Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 37-54 (2. Danopadeshana),1 (3. Anitya Panchashat),2 (3. Anitya Panchashat),3 (3. Anitya Panchashat),4 (3. Anitya Panchashat),5 (3. Anitya Panchashat),6 (3. Anitya Panchashat),7 (3. Anitya Panchashat),8 (3. Anitya Panchashat),9 (3. Anitya Panchashat),10 (3. Anitya Panchashat),11 (3. Anitya Panchashat),12 (3. Anitya Panchashat),13 (3. Anitya Panchashat),14 (3. Anitya Panchashat),15 (3. Anitya Panchashat),16 (3. Anitya Panchashat),17 (3. Anitya Panchashat),18 (3. Anitya Panchashat),19 (3. Anitya Panchashat),20 (3. Anitya Panchashat),21 (3. Anitya Panchashat),22 (3. Anitya Panchashat),23 (3. Anitya Panchashat),24 (3. Anitya Panchashat),25 (3. Anitya Panchashat),26 (3. Anitya Panchashat),27 (3. Anitya Panchashat); 3. Anitya Panchashat.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 21

 

Page 115 of 378
PDF/HTML Page 141 of 404
single page version

background image
રીતે ધનની રક્ષા માટે રાખવામાં આવેલ દાસ (મુનીમ આદિ) સ્વયં તે ધનનો ઉપયોગ કરી
શકતો નથી પણ કેવળ તેનું રક્ષણ જ કરે છે. બરાબર એ જ રીતે તે ધનવાન મનુષ્ય પણ
જ્યારે તે ધન પોતાના ઉપભોગમાં ખરચતો નથી અને પાત્રદાનાદિ પણ કરતો નથી ત્યારે
ભલા તે નોકરની અપેક્ષાએ આનામાં શું વિશેષતા રહે છે? કાંઈ પણ નહિ. ૩૬.
(वसंततिलका)
चैत्यालये च जिनसूरिबुधार्चने च
दाने च संयतजनस्य सुदुःखिते च
यच्चात्मनि स्वमुपयोगि तदेव नून-
मात्मीयमन्यदिह कस्यचिदन्यपुंसः
।।३७।।
અનુવાદ : લોકમાં જે ધન જિનાલયનું નિર્માણ કરાવવામાં, જિનદેવ, આચાર્ય
અને પંડિત અર્થાત્ ઉપાધ્યાયની પૂજામાં, સંયમી જનોને દાન આપવામાં, અતિશય
દુઃખી પ્રાણીઓને પણ દયાપૂર્વક દાન આપવામાં તથા પોતાના ઉપભોગમાં પણ કામ
આવે છે. તેને જ નિશ્ચયથી પોતાનું ધન સમજવું જોઈએ. તેનાથી વિપરીત જે ધન
આ ઉપર્યુક્ત કામોમાં ખરચવામાં આવતું નથી તેને કોઈ બીજા જ મનુષ્યનું ધન
સમજવું જોઈએ. ૩૭.
(वसंततिलका)
पुण्यक्षयात्क्षयमुपैति न दीयमाना
लक्ष्मीरतः कुरुत संततपात्रदानम्
कूपे न पश्यत जलं गृहिणः समन्ता-
दाकृष्यमाणमपि वर्धत एव नित्यम्
।।३८।।
અનુવાદ : સંપત્તિ પુણ્યનો ક્ષય થવાથી ક્ષય પામે છે, નહિ કે દાન કરવાથી
માટે હે શ્રાવકો! તમે નિરંતર પાત્રદાન કરો. શું તમે એ નથી જોતા કે કૂવામાંથી
ચારે તરફથી કાઢવામાં આવતું હોવા છતાં પણ પાણી હંમેશા વધતું જ રહે છે. ૩૮.
(वसंततिलका)
सर्वान् गुणानिह परत्र च हन्ति लोभः
सर्वस्य पूज्यजनपूजनहानिहेतुः

Page 116 of 378
PDF/HTML Page 142 of 404
single page version

background image
अन्यत्र तत्र विहिते ऽपि हि दोषमात्र-
मेकत्र जन्मनि परं प्रथयन्ति लोकाः
।।३९।।
અનુવાદ : પૂજ્ય પુરુષોની પૂજામાં બાધા પહોંચાડનાર લોભ આ લોકમાં
અને પરલોકમાં પણ બધાના બધા ગુણો નષ્ટ કરી દે છે. તે લોભ જો ગૃહસંબંધી
કોઈ વિવાહાદિ કાર્યોમાં કરવામાં આવે તો લોકો કેવળ એક જન્મમાં જ તેના
દોષમાત્રને પ્રસિદ્ધ કરે છે.
વિશેષાર્થ : જો કોઈ મનુષ્ય જિનપૂજન અને પાત્રદાનાદિના વિષયમાં લોભ કરે છે
તો એનાથી તેને આ જન્મમાં કીર્તિ આદિનો લાભ થતો નથી અને અન્ય ભવમાં પૂજન-
દાનાદિથી ઉત્પન્ન થનાર પુણ્ય રહિત હોવાના કારણે સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતે જે
વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં લોભ કરે છે તે બન્નેય લોકમાં પોતાનું અહિત કરે છે. એનાથી
વિપરીત જે મનુષ્ય કેવળ વિવાહાદિરૂપ ગૃહસ્થના કાર્યોમાં લોભ કરે છે તેવો માણસ કૃપણ
આદિ શબ્દો દ્વારા ફક્ત આ જન્મમાં જ તિરસ્કાર કરી શકે છે પરંતુ પરલોક તેનો સુખમય
જ વીતે છે. તેથી જ ગૃહસ્થના કાર્યોમાં કરવામાં આવતો લોભ એટલો નિન્દ્ય નથી જેટલો
ધાર્મિક કાર્યોમાં કરવામાં આવતો લોભ નિંદનીય છે. ૩૯.
(वसंततिलका)
जातो ऽप्यजात इव स श्रियमाश्रितो ऽपि
रङ्कः कलङ्करहितो ऽप्यगृहीतनामा
कम्बोरिवाश्रितमृतेरपि यस्य पुंसः
शब्दः समुच्चलति नो जगति प्रकामम्
।।४०।।
અનુવાદ : મુત્યુ પામતાં શંખ સમાન જે પુરુષનું નામ સંસારમાં અતિશય
પ્રચલિત થતું નથી તે મનુષ્ય જન્મ લઈને પણ નહિ જન્મ્યા બરાબર થાય છે
અર્થાત્ તેનો મનુષ્ય જન્મ લેવો વ્યર્થ થાય છે. કારણ કે તે લક્ષ્મી પ્રાપ્ત કરીને
પણ દરિદ્રી જેવો રહે છે તથા દોષોથી રહિત હોવા છતાં પણ યશસ્વી થઈ શકતો
નથી. ૪૦.
(वसंततिलका)
श्वापि क्षितेरपि विभुर्जठरं स्वकीयं
कर्मोपनीतविधिना विदधाति पूर्णम्

Page 117 of 378
PDF/HTML Page 143 of 404
single page version

background image
किंतु प्रशस्यनृभवार्थविवेकीताना-
मेतत्फलं यदिह संततपात्रदानम्
।।४१।।
અનુવાદ : પોતાના કર્મ પ્રમાણે કુતરો પણ પોતાનું પેટ ભરે છે અને રાજા
પણ પોતાનું પેટ ભરે છે. પણ પ્રશંસનીય મનુષ્યભવ, ધન અને વિવેકબુદ્ધિ પ્રાપ્ત
કરવાનું અહીં એ જ પ્રયોજન છે કે નિરંતર પાત્રદાન આપવામાં આવે. ૪૧.
(वसंततिलका)
आयासकोटिभिरुपार्जितमङ्गजेभ्यो
यज्जीवितादपि निजाद्दयितं जनानाम्
वित्तस्य तस्य नियतं प्रविहाय दान-
मन्या विपत्तय इति प्रवदन्ति सन्तः
।।४२।।
અનુવાદ : કરોડો પરિશ્રમો દ્વારા કમાયેલું જે ધન પુત્રો અને પોતાના
જીવનથી પણ લોકોને અધિક પ્રિય હોય છે નિશ્ચયથી તે ધન માટે દાન સિવાયની
બીજી વિપત્તિઓ જ છે એમ સાધુપુરુષો કહે છે.
વિશેષાર્થ : મનુષ્ય ધન ઘણા કઠોર પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરે છે. તેથી તે તેમને પોતાના
પ્રાણોથી પણ અધિક પ્રિય જણાય છે. જો તેઓ તેનો સદુપયોગ પાત્રદાનાદિમાં કરે તો તે તેમને
ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પણ એનાથી ઉલ્ટું જો તેનો દુરુપયોગ ખોટા વ્યસનાદિમાં કરવામાં
આવે અથવા દાન અને ભોગરહિત કેવળ તેનો જ સંચય જ કરવામાં આવે તો તે મનુષ્યોને
વિપત્તિજનક જ થાય છે. એનું કારણ એ છે કે સુખનું કારણ જે પુણ્ય છે તેનો જ સંચય તેમણે
પાત્રદાનાદિરૂપ સત્કાર્યો દ્વારા કદી કર્યો જ નથી. ૪૨.
(वसंततिलका)
नार्थः पदात्पदमपि व्रजति त्वदीयो
व्यावर्तते पितृववान्ननु बन्धुवर्गः
दीर्घे पथि प्रसवता भवतः सखैकं
पुण्यं भविष्यति ततः क्रियतां तदेव
।।४३।।
અનુવાદ : તમારું ધન પોતાના સ્થાનથી એક ડગલું પણ (તમારી સાથે) જતું
નથી, એ જ રીતે તમારા સગાસંબંધી સ્મશાન સુધી તમારી સાથે જઈને ત્યાંથી પાછા

Page 118 of 378
PDF/HTML Page 144 of 404
single page version

background image
આવી જાય છે. લાંબા માર્ગે પ્રવાસ કરતાં તમારા માટે એક પુણ્ય જ મિત્ર છે. તેથી
હે ભવ્ય જીવો! તમે તે જ પુણ્યનું ઉપાર્જન કરો. ૪૩.
(वसंततिलका)
सौभाग्यशौर्यसुखरूपविवेकिताद्या
विद्यावपुर्धनगृहाणि कुले च जन्म
संपद्यते ऽखिलमिदं किल पात्रदानात्
तस्मात् किमत्र सततं क्रियते न यत्नः
।।४४।।
અનુવાદ : સૌભાગ્ય, શૂરવીરપણું, સુખ, સુંદરતા, વિવેકબુદ્ધિ આદિ વિદ્યા,
શરીર, ધન અને મહેલ તથા ઉત્તમકુળમાં જન્મ થવો, આ બધું નિશ્ચયથી પાત્રદાન
દ્વારા જ પ્રાપ્ત થાય છે. તો પછી હે ભવ્ય જન! તમે તે પાત્રદાનની બાબતમાં નિરંતર
પ્રયત્ન કેમ નથી કરતા? ૪૪.
(वसंततिलका)
न्यासश्च सद्म च करग्रहणं च सूनो-
रर्थेन तावदिह कारयितव्यमास्ते
धर्माय दानमधिकाग्रतया करिष्ये
संचिन्तयन्नपि गृही मृतिमेति मूढः
।।४५।।
અનુવાદ : પહેલાં તો અહીં ધનમાંથી કાંઈક થાપણ મૂકવી છે (જમીનમાં
દાટવા વગેરે), મકાન બનાવવું છે અને પુત્રના લગ્ન કરવા છે, ત્યાર પછી જો
વધારે ધન થશે તો ધર્મના નિમિત્તે દાન કરીશ. આમ વિચાર કરતા કરતા જ
તે મૂર્ખ ગૃહસ્થ મરણ પામી જાય છે. ૪૫.
(वसंततिलका)
किं जीवितेन कृपणस्य नरस्य लोके
निर्भोगदानधनबन्धनबद्धमूर्तेः
तस्माद्वरं बलिभुगुन्नतभूरिवाग्मि-
र्व्याहूतकाककुल एव बलिं स भुङ्क्ते
।।४६।।

Page 119 of 378
PDF/HTML Page 145 of 404
single page version

background image
અનુવાદ : લોકમાં જે કંજૂસ મનુષ્યનું શરીર ભોગ અને દાન રહિત એવા
ધનરૂપી બંધનથી બંધાયેલું છે તેના જીવનનું શું પ્રયોજન છે? અર્થાત્ તેના જીવવાથી
કાંઈ પણ લાભ નથી. તેની અપેક્ષાએ તો તે કાગડો જ સારો છે જે ઊંચા અનેક
વચનો (કા, કા) દ્વારા બીજા કાગડાઓને બોલાવીને જ બલિ (શ્રાદ્ધમાં અપાયેલું દ્રવ્ય)
ખાય છે. ૪૬.
(वसंततिलका)
औदार्ययुक्त जनहस्तपरम्पराप्त-
व्यावर्तनप्रसृतखेदभरातिखिन्नाः
अर्था गताः कृपणगेहमनन्तसौख्य-
पूर्णा इवानिशमबाधमतिस्वपन्ति
।।४७।।
અનુવાદ : દાની પુરુષોના હાથો દ્વારા પરંપરાથી પ્રાપ્ત થયેલ જવા
આવવાના વિપુલ ખેદના ભારથી જાણે અત્યંત વ્યાકુળ થઈને જ તે ધન કંજૂસ
મનુષ્યના ઘરને પ્રાપ્ત કરીને અનંત
સુખથી પરિપૂર્ણ થયું થકું નિરંતર નિર્બાધપણે
સૂવે છે.
વિશેષાર્થ : દાની પુરુષ પ્રાપ્ત ધનનો ઉપયોગ પાત્રદાનમાં કર્યા કરે છે. તેથી
પાત્રદાનજનિત પુણ્યના નિમિત્તે તે તેમને વારંવાર મળ્યા કરે છે, એનાથી ઉલ્ટું કંજૂસ મનુષ્ય પૂર્વના
પુણ્યથી પ્રાપ્ત થયેલ તે ધનનો ઉપયોગ ન તો પાત્રદાનમાં કરે છે અને ન પોતાના ઉપયોગમાં ય.
તે કેવળ તેનું સંરક્ષણ જ કરે છે. આ બાબતમાં ગ્રંથકાર ઉત્પ્રેક્ષા કરે છે કે તે ધન એમ વિચારી
જ જાણે કે ‘મને દાની પુરુષોને ત્યાં વારંવાર જવા
આવવાનું અસીમ કષ્ટ સહન કરવું પડે છે’
કંજૂસ મનુષ્યના ઘરમાં આવી ગયું છે. અહીં આવીને તે વારંવાર થતા ગમનાગમનના કષ્ટથી બચીને
નિશ્ચિન્ત રીતે સૂવે છે. ૪૭.
(वसंततिलका)
उत्कृष्टपात्रमनगारमणुव्रताढयं
मध्यं व्रतेन रहितं सु
द्रशं जघन्यम्
निर्दर्शनं व्रतनिकाययुतं कुपात्रं
युग्मोज्झितं नरमपात्रमिदं च विद्धि
।।४८।।
અનુવાદ : ગૃહ રહિત મુનિને ઉત્તમ પાત્ર, અણુવ્રતોથી યુક્ત શ્રાવકને મધ્યમ

Page 120 of 378
PDF/HTML Page 146 of 404
single page version

background image
પાત્ર, અવિરત સમ્યગ્દ્રષ્ટિને જઘન્ય પાત્ર, સમ્યગ્દર્શન રહિત હોવા છતાં વ્રતોનું પાલન
કરનાર મનુષ્યોને કુપાત્ર અને બન્ને (સમ્યગ્દર્શન તથા વ્રત) થી રહિત મનુષ્યને અપાત્ર
સમજો. ૪૮.
(वसंततिलका)
तेभ्यः प्रदत्तमिह दानफलं जनाना-
मेतद्विशेषणविशिष्टमदुष्टभावात्
अन्याद्रशे ऽथ हृदये तदपि स्वभावा-
दुच्चावचं भवति किं बहुभिवयोभिः ।।४९।।
અનુવાદ : તે ઉપર્યુક્ત પાત્રોને આપવામાં આવેલ દાનનું ફળ મનુષ્યોને આ
જ (ઉત્તમ, મધ્યમ, જઘન્ય, કુત્સિત અને અપાત્ર) વિશેષણોથી વિશિષ્ટ પ્રકારનું પ્રાપ્ત
થાય છે (જુઓ પાછળના શ્લોક ૨૦૪નો વિશેષાર્થ). અથવા ઘણું કહેવાથી શું? અન્ય
પ્રકારના અર્થાત્ દૂષિત હૃદયમાં પણ તે દાનનું ફળ સ્વભાવથી અનેક પ્રકારનું પ્રાપ્ત
થાય છે. ૪૯.
(वसंततिलका)
चत्वारि यान्यभवभेषजभक्ति शास्त्र-
दानानि तानि कथितानि महाफलानि
नान्यानि गोकनक भूमिरथाङ्गनादि-
दानानि निश्चितमवद्यकराणि यस्मात्
।।५०।।
અનુવાદ : અભયદાન, ઔષધદાન, આહારદાન અને શાસ્ત્રદાન (જ્ઞાનદાન)
આ જે ચાર દાન કહેવામાં આવ્યા છે તે મહાન ફળ આપનારા છે. એનાથી ભિન્ન
ગાય, સોનું, પૃથ્વી, રથ અને સ્ત્રી આદિનાં દાન મહાન ફળ આપનાર નથી; કેમ
કે તે નિશ્ચયથી પાપ ઉત્પાદક છે. ૫૦.
(वसंततिलका)
यद्दीयते जिनगृहाय धरादि किंचित्
तत्तत्र संस्कृतिनिमित्तमिह प्ररूढम्

Page 121 of 378
PDF/HTML Page 147 of 404
single page version

background image
आस्ते ततस्तदतिदीर्घतरं हि कालं
जैनं च शासनमतः कृतमस्ति दातुः
।।५१।।
અનુવાદ : જિનાલયના નિમિત્તે જે કાંઈ પૃથ્વી આદિનું દાન કરવામાં આવે
છે તે અહીં ધાર્મિક સંસ્કૃતિનું કારણ હોઈને અંકુરિત થતું થકું અતિશય દીર્ઘ કાળ
સુધી રહે છે. તેથી તે દાતા દ્વારા જૈન શાસન જ કરવામાં આવ્યું છે. ૫૧.
(वसंततिलका)
दानप्रकाशनमशोभनकर्मकार्य-
कार्पण्यपूर्णहृदयाय न रोचते ऽदः
दोषोज्झितं सकललोकसुखप्रदायि
तेजो रवेरिव सदा हतकौशिकाय
।।५२।।
અનુવાદ : જે નિર્દોષ દાનનો પ્રકાશ સમસ્ત જનોને સુખ આપે છે તે
પાપકર્મની કાર્યભૂત કૃપણતા (કંજૂસાઈ)થી પરિપૂર્ણ હૃદયવાળા પ્રાણી (કંજૂસ
મનુષ્ય)ને કદી રુચતો નથી. જેમ દોષો અર્થાત્ રાત્રિના સંસર્ગ રહિત હોવાને લીધે
સમસ્ત પ્રાણીઓને સુખ આપનાર સૂર્યનું તેજ નિન્દનીય ઘુવડને રુચિકર લાગતું
નથી. ૫૨.
(वसंततिलका)
दानोपदेशनमिदं कुरुते प्रमोद-
मासन्नभव्यपुरुषस्य न चेतरस्य
जातिः समुल्लसति दारु न भृङ्गसंगा-
दिन्दीवरं हसति चन्द्रकरैर्न चाश्मा
।।५३।।
અનુવાદ : આ દાનનો ઉપદેશ આસન્નભવ્ય પુરુષોને આનંદ આપનાર છે,
નહિ કે અન્ય (દૂરભવ્ય અને અભવ્ય) પુરુષોને. બરાબર છેભમરાઓના સંસર્ગથી
માલતી પુષ્પ શોભા પામે છે, પરંતુ તેમના સંસર્ગથી લાકડું શોભા પામતું નથી. તેવી
જ રીતે ચન્દ્રકિરણો દ્વારા શ્વેત કમળ પ્રફુલ્લિત થાય છે, પરંતુ પથ્થર પ્રફુલ્લિત થતો
નથી. ૫૩.

Page 122 of 378
PDF/HTML Page 148 of 404
single page version

background image
(वसंततिलका)
रत्नत्रयाभरणवीरमुनीन्द्रपाद-
पद्मद्वयस्मरणसंजनितप्रभावः
श्रीपद्मनन्दिमुनिराश्रितयुग्मदान-
पञ्चाशतं ललितवर्णचयं चकार
।।५४।।
અનુવાદ : રત્નત્રયરૂપ આભરણથી વિભૂષિત શ્રી વિરનન્દી મુનિરાજના
ઉભય ચરણકમળના સ્મરણથી ઉત્પન્ન થયેલ પ્રભાવને ધારણ કરનાર શ્રી પદ્મનન્દી
મુનિએ લલિત વર્ણોના સમૂહથી સંયુક્ત આ બે અધિક દાનપંચાશત્ અર્થાત્ બાવન
પદ્યોવાળા દાનપ્રકરણની રચના કરી છે. ૫૪.
આ રીતે દાનપંચાશત્ પ્રકરણ સમાપ્ત થયું.

Page 123 of 378
PDF/HTML Page 149 of 404
single page version

background image
૩. અનિત્ય પંચાશત્
[३. अनित्यपंञ्चाशत् ]
(आर्या)
जयति जिनो धृतिधनुषामिषुमाला भवति योगियोधानाम्
यद्वाक्करुणामय्यपि मोहरिपुप्रहतये तीक्ष्णा ।।।।
અનુવાદ : જે જિન ભગવાનની વાણી ધૈર્યરૂપ ધનુષ ધારણ કરનાર યોગીજનો
રૂપી યોદ્ધાઓને બાણપંક્તિ સમાન હોય છે તથા જેની તે વાણી દયામય હોવા છતાં
પણ મોહ રૂપી શત્રુનો ઘાત કરવા માટે તીક્ષ્ણ તલવારનું કામ કરે છે તે જિન ભગવાન
જયવંત હો .૧.
(शार्दूलविक्रीडित)
यद्येकत्र दिने विभुक्ति रथ वा निद्रा न रात्रौ भवेत्
विद्रात्यम्बुजपत्रवद्दहनतो ऽभ्यासस्थिताद्यद्ध्रुवम्
अस्त्रव्याधिजलादितो ऽपि सहसा यच्च क्षयं गच्छति
भ्रातः कात्र शरीरके स्थितिमतिर्नाशेऽस्य को विस्मयः
।।।।
અનુવાદ : જો કોઈ વાર એક દિવસ ભોજન પ્રાપ્ત થતું નથી કે રાત્રે
ઊંઘ આવતી નથી તો જે શરીર નિશ્ચયથી નિકટવર્તી અગ્નિથી સંતપ્ત થયેલા
કમળના પાંદડાની જેમ મ્લાનતા પામે છે તથા જે અસ્ત્ર, રોગ અને જળ આદિ
દ્વારા અકસ્માત્ નાશ પામે છે; હે ભાઈ! તે શરીરના વિષયમાં સ્થિરતાની બુદ્ધિ
ક્યાંથી થઈ શકે? અને તેનો નાશ થઈ જાય તેમાં આશ્ચર્ય જ શું છે? અર્થાત્

Page 124 of 378
PDF/HTML Page 150 of 404
single page version

background image
તેને ન તો સ્થિર સમજવું જોઈએ અને ન તો નષ્ટ થતાં કાંઈ આશ્ચર્ય પણ થવું
જોઈએ. ૨.
(शार्दूलविक्रीडित)
दुर्गन्धाशुचिधातुभित्तिकलितं संछादितं चर्मणा
विण्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम्
क्लिष्टं कायकुटीरकं स्वयमपि प्राप्तं जरावह्निना
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते
।।।।
અનુવાદ : જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગન્ધયુક્ત અપવિત્ર ધાતુઓ રૂપી દીવાલો
સહિત છે, ચામડાથી ઢાંકેલી છે, વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે, તથા ભૂખ-
તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલા છિદ્રોથી સંયુક્ત છે, તે
ક્લેશયુક્ત શરીરરૂપી ઝુંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે
પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. ૩.
(शार्दूलविक्रीडित)
अम्भोबुद्बुदसंनिभा तनुरियं श्रीरिन्द्रजालोपमा
दुर्वाताहतवारिवाहस
द्रशाः कान्तार्थपुत्रादयः
सौख्यं वैषयिकं सदैव तरलं मत्ताङ्गनापाङ्गवत्
तस्मादेतदुपप्लवाप्तिविषये शोकेन किं किं मुदा
।।।।
અનુવાદ : આ શરીર પાણીના પરપોટા સમાન ક્ષણમાં નાશ પામનાર છે,
લક્ષ્મી ઇન્દ્રજાળ સમાન વિનશ્વર છે; સ્ત્રી, ધન અને પુત્ર આદિ દુષ્ટ વાયુથી તાડિત
વાદળાઓ સમાન જોત જોતામાં જ વિલીન થઈ જાય છે; તથા ઇન્દ્રિયવિષયજન્ય સુખ
સદાય કામોન્મત્ત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં
શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે? કાંઈ પણ નહિ.
અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી અને પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન
પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને
વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૪.

Page 125 of 378
PDF/HTML Page 151 of 404
single page version

background image
(वसंततिलका)
दुःखे वा समुपस्थिते ऽथ मरणे शोको न कार्यो बुधैः
संबन्धो यदि विग्रहेण यदयं संभूतिधात्र्येतयोः
तस्मात्तत्परिचिन्तनीयमनिशं संसारदुःखप्रदो
येनास्य प्रभवः पुरः पुनरपि प्रायो न संभाव्यते
।।।।
અનુવાદ : જો શરીર સાથે સંબંધ હોય તો દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં
વિદ્વાન પુરુષોએ શોક ન કરવો જોઈએ. કારણ એ કે તે શરીર આ બન્ને (દુઃખ અને
મરણ)ની જન્મભૂમિ છે અર્થાત્ આ બન્નેનો શરીર સાથે અવિનાભાવ છે. માટે જ
નિરંતર તે આત્મસ્વરૂપનો વિચાર કરવો જોઈએ જેના દ્વારા આગળ પ્રાયઃ (ઘણું કરીને)
સંસારના દુઃખ આપનાર આ શરીરની ઉત્પત્તિની ફરીથી સંભાવના જ ન રહે. ૫.
(शार्दूलविक्रीडित)
दुर्वारार्जितकर्मकारणवशादिष्टे प्रणष्टे नरे
यच्छोकं कुरुते तदत्र नितरामुन्मत्तलीलायितम्
यस्मात्तत्र कृते न सिध्यति किमप्येतत्परं जायते
नश्यन्त्येव नरस्य मूढमनसो धर्मार्थकामादयः
।।।।
અનુવાદ : પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ
થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન
છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ
થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થ આદિ જ
નષ્ટ થાય છે. ૬.
(उपेन्द्रवज्रा)
उदेति पाताय रविर्यथा तथा
शरीरमेत्तन्ननु सर्वदेहिनाम्
स्वकालमासाद्य निजेऽपि संस्थिते
करोति कः शोकमतः प्रबुद्धधीः
।।।।

Page 126 of 378
PDF/HTML Page 152 of 404
single page version

background image
અનુવાદ : જેમ સૂર્યનો ઉદય અસ્ત થવા માટે થાય છે તેવી જ રીતે નિશ્ચયથી
સમસ્ત પ્રાણીઓનું આ શરીર પણ નષ્ટ થવાને માટે ઉત્પન્ન થાય છે. તો પછી કાળ
પામીને પોતાના કોઈ બંધુ વગેરેનું મરણ થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક
કરે? અર્થાત્ તેને માટે કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી.
વિશેષાર્થ : જેવી રીતે સૂર્યનો ઉદય અસ્તનો અવિનાભાવી છે તેવી જ રીતે શરીરની
ઉત્પત્તિ પણ વિનાશની અવિનાભાવી છે. આવી સ્થિતિમાં તે વિનશ્વર શરીરનો નાશ થતાં તેના
વિષયમાં શોક કરવો વિવેકહીનતાનું દ્યોતક છે. ૭.
(वसंततिलका)
भवन्ति वृक्षेषु पतन्ति नूनं पत्राणि पुष्पाणि फलानि यद्वत्
कुलेषु तद्वत्पुरुषाः किमत्र हर्षेण शोकेन च सन्मतीनाम् ।।।।
અનુવાદ : જેવી રીતે વૃક્ષોમાં પત્ર, પુષ્પ અને ફળ ઉત્પન્ન થાય છે અને
તેઓ સમયાનુસાર નિશ્ચયથી પડે પણ છે, તેવી જ રીતે કુળો (કુટુંબ)માં જે પુરુષો
ઉત્પન્ન થાય છે તેઓ મરે પણ છે. તો પછી બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતાં
હર્ષ અને મરતાં શોક શા માટે થવો જોઈએ? ન થવો જોઈએ. ૮.
(शार्दूलविक्रीडित)
दुर्लङ्घयाद्भवितव्यताव्यतिकरान्नष्टे प्रिये मानुषे
यच्छोकः क्रियते तदत्र तमसि प्रारभ्यते नर्तनम्
सर्वं नश्वरमेव वस्तु भुवने मत्वा महत्या धिया
निर्धूताखिलदुःखसंततिरहो धर्मः सदा सेव्यताम्
।।।।
અનુવાદ : દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય
તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે.
સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે, એમ ઉત્તમ બુદ્ધિદ્વારા જાણીને સમસ્ત
દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો.
વિશેષાર્થ : જેમ અંધારામાં નૃત્યનો આરંભ કરવો નિષ્ફળ છે તેવી રીતે કોઈ પ્રિયજનનો
વિયોગ થતાં તેના માટે શોક કરવો પણ નિષ્ફળ જ છે. કારણ કે સંસારના બધા જ પદાર્થ સ્વભાવથી

Page 127 of 378
PDF/HTML Page 153 of 404
single page version

background image
નાશ પામે છે, એમ વિવેકબુદ્ધિથી નિશ્ચિત છે. તેથી જે ધર્મ સમસ્ત દુઃખોનો નાશ કરીને અનંત
સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરાવે છે તેનું જ આરાધન કરવું જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
पूर्वोपार्जितकर्मणा विलिखितं यस्यावसानं यदा
तज्जायेत तदैव तस्य भविनो ज्ञात्वा तदेतद्ध्रुवम्
शोकं मुञ्च मृते प्रिये ऽपि सुखदं धर्मं कुरुष्वादरात्
सर्पे दूरमुपागते किमिति भोस्तद्घृष्टिराहन्यते
।।१०।।
અનુવાદ : પૂર્વે કમાયેલ કર્મ દ્વારા જે પ્રાણીનો અંત જે સમયે લખવામાં
આવ્યો છે તેનો તે જ સમયે અંત થાય છે એમ નિશ્ચિત જાણીને કોઈ પ્રિય મનુષ્યનું
મરણ થવા છતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો.
ઠીક છે
જ્યારે સાપ દૂર ચાલ્યો જાય છે ત્યારે તેના લીસોટાને ક્યો બુદ્ધિમાન પુરુષ
લાઠી દ્વારા પીટે છે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન તેમ કરતો નથી. ૧૦.
(शार्दूलविक्रीडित)
ये मूर्खा भुवि ते ऽपि दुःखहतये व्यापारमातन्वते
सा माभूदथवा स्वकर्मवशतस्तस्मान्न ते ता
द्रशाः
मूर्खान् मूर्खशिरोमणीन् ननु वयं तानेव मन्यामहे
ये कुर्वन्ति शुचं मृते सति निजे पापाय दुःखाय च
।।११।।
અનુવાદ : આ પૃથ્વી ઉપર જે મૂર્ખ મનુષ્યો છે તેઓ પણ દુઃખનો નાશ
કરવા માટે પ્રયત્ન કરે છે. છતાં પણ જો પોતાના કર્મના પ્રભાવથી તે દુઃખનો વિનાશ
ન યે થાય તોપણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ખોને મૂર્ખોમાં શ્રેષ્ઠ
અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને
દુઃખના નિમિત્તભૂત શોકને દૂર કરે છે.
વિશેષાર્થ : લોકમાં જે પ્રાણીને મૂર્ખ સમજવામાં આવે છે તેઓ પણ દુઃખ દૂર કરવાનો
પ્રયત્ન કરે છે. જો કદાચ દૈવવશે તેમને પોતાના આ પ્રયત્નમાં સફળતા ન યે મળે તોપણ તેમને
એટલા બધા જડ (મૂર્ખ) ગણવામાં આવતા નથી. પરંતુ જે મનુષ્ય કોઈ ઇષ્ટ જનનો વિયોગ થતાં
શોક કરે છે તેમને મૂર્ખ જ નહિ પણ મૂર્ખશિરોમણિ (અતિશય જડ) ગણવામાં આવે છે. કારણ
એ છે કે મૂર્ખ સમજવામાં આવતા તે પ્રાણીઓ તો આવેલું દુઃખ દૂર કરવા માટે જ કાંઈ ને કાંઈ

Page 128 of 378
PDF/HTML Page 154 of 404
single page version

background image
પ્રયત્ન કરે છે, પરંતુ આ મૂર્ખશિરોમણિ ઇષ્ટવિયોગમાં શોકાકુળ થઈને અને નવીન દુઃખને પણ
ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એનું પણ કારણ એ છે કે તે શોકથી
‘‘दुःख-शोक-तापाक्रन्दन-वध-
परिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेद्यस्य’’ આ સૂત્ર (ત. સૂ. ૬૧૧) અનુસાર અશાતાવેદનીય કર્મનો જ
બંધ થાય છે, કે જેથી ભવિષ્યમાં પણ તેમને તે દુઃખની પ્રાપ્તિ અનિવાર્ય બની જાય છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
किं जानासि न किं शृणोषि न न किं प्रत्यक्षमेवेक्षसे
निःशेषं जगदिन्द्रजालस
द्रशं रम्भेव सारोज्झितम्
किं शोकं कुरुषे ऽत्र मानुषपशो लोकान्तरस्थे निजे
तत्किंचित्कुरु येन नित्यपरमानन्दास्पदं गच्छसि
।।१२।।
અનુવાદ : હે અજ્ઞાની મનુષ્ય! આ સમસ્ત જગત્ ઇન્દ્રજાળ સમાન વિનશ્વર
અને કેળના થડ સમાન નિઃસાર છે; આ વાત શું તું નથી જાણતો? શું શાસ્ત્રમાં
સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો,
સાંભળો છો અને પ્રત્યક્ષપણે દેખો છો. તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી
મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન
કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૧૨.
(वसंततिलका)
जातो जनो म्रियत एव दिने च मृत्योः
प्राप्ते पुनस्त्रिभुवने ऽपि न रक्षकोऽस्ति
तद्यो मृते सति निजे ऽपि शुचं करोति
पूत्कृत्य रोदिति वने विजने स मूढः
।।१३।।
અનુવાદ : જે મનુષ્ય ઉત્પન્ન થયો છે તે મૃત્યુનો દિવસ આવતાં મરે જ
છે, તે વખતે તેની રક્ષા કરનાર ત્રણે લોકમાં કોઈ પણ નથી. તેથી જે પોતાનું ઇષ્ટજન
મૃત્યુ પામે ત્યારે શોક કરે છે તે મૂર્ખ નિર્જન વનમાં બૂમો પાડીને રુદન કરે છે.
અભિપ્રાય એ છે કે જેવી રીતે જનશૂન્ય (મનુષ્ય વિનાના) વનમાં રુદન કરનારના
રોવાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી તેવી રીતે કોઈ ઇષ્ટ જન મૃત્યુ પામતાં,
તેના માટે શોક કરવાવાળાને પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પરંતુ તેથી દુઃખદાયક
નવીન કર્મોનો જ બંધ થાય છે. ૧૩.

Page 129 of 378
PDF/HTML Page 155 of 404
single page version

background image
(वसंततिलका)
इष्टक्षयो यदिह ते यदनिष्टयोगः
पापेन तद्भवति जीव पुराकृतेन
शोकं करोषि किमु तस्य कुरु प्रणाशं
पापस्य तौ न भवतः पुरतोऽपि येन
।।१४।।
અનવાદઃહે જીવ! અહીં જે તને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ
થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદયથી થાય છે. તેથી તું શોક શા માટે કરે છે?
તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બન્ને (ઇષ્ટ વિયોગ
અને અનિષ્ટસંયોગ) ન થઈ શકે. ૧૪.
(शार्दूलविक्रीडित)
नष्टे वस्तुनि शोभने ऽपि हि तदा शोकः समारभ्यते
तल्लाभो ऽथ यशोऽथ सौख्यमथ वा धर्मो ऽथ वा स्याद्यदि
यद्येको ऽपि न जायते कथमपि स्फारैः प्रयत्नैरपि
प्रायस्तत्र सुधीर्मुधा भवति कः शोकोग्ररक्षोवशः
।।१५।।
અનુવાદ : મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ
થતી હોય કીર્તિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય; તો તો
શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે
ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી ક્યો
બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત્ કોઈ
નહીં. ૧૫.
(वसंततिलका)
एकद्रुमे निशि वसन्ति यथा शकुन्ताः
प्रातः प्रयान्ति सहसा सकलासु दिक्षु
स्थित्वा कुले बत तथान्यकुलानि मृत्वा
लोकाः श्रयन्ति विदुषा खलु शोच्यते कः
।।१६।।

Page 130 of 378
PDF/HTML Page 156 of 404
single page version

background image
અનુવાદ : જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને
પછી સવાર થતાં તેઓ સહસા સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી
જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળોનો
આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી. ૧૬.
(शार्दूलविक्रीडित)
दुःखव्यालसमाकुलं भववनं जाडयान्धकाराश्रितं
तस्मिन् दुर्गतिपल्लिपातिकुपथैर्भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
तन्मध्ये गुरुवाक्प्रदीपममलं ज्ञानप्रभाभासुरं
प्राप्यालोक्य च सत्पथं सुखपदं याति प्रबुद्धो ध्रुवम्
।।१७।।
અનુવાદ : જે સંસારરૂપી વન દુઃખોરૂપી સર્પોથી વ્યાપ્ત અને અજ્ઞાનરૂપી
અંધકારથી પરિપૂર્ણ છે તેમાં સર્વે પ્રાણી દુર્ગતિરૂપ ભીલોની વસ્તી તરફ લઈ જતા
ખોટા માર્ગે પરિભ્રમણ કરે છે. તે (સંસાર
વન)ની વચ્ચે વિવેકી પુરુષ જ્ઞાનરૂપી
જ્યોતિથી દેદીપ્યમાન નિર્મળ ગુરુના વચન (ઉપદેશ) રૂપી દીપક પામીને અને તેનાથી
સમીચીન માર્ગ જોઈને નિશ્ચયથી સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
વિશેષાર્થ : જેવી રીતે કોઈ મુસાફર સર્પોથી ભરેલા અંધકારયુક્ત વનમાં ભૂલીને ખોટા
માર્ગે ભીલોની વસ્તીમાં જઈ પહોંચે છે અને કષ્ટ સહન કરે છે. જો તેને ઉક્ત વનમાં કોઈ પ્રકારે
દીવો પ્રાપ્ત થઈ જાય છે તો તે તેના સહારે યોગ્ય માર્ગની ખોજ કરીને તેના દ્વારા ઇષ્ટ સ્થાનમાં
પહોંચી જાય છે. બરાબર એવી જ રીતે આ સંસારી પ્રાણી પણ દુઃખોથી ભરેલા આ અજ્ઞાનમય
સંસારમાં મિથ્યાદર્શનાદિને વશીભૂત થઈને નરકાદિ દુર્ગતિઓમાં પહોંચે છે અને ત્યાં અનેક પ્રકારના
કષ્ટો સહે છે. તેને જ્યારે નિર્મળ સદ્ગુરુનો ઉપદેશ મળે છે ત્યારે તે તેમાંથી પ્રબુદ્ધ થઈને
મોક્ષમાર્ગનો આશ્રય કરે છે અને તેના દ્વારા મુક્તિપુરીમાં જઈ પહોંચે છે. ૧૭.
(वसंततिलका)
यैव स्वकर्मकृतकालकलात्र जन्तु-
स्तत्रैव याति मरणं न पुरो न पश्चात्
मूढास्तथापि हि मृते स्वजने विधाय
शोकं परं प्रचुरदुःखभुजो भवन्ति
।।१८।।

Page 131 of 378
PDF/HTML Page 157 of 404
single page version

background image
અનુવાદ : આ સંસારમાં પોતાના કર્મ દ્વારા જે મરણનો સમય નક્કી
કરવામાં આવ્યો છે તે જ સમયે પ્રાણી મરણ પામે છે, તે તેનાથી ન તો પહેલાં
મરે છે અને ન પછી, પણ છતાં ય મૂર્ખ મનુષ્યો પોતાના કોઈ સંબંધીનું મૃત્યુ
થતાં અતિશય શોક કરીને બહુ જ દુઃખ ભોગવે છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
वृक्षाद्वृक्षमिवाण्डजा मधुलिहः पुष्पाच्च पुष्पं यथा
जीवा यान्ति भवाद्भवान्तरमिहाश्रोन्तं तथा संसृतौ
तज्जातेऽथ मृतेऽथ वा न हि मुदं शोकं न कस्मिन्नपि
प्रायः प्रारभते ऽधिगम्य मतिमानस्थैर्यमित्यङ्गिनाम्
।।१९।।
અનુવાદ : જેવી રીતે પક્ષી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર તથા ભમરો એક
ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે તેવી જ રીતે અહીં સંસારમાં જીવ નિરંતર એક
પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપર્યુક્ત પ્રકારે
પ્રાણીઓની અસ્થિરતા જાણીને ઘણું કરીને કોઈ ઇષ્ટ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતા
નથી અને તેનું મૃત્યુ થતાં શોક પામતાં નથી. ૧૯.
(शार्दूलविक्रीडित)
भ्राम्यन् कालमनन्तमत्र जनने प्राप्नोति जीवो न वा
मानुष्यं यदि दुष्कुले तदघतः प्राप्तं पुनर्नश्यति
सज्जातावथ तत्र याति विलयं गर्भे ऽपि जन्मन्यपि
द्राग्बाल्ये ऽपि ततो ऽपि नो वृष इति प्राप्ते प्रयत्नो वरः
।।२०।।
અનુવાદ : આ જન્મ-મરણરૂપ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતો
જીવ મનુષ્ય પર્યાય પામે છે અથવા નથી પણ પામતો અર્થાત્ તેને તે મનુષ્ય
પર્યાય ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જો કદાચ તે મનુષ્યભવ પ્રાપ્ત પણ કરી
લે છે તો પણ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી તેનો તે મનુષ્યભવ પાપાચરણપૂર્વક
જ નષ્ટ થઈ જાય છે. જો કોઈ પ્રકારે ઉત્તમ કુળમાં ય ઉત્પન્ન થયો તોપણ ત્યાં
તે કાં તો ગર્ભમાં જ મરી જાય છે અથવા જન્મ લેતી વખતે મરી જાય છે અથવા
બાલ્યાવસ્થામાં પણ શીધ્ર મરણ પામી જાય છે. તેથી પણ ધર્મની પ્રાપ્તિ થઈ

Page 132 of 378
PDF/HTML Page 158 of 404
single page version

background image
શકતી નથી. પછી જો આયુષ્યની અધિકતામાં તે ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેના
વિષયમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. ૨૦.
(मालिनी)
स्थिरं सदपि सर्वदा भृशमुदेत्यवस्थान्तरैः
प्रतिक्षणमिदं जगज्जलदकूटवन्नश्यति
तदत्र भवमाश्रिते मृतिमुपागते वा जने
प्रियेऽपि किमहो मुदा किमु शुचा प्रबुद्धात्मनः
।।२१।।
અનુવાદ : આ વિશ્વ દ્રવ્ય અપેક્ષાએ સ્થિર (ધ્રુવ) હોવા છતાં પણ પર્યાય-
અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે મેઘપટલ સમાન અન્ય-અન્ય અવસ્થાઓથી ઉત્પન્ન પણ થાય છે
અને નષ્ટ પણ અવશ્ય થાય છે. આ કારણે અહીં જ્ઞાની જીવને કોઈ પ્રિયજનનો જન્મ
થતાં હર્ષ અને તેનું મરણ થતાં શોક કેમ થવો જોઈએ? અર્થાત્ ન થવો જોઈએ. ૨૧.
(शार्दूलविक्रीडित)
लङ्घ्यन्ते जलराशयः शिखरिणो देशास्तटिन्यो जनैः
सा वेला तु मृतेर्नृपक्ष्मचलनस्तोकापि देवैरपि
तत्कस्मिन्नपि संस्थिते सुखकरं श्रेयो विहाय ध्रुवं
कः सर्वत्र दुरन्तदुःखजनकं शोकं विदध्यात् सुधीः
।।२२।।
અનુવાદ : મનુષ્ય સમુદ્રો, પર્વતો, દેશો અને નદીઓને ઓળંગી શકે છે; પરંતુ
મૃત્યુના નિશ્ચિત સમયને દેવ પણ નિમેષ માત્ર (આંખના પલકારા બરાબર) જરા
પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઇષ્ટ જનનું મૃત્યુ થતાં ક્યો બુદ્ધિમાન
મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર દુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે?
અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન્ શોક કરતો નથી. ૨૨.
(शार्दूलविक्रीडित)
आक्रन्दं कुरुते यदत्र जनता नष्टे निजे मानुषे
जाते यच्च मुदं तदुन्नतधियो जल्पन्ति वातूलताम्
यज्जाडयात्कृतदुष्टचेष्टितभवत्कर्मप्रबन्धोदयात्
मृत्यूत्पत्तिपरम्परामयमिदं सर्वं जगत्सर्वदा
।।२३।।

Page 133 of 378
PDF/HTML Page 159 of 404
single page version

background image
અનુવાદ : સંસારમાં લોકો પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મૃત્યુ થતાં જે
વિલાપપૂર્વક ચીસો પાડીને રુદન કરે છે તથા તેનો જન્મ થતાં જે હર્ષ કરે છે તેને
ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી
પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતા કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદયથી
સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૨૩.
(शार्दूलविक्रीडित)
गुर्वी भ्रान्तिरियं जडत्वमथ वा लोकस्य यस्माद्वसन्
संसारे बहुदुःखजालजटिले शोकीभवत्यापदि
भूतप्रेतपिशाचफे रवचितापूर्णे श्मशाने गृहं
कः कृत्वा भयदादमङ्गलकृते भावाद्भवेच्छङ्कितः
।।२४।।
અનુવાદ : અનેક દુઃખોના સમૂહથી પરિપૂર્ણ એવા સંસારમાં રહેનાર મનુષ્ય
આપત્તિ આવતાં જે શોકાકુળ થાય છે એ તેની ઘણી મોટી ભ્રાન્તિ અથવા અજ્ઞાનતા
છે. બરાબર છે
જે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ, શિયાળ અને ચિત્તાઓથી ભરેસા એવા
અમંગળકારી સ્મશાનમાં મકાન બનાવીને રહે છે તે શું ભય ઉત્પન્ન કરનાર પદાર્થોથી
કદી શંકિત થાય? અર્થાત્ ન થાય.
વિશેષાર્થ : જેવી રીતે ભૂતપ્રેતાદિથી વ્યાપ્ત સ્મશાનમાં ઘર બનાવીને રહેનાર મનુષ્ય
કદી અન્ય પદાર્થોથી ભયભીત થતો નથી તેવી જ રીતે અનેક દુઃખોથી પરિપૂર્ણ આ જન્મમરણરૂપ
સંસારમાં પરિભ્રમણ કરનાર જીવે પણ કોઈ ઇષ્ટવિયોગાદિરૂપ આપત્તિ આવતાં વ્યાકુળ ન થવું
જોઈએ. છતાં જો એવી આપત્તિઓ આવતાં પ્રાણી શોકાદિથી સંતપ્ત થાય છે તો એમાં તેની
અજ્ઞાનતા જ કારણ છે કેમ કે જ્યારે સંસાર સ્વભાવથી જ દુઃખમય છે તો આપત્તિઓનું આવવું
જવું તો રહેવાનું જ. તો પછી એમાં રહેતા થકા ભલા હર્ષ અને વિષાદ કરવાથી ક્યું પ્રયોજન સિદ્ધ
થવાનું? ૨૪.
(मालिनी)
भ्रमति नभसि चन्द्रः संसृतौ शश्वदङ्गी
लभत उदयमस्तं पूर्णतां हीनतां च
कलुषितहृदयः सन् याति राशिं च राशे-
स्तनुमिह तनुतस्तत्कात्र मुत्कश्च शोकः
।।२५।।

Page 134 of 378
PDF/HTML Page 160 of 404
single page version

background image
અનુવાદ : જેવી રીતે ચન્દ્રમા આકાશમાં નિરંતર ચક્કર લગાવ્યા કરે છે તેવી
જ રીતે આ પ્રાણી સદા સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે; જેમ ચન્દ્રમા ઉદય, અસ્ત,
અને કળાઓની હાનિ
વૃદ્ધિને પામ્યા કરે છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ જન્મ
મરણ અને સંપત્તિની હાનિ-વૃદ્ધિને પામ્યા કરે છે; જેમ ચંદ્ર મધ્યમાં કલુષિત (કાળો)
રહે છે તેવી જ રીતે સંસારી પ્રાણીનું હૃદય પણ પાપથી કલુષિત રહે છે તથા જેમ
ચંદ્ર એક રાશિ (મીન-મેષ વગેરે)થી બીજી રાશિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સંસારી
પ્રાણી પણ એક શરીર છોડીને બીજા શરીરનું ગ્રહણ કર્યા કરે છે. આવી સ્થિતિ હોતાં
સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિમાં જીવે હર્ષ અને વિષાદ શા માટે કરવો જોઈએ?
અર્થાત્ ન કરવા જોઈએ . ૨૫.
(मालिनी)
तडिदिव चलमेतत्पुत्रदारादि सर्वं
किमिति तदभिघाते खिद्यते बुद्धिमद्भिः
स्थितिजननविनाशं नोष्णतेवानलस्य
व्यभिचरति कदाचित्सर्वभावेषु नूनम्
।।२६।।
અનુવાદ : આ બધા પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ જો વિજળી સમાન ચંચળ
અર્થાત્ ક્ષણિક છે તો પછી તેમનો વિનાશ થતાં બુદ્ધિમાન મનુષ્ય ખેદખિન્ન કેમ થાય
છે? અર્થાત્ તેમનો નશ્વર સ્વભાવ જાણીને તેમણે ખેદખિન્ન ન થવું જોઈએ. જેવી
રીતે ઉષ્ણતા અગ્નિનો વ્યભિચાર કરતી નથી અર્થાત્ તે સદા અગ્નિ હોય ત્યાં હોય
છે અને તેના અભાવમાં કદી પણ નથી હોતી; બરાબર એવી જ રીતે સ્થિતિ (ધ્રૌવ્ય),
ઉત્પાદ અને વ્યય પણ નિશ્ચયથી પદાર્થો હોય ત્યાં અવશ્ય હોય છે અને તેમના
અભાવમાં કદી પણ હોતા નથી. ૨૬.
(मालिनी)
प्रियजनमृतिशोकः सेव्यमानो ऽतिमात्रं
जनयति तदसातं कर्म यच्चाग्रतो ऽपि
प्रसरति शतशाखं देहिनि क्षेत्र उप्तं
वट इव तनुबीजं त्यज्यतां स प्रयत्नात्
।।२७।।