Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 4

PDF/HTML Page 41 of 61
single page version

background image
: ૩૨ : આત્મધર્મ: ૨૩૯
ઉપદેશક કેવા હોય?
હિતને માટે કોનો ઉપદેશ સાંભળવો?

જૈનધર્મના વક્તા પ્રથમ તો જૈનમાર્ગની શ્રદ્ધામાં દ્રઢ હોય. જેને જૈનમાર્ગનો નિર્ણય જ ન
હોય, જેને શ્રદ્ધા જ ન હોય તે જૈનમાર્ગનું રહસ્ય પ્રકાશી શકે નહિ. અહો, વીતરાગી
પ્રયોજનવાળો જૈનધર્મ, તેના વક્ત મોક્ષમાર્ગની રુચિવંત હોય, નવતત્ત્વ વગેરે જેમ સર્વજ્ઞે કહ્યાં
છે તેમ બરાબર શ્રદ્ધાવાળા હોય; જેને સર્વજ્ઞનો નિર્ણય ન હોય, સર્વજ્ઞે કહેલાં તત્ત્વોની શ્રદ્ધા ન
હોય–તે જીવ જૈનધર્મના રહસ્યનો વક્તા હોય નહિ. વીતરાગતા સિવાય બીજું તાત્પર્ય કે બીજું
પ્રયોજન જેના અંતરમાં હોય તે વીતરાગી જૈનધર્મનો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ. રાગથી
લાભ માનતો હોય–તો તે જીવ વીતરાગી જૈનધર્મનો ઉપદેશ ક્યાંથી આપી શકે?
અહા, સર્વજ્ઞ ભગવાનના વીતરાગમાર્ગના વક્તા પણ કેવા હોય, –તેની ઘણાને ખબર
નથી, ને ગમે તેવા વક્તા પાસેથી એમને એમ સાંભળી લ્યે છે. જૈનધર્મના વક્તા પ્રથમ તો
જૈનમાર્ગની શ્રદ્ધામાં દ્રઢ હોય; વળી વિદ્યાભ્યાસ વડે જેને શાસ્ત્રના અર્થ ઉકેલવાની બુદ્ધિ પ્રગટી
હોય; વળી શાસ્ત્રમાં–નિશ્ચય–વ્યવહાર વગેરેની વ્યાખ્યા છે તેના અભિપ્રાયને સમ્યગ્જ્ઞાન વડે
જાણતો હોય; વ્યવહારકથનને જ યથાર્થ માનીને તેના આશ્રયે લાભ મનાવે–તો તે શાસ્ત્રના
નયાર્થને (નયના અભિપ્રાયને) જાણતો નથી. શાસ્ત્રમાં અમુક પ્રયોજન માટે વ્યવહારથી કહયું
હોય ત્યાં બીજું જ પ્રયોજન માની લ્યે, રાગ ઘટાડવાનો ક્યાંક ઉપદેશ હોય ત્યાં તે મંદરાગને જ
મોક્ષમાર્ગરૂપ ધર્મ માની લ્યે–તો તેમાં વિપરીતપ્રવૃત્તિનું પોષણ થઈ જાય છે. માટે સમ્યગ્જ્ઞાનવડે
સર્વ પ્રકારના વ્યવહાર, નિશ્ચય, ઉપાદાન, નિમિત્ત વગેરેને બરાબર જાણતો હોય તે જ જૈનધર્મનો
વક્તા હોઈ શકે. વળી તેને જિનઆજ્ઞાના ભંગનો ઘણો ભવ હોય. ભગવાનના માર્ગમાં જે
આશય છે તેનાથી જરાય વિરુદ્ધ–અન્યથા કે હીનાધિક ન કહેવાઈ જાય–તેનો જેને ભય હોય.
પોતાની સ્વચ્છંદ કલ્પનાથી ઉપદેશ ન આપે પણ ભગવાનના માર્ગની આજ્ઞાઅનુસાર ઉપદેશ
આપે. જિનમાર્ગની આમ્નાય વગર સ્વછંદે ગમે તેમ ઉપદેશ આપે તો આગમવિરુદ્ધ ઉપદેશ
અપાઈ જાય–તેમાં મોટો દોષ આવે. વીતરાગી તાત્પર્યનું જેમાં પોષણ હોય તેવાં જ શાસ્ત્રો
વાંચવા–સાંભળવા–લખવા–યોગ્ય છે, પણ જેમાં વીતરાગી તાત્પર્યનું પોષણ ન હોય ને વિષય–
કષાયનું પોષણ હોય –તેવાં શાસ્ત્ર હિતબુદ્ધિથી વાંચવા–સાંભળવા–લખવા યોગ્ય નથી.
જે પુરુષ ભલે ક્ષમાવંત લાગતો હોય, સ્થૂળપણે નિર્માની અને સરળ દેખાતો હોય, ઘણી
વિદ્યા–વ્યાકરણ, ન્યાય, સંસ્કૃત વગેરે જાણતો હોય, વકતૃત્વકળાથી હજારોની સભાને ડોલાવતો
હોય, –પણ જો તે ઉત્સૂત્રભાસી હોય, જિનમાર્ગથી વિપરીત માર્ગને ઉપદેશતો હોય–તો તે છોડવા

PDF/HTML Page 42 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૩ :
યોગ્ય જ છે, –કેમકે ઊંધી શ્રદ્ધરૂપ ઝેર સહિત છે. જેમ ઉત્કૃષ્ટ મણિ સહિત સર્પ છે તે લોકમાં વિઘ્ન
કરનાર જ છે, તેમ વિપરીત તત્ત્વની પ્રરૂપણા કરનારો વક્તા પણ અહિત કરનારો જ છે. ઊંધી શ્રદ્ધા
સહિતનું જાણપણું કે વ્યવહાર આચરણ–તે કિંચિત્ હિતકારી નથી. ઊંધા માર્ગનું પોષણ કરવા જેવું
મહાપાપ બીજું કોઈ નથી.
વળી વક્તા નિસ્પૃહ હોય, તેને ઉપદેશદ્વારા લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોય; માનનો કામી
ન હોય, અભિનંદનપત્ર લેવાનો કામી ન હોય, તેમજ ફંડફાળા કરાવવાનો ઈચ્છુક ન હોય, લોભી
વક્તા લોભવશ થઈને યથાર્થતત્ત્વનો ઉપદેશ આપી શકે નહિ; માનનો અર્થી જીવ માન ખાતર સભાને
રીઝવવા માટે વીપરીતતત્ત્વનો ઉપદેશ આપી દ્યે; જેને શ્રોતા પાસેથી કાંઈ લેવાની આશા હોય–તે તો
શ્રોતાને આધીન થઈ જાય, ને પોતાનું માન–લોભ વગેરે પ્રયોજન સાધવા તત્ત્વથી વિપરીત પ્રરૂપણા
પણ કરી નાંખે. માટે વક્તા નિસ્પૃહ હોય. તેમજ તે તીવ્ર ક્રોધી કે માની ન હોય. જો ક્રોધી–માની હોય
તો તો લોકમાં જૈનધર્મની નિંદા થાય કે જુઓ, આ જૈનધર્મના ઉપદેશક! અને શ્રોતાઓ પણ એવા
ઉપદેશકથી ભયભીત રહ્યા કરે.
વળી વક્તા એવા હોય કે પોતાની મેળે નવા નવા પ્રશ્ન ઉપજાવી તેનું સમાધાન કરીને
શ્રોતાઓને સમજાવે, મિષ્ટવચનદ્વારા શ્રોતાનો સંદેહ દૂર કરે. વળી જે સંદેહનું સમાધાન પોતાનાથી ન
બની શકે તો સરળતાથી કહે કે મને એ વાતનું જ્ઞાન નથી માટે વિશેષજ્ઞાનીને પૂછીને હું જણાવીશ. પણ
પોતાનું અજાણપણું છુપાવવા ગમે તેમ જવાબ ન આપી દે. પોતાને ન આવડે તો કહે કે વિશેષજ્ઞાની
પાસેથી સમાધાન મેળવીને કહીશ; અથવા તો યોગ્ય અવસરે તમને વિશેષજ્ઞાની મળે તો તેને પૂછીને
સંદેહ દૂર કરશો ને મને પણ તે જણાવશો. અભિમાનપૂર્વક ગમે તેમ વિપરીત પ્રરૂપણા કરી નાંખે તો તો
શ્રોતાનું અહિત થાય ને વળી જૈનધર્મની પણ નિંદા થાય; સંદેહ પણ દૂર ન થાય. વક્તા ગમે તેવો
ઉપદેશ આપી દે ને શાસ્ત્રાનુસાર યોગ્ય સમાધાન ન કરે તો જૈનધર્મની પ્રભાવના પણ કેમ થાય? વળી
જૈનધર્મના ઉપદેશકમાં લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય; લોકોમાં જે કાર્યની નિંદા થાય, રાજ તરફથી
દંડ થાય–એવી પ્રવૃત્તિ કરે ને ધર્મનો ઉપદેશ આપવા બેસે–તો તો ધર્મની નિંદા જ થાય; ને તેના વચનને
માને પણ કોણ? લોકો હાસ્ય મશ્કરી કરે કે જુઓ આ જૈનધર્મના ઉપદેશક? માટે જૈનધર્મના
ઉપદેશકની પ્રવૃત્તિ પણ લોકમાં શોભે તેવી હોય, બધા પડખેથી સરખું હોય. વળી હીનકુળવાળો ન હોય,
અંગહીન ન હોય, સ્વરભંગવાળો ન હોય, મિષ્ટવચની અને પ્રભુતાયુક્ત હોય, ને લોકોમાં જે માન્ય
હોય, એવા ધર્માત્માઓ જ જૈનધર્મના વક્તા હોઈ શકે. જે બુદ્ધિમાન હોય, શાસ્ત્રનું રહસ્ય જાણતો હોય,
લોકની મર્યાદાનો જેને વિવેક હોય, આશા જેની અસ્ત થઈ ગઈ હોય, –લૌકિક પ્રયોજનની અપેક્ષાવાળો
ન હોય, પુણ્યવંત હોય, પરિણામમાં ઉપશમવંત હોય, પ્રશ્ન થતા પહેલાં જ તેના ઉત્તરને જાણતો હોય,
પ્રશ્નોની ઝડી વરસે તો પણ સહન કરીને તેનું સમાધાન કરી શકે એવો હોય, પ્રશ્ન આવે ત્યાં ગભરાઈ
જાય તો તે નિઃશંક પ્રતિપાદન કરી શકે નહિ; વળી પ્રભુતાયુક્ત હોય, તેમજ પોતાની કે પરની નિંદાથી
રહિત હોય, લોકમાં જેની નિંદા થતી હોય તેને વક્તાપણું શોભે નહિ, તેમજ વક્તા થઈને બીજાની નિંદા
કર્યા કરે તોપણ વક્તાપણું શોભે નહિ; જ્ઞાન–વૈરાગ્ય વિનય વગેરે અનેક ગુણોથી સંયુક્ત હોય, જેનાં
વચન મધુર અને સ્પષ્ટ હોય, – એવા ધર્માત્મા સભામાં ધર્મકથા એટલે કે અધ્યાત્મરસમય જૈનધર્મનો
ઉપદેશ કરે.

PDF/HTML Page 43 of 61
single page version

background image
: ૩૪ : આત્મધર્મ: ૨૩૯
વળી તે વક્તા જો ન્યાય–વ્યાકરણ વગેરે મોટા મોટા જૈનશાસ્ત્રોના વિશેષજ્ઞાન સહિત હોય તો
વિશેષ શોભે; જેને અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવ ન થયું ન હોય તે પુરુષ
જૈનધર્મના મર્મને જાણતો નથી. જૈનધર્મનું જે આધ્યાત્મિક રહસ્ય છે તેની તેને ખબર નથી,
એટલે
તે તો માત્ર પદ્ધતિદ્વારા જ વક્તા થાય છે; પણ જૈનધર્મ તો અધ્યાત્મરસમય છે તેનું રહસ્ય અનુભવ
વગર કઈ રીતે પ્રગટ કરી શકે? માટે આત્મજ્ઞાની હોય તેને જ સાચું વકતાપણું હોય છે. –આ મૂળ
વાત છે. દેશનાલબ્ધિ જ્ઞાનીના ઉપદેશથી જ થાય છે. અજ્ઞાનીના ઉપદેશથી દેશનાલબ્ધિ થતી નથી. જેને
આત્માનું ભાન નથી, મોક્ષમાર્ગની જેને ખબર નથી, મોક્ષમાર્ગ જેણે પોતે દેખ્યો નથી, તે બીજા જીવોને
મોક્ષમાર્ગ ક્યાંથી દેખાડી શકે? માટે અજ્ઞાની જીવ જૈનધર્મનો સાચો વક્તા હોઈ શકે નહિ. આત્મજ્ઞાન
સહિત જ વક્તાપણું હોય.
જુઓ, જૈનધર્મ કેવો છે? કે અધ્યાત્મરસમય છે; પુણ્ય થાય તે કાંઈ જૈનધર્મનું રહસ્ય નથી;
પુણ્યપરિણામ તો અન્યધર્મીને પણ હોય છે. જૈનધર્મમાં અધ્યાત્મરસનું–આત્માના સ્વભાવનું જેવું વર્ણન
છે તેવું બીજે ક્યાંય નથી. અધ્યાત્મરસ એટલે કે આત્માના સ્વભાવની સન્મુખ થઈને ચૈતન્યના પરમ
શાંતરસનું વેદન થાય–તે જૈનધર્મનું રહસ્ય છે. આવા રહસ્યને આત્મજ્ઞાની જ જાણે છે, અને તે જ
જૈનધર્મના વક્તા હોઈ શકે છે. આત્મજ્ઞાન વગર ભલે ઘણા શાસ્ત્રો જાણે, વિદ્વત્તાથી બોલતા આવડે ને
કાંઈક પુણ્યવંત પણ હોય, પણ તેને સાચું વક્તાપણું હોતું નથી, તે મૂળવસ્તુ છોડીને ફોતરા ખાંડે છે.
દોહાપાહુડમાં કહ્યું છે કે:–
पंडिय पंडिय पंडिय! कण छोडि वितुसं खंडिया।
पय अत्थंतुठ्ठोसि परमत्थ ण जाणइ मूढोसि।।
હે પંડિત! પંડિતોમાં પણ પંડિત એટલે કે ઘણા શાસ્ત્રોનો જાણનાર પંડિત, જો તું શુદ્ધાત્માને
નથી જાણતો, અધ્યાત્મરસને નથી અનુભવતો, તો તેં કણને છોડીને માત્ર ફોતરાંને જ ખાંડ્યા છે.
એકલા શબ્દોના અર્થમાં જ તું સંતુષ્ટ છે પણ અંતરંગમાં પરમાર્થને નથી જાણતો, પરમ ચૈતન્ય પદાર્થને
અનુભવતો નથી, તો તું ખરેખર પંડિત નથી પણ મૂઢ છે. અધ્યાત્મવિદ્યા વિના તારી બધી વિદ્યા
થોથેથોથાં છે. ચૌદવિદ્યામાં પણ અધ્યાત્મવિદ્યાને જ પ્રધાન કહી છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ
શાસ્ત્રોનું રહસ્ય જાણ્યું. અને ભલે ૧૧ અંગ જાણતો હોય પણ જો આત્માને ન જાણ્યો–તો તે અજ્ઞાની જ
છે. અને જેણે આત્માને જાણ્યો તેને માટે કોઈ શાસ્ત્રભણતરની ટેક નથી કે આટલા શાસ્ત્ર ભણવા જ
જોઈએ. શાસ્ત્રનાં ભણતર વગર પણ સર્વ વિદ્યામાં ઉત્કૃષ્ટ એવી અધ્યાત્મવિદ્યા તે ભણી ગયો છે.
આવા અધ્યાત્મરસના રસિક વકતા હોય તે જ જૈનધર્મના રહસ્યના વક્તા જાણવા. જુઓ, અત્યારે તો
જૈનધર્મના નામે જેને જેમ ફાવે તેમ ઉપદેશક થઈ બેઠા છે, પણ તેવા વક્તા પાસે જૈનધર્મનું સાચું
રહસ્ય હોય નહિ. પરીક્ષા કરીને વક્તાને ઓળખાણ જોઈએ. પાટ ઉપર બેસીને કે વેશ પહેરીને ગપ્પાં
મારે ને હાજીહા કર્યા કરે–તો તે શ્રોતા સત્–અસત્નો વિવેક કરી શકે નહિ. શ્રોતાએ પણ સત્–અસત્નો
વિવેક કરવો જોઈએ
કેવળી ભગવાન તો આ જગતમાં સર્વાત્કૃષ્ટ વકતા છે. વળી ગણધર ભગવંતો વગેરે બુદ્ધિ

PDF/HTML Page 44 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩પ :
ઋદ્ધિના ધારક તથા અવધિ–મનઃપર્યય જ્ઞાનના ધારક તે પણ મહા વક્તા છે. આવા વિશેષ
ગુણધારી મહાન વક્તા મળી આવે તો તો ઘણું ઉત્તમ છે; પણ એવા વકતા ન હોય તો
સમ્યગ્દર્શનાદિ ગુણોના ધારક જ્ઞાનીધર્માત્મા–શ્રાવકના મુખેથી શાસ્ત્રશ્રવણ કરવું યોગ્ય છે.
પરંતુ માત્ર પદ્ધત્તિ અનુસાર કે શાસ્ત્ર સાંભળવાના લોભથી સમ્યગ્દર્શનાદિ રહિત પાપી
પુરુષોના મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. હજી પોતાને આત્માનું ભાન ન હોય ને
ઉપદેશક થઈને બેસી જાય–તેની પ્રરૂપણામાં ક્યાંકને ક્યાંય ભૂલ હોય જ; કાંતો તેને વાંચનનો
જે ભગવાનના માર્ગમાં સાવધાન હોય, એટલે કે જિનની આજ્ઞામાં સાવધાન હોય, તે જીવોએ
નિર્ગ્રંથ ગુરુઓની નીકટમાં, અથવા તો તે ગુરુએ કહેલા ઉપદેશનું પ્રતિપાદન કરનારા શ્રદ્ધાળુ–ધર્માત્મા
શ્રાવકના મુખથી જ, ધર્મશ્રવણ કરવા યોગ્ય છે. જુાઓ, કુગુરુ–અજ્ઞાનીઓનો ઉપદેશ સાંભળવામાં જે
તત્પર છે તે જિનાજ્ઞામાં સાવધાન નથી, તેને પોતાના હિતની દરકાર નથી. ભાઈ, તને તારા હિતની
દરકાર હોય તો આત્મજ્ઞાની ધર્માત્માના ઉપદેશનું જ શ્રવણ કરવું યોગ્ય છે; કેમકે ધર્મબુદ્ધિવાળા જ્ઞાની
ઉપદેશદાતા હોય તે જ પોતાનું ને પરનું ભલું કરે છે. પણ જે કષાયબુદ્ધિ વડે ઉપદેશ આપે છે તે તો
પોતાનું તેમજ પરનું બુરું કરે છે. આ રીતે વકતાનું સ્વરૂપ કહ્યું. તે ઓળખીને સાચા અને ખોટા
વક્તાનો વિવેક કર્તવ્ય છે. યથાર્થ જ્ઞાની–ધર્માત્માને ઓળખીને પોતાના હિતને માટે પરમભક્તિ અને
વિનય–બહુમાનથી તેમનો ઉપદેશ સાંભળવો યોગ્ય છે.
શ્રોતાની લગની
શ્રોતાને એવી લગની લાગી છે કે ગુરુવાસમાં જ
વસે છે. ગુરુના હૃદયનું હાર્દ નિરંતર હૃદયમાં વસે છે,
એટલે જાણે નિરંતર ગુરુ તેને સમજાવી જ રહ્યા છે. જ્યાં
જ્ઞાની–સંતો–ધર્માત્મા બિરાજે છે ત્યાં તેનો અવતાર થયો
છે. બીજે જન્મ્યો હોય તો ત્યાંથી ધર્માત્મા–સંતોની પાસે
આવીને સાંભળે છે. ચૈતન્યનો અત્યંત રસિયો થયો છે;
‘અહો! આ વાત જ જુદી! આ ધર્માત્માના ભાવ જ
જુદા!’ આવો શિષ્ય સર્વ પ્રકારના ઉદ્યમથી કોઈપણ
પ્રકારે શુદ્ધાત્માનું સ્વરૂપ જરૂર સમજી જાય છે. એને
શુદ્ધાત્માનો જે અનુભવ થયો તે અનુભવનું સુખ બીજા–
અનુભવ વગરના–જાણી શકે નહીં
(સમય. ગા. ૩૮ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 45 of 61
single page version

background image
: ૩૬ : આત્મધર્મ: ૨૩૯
સ્વતંત્ર
વસ્તુસ્વભાવની
ઘોષણા
પરમાણુ કે પરમાત્મા, અજ્ઞાની સૌ પોતપોતાના નિજભાવમાં
પોતાના સ્વભાવથી અનાદિ અનંત વર્તી રહયા છે. અરે જીવ! જગતથી
ભિન્ન તારા સ્વભાવને એકવાર લક્ષમાં તો લે. તો તારી પરિણતિ
અંતરમાં વાળતાં તને તારા પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થશે. જુઓ,
આ સમ્યગ્દર્શનની રીત! ઓહો, અંતરના વસ્તુસ્વભાવને જ્યાં
સમ્યગ્દર્શન વડે પ્રતીતમાં લીધો ત્યાં અપૂર્વ ધર્મ શરૂ થયો. આજે આઠ
કુમારી બહેનો બ્રહ્મચર્ય અંગીકાર કરે છે તે પ્રસંગે આ ઉત્તમ ગાથા
આવી છે.
[ભાદરવા સુદ એકમના રોજ આઠ કુમારિકા બહેનોએ
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી તે પ્રસંગ સમયસાર ગા. ૧૦૩ ઉપર
સ્વતંત્ર વસ્તુસ્વભાવની ઘોષણા કરીને સ્વસન્મુખ થવા પ્રેરતું પૂ.
ગુરુદેવનું પ્રવચન]
આ સમયસારશાસ્ત્ર વંચાય છે, તેમાં આ ૧૦૩મી ગાથા ઘણી ઊંચી છે. આ દેહથી ભિન્ન
ચૈતન્યતત્ત્વ અંતરમાં છે, તે ચૈતન્યશક્તિમાં સર્વજ્ઞપદ ને પૂર્ણાનંદ સ્વભાવ ભર્યો છે. તેનું ભાન કરીને
સમ્યગ્દર્શન પ્રગટ કરવું–તે પ્રથમ ધર્મ છે; ને પછી તેના અનુભવમાં લીન થતાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ
ખીલી જાય તેનું નામ અરિહંતપદ છે. આવી ઓળખાણ સહિત ‘નમો અરિહંતાણ’ કરે તો સાચા
નમસ્કાર કહેવાય.
અનાદિથી આત્મા પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. જેવા ભગવાન અર્હંત પરમાત્મા છે તેવું પોતાનું
સ્વરૂપ છે. ભગવાનની દિવ્યધ્વનિમાં એમ આવ્યું હતું કે અરે આત્માઓ! તમારો સ્વભાવ અમારા
જેવો જ છે, ને જે મોહ–રાગાદિ ભાવો છે તે આત્માના ‘અરિ’ એટલે દુશ્મન છે. સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્ર વડે તે અરિનો નાશ કરીને આત્મા અરિહંત થાય છે, આવા અરિહંત પરમાત્મા અત્યારે
મહાવિદેહક્ષેત્રમાં બિરાજી રહ્યા છે... સમવસરણમાં ગણધરાદિ સંતોના ટોળા બિરાજે છે ને દિવ્યધ્વનિના
ધોધ છૂટે છે. તેમાંથી ઝીલીને કુંદકુંદાચાર્યદેવે આ સમયસારાદિ શાસ્ત્રો રચ્યાં છે. તેમાં કહે છે કે –આત્મા
અને પુદ્ગલ ભિન્નભિન્ન છે; બંનેના ભાવો ભિન્ન છે; કોઈના ભાવને બીજો કરી શકતો નથી. કેમકે–
જે દ્રવ્ય જે ગુણ–દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્યે સંક્રમે;
અણુસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? (૧૦૩)

PDF/HTML Page 46 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૭ :
જુઓ, આ વસ્તુસ્વભાવની મહાન ગાથા છે. કુંદકુંદાચાર્યદેવ આ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ
પહેલાં સાક્ષાત્ બિરાજતા હતા. એકવાર તેમને સાક્ષાત્ તીર્થંકરના વિરહનું વેદન થયું કે અરે, આ કાળે
સાક્ષાત્ તીર્થંકર પરમાત્માનો અહીં વિરહ! વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકરો બિરાજે છે. તેનું ચિંતન કરીને
નમસ્કાર કર્યા... ને તેમને મહાન લબ્ધિ આકાશગામિની હતી. તેનો અહીંથી દેહસહિત ગગનવિહારીપણે
વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્માના સમવસરણમાં પધાર્યા હતા... ત્યાં ચક્રવર્તી વગેરે તેમના નાનકડા
દેહને જોઈને આશ્ચર્ય પામ્યા... ને ભગવાનના શ્રીમુખે નીકળ્‌યું કે આ ભરતક્ષેત્રના ધર્મવૃદ્ધિકાર મહાન
આચાર્ય છે. ત્યાં ભગવાનની વાણી આઠ દિવસ સુધી સાંભળીને મહાન હર્ષ થયો. ને પછી અહીં
ભરતક્ષેત્રે પધારીને આસમયસારાદિ મહાન શાસ્ત્રો રચ્યાં. મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નૂર
(સુવર્ણહીલ) ઉપર તેઓની તપોભૂમિ છે. ત્યાં ચંપાવૃક્ષ નીચે તેમના ચરણપાદૂકા છે. એમ કહેવાય છે
કે અહીંથી (પોન્નૂરથી) તેઓ વિદેહ ગયા હતા ને અહીં તેમણે શાસ્ત્રોની રચના કરી હતી. એ સ્થાન
ઘણું શાંત સુંદર છે, ત્યાં આચાર્યદેવે જ્ઞાનધ્યાન કર્યું છે. એવા મહાસમર્થ આચાર્ય કુંદકુંદસ્વામી આ
સમયસારમાં વસ્તુસ્થિતિ પ્રસિદ્ધ કરતાં કહે છે. –
આ જગતમાં ચેતન કે અચેતન જે કોઈ વસ્તુ છે તે દરેક વસ્તુ પોતાના ચેતન કે અચેતન
ભાવમાં જ અનાદિથી વર્તે છે, કોઈ દ્રવ્ય પલટીને અન્ય દ્રવ્યરૂપ થઈ જતું નથી; ચૈતન્યદ્રવ્ય
અનાદિથી પોતાના ચેતનગુણમાં ને ચેતનપર્યાયોમાં જ વર્તે છે. પોતાના ગુણ–પર્યાયને છોડીને
બહારમાં કાંઈ કરવા તે જતું નથી, ને તેના ગુણ–પાર્યયમાં કોઈ બીજો પદાર્થ વર્તતો નથી.
આત્માના ગુણ–પર્યાયોને બીજો કોઈ કરતો નથી, ને બીજા કોઈના ગુણ–પર્યાયોને આત્મા કરતો
નથી, જુઓ, આ વસ્તુસ્થિતિ!
જગતમાં ગમે તે સ્થાને આત્મા હો, પણ તે પોતાના ગુણ–પર્યાયોમાં જ વર્તી રહ્યો છે, ગુણ–
પર્યાય્થી બહાર પરમાં તે કાંઈ કરતો નથી. એ જ રીતે જગતનો પ્રત્યેક રજકણ વગેરે અચેતન પદાર્થ
પણ પોતાના ગુણપર્યાયમાં જ વર્તે છે, તે બીજામાં વર્તતા નથી. પોતપોતાના ગુણપર્યાયોમાં સ્વત:
પરિણમતા પદાર્થોને પરની અપેક્ષા નથી.
જુઓ તો ખરા! કેવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ! ભાઈ, તું તારા સ્વભાવમાં ને પર પરનાં
સ્વભાવમાં; હવે આવી વસ્તુસ્થિતિની મર્યાદાને કોઈથી તોડી શકાતી નથી. અજ્ઞાની માને ભલે કે
હું પરની અવસ્થા કરી દઉં;–પણ તે પોતાના પરિણામમાં મિથ્યાકર્તૃત્વબુદ્ધિ સિવાય પરમાં તો કાંઈ
કરી શકતો નથી. અરે, પોતાનું કાર્યક્ષેત્ર કેટલું છે? ક્યાં અધર્મ થયો છે ને ક્યાં ધર્મ થાય? તેની
ખબર નહોય, તે ક્યાં રહીને ધર્મ કરશે? ધર્મ ક્યાં થાય છે? શું બહારમાં ધર્મ થાય છે? શું
શરીરમાં પૈસામાં ધર્મ થાય છે? –ના; એ તો બધા આત્માથી બહાર અચેતન પદાર્થો છે. આત્માનો
ધર્મ આત્મામાં થાય, બહાર ન થાય. આ સર્વજ્ઞપરમાત્માની વાણીના લેખ સંતોએ લખ્યા છે તે ફરે
તેમ નથી.
આવી વસ્તુસ્થિતિ સમજે તો પોતાના જ્ઞાનાનંદ–સ્વભાવની સન્મુખતા થાય, પરની
કર્તૃત્વબુદ્ધિથી છૂટીને પરિણતિ અંતરમાં વળે... ને મોહને હણીને આત્માપોતે અરિહંત થાય. આવ
આત્માનો સમ્યક્ જ્ઞાનીને થયો છે: અમે તો ચૈતન્યમૂર્તિ આત્મા છીએ ને અમારા ચૈતન્યભાવમાં જ
અમે વર્તી રહયા છીએ. બહારના કામમાં અમે વર્તતા નથી.

PDF/HTML Page 47 of 61
single page version

background image
: ૩૮ : આત્મધર્મ: ૨૩૯
જો એક વસ્તુ બીજી વસ્તુમાં વર્તે તો તેનું વસ્તુપણું જ નાશ પામે. અનાદિઅનંત સળંગપણે
પોતાના નિજભાવમાં જ દરેક વસ્તુ વર્તે છે. એક પરમાણુ હો કે સિદ્ધપરમાત્મા હો, અજ્ઞાની હો કે
કેવળજ્ઞાની હો–સૌ પોતપોતાના નિજભાવમાં પોતાના સ્વભાવથી અનાદિઅનંત વર્તી રહ્યા છે.
અરે જીવ! જગતથી ભિન્ન તારા સ્વભાવને એકવાર લક્ષમાં તો લે. તો તારી પરિણતિ અંતરમાં
વળતાં તને તારા પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થશે. અજ્ઞાનદશા વખતે આત્મા પોતાના
વિકારી–રાગદ્વેષાદિ પરિણામમાં વર્તે છે ને તે પરિણામ જ તેનું કાર્ય છે. પણ રાગવડે આત્મા પરનું
કાર્ય કરે, કે દ્વેષવડે આત્મા પરનું કાર્ય બગાડે એમ નથી. અને જ્ઞાની જ્ઞાનભાવથી પોતાના નિર્મળ
પરિણામમાં જ વર્તે છે. નિર્મળ પરિણામમાં વર્તતો તે પરની કર્તૃત્વબુદ્ધિથી રહિત છે. જુઓ, આ
સમ્યગ્દર્શનની રીત!
સમ્યગ્દર્શન! ! ઓહો, અંતરના વસ્તુસ્વભાવને જ્યાં સમ્યગ્દર્શન વડે પ્રતીતમાં લીધો ત્યાં
અપૂર્વ ધર્મ શરૂ થયો. આજે આઠ કુમારી બહેનો બ્રહ્મચર્ય લ્યે છે તે પ્રસંગે આ ઉત્તમ ગાથા આવી છે.
ધર્મની અપૂર્વ વાત છે.
અજ્ઞાની નિજસ્વભાવને ભૂલીને વિકારનો કર્તા થાય છે, ને મૂઢતાથી પરનો કર્તા પોતાને
માને છે, તથા બહારના ફળની અભિલાષા કરીને કર્મોથી બંધાય છે. જ્ઞાની ધર્માત્માને બહારની
ક્રિયાઓમાંથી કર્તૃત્વબુદ્ધિ સર્વથા છૂટી ગઈ છે; અલ્પ રાગાદિ હોય તેમાંય કર્તૃત્વબુદ્ધિ નથી ને
તેના ફળને ઈચ્છતા નથી. જ્ઞાનરૂપ નિજભાવમાં જ કર્તૃત્વપણે વર્તે છે, એવા જ્ઞાનીને કર્મનો
નવો લેપ લાગતો નથી, ને ક્ષણેક્ષણે નિર્જરા વધતી જાય છે. આ રીતે જ્ઞાનીની ક્રિયા કર્મબંધરૂપ
ફળથી રહિત છે. આમ પોતાના સ્વભાવને સમજીને સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શનરૂપ
અપૂર્વ ધર્મ થાય છે.
સ્વપર્યાયમાં વર્તતી વસ્તુમાં બીજા કોઈની ડખલગીરી નથી; આત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ
પરિણામરૂપ સ્વપર્યાયમાં વર્તે ત્યાં તેમાં કર્મ વગેરે કોઈ બીજાની ડખલ કે મદદ નથી; તેમજ
આત્મા કોઈ બીજાની પર્યાયમાં ડખલ કે મદદ કરવા જતો નથી. એ જ રીતે અજ્ઞાની પણ પોતાના
રાગાદિરૂપ સ્વપરિણામમાં વર્તે છે, તે રાગાદિભાવ બીજો કોઈ કરાવતો નથી, કે આત્મા તે રાગવડે
બીજાના કામ કરતો નથી. બધી વસ્તુઓ સ્વતંત્રપણે પોતપોતાના સ્વપરિણામમાં જ વર્તી રહી છે.
અહો, આવા સ્વતંત્ર વસ્તુસ્વભાવની ઘોષણા સર્વજ્ઞદેવે કરી છે, એ જ વાત દાંડી પીટીને સંતોએ
જાહેર કરી છે.
* અત્યાર સુધી કોઈ જીવે પરનું કાંઈ કર્યું નથી.
* અત્યારસુધી બીજાએ આ જીવનું કાંઈ સુધાર્યું કે બગાડ્યું નથી.
* અજ્ઞાનદશામાં જીવ પોતાના રાગાદિભાવને કરે છે ને પોતે સ્વતંત્રપણે પોતાનું અહિત કરે છે.
* જ્ઞાનદશામાં જીવ પોતાના જ્ઞાનભાવને જ કરે છે ને પોતે સ્વતંત્રપણે પોતાનું હિત કરે છે.
આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ સંતોએ પ્રસિદ્ધ કર્યો છે. ને સમજે તો પરની કર્તત્વબુદ્ધિ

PDF/HTML Page 48 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૯ :
સં. ૨૦૦પમાં જ્યારે કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી તે
પ્રસંગે આત્મધર્મના “બ્રહ્મચર્યઅંક” માટે, બ્રહ્મચર્ય–મહિમા સંબંધી એક
વિસ્તૃત લેખ તૈયાર કરવામાં આવેલ, પણ તે વખતે તે છાપી શકાયો ન
હતો; આજે આ ત્રીજા બ્રહ્મચર્યઅંકમાં તે લેખમાંથી કેટલોક ભાગ
આપવામાં આવ્યો છે. અધ્યાત્મદ્રષ્ટિ સહિતના શુદ્ધ બ્રહ્મચર્યનું સ્વરૂપ,
તેનો મહિમા, તેનું ફળ અને તેની પ્રેરણા દર્શાવતો આ જ્ઞાનવૈરાગ્યપોષક
લેખ સૌને પસંદ પડશે. –બ્ર. હ. જૈન

‘અનગારધર્મામૃત’ માં મુમુક્ષુજીવોને બ્રહ્મચર્યનું પાલન કરવામાં વિશેષ રુચિ ઉત્પન્ન થાય તે
માટે તેના માહાત્મ્યનું વર્ણન કરીને, હંમેશા તેનું પાલન કરવાનો ઉદ્યમ કરવાની પ્રેરણા આપતાં પં.
આશાધરજી કહે છે કે–
–શાર્દૂલવિક્રીડિત–
प्रादुषन्ति यतः फलन्निजगुणाः सर्वेप्यखर्वौजसो
यत्प्रव्हीकुरुते चकास्ति च यतस्तदब्राह्मसुच्चैर्महः।
त्यक्त्वा स्त्रीविषयस्पृहादि दशधाऽब्रह्मामलं पालय
स्त्रीवैराग्यनिमित्त पंचकपरस्तदब्रह्मचर्य सदा।। ५९।।
જેના હોવાથી આત્માના અહિંસાદિક ભાવો વૃદ્ધિગત થાય છે એવી, શુદ્ધ નિજાત્માની
અનુભૂતિરૂપ પરિણતિને ‘બ્રહ્મ’ કહે છે અને એનાથી વિરુદ્ધ મૈથુનભાવને ‘અબ્રહ્મ’ કહે છે જેમ ‘બ્રહ્મ’
ના હોવાથી અહિંસાદિક ભાવો વધે છે, તેમ અબ્રહ્મના હોવાથી હિંસાદિક ભાવો વધે છે; કેમ કે
મૈથુનસેવનમાં ઉદ્યત થયેલો મનુષ્ય ત્રસ–સ્થાવર જીવોની હિંસા વગેરે અનેક પાપો કરે છે. એ રીતે
સ્વભાવથી જ દુષિત એવા આ અબ્રહ્મના દસ ભેદ છે: હે મોક્ષાર્થી ભવ્ય જીવ! આ દસે પ્રકારના
અબ્રહ્મને તું દેવ, ગુરુ અને સાધર્મીઓની સાક્ષીથી છોડ, અને સર્વ પ્રકારની સ્ત્રીઓમાં વૈરાગ્ય લાવવા
માટે–તેમાં રમણ કરવાની ઈચ્છાનો નાશ કરવા માટે, વિષયના દોષોનો ફરી ફરી વિચાર–વગેરે
પ્રકારની ભાવનાઓમાં પ્રધાનપણે તત્પર રહીને તે ગ્રહણ કરેલા આ નિર્મળ નિરતિચાર બ્રહ્મચર્યનું
યાવત્જીવન સદા પાલન કરે અને તેને સારીતે પ્રકાશિત કર. કેમ કે ઉપર કહ્યું એવા આ બ્રહ્મચર્યના
નિમિત્તથી જ વ્રત–શીલ વગેરે પ્રકારનો સંયમ પ્રગટે છે અને આત્માના પ્રયોજનની સિદ્ધિ કરવામાં
સમર્થ થાય છે. ‘આત્મિક બ્રહ્મ’ ને ધારણ કરનાર પાસે ઈન્દ્રાદિક પણ નમી જાય છે; અને તેનાથી
શબ્દબ્રહ્મ અથવા કેવલજ્ઞાનરૂપી બ્રહ્મનું શ્રુતકેવળીત્વ અથવા કેવળીત્વ સુધીની ઉત્કૃષ્ટતાને પામેલું અને
સ્વપર–પ્રકાશક એવું તેજ પ્રકાશિત થાય છે, તે પ્રસિદ્ધ છે.
[અહીં પહેલાં બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય વ્યાખ્યા કરતાં કહ્યું કે: પોતાના આત્માની અનુભૂતિરૂપ
શુદ્ધપરિણતિ તે બ્રહ્મચર્ય છે. જ્યાં એવું આત્મિક બ્રહ્મચર્ય પ્રગટ્યું હોય ત્યાં બાહ્ય

PDF/HTML Page 49 of 61
single page version

background image
: ૪૦ : આત્મધર્મ: ૨૩૯
બ્રહ્મચર્ય કેવું હોય તે પણ બતાવ્યું છે. અને પછી તેનું ઉત્કૃષ્ટ ફળ બતાવીને પ્રેરણા કરી છે કે હે ભવ્ય
મુમુક્ષુ! તું દેવ–ગુરુ ને સાધર્મીની સાક્ષીએ આવા પવિત્ર બ્રહ્મચર્યને ધારણ કરીને જીવનપર્યંત તેનું
પાલન કર. બ્રહ્મચર્યની દ્રઢતા માટે વારંવાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતનવન કરવાનું જણાવ્યું છે.)
(૨) બ્રહ્મચર્યના સ્વરૂપનું વર્ણન કરીને, તેના પાલન કરનારને જે પરમાનંદની પ્રાપ્તિ
(ઉપજાતિ)
या ब्रह्मणि स्वात्मनि शुद्धवुद्धे चर्या परद्रव्यमुचः प्रवृत्तिः।
तद्ब्रह्मचर्यं व्रतसार्वभौमं, ये पान्ति ते यान्ति परं प्रमोदम्।। ६०।।
જે પરદ્રવ્ય વિમુખવૃત્તિ થઈ નિજ શુદ્ધબુદ્ધ–આત્મતત્ત્વે
ચરણ છે તે વ્રત સાર્વભૌમ, તે બ્રહ્મચર્ય આપે પ્રમોદ.
દ્રષ્ટ–શ્રુત અને અનુભૂત એ ત્રણે પ્રકારના ભોગોની આકાંક્ષારૂપ નિદાન તથા બીજા પણ
રાગાદિ વૈભાવિક દોષો તે બધાથી રહિત હોવાના કારણ આ આત્મા ‘શુદ્ધ’ છે અને સમસ્ત પદાર્થોનો
યુગપત્ સાક્ષાત્કાર–પ્રત્યક્ષ અવલોકન–કરવામાં સમર્થ છે તેથી તે ‘બુદ્ધ’ છે; એવા શુદ્ધ અને બુદ્ધ
નિજાત્મામાં–પોતાના જ્ઞાનસ્વરૂપ બ્રહ્મમાં, પરદ્રવ્યોનો ત્યાગ કરનાર, પોતાના અને પરના શરીર
ઉપરના મમત્વથી પણ રહિત વ્યક્તિની, જે પ્રવૃત્તિ એટલે કે અપ્રતિહમ પરિણતિરૂપ ચર્યા હોય છે તેને
‘બ્રહ્મચર્ય’ કહે છે; કેમ કે વ્યાકરણથી પણ એવો અર્થ થાય છે કે ‘ब्रह्ममें चर्या सो ब्रह्मचर्य–બ્રહ્મસ્વરૂપ
આત્મામાં ચરવું તે બ્રહ્મચર્ય છે. આવું બ્રહ્મચર્યવ્રત સર્વ વ્રતોમાં સાર્વભૌમ (ચક્રવર્તી) સમાન છે.
સમસ્ત ભૂમિના અધિપતિ ચક્રવર્તીને સાર્વભૌમ કહેવાય છે. જેમ પૃથ્વીના બધા રાજાઓ ચક્રવર્તીને જ
આધીન રહે છે તેમ બાકીના બધા વ્રતોની વૃત્તિ–પ્રવૃત્તિ બ્રહ્મચર્યને જ આધીન થઈ શકે છે. –બ્રહ્મસ્વરૂપ
આત્મામાં એકાગ્રતારૂપ બ્રહ્મચર્ય વિના કોઈ વ્રત પળી શકતા નથી. તેથી જે મુમુક્ષુ આ બ્રહ્મચર્યનું
પાલન–રક્ષણ કરે છે અને તેને અતિચારોથી દૂષિત થવા દેતો નથી તે જ પુરુષ પરમ પ્રમોદને–સર્વોત્કૃષ્ટ
આનંદને અર્થાત્ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
સર્વે વિકારી ભાવો અને તેના કારણોથી રહિત થઈને શુદ્ધબુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરવું તેને
બ્રહ્મચર્ય કહયું છે. આ સંબંધમાં કહયું છે કે–
निरस्तान्याङ्गरागस्य स्वदेहेपि विरागिणः।
जीवे ब्रह्मणि या चर्या ब्रह्मचर्य तदीर्यते।।
જે પોતાના તેમજ બીજાના શરીરમાં રાગરહિત છે એવા પુરુષને જે આત્મસ્વરૂપ બ્રહ્મમાં ચર્યા
હોય છે તેને બ્રહ્મચર્ય કહે છે. સર્વે વ્રતોમાં તે પ્રધાન છે; તેથી તેને નિરતિચાર પાળવાથી જ અવિનશ્વર
અનંત આત્મિક સૂખ પ્રાપ્ત થાય છે.
વિવેકશૂન્ય મનુષ્ય જ કામદેવને વશ થાય છે અને તેનાથી દુર્નિવાર દુઃખોનો અનુભવ કરે છે. તે
દુઃખોનો અનુભવ ન કરવો પડે તે માટે મુમુક્ષુઓએ વિવેકપૂર્વક (–તત્ત્વજ્ઞાનપૂર્વક– તેનો (કામ–
વિષયનો) પરિત્યાગજ કરી દેવો જોઈએ, તેનાથી બિલકુલ દૂર જ રહેવું જોઈએ. વિષયો મોટા સર્પના
વિષ જેવા ભયંકર છે. અરે! સર્પ કરતાં પણ કામદેવની ભયંકરતા ઘણી વધારે છે.
‘જ્યારથી સંસાર છે ત્યારથી અર્થાત્ અનાદિ કાળથી મૈથુનસંજ્ઞા ચાલી આવે છે. ખરેખર

PDF/HTML Page 50 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૧ :
પોતાના ચૈતન્યસ્વરૂપની અરુચિ અને પર સંયોગરૂપ વિષયોની રુચિ તે જ મૈથુન છે. એ મૈથુનના
કારણે જ પ્રગટ થયેલા સર્વ પ્રકારના દુઃખોનો મારે અનુભવ કરવો પડ્યો! તે માટે તેને ધિક્કાર છે!’ –
આ પ્રમાણે મૈથુનસંજ્ઞા અને તેનાથી થનારા દુઃખ–અનુભવ પ્રત્યે જે જીવ અતિશય વિરક્તબુદ્ધિ
રાખનાર છે તે જ તેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે.
સંકલ્પ–વિકલ્પોથી રહિત આત્મસંવેદનથી અર્થાત્ શુદ્ધ નિજ જ્ઞાનસ્વરૂપના અનુભવથી પરમ
સુખરસની ઉત્પત્તિ થાય છે. પરંતુ સ્ત્રી આદિ પર વિષયોમાં સુખબુદ્ધિથી તેમાં રમણ કરવાની
અભિલાષા તે આત્માના સુખરસનો નાશ કરવા માટે અગ્નિ સમાન છે, –વિષયોમાં રમણ કરવાની
ભાવના જાગૃત થતાં જ આત્મઅનુભવનું સુખ ચાલ્યું જાય છે; અહો, ધિક્કાર છે કે આજ સુધી હું સ્ત્રી
આદિ વિષયોમાં રમણ કરવાની અભિલાષારૂપ ભાવનાને જ આધીન રહીને સંસારમાં રખઽયો.
આત્મસ્વભાવની ભાવના ભૂલીને અને વિષયોની ભાવનાને વશીભૂત થઈને, એવું ક્યું દુઃખ છે કે જે હું
ન પામ્યો હોઉં! વિષયોની ભાવનાના કારણે જ મેં નરક–નિગોદ સુધીનાં દુઃખો ભોગવ્યાં છે. માટે હવે
તો હું, સ્વાભાવિક જ્ઞાનાનંદરૂપ પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષદ્વારા અનુભવાતા મારા ચૈતન્યસ્વરૂપની
ભાવનામાં જ નિમગ્ન થાઉં છું, –કે જે ચૈતન્યસ્વરૂપ, મૈથુનસંજ્ઞાના સંસ્કારોને પ્રગટ થતાં વેંત જ નાશ
કરી નાંખે છે.
એ પ્રમાણે ભાવના કરીને પોતાના આત્મસ્વરૂપ તરફ એકાગ્રતા વધારવી તે જ બ્રહ્મચર્યની
વૃદ્ધિનો અને અબ્રહ્મના નાશનો ઉપાય છે.
અહો! ખબર નથી પડતી કે આ સંસારી પ્રાણી તે વ્યવહારકુશળ છે કે વિદગ્ધ–ગાંડો છે?
ખરેખર વિષયવાસનાએ તેની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી છે; તેથી જ, જ્યારે તે સુખના કારણોની
ગણતરી કરવા બેસે છે ત્યારે તેમાં સૌથી પહેલાં સ્ત્રીની ગણતરી કરે છે! તે મૂઢ પુરુષ પોતાનો આત્મા
જ સુખભંડાર છે તેને તો ગણતો નથી ને પરમાં સુખ માટે વ્યર્થ ફાંફા મારે છે. અનેખરેખર જે
(વિષયવાસના) પોતાને અહિતકાર છે તેને પણ તે હિતકાર અને સુખનું સાધન સમજીને ફરી ફરી
તેમાં રાગ કરે છે.
જ્ઞાની સ્વવિષયમાં લીન થઈને સુખ અનુભવે છે,
મુમુક્ષુ જીવને સ્વવિષયની રુચિ છે તેથી તે પોતાના આત્મામાં તન્મય થાય છે અને કામાંધ
જીવને સ્ત્રી આદિ પરવિષયોની રુચિ છે તેથી તે તેમાં તન્મય થઈ જાય છે, એ બાબત સરખામણી
કરતાં ગ્રંથકાર લખે છે કે–
(૧) જેમ કોઈ મુમુક્ષુ પુરુષ ગુરુ પાસેથી અધ્યાત્મતત્ત્વનો ઉપદેશ સાંભળીને પોતાના સ્વરૂપમાં
શ્રદ્ધા કરવા લાગે છે, તેમ કામાંધપુરુષ પોતાના અભીષ્ટ વિષયમાં (–સ્ત્રી આદિમાં) વિશ્વાસ કરવા
લાગે છે;
(૨) શ્રદ્ધા પ્રગટ થયા પછી જેમ તે મુમુક્ષુ પુરુષ ગુરુના નિમિત્તથી આત્મસ્વરૂપનો જ પ્રેમ અને
પરિચય કર્યા કરે છે તેમ વિષયાંધ જીવ પોતાના ઈષ્ટ વિષયનો પ્રેમ–પરિચય કરે છે;
(૩) ત્યારબાદ જેમ તે ભવ્ય મુમુક્ષુ જીવ સાધુ થઈને પોતાના આત્મસ્વરૂપમાં સારી રીતે

PDF/HTML Page 51 of 61
single page version

background image
: ૪૨ : આત્મધર્મ: ૨૩૯
રમણ કરવા લાગે છે અને છેવટે તેમાં લીન થઈને–એકતાન થઈ જાય છે તેમ વિષયાંધ કામીપુરુષ
વિષયોમાં લીન થઈ જાય છે.
(૪) સાધુઓને તો પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સમરસ–એકતાન થતાં સાક્ષાત્ અતીન્દ્રિય
આત્મિક સુખનો અનુભવ થાય છે; અને કામાંધ પુરુષ વિષયમાં લીન થઈને માત્ર મિથ્યાકલ્પનાથી
પોતાને સુખી માને છે.
એ રીતે મુમુક્ષુ ભવ્ય જીવો તો આત્માના સ્વભાવનો વિશ્વાસ, તેનો પ્રેમ, તેનો પરિચય અને તેમાં
લીનતા કરીને આત્મિકસુખનો અનુભવ કરતા થકા અલ્પકાળે મુક્તિ પામે છે. અને વિષયોમાં સુખ
માનનાર કામાંધ જીવ વિષયોમાંજ લીનતા કરીને દુઃખ ભોગવતો થકો અનંતાનંત સંસારમાં રખડે છે.
× × × ×
માટે હે ભવ્ય જીવો! શ્રીગુરુ–ઉપદેશથી આત્મસ્વરૂપનો વિશ્વાસ કરીને તેમાં જ લીનતાનો
પ્રયત્નકરો... વિષયોમાં સ્વપ્ને પણ સુખની કલ્પના ન કરો. યોગીજનો આત્મસ્વરૂપમાં લીનતાના
આનંદનો અનુભવ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
જેમ પરમાણુમાં જો એક ગુણ લૂખાશ–ચીકાશ હોય તો તે બંધાતો નથી, તેમ જે સંયમીનું મન
‘એક ગુણમાં’ જ એટલે કે સમ્યગ્દર્શનાદિ ઉત્કૃષ્ટ ગુણોમાં જ અર્થાત્ એકત્વસ્વરૂપ આત્મામાં જ લાગેલું
છે તેઓ બંધાતા નથી. પરંતુ, જેમ પરમાણુ એકગુણ છોડીને અધિકગુણ ચીકાશ લૂખાશરૂપે પરિણમે તો
તે બંધાય છે, તેમ સંયમી જીવ પણ જો પોતાના એકત્વરૂપ શુદ્ધાત્માને છોડીને બીજા વિષયોમાં પ્રવૃત્તિ
કરે તો તે બંધાય છે. આથી મુમુક્ષુઓ સ્ત્રી–શરીર આદિના સંબંધથી વિરક્ત થઈને પોતાના એકાકી
શુદ્ધાત્મસ્વરૂપમાં જ રહેવા ચાહે છે. (સર્વે પર વિષયોથી વિરક્ત થઈને પોતાના એકત્વસ્વરૂપમાં સ્થિત
રહેવું તે બ્રહ્મચર્ય છે. અને એકત્વ આત્મસ્વરૂપને છોડીને પર વિષયોમાં પરિણતિને ભમાવવી તે
અબ્રહ્મચર્ય છે.)
જેમ સાકરકોળાની ગંધમાત્રથી જ સ્વાદિષ્ટ અને શુદ્ધ લોટ પણ નીરસ અને ખરાબ થઈ જાય છે
તેમ સ્ત્રીસંપર્કના વિકલ્પમાત્રથી સંયમી પુરુષના આત્મઅનુભવનો શુદ્ધ સ્વાદ–આનંદ તથા વીતરાગતા
ક્ષણમાત્રમાં બગડી જાય છે. તેથી સંયમી પુરુષોએ આત્મઅનુભવમાં લીન રહીને સ્ત્રીઓનો સંસર્ગ
એવી રીતે દૂરથી જ છોડી દેવો જોઈએ કે તેની ગંધ પણ ન આવે. એમ કરવાથી જ તેનું મોક્ષરૂપી
પ્રયોજન સિદ્ધ થાય છે.
જો સ્ત્રીના શરીર તરફ નજર પડતાં જ અન્ય વિકલ્પ ઊઠતાં પહેલાં જ જે મુમુક્ષુ આત્માનું
તત્ત્વજ્ઞાન ઝટિતિ જાગૃત થઈ જાય છે અને અશુચિમય શરીરના વાસ્તવિક સ્વરૂપને લક્ષમાં લ્યે છે, તો
કહેવું જોઈએ કે–તે મુમુક્ષુઆત્માએ મોહના ગળા ઉપર પગ દઈ દીધો, પાટુ મારીને ચારિત્રમોહકર્મનો
તિરસ્કાર કરી દીધો, અને વિજય મેળવી લીધો.
અહીં કહ્યો છે કે જે જીવને શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાન સદાય જાગૃત છેઅને
દરેક પ્રસંગે તત્ત્વજ્ઞાનથી જ કામ લઈને વસ્તુસ્વરૂપ વિચારે છે તે જીવને કદી સ્ત્રીના શરીર વગેરેમાં
સુખબુદ્ધિ થતી નથી અને તે જ યથાર્થ બ્રહ્મચર્ય પાળી શકે છે અને મોહને જીતીને પોતાના ઈષ્ટપદની
સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે એમ સિદ્ધ થયું કે બ્રહ્મચર્ય વગેરેનું મૂળ કારણ તત્ત્વજ્ઞાન જ છે.

PDF/HTML Page 52 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૩ :
પોતાનું આત્મહિત ચાહનારા બ્રહ્મચારી મુમુક્ષુઓએ
હે મુમુક્ષુ! આ બ્રહ્મચર્યના સંબંધમાં કલ્યાણ અને અછિન્નતા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જો તું
આત્મહિત અને બ્રહ્મચર્યને પૂર્ણ કરવા ચાહે છે તો તારે તે સદ્ગુરુઓ–વૃદ્ધ આચાર્યોની સેવા (અર્થાત્
આરાધના) કરવી જોઈએ, કે જેઓ સદા ધર્મનીતિનો આદર કરનારા છે, જેઓ કુલીનતાને લીધે દ્રઢ
સંયમી છે, સત્ય ઉપદેષ્ટા સદગુરુઓના વચનો પર આરૂઢતા કરવાથી અર્થાત્ તેઓના ઉપદેશ–અનુસાર
ચાલવાથી જેમના મનમાંથી કામદેવના સંસ્કાર અસ્ત થઈ ગયા છે, ભવભ્રમણના દુઃખોથી જેઓ
અત્યંત ભયભીત છે એટલે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય–સંવેગ જેમને ક્ષણે ક્ષણે વધી રહ્યો છે, જેઓ બીજા
જીવોને હિતનો માર્ગ દર્શાવનારા છે, જેમનો મોક્ષરૂપી મહાન ઉદય નિકટકાલવર્તી થઈ ગયો છે અર્થાત્
જેઓ અત્યંત નિકટ ભવ્ય છે–જે આ જ ભવમાં કે અલ્પભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરવાના છે અને જેમને
શુદ્ધ ચિદાનંદ–અનુભવના ફળની વૃદ્ધિ સદા બની રહે છે. આવા ગુણોથી યુક્ત વૃદ્ધાચાર્ય વગેરેની
નિરંતર આરાધના પોતાના બ્રહ્મચર્યની સિદ્ધિને માટે મુમુક્ષુઓએ અવશ્ય કરવી જોઈએ. કહ્યું છે કે–
यः करोति गुरुभाषितं मुदा संयमे वसति वृद्धसंकुले।
मुंचते तरुण लोकसंगतिं ब्रह्मचर्यममलं स रक्षति।।
જે વ્યક્તિ પ્રસન્નતાપૂર્વક ગુરુઉપદેશ અનુસાર સદા વર્તે છે અને તરુણ લોકોની સંગતિ છોડીને
વૃદ્ધપુરુષોની વચમાં સદા તેમની નજીક રહે છે તે વ્યક્તિ પોતાના બ્રહ્મચર્યને નિર્મળ રાખે છે.
અહીં એક આ વાત વિશેષ ધ્યાનમાં રાખવી કે–આ બ્રહ્મચર્યપ્રકરણમાં જેને ‘વૃદ્ધ’ કહ્યા છે તે
માત્ર વયની પ્રધાનતાથી નથી કહ્યા, પણ જેનામાં શ્રદ્ધા–જ્ઞાન–સંયમ વગેરે ગુણો વિશેષરૂપે વૃદ્ધિગત છે
તેમને પણ વૃદ્ધ કહ્યા છે.
જેમ નિર્મલીઔષધિનો સંબંધ થતાં જ પાણીનો કાદવ શાંત થઈ જાય છે તેમ, જેઓ જ્ઞાન–સંયમ
વગેરે ગુણોમાં વૃદ્ધિગત છે એવા વૃદ્ધપુરુષોની સંગતિથી મલિનભાવો એકદમ પ્રશાંત થઈ જાય છે. અને
જેમ પાણીમાં પત્થર નાંખતાં તેનો મેલ ઉપડી આવે છે તેમ વિષયી પુરુષોના સંસર્ગની ભાવનાથી
મલિન ભાવો પ્રગટ થાય છે. માટે પોતાના બ્રહ્મચર્યવ્રતની નિર્મળતા વધારવાની ઈચ્છાવાળા મુમુક્ષુ
જીવોએ સદા જ્ઞાનાદિમાં વૃદ્ધ પુરુષોની જ સંગતિ કરવી જોઈએ, કામીપુરુષોની સંગતિ કરવી ન જોઈએ.
જેમ ચંદ્રમાનો પૂર્ણ ઉદય થતાં સમુદ્ર પણ અત્યંત ક્ષોભ પામીને ઊછળે છે તેમ નવીન યુવાન
અવસ્થામાં ઘણા જીવો ક્ષોભિત થઈ જાય છે. માટે બ્રહ્મચારી મુમુક્ષુઓએ તે અવસ્થામાં અત્યંત
સાવધાન રહેવું યોગ્ય છે, યુવાન અવસ્થાનો વિશ્વાસ કરવા જેવો નથી, જ્ઞાનાદિમાં જે વૃદ્ધ હોય તેવા
સંતોની સંગતિ નિરંતર રાખવી જોઈએ.
– વસંતતિલકા–
दुर्गेपि यौवनवने विहरन् विवेकचिंतामणिं स्फुटमहत्वमवाप्य धन्यः।
चिंतानुरूपगुणसंपदुरुप्रभावो वृद्धो भवत्यपिलितोपि जगद्धिनीत्या।। ९९।।
જો કે આ યૌવનરૂપી વન દુર્ગમ છે, સાધારણ લોકો અનેક પ્રકારના વિકાર કર્યા વગર તેનો પાર

PDF/HTML Page 53 of 61
single page version

background image
: ૪૪ : આત્મધર્મ: ૨૩૯
નથી પામતા, છતાં પણ જે મનુષ્ય તે યૌવન વનમાં વિકાર કરતો થકો પણ, જેનું મહત્વ પ્રગટ છે એવા
ભેદવિજ્ઞાનરૂપી ચિંતામણિને પ્રાપ્ત કરીને પોતાની ભાવનાઅનુસાર ગુણસંપત્તિના મહાન પ્રભાવથી
સંયુક્ત થઈ જાય છે–ને જરા પણ વિકૃત્તિ પામતા નથી તે ધન્ય છે! અને એવા પુરુષોનું શરીર
ઘડપણદશાથી રહિત હોવા છતાં પણ ગુણસંપત્તિમાં તેઓ વૃદ્ધિમાન હોવાથી તેમને વૃદ્ધ જ સમજવા
જોઈએ કેમકે તેઓ પણ જગતના જીવોને વૃદ્ધો્રની માફક શિક્ષાદિક દઈ શકે છે. પરંતુ આવા ધન્યપુરુષ
વિરલા જ હોય છે.
અહીં ભેદવિજ્ઞાનની જ પ્રધાનતા બતાવી છે. યુવાન અવસ્થામાં જે પુરુષ ભેદવિજ્ઞાન પ્રાપ્ત
કરીને દર્શન–જ્ઞાનાદિ ગુણોથી શોભાયમાન થઈ જાય છે તે પુરુષ ધન્ય છે. ભેદવિજ્ઞાનનો મહિમા અને
જગત્પૂજ્યતા પ્રગટ છે, તે ચિંતામણિસમાન છે અને તેનાથી જ મોક્ષની સિદ્ધિ થાય છે. જે ભવ્ય જીવ
યુવાનીમાં જ એવા ભેદજ્ઞાનરૂપી વિવેક દ્વારા પ્રાપ્ત થયેલા ગુણોના પ્રભાવથી અલંકૃત થઈ જાય છે તેને
ખરેખર યુવાન ન સમજતાં વૃદ્ધ જ સમજવા જોઈએ. એવા વિરલ પુરુષો ધન્ય છે.
ભેદજ્ઞાનરૂપી વિવેક અને સત્પુરુષોની સંગતિથી જ યુવાનદશા નિર્વિકાર રહી શકે છે.
બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ છે. ૧–સ્ત્રીરાગ કથાના શ્રવણનો ત્યાગ, ૨–તેનાં મનોહર
અંગોના નિરીક્ષણનો ત્યાગ, ૩–પૂર્વના ભોગોના સ્મરણનો ત્યાગ, ૪–પૌષ્ટિક રસવાળા આહારનો
ત્યાગ અને પ–પોતાના શરીરને સંસ્કારવાનો શણગારવાનો ત્યાગ. મુમુક્ષુબ્રહ્મચારીઓએ તે
ભાવનાઓનું પાલન કરવું જોઈએ–એમ ઉપદેશે છે.
હે મુમુક્ષુ! સ્ત્રીઓ દ્વારા કહેવાતી, સ્ત્રીઓના સંબંધમાં રાગપૂર્વક કહેવાતી અને જે સ્ત્રી–
વિષયમાં રાગઉત્પત્તિનું કારણ હોય એવી કોઈ પણ કથા સાંભળવા માટે જો તું એવો બની ગયો હો–કે
જાણે તારે કાન જ ન હોય–અત્યંત બહેરો હો! અર્થાત્ તે કથાઓને રાગપૂર્વક સાંભળવા માટે તું
બિલકુલ લક્ષ ન આપતો હો–૧,
–સ્ત્રીઓના મનોહર અંગોને દેખવા માટે જો તું નેત્ર વગરનો–અંધજેવો બની ગયો હો અર્થાત્
તેને રાગપૂર્વ દેખવા માટે જો તારી આંખ જ ઊંચી ન થતી હોય–૨,
–પૂર્વે ભોગવેલા ભોગોનું હવે સ્મરણ કરવા માટે જો તું એવો બની ગયો હો–કે જાણે અસંજ્ઞી–
મનવગરનો હો, અર્થાત્ પૂર્વે ભોગવેલા ભોગનું રાગપૂર્વક સ્મરણ કદી ન કરતો હો–૩,
–ઘી–દૂધ વગેરે પૌષ્ટિક અથવા સ્વાદિષ્ટ રસોનો આસ્વાદ લેવા માટે જો તું અરસજ્ઞ થઈ ગયો
હો અથવા જાણે કે તારે જીભ જ ન હોય એવો બની ગયો હો અર્થાત્ તેવા રસોનું રાગપૂર્વક કદી ગ્રહણ
ન કરતો હો–૪,
–અને પોતાના શરીરને શણગારવા માટે અને તેને મનોહર બનાવવા માટે જો તું બિલકુલ
ઉદાસીન–માનો કે ઝાડ જેવો થઈ ગયો હો. –પ
–તો અમે કહીએ છીએ કે મહાન બ્રહ્મચર્યના પ્રૌઢ મહિમાને તું ખરેખર પામી ચૂક્્યો.
શ્રી પરમાત્મપ્રકાશમાંથી
ते चैव धन्याः ते चैव सत्पुरुषाः ते जीवन्तु जीवलोके।
यौवनद्रहे पतिताः तरन्ति ये चैव लीलवा।।२–११७।।
અહો, ખરેખર તે જ જીવ ધન્ય છે, તે જ સત્પુરુષ છે અને તે જ આ જીવલોકમાં જીવે છે

PDF/HTML Page 54 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪પ :
કે જે જીવ યૌવનઅવસ્થારૂપી બહુ ભારે તળાવમાં પડ્યા હોવા છતાં વિષયરસમાં ડુબતા નથી પણ
શુદ્ધાત્મભાવનાના બળથી લીલામાત્રમાં તેને તરી જાય છે.
જેમાં વિષયવાંછનારૂપ પાણીનો જરાપણ પ્રવેશ નથી અને જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી
રત્નોથી ભરેલું છે એવું, નિજ શુદ્ધાત્માની ભાવનારૂપી જે વહાણ તેના વડે યૌવન અવસ્થારૂપી મહાન
તળાવને જે તરી જાય છે તે જ સત્પુરુષ છે, તે જ ધન્ય છે અને તેણે જ સાચું જીવન જીવી જાણ્યું છે.
ઈન્દ્રિય–વિષયો પ્રત્યે સ્નેહને લીધે જગત દુઃખી છે એમ બતાવીને તે સ્નેહ છોડવાનું કહે છે–
योगिन स्नेहं परित्यज स्नेहो न भद्रो भवति।
स्नेहासक्त सकलं जगत् दुःखं सहमानं पश्य।।२–११५।।
હે યોગી! રાગાદિરહિત વીતરાગી પરમાત્મપદાર્થના ધ્યાનમાં સ્થિર થઈને, આત્માના વેરી એવા
સ્નેહને (–વિષયોના પ્રેમને) તું છોડ! કેમ કે વિષયોનો સ્નેહ કલ્યાણકારી નથી; વિષયોના સ્નેહમાં
આસક્ત થયેલું આખું જગત શરીર મન સંબંધી અનેક પ્રકારનાં દુઃખો સહન કરી રહ્યું છે, તેને તું દેખ.
પોતાના સ્નેહરહિત એવાઆ સંસારી જીવો શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત છે તેથી દેહાદિક ઉપર
સ્નેહ કરીને અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે. એ રીતે શુદ્ધાત્મતત્ત્વની ભાવનાનો અભાવ અને
વિષયોનો પ્રેમ તે જ દુઃખનું મૂળ છે.
અહીં સાર એ છે કે રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને તેનાથી વિરુદ્ધ એવા મિથ્યાત્વ–
રાગાદિમાં જરા પણ સ્નેહ કરવો નહિ.
કહ્યું છે કે–
तावदेव सुखी जीवो यावत्र स्निह्यते क्वचित्।
स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे।।
ત્યાં સુધી આ જીવ સુખી છે કે જ્યાં સુધી વિષયોમાં જરા પણ સ્નેહ પામતો નથી એટલે કે
શુદ્ધાત્મભાવનામાં જ મગ્ન રહે છે; અને શુદ્ધાત્મભાવનાથી ચ્યૂત થઈને જેનું હૃદય સ્નેહથી સંબંધિત છે
તેને પગલે પગલે દુઃખ છે.
શુદ્ધાત્માની પ્રાપ્તિના અભાવને લીધે જે વિષયી જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે તે
વિનાશ પામે છે–એમ દ્રષ્ટાંતસહિત બતાવે છે–
रूपे पतङ्गाः शब्दे मृगाः गजा स्पर्शै नश्यन्ति।
अलिकुलानि गन्धेन मत्स्याः रसे किं अनुरागं कुर्वन्ति।।२–११२।।
રૂપમાં લીન થયેલા પતંગિયા દીપકમાં બળીને મરી જાય છે, શબ્દ–વિષયમાં લીન થયેલા
હરણીયાં શિકારીના બાણથી મરી જાય છે, સ્પર્શ વિષયમાં લીન થયેલા હાથીઓ ખાડામાં પડીને બંધાય
છે, સુગંધની લોલુપતાથી ભમરાઓ કમળમાં જ પૂરાઈને પ્રાણ છોડે છે અને રસના લોભી માછલાંઓ
જાળમાં પકડાઈને મરે છે; આમ એકેક ઈન્દ્રિયસંબંધી વિષયકષાયમાં આસક્ત થયેલા જીવો પણ નાશને
પામે છે, તો પાંચે ઈંદ્રિયોના વિષયોમાં લીન થનારનું તો કહેવું જ શું? આવું જાણનારા વિવેકજીવો
શુદ્ધાત્માની ભાવના છોડીને પંચેન્દ્રિય વિષયોમાં પ્રીતિ કેમ કરશે? નહિ જ કરે.
પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા તે દુર્ધ્યાન છે, તેનાથી રહિત જે નિર્દોષ પરમાત્મા તેના સમ્યક્
શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ નિર્વિકલ્પ સમાધિથી પરમ આહ્લાદરૂપ વીતરાગીસુખ–અમૃત ઉત્પન્ન થાય છે,
તે સુખરૂપી અમૃતથી–પૂર્ણ કળશની જેમ ભરેલો, કેવળજ્ઞાનાદિ વ્યક્તિરૂપ જે કાર્ય–સમયસાર તેને
ઉત્પન્ન કરનાર શુદ્ધ ઉપયોગસ્વભાવરૂપ કારણસમયસાર છે, તેની ભાવનાથી રહિત

PDF/HTML Page 55 of 61
single page version

background image
: ૪૬ : આત્મધર્મ: ૨૩૯
સંસારી જીવો પાંચ ઈન્દ્રિયના વિષયોમાં અનુરાગી થઈને ભવ–ભવમાં નાશ પામે છે. –આવું જાણનારા
વિવેકી જીવો વિષયો પ્રત્યે કેમ અનુરાગ કરે? કદી ન કરે. આત્માને ભૂલીને જે જીવ પાંચ ઈન્દ્રિયના
વિષયોમાં મોહિત છે તે અજ્ઞાની જીવ પોતાના ચિદાનંદસ્વભાવી પરમાત્મતત્ત્વને નહિ સેવતો થકો,
નહિ જાણતો થકો અને નહિ ભાવતો થકો, વિષયોની રુચિથી મિથ્યામાર્ગને વાંછતો થકો નરકાદિ
ગતિમાં પડે છે ને ત્યાં ઘાણીમાં પીલાવું, કરવતથી કપાવું, શસ્ત્રથી છેદાવું ઈત્યાદિ હજારો પ્રકારના
દુઃખોને શરીર ઉપરની પ્રીતિને લીધે ભોગવે છે. અને જે જીવ શુદ્ધઆત્મતત્ત્વની ભાવનામાં લીન છે
અને વિષયો પ્રત્યેના સ્નેહનો ત્યાગી છે તે જીવ અલ્પકાળમાં સંસારને તરી જાય છે.
માટે મોક્ષાર્થી ભવ્યજીવોએ પોતાના શુદ્ધ આત્મસ્વભાવની રુચિ અને ભાવના પ્રગટ કરીને
ઈન્દ્રિયવિષયોની રુચિ ને ભાવના છોડવાયોગ્ય છે.
શ્રી પદ્મનંદી પચ્ચીસીમાંથી
*
કામ ઉપર વિજયી સંતોને નમસ્કાર
આ જગતમાં કેટલાક એવા પણ રાજાઓ વિદ્યમાન છે કે જે નજર ફેંકતાં જ
(વાતવાતમાં) શત્રુસમૂહને જીતી લે છે; એવા રાજાઓના હૃદયમાં પણ વેગપૂર્વક જે કામદેવરૂપી
યોદ્ધાએ દ્રઢતાથી બાણને ખૂંચવી દીધું છે એવા અત્યંત પરાક્રમી કામદેવરૂપી સુભટને પણ, સર્વ પ્રકારના
શસ્ત્રોથી રહિત તથા જેનો આત્મા ક્રોધાદિ કષાયોના નાશથી શાંત થઈ ગયો છે એવા સંતોએ
લીલામાત્રમાં નષ્ટ કરી દીધો છે; એવા કામવિજયી સંતોને નમસ્કાર હો.
બ્રહ્મચારી કોણ થઈ શકે?
જે સમસ્ત પદાર્થોથી ભિન્ન અને જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે ‘બ્રહ્મ’ છે; પોતાના શરીરમાં
આસકિત રહિત એવા મુનિઓને બ્રહ્મસ્વરૂપ આત્મામાં જે ચર્યા એટલે કે એકાગ્રતા છે તે જ બ્રહ્મચર્ય
છે અનેએવા બ્રહ્મચર્યપૂર્વક બહારમાં જે વૃદ્ધ વગેરે સ્ત્રીઓ છે તેને માતા–બહેન કે પુત્રી સમાન
નિર્વિકાર દ્રષ્ટિથી દેખે છે, –આમ થાય છે ત્યારે તે યતિ બ્રહ્મચારી છે. (અહીં અંતરંગ અને બહિરંગ
બંને પ્રકારના બ્રહ્મચર્યનો સમાવેશ કરી દીધો છે. પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં એકાગ્રતા તે તો
અંતરંગ બ્રહ્મચર્ય છે, તે વીતરાગભાવરૂપ છે, અને જ્યારે વીતરાગતામાં સ્થિર ન રહેવાય ને બહાર
લક્ષ જાય ત્યારે સ્ત્રીઓ પ્રત્યે માતા–બહેન કે પુત્રીનો વિકલ્પ આવે પણ બીજો કોઈ અશુભ વિકલ્પ ન
આવે, તે બહિરંગ બ્રહ્મચર્ય એટલે કે વ્યવહાર બ્રહ્મચર્ય છે, તેમાં શુભરાગ છે.)
દ્રઢ સંયમ જ બ્રહ્મચર્યની રક્ષા કરે છે
‘ભોજન કરવાથી બ્રહ્મચર્ય નષ્ટ થઈ જાય છે, તથા ભોજન નહિ કરવાથી બ્રહ્મચર્યવ્રત પળાય
છે’ – એમ વાત બરાબર નથી, અર્થાત્ ભોજનના ગુણને આધારે બ્રહ્મચર્ય નથી, કેમ કે અત્યંત
બળવાન એવો સિંહ સદા હાથી વગેરેના માંસને ખાતો હોવા છતાં તે વર્ષમાં એક વાર રતિ ભોગવે છે
અને કબુતર સદા પત્થરના ટૂકડા–દાણા ચરે છે તોપણ તે સદા રતિ કરે છે. માટે આહારના આધારે
બ્રહ્મચર્ય પળતું નથી, પણ સાધુઓને એકમાત્ર મનનો દ્રઢ સંયમ જ તેના બ્રહ્મચર્યની રક્ષા કરે છે.
સાધુનું મન કોઈ બાહ્યવિષયોમાં ન ભમતાં ચૈતન્યસ્વરૂપમાં જ દ્રઢ પણે લીન રહે છે તે જ દ્રઢ
સંયમ છે; એવા સંયમવડે જ બ્રહ્મચર્યની રક્ષા

PDF/HTML Page 56 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૭ :
થાય છે–એમ અહીં બતાવ્યું છે. અને જેને એવો સંયમ હોય છે તેમને આહારાદિની ગૃદ્ધિ તો કદી હોતી
જ નથી. પણ ભાવસંયમ પ્રગટ કર્યા વગર માત્ર આહાર છોડવાથી બ્રહ્મચર્યનું પાલન થતું નથી–એમ
જાણવું.
ચૈતન્યસ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં, ચૈતન્ય અને ભાવમનની એકતા થતાં અતીન્દ્રિય આનંદ
પ્રગટે છે તે ભાવસંયમ છે અને એવા ભાવસંયમી મુનિ મૂળગુણો અને ઉત્તરગુણોનું યથાશક્તિ રક્ષણ
કરે છે તે બ્રહ્મમનનો સંયમ છે. એ બંને પ્રકારના સંયમને સર્વત્ર બ્રહ્મચર્યની રક્ષાના હેતુ જાણવા.
જે સ્ત્રીના શરીર પાસે કેળસ્તંભ, કમળ, ચંદ્ર વગેરે પણ પ્રતિષ્ઠા પામ્યા નહિ, (એટલે કે તે
બધાથી પણ શરીરને સુંદર કહેવાતું) તે જ સ્ત્રીનું શરીર જ્યારે મૃતક કલેવર–મડદું થઈ જાય છે અને
સ્મશાનભૂમિમાં ફેંકી દેવામાં આવે છે તથા કાગડા વગેરે પક્ષીઓ તેના શરીરને ચૂંથીને ટૂકડે ટૂકડા કરી
નાંખે છે, ત્યારે તો માણસો તે શરીરને દેખતાં ભયભીત થઈને પોતાનું નાક ઢાંકતા થકા એકદમ તેને
છોડી દે છે.
–એવા તે અપવિત્ર અને અનિત્ય શરીરમાં મૂર્ખ સિવાય બીજો કોણ સુખ માને?
રાજહંસ
જેમ સડેલાં મડદાંથી ભરેલી સ્મશાનભૂમિ પ્રાપ્ત થતાં કાળા કાગડાઓના ટોળાં જ સંતુષ્ટ થાય
છે, સફેદ રાજહંસોના ટોળાં તેનાથી સંતુષ્ટ નથી થતા, તેમ સ્ત્રીઓનું શરીર ભલે મનોહર હોય, યૌવન
અવસ્થા અને લાવણ્યથી ભરેલું હોય અને અનેક પ્રકારના આભૂષણોથી ભૂષિત હોય, તોપણ તે માત્ર
મૂઢબુદ્ધિવાળા પુરુષોને જ આનંદ દેનારું છે પરંતુ સજ્જન પુરુષોનેત્ર. આનંદ દેનારું નથી અર્થાત્
કાગડાની જેમ મૂર્ખ અજ્ઞાની લોકો જ સ્ત્રીના શરીરમાં સુખની કલ્પના કરે છે, પણ રાજહંસની જેમ
જ્ઞાની સત્પુરુષો તેમાં કદાપિ સુખ માનતા નથી.
ધર્માત્માને જગતને વિષે પોતાનો રત્નત્રયસ્વરૂપ
આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય
નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને
પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે
અભેદબુદ્ધિથી પરમવાત્સલ્ય હોય છે. પોતાને
રત્નત્રયધર્મમાં પરમવાત્સલ્ય હોવાથી બીજા જે જે
જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના પ્રત્યે પણ તેને
વાત્સલ્યની ઊર્મિ આવ્યા વિના રહેતી નથી.

PDF/HTML Page 57 of 61
single page version

background image
: ૪૮ : આત્મધર્મ: ૨૩૯
પ ર્યુ ષ ણ ના પ હે લા અ ને
છે લ્લા પ્ર વ ચ ન માં થી
(ભાદરવા સુદ પાંચમ)
આજે દસલક્ષણધર્મનો પહેલો દિવસ છે. ઉત્તમક્ષમાદિ જે દસ ધર્મો છે તે સમ્યક્ત્વપૂર્વકના
ચારિત્રના ભેદો છે. સમ્યગ્દર્શન વગર તો ઉત્તમક્ષમાદિ કોઈ પણ ધર્મ હોતો નથી. જેને ચૈતન્યનું ભાન
નથી ને દેહમાં એકત્વબુદ્ધિ છે તેને પ્રતિકૂળતા આવતાં ક્રોધ થયા વિના રહેશે નહિ, એટલે તેને ક્ષમા
હોય નહિ.
આજે ઉત્તમક્ષમાધર્મનો દિવસ છે. ચિદાનંદ તત્ત્વના ભાનપૂર્વક તેમાં એકાગ્ર થતાં જગતના
બાહ્યપદાર્થો ઉપરથી રાગ–દ્વેષ છૂટી જાય છે, એટલે ગમે તેવા પ્રતિકૂળ બાહ્ય સંયોગોના ઢગલા આવી
પડે તોપણ તેમને ક્રોધ થતો નથી, વીતરાગભાવ ટકી રહે છે, તેનું નામ ઉત્તમક્ષમાધર્મ છે. “બારસ્ય
અનુપ્રેક્ષા” માં ઉત્તમક્ષમાધર્મનું વર્ણન કરતાં કહે છે કે–
ક્રોધ ઉત્પન્ન થવાના સાક્ષાત્ બાહ્ય કારણ મળવાછતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી તેને
ઉત્તમક્ષમાધર્મ થાય છે. શાંત–અકષાય ચિદાનંદ તત્ત્વની જ્યાં દ્રષ્ટિ થઈ, ને દ્રષ્ટિ ઉપરાંત સ્થિરતા થઈ,
ત્યાં ધર્માત્મા મુનિ ગમે તેવા બાહ્ય કારણો એટલે પ્રતિકૂળ સંયોગો ઊભા થાય તોપણ ક્રોધ થવા દેતા
નથી, તેમને ઉત્તમક્ષમાધર્મ થાય છે. આવા ધર્મોની આરાધનાના દિવસો (દસલક્ષણીયપર્વ) આજે શરૂ
થાય છે ને ભાદરવા સુદ ૧૪ને દિવસે પૂરા થશે. આ જ સનાતન જૈનમાર્ગમાં પર્યુષણ છે. ધર્મની
આરાધના તો ગમે તે દિવસે થઈ શકે છે. પણ આ દસ દિવસો ખાસ પર્વના છે. –આવા ધર્મની
આરાધના કરવા માટે પહેલાં તો અનંતશક્તિસંપન્ન ચૈતન્યતત્ત્વ શું છે તે ઓળખવું જોઈએ.
(બારસ્સ અનુપ્રેક્ષા ઉપર પ્રવચન)
(ભાદરવા સુદ ૧૪)
દસલક્ષણધર્મમાં છેલ્લો દિવસ ઉત્તમ બ્રહ્મચર્યધર્મનો છે. આ ધર્મો સમ્યગ્દર્શન વગર હોતા નથી.
ધર્મનું મૂળીયું જ સમ્યગ્દર્શન છે. અહીં ઉત્તમબ્રહ્મચર્યધર્મ કોને હોય છે તે આચાર્યદેવ કહે છે– ‘સુકૃતિ’
એટલે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા, તેને બ્રહ્માનંદસ્વરૂપ આત્માનું ભાન થયું છે અને તેની સન્મુખ પરિણતિની
લીનતા થઈ છે ત્યાં સ્ત્રી વગેરેને જોતાં તેને દુર્ભાવોની ઉત્પત્તિ થતી નથી, –આવી નિર્મળપરિણિતિનું
નામ બ્રહ્મચર્યધર્મ છે. જે પવિત્ર આત્મા એટલે સમ્યગ્દ્રષ્ટિ આત્મા, ચૈતન્યના અતીન્દ્રિય આનંદના સ્વાદ
પાસે જેણે જગતના વિષયોને તૂચ્છ જાણ્યા છે એવો ધર્માત્મા, સ્ત્રી વગેરેના અંગો જોતાં પણ વિકૃતિ
પામતો નથી તેને દુર્દ્વર એવો બ્રહ્મચર્યધર્મ હોય છે. જેને ચૈતન્યનું ભાન ન હોય ને પરવિષયોમાં સુખ
માનતો હોય તે કદાચ શુભરાગવડે બ્રહ્મચર્ય પાળતો હોય–તોપણ તેના બ્રહ્મચર્યને ધર્મ કહેતા નથી. તેની
તો દ્રષ્ટિ જ મેલી છે, તે રાગથી ધર્મ માને છે તેથી તેનામાં પવિત્રતા નથી. અને જે આત્માને પવિત્રતા
નથી તેને બ્રહ્મચર્યાદિ કોઈ ધર્મ હોતો નથી. તેથી અહીં ‘પવિત્રઆત્મા’ એમ કહ્યું છે. જેનામાં પવિત્રતા
છે, જેના શ્રદ્ધા–જ્ઞાન ચોકખા થયા છે એવા ધર્માત્માને જ બ્રહ્મચર્યાદિ વીતરાગીધર્મોની આરાધના હોય
છે. સમ્યગ્દર્શન વગર આરાધના કોની કરશે? –જેની આરાધના કરવી છે તેને પ્રથમ શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે,
પછી તેમાં સ્થિરતા કરીને તેની આરાધના કરે. આવી આરાધનામાં જ ઉત્તમ ક્ષમા, બ્રહ્મચર્ય વગેરે ધર્મો
હોય છે. (બારસ્સ અનુપ્રેક્ષા ઉપર પ્રવચન)

PDF/HTML Page 58 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૯ :
આત્મ – આરાધનાનો
(હે જીવ! તું આત્મ–આરાધનામાં તત્પર થા.)


નિયમસાર ગા. ૧પ૮માં આચાર્યદેવ કહે છે કે: સ્વયંબુદ્ધ એવા તીર્થંકરો અથવા તો બોધિતબુદ્ધ
એવા બીજા ધર્માત્માપુરુષો, અપ્રમત્ત મુનિદશાથી માંડીને કેવળજ્ઞાન સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં
આરૂઢ થયા થકા કેવળજ્ઞાન પામ્યા, તે કઈ રીતે પામ્યા? –કે આત્મ–આરાધનાના પ્રસાદથી તેઓ
કેવળજ્ઞાન પામ્યા. સ્વાત્માશ્રિત ધ્યાન વડે સ્વકાર્યને સાધવામાં પરાયણ થઈને તેઓએ આત્માની
આરાધના કરી અને એ આત્મ–આરાધનાના પ્રસાદથી જ તેઓ કેવળજ્ઞાનધારી થયા. કોઈ રાગના
પ્રસાદથી કેવળજ્ઞાન થયું–એમ નથી. સર્વે પુરાણ પુરુષો, એટલે કે પૂર્વે જે કોઈ ધર્માત્માપુરુષો મોક્ષગામી
થયા છે તે સર્વે, આત્માની નિશ્ચય આરાધના કરી તેના પ્રસાદથી જ મોક્ષગામી થયા છે. આમ અનંતા
તીર્થંકરો વગેરેનો દાખલો આપીને આચાર્યદેવ કહે છે કે મોક્ષ માટેનો આ એક જ માર્ગ છે કે સ્વાત્માના
આશ્રયે આત્માની નિશ્ચય આરાધના કરવી. જુઓ, આ મુમુક્ષુનું મોક્ષ માટેનું આવશ્યક કાર્ય નથી, તેના
પ્રસાદથી મુનિદશા કે કેવળજ્ઞાન થતું નથી.
અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે તેથી અપ્રમત્ત મુનિદશાથી માંડીને કેવળજ્ઞાનની વાત લીધી છે; તેની
નીચેની ચોથા–પાંચમા–છઠ્ઠા ગુણસ્થાનની સમ્યગ્દર્શનાદિ દશા પણ આત્મઆરાધનાના પ્રસાદથી પ્રાપ્ત
થાય છે, કાંઈ રાગના પ્રસાદથી સમ્યગ્દર્શનાદિ થતું નથી. દેવ–ગુરુની ભક્તિ–બહુમાનનો ભાવ ત્યાં હોય
છે ખરો, અને “દેવ–ગુરુના પ્રસાદથી જ અમને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થઈ” એમ પણ ધર્માત્મા
વિનયથી કહે છે. –પણ દેવ–ગુરુએ શું કહ્યું હતું? દેવ–ગુરુએ તો એમ કહ્યું હતું કે તું અંતર્મુખ થઈને
તારા આત્માની આરાધના કર; તારા સ્વાત્માના આશ્રયે જ તારા સમ્યગ્દર્શનાદિ થાય છે. – શ્રી દેવ–
ગુરુનો આવો ઉપદેશ પાત્રતાપૂર્વક પોતે ઝીલીને તે ઉપદેશ અનુસાર સ્વાત્માની આરાધના કરી ત્યારે તે
આરાધનાના પ્રસાદથી સમ્યગ્દર્શનાદિ થયું, અને ત્યારે ઉપાચારથી એમ કહ્યું કે શ્રી દેવ–ગુરુના પ્રસાદથી
જ સમ્યગ્દર્શન થયું. શ્રી ગુરુએ કહ્યું તે પ્રમાણે પોતે આરાધના કરી ત્યારે શ્રી ગુરુનો પ્રસાદ મળ્‌યો એમ
કહેવાયું. પણ જે જીવ પોતે અંતર્મુખ થઈને આત્મઆરાધના ન કરે ને રાગથી લાભ માનીને તેના જ
અવલંબનમાં અટકી રહે તેને તો રાગના પ્રસાદથી સંસારભ્રમણ થાય છે, તેને શ્રી ગુરુનો પ્રસાદ મળ્‌યો–
એમ ઉપચારથી પણ કહેવાતું નથી.
અહીં તો ક્યું આવશ્યક કાર્ય કરવાથી મોક્ષ થાય તેની વાત છે. નિશ્ચયસ્વભાવનો આશ્રય કરીને
આત્માની આરાધના કરવી તે જ પરમ આવશ્યક છે; તે આત્મઆરાધનાના પ્રસાદથી જ સમ્યગ્દર્શન
થાય છે, તે આત્મઆરાધનાના પ્રસાદથી જ પંચમ–ગુણસ્થાન પ્રગટે છે, તે આત્મઆરાધનાના પ્રસાદથી
મુનિદશા થાય છે, તે આત્માઆરાધનાના પ્રસાદથી જ શ્રેણી માંડીને કેવળજ્ઞાન થાય છે; માટે તું પણ
એવી આત્મઆરાધનામાં તત્પર થા, એવો ઉપદેશ છે. અનંતા તીર્થંકરો અને સંતો આવી આત્મ–
આરાધના કરી કરીને તેના પ્રસાદથી જ સિદ્ધપદ પામ્યા... તેમને નમસ્કાર હો!

PDF/HTML Page 59 of 61
single page version

background image
: પ૦ : આત્મધર્મ: ૨૩૯
સમન્તભદ્રસ્વામીનું વ્યસન
*
તમને જાણીને આશ્ચર્ય થશે કે સમન્તભદ્રસ્વામીને એક વ્યસન હતું... પણ શેનું ખબર છે? – એ
વ્યસન હતું જિનેન્દ્રભગવાનની સુંદર સ્તુતિ કરવાનું. જિનેન્દ્ર ભગવાનની સ્તુતિનો પ્રસંગ આવે ત્યાં
તેમના હૃદયના તાર ઝણઝણી ઉઠતા... જિનેન્દ્ર ભગવાન પ્રત્યે તેમને એવી લગની હતી–જાણે કે
જિનેન્દ્રભક્તિને માટે પોતાની જાતને અર્પણ કરી દીધી હોય! તેમના જ શબ્દોમાં જોઈએ તો
‘સ્તુતિવિદ્યા’ ગા. ૧૧૪માં તેઓ કહે છે કે:–
सुभद्रा मम ते मते स्मृतिरपि त्वय्यर्चनं चाऽपि ते
हस्तावंजले कथा–श्रुति–रतः कर्णोऽक्षि संप्रेक्षते।
सुस्तुत्यां व्यसनं शिरो नतिपरं सेवेद्रशी येन ते
तेजस्वी सुजनोऽमेव सुकृति तेनैव तेजःपते।।
વીરજિનેન્દ્રને અનુલક્ષીને કહે છે કે હે ભગવન્! મારી સુશ્રદ્ધા આપના મતમાં છે, મારી સ્મૃતિ
પણ સદા આપનું જ સ્મરણ કરે છે, હું પૂજન પણ આપનું જ કરું છું, મારા હાથ આપને જ અંજલિ
જોડવા માટે છે, મારા કાન આપના જ ગુણોની કથા સાંભળવામાં લીન રહે છે, મારી આંખ આપના જ
સુંદર રૂપને દેખ્યા કરે છે, અને મને જે વ્યસન છે તે આપની સુંદર સ્તુતિઓ રચવાનું જ છે, મારું
મસ્તક પણ આપને જ પ્રણામ કરવામાં તત્પર રહે છે. –હે પ્રભો! આમ સર્વ પ્રકારે હું આપનું આરાધન
કર્યા કરું છું. તેથી હે તેજપતે! –હે કેવળજ્ઞાની પ્રભો! હું તેજસ્વી છું, સુજન છું અને સુકૃતી છું.
વ્યસન એટલે લગની; જેને જેનું વ્યસન હોય તેના વગર તે રહી શકતો નથી; જેમ બીડી,
અફીણ વગેરેનો કુવ્યસની તેના વગર રહી શકતો નથી ને તે વસ્તુ જોતાં જ તે તરફ તેની વૃત્તિ ઝૂકી
જાય છે, તેમ ભગવાનનો ભક્ત–જેને ચૈતન્યના પરમગુણોના આસ્વાદનની રુચિનું વ્યસન લાગ્યું છે
તેને પરમાત્મા પ્રત્યે પ્રમોદ ઊછળે છે કે અહો નાથ! આપના ગુણોની શી વાત! અમે તો આપના
દાસનુદાસ છીએ... અમને વ્યસન લાગ્યું છે–આપની ઉત્તમસ્તુતિ કરવાનું નાથ! આપનાં ગુણો દેખીને
અમારાથી રહી શકાતું નથી ને સહેજે આપની સ્તુતિ થઈ જાય છે. આપના ગુણો પ્રત્યેનો અમારો પ્રમોદ
ઝાલ્યો રહેતો નથી. આપની વીતરાગતાનું (અને અંદરમાં પોતાના વીતરાગસ્વભાવનું) એવું અચિંત્ય
બહુમાન છે કે એના સ્તવન વગર એક દિવસ પણ રહી શક્તો નથી. નાથ! લગની હોય તો તારી
વીતરાગતાની છે, બીજી કોઈ વસ્તુની લગની આ જગતમાં નથી.
આ સમન્તભદ્રસ્વામી જૈનશાસનના મહાનપ્રભાવાળી સંત હતા... કુંદકુંદપ્રભુ પછી લગભગ
૧૦૦ વર્ષ બાદ તેઓ થયા. ભગવાનની ઉત્તમ સ્તુતિઓનો તેમણે એવો ધોધ વહેવડાવ્યો છે કે તેઓ
જૈનસાહિત્યમાં “આદ્ય સ્તુતિકાર” તરીકે પ્રસિદ્ધ છે. તેઓશ્રીએ રચેલી ૨૪ તીર્થંકરભગવંતોની સ્તુતિ
ઘણી રોમાંચક, ઘણી ગંભીર ને ઘણી રહસ્યપૂર્ણ છે, તે “સ્વયંભૂસ્તોત્ર” તરીકે પ્રસિદ્ધ છે; તે સ્તુતિ
વખતે ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા પ્રગટી હતી. હાલમાં તે સ્તુતિ ઉપર પૂ. ગુરુદેવના કેટલાક પ્રવચનો
થયા છે. સમન્તભદ્રસ્વામી પણ ભવિષ્યમાં હોનહાર તીર્થંકર તરીકે મનાય છે.
નમસ્કાર હો એ પરમ જિનભક્ત શાસનપ્રભાવી ધીર–વીર સંતને!

PDF/HTML Page 60 of 61
single page version

background image




આ અતિ દીર્ધ ઉત્પાતમય સંસારમાં ભગવાન જિનેશ્વરદેવનો ઉપદેશ મહાન ભાગ્યથી મળે છે,
તે ઉપદેશ તીક્ષ્ણ અસિધારા સમાન છે. મહા ભાગ્યથી જિનોપદેશ પામીને શું કરવું? કે પુરુષાર્થ કરવો...
ભગવાનનો ઉપદેશ સ્વસન્મુખ પુરુષાર્થનો છે. જેમ શૂરવીરપુરુષ તીક્ષ્ણ તલવાર વડે દુશ્મનને
ક્ષણમાત્રમાં છેદી નાખે છે, તેમ ભગવાનના ઉપદેશરૂપ તીક્ષ્ણ ધારવાળી તલવાર પામીને શૂરવીર એવો
મુમુક્ષુજીવ અંતર્મુખ પુરુષાર્થવડે મોહાદિ શત્રુને ક્ષણમાત્રમાં છેદી નાંખે છે. ભગવાનનો માર્ગ પુરુષાર્થનો
છે, તેમાં કાયરનું કામ નથી. ‘અરેરે, શું કરીએ? કર્મનું જોર છે’ – એમ કહીને ઊભો રહે એવા કાયર
જીવનું ભગવાનના માર્ગમાં કામ નથી. અરે જીવ! ભગવાનના ઉપદેશરૂપ તીક્ષ્ણ તલવાર તને મહા
ભાગ્યથી મળી, હવે સ્વાશ્રયના પુરુષાર્થવડે મોહને છેદી નાંખ... અંતર્મુખ થઈને જ્યાં શુદ્ધોપયોગરૂપ
તલવાર ઝીંકી ત્યાં મોહના કટકા થઈ જાય છે... એક ઘા ને બે કટકા! ‘મારે તેની તલવાર’ એટલે
તલવાર લટકતી હોય પણ તે વાપરનારના હાથમાં જોર જોઈએ; તેમ ભગવાનનો ઉપદેશ તો મળ્‌યો,
પણ તે ઉપદેશ ઝીલીને અંતરમાં સ્વાશ્રયનો પુરુષાર્થ કરવો તે મુમુક્ષુનું કામ છે, જે જીવ પુરુષાર્થ કરે છે
તેનો મોહ જરૂર છેદાય છે. ભગવાનનો ઉપદેશ સ્વસન્મુખ પુરુષાર્થનો છે, અને મોહને છેદી નાખવા
માટે તે તીક્ષ્ણ અસિધારા સમાન છે. ‘અમે સ્વસન્મુખ થઈને મોહનો નાશ કરીને સર્વજ્ઞ થયા, ને તમે
પણ સ્વસન્મુખ પ્રયત્ન વડે મોહનો નાશ કરો’ – આવો ઉપદેશ ભગવાને આપ્યો; આવા ઉપદેશરૂપી
તીક્ષ્ણ તલવાર પામીને જે જીવ અંતર્મુખઉપયોગનો અતિ ઉગ્ર પ્રયત્ન કરે છે તેને જ મોહનો છેદ થાય છે
ને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. માટે સન્તો કહે છે કે હે ભવ્ય જીવો! હે પુરુષાર્થવંત આત્માર્થી જીવો! મહા
ભાગ્યે જિનભગવંતોનો આવો તીક્ષ્ણ અસિધારા સમાન સ્વાશ્રિતમાર્ગનો ઉપદેશ પામીને હવે મોહને
છેદવા માટે અત્યંત ઉગ્રપણે અંતર્મુખ પ્રયત્ન કરો.
(પ્રવચનસાર ગા. ૮૮ ના પ્રવચનમાંથી)
‘એક ઘા... ને... બે કટકા.’ ‘મારે એની તલવાર.’