PDF/HTML Page 3561 of 4199
single page version
‘તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે).’
જુઓ, સમસ્ત અજ્ઞાનચેતના અર્થાત્ શુભાશુભ ભાવને કરવારૂપ ને ભોગવવારૂપ પરિણામ, કહે છે, સંસારનું બીજ છે, દુઃખનું બીજ છે. ભાઈ! તું દયા, દાન, વ્રતાદિના શુભભાવને કર્તવ્ય માને છે, ભલા માને છે, પણ આચાર્યદેવ અહીં તેને સંસારદુઃખનું બીજ કહે છે. સમસ્ત કર્મચેતના ને કર્મફળચેતના સંસારનું બીજ છે, ચોરાસીના અવતારમાં રખડવાનું બીજ છે, કેમ? કેમકે સંસારનું કારણ જે આઠ પ્રકારનું કર્મ, તેનું અજ્ઞાનચેતના બીજ છે; અર્થાત્ એનાથી-શુભાશુભભાવ કરવાના ને ભોગવવાના ભાવથી-કર્મ બંધાય છે. લ્યો, હવે સમજાણું કાંઈ....?
હવે કહે છે- ‘માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.’
અહાહા......! પોતે સ્વરૂપથી શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે. અહા! તેમાં સ્વપણું એકાગ્ર ન થતાં રાગમાં એકાગ્ર થઈને રાગથી પોતાને લાભ માને, રાગને પોતાનું કર્તવ્ય માને તે અજ્ઞાનચેતના છે અને તે અજ્ઞાનચેતના આને સંસારમાં રખડવાનું બીજ છે; કેમકે સંસારનું બીજ જે આઠ પ્રકારનું કર્મ તેનું અજ્ઞાનચેતના બીજ છે. અરે! અનંતકાળમાં અનંતા જન્મ-મરણ કરીને એના સોથા નીકળી ગયાં છે. પણ અરે! રાગથી ભિન્ન અંદર હું ચિદાનંદસ્વરૂપ ભગવાન છું એમ કદીય એણે સ્વીકાર્યું નહિ, રાગની આડમાં પોતાના સ્વસ્વરૂપનો એણે કદીય સત્કાર કર્યો નહિ.
તો ધર્માત્માને-સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ તો આવે છે? હા, સમ્યગ્દ્રષ્ટિને-જ્ઞાની જીવને પોતાના શુદ્ધ નિર્મળાનંદ પ્રભુ આત્માનો અનુભવ થયો હોવા છતાં સ્વરૂપસ્થિરતા સંપૂર્ણ થઈ નથી એટલે રાગ આવે છે, પણ એ રાગ તેનું કર્તાપણે કર્તવ્ય નથી, એની તેને હોંશ નથી. રાગ તેને ઝેર જેવો જ ભાસે છે. એ અસ્થિરતાનો રાગ પણ દુઃખરૂપ જ છે, બંધનું જ કારણ છે એમ તે માને છે.
અહા! રાગથી ભિન્ન પડી, ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા ‘હું તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું’ -એમ અંતરમાં પ્રતીતિ અને અનુભવ કરવો એનું નામ જ્ઞાનચેતના છે અને તે ધર્મ છે. આત્મા શુદ્ધ એક ચૈતન્યસત્તાપણે અંદર નિત્ય વિરાજમાન છે. અહા! આવા પોતાના નિજસ્વરૂપમાં સન્મુખતા કરી તેનો અનુભવ કરવો તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે જ ભવના છેદનો ઉપાય છે, મુક્તિનો ઉપાય છે. અહો! દિગંબર
PDF/HTML Page 3562 of 4199
single page version
સંતોએ પોકારીને પરમ સત્યને પ્રસિદ્ધ કર્યું છે. રાગમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે અજ્ઞાન ચેતના છે અને તે ભવબીજ છે, એનાથી સંસાર ફળશે અને ફાલશે; અને નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે જ્ઞાનચેતના છે અને તે મોક્ષબીજ છે, એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટશે! આવી સ્પષ્ટ વાત છે ભાઈ!
પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગનો પોતાને કર્તા માને તે કર્મચેતના સંસારનું બીજ છે, અને રાગનો પોતાને ભોક્તા માને એ કર્મફળચેતનાય સંસારનું બીજ છે. અનાદિકાળથી એને આ વાત બેસતી નથી. ભાઈ! ધર્માત્મા પુરુષને જે શુભ-અશુભ ભાવ (મુખ્યપણે શુભભાવ) આવે છે તેનો તે કર્તા-ભોક્તા નથી, એ તો તેનો જ્ઞાતા- દ્રષ્ટા જ છે. એ તો સ્વરૂપમાં રહીને આ રાગ પૃથક્ ચીજ છે એમ એનો જાણનારો જ છે.
હવે આવી વાત છે છતાં કોઈ વળી કહે છે-શુભાશુભ ભાવ કરવાલાયક નથી, તેમ છોડવાલાયક પણ નથી. (આમ માનવા પ્રતિ એનો આ તર્ક છે કે શુભાશુભ ભાવ કરવા તે સંસાર બીજ છે. તથાપિ તે સમ્યગ્દ્રષ્ટિને હોય છે.)
અરે ભાઈ! સર્વ શુભાશુભ ભાવ છોડવાલાયક જ છે. કળશટીકા, કળશ ૧૦૮ માં આનો ખુલાસો આ પ્રમાણે છે-“ અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.” ભાઈ! જેમ વિષય-કષાયના પરિણામ છોડવાલાયક છે તેમ શુભાચરણરૂપ ચારિત્ર પણ સમ્યગ્દ્રષ્ટિ છોડવા યોગ્ય હેય જ માને છે, સમ્યગ્દ્રષ્ટિને તેનો કિંચિત્ આદર હોતો નથી. સ્વરૂપનું શ્રદ્ધાન ઉદય થતાની સાથે જ તેણે સમસ્ત રાગને હેય જ માન્યો છે. રાગ આવે છે એ તો એની કમજોરી છે, રાગની એને ભાવના નથી.
દાનમાં દસ-વીસ લાખ આપે તો તેમાં કદાચ રાગની મંદતા હોય તો તે શુભરાગ છે, પુણ્ય છે; પણ દ્રષ્ટિમાં તો જ્ઞાનીને તેનો નિષેધ જ છે. અહો! સર્વજ્ઞ પરમાત્માએ કહેલો માર્ગ સંતોએ ખુલ્લો કરી જાહેર કર્યો છે. તું એકવાર સાંભળ તો ખરો પ્રભુ! શુભાશુભ ભાવથી રહિત અંદર શાંત શાંત જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય સરોવર છે. તેમાં નિમગ્ન થઈ તેનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે મોક્ષ-ઉપાય છે. આ સિવાય શુભાશુભનું આચરણ અને તેનો અનુભવ એ તો અજ્ઞાનચેતના છે, સંસારનું બીજ છે. અરે! જેમને પ્રચુર આનંદનું વેદન છે એવા આત્મજ્ઞાની સંત મુનિવરને જે મહાવ્રતનો વિકલ્પ આવે છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે-જ્યાં એમ વાત છે ત્યાં આ એકલી અજ્ઞાનચેતનાની શું વાત! એ તો અનંત અનંત જન્મ-મરણનું બીજ છે ભાઈ!
PDF/HTML Page 3563 of 4199
single page version
રાગનો વિકલ્પ આવે, પણ હું એનાથી ભિન્ન છું-એમ નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. ભેદજ્ઞાનનો ઉગ્ર અભ્યાસ કરી, અંદર સ્વરૂપ-સન્મુખતા કરવાથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. પણ એમ નહિ કરતાં રાગથી અભેદ કરી તેનો કર્તા-ભોક્તા થઈ પ્રવર્તે એ મિથ્યાભાવ છે, અને તે અનંત સંસારનું બીજ છે. અહા! આવી વાત એક દિગંબર સિવાય બીજે કયાંય છે જ નહિ. ભાઈ! તને રુચે કે ન રુચે, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે જાહેર કરેલો સત્યાર્થ માર્ગ આ છે. આ ભગવાનનો સંદેશ છે.
અહા! ભગવાન! તારી પ્રભુતાનો પાર નથી. ઓહોહોહો.....! અંદર જ્ઞાનાનંદથી ભરેલો પૂરણ પ્રભુતાથી ભરેલો પ્રભુ છો ને નાથ! તારામાં પ્રભુતા શક્તિ નામ સ્વભાવ ભર્યો પડયો છે. અહા! પરમેશ્વર થવાની અંદર શક્તિ પડી છે ને પ્રભુ! તું પામરપણે રહે એવો તારો સ્વભાવ જ નથી. અહાહા....! અંદર એકલો શુદ્ધ ચૈતન્યઘન, જ્ઞાનાનંદલક્ષ્મીથી ભરેલો ભગવાન પ્રભુ તું છો. આ પુણ્ય-પાપના ભાવ એ તો બહારની ચીજો-બધો પુદ્ગલનો વિસ્તાર છે, એ તારો ચૈતન્યનો વિસ્તાર નહિ. અહા! અંદર સ્વસ્વરૂપના આશ્રયે પ્રગટ થનારી જ્ઞાન-દર્શન-આનંદની દશા એ ચૈતન્યનો વિસ્તાર છે, એ જ્ઞાનચેતના છે, એ મુક્તિનો ઉપાય છે. માટે હે ભવ્ય! સકળ કર્મના અને સકળ કર્મફળની ભાવનાનો ત્યાગ કરીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવ.
અહા! જેને સિદ્ધપદની અંતરમાં ભાવના થઈ છે એવા મોક્ષાર્થીને આચાર્ય કહે છે- હે મોક્ષાર્થી પુરુષ! સકળ કર્મના સંન્યાસની ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવી, તારે સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી. નચાવવી એટલે શું? કે જ્ઞાનચેતનારૂપ થઈને જ સતત પરિણમ્યા કરવું. અહાહા....! ભગવાન આત્માનું સ્વસંવેદન કરી જ્ઞાન અને આનંદના વેદનમાં ઠરવું-રહેવું તે સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતના છે અને તે સહજ જ રાગના ત્યાગરૂપ છે. તે જ્ઞાનચેતના જ મોક્ષનું કારણ છે; માટે જ્ઞાનચેતનારૂપ જ નિરંતર પરિણમવું.
અહાહા.....! કહે છે- ‘ભગવતી જ્ઞાનચેતનાંને જ એકને સદાય નચાવવી.’ ભાષા તો ટૂંકી ને સાદી છે પ્રભુ! પણ ભાવ ગંભીર છે. સમજાય એટલું સમજવું બાપુ! અહીં તો પંચમ આરાના મુનિવર પંચમ આરાના પ્રાણીઓને સાર સાર વાત કહે છે. શું? કે ભાઈ! શુભાશુભ ભાવ કરવા-ભોગવવા-એવા અભિપ્રાયનો ત્યાગ કરીને પોતાની સહજ શુદ્ધ એક ચૈતન્યમાત્રવસ્તુમાં એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કરવી તે જ્ઞાનચેતના -તે ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી; કેમકે તે એક જ મોક્ષનો ઉપાય છે. ભગવતી જ્ઞાનચેતના કહો કે ભગવતી પ્રજ્ઞા કહો-એક જ વાત છે. એ તો આવી ગયું પહેલાં કે રાગ અને જ્ઞાન વચ્ચે સાંધ છે ત્યાં ભગવતી પ્રજ્ઞા છીણી
PDF/HTML Page 3564 of 4199
single page version
પટકવી, પટકતાં જ રાગ અને જ્ઞાન જુદા થઈ જાય છે અને તત્કાલ જ પ્રજ્ઞા રાગને ત્યાગી દઈ, જ્ઞાન નામ આત્માને ગ્રહણ કરે છે. લ્યો, આનું નામ જ્ઞાનચેતના છે, અને તે એક જ મોક્ષનો ઉપાય છે.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ- (ત્યાં પ્રથમ કાવ્ય કહે છેઃ-)
‘त्रिकाल विषयं’ ત્રણે કાળના (અર્થાત્ અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી) ‘सर्व कर्म’ સમસ્ત કર્મને ‘कृत–कारित–अनुमननैः’ કુત-કારિત-અનુમોદનાથી અને ‘मन–वचन–कायैः’ મન-વચન-કાયાથી ‘परिहृत्य’ ત્યાગીને ‘परमं नैष्कर्म्यम्’ હું પરમ નૈષ્કર્મ્યને (-ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.)
અહાહા.....! ધર્મી ચારિત્રવંત પુરુષ શું કહે છે? કે ત્રણે કાળનાં સમસ્ત કર્મનો હું ત્યાગ કરું છું-મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી. અહાહા....! ભૂતકાળમાં જે પુણ્ય-પાપરૂપ વિકારી કાર્ય થયાં તે અને વર્તમાન તથા ભવિષ્ય સંબંધીનાં સર્વ કર્મનો ત્યાગ કરું છું. અહાહા....! હું એ કર્મોનો કર્તા નહિ, કારયિતા નહિ અને થાય તેનો અનુમોદન કરનારો પણ નહિ-એમ સર્વ કર્મનો હું ત્યાગ કરું છું. અહા! પરમાં કાર્ય થાય એની તો અહીં વાત જ નથી, ઘડો થાય એને કુંભાર (-જીવ) કરે એ તો વાત જ નથી.
અરે! હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર (-જીવ) ઘડો કરે છે એમ માને છે. પણ બાપુ! એ તારી માન્યતા મિથ્યા છે. એ તો આવી ગયું ભાઈ! ગાથા ૩૭૨ માં કે ઘડો કુંભારથી થાય એમ અમે દેખતા નથી; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઘડારૂપે ઊપજે છે. જો કુંભારથી ઘડો થાય તો ઘડો કુંભારના આકારે થવો જોઈએ, પણ એમ કદાપિ બનતું નથી. માટી જ ખરેખર ઘડાની ઉત્પાદક છે. અહીં આ વાત નથી.
અહીં તો કહે છે - ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથી-મનથી, વચનથી, કાયાથી, હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું ને તેમાં જ સ્થિર થાઉં છું. લ્યો, આનું નામ ચારિત્ર છે. મહાવ્રતના પરિણામ તે ચારિત્ર નહિ. મહાવ્રતના રાગનો-કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ! જુઓ, શું કહે છે? ત્રણે કાળના સમસ્ત કર્મને એટલે પંચ-
PDF/HTML Page 3565 of 4199
single page version
મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથી- મનથી, વચનથી, કાયાથી. પૂર્વે કોઈ અહિંસાદિ વ્રતના શુભ અને હિંસાદિ અવ્રતના અશુભ વિકલ્પ કર્યા હોય તે, વર્તમાન હોય તે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને, કહે છે, હું મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. અહા! સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગ્દ્રષ્ટિને જે સ્વસ્વરૂપમાં-અંતઃતત્ત્વમાં સ્થિરતા-રમણતા થાય તેનું નામ ચારિત્ર છે, અને તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ....?
અહાહા...! કહે છે-સમસ્ત કર્મત્યાગીને હું પરમ નૈષ્કર્મ્યને -પરમ નિષ્કર્મ દશાને- અવલંબું છું. અહા! આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે; અને તેના આશ્રયે પરિણમતાં પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. અહા! આવી નિષ્કર્મ-વીતરાગદશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાનમાત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયાં છે, પણ કાંઈક અસ્થિરતા હજુ છે, તે અસ્થિરતાનો, કહે છે, ત્યાગ કરીને-સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબું છું. લ્યો, આ ચારિત્ર છે; ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે ભાઈ!
હવે લોકોને દર્શન શું? જ્ઞાન શું? ચારિત્ર શું? -કાંઈ ખબર ન મળે એટલે દેવ- ગુરુ-શાસ્ત્રને માને તે સમકિત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બહારમાં મહાવ્રત પાળે તે ચારિત્ર -એમ માને પણ ભાઈ! એ માન્યતા યથાર્થ નથી, સત્યાર્થ નથી. અહીં તો કહે છે-ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેની સન્મુખ થઈ પરિણમતાં જે સ્વસંવેદન જ્ઞાન થયું તે જ્ઞાન, ‘હું આ જ છું’ એવી જે પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતાં જે વિશેષ નિષ્કર્મ-વીતરાગદશા થઈ તે ચારિત્ર. અહા! દયા, દાન, વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. સમજાણું કાંઈ....? ધર્માત્મા કહે છે-સમસ્ત કર્મ ત્યાગીને હું પરમ નિષ્કર્મ એવી વીતરાગદશાને અવલંબું છું. આવો મારગ જગતથી સાવ જુદો છે ભાઈ!
આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા! આમ બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહિ, આ તો ત્રિકાળી એક જ્ઞાયકભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા-વીતરાગ દશાને પ્રાપ્ત થાય એને પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ....?
હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છેઃ-
પ્રતિક્રમણ કરનાર કહે છે કેઃ-
PDF/HTML Page 3566 of 4199
single page version
‘જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો.’
પૂર્વે શુભ ભાવ કર્યા હોય તે મારું કાર્ય નથી, તે દુષ્કૃત છે. તે દુષ્કૃત મિથ્યા હો. એટલે શું? કે કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હેયબુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડયું; તે જ તેનું મિથ્યા કરવું છે.
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ લગાવવા અને સમજવા.
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-
‘यद् अहं मोहात् अकार्षम्’ જે મેં મોહથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂતકાળમાં) કર્મ કર્યાં, ‘तत् समस्तम् अपि कर्म प्रतिक्रम्य’ તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને ‘निष्कर्माणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते’ હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તું છું. (એમ જ્ઞાની અનુભવ કરે છે).
જુઓ, આ ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર સમ્યગ્દર્શન વિના કદી હોતું નથી. સમકિતીને પણ જ્યાં સુધી પુણ્ય-પાપનું પરિણમન છે ત્યાં સુધી ચારિત્ર નથી. સમ્યગ્દર્શન થતાં જ રાગના કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ તો છૂટી ગઈ છે, પણ અસ્થિરતા હજુ છે. અહીં કહે છે -એ અસ્થિરતાના રાગને હું છોડી દઉં છું અને હું નિજાનંદસ્વરૂપમાં પોતાથી જ લીન થાઉં છું. આનું નામ તે પ્રતિક્રમણ છે.
પૂર્વે અજ્ઞાનવશ પરમાં રોકાઈને જે શુભાશુભ ભાવ કર્યા તે સર્વને પ્રતિક્રમીને હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. ભાઈ! શુભભાવ છે તે પણ દોષ છે, દુષ્કૃત છે. તેથી જ્ઞાની તેનું પ્રતિક્રમણ કરે છે. આ બધા ઉપાશ્રયમાં બેસીને પ્રતિક્રમણ કરતા હતા ને? એ પ્રતિક્રમણ નહિ બાપા! એ તો રાગની ક્રિયા ભગવાન! જુઓ, હિંસાદિના અશુભ ભાવનો ત્યાગ કરીને દયા આદિના શુભભાવમાં ધર્માત્મા વર્તે તે વ્યવહાર પ્રતિક્રમણ છે. પણ તે વ્યવહાર પ્રતિક્રમણ દોષ છે, દુષ્કૃત છે. અહીં કહે છે -તે સર્વ દોષને છોડીને હું ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાથી જ વર્તું છું. ભૂતકાળમાં કરેલાં સર્વ કર્મોનું આ પ્રમાણે પ્રતિક્રમણ કરું છું. ભાઈ! વિકારના સર્વ ભાવોથી હઠી સ્વસ્વરૂપમાં-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થવું તે સત્યાર્થ પ્રતિક્રમણ છે.
અહા! શુભાશુભ ભાવ જીવની એક સમયની અવસ્થામાં થતા જીવના પરિણામ
PDF/HTML Page 3567 of 4199
single page version
છે. પરંતુ ચૈતન્યના સ્વભાવનો તેમાં અભાવ છે. તેથી તેઓ વિભાવ પરિણામ છે. તેઓ સ્વરૂપમાં તદ્રૂપ નથી. તેથી તે સર્વ વિભાવને છોડીને, કહે છે, નિષ્કર્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વર્તું છું; અર્થાત્ રાગરહિત નિષ્કર્મ નિર્વિકલ્પ દશાને હું પ્રાપ્ત થાઉં છું. જુઓ, આ નિર્મળ ચારિત્રની દશા છે. આત્માના ભાન સહિત તેમાં જ વિશેષ લીનતા-રમણતા કરતાં જે શુદ્ધિની વૃદ્ધિ થાય તે ચારિત્ર છે અને તે ધર્મ છે.
જુઓ, દરેક પદાર્થ પોતાના પર્યાયરૂપ કાર્યને કરે છે, પણ બીજાના પરિણામનો તે કર્તા નથી. આ ભાષા બોલાય છે ને? તે શબ્દવર્ગણાનું કાર્ય છે. શબ્દવર્ગણાના પરમાણુઓ ભાષારૂપે ઉત્પન્ન થઈ રહ્યા છે, આત્મા તેનો કર્તા નથી. લોકોને આવો ભેદ-અભ્યાસ નહિ એટલે આ વાત ગળે ઊતરવી કઠણ લાગે છે, પણ ભાઈ! આ તો પરમાર્થ સત્ય છે, અને એકલું અમૃત છે. અરે બાપુ! એક પરમાણુની અવસ્થાને બીજો પરમાણુ ન કરી શકે, તો તેના કાર્યને આત્મા કરે એ કેમ બની શકે? કદીય ન બની શકે.
અહા! આવો ભેદાભ્યાસ જેને વર્તે છે તે ધર્માત્મા પુરુષ કહે છે -હું તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ આત્મા છું; અને આ જે દયા, દાન, વ્રત આદિ વિકલ્પ ઉઠે છે તે અનાત્મા છે. તેઓ મારા સ્વરૂપભૂત નથી, અને તેઓ મને પોસાતા નથી, કેમકે તેઓ દુઃખરૂપ છે, દુઃખકારી છે. માટે હું તે સમસ્ત કર્મનો ત્યાગ કરીને નિજ આત્મસ્વરૂપમાં આત્માથી જ નિરંતર વર્તું છું. અહાહા....! ‘આત્માથી જ વર્તું છું’ એટલે શું? કે પરથી કે રાગથી આત્મસ્વરૂપમાં લીન થાય છે એમ નહિ, પણ પોતે સ્વરૂપસન્મુખ થયેલા પોતાના ઉપયોગથી જ સ્વરૂપમાં વર્તે છે. અલિંગગ્રહણ (ગાથા ૧૭૨, પ્રવચનસાર) ના છઠ્ઠા બોલમાં આવે છે કે -“લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જોયું? આત્મા સ્વભાવ વડે જ જેનું ગ્રહણ -અનુભવન થાય તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા.....! અહીં કહે છે-હું મારા સ્વભાવના પુરુષાર્થથી જ અંદર આત્મામાં સ્થિર વર્તું છું. લ્યો, આ ચારિત્રદશા, મુનિદશા! અહાહા....! આ પ્રમાણે મુનિરાજ પોતાના અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના અનુભવમાં સ્થિર રહે છે, અને રાગનો અનુભવ છોડી દે છે. આને ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. સમજાણું કાંઈ...
‘ભૂતકાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ) છે.’
PDF/HTML Page 3568 of 4199
single page version
લ્યો, આ પ્રતિક્રમણની વિધિ ભૂતકાળમાં જે કાંઈ શુભાશુભ કર્મ કર્યાં હતાં તેનો ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરીને, તેનું મમત્વ છોડીને નિજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં લીન થઈ તેમાં જ રમે તેને ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. અહા! નિરંતર નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે તે પ્રતિક્રમણ છે. આ વિધિ છે. હવે કહે છે-
‘મિથ્યા કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ- જેવી રીતે કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતુંઃ પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે;......’ જુઓ, આ દ્રષ્ટાંત કહ્યું. હવે કહે છે-
‘તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે.’ અર્થ સ્પષ્ટ છે. એમ કે પૂર્વે કર્મ બાંધ્યું હતું તે હું નહિ, અને તેનું ફળ આવ્યું તે પણ હું નહિ-એમ જાણી તેનું મમત્વ છોડી દીધું અને સ્વસ્વરૂપમાં લીન રહ્યો તો જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ થયું. લ્યો, આવી પ્રતિક્રમણની વિધિ છે.
‘આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ) સમાપ્ત થયો.’ હવે ટીકામાં આલોચના-કલ્પ કહે છેઃ- ‘હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી અને કાયાથી ૧.’
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ સમજવા. (મૂળ પાઠમાંથી સમજવા) (આ રીતે પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-
(નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે) ‘मोहविलासविजृम्भितम् इदम् उदयत् कर्म’ મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ ‘सकलम् आलोच्य’ તે સમસ્તને આલોચીને (-તે સર્વ કર્મની આલોચના કરીને-) ‘निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते’ હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તું છું.
જુઓ, સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની પુરુષ, તેને જે દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ આવે
PDF/HTML Page 3569 of 4199
single page version
જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે; જ્યારે ચારિત્રવંત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ-રમણતા થવાથી અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. અહાહા....! મુનિરાજ જાણે અકષાયી શાન્તિનો પિંડ!
અરે! અનંતકાળથી અજ્ઞાની જીવે રાગનું આચરણ કરી-કરીને પોતાને ધર્મ થાય છે એમ માન્યું છે. પણ તું છેતરાઈ રહ્યો છે ભાઈ! મારગ એવો નથી બાપા! રાગથી લાભ થવાનું માનીને તેં તારા ચૈતન્યને હણી નાખ્યું છે, ઘાયલ કર્યું છે ભાઈ! પાછો વળ બાપુ! જો, અહીં ધર્મી પુરુષ શું કહે છે કે-મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તની આલોચના કરીને નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. સમસ્ત કર્મને આલોચું છું. એટલે શું? કે તેનાથી ભિન્ન પડીને અંદર સ્વસ્વરૂપમાં લીન થાઉં છું. અહા! તે ઉદયમાન કર્મ મારી ચીજ નથી એમ જાણી નિષ્કર્મ એવા સ્વસ્વરૂપમાં જ નિરંતર વર્તું છું. લ્યો, આવી વાત! હવે લોકોને બિચારાઓને સત્ય સાંભળવા મળ્યું ન હોય એટલે વિરોધ કરે, પણ ભાઈ! જૈન પરમેશ્વરે વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. રાગને ધર્મ માને એ તો આત્મઘાતી મહાપાપી છે.
પ્રશ્નઃ– તો શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ, સ્તુતિ, દર્શન, પૂજા કરવાં ને વ્રત, તપ આચરવાં વગેરેનું વિધાન છે ને?
સમાધાનઃ– હા, છે; પણ એ બધાં વ્યવહારનાં કથન છે બાપુ! ધર્મી પુરુષોને તે તે ભાવો યથાસંભવ આવે છે તેનું ત્યાં શાસ્ત્રોમાં વિધાન છે. ધર્મ-પરિણતિની સાથે બહારમાં સહચરપણે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કરેલું હોય છે, પણ એ (-શુભરાગ) કાંઈ એના સમ્યગ્દર્શનનું કે ધર્મનું વાસ્તવિક કારણ નથી. ભાઈ! તે યથાર્થમાં ધર્માચરણ નથી, ધર્મનું કારણ પણ નથી. બાહ્ય લક્ષથી જો સમ્યગ્દર્શન થાય તો સમોસરણમાં તો એ અનંતવાર ગયો છે, છતાં
PDF/HTML Page 3570 of 4199
single page version
કેવળી આગળ રહી ગયો કોરો-એવી જ એની દશા છે; કેમકે ત્યાં જઈને પણ તેણે રાગની ક્રિયાને ધર્મ માની મિથ્યાત્વનું જ સેવન કર્યે રાખ્યું છે. વાસ્તવમાં રાગથી ભિન્ન પડીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રમે, ઠરે તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, અને તે આલોચના છે. આવી વાત છે.
અત્યારે તો કોઈ પાંચ-દસ કરોડનો આસામી હોય અને પાંચ-દસ લાખનું દાન આપે એટલે લોકો તેને ‘ધર્મ ધુરંધર’ નું બિરૂદ આપે, એને ‘દાનવીર’ કહે. અરે ભાઈ! દાન આપવાની ક્રિયા વખતે કદાચિત્ જો તેને રાગની મંદતા કરી હોય તો તે શુભ ભાવથી તેને પુણ્ય બંધાય બસ એટલું. બાકી એ શુભભાવ છે એ તો વિકાર છે, ઝેર છે એમ જાણી ધર્મી જીવ તો તે રાગથી પાછો હઠી જાય છે, અર્થાત્ નિવૃત્ત થઈ પોતાના ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ લીન થઈ જાય છે. ‘પોતાથી જ’ એટલે શું? કે જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે એનાથી નહિ, પણ એનાથી ભિન્ન પડી અંતરસન્મુખ ઉપયોગ વડે લીન થાય છે એમ વાત છે. મારગ તો આ એક જ છે ભાઈ! શ્રીમદે કહ્યું છે ને કે-
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
અરે ભાઈ! તારું જ્ઞાયકતત્ત્વ અંદર જુદું છે, ને પુણ્ય-પાપના ભાવ અર્થાત્ આસ્રવ તત્ત્વ ભિન્ન છે. એ આસ્રવ તત્ત્વ કાંઈ ધર્મ તત્ત્વ અથવા સંવર-નિર્જરા તત્ત્વ નથી. અહા! તે આસ્રવ તત્ત્વ ભગવાન જ્ઞાયક સાથે એકમેક નથી, તદ્રૂપ નથી. અહા! આમ જાણી પ્રચુર આનંદના સ્વામી ચારિત્રવંત ભાવલિંગી મુનિવર એમ અનુભવે છે કે-“હું તો ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું, રાગ થાય એ તો બધો મોહનો વિલાસ છે, મારે એનાથી કાંઈ (સંબંધ) નથી.” લ્યો, આ આલોચના છે.
‘વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે- પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તું છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે.’
દયા, દાન આદિ જે પરિણામ થાય, તે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું કાર્ય છે-એમ ધર્મી માને છે. રાગનું જરી પરિણમન છે પણ તે પોતાનું કાર્ય નથી એમ ધર્મી વિચારે છે. આ દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું
PDF/HTML Page 3571 of 4199
single page version
અરે! અજ્ઞાની શુભભાવ કરે ત્યાં રાજીરાજી થઈ જાય અને ફુલાઈ જાય કે મેં ધર્મ કર્યો, અરે ભાઈ! એ ધર્મ નથી, પણ ધર્મના નામે બધી ધમાધમ છે. ધર્મ વસ્તુ તો અંદરની ચીજ છે અને લોકો રોકાઈ ગયા છે બહારની ધામધૂમમાં, -એમ કે દાન કરો ને ભક્તિ કરો ને વ્રત કરો ને તપ કરો, પણ ભાઈ! એ બધી ક્રિયાઓ રાગની છે, બંધનનો મારગ છે. તેને જે કર્તવ્ય માને, ભલી માને તેને જૈન પરમેશ્વર જૈન કહેતા નથી. જુઓ, આ શું કહે છે? કે ધર્મી જીવ એમ જાણે છે કે શુભાશુભ કર્મ મારું કાર્ય નથી, હું તેનો કર્તા નથી કેમકે હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, જ્ઞાતા-દ્રષ્ટા છું.
ભાઈ! શરીરની ક્રિયા થાય એ તો જડની જડરૂપ છે. પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિની જે ક્રિયા થાય તે પણ મારી-ચૈતન્યની ક્રિયા નહિ. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, એમાં રાગનું કરવાપણું ક્યાં છે? ધર્મી પુરુષ કહે છે-રાગથી માંડીને બીજી બધી ચીજો મારા જ્ઞાનમાં પરજ્ઞેયપણે જાણવા લાયક છે. અહા! તે ચીજો મારી છે એમ હું કેમ માનું? ન જ માનું.
ભાઈ! શુભરાગ પણ મારો છે એમ માને તે જૈન નથી, તે અન્યમતી છે, અજ્ઞાની છે. હવે આવી વાત બહુ આકરી લાગે પણ શું થાય? ભગવાન કેવળીની દિવ્યધ્વનિ - ૐધ્વનિ છૂટી તેમાં આ વાત આવી છે. તે વાણી સુણી સંતોએ આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં કહે છે કે-શુભાશુભ કર્મ તે મારું કાર્ય નથી. હું તો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ મારી છે, પરંતુ રાગ થાય તે મારી પ્રવૃત્તિ નથી.
અહા! દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા-દેખવારૂપ પર્યાય પણ શુદ્ધ. વચ્ચે વિકલ્પ ઉઠે તે, ધર્મી કહે છે, મારું કાર્ય નથી. હું તો દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલાં કર્મોનો માત્ર દેખનાર-જાણનાર છું. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તું છું. લ્યો, આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચયચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? ભાઈ! તને ખબર નથી; જેમાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વીતરાગદેવે ચારિત્ર કહ્યું છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદની ભરતી (બાઢ) આવે તેને ચારિત્ર કહે છે.
ભાઈ! જ્યાં તું નથી ત્યાંથી ખસી જા, ને જ્યાં તું છો ત્યાં જા અને ત્યાં જ ઠરી જા-બસ આ જ મારગ છે. અરે! અજ્ઞાની જીવો કસ્તુરી મૃગની જેમ, પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને સુખ કાજે બહારના વિષયો ભણી આંધળી દોટ લગાવ્યા કરે છે,
PDF/HTML Page 3572 of 4199
single page version
પણ ભાઈ! એ તો બધી દુઃખભરી જ દોટ છે. અરે! આ કાળમાં વિષયોની બહુલતા છે, અધિકતા છે. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૧૩૯માં) આવે છે કે- આ પંચમકાળમાં દેવોનું આવાગમન થતું નથી, કોઈ અતિશય જોવામાં આવતો નથી, કેવળજ્ઞાન થતું નથી અને હલધર, ચક્રધર આદિનો અભાવ છે. આવા દૂષમકાળમાં કોઈ ભવ્ય જીવો વિષયોથી હઠી, રાગથી હઠી યતિ, શ્રાવકના ધર્મને ધારણ કરે છે તે આશ્ચર્ય છે, અર્થાત્ તેવા પુરુષોને ધન્ય છે, અહા! દુર્લભ છતાં મારગ તો સ્વસ્વરૂપના અનુભવરૂપ આ જ છે ભાઈ!
આ રીતે આલોચના-કલ્પ સમાપ્ત થયો. હવે ટીકામાં પ્રત્યાખ્યાન-કલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છેઃ- (પ્રત્યાખ્યાન કરનાર કહે છે કેઃ-) ‘હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧.’
જુઓ, ધર્માત્મા કહે છે કે હું ભવિષ્યમાં શુભભાવ કરીશ નહિ. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાનદર્શનસ્વરૂપ પ્રભુ આત્મા છું, તેમાં લીન થઈ હું આ જ્ઞાનદર્શનની પરિણતિસ્વરૂપ વર્તું છું. લ્યો, આ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે. ભાઈ! આ તો વાતે વાતે ફેર છે બાપા! આવે છે ને કે-
એક લાખે ના મળે, એક ત્રાંબિયાના તેર.
એમ વીતરાગ કહે છે -તારે ને મારે વાતે વાતે ફેર છે. અહા! તું ક્યાંય શુભાશુભ રાગમાં ગુંચાઈ પડયો છો ને મારગ ક્યાંય બાજુ પર રહી ગયો છે. ભાઈ! અહીં તારા હિતની આ વાત છે તે જરા ધ્યાન દઈ સાંભળ.
અહા! ધર્મી જીવ કહે છે-હું ભવિષ્યમાં શુભાશુભ કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી ને કાયાથી. આમ નવકોટિની વાત આ પહેલા બોલમાં લીધી છે.
પ્રશ્નઃ– કોઈ બ્રહ્મચર્ય અંગીકાર કરે તેની અનુમોદના કરીએ તે શું છે? ઉત્તરઃ– એ શુભભાવ છે. પાપથી બચવા પુરતો તે ભાવ આવે, પણ તે કાંઈ ધર્મ નથી. અહીં તો ભાઈ! પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે શુદ્ધોપયોગ સિવાયનો કોઈ (શુભ કે અશુભ) પરિણામ ધર્મ નથી. જુઓ, બેંગલોરમાં બે ભાઈઓએ મળીને રૂપિયા બાર લાખના ખર્ચે જિનમંદિરનું નિર્માણ કર્યું છે. તેમને પણ કહ્યું હતું કે આ શુભભાવ છે,
PDF/HTML Page 3573 of 4199
single page version
શુદ્ધ આત્માસ્વરૂપનું ભાન થયા પછી, ધર્માત્માને અશુભથી નિવર્તવારૂપ શુભભાવ આવે છે, તેને વ્યવહારથી ઠીક પણ કહીએ છીએ, પણ નિશ્ચયે તો તે અઠીક જ છે, હેય- છોડવાલાયક જ છે. આવી માન્યતા સમ્યગ્દર્શનની ભૂમિકામાં સાધકને દ્રઢપણે થયેલી જ હોય છે. હવે અહીં તો એનાથી આગળ વાત છે.
એક સમયની પર્યાયમાં જે શુભાશુભરૂપ વિકૃતભાવ છે, તેનું લક્ષ છોડીને અંદર જુઓ તો અહા! અંદર અનંતગુણના રસથી ભરેલું શુદ્ધ ચૈતન્યદળ મહા પવિત્ર પડેલું છે. તેની દ્રષ્ટિપૂર્વક તેમાં સ્થિર થઈ રમતાં શુદ્ધોપયોગનું આચરણ થાય છે અને અશુદ્ધોપયોગ છૂટી જાય છે. આનું નામ પ્રત્યાખ્યાન છે. અહા! આવી રીતે જ શુદ્ધોપયોગમાં રમતાં રમતાં ઉગ્ર-અતિ ઉગ્ર આશ્રય થયે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભાઈ! આ બહુ ધીરજ અને શાન્તિનું કામ છે.
અહીં આ પ્રમાણે બધા ૪૯ ભંગ પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
(પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-) ‘भविष्यत् समस्तं कर्म प्रत्याख्याय’ ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને) ‘निरस्त–सम्मोहः निष्कर्मणि चैतन्य– आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते’ જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ નિરંતર વર્તું છું)
આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થયા પછી પચખાણ કરવામાં અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. શુદ્ધ-ઉપયોગમાં ઉગ્રપણે અંદર રમે એનું નામ પ્રત્યાખ્યાન છે. દયા, દાન-વ્રત, ભક્તિ ઈત્યાદિના વિકલ્પ ઉઠે એ તો ખરેખર અપ્રત્યાખ્યાન છે, અશુદ્ધતા છે. તેનાથી ભિન્ન પડી અંદર ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં રમે તે પ્રત્યાખ્યાન છે.
૪૭ શક્તિઓમાં એક અભાવ નામની આત્માની શક્તિ છે. રાગ અને કર્મના અભાવસ્વભાવસ્વરૂપ એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. અશુદ્ધતા અર્થાત્ કર્મપણે ન થાય એવી આત્મામાં અભાવ નામની શક્તિ છે. છતાં નિમિત્ત વશ થતાં અવસ્થા વિકૃત થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાતા રહીને તેને પરજ્ઞેયપણે માત્ર જાણે છે, વિકૃત દશા
PDF/HTML Page 3574 of 4199
single page version
મારી છે એમ તે માનતો નથી. અહીં એથી વિશેષ વાત છે કે ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ-મનથી, વચનથી ને કાયાથી -એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી સ્વસન્મુખતા દ્વારા શુદ્ધોપયોગરૂપ પરિણમનમાં સ્થિર થાય છે, સ્વસ્વરૂપમાં જ ઉપયોગને રમાવે છે. આનું નામ પચખાણ છે, ચારિત્ર છે, સ્વસ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ ચારિત્ર છે.
અરે! અનાદિથી એ અવળે રસ્તે ચઢી ગયો છે. તે પંચમહાવ્રતના ને શરીરની નગ્નદશાના પરિણામને ચારિત્ર માની શુભ રાગના સેવનમાં-આચરણમાં ચઢી ગયો છે. પરંતુ ભાઈ! જેમ અશુભ રાગ અશુચિ છે તેમ શુભરાગ પણ અશુચિ જ છે, જેમ અશુભ ભાવ દુઃખરૂપ છે તેમ શુભભાવ પણ આકુળતારૂપ જ છે. એક શુદ્ધોપયોગરૂપ પરિણામ જ પવિત્ર અને નિરાકુળ છે. અહાહા...! આત્મા અંદર અતીન્દ્રિય આનંદનો સાગર પવિત્રતાનો પિંડ પ્રભુ છે. ઉપયોગને ત્યાં જ સ્થિર કરી તેમાં જ રમવું-ચરવું તેનું નામ પચખાણ અને ચારિત્ર છે.
જેને રાગની રુચિ છે તેને તો સમ્યગ્દર્શન જ નથી, પછી પચખાણ તો ક્યાંથી હોય? ન હોય. અહીં તો રાગથી ખસીને સ્વરૂપની રમણતામાં જોડાયેલ છે એવો જ્ઞાની પુરુષ કહે છે-ભવિષ્યના સમસ્ત શુભાશુભ કર્મને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ નિરંતર વર્તું છું. અહા! ભગવાન આત્મા સ્વરૂપથી જ નિષ્કર્મ-નિરાગ-નિર્દોષ સ્વરૂપ છે. અહીં કહે છે-એવા આત્મામાં આત્માથી જ- પોતાથી જ હું લીન રહી નિરંતર વર્તું છું. એટલે શું? કે આવી નિર્મળ શુદ્ધોપયોગરૂપ દશા વર્તે તેમાં વ્યવહારની -દયા, દાન, વ્રત આદિની કોઈ અપેક્ષા છે એમ નથી.
તો શું દયા, દાન, વ્રતાદિના પરિણામ કાંઈ જ ઉપયોગી નથી? ઉત્તરઃ– ના, કાંઈ જ ઉપયોગી નથી; શુદ્ધોપયોગરૂપ નિર્મળ પરિણતિ થવામાં તેઓ કાંઈ ઉપયોગી નથી, બલ્કે તેમ થવામાં તેમનો અભાવ જ થવો ઈષ્ટ છે. ધર્માત્માને વ્રતાદિના પરિણામ હોતા નથી એમ વાત નથી; પણ તેનો (વ્રતાદિના રાગનો) અભાવ કરીને જ તે ઉપર ઉપરની ભૂમિકાએ ચઢે છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?
એ તો આવી ગયું (ગાથા ૧૭-૧૮માં) કે અજ્ઞાનીને (આબાળ-ગોપાળ સૌને) તેની જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જણાય છે તોપણ તેની દ્રષ્ટિ-રુચિ જ ત્યાં હોતી નથી, તેની દ્રષ્ટિ-રુચિ દયા, દાન, વ્રત આદિના રાગમાં પડેલી હોય છે અને તેથી રાગને જ નિજ સ્વરૂપ માની અજ્ઞાની થયો થકો રાગના આચરણમાં સંતુષ્ટ રહે છે, પણ જ્ઞાનીને તે રાગની કાંઈ જ કિંમત નથી.
અરે, જુઓ તો ખરા! આઠ આઠ વરસની બાળાઓ કાંઈ પણ તત્ત્વને સમજ્યા
PDF/HTML Page 3575 of 4199
single page version
ભાઈ! ધર્મનો પંથ તદ્ન જુદો છે બાપુ! આવા બહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કીધા છે, પણ એથી શું લાભ? આ તો સર્વ ક્રિયાકાંડના રાગને છોડી શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપમાં ઠરે તેને પચખાણ કહે છે અને તે ચારિત્ર છે. ભાઈ! એક સમયનું પચખાણ અનંત અનંત ભવને છેદી નાખે એવી એ અલૌકિક ચીજ છે. અહા! એની શી વાત! સ્વરૂપમાં ઠરી જાય એની શી વાત! એ તો અદ્ભુત આનંદકારી અલૌકિક દશા છે.
‘નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે- સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાની આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.’
અહાહા....! જોયું? ધર્મી કહે છે- હું સદાય શુદ્ધ-ઉપયોગમાં વર્તું છું બેનના વચનામૃતમાં આવે છે ને કે-જેમ કંચનને કાટ ન હોય, અગ્નિમાં ઉધઈ ન હોય તેમ આત્મામાં અશુદ્ધિ, ઊણપ કે આવરણ નથી. અહા! આવો પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યપૂર્ણ પ્રભુ આત્મા છે અહાહા....? તેમાં એકાકાર લીન થઈ શુદ્ધોપયોગમાં વર્તવું રમવું તે પચખાણ છે. જ્ઞાની ધર્માત્મા પુરુષ આગામી સમસ્ત કર્મોને પચખીને ત્યાગીને પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે, એક શુદ્ધોપયોગ પણે રહે છે હવે કહે છે-
‘અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ- વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું- ત્રણેકાળનાં કર્મોનું -પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે, આ જ્ઞાનીનું કાર્ય છે.’
જુઓ, શું કહે છે? કે વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ વગેરે હોય છે. અહા! આ શુભભાવરૂપ હોય છે અને તે પુણ્યબંધનું કારણ છે પણ અહીં, કહે છે, નિશ્ચયચારિત્રની પ્રધાનતાથી વાત છે. તેથી શુદ્ધોપયોગથી વિપરીત
PDF/HTML Page 3576 of 4199
single page version
સર્વકર્મો આત્માના દોષસ્વરૂપ છે એમ કહે છે. જોયું? સર્વ કર્મો અર્થાત્ સર્વ ક્રિયાકાંડ શુદ્ધોપયોગથી વિપરીત છે અને તે આત્માના દોષસ્વરૂપ છે. ભાઈ! આ વ્યવહાર પ્રતિક્રમણ વગેરે દોષસ્વરૂપ છે, લોકો એને ધર્મ માને છે ને? અહીં કહે છે તે દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. લોકોને બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે ભાઈ! અંદર વસ્તુમાં સર્વજ્ઞશક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે, કાંઈ બહારથી (રાગમાંથી) તે પ્રગટ થતું નથી. એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે શુદ્ધોપયોગ છે, તે સાચું ચારિત્ર છે અને પુણ્ય-પાપના સર્વ ભાવો દોષસ્વરૂપ છે, કર્મચેતનાસ્વરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સર્વ શુદ્ધોપયોગથી વિપરીત હોવાથી દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. બાપુ! કોઈ દિ’ સાંભળ્યું ન હોય એટલે આ કઠણ લાગે પણ સત્ય આ જ છે. સમજાણું કાંઈ...?
એ સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે -તે જ્ઞાનીનું કાર્ય છે. જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! અહાહા...! બરફની પાટની જેમ આત્મા શાન્તિ... શાન્તિ... શાન્તિ બસ શાન્તિરૂપ શીતળતાના સ્વભાવથી ભરેલી પાટ છે. તેમાં તન્મય થઈ ઠરી જાય, જામી જાય તે શુદ્ધોપયોગ છે. અહા! આવા જામેલા શુદ્ધોપયોગ વડે આત્મામાં સ્થિર થઈ, નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાને સન્મુખ થવું તે ધર્મી-જ્ઞાનીનું કાર્ય છે.
આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો.
હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહે છે.
(શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે-) ‘इति एवम्’ પૂર્વોક્ત રીતે ‘त्रैकालिकम् समस्तं कर्म’ ત્રણે કાળનાં સમસ્ત કર્મોને ‘अपास्य’ દૂર કરીને -છોડીને, ‘शुद्धनय–अवलम्बी’ શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને ‘विलीन–मोहः’ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું ‘अथ’ હવે ‘विकारैः रहितं चिन्मात्रम् आत्मानम् (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને ‘अवलम्बे’ અવલંબું છું.
અહાહા....! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્ર પ્રગટ કરવાની, સ્વસ્વરૂપમાં રમણતાની જેને ભાવના છે તે એમ જાણે-અનુભવે છે કે-ગયા કાળના પુણ્ય-પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હઠું છું; આ વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હઠું છું; તેમ જ ભવિષ્યકાળના જે પુણ્ય-પાપના
PDF/HTML Page 3577 of 4199
single page version
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય એ તો બધા જડ પદાર્થ પર છે. એને તો હું કોઈ દિ’ અડયોય નથી. એ તો પ્રવચનસારમાં આવ્યું’ તું સવારે કે, હું શરીર, મન, વાણી, ઈન્દ્રિયનો કર્તા નહિ, કારયિતા નહિ અને કર્તાનો અનુમંતા પણ નહિ. લ્યો, આવી વાત! અહીં કહે છે- ત્રણે કાળના જે પુણ્ય-પાપના ભાવ તે મારું કાર્ય નહિ, હું તેનાથી નિવર્તું છું. નિવર્તું છું એ તો નાસ્તિથી ભાષા છે. અસ્તિમાં શું? તો કહે છે-હું મને-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને અવલંબુ છું, પ્રાપ્ત થાઉં છું.
આ બધા કાર્યકર્તા નથી પાકતા દેશમાં? ધૂળેય કાર્યકર્તા નથી સાંભળને! એ પરનાં-જડનાં કાર્ય કોણ કરે? શું આત્મા કરે? એ તો પરને અડેય નહિ તે પરમાં શું કરે? અહીં તો ધર્મી પુરુષ કહે છે-ત્રણે કાળનાં જે શુભાશુભ કર્મ-કર્મચેતનારૂપ પરિણામ -તે મારાં કાર્ય નહિ. હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છું તેને અવલંબું છું, તેને હું પ્રાપ્ત થાઉં છું. અહાહા.....! ત્રિકાળી અકષાયી શાંત-શાંત-શાંત એવા વીતરાગરસથી- ચૈતન્યરસથી ભરેલો અંદર હું ભગવાન છું તેને અવલંબુ છું. લ્યો, આ ધર્મી પુરુષનું કાર્ય! અહા! જેમાં વ્યવહારનું આલંબન નથી એવી સ્વરૂપરમણતાની આ વાત છે, કાર્ય પરમાત્મા થવાની આ વાત છે. સમજાણું કાંઈ....?
અહાહા...! ભગવાન! તું કોણ છો? કેવડો છો? અહાહા...! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંત શક્તિઓનો ભંડાર એવો શુદ્ધ ચૈતન્યનું દળ છો ને પ્રભુ! અહાહા....! એની મહિમાની શી વાત! ભગવાન સર્વજ્ઞની વાણીમાં પણ પૂરી ન આવે એવો મહા મહિમાવંત પદાર્થ પ્રભુ તું છો. ધર્મી પુરુષ કહે છે- ત્રણે કાળના શુભાશુભ કર્મથી હઠીને હું અંદર આવા અનંત મહિમાવંત નિજ સ્વરૂપને અવલંબુ છું. હવે હું એમાં જ એકાકાર થઈ વર્તું છું. લ્યો, આનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને આ ચારિત્ર છે.
અરે! આ પંચ મહાવ્રત તો અભવ્ય જીવ પણ પાળે છે. એ તો વિકલ્પ છે, આસ્રવ છે બાપા! તત્ત્વાર્થસૂત્રમાં એને આસ્રવ કહેલ છે. એ કાંઈ ચારિત્ર નથી. અહીં તેને આસ્રવ કહી બંધનું કારણ કહેલ છે. અહીં તો ત્રણે કાળના રાગનું આલંબન છોડી, આત્મા અંદરમાં ચૈતન્ય ચમત્કાર ચીજ પોતાની પડી છે તેને, કહે છે, હું અવલંબુ છું. અહાહા...! કેવી છે ચૈતન્ય ચમત્કાર ચીજ? અહાહા...! ત્રણકાળ ત્રણ લોકને એક સમયમાં પૂર્ણપણે પ્રત્યક્ષ જાણે એવી કેવળજ્ઞાનની એક પર્યાય-એવી અનંતી
PDF/HTML Page 3578 of 4199
single page version
પર્યાયો અનંતકાળ સુધી થયા જ કરે છતાં તે એવી ને એવી રહે, એમાં કાંઈ ઘટ-વધ થાય નહિ એવી આશ્ચર્યકારી ચીજ એ છે. અહીં કહે છે-આવી મારી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર ચીજને હું અવલંબું છું. અહા! જેમાંથી કેવળજ્ઞાન પાકે એવી મારી ચીજને હું અવલંબું છું.
પ્રથમ શુદ્ધનયના આલંબન વડે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ગ્રહણ કર્યો છે; પણ હજી વ્યવહારના વિકલ્પ આવે છે. તેને છોડી દઈ, હવે કહે છે, શુદ્ધનયથી પૃથક્ કરેલા નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને હું અવલંબું છું. હું શુદ્ધનયાવલંબી વિલીનમોહ એવો સર્વ વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને અવલંબું છું, એમ કે રાગ મારો છે એવો જે મિથ્યાત્વનો ભાવ તે મને નષ્ટ થઈ ગયો છે; દયા, દાન, વ્રતાદિના ભાવથી ધર્મ થાય એવો જે મિથ્યાત્વનો ભાવ તેનો નાશ થઈ ગયો છે, અને હવે મને શુદ્ધનયનું આલંબન છે, નિર્વિકાર શુદ્ધ ચૈતન્યનું જ આલંબન છે. આવી વાત! હવે એક કળશમાં કેટલું ભર્યું છે? ભાઈ! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે અતિ ગંભીર છે. અહો! સર્વજ્ઞના કેડાયતી દિગંબર સંતોએ ગજબનાં કામ કર્યાં છે. સર્વજ્ઞસ્વભાવ અલ્પકાળમાં પૂર્ણ પ્રગટ કરવાના છે ને? તેને અનુસરીને અહીં વાત કરી છે.
અહીં ત્રણ વાત કહી છેઃ ૧. ત્રણે કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું હઠું છું. ૨. અંદર શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ હું છું તેને શુદ્ધનય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું. ૩. મારો ચિન્માત્ર આત્મા જ, ચિત્સ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી; કેમકે રાગ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી.
પ્રથમ વિકારથી જુદો પાડીને ચિન્માત્ર ભગવાન આત્માને ગ્રહણ કર્યો હતો, પ્રાપ્ત કર્યો હતો; હવે સર્વ વિકારને છોડી સ્થિરતા દ્વારા આત્માને પ્રાપ્ત કરે છે. જેમાં એક ચિન્માત્ર આત્માનું જ આલંબન છે. આ ચારિત્ર છે.
અરે! શુક્લ લેશ્યાના પરિણામ વડે એ નવમી ગ્રૈવેયકમાં ઉપજ્યો, પણ મંદકષાયની ક્રિયાથી લાભ છે એવી દ્રષ્ટિ (મિથ્યા) એને છૂટી નહિ ને એનું સંસાર પરિભ્રમણ મટયું નહિ, એના કલેશનો અંત આવ્યો નહિ. છહઢાલામાં આવ્યું છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
ભાઈ! આ વિપરીત માન્યતાને હવે છોડી દે. (એમ કે આ અવસર છે). હવે આવું સાંભળવાય ન મળે તે તત્ત્વને ક્યારે પામે? આવી વાત આ કાળમાં પ્રીતિથી જે સાંભળે છે તેમને ધન્ય છે. પદ્મનંદી પંચવિંશતિમાં આવે છે કે-
PDF/HTML Page 3579 of 4199
single page version
निश्चितं स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।।
ભાઈ! સમ્યગ્દર્શન વિના ચારિત્ર નામ મુનિદશા હોતી નથી, એવો માર્ગ છે. અહીં તો સર્વ વિકારને છોડી ચૈતન્યમાત્ર આત્માને જ અવલંબે એનું નામ ચારિત્ર છે. એ જ કહ્યું અહીં કે- સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચિન્માત્ર આત્માને અવલંબું છું; તેમાં જ લીન રહું છું. આવી વાત છે.
પંચેન્દ્રિયના વિષયો પ્રતિ જેને રાગ છે એ તો ઝેરના પ્યાલા જ પીએ છે, પણ દયા, દાન, વ્રતાદિના વિકલ્પો પ્રતિ જેને રાગ છે એય ઝેરના જ પ્યાલા પીએ છે, તેને અમૃતનો સ્વાદ નથી. અહાહા...! અમૃતનો સાગર તો અંદર આનંદનો નાથ પ્રભુ એકલા અમૃતથી પૂર્ણ ભરેલો પ્રભુ છે. અહા! તેને અવલંબી તેમાં જ લીન-સ્થિર થવું એ ભરપુર આનંદનો-અમૃતનો સ્વાદ છે અને તેને જ ભગવાન કેવળી ચારિત્ર કહે છે. આ સિવાય કોઈ ઘર છોડે ને દુકાન છોડે ને બાયડી-છોકરાં છોડે ને વસ્ત્ર છોડી નગ્ન થઈ વ્રત ધારણ કરે, પણ એ કાંઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ....?
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ- (ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય અર્થનું કાવ્ય કહે છેઃ-)
(સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે-) ‘कर्म–विष– तरु– फलानि’ કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ ‘मम भुक्ति मन्तरेण एव’ મારા ભોગવ્યા વિના જ ‘विगलन्तु’ ખરી જાઓ; ‘अहम् चैतन्य–आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये’ હું (મારાં) ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
જુઓ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે, તેના વિશેષ ભેદ ૧૪૮ છે. તે સમસ્ત કર્મફળના ત્યાગની ભાવના કરનાર ધર્માત્મા કહે છે કે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, જુઓ, શું કહે છે? સમસ્ત કર્મનાં ફળ વિષવૃક્ષનાં ફળ છે. આ તીર્થંકર પ્રકૃતિનું ફળ તે વિષવૃક્ષનું ફળ છે. આકરી વાત છે પ્રભુ! ધીરજ રાખીને વાત સાંભળવી. જ્ઞાનીને શુભભાવને લઈને તીર્થંકર ગોત્રકર્મ બંધાય છે. તે શુભભાવ ઝેર છે, જ્ઞાની તેનાથી પાછો હઠી ગયો છે. હવે, પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ આવે તે પણ વિષતરુનું ફળ છે, તે ભોગવ્યા વિના જ ખરી જાઓ એમ જ્ઞાની કહે છે. કોઈને આ નવું લાગે પણ બાપુ! આ તો અનાદિસિદ્ધ વીતરાગનો મારગ જ આ છે. અહાહા....! આનંદકંદ અમૃતનો સાગર પ્રભુ આત્મા પૂરણ આનંદ-અમૃતથી સર્વાંગ ભરેલો છે. તેનું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન છે. અહા! આવા આનંદનો ભોક્તા જ્ઞાની કહે છે-
PDF/HTML Page 3580 of 4199
single page version
કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, એ કર્મનાં ફળ સૌ વિષવૃક્ષનાં ફળ છે. આવી વાત!
વિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તીર્થંકર પદમાં બિરાજે છે. એક ક્રોડ પૂર્વનું આયુષ્ય છે, ને પાંચસો ધનુષ્યનું દેહમાન છે. હજુ અબજો વર્ષનું આયુષ્ય બાકી છે, પછી મોક્ષપદ પામશે. ત્યાં ઇન્દ્રો ને ગણધરોની સભામાં ચાલી તે વાત અહીં આવી છે. તેમાં કહે છે-પૂર્વે શુભાશુભ ભાવથી જે કર્મ બંધાણાં તે વિષવૃક્ષનાં ફળ છે. પુણ્યના ફળમાં પાંચ-પચાસ લાખ મળે અને લોકો તેમાં સુખ માને તેમને કહે છે-એ બધાં વિષવૃક્ષનાં ફળ છે બાપા! તેમાં ધૂળેય સુખ નથી ભાઈ! એના લક્ષે તને રાગ અને દુઃખ જ થશે. તને શું થયું છે ભાઈ! કે તેમાં તને સુખ ભાસે છે?
સર્પ કરડયો હોય તેને ઝેર ચડે છે. જો લીમડાનાં કડવા પાન ચાવવાથી તે મીઠાં લાગે તો સમજવું કે તેને ઝ્રેર ચઢી ગયું છે. તેમ પુણ્યના ફળમાં મોટી શેઠાઈ કે ઠકુરાઈનું પદ આવે તેમાં મીઠાશ લાગે ને મદ ચઢી જાય તો સમજવું કે તેને મિથ્યાત્વરૂપી સર્પ ડસ્યો છે તેનું ઝ્રેર ચઢી ગયું છે. ભાઈ! કર્મનાં ફળ સર્વ વિષવૃક્ષનાં જ ફળ છે, તેમાં હોંશ કેવી? તેમાં મીઠાશ કેવી? અહીં ધર્મી જીવ કહે છે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અહા! કર્મફળને ભોગવવાની તેને ભાવના નથી. એ તો કહે છે-હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ નિજ આત્માને સંચેતું છું-અનુભવું છું.
શાતાવેદનીય કર્મ બંધાણું હોય તેના ફળમાં સામગ્રીના ઢગલા મળે; પાણી માગે ત્યાં શેરડીના રસ પીવા મળે. પણ એ વિષવૃક્ષનાં ફળ બાપુ! એના લક્ષે દુઃખ જ થાય. તેથી અંદર અતીન્દ્રિય આનંદની છોળો ઉછળે છે એવા જ્ઞાની સંત મુનિવરો કહે છે-- એ કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ અમારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અજ્ઞાની પુણ્યના ફળમાં સુખ માની ફસાઈ જાય છે, ત્યાંથી જ્ઞાની સહજ જ હઠી જાય છે. આ પ્રમાણે પહેલાં કર્મચેતનના ત્યાગની ભાવના નચાવી અને હવે કર્મફળચેતનાના ત્યાગની ભાવના નચાવે છે.
રાગ-દ્વેષ અને હરખ-શોકને ભોગવવાના ભાવ તે કર્મફળચેતના છે. તેનાથી ખસી, જ્ઞાની કહે છે, હું મારા ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું--અનુભવું છું.
‘જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણું- દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપમાં લીન થયો થકો તેનો દેખનાર--જાણનાર જ હોઉં.’