Moksha Marg Prakashak (Gujarati). Shree Siddha Parmesthinu Swaroop; Acharya, Upadhyay Ane Sadhunu Swaroop; Acharyanu Swaroop; Upadhyayanu Swaroop; Sadhunu Swaroop; Poojyatvanu Karan; Shreshth Siddhpad Pahela Arihantne Namaskar Karavanu Karan; Arihantadikathi Prayojanani Siddhi; Mangalacharan Karavanu Karan; Granthani Pramanikata Ane Aagam Parmapara; Granthakartano Aagam Abhyas; Asatyapad Rachanano Nishedh; Keva Shastra Vanchava-sambhaLava Yogya Chhe; Vaktanu Swaroop; Shrotanu Swaroop; Mokshamargaprakashak Granthani Sarthakata.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 20

 

Page -7 of 370
PDF/HTML Page 21 of 398
single page version

વળી જે સર્વથા સર્વ રાગ-દ્વેષાદિ વિકારભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે, ક્ષુધા-
તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે, આયુધ અંબરાદિ વા અંગ
વિકારાદિક જે કામ
ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેથી રહિત જેનું પરમૌદારિક શરીર થયું
છે, જેના વચનવડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે, અન્ય
લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને
સંયુક્તપણું હોય છે, તથા જેને પોતાના હિતને અર્થે શ્રીગણધર
ઇન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે
છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો.
શ્રી સિદ્ધ પરમેÌીનું સ્વરુપ
હવે શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાઈએ છીએ. જે ગૃહસ્થ અવસ્થા તજી મુનિધર્મ સાધન
વડે ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર
અઘાતિકર્મોની પણ ભસ્મ થતાં પરમૌદારિક શરીરને પણ છોડી ઊર્ઘ્વગમન સ્વભાવથી લોકના
અગ્રભાગમાં જઈ બિરાજમાન થયા છે, ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત
અવસ્થાની સિદ્ધિ થઈ છે; ચરમ (અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષઆકારવત્ જેના
આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યક્ત્વ-
જ્ઞાનદર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, નોકર્મનો સંબંધ
દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવકર્મોનો અભાવ
થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને
સ્વદ્રવ્ય
પરદ્રવ્ય, ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે; જે વડે પોતાને સિદ્ધ
સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે
પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે એવી
નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો.
આચાર્ય, ઉપાધયાય અને સાધાુનું સ્વરુપ
હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ અવલોકીએ છીએ.
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી
અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી,
પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા
તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટ
અનિષ્ટ માની તેમાં રાગ-
દ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છેબાહ્ય અનેક પ્રકારનાં નિમિત્ત બને છે પરંતુ
ત્યાં કંઈપણ સુખ-દુઃખ જે માનતા નથી, વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને

Page -6 of 370
PDF/HTML Page 22 of 398
single page version

છે પરંતુ તેને ખેંચીતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ
ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય
છે જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ
હેય જાણી દૂર કરવા ઇચ્છે છે, તીવ્રકષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ
પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્યદિગંબર
સૌમ્યમુદ્રાધારી થયા છે, શરીરસંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ
વસે છે,
અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત પાલન કરે છે, બાવીસ પરિષહને જેઓ સહન
કરે છે, બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત્ ધ્યાનમુદ્રાધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય
છે, કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની
સ્થિતિ અર્થે યોગ્ય આહાર-વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે
તે સર્વની એવી જ અવસ્થા હોય છે.
આચાર્યનું સ્વરુપ
તેઓમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક
થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત્ ધર્મલોભી
અન્ય જીવ યાચક તેમને દેખી રાગઅંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે
છે, દીક્ષાગ્રાહકને દીક્ષા આપે છે તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ
કરે છે એવા આચરણ કરવા
કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
ઉપાધયાયનું સ્વરુપ
વળી જે પુરુષ ઘણા જૈનશાસ્ત્રનો જ્ઞાતા થઈને સંઘમાં પઠન-પાઠનનો અધિકારી બન્યો
હોય; સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે,
પરંતુ કદાચિત્ કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય
૧. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશલોચ, સ્નાનાભાવ, નગ્નતા,
અદંતધોવન, ભૂમિશયન, સ્થિતિભોજન અને એક વાર આહારગ્રહણએ અઠ્ઠાવીસ મૂલગુણો
છે.
૨. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસમસક, ચર્યા, શચ્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, નગ્નતા, અરતિ,
સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાનએ બાવીસ
પ્રકારના પરિષહ છે.
૩. અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ
છ પ્રકારના બાહ્યતપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાનએ છ પ્રકારનાં
અંતરંગ તપ મળી બાર પ્રકારનાં તપ છે.

Page -5 of 370
PDF/HTML Page 23 of 398
single page version

ધર્મબુદ્ધિવાનને ભણાવે છે, એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને અધ્યયન કરાવવાવાળા શ્રી
ઉપાધ્યાય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
સાધાુનું સ્વરુપ
એ બે પદવીધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, આત્મસ્વભાવને સાધે
છે, પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટપણું માની ફસાય નહિ વા ભાગે નહિ તેમ
ઉપયોગને સાધે છે, બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે વા કદાચિત્
ભક્તિ
વંદનાદિ કાર્યમાં પણ પ્રવર્તે છે, એવા આત્મસ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠીને અમારા
નમસ્કાર હો.
પૂજ્યત્વનું કારણ
એ પ્રમાણે એ અર્હંતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ
અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ કે જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ
રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિકની
હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અર્હંત
સિદ્ધને તો સંપૂર્ણ
રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે તથા
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ
વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા.
તેમાં પણ એમ સમજવું કેએ અર્હંતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા
ગૌણપણે સર્વ કેવલીનો અધિકાર છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃતમાં
અર્હત્ એવું નામ જાણવું. વળી ચૌદમા ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ
જાણવું.
વળી જેને આચાર્યપદ પ્રાપ્ત થયું હોય તે સંઘમાં રહો વા એકાકી આત્મધ્યાન કરો
વા એકલવિહારી હો વા આચાર્યોમાં પણ પ્રધાનતાને પામી ગણધરપદના ધારક હો, એ સર્વનું
નામ આચાર્ય કહેવામાં આવે છે.
વળી પઠનપાઠન તો અન્ય મુનિ પણ કરે છે, પરંતુ જેને આચાર્ય દ્વારા ઉપાધ્યાય
પદ પ્રાપ્ત થયું હોય તે આત્મધ્યાનાદિક કાર્ય કરવા છતાં પણ ઉપાધ્યાય નામ જ પામે છે.
તથા જે પદવીધારક નથી તે સર્વ મુનિ સાધુસંજ્ઞાના ધારક જાણવા.
અહીં એવો કોઈ નિયમ નથી કેપંચાચાર વડે જ આચાર્યપદ હોય છે, પઠનપાઠનાદિ
વડે ઉપાધ્યાય પદ હોય છે તથા મૂલગુણના સાધનવડે સાધુ પદ હોય છે, કારણ એ ક્રિયાઓ

Page -4 of 370
PDF/HTML Page 24 of 398
single page version

आचार्यः स्यादुपाध्यायः साधुश्चेति त्रिधागतिः स्युर्विशिष्टपदारूढास्त्रयोऽपि मुनिकुञ्जराः ।।
एको हेतुः क्रियाप्येका विधञ्चैको वहिः समः तपो द्वादशधा चैकं व्रतं चैकं पंचधा ।।
त्रयोदशविधं चैकं चारित्रं समतैकधा मूलोत्तरगुणाश्चैको संयमोऽप्येकधा मतः ।।
परिषहोपसर्गाणां सहनं च समं स्मृतम् आहारादिविधिश्चैकश्चर्यास्थानासनादयः ।।
मार्गो मोक्षस्य सद्दष्टिर्ज्ञानं चारित्रमात्मनः रत्नत्रयं समं तेषामपि चान्तर्बहिःस्थितिम् ।।
ध्याता ध्यानं च ध्येयश्च ज्ञाता ज्ञान च ज्ञेयसात् चतुर्विधाराधनापि तुल्या क्रोधादिजिष्णुता ।।
किंवात्र बहुनोक्ते न तद्विशेषोऽवशिष्यते विशेषाच्छेषनिःशेषो न्यायादस्त्यविशेषभाक् ।।
एवं मुनित्रयी ख्याता महतो महतामपि तद्विशुद्धिविशेषोऽस्ति क्रमात्तरतमात्मकः ।।
અર્થઃઆચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પ્રકારના ઉત્તમ મુનિજનો પોતપોતાના વિશેષ
પદો ઉપર આરૂઢ છે આર્થાત્ વિશેષ-વિશેષ પદોના ભેદથી જ તેઓના ત્રણ ભેદો છે. બાકી તો
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણે પ્રકારના કષાયોનો અભાવ હોવાથી
પરિગ્રહ માત્રનો ત્યાગ કરી એ ત્રણે મોક્ષપ્રાપ્તિ અર્થે મુનિ થયા છે તેથી એ ત્રણેનો હેતુ એક છે.
બાહ્ય વ્રતાચરણરૂપ ક્રિયા તથા નિર્ગ્રંથ અવસ્થા એ ત્રણેની સમાન છે. બાર પ્રકારનું તપશ્ચરણ, પાંચ
મહાવ્રત, તેર પ્રકારનું ચારિત્ર, સમતાભાવ, અઠ્ઠાવીસ મૂલગુણ, ચોરાશી લાખ ઉત્તરગુણ અને સંયમ
એ ત્રણેના સમાન છે. બાવીસ પરિષહ-ઉપસર્ગ સહનતા, આહારચર્યાવિધિ, સ્થાન અને આસન વગેરે
એ ત્રણેના સમાન છે. અંતર્બાહ્ય સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય અર્થાત્ મોક્ષમાર્ગ પણ એ ત્રણેનો
સમાન છે. ધ્યાતાધ્યાનધ્યેય, જ્ઞાતાજ્ઞાનજ્ઞેય તથા દર્શનજ્ઞાનચારિત્ર અને તપ એ ચાર પ્રકારની
સમ્યક્ આરાધનાઓનું આરાધન તથા ક્રોધાદિ કષાયોનો જય કરવો પણ એ ત્રણેનો સમાન છે. વધારે
શું કહીએ? ટૂંકામાં એટલું જ કે, એ ત્રણે પ્રકારનાં મુનિજનો ઉપર પ્રમાણે સર્વ પ્રકારથી સમાન છે.
ભેદ માત્ર એટલો જ છે કે, પોતપોતાના પદાનુસાર જે કાંઈ વિશેષતા છે તે જ માત્ર અહીં રહી જાય
છે. તે સિવાય બાકીની સર્વ ક્રિયા વા પ્રકારો એ ત્રણેના સમાન છે એ વાત ન્યાયથી સિદ્ધ છે. આચાર્ય,
ઉપાધ્યાય અને સાધુ એ મુનિત્રયી મહાપુરુષોમાં સર્વથી શ્રેષ્ઠ છે. જોકે તેમના મૂલગુણો વા ઉત્તરગુણો
સામાન્ય ગુણોની અપેક્ષાએ સમાન છે તોપણ તેમના કાર્યની અપેક્ષાએ તરતમરૂપે એ ત્રણેમાં પરસ્પર
ભેદ છે.
ભાવાર્થઃએ ત્રણેનાં કાર્ય અલગ અલગ હોવાથી તેમનાં પદ પણ અલગ અલગ છે. અર્થાત્
આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે. ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો જ અધિકાર છે
તથા અન્ય સાધુજનોને ન આદેશ દેવાનો કે ન ઉપદેશ દેવાનો અધિકાર છે. એ પ્રમાણે એ ત્રણેમાં
પરસ્પર પોતપોતાના કાર્ય વા પદની અપેક્ષાએ જ તરતમરૂપે વિશેષતા છે.
(શ્રી લાટીસંહિતા સર્ગ ૪ થો, શ્લોક ૧૬૦ થી ૧૬૬ તથા શ્લોક ૧૯૭અનુવાદક.)
તો સર્વ મુનિજનોને સાધારણરૂપ છે, પરંતુ શબ્દનયથી તેનો અક્ષરાર્થ એવો કરવામાં આવે
છે. પણ સમભિરૂઢનયથી પદવીની અપેક્ષાએ જ એ આચાર્યાદિક નામ જાણવાં. જેમ
શબ્દનયથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિક પણ કરે છે! એટલે
સમભિરૂઢનયથી પર્યાય અપેક્ષાએ એ નામ છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવું.

Page -3 of 370
PDF/HTML Page 25 of 398
single page version

શ્રેÌ સિદ્ધપદ પહેલાં અર્હંતને નમસ્કાર કરવાનું કારણ
અહીં સિદ્ધ ભગવાનની પહેલાં અર્હંતને નમસ્કાર કર્યા તેનું શું કારણ? એવો કોઈને સંદેહ
ઉપજે તેનું સમાધાનઃનમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ
કરીએ છીએ. હવે અર્હંતથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે માટે તેમને પહેલાં
નમસ્કાર કર્યા છે.
એ પ્રમાણે અર્હંતાદિકના સ્વરૂપનું ચિંતવન કર્યું કારણ કે સ્વરૂપ ચિંતવન કરવાથી વિશેષ
કાર્ય સિદ્ધ થાય છે. વળી એ અર્હંતાદિને પંચપરમેષ્ઠી પણ કહીએ છીએ. કારણ જે સર્વોત્કૃષ્ટ
ઇષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. પાંચ જે પરમેષ્ટ તેના સમાહાર સમુદાયનું નામ
પંચપરમેષ્ઠી
જાણવું.
વળી શ્રી વૃષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ,
પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત,
નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન એ નામના ધારક, ચોવીસ તીર્થંકર આ ભરતક્ષેત્રમાં વર્તમાન
ધર્મતીર્થના નાયક થયા. ગર્ભ-જન્મ-તપ-જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકો વિષે ઇન્દ્રાદિક દેવો દ્વારા
વિશેષ પૂજ્ય થઈ હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો.
વળી શ્રી સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય,
સૂરપ્રભ, વિશાલકીર્તિ, વજ્રધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગમ, ઇશ્વર, નેમપ્રભ, વીરસેન, મહાભદ્ર,
દેવયશ, અને અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ
કેવળજ્ઞાન સહિત બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો. જોકે પરમેષ્ઠીપદમાં તેમનું
ગર્ભિતપણું છે તોપણ વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણી અહીં જુદા નમસ્કાર કર્યા છે.
વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે
કૃત્રિમ જિનબિંબ બિરાજે છે, જેમના દર્શનાદિકથી સ્વ-પર ભેદવિજ્ઞાન થાય છે, કષાય મંદ થઈ
શાંત ભાવ થાય છે તથા એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર
કેવળીના દર્શનાદિકથી થાય છે તેવી જ અહીં થાય છે તે સર્વ જિનબિંબોને અમારા નમસ્કાર હો.
વળી કેવળી ભગવાનની દિવ્યધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રીગણધરદેવ દ્વારા
રચિત અંગ-પ્રકીર્ણક અનુસાર અન્ય આચાર્યાદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે તે સર્વ જિનવચન
છે. સ્યાદ્વાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે, ન્યાયમાર્ગથી અવિરુદ્ધ છે માટે પ્રામાણિક છે તથા
જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે માટે ઉપકારી છે તેમને અમારા નમસ્કાર હો.
વળી ચૈત્યાલય, આર્જિકા, ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય, તીર્થક્ષેત્રાદિ ક્ષેત્ર, કલ્યાણકાળ
* ‘‘परमे तिष्टति इति परमेष्ठी’’
આ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થ થાય છે. અનુવાદક.

Page -2 of 370
PDF/HTML Page 26 of 398
single page version

આદિ કાળ તથા રત્નત્રયાદિ ભાવ જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે તેને નમસ્કાર કરું છું
તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથાયોગ્ય વિનય કરું છું. એ પ્રમાણે
પોતાના ઇષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. હવે એ અરહંતાદિક ઇષ્ટ કેવી રીતે છે તેનો વિચાર
કરીએ છીએ.
જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની
જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષ જ્ઞાનનું
હોવું એ જ પ્રયોજન છે. કારણ કે એનાથી નિરાકુલ સત્યસુખની પ્રાપ્તિ થાય છે અને સર્વ
આકુલતારૂપ દુઃખનો નાશ થાય છે.
અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ
વળી એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. કેવી રીતે તે અહીં વિચારીએ
છીએ. આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે. સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તીવ્ર કષાયરૂપ સંકલેશ
છે, મંદકષાયરૂપ વિશુદ્ધ છે અને કષાયરહિત શુદ્ધ પરિણામ છે. હવે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ
પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય
છે, વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર
બંધને પણ મંદ કરે છે; તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી, કેવળ તેની નિર્જરા જ
થાય છે. અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે
માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કષાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું
કારણ પણ છે. તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતિકર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે
જ વીતરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ઘાતિકર્મ ) હીન થાય તેટલા અંશથી
તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ
થાય છે
અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું
શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત
થઈ રાગાદિકને હીન કરે છે. જીવ
અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ પ્રમાણે પણ
શ્રી અરિહંતાદિક વડે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
પ્રશ્નઃતેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે; પરંતુ જે વડે
ઇન્દ્રિયજનિત સુખ ઉપજે વા દુઃખ વિણસે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે
નહિ?
ઉત્તરઃઅર્હંતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતિ-
કર્મોની શાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, વળી જો તે પરિણામ તીવ્ર હોય તો પૂર્વે
જે અશાતા આદિ પાપપ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે, અથવા નષ્ટ કરી પુણ્ય-પ્રકૃતિરૂપે

Page -1 of 370
PDF/HTML Page 27 of 398
single page version

પરિણમાવે છે, જે પુણ્યનો ઉદય થતાં ઇન્દ્રિયસુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, તથા પાપનો
ઉદય દૂર થતાં દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ પણ
તેમનાથી થાય છે.
અથવા જૈનશાસનના ભક્ત દેવાદિકો તે ભક્તપુરુષને અનેક ઇન્દ્રિયસુખના કારણભૂત
સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે એ પ્રમાણે પણ
એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. પરંતુ
એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત
થતું નથી; કારણ કે કષાયભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટઅનિષ્ટપણું માની આત્મા પોતે
જ સુખદુઃખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ-દુઃખની દાતા નથી. વળી
કષાય છે તે સર્વ આકુલતામય છે માટે ઇન્દ્રિયજનિત સુખની ઇચ્છા કરવી વા દુઃખથી ડરવું એ
બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય
હોવાથી પાપબંધ જ થાય છે માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી, કારણ કે અરિહંતાદિકની
ભક્તિ કરતાં એવાં પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઇષ્ટ
માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગલ છે, તેમાં ભક્તિભાવ થતાં પરમ
મંગલ થાય છે કારણ ‘‘મંગ’’ એટલે સુખ તેને ‘‘લાતિ’’ એટલે આપે, અથવા ‘‘મં’’ એટલે પાપ
તેને ‘‘ગાલયતિ’’ એટલે ગાળે તેનું નામ મંગલ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની
સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે.
મંગલાચરણ કરવાનું કારણ
અહીં કોઈ પ્રશ્ન કરે કેપ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું તેનું શું કારણ? તેનું
સમાધાનઃસુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય, પાપના ઉદયથી કોઈ વિઘ્ન ન થાય એ હેતુથી
અહીં પ્રથમ મંગળ કર્યું છે.
પ્રશ્નઃઅન્યમતી એ પ્રમાણે મંગળ કરતા નથી છતાં તેમને પણ ગ્રંથની
સમાપ્તતા તથા વિઘ્નનો નાશ થતો જોવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તરઃઅન્યમતીની ગ્રંથ-રચના મોહના તીવ્ર ઉદય વડે મિથ્યાત્વ કષાયભાવોને
પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે, માટે તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ
કર્યા વિના જ થાય. કારણ જો એ પ્રમાણે મંગળવડે મોહ મંદ થઈ જાય તો તેમનાથી એવું
વિપરીત કાર્ય કેમ બને? પણ અમે આ ગ્રંથ રચીએ છીએ તેમાં મોહની મંદતાવડે વીતરાગ
તત્ત્વવિજ્ઞાનને પોષણ કરવાવાળા અર્થોનું પ્રરૂપણ કરીશું તેથી તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ
પ્રમાણે મંગળ કરવાથી જ થાય. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે
અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને?
પ્રશ્નઃએ વાત તો ખરી, પરંતુ આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ
2

Page 0 of 370
PDF/HTML Page 28 of 398
single page version

જોવામાં આવે છેપાપનો ઉદય દેખાતો નથી, અને કોઈ એવું મંગળ કરનારને પણ સુખ
દેખવામાં આવતું નથી પરંતુ પાપનો ઉદય દેખાય છે માટે તેમાં પૂર્વોક્ત મંગલપણું કેવી
રીતે બને?
ઉત્તરઃજીવોના સંક્લેશવિશુદ્ધ પરિણામ અનેક જાતિના છે જેથી પૂર્વે અનેક
કાળમાં બાંધેલા કર્મ એક કાળમાં ઉદય આવે છે, માટે જેમ જેણે પૂર્વે ઘણા ધનનો સંચય કર્યો
હોય તેને તો કમાયા સિવાય પણ ધન જોવામાં આવે છે
દેવું દેખાતું નથી, પરંતુ જેને પૂર્વનું
ઘણું ૠણ હોય તેને ધન કમાવા છતાં પણ દેણદાર દેખવામાં આવે છેધન દેખાતું નથી. પરંતુ
વિચાર કરતાં કમાવું એ ધન થવાનું જ કારણ છે પણ ૠણનું કારણ નથી. તે પ્રમાણે જ પૂર્વે
જેણે ઘણું પુણ્ય બાંધ્યું હોય તેને અહીં એવાં મંગળ કર્યા વિના પણ સુખ જોવામાં આવે છે,
પાપનો ઉદય દેખાતો નથી. વળી જેણે પૂર્વે ઘણું પાપ બાંધ્યું હોય તેને અહીં એવાં મંગળ કરવા
છતાં પણ સુખ દેખાતું નથી, પાપનો ઉદય દેખાય છે, પરંતુ વિચાર કરતાં એવાં મંગળ તો સુખનું
જ કારણ છે પણ પાપ-ઉદયનું કારણ નથી. એ પ્રમાણે પૂર્વોક્ત મંગળમાં મંગળપણું બને છે.
પ્રશ્નઃએ વાત સાચી, પરંતુ જિનશાસનના ભક્ત દેવાદિક છે તેઓએ એવાં
મંગળ કરવાવાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ ન આપ્યો તેનું શું
કારણ?
ઉત્તરઃજીવોને સુખદુઃખ થવાનું પ્રબળ કારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તે
અનુસાર બાહ્ય નિમિત્ત બની આવે છે માટે પાપનો જેને ઉદય હોય તેને એવી સહાયતાનું નિમિત્ત
બનતું નથી તથા જેને પુણ્યનો ઉદય હોય તેને દંડનું નિમિત્ત બનતું નથી. એ નિમિત્ત કેવી રીતે
ન બને તે કહીએ છીએઃ
દેવાદિક છે તેઓ ક્ષયોપશમજ્ઞાનથી સર્વને યુગપત્ જાણી શકતા નથી તેથી મંગળ
કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે માટે જો તેને
જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ તે કેવી રીતે કરી શકે? તથા જાણપણું હોય તે વેળા
પોતાનામાં જો અતિ મંદ કષાય હોય તો તેને સહાય વા દંડ દેવાના પરિણામ જ થતા નથી
અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો નથી. વળી મધ્યમ કષાયરૂપ એ કાર્ય કરવાના
પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે? એ પ્રમાણે સહાય કે દંડ દેવાનું
નિમિત્ત બનતું નથી. પોતાની શક્તિ હોય, ધર્માનુરાગરૂપ મંદકષાયના ઉદયથી તેવા જ પરિણામ
થાય તે સમયમાં અન્ય જીવોના ધર્મ
અધર્મરૂપ કર્તવ્યને જાણે, તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને
સહાય કરે વા કોઈ અધર્મીને દંડ દે. હવે એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી. એ
પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું. અહીં આટલું સમજવા યોગ્ય છે કે
સુખ થવાની વા દુઃખ
થવાની, સહાય કરાવવાની વા દુઃખ અપાવવાની જે ઇચ્છા છે તે કષાયમય છે, તત્કાલમાં વા
ભાવિમાં દુઃખદાયક છે. માટે એવી ઇચ્છા છોડી અમે તો એક વીતરાગ વિશેષજ્ઞાન થવાના અર્થી

Page 1 of 370
PDF/HTML Page 29 of 398
single page version

બની શ્રી અરિહંતાદિકને નમસ્કારાદિરૂપ મંગળ કર્યું છે.એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક
‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. ત્યાં ‘આ ગ્રંથ પ્રમાણ છે’ એવી પ્રતીતિ
કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ.
ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા
એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક ‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ
છીએ. ત્યાં ‘આ ગ્રંથ પ્રમાણ છે’ એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ
કરીએ છીએ.
અકારાદિ ઉચ્ચાર તો અનાદિનિધન છે, કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો
તે તો પોતાની ઇચ્છાનુસાર અનેક પ્રકારરૂપ છે, પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર
સર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે કે‘सिद्धो वर्णसमाम्नायः’ અર્થાત્ વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય
સ્વયંસિદ્ધ છે. વળી અક્ષરોથી નીપજેલાં સત્ય અર્થનાં પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે,
તે પણ અનાદિનિધન છે. જેમ ‘‘જીવ’’ એવું અનાદિનિધન પદ છે તે જીવને જણાવવાવાળું
છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થનાં પ્રકાશક જે અનેક પદ તેનો જે સમુદાય છે તેને
શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયંસિદ્ધ છે તેમાંથી કોઈ થોડાં મોતીને, કોઈ ઘણાં મોતીને,
કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે, તેમ પદ તો સ્વયંસિદ્ધ છે,
તેમાંથી કોઈ થોડાં પદોને, કોઈ ઘણાં પદોને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી
(જોડી વા લખી) ગ્રંથ બનાવે છે, તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી
ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થનાં સૂચક પદો ગૂંથતો નથી માટે
આ ગ્રંથ પ્રમાણરૂપ જાણવો.
પ્રશ્નઃએ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે?
ઉત્તરઃઅનાદિ કાલથી તીર્થંકર કેવલી થતા આવ્યા છે. તેમનામાં સર્વજ્ઞપણું હોય
છે તેથી તેમને એ પદોનું તથા તેના અર્થનું પણ જ્ઞાન હોય છે. તથા જે વડે અન્ય જીવોને એ
પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થંકર કેવળીનો દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે તે અનુસાર
ગણધરદેવ અંગ-પ્રકીર્ણકરૂપ ગ્રંથ-રચના કરે છે. વળી તદ્નુસાર અન્ય અન્ય આચાર્યાદિક નાના
પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે.
એ પ્રમાણે પરમ્પરા માર્ગ ચાલ્યો આવે છે.
હવે આ ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળ ચાલે છે તેમાં ચોવીસ તીર્થંકર થયા.
તેમાં શ્રી વર્દ્ધમાન નામના અંતિમ તીર્થંકરદેવ થયા જેઓ કેવળજ્ઞાન સહિત બિરાજમાન થઈ
જીવોને દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ દેવા લાગ્યા. જે સાંભળવાનું નિમિત્ત પામીને શ્રી ગૌતમગણધરે
અગમ્ય અર્થને પણ જાણી ધર્માનુરાગવશ અંગ
પ્રકીર્ણની રચના કરી. વળી શ્રી વર્દ્ધમાન

Page 2 of 370
PDF/HTML Page 30 of 398
single page version

સ્વામીના મોક્ષગમન પછી આ પંચમ કાળમાં ગૌતમ, સુધર્મ અને જંબૂસ્વામી નામના ત્રણ
કેવળી થયા. તે પછી કાળદોષથી કેવળજ્ઞાની હોવાનો અભાવ થયો. કેટલાક કાળ સુધી
દ્વાદશાંગના પાઠી શ્રુતકેવળી રહ્યા. પછી તેમનો પણ અભાવ થયો. ત્યાર પછી કેટલાક કાળ
સુધી થોડા અંગના પાઠી રહ્યા. તેઓએ એમ જાણ્યું કે
‘‘ભવિષ્ય કાળમાં અમારા જેવા પણ
જ્ઞાની રહેશે નહિ,’’ એમ જાણી તેમને ગ્રંથરચના કરી અને દ્વાદશાંગાનુકૂલ પ્રથમાનુયોગ,
કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથો રચ્યા. તેમનો પણ અભાવ થતાં
તેઓના અનુસારે અન્ય આચાર્યોએ રચેલા ગ્રન્થ વા એ ગ્રન્થના અનુસારે રચેલા ગ્રન્થની જ
પ્રવૃત્તિ રહી. તેમાં પણ કાળદોષથી કેટલાક ગ્રન્થનો દુષ્ટ પુરુષો દ્વારા નાશ થયો વા મહાન
ગ્રન્થોનો અભ્યાસાદિ ન થવાથી પણ નાશ થયો. વળી કેટલાક મહાન ગ્રન્થો જોવામાં
આવે છે પણ બુદ્ધિની મંદતાથી આજે તેનો અભ્યાસ થતો નથી. જેમ દક્ષિણમાં ગોમટ્ટસ્વામીની
પાસે મૂડબિદ્રી નગરમાં શ્રીધવલ
મહાધવલજયધવલ ગ્રન્થો હાલ છે, પરન્તુ તે દર્શન માત્ર
જ છે. (હવે તો પ્રાપ્ત છે) કેટલાક ગ્રન્થો પોતાની બુદ્ધિવડે અભ્યાસ કરવા યોગ્ય છે. તેમાં
પણ થોડા જ ગ્રન્થોનો અભ્યાસ આજે બને છે. એવા આ નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈનમતનું
ઘટવું થયું. છતાં પરમ્પરા દ્વારા આજે પણ જૈનશાસ્ત્રમાં સત્ય અર્થનાં પ્રકાશક પદોનો સદ્ભાવ
પ્રવર્તે છે.
ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ
વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો ત્યાં મારા પૂર્વ સંસ્કારથી વા ભલું થવા
યોગ્ય હતું તેથી મારો જૈનશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો, જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત
આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત્ અભ્યાસ કરી ટીકા સહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય,
પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર, ક્ષપણાસાર,
પુરુષાર્થસિદ્ધ્યુપાય, અષ્ટપાહુડ અને આત્માનુશાસનાદિ શાસ્ત્ર, તથા શ્રાવક
મુનિના આચારનાં
પ્રરૂપક અનેક શાસ્ત્ર, સુકથાસહિત પુરાણાદિ શાસ્ત્ર, એ વગેરે અનેક શાસ્ત્રમાં મારી બુદ્ધિ
અનુસાર અભ્યાસ વર્તે છે. જેથી મને પણ કિંચિત્ સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. વળી આ
નિકૃષ્ટ સમયમાં મારા જેવા મંદબુદ્ધિવાન કરતાં પણ હીનબુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં
આવે છે. તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે ધર્માનુરાગ વશ દેશભાષામય ગ્રન્થ
કરવાની મને ઇચ્છા થઈ તેથી હું આ ગ્રન્થ બનાવું છું. તેમાં પણ અર્થસહિત એ જ પદોનું
પ્રકાશન છે. ત્યાં આટલી વિશેષતા છે કે
જેમ પ્રાકૃતસંસ્કૃત શાસ્ત્રોમાં પ્રાકૃતસંસ્કૃત પદો
લખવામાં આવે છે તેમ અહીં અપભ્રંશપૂર્વક વા યથાર્થપણાપૂર્વક દેશભાષારૂપ પદો લખવામાં
આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એ પ્રમાણે આ ગ્રન્થ સુધી એ જ
સત્યાર્થ પદોની પરંપરા પ્રવર્તે છે.

Page 3 of 370
PDF/HTML Page 31 of 398
single page version

અસત્ય પદ રચનાનો નિષેધા
પ્રશ્નઃએ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની
જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યાં એવી પ્રતીતિ અમને કેવી
રીતે થાય?
ઉત્તરઃઅતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહિ, કારણ જે
અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબૂરું થાય અને પોતાને પણ એવા મહા હિંસાના
ફલવડે નર્ક
નિગોદમાં ગમન કરવું થાય, એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની
અત્યંત તીવ્રતા થતાં જ થાય. હવે જૈનધર્મમાં તો એવો કષાયવાન થતો નથી. પ્રથમ મૂળ
ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવળી જ થયા તે તો મોહના સર્વથા નાશથી સર્વ કષાયથી રહિત
જ છે. વળી ગ્રંથકર્તા ગણધર વા આચાર્ય છે તેઓ મોહના મંદ ઉદયથી સર્વ બાહ્યાભ્યંતર પરિગ્રહ
છોડી મહા મંદ કષાયી થયા છે, તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત્ શુભોપયોગની જ પ્રવૃત્તિ
હોય છે. અન્ય કાંઈ પ્રયોજન નથી. તથા શ્રદ્ધાળુ ગૃહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે, તે પણ તીવ્ર
કષાયી હોતા નથી. જો એ તીવ્ર કષાયી હોય તો
સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો
જે જૈનધર્મ તેમાં તેને રુચિ જ ક્યાંથી થાય? અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને
પોષણ કરે છે તો કરો, પરંતુ જિનઆજ્ઞાભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું
રહેતું નથી. એ પ્રમાણે જૈનધર્મમાં એવો તીવ્ર કષાયી કોઈ થતો નથી, કે જે અસત્ય પદોની રચના
કરી પરનું અને પોતાનું જન્મોજન્મમાં બૂરું કરે!
પ્રશ્નઃપણ કોઈ જૈનાભાસ તીવ્ર કષાયી હોય તે અસત્યાર્થ પદોને
જૈનશાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરમ્પરા ચાલી જાય તો શું કરવું?
ઉત્તરઃજેમ કોઈ સાચા મોતીના ઘરેણાંમાં જૂઠ્ઠાં મોતી મેળવે પણ તેની ઝલક મળતી
આવે નહિ, માટે પરીક્ષા કરી, પારખુ હોય તે તો ઠગાય નહિ, કોઈ ભોળો હોય તે જ મોતીના
નામથી ઠગાય. વળી તેની પરમ્પરા પણ ચાલે નહિ. વચ્ચે તરત જ કોઈ જૂઠાં મોતીઓનો નિષેધ
કરે છે. તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે પરંતુ
જૈનશાસ્ત્રના
પદોમાં તો કષાય મટાડવાનું વા લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. હવે એ
પાપીએ તેમાં જે અસત્યાર્થ પદ મેળવ્યાં છે તેમાં કષાય પોષવાનું વા લૌકિક કાર્ય સાધવાનું
પ્રયોજન છે. એ પ્રયોજન મળતું નહિ આવવાથી જ્ઞાની પરીક્ષાવડે ઠગાતો નથી પણ કોઈ મૂર્ખ
હોય તે જ જૈનશાસ્ત્રના નામથી ઠગાય. વળી તેની પરમ્પરા પણ ચાલતી નથી. તરત જ કોઈએ
અસત્યાર્થ પદોનો નિષેધ કરે છે. વળી એવા તીવ્રકષાયી જૈનાભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં
જ હોય છે પણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર-કાલ ઘણાં છે તેમાં તો એવા હોતા જ નથી. માટે જૈનશાસ્ત્રોમાં
અસત્યાર્થ પદોની પરમ્પરા ચાલતી જ નથી એમ નિશ્ચય કરવો.

Page 4 of 370
PDF/HTML Page 32 of 398
single page version

પ્રશ્નઃકષાયભાવથી અસત્યાર્થ પદ ન મેળવે, પરંતુ ગ્રંથકર્તાને પોતાના
ક્ષયોપશમ જ્ઞાનમાં કોઈ અન્યથા અર્થ ભાસવાથી અસત્યાર્થ પદ મેળવે તેની તો પરમ્પરા
ચાલે?
ઉત્તરઃમૂલ ગ્રંથકર્તા ગણધરદેવ તો પોતે ચાર જ્ઞાનના ધારક છે તથા સાક્ષાત્
કેવલીનો દિવ્યધ્વનિ ઉપદેશ સાંભળે છે, જેના અતિશય વડે તેમને સત્યાર્થ જ ભાસે છે, તે
અનુસાર તેઓ ગ્રંથ-રચના કરે છે. હવે એ ગ્રંથમાં તો અસત્યાર્થ પદ કેવી રીતે ગૂંથી શકાય?
તથા અન્ય આચાર્યાદિ ગ્રંથ-રચના કરે છે તેઓ પણ યથાયોગ્ય સમ્યગ્જ્ઞાનના ધારક છે. વળી
તેઓ મૂળ ગ્રંથોની પરમ્પરા દ્વારા ગ્રંથ-રચના કરે છે, જે પદોનું પોતાને જ્ઞાન ન હોય તેની તો
તેઓ રચના કરતા નથી, પણ જે પદોનું જ્ઞાન હોય તેને જ સમ્યગ્જ્ઞાનપ્રમાણપૂર્વક બરાબર ગૂંથે
છે. હવે પ્રથમ તો એવી સાવધાનતામાં અસત્યાર્થ પદ ગૂંથ્યાં જાય નહિ તથાપિ કદાચિત્ પોતાને
પૂર્વ ગ્રંથોનાં પદોનો અર્થ અન્યથા જ ભાસે અને પોતાની પ્રમાણતામાં પણ તે જ પ્રમાણે બેસી
જાય તો તેનું કાંઈ તેને વશ નથી. પરંતુ એમ કોઈકને જ ભાસે, સર્વને નહિ. માટે જેને સત્યાર્થ
ભાસ્યો હોય તે તેનો નિષેધ કરી પરંપરા ચાલવા દે નહિ. વળી આટલું વિશેષ જાણવું કે
જેને
અન્યથા જાણવાથી જીવનું બૂરું થાય એવાં દેવગુરુધર્માદિક વા જીવઅજીવાદિક તત્ત્વોને તો
શ્રદ્ધાળુ જૈની અન્યથા જાણે જ નહિ, એનું તો જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે. તથા જેને ભ્રમથી
અન્યથા જાણવા છતાં પણ, તેને જિનની આજ્ઞા માનવાથી જીવનું બૂરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ
અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તોપણ તેનો વિશેષ દોષ નથી. શ્રી
ગોમ્મટસારમાં પણ કહ્યું છે કેઃ
सम्माइट्ठी जीवो उवइट्ठं पवयणं तु सद्दहदि
सद्दहदि असब्भावं अजाणमाणो गुरुणियोगा ।।२७।। (જીવકાંડ)
અર્થઃ‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉપદેશિત સત્ય પ્રવચનને શ્રદ્ધાન કરે છે તથા
અજાણમાન ગુરુના યોગથી અસત્યને પણ શ્રદ્ધાન કરે છે.’’
વળી મને પણ વિશેષજ્ઞાન નથી તથા જિનઆજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે, પરંતુ
એ જ વિચારના બળથી આ ગ્રન્થ રચવાનું સાહસ કરૂં છું. તેથી આ ગ્રન્થમાં જેવું પૂર્વ ગ્રન્થોમાં
વર્ણન છે તેવું જ વર્ણન કરીશ, અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રન્થોમાં સામાન્ય ગૂઢ વર્ણન છે તેનો
વિશેષભાવ પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ
તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ
તેને બરાબર કરી શુદ્ધ કરે એવી મારી પ્રાર્થના છે. એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો.
હવે કેવાં શાસ્ત્ર વાંચવાસાંભળવા યોગ્ય છે તથા તે શાસ્ત્રના વક્તાશ્રોતા કેવા જોઈએ
તે અહીં કહું છું.

Page 5 of 370
PDF/HTML Page 33 of 398
single page version

કેવાં શાસ્ત્ર વાંચવાસાંભળવા યોગ્ય છે
જે શાસ્ત્ર મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવાસાંભળવા યોગ્ય છે, કારણ કે
સંસારમાં જીવ નાના પ્રકારના દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે
તો તે મોક્ષમાર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે
મોક્ષમાર્ગ તો એક
વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગદ્વેષમોહ ભાવોનો નિષેધ કરી
વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવાસાંભળવા યોગ્ય છે,
પણ જે શાસ્ત્રોમાં શ્રૃંગારભોગકુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું
વા અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ
જે રાગદ્વેષમોહ ભાવવડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શિખવાડે
પણ હતી જ અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું તથા ભલું થવાની તેમણે શું શિક્ષા
આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા
સાંભળવા યોગ્ય
નથી. અહીં વાંચવાસાંભળવા પ્રમાણે જોડવાં, શીખવાં, શિખવાડવાં, લખવાં અને લખાવવાં આદિ
કાર્ય પણ ઉપલક્ષણથી જાણી લેવાં. એ પ્રમાણે સાક્ષાત્ વા પરમ્પરા વડે એક વીતરાગભાવને
પોષણ કરે એવાં શાસ્ત્ર જ અભ્યાસ કરવા યોગ્ય છે.
વકતાનું સ્વરુપ
પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દ્રઢ હોય, કારણ જો પોતે અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ
કેવી રીતે કરે? શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. તેમને કોઈ સમ્યગ્ યુક્તિ
વડે તે શ્રદ્ધાળુ કેવી રીતે કરે? અને
શ્રદ્ધાન જ સર્વ ધર્મનું મૂલ છે. વળી વિદ્યાભ્યાસ કરવાથી
જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, કારણ એવી શક્તિ વિના તે વક્તાપણાનો
અધિકારી કેમ થાય? વળી સમ્યગ્જ્ઞાનવડે સર્વ પ્રકારના વ્યવહાર
નિશ્ચયાદિરૂપ વ્યાખ્યાનનો
અભિપ્રાય જે પિછાનતો હોય, કારણ કે જો એમ ન હોય તો કોઈ ઠેકાણે અન્ય પ્રયોજનપૂર્વક
વ્યાખ્યાન હોય તેનું અન્ય પ્રયોજન પ્રગટ કરી વિપરીત પ્રવૃત્તિ કરાવે. વળી જેને જિનઆજ્ઞા ભંગ
કરવાનો ઘણો ભય હોય, કારણ કે જો એવો ન હોય તો કોઈ અભિપ્રાય વિચારી સૂત્રવિરુદ્ધ
ઉપદેશ આપી જીવોનું બૂરું કરે. કહ્યું છે કેઃ
बहुगुणाविज्जाणिलयो असुत्तभासी तहावि मुत्तव्वो
जह वरमणिजुत्तो वि हु विग्घयरो विसहरो लोए ।।
અર્થઃજે પુરુષ ઘણા ક્ષમાદિક ગુણો તથા વ્યાકરણાદિ વિદ્યાનું સ્થાન છે
છતાં જો તે ઉત્સૂત્રભાષી છે તો છોડવો યોગ્ય જ છે. જેમ ઉત્કૃષ્ટ મણિસહિત સર્પ
છે તે લોકમાં વિઘ્નનો જ કરવાવાળો છે.

Page 6 of 370
PDF/HTML Page 34 of 398
single page version

વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોય, કારણ કે
જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ, તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાયાનુસાર
વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. વળી શ્રોતાઓથી વક્તાઓનું પદ
ઊંચું છે. પરંતુ જો વક્તા લોભી હોય તો તે શ્રોતાથી હીન થઈ જાય અને શ્રોતા ઊંચા થાય.
વળી તેનામાં તીવ્ર ક્રોધ
માન ન હોય, કારણ તીવ્ર ક્રોધી માનીની નિંદા જ થાય અને શ્રોતા તેનાથી
ડરતા રહે તો તેનાથી પોતાનું હિત કેમ થાય? વળી પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર
કરે અથવા અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા જેમ તેનો
સંદેહ દૂર થાય તેમ સમાધાન કરે તથા જો પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય, તો
એમ કહે કે
મને તેનું જ્ઞાન નથી પણ કોઈ વિશેષ જ્ઞાનીને પૂછી હું ઉત્તર આપીશ. અથવા કોઈ
અવસર પામી તમને કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ
દર્શાવશો. કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા જો પ્રકરણ
વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું બૂરું થાય અને જૈનધર્મની નિંદા પણ
થાય. અર્થાત્ જો એવો ન હોય તો શ્રોતાનો સંદેહ દૂર થાય નહિ, પછી કલ્યાણ તો ક્યાંથી
થાય? તથા જૈનમતની પ્રભાવના પણ થાય નહિ. વળી જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની
પ્રવૃત્તિ ન હોય, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનને પ્રમાણ
કોણ કરે? ઉલટો જૈનધર્મને લજાવે. વળી તે કુલહીન, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય
પણ મિષ્ટવચની તથા પ્રભુતાયુક્ત હોય તે જ લોકમાં માન્ય હોય. જો એવો ન હોય તો
વક્તાપણાની મહત્તા શોભે નહિ. એ પ્રમાણે ઉપરના ગુણો તો વક્તામાં અવશ્ય જોઈએ. શ્રી
આત્માનુશાસનમાં પણ કહ્યું છે કેઃ
प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः,
प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः
प्रायःप्रश्नसहः प्रभुः परमनोहारी परानिन्दया,
ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः
।।।।
અર્થઃજે બુદ્ધિમાન હોય, સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય,
લોકમર્યાદા જેને પ્રગટ થઈ હોય, આશા જેની અસ્ત થઈ હોય, કાંતિમાન હોય,
ઉપશમવંત હોય, પ્રશ્ન થતાં પહેલાં જ ઉત્તરને જે જાણતો હોય, બાહુલ્યપણે અનેક
પ્રશ્નોનો સહન કરવાવાળો હોય, પ્રભુતાયુક્ત હોય, પરના વા પર દ્વારા પોતાના
નિંદારહિતપણાવડે પરના મનનો હરવાવાળો હોય, ગુણનિધાન હોય અને સ્પષ્ટમિષ્ટ
જેનાં વચન હોય એવો સભાનો નાયક ધર્મકથા કહે.

Page 7 of 370
PDF/HTML Page 35 of 398
single page version

વળી વક્તાનાં વિશેષ લક્ષણ આ પ્રમાણે છે કેજો વ્યાકરણન્યાયાદિક વા મોટાં મોટાં
જૈનશાસ્ત્રોનું તેને વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે. વળી એ ઉપરાંત
અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈનધર્મના મર્મને
ન જાણતાં માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે, તો તેનાથી અધ્યાત્મરસમય સાચા જૈનધર્મનું
સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય? માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું હોય, કારણ શ્રી
પ્રવચનસારમાં પણ કહ્યું છે કે
આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવ એ ત્રણે
આત્મજ્ઞાનશૂન્ય કાર્યકારી નથી. વળી દોહા પાહુડમાં પણ કહ્યું છે કેઃ
पंडिय पंडिय पंडिय कण छोडि वितुस कंडिया
पय अत्थं तुट्ठोसि परमत्थ ण जाणइ मूढोसि ।।८५।।
અર્થઃહે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુસ જ ખાંડે છે
અર્થાત્ તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ
જ છે.
વળી ચૌદ વિદ્યામાં પણ પહેલાં અધ્યાત્મવિદ્યા પ્રધાન કહી છે, માટે અધ્યાત્મરસનો રસિક
વક્તા હોય તે જ જૈનધર્મના રહસ્યનો વક્તા જાણવો. વળી જે વક્તા બુદ્ધિૠદ્ધિના ધારક હોય
તથા અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાનના ધણી હોય તે મહા વક્તા જાણવા. એવા વક્તાઓના
વિશેષ ગુણ જાણવા. એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું, પણ
ન મળે તો શ્રદ્ધાનાદિક ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું. એવા ગુણવંત
મુનિ વા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે પણ
પદ્ધતિબુદ્ધિવડે વા શાસ્ત્ર
સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણરહિત પાપી પુરુષોનાં મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી
કહ્યું છે કેઃ
तं जिण आणपरेणय धम्मो सो यच्च सुगुरु पासम्मि
अह उचिओ सद्धाओ तत्सुवएसस्स कहगाओ ।।
અર્થઃજે જિનઆજ્ઞા માનવામાં સાવધાન છે તેમણે નિર્ગ્રંથ સુગુરુના
નિકટમાં જ ધર્મ શ્રવણ કરવો યોગ્ય છે, અથવા એ સુગુરુના જ ઉપદેશને કહેવાવાળા
ઉચિત શ્રદ્ધાળુ શ્રાવકના મુખથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. એવો ધર્મબુદ્ધિવાન વક્તા
ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે. પણ જે કષાયબુદ્ધિ
3
૧.આ ગ્રંથમાં કેટલેક સ્થળે ‘પદ્ધતિબુદ્ધિ’ શબ્દ આવે છે. તેનો અર્થપદ્ધતિ એટલે, પરંપરા યા
રીતરિવાજ તેને અનુસરવાને ટેવાયેલી બુદ્ધિ એવો સમજવો જોઈએ.

Page 8 of 370
PDF/HTML Page 36 of 398
single page version

વડે ઉપદેશ આપે છે તે પોતાનું અને અન્ય જીવોનું બૂરું કરે છે.
એ પ્રમાણે વક્તાનું સ્વરૂપ કહ્યું.
શ્રોતાનું સ્વરુપ
હવે શ્રોતાનું સ્વરૂપ કહે છેઃભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે
છે કેહું કોણ છું? ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે? મરીને ક્યાં જઈશ? મારું સ્વરૂપ
શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે? મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે?
તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે? મારે આટલી વાતનો
નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો
છે. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે.
કાંઈ પૂછવું હોય તો પૂછે છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે
છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે.
એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું.
વળી જે જૈનધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, નાના (અનેક) પ્રકારનાં શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ
નિર્મળ થઈ છે, વ્યવહારનિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત્ નિશ્ચય
જાણી અવધારે છે, પ્રશ્ન ઊપજે તો અતિ વિનયવાન થઈ પ્રશ્ન કરે છે અથવા પરસ્પર અનેક
પ્રશ્નોત્તરવડે વસ્તુનો નિર્ણય કરે છે, શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત છે તથા ધર્મબુદ્ધિપૂર્વક નિંદ્ય
કાર્યોનો ત્યાગી થયો છે; એવા જીવો શાસ્ત્રના શ્રોતા જોઈએ.
વળી શ્રોતાનાં વિશેષ લક્ષણો આ પ્રમાણે પણ છે. જેને કંઈક વ્યાકરણન્યાયાદિકનું વા
મહાન જૈનશાસ્ત્રોનું જ્ઞાન હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને
આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહિ. માટે આત્મજ્ઞાનવડે જે સ્વરૂપનો
આસ્વાદી થયો છે તે જૈનધર્મના રહસ્યનો શ્રોતા છે. વળી જે અતિશયવંત બુદ્ધિવડે વા અવધિ
મનઃપર્યયજ્ઞાન વડે સંયુક્ત હોય તે મહાન શ્રોતા જાણવો. એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણો
છે. અને એવા જૈનશાસ્ત્રના શ્રોતા જોઈએ.
વળી શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલું થશે એવી બુદ્ધિવડે જે શાસ્ત્ર સાંભળે છે પણ
જ્ઞાનની મંદતાથી વિશેષ સમજી શકતા નથી તેને પુણ્યબંધ થાય છે, પરંતુ પોતાનું વિશેષ કાર્ય
સિદ્ધ થતું નથી.
વળી કુળપ્રવૃત્તિપૂર્વક વા સહજ યોગ બની આવતાં શાસ્ત્ર સાંભળે છે. વા સાંભળવા છતાં
કંઈ અવધારણ કરતા નથી તેને પરિણામ અનુસાર કોઈ વેળા પુણ્યબંધ થાય છે તથા કોઈ વેળા
પાપબંધ થાય છે.

Page 9 of 370
PDF/HTML Page 37 of 398
single page version

વળી જે મદ મત્સર ભાવપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, વાદ અને તર્ક કરવાનો જ જેનો
અભિપ્રાય છે, મહંતતા વા લોભાદિક પ્રયોજન અર્થે જે શાસ્ત્ર સાંભળે છે તથા શાસ્ત્ર તો સાંભળે
છે પણ તે સુહાવતું નથી એવા શ્રોતાઓને તો કેવળ પાપબંધ જ થાય છે. એ પ્રમાણે
*શ્રોતાઓનું
સ્વરૂપ જાણવું. આ ઠેકાણે એ જ પ્રમાણે શીખવુંશીખવવું વગેરે જેને હોય તેનું સ્વરૂપ પણ
યથાસંભવ સમજવું.
* અહીં પ્રસંગને અનુસરીને શ્રી સુદ્રષ્ટતરંગિણી અનુસાર શ્રોતાઓના જુદાજુદા પ્રકાર દર્શાવીએ
છીએ.
૧. જે જીવ ઉપદેશ તો સાંભળે, પૂછે, ભણે, યાદ રાખે તથા ઘણા કાળ સુધી બાહ્ય ધર્મક્રિયા
પણ કરે પરંતુ અંતરંગ પાપબુદ્ધિ છોડે નહિ, કુગુરુકુધર્મને પૂજવાનીમાનવાની શ્રદ્ધા મટે નહિ, ક્રોધ
માનાદિ કષાય મટે નહિ તથા અંતઃકરણમાં જિનવાણી અત્યંત પ્રેમપૂર્વક રુચે નહિ તેવા શ્રોતા પાષાણ
સમાન જાણવા.
૨. જે દરરોજ શાસ્ત્ર સાંભળે, સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ પછી ભૂલી જાય પણ
સાંભળેલાં વચન હૃદયમાં ટકે નહિ તે ફૂટ્યા ઘડા જેવા શ્રોતા જાણવા.
૩. જેમ મેંઢો તેને પાલન કરનારને જ માથું મારે તેમ જે શ્રોતા અનેક દ્રષ્ટાંત, યુક્તિ, શિખામણ
અને શાસ્ત્રરહસ્ય સમજપૂર્વક સંભળાવનાર મહા ઉપકારી એવા વક્તાનો જ દ્વેષી થાય, અરે તેનો જ
ઘાત તથા બુરું વિચારે તેવા શ્રોતા મેંઢા સમાન જાણવા.
૪. જેમ ઘોડો ઘાસદાણો દેવાવાળા રક્ષકને જ મારે, કરડે, બચકાં ભરવા જાય તેમ જે શ્રોતા
જેની પાસેથી ઉપદેશ સાંભળે તેનાથી જ દ્વેષ કરવા લાગી જાય, તેના અવગુણ અવર્ણવાદ બોલવા લાગે
તેવા શ્રોતા ઘોડા સમાન જાણવા.
૫. જેમ ચાળણી સૂક્ષ્મ આટાને તો બહાર કાઢી નાખે કે જે પ્રયોજનરૂપ છે અને અપ્રયોજનરૂપ
ભૂસુંકાંકરા વગેરે સંગ્રહ કરી રાખે તેમ જે શ્રોતા ઉપદેશદાતા વક્તાના કોઈ ગુણને ગ્રહણ ન કરતાં
માત્ર તેના અવગુણને જ ગ્રહણ કરે, શાસ્ત્રમાં દાન વા ચૈત્યાલયપ્રભાવનાદિ કરવાની વાત આવે તો
આ મૂર્ખ એમ સમજે કેઆ ઉપદેશ મારા ઉપર દેવાય છે, હું ધનવાન છું તેથી આડકતરી રીતે મને
ધન ખર્ચવાનું કહે છે, પણ મારી પાસે ધન ક્યાં છે? તપ સંબંધી વ્યાખ્યાન ચાલતું હોય તો આ એમ
માને કે
હું શરીરે પુષ્ટ છું તેથી આ મને જ કહે છે કે તપ કરો, પણ મારાથી તપ ક્યાં થઈ શકે
એમ છે? દાન, પૂજા અને શીલસંયમાદિનો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કાં તો ઊંઘે અથવા વિભ્રમચિત્ત
રાખી સાંભળે નહિ, સભામાં કોઈ કોઈની નિંદા અથવા કલહકથા કરવા લાગે તો તેને ધ્યાનપૂર્વક સાંભળે,
સભામાં ગુણ
દોષની સામાન્ય પ્રકારે વાત ચાલતી હોય તો આ મૂર્ખ એમ સમજે કે આ બધું મારા
ઉપર કહે છે. આવા શ્રોતા સભામાં વ્યાખ્યાન સાંભળવા આવીને પણ કેવળ પાપબંધ જ કરે છે. વક્તાથી
જ દોષભાવ કે દ્વેષભાવ આણે છે પણ વક્તાનો ગુણ તો જરા પણ ગ્રહણ કરતા નથી. આવા શ્રોતા
ચાળણી સમાન જાણવા.
૬. જેમ પવનથી ભરેલી મસક ઉપરથી દેખાય જલ ભરી પણ અંદર તો જરા પણ પાણી

Page 10 of 370
PDF/HTML Page 38 of 398
single page version

એ પ્રમાણે શાસ્ત્રનું તથા વક્તાશ્રોતાનું સ્વરૂપ કહ્યું. ત્યાં ઉચિત શાસ્ત્રને ઉચિત વક્તા
થઈ વાંચવું તથા ઉચિત શ્રોતા થઈ સાંભળવું યોગ્ય છે. હવે આ મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રની રચના
કરી છે તેની સાર્થકતા દર્શાવીએ છીએ.
નથી, તેમ જે શ્રોતા અંતરંગ ધર્મ ઇચ્છાથી રહિત છે, ક્રોધાદિ કષાયપૂર્ણ છે, શુદ્ધ ધર્મના નિંદક છે,
ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, શુદ્ધ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મતત્ત્વગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી
ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે. અને બાહ્ય વેષધારી કુદેવ
કુગુરુના પ્રશંસક છે આવા શ્રોતા મસક
સમાન જાણવા.
૭. જેમ સર્પને સુંદર દૂધપાન કરાવવા છતાં તેનું અંતે મહા દુઃખદાયી વિષ જ થાય છે. તેમ
જેને અમૃત સમાન જિનવચન સંભળાવવા છતાં તે સાંભળીને પણ જે કેવળ પાપબંધ જ કરે છે. તેઓ
માત્ર વક્તાનું બૂરું જ ચિંતવ્યા કરે છે. આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા.
૮. જેમ પાડો સુંદર જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પાણી તો થોડું પીવે પણ અંદર
ઝાડોપેશાબાદિ કરી તે જળાશયની અંદર પડી તેને ડહોળી નાંખી બધા જળને ખરાબ કરી મૂકે,
પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહિ અને પોતાનું તથા પરનું અંગ મલિન કરી નાખે; તેમ
સભામાં ચાર અનુયોગ સંબંધી સુંદર તત્ત્વચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જિનવાણીનું કથન થઈ
રહ્યું હોય ત્યાં કોઈ ભોળો, મંદજ્ઞાની
કષાયી મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરેકોઈ એવી છલ ભરી વાત
ચલાવી દે કે જેથી આગમના કથનનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓનાં ચિત્ત ઉદ્વેગમય બની જાય.
આવા શ્રોતા પાડા સમાન જાણવા.
એ પ્રમાણે પાષાણ સમાન, ફૂટેલા ઘડા સમાન, મેંઢા સમાન, ઘોડા સમાન, ચાળણી સમાન,
મસક સમાન, સર્પ સમાન અને પાડા સમાન આઠ પ્રકારના શ્રોતાઓ મહા અશુભ જાણવા.
હવે છ પ્રકારના મિશ્ર શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ.
૧. જેમ કોઈ ધર્મઉદ્યોતકારી ધર્મોપદેશ થતો હોય ત્યાં પોતાનાથી તો બને નહિ, પરંતુ
ઉપદેશદાતાનો જ ઘાત વિચારે. આવા શ્રોતા બિલાડા સમાન જાણવા.
૨. જેમ બગલો ઉપરથી ઉજ્જ્વળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે તેમ
કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભભૂતાદિ લગાવી તનને મલિન
દેખાડે, જાણે કે મને શરીરાદિ ઉપર રાગ જ નથી, ધર્મી જેવો દેખાય, સુંદર સાધુવેશ ધારણ કરે પણ
અંતરમાં મહાકષાયી, દ્વેષી, રૌદ્ર પરિણામી હોય, તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચારે પણ
ધર્મસેવન ન ઇચ્છે. આવા શ્રોતા બગલા સમાન જાણવા.
૩. જેમ પોપટને બોલાવીએ તેમ બોલે. શિખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહિ,
તેમ કેટલાક શ્રોતા જિનપ્રવચનનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે.
આવા શ્રોતા પોપટરૂપ જાણવા.
૪. જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય તથા અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ

Page 11 of 370
PDF/HTML Page 39 of 398
single page version

મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથની સાર્થકતા
આ સંસારરૂપ અટવીમાં સમસ્ત જીવો કર્મનિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારનાં દુઃખોથી
પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યાઅંધકાર છવાઈ રહ્યો છે, જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ
પણ પામતા નથી, પરંતુ તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. એવા જીવોનું ભલું થવા
અર્થે શ્રી તીર્થંકર કેવળી ભગવાનરૂપ સૂર્યનો ઉદય થયો, જેનાં દિવ્યધ્વનિરૂપ કિરણો વડે મુક્ત
બની જાય પણ નિમિત્ત દૂર થતાં તરત પછી સખતકઠણ બની જાય તેમ સત્સંગના નિમિત્તમાં તો
જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળદયાવાન થાય. વ્રતસંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહ
કરવો ઇચ્છે તથા તેમની સેવાચાકરી કરવા ઇચ્છે, પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતાં ધર્મરહિત
ક્રૂર પરિણામી બની જાય આવા શ્રોતા માટી સમાન જાણવા.
૫. જેમ ડાંસ આખા શરીરમાં હરેક જગ્યાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય છે,
તેમ સભામાં શાસ્ત્રવાંચનઉપદેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમને સભા
વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે. અવિનય કરે તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે આવા શ્રોતા
ડાંસ સમાન જાણવા.
૬. જેમ જળોને દૂધથી ભરેલા આંચળને લગાડવામાં આવે તોપણ તે પોતાના જાતિસ્વભાવને
લીધે દૂધને ગ્રહણ ન કરતાં માત્ર રૂધિર જ ગ્રહણ કરે છે તેમ કોઈ શ્રોતા એવા હોય છે કેતેમને
ગમે તેટલો રૂડો, કોમળ અને સમ્યગ્ ધર્મોપદેશ કરો પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણ જ ગ્રહણ કરે.
તેને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે એમ
છે, અમારા ભાગ્યમાં હશે તે થશે. આવા પરિણામવાળા શ્રોતા જળો સમાન જાણવા.
એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન, માટી સમાન, ડાંસ સમાન, અને
જળો સમાન મળી છ પ્રકારના મિશ્ર શ્રોતાઓ છે. તેમાં માટી અને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા
તથા તે સિવાય ઉપરના આઠ મળી બારે પ્રકારના અધમ શ્રોતા જાણવા.
હવે ગાય, બકરી અને હંસ સમાન ત્રણ પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે છે.
જેમ ગાય ઘાસ ખાઈને પણ સુંદર દૂધ આપે છે તેમ કોઈને અલ્પ ઉપદેશ આપવા છતાં તેને
બહુ બહુ રુચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ
થઈ, અહો! મારું ભાગ્ય! એમ સમજી તે ઉપદેશની તથા ઉપદેશદાતાની વારંવાર પ્રશંસા કરે,
ઉપદેશદાતાનો બહુ બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશલાભથી ધન્યરૂપ સમજે. આવા શ્રોતા ગાય
સમાન જાણવા.
જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે જાય, કોઈથી દ્વેષભાવ ન કરે, જળાશયમાં પાણી
પીવા જાય ત્યાં ઢીંચણભેર નમી ધીરેથી પાણી પીએ પણ જળને બગાડે નહિ, તેમ જે શ્રોતા સભામાં
શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ન આપે, પુણ્યકારક કથનને ગ્રહણ
કરે અને પોતાના કામથી જ કામ રાખે આવા શ્રોતા બકરી સમાન જાણવા.

Page 12 of 370
PDF/HTML Page 40 of 398
single page version

થવાનો માર્ગ પ્રકાશિત થયો. જેમ સૂર્યને એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું, પરંતુ સ્વાભાવિક
જ તેના કિરણો ફેલાય છે જેથી માર્ગનું પ્રકાશન થાય છે. તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવળી
ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ
અઘાતિકર્મના ઉદયથી તેમના શરીરરૂપ પુદ્ગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે, જેનાથી મોક્ષમાર્ગનું
સહજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જ્યારે કેવળીભગવાનરૂપ
સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષમાર્ગને કેવી રીતે પામશે? અને મોક્ષમાર્ગ પામ્યા વિના
જગતના જીવો દુઃખને જ સહશે, એવી કરુણાબુદ્ધિવડે અંગપ્રકીર્ણાદિક ગ્રન્થ જેવા મહાન દીપકોનો
જેમ હંસને દૂધમાં પાણી ભેળવી આપો તોપણ તે પાણીને ન પીતાં માત્ર દૂધને જ અંગીકાર
કરે છે, કારણ તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે કે તેનો સ્પર્શ થતાં જ પાણી અને દૂધના અંશો
જુદા જુદા થઈ જાય છે, તેમ શુદ્ધ દ્રષ્ટિનો ધારક ભેદવિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સાંભળી
પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, પરમ પુરુષોનાં વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે અને તેથી
જે તત્ત્વજ્ઞાનપૂર્વક અર્થ નિર્ણય થાય તેને અંગીકાર કરે તથા અન્ય સર્વને છોડે. આવા શ્રોતા હંસ સમાન
જાણવા.
હવે નેત્ર સમાન, દર્પણ સમાન, ત્રાજવાની દાંડી સમાન અને કસોટી સમાન ચાર પ્રકારના મહા
ઉત્તમ શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ.
જેમ નેત્ર ભલાબૂરાને નિર્ણયરૂપ જોઈ શકે છે તેમ ભલાબૂરા ઉપદેશને નિર્ણયરૂપ જાણી
બૂરાને છોડી ભલા ઉપદેશનું દ્રઢ શ્રદ્ધાન જેઓ કરે છે તેમને નેત્ર સમાન શ્રોતા જાણવા.
જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈ તે ઉપર લાગેલી રજ. મળ વગેરે ધોઈ મુખને સાફ કરવામાં
આવે છે તેમ સમ્યગ્ ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્યસ્વભાવમાં લાગેલી કર્મરજને દૂર કરી આત્મપ્રદેશો
નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા.
જેમ ત્રાજવાની દાંડી વડે ઓછુંવધતું તરત જણાઈ આવે છે, વા તે દાંડી ઓછાવધતાનું
જેમ તોલન કરે છે, તેમ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યક્પ્રકારે પૂર્વ
મહાપુરુષોની આમ્નાયાનુસાર તોલન કરે છે. વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડે
છે તથા અધિક ફળદાતા ઉપયોગી ઉપદેશને અંગીકાર કરે છે. આવા શ્રોતા ત્રાજવાની દાંડી સમાન જાણવા.
જેમ કસોટી ઉપર ઘસી ભલાબૂરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે તેમ રૂડા શ્રોતાઓ
પોતાની સમ્યગ્બુદ્ધિરૂપ કસોટી ઉપર, પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે અને તેમાં હિતકારીઅહિતકારી
ઉપદેશને સમ્યક્ પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારીને ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન જાણવા.
વળી સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, મનન, ઊહ (પ્રશ્ન), અપોહ (ઉત્તર) અને તત્ત્વ -
નિર્ણયએ આઠ ગુણો સહિત જેનું અંતઃકરણ હોય તેવા શ્રોતા જ મોક્ષાભિલાષી જાણવા.
એ પ્રમાણે પ્રસંગાનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ કહ્યું.
(સંગ્રાહકઅનુવાદક)