. આવો ભેદ (છે.)
આહા... હા..! આવું છે. કો’ ભાઈ..! આવું છે ન્યાં તમારે ભાવનગરમાં નથી. તમારે બાપદાદે નહોતું
સાંભળ્‌યું. ભાગ્યશાળીને કાને પડે એવું (તત્ત્વ છે) આહા... હા..! અતદ્ભાવ કરીને કીધું ભલે
પ્રદેશભેદ નથી. દ્રવ્યને અને ગુણને પ્રદેશભેદ નથી. અને દ્રવ્ય ને ગુણ નામ બે પડયા એટલે એટલો
અતદ્ભાવ છે, પણ એ અતદ્ભાવ (ભેદ) પણ બે પ્રકારે જોવામાં આવે છે. જ્યારે પર્યાયનયથી
જોઈએ તો એ અતદ્ભાવ છે. દ્રવ્યનો ગુણ છે, ગુણ આ દ્રવ્યમાં છે. પણ દ્રવ્યાર્થિક નયથી જોંઈએ તો
એ ગુણને દ્રવ્ય એવો ભેદ નથી ત્યાં (અભેદ છે) છે...?
“ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને
અસ્ત થઈ ગયા છે એવા તે જીવને – ‘શુક્લ વસ્ત્ર જ છે.” તે જીવને શુક્લ વસ્ત્ર જ છે. ઓલામાં
(પર્યાયાર્થિક નયમાં) ‘શુક્લ’ આ વસ્ત્ર છે એમ હતું અને (અહીંયાં) દ્રવ્યથી જુઓ તો (એટલે
દ્રવ્યાર્થિક નયથી) શુક્લ વસ્ત્ર જ છે. “ઇત્યાદિની માફક – ‘આવું દ્રવ્ય જ છે.” ગુણવાળું દ્રવ્ય છે
એમ નહીં. આહા... હા..! દ્રવ્ય જ એવું છે. દ્રવ્યાર્થિક (નયથી) જોતાં ‘દ્રવ્યજ આવું છે.’ આહા... હા..
હા! કો’ સમજાય છે કે નહીં...? હળવે-હળવે તો કહેવાય છે. ભાઈ...! કલકત્તામાં મળ્‌યા એવું નથી
ક્યાં’ ય. વળી (એમણે) નિવૃત્તિ લઈ લીધી, ભાગ્યશાળી. એના બાપા અહીં આવ્યા’ તા તો અહીંયાં
ન આવ્યા, આ ભાગ્યશાળી. (શ્રોતાઃ) એની લાયકાત (ઉત્તરઃ) હેં, હા, આ તો ભગવાન ત્રણલોકના
નાથ, સીમંધરભગવાનથી નીકળેલી વાણી છે...! એના પદાર્થનો સ્વભાવ આ છે, ઓહોહોહો..!
(કહે છે કેઃ) દ્રવ્ય અને ગુણમાં અતદ્ભાવ કહેવામાં આવ્યો. કારણ કે દ્રવ્ય તે ગુણ નથી ને
ગુણ તે દ્રવ્ય નથી એ રીતે અતદ્ભાવ કહેવામાં આવે. પણ એ અતદ્ભાવમાં પણ જોવાને બે દ્રષ્ટિ
(છે). એક પર્યાય (નય) થી જુએ તો ગુણવાળું દ્રવ્ય છે, દ્રવ્યાર્થિક (નય) થી દ્રવ્ય છે. કો’ ભાઈ
આવું છે ભગવાન! શું થાય..? જગતને અટકવાના સાધન અનેક (છૂટવાનું સાધન એક) અહીંયાં તો
એક છે કે દ્રવ્યાર્થિક (નય) થી જોતાં દ્રવ્ય, ગુણવાળું નહીં. ગુણવાળું દ્રવ્ય તો ભેદ પડી ગ્યો,
પર્યાયનયે. (પર્યાયનયે) એ અતદ્ભાવ કીધો ભલે આહા... હા...! (દ્રવ્યાર્થિક નયે જુઓ તો) એ દ્રવ્ય
જ છે. આહા...! છે? “આવું દ્રવ્ય જ છે.” “એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન અસ્ત
થાય છે.”
અતદ્ભાવ દેખાતો નથી. આહા... હા..! ધીમે-ધીમે કહેવાય છે, વાત એવી છે જરી. ઝીણી
છે. વાણિયાના વેપારમાં આવું આવે નહીં. આ તો લોજિકની (વાત) વકીલાતની આવે.
(શ્રોતાઃ)
વકીલાતમાં ય આવું નથી ક્યાંય...! (ઉત્તરઃ) એણે વકીલાતમાં આવું ન્હોતું, એણે વકીલાત કરી’ તી.
આહા... હા... હા ઘણી સાદી ભાષાએ તત્ત્વને..!

Page 163 of 540
PDF/HTML Page 172 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૩
(સમજાવેલ છે) સત્ છે પ્રભુ...! અને એના સત્તા ને ગુણ છે. એ ગુણને સત્ બે નામભેદ પડયા, એ
અપેક્ષાએ અતદ્ભાવ છે. ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. પણ ગુણીને ગુણ (નો) સંયોગ
સંબંધ થ્યો છે. યુતસિદ્ધ સંબંધ છે એ ત્રિકાળમાં નહીં એથી બેના પ્રદેશભેદ છે. એમ નથી. જે પ્રદેશ
સત્તાના છે તે પ્રદેશ સત્ના છે. જે પ્રદેશ સત્ના છે. તે પ્રદેશ સત્તાના છે. આહા...હા...! એને
અતદ્ભાવ, યુત-સિદ્ધ તો નહીં, સંયોગસિદ્ધ તો નહીં સત્તાને અને સત્ને સંયોગસિદ્ધ સંબંધ છે એ તો
નહીં, પણ અતદ્ભાવ (છે) (એટલે કે) ગુણ તે દ્રવ્ય નહીં અને દ્રવ્ય તે ગુણ નહીં એવા અતદ્ભાવને
જોવામાં પણ બે દ્રષ્ટિ (છે). આહા...હા...હા! બેનું’ દિકરિયુંને આ બધું. સમજાય છે કે નહીં, પકડાય
છે કે નહીં...? (શ્રોતાઃ) પકડાય એવું છે (ઉત્તરઃ) ભાષા તો સાદી છે વસ્તુ તો આ છે.
કહે છે કેઃ દ્રવ્ય જે સત્ છે સત્ કહો કે દ્રવ્ય કહો (એકાર્થ છે) એની સત્તાને (અને સત્ને)
પ્રદેશભેદ નથી, એટલે યુતસિદ્ધ નથી. એટલે કે ગુણ, ગુણી સાથે -સત્તા (સત્) જોડાઈ ગ્યું એવું નથી.
પણ સત્ જે છે, અને (સત્તા-ગુણ જે છે) એને નામભેદ પડયા બે નામભેદ પડયા (એવા)
અતદ્ભાવ (ભેદ) છે ખરો. સત્ને અને ગુણને-સત્તાને ભેદ અતદ્ભાવ છે ખરો. યુતસિદ્ધપણે નહીં.
પ્રદેશભેદપણે નહીં. આહા... હા... હા...! (છતાં) પણ અતદ્ભાવને પણ બે પ્રકારે જોવામાં આવે છે.
આહા... ગજબ વાત છે ને...! પર્યાયદ્રષ્ટિથી જોઈએ તો અતદ્ભાવ ઉન્મગ્ન થાય છે - દેખાય છે. છે
એમ. અને દ્રવ્યદ્રષ્ટિથી જોઈએ તો અતદ્ભાવ ગુણીને ગુણનો જે ભેદ છે - તે અસ્ત થઈ જાય છે,
નિમગ્ન થઈ જાય છે. નદી છે ને નદી. ઉન્મગ્ન ને નિમગ્ન બે નદી છે. વૈરાટપર્વત વચમાં. ઉન્મગ્ન
(નદીમાં) જે કંઈ વસ્તુ પડે ઈ ઉપર આવે, લોઢું પડે તો ઈ પણ ઉપર આવે. અને નિમગ્ન નદી છે
તેમાં હળવામાં હળવી વસ્તુ પડે તો એને હેઠે લઈ જાય. વસ્ત્ર પડે તો એને હેઠે લઈ જાય. બે નદીઓ છે.
ઉન્મગ્ન ને નિમગ્ન નદી (ઓ). એમ આત્મામાં પર્યાયદ્રષ્ટિથી આત્મામાં જોઈએ, તો તે ગુણવાળું દ્રવ્ય છે
તેમ નજરમાં પડે. તેમ ભેદ લક્ષમાં આવે. આહા...! પણ જ્યારે એને દ્રવ્યથી જુઓ તો તે (ભેદ) નિમગ્ન
થઈ જાય છે. ભેદ-અતદ્ભાવ અસ્ત થઈ જાય છે. એકલું દ્રવ્યસ્વરૂપ છે. આહા... હા... હા...હા! છ એ
દ્રવ્યની વાત છે હોં! આ તો બહુ ઝીણી વાતું બાપા...! સાંભળી ન્હોતી બાપદાદે’ય ક્યાંય...!! આહા...!
આ તો કોલેજ કોઈ જુદી જાતની છે..! અત્યારે તો ધરમમાં - સંપ્રદાયમાં - નામમાં કે’ આ નથી.
આ કરો... ને વ્રત કરો. ને, ભક્તિ કરો. ને, પૂજા કરો... ને જાત્રા કરો... ને દાન કરો, દયા પાળો
આવી વાતું હવે. એ તો વસ્તુ રાગ ને અજ્ઞાનભાવ - કર્તાભાવ છે. આહા...હા...હા...!
અહીંયાં તો (કહે છે કેઃ) નિર્વિકારી એનામાં જે સત્તાગુણ છે, અને દ્રવ્ય નિર્વિકાર છે.
આહા...! સત્તાગુણ નિર્વિકારી છે. સત્-દ્રવ્ય (પણ) નિર્વિકાર છે. એટલો ભેદ પાડવો એ (પણ)
પર્યાય નયથી જોવામાં આવે તો, ભેદદ્રષ્ટિથી જોવામાં આવે તો, (એ અતદ્ભાવ ભેદ છે) એ ભેદ ન
જુઓ કે આત્મા છે, ‘દ્રવ્ય વસ્તુ છે’ ત્યારે એનો ભેદ અસ્ત થઈ જાય છે. દ્રષ્ટિમાં વિષયમાં દ્રવ્ય છે
ત્યાં ભેદ લક્ષમાં આવતો નથી. આહા... હા... હા... હા! કઈ (શૈલીથી) સિદ્ધ કરી છે વાત..!
(શ્રોતાઃ) ઘડી’ કમાં કહો ભેદ ને ઘડી’કમાં કહો અભેદ...! (ઉત્તરઃ) શું કીધું...? ઘડી’ કમાં ભેદ કઈ
અપેક્ષાએ...? અતદ્ભાવ, ગુણને ગુણીનો એટલો ભેદ છે. એ પર્યાય નયથી જોવામાં આવે તો ભેદ છે.
ભેદદ્રષ્થિી કહો, પર્યાયદ્રષ્ટિથી કહો (એક જ છે). આહા... હા...! પણ ત્રિકાળ વસ્તુ છે ભગવાન
આત્મા અને પરમાણુ દ્રવ્ય, (એને) દ્રવ્યથી (દ્રવ્યાર્થિક નયે)

Page 164 of 540
PDF/HTML Page 173 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૪
જોઈએ તો દ્રવ્ય છે. અતદ્ભાવ (જે છે) તેનો ત્યાં અસ્ત થઈ જાય છે. આ... હા..! યુતપણું -
યુતસિદ્ધ તો છે નહી. (એટલે કે જેમ લાકડીવાળો માણસ, લાકડીના સંયોગે માણસને ‘લાકડીવાળો
માણસ’ કહ્યો છે. (એમ) સત્તાવાળું સત્ નથી. સત્તા નામનો ગુણ ને સત્ બે ભેળાં થઈને એ
(સત્) થ્યું છે. (સત્તાવાળું) એમ નથી. પણ ગુણને ગુણી એવો ભેદ અતદ્ભાવ તરીકે નામભેદે ભેદ
છે. સંજ્ઞાભેદે ભેદ છે. છતાં તે ભેદને પણ, પર્યાયદ્રષ્ટિથી જુએ તો ભેદ ઉત્પન્ન - દેખાય છે. દ્રવ્યદ્રષ્ટિથી
જોઈએ તો ભેદ અસત્ થઈ જાય છે. આહા... હા...! (શ્રોતાઃ) આનું કામ શું છે...? (ઉત્તરઃ) આનું
કામ સમ્યગ્દર્શનનું છે. સત્ વસ્તુ ભગવાન પવિત્રાત્મા, એની દ્રષ્ટિ કર તો તને સત્ હાથ આવશે.
ત્યારે તને શાંતિ અને આનંદ મળશે. તે વિના આનંદને શાંતિ મળે એવી નથી. મરી જાને ક્યાંય
ક્રિયાકષ્ટ કરી - કરીને દાન કરીને...! આ મંદિરો બનાવી ને... જાત્રા કરીને.. લાખ જાત્રા કર ને...
ક્રોડ રૂપિયા ખરચ એમાં ત્યાં આત્માની શાંતિ નથી ને ધરમ નથી. આહા.. હા...! ઓહોહો...! છે તો
લોજિકથી વાત પણ હવે (એને) વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે...! ઓલે બિચારે કીધું છે
નહિ...! જાપાનનો ઇતિહાસિક છે. મોટો, જાપાનનો ઇતિહાસિક મોટો..! સડસઠ વરસની ઉંમર છે, મારી
કરતાં તો નાનો અહીં તો ૯૦ (વર્ષની ઉંમર છે.) આંહી તો નેવું થ્યા, પણ સડસઠ વરસની ઉંમર છે,
એને હિસાબે મોટી લાગે. એને એક છોકરો છે ઈ એને પણ રસ છે. એને એક વખત એણે એમ કહ્યું
“જૈન ધર્મ એટલે શું...? જૈન ધર્મ એટલે આત્માનો અનુભવ કરવો, અનુભૂતિથી.’ એમ કહીને પાછું
એમ કહ્યું ‘પણ એવો જૈન ધરમ મળ્‌યો વાણિયાને, વાણિયા વેપાર આડે નવરા નો ‘થ્યા.’ આહા...
હા...! કે કઈ ચીજ છે કેમ (છે) એનો નિર્ણય કરવાનો અવકાશ ન મળે. આખો દી’ ધંધો ને
બાયડી- છોકરાંવને રાજી રાખવા, છ - સાત કલાક સૂઇ જાવું. અર.. ર..! બે - ચાર કલાક ગપ્પાં
મારવા, મિત્રોમાં ને...! આમાં વખત જાય છે. એણે બિચારાએ લખ્યું છે. જાપાનવાળાએ (કે) ધરમ
અનુભૂતિનો ખરો. દ્રવ્ય જે વસ્તુ છે એ અભેદ છે એનો અનુભવ એ જૈન ધરમ...! જૈન ધરમ કોઈ
પક્ષ નથી, કોઈ સંપ્રદાય નથી, વાડો નથી. વસ્તુનું સ્વરૂપ છે...!! જે વસ્તુ ભગવાન આત્મા, અનંત-
અનંત ગુણનો પિંડ, એનો (ગુણ) ભેદ કરવો એ પણ પર્યાયનયથી કહે છે. આહ... હા... હા..! એ
અનંતગુણસ્વરૂપે જ છે પ્રભુ અંદર. ભગવત્સ્વરૂપ છે. કેમ બેસે...? બે બીડી સરખી પીએ ત્યારે
પાયખાને દિશા ઉતરે ભાઈસા’ બને.... આવાં તો અપલખણ...! હવે એને આત્મા આવો છે,
બતાવવો...!! આહા.... હા... હા... હા...!
આહા...હા...હા...! “સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે એવા તે જીવને –
‘શુક્લ વસ્ત્ર જ છે’ ઇત્યાદિની માફક ‘આવું દ્રવ્ય જ છે.’ આહા... હા...! આવું દ્રવ્ય જ છે.
હોવાવાળું દ્રવ્ય જ છે. હોવાવાળું સત્ અને હોવાવાળી સત્તા, એવો ભેદ તેમાં દેખાતો નથી. આહા...
હા...! ગુણ-ભેદ જેમાં દેખાતો નથી. પર્યાય-ભેદની તો વાતે ય ક્યાં કરવી. આહા... હા...! ભારે
મારગ. ભાઈ બહુ..! ધીમે, ધીમે કહેવાય કે આ બહુ (ઉતાવળ નથી કરતા) વીતરાગનો મારગ..!
અને સંતોએ આ દિગંબર સંતોએ કરુણા કરીને ઉપકાર કર્યો (છે) જગતને...! પ્રભુ, તું એકવાર
સાંભળ’ ને કહે છે. પ્રભુ, તું આત્મા છો ને...! અને વસ્તુ છો ને...! તો એમાં એક સત્તા છે. સત્તા
ગુણ છે કે નહીં...? હોવાવાળું સત્ છે તો એમાં હોવાવાળો ગુણ છે કે નહીં...? એટલો ગુણ ને
ગુણીનો ભેદ, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડતાં તે ભેદ દેખાતો

Page 165 of 540
PDF/HTML Page 174 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬પ
નથી. આહા.... હા.. હા.... હા...! સમજાય છે કાંઈ....? આ કાંઈ ભઈ વાર્તા - કથા નથી. આ તો
તત્ત્વ છે. વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ શું છે..? અને તેમાં ભેદ-અભેદ કેમ કહેવાય છે?... આહા... હા...!
સત્તા છે ઈ ગુણ છે. ઈ ગુણ આ ગુણીનો છે. એવો અતદ્ભાવ છે ખરો. પણ એ અતદ્ભાવને જોવાની
દ્રષ્ટિ બે છે. પર્યાયના ભેદ દ્રષ્ટિથી જુએ તો એ ગુણ ગુણીનો છે એમ પણ કહેવાય. પણ વસ્તુ છે
અખંડાનંદ પ્રભુ...! એકરૂપ, ચિદાનંદ, અનંત ગુણનું એકરૂપ પ્રભુ, એને જોતાં ‘આવું દ્રવ્ય જ છે’ “એમ
જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન થાય છે.”
- થઈ જાય છે.. આહા...! નાશ થઈ જાય છે.
ભેદ ત્યાં રહેતો નથી. આહા...આહા...હા...!
લ્યો આ હિંમતના મંગલિકમાં આ બધું આવ્યું...! આવ્યું છે ને આ...! બ્રહ્મચારી રહેવાનો છે
ને...! જાવજજીવ. સાતસેનો પગાર છે. હવે વધવાનો હતો પગાર. બધુ બંધ કરી દીધું નોકરી - નોકરી.
જાવજ્જીવ બ્રહ્મચારી રહેવું છે. (અહા...! બ્રહ્મચર્યનો કેટલો મહિમા...!) આજે જ આવ્યો. જુઓને બધું
લઈને. સાતસેનો પગાર નાશિક. વધારવાના હતા, હવે તો આગળ વધે-વધે..! ભાઈએ’ ય કહેતા’ તા
નહીં. આગળ વધે ને એ તો. બધું ય બંધ કરી દીધું, છોડીને આવ્યો આજ. અરે બાપા...! આ વસ્તુ
કરવાની છે. અરે...! મનુષ્યપણું વહ્યું જશે બાપુ...! અને ક્યાં જઈને ઉપજીશ..! ક્યાંય ભાન ન મળે,
ઢોરમાં ને... કાગડામાં ને... કૂતરામાં ને.. . ગાયમાં... ભેંસમાં.... ને અવતરશે.... અરે... રે! બાપુ, આ
તત્ત્વ છે, એની દ્રષ્ટિ નહીં હોય ત્યાં સુધી, ત્યાં સુધી એના જનમ - મરણ નહીં મટે.
આહા... હા..! તેરસ છે આજ, પરમાગમની આજ તિથિ છે. કોઈએ યાદ ન કર્યુ પૂજામાં -
સવારમાં...! ચંદુભાઈએ યાદ ન કર્યું...? મેં કીધું કે કરશે (યાદ). ત્યાં ત્યાં પૂજા કરતાં સાંભળ્‌યું’તું.
પૂજા તો આંહી કરે છે. બે - ત્રણ જણા હતા. આજ તેરસ છે ને..! ફાગણ શુદ તેરસે પાંચ વરસ થ્યાં,
ચૈત્ર - વૈશાખ ને જેઠ. સવા પાંચ વરસ થ્યાં મકાનને (પરમાગમ મંદિરના) છવ્વીસ લાખનું મકાન
છે આ. એકલો આરસપા’ ણ..! છવ્વીસ હજાર માણસ આવ્યા’ તા, ઉદ્ઘાટન વખતે.. અગ્યાર લાખનું
ખરચ ને છવ્વીસ લાખ આ. સાડત્રીસ લાખ...! એ બધું રામજીભાઈના વખતમાં થ્યું. રામજીભાઈના
પ્રમુખપણામાં આ બધું થ્યું કીધું..! આહા...હા...હા..હા... આંહી તો તેરસ છે ને આવી વાત તે આવી..!
(કહે છે કેઃ) પ્રભુ, તું એક ચીજ છે કે નહીં, જેમ જડ- માટી આ (શરીર) છે એમાં અંદર
ચૈતન્યપ્રભુ વસ્તુ છે કે નહીં, વસ્તુ (છે). તો વસ્તુ છે તો એમાં વસેલા અનંત-ગુણો છે કે નહીં.
વસ્તુ એને કહીએ કેઃ જેમાં અનંત-અનંત શક્તિ ગુણ વસેલાં હોય. હવે ઈ અનંતગુણ વસેલાં છે, ઈ
ગુણવાળું દ્રવ્ય કહેવું એ પણ પર્યાયદ્રષ્ટિ અતદ્ભાવ છે. આહા... હા... હા..! એ દ્રષ્ટિ પણ આદરવા
જેવી નથી. આહા... હા..! ત્રિકાળી દ્રવ્ય છે વસ્તુ, પ્રભુ અનાદિ- અનંત, ‘સત્’ છે તેની આદિશી..?
સત્ છે તેનો અંત શો...? સત્ છે તેમાં ભેદ શા...?
(‘એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ
નિમગ્ન થાય છે.’) સમજાય એવું છે, ભાષા ભલે (સરળ ન લાગે) મારગ તો આકરો છે. એ તો
ત્યાં છોકરાઓને કહ્યું’ તું બધા ધ્યાન રાખજો, આજનો વિષય ઝીણો છે...! ભાઈ’ કહ્યું’ તું ને
બધાને..! કે ભઈ, વિષય ઝીણો છે હો ધ્યાન રાખજો. (અહો..! સદ્ગુરુની વીતરાગી કરુણા..!)
આત્મા અંદર છે પ્રભુ..! આ તો (શરીર તો) હાડકાં - ચામડાં, માટી આ તો (છે) પ્રભુ (આત્મા)
અંદર ચૈતન્ય શાશ્વત (પ્રગટ બિરાજે છે). અણઉપજેલ-અણનાશ (એટલે) ઉપજેલ કે નાશ

Page 166 of 540
PDF/HTML Page 175 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૬
વિનાની ચીજ (આત્મા) એ અંદર છે. એમાં અનંત - અનંત - અનંત જ્ઞાન- દર્શન (આદિ)
શક્તિઓ પડી (ધ્રુવ) છે. પણ કહે છે કે એ શક્તિ (ઓ) અને શક્તિવાન (એવો અતદ્ભાવ ભેદ)
- આ દ્રવ્ય શક્તિવાળું છે એટલો પણ ભેદ હજી પર્યાયનયથી છે (દ્રવ્યાર્થિક નયથી અભેદ છે, ભેદ
અસ્ત થઈ જાય છે.) એ શક્તિ સ્વરૂપે જ આખું છે. એકરૂપ ચિદાનંદ પ્રભુ અંદર છે. અરે, પણ ક્યાં
સાંભળવા મળે ને શું કરે...? દુનિયા આંધળી, એમ ને એમ જગતના મોહમાં હાલ્યા જાય છે.
સંસાર...! આહા...હા! માણસ થઈને ક્યાં જાય....? ઓલું કહ્યું’ તું ને ભાઈ સવારમાં નહીં...! બે-
ત્રણ પરમાણુનું... (પરમાણુનો દાખલો આપ્યો હતો ને...) (કહે છે કેઃ) ઈ કેમ દાખલો આપ્યો કે
દ્રવ્યની પર્યાયનો દાખલો આપતા નથી. ભાઈ..! ૯૩ (ગાથા) માં આવ્યું ‘તું ને...! કે સમાનજાતીય
ને અસમાનજાતીય દ્રવ્ય પર્યાય કોને કહેવી...? (“અનેક પુદ્ગલાત્ક દ્વિ– અણુક, ત્રિ–અણુક એવા
સમાનજાતીય દ્રવ્યપર્યાય છે... તેમ અનેક જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય
દ્રવ્યપર્યાય છે.”
-ગાથા ૯૩ ટીકા) ત્યારે કહે કે બે-ત્રણ પરમાણુ ભેગાં થાય (સ્કંધરૂપે દેખાય) તેને
સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય. એમાં એક - એક આત્માની ને એક - એક પરમાણુની પર્યાય નથી
લીધી.


Page 167 of 540
PDF/HTML Page 176 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૭
એ દાખલો અહિંયાં આપ્યો. એ જે ન્યાં આપ્યો હતો એ અહીંયા આપ્યો. ત્યાં
અસમાનજાતીયમાં દેવ (મનુષ્ય) પર્યાય લીધી અહીંયા અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) માં મનુષ્યનો
(માત્ર દાખલો) આપ્યો. મનુષ્ય છે ને...! આહા... હા..! (કહે છે) કે અંદર આત્મા અને જડ
(શરીર) માટી -ધૂળ એ અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. પરમાણું-પરમાણુ (નો સંબંધ- એક સાથ
દેખાય તે શરીર) કાંઈ એક નથી, આ તો અનંતા રજકણ - પોઈંટ છે. (શરીર) સમાનજાતીય
(દ્રવ્યપર્યાય) છે. કારણ કે પરમાણુ - પરમાણુ (એક સ્કંધરૂપે દેખાય છે) એ સમાનજાતીય
દ્રવ્યપર્યાય છે. ભગવાન આત્મા અને જડ (શરીર) એ બે (એક સાથ દેખાય એ મનુષ્યપર્યાય)
અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. આહા... હા..! અહીંયાં એવી પર્યાયનો દ્રષ્ટાંત આપ્યો (છે). ગુણપર્યાય
તો (બીજી વાત છે).
(અહીંયાં કહે છે કેઃ) “એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે (કારણે) થતી પ્રતીતિ
નિમગ્ન થાય છે.” આહા.. હા.. હા... હા..! શું કહે છે પ્રભુ! આત્મા જે વસ્તુ છે, જે ત્રિકાળી સત્
એમાં જે સત્તા નામનો ગુણ છે- હોવાપણા નામની શક્તિ છે. એ શક્તિને અને આને ભેદથી જોઈએ
તો પર્યાયનયથી ભેદ છે, પણ જ્યારે વસ્તુ આખી છે, આહા... હા...! એમ જ્યારે જોઈએ ત્યારે
અતદ્ભાવ (ભેદ) નિમગ્ન થઈ જાય છે. ત્યારે ગુણ ગુણીનો છે અને ગુણીનો ગુણ છે, એ ભાવ નાશ
પામી જાય છે. આહા... હા...! પર્યાયની તો વાતે ય ક્યાં કરવી....? (ગુણભેદ પણ રહેતો નથી.)
આહા... હા.. હા...! કો’ ભાઈ! આવી વાત છે’ આ... આહા...હા...હા..!
આમ (તો) “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુવતં સત્” (કહેવાય છે). પણ કહે છે કે ઉત્પાદ - વ્યયવાળું
આ દ્રવ્ય છે (એવો ભેદ થ્યો). (જો કે) અહીંયાં ગુણનું (ગુણભેદ) લીધું, પણ એ છે (ભેદ)
(એમ) ઉત્પાદ- વ્યય (ભેદ છે ને..!) અહીંયાં અતદ્ભાવ (ભેદ) છે એ (ઉત્પાદ- વ્યય) પર્યાય
અને આત્માને સંયોગસંબંધ તરીકે છે. એ જ્ઞેય - જ્ઞાયક સંબંધ કીધું. અરે, ક્યાં આવ્યું પાછું
‘પંચાસ્તિકાય’. આહા...! વસ્તુ જે ત્રિકાળ! નિત્ય રહેનાર..! પ્રભુ છે (આત્મા) એમાં જે
નિર્મળપર્યાય થાય, એ પણ સંયોગે છે, સ્વભાવે નથી. (આત્મા) એ તો ત્રિકાળી (પર્યાય) એ તો
સંયોગે ઉત્પન્ન થાય છે, અને વિયોગે (એટલે) વ્યય થાય છે. આહા... હા... હા.! સમજાણું આમાં..?
ભાઈ, એ નથી સમજાણું એમ કહે છે. (તો કહે છે કે) આ શરીરનો સંયોગ આત્માને નથી, એ તો
ક્યાંય રહી ગ્યું. એ પંડિતજી..! અહીંયા તો આત્મામાં જે પર્યાય થાય છે - એ પર્યાય થાય છે ઈ તો
એક સમયની છે. - તો ઈ સંયોગસંબંધ છે, સ્વભાવ સંબંધ નથી...! ત્રિકાળ રહેનાર નથી...!
આહા....હા...હા...! સમજાણું...? આત્મા જે છે, એમાં જે ગુણો છે - જ્ઞાન, દર્શન, આનંદ (આદિ)
ત્રિકાળ! એવો જે ભેદ (ગુણ-ગુણીનો) એ (દ્રવ્યમાં) નથી. હવે અહીંયાં તો પર્યાય છે એને સંયોગી
કીધી. ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે. અવસ્થા નવી થાય ને જુની થાય. નવી થાય તેને સંયોગ
કહીએ, વ્યય થાય તેને વિયોગ કીધો. સંયોગ ને વિયોગ એની પર્યાયમાં આવ્યો. પરમાં એને કાંઈ
સંબંધ નથી. આહાહાહાહા...! ક્યાં સુધી ખેંચવું છે કહે. આહા... હા..!
“તે (પ્રતીતિ) નિમગ્ન થતાં
અયુતસિદ્ધત્વ – જનિત અર્થાંતરપણું નિમગ્ન થાય છે.” અયુતસિદ્ધત્વ તો નાશ જ થઈ જાય છે. “તેથી
બધુંય (આખું ય), એક દ્રવ્ય જ થઈને રહે છે.”
દ્રવ્ય - વસ્તુ, વસ્તુ, વસ્તુ, વસ્તુ જેમાં આ

Page 168 of 540
PDF/HTML Page 177 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૮
ગુણભેદ પણ છે નહીં. (પર્યાયભેદ પણ છે નહીં). ‘પ્રવચનસાર’ ૯૮ ગાથા. છેલ્લો પેરેગ્રાફ લઈએ.
‘અને ભેદ ઉન્મગ્ન થાય છે’ ત્યાંથી છેલ્લો પેરેગ્રાફ છે. કાલે બીજો અર્થ થઈ ગ્યો’ તો...! દ્રષ્ટિ અંદર
ગઈ’ તી ને દ્રવ્ય ઉપર પર્યાય તો એવું થઈ ગ્યું...!
(અહીંયાં શું કહે છે...?) આહા...! શું સૂક્ષ્મ વાત છે, કે સત્ નામ દ્રવ્ય જે છે, દ્રવ્ય. આત્મા
જે છે એ દ્રવ્ય (છે) એ સત્ છે ને એમાં સત્તા નામનો ગુણ છે. એ અતદ્ભાવ તરીકે ભિન્ન છે
અતદ્ભાવ તરીકે એટલે ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. (એવો ભેદ છે. એને બે દ્રષ્ટિથી
જોવામાં આવે છે. (પર્યાયાર્થિક નય અને દ્રવ્યાર્થિક નય) એમ કહે છે. જેમ આ સત્ દ્રવ્ય છે ને સત્તા
ગુણ છે એવો ભેદ પર્યાયદ્રષ્ટિથી જોવાથી એ અતદ્ભાવ (ભેદ) ભિન્ન દેખાય છે. પણ દ્રવ્યદ્રષ્ટિથી
જુઓ તો સત્ ને સત્તા ભિન્ન નથી દેખાતા. (ભેદ) નિમગ્ન થઈ જાય છે. દ્રવ્યદ્રષ્ટિથી જુઓ તો સત્
ને સત્તા બેય નિમગ્ન થઈ જાય છે. નિમગ્ન નામ એક થઈ જાય છે. ભિન્ન નથી રહેતા. આવી વાત
છે. (અને) પર્યાયદ્રષ્ટિથી જુઓ તો એ ભેદ ઉન્મગ્ન થાય છે. “તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે
(કારણે) થતી પ્રતીતિ.”
પ્રતીતિ એટલે જ્ઞાન, ખ્યાલમાં આવે છે કે સત્ દ્રવ્ય છે, સત્તા ગુણ છે.
એવી પર્યાયદ્રષ્ટિથી જોવાથી એવું ખ્યાલમાં આવે છે. એવી
“થતી પ્રતીતિ ઉન્મગ્ન થાય છે, તે
(પ્રતીતિ) ઉન્મગ્ન થતાં અયુતસિદ્ધત્વ–જનિત અર્થાંતરપણું ઉન્મગ્ન થાય છે.” શું કહે છે...? ભિન્ન
પદાર્થ વડે ઉન્મગ્ન નથી થતું. (પણ) સત્થી સત્તા ભિન્ન છે એ ઉન્મગ થઈ જાય છે. દ્રવ્ય છે, સત્તા
છે, એમ ઉન્મગ્ન નામ બહાર દેખાય છે. (ઉપર આવે છે, તરી આવે છે) કે સત્ દ્રવ્ય છે, અને સત્તા
(ગુણ) છે. આહા... હા...! આવી વાત સૂક્ષ્મ છે..!
(કહે છે કેઃ) “ત્યારે પણ (તે) દ્રવ્યના પર્યાયપણે ઉન્મગ્ન થતું હોવાથી, – જેમ જળરાશિથી
જળકલ્લોલ વ્યતિરિકત નથી (અર્થાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમ – દ્રવ્યથી વ્યતિરિકત હોતું
નથી.”
ત્યારે પણ સત્ દ્રવ્ય છે અને સત્તા ગુણ છે. - જેમ જળરાશિથી જળતરંગ જુદું નથી એમ
પર્યાયદ્રષ્ટિથી - ભેદદ્રષ્ટિથી જુઓ તો પણ સત્ ને સત્તા ભિન્ન (વ્યતિરિકત) હોતું નથી. સત્થી સત્તા
ભિન્ન છે. અભિન્ન નથી (અતદ્ભાવ ભેદ છે) ભેદદ્રષ્ટિથી જુઓ તો જળથી તેનું તરંગ જુદું છે એમ
સત્ત્થી સત્તા ભિન્ન છે. આહા...હા...! આવી વાત છે, સૂક્ષ્મ..! વાણિયાને વેપાર આડે આમાં...
આહા.... હા...! વસ્તુ છે. છે એ દ્રવ્ય, અને એમાં સત્તા છે એ ગુણ-પણ ઈ સત્તા ને દ્રવ્ય,
દ્રવ્યદ્રષ્ટિએ જોવાથી તો ભેદ નિમગ્ન થઈ જાય છે. ભેદ દેખવામાં આવતો નથી. પણ પર્યાયદ્રષ્ટિથી
જુઓ તો સત્ દ્રવ્ય અને સત્તા ગુણ ઉન્મગ્ન થાય છે, ખ્યાલમાં આવી જાય છે. ઉપર.. આહા... હા..
હા..! અને ખ્યાલમાં આવી જાય છે. એ કારણથી દ્રવ્યથી સત્તા ભિન્ન છે. દ્રવ્યથી સત્તા ભિન્ન છે. અંદર
પર્યાયદ્રષ્ટિથી જુએ તો પણ દ્રવ્યથી સત્તા ભિન્ન છે. (છતાં જળરાશિથી જળકલ્લોલ વ્યતિરિકત નથી તેમ
સત્ અને સત્તા ભિન્ન નથી.) આહા... હા...! આવી વાત છે. સમજાણું આમાં...?
આ તો ખ્યાલમાં તો એ આવ્યું’ તું કે ‘નિયમસાર’ માં એક શ્લોક છે. (૧૯૨. શ્લોકાર્થઃ – જે
અનવરતપણે (–નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (– તે પરમાત્માપદાર્થમાં)
સમસ્ત નયવિલાસ જરાય સ્ફુરતો જ નથી. જેમાંથી સમસ્ત ભેદભાવ (–નયાદિ વિકલ્પ) દૂર થયેલ
છે તેને (–તે પરમાત્મપદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક્પ્રકારે

Page 169 of 540
PDF/HTML Page 178 of 549
single page version

ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧૬૯
ભાવું છુ. ૧૯૨) કે આત્મા અભિન્ન છે, અભેદ છે એમાં બધા ગુણોને દ્રવ્ય ભિન્ન- ભિન્ન દ્રષ્ટિમાં ન
આવવું જોઈએ (ભેદથી) વિકલ્પ ઊઠે છે. દ્રવ્ય જે ત્રિકાળ છે, એકરૂપ છે એવી (દ્રવ્ય) દ્રષ્ટિમાં જે
કંઈ વિકલ્પ ઊઠે છે તો કહે છે પદ્મપ્રભમલધારિદેવ (શ્લોક ૧૯૪માં “જે યોગપરાયણમાં કદાચિત
ભેદભાવો ઉત્પન્ન થાય છે (અર્થાત્ જે યોગનિષ્ઠ યોગીને ક્યારેક વિકલ્પો ઊઠે છે), તેની અર્હત્ના
મતમાં મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે છે..? ૧૯૪.)
આહા... હા..! આવા જે વિકલ્પ ઊઠે છે, એવી
ભેદબુદ્ધિવાળાની મુક્તિ થશે કે નહીં, એ અર્હંત્ના મતમાં કોણ જાણે...? અર્થાત્ અર્હતના મતમાં
ભેદનો વિકલ્પ ઊઠે એની મુક્તિ થશે નહીં. સમજાણું...?
(કહે છે કેઃ) આત્મા, એકસ્વરૂપે અનંયગુણનું એક રૂપ અભેદ છે. અહીંયા તો જ્ઞાન કરાવવું
છે તો પર્યાયદ્રષ્ટિથી જુઓ સત્ ને સત્તા ભિન્ન છે સત્થી સત્તા વ્યતિરિકત છે, પણ સમુદ્રથી તરંગ જુદું
નથી તેમ સત્ ને સત્તા પર્યાયથી વ્યતિરિકત (પણ) નથી. દ્રવ્ય છે તો તેની સત્તા (અતદ્ભાવે)
વ્યતિરિકત છે. ભિન્ન ભિન્ન છે પણ ધ્યાનમાં જ્યારે અભેદદ્રષ્ટિ થાય છે ત્યારે દ્રવ્યને સત્તા ભિન્ન છે
પેલું પર્યાય નયથી દેખાય છે તે (દ્રવ્યદ્રષ્ટિ) અંતદ્રષ્ટિ કરવાથી દ્રવ્યને સત્તા ભિન્ન છે એવું ભાસતુંનથી
(દેખાતું નથી). દ્રવ્ય ને સત્તા અભિન્ન છે, એકાકાર છે. (ધ્યાનમાં બન્ને નય પ્રગટ થાય છે.) આવી
અંતરમાં (અભેદ) દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શનનું કારણ છે. આહા... હા..! દયા-દાન-વ્રત - ભક્તિથી
સમ્યગ્દર્શન થતું નથી. અહીંયાં જ્યાં તત્ત્વની દ્રષ્ટિ જાય છે. અંદર ત્યારે તો દ્રવ્ય જે સત્ - વસ્તુ સત્
છે એની સત્તા (જે) ગુણ છે એ ભેદ પણ નિમગ્ન થઈ જાય છે. અભેદ ઉપર દ્રષ્ટિ થવાથી
સમ્યગ્દર્શન થાય છે. આહા... હા... હા... સમજાણું કાંઈ...?
“આ પ્રમાણે હોવાથી (એમ નકકી થયું કે) દ્રવ્ય સ્વયમેવ સત્ છે.” આહા...હા! દ્રવ્ય
સ્વયમેવ સત્ છે, જુદું નથી એટલે છે એમ (અભેદ સ્વયમેવ સત્ છે) ‘આમ જે માનતો નથી તે
ખરેખર પરસમય જ માનવો.”
તે વાસ્તવમાં પરસમય - મિથ્યાદ્રષ્ટિ છે, એમ માનવું. આહા... હા....
હા.. દ્રવ્ય સ્વયમેવ સત્ય છે. સ્વયમેવ સત્ (વળી) દ્રવ્ય સત્ અને સત્તા ભિન્ન છે માટે દ્રવ્ય સત્
નથી એવું નથી, સ્વયમેવ સત્ છે. સત્તાને કારણે સત્ સ્વયમેવ સત્ છે એમ નથી. આહા... હા..! હવે
આવો વિચાર..! ને વાણિયાને ક્યાં નવરાશ ન મળે, ધંધાની ખબર ન મળે (કે ક્યો ધંધો સાચો).
આહા... હા...! ‘નિયમસાર’ (શ્લોક-૧૯૪) માં એવું લીધું છે, અર્હત્ના મતમાં, વીતરાગ
ત્રિલોકનાથ (તીર્થંકરદેવના) મતમાં અભેદ દ્રવ્યમાં ભેદ, દ્રષ્ટિમાં ઉત્પન્ન થાય છે કે પર્યાય ઉપર લક્ષ
જાય છે કે ગુણ - ગુણીના ભેદ ઉપર લક્ષ જાય છે તો એની મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે..?
એનો અર્થ એ કે અર્હત્ના માર્ગમાં- (મતમાં) એની મુક્તિ થતી નથી (એમ કહ્યું છે). આહા...
હા...! સમજાણું કાંઈ...?
વિશેષ કહેશે...

Page 170 of 540
PDF/HTML Page 179 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૦
હવે ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય “સત્’ છે એમ દર્શાવે છેઃ-
सदवठ्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो ।
अत्थेसु सो सहावो ठिदिसंभवणाससंबद्धो ।। ९९।।
सदवस्थितं स्वभावे द्रव्यं द्रव्यस्य यो हि परिणामः ।
अर्थेषु स स्वभावः स्थितिसंभवनाशसंबद्धः ।। ९९।।
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ–ધ્રૌવ્ય – વિનાશયુત પરિણામ દ્રવ્ય સ્વભાવ છે. ૯૯
ગાથા ૯૯
અન્વયાર્થઃ– (स्वभावે) સ્વભાવમાં (अवस्थितं) અવસ્થિત (હોવાથી) (द्रव्यં) દ્રવ્ય (सत્)
‘સત્’ છે; (द्रव्यस्य) દ્રવ્યનો (यः हि) જે (स्थितिसंभवनाशसंबंद्धः) ઉત્પાદવ્યયધ્રૌવ્યસહિત
(परिणामः) પરિણામ (સઃ) તે (अर्थषु स्वभाव) પદાર્થોનો સ્વભાવ છે.
ટીકાઃ– અહીં (વિશ્વને વિષે) સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’ છે. સ્વભાવ
દ્રવ્યનો ધ્રૌવ્ય- ઉત્પાદ -વિનાશની એકતાસ્વરૂપ પરિણામ છે.
જેમ દ્રવ્યનું વાસ્તુ સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં, વિસ્તારક્રમમાં
પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, તેમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં,
પ્રવાહક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. જેમ વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો
પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહક્રમનું કારણ પરિણામોનો પરસ્પર
વ્યતિરેક છે.
જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ-રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર
(બધેય) પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલાં એકવાસ્તુપણા વડે અનુત્પન્ન - અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ -
સંહાર- ધ્રૌવ્યાત્મક છે તેમ તે પરિણામ પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ
હોવાથી તથા સર્વત્ર પરસ્પર
અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન - અવિનષ્ટ હોવાથી
ઉત્પત્તિ-સંહાર-ધ્રૌવ્યાત્મક છે. વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વ પ્રદેશના
વિનાશસ્વરૂપ છે તે
----------------------------------------------------------------------
૧. અવસ્થિત = રહેલુ; ટકેલું
૨. દ્રવ્યનું વાસ્તું = દ્રવ્યનો સ્વ. -વિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; દ્રવ્યનું સ્વ-કદ; દ્રવ્યનું સ્વ-દળ (વાસ્તુ= ઘર; રહેઠાણ; નિવાસસ્થાન આશ્રય;
ભૂમિ)
૩. વૃત્તિ = વર્તવું તે; હવે તે; હોવાપણું; હયાતી.
૪. વ્યતિરેક = ભેદ; (એકનો બીજામાં) અભાવ, (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે.)
પ. અનુસ્યૂતિ = અન્વયપૂર્વક જોડાણ (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક (-સાદ્રશ્ય સહિત) ગૂંથાયેલા (જોડાયેલા) હોવાથી તે બધા
પરિણામો એક પ્રવાહપણે છે તેથી તેઓ ઉત્પન્ન કે વિનિષ્ટ નથી.)

Page 171 of 540
PDF/HTML Page 180 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૧
જ (અંશ) ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલાં એક
વાસ્તુપણા વડે અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એક્ક્ે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં
નાનો અંશ પૂર્વપરિણામના વિનાશસ્વરૂપ છે તે જ ત્યાર પછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તા તે જ
પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.
આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય
સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું - મોતીના હારની માફક. (તે
આ રીતેઃ) જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે,
પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતાં સમસ્ત મોતીઓમાં, પછીપછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ
પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર
અનુસ્યૂતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે નિત્યવૃત્તિ ગ્રહણ
કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા)
પરિણામોમાં, પછીપછીના અવસરોએ પછીપછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલાં પહેલાંના
પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો પ્રવાહ અવસ્થિત
(-ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.
ભાવાર્થઃ– દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી ‘સત્’ છે. તે સ્વભાવ ઉત્પાદવ્યય
ધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના
પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ - સ્વ-કાળમાં પોતાના રૂપે ઉપજે છે,
પૂર્વરૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ- વિનાશ
વિનાનો એકરૂપ - ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે.
આવા ઉત્પાદ- વ્યય- ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય
પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. ૯૯.







----------------------------------------------------------------------
૧. અતિક્રમતું = ઓળંગતું, છોડતું.
૨. સત્ત્વ = સત્પણું; (અભેદનયે) દ્રવ્ય.
૩. ત્રિલક્ષણ= ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું; ત્રિસ્વરૂપ; ત્રયાત્મક.
૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું.
પ. નિત્યવૃત્તિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તુવું તે.

Page 172 of 540
PDF/HTML Page 181 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૨
પ્રવચનો તા. ૧૦–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૯૯ ગાથા.
હવે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક હોવ છતાં દ્રવ્ય ‘સત્’ છે એમ દર્શાવે છેઃ– સત્તા છે તો પણ
દ્રવ્ય સત્ છે અને ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય હોય તો પણ દ્રવ્ય સત્ છે. આહા...! ઝીણી વાત છે, ગાથાઓ
જ ઝીણી...! ‘પ્રવચનસાર’! ભગવાનની દિવ્યધ્વનિનો સાર (છે).
सदवठ्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो।
अत्थेसु सो सहावो ढिदिसंभवणाससंबद्धो।। ९९।।
નીચે હરિગીત,
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ–ધ્રૌવ્ય– વિનાશયુક્ત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯
આહા.... હા...
ટીકાઃ– ઝીણો વિષય છે ભાઈ આ.. ટીકા છે ને...! “અહીં (વિશ્વને વિષે) સ્વભાવમાં નિત્ય
અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’ છે. દ્રવ્ય નામ આત્મા, દ્રવ્ય નામ પરમાણુ આદિ દ્રવ્ય સત્ (છે). જ્ઞેય
છે તે સત્, (એ સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે.) વિશ્વને (વિષે) એ સ્વભાવમાં નિત્ય અવસ્થિત
છે. દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે. તે કારણથી દ્રવ્ય સત્ છે.
“સ્વભાવ દ્રવ્યનો ધ્રૌવ્ય –
ઉત્પાદ–વિનાશની એકતાસ્વરૂપ પરિણામ છે.” આહા... હ..! વસ્તુનો સ્વભાવ ઉત્પાદ- વ્યય ને
ધ્રૌવ્યનું એકતારૂપ સ્વભાવ છે. એક સમયમાં ત્રણ છે... છે...? વિશ્વમાં - આ જગતમાં તત્ત્વજ્ઞાનની
ખબર નહિ ને પાધરા ધરમ થઈ જાય, મંદિર કે દર્શન કરે કે સામાયિક કરે કે પોષા (કરે) એકડા
વિનાના મીંડા છે. મિથ્યાત્વ ભાવ છે એ તો. તત્ત્વ શું છે...? આત્મા અંદરથી..? જે ગુણ- ગુણીનો
ભેદનો વિકલ્પ ઊઠે છે એ પણ બંધનું કારણ છે. (વિકલ્પ) જાણવામાં આવે છે કે સત્ છે એ
સત્તાવાન્ છે. જાણવામાં આવે, અને પ્રસિદ્ધિ (માં) પણ એ દેખવામાં આવે, પણ દ્રષ્ટિ જ્યાં કરવી છે.
દ્રવ્ય ઉપર (જ્યારે દ્રષ્ટિ થાય છે.) ત્યો સત્ અને સત્તાના (ભેદ) નથી. સ્વયં સત્ સત્તાથી નથી. સત્
સ્વયં છે. આહા... હા..! એમ “અહીં વિશ્વને વિષે સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’
છે.”
(સત્નો) સ્વભાવ શું...? “ધ્રૌવ્ય– ઉત્પાદ–વિનાશની એકતાસ્વરૂપ પરિણામ (છે). પરિણામ
છે એ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેયને પરિણામ કહે છે હોં..! વળી ઉત્પાદ - વ્યય- ધ્રૌવ્ય ત્રણેયને
પરિણામ કહે છે. આહા... હા...! એકરૂપ ચીજમાં (દ્રવ્યમાં) ત્રણ પ્રકાર થ્યા ને...! ઉત્પાદ-વ્યય ને
ધ્રૌવ્ય એ ત્રણેય પરિણામ થયા. પર્યાય થઈ. આહા... હા...! “
જેમ દ્રવ્યનું વાસ્તુ” (એટલે
ફૂટનોટમાં) નીચે (જુઓ) દ્રવ્યનું વાસ્તુ=દ્રવ્યનો સ્વવિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; દ્રવ્યનું સ્વકદ, દ્રવ્યનું
સ્વદળ. (વાસ્તુ=દ્રવ્યનું ઘર; દ્રવ્યનું રહેઠાણ, દ્રવ્યનું નિવાસસ્થાન; દ્રવ્યનો આશ્રય; દ્રવ્યની ભૂમિ).
“સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં” આત્મા સમગ્રપણે એક છે. ભલે અસંખ્ય
પ્રદેશ છે. પણ અસંખ્યપ્રદેશ તરીકે એક છે.
‘એક હોવા છતાં વિસ્તારક્રમમાં

Page 173 of 540
PDF/HTML Page 182 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૩
પ્રવર્તનારા” જ્યાં ગુણનો વિસ્તાર જે અનંત છે એનું લક્ષ કરવા માટે “તેના જે સૂક્ષ્મ અંશો તે
પ્રદેશો.” (એટલે) ગુણના જે સૂક્ષ્મ અંશ છે તે પ્રદેશ (છે) આત્મામાં અસંખ્યપ્રદેશ - વિસ્તાર આવો
(તીરછો) છે એમાં એક પ્રદેશ (તેનો) અંશ છે. આહા... હા...! આવી વાતું કોઈ દી’ સાંભળી (ન
હોય) દ્રવ્યનું વાસ્તુ-ઘર સમગ્રપણે એક છે. “એક હોવા છતાં, વિસ્તારક્રમમાં પ્રવર્તનારા તેના જે
સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે.”
આત્મા અસંખ્યપ્રદેશી છે, એ સમગ્રપણે એક છે. પણ તેના એક-એક પ્રદેશ
છે એ અંશ ગુણ નહિ, ક્ષેત્ર નહિ. એક પ્રદેશ છે.
“તેમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક એક હોવા
છતાં” શું કહે છે...? વસ્તુ જે દ્રવ્ય છે, એ પરિણમન જે એમાં ત્રિકાળ થાય છે. એકરૂપ પરિણતિ છે
એકરૂપ. જેમ વિસ્તાર એકરૂપ છે. - તેમાં એક એક પ્રદેશ ભિન્ન છે. એમ પરિણતિ પર્યાયનો વિસ્તાર
એકરૂપ હોવા છતાં પણ એક એક પરિણામ ભિન્ન - ભિન્ન છે. આહા...! આવું છે. (લોકો કહે કે) કઈ
જાતનો આ ધરમ...? (શ્રોતાઃ) આમાં સમજવું શું પણ...? (ઉત્તરઃ) ઈ સમજવામાં ઈ છે કે દ્રવ્ય
પોતા પરિણામપણે પરિણમે છે. દ્રવ્ય ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યરૂપે પરિણમે છે. એ કોઈના કારણથી પરિણમે
છે એમ નથી. અહીંયાં તો ક્રમસર-ક્રમબદ્ધ લેશે. સૂક્ષ્મ વાત (છે) ક્રમબદ્ધ (ની) આમ આત્મા માં
અસંખ્યપ્રદેશ અહીંયાં સમગ્રપણે છે. (શરીર પ્રમાણ) છતાં એમાં એક-એક પ્રદેશ ભિન્ન (ભિન્ન) છે.
એવી રીતે સમગ્રપણે પરિણતિ છે અનાદિ-અનંત. એ પરિણતિ અનાદિ અનંત એકરૂપ હોવા છતાં પણ
એક-એક સમયનું પરિણામ ભિન્ન (ભિન્ન) છે. આહા... હા..! હવે આવી વાત..!! વેપારીને નવરાશ
ન મળે, પછી સામાયિક કરો. ને પોષા કરો... ને ફલાણું કરો.. ને ધરમ થશે, ધૂળે ય ધરમ નહી.
થાય.. આહા...! ધરમ બીજી ચીજ કોઈ છે બાપુ..! આહા... હા! દ્રવ્યની વૃત્તિ (છે નીચે ફૂટનોટમાં)
વૃત્તિ=વર્તુવું તે; હોવું તે; હોવાપણું; હયાતી. સમગ્રપણા વડે એક હોવા છતાં પરિણિત-વૃત્તિ ત્રિકાળ.
“પ્રવાહક્રમમાં પ્રવર્તનારા” પ્રવાહક્રમ (એટલે) જે પ્રદેશ છે એ વિસ્તારક્રમ ને પ્રવાહક્રમમાં
છે. આત્મા અસંખ્યપ્રદેશી છે. એ વિસ્તારક્રમ આમ (તીરછો-એકસાથ) છે. અને પરિણામ જે
(એકપછી એક) એ પ્રવાહક્રમ છે. એક પછી એક થાય છે. પરિણામ એ પ્રવાહક્રમ છે.
(વિસ્તારસામાન્ય સમુદાય અને આયતસામાન્ય સમુદાય) ૯૩ (ગાથામાં) આવી ગ્યું છે. પ્રવાહક્રમનો
પિંડ અને વિસ્તારનો પિંડ તે દ્રવ્ય છે. આ... રે... બાપુ! આ તો વીતરાગનો મારગ, લોજિકથી વાત
(સિદ્ધ છે) પણ ગમે તેટલી ભાષા એને (સહેલી કરવાનો પ્રયત્ન) કરે પણ વસ્તુસ્થિતિ હોય એવી
આવે ને...! શું કહે છે...?
“દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં.” એ પરિણતિ “પ્રવાહક્રમમાં પ્રવર્તનારા”
એક પછી એક પ્રવર્તનારા “તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે.” સૂક્ષ્મ અંશ જે છે તે પરિણામ છે.
આત્મામાં અસંખ્ય પ્રદેશ આમ છે. વિસ્તાર. એમાં એક- (એક) પ્રદેશ છે તે ભિન્ન (ભિન્ન) છે.
એકેક-એકેક-એકેક આમ. એમ આત્મામાં ત્રિકાળી પર્યાય અનંત ત્રિકાળી ગુણની જે પર્યાય છે, એ
પરિણતિ (નો) અનાદિ-અનંત જે પ્રવાહક્રમ છે, એ સમગ્ર (પણે) એક છે. એમાં એક-એક સમયની
પર્યાય ભિન્ન ભિન્ન છે. એક - એક સમયનું પરિણામ, પ્રવાહક્રમમાં ભિન્ન ભિન્ન છે. આહા... હા.. હા..!
આવું છે. હેં...!
(કહે છે કેઃ) “જેમ વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે.’ શું કહે છે..?

Page 174 of 540
PDF/HTML Page 183 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૪
ભગવાન આત્મામાં જે અસંખ્યપ્રદેશ - વિસ્તારક્રમ છે. એના પ્રદેશો પરસ્પર ભિન્ન-ભિન્ન છે. દરેક
પ્રદેશ, એક-બીજાથી ભિન્ન-ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ (સમગ્રપણે) છે તો (પણ) દરેક પ્રદેશ એક-
બીજાથી ભિન્ન છે. છે...? (વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરપસ્પર વ્યતિરેક છે. ક્રમ આમ (તીરછો -
પહોળાઈ - એકસાથ) (આત્મામાં) અસંખ્યપ્રદેશ છે એ વિસ્તારક્રમમાં એક એક પ્રદેશ ભિન્ન - ભિન્ન
છે.
“તેમ પ્રવાહક્રમનું કારણ પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે.” તેમ એક પછી એક પરિણામ થાય
છે તે પ્રવાહક્રમ (અનાદિ-અનંત) એમાં પણ એક-એક સમયનું પરિણામ છે તે પરસ્પર ભિન્ન-ભિન્ન
છે. એક પરિણામ, બીજા પરિણમથી એકત્વ થતું નથી. આહા...હા...હા...! આ તો તત્ત્વ કેવું છે, સર્વજ્ઞ
પરમેશ્વર, જિનેશ્વરદેવે જેવાં જોયાં, એવું તારે સમજવું પડશે. એ સમજણ કરીને પછી તત્ત્વદ્રષ્ટિ કરીને
અભેદ પ્રાપ્ત કરવું. પહેલાં સમજે જ નહીં કે તત્ત્વ શું છે....? (તો) અભેદ ઉપર દ્રષ્ટિ ક્યાંથી કરશે...?
આહા...હા...’ ભેદ છે. જ્ઞાન કરવામાં ભેદ છે. અસંખ્યપ્રદેશ (આત્મામાં) છે, પણ એક-એક પ્રદેશ
બીજા પ્રદેશથી ભિન્ન ભિન્ન છે. એમ આત્મામાં પ્રવાહક્રમમાં અનંત પરિણામ છે, છતાં એક-એક
પરિણામ એક બીજાથી પરસ્પર ભિન્ન ભિન્ન છે. આહા.. હા..! સમજાણું કાંઈ...?
(અહીંયાં કહે છે કેઃ) “જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ–રૂપથી ઉત્પન્ન” આહા... ઝીણી
વાત છે. (આત્મામાં) પ્રદેશ અસંખ્ય એમાં જે જે પ્રદેશ પોતાના સ્થાનમાં છે, (તે) સ્વરૂપથી ઉત્પન્ન
- લક્ષમાં આવ્યા કે આ પ્રદેશ છે અંદર - એક - એક. અસંખ્ય નથી
. “ને પૂર્વરૂપથી વિનષ્ટ” પૂર્વના
પ્રદેશની અપેક્ષાએ નથી, એ અપેક્ષાએ વિનષ્ટરૂપે છે. વર્તમાન પ્રદેશનું લક્ષ કરવાથી, (એટલે)
અસંખ્યપ્રદેશમાં (થી) એક પ્રદેશનું લક્ષ કરવાથી (અર્થાત્) પોતાના સ્થાનમાં સ્વ-રૂપથી) ઉત્પન્ન
કરવામાં આવ્યું. (અને) એકપ્રદેશમાં બીજો પ્રદેશ નથી એ અપેક્ષાએ (પૂર્વરૂપથી) વિનષ્ટ કરવામાં
આવ્યો. આહા...! છે...?
“તથા સર્વત્ર (બધેય) પરસ્પર અનુસ્યૂતિથી.” અનુસ્યૂતિ એટલે
અન્વયપૂર્વક જોડાણ, કાયમ અક પછી એક રચિત “રચાયેલા એકવાસ્તુપણા વડે અનુત્પન્ન –
અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ – સંહાર–ધ્રૌવ્યાત્મક છે.”
આહા... હા... હા... કોનું કહ્યું...? પ્રદેશની પહેલા
વાત કરી. કે આત્મા કોણ છે...? તેની ખબર નહીં.. આ આત્મા છે. આ પરમાણુ - શરીરથી તો ભિન્ન
તદ્ન આત્મા (છે). અંદર અસંખ્યપ્રદેશ (આત્માના) છે. એ અસંખ્ય પ્રદેશ સમગ્રપણે (અખંડ) છે.
એમાં એક પ્રદેશથી બીજો પ્રદેશ ભિન્ન-ભિન્ન છે. એવી રીતે આ ક્રમસર પરિણામ થાય છે અનાદિ-
અનંત. (એ) સમગ્ર પ્રવાહક્રમથી એક છે. (પણ) એમાં એક-એક સમયનું પરિણામ ભિન્ન-ભિન્ન છે.
આહા.. હા...! આવો દ્રવ્યનો સ્વભાવ (છે). એની ખબર નહીં (લોકોને). અનુસ્યૂત = ઉત્પત્તિ -
સંહાર-ધ્રૌવ્યાત્મક પ્રદેશ, પ્રદેશ ક્ષેત્રી અપેક્ષા.
“તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી
ઉત્પન્ન” પરિણામ પણ જે એક સમયમાં ઉત્પન્ન થાય છે, એ અપેક્ષાથી એને ઉત્પન્ન કહેવામાં આવે છે.
છે..?
“તે પરિણામ પોતાના અવસરમાં” પોતાના કાળ- અવસરમાં જ પરિણામ ઉત્પન્ન થાય છે.
આહા... હા...! આગળ પાછળ નહીં. “ક્રમબદ્ધ” આહા... હા.. હા..! પોતાના અવસરમાં જ્યારે
પરિણામ થાય છે. ત્યારે તે પરિણામ ત્રિકાળની અપેક્ષાથી ભિન્ન છે. બધા અનાદિ -અનંત પ્રવાહ
(ક્રમ) પરિણામ છે. (તો) તે એક પરિણામ પોતાના અવસરમાં થ્યા તો તે પરિણામ બીજા
પરિણામથી ભિન્ન છે.
(શ્રોતાઃ) ક્રમબદ્ધ..! (ઉત્તરઃ) ક્રમબદ્ધ છે. એક પછી એક

Page 175 of 540
PDF/HTML Page 184 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭પ
ક્રમબદ્ધ પરિણામ થાય છે. લોકો અત્યારે માનતા નથી. કે ક્રમબદ્ધ થઈ જાય તો પુરુષાર્થ શું રહ્યો....?
આહા...! એક પછી એક (ક્રમબદ્ધ) પરિણામ થાય તો પુરુષાર્થ વળી (ક્યાં રહ્યો). પણ ક્રમબદ્ધના
નિર્ણયમાં પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય છે. (એ દ્રષ્ટિ થવી) એ પુરુષાર્થ છે. આહ... હા... હા..!
આ તો ભગવાનની વાણી છે..! દિવ્ય ધ્વનિ છે...! (ત્રિલોકનાથની દિવ્યધ્વનિમાં (આવ્યું કે) પ્રભુ
તારી ચીજ (આત્મા) શું છે..? એ વિસ્તાર (ક્રમ) શું છે...? પ્રવાહ (ક્રમ) શું છે..? વિસ્તારમાં પણ
એક-એક પ્રદેશ ભિન્ન (ભિન્ન) છે અને પ્રવાહક્રમમાં પણ એકએક પરિણામ ભિન્ન (ભિન્ન) છે. એક
એક પ્રદેશ ઉપર નજર કરવાથી ઉત્પન્ન દ્રષ્ટિ થાય છે. બીજા પ્રદેશની અપેક્ષા ‘વિનષ્ટ’ (દ્રષ્ટિ) છે.
અને બધા પ્રદેશને અખંડ દેખવાથી ‘ધ્રૌવ્ય’ છે. (એટલે) પ્રદેશ છે... છે... છે... છે..., ઉત્પન્ન - વિનષ્ટ
નહીં. ધ્રૌવ્યમાં, પ્રદેશ છે, પ્રદેશ છે, પ્રદેશ છે બસ. એવી રીતે પ્રવાહક્રમમાં જે પરિણામ થાય છે
અનાદિ-અનંત છે. એ પરિણામ બીજા પરિણામથી ભિન્ન છે. આહા.. હા.. સંતોએ - દિગંબર
મુનિઓએ તો આ વાત કરી છે ભાઈ..! ભાઈ, તારે આત્મા જાણવો હોય, તો આ (વસ્તુ-મર્યાદા)
જાણવી પડશે. આવું (વસ્તુસ્વરૂપ) જાણ્યા વિના આત્મા જણાય, ધર્મ થાય - એવું હોતું નથી.
આહા... હા..!
(કહે છે કેઃ) આ આત્મા શું છે..? વિસ્તારક્રમથી કેવો છે, પ્રવાહક્રમથી કેવો છે..? (શ્રોતાઃ)
વિસ્તારક્રમ કોને કહેવો અને પ્રવાહક્રમ કોને કહેવો..? (ઉત્તરઃ) વિસ્તાર આમ વસ્તુ - આત્મા,
વિસ્તાર (ક્રમ) એક નામ. અસંખ્યપ્રદેશે એકરૂપ એ વિસ્તાર. અને પરિણામ એક પછી એક થાય છે
એ પ્રવાહક્રમ. પરિણામ અનંત છે. વિસ્તારક્રમમાં પણ એક પ્રદેશથી બીજો પ્રદેશ ભિન્ન છે. એમ
પ્રવાહક્રમમાં અનંત પરિણામ થાય છે. (અનાદિ-અનંત) એમાં એક-એક પરિણામ બીજા-બીજા
પરિણામથી ભિન્ન ભિન્ન છે. આહા.. હા..!
“સ્વ–રૂપથી ઉત્પન્ન”. શું કહે છે એ..? જુઓ, “તે
પરિણામો પોતાના અવસરમાંસ્વ–રૂપથી ઉત્પન્ન.” કહેવામાં આવ્યા. અને “પૂર્વરૂપથી વિનષ્ટ
હોવાથી”
પૂર્વના (પહેલાના) પરિણામની અપેક્ષા વર્તમાન પરિણામ વિનષ્ટ તો (પૂર્વના- પહેલાના
પરિણામ) વિનષ્ટ-વ્યય કહેવામાં આવે છે. પોતાની અપેક્ષા ઉત્પન્ન કહેવામાં આવે છે. પરની અપેક્ષાથી
વ્યય કહેવામાં આવે છે. “તથા સર્વત્ર પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે.” કોણ...?
પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામનું એકરૂપ, અનાદિ-અનંત એકરૂપ છે તો
“અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી. આમ. પરિણામ છે.. છે... છે... છે... એમ, (ધ્રૌવ્ય). આત્મામાં અસંખ્ય
પ્રદેશ છે. એ વિસ્તારક્રમ (છે), એમાં એક-એક પ્રદેશ છે એ બીજા પ્રદેશથી ભિન્ન છે. એમાં એક
પ્રદેશ પર નજર પડે તો ઉત્પન્ન- ઉત્પાદ કહેવાય છે, અને બીજા પ્રદેશની અપેક્ષા વિનષ્ટ-વ્યય કહેવાય
છે અને બધા પ્રદેશ છે... છે... છે... છે... છે... એનું નામ ધ્રૌવ્ય (છે.)
એવી રીતે આત્માના પરિણામ “ઉત્પત્તિ– સંહાર–ધ્રૌવ્યાત્મક છે. આહા.. હા..! કાંઈ કોઈ દી’
સાંભળ્‌યું ન મળે..! જગતની મજૂરી કરીને મરી ગ્યા...! અનંતકાળથી આહા.. હા..! તત્ત્વ..!! વીતરાગ શું
કહે છે, એ તત્ત્વની હજી કાંઈ ખબર નહીં. પ્રતીતિ તો પછી. આહા.. હા..! આ આત્મા છે, અસંખ્ય -
પ્રદેશી છે, અનાદિ-અનંત પરિણામવાળો છે. બે વાત (કરી). (વિસ્તારક્રમ ને પ્રવાહક્રમ) હવે એમાં
અસંખ્યપ્રદેશોમાં જે એક પ્રદેશ છે તે બીજો પ્રદેશ નથી. તો એક પ્રદેશ ઉપર લક્ષ ગ્યું તો ઉત્પન્ન (ઉત્પાદ)

Page 176 of 540
PDF/HTML Page 185 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૬
કહેવામાં આવે છે. બીજા પ્રદેશની અપેક્ષાએ એને વિનિષ્ટ - (વ્યય) કહેવામાં આવે છે, પણ (પ્રદેશ)
છે... છે.. છે... છે.. એ અપેક્ષાએ ધ્રૌવ્ય કહેવામાં આવે છે... આહા... હા..! ભાઈ, ઝીણું આવ્યું છે આ
બધું આહા.. હા..! સમજાણું..?
એવી રીતે આત્મામાં પરિણામ અનાદિ-અનંત થાય છે, એક પછી એક, એક પછી એક-એ
પ્રવાહક્રમને સમગ્ર જુઓ તો એક પછી એક, એક પછી એક (પરિણામ) થાય જ છે. પણ એક
પર્યાયને જુઓ તો ઈ પર્યાય કે જેના ઉપર લક્ષ ગ્યું તે (અપેક્ષા) તેને ઉત્પન્ન (ઉત્પાદ) કહેવામાં
આવે છે અને એ પર્યાયમાં પૂર્વની પર્યાય નથી એ અપેક્ષાએ વિનષ્ટ (વ્યય) કહેવામાં આવે છે અને
પર્યાય છે.... છે... છે.. છે.. છે.. એને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. આવી વાત છે ભાઈ...! હળવે-હળવે
(કહેવાય છે).
(શ્રોતાઃ) બહુ સૂક્ષ્મ તત્ત્વ (ઉત્તરઃ) આ તો સમજાય એવું છે. (પણ) ભાઈ, કોઈ
દી’ સાંભળ્‌યું ન્હોતું બાપદાદે’ ય કોઈ દી’! (અરે... રે..!) વહ્યા ગ્યા બાપા, દાદા યે ગ્યા..! આ વસ્તુ
બાપુ, આ શ્વેતાંબર, સ્થાનકવાસીમાં તો છે જ નહીં. દિગમ્બરમાં છે પણ ચાલતી નથી. ક્રિયાકાંડ કરો.
પડિમા લ્યો..! મુનિપણું લ્યો ને લૂગડાં છોડો. વાસ્તવિક તત્ત્વ શું છે, ભગવાન ત્રિલોકનાથ શું કહે છે
અને એ તત્ત્વના બે રૂપ કયા છે...? (કાંઈ ખબર ન મળે..!)
આહા...હા..! એક તત્ત્વ એ છે એના વિસ્તારક્રમમાં અસંખ્યપ્રદેશ છે. એ વિસ્તારક્ષેત્ર છે.
(બીજો પ્રવાહક્રમ એ છે) એમાં પરિણામ ત્રિકાળી થાય છે. એ પ્રવાહક્રમ છે. પ્રવાહક્રમમાં અને
વિસ્તારક્રમમાં (એક પરિણામ) કે એક પ્રદેશ ઉપર નજર કરો તો ઉત્પન્ન કહેવામાં આવે છે. પૂર્વના
(પરિણામ) કે પ્રદેશની અપેક્ષા એને વિનષ્ટ કહેવામાં આવે છે. અને એ (પરિણામ) કે પ્રદેશ છે
એમાં છે, છે, છે, છે, છે, એને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. આહા... હા...! સમજાય છે કાંઈ...? આવું
ઝીણું છે. (આ તો) પ્રવચનસાર! ભગવાનની દિવ્યધ્વનિ..! ત્રિલોકનાથ પ્રભુ (સીમંધરસ્વામી)
બિરાજે છે મહાવિદેહમાં!! (એમની આ વાણી છે.)
(શ્રોતાઃ) દિવ્ય ધ્વનિમાં આવું કઠણ આવે..?
(ઉત્તરઃ) હેં! કઠણ છે જ નહીં એને અભ્યાસ જ નહીં. ન્યાંતો ઓમકાર ધ્વનિ છૂટે છે. ‘ઓમ્ ધ્વનિ
સૂનિ, અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ ભવીજીવ સંશય નિવારે.’ આહા... હા..! શું થાય
બાપુ, અત્યારે તો ક્રિયાકાંડની પ્રવૃત્તિમાં ગૂંચવીને મારી નાખ્યો બિચારાને! વાસ્તવિક તત્ત્વ શું છે (એ
જાણ્યું નહીં). આહા.. હા..!
(કહે છે કેઃ) પહોળાઈ શું છે, પહોળાઈ આમ (એકસાથ) વિસ્તાર અને ઊર્ધ્વ શું છે પર્યાય,
એક પછી એક (ક્રમબદ્ધ) પર્યાય કેવી છે (એ જાણવું જોઈએ) આહા... હા..! એ વસ્તુનું સ્વરૂપ છે.
(શ્રોતાઓને નિદર્શન દ્વારા) આ મૂકયું છે ને જુઓ, (આ મોતીની માળા). આ (સમગ્ર) ક્ષેત્ર છે.
તેમાં (આ મણકાની અપેક્ષા) આ ક્ષેત્ર નહીં, આ ક્ષેત્ર તે બીજું નહીં. તો આ ક્ષેત્ર છે (આત્માનું)
અસંખ્ય પ્રદેશી (જેમ માળામાં) ૧૦૮ મણકા છે. તો આ અપેક્ષા (બીજા મણકાની અપેક્ષા લક્ષમાં
લીધેલ મણકો) ઉત્પન્ન, (એ) પૂર્વની અપેક્ષાએ વ્યય અને ‘છે’ અપેક્ષાએ ધ્રૌવ્ય (કહેવાય છે). અને
હવે પરિણામ (ની વાત) જે સમયે જે પરિણામ આત્મામાં થયું તે ત્યાં છે, એ જ સમયમાં (માળાના
મણકાની જેમ) એ ઉત્પન્ન થયું છે એમ જોવાથી તેને ઉત્પન્ન કહેવામાં આવે છે. પૂર્વની અપેક્ષાએ એને
વિનષ્ટ કહેવામાં આવે છે. અને ત્રિકાળમાં છે, છે, છે, છે, તો એ પર્યાયને ધ્રૌવ્ય કહેવામાં આવે છે.
(એક સમયમાં ત્રણ છે.) આહા... હા..! આવું છે.

Page 177 of 540
PDF/HTML Page 186 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચસાર પ્રવચનો ૧૭૭
કો’ ભાઈ! આ જે મોતીની (માળાનું) એક મોતી છે. એ બીજા મોંતીમાં નથી એમ આત્મામાં
અસંખ્ય પ્રદેશ છે. એક પ્રદેશમાં બીજો પ્રદેશ નથી. અને આમ એક પરિણામ છે. આત્મામાં - એ
(માળાનું) મોતી જે સ્થાનમાં છે ત્યાં છે. અહીંયા (મોતી) છે, અહીંયા (મોતી) છે, જે જે સ્થાનમાં
જે જે મોતી છે. એમ આત્મામાં જે જે સમયે - અવસરે જે જે પરિણામ થાય તે તે ત્યાં ત્યાં છે.
ક્રમબદ્ધમાં જે પરિણામ સમયનું થયું ત્યાં એ છે. એ પરિણામ ઉપર લક્ષ કરવાથી (જે પરિણામ લક્ષમાં
આવે) તે પરિણામને ઉત્પન્ન કહેવામાં આવે છે. પૂર્વનું પરિણામ એમાં નથી તો એને વિનષ્ટ કહેવામાં
આવે છે. એ પરિણામ છે, છે, છે, છે, એને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. એક પર્યાયને ત્રણ-ગુણ (ત્રિ-
લક્ષણ) કહેવામાં આવે છે. આહ.. હા..! સમજાણું કાંઈ...?
આહા...હા...! તે પ્રકારે “તે પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન”. આહા..!
આત્મામાં અને પરમાણુંમાં - છ એ દ્રવ્યમાં- પોતપોતાના અવસરે પરિણામ ઉત્પન્ન થાય છે. આગળ -
પાછળ નહીં. (એને) ક્રમબદ્ધ કહે છે. મોટો વિરોધ કર્યો’ તો ક્રમબદ્ધનો. વર્ણીજી કહે કે ક્રમબદ્ધ છે પણ
એક પછી એક (બીજું) આ જ પરિણામ છે એવું નહીં. અહીંયાં તો કહે છે કે જે પરિણામ જે સમયમાં
છે પછી જે થવાવાળું છે તે જ થશે. ક્રમબદ્ધ પરિણામ છે. મોટી ચર્ચા થઈ’ તી તેરની સાલ. વર્ણીજીની
સાથે. એ કહે કે ક્રમબદ્ધ છે પણ આ પછી આ જ પરિણામ આવશે એવું નથી. અહીંયાં તો કહે છે કે
આ પરિણામ પછી ‘આ જ’ પરિણામ આવશે, પોત - પોતાના અવસરમાં (જ) પરિણામ થશે,
આગળ - પાછળ નહીં.’ આહા... હા..! મોટો ગોટો છે ધરમમાં. દિગંબરના ધરમ નામે પણ મોટા ગોટા
છે. આહા...! શ્વેતાંબરમાં ને સ્થાનકવાસીમાં તો આ વાત છે જ નહી. એ તો ત્યાં, આ કરો ને આ
કરો... ને ક્રિયાકાંડ કરી ને મરી જાવ...! જાવ... ચોરાશીના અવતાર રખડતા (રખડતા) આહા... હા..
અહીંયા તો પરમાત્મા દ્રવ્યનો વિસ્તાર (ક્રમ) અને દ્રવ્યનો પ્રવાહક્રમ - પરિણામની બે વાત
કહે છે. બન્નેના પરિણામ ક્રમથી થાય છે એનો પિંડ તે દ્રવ્ય છે અને પ્રદેશ છે અસંખ્ય વસ્તુ-ચીજ
(દ્રવ્ય) એક જ છે. હવે એને અહીંયા કહે છે કે અસંખ્ય (પ્રદેશ) સિદ્ધ કરવા છે તો અસંખ્ય કઈ
રીતે સિદ્ધ થાય..? કે એક પ્રદેશ ઉપર નજર કરવાથી, એને ઉત્પન્ન કહેવામાં આવેલ છે. ઉત્પન્ન
(એટલે) નવો ઉત્પન્ન થયો એવું નહીં. લક્ષમાં એક પ્રદેશ લીધો તો ઉત્પન્ન કહેવામાં આવ્યું. બીજા
પ્રદેશની અપેક્ષા (એને) વિનષ્ટ કહેવામાં આવ્યું અને (પ્રદેશ) છે, છે, છે, એ અપેક્ષા ધ્રૌવ્ય કહેવામાં
આવેલ છે. બરાબર છે...? (શ્રોતાઃ) બરાબર પ્રભુ..! એવી રીતે પરિણામ-પોત-પોતાના અવસરે જે
પરિણામ અનંતગુણા થાય છે. એ પરિણામ (સ્વ) અવસરે પોત-પોતાના અવસરે થાય છે. બીજે
સમયે પણ પોતાના અવસરે થાય છે. ત્રીજે સમયે (પણ) પોતાના અવસરે થાય છે. તો પોત -
પોતાના (અવસરે) પરિણામ થાય છે. એને જોવા હોય તો એ (વર્તમાન) ‘છે’ એના ઉપર લક્ષ ગયું
તો ઉત્પન્ન કહેવામાં આવ્યું છે. પૂર્વની પર્યાય (અપેક્ષા) તેને વ્યય કહેવામાં આવ્યું અને છે, છે, છે, છે,
(પરિણામ) તો એને ધ્રૌવ્ય કહેવામાં આવેલ છે. દરેક પર્યાયને ધ્રૌવ્ય કહેવામાં આવેલ છે. આહા...
હા... હા..! કો’ સમજાય છે કાંઈ...?
(પ્રશ્નઃ) આ સમજીને કરવું શું...? (સમાધાનઃ) કે ચીજ
(દ્રવ્ય-વસ્તુ) આવી છે, એવું જ્ઞાન કરીને, અંતરમાં દ્રષ્ટિ અભેદ (આત્મા) ઉપર લઈ જવી. અસંખ્ય.
પ્રદેશના ભેદ પણ નહીં, અને અનંત પરિણામમાં (એક) પરિણામનો ભેદ પણ નહી.

Page 178 of 540
PDF/HTML Page 187 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૮
આહા.... હા...! ભાઈ, આવી વાત! શેઠિયાઓએ આવું સાંભળ્‌યું ન હોય ક્યાંક... વાડામાં! ક્રિયાકાંડ!!
આહા... એવું તો (કરી-કરીને) નવમી ગ્રેવૈયકે ગયો જૈન સાધુ-દિગંબર થઈને. એવી ક્રિયા તો
(અત્યારે) છે ય નહીં. ‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો’, એવી ક્રિયા તો અત્યારે છે ય
નહીં. કારણ અત્યારે તો સાધુ નામ ધરાવે, અને એના માટે ‘ચોકા’ તો હોય છે તે લ્યે છે ચોકામાં
બધું આહાર પાણી એને માટે બનાવે છે અને એ લ્યે છે અઠ્ઠાવીસ મૂલગુણમાં ય ઠેકાણાં નહીં. એવું ન
દે તો નિર્દોષ બનતું જ નથી, વરસાદ આવે તો નિર્દોષ મળે છે. કાંઈ પાણી - પાણી...! એમ કહે છે.
આહા... હા.. એને માટે (મુનિ માટે) બનાવે છે. ‘ચોકો’ (રસોડા). (ગૃહસ્થ) અગાઉથી જાય, જેટલું
જોઈતું હોય એટલું બનાવે. ગૃહસ્થ બનાવે.. આહા...! એક પાણીનું બિંદુ - અસંખ્ય જીવ, બધી
હિંસા...! અત્યારે આચરણ (મુનિઓનું) અરે, વ્યવહાર આચરણ પણ સાચું નથી. નિશ્ચયની દ્રષ્ટિ તો
ખોટી છે. (શ્રોતાઃ) ગૃહીત મિથ્યાત્વમાં પડયા છે. (ઉત્તરઃ) હા, હા...! (એ ક્રિયાકાડમાં) ધરમ માને
છે. દ્રષ્ટિ મિથ્યાત્વ છે.
આહા...હા...! ધરમ તો પ્રભુ...! આત્મા અસંખ્ય પ્રદેશી છે એવો ભેદ પણ લક્ષમાંથી છોડી દેવો
અને આત્મામાં અનંત પરિણામ ક્રમસર થાય છે, ક્રમસરની દ્રષ્ટિ પણ છોડી દેવી અને દ્રષ્ટિ અખંડ,
આનંદકંદ પ્રભુ છે અંદર, અભેદ છે એ ઉપર દ્રષ્ટિ કરવાથી, ધરમની પહેલી શરૂઆત - સમ્યગ્દર્શનની
પ્રથમ શરૂઆત થાય છે. એ વિના બધું એકડા વિના મીંડા છે. આહા... હા...! સાંભળ, સાંભળ..!
આકરું પડે! એ પંચામહાવ્રતના પરિણામ કરે, પરીષહ સહન કરે, ઉઘાડ પગે હાલે, પણ અંદરમાં
(માને છે કે) રાગની ક્રિયા એ મારી છે અને એનાથી મારું કલ્યાણ થશે. એ મિથ્યાદ્રષ્ટિવાળું છે. એ
જૈન જ નથી. આહા... હા... હા...! દિગંબર (જૈન) ધર્મ કંઈ પક્ષ નથી, પંથ નથી, વાડો નથી (એ
તો) વસ્તુનું સ્વરૂપ છે. એ ચીજ (વસ્તુસ્થિતિ) છે.
એ અહીંયાં કહે છે વસ્તુનું આવું સ્વરૂપ છે. કે પરમાણુ એકપ્રદેશી, આત્મા અસંખ્યપ્રદેશી,
કાલાણુ એક પ્રદેશી, ધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશી, અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશી, આકાશ અનંતપ્રદેશી
(છે). તો દરેક પદાર્થમાં જ એનો પ્રદેશ છે, તો (તેને) એકરૂપે જુઓ તો સમગ્ર એક છે. પણ એક
પ્રદેશ ઉપર લક્ષ કરવાથી એ પ્રદેશને ‘ઉત્પન્ન’ કહે છે. નવો ઉત્પન્ન થયો (છે) એમ નહીં (પણ એક
પ્રદેશ ઉપર લક્ષ કરવાથી એ પ્રદેશને ઉત્પન્ન કહે છે.) પૂર્વની અપેક્ષાએ (તેને) વ્યય છે. અને છે, છે,
છે, છે, છે, ની અપેક્ષાએ ધ્રૌવ્ય (કહે છે.) આમ આત્મામાં ક્રમસર એક પછી એક (એક પછી એક)
પરિણામ થાય છે. આહા... હા..! આ માળામાં જુઓ, એક પછી એક મોતી છે. કે (તે) આગળ -
પાછળ છે..? એક સ્થાનમાં એક મોતી છે. (જે જ્યાં મોતી છે) ત્યાં જ છે. એમ આત્મામાં જે
અવસરે જે પરિણામ થાય તે, તે જ અવસરે થાય છે. (આગળ - પાછળ નહીં) આહા... હા..! આવી
વ્યાખ્યા...! એ પરિણામ, પોત-પોતાના અવસરમાં થાય છે. જુઓ, આ શરીર છે. આ (હાથ
હલવાની) પર્યાય છે, પર્યાય તો જે સમયે, (જે) થવાની છે તે સમયે જ થાય છે. (એ પર્યાય)
આત્માથી નથી (થતી), પૂર્વ પર્યાયથી આ પર્યાય થાય છે. એમ (પણ) નહીં. આહા... હા..! એ
પર્યાય પોતાથી છે, એ પર્યાય તરફ જોવાથી તે ‘ઉત્પાદ’ છે અને પૂર્વ પર્યાયની અપેક્ષાએ એ વિનષ્ટ
છે અને પર્યાય, પર્યાય, પર્યાય, પર્યાય છે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. આહા...! આવું ઝીણું હવે..! મારગ
બહુ ઝીણો બાપુ! અત્યારે તો ગરબડ કરી નાખી બધી, મૂળવસ્તુના ભાન વિના, પ્રવૃત્તિની ક્રિયાકાંડમાં

Page 179 of 540
PDF/HTML Page 188 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૯
એ પણ સાધારણ ક્રિયાકાંડ (માં ધરમ - માને - મનાવે છે). ભલે, એકલો જંગલમાં રહે, વનવાસમાં
રહો - પંચમહાવ્રત પાળો, પણ સમ્યગ્દર્શન વિના એ બધું એકડા વિનાના મીંડા છે. એ કોઈ ભવનો
અભાવ કરવાની ચીજ નથી. આહા...હા...!
અહીંયાં તો પરમાત્મા પણ એ કહે છે (આત્મા) અસંખ્યપ્રદેશી છે. અને અનાદિ - અનંત
પર્યાય પણ પ્રવાહક્રમમાં (થાય છે). પ્રવાહક્રમમાં હો..! પ્રવાહક્રમ (ઊર્ધ્વ-લંબાઈ) વિસ્તારક્રમ આમ
(તીચ્છો- એકસાથ-પહોળાઈ) એક પછી એક, એક પછી એક આમ પ્રદેશ (વિસ્તાર) પ્રવાહક્રમ -
એક પછી એક, એક પછી એક એમ પર્યાય. તો જ્યાં જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે પર્યાય
થવાની. અને અસંખ્ય પ્રદેશમાં પણ જે (સ્થાનમાં) જે ત્યાં જ તે પ્રદેશ હશે. આહા... હા..! જ્યારે
જ્યારે (જે જે) પર્યાય (થશે) પોતાના અવસરમાં સમયમાં (જ) થશે. (પ્રશ્નઃ) તો આત્માએ કરવું
શું...?
(સમાધાનઃ) પણ એ અવસરમાં (પર્યાય) થશે એમ જ્યારે નક્કી કરી છે તો એની દ્રષ્ટિ દ્રવ્ય
ઉપર જાય છે. કે આ પરિણામ દ્રવ્યમાંથી આવ્યું. દ્રવ્ય જે જ્ઞાયક ચિદાનંદ પ્રભુ (આત્મા) છે એવી
દ્રષ્ટિ થવાથી (પર્યાય-સ્વ-અવસરે થાય છે એમ જણાયું) વળી એ પર્યાયમાં લક્ષમાં આવી ગ્યું કે આ
‘દ્રવ્ય છે’ એ પર્યાયમાં જાણવામાં આવે છે પણ પર્યાયમાં (એ) દ્રવ્ય આવતું નથી. આહા... હા!
સમજાણું કાંઈ આમાં.
આહા...હા...! “તે પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન” પોત - પોતાના
અવસરે થતા (પરિણામો), એની (સ્વરૂપની) દ્રષ્ટિ કરવાથી - પૂર્ણાનંદના નાથ પ્રભુ ચૈતન્ય
આત્મારામ એના ઉપર-પૂરણ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવાથી, વર્તમાન પરિણામમાં દ્રવ્યનું જ્ઞાન, શ્રદ્ધાન,
પૂરણ આવે છે. છતાં પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. આહા... હા..! એ શું કહ્યું...? કે જે પોતાની
પર્યાયમાં, અવસરે પર્યાય થાય છે એવો જ્યારે નિર્ણય કરે તો એ પરિણામ કોનું લક્ષ કરવાથી, એવો
(નિર્ણય) થાય છે..? તો કહે છે દ્રવ્યનું (લક્ષ કરવાથી). તો એ દ્રવ્ય કેવું છે...? ચૈતન્ય પ્રભુ
ભગવાન, પૂર્ણાનંદ અભેદ છે. એની દ્રષ્ટિ કરવાથી ક્રમસર પરિણામ જે થાય એન વિસ્તારક્રમ જે
(અસંખ્ય) પ્રદેશ છે એનું જ્ઞાન થાય છે. પણ દ્રષ્ટિ અભેદ કરે ત્યારે (એનું જ્ઞાન, શ્રદ્ધાનાદિ થાય
છે.) (એવા) અભેદ (આત્મામાં) આ ગુણભેદ પણ નહીં, પર્યાયભેદ તો નહી, રાગ તો નહીં, (અને
પ્રદેશભેદ પણ નહીં.) આહા... હા..! આવી વાત છે.
(સખત ઉનાળામાં) આ લૂની જુઓ ને...! લૂ વાય છે તો કેટલા બિચારા (જીવો) ગભરાઈ
જાય છે...! આ લૂ, લૂ, કહે છે ને...! ગરમ- ગરમ ગરમ (લૂ વરસે ઉનાળામાં) તો આ લૂ કરતાં તો
અનંતગણી લૂ પેલી નરકમાં છે.
(શ્રોતાઃ) એના શરીર વધારે મજબુત હોય છે ને..! (ઉત્તરઃ)
શરીર એવું હોય કે આયુષ્ય નાશ ન હો, જ્યાં સુધી આયુ (કર્મ) રહેશે ત્યાં સુધી રહેશે. આહ... હા..!
જુઓને એની બા, એને ઉલ્ટી થઈ કંઈ એમાં આંતરમાં તડ પડી ગઈ, એમાં દેહ છૂટી ગ્યો. આ
(શરીર) તો જડ છે. પણ એ સમય એ થવાનું જ હતું. જડની અવસ્થા એ સમયે આવવાની જ હતી.
આહા... હા... હા..! એમ આત્મામાં પણ જે સમયે (જે પરિણામ થવાના તે તેના અવસરે થાય છે.)
અરે, એ પરિણામ મારે (ક્યાં થ્યા) પણ એ પરિણામ, એ સમયે થવાવાળા હતા જ (તે થાય છે.)
અરે, એ પરિણામ મારે (ક્યાં થ્યા) પણ એ પરિણામ, એ સમયે થવાવાળા હતા જ (તે થયા છે).
આહા... હા..! (શ્રોતાઃ) નિશ્ચિત થઈ ગ્યું.. (આ તો) (ઉત્તરઃ) નિશ્ચિત જ છે. આગળ - પાછળ
ક્યારે ય થતું જ નથી. આકરી વાત છે ભાઈ..! હિંદુસ્તાનમાં આ વાત હતી નહીં. ક્રમબદ્ધ (ની
વાત). જે સમયે જે થવાવાળી છે એ સમયે એ જ થશે. આ વાત

Page 180 of 540
PDF/HTML Page 189 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૮૦
(ક્રમબદ્ધની) હિંદુસ્તાનમાં હતી નહીં. વર્ણીજી જેવા (વિદ્વાન) પાસે પણ નહોતી. વર્ણીજી બિચારા
કહેતા કે વિષ્ણુ હતા (તેની પાસે પણ) આ વાત જ નહોતી. આહા... હા...! ભાઈ હમણાં લખાણ
લખે છે. જયપુર ‘ક્રમબદ્ધ’ નો લેખ છે. આહા.. હા! સમજાણું કાંઈ..?
(કહે છે કેઃ) પર્યાય, પરમાણુની અને આત્માની (છ એ દ્રવ્યોની) થવાવાળી છે તે જ થશે.
આગળ - પાછળ નહીં. (આવો નિર્ણય હોય) એની દ્રષ્ટિ ક્યાં છે...? એ પર્યાય ઉપર દ્રષ્ટિ નથી,
દ્રષ્ટિ (છે) જેમાંથી ક્રમસર પર્યાય થાય છે ક્રમસર એ દ્રવ્યની (ઉપર દ્રષ્ટિ છે). આહા... હા..!
‘સમયસાર’ (ગાથા. ૩૦૮-૩૧૧) સર્વવિશુદ્ધ અધિકારમાં લીધું છે ને...! क्रमनियमित
(ક્રમબદ્ધ”) કહ્યું છે. જે દ્રવ્યની ક્રમે પર્યાય નિયમિત, જે થવાની તે થશે. પણ એનું (“क्रमनियमित”)
નું તાત્પર્ય શું..? (ગાથા ઉપર જુઓ) પાઠ છે. “આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે.” (એટલે)
અકર્તાપણું (સિદ્ધ કરવું છે.) અકર્તાપણા માટે ક્રમબદ્ધ કરી રહ્યા છીએ ક્રમબદ્ધ પર્યાય હો, દ્રષ્ટિ ત્યાં નહીં.
‘હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું ‘રાગનો કર્તાય નહીં, ને પર્યાયનો ય કર્તા નહીં. આહા... હા..! ક્રમસર થાય છે એમા
કરવું શું આહા... હા..! બહુ આકરી વાત છે ભાઈ...! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, એનો ધરમ
બહુ સૂક્ષ્મ!! અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ છે. (લોકો) સોનગઢનું એકાંત છે એમ વિરોધ કરે છે,
પોકાર કરે છે. કરો.. બાપા! આહા..! (વસ્તુસ્થિતિ) જેમ છે તેમ છે. સોનગઢવાળા વ્યવહારથી નિશ્ચય
(થાય એમ) કહેતા નથી..! નિમિત્તથી પરમાં (કાર્ય) થાય છે. એમ કહેતા નથી. વાત સાચી છે. પોતાના
સમયમાં (કાર્ય) થાય છે. એમાં નિમિત્તથી થાય એવું ક્યાંથી આવ્યું..? આહા... હા..!
(કહે છે કેઃ) વ્યવહાર - રાગાદિ તો બંધના કારણ છે. એનાથી સમ્યગ્દર્શન થાય છે...? (ન
થાય). રાગથી હઠીને, રુચિને હઠાવીને, પર્યાયની રુચિ પણ છોડીને, જે સમયે જે પર્યાય થવાવાળી છે
તે થશે એની પણ રુચિ છોડીને, જ્ઞાયકપ્રભુ અંદર ભગવાન પૂર્ણાનંદ અનંતગુણનો સાગર,
અનંતગુણવાળો એમેય નહીં (એ ભેદ થયો) પણ અનંતગુણસાગર સ્વરૂપ (અભેદ) ભગવાન આત્મા
(છે). એના ઉપર દ્રષ્ટિ જવાથી સમ્યગ્દર્શન થાય છે. સમ્યક્ નામ સત્યદર્શન. ભગવાન એવો (છે).
આત્મા જેવો છે. (એવો) પ્રતીતમાં એની દ્રષ્ટિ થવાથી (આવે છે). એમાં એને સમ્યક્નામ સત્યદર્શન
(થાય છે.). સત્ પ્રભુ ત્રિકાળી આનંદ (સ્વરૂપ) એવી પ્રતીતિ નામ દર્શન, એ તરફ ઝૂકવાથી થાય
છે. આહા... હા... હા..! ક્રિયાકાંડ લાખ કરે ને ક્રોડ કરે
“લાખ બાતકી બાત યહૈ, નિશ્ચય ઉર લાઓ,
તોરિ સકલ જગ દંગ–ફંદ, નિત આતમ ધ્યાઓ.” આવે છે ને...! ‘છહઢાળા’ માં (ચોથી ઢાળ). પણ
કાંઈ વિચાર નહીં, વાંચન નહીં. જગત ચાલ્યું જાય છે...! ટાણા ચાલ્યા જાય છે... દેહની સ્થિતિ પૂરી
થવાનો કાળ આવ્યે છૂટી જશે. બાપુ, તેં નહીં કર્યું હોય તો રખડવું નહીં મટે. આંહી બધા પૈસાદાર-
કરોડોપતિ, અબજોપતિ ધરમની ખબર ન મળે, એ અહીંથી મરીને તિર્યંચ - ઢોરમાં જાય. પશુમાં જાય.
આહા... હા..! આંહી બહારમાં એટલા પ્રસિદ્ધ હોય ઓહો અબજો રૂપિયા, બે જણા તો દેખ્યા, એક
તમારા શેઠ પચાસ કરોડ. બીજા સાહૂ ચાલીસ કરોડ. આંહી ઘણીવાર આવી ગ્યા. કલકત્તામાં ત્યાં
આવ્યા હતા, આંહી આવ્યા હતા, મુંબઈ આવ્યા હતા. અને ત્રીજા એક આપણા વાણિયા છે ગોવામાં
ગુજરી ગ્યા હમણાં બે વરસ પહેલાં..! બે અબજ ચાલીસ કરોડ..! બે અબજ ચાલીસ કરોડ...! એનો
દીકરો હમણાં આવ્યો’ તો મુંબઇ દર્શન કરવા. પણ શું ધૂળના (ધણી). આહા... હા... મરી

Page 181 of 540
PDF/HTML Page 190 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૮૧
ગ્યા, મારી નાખ્યા! ઈ તો ધૂળ છે, જડ છે. જડ મારી ચીજ છે..? આત્માની ચીજ છે...? આત્માની
માનવી (એ ચીજ) એ તો મિથ્યાત્વભ્રમ છે અજ્ઞાન (છે).
(અહીંયાં તો (કહે છે કેઃ) પર્યાયદ્રષ્ટિમાં રહેવું એ પણ મિથ્યાદ્રષ્ટિ (પણું) છે, કેમકે પરદ્રવ્યને
પોતાના માનવા, પૈસા મારા. ને બાયડી મારી, કુટુંબ મારું ને અરે, એ મારી મારી કરે છે પણ એ
ચીજ તારામાં ક્યાં છે...? તારામાં- તારા જે છે નહીં એને મારા-મારા માનવા (એ મિથ્યા અભિપ્રાય
છે) આ મારો દીકરો છે, આ દીકરાની વહુ અને કોણ દીકરા બાપુ એ તો પરદ્રવ્ય છે. આહા.. હા..!
આત્માને દીકરા કેવા આહા... હા..! અહીંયાં તો એકસમયની પર્યાય પર પણ દ્રષ્ટિ નહીં, એક સમયની
પર્યાય જેવડો આત્મા નહીં, પણ ભગવાન (આત્મા) સત્ અને સત્તા ગુણ એવો (ગુણી-ગુણનો) ભેદ
પણ જેને નજરમાં નહીં. આવી વાત છે, દુનિયાથી બીજી જાત છે. આહા.. હા..!
(કહે છે કેઃ) આહા... હા...! અંદર દેહથી ભિન્ન, કર્મથી રાગ - દયા, દાન, ભક્તિના રાગથી
પ્રભુ તો ભિન્ન છે. એક સમયની પર્યાયથી પણ ભિન્ન છે. આહા... હા..! અવસરે - (અવસરે) પર્યાય
થશે, આવો નિર્ણય કરવાવાળા (જ્ઞાની) જ્ઞાતા-દ્રષ્ટાપણે રહેશે, અકર્તા થઈ જશે...!! રાગનો ને
પર્યાયનો પણ અકર્તા થઈ જશે. આહા...હા...! આ (ક્રમબદ્ધ) સમજવાનો સાર એ છે. પરમાત્મા
ત્રિલોકનાથે જેવું દ્રવ્ય જ્ઞાનમાં જોયું એવું કહ્યું, વાણીમાં આવ્યું. પરમેશ્વર સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય
છે નહીં. આહા...હા...! જેના સંપ્રદાયમાં (સર્વજ્ઞ) છે એને (આ તત્ત્વની) ખબર નથી. બીજા
સંપ્રદાયમાં તો આ વાત છે જ નહીં. શ્વેતાંબર અને સ્થાનકવાસી છે જૈન એમાં પણ આ (ક્રમબદ્ધની)
વાત નથી. આહા...હા..! આકરી વાત છે. દિગંબર સંપ્રદાય કોઈ પંથ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે,
સમજાણું...?
(કહે છે કેઃ) ભગવાન આત્મા અને પરમાણુ (એમાં એક પરમાણુ) લ્યો. એ પરમાણુંનું ક્ષેત્ર
એક પ્રદેશ છે. અને એની પર્યાય અનાદિ-અનંત થાય છે. અવસરે - અવસરે એના સમયમાં થાય છે.
પણ એ તો જ્ઞાન કરવા માટે છે. (આદરણીય આત્મા છે) એ પોતાના આત્મામાં અસંખ્યપ્રદેશી ક્ષેત્ર
છે. પ્રભુ..! પોતાનું ઘર અસંખ્યપ્રદેશી છે. એક પ્રદેશમાં બીજો પ્રદેશ નહીં એ અપેક્ષાએ એમ
અસંખ્યપ્રદેશ સિદ્ધ થાય છે. અને પર્યાય એક પછી એક થાય છે. એક પર્યાય છે તે બીજી પર્યાય નથી,
એ અપેક્ષા એ અનંતપર્યાય સિદ્ધ થાય છે. એ અનંતીપર્યાયો અને અસંખ્યપ્રદેશ સિદ્ધ કરવા માટે દ્રષ્ટિ
દ્રવ્ય ઉપર જાય છે. (ત્યારે એ સિદ્ધ થાય છે.) આહા.. હા..! સમજાણું...? આકરું કામ છે ભાઈ..!
આ બધુ ગાથાઓ ઝીણી એવી આવી છે. ૯૭, ૯૮, ૯૯.. આહા...!
(અહીંયાં કહે છે કેઃ) “અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન – અવિનષ્ટ
હોવાથી ઉત્પતિ – સંહાર–ધ્રૌવ્યાત્મક છે.” શું કહ્યું..? દરેક દ્રવ્યમાં જુઓ, સમયે જે પરિણામ થઈ
રહ્યા છે. જે અનાદિ - અનંત (છે). તેમાં જો એક પર્યાય ઉપર લક્ષ કરીએ તો તે ‘ઉત્પન્ન’, બીજી
પર્યાયની અપેક્ષાએ ‘વ્યય’ અને છે, છે, છે, ની અપેક્ષાએ ધ્રૌવ્ય. એમ અનાદિ - અનંત પર્યાય
(નો) પ્રવાહક્રમ (છે) એવો નિર્ણય કરવા (માટે) જ્ઞાયક છે પૂર્ણાનંદ પ્રભુ (અભેદ આત્મા) એ
ઉપર દ્રષ્ટિ જવી જોઈએ, ત્યારે એનો નિર્ણય સાચો થાય છે. આહા... હા...
વિશેષ પછી કહેશે.....