PDF/HTML Page 2421 of 4199
single page version
જુઓ, એક ભાઈ પૂછતા હતા કે-શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે હું (-શ્રીમદ્) એક ભવે મોક્ષ જવાનો છું. તો શું આવું બધું તે જાણી શકે?
ત્યારે કહ્યું કે-બાપા! (ન જાણી શકે)-એમ રહેવા દો ભાઈ! શ્રુતજ્ઞાન સર્વને જાણે છે માટે તમે (તેઓ કેમ જાણી શકે?)-એમ રહેવા દો. બાપુ! શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે-
આ શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે.
બાપુ! આત્મા સમ્યગ્જ્ઞાનમાં શું ન જાણે? એના મહિમાની તને ખબર નથી. અહા! જેના લક્ષમાં જ્ઞાન ગયું તે બધાનો જ્ઞાન પત્તો લઈ લે છે, તાગ મેળવી લે છે. અહા! જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે કે નહિ? તો સમ્યગ્દર્શનમાં આત્માનું જ્યાં ભાન થયું ત્યાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનનું એવું માહાત્મ્ય છે કે તે જ્ઞાનમાં બધું જણાય. અહા! શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાનમાં પરોક્ષ-પ્રત્યક્ષનો ફેર પાડયો છે, પણ સર્વમાં (સર્વને જાણવામાં) ફેર પાડયો નથી.
અહા! સ્વરૂપથી જ સ્વપરને જાણવાનું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય છે. અહા! શ્રુતજ્ઞાન કાંઈ રાંકુ (બળહીન) જ્ઞાન નથી. એ તો બળવંતનું બળવંત જ્ઞાન છે. બળવંત એવા ભગવાન આત્માનું જ્ઞાન છે અને તેથી તે જ્ઞાન પણ બળવંત છે. હવે કહે છે-
‘તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થદ્રષ્ટિ પડતી નથી.’
‘શું કહ્યું? કે સમકિતીને કોઈ પદાર્થ પર અયથાર્થદ્રષ્ટિ પડતી નથી, એટલે કે પદાર્થમાં મોહદ્રષ્ટિ-મૂઢતાની દ્રષ્ટિ થતી નથી, કેમકે રાગદ્વેષમોહનો તેને અભાવ છે. તે પદાર્થોને ઈષ્ટ-અનિષ્ટપણે જાણતો નથી.
હવે કહે છે-‘ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઉપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.’
શું કહ્યું? કે પદાર્થસંબંધી મોહ છે માટે નહિ પણ જરા નબળાઈને લીધે ઉદયમાં જોડાતાં કિંચિત્ અસ્થિરતાનો રાગ થાય પણ તે ઉદયનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની પોતે તેનો કર્તા થતો નથી; જ્ઞાની તો માત્ર તેનો જ્ઞાતા રહે છે. અત્યારે આવો રાગ છે એમ જ્ઞાની જાણે છે પણ તેમાં તેને સ્વામીપણું નથી. અહાહા...! શબ્દે શબ્દે
PDF/HTML Page 2422 of 4199
single page version
મુનિ ભગવંતોએ ગાગરમાં જાણે સાગર ભરી દીધો છે! અહા! પંચમ આરાના સાધુ...! પણ સાધુ છે તેમાં આરો છે કયાં?
કહે છે-‘તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.’ અહા! સમકિતીને પરને કારણે નહિ પણ પોતાની કમજોરીવશ જરા અસ્થિરતા આવી છે પણ તે ખરી જાય છે. જ્ઞાની તેના જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. આનું નામ સમ્યગ્દ્રષ્ટિ અને આને નિર્જરા કહેવામાં આવે છે.
PDF/HTML Page 2423 of 4199
single page version
सो उवगूहणकारी सम्मादिट्ठी मुणेदव्वो।। २३३।।
स उपगूहनकारी सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३३।।
હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છેઃ-
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩.
ગાથાર્થઃ– [यः] જે (ચેતયિતા) [सिद्धभक्तियुक्तः] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે [तु] અને [सर्वधर्माणाम् उपगूहनकः] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [सः] તે [उपगूहनकारी] ઉપગૂહનકારી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃંહણગુણવાળો છે.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.
PDF/HTML Page 2424 of 4199
single page version
હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છેઃ-
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ શું કહે છે? કે જેને પૂર્ણાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો અનુભવ થયો છે, અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેની દ્રષ્ટિમાં સદા એક જ્ઞાયકસ્વભાવમય આત્મા છે. અહા! નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ઉડી ગઈ છે ને એક જ્ઞાયકસ્વભાવમય આત્મા પર સ્થાપિત થઈ છે તે ધર્મી સમ્યગ્દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી...’
અહા! કોણ? કે સમ્યગ્દ્રષ્ટિ; સમ્યગ્દ્રષ્ટિ, દ્રષ્ટિમાં એક જ્ઞાયકભાવ હોવાથી, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે. અહો! આચાર્યદેવે ગજબ વાત કરી છે! ‘सिद्धभत्तिजुतो’ - એમ છે ને પાઠમાં? સિદ્ધભક્તિ એટલે? એટલે કે સદા સિદ્ધસ્વરૂપ એવા આત્માની અંતર-એકાગ્રતા. શુદ્ધ આત્માની એકાગ્રતારૂપ સિદ્ધભક્તિ છે. શું કહ્યું? કે ભગવાન આત્મા પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ, પૂરણ શાંતિ, પૂરણ સ્વચ્છતા એમ અનંત પૂરણ સ્વભાવોથી ભરેલો એવો શુદ્ધ સિદ્ધ પરમેશ્વર છે. આવા પોતાના સિદ્ધ પરમેશ્વરની-સિદ્ધ ભગવાન નહિ હોં-અંતર-એકાગ્રતા તે સિદ્ધભક્તિ છે. અહા! આ તો ભાષા જ જુદી જાતની છે ભાઈ!
અહા! સમકિતી સિદ્ધભક્તિ કરે છે. કેવી છે તે સિદ્ધભક્તિ? તો કહે છે- પોતે અંદર શુદ્ધ ચૈતન્યમય સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે તેનું ભજન કરે છે, તેનું અનુભવન કરે છે અને તે પરમાર્થે સિદ્ધભક્તિ છે. આ (પર) સિદ્ધ ભગવાનની ભક્તિ તે સિદ્ધભક્તિ-એમ નહિ, કેમકે એ તો વિકલ્પ છે, વ્યવહાર છે.
જુઓ, બધે (અગાઉની ગાથાઓમાં) ‘चेदा’-‘ચેતયિતા’-એમ આવ્યું હતું. જ્યારે અહીં તો સીધું ‘सिद्धभत्तिजुत्तो’–એમ લીધું છે. ‘चेदा’–ચેતયિતા એક જ્ઞાયકભાવમય છે. અને સમકિતી પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમય, એક જ્ઞાયકભાવમય છે તેમાં એકાગ્રતાયુક્ત છે અને તે સિદ્ધભક્તિ છે. આ પરદ્રવ્ય જે સિદ્ધ એની ભક્તિની વાત નથી. એ તો વ્યવહાર છે. આ તો પોતાની સ્વવસ્તુ જે એક જ્ઞાયકભાવમય પ્રભુ આત્મા છે તેમાં એકાગ્ર થઈને રહેવું-ઠરવું-લીન થઈ જવું એને અહીં સિદ્ધભક્તિ કહે છે. સમજાય છે કાંઈ...? અહો! આ તો શુદ્ધિની વૃદ્ધિનું અદ્ભુત માંગલિક કીધું છે!
કહે છે-ભગવાન! તું સિદ્ધ સમાન છો ને? આવે છે ને? કે-
PDF/HTML Page 2425 of 4199
single page version
અહાહા...! ભગવાન! તું સિદ્ધ સમાન છો. પર્યાયે સિદ્ધપણું નથી પણ દ્રવ્યસ્વભાવે તું સિદ્ધ સમાન છો, સિદ્ધસ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે કયાંથી? છે એમાંથી આવે છે; માટે તું સિદ્ધસ્વરૂપ જ છો. આવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા- લીનતા-સ્થિરતા કરતો થકો સમકિતી ક્ષણે ક્ષણે પોતાની જે અનંત શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને તે નિર્જરા છે. સંવરમાં શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી ને હવે અંતર્લીનતા-અંતર-રમણતા વડે શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવો મારગ છે! લોકોને આકરો પડે છે પણ શું થાય?
અહા! ‘સમસ્ત આત્મશક્તિઓની...’ અહા! શું ભાષા છે? આચાર્યની વાણી ખૂબ ગંભીર બાપા! અહા! દિગંબર સંતો! ને તેમાંય વળી કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય! અહા! કહે છે-એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી...’
એટલે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ ને? એ તો સમકિતની વાત છે, જ્યારે અહીં તો વૃદ્ધિની વાત છે. નિર્જરા અધિકાર છે ને? તેને સમકિત તો થયું છે. એ તો અહીં કહ્યું ને? કે ‘સમ્યગ્દ્રષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’; મતલબ સમ્યગ્દ્રષ્ટિ થયો છે ને એટલી શુદ્ધતા તો છે, પણ હવે શક્તિઓની શુદ્ધતાની પર્યાયમાં વૃદ્ધિ કરે છે એમ કહેવું છે. અહા! સ્વ-આત્માની અનંત શક્તિઓ છે. તો જેટલી અનંત ગુણરૂપ શક્તિઓ છે તેની પ્રગટ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે એમ વાત છે. વસ્તુ સાથે એકપણાની દ્રષ્ટિ તો થઈ છે, હવે તેમાં જ રમવારૂપ- ચરવારૂપ-લીનતારૂપ-સ્થિરતારૂપ એકાગ્રતા કરીને પ્રગટ શુદ્ધતામાં વૃદ્ધિ કરે છે એમ કહે છે. બાપુ! આ તો કુંદકુંદની વાણી! ઓલું કવિ વૃન્દાવનજીનું આવે છે ને? કે-‘હુએ ન હૈ ન હોંહિંગે...’ -અહા! શ્રી કુંદકુંદાચાર્ય જેવા કોઈ છે થયા નથી, અને થશે નહિ. અહા! તેની આ વાણી છે. જુઓ તો ખરા! કેટલું ભર્યું છે!
ભગવાન! સમ્યગ્દ્રષ્ટિ એટલે? જે એક જ્ઞાયકભાવનો સ્વામી થયો છે અને જેની અનંત શક્તિઓ નિર્મળપણે પ્રગટી છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદે કહ્યું છે ને? તો સર્વગુણાંશ એટલે શું? એટલે કે જે અનંત શક્તિઓ છે તેની અંશે વ્યક્તતા સમ્યગ્દર્શન થતાં થઈ જાય છે. પણ અહીં તો તે શક્તિઓની અંતર-એકાગ્રતા વડે વૃદ્ધિ થવાની વાત છે. અહા! ધર્મની આવી વાત બીજે કયાંય છે નહિ. અજ્ઞાનીને બિચારાને ઝીણું પડે એટલે બીજે (-દયા, દાન, ભક્તિ આદિમાં) ધર્મ માની લે છે.
અહા! ‘સમ્યગ્દ્રષ્ટિ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે.’
PDF/HTML Page 2426 of 4199
single page version
શું કહ્યું? જે અનંત શક્તિઓ-ગુણો છે તેનો અંશ તો સમ્યગ્દર્શનની સાથે પ્રગટ થયો છે અને હવે અંતર-એકાગ્રતા દ્વારા તે સર્વ આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી તે ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે. પાઠમાં ‘उवगूहण’–ગોપવવું તે -એમ છે; પણ તેનું અહીં વળી ‘ઉપબૃંહક’ એટલે આત્મશક્તિનો વધારનાર-એમ લીધું છે.
જેમ પૈસાવાળો ધનથી રળે ને ઢગલા થાય તેમ અહીં જ્યાં અંદર આત્મધન (- સમકિત) પ્રગટયું છે ત્યાં તેનો અંતર-વ્યાપાર થતાં સર્વ શક્તિઓ વૃદ્ધિગત થાય છે એમ કહે છે. શું કહ્યું? કે ભગવાન આત્મામાં આકાશના (અનંતા) પ્રદેશ કરતાં અનંતગુણી શક્તિઓ છે. શક્તિઓ એટલે ગુણ. એક એક ગુણમાં અનંત શક્તિ (સામર્થ્ય) છે એ બીજી વાત છે. અહીં તો આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે એમ કહેવું છે. તો હવે તે શક્તિઓને (-પર્યાયમાં) અંતઃક્રિયા દ્વારા વધારે છે. જેમ ધન રળે ને ઢગલા થાય છે તેમ સમકિતીને અંતઃક્રિયા વડે શુદ્ધિની વૃદ્ધિના ઢગલા થાય છે એમ કહે છે.
જુઓ, ઉપવાસ કરીને શુદ્ધિ વધારતો જાય છે એમ નથી કહ્યું પરંતુ પોતાના એક જ્ઞાયકભાવમાં વર્તતો થકો આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહ્યું છે. ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે’-એમ કહ્યું છે કે નહિ? મતલબ કે દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ પર છે અને તેમાં જ સ્થિરતા પામતો થકો શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અસ્તિથી નિર્જરા છે, જ્યારે અશુદ્ધતાનું ટળી જવું ને કર્મનું ખરી જવું એ નાસ્તિથી નિર્જરા છે. ભગવાનનો આવો મારગ છે; ને આ વિના બધું (વ્રત, તપ) થોથેથોથાં છે.
તો ઉપવાસ તે તપ છે ને તપથી નિર્જરા છે એમ કહ્યું છે ને? ભાઈ! એ ઉપવાસ એટલે કયો ઉપવાસ? ‘ઉપવસતિ ઇતિ ઉપવાસઃ’ જે આત્માની સમીપમાં વસવું છે તે ઉપવાસ છે, અને તે તપ છે અને એનાથી નિર્જરા છે. અહા! આત્માની સમીપમાં વસવાનો અભ્યાસ કરતાં આત્મશક્તિ વધે છે અને તે નિર્જરા છે. ત્યાં શક્તિની પૂર્ણ વૃદ્ધિ થઈ જવી એનું નામ મોક્ષ છે. આવી વાત છે.
હવે કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિઓનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
શું કહ્યું? કે સમ્યગ્દ્રષ્ટિને, સમ્યગ્દર્શનની સાથે શુદ્ધતા તો પ્રગટી છે, ને તેમાં અંતર-એકાગ્રતાના વેપાર દ્વારા તે વૃદ્ધિ કરે છે, અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. તેથી કહે છે, દુર્બળતાને લઈને જે બંધ થતો હતો તે હવે થતો નથી. અહા! આત્મશક્તિનો વધારનાર હોવાથી તેને દુર્બળતાથી થતો બંધ થતો નથી. અહો! અલૌકિક વાત છે! આચાર્ય અમૃતચંદ્રે એકલાં અમૃત રેડયાં છે. અહા! કહે છે
PDF/HTML Page 2427 of 4199
single page version
-આનંદ-આનંદ-આનંદ-અનાકુળ આનંદ વધી જવાને કારણે સમકિતીને દુર્બળતાથી થતો બંધ થતો નથી પણ જે દુર્બળતા છે તે નાશ પામી જાય છે. અહા! જ્યાં સબળતા પ્રગટી ત્યાં દુર્બળતા નામ અશુદ્ધતા નાશ પામી જાય છે અને તેથી તેને બંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે. અહા! આવો અલૌકિક મારગ! બાપુ! જેના ફળમાં અનંત આનંદ આવે, અહાહા...! સાદિ અનંત અનંત સમાધિ-સુખમય મોક્ષદશા પ્રગટે તે ઉપાય પણ અલૌકિક જ હોય ને! આવે છે ને કે-
અહો! મારગ ને મારગનું ફળ પરમ અલૌકિક છે! ભગવાન! તને તારા અંતઃતત્ત્વના મહિમાની ખબર નથી. અહા! જેમ સુવર્ણને કાટ લાગે નહિ તેમ કર્મ તો શું અશુદ્ધતાય જેને અડતી નથી એવો ચૈતન્યમૂર્તિ એક જ્ઞાયકભાવરૂપ પ્રભુ અંદર આત્મા છે. તેની જેને અંતર્દ્રષ્ટિ થઈ તેને સમકિત ને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. વળી તેમાં જ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરતાં એવી સિદ્ધભક્તિ વા આત્મભક્તિ પ્રગટ થાય છે. અહા! આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા વા અશુદ્ધતા ક્રમે કરીને નાશ પામી જાય છે અને તેથી તેને દુર્બળતાકૃત બંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. લ્યો, આનું નામ નિર્જરા ને ધર્મ છે અને આ સિદ્ધભક્તિ છે. કોણ સિદ્ધ? પોતે અંદર સ્વભગવાન છે તે.
‘સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે,...’
જુઓ, પાઠમાં ઉપગૂહન છે ને? તો પાછું અહીં ‘ઉપગૂહન’ લીધું છે. ટીકામાં ઉપબૃંહક લીધું’તું, અહીં ઉપગૂહન કહે છે. તો કહે છે-સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે.
વળી કહે છે-સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો છે. એટલે શું? એટલે કે પોતે અંદર, ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડયો છે. અહા! ધર્મીએ પોતાની પરિણતિનો વેપાર અંદર ભગવાન ચૈતન્યદેવ સાથે જોડયો છે. આનું નામ ધર્મ છે અને નિશ્ચયથી આનું નામ ભક્તિ છે. અજ્ઞાનીએ તો બે-પાંચ મંદિરો બંધાવવાં, જિનબિંબની પ્રતિષ્ઠા કરવી-કરાવવી અને તેની પૂજા-ભક્તિ-જાત્રા આદિ કરવાં-એમાં ધર્મ માન્યો છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને એ તો ધર્મીને અશુભથી બચવા એવો શુભભાવ આવે છે,
PDF/HTML Page 2428 of 4199
single page version
પણ તે કાંઈ ધર્મ નથી, વા ધર્મનું કારણ પણ નથી. ધર્મનું કારણ તો એક જ્ઞાયકભાવમયપણું છે. જુઓને! દરેકમાં લીધું છે કે નહિ? કે ‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’; બાપુ! આ તો સર્વજ્ઞના દરબારની વાતુ! એક જ્ઞાયકભાવની એકાગ્રતા જ ધર્મ ને ધર્મનું કારણ છે.
હવે કહે છે-‘અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.’
જુઓ, આ શું કહ્યું? કે ઉપયોગ જ્યાં સિદ્ધભક્તિમાં એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની ભક્તિમાં જોડયો ત્યાં અન્યધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. અહાહા...! કહે છે-સમકિતીને અંતર-એકાગ્ર થતાં નિમિત્ત ને રાગ ને પર્યાય ઇત્યાદિ અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. જુઓ આ વાણી! અહા! દેવાધિદેવ અરિહંત પરમાત્મા કે જેની સભામાં ગણધરો, મહામુનિવરો ને એકભવતારી ઇન્દ્રો આવી વિનમ્ર થઈ વાણી સાંભળવા બેઠા હોય તે સભામાં ભગવાનની વાણીમાં કેવી વાતુ આવે! શું દયા પાળો, ને વ્રત કરો ને ભક્તિ કરો ઇત્યાદિ રાગ કરવાની વાતુ આવે? અરે ભાઈ! એવી વાત તો કુંભારેય (અજ્ઞાનીય) કરે છે. બાપુ! વીતરાગની વાણીમાં તો અંતર-પુરુષાર્થની વાત છે કે- ત્રણલોકનો નાથ વીતરાગસ્વરૂપી અંદર તું પોતે જ પરમાત્મા છો; તો ત્યાં દ્રષ્ટિ કર ને ઉપયોગને તેમાં જોડી દે; અહા! તેથી તારા પાપનો-અશુદ્ધતાનો નાશ થઈ જશે. લ્યો, આવી વાત! આ નિર્જરાની વાત છે ને?
અહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંતગુણનો ઢગલો છે. શું કહ્યું? જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણનો ઢગલો પ્રભુ આત્મા છે. તે શરીરપ્રમાણ (અવગાહના) છે માટે નાનો છે એમ માપ ન કર. ભાઈ! તે તો અનંતગુણના માપવાળું મહાન્ ચૈતન્યતત્ત્વ છે. હવે આવા મહાન્ નિજ તત્ત્વને જાણવા રોકાય નહિ ને આખો દિ’ વેપાર-ધંધામાં રોકાયેલો રહે ને વળી એમાં જો પાંચ-પચાસ કરોડ ધૂળ થઈ જાય તો માને કે અમે વધી ગયા. અરે! ધૂળમાંય વધ્યા નથી સાંભળને. એ બધું કયાં તારામાં છે? અહીં તો સમકિતી જેને અનંતગુણ અંશે પ્રગટ થયા છે તે ઉપયોગને પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં જોડે છે તો અનંત ગુણની વૃદ્ધિ થાય છે અને તે વૃદ્ધિ છે એમ કહે છે.
અહાહા...! કહે છે-ઉપયોગને જ્યાં સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો ઉપર દ્રષ્ટિ જ ન રહી. ભારે વાત ભાઈ! ઉપયોગ જ્યાં અંદર વસ્તુમાં જોડાયો ત્યાં દ્રષ્ટિ અન્ય ધર્મો કહેતાં વ્રત, તપ આદિ રાગ ઉપર કે દેવ-ગુરુ આદિ નિમિત્ત ઉપર કે વર્તમાન પર્યાય ઉપર ન રહી. તેથી તે અન્ય ધર્મોનો ગોપવનાર છે એમ કહે છે. ભાઈ! ભગવાન જિનેશ્વરદેવના મારગ બહુ જુદા છે.
PDF/HTML Page 2429 of 4199
single page version
પ્રશ્નઃ– તો આ બધાં મંદિર, સ્વાધ્યાય ભવન આદિ શા સારું બનાવ્યાં છે? ઉત્તરઃ– ભાઈ! એ મંદિરાદિને કોણ બનાવે? એ તો બધાં જડ પરદ્રવ્ય છે. એની રચના તો એના કારણે એના કાળે થઈ છે; તેમાં આ જીવનું કાંઈ કર્તવ્ય નથી. જડની પર્યાય જડ પરમાણુઓથી થઈ એમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. તથાપિ ધર્મી જીવને મંદિર આદિ બનાવવાનો ને ભક્તિ-પૂજા કરવાનો રાગ આવે છે. તે પુણ્યભાવ છે પણ ધર્મ નથી. એવો પુણ્યભાવ ધર્મીને જરૂર આવે છે; તેનો કોઈ ઈન્કાર કરે કે-આ મંદિર, જિનપ્રતિમા, ભક્તિ-પૂજા આદિ કાંઈ છે નહિ તો તે જૂઠો છે, અને તે વડે કોઈ ધર્મ માની લે તો તે પણ જૂઠો, મિથ્યાવાદી છે. સમજાણું કાંઈ...? ણભાઈ! લાખ મંદિર બનાવે ને કોઈ લાખ કરોડો રૂપિયા ખર્ચ કરે તોય ધર્મ થઈ જાય એમ છે નહિ. આવું જ વસ્તુસ્વરૂપ છે.
હા, પણ પ્રભાવના તો કરવી જોઈએ ને? સમાધાનઃ– અરે ભાઈ! પ્રભાવના તો બહારમાં હોય કે અંદર આત્મામાં? ‘પ્ર’ નામ પ્રકૃષ્ટ ને ભાવના નામ આત્મભાવના. આત્મભાવના પ્રકૃષ્ટ થવી-વધવી એનું નામ પ્રભાવના છે. અહા! અંદર અનંતગુણનો ખજાનો પ્રભુ આત્મા છે. તેનો પ્રગટ અંશ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે તે પ્રભાવના છે. બાકી બહારમાં તો પ્રભાવનાનો શુભભાવ હોય છે ને તે પુણ્યબંધનું કારણ છે. ધર્મીના તે ભાવને વ્યવહાર પ્રભાવના કહે છે બાકી અજ્ઞાનીને તો નિશ્ચયેય નથી ને વ્યવહારેય નથી, -સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-ધર્મીને અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. ‘અન્ય ધર્મો’ એટલે કે વ્રત, તપ, ભક્તિ, પૂજાનો રાગ હો કે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ સંયોગી ચીજ હો-એ સર્વ અન્ય પદાર્થો પરથી ધર્મીની દ્રષ્ટિ જ ઊઠી ગઈ છે અને તેથી અન્ય ધર્મોનો ગોપવનાર છે. અહા! અન્ય ધર્મો ભણી દ્રષ્ટિ જ નહિ હોવાથી તે અશુદ્ધતાને ગોપવી દે છે અને શુદ્ધિને વધારે છે.
ત્યારે કોઈને વળી થાય કે આ તો નિશ્ચય-નિશ્ચય બસ એટલું નિશ્ચય છે, એકાંત છે. અરે ભાઈ! તને ખબર નથી બાપુ! સમકિતીને વ્યવહારધર્મ તો છે પણ એ તો બધો રાગ છે, પુણ્યભાવ છે. વાસ્તવમાં તે વ્યવહારને ઘટાડતો જાય છે અને અંતઃશુદ્ધિને વધારતો જાય છે કેમકે તેને એક જ્ઞાયકભાવપણું છે. પણ અજ્ઞાનીએ તો જ્ઞાયકને ભાળ્યો જ નથી. તોપછી નિશ્ચયધર્મ વિના તેને વ્યવહાર પણ કયાંથી હોય? છે જ નહિ. ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. બાપા! અહીં તો આચાર્ય એમ કહે છે કે જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માની ભક્તિમાં ઉપયોગને જોડયો છે તેને અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ રહી નથી અને તેથી તે અશુદ્ધતાનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. નિર્જરાની આવી વ્યાખ્યા છે.
PDF/HTML Page 2430 of 4199
single page version
તો કોઈ લોકો રાડો પાડે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો તો અનેકાન્ત થાય.
તેને કહીએ છીએ કે વ્યવહારથી નિશ્ચય થાય એવું અનેકાન્ત છે જ નહિ. બાપુ! અહીં તો એમ કહે છે કે-સમકિતી વ્યવહારના રાગને ઘટાડતો જાય છે ને નિશ્ચય શુદ્ધતા વધારતો જાય છે. આ અનેકાન્ત છે. ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એ તો તારું મિથ્યા એકાન્ત છે, જ્યારે નિશ્ચય-શુદ્ધ આત્માના લક્ષે જ નિશ્ચય-શુદ્ધ પરિણતિ થાય એ સમ્યક્ એકાન્ત છે. હવે એને બિચારાને કોઈ દિ’ માર્ગ મળ્યો જ નથી એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં ગુંચાઈ પડયો છે. પણ બાપુ! એ બધા રાગના-પુણ્યના ભાવો વડે જેનાથી જન્મ-મરણ મટે એવો ધર્મ કદીય થાય એમ નથી. અન્ય મારગમાં ગમે તે હો, વીતરાગનો આ મારગ નથી.
હવે કહે છે-‘આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યદ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃંહણગુણવાળો છે.’
સિદ્ધના સ્વરૂપમાં ઉપયોગ જોડે એટલે શું? અહીં સિદ્ધ એટલે ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પોતે. આવે છે ને કે-‘સર્વ જીવ છે સિદ્ધસમ.’ અહા! ભગવાન આત્મા પોતે ચૈતન્યચિંતામણિ રત્ન છે. ધર્મીએ પોતાનો ઉપયોગ તેમાં જોડયો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે. આ તપ ને નિર્જરા છે. આત્માની સર્વ શક્તિઓ જેમાં વૃદ્ધિગત થાય તે તપ ને નિર્જરા છે. બાકી બહારના ઉપવાસ આદિ તો થોથાં છે.
અહા! અજ્ઞાની જે મહિના મહિનાના ઉપધાન કરે છે તે કેવળ પાપની મજુરી કરે છે. કેમ? કેમકે મિથ્યાત્વ તો તેને ઊભું છે. કાંઈક પુણ્ય પણ કદાચિત્ થાય તેને મિથ્યાત્વ ખાઈ જાય છે. હવે ત્યાં ધર્મ કયાં થાય બાપુ? અહીં તો આ સ્પષ્ટ વ્યાખ્યા છે કે-પરદ્રવ્યના આશ્રયમાં રાગ જ થાય છે અને સ્વદ્રવ્યના આશ્રયમાં જ વીતરાગતા થાય છે. આ સર્વજ્ઞ પરમેશ્વરનો ઢંઢેરો છે. ‘સ્વાશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર.’ આ મૂળ સિદ્ધાંત છે. ભાઈ! જેટલો પરાશ્રયમાં જાય છે તેટલો રાગ છે. તેથી તો કહ્યું કે-જ્ઞાનીએ પરાશ્રયમાંથી દ્રષ્ટિ ઊઠાવી લીધી છે.
અહા! કહે છે-ઉપયોગ પોતાના સિદ્ધસ્વરૂપમાં જોડેલો હોવાથી જ્ઞાનીને આત્માની સર્વશક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે. ટીકામાં ‘વૃદ્ધિ’ કહી હતી ને? અહીં આત્મા પુષ્ટ થાય છે એમ કહે છે. એટલે શું? કે જેમ ચણો પાણીમાં પલળીને પોઢો થાય છે તેમ જ્ઞાની ભગવાન આત્મામાં-અનંતશક્તિનું સંગ્રહાલય એવા આત્મામાં
PDF/HTML Page 2431 of 4199
single page version
-તલ્લીન થતાં તે ધર્મથી પુષ્ટ થાય છે, શાંતિથી પુષ્ટ થાય છે, જ્ઞાનથી પુષ્ટ થાય છે. અહો! સંતોની વાણી અજબ છે!
હવે કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.’
જોયું? સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી દુર્બળતાથી જે બંધ થતો હતો તે હવે થતો નથી. મતબલ કે હવે સબળતા વૃદ્ધિગત થવાથી ધર્મીને દુર્બળતા રહી નથી અને તેથી દુર્બળતાકૃત બંધ તેને થતો નથી એમ કહે છે.
વળી અંતરાયના ઉદયમાં જોડાવાથી ધર્મીને કિંચિત્ નબળાઈ હોય છે તોપણ તેના અભિપ્રાયમાં કયાં નિર્બળતા છે? અભિપ્રાયમાં તો પૂરણ પ્રભુતાનો સ્વામી, અનંતવીર્યનો સ્વામી પોતે છે એમ નિર્ણય કર્યો છે. અહા! ધર્મીને તો અભિપ્રાયમાં પૂરણ ભગવાન-પ્રભુ આત્મા વસ્યો છે. તેથી ભલે તે ચોથે ગુણસ્થાને નરકમાં હો કે તિર્યંચમાં, તેને તો પોતાની પૂરણ પ્રભુતા જ દેખાય છે. પર્યાય ઉપરથી તો તેની દ્રષ્ટિ જ હઠી ગઈ છે. તેથી તેને તો અનંત શક્તિનો સાગર પ્રભુ પૂરણ જ દેખાય છે.
આ પ્રમાણે અભિપ્રાયમાં નિર્બળતા જ્ઞાનીને છે નહિ. તેથી નિરંતર તેને પર્યાયમાં જે કિંચિત્ નબળાઈ છે તેનો નાશ કરવાનો તેને ઉદ્યમ વર્તે છે. આ પ્રમાણે આઠમાંથી પાંચ ગુણ થયા. હવે સ્થિતિકરણ, વાત્સલ્ય ને પ્રભાવના એમ ત્રણ રહ્યા. તે હવે આવશે.
PDF/HTML Page 2432 of 4199
single page version
सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो।। २३४।।
स स्थितिकरणयुक्तः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३४।।
હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ-
ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૪.
ગાથાર્થઃ– [यः चेतयिता] જે ચેતયિતા [उन्मार्गं गच्छन्तं] ઉન્માર્ગે જતા [स्वकम् अपि] પોતાના આત્માને પણ [मार्गे] માર્ગમાં [स्थापयति] સ્થાપે છે, [सः] તે [स्थितिकरणयुक्तः] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ-
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,........’ અહા! સમ્યગ્દ્રષ્ટિ કોને કહીએ? હજી તો આ ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા ને છટ્ઠા ગુણસ્થાનની વાત તો કોઈ ઓર છે બાપા!
PDF/HTML Page 2433 of 4199
single page version
શું કહે છે? ‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,...’ સમ્યગ્દ્રષ્ટિ એટલે ધર્મી; જુઓ, ‘ચેદા’ -ચેતયિતા શબ્દ છે આમાં. સમ્યગ્દ્રષ્ટિ એટલે ચેતયિતા અર્થાત્ જાણગ-જાણગ એવા એક જ્ઞાયકભાવનો ધરનારો ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ છે. શું કહ્યું? ભગવાન આત્મા એક જ્ઞાયકભાવમય છે ને તેનો ધરનારો સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! સમકિતીની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ પર છે. ભાઈ! આ તો થોડું કહ્યું ઘણું કરીને જાણવું; કેમકે ભાવ તો અતિ ગંભીર છે.
શું કીધું? કે સમ્યગ્દ્રષ્ટિ નામ સત્-દ્રષ્ટિ એને કહીએ કે જેને સત્ એવા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે. અહા! સત્ની દ્રષ્ટિમાં આનંદાદિ જે અનંતી સ્વરૂપભૂત શક્તિઓ છે તે બધીયનો અંશ જેને પ્રગટ અનુભવમાં આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’-એમ શ્રીમદ્ રાજચંદ્રમાં આવે છે ને! રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં પણ શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-“ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે.” અહા! સમકિતીને જેટલા અનંત ગુણો છે તે બધાય એકદેશ-અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો ધર્મી-સમકિતી હોય છે.
તો કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે,...’
જોયું? અહીં તો સમ્યગ્દ્રષ્ટિ પોતે પોતામાં સ્થિતિ કરે છે એમ કહે છે. અહા! પોતે કદાચિત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ માર્ગમાંથી ચ્યુત થાય તો પોતાને માર્ગમાં જ સ્થિત કરે છે એમ કહે છે. અહા! જગતની કોઈ ભારે પ્રતિકૂળતા ભાળીને કે અંદરમાં પોતાની નબળાઈને લઈને કોઈ શંકાદિ દોષ થઈ જાય તો તેને કાઢી નાખે છે-એમ કહે છે.
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’–એમ સૂત્ર છે ને? એટલે શું? કે શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં પ્રતીતિ, જ્ઞાન ને તેમાં જ રમણતા થવી તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. હવે આવા શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી ડગવાનો પ્રસંગ થાય તેવા સંજોગમાં સમકિતી પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરે છે. અહા! જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યાદ્રષ્ટિનો લોકો મોટો મહિમા કરતા હોય તેવે પ્રસંગે સમકિતી ધર્મીજીવ ખૂબ શાંતિ ને ધીરજ રાખે છે અને પોતાને માર્ગમાંથી ડગતો બચાવી લે છે. તેને એમ ન થાય કે આ શું? પોતે પોતાને માર્ગમાં નિશ્ચળ સ્થિત કરી દે છે. તે વિચારે છે કે પુણ્યને લઈને અધર્મીનો પણ લોકો ભારે મહિમા કરે તો કરો, પણ પુણ્ય કાંઈ (હિતકારી) વસ્તુ નથી.
PDF/HTML Page 2434 of 4199
single page version
અહા! સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી ચ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયકભાવમયપણું છે ને? તો અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. જુઓ, આ પ્રમાણે પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે. ધર્મીને સ્થિતિકરણ છે.
હવે કહે છે-‘તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
અહા! સમ્યગ્દર્શનમાં જેને સ્વસ્વરૂપનો-અતીન્દ્રિય આનંદના નાથનો-ભેટો થયો છે તે માર્ગમાંથી ચળતો નથી અને કદાચિત્ ચ્યુત થવાનો પ્રસંગ આવી પડે તો પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરી દે છે. આ પ્રમાણે સ્થિતિકરણ નામનો ગુણ હોવાથી સમકિતીને માર્ગથી ચ્યુત થવાના કારણે જે બંધ થાય તે થતો નથી. સ્થિતિકરણ છે ને? તેથી બંધ થતો નથી પરંતુ નિર્જરા જ છે. અહીં સ્થિતિકરણ ગુણ કહ્યો પણ એ પર્યાય છે. ગુણ તો ત્રિકાળ હોય છે. આ તો પર્યાયમાં સ્થિરતા કરે છે તેને સ્થિતિકરણ ગુણ કહે છે.
‘જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે.’ જોયું? મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે; મતલબ કે આ વ્રતાદિ પરિણામ તે મોક્ષમાર્ગ એમ નહિ. મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે અને તેમાં સ્થિત થવું તે સ્થિતિકરણ છે. સમકિતી સ્થિતિકરણગુણ સહિત છે. ‘તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી, પરંતુ ઉદયમાં આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’
PDF/HTML Page 2435 of 4199
single page version
सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो।। २३५।।
स वत्सलभावयुतः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३५।।
હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છેઃ-
ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩પ.
ગાથાર્થઃ– [यः] જે (ચેતયિતા) [मोक्षमार्गे] મોક્ષમાર્ગમાં રહેલા [त्रयाणां साधूनां] સમ્યગ્દ્રર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) [वत्सलत्वं करोति] વાત્સલ્ય કરે છે, [सः] તે [वत्सलभावयुतः] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (-અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
હવે વાત્સલ્યગુણની ગાથા કહે છેઃ-
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ _________________________________________________________________ * અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.
PDF/HTML Page 2436 of 4199
single page version
અહા! સમ્યગ્દ્રષ્ટિ-ધર્મની શરૂઆતવાળો જીવ-કોને કહીએ? કે જેને એક જ્ઞાયકભાવમયપણાની દ્રષ્ટિ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે; તેની દ્રષ્ટિ નિમિત્ત કે રાગ ઉપર નથી. એનો અર્થ જ એ છે કે નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થાય કે રાગથી-વ્યવહારથી નિશ્ચય થાય એવું છે જ નહિ. અહા! ધર્મીની ધર્મદ્રષ્ટિ છે તો પર્યાય પણ તે પર્યાયનો વિષય ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે. આવો જૈનધર્મ બહુ ઝીણો છે, ભાઈ!
કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (અનુભવતો) હોવાથી...’
જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં ‘સાધુ-સાધક’ત્રય કહ્યા છે. પાઠમાં ‘तिण्हं साहूण’ એમ છે ને? એટલે કે એ રત્નત્રય ‘સાધુ-સાધક’ત્રય છે. પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ સાધકો છે. અહા! આત્માની પરમાનંદરૂપ જે મુક્તિ તેનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધન છે. લ્યો, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયકભાવમય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતાં સમકિતીને જે જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધકદશા છે તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું સાધન છે એમ કહે છે. આમાં તો નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન છે એ વાત જ ઉડાવી દીધી છે.
અહા! વસ્તુ છે એ તો ત્રિકાળ એક જ્ઞાયકભાવપણે છે. અને તેનો અનુભવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે-જ્ઞાની એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી-આત્માથી અભેદપણે-એકપણે અનુભવે છે. આવી વાતુ! કોઈ દિ’ સાંભળી ન હોય એટલે થાય કે શું આવો જૈનધર્મ! એમ કે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ-પૂજા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં છે પણ આ કેવો ધર્મ! અરે ભાઈ! દયા આદિ તો બધી રાગની ક્રિયાઓ છે, તે કાંઈ જૈનધર્મ નથી. જૈનધર્મ તો એક જ્ઞાયકભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પોતાનાથી એકપણે અનુભવવાં તે છે. આનું નામ મોક્ષમાર્ગ અને આનું નામ ધર્મ છે.
પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહિ? અરે ભાઈ! પોતાના સહજાત્મસ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંતકાળમાં તેં કર્યો નથી એટલે કઠણ લાગે છે પણ માર્ગ તો આ જ છે. જુઓને! કહે છે કે-ધર્મી જીવ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ સ્વાશ્રયે પ્રગટ થઈ તેને પોતાથી એકપણે-અભેદબુદ્ધિએ અનુભવે છે.
એ તો ૧૬ મી ગાથામાં આવ્યું નહિ? કે-‘दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं’–જે સ્વદ્રવ્યના આશ્રયે દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે અર્થાત્ સમ્યગ્દર્શન-
PDF/HTML Page 2437 of 4199
single page version
જ્ઞાન-ચારિત્ર છે તેને સેવવાં. ‘ताणि पुण जाण तिण्णि वि अप्पाणं’–તે ત્રણેય એક આત્મા જ છે. તે ત્રણેય થઈને આત્મા-એકત્વ છે. અહા! આત્માના એકપણાનો અનુભવ તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો અભેદબુદ્ધિએ અનુભવ છે. ઝીણી વાત છે ભાઈ! ભગવાન કેવળીનો કહેલો મારગ બહુ સૂક્ષ્મ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તો પર્યાય પણ તે પર્યાયનું લક્ષ્ય-ધ્યેય ત્રિકાળી ધ્રુવ છે.
અહા! કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (-અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે.’ અહા! થોડા શબ્દોમાં, જુઓ તો ખરા, આ મુનિવરોએ કેટલું ભર્યું છે! અહાહા...! પોતાના એક જ્ઞાયકભાવસ્થિત દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ અનુભવવાં તે માર્ગવત્સલતા છે. આનું નામ વાત્સલ્ય કે મોક્ષમાર્ગ પ્રત્યે અત્યંત પ્રેમ છે એમ કહેવામાં આવે છે.
અરે ભાઈ! આ જે સુંદર રૂપાળાં કાંતિવાળાં શરીર દેખાય છે તેની તો ક્ષણમાં બાપા! રાખ થઈ જશે. એમાં તો ધૂળેય (માલ) નથી. અહીં કહે છે-એનો પ્રેમ છોડ, રાગનોય પ્રેમ છોડ ને એક સમયની પર્યાયનો પણ પ્રેમ છોડ; અને એક જ્ઞાયકભાવથી નાતો જોડ. ત્યારે તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પોતાથી એકત્વનો અનુભવ થશે અને તે માર્ગવત્સલતા છે એમ કહે છે.
અહા! ધર્મી માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે પ્રીતિવાળો છે. એટલે શું? કે ચિદાનંદ સહજાનંદસ્વરૂપ ભગવાન આત્માનું અંદર જ્ઞાન થઈને જે પ્રતીતિ થઈ છે, તેનું જે જ્ઞાન થયું છે અને તેમાં જે રમણતા-લીનતા થઈ છે તેને ધર્મી સ્વપણે-એકપણે પોતામાં અનુભવે છે, અને તેને મોક્ષમાર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. હવે આવું કદી સાંભળ્યુંય ન હોય તે બિચારા શું કરે? પરમાં ને શુભરાગમાં પ્રેમ કરે; પણ પરમાં ને રાગમાં પ્રેમ કરવો એ તો વ્યભિચાર છે.
અહા! શુભરાગનો પ્રેમ એ તો વેશ્યાના પ્રેમ જેવો છે. પ્રવચનસારમાં (ગાથા ૨૭૯માં) ‘અભિસારિકા’ શબ્દ આવે છે. પરપુરુષ જે પ્રેમી છે તેને મળવા જનારી સ્ત્રીને ‘અભિસારિકા’ કહે છે. એમ જે પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને છોડીને રાગમાં પ્રેમ કરે છે તે અભિસારિકા સમાન વ્યભિચારી છે, અને ત્રિલોકનાથ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ એકરૂપ કરે છે તે માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગમાં અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. ધર્મીને તો રાગ ને નિમિત્તનો પ્રેમ છૂટી ગયો છે. તેને તો એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની જ ભાવના-પ્રેમ છે. હવે આવું ઝીણું પડે એટલે અજ્ઞાની દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિના શુભરાગમાં રોકાઈ જાય છે પણ ભાઈ! રાગમાં રોકાઈ રહેવું એ તો મિથ્યાત્વ-
PDF/HTML Page 2438 of 4199
single page version
ભાવ છે. પોતાના જ્ઞાયકભાવમાં અભેદપણે-એકપણે દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા કરવી એ જ સમ્યક્ભાવ છે અને એ જ ધર્મવત્સલતા છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’
અહા! જેને ભગવાન આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ભાવના વર્તે છે તેને માર્ગનું વાત્સલ્ય છે અને તેથી માર્ગની અનુપલબ્ધિના કારણે જે બંધ થતો હતો તે હવે થતો નથી. ‘અનુપલબ્ધિ’-એટલે પ્રત્યક્ષ ન હોવું તે, અપ્રત્યક્ષપણું. અહા! શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને જે પ્રત્યક્ષ મતિ-શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-વેદે છે, અનુભવે છે તેને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. અહા! ભગવાન આત્માનું તેના સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણમનમાં ધર્મીને પ્રત્યક્ષપણું થયું છે એમ કહે છે; અને તેથી તેને આત્મા પ્રત્યક્ષ ન હોય એવી અનુપલબ્ધિની દશા રહી નથી. તેથી તેને બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. સહેજ ઉદયનો ભાવ આવે, પણ અંદર મોક્ષમાર્ગ પ્રતિ વત્સલતા વર્તે છે તેથી તેને ઉદય નિર્જરી જાય છે. આવી વાત ભાઈ! મારગ ભગવાનનો સાવ જુદો છે.
અહા! જેમ અફીણીયો અફીણ પીવે ને એને ખુમારી ચઢી જાય છે તેમ અહીં કહે છે-અમે મોક્ષમાર્ગની પ્રીતિના પ્યાલા પીધા છે, હવે અમને આત્માની લગની અને મોક્ષમાર્ગની લગની છૂટશે નહિ-એવી ખુમારી ચડી ગઈ છે. અહીં કહે છે-હે ભાઈ! તારે પ્રેમ જ કરવો છે તો અંદરમાં જા ને મોક્ષમાર્ગનો પ્રેમ કર. આ સ્વાશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ તારાં સાધર્મી-સાધન છે; તેનો પ્રેમ કર એમ કહે છે. બાકી ધર્મીને અન્ય સાધર્મી પ્રત્યે જે પ્રેમ છે તે વ્યવહાર છે. અજ્ઞાનીને તો વ્યવહારેય નથી. આવો મારગ આકરો બાપા! અજાણ્યો છે ને? તો આકરો લાગે છે પણ મારગ આ જ છે. પરથી ભિન્નતા ને સ્વમાં એકતા કરવી એ જ મારગ છે.
‘વત્સલપણું એટલે પ્રીતિભાવ.’
જુઓ, ગાયને વાછરડા પ્રતિ ખૂબ પ્રીતિ હોય છે. વાછરડું કાંઈ મોટું થઈને ઘાસ- પાણી લાવી દે ને ગાયને ખવરાવે-પીવડાવે એવું કાંઈ નથી. છતાં ગાયને વાછરડા પ્રત્યે બેહદ પ્રેમ હોય છે. એક બાજુ સિંહ આવે તોય, પોતાના બચ્ચાના પ્રેમ આગળ, સિંહ પોતાને હમણાં મારી નાખશે એની દરકાર કર્યા વિના, તેની સામે માથું મારે છે. જુઓ, આવો જ કોઈ કુદરતી પ્રેમ ગાયને વાછરડા પ્રત્યે હોય છે. તેમ અહીં કહે છે-ધર્મીને મોક્ષમાર્ગ પ્રતિ અતિશય-બેહદ વત્સલતા હોય છે; અહા! દુનિયાના સર્વ ભોગો પ્રતિ તેને રસ ઉડી ગયો છે. અહા! રોજ લાખો-કરોડોની પેદાશ થતી
PDF/HTML Page 2439 of 4199
single page version
હોય, લક્ષ્મીના ગંજ થતા હોય તોપણ ધર્મીને તેમાં પ્રેમ નથી. એની તો પ્રેમની- રુચિની દિશા જ બદલી ગઈ છે. અહો! દર્શનશુદ્ધિ કોઈ અજબ ચીજ છે! એની પ્રગટતા થતાં જીવની રુચિની દિશા પલટી જાય છે; પરમાંથી ખસી તેની રુચિ સ્વમાં જાગ્રત થાય છે.
જ્ઞાનીને ચારિત્રમોહ સંબંધી દોષ હોય, પણ દર્શનશુદ્ધિ હોવાથી તેને પરપદાર્થોમાં મૂઢતા નથી હોતી. જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. અપાર રાજ્યવૈભવ અને અનેક રાણીઓ હતી. પણ અંતરમાં મોક્ષમાર્ગની-શુદ્ધ રત્નત્રયની રુચિ હતી, રાજ્યમાં ને રાણીઓમાં પ્રેમ (મૂઢતા) ન હતો. અહા! જ્ઞાનીને અહીં (આત્મામાં) જેવો પ્રેમ હોય છે તેવો ત્યાં (પરમાં, બહારમાં) પ્રેમ નથી. અજ્ઞાનદશામાં એથી ઉલટું હોય છે.
તો રામચંદ્રજીને રાગનો રાગ હતો કે નહિ? સમાધાનઃ– ના; રામચંદ્રજીને રાગનો રાગ ન હતો. રામચંદ્રજી જંગલમાં સર્વત્ર પૂછતા-મારી સીતા, મારી સીતા,... જોઈ? છતાં તે રાગ અસ્થિરતાનો હતો, રાગનો રાગ ન હતો.
જુઓ, સીતાજી પતિવ્રતા હતાં. રામ સિવાય સ્વપ્નેય તેમને બીજો કોઈ વિકલ્પ ન હતો. રાવણ જ્યારે તેમને ઉપાડી જતો હતો ત્યારે-અહા! આ મને ઉપાડી જાય છે તો મારે આ આભૂષણોથી શું કામ છે? -એમ વિચારી સીતાજીએ આભૂષણો નીચે નાખી દીધાં. જોયું? નજરમાં રામ હતા તો બીજી કોઈ ચીજ વહાલી લાગી નહિ. તેમ ધર્મીને નજરમાં-દ્રષ્ટિમાં-રુચિમાં આત્મા છે તો તેને જગતમાં બીજી કોઈ ચીજ વહાલી હોતી નથી. ઇન્દ્રપદ કે ચક્રવર્તીનાં પદ તેને વહાલાં નથી. અહા! અંદર દર્શન, જ્ઞાન ને સ્વરૂપાચરણ જેને પ્રગટયાં છે તેને બધેયથી પ્રેમ ઉડી ગયો છે. ગજબ વાત છે ભાઈ! આવે છે ને કે-
અહા! ધર્મીને જગત આખું તુચ્છ ભાસે છે. શ્રીમદે કહ્યું છે ને કે-‘જગત ઈષ્ટ નહિ આત્મથી.’ જેને આત્મા ઈષ્ટ થયો તેને જગત ફીકું-ફચ લાગે છે. સમજાણું કાંઈ...?
જુઓ, કોઈ મકાન કરોડો અબજોની સામગ્રીથી ભર્યું-ભર્યું હોય ને તેમાં મડદું રાખ્યું હોય તો તે મડદાને એ સામગ્રીથી શું કામ છે? તેને છે કાંઈ? તેમ ભગવાન આત્મા ચૈતન્યપરમેશ્વર પ્રભુનાં પ્રતીતિ-જ્ઞાન ને રમણતાની પ્રીતિ જેને થઈ છે તે જ્ઞાની બહારની અનેકવિધ સામગ્રીમાં ઊભો હોય તોપણ સામગ્રી પ્રત્યે તે મડદા જેવો ઉદાસ-ઉદાસ-ઉદાસ છે. અહા! અત્યારે તો અજ્ઞાનીઓએ મારગ આખો વીંખી નાખ્યો છે!
PDF/HTML Page 2440 of 4199
single page version
આ કરવું ને તે કરવું-એમ બહારનું કરવા ઉપર બધા ચડી ગયા છે. પણ ભાઈ? એમાં જન્મ-મરણ રહિત થવાનું શું છે? જેનાથી જન્મ-મરણ રહિત ન થવાય તે કરવું શું કામનું?
અહીં કહે છે-‘વત્સલપણું એટલે પ્રીતિભાવ.’ જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’ હવે આઠમો ગુણ-ધર્મીની નિઃશંકાદિ આઠ દશા છે તેમાં હવે પ્રભાવના ગુણની વાત કહેશે.