Page 97 of 297
PDF/HTML Page 121 of 321
single page version
અર્થઃ — ભવનવાસીઓમાં અસુરકુમારોના દેહની ઊંચાઈ પચ્ચીસ ધનુષ અને તેના બાકીના નવે કુમારદેવોની દસ ધનુષ, વ્યંતરોના દેહની ઉંચાઈ દસ ધનુષ તથા જ્યોતિષી દેવોના દેહની ઉંચાઈ સાત ધનુષ છે
હવે સ્વર્ગના દેવોના દેહની ઉંચાઈ કહે છેઃ —
અર્થઃ — સૌધર્મ – ઐશાન યુગલના દેવોનો દેહ સાત હાથ ઊંચો છે, સનત્કુમાર-માહેન્દ્રયુગલના દેવોનો દેહ છ હાથ ઊંચો છે, બ્રહ્મ -બ્રહ્મોત્તર-લાવન્ત-કાપિષ્ટ એ ચાર સ્વર્ગના દેવોનો દેહ પાંચ હાથ ઊંચો છે, શુક્ર-મહાશુક્ર-સતાર-સહસ્રાર એ ચાર સ્વર્ગના દેવોનો દેહ ચાર હાથ ઊંચો છે, આનત-પ્રાણતયુગલના દેવોનો દેહ સાડાત્રણ હાથ ઊંચો છે, આરણ-અચ્યુતયુગલના દેવોનો દેહ ત્રણ હાથ ઊંચો છે, અધો ગ્રૈવેયકના દેવોનો દેહ અઢી હાથ ઊંચો છે, મધ્યમ ગ્રૈવેયકના દેવોનો દેહ બે હાથ ઊંચો છે, ઉપરના ગ્રૈવેયકના દેવોનો દેહ દોઢ હાથ ઊંચો છે તથા નવ અનુદિશ અને પંચ અનુત્તરના દેવોનો દેહ એક હાથ ઊંચો છે.
હવે ભરત-ઐરાવતક્ષેત્રમાં કાળની અપેક્ષાએ મનુષ્યોના શરીરની ઊંચાઈ કહે છેઃ —
Page 98 of 297
PDF/HTML Page 122 of 321
single page version
અર્થઃ — અવસર્પિણીના પહેલા કાળમાં મનુષ્યોનો દેહ ત્રણ કોશ ઊંચો છે તથા છઠ્ઠા કાળના અંતમાં મનુષ્યોનો દેહ એક હાથ ઊંચો છે. વળી છઠ્ઠા કાળના મનુષ્યો વસ્ત્રાદિથી રહિત હોય છે.
હવે એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ કહે છેઃ —
અર્થઃ — લબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનો દેહ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ છે અને તે સર્વ જઘન્ય છે તથા તેમાં પણ અનેક ભેદ છે.
ભાવાર્થઃ — એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ પણ નાનો – મોટો હોય છે અને તે ઘનાંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અનેક ભેદ છે. ગોમ્મટસારમાં અવગાહનાના ચોસઠ ભેદોનું વર્ણન છે, ત્યાંથી તે જાણવું.
હવે બે ઇન્દ્રિય આદિની જઘન્ય અવગાહના કહે છેઃ —
અર્થઃ — બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્યદેહ ઘનાંગુલના અસંખ્યાતમા ભાગે છે અને તે પણ ઉપર ઉપર સંખ્યાત ગણો છે.
Page 99 of 297
PDF/HTML Page 123 of 321
single page version
ભાવાર્થઃ — બે ઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ત્રણ ઇન્દ્રિયનો દેહ છે, ત્રણ ઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ચાર ઇન્દ્રિયનો દેહ છે અને તેનાથી સંખ્યાતગણો પંચેન્દ્રિયનો દેહ છે.
હવે જઘન્ય અવગાહનાના ધારક બે ઇન્દ્રિયાદિ જીવ કોણ કોણ છે તે કહે છેઃ —
અર્થઃ — બે ઇન્દ્રિય તો અણુદ્ધરીજીવ, ત્રણ ઇન્દ્રિયમાં કુંથુજીવ, ચાર ઇન્દ્રિયમાં કાણ-મક્ષિકા અને પંચેન્દ્રિયમાં શાલીસિક્થ નામનો મચ્છ — એ ત્રસપર્યાપ્ત જીવોનો જઘન્ય દેહ કહ્યો છે.
હવે જીવનું લોકપ્રમાણપણું અને દેહપ્રમાણપણું કહે છેઃ —
અર્થઃ — જીવ લોકપ્રમાણ છે. વળી દેહપ્રમાણ પણ છે; કારણ કે તેમાં સંકોચ-વિસ્તારધર્મ હોવાથી એવી અવગાહનશક્તિ તેમાં છે.
ભાવાર્થઃ — લોકાકાશના અસંખ્યાતપ્રદેશ છે તેથી જીવના પણ તેટલા જ પ્રદેશ છે. કેવલસમુદ્ઘાત કરે તે વેળા તે લોકપૂરણ થાય છે. વળી સંકોચ-વિસ્તારશક્તિ તેમાં છે તેથી જેવો દેહ પામે તેટલા જ પ્રમાણ તે રહે છે અને સમુદ્ઘાત કરે ત્યારે તેના પ્રદેશ દેહથી બહાર પણ નીકળે છે.
Page 100 of 297
PDF/HTML Page 124 of 321
single page version
હવે કોઈ અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે તેનો નિષેધ કરે છેઃ —
અર્થઃ — જો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્રસંબંધી સુખ -દુઃખની પ્રાપ્તિ તેને જ હોય પણ એમ જોવામાં આવતું નથી. પોતાના શરીરમાં જ સુખ-દુઃખની પ્રાપ્તિ જોઈએ છીએ, તેથી પોતાના શરીરપ્રમાણ જ જીવ છે.
અર્થઃ — જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે તે જ્ઞાનસ્વભાવ છે; તેથી અર્થાન્તરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશરૂપ જ્ઞાનથી જ્ઞાની નથી.
ભાવાર્થઃ — નૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો પ્રદેશભેદ માની કહે છે કે ‘‘આત્માથી જ્ઞાન ભિન્ન છે અને તે સમવાય તથા સંસર્ગથી એક થયું છે તેથી તેને જ્ઞાની કહીએ છીએ; જેમ ધનથી ધનવાન કહીએ છીએ તેમ.’’ પણ આમ માનવું તે અસત્ય છે. આત્મા અને જ્ઞાનને, અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદભાવ છે તેવો, તાદાત્મ્યભાવ છે.
હવે (ગુણ-ગુણીને) ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છેઃ —
Page 101 of 297
PDF/HTML Page 125 of 321
single page version
અર્થઃ — જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણગુણીભાવ દૂરથી જ (અત્યંત) નાશ પામે, અર્થાત્ આ જીવદ્રવ્ય (ગુણી) છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહિ.
હવે કોઈ પૂછે કે ‘ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ કહેવાય?’ તેનું સમાધાન કરવામાં આવે છેઃ —
અર્થઃ — જીવ અને જ્ઞાનમાં ગુણગુણીભાવથી કથંચિત્ ભેદ કરવામાં આવે છે. જો એમ ન હોય તો ‘જે જાણે તે જ આત્માનું જ્ઞાન છે’ એવો ભેદ કેમ હોય?
ભાવાર્થઃ — જો સર્વથા ભેદ હોય તો ‘જાણે તે જ્ઞાન છે’ એવો અભેદ કેમ કહેવાય? માટે કથંચિત્ ગુણગુણીભાવથી ભેદ કહેવામાં આવે છે પરંતુ તેમાં પ્રદેશભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણ-ગુણીમાં સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાન્તરભેદ (પદાર્થભિન્નતારૂપ ભેદ) માને છે તેના મતને નિષેધ્યો.
હવે, ચાર્વાકમતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તેને નિષેધે છેઃ —
Page 102 of 297
PDF/HTML Page 126 of 321
single page version
અર્થઃ — જ્ઞાનને પૃથ્વી આદિ પાંચ ભૂતોનો વિકાર માને છે તે ચાર્વાક ભૂતથી અર્થાત્ પિશાચથી ગ્રહાયો છે – ઘેલો છે; કારણ કે જીવ વિના જ્ઞાન ક્યાંય કોઈને કોઈ ઠેકાણે જોવામાં આવે છે? ક્યાંય પણ જોવામાં આવતું નથી.
હવે, એમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — આ જીવ, સત્રૂપ અને ચૈતન્યરૂપ સ્વસંવેદન પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે તેને ચાર્વાક માનતો નથી, પણ તે મૂર્ખ છે. જો જીવને જાણતો – માનતો નથી તો તે જીવનો અભાવ કેવી રીતે કરે છે?
ભાવાર્થઃ — જે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ કહી શકે નહીં. અભાવને કહેવાવાળો પણ જીવ છે, કેમ કે સદ્ભાવ વિના અભાવ પણ કહ્યો જાય નહિ.
હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદ્ભાવ દર્શાવે છેઃ —
અર્થઃ — જો જીવ ન હોય તો પોતાને થતાં સુખ-દુઃખને કોણ જાણે? તથા ઇન્દ્રિયોના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે?
Page 103 of 297
PDF/HTML Page 127 of 321
single page version
ભાવાર્થઃ — ચાર્વાક (માત્ર એક) પ્રત્યક્ષપ્રમાણને માને છે. ત્યાં, પોતાને થતાં સુખ-દુઃખને તથા ઇન્દ્રિઓના વિષયોને જાણે છે તે પ્રત્યક્ષ છે. હવે જીવ વિના પ્રત્યક્ષપ્રમાણ કોને હોય? માટે જીવનો સદ્ભાવ (અસ્તિત્વ) અવશ્ય સિદ્ધ થાય છે.
હવે આત્માનો સદ્ભાવ જેમ સિદ્ધ થાય તેમ કહે છેઃ —
અર્થઃ — જીવ છે તે સંકલ્પમય છે, અને સંકલ્પ છે તે સુખ -દુઃખમય છે. તે સુખ-દુઃખમય સંકલ્પને જે જાણે છે તે જ જીવ છે. જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે તો પણ, જાણવાવાળો છે તે જ જીવ છે.
હવે જીવ, દેહ સાથે મળ્યો થકો, સર્વ કાર્યોને કરે છે તે કહે છેઃ —
અર્થઃ — કારણ કે જીવ છે તે દેહથી મળ્યો થકો જ સર્વ કર્મ -નોકર્મરૂપ બધાંય કાર્યોને કરે છે; તેથી તે કાર્યોમાં પ્રવર્તતો થકો જે લોક તેને દેહ અને જીવનું એકપણું ભાસે છે.
ભાવાર્થઃ — લોકોને દેહ અને જીવ જુદા તો દેખાતા નથી પણ બંને મળેલા જ દેખાય છે – સંયોગથી કાર્યોની પ્રવૃત્તિ દેખાય છે તેથી તે બંનેને એક જ માને છે.
Page 104 of 297
PDF/HTML Page 128 of 321
single page version
હવે જીવને દેહથી ભિન્ન જાણવાનું લક્ષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે, દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે તથા દેહથી મળ્યો થકો જ પગથી ગમન કરે છે.
ભાવાર્થઃ — દેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઇત્યાદિ ક્રિયા ન હોય; તેથી જાણવામાં આવે છે કે દેહમાં (દેહથી) જુદો જીવ છે અને તે જ આ ક્રિયાઓ કરે છે.
હવે એ પ્રમાણે જીવને (દેહથી) મળેલો જ માનવાવાળા લોકો તેના ભેદને જાણતા નથી એમ કહે છેઃ —
અર્થઃ — દેહ અને જીવના એકપણાની માન્યતા સહિત લોક છે તે આ પ્રમાણે માને છે કે — હું રાજા છું, હું નોકર છું, હું શેઠ છું, હું દરિદ્ર છું, હું દુર્બળ છું, હું બળવાન છું. એ પ્રમાણે માનતા થકા દેહ અને જીવ બંનેના તફાવતને જાણતા નથી.
હવે જીવના કર્તાપણાદિ સંબંધી ચાર ગાથાઓ કહે છેઃ —
Page 105 of 297
PDF/HTML Page 129 of 321
single page version
અર્થઃ — આ જીવ સર્વ કર્મ નોકર્મને કરતો થકો તેને પોતાનું કર્તવ્ય માને છે માટે તે કર્તા છે, અને તે પોતાને સંસારરૂપ કરે છે; વળી કાળાદિ લબ્ધિથી યુક્ત થતો થકો પોતાને મોક્ષરૂપ પણ પોતે જ કરે છે.
ભાવાર્થઃ — કોઈ જાણે કે આ જીવનાં સુખ-દુઃખ આદિ કાર્યોને ઇશ્વર આદિ અન્ય કરે છે પણ એમ નથી. પોતે જ કર્તા છે – સર્વ કાર્યો પોતે જ કરે છે, સંસાર પણ પોતે જ કરે છે, તથા કાળલબ્ધિ આવતાં મોક્ષ પણ પોતે જ કરે છે, અને એ બધાં કાર્યો પ્રત્યે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવરૂપ સામગ્રી નિમિત્ત છે જ.
અર્થઃ — કારણ કે જીવ કર્મનું ફળ આ સંસારમાં ભોગવે છે માટે ભોક્તા પણ તે જ છે; વળી સંસારમાં સુખ-દુઃખરૂપ અનેક પ્રકારના કર્મના વિપાકોને પણ તે જ ભોગવે છે.
અર્થઃ — આ જીવ, અતિ તીવ્ર કષાયયુક્ત થાય ત્યારે તે પોતે
Page 106 of 297
PDF/HTML Page 130 of 321
single page version
જ પાપરૂપ થાય છે તથા ઉપશમભાવ — મંદ કષાય — યુક્ત થાય ત્યારે તે પોતે જ પુણ્યરૂપ થાય છે.
ભાવાર્થઃ — ક્રોધ-માન-માયા-લોભના અતિ તીવ્રપણાથી તો પાપપરિણામ થાય છે તથા તેના મંદપણાથી પુણ્યપરિણામ થાય છે; તે પરિણામો સહિત (જીવને) પુણ્યજીવ તથા પાપજીવ કહીએ છીએ. વળી એક જ જીવ બંને પરિણામયુક્ત થતાં પુણ્યજીવ – પાપજીવ પણ કહીએ છીએ. સિદ્ધાંતની અપેક્ષાએ તો એમ જ છે. કારણ કે સમ્યક્ત્વ સહિત જીવને તો તીવ્ર કષાયની જડ (મિથ્યાશ્રદ્ધાન) કપાવાથી પુણ્યજીવ કહીએ છીએ તથા મિથ્યાદ્રષ્ટિ જીવને ભેદજ્ઞાન વિના કષાયોની જડ કપાતી નથી તેથી બહારથી કદાચિત્ ઉપશમપરિણામ દેખાય તો પણ તેને પાપજીવ જ કહીએ છીએ૧ એમ જાણવું.
અર્થઃ — આ જીવ, રત્નત્રયરૂપ દિવ્ય નાવ વડે, સંસારથી તરે છે – પાર પામે છે માટે આ જીવ જ રત્નત્રયથી યુક્ત થતો થકો ઉત્તમ તીર્થ છે. ૧. આ સંબંધમાં શ્રી ગોમ્મટસારમાં પણ કહ્યું છે કેઃ —
અહીં છ દ્રવ્ય અધિકારમાં કહ્યા છે વળી જે સમ્યક્ત્વગુણ સહિત હોય તથા જે વ્રતયુક્ત હોય તેને પુણ્યજીવ કહીએ છીએ, તેથી વિપરીત એટલે સમ્યક્ત્વ અને વ્રત
Page 107 of 297
PDF/HTML Page 131 of 321
single page version
ભાવાર્થઃ — જે તરે તે તીર્થ વા જેનાથી તરીએ તે તીર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયનાવ (નૌકા) વડે આ જીવ તરે છે તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે, તેથી આ જીવ જ તીર્થ છે.
હવે અન્ય પ્રકારથી જીવના ભેદ કહે છેઃ —
અર્થઃ — બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ પ્રકારના જીવો છે; વળી પરમાત્મા પણ અરહંત તથા સિદ્ધ એમ બે પ્રકારથી છે.
હવે તેમનું સ્વરૂપ કહે છે. ત્યાં બહિરાત્મા કેવા છે તે કહે છેઃ —
અર્થઃ — જે જીવ મિથ્યાત્વકર્મના ઉદયરૂપે પરિણમ્યો હોય, તીવ્ર કષાય (અનંતાનુબંધી)થી સુષ્ઠુ એટલે અતિશય યુક્ત હોય અને એ રહિત જીવ નિયમથી પાપજીવ જાણવા. વળી મિથ્યાદ્રષ્ટિ પાપજીવ છે તે અનંતાનંત છે, સર્વ સંસારરાશિમાંથી અન્ય ગુણસ્થાનવાળાનું પ્રમાણ બાદ કરતાં મિથ્યાદ્રષ્ટિ જીવોનું પ્રમાણ આવે છે. બીજું સાસાદનગુણસ્થાનવાળા જીવો પણ પાપજીવ છે કારણ કે તેઓ અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એક પ્રકૃતિનો ઉદય થતાં મિથ્યાત્વ સદ્રશ ગુણને પ્રાપ્ત થાય છે, અને તેઓ પલ્યના અસંખ્યાતભાગ પ્રમાણ છે.
Page 108 of 297
PDF/HTML Page 132 of 321
single page version
નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા કહીએ છીએ.
ભાવાર્થઃ — બાહ્ય પરદ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વ – અનંતાનુબંધીકષાયના ઉદયથી થાય છે. માટે ભેદવિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત પરદ્રવ્યમાં અહંકાર-મમકાર યુક્ત બનેલો (જીવ) બહિરાત્મા કહેવાય છે.
હવે અંતરાત્માનું સ્વરૂપ ત્રણ ગાથાથી કહે છેઃ —
અર્થઃ — જેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ (ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીત્યા છે તે અંતરાત્મા છે; અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે.
ભાવાર્થઃ — જે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ અને દેહના સ્વરૂપને ભિન્ન-ભિન્ન જાણે છે તે અંતરાત્મા છે; તેને જાતિ, લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો છે તેમાં અહંકાર – મમકાર ઊપજતા નથી. કારણ કે, એ બધા પરદ્રવ્યના સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ પ્રકારના છે.
હવે એ ત્રણે પ્રકારોમાં ઉત્કૃષ્ટ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
Page 109 of 297
PDF/HTML Page 133 of 321
single page version
અર્થઃ — જે જીવ પંચમહાવ્રતથી યુક્ત હોય, નિત્ય ધર્મધ્યાન – શુક્લધ્યાનમાં રમતો હોય અને જીત્યા છે નિદ્રા આદિ પ્રમાદો જેણે તે ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.
હવે મધ્યમ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવ શ્રાવકના વ્રતોથી સંયુક્ત હોય વા પ્રમત્તગુણસ્થાનથી યુક્ત જે મુનિ હોય તે મધ્ય અંતરાત્મા છે. કેવા છે તેઓ? શ્રી જિનેન્દ્રવચનમાં અનુરક્ત – લીન છે, આજ્ઞા સિવાય પ્રવર્તન કરતા નથી, મંદકષાય-ઉપશમભાવરૂપ છે સ્વભાવ જેમનો, મહા પરાક્રમી છે, પરિષહાદિ સહન કરવામાં દ્રઢ છે અને ઉપસર્ગ આવતાં પ્રતિજ્ઞાથી જે ચલિત થતા નથી.
હવે જઘન્ય અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવ અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન તો જેમને છે પણ ચારિત્રમોહના ઉદયથી વ્રત ધારણ કરી શકતા નથી તે જઘન્ય અંતરાત્મા છે. તે કેવા છે? જિનેન્દ્રનાં ચરણોના ઉપાસક છે અર્થાત્ જિનેન્દ્ર, તેમની વાણી તથા તેમને અનુસરનારા નિર્ગ્રંથગુરુની ભક્તિમાં તત્પર છે, પોતાના આત્માને સદાય નિંદતા રહે છે, ચારિત્રમોહના ઉદયથી વ્રત ધાર્યાં જતાં નથી અને તેની ભાવના નિરંતર
Page 110 of 297
PDF/HTML Page 134 of 321
single page version
રહે છે, તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે, ગુણોના ગ્રહણમાં સમ્યક્ પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ દેખે તેમના પ્રત્યે અત્યંત અનુરાગરૂપ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને પરનું હિત જાણ્યું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા.
ભાવાર્થઃ — ચોથા ગુણસ્થાનવર્તી જઘન્ય અંતરાત્મા છે, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી મધ્ય અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના (સાધકો) ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — શરીરસહિત અરહંત છે; તે કેવા છે? કેવલજ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે; તથા શરીરરહિત અર્થાત્ જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે? તે શરીરરહિત પરમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે.
ભાવાર્થઃ — તેરમા ને ચૌદમા ગુણસ્થાનવર્તી અર્હંત શરીરસહિત પરમાત્મા છે તથા સિદ્ધપરમેષ્ઠી શરીરરહિત પરમાત્મા છે.
હવે ‘પરા’ શબ્દનો અર્થ કહે છેઃ —
અર્થઃ — જે સમસ્ત કર્મોનો નાશ થતાં પોતાના સ્વભાવથી ઊપજે
Page 111 of 297
PDF/HTML Page 135 of 321
single page version
તેને ‘પરા’ કહીએ છીએ. વળી કર્મથી ઊપજતા ઔદયિકાદિ ભાવોનો નાશ થતાં જે ઊપજે તેને પણ ‘પરા’ કહીએ છીએ.
ભાવાર્થઃ — પરમાત્મા શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ ‘પરા’ એટલે ઉત્કૃષ્ટ તથા ‘મા’ એટલે લક્ષ્મી; તે જેને હોય એવા આત્માને પરમાત્મા કહીએ છીએ. જે સમસ્ત કર્મોનો નાશ કરી સ્વભાવરૂપ લક્ષ્મીને પ્રાપ્ત થયા છે એવા સિદ્ધ, તે પરમાત્મા છે. વળી ઘાતિકર્મોના નાશથી અનંતચતુષ્ટયરૂપ લક્ષ્મીને જેઓ પ્રાપ્ત થયા છે એવા અરહંત, તે પણ પરમાત્મા છે. વળી તેઓને જ ‘ઔદયિકાદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા’ એમ પણ કહીએ છીએ.
હવે કોઈ ‘જીવને સર્વથા શુદ્ધ જ’ કહે છે તેના મતને નિષેધે છેઃ —
અર્થઃ — જો બધાય જીવો અનાદિકાળથી પણ શુદ્ધસ્વભાવરૂપ છે તો બધાયને તપશ્ચરણાદિ વિધાન છે તે નિષ્ફળ થાય છે.
અર્થઃ — જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે છે? નાના પ્રકારનાં કર્મોને કેમ કરે છે? તથા ‘કોઈ સુખી છે – કોઈ દુઃખી છે’ એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા શુદ્ધ નથી.
Page 112 of 297
PDF/HTML Page 136 of 321
single page version
હવે અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ કહે છે.
અર્થઃ — બધાય જીવો અનાદિકાળથી કર્મોથી બંધાયેલા છે, તેથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે.
હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ થવો અર્થાત્ એકક્ષેત્રાવગાહ સંબંધ થવો તે જીવને પ્રદેશબંધ છે અને તે જ પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગરૂપ સર્વ બંધનું પણ લય અર્થાત્ એકરૂપ હોવું છે.
હવે સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ-પરમ તત્ત્વ છે એમ કહે છેઃ —
Page 113 of 297
PDF/HTML Page 137 of 321
single page version
અર્થઃજીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છેજ્ઞાનાદિ ઉત્તમ ગુણો એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે. કારણ કે, સર્વ દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે — એમ હે ભવ્ય! તું નિશ્ચયથી જાણ.
હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છેઃ —
અર્થઃ — જીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો બાહ્યતત્ત્વ છે — જ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિત -અહિત અર્થાત્ હેય-ઉપાદેય વસ્તુને કેમ જાણે?
ભાવાર્થઃ — જીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હેય-ઉપાદેયને સમજવાવાળો એક જીવ જ પરમ તત્ત્વ છે.
હવે પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — સર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્ગલદ્રવ્યો? નાના પ્રકારની શક્તિઓ સહિત છે.
Page 114 of 297
PDF/HTML Page 138 of 321
single page version
ભાવાર્થઃ — શરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત સૂક્ષ્મ-બાદર પુદ્ગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે.
અર્થઃ — રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ પરિણામસ્વરૂપે, જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે તે, સર્વ પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંખ્યા અપેક્ષાએ જીવરાશિથી અનંત ગણાં દ્રવ્ય છે.
હવે પુદ્ગલદ્રવ્યને જીવનું ઉપકારીપણું કહે છેઃ —
અર્થઃ — પુદ્ગલદ્રવ્ય જીવને ઘણા પ્રકારનો ઉપકાર કરે છે; દેહ કરે છે, ઇન્દ્રિયો કરે છે, વચન કરે છે તથા ઉચ્છ્વાસ-નિશ્વાસ કરે છે.
ભાવાર્થઃ — સંસારી જીવોના દેહાદિક, પુદ્ગલદ્રવ્યોથી રચાયેલા છે અને એ વડે જીવનું જીવિતવ્ય છે એ ઉપકાર છે.
અર્થઃ — ઉપર કહ્યા ઉપરાંત પુદ્ગલ દ્રવ્ય જીવને અન્ય પણ ઉપકાર કરે છે. જ્યાં સુધી આ જીવને સંસાર છે ત્યાં સુધી ઘણા
Page 115 of 297
PDF/HTML Page 139 of 321
single page version
પરિણામ કરે છે. જેમ કે — મોહપરિણામ, પરદ્રવ્ય સાથે મમત્વપરિણામ, અજ્ઞાનમય પરિણામ તથા એ જ પ્રમાણે સુખ-દુઃખ, જીવન-મરણ આદિ અનેક પ્રકારના (પરિણામ) કરે છે. અહીં ‘ઉપકાર’ શબ્દનો અર્થ ‘જ્યારે ઉપાદાન કાર્ય કરે ત્યારે નિમિત્તકારણમાં કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે.’ એવો અર્થ સર્વત્ર સમજવો.
હવે ‘જીવ પણ જીવને ઉપકાર કરે છે’ એમ કહે છેઃ —
અર્થઃ — જીવો પણ જીવોને પરસ્પર ઉપકાર કરે છે અને તે સર્વને પ્રત્યક્ષ જ છે. સરદાર ચાકરને, ચાકર સરદારને, આચાર્ય શિષ્યને – શિષ્ય આચાર્યને, માતાપિતા પુત્રને, પુત્ર માતાપિતાને, મિત્ર મિત્રને, સ્ત્રી ભરથારને ઇત્યાદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં એ પરસ્પર ઉપકારમાં પુણ્ય-પાપકર્મ નિયમથી પ્રધાન કારણ છે.
હવે ‘પુદ્ગલની પણ મોટી શક્તિ છે’ એમ કહે છેઃ —
અર્થઃ — પુદ્ગલદ્રવ્યની પણ કોઈ એવી અપૂર્વ શક્તિ જોવામાં આવે છે કે જીવનો કેવળજ્ઞાન સ્વભાવ છે તે પણ જે શક્તિથી વિણસી જાય છે.
ભાવાર્થઃ — જીવની અનંત શક્તિ છે તેમાં કેવલજ્ઞાન શક્તિ એવી છે કે જેની વ્યક્તિ (પ્રકાશ-પ્રગટતા) થતાં સર્વ પદાર્થોને તે એક કાળમાં જાણે
Page 116 of 297
PDF/HTML Page 140 of 321
single page version
છે. એવી વ્યક્તિ (પ્રગટતા)ને પુદ્ગલ નષ્ટ કરે છે — પ્રગટ થવા દેતું નથી. એ અપૂર્વ શક્તિ છે. એ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું નિરૂપણ કર્યું.
હવે ધર્મ અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન અને સ્થિતિનાં સહકારીકારણ છે તે ધર્મ અને અધર્મદ્રવ્ય છે, અને તે બંનેય લોકાકાશપ્રમાણ પ્રદેશને ધારણ કરે છે.
ભાવાર્થઃ — જીવ-પુદ્ગલોને ગમનમાં સહકારીકારણ તો ધર્મદ્રવ્ય છે તથા સ્થિતિમાં સહકારીકારણ અધર્મદ્રવ્ય છે; અને તે બંને લોકાકાશપ્રમાણ છે.
હવે આકાશદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે તે આકાશદ્રવ્ય છે અને તે લોક તથા અલોકના ભેદથી બે પ્રકારનું છે.
ભાવાર્થઃ — જેમાં સર્વ દ્રવ્યો રહે એવા અવગાહનગુણને જે ધારે છે તે આકાશદ્રવ્ય છે, જેમાં (પોતાસહિત બીજાં) પાંચ દ્રવ્યો રહે છે તે તો લોકાકાશ છે તથા જેમાં (આકાશ સિવાય બીજાં) અન્ય દ્રવ્યો નથી તે અલોકાકાશ છે. એ પ્રમાણે આકાશદ્રવ્યના બે ભેદ છે.