Shastra Swadhyay (Gujarati). Ishtopdesh; YogsAr.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 12

 

Page 169 of 214
PDF/HTML Page 181 of 226
single page version

background image
રાગાદિક-કલ્લોલથી મન-જળ લોલ ન થાય,
તે દેખે ચિદ્તત્ત્વને, અન્ય જને ન જણાય. ૩૫.
અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત;
અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. ૩૬.
અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય;
જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. ૩૭.
અપમાનાદિક તેહને, જસ મનને વિક્ષેપ;
અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. ૩૮.
યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય;
સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. ૩૯.
તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત,
શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. ૪૦.
આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય;
તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. ૪૧.
દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય;
તત્ત્વજ્ઞાની તે સર્વથી ઇચ્છે મુક્તિ સદાય. ૪૨.
પરમાં નિજમતિ નિયમથી સ્વચ્યુત થઈ બંધાય;
નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરચ્યુત થઈ મુકાય. ૪૩.
નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ;
સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. ૪૪.
૧. લોલ = ચંચળ.૨. વિક્ષિપ્ત =આકુલિત.
૩. અજ્ઞાનજ = અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા.
૪. આત્મભ્રમોદ્ભવ = આત્માના ભ્રમથી ઉત્પન્ન.
૫. અભિલષે = ઇચ્છે.
૬. ચ્યુત = ભ્રષ્ટ.

Page 170 of 214
PDF/HTML Page 182 of 226
single page version

background image
યદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય,
પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. ૪૫.
દ્રશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દ્રષ્ટ;
રોષ કરું ક્યાં? તોષ ક્યાં? ધરું ભાવ મધ્યસ્થ. ૪૬.
મૂઢ બર્હિ ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંતરમાંય;
નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. ૪૭.
જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત,
વચ-તનકૃત વ્યવહારને છોડે મનથી સુજ્ઞ. ૪૮.
દેહાતમધી જગતમાં કરે રતિ વિશ્વાસ;
નિજમાં આતમદ્રષ્ટિને ક્યમ રતિ? ક્યમ વિશ્વાસ? ૪૯.
આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય;
કારણવશ કંઈ પણ કરે ત્યાં બુધ તત્પર નો’ય. ૫૦.
ઇન્દ્રિદ્રશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ,
અંતર જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. ૫૧.
પ્રારંભે સુખ બાહ્યમાં, દુખ ભાસે નિજમાંય;
ભાવિતાત્મને દુખ બર્હિ, સુખ નિજઆતમમાંય. ૫૨.
તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ;
જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાતેજ. ૫૩.
વચ-કાયે જીવ માનતો, વચ-તનમાં જે ભ્રાન્ત;
તત્ત્વ પૃથક્ છે તેમનુંજાણે જીવ નિર્ભ્રાન્ત. ૫૪.
૧. નિષ્ઠિતાત્મને = શુદ્ધ સ્વરૂપમાં સ્થિત આત્માને.
૨. બુધ = જ્ઞાની. ૩. ભાવિતાત્મને = આત્મસ્વરૂપને યથાર્થપણે જાણનારને.
૪. પૃથક્ = ભિન્ન; જુદું.

Page 171 of 214
PDF/HTML Page 183 of 226
single page version

background image
ઇન્દ્રિયવિષયે જીવને કાંઈ ન ક્ષેમસ્વરૂપ;
છતાં અવિદ્યાભાવથી રમણ કરે ત્યાં મૂઢ. ૫૫.
મૂઢ કુયોનિમહીં સૂતા તમોગ્રસ્ત ચિરકાળ;
જાગી તન-ભાર્યાદિમાં કરે ‘હું-મુજ’ અધ્યાસ. ૫૬.
આત્મતત્ત્વમાં સ્થિત થઈ નિત્ય દેખવું એમ,
મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. ૫૭.
મૂઢાત્મા જાણે નહીં વણબોધ્યે જ્યમ તત્ત્વ,
બોધ્યે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. ૫૮.
જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ ‘હું’તત્ત્વ;
‘હું’ છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ? ૫૯.
અંતર્જ્ઞાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ;
કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. ૬૦.
તન સુખ-દુખ જાણે નહીં, તથાપિ એ તનમાંય,
નિગ્રહ ને અનુગ્રહ તણી બુદ્ધિ અબુધને થાય. ૬૧.
જ્યાં લગી મન-વચ-કાયને આતમરૂપ મનાય,
ત્યાં લગી છે સંસાર ને ભેદ થકી શિવ થાય. ૬૨.
સ્થૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર,
પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. ૬૩.
જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર,
જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. ૬૪.
વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ગણે ન શરીર,
દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. ૬૫.
૧. તમોગ્રસ્ત = અજ્ઞાનથી ઘેરાયેલા.૨. અધ્યાસ = માન્યતા.
૩. બોધવા = સમજાવવા.

Page 172 of 214
PDF/HTML Page 184 of 226
single page version

background image
રક્ત વસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર,
રક્ત દેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. ૬૬.
સક્રિય જગ જેને દીસે જડ અક્રિય અણભોગ,
તે જ લહે છે પ્રશમને, અન્યે નહિ તદ્યોગ. ૬૭.
તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર,
તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર. ૬૮.
અસ્થિર અણુનો વ્યૂહ છે સમ-આકાર શરીર,
સ્થિતિભ્રમથી મૂરખ જનો તે જ ગણે છે જીવ. ૬૯.
હું ગોરો કૃશ સ્થૂલ ના, એ સૌ છે તનભાવ,
એમ ગણો, ધારો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. ૭૦.
જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય;
ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નો’ય. ૭૧.
જનસંગે વચસંગ ને તેથી મનનો સ્પંદ,
તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. ૭૨.
અનાત્મદર્શી ગામ વા વનમાં કરે નિવાસ;
નિશ્ચળ શુદ્ધાત્મામહીં આત્મદર્શીનો વાસ. ૭૩.
દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ;
આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. ૭૪.
જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ;
તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણ. ૭૫.
૧. રક્ત = લાલ.૨. કંચુક = કાંચળી.૩. સંવૃત =
ઢંકાયેલું.
૪. વ્યૂહ = સમૂહ.
૫. ધૃતિ = ધીરજ; ધૈર્ય; ધારણા.
૬. સ્પન્દ = વ્યગ્રતા.૭. અનાત્મદર્શી = આત્માનો અનુભવ જેને થયો

Page 173 of 214
PDF/HTML Page 185 of 226
single page version

background image
દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ,
દ્રઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. ૭૬.
નિજમાં નિજધી આત્મથી માને તન-ગતિ ભિન્ન,
અભય રહે, જ્યમ વસ્ત્રને છોડી ગ્રહે નવીન. ૭૭.
સૂતો જે વ્યવહારમાં તે જાગે નિજમાંય;
જાગૃત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. ૭૮.
અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય,
ભેદજ્ઞાન-અભ્યાસથી શિવપદ-પ્રાપ્તિ થાય. ૭૯.
સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય;
દ્રઢ અભ્યાસ પછી જગત્ કાષ્ટ-દ્રષદવત્ થાય. ૮૦.
બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત;
પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧.
નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય;
જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. ૮૨.
પુણ્ય વ્રતે, અઘ અવ્રતે, મોક્ષ ઉભયનો નાશ;
અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. ૮૩.
અવ્રતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ,
વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદ નિજ. ૮૪.
અંતર્જલ્પે યુક્ત જે વિકલ્પ કેરી જાળ,
તે દુખમૂળ, તસ નાશથી ઇષ્ટ-પરમ-પદ લાભ. ૮૫.
૧ લય = નાશ. ૨. સુષુપ્ત = સૂતેલા.૩. દ્રષદ = પથ્થર;
પાષાણ.
૪. અઘ = પાપ. ૫. ઉભયનો = બન્નેનો.

Page 174 of 214
PDF/HTML Page 186 of 226
single page version

background image
અવ્રતિ-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય;
પરમ-જ્ઞાનને પામીને સ્વયં ‘પરમ’ થઈ જાય. ૮૬
તનને આશ્રિત લિંગ છે, તન જીવનો સંસાર;
તેથી લિંગાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૭.
તનને આશ્રિત જાતિ છે, તન જીવનો સંસાર;
તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૮.
જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય,
તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. ૮૯.
જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ;
ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. ૯૦.
અજ્ઞ પંગુની દ્રષ્ટિને માને અંધામાંય;
અભેદજ્ઞ જીવદ્રષ્ટિને માને છે તનમાંય. ૯૧.
વિજ્ઞ ન માને પંગુની દ્રષ્ટિ અંધામાંય;
નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદ્રષ્ટિ તનમાંય. ૯૨.
માત્ર મત્ત નિદ્રિત દશા વિભ્રમ જાણે અજ્ઞ;
દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજજ્ઞ. ૯૩.
તનદ્રષ્ટિ સર્વાગમી જાગૃત પણ ન મુકાય;
આત્મદ્રષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. ૯૪.
જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત;
થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૯૫.
જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત;
જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન? ૯૬.
૧. જાત્યાગ્રહી = જાતિનો આગ્રહી.૨. પંગુ = લંગડો.
૩. નિજજ્ઞ = આત્માને જાણનાર. ૪. સર્વાગમી = સર્વ શાસ્ત્રોનો જાણનાર.

Page 175 of 214
PDF/HTML Page 187 of 226
single page version

background image
ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય;
ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. ૯૭.
અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય;
જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. ૯૮.
એમ નિરંતર ભાવવું પદ આ વચનાતીત;
પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ૯૯.
ચેતન ભૂતજ હોય તો મુક્તિ અયત્ન જ હોય,
નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુખ નો’ય. ૧૦૦.
સ્વપ્ને દ્રષ્ટ વિનષ્ટ હો પણ જીવનો નહિ નાશ;
જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. ૧૦૧.
અદુઃખભાવિત જ્ઞાન તો દુખ આવ્યે ક્ષય થાય;
દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. ૧૦૨.
ઇચ્છાદિજ નિજ યત્નથી વાયુનો સંચાર;
તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. ૧૦૩.
જડ નિજમાં તનયંત્રને આરોપી દુખી થાય;
સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. ૧૦૪.
જાણી સમાધિતંત્ર આજ્ઞાનાનંદ-ઉપાય,
જીવ તજે ‘હું’બુદ્ધિને દેહાદિક પરમાંય;
છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન,
જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન. ૧૦૫.
૧. બત્તી = દિવેટ. ૨. પાવક = અગ્નિ.
૩. ભૂતજ = પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું.
૪. ઉભયત્ર = બન્ને બાજુએ.

Page 176 of 214
PDF/HTML Page 188 of 226
single page version

background image
શ્રી
ઇષ્ટોપદેશ
(પદ્યાનુવાદ)
(દોહરા)
સકલ કર્મનો ક્ષય કરી, પામ્યા સ્વયં સ્વભાવ,
સર્વજ્ઞાની પરમાત્મને, નમું કરી બહુ ભાવ. ૧.
યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય;
તેમ સુદ્રવ્યાદિ કરી, જીવ શુદ્ધ થઈ જાય. ૨.
છાયા આતપ સ્થિત જો, જન પામે સુખ દુઃખ;
તેમ દેવપદ વ્રત થકી, અવ્રતે નારક દુઃખ. ૩.
આત્મભાવથી મોક્ષ જ્યાં, ત્યાં સ્વર્ગ શું દૂર?
ભાર વહે જે કોશ બે, અર્ધ કોશ શું દૂર? ૪.
ઇન્દ્રિયજન્ય નિરામયી, દીર્ઘકાલ તક ભોગ્ય;
ભોગે સુરગણ સ્વર્ગમાં સૌખ્ય સુરોને યોગ્ય. ૫.
સુખ-દુઃખ સંસારીનાં, વાસનાજન્ય તું માન,
આપદમાં દુખકાર તે, ભોગો રોગ સમાન. ૬.
મોહે આવૃત જ્ઞાન જે, પામે નહીં નિજરૂપ;
કોદ્રવથી જે મત્ત જન, જાણે ન વસ્તુસ્વરૂપ. ૭.
તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર-અરિ, પુત્રાદિ સહુ અન્ય,
પરભાવોમાં મૂઢ જન, માને તેહ અનન્ય. ૮.

Page 177 of 214
PDF/HTML Page 189 of 226
single page version

background image
દિશા-દેશથી આવીને, પક્ષી વૃક્ષ વસન્ત,
પ્રાત થતાં નિજ કાર્યવશ, વિધવિધ દેશ ઉડન્ત. ૯.
અપરાધી જન કાં કરે હન્તા જન પર ક્રોધ?
પગથી ત્ર્યંગુલ પાડતાં, દંડે પડે અબોધ. ૧૦.
દીર્ઘ દોર બે ખેંચતાં ભમે દંડ બહુ વાર;
રાગ-દ્વેષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર. ૧૧.
એક વિપદને ટાળતાં, અન્ય વિપદ બહુ આય;
પદિકા જ્યમ ઘટિયંત્રમાં એક જાય બહુ આય. ૧૨.
જ્વર-પીડિત જ્યમ ઘી વડે, માને નિજને ચેન;
કષ્ટ-સાધ્ય ધન આદિથી, માને મૂઢ સુખ તેમ. ૧૩.
દેખે વિપત્તિ અન્યની, નિજની દેખે નાહિ;
બળતાં પશુઓ વન વિષે, દેખે તરુ પર જાઈ. ૧૪.
આયુ-ક્ષય ધનવૃદ્ધિનું કારણ કાળ જ જાણ,
પ્રાણોથી પણ લક્ષ્મીને, ઇચ્છે ધની અધિકાન. ૧૫.
દાન-હેતુ ઉદ્યમ કરે, નિર્ધન ધન સંચેય;
દેહે કાદવ લેપીને, માને ‘સ્નાન કરેય’. ૧૬.
ભોગાર્જન દુઃખદ મહા, પામ્યે તૃષ્ણા અમાપ,
ત્યાગ-સમય અતિ કષ્ટ જ્યાં, કો સેવે ધીમાન? ૧૭.
શુચિ પદાર્થ જસ સંગથી, મહા અશુચિ થઈ જાય,
વિઘ્નરૂપ તસ કાય હિત, ઇચ્છા વ્યર્થ જણાય. ૧૮
જે આત્માને હિત કરે, તે તનને અપકાર;
કરે હિત જે દેહને, તે જીવને અપકાર. ૧૯.
છે ચિંતામણિ દિવ્ય જ્યાં, ત્યાં છે ખોળ અસાર;
પામે બેઉ ધ્યાનથી, ચતુર કરે ક્યાં વિચાર? ૨૦.

Page 178 of 214
PDF/HTML Page 190 of 226
single page version

background image
નિજ અનુભવથી પ્રગટ જે, નિત્ય શરીર-પ્રમાણ,
લોકાલોક વિલોકતો, આત્મા અતિસુખવાન. ૨૧.
ઇન્દ્રિય-વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય,
આત્મામાં સ્થિત આત્મને, જ્ઞાની નિજથી ધ્યાય. ૨૨.
અજ્ઞ-ભક્તિ અજ્ઞાનને, જ્ઞાન-ભક્તિ દે જ્ઞાન;
લોકોક્તિ‘જે જે ધરે, કરે તે તેનું દાન’. ૨૩.
આત્મધ્યાનના યોગથી, પરીષહો ન વેદાય,
શીઘ્ર સસંવર નિર્જરા, આસ્રવ-રોધન થાય. ૨૪.
‘ચટાઈનો કરનાર હું’, એ બેનો સંયોગ;
સ્વયં ધ્યાન ને ધ્યેય જ્યાં, કેવો ત્યાં સંયોગ? ૨૫.
મોહી બાંધે કર્મને, નિર્મમ જીવ મુકાય;
તેથી સઘળા યત્નથી, નિર્મમ ભાવ જગાય. ૨૬.
નિર્મમ એક વિશુદ્ધ હું, જ્ઞાની યોગી-ગમ્ય;
સંયોગી ભાવો બધા, મુજથી બાહ્ય અરમ્ય. ૨૭.
દેહીને સંયોગથી, દુઃખ-સમૂહનો ભોગ;
તેથી મન-વચ-કાયથી, છોડું સહુ સંયોગ. ૨૮.
ક્યાં ભીતિ જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ?
બાલ, યુવા, નહિ વૃદ્ધ હું, એ સહુ પુદ્ગલ જોગ. ૨૯.
મોહે ભોગવી પુદ્ગલો, કર્યો સર્વનો ત્યાગ;
મુજ જ્ઞાનીને ક્યાં હવે, એ એંઠોમાં રાગ? ૩૦.
કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ;
સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ? ૩૧.

Page 179 of 214
PDF/HTML Page 191 of 226
single page version

background image
દ્રશ્યમાન દેહાદિનો, મૂઢ કરે ઉપકાર;
ત્યાગી પર-ઉપકારને, કર નિજનો ઉપકાર. ૩૨.
ગુરુ-ઉપદેશ, અભ્યાસ ને સંવેદનથી જેહ,
જાણે નિજ-પર ભેદને, વેદે શિવ-સુખ તેહ. ૩૩.
નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા આત્મ,
નિજ હિત પ્રેરક છે સ્વયં, આત્માનો ગુરુ આત્મ. ૩૪.
મૂર્ખ ન જ્ઞાની થઈ શકે, જ્ઞાની મૂર્ખ ન થાય;
નિમિત્તમાત્ર સૌ અન્ય તો, ધર્મદ્રવ્યવત્ થાય. ૩૫.
ક્ષોભરહિત એકાન્તમાં સ્વરૂપસ્થિર થઈ ખાસ,
યોગી તજી પરમાદને કરે તું તત્ત્વાભ્યાસ. ૩૬.
જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ,
સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ. ૩૭.
જેમ જેમ વિષયો સુલભ, પણ નહિ રુચિમાં આય,
ત્યમ ત્યમ આતમતત્ત્વમાં, અનુભવ વધતો જાય. ૩૮.
ઇંદ્રજાલ સમ દેખ જગ, આતમહિત ચિત્ત લાય,
અન્યત્ર ચિત્ત જાય જો, મનમાં તે પસ્તાય. ૩૯.
ચાહે ગુપ્ત નિવાસને, નિર્જન વનમાં જાય,
કાર્યવશ જો કંઈ કહે, તુર્ત જ ભૂલી જાય. ૪૦.
દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ,
ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧.
કોનું, કેવું, ક્યાં કહીં,આદિ વિકલ્પ વિહીન,
જાણે નહિ નિજ દેહને, યોગી આતમ-લીન. ૪૨.

Page 180 of 214
PDF/HTML Page 192 of 226
single page version

background image
જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય,
જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય. ૪૩.
વિશેષોથી અજ્ઞાત રહી, નિજ રૂપમાં લીન થાય,
સર્વ વિકલ્પાતીત તે, છૂટે નહિ બંધાય. ૪૪.
પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય;
મહાપુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. ૪૫.
અભિનંદે અજ્ઞાની જે, પુદ્ગલને નિજ જાણ,
ચૌગતિમાં નિજ સંગને તજે ન પુદ્ગલ, માન. ૪૬.
વિરમી પર વ્યવહારથી, જે આતમરસ લીન,
પામે યોગીશ્રી અહો! પરમાનંદ નવીન. ૪૭.
કરતો અતિ આનંદથી, કર્મ-કાષ્ઠ પ્રક્ષીણ,
બાહ્ય દુખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. ૪૮.
જ્ઞાનમયી જ્યોતિર્મહા, વિભ્રમનાશક જેહ,
પૂછે, ચાહે, અનુભવે, આત્માર્થી જન તેહ. ૪૯
જીવ-પુદ્ગલ બે ભિન્ન છે, એ જ તત્ત્વનો સાર;
અન્ય કાંઈ વ્યાખ્યાન જે, તે તેનો વિસ્તાર. ૫૦.
(વસંતતિલકા)
ઇષ્ટોપદેશ મતિમાન ભણી સુરીતે,
માનાપમાન સુસહે નિજ સામ્યભાવે;
છોડી મતાગ્રહ વસે સ્વજને વને વા,
મુક્તિવધૂ નિરુપમા જ સુભવ્ય પામે. ૫૧.
✽ ✽ ✽

Page 181 of 214
PDF/HTML Page 193 of 226
single page version

background image
શ્રી
યોગસાર
(પદ્યાનુવાદ)
(દોહરા)
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદુ તે જિનરાય. ૧.
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંતચતુષ્ટ;
તે જિનેશ્વર ચરણે નમી, કહું કાવ્ય સુઇષ્ટ. ૨.
ઇચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત;
તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એક ચિત્ત. ૩.
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત;
મિથ્યામતિ મોહે દુખી, કદી ન સુખ લહંત. ૪.
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ. ૫.
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬.
મિથ્યામતિથી મોહી જન, જાણે નહિ પરમાત્મા;
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮.

Page 182 of 214
PDF/HTML Page 194 of 226
single page version

background image
નિર્મળ, નિષ્કલ, જિનેન્દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત;
તે પરમાત્મા જિન કહે, જાણો થઈ નિર્ભ્રાન્ત. ૯.
દેહાદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપ;
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦.
દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧.
નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્માને, તો ભવભ્રમણ ન જાય. ૧૨.
વિણ ઇચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ;
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩.
બંધ મોક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ;
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવે જાણ. ૧૪.
નિજરૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય;
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય. ૧૫.
નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન;
હે યોગી! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ. ૧૬.
ગુણસ્થાનક ને માર્ગણા, કહે દ્રષ્ટિ વ્યવહાર;
નિશ્ચય આત્મજ્ઞાન તે, પરમેષ્ઠી પદકાર. ૧૭.
ગૃહકામ કરતાં છતાં, હેયાહેયનું જ્ઞાન;
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ. ૧૮.
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ;
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯.

Page 183 of 214
PDF/HTML Page 195 of 226
single page version

background image
જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન. ૨૦.
જિનવર તે આતમ લખો, એ સિદ્ધાન્તિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર. ૨૧.
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. ૨૨.
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશપ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ૨૩.
નિશ્ચય લોકપ્રમાણ છે, તનુપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ૨૪.
લક્ષ ચોરાશી યોનિમાં, ભમિયો કાળ અનંત;
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્ત. ૨૫.
શુદ્ધ સચેતન બુદ્ધ જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
જ્યાં લગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭.
ધ્યાનયોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાન્તિ ન આણ. ૨૮.
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
મૂઢ તણાં વ્રત-તપ સહુ, શિવહેતુ ન કહાય. ૨૯.
જે શુદ્ધાત્મ અનુભવે, વ્રત-સંયમસંયુક્ત;
જિનવર ભાખે જીવ તે, શીઘ્ર લહે શિવસુખ. ૩૦.

Page 184 of 214
PDF/HTML Page 196 of 226
single page version

background image
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ. ૩૧.
પુણ્યે પામે સ્વર્ગ જીવ, પાપે નરકનિવાસ;
બે તજી જાણે આત્માને, તે પામે શિવવાસ. ૩૨.
વ્રત-તપ-સંયમ-શીલ જે, તે સઘળાં વ્યવહાર;
શિવકારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩.
આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ;
જિનવર ભાખે જીવ તે, અવિચળ શિવપુર જાય. ૩૪.
ષડ્ દ્રવ્યો જિન-ઉક્ત જે, પદાર્થ નવ જે તત્ત્વ;
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન. ૩૫.
શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર;
જાણી જેને મુનિવરો, શીઘ્ર લહે ભવપાર. ૩૬.
જો શુદ્ધાતમ અનુભવો, તજી સકલ વ્યવહાર;
જિનપ્રભુજી એમ જ ભણે, શીઘ્ર થશો ભવપાર. ૩૭.
જીવ-અજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન;
કહે યોગીજન યોગી હે! મોક્ષહેતુ એ જાણ. ૩૮.
યોગી કહે રે જીવ તું, જો ચાહે શિવલાભ;
કેવળજ્ઞાનસ્વભાવી આ આત્મતત્ત્વને જાણ. ૩૯.
કોણ કોની સમતા કરે, સેવે, પૂજે કોણ;
કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈને કોણ?
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ;
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. ૪૦.

Page 185 of 214
PDF/HTML Page 197 of 226
single page version

background image
સદ્ગુરુ-વચન-પ્રસાદથી, જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧.
તીર્થ-મંદિરે દેવનહિએ શ્રુતકેવળીવાણ;
તનમંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
તન-મંદિરમાં દેવ જિન, જન દેરે દેખંત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩.
નથી દેવ મંદિર વિષે, દેવ ન મૂર્તિ ચિત્ર;
તન-મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪.
તીર્થ-મંદિરે દેવ જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તન-મંદિરમાં દેવ. ૪૫.
જરા-મરણ ભયભીત જો, ધર્મ તું કર ગુણવાન;
અજરામર પદ પામવા, કર ધર્મૌષધિ પાન. ૪૬.
શાસ્ત્ર ભણે, મઠમાં રહે, શિરના લુંચે કેશ;
રાખે વેશ મુનિતણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
રાગદ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ;
જિનવર ભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮.
મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઇચ્છા-મોહ;
આતમહિત સ્ફુરે નહિ, એમ ભમે સંસાર. ૪૯.
જ્યમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન;
શીઘ્ર મળે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. ૫૦.
નર્કવાસ સમ જર્જરિત જાણો મલિન શરીર;
કરી શુદ્ધાતમ-ભાવના, શીઘ્ર લહો ભવતીર. ૫૧.

Page 186 of 214
PDF/HTML Page 198 of 226
single page version

background image
વ્યવહારિક ધંધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ. ૫૨.
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. ૫૩.
મન-ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગપ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪.
જીવ-પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર;
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીઘ્ર લહે ભવપાર. ૫૫.
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. ૫૬.
રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પથ્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. ૫૭.
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮.
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. ૫૯.
ધ્યાન વડે અભ્યંતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦.
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલ-તન જડ જાણ;
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન. ૬૧.
નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬૨.

Page 187 of 214
PDF/HTML Page 199 of 226
single page version

background image
જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ;
કેવળજ્ઞાનસ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩.
ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ;
લોકાલોકપ્રકાશકર, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન;
શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬૫.
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
આ પરિવાર ન મુજ તણો, છે સુખ-દુઃખની ખાણ;
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭.
ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહીં શરણ દાતાર;
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
જન્મ-મરણ એક જ કરે, સુખ-દુઃખ વેદે એક;
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯.
જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ;
આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીઘ્ર મોક્ષસુખ થાય. ૭૦.
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧.
લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨.
જો તુજ મન નિર્ગ્રંથ છે, તો તું છે નિર્ગ્રંથ;
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩.
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪.

Page 188 of 214
PDF/HTML Page 200 of 226
single page version

background image
જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્ભ્રાન્ત;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન મંત્ર, ન તંત્ર. ૭૫.
બે, ત્રણ, ચાર, ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬.
બે ત્યાગી, બે ગુણ સહિત, જે આતમરસ લીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭.
ત્રણ રહિત, ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ;
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. ૭૮.
કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. ૮૦.
આત્મા દર્શનજ્ઞાન છે, આત્મા ચારિત્ર જાણ;
આત્મા સંયમશીલતપ, આત્મા પ્રત્યાખ્યાન. ૮૧.
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાન્ત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર, ન મંત્ર. ૮૩.
દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન;
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ. ૮૪.
જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ, કેવળી એમ વદંત;
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮૫.
એકાકી, ઇન્દ્રિયરહિત, કરી યોગત્રય શુદ્ધ;
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ. ૮૬.