Padmanandi Panchvinshati (Gujarati). 19. Jinpoojashtak; Shlok: 1-10 (19. Jinpoojashtak),1 (20. Karunashtak),2 (20. Karunashtak),3 (20. Karunashtak),4 (20. Karunashtak),5 (20. Karunashtak),6 (20. Karunashtak),7 (20. Karunashtak),8 (20. Karunashtak),1 (21. Kriyakandachoolika),2 (21. Kriyakandachoolika),3 (21. Kriyakandachoolika),4 (21. Kriyakandachoolika),5 (21. Kriyakandachoolika),6 (21. Kriyakandachoolika),7 (21. Kriyakandachoolika),8 (21. Kriyakandachoolika),9 (21. Kriyakandachoolika),10 (21. Kriyakandachoolika),11 (21. Kriyakandachoolika),12 (21. Kriyakandachoolika),13 (21. Kriyakandachoolika),14 (21. Kriyakandachoolika),15 (21. Kriyakandachoolika),16 (21. Kriyakandachoolika),17 (21. Kriyakandachoolika),18 (21. Kriyakandachoolika),1 (22. Aekatvadasak),2 (22. Aekatvadasak),3 (22. Aekatvadasak),4 (22. Aekatvadasak),5 (22. Aekatvadasak),6 (22. Aekatvadasak),7 (22. Aekatvadasak),8 (22. Aekatvadasak),9 (22. Aekatvadasak),10 (22. Aekatvadasak),11 (22. Aekatvadasak),1 (23. Paramarthvinshati),2 (23. Paramarthvinshati); 20. Karunashtak; 21. Kriyakandachoolika; 22. Aekatvadasak; 23. Paramarthvinshati.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 19 of 21

 

Page 335 of 378
PDF/HTML Page 361 of 404
single page version

background image
૧૯. શ્રીજિનપૂજાષ્ટક
[१९. श्रीजिनपूजाष्टकम् ]
(वसंततिलका)
जातिर्जरामरणमित्यनलत्रयस्य
जिवाश्रितस्य बहुतापकृतो यथावत्
विध्यापनाय जिनपादयुगाग्रभूमौ
धारात्रयं प्रवरवारिकृतं क्षिपामि
।।।।
અનુવાદ : જન્મ, જરા અને મરણ આ જીવના આશ્રયે રહેનાર ત્રણ અગ્નિઓ
બહુ સંતાપ કરનારી છે. હું તેમને શાન્ત કરવા માટે જિન ભગવાનના ચરણ યુગલ
આગળ વિધિપૂર્વક ઉત્તમ જળથી નિર્મિત ત્રણ ધારાઓનું ક્ષેપણ કરૂં છું. ૧. જળધારા.
(वसंततिलका)
यद्वद्वचो जिनपतेर्भवतापहारि
नाहं सुशीतलमपीह भवामि तद्वत्
कर्पूरचन्दनमितीव मयार्पितं सत्
त्वत्पादपङ्कजसमाश्रयणं करोति
।।।।
અનુવાદ : જેવી રીતે જિન ભગવાનની વાણી સંસારનો સંતાપ દૂર કરનારી
છે તેવી રીતે શીતળ હોવા છતાં પણ હું તે સંતાપ દૂર કરી શકતો નથી, આ જાતના
વિચારથી જ જાણે મારા દ્વારા ભેટ કરવામાં આવેલ કપૂર મિશ્રિત તે ચન્દન હે
ભગવાન્! આપના ચરણકમળોનો આશ્રય કરે છે. ૨. ચંદન.

Page 336 of 378
PDF/HTML Page 362 of 404
single page version

background image
(वसंततिलका)
राजत्यसौ शुचितराक्षतपुज्जराजि-
र्दत्ताधिकृत्य जिनमक्षतमक्षधूतैर्तैः
वीरस्य नेतरजनस्य तु वीरपट्टो
बद्धः शिरस्यतितरां श्रियमातनोति
।।।।
અનુવાદ : ઇન્દ્રિયરૂપ ધૂર્તોદ્વારા બાધા નહીં પામેલા એવા જિન ભગવાનના
આશ્રયે આપવામાં આવેલી તે અતિશય પવિત્ર અક્ષતના પુંજની પંક્તિ સુશોભિત થાય
છે. બરાબર છે
પરાક્રમી પુરુષના શિર ઉપર બાંધવામાં આવેલ વીરપટ્ટ જેમ અત્યંત
શોભા વિસ્તારે છે તેમ કાયર પુરુષના શિર ઉપર બાંધવામાં આવેલ તેવી શોભા
વિસ્તારતો નથી. ૩. અક્ષત.
(वसंततिलका)
साक्षादपुष्पशर एव जिनस्तदेनं
संपूजयामि शुचिपुष्पशरैर्मनोज्ञैः
नान्यं तदाश्रयतया किल यन्न यत्र
तत्तत्र रम्यमधिकां कुरुते च लक्ष्मीम्
।।।।
અનુવાદ : આ જિનેન્દ્ર પ્રત્યક્ષ અપુષ્પશર અર્થાત્ પુષ્પશર (કામ) રહિત છે,
તેથી હું તેની મનોહર અને પવિત્ર પુષ્પશરો (પુષ્પના હારો) થી પૂજા કરૂં છું. અન્ય
(બ્રહ્મા આદિ) કોઈની પણ હું તેમનાથી પૂજા કરતો નથી. કારણ કે તે પુષ્પશર અર્થાત્
કામને આધીન છે. બરાબર છે
જે રમણીય વસ્તુ જ્યાં ન હોય તે ત્યાં અધિક શોભા
આપે છે.
વિશેષાર્થ : પુષ્પશરના બે અર્થ થાય છે, પુષ્પરૂપ બાણોના ધારક કામદેવ તથા
પુષ્પમાળા. અહીંશ્લેષની મુખ્યતાથી ઉક્ત બન્ને અર્થની વિવક્ષા કરીને એમ બતાવવામાં આવ્યું
છે કે જિન ભગવાન પાસે પુષ્પશર (કામવાસના) નથી, તેથી હું તેની પુષ્પશરોથી
(પુષ્પમાળાઓથી) પૂજા કરૂં છું. અન્ય હરિ, હર અને બ્રહ્મા આદિ પુષ્પશર સહિત છે; માટે
તેમની પુષ્પશરોથી પૂજા કરવામાં કાંઈ પણ શોભા નથી. એ જ વાત પુષ્ટ કરવા માટે એમ
પણ કહી દેવામાં આવ્યું છે કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં જ તે વસ્તુ મૂકવાથી શોભા થાય

Page 337 of 378
PDF/HTML Page 363 of 404
single page version

background image
છે, નહિ કે જ્યાં તે વસ્તુ વિદ્યમાન હોય ત્યાં મૂકવાથી. તાત્પર્ય એ છે કે જિનેન્દ્ર ભગવાન
જ જગત્વિજયી કામદેવ રહિત હોવાના કારણે પુષ્પો દ્વારા પૂજવાને યોગ્ય છે, નહિ કે ઉક્ત
કામ પીડિત હરિ-હર આદિ. કારણ એ છે કે પૂજક જેમ કામરહિત જિનેન્દ્રની પૂજાથી સ્વયં
પણ કામરહિત થઈ જાય છે તેવી રીતે કામ પીડિત અન્યની પૂજા કરવાથી તે કદી પણ
તેનાથી રહિત થઈ શકતા નથી. ૪. પુષ્પ.
(वसंततिलका)
देवो ऽयमिन्द्रियबलप्रलयं करोति
नैवेद्यमिन्द्रियबलप्रदखाद्यमेतत्
चित्रं तथापि पुरतः स्थितमर्हतो ऽस्य
शोभां बिभर्ति जगतो नयनोत्सवाय
।।।।
અનુવાદ : આ ભગવાન ઇન્દ્રિયનું બળ નષ્ટ કરે છે અને આ નૈવેદ્ય ઇન્દ્રિયનું
બળ આપનાર ખાદ્ય (ભક્ષ્ય) છે છતાં પણ આશ્ચર્ય છે કે આ અરહંત ભગવાનની
આગળ સ્થિત તે નૈવેદ્ય જગત્ના પ્રાણીઓના નેત્રોને આનંદદાયક શોભા ધારણ કરે
છે. ૫. નૈવેદ્ય.
(वसंततिलका)
आरार्तिकं तरलवह्निशिखं विभाति
स्वच्छे जिनस्य वपुषि प्रतिबिम्बितं सत्
ध्यानानलो मृगयमाण इवावशिष्टं
दग्धुं परिभ्रमति कर्मचयं प्रचण्डः
।।।।
અનુવાદ : ચંચળ અગ્નિશિખાથી સંયુક્ત આરતીનો દીપક જિન ભગવાનના
સ્વચ્છ શરીરમાં પ્રતિબિંબિત થઈને એવો શોભે છે કે જાણે તે બાકી રહેલા (અઘાતિ)
કર્મસમૂહને બાળવા માટે શોધતી તીવ્ર ધ્યાનરૂપ અગ્નિ જ ફરી રહી હોય. ૬. દીપ.
(वसंततिलका)
कस्तूरिकारसमयीरिव पत्रवल्लीः
कुर्वन् मुखेषु चलनैरिह दिग्वधूनाम्

Page 338 of 378
PDF/HTML Page 364 of 404
single page version

background image
हर्षादिव प्रभुजिनाश्रयणेन वात-
प्रेङ्खद्वपुर्नटति पश्यत धूपधूमः
।।।।
અનુવાદ : જુઓ, વાયુથી કંપતા શરીરવાળો ધૂપનો ધૂમાડો પોતાના કંપનથી
(ચંચળતાથી) જાણે અહીં દિશાઓરૂપ સ્ત્રીઓના મુખમાં કસ્તૂરીના રસમાંથી બનાવેલી
પત્રવલ્લી (ગાલ ઉપર કરવામાં આવતી રચના) ને કરતો થકો જિન ભગવાનના
આશ્રયથી પ્રાપ્ત થયેલ હર્ષથી નાચી જ રહ્યો છે. ૭. ધૂપ.
(वसंततिलका)
उच्चैेंःफलाय परमामृतसंज्ञकाय
नानाफलैर्जिनपतिं परिपूजयामि
तद्भक्तिरेव सकलानि फलानि दत्ते
मोहेन तत्तदपि याचत एव लोकः
।।।।
અનુવાદ : હું ઉત્કૃષ્ટ અમૃત નામનું ઉન્નત ફળ (મોક્ષ) પ્રાપ્ત કરવા માટે
અનેક ફળોથી જિનેન્દ્રદેવની પૂજા કરૂં છું. જો કે જિનેન્દ્રની ભક્તિ જ સમસ્ત ફળો
આપે છે, તો પણ મનુષ્ય અજ્ઞાનથી ફળની યાચના કર્યા કરે છે. ૮. ફળ.
(वसंततिलका)
पूजाविधिं विधिवदत्र विधाय देवे
स्तोत्रं च संमदरसाश्रितचित्तवृत्तिः
पुष्पाञ्जलिं विमलकेवललोचनाय
यच्छामि सर्वजनशान्तिकराय तस्मै
।।।।
અનુવાદ : હર્ષરૂપ જળથી પરિપૂર્ણ મનોવ્યાપાર સહિત હું અહીં વિધિપૂર્વક
જિનભગવાનના વિષયમાં પૂજાવિધાન અને સ્તુતિ કરીને નિર્મળ કેવળજ્ઞાનરૂપ નેત્ર સંયુક્ત
થઈને સર્વ જીવોને શાન્તિ પ્રદાન કરનાર તે જિનેન્દ્રને પુષ્પાંજલિ આપું છું. ૯. અર્ઘ.
(वसंततिलका)
श्रीपद्मनन्दितगुणौघ न कार्यमस्ति
पूजादिना यदपि ते कृतकृत्यतायाः

Page 339 of 378
PDF/HTML Page 365 of 404
single page version

background image
स्वश्रेयसे तदपि तत्कुरुते जनोऽर्हन्
कार्या कृषिः फलकृते न तु भूपकृत्यै
।।१०।।
અનુવાદ : મુનિ પદ્મ (પદ્મનન્દી) દ્વારા જેના ગુણ સમૂહની સ્તુતિ
કરવામાં આવી છે એવા હે અરહંતદેવ! જો કે કૃતકૃત્યતા પામી જવાથી તમને
પૂજા આદિથી કાંઈ પણ પ્રયોજન રહ્યું નથી, તો પણ મનુષ્ય પોતાના કલ્યાણ
માટે તમારી પૂજા કરે છે. બરાબર પણ છે
ખેતી પોતાનું જ પ્રયોજન સિદ્ધ કરવા
માટે કરવામાં આવે છે, નહિ કે રાજાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે.
વિશેષાર્થ : જેમ ખેડૂત જે ખેતી કરે છે તેમાંથી તે કેટલોક ભાગ જો કે કરરૂપે
રાજાને પણ આપે છે તો પણ તે રાજાના નિમિત્તે કાંઈ ખેતી કરતો નથી પરંતુ પોતાના જ
પ્રયોજન (કુટુંબ પરિપાલન આદિ) ને સાધવા માટે તે કરે છે. બરાબર એવી જ રીતે
ભક્તજનો જે જિનેન્દ્ર આદિની પૂજા કરે છે તે કાંઈ તેમને પ્રસન્ન કરવા માટે કરતા નથી,
પરંતુ પોતાના આત્મપરિણામોની નિર્મળતા માટે જ કરે છે. કારણ એ છે કે જિન ભગવાન
તો વીતરાગ (રાગ-દ્વેષ રહિત) છે, તેથી તેનાથી તેમની પ્રસન્નતા તો સંભવતી નથી; છતાં
પણ તેનાથી પૂજા કરનારાને પરિણામોમાં જે નિર્મળતા ઉત્પન્ન થાય છે તેનાથી તેના પાપકર્મોનો
રસ ક્ષીણ થાય છે અને પુણ્યકર્મોનો અનુભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે દુઃખનો વિનાશ થઈને
તેને સુખની પ્રાપ્તિ સ્વયમેવ થાય છે. આચાર્યપ્રવર શ્રી સમન્તભદ્ર સ્વામીએ પણ એમ જ કહ્યું
છે
न पूजयार्थस्त्वयि वीतरागे न निन्दया नाथ विवान्तवैरे तथापि ते पुण्यगुणस्मृतिर्नः पुनातु चित्तं
दुरिताञ्जनेभ्यः ।। અર્થાત્ હે ભગવન્! આપ વીતરાગ છો તેથી આપને પૂજાનું કાંઈ પ્રયોજન
રહ્યું નથી તથા આપ વૈરભાવ (દ્વેષ બુદ્ધિ) થી પણ રહિત છો તેથી નિન્દાનું પણ આપને કાંઈ
પ્રયોજન રહ્યું નથી. છતાં પણ પૂજા આદિ દ્વારા થતું આપના પવિત્ર ગુણનું સ્મરણ અમારા
ચિત્તને પાપરૂપ કાલિમાથી બચાવે છે. [સ્વયંભૂ સ્તોત્ર. ૫૭]. ૧૦.
આ રીતે જિનપૂજાષ્ટક સમાપ્ત થયું. ૧૯.

Page 340 of 378
PDF/HTML Page 366 of 404
single page version

background image
૨૦. શ્રી કરુણાષ્ટક
[२०. करुणाष्टम् ]
(आर्या)
त्रिभुवनगुरो जिनेश्वर परमानन्दैककारण कृरुष्व
मयि किंकरेऽत्र करुणां तथा यथा जायते मुक्तिः ।।।।
અનુવાદ : ત્રણે લોકના ગુરુ અને ઉત્કૃષ્ટ સુખના અદ્વિતીય કારણ એવા હે
જિનેશ્વર! આ દાસ ઉપર એવી કૃપા કરો કે જેથી મને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. ૧.
(आर्या )
निर्विण्णो ऽहं नितरामर्हन् बहुदुःखया भवस्थित्या
अपुनर्भवाय भवहर कुरु करुणामत्र मयि दीने ।।।।
અનુવાદ : હે સંસારના નાશક અરહંત! હું અનેક દુઃખ ઉત્પન્ન કરનાર આ
સંસારવાસનાથી અત્યંત વિરક્ત થયો છું. આપ આ દીન ઉપર એવી કૃપા કરો કે
જેથી મારે ફરી જન્મ ન લેવો પડે અર્થાત્ હું મુક્ત થઈ જાઉં. ૨.
(आर्या )
उद्धर मां पतितमतो विषमाद्भवकूपतः कृपां कृत्वा
अर्हन्नलमुद्धरणे त्वमसीति पुनः पुनर्वच्मि ।।।।
અનુવાદ : હે અરહંત! આપ કૃપા કરીને આ ભયાનક સંસારરૂપ કૂવામાં
પડેલા મારો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી ઉદ્ધાર કરવા માટે સમર્થ છો. તેથી
હું વારંવાર આપને નિવેદન કરૂં છું. ૩.

Page 341 of 378
PDF/HTML Page 367 of 404
single page version

background image
(आर्या )
त्वं कारुणिकः स्वामी त्वमेव शरणं जिनेश तेनाहम्
मोहरिपुदलितमानः पूत्कारं तव पुरः कुर्वे ।।।।
અનુવાદ : હે જિનેશ! તમે જ દયાળુ છો, તમે જ પ્રભુ છો, અને તમે જ
રક્ષક છો. તેથી મોહરૂપ શત્રુદ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની
પાસે પોકારીને કહું છું. ૪.
(आर्या )
ग्रामपतेरपि करुणा परेण केनाप्युपद्रुते पुंसि
जगतां प्रभोर्न किं तव जिन मयि खलकर्मभिः प्रहते ।।।।
અનુવાદ : હે જિન! જે એક ગામના સ્વામી હોય છે તે પણ કોઈ બીજા
દ્વારા પીડિત મનુષ્ય ઉપર દયા કરે છે. તો પછી જો આપ ત્રણે ય લોકના સ્વામી
છો તો શું દુષ્ટ કર્મો દ્વારા પીડિત મારા ઉપર દયા નહિ કરો? અર્થાત્ અવશ્ય
કરશો. ૫.
(आर्या )
अपहर मम जन्म दयां कृत्वेत्येकत्र वचसि वक्तव्ये
तेनातिदग्ध इति मे देव बभूव प्रलापित्वम् ।।।।
અનુવાદ : હે દેવ! આપ કૃપા કરીને મારા જન્મ (જન્મમરણરૂપ સંસાર)નો
નાશ કરો, એ જ એક વાત મારે આપને કહેવાની છે. પરંતુ હું તો જન્મથી અતિશય
બળેલો છું અર્થાત્ પીડિત છું તેથી હું ઘણો બકવાદી બન્યો છું. ૬.
(आर्या )
तव जिनचरणाब्जयुगं करुणामृतसंगशीतलं यावत्
संसारातपतप्तः करोमि हृदि तावदेव सुखी ।।।।
અનુવાદ : હે જિન! સંસારરૂપ તડકાથી સંતાપ પામેલો હું જ્યાંસુધી દયારૂપ
અમૃતની સંગતિથી શીતળતા પામેલા તમારા બન્ને ચરણકમળોને હૃદયમાં ધારણ કરું
છું ત્યાંસુધી જ સુખી રહું છું. ૭.

Page 342 of 378
PDF/HTML Page 368 of 404
single page version

background image
(आर्या )
जगदेकशरण भगवन्नसमश्रीपद्मनन्दितगुणौघ
किं बहुना कुरु करुणाम् अत्र जने शरणमापन्ने ।।।।
અનુવાદ : જગતના પ્રાણીઓના અદ્વિતીય રક્ષક તથા અસાધારણ લક્ષ્મી
સંપન્ન અને મુનિ પદ્મનન્દી દ્વારા સ્તુતિ કરાયેલ ગુણસમૂહ સહિત એવા હે ભગવન્!
હું વધારે શું કહું? શરણે આવેલા આ જન (મારા) ઉપર આપ દયા કરો. ૮.
આ રીતે કરુણાષ્ટક સમાપ્ત થયું. ૨૦.

Page 343 of 378
PDF/HTML Page 369 of 404
single page version

background image
૨૧. ક્રિયાકાંડચૂલિકા
[२१. क्रियाकाण्डचूलिका ]
(शार्दूलविक्रीडित)
सम्यग्दर्शनबोधवृ त्तसमताशीलक्षमाद्यैर्घनैः
संकेताश्रयवज्जिनेश्वर भवान् सर्वैर्गुणैराश्रितः
मन्ये त्वय्यवकाशलब्धिरहितैः सर्वत्र लोके वयं
संग्राह्या इति गर्वितैः परिहृतो दोषैरशेषैरपि
।।।।
અનુવાદ : હે જિનેશ્વર! સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, સમતા,
શીલ અને ક્ષમા આદિ સર્વ ગુણોએ જે સંકેતગૃહ સમાન આપનો સઘનરૂપે આશ્રય
કર્યો છે; તેથી મને એમ લાગે છે આપનામાં સ્થાન પ્રાપ્ત ન થવાથી ‘લોકમાં અમે
સર્વત્ર સંગ્રહ કરવાને યોગ્ય છીએ’ એ જાતનું અભિમાન પામીને જ જાણે કે બધા
દોષોએ આપને છોડી દીધા છે.
વિશેષાર્થ : જિન ભગવાનમાં સમ્યગ્દર્શન, આદિ બધા ઉત્તમોત્તમ ગુણો હોય છે.
પરંતુ દોષ તેમનામાં એક પણ હોતો નથી. તેથી ગ્રન્થકારે અહીં આ ઉત્પ્રેક્ષા કરી છે કે તેમની
અંદર એટલા બધા ગુણો પ્રવેશી ચુક્યા હતા કે દોષોને માટે ત્યાં સ્થાન જ રહ્યું નહોતું. તેથી
જાણે તેમનાથી તિરસ્કૃત થવાને કારણે દોષોને એ અભિમાન જ ઉત્પન્ન થયું હતું કે લોકમાં
અમારો સંગ્રહ તો બધા જ કરવા ઇચ્છે છે તો પછી જો આ જિન અમારી ઉપેક્ષા કરે છે તો
અમે એમની પાસે કદી પણ નહિ જઈએ. આ અભિમાનને કારણે જ તે દોષોએ જિનેન્દ્રદેવને
છોડી દીધા હતા. ૧.
(वसंततिलका)
यस्त्वामनन्तगुणमेकविभुं त्रिलोक्याः
स्तौति प्रभूतकवितागुणगर्वितात्मा

Page 344 of 378
PDF/HTML Page 370 of 404
single page version

background image
आरोहति द्रुमशिरः स नरो नभो ऽन्तं
गन्तुं जिनेन्द्र मतिविभ्रमतो बुधो ऽपि
।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! કવિતા કરવા યોગ્ય અનેક ગુણો હોવાથી અભિમાન
પામેલો જે મનુષ્ય અનંત ગુણો સહિત અને ત્રણે લોકના અદ્વિતીય પ્રભુસ્વરૂપ તમારી
સ્તુતિ કરે છે તે વિદ્વાન હોવા છતાં પણ જાણે બુદ્ધિની વિપરીતતાથી (મૂર્ખતાથી)
આકાશનો અંત પામવા માટે વૃક્ષના શિખર ઉપર જ ચડે છે.
વિશેષાર્થ : જેમ અનંત આકાશનો અંત પામવો અસંભવ છે તેવી જ રીતે ત્રિલોકીનાથ
(જિનેન્દ્ર)ના અનંત ગુણોનો પણ સ્તુતિ દ્વારા અંત પામવો અસંભવ જ છે. છતાં પણ જે વિદ્વાન
કવિ સ્તુતિ દ્વારા તેમના અનંત ગુણોનું કીર્તન કરવા ઇચ્છે છે, તો એમ સમજવું જોઈએ કે તે પોતાના
કવિત્વ ગુણના અભિમાનથી જ તેમ કરવાને ઉદ્યત થયો છે. ૨.
(वसंततिलका)
शक्नोति कर्तुमिह कः स्तवनं समस्त-
विद्याधिपस्य भवतो विबुधार्चिताङ्ध्रेः
तत्रापि तज्जिनपते कुरुते जनो यत्
तच्चित्तमध्यगतभक्ति निवेदनाय
।।।।
અનુવાદ : જે સમસ્ત વિદ્યાઓના સ્વામી છે તથા જેમના ચરણ દેવો દ્વારા
પૂજવામાં આવ્યા છે એવા આપની સ્તુતિ કરવા માટે અહીં કોણ સમર્થ છે? અર્થાત્
કોઈપણ સમર્થ નથી. છતાં પણ હે જિનેન્દ્ર! જે મનુષ્ય આપની સ્તુતિ કરે છે તે
પોતાના ચિત્તમાં રહેતી ભક્તિ પ્રગટ કરવા માટે જ કરે છે. ૩.
(वसंततिलका)
नामापि देव भवतः स्मृतिगोचरत्वं
वाग्गोचरत्वमथ येन सुभक्ति भाजा
नीतं लभेत स नरो निखिलार्थसिद्धिं
साध्वी स्तुतिर्भवतु मां किल कात्र चिन्ता
।।।।
અનુવાદ : હે દેવ! જે મનુષ્ય અતિશય ભક્તિયુક્ત થઈને આપના નામને

Page 345 of 378
PDF/HTML Page 371 of 404
single page version

background image
પણ સ્મૃતિનો વિષય અથવા વચનનો વિષય બનાવે છેેમનથી આપના નામનું ચિન્તન
તથા વચનથી કેવળ તેનું ઉચ્ચારણ જ કરે છેતેના સર્વ પ્રકારના પ્રયોજન સિદ્ધ થાય
છે. એવી હાલતમાં મારે શી ચિન્તા છે? અર્થાત્ કાંઈ પણ નથી. તે ઉત્તમ સ્તુતિ
જ પ્રયોજન સિદ્ધ કરનારી થાવ. ૪.
(वसंततिलका)
एतावतैव मम पूर्यत एव देव
सेवां करोमि भवतश्चरणद्वयस्य
अत्रैव जन्मनि परत्र च सर्वकालं
न त्वामितः परमहं जिन याचयामि
।।।।
અનુવાદ : હે દેવ! હું આ જન્મમાં તથા બીજા જન્મમાં પણ નિરંતર આપના
ચરણયુગલની સેવા કરતો રહું, એટલા માત્રથી જ મારૂં પ્રયોજન પૂર્ણ થઈ જાય છે.
હે જિનેન્દ્ર! એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ માગતો નથી. ૫.
(वसंततिलका)
सर्वागमावगमतः खलु तत्त्वबोधो
मोक्षाय वृत्तमपि संप्रति दुर्घटं नः
जाडयात्तथा कुतनुतस्त्वयि भक्ति रेव
देवास्ति सैव भवतु क्रमतस्तदर्थम्
।।।।
અનુવાદ : હે દેવ! મુક્તિના કારણભૂત જે તત્ત્વજ્ઞાન છે તે નિશ્ચયથી
સમસ્ત આગમો જાણી લેવાથી પ્રાપ્ત થાય છે અને તે અમે જડબુદ્ધિ હોવાથી
અમારે માટે દુર્લભ જ છે. એ જ રીતે તે મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે
તે પણ શરીરની દુર્બળતાથી આ વખતે અમને પ્રાપ્ત થઈ શકતું નથી એ કારણે
આપના વિષયમાં જે મારી ભક્તિ છે તે જ ક્રમશઃ મને મુક્તિનું કારણ
થાવ. ૬.
(मालिनी)
हरति हरतु वृद्धं वार्धकं कायकान्तिं
दधति दधतु दूरं मन्दतामिन्द्रियाणि

Page 346 of 378
PDF/HTML Page 372 of 404
single page version

background image
भवति भवतु दुःखं जायतां वा विनाशः
परमिह जिननाथे भक्ति रेका ममास्तु
।।।।
અનુવાદ : વૃદ્ધિને પ્રાપ્ત થયેલ વૃદ્ધાવસ્થા જો શરીરની કાંતિ નષ્ટ કરે
છે તો કરો, જો ઇન્દ્રિયો અત્યંત શિથિલતા ધારણ કરે છે તો કરો, જો દુઃખ
થાય છે તો થાવ તથા જો વિનાશ થાય છે તો પણ ભલે થાય. પરંતુ અહીં
મારી એક માત્ર જિનેન્દ્રના વિષયમાં ભક્તિ બની રહો. ૭.
(वसंततिलका)
अस्तु त्रयं मम सुदर्शनबोधवृत्त-
संबन्धि यान्तु च समस्तदुरीहितानि
याचे न किंचिदपरं भगवन् भवन्तं
नाप्राप्तमस्ति किमपीह यतस्त्रिलोक्याम्
।।।।
અનુવાદ : હે ભગવાન્! મને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર
સંબંધી ત્રણ અર્થાત્ રત્નત્રય પ્રાપ્ત થાવ. તથા મારી સમસ્ત દુશ્ચેષ્ટાઓ નષ્ટ થઈ
જાવ, એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ નથી માગતો; કારણ કે ત્રણે
લોકમાં હજી સુધી જે પ્રાપ્ત ન થયું હોય એવું અન્ય કાંઈ પણ નથી.
વિશેષાર્થ : અહીં જિનેન્દ્ર ભગવાન પાસે કેવળ એક એ જ યાચના કરવામાં
આવી છે કે આપની કૃપાથી મારી દુષ્ટ વૃત્તિ નષ્ટ થઈને મને રત્નત્રયની પ્રાપ્તિ થાવ, એ
સિવાય બીજી કોઈ પણ યાચના કરવામાં આવી નથી. એનું કારણ એ આપવામાં આવ્યું છે
કે અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએ ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના પદ તો
અનેક વાર પ્રાપ્ત કરી લીધાં, પરંતુ રત્નત્રયની પ્રાપ્તિ તેને હજી સુધી કદી થઈ નથી. તેથી
તે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા રત્નત્રયની જ અહીં યાચના કરવામાં આવી છે. નીતિકાર પણ
એ જ કહે કે
लोको ‘ह्यभिनवप्रियः’ અર્થાત્ જનસમૂહ નવી નવી વસ્તુ પ્રત્યે જ અનુરાગ કર્યા
કરે છે. ૮.
(वसंततिलका)
धन्यो ऽस्मि पुण्यनिलयो ऽस्मि निराकुलो ऽस्मि
शान्तो ऽस्मि नष्टविपदस्मि विदस्मि देव

Page 347 of 378
PDF/HTML Page 373 of 404
single page version

background image
श्रीमज्जिनेन्द्र भवतो ऽङ्ध्रियुगं शरण्यं
प्राप्तो ऽस्मि चेदहमतीन्द्रियसौख्यकारि
।।।।
અનુવાદ : હે શ્રીમદ્ જિનેન્દ્રદેવ! હું અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) કરનાર,
આપના ચરણયુગલનું શરણ પ્રાપ્ત કરી ચૂક્યો છું; માટે હું ધન્ય છું, પુણ્યનું સ્થાન
છું, આકુળતા રહિત છું, શાન્ત છું, વિપત્તિઓ રહિત છું અને જ્ઞાતા પણ છું. ૯.
(वसंततिलका)
रत्नत्रये तपसि पङ्क्ति विधे च धर्मे
मूलोत्तरेषु च गुणेष्वथ गुप्तिकार्ये
दर्पात्प्रमादत उतागसि मे प्रवृत्ते
मिथ्यास्तु नाथ जिनदेव तव प्रसादात्
।।१०।।
અનુવાદ : હે નાથ! હે જિનદેવ! રત્નત્રય, તપ, દસ પ્રકારના ધર્મ, મૂળગુણ,
ઉત્તરગુણ અને ગુપ્તિરૂપ કાર્ય; આ બધાના વિષયમાં અભિમાનથી અથવા પ્રમાદથી
મારી સદોષ પ્રવૃત્તિ થઈ હોય તે આપના પ્રસાદથી મિથ્યા થાવ. ૧૦.
(उपेन्द्रवज्रा)
मनोवचो ऽङ्गैः कृतमङ्गिपीडनं
प्रमोदितं कारितमत्र यन्मया
प्रमादतो दर्पत एतदाश्रयं
तऽस्तु मिथ्या जिन दुष्कृतं मम
।।११।।
અનુવાદ : હે જિન! પ્રમાદથી અથવા અભિમાનથી જે મેં અહીં મન,
વચન અને શરીરથી પ્રાણીઓનું પીડન સ્વયં કર્યું હોય, બીજાઓ પાસે કરાવ્યું
હોય અથવા પ્રાણીને પીડા ઉપજાવતા જીવને જોઈને હર્ષ પ્રગટ કર્યો હોય; તેના
આશ્રયે થનાર મારૂં તે પાપ મિથ્યા થાવ. ૧૧.
(शार्दूलविक्रीडित)
चिन्तादुष्परिणामसंततिवशादुन्मार्गगाया गिरः
कायात्संवृतिवर्जितादनुचितं कर्मार्जितं यन्मया

Page 348 of 378
PDF/HTML Page 374 of 404
single page version

background image
तन्नाशं व्रजतु प्रभो जिनपते त्वत्पादपद्मस्मृते-
रेषा मोक्षफलप्रदा किल कथं नास्मिन् समर्था भवेत्
।।१२।।
અનુવાદ : હે જિનેન્દ્ર પ્રભો! ચિન્તાને કારણે ઉત્પન્ન થયેલ અશુભ
પરિણામોને વશ થઈને અર્થાત્ મનની દુષ્ટ વૃત્તિથી, કુમાર્ગમાં પ્રવૃત્ત થયેલી વાણી
અર્થાત્ સાવદ્ય વચન દ્વારા તથા સંવર રહિત શરીર દ્વારા જે મેં અનુચિત (પાપ)
કર્મ ઉત્પન્ન કર્યું છે તે તમારા ચરણ-કમળના સ્મરણથી નાશ પામો. બરાબર પણ
છે જે તમારા ચરણ-કમળનું સ્મરણ મોક્ષરૂપ ફળ આપે છે તે આ (પાપવિનાશ)
કાર્યમાં કેમ સમર્થ ન થાય? અવશ્ય થશે. ૧૨.
(वसंततिलका)
वाणी प्रमाणमिह सर्वविदस्त्रिलोकी-
सद्मन्यसौ प्रवरदीपशिखासमाना
स्याद्वादकान्तिकलिता नृसुराहिवन्द्या
कालत्रये प्रकटिताखिलवस्तुतत्त्वा
।।१३।।
અનુવાદ : જે સર્વજ્ઞની વાણી (જિનવાણી) ત્રણ લોકરૂપ ઘરમાં ઉત્તમ
દીપકની શિખા સમાન થઈને સ્યાદ્વાદરૂપ પ્રભા સહિત છે; મનુષ્ય, દેવ અને
નાગકુમારોથી વંદનીય છે; તથા ત્રણે કાળની વસ્તુઓના સ્વરૂપને પ્રગટ કરનારી
છે; તે અહીં પ્રમાણ (સત્ય) છે.
વિશેષાર્થ : અહીં જિનવાણીને દીપશિખા સમાન બતાવીને તેના કરતાં પણ તેમાં
કાંઈક વિશેષતા પ્રગટ કરવામાં આવી છે. જેમ કેદીપશિખા ઘરની અંદરની જ વસ્તુઓને
પ્રકાશિત કરે છે પણ જિનવાણી ત્રણે લોકની અંદરની બધી જ વસ્તુઓને પ્રકાશિત કરે છે.
દીપક જો પ્રભાસહિત હોય છે તો તે વાણી પણ અનેકાન્તરૂપ પ્રભાસહિત છે; દીપશિખાને જો
કેટલાક મનુષ્યો જ વંદન કરે છે તો જિનવાણીને મનુષ્યો, દેવો અને અસુરો પણ વંદન કરે
છે; તથા દીપશિખા જો વર્તમાનની કેટલીક જ વસ્તુઓને પ્રગટ કરે છે તો તે જિનવાણી ત્રણેય
કાળની સમસ્ત વસ્તુઓને પ્રગટ કરે છે. આ રીતે દીપશિખા સમાન હોવા છતાં પણ તે
જિનવાણીનું સ્વરૂપ અપૂર્વ જ છે. ૧૩.
(पृथ्वी)
क्षमस्व मम वाणि तज्जिनपतिश्रुतादिस्तुतौ
यदूनमभवन्मनोवचनकायवैकल्यतः

Page 349 of 378
PDF/HTML Page 375 of 404
single page version

background image
अनेकभवसंभवैर्जडिमकारणैः कर्मभिः
कुतोऽत्र किल मा
द्रशे जननि ताद्रशं पाटवम् ।।१४।।
અનુવાદ : હે વાણી! જિનેન્દ્ર અને સરસ્વતી આદિની સ્તુતિના વિષયમાં
મન, વચન અને શરીરની વિકળતાના કારણે જે કાંઈ ખામી રહી હોય તેને હે
માતા! તું ક્ષમા કર. કારણ એ છે કે અનેક ભવોમાં ઉપાર્જિત અને અજ્ઞાન
ઉત્પન્ન કરનાર કર્મોનો ઉદય રહેવાથી મારા જેવા મનુષ્યમાં તેવી નિપુણતા
ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૪.
(अनुष्टुभ)
पल्लवो ऽयं क्रियाकाण्डकल्पशाखाग्रसंगतः
जीयादशेषभव्यानां प्रार्थितार्थफलप्रदः ।।१५।।
અનુવાદ : સમસ્ત ભવ્ય જીવોને ઇષ્ટ ફળ આપનાર આ ક્રિયાકાંડરૂપ
કલ્પવૃક્ષની શાખાના અગ્રભાગે લાગેલ નવીન પત્ર જયવંત હો. ૧૫.
(भुजंगयालप्रयात्न)
क्रियाकाण्डसंबन्धिनी चूलिकेयं
नरैः पठयते यैस्त्रिसंध्यं च तेषाम्
वपुर्भारतीचित्तवैकल्यतो या
न पूर्णा क्रिया सापि पूर्णत्वमेति
।।१६।।
અનુવાદ : જે મનુષ્ય ક્રિયાકાંડ સંબંધી આ ચૂલિકા ત્રણે સંધ્યાકાળે ભણે છે
તેમની શરીર, વાણી અને મનની વિકળતાને કારણે જે ક્રિયા પૂર્ણ ન થઈ હોય તે
પણ પૂર્ણ થઈ જાય છે. ૧૬.
(पृथ्वी)
जिनेश्वर नमो ऽस्तु ते त्रिभुवनैकचूडामणे
गतो ऽस्मि शरणं विभो भवभिया भवन्तं प्रति
तदाहतिकृते बुधैरकथि तत्त्वमतन्मया-
श्रितं सु
द्रढचेतसा भवहरस्त्वमेवात्र यत् ।।१७।।

Page 350 of 378
PDF/HTML Page 376 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેશ્વર! હે ત્રણ લોકના ચૂડામણિ વિભો! તમને નમસ્કાર
હો. હું સંસારના ભયથી આપના શરણે આવ્યો છું. વિદ્વાનોએ તે સંસારનો નાશ કરવા
માટે આ જ તત્ત્વ બતાવ્યું છે, તેથી મેં દ્રઢચિત્ત કરીને આનું જ આલંબન લીધું છે
કારણ એ છે કે અહીં સંસારનો નાશ કરનાર તમે જ છો. ૧૭.
(वसंततिलका)
अर्हन् समाश्रितसमस्तनरामरादि-
भव्याब्जनन्दिवचनांशुरवेस्तवाग्रे
मौखर्यमेतदबुधेन मया कृतं यत्-
तद्भूरिभक्ति रभसस्थितमानसेन
।।१८।।
અનુવાદ : હે અરહંત! જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સમસ્ત કમળોને
પ્રફુલ્લિત કરે છે તેવી જ રીતે આપ પણ સભા (સમવસરણ) માં આવેલ સમસ્ત
મનુષ્ય અને દેવ આદિ ભવ્ય જીવો રૂપ કમળોને પોતાના વચનરૂપ કિરણો દ્વારા
પ્રફુલ્લિત કરો છો. આપની આગળ જે વિદ્વતા વિનાના મેં આ વાચાળતા (સ્તુતિ)
કરી છે તે કેવળ આપની મહાન ભક્તિના વેગમાં મન સ્થિત હોવાથી અર્થાત્ મનમાં
અતિશય ભક્તિ હોવાથી જ કરી છે. ૧૮.
આ રીતે ક્રિયાકાંડચૂલિકા સમાપ્ત થઈ. ૨૧.

Page 351 of 378
PDF/HTML Page 377 of 404
single page version

background image
૨૨. એકત્વભાવનાદશક
[२२. एकत्वभावनादशकम् ]
(अनुष्टुभ् )
स्वानुभूत्यैव यद्गम्यं रम्यं यच्चात्मवेदिनाम्
जल्पे तत्परमं ज्योतिरवाङ्मानसगोचरम् ।।।।
અનુવાદ : જે પરમ જ્યોતિ કેવળ સ્વાનુભવથી જ ગમ્ય (પ્રાપ્ત કરવા યોગ્ય)
તથા આત્મજ્ઞાનીઓને રમણીય છે તે વચન અને મનના અવિષયભૂત પરમ (ઉત્કૃષ્ટ)
જ્યોતિના વિષયમાં હું કાંઈક કહું છું . ૧.
(अनुष्टुभ् )
एकत्वैकपदप्राप्तमात्मतत्त्वमवैति यः
आराध्यते स एवान्येस्तस्याराध्यो न विद्यते ।।।।
અનુવાદ : જે ભવ્ય જીવ એકત્વ ( અદ્વૈત) રૂપ અદ્વિતીયપદને પામેલ
આત્મતત્ત્વને જાણે છે તે પોતે જ બીજાઓ દ્વારા આરાધાય છે અર્થાત્ બીજા પ્રાણી
તેની જ આરાધના કરે છે, તેના આરાધ્ય (પૂજનીય) બીજું કોઈ રહેતું નથી. ૨.
(अनुष्टुभ् )
एकत्वज्ञो बहुभ्यो ऽपि कर्मभ्यो न बिभेति सः
योगी सुनौगतो ऽम्भोधिजलेभ्य इव धीरधीः ।।।।
અનુવાદ : જેમ ઉત્કૃષ્ટ નાવને પ્રાપ્ત થયેલ ધીરબુદ્ધિ (સાહસી) મનુષ્ય
સમુદ્રના અપરિમિત જળથી ડરતો નથી તેવી જ રીતે એકત્વનો જાણકાર તે યોગી
ઘણા કર્મોથી પણ ડરતો નથી. ૩.

Page 352 of 378
PDF/HTML Page 378 of 404
single page version

background image
(अनुष्टुभ् )
चैतन्यैकत्वसंवित्तिर्दुंर्लभा सैव मोक्षदा
लब्धा कथं कथंचिच्चेच्चिन्तनीया मुहुर्मुहुः ।।।।
અનુવાદ : ચૈતન્યરૂપ એકત્વનું જ્ઞાન દુર્લભ છે, પરંતુ મોક્ષ આપનાર તે જ છે.
જો તે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ૪.
(अनुष्टुभ् )
मोक्ष एव सुखं साक्षात्तच्च साध्यं मुमुक्षुभिः
संसारे ऽत्र तु तन्नास्ति यदस्ति खलु तन्न तत् ।।।।
અનુવાદ : વાસ્તવિક સુખ મોક્ષમાં છે અને તે મુમુક્ષુજનો દ્વારા સિદ્ધ કરવા યોગ્ય
છે. અહીં સંસારમાં તે સુખ નથી. અહીં જે સુખ છે તે નિશ્ચયથી યથાર્થ સુખ નથી. ૫.
(अनुष्टुभ् )
किंचित्संसारसंबन्धि बन्धुरं नेति निश्चयात्
गुरूपदेशतो ऽस्माकं निःश्रेयसपदं प्रियम् ।।।।
અનુવાદ : સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ રમણીય નથી, આ જાતનો અમને
ગુરુના ઉપદેશથી નિશ્ચય થઈ ગયો છે. એ જ કારણે અમને મોક્ષપદ પ્યારૂં છે. ૬.
(अनुष्टुभ् )
मोहोदयविषाक्रान्तमपि स्वर्गसुखं चलम्
का कथापरसौख्यानामलं भवसुखेन मे ।।।।
અનુવાદ : મોહના ઉદયરૂપ વિષથી મિશ્રિત સ્વર્ગનું સુખ પણ જો નશ્વર હોય
તો ભલા બીજા તુચ્છ સુખોના સંબંધોમાં શું કહેવું? અર્થાત્ તે તો અત્યંત વિનશ્વર અને
હેય છે જ. તેથી મને એવા સંસારસુખથી બસ થાવ
હું એવું સંસારસુખ ચાહતો નથી. ૭.
(अनुष्टुभ् )
लक्ष्यीकृत्य सदात्मानं शुद्धबोधमयं मुनिः
आस्ते यः सुमतिश्चात्र सो ऽप्यमुत्र चरन्नपि ।।।।

Page 353 of 378
PDF/HTML Page 379 of 404
single page version

background image
અનુવાદ : જે નિર્મળ બુદ્ધિ ધારણ કરનાર મુનિ આ લોકમાં નિરંતર શુદ્ધ
જ્ઞાનસ્વરૂપ આત્માનું લક્ષ્ય રાખીને રહે છે તે પરલોકમાં સંચાર કરવા છતાં પણ તે
જ રીતે રહે છે. ૮.
(अनुष्टुभ् )
वीतरागपथे स्वस्थः प्रस्थितो मुनिपुङ्गवः
तस्य मुक्ति सुखप्राप्तेः कः प्रत्यूहो जगत्त्रये ।।।।
અનુવાદ : જે શ્રેષ્ઠ મુનિ આત્મલીન થઈને વીતરાગમાર્ગ અર્થાત્ મોક્ષમાર્ગમાં
પ્રસ્થાન કરી રહ્યો છે તેને મોક્ષસુખની પ્રાપ્તિમાં ત્રણે લોકમાં કોઈ પણ વિઘ્ન ઉપસ્થિત
થઈ શકતું નથી. ૯.
(अनुष्टुभ् )
इत्येकाग्रमना नित्यं भावयन् भावनापदम्
मोक्षलक्ष्मीकटाक्षालिमालासद्म स जायते ।।१०।।
અનુવાદ : આ રીતે એકાગ્રમન થઈને જે મુનિ સર્વદા આ ભાવનાપદ (એકત્વ
ભાવના) ને ભાવે છે તે મુક્તિરૂપ લક્ષ્મીની કટાક્ષ પંક્તિઓની માળાનું સ્થાન બની
જાય છે, અર્થાત્ તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ૧૦.
(अनुष्टुभ् )
एतज्जन्मफलं धर्मः स चेदस्ति ममामलः
आपद्यपि कुतश्चिन्ता मृत्योरपि कुतो भयम् ।।११।।
અનુવાદ : આ મનુષ્ય જન્મનું ફળ ધર્મની પ્રાપ્તિ છે. તે નિર્મળ ધર્મ જો
મારી પાસે છે તો પછી મને આપત્તિના વિષયમાં પણ શી ચિન્તા છે તથા મૃત્યુથી
પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિન્તા રહે છે અને ન
મરણનો ડર પણ રહે છે. ૧૧.
આ રીતે એકત્વભાવના દશક અધિકાર સમાપ્ત થયો. ૨૨.

Page 354 of 378
PDF/HTML Page 380 of 404
single page version

background image
૨૩. પરમાર્થવિંશતિ
[२३. परमार्थविंशतिः ]
(शार्दूलविक्रीडित)
मोहद्वेषरतिश्रिता विकृतयो द्रष्टाः श्रुताः सेविताः
वारंवारमनन्तकालविचरत्सर्वाङ्गिभिः संसृतौ
अद्वैतं पुनरात्मनो भगवतो दुर्लक्ष्यमेकं परं
बीजं मोक्षतरोरिदं विजयते भव्यात्मभिर्वन्दितम्
।।।।
અનુવાદ : સંસારમાં અનંતકાળથી વિચરણ કરતાં સર્વ પ્રાણીઓએ મોહ,
દ્વેષ અને રાગના નિમિત્તે થતાં વિકારો વારંવાર જોયા છે, સાંભળ્યા છે અને
સેવ્યા પણ છે. પરંતુ ભગવાન આત્માનું એક અદ્વૈત જ કેવળ દુર્લક્ષ્ય છે અર્થાત્
તેને હજી સુધી જોયો નથી, સાંભળ્યો નથી અને સેવન પણ કર્યું નથી. ભવ્ય
જીવોથી વંદિત મોક્ષરૂપ વૃક્ષના બીજભૂત આ અદ્વૈત જયવંત હો. ૧.
(शार्दूलविक्रीडित)
अन्तर्बाह्यविकल्पजालरहितां शुद्धैकचिद्रूपिणीं
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम्
यत्रानन्तचतुष्टयामृतसरित्यात्मानमन्तर्गतं
न प्राप्नोति जरादिदुःसहशिखो जन्मोग्रदावानलः
।।।।
અનુવાદ : જે સ્વસ્થતા અંતરંગ અને બાહ્ય વિકલ્પોના સમૂહ રહિત છે,
શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ સહિત છે, પરમાત્માની વલ્લભા (પ્રિયતમા) છે, કૃત્ય