Page 257 of 297
PDF/HTML Page 281 of 321
single page version
અર્થઃ — જે મહામુનિ પૂજાઆદિમાં તો નિરપેક્ષ છે અર્થાત્ પોતાનાં પૂજા – માહાત્મ્ય આદિને ઇચ્છતા નથી, સંસાર – દેહભોગથી વિરક્ત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ અંતરંગતપમાં પ્રવીણ છે અર્થાત્ ધ્યાન – અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપશમશીલ અર્થાત્ મંદકષાયરૂપ શાંતપરિણામ જ છે સ્વભાવ જેનો તથા જે મહાપરાક્રમી અને ક્ષમાદિ પરિણામ યુક્ત છે એવા મહામુનિ મસાણભૂમિમાં, ગહનવનમાં, જ્યાં લોકની આવ – જાવ ન હોય એવા નિર્જનસ્થાનમાં, મહા ભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાન્તસ્થાનમાં રહે છે તેને નિશ્ચયથી આ વિવિક્તશૈયાસનતપ હોય છે.
ભાવાર્થઃ — મહામુનિ વિવિક્તશૈયાસનતપ કરે છે. ત્યાં એવા એકાન્તસ્થાનમાં તેઓ સૂવે – બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા કોઈ પણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિગુફા, વૃક્ષનાં કોતર, ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન – વસ્તિકાદિક, દેવમંદિર તથા મસાણભૂમિ ઇત્યાદિ એકાન્તસ્થાન હોય ત્યાં ધ્યાન-અધ્યયન કરે છે, કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને પોતાના આત્મસ્વરૂપમાં અનુરક્ત છે. એવા મુનિ વિવિક્તશૈયાસનતપ સંયુક્ત છે.
હવે કાયક્લેશતપ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવાવાળા હોય, આતાપ – શીત – વાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય, તથા ચિત્તમાં ક્ષોભ – ક્લેશ ન ઊપજતો હોય તે મુનિને કાયક્લેશ નામનું તપ હોય છે.
Page 258 of 297
PDF/HTML Page 282 of 321
single page version
ભાવાર્થઃ — ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર આદિ ઉપર કે જ્યાં સૂર્યકિરણોનો અત્યંત આતાપ થઈ રહ્યો છે અને નીચે ભૂમિશિલાદિક પણ તપ્તાયમાન છે ત્યાં મહામુનિ આતાપનયોગ ધારણ કરે છે, શીતકાળમાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં જ્યાં અતિ ઠંડી પડવાથી વૃક્ષ પણ બળી જાય ત્યાં ઉભા રહે છે, તથા ચોમાસામાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ – મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે; તથા અનેક વિકટ આસન કરે છે. એ પ્રમાણે કાયક્લેશનાં અનેક કારણો મેળવે છે છતાં સામ્યભાવથી ડગતા નથી, અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવાવાળા છે છતાં ચિત્તમાં જેમને ખેદ ઊપજતો નથી, ઊલટા પોતાના સ્વરૂપધ્યાનમાં નિમગ્ન રહે છે, તેમને (એવા મુનિને) કાયક્લેશતપ હોય છે. જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે, પરંતુ આ મુનિ તો એ બધાયથી નિસ્પૃહ વર્તે છે, તેમને શાનો ખેદ હોય? એ પ્રમાણે છ પ્રકારના બાહ્ય તપોનું નિરૂપણ કર્યું.
હવે છ પ્રકારનાં અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત્ત નામનું તપ કહે છે.
અર્થઃ — જે મુનિ મન-વચન-કાયાથી પોતે દોષ કરે નહિ, બીજા પાસે દોષ કરાવે નહિ તથા કોઈ દોષ કરતો હોય તેને ઇષ્ટ – ભલો જાણે નહિ તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે.
ભાવાર્થઃ — અહીં ‘વિશુદ્ધિ’ નામ પ્રાયશ્ચિત્તનું છે. ‘પ્રાયઃ’ શબ્દથી તો પ્રકૃષ્ટ ચારિત્રનું ગ્રહણ છે અર્થાત્ એવું ચારિત્ર જેને હોય તેને ‘પ્રાયઃ’ કહે છે. અથવા સાધુલોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને
Page 259 of 297
PDF/HTML Page 283 of 321
single page version
પ્રાયશ્ચિત્ત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત્ત છે. વળી (પ્રાયશ્ચિત્ત શબ્દનો) બીજો અર્થ એવો પણ છે કે – ‘પ્રાયઃ’ નામ અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત -અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત્ત★ નામનું તપ છે.
અર્થઃ — અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ – આચાર્યની નિકટ દશ દોષ રહિતપણે પ્રગટ કરે – આલોચન કરે.
ભાવાર્થઃ — પ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ દશ દોષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે તેના પંદર ભેદ છે❃ (વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા (૩૭૫૦૦) ભેદ છે, તેમનાથી દોષ લાગે છે.
★ યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે યથાઃ —
Page 260 of 297
PDF/HTML Page 284 of 321
single page version
વળી આલોચનાના દશ દોષ છે.★ તેનાં નામ – આકંપિત, અનુમાનિત, બાદર, સૂક્ષ્મ, દ્રષ્ટ, પ્રચ્છન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવી — એ દશ દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કેઃ —
૧. આચાર્યને ઉપકરણાદિક આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવી જાણે કે ‘આમ કરવાથી મને પ્રાયશ્ચિત્ત થોડું આપશે’ એમ વિચારી આલોચના કરે તે આકંપિતદોષ છે.
૨. વચન દ્વારા જ આચાર્યનાં વખાણ આદિ કરી આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે ‘આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત્ત થોડું આપશે’; તે અનુમાનિતદોષ છે.
૩. પ્રત્યક્ષ દેખાતા દોષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે તે દ્રષ્ટદોષ છે.
૪. સ્થૂલ – મોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ છે.
૫. ‘સૂક્ષ્મ જેણે કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે’ એવા માયાચારથી જે સૂક્ષ્મદોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે.
૬. છુપાવીને કહે, તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે કે ‘એવો જ દોષ મને લાગ્યો છે’ પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્નદોષ છે.
૭. ‘રખે કોઈ સાંભળી ન જાય!’ એવા અભિપ્રાયથી ઘણાં શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિતદોષ છે.
૮. પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તે આવા અભિપ્રાયથી કે ‘આનું પ્રાયશ્ચિત્ત
Page 261 of 297
PDF/HTML Page 285 of 321
single page version
અન્ય ગુરુ શું બતાવે છે?’ એ બહુજનદોષ છે.
૯. ‘આ દોષ છુપાવ્યો છુપાવાનો નથી માટે કહેવો જ જોઈએ’ એમ વિચારી પ્રગટ – વ્યક્ત દોષ હોય તે કહે, તે અવ્યક્ત દોષ છે.
૧૦. પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી, કોઈ અન્ય મુનિએ પ્રાયશ્ચિત્ત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહિ કરતાં પોતાની મેળે પ્રાયશ્ચિત્ત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય, તે તત્સેવીદોષ છે.
આવા દશ દોષરહિત સરળચિત્ત બની બાળકની માફક આલોચના કરે.
અર્થઃ — દોષની આલોચના કર્યા પછી આચાર્યે જે કાંઈ પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે બધુંય શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે પણ હૃદયમાં એવી શંકા – સંદેહ ન રાખે કે આ આપેલું પ્રાયશ્ચિત્ત થોડું છે કે ઘણું છે?
ભાવાર્થઃ — તત્ત્વાર્થસૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદ કહ્યા છે – આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના. ત્યાં દોષને યથાવત્ કહેવો તે આલોચના છે, દોષને મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે, આલોચન – પ્રતિક્રમણ બંને કરાવવાં તે તદુભય છે, ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે, કાયોત્સર્ગ કરાવવો તે વ્યુત્સર્ગ છે, અનશનાદિ તપ કરાવવો તે તપ છે, દીક્ષા છેદન કરવી અર્થાત્ ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવો તે છેદ છે, સંઘ બહાર કરવો તે પરિહાર છે, તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે ઉપસ્થાપના છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નવ પ્રકારથી છે તથા તેમના પણ
Page 262 of 297
PDF/HTML Page 286 of 321
single page version
અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત્ત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે પણ તેમાં સંશય ન કરે.
અર્થઃ — લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લઈને પાછો તે દોષને કરવા ન ઇચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરે — એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત્ત નામનું તપ હોય છે.
ભાવાર્થઃ — ચિત્ત એવું દ્રઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તોપણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત્તતપ છે.
અર્થઃ — જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર – ફરી ફરી જ્ઞાનસ્વરૂપ ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
ભાવાર્થઃ — નિશ્ચયપ્રાયશ્ચિત્ત એ છે કે — જેમાં સર્વ પ્રાયશ્ચિત્તના ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો.
હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છેઃ —
Page 263 of 297
PDF/HTML Page 287 of 321
single page version
અર્થઃ — વિનયના પાંચ પ્રકાર છે. દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, બાર ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચારવિનય.
અર્થઃ — દર્શન-જ્ઞાન-ચારિત્રમાં તથા બાર ભેદરૂપ તપમાં જે વિશુદ્ધપરિણામ થાય છે તે જ તેમનો વિનય છે.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શનના શંકાદિક અતિચારરહિત પરિણામ થાય તે દર્શનવિનય છે, જ્ઞાનનો સંશયાદિરહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાનવિનય છે, અતિચારરહિત અહિંસાદિ પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રવિનય છે, એ જ પ્રમાણે તપોનાં ભેદોને નિરખી – દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપવિનય છે.
અર્થઃ — સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે છે તેમ, તે ઉપચારવિનય છે.
ભાવાર્થઃ — જેમ રાજાનો ચાકર – કિંકરલોક રાજાને અનુકૂળ
Page 264 of 297
PDF/HTML Page 288 of 321
single page version
પ્રવર્તે છે, તેની આજ્ઞા માન્ય કરે છે, તેના હુકમ પ્રમાણે પ્રવર્તે છે, તેને પ્રત્યક્ષ જોઈ ઉભા થઈ – સન્મુખ જવું – હાથ જોડવા – પ્રણામ કરવા – તે ચાલે ત્યારે તેની પાછળ પાછળ ચાલવું – અને તેના પોષકાદિ ઉપકરણ સંભાળવાં (એ આદિ જેમ તે ચાકર કરે છે) તેમ જ મુનિજનોની ભક્તિ, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ પાછળ ચાલવું તથા તેમનાં ઉપકરણ સંભાળવાં ઇત્યાદિક તેમનો વિનય કરવો તે ઉપચારવિનય છે.
હવે બે ગાથામાં વૈયાવૃત્ત્યતપ કહે છેઃ —
અર્થઃ — કોઈ મુનિ-યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા વા રોગાદિકથી ક્ષીણકાય હોય તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી તથા અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વૈયાવૃત્ત્ય નામનું તપ હોય છે. તે કેવી રીતે કરે? પોતે પોતાનાં પૂજા – મહિમાદિની અપેક્ષા – વાંચ્છા રહિત જેમ બની શકે તેમ કરે.
ભાવાર્થઃ — પોતે નિસ્પૃહ બનીને મુનિજનોની ચાકરી કરે તે વૈયાવૃત્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કૂલ, સંઘ, સાધુ અને મનોજ્ઞ એ દશ પ્રકારના યતિપુરુષો વૈયાવૃત્ત્ય કરવા યોગ્ય કહ્યા છે. તેમનું યથાયોગ્ય, પોતાની શક્તિની વૃદ્ધિ માટે વૈયાવૃત્ત્ય કરે.
Page 265 of 297
PDF/HTML Page 289 of 321
single page version
અર્થઃજે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય વૈયાવૃત્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્ય હોય છે
ભાવાર્થઃ — શમ એટલે રાગ-દ્વેષરહિત સામ્યભાવ તથા દમ એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે શમદમરૂપ પોતાના આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે, તેમને લોકવ્યવહારરૂપ બાહ્ય- વૈયાવૃત્ત્ય શા માટે હોય? તેમને તો નિશ્ચયવૈયાવૃત્ય જ હોય છે. શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે.
હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છેઃ —
અર્થઃ — જે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છે – વાંચ્છારહિત છે તથા મનના દુષ્ટ – ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે.
ભાવાર્થઃ — જે પરનિંદા કરવામાં પરિણામ રાખે છે તથા મનમાં આર્ત્ત – રૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મ – શુક્લધ્યાનની સિદ્ધિ થાય. એવું સ્વાધ્યાયતપ છે.
Page 266 of 297
PDF/HTML Page 290 of 321
single page version
અર્થઃ — જે મુનિ પોતાનાં પૂજા – માહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ હોય – વાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે, શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થઃ — જે પોતાના પૂજા – મહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
અર્થઃ — જે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજા – લાભ – સત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મી – સમ્યગ્દ્રષ્ટિ – જૈનજનોથી પ્રતિકૂળ છે તે પંડિતંમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે તેને પંડિતંમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે.
ભાવાર્થઃ — જે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા પંડિતંમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તો પણ તેને વેષધારી – પાખંડી જ કહીએ છીએ.
અર્થઃ — જે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગ-દ્વેષ પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થઃ — જે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્ર – જ્યોતિષ
Page 267 of 297
PDF/HTML Page 291 of 321
single page version
-વૈદિક આદિનાં લૌકિકશાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય શાનો? અહીં કોઈ પ્રશ્ન કરે કે – મુનિ અને પંડિતપુરુષો તો બધાંય શાસ્ત્રો ભણે છે; જો એમ છે તો તેઓ શા માટે ભણે છે? તેનું સમાધાન – અહીં રાગ-દ્વેષથી પોતાના વિષય – આજીવિકાદિક પોષવા માટે, લોકોને ઠગવા માટે, જે ભણે છે તેનો નિષેધ છે. પણ જે ધર્માર્થી થયો થકો કાંઈક (પારમાર્થિક) પ્રયોજન જાણી એ શાસ્ત્રોને ભણે, જ્ઞાન વધારવા માટે, પરોપકાર કરવા માટે, પુણ્ય – પાપનો વિશેષ નિર્ણય કરવા માટે, સ્વ-પરમતની ચર્ચા જાણવા માટે, અને પંડિત હોય તો ધર્મની પ્રભાવના થાય તેથી અર્થાત્ ‘જૈનમતમાં આવા પંડિત છે’ ઇત્યાદિ પ્રયોજન માટે, એવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે.
અર્થઃ — જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને પરમાર્થે ભિન્ન – જ્ઞાયકસ્વરૂપ જાણે છે તેણે સર્વ શાસ્ત્રો જાણ્યાં.
ભાવાર્થઃ — જે મુનિ શાસ્ત્રાભ્યાસ અલ્પ પણ કરે છે, પરંતુ જો પોતાના આત્માનું સ્વરૂપ આ અશુચિમય શરીરથી ભિન્ન, જ્ઞાયક (દેખવા – જાણવાવાળું) શુદ્ધોપયોગસ્વરૂપ છે એમ જાણે છે તો તે બધાંય શાસ્ત્રો જાણે છે, પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહિ અને ઘણાં શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું?
Page 268 of 297
PDF/HTML Page 292 of 321
single page version
અર્થઃ — જે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી.
ભાવાર્થઃ — જે મુનિ શરીરથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો એ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગ -દ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે શું ભણ્યો? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે પાંચે પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છેેઃ —
અર્થઃ — જે મુનિ જલ્લ અર્થાત્ પરસેવો તથા મળથી લિપ્ત શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો પ્રતિકાર – ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન કરે, ભોજન – શૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના સ્વરૂપ – ચિંતવનમાં રત – લીન હોય, દુર્જન – સજ્જનમાં મધ્યસ્થ હોય, શત્રુ – મિત્ર બંનેને બરાબર
Page 269 of 297
PDF/HTML Page 293 of 321
single page version
જાણે, ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય, તેમને કાયોત્સર્ગ નામનું તપ હોય છે. મુનિ કાયોત્સર્ગ કરે ત્યારે સર્વ બાહ્યાભ્યંતરપરિગ્રહનો ત્યાગ કરી, સર્વ બાહ્ય આહારવિહારાદિ ક્રિયાથી પણ રહિત થઈ, કાયાથી મમત્વ છોડી, માત્ર પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં રાગ-દ્વેષરહિત શુદ્ધોપયોગરૂપ થઈ તલ્લીન થાય છે; તે વેળા ભલે અનેક ઉપસર્ગ આવે, રોગ આવે તથા કોઈ શરીરને કાપી જાય, છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી તથા કોઈથી રાગ-દ્વેષ ઊપજાવતા નથી; તેમને કાયોત્સર્ગતપ કહે છે.
અર્થઃ — જે મુનિ દેહપાલનમાં તત્પર હોય, ઉપકરણાદિમાં વિશેષ આસક્ત હોય, લોકરંજન કરવા માટે બાહ્યવ્યવહારમાં લીન હોય – તત્પર હોય તેને કાયોત્સર્ગતપ ક્યાંથી હોય?
ભાવાર્થઃ — જે મુનિ ‘લોકો જાણે કે આ મુનિ છે’ એમ વિચારી બાહ્યવ્યવહાર પૂજા – પ્રતિષ્ઠાદિ તથા ઇર્યાસમિતિ આદિ ક્રિયામાં તત્પર હોય, આહારાદિ વદે દેહપાલન કરવું, ઉપકરણાદિની વિશેષ સાર – સંભાળ કરવી, તથા શિષ્યજનાદિથી ઘણી મમતા રાખી પ્રસન્ન થવું ઇત્યાદિમાં લીન હોય, પણ જેને પોતાના આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ નથી તથા તેમાં કદી પણ તલ્લીન થતો જ નથી, અને કાયોત્સર્ગ પણ કરે તો ઊભા રહેવું આદિ બાહ્યવિધાન પણ કરી લે છતાં તેને કાયોત્સર્ગતપ કહેતા નથી (કારણ કે – ) નિશ્ચય વિનાનો બાહ્યવ્યવહાર નિરર્થક છે.
હવે ધ્યાન નામના તપનું વિસ્તારથી વર્ણન કરે છેઃ —
Page 270 of 297
PDF/HTML Page 294 of 321
single page version
અર્થઃ — મનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવું – એકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારનું કહ્યું છે.
ભાવાર્થઃ — પરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે, અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયવસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર એકાગ્ર સ્થિર થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે.
હવે શુભ – અશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — આર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે.
અર્થઃ — ધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય મંદકષાયથી થાય છે, તથા કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાની – ઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા કેવળજ્ઞાની – સયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.
Page 271 of 297
PDF/HTML Page 295 of 321
single page version
ભાવાર્થઃ — પંચપરમેષ્ઠી, દશલક્ષણસ્વરૂપધર્મ તથા આત્મ- સ્વરૂપમાં વ્યક્ત (પ્રગટ) રાગ સહિત ઉપયોગ એકાગ્ર થાય છે, ત્યારે તે મંદકષાય સહિત છે એમ કહ્યું છે અને એ જ ધર્મધ્યાન છે. તથા શુક્લધ્યાન છે ત્યાં ઉપયોગમાં વ્યક્ત રાગ તો નથી અર્થાત્ પોતાના અનુભવમાં પણ ન આવે એવા સૂક્ષ્મ રાગ સહિત (મુનિ) શ્રેણી ચઢે છે ત્યાં આત્મપરિણામ ઉજ્જ્વલ હોય છે તેથી પવિત્ર ગુણના યોગથી તેને શુક્લ કહ્યું છે. મંદતમ કષાયથી અર્થાત્ અતિશય મંદ કષાયથી તે હોય છે તથા કષાયનો અભાવ થતાં પણ કહ્યું છે.
હવે આર્ત્તધ્યાન કહે છેઃ —
અર્થઃ — દુઃખકારી વિષયનો સંયોગ થતાં જે પુરુષ આવું ચિંતવન કરે કે ‘આ મારાથી કેવી રીતે દૂર થાય?’ વળી તેના સંયોગથી વિક્ષિપ્તચિત્તવાળો થયો થકો ચેષ્ટા કરે તથા રુદનાદિક કરે તેને આર્ત્તધ્યાન હોય છે. વળી જે મનોહર – વહાલી વિષયસામગ્રીનો વિયોગ થતાં આ પ્રમાણે ચિંતવન કરે કે – ‘તેને હવે હું શી રીતે પામું?’ એમ તેના વિયોગથી સંતાપરૂપ – દુઃખરૂપ પ્રવર્તે તે પણ આર્તધ્યાન છે.
ભાવાર્થઃ — સામાન્યપણે દુઃખ – કલેશરૂપ પરિણામ છે તે આર્ત્તધ્યાન છે. તે દુઃખમાં એવો લીન રહે કે બીજી કોઈ ચેતનતા (જાગ્રતિ) જ રહે નહિ. એ આર્ત્તધ્યાન બે પ્રકારથી કહ્યું છેઃ પ્રથમ તો
Page 272 of 297
PDF/HTML Page 296 of 321
single page version
દુઃખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું ઇષ્ટ – સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન – ધ્યાન રહે તે આર્ત્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે — ઇષ્ટવિયોગનું ચિંતવન, અનિષ્ટસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારેય ગર્ભિત થઈ જાય છે. અનિષ્ટસંયોગ દૂર કરવામાં પીડા – ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્મા પુરુષોએ તે તજવા યોગ્ય છે.
હવે રૌદ્રધ્યાન કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિપ્તચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થઃ — જીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, પરને વિઘ્ન થતાં અતિ સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ નિરંતર દેખ્યા કરે – કહ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના) બીજા બે ભેદ કહે છેઃ —
Page 273 of 297
PDF/HTML Page 297 of 321
single page version
અર્થઃ — જે પુરુષ પરની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન જ છે.
ભાવાર્થઃ — પરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા કરીને ખુશી થાય; એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના યોગથી થાય છે – મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે. ધર્માત્મા પુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી ઉલટો હર્ષ માને – સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છેઃ —
અર્થઃ — હે ભવ્યપ્રાણી! આ બંને આર્ત – રૌદ્રધ્યાન અશુભ છે. એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ કરો અને ધર્મધ્યાનમાં આદર કરો!
ભાવાર્થઃ — આર્ત્ત – રૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે; માટે એનો ત્યાગ કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃ —
Page 274 of 297
PDF/HTML Page 298 of 321
single page version
અર્થઃ — વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ પ્રકારના ક્ષમાદિ ભાવ તે ધર્મ છે, સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ રત્નત્રય છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે.
ભાવાર્થઃ — અભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું તે ધર્મ છે તથા વ્યવહારથી પરજીવોને વિભાવરૂપ દુઃખ – ક્લેશરૂપ ન કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ ધર્મ છે.
હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે ઇન્દ્રિયોના વિષયોને ન વેદે (અનુભવે) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને ધર્મધ્યાન હોય છે.
ભાવાર્થઃ — ધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને
Page 275 of 297
PDF/HTML Page 299 of 321
single page version
વેદતો નથી અને તેને જ ધર્મધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસાર – દેહ – ભોગથી વૈરાગ્ય છે, કારણ કે વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત થંભતું નથી.
અર્થઃ — જે પુરુષ રાગ-દ્વેષરહિત થઈ, બાહ્યસંકલ્પોથી છૂટી, ધીરચિત્તથી એકાગ્રમનવાળો થઈ જે ચિંતવન કરે છે, તે પણ શુભધ્યાન છે.
ભાવાર્થઃ — જે રાગ-દ્વેષમયી પરવસ્તુ સંબંધી સંકલ્પ છોડી — કોઈનો ચળાવ્યો પણ ન ચળે એવો એકાગ્રચિત્ત બની ચિંતવન કરે છે તે પણ શુભધ્યાન છે.
અર્થઃ — જે સાધુ, પોતાના સ્વસ્વરૂપનો સમુદ્ભાસ એટલે પ્રગટતા થઈ છે જેને એવો થયો થકો, પરદ્રવ્યમાં નષ્ટ થયું છે મમત્વ જેને એવો બનીને, જીત્યા છે ઇન્દ્રિયવિષય જેણે એવો થઈ એક આત્માનું ચિંતવન કરતો થકો પ્રવર્તે છે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે.
ભાવાર્થઃ — જેને પોતાના સ્વસ્વરૂપનો પ્રતિભાસ થયો હોય, જે પરદ્રવ્યમાં મમત્વ ન કરતો હોય, અને ઇન્દ્રિયોને વશ કરે, એ પ્રમાણે જે આત્માનું ચિંતવન કરે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. બીજાને શુભ ધ્યાન હોતું નથી.
Page 276 of 297
PDF/HTML Page 300 of 321
single page version
અર્થઃ — જે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.
ભાવાર્થઃ — સમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન કહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે. અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે; તેને સંક્ષેપમાં લખીએ છીએઃ —
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, તથા સંસ્થાનવિચય. ત્યાં જીવાદિક છ દ્રવ્ય, પંચાસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપ – વિશિષ્ટ ગુરુના અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે ‘જે સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે’ એ પ્રમાણે આજ્ઞા માની તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન૧ છે.
‘અપાય’ નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિધ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે તે અપાયવિચય છે.
‘વિપાક’ નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય થાય તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.