Page 137 of 297
PDF/HTML Page 161 of 321
single page version
અર્થઃ — જ્ઞાન છે તે જ્ઞેયમાં જતું નથી તથા જ્ઞેય પણ જ્ઞાનના પ્રદેશોમાં આવતાં નથી; પોતપોતાના પ્રદેશોમાં રહે છે, તો પણ જ્ઞાન તથા જ્ઞેયમાં જ્ઞેય-જ્ઞાયક વ્યવહાર છે.
ભાવાર્થઃ — જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટાદિક વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય! એ જ પ્રમાણે જ્ઞાન-જ્ઞેયનો વ્યવહાર જાણવો.
હવે મનઃપર્યય-અવધિજ્ઞાન તથા મતિ-શ્રુતજ્ઞાનનું સામર્થ્ય કહે છેઃ —
અર્થઃ — મનઃપર્યયજ્ઞાન તથા અવધિજ્ઞાન એ બંને તો દેશપ્રત્યક્ષ છે; મતિજ્ઞાન છે તે વિશદ એટલે પ્રત્યક્ષ પણ છે તથા પરોક્ષ પણ છે, તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે.
ભાવાર્થઃ — મનઃપર્યયજ્ઞાન – અવધિજ્ઞાન છે તે એકદેશપ્રત્યક્ષ છે, કારણ કે જેટલો પોતાનો વિષય છે તેટલાને તો વિશદ – સ્પષ્ટ જાણે છે; સર્વને જાણતું નથી માટે તેને એકદેશ કહીએ છીએ. મતિજ્ઞાન છે તે ઇન્દ્રિય-મનથી ઊપજે છે માટે વ્યવહારથી ઇન્દ્રિયના સંબંધથી તેને વિશદ પણ કહીએ છીએ; એ પ્રમાણે તે પ્રત્યક્ષ પણ છે; પરંતુ પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે, કારણ કે તે વિશદ – સ્પષ્ટ જાણતું નથી.
હવે ઇન્દ્રિયજ્ઞાન યોગ્ય વિષયને જાણે છે એમ કહે છેઃ —
Page 138 of 297
PDF/HTML Page 162 of 321
single page version
અર્થઃ — ઇન્દ્રિયોથી ઉત્પન્ન જે મતિજ્ઞાન છે તે પોતાને યોગ્ય વિષય જે પુદ્ગલદ્રવ્ય તેને જાણે છે. જે ઇન્દ્રિયનો જેવો વિષય છે તેવો જ જાણે છે. મનસંબંધી જ્ઞાન છે તે શ્રુતવિષય (અર્થાત્ શાસ્ત્ર-વચનને સાંભળે છે, તેના અર્થને જાણે છે) તથા ઇન્દ્રિયથી જાણવામાં આવે તેને પણ જાણે છે.
હવે ઇન્દ્રિયજ્ઞાનના ઉપયોગની પ્રવૃત્તિ અનુક્રમથી છે એમ કહે છેઃ —
અર્થઃ — પાંચે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે પણ તેમાંથી કોઈ એક ઇન્દ્રિયદ્વારથી જ્ઞાન ઉપયુક્ત (જોડાવું) થાય છે, પરંતુ પાંચે એકસાથ -એકકાળમાં ઉપયુક્ત થતાં નથી. વળી મનોજ્ઞાનથી ઉપયુક્ત થાય ત્યારે ઇન્દ્રિયજ્ઞાન ઊપજતું નથી.
ભાવાર્થઃ — ઇન્દ્રિય-મન સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ યુગપત્ (એકસાથ) થતી નથી પણ એક કાળમાં એક જ જ્ઞાનથી ઉપયુક્ત થાય છે. જ્યારે આ જીવ ઘટને જાણતો હોય ત્યારે તે કાળમાં પટને જાણતો નથી. એ પ્રમાણે એ જ્ઞાન ક્રમરૂપ છે.
હવે, ઇન્દ્રિય-મનસંબંધી જ્ઞાનની ક્રમથી પ્રવૃત્તિ કહી તો ત્યાં આશંકા થાય છે કે – ઇન્દ્રિયોનું જ્ઞાન એક કાળમાં છે કે નહિ? એ આશંકાને દૂર કરવા કહે છેઃ —
Page 139 of 297
PDF/HTML Page 163 of 321
single page version
અર્થઃ — જીવને એક કાળમાં એક જ જ્ઞાન ઉપયુક્ત અર્થાત્ ઉપયોગની પ્રવૃત્તિ થાય છે; અને લબ્ધિસ્વભાવથી એક કાળમાં નાના જ્ઞાન કહ્યાં છે.
ભાવાર્થઃ — ભાવઇન્દ્રિય બે પ્રકારની કહી છેઃ એક લબ્ધિરૂપ તથા બીજી ઉપયોગરૂપ. ત્યાં જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી આત્મામાં જાણવાની શક્તિ થાય તેને લબ્ધિ કહે છે અને તે તો પાંચ ઇન્દ્રિય તથા મન દ્વારા જાણવાની શક્તિ એક કાળમાં જ રહે છે, પરંતુ તેમાં ઉપયોગની વ્યક્તિરૂપ પ્રવૃત્તિ છે તે જ્ઞેય પ્રત્યે ઉપયુક્ત થાય છે ત્યારે એક કાળમાં એકથી જ થાય છે. એવી જ ક્ષયોપશમજ્ઞાનની યોગ્યતા છે.
હવે, વસ્તુને અનેકાત્મપણું છે તો પણ અપેક્ષાથી એકાત્મપણું પણ છે એમ કહે છેઃ —
અર્થઃ — જે વસ્તુ અનેકાન્ત છે તે અપેક્ષાસહિત એકાન્ત પણ છે. ત્યાં શ્રુતજ્ઞાનપ્રમાણથી સાધવામાં આવે તો વસ્તુ અનેકાન્ત જ છે તથા શ્રુતજ્ઞાનપ્રમાણના અંશરૂપ નયથી સાધવામાં આવે તો વસ્તુ એકાન્ત પણ છે અને તે અપેક્ષારહિત નથી. કારણ કે, નિરપેક્ષ નય મિથ્યા છે અર્થાત્ નિરપેક્ષતાથી વસ્તુનું સ્વરૂપ જોવામાં આવતું નથી.
ભાવાર્થઃ — વસ્તુના સર્વ ધર્મોને એક કાળમાં સાધે તે પ્રમાણ છે તથા તેના એક એક ધર્મોને જ ગ્રહણ કરે તે નય છે. તેથી એક નય બીજા નયની સાપેક્ષતા હોય તો વસ્તુ સાધી શકાય પણ અપેક્ષારહિત
Page 140 of 297
PDF/HTML Page 164 of 321
single page version
નય વસ્તુને સાધતો નથી. એટલા માટે અપેક્ષાથી વસ્તુ અનેકાન્ત પણ છે, એમ જાણવું એ જ સમ્યક્જ્ઞાન છે.
હવે ‘શ્રુતજ્ઞાન પરોક્ષપણે સર્વ વસ્તુને પ્રકાશે છે’ એમ કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાન સર્વ વસ્તુને અનેકાન્તસ્વરૂપ પરોક્ષરૂપે પ્રકાશે – જાણે – કહે તે શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન સંશય, વિપરીતતા અને અનધ્યવસાયથી રહિત છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે.
ભાવાર્થઃ — જે સર્વ વસ્તુને અનેકાન્તરૂપ પરોક્ષરૂપે પ્રકાશે તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રનાં વચન સાંભળવાથી અર્થને જાણે તે પરોક્ષ જ જાણે છે; તથા શાસ્ત્રમાં બધીય વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક કહ્યું છે એમ સર્વ વસ્તુને જાણે વા ગુરુજનોના ઉપદેશપૂર્વક જાણે તો સંશયાદિક પણ રહે નહિ.
હવે શ્રુતજ્ઞાનના વિકલ્પ (ભેદ) છે તે નય છે. તેમનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — વસ્તુના એક ધર્મની વિવક્ષાથી જે લોકોના વ્યવહારને સાધે તે નય છે અને તે શ્રુતજ્ઞાનનો વિકલ્પ (ભેદ) છે. વળી તે, લિંગ (ચિહ્ન)થી ઊપજ્યો છે.
Page 141 of 297
PDF/HTML Page 165 of 321
single page version
ભાવાર્થઃ — વસ્તુના એક ધર્મની વિવક્ષા લઈ જે લોકવ્યવહારને સાધે તે શ્રુતજ્ઞાનનો અંશ નય છે, અને તે સાધ્યધર્મને હેતુપૂર્વક સાધે છે. જેમ વસ્તુના ‘સત્’ ધર્મને ગ્રહણ કરી તેને હેતુથી સાધવામાં આવે કે ‘પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વસ્તુ સત્રૂપ છે’. એ પ્રમાણે નય, હેતુથી ઉપજે છે.
હવે, એક ધર્મને નય કેવી રીતે ગ્રહણ કરે છે તે કહે છેઃ —
અર્થઃ — પદાર્થ નાના ધર્મથી યુક્ત છે તોપણ તેને કોઈ એક ધર્મરૂપ કહેવામાં આવે છે, કારણ કે એક ધર્મની જ્યાં વિવક્ષા કરવામાં આવે ત્યાં તે જ ધર્મને કહેવામાં આવે છે પણ બાકીના સર્વ ધર્મની વિવક્ષા કરવામાં આવતી નથી.
ભાવાર્થઃ — જેમ જીવવસ્તુમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, ચેતનત્વ, અમૂર્તત્વ આદિ અનેક ધર્મ છે; તે બધામાંથી કોઈ એક ધર્મની વિવક્ષાથી કહેવામાં આવે કે ‘જીવ ચેતનસ્વરૂપ જ છે’ ઇત્યાદિ. ત્યાં અન્ય ધર્મની વિવક્ષા નથી કરી પણ તેથી એમ ન જાણવું કે અન્ય ધર્મોનો અભાવ છે. પરંતુ અહીં તો પ્રયોજનના આશ્રયથી તેના કોઈ એક ધર્મને મુખ્ય કરી કહે છે – અન્યની અહીં વિવક્ષા નથી (એમ સમજવું).
હવે વસ્તુના ધર્મને, તેના વાચક શબ્દને તથા તેના જ્ઞાનને નય કહે છેઃ —
Page 142 of 297
PDF/HTML Page 166 of 321
single page version
અર્થઃ — વસ્તુનો (કોઈ) એક ધર્મ, તે ધર્મનો વાચક શબ્દ તથા તે ધર્મને જાણવાવાળું જ્ઞાન એ ત્રણેય નયના વિશેષ (ભેદ) છે.
ભાવાર્થઃ — વસ્તુનું ગ્રહણ કરવાવાળું જ્ઞાન, તેનો વાચક શબ્દ તથા વસ્તુ, એને (એ ત્રણેને) જેમ પ્રમાણસ્વરૂપ કહેવામાં આવે છે તેમ નય પણ કહેવામાં આવે છે.
હવે વસ્તુના એક જ ધર્મને ગ્રહણ કરે એવા એક નય (જ્ઞાન)ને મિથ્યાત્વ શા માટે કહેવામાં આવે છે? તેનો ઉત્તર કહે છેઃ —
અર્થઃ — પ્રથમ કહેલા ત્રણ પ્રકારના નય તે જો પરસ્પર અપેક્ષાસહિત હોય તો તે સુનય છે; પરંતુ એ જ જ્યારે અપેક્ષા રહિત સર્વથા એક એક ગ્રહણ કરવામાં આવે ત્યારે તે દુર્નય (મિથ્યાનય) છે. સુનયોથી સર્વ વ્યવહારની (વસ્તુના સ્વરૂપની) સિદ્ધિ થાય છે.
ભાવાર્થઃ — નય છે તે બધાય સાપેક્ષ હોય તો સુનય છે અને નિરપેક્ષ હોય તો કુનય છે. સાપેક્ષતાથી સર્વ વસ્તુવ્યવહારની સિદ્ધિ છે – સમ્યક્જ્ઞાન સ્વરૂપ છે તથા કુનયોથી સર્વ લોકવ્યવહારનો લોપ થાય છે – મિથ્યાજ્ઞાનરૂપ છે.
હવે, પરોક્ષજ્ઞાનમાં અનુમાનપ્રમાણ પણ છે, તેનું દ્રષ્ટાંતપૂર્વક સ્વરૂપ કહે છેઃ —
Page 143 of 297
PDF/HTML Page 167 of 321
single page version
અર્થઃ — ઇન્દ્રિયોના વ્યાપાર અને કાયની ચેષ્ટાઓથી શરીરમાં જીવને જે જાણે છે તેને અનુમાનપ્રમાણ કહે છે. તે અનુમાનજ્ઞાન પણ નય છે અને તે અનેક પ્રકારના છે.
ભાવાર્થઃ — પહેલાં શ્રુતજ્ઞાનના વિકલ્પોને નય કહ્યા હતા, અહીં અનુમાનનું સ્વરૂપ કહ્યું કે, શરીરમાં રહેલો જીવ પ્રત્યક્ષ ગ્રહણમાં આવતો નથી. તેથી સ્પર્શન, સ્વાદન, વાણી, સૂંઘવું, સાંભળવું, દેખવું વગેરે (ઇન્દ્રિયોના વ્યાપાર) તથા ગમન-આગમનાદિ કાયાની ચેષ્ટાઓથી જાણવામાં આવે છે કે ‘શરીરમાં જીવ છે’. આ અનુમાનજ્ઞાન છે, કારણ કે સાધનથી સાધ્યનું જ્ઞાન થાય તેને અનુમાન કહે છે અને તે પણ નય જ છે. તેને પરોક્ષપ્રમાણના ભેદોમાં કહ્યું છે પણ તે પરમાર્થથી નય જ છે. તે અનુમાન સ્વાર્થ-પરમાર્થના ભેદથી તથા હેતુ-ચિહ્નના ભેદથી અનેક પ્રકારનું કહ્યું છે.
હવે નયોના ભેદોને કહે છેઃ —
અર્થઃ — તે નય સંગ્રહપણાથી અર્થાત્ સામાન્યપણે તો એક છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી બે પ્રકારના છે. તથા વિશેષતાથી એ બંનેના ભેદોથી નૈગમનય આદિથી લઈને છે તે નય છે, અને તે જ્ઞાન જ છે.
હવે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ કહે છેઃ —
Page 144 of 297
PDF/HTML Page 168 of 321
single page version
અર્થઃ — જે નય વસ્તુને તેના વિશેષરૂપથી અવિનાભૂત સામાન્યસ્વરૂપને નાના પ્રકારની યુક્તિના બળથી સાધે તે દ્રવ્યાર્થિકનય છે.
ભાવાર્થઃ — વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષાત્મક છે. વિશેષ વિના સામાન્ય હોતું નથી. એ પ્રમાણે યુક્તિના બળથી સામાન્યને સાધે તે દ્રવ્યાર્થિકનય છે.
હવે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે નય અનેક પ્રકારે સામાન્યસહિત સર્વ વિશેષને તેના સાધનનું જે લિંગ (ચિહ્ન) તેના વશથી સાધે તે પર્યાયાર્થિકનય છે.
ભાવાર્થઃ — સામાન્ય સહિત તેના વિશેષોને હેતુપૂર્વક સાધે તે પર્યાયાર્થિકનય છે. જેમ સત્ સામાન્યપણા સહિત ચેતન-અચેતનપણું તેનું વિશેષ છે, ચિત્ સામાન્યપણા સહિત સંસારી-સિદ્ધ જીવપણું તેનું વિશેષ છે, સંસારીપણા સામાન્ય સહિત ત્રસ-સ્થાવર જીવપણું તેનું વિશેષ છે, ઇત્યાદિ. વળી અચેતન સામાન્યપણા સહિત પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય તેનાં વિશેષ છે તથા પુદ્ગલ સામાન્યપણા સહિત અણુ -સ્કંધ-ઘટ-પટ આદિ તેનાં વિશેષ છે. ઇત્યાદિ પર્યાયાર્થિકનય હેતુપૂર્વક સાધવામાં આવે છે.
હવે દ્રવ્યાર્થિકનયના ભેદો કહે છે; ત્યાં પહેલાં નૈગમનય કહે છેઃ —
Page 145 of 297
PDF/HTML Page 169 of 321
single page version
અર્થઃ — જે નય ભૂત, ભવિષ્ય તથા વર્તમાનરૂપ વિકલ્પથી સંકલ્પમાત્ર (પદાર્થને) સાધે તે નૈગમનય છે.
ભાવાર્થઃ — ત્રણ કાળના પર્યાયોમાં અન્વયરૂપ છે તે દ્રવ્ય છે. તેને પોતાના વિષયથી ભૂતકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે, ભાવિકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે તથા વર્તમાનકાળની પર્યાયને તે કિંચિત્ નિષ્પન્ન૧ હોય વા અનિષ્પન્ન૨ હોય તો પણ નિષ્પન્નરૂપ સંકલ્પમાં લે એવા જ્ઞાન તથા વચનને નૈગમનય કહે છે. તેના અનેક ભેદ છે. સર્વ નયના વિષયને મુખ્યતા-ગૌણતાથી પોતાના સંકલ્પરૂપે વિષય કરે છે. જેમ કે – મનુષ્ય નામના જીવદ્રવ્યને સંસારપર્યાય છે, સિદ્ધપર્યાય છે તથા આ મનુષ્યપર્યાય છે એમ કહે તો ત્યાં સંસારપર્યાય તો અતીત-અનાગત-વર્તમાન ત્રણ કાળ સંબંધી પણ છે, સિદ્ધપણું અનાગત જ છે તથા મનુષ્યપણું વર્તમાન જ છે, છતાં આ નયના વચનથી અભિપ્રાયમાં વર્તમાન-વિદ્યમાનવત્ સંકલ્પથી પરોક્ષરૂપ અનુભવમાં લઈને કહે કે ‘આ દ્રવ્યમાં, મારા જ્ઞાનમાં, હાલ આ પર્યાય ભાસે છે’ એવા સંકલ્પને નૈગમનયનો વિષય કહે છે. એમાંથી કોઈને મુખ્ય તથા કોઈને ગૌણરૂપ કહે છે.
હવે સંગ્રહનય કહે છેઃ —
૧ નિષ્પન્ન = પ્રાપ્ત વા પ્રગટ. ૨ અનિષ્પન્ન = અપ્રાપ્ત વા અપ્રગટ.
Page 146 of 297
PDF/HTML Page 170 of 321
single page version
અર્થઃ — જે નય સર્વ વસ્તુને વા તેના દેશને અર્થાત્ એક વસ્તુના સર્વ ભેદોને અનેક પ્રકાર દ્રવ્ય-પર્યાયસહિત અન્વયલિંગ-વિશિષ્ટ સંગ્રહ કરે – એકરૂપ કહે તે સંગ્રહનય છે.
ભાવાર્થઃ — સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યલક્ષણ સત્થી — દ્રવ્ય – પર્યાયોથી અન્વયરૂપ ‘એક સત્માત્ર છે’ એમ કહે, વા સામાન્ય સત્સ્વરૂપ દ્રવ્યમાત્ર છે વા વિશેષ સત્રૂપ પર્યાયમાત્ર છે, વા જીવવસ્તુ ચિત્સામાન્યથી એક છે વા સિદ્ધત્વસામાન્યથી સર્વ સિદ્ધો એક છે, વા સંસારીત્વસામાન્યથી સર્વ સંસારીજીવ એક છે, ઇત્યાદિ. તથા અજીવસામાન્યથી પુદ્ગલાદિ પાંચે દ્રવ્ય એક અજીવદ્રવ્ય છે વા પુદ્ગલત્વસામાન્યથી અણુ – સ્કંધ – ઘટ – પટાદિ એક પુદ્ગલદ્રવ્ય છે, ઇત્યાદિ સંગ્રહરૂપ કહે તે સંગ્રહનય છે.
આગળ વ્યવહારનય કહે છેઃ —
અર્થઃ — સંગ્રહનય દ્વારા વસ્તુને વિશેષરહિત ગ્રહણ કરી હતી તેને પરમાણુ પર્યંત નિરંતર જે નય ભેદે તે વ્યવહારનય છે.
ભાવાર્થઃ — સંગ્રહનયે સર્વને સત્ કહ્યું, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે – દ્રવ્યસત્ છે, પર્યાયસત્ છે. સંગ્રહનય દ્રવ્યસામાન્યને ગ્રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે દ્રવ્ય જીવ-અજીવ બે ભેદરૂપ છે. સંગ્રહનય જીવસામાન્યને ગ્રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે – જીવ સંસારી ને સિદ્ધ બે ભેદરૂપ છે; ઇત્યાદિ. વળી સંગ્રહનય પર્યાયસામાન્યને સંગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે પર્યાય અર્થપર્યાય તથા વ્યંજનપર્યાયરૂપ બે ભેદથી છે. એ જ પ્રમાણે સંગ્રહનય અજીવસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરી અજીવ એવાં પુદ્ગલાદિ પાંચે
Page 147 of 297
PDF/HTML Page 171 of 321
single page version
દ્રવ્યો ભેદરૂપ છે. સંગ્રહનય પુદ્ગલસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય અણુ-સ્કંધ-ઘટ-પટાદિ ભેદરૂપ કહે છે. એ પ્રમાણે જેને સંગ્રહનય ગ્રહણ કરે તેમાં વ્યવહારનય ભેદ કરતો જાય છે અને તે ત્યાં સુધી કે ફરી બીજો ભેદ થઈ શકે નહિ, ત્યાં સુધી સંગ્રહ – વ્યવહારનયનો વિષય છે. એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ કહ્યા.
હવે પર્યાયાર્થિકનયના ભેદ કહે છે. ત્યાં પ્રથમ ૠજુસૂત્રનય કહે છેઃ —
અર્થઃ — વર્તમાનકાળમાં અર્થપર્યાયરૂપ પરિણમેલા અર્થને સર્વને સત્રૂપ સાધે (ગ્રહણ કરે) તે ૠજુસૂત્રનય છે.
ભાવાર્થઃ — વસ્તુ સમયે સમયે પરિણમે છે. વર્તમાન એક સમયની પર્યાયને અર્થપર્યાય કહે છે અને તે ૠજુસૂત્રનયનો વિષય છે; તે વસ્તુને પર્યાયમાત્ર જ કહે છે. વળી ઘડી, મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ. તે વર્તમાનકાળસ્થાયી પર્યાયને પણ ૠજુસૂત્રનય સાધે છે તેથી તેની સ્થૂલ ૠજુસૂત્ર સંજ્ઞા છે. એ પ્રમાણે પ્રથમ કહેલા દ્રવ્યાર્થિક ત્રણ નય અને એક આ ૠજુસૂત્રનય મળી ચારે નયોને અર્થનય કહેવામાં આવે છે.
હવે ત્રણ પ્રકારના શબ્દનયો કહે છે. ત્યાં પહેલાં શબ્દનય કહે છેઃ —
Page 148 of 297
PDF/HTML Page 172 of 321
single page version
અર્થઃ — જે નય સર્વ વસ્તુઓના, સંખ્યા-લિંગ આદિ ઘણા પ્રકારે, નાનાપણાને સાધે તેને શબ્દનય જાણો.
ભાવાર્થઃ — સંખ્યા — એકવચન-દ્વિવચન-બહુવચન, લિંગ – સ્ત્રી -પુરુષ-નપુંસકદર્શક વચન, આદિ શબ્દથી કાળ, કારક, પુરુષ, ઉપસર્ગ લેવો. એ વડે વ્યાકરણના પ્રયોજિત પદાર્થને ભેદરૂપથી કહે તે શબ્દનય છે. જેમ કે — પુષ્ય-તારકા-નક્ષત્રરૂપ એક જ્યોતિષીના વિમાનના ત્રણે લિંગ કહે, ત્યાં વ્યવહારમાં તો વિરોધ જણાય છે, કારણ કે એ જ પુરુષ, એ જ સ્ત્રી – નપુંસક શી રીતે હોય? તો પણ શબ્દનયનો આ જ વિષય છે કે જેવો શબ્દ કહે તેવો જ અર્થને ભેદરૂપ માનવો.
હવે સમભિરૂઢનયને કહે છેઃ —
અર્થઃ — જે નય વસ્તુને પરિણામના ભેદથી એક એક જુદા જુદા ભેદરૂપ સાધે અથવા તેમાંના મુખ્ય અર્થને ગ્રહણ કરી સાધે તેને સમભિરૂઢનય જાણવો.
ભાવાર્થઃ — શબ્દનય વસ્તુના પર્યાયનામથી ભેદ કરતો નથી, ત્યારે આ સમભિરૂઢનય છે તે એક વસ્તુનાં પર્યાયનામ છે તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થપણે ગ્રહણ કરે છે; ત્યાં જેને મુખ્ય કરી પકડે તેને સદા તેવો જ કહે છે. જેમ – ‘ગૌ’ શબ્દના ઘણા અર્થ છે તથા ‘ગૌ’ પદાર્થના ઘણાં નામ છે તેને આ નય જુદા જુદા પદાર્થ માને છે. તેમાંથી મુખ્યપણે ‘ગૌ’ પદાર્થ પકડ્યો તેને ચાલતાં-બેસતાં-સૂતાં ‘ગૌ’ જ કહ્યા કરે છે તે સમભિરૂઢનય છે.
હવે એવંભૂતનય કહે છેઃ —
Page 149 of 297
PDF/HTML Page 173 of 321
single page version
અર્થઃ — વસ્તુ જે કાળે જે સ્વભાવે પરિણમનરૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે; તેથી તે જ પરિણામરૂપ (વસ્તુને) સાધે – કહે તે એવંભૂતનય છે. આ નય પરમાર્થરૂપ છે.
ભાવાર્થઃ — જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય તે જ અર્થના પરિણમનરૂપ જે કાળે (વસ્તુ) પરિણમે તેને તે જ નામથી કહે તે એવંભૂતનય છે, તેને નિશ્ચય (નય) પણ કહેવામાં આવે છે. જેમ ‘ગૌ’ને ચાલે ત્યારે જ ગાય કહે પણ અન્ય કાળે ન કહે.
હવે નયોના કથનને સંકોચે છેઃ —
અર્થઃ — જે પુરુષ આ પ્રમાણે નયોથી વસ્તુને વ્યવહારરૂપ કહે છે – સાધે છે – પ્રવર્તાવે છે તે પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રને સાધે છે તથા સ્વર્ગ-મોક્ષને સાધે છે.
ભાવાર્થઃ — પ્રમાણ-નયથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સધાય છે. જે પુરુષ પ્રમાણ-નયોનું સ્વરૂપ જાણી વસ્તુને યથાર્થ વ્યવહારરૂપ પ્રવર્તાવે છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની તથા તેના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે તત્ત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવાવાળા વિરલા છેઃ —
Page 150 of 297
PDF/HTML Page 174 of 321
single page version
અર્થઃ — જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા અભ્યાસ કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે.
ભાવાર્થઃ — તત્ત્વાર્થનું યથાર્થ સ્વરૂપ સાંભળવું, જાણવું, ભાવવું અને ધારવું ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમ કાળમાં તત્ત્વના યથાર્થ વક્તા દુર્લભ છે તથા તેને ધારણ કરવાવાળા પણ દુર્લભ છે.
હવે કહે છે કે ઉપર કહેલા તત્ત્વને સાંભળી તેને નિશ્ચલભાવથી જે ભાવે છે તે તત્ત્વને જાણે છેઃ —
અર્થઃ — જે પુરુષ ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે – તેને અન્ય ભાવના છોડી નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.
હવે કહે છે કે તત્ત્વની ભાવના નથી કરતો એવો ક્યો પુરુષ છે કે જે સ્ત્રી આદિને વશ નથી? અર્થાત્ સર્વ લોક છેઃ —
Page 151 of 297
PDF/HTML Page 175 of 321
single page version
અર્થઃ — આ લોકમાં સ્ત્રીજનને વશ કોણ નથી? કામથી જેનું અંતઃકરણ ખંડિત નથી થયું એવો કોણ છે? ઇન્દ્રિયોથી જે નથી જિતાઈ ગયો એવો કોણ છે? તથા કષાયોથી જે નથી તપ્તાયમાન થયો એવો કોણ છે?
ભાવાર્થઃ — વિષય-કષાયને વશ સર્વ લોક છે પણ તત્ત્વની ભાવના કરવાવાળા કોઈ વિરલા છે.
હવે કહે છે કે – જે તત્ત્વજ્ઞાની સર્વ પરિગ્રહનો ત્યાગી થાય છે તે સ્ત્રી આદિને વશ થતો નથીઃ —
અર્થઃ — જે પુરુષ તત્ત્વનું સ્વરૂપ જાણી બાહ્ય-અભ્યંતર સર્વ પરિગ્રહને ગ્રહણ કરતો નથી તે પુરુષ સ્ત્રીજનને વશ થતો નથી, તે જ પુરુષ ઇન્દ્રિયોથી જિતાઈ જતો નથી તથા તે જ પુરુષ મોહકર્મ જે મિથ્યાત્વકર્મ તેનાથી જિતાતો નથી.
ભાવાર્થઃ — સંસારનું બંધન પરિગ્રહ છે. જે સર્વ પરિગ્રહને છોડે તે જ સ્ત્રી-ઇન્દ્રિય-કષાયાદિને વશીભૂત થતો નથી. સર્વત્યાગી થઈ શરીરનું પણ મમત્વ ન રાખે તો તે નિજસ્વરૂપમાં જ લીન થાય છે.
હવે લોકાનુપ્રેક્ષાના ચિંતવનનું માહાત્મ્ય પ્રગટ કરે છેઃ —
Page 152 of 297
PDF/HTML Page 176 of 321
single page version
અર્થઃ — જે પુરુષ ઉપશમ કરી એક સ્વભાવરૂપ થયો થકો આ પ્રમાણે લોકસ્વરૂપને ધ્યાવે છે – ચિંતવન કરે છે તે પુરુષ ક્ષપિત – નાશ કર્યો છે. કર્મપુંજ જેણે એવો, એ લોકનો જ શિખામણિ (ચૂડામણિ) થાય છે.
ભાવાર્થઃ — એ પ્રમાણે (જે પુરુષ) સામ્યભાવ કરી લોકાનુપ્રેક્ષાનું ચિંતવન કરે છે તે પુરુષ કર્મનો નાશ કરી લોકના શિખરે જઈ વિરાજમાન થાય છે. અને ત્યાં અનંત, અનુપમ, બાધારહિત, સ્વાધીન, જ્ઞાનાનંદસ્વરૂપ સુખને અનુભવે છે. અહીં લોકભાવનાનું કથન વિસ્તારપૂર્વક કરવાનો આશય એવો છે કે અન્યમતી લોકનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ તથા હિતાહિતનું સ્વરૂપ અનેક પ્રકારથી અન્યથા, અસત્યાર્થ અને પ્રમાણવિરુદ્ધ કહે છે. તેને સાંભળી કોઈ જીવ તો વિપરીત શ્રદ્ધાન કરે છે, કોઈ સંશયરૂપ થાય છે તથા કોઈ અનધ્યવસાયરૂપ થાય છે. અને એવા વિપરીતાદિ શ્રદ્ધાનથી ચિત્ત સ્થિરતા પામતું નથી, ચિત્ત સ્થિર થયા વિના યથાર્થ ધ્યાનની સિદ્ધિ થતી નથી અને ધ્યાન વિના કર્મોનો નાશ થતો નથી. તેથી એ વિપરીતાદિ શ્રદ્ધાન દૂર થવા માટે લોકનું અને જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા અર્થે અહીં વિસ્તારપૂર્વક કથન કર્યું છે. તેને જાણી જીવાદિનું સ્વરૂપ ઓળખી પોતાના સ્વરૂપમાં ચિત્તને નિશ્ચલ સ્થિર કરી, કર્મકલંક નાશ કરી, ભવ્યજીવ મોક્ષને પ્રાપ્ત થાઓ! એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
રાગવિરોધ વિડારીને, આતમરૂપ સંભાળ.
આતમરૂપ સંભાળ, મોક્ષપુર વસો સદાહી;
આધિવ્યાધિજરમરણ, આદિ દુઃખ હ્વૈ ન કદા હી.
શ્રીગુરુ શિક્ષા ધારી, ટાળી અભિમાન કુશોક;
મનસ્થિર કારણ આ વિચાર, ‘નિજરૂપ સુલોક’.
Page 153 of 297
PDF/HTML Page 177 of 321
single page version
અર્થઃ — આ જીવ, સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે અને ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાયને ધારણ કરે છે. અનાદિથી અનંતકાળ સુધી નિત્યનિગોદમાં જીવનો વાસ છે. ત્યાં એક શરીરમાં અનંતાનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન-મરણ સમાન છે. એક શ્વાસના અઢારમા ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી કદાચિત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયપર્યાય પામે છે. એ પર્યાયો પામવી દુર્લભ છે.
હવે કહે છે કે – ત્યાંથી નીકળી ત્રસપર્યાય પામવી દુર્લભ છેઃ —
અર્થઃ — ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદરકાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. ત્યાંથી નીકળી ત્રસપણું પામવું ઘણા કષ્ટે પણ દુર્લભ છે; જેમ ચિંતામણિ પામવો દુર્લભ છે તેમ.
૧ ‘आउ परिहीणो’ એવો પણ પાઠ છે તેનો એવો અર્થ છે કે આયુથી પરિહીન શ્વાસના અઢારમા ભાગે જેનું આયુ છે.
Page 154 of 297
PDF/HTML Page 178 of 321
single page version
ભાવાર્થઃ — પૃથ્વી આદિ સ્થાવરકાયથી નીકળી ચિંતામણિરત્નની માફક ત્રસપર્યાય પામવી દુર્લભ છે.
હવે કહે છે કે – ત્રસપણું પણ પામે તો ત્યાં પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છેઃ —
અર્થઃ — સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં પણ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયરૂપ વિકલત્રયપણાને પામે. ત્યાં (ઉત્કૃષ્ટ) કરોડો પૂર્વ રહે છે. ત્યાંથી નીકળી મહાકષ્ટેથી પંચેન્દ્રિયપણું પામે છે.
ભાવાર્થઃ — વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. જો વિકલત્રયમાંથી ફરી સ્થાવરકાયમાં જઈ ઉત્પન્ન થાય તો ત્યાં ફરી ઘણો કાળ ભોગવે; એટલા માટે પંચેન્દ્રિયપણું પામવું અતિશય દુર્લભ છે.
અર્થઃ — વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિય કદી થાય તો અસંજ્ઞી – મનરહિત થાય છે. ત્યાં સ્વ તથા પરનો ભેદ જાણતો નથી. કદાચિત્ મનસહિત સંજ્ઞી પણ થાય તો રુદ્ર તિર્યંચ થાય છે અર્થાત્ બિલ્લી, ઘુવડ, સર્પ, સિંહ અને મચ્છાદિ ક્રૂર તિર્યંચ થાય છે.
ભાવાર્થઃ — કદાચિત્ પંચેન્દ્રિય થાય તો અસંજ્ઞી થાય છે પણ
Page 155 of 297
PDF/HTML Page 179 of 321
single page version
સંજ્ઞીપણું દુર્લભ છે. વળી સંજ્ઞી પણ થાય તો ત્યાં ક્રૂર તિર્યંચ થાય કે જેના પરિણામ નિરંતર પાપરૂપ જ રહે છે.
હવે ક્રૂર પરિણામીઓનો નરકવાસ થાય છે એમ કહે છેઃ —
અર્થઃ — ક્રૂર તિર્યંચ થાય તો તે તીવ્ર અશુભપરિણામથી અશુભ લેશ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહા દુઃખદાયક અને ભયાનક છે. ત્યાં શરીરસંબંધી તથા મનસંબંધી પ્રચુર (ઘણાં તીવ્ર – આકરાં) દુઃખ ભોગવે છે.
હવે કહે છે કે – એ નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો ત્યાં પણ દુઃખ સહે છેઃ —
અર્થઃ — એ નરકમાંથી નીકળી ફરી તિર્યંચગતિમાં ઊપજે છે; ત્યાં પણ જેમ પાપરૂપ થાય તેમ આ જીવ અનેક પ્રકારનાં અનંત દુઃખ વિશેષતા પૂર્વક સહે છે.
હવે કહે છે કે – મનુષ્યપણું પામવું મહાદુર્લભ છે. ત્યાં પણ મિથ્યાદ્રષ્ટિ બની પાપ ઉપજાવે છેઃ —
Page 156 of 297
PDF/HTML Page 180 of 321
single page version
અર્થઃ — તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાદ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે.
ભાવાર્થઃ — મનુષ્ય પણ કદાચિત્ થાય તો ત્યાં મ્લેચ્છખંડ આદિમાં વા મિથ્યાદ્રષ્ટિઓની સંગતિમાં ઊપજી પાપ જ ઉપજાવે છે.
હવે કહે છે કે – મનુષ્ય પણ થાય અને તે આર્યખંડમાં પણ ઊપજે તોપણ ત્યાં ઉત્તમ કુળાદિ પામવાં અતિ દુર્લભ છેઃ —
અર્થઃ — મનુષ્યપર્યાય પામી કદાચિત્ આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. કદાચિત્ ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય અને તેનાથી કાંઈ સુકૃત્ય નહિ બનતાં પાપમાં જ લીન રહે છે.
અર્થઃ — વળી જો ધનવાનપણું પણ પામે તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. કદાચિત્ ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગસહિત દેહ પામે, પણ નીરોગ હોવું દુર્લભ છે.