Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 41
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
એ જ રીતે સમ્યગ્જ્ઞાનમાં સમ્યક્ચારિત્રમાં તેમજ તપ વગેરેમાં પરમ આનંદસહિત
ભગવાન આત્મા બિરાજે છે. તેથી અભેદપણે એમ જ કહ્યું કે શુદ્ધ આત્મા જ દર્શન–
જ્ઞાન–ચારિત્ર છે. દ્રવ્યના આશ્રયે સમ્યત્વાદિ શુદ્ધપર્યાય થઈ – એવો ભેદ ન પાડતાં,
આત્મા જ સમ્યક્ત્વ છે – એમ અભેદપણે કહ્યું છે; કેમકે સમ્યક્ત્વાદિ સર્વ પર્યાયોમાં
શુદ્ધ આત્મા જ આશ્રયપણે છે, બીજું કોઈ નહીં. સ્વસન્મુખી પરિણામને સ્વમાં અભેદ
કર્યાં; પરસન્મુખી વ્યવહારને પરમાં અભેદ કર્યો; –આમ સ્વાશ્રય અને પરાશ્રય
ભાવોની (શુદ્ધતાની અને રાગાદિની) સ્પષ્ટ વહેંચણી કરી નાંખી.
અરે બાપુ! તારી પર્યાયમાં તો તું પોતે હો કે બીજા? તારા જ્ઞાનમાં તો તારા
આત્માનો આશ્રય હોય, – કે શાસ્ત્રોના શબ્દોનો? તારા દર્શનમાં તો તારો શુદ્ધઆત્મા
હોય કે નવ તત્ત્વના વિકલ્પો? તારા ચારિત્રમાં તારા આત્મામાં રમણતા હોય કે
છકાય જીવોની દયાનો રાગ હોય? રાગમાં – વિકલ્પોમાં – શબ્દોમાં ક્્યાંય તારા
દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી, તારા શુદ્ધ આત્માના આશ્રયમાં જ તારા દર્શન – જ્ઞાન –
ચારિત્ર છે.
* જ્યાં જ્યાં શુદ્ધાત્માનો આશ્રય છે ત્યાં ત્યાં જ્ઞાન–દર્શન – ચારિત્ર છે.
* શુદ્ધાત્માના આશ્રય વગર પરાશ્રિત વ્યવહારભાવો કરે તોપણ ત્યાં જ્ઞાન–
દર્શન–ચારિત્ર હોતાં નથી.
માટે, શુદ્ધાત્માના આશ્રયે જ મોક્ષમાર્ગ હોવાનો અબાધિત નિયમ છે, તેથી
મુમુક્ષુએ શુદ્ધાત્મારૂપ નિશ્ચય આશ્રય કરવા જેવો છે. અને પરના આશ્રયે મોક્ષમાર્ગ
હોવાનો નિયમ ટકતો નથી, તેથી પરના આશ્રયરૂપ વ્યવહાર આદરવા જેવો નથી
પણ છોડવા જેવો છે. આ રીતે નિશ્ચયનયવડે વ્યવહારનો નિષેધ જાણો. આવા
શુદ્ધાત્માની સન્મુખતારૂપ નિશ્ચયનયના આશ્રયે મુનિ ભગવંતો નિર્વાણને પામે છે.
જૈનમાર્ગ – અનુસાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનો જે વ્યવયહાર છે તેના આશ્રયે
પણ મોક્ષમાર્ગ સધાતો નથી, તો પછી જેને જૈનમાર્ગના વ્યવહારની પણ ખબર નથી,
વ્યવહાર પણ જેનો ખોટો છે એની તો વાત જ શી? અરે, નિશ્ચયસહિતનો વ્યવહાર
જેની પાસે છે તેને પણ, જેટલા પરાશ્રિત વ્યવહારભાવો છે તે કોઈ મોક્ષનું કારણ
થતા નથી. શુદ્ધાત્માના આશ્રયરૂપ નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે તે જ મોક્ષનું કારણ
થાય છે.

PDF/HTML Page 22 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૯ :
વ્યવહાર છે તેને લીધે નિશ્ચય થાય છે –એમ નથી; પણ તે વખતે શુદ્ધાત્માનો
આશ્રય છે તેથી જ નિશ્ચય છે.
* નવતત્ત્વના વિકલ્પો છે માટે સમ્યગ્દ્રર્શન છે – એમ નથી;
શુદ્ધઆત્માનો આશ્રય છે તેથી જ સમ્યગ્દ્રર્શન છે.
* શાસ્ત્રોનું જાણપણું છે માટે સમ્યગ્જ્ઞાન છે – એમ નથી;
શુદ્ધઆત્માનો આશ્રય છે તેથી જ સમ્યગ્જ્ઞાન છે.
* છકાયજીવોની દયાનો શુભરાગ છે માટે ચારિત્ર છે – એમ નથી;
શુદ્ધાત્માનો આશ્રય છે તેથી જ સમ્યક્ચારિત્ર છે.
– આ રીતે નિશ્ચયથી શુદ્ધઆત્મા જ સમ્યગ્દ્રર્શન –જ્ઞાન –ચારિત્ર છે.
– આવા નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર હોય ત્યાં તેની સાથે કદાચ ભૂમિકાઅનુસાર
નવતત્ત્વના વિકલ્પો, શાસ્ત્રનું જ્ઞાન, કે છકાયજીવોની દયાનો ભાવ – એવો વ્યવહાર
હોય, તોપણ તેનું કર્તૃત્વ ધર્મીને નથી, ને તે વ્યવહારના આશ્રયે કાંઈ ધર્મીના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર ટક્યા નથી; તે વખતે અંદર તેનાથી પણ પાર જે શુદ્ધાત્માનો આશ્રય છે તે
જ મોક્ષનું કારણ છે. – આમ જાણીને મુમુક્ષુઓએ શુદ્ધાત્માના આશ્રયનું સેવન કરવું ને
વ્યવહારના આશ્રયની બુદ્ધિ છોડાવી, – એમ ભગવાનનો ઉપદેશ છે.
ધર્માત્માની દ્રષ્ટિ
શુદ્ધાત્માની દ્રવ્યદ્રષ્ટિ થતાં, પર્યાય અંતરમાં
શુદ્ધસ્વભાવ સાથે અભેદ થઈ, ત્યાં તેમાં રાગાદિનું કર્તૃત્વ કેમ
રહે? માટે દ્રવ્યદ્રષ્ટિવંત ધર્માત્માને રાગાદિનું અકર્તાપણું જ છે,
સમ્યક્ત્વાદિ નિર્મળભાવનું જ કર્તાપણું છે. શુદ્ધાત્મા હું – એવા
વેદનમાં ‘રાગ તે હું’ એવું વેદન કેમ આવે? શુદ્ધાત્મામાં જેની
દ્રષ્ટિ નથી ને રાગમાં જ જેની દ્રષ્ટિ છે એવા અજ્ઞાનીને જ
પરાશ્રિત ભાવમાં રાગાદિનું કર્તાપણું છે. જ્ઞાનીને શુદ્ધાત્માની
દ્રષ્ટિમાં રાગાદિનું અકર્તાપણું જ છે. ધર્મીના ચૈતન્યઘટમાં તો
પરમાત્મા વસ્યા છે, તેમાં રાગ રહી શકે નહીં.

PDF/HTML Page 23 of 41
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
મોક્ષના કારણરૂપ ભેદજ્ઞાન
તે ભેદજ્ઞાનમાં આનંદનો રસ ઝરે છે
(સમયસાર – મોક્ષઅધિકાર પ્રવચનોમાંથી)
જ્ઞાનને અને રાગને સર્વથા જુદાપણું
છે. જ્ઞાનલક્ષણ દ્વારા, રાગાદિથી સર્વથા
ભિન્ન શુદ્ધઆત્માને અનુભવવો, તે જ
મોક્ષનું સાધન છે.
* * * * *
મોક્ષઅધિકારના મંગલાચરણમાં પ્રથમ તો કૃતકૃત્ય જ્ઞાનને વિજયવંત કહ્યું તે
જ્ઞાને આત્માને બંધનથી સર્વથા છૂટો પાડીને મુક્ત કર્યો છે, અને તે સહજ પરમ
આનંદથી ભરેલું સરસ છે. જ્ઞાનનો વીતરાગી આનંદરસ એ જ સાચો રસ છે, બાકી
રાગાદિ તો આકુળતાવાળા નીરસ છે. રાગાદિ બંધને અને જ્ઞાનરૂપ આત્માને જુદા
પાડનારું આવું જ્ઞાન જ મોક્ષનું ખરૂં સાધન છે. બીજા કોઈ સાધનથી મોક્ષ પમાતો નથી.
ભેદજ્ઞાનરૂપ પ્રજ્ઞાવડે જ્ઞાન અને રાગની ભિન્નતાનો વારંવાર અભ્યાસ કરી કરીને જ્ઞાન
જ્યાં રાગથી ભિન્ન પડીને અંતર્મુખ સ્વભાવમાં વળ્‌યું ત્યાં શુદ્ધઆત્માની અનુભૂતિમાં
રાગનું વેદન ન રહ્યું – એનું નામ ભેદજ્ઞાન છે, તે જ પ્રજ્ઞાછીણી છે, ને તે જ મોક્ષનું
સાધન છે.
માત્ર બંધનના વિચાર કર્યાં કરે, કર્મના અનેક પ્રકારોને જાણ્યા કરે, પણ જો
જ્ઞાનને આત્માના સ્વભાવ તરફ વાળીને બંધથી છૂટો ન પડે – તો તે જીવને મોક્ષનો
ઉપાય થતો નથી. શુભભાવથી બીજા વિકલ્પો છોડીને, કર્મબંધથી છૂટવાના વિચારમાં
ચિત્તને રોક્યા કરે ને તેનાથી મોક્ષ થઈ જશે એમ માને, તો કહે છે કે ભાઈ! બંધન
વગરનો જ્ઞાનસ્વરૂપ તારો આત્મા કેવો છે તેને જાણ્યા વગર તારો બંધનથી છૂટકારો
થાય નહીં. કર્મનો વિચાર કરી કરીને જ્ઞાનને તો તેં રાગમાં જ રોકી દીધું છે, એટલે
શુભરાગને મોક્ષનું સાધન માનીને તારી બુદ્ધિ અંધ થઈ ગઈ છે; માત્ર બંધનના શુભ
વિચારથી મુક્તિ થતી નથી, પણ બંધનને છેદવાથી મુક્તિ થાય છે.

PDF/HTML Page 24 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :
બંધનનો છેદ કેમ થાય? કે જ્ઞાનને તેનાથી ભિન્ન જાણતાં તે છેદાઈ જાય છે – જુદા પડી
જાય છે. નિરાકુળ ચૈતન્યસ્વાદરૂપ જ્ઞાન તો હું છું, ને રાગાદિ આકુળસ્વાદરૂપ બંધ તે હું
નથી, બંનેનું સ્વરૂપ અત્યંત જુદું છે. – આ પ્રમાણે જ્ઞાનનો સ્વભાવ અને બંધનો
સ્વભાવ બંનેને જુદા જુદા ઓળખીને ભેદજ્ઞાન કરતાવેત જ પ્રજ્ઞાછીણી એવી જોરદાર
પડે છે કે જ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મામાં પોતે તન્મય થાય છે, ને સર્વે બંધભાવોને
ચેતનસ્વભાવથી બહાર અજ્ઞાનભાવમાં રાખે છે. રાગાદિભાવોને જ્ઞાનપણું નથી તેથી
તેમને અજ્ઞાનમય કહ્યા. એકકોર જ્ઞાનમય આત્મા, અને જ્ઞાનમયભાવથી જુદા તે બધા
અજ્ઞાનમયભાવો – તે આત્માથી તદ્ન જુદા; આવું ભેદજ્ઞાન કરીને બંધનથી જુદા
ચૈતન્યસ્વભાવરૂપ આત્માને અનુભવવો તે જ મોક્ષનું કારણ છે. ભગવાને આવો
મોક્ષનો માર્ગ કહ્યો છે.
આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. ગુણ – પર્યાયમાં વ્યાપનારા જેટલા ચૈતન્યભાવો
છે તેટલો જ આત્મા છે. ચૈતન્યભાવ જેમાં નહિ તે આત્મા નહીં, રાગાદિભાવોમાં
ચૈતન્યપણું નથી, તે તો ચૈતન્યથી ભિન્નપણે ચેત્ય છે. આત્મા ચેતક છે, તેનાથી ભિન્નપણે
રાગાદિ ભાવો ચેત્ય છે. જ્ઞાનને અને રાગને ચેતક – ચેત્યપણું છે પણ તેમને એકપણું
નથી, કર્તાકર્મપણું નથી. બંનેની જાત જ તદ્ન જુદી છે. જેમ ચેતન અને જડને એક
જાતપણું નથી, તદ્ન જુદાપણું છે, તેમ જ્ઞાનને અને રાગને પણ એકસ્વભાવપણું નથી,
બંનેના સ્વભાવ તદ્ન જુદા–જુદા છે. આવું જુદાપણું જાણીને જ્ઞાનપર્યાયે જ્ઞાનમાં તન્મય
થઈને પોતાનો જ્ઞાનસ્વભાવપણે અનુભવ કર્યો, ને રાગથી તે છૂટી પડી – તે જ મોક્ષનું
કારણ છે. અજ્ઞાનથી પર્યાયે રાગાદિમાં તન્મયપણું માન્યું હતું ત્યારે તે પર્યાય અંતરના
સ્વભાવથી વિમુખ થઈને પરિણમતી, તે સંસાર હતો. અને જ્યાં રાગાદિથી ભિન્નતા
જાણીને અંતરમાં જ્ઞાનસ્વભાવપણે આત્માને અનુભવમાં લીધો ત્યાં દ્રવ્ય – પર્યાય
એકબીજાની સન્મુખ થયા, જ્ઞાનપર્યાય અંતરમાં એકાગ્ર થઈને પરિણમી, – ને રાગથી
સર્વથા છૂટી પડી, તે મોક્ષનું કારણ છે, અથવા તે જ્ઞાનપર્યાયમાં બંધન નથી તેથી તે
મુક્ત જ છે. ત્યાં જે રાગને બંધન છે તે કાંઈ જ્ઞાનપર્યાયમાં નથી, જ્ઞાનધારા તો તેનાથી
છૂટેછૂટી મુક્ત જ છે. અહો, આવી જ્ઞાનધારા સહજ પરમઆનંદરસથી તરબોળ છે.
એકવાર ભેદજ્ઞાન કરીને જ્ઞાનનો સ્વાદ તો ચાખ!
અરે, રાગમાં તો ચૈતન્યપણું જ નથી, તો તે મોક્ષનું સાધન કેમ થાય? રાગનો
અનુભવ તે તો બંધનો અનુભવ છે, તેમાં મોક્ષનો સ્વાદ ક્યાંથી આવે? રાગથી ભિન્ન

PDF/HTML Page 25 of 41
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
એવો જે ચૈતન્યસ્વાદ છે, તે ચૈતન્યસ્વાદમાં મોક્ષનો સ્વાદ છે. આમ રાગ અને
ચૈતન્ય બંનેના સ્વાદને સર્વથા જુદા જાણીને, ચૈતન્યસ્વાદપણે પોતાને અનુભવમાં
લઈને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં બંધભાવોથી તે છુંટું પડી ગયું, – આવું જ્ઞાન તે જ
મોક્ષનું સાધન છે; બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં. સાધ્ય ને સાધન એક
જાતના હોય, ભિન્ન જાતના ન હોય. જ્ઞાન અને રાગ તે કાંઈ એક જાતનાં નથી.
તેથી રાગ તે ભેદજ્ઞાનનું કે મોક્ષનું સાધન થઈ શકે નહીં.
જ્ઞાનને અને રાગાદિને અત્યંત ભિન્નપણું છે. તેમને ચેતક અને ચેત્યપણું
હોવા છતાં એકપણું નથી ‘આ રાગ છે’ એમ તે રાગને જ્ઞાન ચેતે છે – જાણે છે,
ત્યાં તે જ્ઞાન કાંઈ પોતાને રાગપણે પ્રસિદ્ધ નથી કરતું, પણ પોતાને રાગથી ભિન્ન
ચેતકપણે તે પ્રસિદ્ધ કરે છે. રાગને જાણતાં જ્ઞાન કાંઈ રાગમાં ભળી જતું નથી.
ચેતક આત્મા તેનું વ્યાપ્ય તો જ્ઞાનચેતના છે, રાગાદિભાવો કાંઈ ચેતકનું વ્યાપ્ય
નથી. જ્ઞાનનો સ્વભાવ તો રાગ વગરનો છે. રાગ વગરનો આત્મલાભ થઈ શકે
છે, એટલે રાગ વગરનો આત્મા અનુભવમાં આવી શકે છે, કેમકે રાગથી ભિન્ન
ચેતનસ્વભાવી આત્મા ચૈતન્ય વગરનો કદી ન રહી શકે; જ્ઞાન વગરનો આત્મા
અનુભવમાં આવી શકે નહીં. આ રીતે જ્ઞાનલક્ષણ દ્વારા સર્વપ્રકારે રાગ અને
જ્ઞાનને અત્યંત જુદા અનુભવવા તે અરિહંતદેવનો આદેશ છે, તે જ ભવસમુદ્રના
કિનારે આવવાની નૌકા છે.
અરે ભાઈ! તુ તો ચૈતન્ય છે; ચૈતન્યપણું તારા સર્વ ગુણ – પર્યાયોમાં
વ્યાપે છે, તે જ તું છો. રાગ કાંઈ ચૈતન્યમાં વ્યાપતો નથી, તે ચૈતન્યથી ભિન્ન
પરજ્ઞેયપણે જ્ઞાનમાં જણાય છે. જ્ઞેયપણે ભલે તે નીકટ હો, ક્ષેત્રે ભલે નીકટ હો,
પણ ભાવથી તો તે રાગને જ્ઞાનથી તદ્ન જુદાપણું છે. માટે જ્ઞાન અને રાગને
પ્રજ્ઞાછીણીવડે સર્વથા જ છેદવા. રાગના કોઈ અંશને જ્ઞાનમાં જરાય ન ભેળવવો.
રાગથી ભિન્ન એકલા ચૈતન્યસ્વાદપણે આત્માને અનુભવવો, ને રાગાદિ સર્વે
બંધભાવોને જુદા રાખવા, – આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
અહા, જ્ઞાન અને રાગની ભિન્નતા તો જુઓ! આચાર્યદેવ કહે છે કે જ્ઞાન અને
રાગનું અત્યંત ભિન્નપણું અમે જાણ્યું છે, પ્રજ્ઞાછીણીવડે જ્ઞાન અને રાગ સર્વથા જુદા અમે
અનુભવ્યા છે (
बुध्येमहि), અમારા આવા અનુભવપૂર્વક તમને કહીએ છીએ કે
પ્રજ્ઞાછીણીવડે જ્ઞાન અને રાગને સર્વથા જુદા જાણો. જ્ઞાન અને રાગને કાંઈ

PDF/HTML Page 26 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
એક સ્વભાવપણું નથી, બંને વચ્ચે સાંધ છે – તિરાડ છે – લક્ષણભેદ છે, તેને
ઓળખીને પ્રજ્ઞાછીણીવડે જુદા કરી શકાય છે, એટલે અંતર્મુખ પ્રજ્ઞાવડે રાગથી જુદું
જ્ઞાન અનુભવી શકાય છે. આવો અનુભવ તે જ બંધથી છૂટવાનો ને મોક્ષને
પામવાનો ઉપાય છે.
અરે, ભેદજ્ઞાનની આવી વાત કાને પડવા છતાં, સાંભળીને જે અંદર યથાર્થ
અનુભવનો પ્રયોગ નથી કરતો, તે તો બહેરો છે. અંદર જ્ઞાનમાં પ્રયોગ ન કર્યો તો
સાંભળ્‌યું શું કામનું? બાપુ! તું તો ચૈતન્યદીવો છો. દીવો તો પ્રકાશસ્વરૂપ છે, તેના
પ્રકાશમાં કોઈ મલિન વસ્તુ જણાય તોપણ દીવો કાંઈ મેલો નથી, દીવો તો
પ્રકાશસ્વભાવી દીવો જ છે. તેમ ચૈતન્યદીવો આત્મા છે તે તો પ્રકાશસ્વરૂપ જ છે,
તેના જ્ઞાનપ્રકાશમાં કોઈ રાગાદિ બંધભાવો જ્ઞેયપણે જણાય તેથી કાંઈ જ્ઞાન પોતે
રાગાદિરૂપ મેલું થઈ જતું નથી, જ્ઞાનદીવો તો જ્ઞાનસ્વરૂપ જ છે. જ્ઞાનનો સ્વાદ તો
રાગથી જુદી જાતનો ચૈતન્યમય છે. જ્ઞાનના આવા ભિન્નસ્વાદ વડે આત્માને
રાગાદિથી અત્યંત જુદો અનુભવવો તેનું નામ ભગવતીપ્રજ્ઞા છે, તે જ મોક્ષનું સાધન
છે.
રાગ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે, ત્યારે તે રાગને જાણનારું જ્ઞાન જ આત્માનું
લક્ષણ છે, કાંઈ રાગ આત્માનું લક્ષણ નથી. રાગને અને જ્ઞાનને ચેત્ય–ચેતકપણું છે તે
તો આત્માને જ્ઞાનસ્વભાવપણે જાહેર કરે છે કે આ જાણનાર સ્વભાવ છે તે આત્મા
છે; – પણ તે કાંઈ એમ જાહેર નથી કરતું કે આ રાગ છે તે આત્માનો સ્વભાવ છે.
રાગને તો તે જ્ઞાનથી ભિન્નપણે જાહેર કરે છે. જ્ઞાન અને રાગની આવી ભિન્નતા
જાણવી તે ખરી તીક્ષ્ણબુદ્ધિ છે; બાકી તો બધા જાણપણા થોથાં છે. અરે, એકવાર તો
પ્રજ્ઞાને અંતર્મુખ કરીને રાગથી જુદા જ્ઞાનનો સ્વાદ લે. તારું જ્ઞાન સર્વે બંધભાવોથી
છૂટું તને અનુભવમાં આવશે.
રાગ વખતે જ્ઞાન તે રાગને જાણે, ત્યાં ધર્મીને એમ સંદેહ નથી કે મારું જ્ઞાન
આ રાગરૂપ થઈ ગયું. ધર્મી તો નિઃસંદેહ પોતાને રાગથી જુદા જ્ઞાનપણે જ અનુભવે
છે, એટલે રાગને પ્રકાશતાં પણ પોતાને જ્ઞાનપણે જ પ્રસિદ્ધ કરે છે, રાગપણે નહિ;
જ્ઞાનમાં ને રાગમાં એકપણું જરાય પ્રતિભાસતું નથી, સર્વથા જુદાપણું જ ભાસે છે.
આનું નામ ભેદજ્ઞાન; આ ધર્મ છે, ને આ જ મોક્ષનું સાધન છે.
આત્માના મોક્ષનું સાધન આત્માથી જુદું ન હોય, આત્માથી અભિન્ન જ હોય.
પ્રજ્ઞાછીણી એટલે અંતર્મુખ થઈને આત્માને અનુભવનારું જ્ઞાન, તે જ આત્માને
બંધથી

PDF/HTML Page 27 of 41
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
ભિન્ન કરવાનું સાધન છે; આ સિવાય બીજા કોઈપણ સાધનનો નિશ્ચયથી અભાવ છે,
એટલે કે જ્ઞાનના અનુભવથી જુદું બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં.
પ્રજ્ઞાવડે આત્મા અને બંધ જુદા કેમ થઈ શકે? તો કહે છે કે તેમનો બંનેનો
સ્વભાવ એક નથી પણ બંનેનો સ્વભાવ જુદો જ છે, તેથી ભિન્ન–ભિન્ન લક્ષણોવડે
તેમને જુદા જાણીને જુદા કરી શકાય છે. – આમ અમે જાણીએ છીએ. સૂક્ષ્મ જ્ઞાનવડે,
અંતર્મુખ સ્વસંવેદનજ્ઞાનવડે રાગથી જુદા જ્ઞાનસ્વાદપણે આત્મા અનુભવાય છે.
આચાર્યદેવ કહે છે કે આવો અનુભવ અમે કર્યો છે; ભિન્નપણું થઈ શકે છે તે તને કહીએ
છીએ. જ્ઞાન અને રાગ વચ્ચે મોટો લક્ષણભેદ છે, મોટી સાંધ છે, તેથી સૂક્ષ્મજ્ઞાનવડે
તેમને જુદા જાણી શકાય છે. જ્ઞાન અને રાગને એકતા નથી પણ સ્વભાવથી ભિન્નતા છે,
તેઓ બંને સાંધ વગરના નથી પણ તેમની વચ્ચે સાંધ છે – તીરાડ છે, તેથી તેમની
ભિન્નતાનો અનુભવ સૂક્ષ્મ જ્ઞાનવડે થઈ શકે છે. અહો! આવું અંતરનું ભેદજ્ઞાન
ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં જ છે. અંતરમાં આવું ભેદજ્ઞાન કરે ત્યારે તો હજી
સમ્યગ્દ્રર્શન થાય; – પછી મુનિપણું ને કેવળજ્ઞાન તે તો બહુ ઊંચી ચીજ છે. ભાઈ,
એકવાર આવું ભેદજ્ઞાન કરીને તારા આત્માને જ્ઞાનલક્ષણવડે સર્વે બંધનથી જુદો જાણ...
તો અલ્પકાળમાં બંધનથી તારો છૂટકારો થઈ જશે.
ચૈતન્યભાવ અને રાગાદિભાવ, એ બંનેના સ્વભાવને જુદા ઓળખતાં, જ્ઞાન
અંતરમાં ચૈતન્યસ્વભાવ સાથે જ તન્મય થઈને પરિણમ્યું એટલે તે રાગથી સર્વથા જુદું
પરિણમ્યું, – આનું નામ ભેદજ્ઞાન છે, ને આ જ બંધને છેદનારી સૂક્ષ્મ છીણી છે.
રાગાદિમાં વર્તતું અજ્ઞાન તે તો સ્થૂળ છે, બંધને છેદવાની તાકાત તેનામાં નથી.
રાગથી જુદું ચૈતન્યમાં વર્તતું જ્ઞાન તે અત્યંત સૂક્ષ્મ છે, તે બંધનને આત્માથી સર્વથા જુદું
કરી નાંખે છે; પોતે રાગાદિ બંધભાવોથી છૂટું પડીને આત્માના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર
થાય છે. – આવી જ્ઞાનધારારૂપ ભગવતીપ્રજ્ઞા તે પોતે આનંદમય છે, અને તે જ મોક્ષનું
સાધન છે.

PDF/HTML Page 28 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૫ :
તેનો મહિમા, અને તેની આરાધનાનો ઉપદેશ
અહો, જગતમાં જીવને પરમ સુખનું કારણ સમ્યગ્જ્ઞાન
છે, સમ્યગ્જ્ઞાન સમાન સુખનું કારણ બીજું કોઈ નથી; પુણ્ય કે
પાપના ભાવ સુખનું કારણ નથી, બહારનો કોઈ વૈભવ સુખનું
કારણ નથી; અંતરમાં ચૈતન્યનું જ્ઞાનપરિણમન જ જીવને
સર્વત્ર સુખનું કારણ છે. જન્મ – જરા – મરણના રોગને
નીવારવા માટે આ સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. સમ્યગ્જ્ઞાનરૂપી
અમૃત વડે જન્મ – મરણનો નાશ કરીને જીવ અમરપદને પામે
છે. માટે આવા સમ્યગ્જ્ઞાનની તમે આરાધના કરો.
સમ્યગ્દ્રર્શનસહિતનું જે સમ્યજ્ઞાન છે તેના બે ભેદ છે – એક પરોક્ષ અને બીજું
પ્રત્યક્ષ.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બન્ને ઈંદ્રિયો તથા મન દ્વારા ઉપજે છે તેથી તે
પરોક્ષ છે.
અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન એ બન્ને એકદેશ – પ્રત્યક્ષ છે, તેના વડે જીવ
મર્યાદિત દ્રવ્ય–ક્ષેત્ર – કાળ – ભાવને, ઈન્દ્રિય – મનના અવલંબન વિના પ્રત્યક્ષ –સ્પષ્ટ
જાણે છે.
કેવળજ્ઞાન સંપૂર્ણ પ્રત્યક્ષ છે; કેવળીભગવંત સમસ્ત દ્રવ્યના અનંતગુણોને તેમજ
અનંતપર્યાયોને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. જાણવામાં એને કોઈ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવની મર્યાદા નથી. અહો, આ કેવળજ્ઞાનનો અદ્ભુત – અચિંત્ય મહિમા છે. એની
ઓળખાણ કરતાં પણ જીવને જ્ઞાનસ્વભાવની પ્રતીત સહિત, અતીન્દ્રિય સુખના વેદનથી
ભરેલું સમ્યગ્જ્ઞાન પ્રગટે છે, પ્રવચનસારમાં આચાર્યદેવે તેનો ઘણો મહિમા

PDF/HTML Page 29 of 41
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
વર્ણવ્યો છે અરે, કેવળજ્ઞાનના તો મહિમાની શી વાત! – ચોથા ગુણસ્થાનનું જે
સમ્યગ્જ્ઞાન મતિ–શ્રુતરૂપ છે તેનો પણ અપૂર્વ મહિમા છે, તે પરમ આનંદમય અમૃત છે,
તે મોક્ષને સાધનારું છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને સમ્યગ્દ્રર્શન સાથે વર્તતાં સમ્યગ્જ્ઞાનની આ વાત છે. પરને
જાણનારા મતિ–શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય –મનનું અવલંબન છે, પણ તે મતિ – શ્રુતજ્ઞાન
જ્યારે આત્માની સન્મુખ થઈને નિર્વિકલ્પ સ્વસંવેદન કરે છે ત્યારે તેમાં મન કે
ઈંન્દ્રિયનું આલંબન રહેતું નથી, તેટલા અંશે સ્વસંવેદનમાં તે પણ પ્રત્યક્ષ છે. તત્ત્વાર્થસૂત્ર
વગેરેમાં જ્યાં મતિ–શ્રુતજ્ઞાનને સામાન્યપણે પરોક્ષ કહ્યા છે તેમાં એટલું વિશેષ સમજવું
કે નિર્વિકલ્પ અનુભવદશામાં તો તે જ્ઞાનો સ્વસંવેદન પ્રત્યક્ષ છે, અતીન્દ્રિય છે, મન–
ઈન્દ્રિયના અવલંબન વગરના છે. આવું અતીન્દ્રિય આત્મજ્ઞાન ગૃહસ્થને પણ થાય છે.
પણ જ્ઞાનમાં સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ – સ્વસંવેદનનો કાળ ક્યારેક જ હોય છે. તેથી
તેની વાત મુખ્ય ન કરતાં સામાન્ય વર્ણનમાં મતિ–શ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યા
છે.
જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેયના ભેદના વિકલ્પ રહિત થઈને જ્યારે આત્મા પોતે પોતાના
સ્વરૂપને જ અનુભવે છે – જાણે છે ત્યારે તેને પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાન છે. સમ્યગ્દ્રર્શન
થતી વખતે જ્ઞાનમાં આવું અતીન્દ્રિયપણું થયું ત્યારે તે સમ્યક્ થયું તે જ્ઞાન અતીન્દ્રિય
આનંદના વેદનસહિત છે. એ સિવાયના કાળમાં મતિ–શ્રુતજ્ઞાન પરોક્ષ છે. જેમાં
ઈન્દ્રિયોનું નિમિત્ત હોય તે જ્ઞાનથી તો ઈન્દ્રિયના વિષયભૂત રૂપી પદાર્થો જ જણાય. પણ
કાંઈ અરૂપી આત્મા તેનાથી ન જણાય. ભગવાન ચૈતન્યસૂર્ય પોતે પોતાને પ્રકાશે તેમાં
જડ ઈન્દ્રિયનું નિમિત્ત કેવું? અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મવસ્તુ છે તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. તે
પોતે ઈન્દ્રિયજ્ઞાનવડે જાણતો નથી, તેમજ ઈન્દ્રિયજ્ઞાનવડે તે જાણવામાં આવે તેવો નથી,
મનના અવલંબને પણ તે જણાય તેવો નથી. મનના અવલંબને તો સ્થૂળ પરવસ્તુ
પરોક્ષ જણાય છે.
આંખ દ્વારા શરીરાદિનું રૂપ દેખાય, પણ આંખ દ્વારા કાંઈ આત્મા ન દેખાય.
જ્ઞાન રાગાદિથી છૂટું પડી, અંતર્મુખ થઈને જ્યારે પોતે પોતાને પકડે છે ત્યારે શાંતિનું
વેદન થાય છે. તે અતીન્દ્રિય શાંતિના વેદનકાળમાં સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને ચોથાગુણસ્થાને
પણ જ્ઞાન અતીન્દ્રિય છે તેથી પ્રત્યક્ષ છે. સ્વ તરફ ઝુકેલું જ્ઞાન એકલા આત્મસાપેક્ષ
હોવાથી પ્રત્યક્ષ છે, તેમાં બીજા કોઈનું અવલંબન નથી. –આવા અતીન્દ્રિય જ્ઞાન વડે જ
મોક્ષમાર્ગ શરૂ થાય છે.

PDF/HTML Page 30 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
પ્રશ્ન:– આપ કહો છો કે આત્માને દેખો. હવે આંખથી તો આત્મા દેખાય
નહીં, ને આંખ મીંચીએ તો અંદર અંધારું – અંધારું લાગે; તો આત્માને જોવો કઈ
રીતે?
ઉત્તર: – ભાઈ, ઈન્દ્રિયજ્ઞાનવડે આત્મા ન દેખાય, અતીન્દ્રિય જ્ઞાનવડે જ
આત્મા દેખાય. આંખ મીંચી ત્યારે પણ ‘આ અંધારું છે, ને અંધારું છે તે હું નથી’ –
એમ કોણે જાણ્યું? આત્માએ કે બીજા કોઈએ? અંધારાને જાણનારો પોતે કાંઈ
આંધળો નથી, એ તો જાગૃત ચૈતન્યસત્તા છે, ને તે જ આત્મા છે. પહેલાંં
ચૈતન્યવસ્તુ કેવી છે તે બરાબર લક્ષગત કરવી જોઈએ; પછી તેનો અત્યંત રસ અને
અત્યંત મહિમા આવતાં, પરિણામ તેમાં એકાગ્ર થઈને, અનુભવમાં તેનો સાક્ષાત્કાર
થાય છે, ‘આ અંધારું છે’ એમ અંધારાને દેખ્યું કોણે? અંધારું પોતે પોતાને નથી
દેખતું, પણ ચૈતન્યસત્તા દેખે છે કે આ અંધારું છે, ને હું તેને જાણનાર છું. અંધારાને
જાણનારો ‘હું અંધારું છું’ એમ નથી જાણતો પણ ‘આ અંધારું છે’ એમ જાણે છે,
એટલે કે અંધારાને જાણનારો અંધારાથી જુદો છે. બસ! આ જાણનાર તત્ત્વ તે જ
આત્મા છે, અને અંતર્મુખ મતિ–શ્રુતજ્ઞાન વડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણી
શકાય છે. બાકી આંખ વગેરેથી આત્મા જણાય નહીં. ભાઈ, જે ચૈતન્યસત્તામાં આ
બધું જણાય છે તે તું જ છો. તેને અંદર વિચારમાં લે. અનાદિથી પોતે પોતાની
ચૈતન્યસત્તાનો વિચાર કર્યો નથી. જાણનારો પોતે ‘હું જાણનાર છું’ એમ પોતાના
અસ્તિત્વને જ ન માને – એ આશ્ચર્ય છે.
હે જીવ! જ્ઞાન તે તારું સ્વ છે, અંધારું પર છે. અંધકાર અને પ્રકાશ એ બન્ને
પર્યાયો પુદ્ગલની છે, તેને જાણનારું અરૂપી જ્ઞાન આત્માનું છે. આવા આત્માના નિર્ણય
માટે અંદર ઉદ્યમ કરવો જોઈએ. બહારમાં પાંચ–પચાસ હજાર રૂપિયા મેળવવા માટે
કેટલા પ્રેમથી મહેનત કરે છે? ઘરબાર છોડીને, ખાવાપીવાની મુશ્કેલી વેઠીને પણ પૈસા
કમાવા પરદેશ જાય છે ને દિનરાત મજૂરી કરે છે. તો આ સાદિઅનંત મહાન સુખ દેનારી
પોતાની અદ્ભુત જ્ઞાનલક્ષ્મી કેવી છે? તેને પ્રાપ્ત કરવા, તેનો અનુભવ કરવા, અંતરમાં
કેટલા પેમથી ઉદ્યમ કરવો જોઈએ? બાપુ! તારી સાચી લક્ષ્મી તો આ સમ્યગ્જ્ઞાન છે કે જે
પરમસુખ દેનાર છે; બાકી પૈસા વગેરે તો ધૂળ–રજકણ છે, તે કાંઈ તારી લક્ષ્મી નથી ને
તેમાંથી તને કદી સુખ મળવાનું નથી.
જ્ઞાનનો સ્વભાવ પ્રત્યક્ષ એટલે એકલા આત્માથી જાણવાનો છે; જાણવામાં
પરનું અવલંબન લ્યે એવો તેનો સ્વભાવ નથી. આંખથી નજરે દેખાય તે પ્રત્યક્ષ –
એ વ્યાખ્યા

PDF/HTML Page 31 of 41
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
સાચી નથી. આંખ વગર એકલા આત્માથી સીધું જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ છે, ને આંખ
વગેરે પરની અપેક્ષાસહિત જે જ્ઞાન થાય તે તો પરોક્ષ છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં પરનું
અવલંબન હોતું નથી. અરે, જાણવાનો સ્વભાવ પોતાનો, તેમાં વળી પરના આલંબનની
પરાધીનતા કેવી? પરાલંબી પરોક્ષ–જ્ઞાનવડે આત્મા જણાય નહીં. ઈન્દ્રિયાતીત અને
રાગથી પાર એવા સ્વાધીન અતીન્દ્રિય જ્ઞાનવડે આત્મા જણાય છે. સ્વાધીન કહો,
અતીન્દ્રિય કહો કે પ્રત્યક્ષ કહો, તે જ્ઞાન સ્પષ્ટ છે, તેનો આરંભ ચોથા ગુણસ્થાનથી થઈ
જાય છે, ચોથા ગુણસ્થાને સ્વાનુભૂતિમાં સમ્યક્ મતિ– શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ હોય છે, તેમાં
ઈન્દ્રિય કે મન નિમિત્ત નથી. આવું સ્વાનુભવ પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાન આઠ વર્ષની
બાલિકાને પણ થાય છે. તે સમ્યગ્દ્રષ્ટિ બાલિકાને અંતરમાં ધ્યાનકાળે પોતાના જ્ઞાન–
આનંદમય આત્માનું વેદન, રાગ અને ઈન્દ્રિયોની અપેક્ષા વગરનું છે; તે વખતના
સમ્યગ્જ્ઞાનને અધ્યાત્મ શૈલીમાં પ્રત્યક્ષ કહેવાય છે. તે ધ્યાનમાં હોય ત્યારે સ્વાનુભવમાં
પોતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, ત્યારે બહારમાં બીજા બધાનું લક્ષ છૂટી
જાય છે. આ રીતે જ્ઞાન પોતે પોતામાં એકાગ્ર થઈને અતીન્દ્રિયપણે આત્માને અનુભવે
છે ત્યારે આત્મામાં અતીન્દ્રિય આનંદરસની ધારા ઉલ્લસે છે. સિંહ વગેરે પશુઓમાં પણ
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય તે જીવને આવું પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ્યું હોય છે. તીર્થંકર
પરમાત્માના સમવસરણમાં નાગ ને વાઘ હાથી ને હરણ સિંહ ને સસલાં વગેરે પશુઓ
પણ આવે છે ને તેમાથી ઘણા જીવો આવા આત્માનું સ્વરૂપ ઓળખીને પ્રત્યક્ષ –
અતીન્દ્રિય જ્ઞાનવડે તેનો અનુભવ કરે છે. મહાવીર ભગવાનના આત્માએ સિંહપર્યાયમાં
આવો અનુભવ કર્યો હતો, ને પાર્શ્વનાથ ભગવાનના આત્માએ હાથીની પર્યાયમાં આવો
અનુભવ કર્યો હતો. તે સિંહને તથા હાથીને પણ આવું પ્રત્યક્ષ – અતીન્દ્રિય જ્ઞાન હતું.
અત્યારે પણ આ મધ્યલોકમાં અસંખ્ય પશુઓ આવા આત્મજ્ઞાન સહિત વર્તે છે.
અહા, સમ્યગ્જ્ઞાનની તાકાત તો જુઓ! ભાઈ, આવા જ્ઞાનસ્વરૂપ આત્મા તું
પોતે છો. આ દેહ કે રાગ તે તું નથી; અંદર આનંદમય જ્ઞાનસ્વરૂપ આત્મા છે – તે તું
છો. આવા આત્માનું જ્ઞાન કરવાનો આ અવસર છે. લંકાના મહારાજા રાવણનો મુખ્ય
હાથી ‘ત્રિલોકમંડન, ’ , જેને રામચંદ્રજી પોતાની સાથે અયોધ્યા લાવ્યા હતા, તે હાથીને
પણ આવું આત્મજ્ઞાન થયું હતું, તેમ જ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પણ થયુંહતું – એ
પણ આત્મા છે ને! એનામાંય જ્ઞાનશક્તિ ભરેલી છે; તે પોતે સ્વસંવેદનવડે પ્રત્યક્ષ
અનુભવમાં લઈને તેણે સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યું.

PDF/HTML Page 32 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
આ સમ્યગ્જ્ઞાનનું પ્રકરણ ચાલે છે. સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન સ્વસંવેદનકાળે પ્રત્યક્ષ છે
ને બાકીનાં કાળમાં પરોક્ષ છે. અવધિ અને મનઃપર્યય જ્ઞાન એકદેશપ્રત્યક્ષ છે, તેઓ ઈંદ્રિય
કે મનના નિમિત્ત વગર, અમુક મર્યાદિત ક્ષેત્રમાં રહેલા અમુક જ પદાર્થોને તેના અમુક જ
કાળને અને અમુક ભાવોને જ જાણે છે એટલે કે અધૂરા છે; જેટલું જાણે છે તેટલું તો પ્રત્યક્ષ
જાણે છે, પણ અધૂરું જાણે છે તેથી તેને દેશપ્રત્યક્ષ કહેવાય છે. શ્રુતજ્ઞાનમાં તો બધા
પદાર્થોને પરોક્ષ જાણવાની તાકાત છે–એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનમાં ઘણી તાકાત છે, ને
કેવળજ્ઞાન તો અદ્ભુત અચિંત્ય મહિમાવાળું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. સમ્યક્ મતિ –
શ્રુતજ્ઞાન બધા સમ્યગ્જ્ઞદ્રષ્ટિ–સાધકજીવોને હોય છે; અવધિજ્ઞાન કોઈ કોઈ જીવોને હોય છે.
તેમાં દેશઅવધિજ્ઞાન ચારેગતિમાં હોય છે; નરકમાં ને દેવમાં તો બધા સમ્યગ્દ્રષ્ટિને હોય છે,
ને તિર્યંચમાં તથા મનુષ્યમાં કોઈ કોઈ જીવોને હોય છે. વિશેષ અવધિજ્ઞાન (પરમ અવધિ
અને સર્વઅવધિ) તો કોઈ ખાસ મુનિવરોને જ હોય છે; કુઅવધિરૂપ વિભંગજ્ઞાન તો દેવ–
નારકીમાં બધા જીવોને હોય છે; ઘણા તિર્યંચો તેમજ મનુષ્યોને પણ વિભંગ જ્ઞાન હોય છે,
ને તેના વડે અનેક દ્વીપ–સમુદ્ર વગેરેને જાણી શકે છે; પણ મોક્ષમાર્ગમાં તેની કોઈ કિંમત
નથી; તે કાંઈ વીતરાગ વિજ્ઞાન નથી, તે તો અજ્ઞાન છે. સામાન્ય બળદ વગેરે અજ્ઞાની
પ્રાણી પણ જ્ઞાનના કંઈક ઉઘાડ વડે સામાના મનની વાત જાણી લ્યે ત્યાં અજ્ઞાનીઓને
આશ્ચર્ય ઊપજે છે, પણ અતીન્દ્રિય કેવળજ્ઞાનના અદ્ભુત અચિંત્ય સામર્થ્યની તેને ખબર
નથી, અરે! સમ્યગ્દ્રષ્ટિના સ્વસંવેદનમાં અતીન્દ્રિય મતિ–શ્રુતજ્ઞાનની કોઈ અપાર તાકાત
છે તેની પણ તેને ખબર નથી. જ્ઞાન તો કોને કહેવાય? – કે જે રાગથી પાર થઈને
આનંદરસમાં તરબોળ થયું છે – એવું જ્ઞાન તે જ જ્ઞાન છે, તે વીતરાગવિજ્ઞાન છે ને તે
મોક્ષનું કારણ છે. મનઃપર્યયજ્ઞાન પણ કોઈ વિશિષ્ટ ઋદ્ધિધારી મુનિઓને જ હોય છે, ને
તેમાંય વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન તો ચરમશરીરી મુનિવરોને જ હોય છે. કેવળજ્ઞાનરૂપ
મહા પ્રત્યક્ષ જ્ઞાન અરિહંત અને સિદ્ધભગવંતોને હોય છે. –આ રીતે પાંચ પ્રકારનું
સમ્યગ્જ્ઞાન જાણીને તેની આરાધના કરો.
કેવળજ્ઞાન પ્રગટ કરીને જેઓ પરમાત્મા થયા તેઓ, પહેલાંં અનાદિથી તો
બહિરાત્મા હતા; તેમણે પહેલાંંતો સમ્યગ્દ્રર્શન કર્યું, તેની સાથે મતિ શ્રુતરૂપ સમ્યગ્જ્ઞાન
થયું; એટલે બહિરાત્મપણું છોડીને તેઓ અંતરાત્મા થયા, પછી શુદ્ધોપયોગ વડે સ્વરૂપમાં
લીન થઈને ચારિત્રરૂપ મુનિદશા સાધી. તેમાં કોઈને અવધિ–મન: પર્યયજ્ઞાન પ્રગટે છે ને
કોઈને નથી પણ પ્રગટતા; – તેની સાથે મોક્ષમાર્ગનો સંબંધ નથી. પછી

PDF/HTML Page 33 of 41
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
શુદ્ધોપયોગ વડે સ્વરૂપમાં પૂર્ણ લીન થતાં વીતરાગતા અને કેવળજ્ઞાન થયું એટલે
કે તેઓ અરિહંત પરમાત્મા થયા. તે પરમાત્મા દિવ્યશક્તિવાળા કેવળજ્ઞાન વડે
ત્રણલોક–ત્રણકાળને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. ‘નમો અરિહંતાણં’ કહેતા આવા
કેવળજ્ઞાનની પ્રતીત સાથે આવવી જોઈએ, તો જ અરિહંતદેવને સાચા નમસ્કાર
થાય. પંચપરમેષ્ઠીમાં અરિહંતભગવાન તથા સિદ્ધભગવાન કેવળજ્ઞાની છે.
સીમંધરભગવાન વગેરે લાખો અરિહંતભગવંતો અત્યારે પણ આ મનુષ્યલોકમાં
વિચરી રહ્યા છે. આવા કેવળજ્ઞાનની પ્રતીત આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક
થાય છે. એવું કેવળજ્ઞાન કેમ થાય? – કે સર્વજ્ઞસ્વભાવી આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક તેનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે, બીજા કોઈ ઉપાયથી
કેવળજ્ઞાન થતું નથી. પહેલાંં સમ્યગ્જ્ઞાન પણ શુભરાગથી નથી થતું પણ રાગ
વગરના આત્માના અનુભવથી જ થાય છે; ને પછી કેવળજ્ઞાન પણ રાગરહિત
આત્માના અનુભવમાં એકાગ્રતારૂપ શુદ્ધપયોગવડે જ થાય છે. – આમ ઓળખે તો
જ કેવળજ્ઞાનને ઓળખ્યું કહેવાય. રાગવડે જ્ઞાન થવાનું માને તેણે કેવળજ્ઞાનને કે
એકકેય જ્ઞાનને ઓળખ્યું નથી; તેણે તો જ્ઞાન અને રાગની ભેળસેળ કરીને
કેવળજ્ઞાનને પણ રાગવાળું માન્યું; કેમકે રાગને કારણ માન્યું તો તેનું કાર્ય પણ
રાગવાળું જ હોય. – પણ જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા જાણીને
જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવો તે જ કેવળજ્ઞાનનું કારણ છે – એમ ધર્મી જીવો
જાણે છે, ને તેઓ જ્ઞાન સાથે રાગની જરાપણ ભેળસેળ કરતા નથી;
વીતરાગવિજ્ઞાનવડે તેઓ કેવળજ્ઞાનને અને મોક્ષસુખને સાધે છે.
ચૈતન્યની અગાધ તાકાતવાળું, અને સર્વથા રાગ વગરનું એવું કેવળજ્ઞાન
છે, તે કેવળજ્ઞાનનો સ્વીકાર રાગવડે થઈ શકતો નથી પણ જ્ઞાનસ્વભાવની
સન્મુખતાથી જ થાય છે. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં રાગથી જુદો પડ્યો એટલે
પોતામાં ભેદજ્ઞાન થઈને સમ્યગ્જ્ઞાન થયું, ત્યાં સર્વજ્ઞની પણ સાચી ઓળખાણ થઈ.
તે જ્ઞાન સાથે રાગ વગરનું વીતરાગી સુખ પણ ભેગું જ છે. સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન
તે રાગથી ભિન્ન કેવળજ્ઞાનની જાતના જ છે, તેઓ કેવળજ્ઞાન સાથે કેલિ કરનારા
છે.
આ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ ઓળખીને તેનું સેવન કરો; કેમકે જગતમાં
સમ્યગ્જ્ઞાન સિવાય બીજું કોઈ જીવને સુખનું કારણ નથી; સમ્યગ્જ્ઞાન જ જન્મ–
મરણનાં દુઃખોને મટાડનારું ને મોક્ષસુખ દેનારું પરમ અમૃત છે.

PDF/HTML Page 34 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧ :
જ્ઞાનરૂપી મેઘવર્ષા વરસી..... ને ભવદાવાનળ બુઝાઈ ગયો
સમ્યક્ત્વને શ્રાવણમાસની ઉપમા છે; શ્રાવણ માસમાં જેમ મેઘવર્ષા થાય
છે ને સર્વત્ર શાંતિ પ્રસરે છે, તેમ સમ્યક્ત્વ થતાં આત્મામાં અપૂર્વ શાંતરસની
મેઘવર્ષા થાય છે. છહઢાળામાં પં. દૌલતરામજી કહે છે કે સમ્યગ્જ્ઞાનરૂપી મેઘવર્ષા
જ આ ભયાનક દુઃખ દાવાનળને બુઝાવવાનો ઉપાય છે –
“વિષય ચાહ–દવદાહ જગતજન–અરનિ દઝાવૈ;
તાસ ઉપાય ન આન જ્ઞાન–ઘનઘાન બુઝાવે.”
અહો, જ્ઞાન અને રાગની ભિન્નતાના ભાવભાસન વડે જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં
આત્મામાં ચૈતન્યના શાંતરસની એવી મેઘવર્ષા થઈ કે અનાદિના વિષય–કષાયની
ભયંકર આગ ક્ષણમાત્રમાં ઠરી ગઈ. જ્ઞાન થતાં જ કષાયોથી આત્મા જુદો પડી ગયો ને
ચૈતન્યના પરમ શાંતરસમાં મગ્ન થયો. પછી જે અલ્પ રાગાદિ રહ્યા તે તો જ્ઞાનથી
જુદાપણે રહ્યા છે, એકપણે રહ્યા નથી. કષાયના કોઈ અંશને ધર્મીજીવ જ્ઞાનમાં ભેળવતા
નથી... આવું અપૂર્વ જ્ઞાન તે પરમ મહિમાવંત છે – એમ મુનિનાથે કહ્યું છે.
સમ્યગ્જ્ઞાનવડે આત્માના અનુભવથી અંતરમાં જ્યાં શાંત ચૈતન્યરસની ધારા
ઉલ્લસી, ત્યાં ધર્મી કહે છે કે –
અબ મેરે સમકિત – સાવન આયો....
અનુભવ–દામિની (વીજળી) દમકન લાગી, સુરતિ ઘટા ઘન છાયો;
સાધકભાવ – અંકૂર ઊઠે બહુ જિત–તિત હરષ છવાયો... અબ મેરે સમકિત૦
અમારા આત્મામાં સમ્યક્ત્વરૂપી શ્રાવણમાસ આવતાં હવે મોહની ગ્રીષ્મઋતુનો
ઊકળાટ શમી ગયો છે ને શાંતરસની ઘનઘોર ધારા અસંખ્યપ્રદેશમાં સર્વત્ર વરસી રહી
છે; મોહની ધૂળ હવે ઊડતી નથી; સ્વાનુભવરૂપી વીજળીના ઝબકારા થાય છે, ને ધર્મના
નવીન આનંદમય અંકૂરા ફૂટયા છે. – આમ ધર્મીને સમ્યગ્જ્ઞાનની મેઘવર્ષા

PDF/HTML Page 35 of 41
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
વરસે છે પરમ આનંદ થાય છે. જેને પોતામાં આવી સમ્યગ્જ્ઞાનધારા વરસતી નથી
એવો અજ્ઞાની મોહના ઊકળાટમાં બળે છે, તેને તો દુષ્કાળ છે. જ્ઞાનની મેઘવૃષ્ટિ
વગર એને શાંતિ ક્્યાંથી થાય? માટે હે જીવ! તું સમ્યગ્જ્ઞાન કર.
અરે, તારે તારું હિત સાધવાનો આ અવસર છે, તો તેમાં વિકારથી જ્ઞાનને
ભિન્ન કરવાનો અવસર શું તને નહિ મળે? જો વિકારથી જ્ઞાનને ભિન્ન કરવાનો
પ્રયત્ન નહીં કર તો તને મોક્ષનો અવસર ક્્યાંથી આવશે? સળગતા સુકા વનની
જેમ રાગની ચાહમાં સળગતો આ સંસાર, તેનાથી છૂટવા માટે તારા
ચૈતન્યગગનમાંથી તું સમ્યગ્જ્ઞાનના શાંત જળની મેઘધારા વરસાવ.
આત્માને સમજાય અને આત્માથી થઈ શકે – એવી વાત છે. એકકોર
વીતરાગી શાંતરસનો દરિયો, બીજીકોર સંસારના રાગરૂપી દાવાનળ, – તે બંનેને
ભિન્ન જાણનારૂં સમ્યગ્જ્ઞાન રાગના દાવાનળને બુઝાવી નાંખે છે, ને આત્માને
શાંતિમાં ઠારે છે.
જેમ ઠંડો બરફ, અને ઉનો અગ્નિ, એ બંનેનો સ્પર્શ જુદી જાતનો છે, તેમ
શાંતરસરૂપ જ્ઞાન, અને આકુળતારૂપ રાગ, એ બંનેનો સ્વાદ તદ્ન જુદી જાતનો છે,
તે જ્ઞાનથી ઓળખાય છે, રાગથી ભિન્ન જ્ઞાનના અચિંત્ય સુખનો સ્વાદ જેણે
ચાખ્યો છે એવા જ્ઞાની જાણે છે કે – જ્ઞાનથી ભિન્ન એવા જે શુભાશુભ
ઈન્દ્રિયવિષયો તેમાં ક્્યાંય મારા સુખનો છાંટોય નથી; તેમાં પરમાં સુખ માનવું તે
મિથ્યાત્વ છે. જ્યાં સુખ ભર્યું છે એવા સ્વવિષયને ભૂલીને, પરવિષયોમાં
સુખબુદ્ધિને લીધે મિથ્યાદ્રષ્ટિ જીવ વિષયકષાયની ભયંકર આગમાં નિરંતર બળી
રહ્યો છે, – દુઃખી થઈ રહ્યો છે. તારા આત્માને દુઃખમાં બળતો બચાવવા માટે હે
જીવ! તું શીઘ્રપણે વિષયોથી ભિન્ન એવા તારા ચૈતન્યઅમૃતના સમુદ્રને દેખ. એક
વહાલો ભાઈ કે બહેન બળતી હોય, કે ઘર સળગતું હોય તો તેને બચાવવા બીજા
બધા કામ પડતા મુકીને કેવી તાલાવેલી કરે છે! તો અહીં વહાલામાં વહાલો એવો
પોતાનો આત્મા ભયંકર ભવદુઃખના અગ્નિમાં બળી રહ્યો છે તેને બચાવવા હે જીવ!
તું શીઘ્ર તાલાવેલી કર... ને સમ્યગ્જ્ઞાન કર. સમ્યગ્જ્ઞાન થતાં આત્મામાં શાંતરસની
અતીન્દ્રિય મેઘધારા વરસશે. આ સમ્યગ્જ્ઞાન જ ભયંકર સંસાર – દાવાનળથી
બચવાનો એકમાત્ર ઉપાય છે. તેથી મુનિવરોએ સમ્યગ્જ્ઞાનને અત્યંત પ્રશંસ્યું છે.

PDF/HTML Page 36 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
અહા, જુઓ તો ખરા સમ્યગ્જ્ઞાનનો મહિમા! સમ્યગ્જ્ઞાન થયું ત્યાં આત્મામાં
ધર્મનું ચોમાસું બેઠું.... ને શાંતિની અમીરસધારા વરસી. સમ્યગ્જ્ઞાન થતાં ચેતન્યમાં
શાંતિના શીતળ ફૂવારા ઊછળે છે, તે શાંતિની ધારા વિષય–કષાયના અગ્નિને બુઝાવી દે
છે. સમ્યગ્જ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે જીવને વિષય–કષાય મટે નહિ ને સુખ–શાંતિ
થાય નહીં. માટે હે જીવ! તું શીઘ્ર સમ્યગ્જ્ઞાનનું સેવન કર. ધર્મના અંકૂર ઊગાડવા માટે
હવે આ ‘શ્રાવણ માસ આવ્યો છે. ’
રાવણના રાજ્યમાં..... અને અત્યારે...!
પદ્મપુરાણમાં એક વાત આવે છે: લંકાનો રાજા રાવણ
ત્રણખંડનો દિગ્વિજય કરવા નીકળ્‌યો ત્યારે મરૂત રાજાના
બ્રાહ્મણો યજ્ઞમાં પશુવધ કરી રહ્યા હતા; નારદે તેમની સાથે
ઝગડો કરીને તેમને પશુવધ કરતા રોક્યા. તે બધાએ ભેગા
થઈને નારદને માર્યા ને પકડ્યા. આ સમાચાર જાણીને
રાવણને ઘણો ક્રોધ થયો કે અરે, આ શું? મારા રાજ્યમાં
જીવઘાત કરે છે? – તેણે હિંસક જીવોને શિક્ષા કરી ને નારદને
છોડાવીને તેની પ્રશંસા કરી. રાજાને પકડ્યો; ત્યારે તે રાજા
નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે લંકેશ! મને ક્ષમા કરો.
અજ્ઞાનીઓના મિથ્યા ઉપદેશથી હું હિંસામાર્ગમાં પ્રવર્ત્યો હતો,
તેમાંથી ઉદ્ધાર કરીને તમે મને અહિંસામય ધર્મમાં જોડ્યો છે.
– આ રીતે રાજા રાવણના વખતમાં પણ જાહેરમાં
જીવહિંસા થઈ શકતી ન હતી... અને અત્યારે... સ્વરાજ્યમાં?
.... રાજ્યની મદદથી લાખો પશુહિંસાના જાહેર કારખાના
સ્થપાય છે! રે કાળ!
નરકમાં સિંહ – વાઘ – વીંછી – સર્પ હોય?
ના; ત્યાં એવા તિર્યંચજીવો હોતાં નથી; નરકમાં જે સિંહ
વાઘ – વીંછી – સર્પ વગેરે દેખાય છે તે તો માયામયી છે એટલે
કે તે નારકીઓએ અથવા પરમાધામી દેવોએ કરેલી વિક્રિયા છે.
પંચેન્દ્રિયતિર્યંચો કે વિકલેન્દ્રિયજીવો ત્યાં હોતા નથી.

PDF/HTML Page 37 of 41
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
ધર્માત્માની સંપદા:–
(પૃષ્ટ ૮ના લેખનો બીજો ભાગ)
– આમ કહે કે અમે જૈન, અમે વીતરાગદેવના ભક્ત; પણ જરાક અનુકૂળતા
આવે ત્યાં લલચાઈ જાય ને હર્ષમાં એકાકાર થઈ જાય, તથા પ્રતિકૂળતા આવે ત્યાં અંદર
મહા ખેદખિન્ન થઈને તે ખેદમાં એકાકાર થઈ જાય, હર્ષ–શોકથી જુદા જ્ઞાનને ભૂલી જાય;
સંયોગ ફરતાં જાણે આત્મા જ ખોવાઈ ગયો! – એ તે કાંઈ વીતરાગના ભક્તને શોભે
છે? જિનભગવાનનો ભક્ત ધર્મી તો ગમે તે સંયોગમાં, સંયોગથી ભિન્ન આત્માને ભૂલે
નહીં, આત્માનું જ્ઞાન છોડીને તેને હર્ષ–શોક થાય નહીં; હર્ષ–શોકથી જ્ઞાન જુદું ને જુદું
રહે એટલે શાંતિનું વેદન રહે. ઘણા કહે છે કે “અરેરે! અમને ક્યાંય શાંતિ નથી! ’ –
પણ બાપુ! તું પોતાને વીતરાગનો ભક્ત અને જિનેશ્વરનો પુત્ર કહેવડાવે અને તને
શાંતિ કેમ નહીં? વિચાર તો ખરો! વીતરાગનો પુત્ર રાગના ફળમાં અટકે નહિ, એ તો
બંનેનો જ્ઞાતા રહીને, પોતાના જ્ઞાનની અપૂર્વ શાંતિને અનુભવે. હર્ષ – શોકથી પાર
આત્માના આનંદનો સ્વાદ તેણે ચાખ્યો છે.
‘સમય બદલાય છે જ્યારે... બધું પલટકાય છે ત્યારે! ’ – જાણે સંયોગ પલટતાં
આત્મા જ આખો પલટી ગયો! એમ અજ્ઞાની સંયોગને જ જોઈને હર્ષ–શોક કર્યાં કરે છે,
પણ ભાઈ! સંયોગમાં તું ક્યાં છો? સંયોગ પલટતાં તું ક્યાં પલટી ગયો છો? તું તો
જ્ઞાનરૂપ જ રહ્યો છો. સંયોગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપને લક્ષમાં તો લે. તો તને સંયોગમાં
હર્ષ–શોકની બુદ્ધિ છૂટી જશે, ને જ્ઞાનની ભાવનાથી અપૂર્વ શાંતિનું વેદન થતાં સંસારના
જન્મ–મરણના ફંદા મટી જશે. માટે ભેદજ્ઞાન કરીને આવી જ્ઞાનભાવના નિરંતર કરવી –
તે જ જગતમાં સાર છે. તે જ આત્માની સાચી સંપદા છે.

(ચક્રવર્તીના પુત્રો પ્રભુપાસે જઈને જિનદીક્ષા લેતાં કહે છે કે હે દેવ! આ
ચક્રવર્તીની સંપદામાં સુખ નથી, અમારી ચૈતન્યસંપદામાં જ અમારું સુખ છે... એમ અમે
આપના માર્ગથી જાણ્યું છે. તેને પૂર્ણ સાંધવા માટે અમે જિનદીક્ષા લેવા માંગીએ
છીએ..)’

PDF/HTML Page 38 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૫ :
વિવિધ સામાચાર:–
* સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યા છે. પ્રવચનમાં સવારે
નિયમસાર (નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર) અને બપોરે સમયસાર (સર્વવિશુદ્ધ
અધિકાર) વંચાય છે. પરમાગમ–મંદિરનું કામકાજ ચાલુ છે. આવતી સાલમાં
એટલે કે બરાબર વીરનિર્વાણ સંવત ૨પ૦૦ માં, પરમાગમ–મંદિરનું ઉદ્ઘાટન
કરવાનો વિચાર છે. તે ઉપરાંત પરમાગમ–મંદિરમાં ભગવાન મહાવીરપ્રભુની
એક મોટી પ્રતિમા પણ બિરાજમાન કરવાનું નકકી કર્યું છે, એટલે પંચકલ્યાણક–
પ્રતિષ્ઠાનો પણ ભવ્ય મહોત્સવ થશે. પ્રતિમાજી માટે જયપુર ઓર્ડર આપેલ છે.
પ્રતિમાજીની નીચેના ભાગમાં જાણે વીરનાથની વાણીનો પ્રવાહ ઝીલીને
કુંદકુંદાચાર્યદેવ સમયસારમાં ભરી રહ્યા છે – એવું દ્રશ્ય આરસમાં કોતરાશે. આ
રીતે ત્રણ શિખરયુક્ત પરમાગમ મંદિર વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રરૂપ રત્નત્રયથી
શોભી ઊઠશે. એ શોભા નીહાળવા મુમુક્ષુઓ આતૂર છે.
* આ વખતે શ્રાવણમાસનો શિક્ષણવર્ગ ચાલવાનો નથી. પરંતુ ધાર્મિક પ્રવચનના
આઠ દિવસો, તેમ જ દશલક્ષણી પર્વના દિવસો દરવર્ષની જેમ જ ઉજવાશે.
સોનગઢમાં બાળકોની પાઠશાળા સુંદર નિયમિત ચાલે છે.
* હિંદી जैनतत्त्वमीमांसा બીજી આવૃત્તિ છપાવવાની છે. જેમને જોઈતી હોય
તેઓએ પોતાનો ઓર્ડર અગાઉથી નોંધાવી દેવા સૂચના છે.
* જામનગરમાં સ્વાધ્યાય મંદિરનું શિલાન્યાસ અષાડ સુદ બીજના દિવસે ત્યાંના
પ્રમુખશ્રી ખેતશીભાઈ પોપટભાઈના શુભ હસ્તે થયું છે.
* વિદિશા (મધ્યપ્રદેશ) માં ગતમાસમાં પ્રતિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન થયું
હતું. તેમાં અનેક વિદ્વાન ભાઈઓ આવ્યા હતા, ને હજારો જિજ્ઞાસુઓએ ખૂબ
ઉત્સાહથી ભાગ લીધો હતો. બાલશિક્ષણવર્ગમાં પણ પ૦૦ જેટલા બાળકો
ભણતા હતા. – આ ઉપરથી બાળકોને મૂળથી જ ધર્મસંસ્કાર કેટલા જરૂરી છે
તેનો ખ્યાલ આવશે. બાળકોના ધર્મશિક્ષણ માટે હવે સૌરાષ્ટ્રે જાગવાની ખાસ
જરૂર છે. વિદિશામાં ૨૦ દિવસ સુધી જાણે જ્ઞાનનો મેળો ભરાયો હતો. સેંકડો
ધાર્મિકશિક્ષકો પણ તૈયાર થઈ રહ્યા છે; મધ્યપ્રદેશમાં ઠેરઠેર ધાર્મિક પાઠશાળાઓ
ચાલુ થઈ રહી

PDF/HTML Page 39 of 41
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
છે, ને તેમાં ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. શ્રુતપંચમીના દિવસે ષટ્ખંડાગમની
મહાન શ્રુતયાત્રા નીકળી હતી. અગાઉ ચાર વખત મહાન શિક્ષણશિબિરોનું
આયોજન થઈ ગયું હતું, આ પાંચમી શિક્ષણશિબિર પણ ખૂબ પ્રભાવશાળી હતી.
અને હવે પછીની શિક્ષણશિબિર ગુજરાતમાં આવતા વર્ષે કરવાનું ભાઈશ્રી
બાબુભાઈએ જાહેર કર્યું છે. તેમજ મહારાષ્ટ્રમાં પણ શિક્ષણશિબિરનું આયોજન
દીવાળીની રજાઓ વખતે કરવાનું આયોજન ભાઈશ્રી ધન્યકુમારજી બેલોકર કરી
રહ્યા છે. શિક્ષણશિબિરો દ્વારા જે મહાન જ્ઞાનપ્રભાવના થઈ રહી છે – તેને માટે
સૌએ પૂ. ગુરુદેવનો ઉપકાર માન્યો છે.
* * * * *
વૈરાગ્ય સમાચાર –
* દહેગામના ભાઈશ્રી ભીખાલાલ મગનલાલ તા. ૪–૭–૭૩ ના રોજ સોનગઢ
(જીથરી અમરગઢ મુકામે) સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ
સોનગઢ રહેતા. સ્વર્ગવાસના થોડા જ વખત પહેલાંં પૂ. ગુરુદેવ તેમને દર્શન દેવા
પધાર્યા હતા, ને શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘનનું શ્રવણ કરાવ્યું હતું, તે તેમણે પ્રેમથી
સાંભળ્‌યું હતું. પૂ. બેનશ્રી–બેન પણ દર્શન દેવા પધાર્યા હતા.
* વઢવાણના સરોજબેન અમૃતલાલ દોશી તા. ૧૪–૪–૭૩ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
* જામનગરના સરોજબેન (તે અનિલકુમાર સી. પુનાતરના ધર્મપત્ની) તા. ૨૭–
૬–૭૩ ના રોજ પચીસ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે.
* વીંછીયાના રંભાબેન (તેઓ મુગટલાલ અમૃતલાલના માતુશ્રી ઉ. વર્ષ ૬પ) તા.
૧૬–૬–૭૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.

PDF/HTML Page 40 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
जय गीरनार









ગીરનારધામ ઉપર બેઠાબેઠા પૂ. ગુરુદેવે, ભક્તિભીનસ હૃદયે
નેમિનાથ ભગવાનના સ્મરણપૂર્વક લખેલા આ હસ્તાક્ષર છે.
અરિહંતોનો મેળો.... ગીરનારનું ગૌરવ....!
સૌરાષ્ટ્રનું પવિત્રધામ ગીરનાર... નેમિનાથ તીર્થંકરના ત્રણ કલ્યાણકથી પાવન
થયું છે.... પ્રભુ અવારનવાર ગીરનાર પધારતા ને ધર્મોપદેશ દેતા... શ્રી કૃષ્ણ વગેરે પણ
પ્રભુના દર્શન કરવા આવતા. –આ વાત તો ઘણા વાંચકો જાણતા હશે.... પરંતુ એ વખતે
ગીરનાર ઉપર કેટલા અરિહંત ભગવંતોનો મેળો ભરાતો – એની ઘણાને ઓછી ખબર
હશે. નેમિનાથપ્રભુ તો અરિહંતપદે બિરાજતા જ હતા, તેમની સાથે સમવસરણમાં બીજા
પણ અરિહંતભગવંતો બિરાજતા હતા. – કેટલા ખબર છે? બેપાંચ કે પચીસ–પચાસ
નહીં પણ એક હજાર ને પાંચસો કેવળી અરિહંત ભગવંતો ત્યાં બિરાજતા હતા. વાહ!
ગીરનાર ઉપર દોઢ–દોઢહજાર અરિહંતો એક સાથે બિરાજતા હતા, એ વખતે એ દોઢ
હજાર અરિહંતોના વીતરાગી મેળાથી ગીરનાર કેવો શોભતો હશે! આજે પણ ગીરનારને
જોતાં એ મધુરા દ્રશ્યોની સ્મૃતિ આહ્લાદ જગાડે છે. અહા, ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કે
જ્યાં એકસાથે દોઢ હજાર જિનેન્દ્રભગવંતો આકાશમાં વિચરતાં હતા!